Opinion Magazine
Number of visits: 9527478
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ત્રિવાયુ

સુરેશ જાની|Opinion - Opinion|22 July 2013

નાઈટ્રોજન

ઘનઘોર કાળાં વાદળ ઘેરાયેલાં હતાં. આભ જાણે હમણાં જ ટૂટી પડશે તેવો માહોલ સર્જાયો હતો. કાંઈક અવનવું આજે બનવાનું છે, તેવો ભયજનક ઓથાર વાતાવરણમાં ઝળુંબી રહ્યો હતો.

નાઈટ્રોજન મહાશય પાણીની થયેલી દુર્દશા જોઈ મુખમાં મલકાતા હતા. કેવું એ ક્ષુદ્ર ! સહેજ તાપ અડ્યો અને બાષ્પીભવન થઈ જાય. વાયરો તેને ક્યાંયથી ક્યાંય ખેંચી જાય. બિચારું પાણી! જો ને, પૃથ્વીના ચુંબકત્વની પણ તેની ઉપર અસર થઈ જાય અને સાથે કાળઝાળ વિજભાર વેંઢારવો પડે. ધૂળના રજકણ પણ તેને ચોંટીને મલીન બનાવી દે. બીજા વાયુઓ ય પાણીમાં ભાડવાત તરીકે રહી જાય. શું વસવાયાં જેવી પાણીની જિંદગી?

વાતાવરણમાં નાઈટ્રોજનની તો બહુમતિ હતી. બીજા બધા તો દસ પંદર ટકામાં! કોઈ તેમને અવિચળ કરી શકે તેમ ન હતું. એ તો બધાથી અળગા અને અતડા રહેતા. કોઈ વિજભાર તેમની નજીક ફરકી શકે તેમ ન હતું. કોઈની પણ સાથે તેમના જેવા ઉચ્ચ ખાનદાનવાળાથી કાંઈ ભળાય? ‘અમે તો જો આ કોલર ઊંચા રાખીને ફરીએ!’ નાઈટ્રોજન મહાશય આમ પોતાની મગરૂરીમાં મહાલી રહ્યા હતા.

ત્યાં જ કાન ફાડી નાંખે તેવો કડાકો અને ભડાકો થયો. બે વાદળાં ટકરાઈ ગયાં હતાં અને વિદ્યુતનો પ્રચંડ કડાકો ક્ષણાર્ધમાં પ્રગટી ગયો હતો. પાણીની બધી નિર્માલ્યતાઓમાંથી તડિતની તાતી તલવાર વિંઝાઈ ચુકી હતી. ઘડીના છઠ્ઠા ભાગમાં એની પાતળી રેખામાં સપડાયેલા બધા વાયુઓ લાખો અંશ આગમાં શેકાવા માંડ્યા હતા.

નાઈટ્રોજન મહાશયે પણ આ બળબળતા અગ્નિ સામે  ઝૂકી જવું પડ્યું. ઓરમાયા ઓક્સિજન સાથે ભળી જવું પડ્યું. અને એ જ ક્ષુદ્ર પાણીનાં ટીપાંઓમાં ઓગળી જવું પડ્યું. બળબળતા નાઈટ્રિક એસિડનો હવે તે એક અંશ માત્ર બની ગયા હતા.

ઉત્તુંગ ગગનમાંથી તે તો સીધા ભોંય પર પટકાયા. ચુના અને માટી જેવા બીજા ક્ષુદ્ર જીવો સાથે સંયોજાયા.  બેક્ટેરિયા, અમિબા, લીલ, શેવાળ, કદરૂપા જીવજંતુના કોશે કોશમાં બિચારા ભરાઈ ગયા; અને એક જીવમાંથી બીજા જીવમાં ભક્ષાતા રહ્યા. નાઈટ્રોજન મહાશયની આ દુર્ગતિનો કોઈ અંત ન હતો. એક પ્રોટીનમાંથી બીજા પ્રોટીનમાં બદલાતા રહેવાનું. એક જીવમાંથી બીજા જીવમાં. કોઈ છુટકારો જ નહીં. અનંત જેલ. બધી ગગનયાત્રાઓ ભૂતકાળની ઘટના બની ચૂકી હતી. હવે તે કદી પાછી આવવાની ન હતી.

આ જ તો હવે તેનું જીવન બની ગયું હતું. પહેલાં તો અક્કડ બનીને ઊડતા હતા. પણ જે ક્ષુદ્ર જીવોનો પહેલાં તિરસ્કાર કરતાં હતા, તેમનો જ તે આધાર બની બેઠા હતા. જે જીવન(પાણી)ની હાંસી ઉડાવતા હતા તે જ જીવનનું પાયાનું તત્ત્વ બનવાનું મહાત્મ્ય તેમને સાંપડ્યું હતું. મોક્ષની દશામાંથી હવે તે અનેકાનેક જન્મોની ભરમાળમાં ફસાયા હતા.

હવે નાઈટ્રોજનને મોક્ષની કોઈ ખેવના રહી ન હતી.  હવે જ તો નાઈટ્રોજનનું જીવન સાર્થક બન્યું હતું.

હાઈડ્રોજન

લાખો અંશ ઉષ્ણતામાનવાળો, સૂર્યમાંથી છુટો પડેલો ગોળો ધીરે ધીરે ઠંડો પડી રહ્યો હતો. ઉજ્વળ સફેદમાંથી પીળો, પછી નારંગી, પછી તપ્ત લાલ અને હવે એ ધીમે ધીમે આછા રતુમડા રંગનો ગોળો બની ગયો હતો. બધા ભારે પદાર્થો ધીમે ધીમે તેના મધ્યભાગમાં ઉતરી ગયા હતા. તેના બહારના ભાગમાં માત્ર વાયુઓ જ રહ્યા હતા. નાઈટ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ, હિલિયમ, હાઈડ્રોજન અને બીજા ઘણા બધા વાયરાઓ હેઠા બેસવાનું નામ જ ન લેતા હતા. વાયરા જેનું નામ! બીજા બધા તરવરિયા વાયરા – ક્લોરિન, ફ્લોરિન વિ. તો ક્યારના ય મસ મોટી વજનવાળી ધાતુઓ સાથે ઘર માંડીને બેસી ગયા હતા!  ઓક્સિજનભાઈ પણ આમ તો આવા જ તરવરિયા હતા. તેમણે ય ઘણા સાથે સહચાર કરી લીધો હતો. પણ તેમની વસ્તી ઝાઝી એટલે હજુ વાતાવરણ જોડે ય પોતાનો સંબંધ થોડો ઘણો  જાળવી રાખ્યો હતો.

આ હંધાય વાયરાઓમાં સૌથી નાના બચોળિયા જેવો હાઈડ્રોજન હતો, પણ એનું ઠેકાણું કોઈની ય જોડે પડતું ન હતું. આવા હલકા ફૂલ જેવાની હારે કોણ ઘર માંડે? બચાડો આ નાનકડો જીવ હિજરાતો રહ્યો. ખૂણે બેસીને આંસુડાં સારતો રહ્યો. એવામાં પ્રાણથી ભરેલા ઓક્સિજનને થોડી દયા આવી. એમાંના થોડાક આ નાનકાની પાસે ગયા. અને બાપુ! જો પ્રીતડી બંધાણી છે. જેવી ગરમી ઓછી થઈ કે તરત ફટાફટ આમની જોડીઓ બંધાવા લાગી. હાઈડ્રોજન અને ઓક્સિજનની જોડી બની અને પાણીમાં ફેરવાઈ ગઈ. અને લો! બધી ગરમી શોષાવા લાગી. પેલો ગોળો થવા માંડ્યો ઠંડોગાર. પ્રેમમાંથી પ્રગટેલા પાણીનો આ તે કેવો નવીનતમ સ્વભાવ કે જ્યાં જાય ત્યાં સૌની ગરમી શોષી લે, અને ઠંડક જ ઠંડક ફેલાવે.

અને બાપુ, એ ગરમાગરમ ધરતીના ગોળા પર પહેલવહેલો વરસાદ ટૂટી પડ્યો. મૂશળધાર કે સાંબેલાધાર શબ્દ તો એને માટે ઓછો પડે. આ બેઉની જોડીઓએ તો વરસવા જ માંડ્યું. વરસ્યા વરસ્યા તે એટલું વરસ્યાં, કે ન ગણાય એટલાં વરહ વરસ્યાં. ધરતીમાતા હાથ જોડીને વિનવે, ‘બાપુ! હવે ખમૈયા કરો.’ પણ આ નાનકો તો જબરો લોંઠકો નીકળ્યો. પેલી બધી ય ભારેખમ ધાતુઓના બધાં જ ઘર ડુબડુબાં! આખી ધરતી ડુબાણી, એટલી આ નાનકાની જોડીઓ બંધાણી. લાલચોળ ધરતી હવે પાણીની નીલા રંગની ચાદર ઓઢી, ઠંડીગાર બનીને મલપતી રહી. અવકાશમાં મોટો મસ ભૂરા રંગનો જાણે લખોટો.

દશે દિશાયું પાણીના આ તાંડવથી નહાતી રહી. નાનો નાનો પણ હાઈડ્રોજનનો દાણો ! બધાંય વાયુનાં વાદળાં વિખેરાયાં અને સૂરજદાદા પોતાના આ બચોળિયાના નવા નવલા, નીલવર્ણા રૂપને ભાળી હરખાણા. એમના હરખનો તાપ જેવો પાણીને અડક્યો; તીં એ તો ચંચળ જીવ – પાછો પોતાના પિયર, ગગન તરફ હેંડવા માંડ્યો. પાછાં વાદળ બંધાણાં, ને વાયરે ખેંચાણા, ને પહાડ પર ભટકાણા, ને બન્ને ધ્રુવ પર વિંઝાણા.

અને લે કર વાત! કદી ય નો’તું બન્યું એવું બન્યું. મારો વ્હાલો, ઠંડોગાર પાણીડો ઝગમગવા લાગ્યો. ઈનાં નાનાં નાનાં ફોરાં ઠરીને રૂપાળાં ધોળાં ફૂલ બની ગ્યાં. જાતજાતનાં ફૂલડાં. ઝરતાં જ જાય ને ઠરતાં જ જાય. ને ઈ ફૂલડાં બન્ને ધ્રુવ પર જે વરસ્યાં, જે વરસ્યાં તે ધરતીમાને બન્ને કોર ધોળીબખ્ખ ટોપિયું ઓઢાડી દીધી. અને ઈ ટોપિયું કાંઈ નાની અમથી નહીં હોં!  જોજનોના જોજન ફેલાયેલી મોટી મસ અને આભને અડે એવડી ઊંચી જ તો.

અને નીલા સાગરના નીર ઓસર્યાં. થોડી થોડી ધરતી ખુલ્લી થઈ. અને લો! પાણીનું નવું જીવન શરૂ થયું. સૂરજ તાપે તપી આભે ચડવાનું; ધરતી પર ઠંડા પડી વરસવાનું; અને સૂરજ તાપે તપેલી ધરતીને ભિંજવતા, શાતા આપતા રહેવાનું. પાણી જેનું નામ. એ તો વહેતું જ રહે. ધરતીનો બધો કચરો પોતાનામાં ભેળવી પાછા એ તો પોતાના સ્વસ્થાન ભણી વહેતાં જ રહ્યાં. રસ્તામાં તેમની જાતરાની નદિયું ને નદિયું વહેવા લાગી. ક્યાંક ધરતીના ખાડાઓમાં ય પાણી ભેરવાણાં અને મસ મોટાં, નાના નીલ સાગર જેવાં સરોવરો ય સરજાણાં. નદિયુંનાં બધાં નીર પાછા સાગરમાં સમાઈ ગયાં.  અને બસ આ જ ચક્કર. દિન રાત ધરતીને પખાળતા રહેવાનું. તેની લાખો વરસથી તપી તપીને ભેગી થયેલી પ્યાસને બુઝાવતા રહેવાનું. અને ફરી પાછા સાગરમાં સમાઈ જવાનું.

અને લો! ધીમે ધીમે સાગર તો ખારો થવા માંડ્યો. ધરતીમાંથી લાવેલા અને વીજળીની ચાબૂકે સર્જાયેલા જાતજાતના પદાર્થો એમાં સમ્મેલનો ભરવા લાગ્યા, સંયોજાવા લાગ્યા! અને કો’ક પળે આ બધાયથી અળગા રહેતા ચૈત્ય તત્ત્વને ય મન થઈ ગયું – આમની સાથે દોસ્તી કરવાનું. ચપટિક ખારની ચીકાશ, અને આ નવા આગંતુક. અને માળું કૌતુક તો જુઓ! એ જીવ તો હાલવા ચાલવા મંડ્યો;  મોટો થવા માંડ્યો. એટલો મોટો થયો, એટલો મોટો થયો  કે,  પોતાની મોટાઈ ન જીરવાણી અને એકમાંથી બે અને બેમાંથી ચાર, અને આઠ અને એમ એ તો વધવા જ માંડ્યા. પાણીના ઘરમાં નવા ભાડવાત આવી પૂગ્યા. પાણી જેનું નામ. આમને ય વ્હાલ જ વ્હાલ. આ નવા મહેમાનને પાણી તો જાતજાતના પકવાન જમાડે. એ તો બાપુ! વકર્યા. અવનવાં રૂપ ધારણ કરવા માંડ્યા. અને પાણીના ઘરમાં અવનવી સજીવ સૃષ્ટિ સરજાવા લાગી.

અને બાપુ, આમ પાણીનું જીવન, નવા અને નવા જીવોને પોશતું રહ્યું, પાળતું રહ્યું. માટે તો તે પોતે જીવન કહેવાયું! અને એનો બાપ કોણ? હાઈડ્રોજન જ ને?

ઓક્સિજન

ઓક્સિજન, આમ તો તું બહુમતિ ધરાવતો જણ નથી. એ બહુમાનના અધિકારી તો નાઈટ્રોજન મહાશય છે. એમનો વ્યાપ વાતાવરણના ૭૮%  જેટલો ફેલાયેલો; એમના વજનની કની જ તો! પણ એમનો કોઈને સીધો ખપ ન પડે. એ તો ભારેખમ જણ.

પણ તારા વિના તો કોઈને ક્ષણ ભર પણ ના ચાલે. નજરે ન દેખાય તેવા બેક્ટેિરયાથી માંડીને મદમસ્ત પહાડ જેવા હાથી અને ગંદી ગોબરી શેવાળથી માંડીને એની ઉપર મલપતા અમે મ્હાલતાં કમળનાં ફૂલ કે એ જળાશયને કાંઠે આસમાનને આંબતા નાળિયેરીના મહાકાય પાન – સૌને તારી પનાહ લેવી જ પડે. એટલે જ તો ભલે ને, તારું  વિલાયતી નામ ભલે ને ઓક્સિજન હોય; અમે તો તને પ્રાણવાયુ જ કહેવાના!

અને ઘરની રસોઈ પકાવવાના ચૂલા પણ તારા વિના તો ઠંડા જ પડી જાય. કોઈક ગર્વ લઈને ઈલેક્ટ્રિક સ્ટવ વાપરતા હોય; તો પણ શું? એમનો વીજ પૂરવઠો પૂરો પાડનાર પાવર સ્ટેશનનાં બોઈલરો પણ તારા વિના શેં ભખભખ કરવાના? અને કારો, સ્ટીમરો, પ્લેનો, ટ્રેનોમાં મ્હાલવાના ધખારા પણ તારા વિના ઠંડાગાર જ ને?

વીજળીનો ચાબખો વાગે અને ઓલ્યા ભારેખમ જનાબ નાઈટ્રોજનને પણ તારી હારે જોડાવું જ પડે. અને પછી તો એ ભાઈ વાઈરસ, બેક્ટેિરયા, અને બધા જીવ માત્રની સેવામાં લાગી પડે – બધું માન બાજુએ મેલીને! 

બધા જીવતરની પાયાની ઈંટ જેવા કાર્બનલાલા પણ તારા વિના તો ગ્રેફાઈટની ખાણમાં જ સડતા રહેવાના ને? ભાઈલા! તું તો  ખરો બળૂકો નીકળ્યો  હોં!

પણ એમ બહુ અભિમાનમાં ના રાચીએ હોં. લીલીછમ વનરાઈ ના હોત ને; તો તારો વસ્તાર ક્યાંથી એમનો એમ રહેવાનો? એ તો શેરને માથે સવાશેર હોય, હોય ને હોય જ! એમને તારા વિના ના હાલે અને તારે એમના વિના નો હાલે!

હેં ભાઈલા? મને એક વાત ખાનગીમાં કહી દે ને – ઓલ્યો હજાર હાથવાળો, આખી દુનિયા ચલાવનારો અને બધી માતાઓ અને યમરાજા – એ બધાંને તારા વિના ચાલે છે ખરું કે, એમને ય તું સપાટામાં લઈ નાંખ છ?! એ કાઠિયાવાડી બાપુના હુક્કા પણ તારા વિના ગુડ ગુડ ક્યાંથી કરવાના?

લે! તારી આટલી બધી ખુશામત કરી; હવે થોડોક પોરો ખાઈ લઉં; અને બે ચાર ઊંડા શ્વાસ લઈ લઉં.

પણ આ શું?  એ શ્વાસ/ ઉચ્છ્વાસની સાથે જ આ શેનો નાદ ચાલુ થઈ ગયો?

सोsहम्……. सोsहम्……. सोsहम्……. सोsहम्…….

રોમે રોમમાં આ શેની ઝણઝણાટી? શરીરનો એકે એક કોશ રૂમઝુમ નાચતો શીદ ભાળું? હા! હવે ગેડ બેસી. તારો વાયરો બધે ય ફરી વળ્યો. કોશે કોશને તેં તો ભઈલા નવપલ્લવિત કરી દીધો. મારો હજાર હાથવાળો બેલી તો ભાઈલા તું જ. તું જ આ ઘડીનો મારો પરમેશ્વર.

મેન્સફિલ્ડ, યુ.એસ. e.mail : sbjani2006@gmail.com

Loading

મુજરો

અહમદ ‘ગુલ’|Poetry|22 July 2013

 

સાંભળો ! સાંભળો !
દેશવાસીઅો, સાંભળો !
અાયોજન થયું છે
નેતાજીના મુજરાનું,
પાછલા યુગમાં મુજરે
નવાબો, ઠાકોરો
રાજા રજવાડા ડૂબ્યા.
અા તો 21મી સદીનો
અાધુનિક મુજરો
જેમાં, નેતાજી
નાચશે નહીં
ગાશે નહીં
માત્ર, હવાઈ શબ્દોથી
તમને, નચાવશે
હસાવશે
(ફસાવશે)
પ્રવેશ ફી
માત્ર, રૂપિયા પાંચ !
પાંચ રૂપિયામાં માણો
ભરપૂર મનોરંજન
મુજરાની મજા !
દેશી, બેવડાની પોટલીનો નશો !


e.mail : ahmadlunat@yahoo.co.uk

Loading

જરૂર કુલડી ભાંગવાની છે

પ્રવીણ પંડ્યા|Opinion - Literature|19 July 2013

(સંદર્ભ – કેન્દ્રીય સાહિત્ય અકાદમી અને સાહિત્યની સમસ્યાઓ)

થોડી સાહિત્યિક સમજ, થોડી પ્રતિષ્ઠા, થોડું ધૈર્ય, કરોડરજ્જુમાં રાજકીય પક્ષનું બળ, સરકારી કે ગેર સરકારી પદ, લિટરરી વેલ્ફેર જેવો રૂપાળો અંચળો – શું સાહિત્યના ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને પહોંચવાની આ બધી ગુરુચાવીઓ છે? શું રાજકીય વિચારધારા, યુનિવર્સિટી અને સાહિત્યિક સંસ્થાઓમાં પગદંડો જમાવીને બેઠેલા પ્રતિષ્ઠિત સાહિત્યકારો, સરકારમાં સત્તાના સર્વોચ્ચ સ્થાને બેઠેલા કેટલાક અફસરશાહ લેખકો અને પ્રકાશકો આ બધાનાં સંયોજનથી રચાતી સંગઠિત શક્તિ 'લિટરરી માફિયા'ની જેમ કામ કરી રહી છે? શું સાહિત્યના ક્ષેત્રમાં જે નવી પેઢી આવી રહી છે તે આ બધું સમજી શકે એટલી પુખ્ત અને  આ ચક્રવ્યૂહને ભેદી શકે એટલી સમર્થ છે? હકીકતમાં વિશાળ સમુદ્ર જેવી આ સંરચનામાં કેટલાક લોકોએ કુલડીમાં ગોળ ભાંગવાની વ્યવસ્થા ઊભી કરી છે અને આ કુલડી જાણે સમુદ્રને ગળી રહી છે. આ લેખનો હેતુ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના કાર્યકલાપ અંગે જાણકારી આપવાનો તથા સાહિત્યની મૂળભૂત સમસ્યાઓ અંગે વિમર્શ રચવાનો છે. એક અપેક્ષા એવી પણ છે કે સાહિત્યિક સમાજ નિર્ભિકતાથી જવાબદારીપૂર્વક વ્યાપક વિમર્શમાં ઊતરે તો કમસેકમ કુલડીમાં ગોળ ભાંગવાની પ્રવૃતિ પર અંકુશ લગાવી શકાય. વાતને આગળ વધારતા પહેલા  પાણી કેટલાં ઊંડાં છે એની જાણકારી સારું અમીત પ્રકાશ અને વાય. પી. રાજેશ દ્વારા લિખિત ૧ નવેમ્બર,૧૯૯૫ “આઉટલુક”ના 'લિટરરી માફિયા' નામના લેખમાંથી આ અવતરણો નોંધું છું. (સંપૂર્ણ લેખ માટે જુઓ http://www.outlookindia.com/article.aspx?200102 ) 

(૧) એમાં કોઈ સંદેહ નથી કે સાહિત્યિક માફિયા કાર્યરત છે … કોઈ એકને અથવા બીજાને પ્રમોટ કરવા માટે ત્યાં હંમેશાં મૂક નિર્ણય લઈ લેવામાં આવે છે. આ એક 'સર્કિટ ગેમ' છે જે બહારના લોકો માટે નિષિદ્ધ છે. ઈંડિયા ઈન્ટરનેશનલ સેન્ટર બારમાં બહુ જ થોડા લોકોનો પ્રવેશ હોય છે જ્યાં મોટા ભાગની બાબતો અંગે નિર્ણય લેવામાં આવે છે. – કૃષ્ણા સોબતી (હિંદીના પ્રસિદ્ધ લેખિકા)

(૨) ભારતના દરેક ભાગમાં એક એવી અસ્વસ્થ રાજનીતિ જોવા મળે છે જેના દ્વારા એક સબળ રચનાકારને આસાનીથી પૃષ્ઠભૂમિમાં ધકેલી દેવાય છે અને કેટલાક અયોગ્યને આગળ કરી દેવામાં આવે છે.  – ગુન્ટુર સેશેન્દ્ર શર્મા (સુખ્યાત તેલુગુ યુગકવિ)

(૩) લિટરરી માફિયા જેવું કાંઈ છે જ નહીં. મને પુરસ્કારો મળવા અંગે જે ટીકાઓ થાય છે તે કેવળ વ્યક્તિગત છે અને એનો કોઈ વિવેચનાત્મક આધાર નથી. – અશોક વાજપેયી (હિંદી કવિ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારમાં સચિવ પદ પર રહી ચૂકેલા આઈ.એ.એસ. અધિકારી)

(૪) સાંઠગાંઠ જેવું કાંઈ છે જ નહીં. અકાદમીની પેનલ પર વીસ યોગ્ય અને મહત્ત્વપૂર્ણ સાહિત્યકારો હોય છે. પુરસ્કાર અંગેનો અંતિમ નિર્ણય ત્રણ સ્વતંત્ર સભ્યોની બનેલી સમિતિનો હોય છે. –  યુ. આર. અનંતમૂર્તિ (ખ્યાતનામ સાહિત્યકાર તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ અધ્યક્ષ)

(૫) સાહિત્ય અકાદમીની પુરસ્કાર સમિતિમાંથી રાજીનામું આપ્યાની વાત યાદ કરતા ખુશવંત સિંઘ કહે છે : 'એક લેખક જે પોતાના પુસ્તક વિશે લોબિંગ કરતા હતા. એમને પુરસ્કાર મળ્યો એટલું જ નહીં પણ એમણે એવી ઘોષણા પણ કરી કે આવતા વરસે આ પુરસ્કાર એમનાં પતિને મળશે. આ પ્રકારનું લોબિંગ બહુ આઘાતજનક છે.' – ખુશવંત સિંઘ

(૬) ભાષાની સમિતિઓની પુસ્તક પસંદગી પર વ્યક્તિગત બાબતોનો જબરો પ્રભાવ હોય છે. કોઈ એક જૂરી મેમ્બર એ વાતનું શ્રેય લે છે કે એમણે કેવી રીતે કોઈ વિશેષ લેખકને પુરસ્કાર અપાવ્યો. – શીલભદ્ર (અસામિયા વાર્તાકાર)

બે વર્ષ પહેલાં “નિરીક્ષક”માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી અને એના ગુજરાતી ભાષાના એકમની કાર્ય પદ્ધતિ વિશે ખાસ્સી એવી ચર્ચા થઈ હતી. ત્યારે એ બાબત ધ્યાનમાં આવી હતી કે અકાદમીના બંધારણથી લઈને સંરચના અને એના વિવિધ કાર્યકલાપો વિશેની માહિતીના અભાવનો એક અપારદર્શક પડદો જ બધી ભાંજઘડની જડ છે. એ અપારદર્શક પડદાને કારણે જ  સાહિત્ય અકાદમી અને વ્યાપક લેખક સમાજ વચ્ચે સેતુ નથી સધાતો. અકાદમીના પુરસ્કારોથી લઈને બીજા અલગ અલગ લાભો વ્યાપક લેખક સમાજ સુધી નથી પહોંચતા અને કુલડીમાં ગોળ ભંગાય છે. એટલે અકાદમી વિશે જેટલી માહિતી હું મેળવી શક્યો છું તે વાચકોની સામે મૂકી રહ્યો છું અને સાથોસાથ એમાં જ્યાં જ્યાં કુલડીમાં ગોળ ભાંગવા જેવાં છિંડાં દેખાયાં છે તેની પણ ચર્ચામાં પણ જવાનું પસંદ કર્યું છે.

આગળ વધતા પૂર્વે ઓડિયા ભાષામાં ૨૦૧૧ના સાહિત્ય અકાદમી પુરસ્કાર અંગે થયેલી ઉદાહરણરૂપ પબ્લિક લિટિગેશનનો કિસ્સો ‘A Happening Should Not Have Happend’ જોઈ લઈએ. ૨૦૧૨માં કલ્પનાકુમારી દેવીની 'અચિહના બસાભૂમિ' (ગુજરાતી : અજનબી ઉતારો) નામની નવલકથાને અકાદમી પુરસ્કાર જાહેર કરાયો. આ નવલકથામાં આદિવાસી, મુસ્લિમ તથા સ્ત્રીઓ વિશે આપત્તિજનક વર્ણન હોવાનું જણાવી પિટિશનરે બંધારણીય અધિકારની રૂએ હાઈકોર્ટમાં પી.આઈ.એલ. (Orissa High Court, PIL case No. W.P.(C) 1871/2012) દાખલ કરી. વળી, આ પુરસ્કાર માટેની ગ્રાઉન્ડ લિસ્ટ તૈયાર કરવાની પેનલ ઓડિયા ભાષાની સલાહકાર સમિતિએ સૂચવી ન હતી પણ અકાદમીએ પોતે જ તૈયાર કરી હોવાનું જણાયું હતું. આટલું ઓછું હોય તેમ પુરસ્કારની ત્રણ વિદ્વાનોની જૂરી ‘Incompetent’પુરવાર થઈ હતી કેમ કે એમાં એક પણ વિદ્વાન નવલકથાના ક્ષેત્રનો નહોતો, આ ઉપરાંત આ પુરસ્કારની ત્રણ વિદ્વાનોની જૂરીને અકાદમીના પ્રાદેશિક સચિવ રામકુમાર મુખોપાધ્યાયે તથા કન્વિનર વિભૂતિ પટનાયકે પ્રભાવિત કર્યાનું પણ પ્રમાણિત થયું હતું. ૨૦૧૧ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે મૂકાનાર પુસ્તક ૨૦૦૭ થી ૨૦૦૯ સુધીના ત્રણ વર્ષના ગાળામાં પ્રકાશિત થયું હોવું જોઈએ ઓડિયા ભાષાનું એ પુસ્તક ટાઈમ ફ્રેમની શરત પૂર્ણ નહોતું કરતું. (સંપૂર્ણ લેખ માટે જુઓ http://orissamatters.com/tag/sahitya-akademi-award) વધુમાં, મુક્ત સાહિત્ય મંચે (ઓરિસ્સાના લેખકોનું મંડળ) પણ આ પુસ્તકનો પુરસ્કાર રદ્દ કરવા તેમ જ ઓરિસ્સા એડવાઇઝરી બોર્ડના કન્વિનર વિભૂતિ પટનાયકને પદ પરથી હટાવવાની માંગ કરી છે. પસંદગી કરાયેલ ૧૪ પુસ્તકોમાંથી ૧૧ પુસ્તકો તો એક જ પ્રકાશકના હતા. વળી, આ પુસ્તક ૨૦૧૧માં પ્રકાશિત થયું હતું, નહીં કે ૨૦૦૯માં. આમ, પસંદગી તદ્દન ગેરકાયદેસર હતી. (સંપૂર્ણ લેખ માટે જુઓ http://orissamatters.files.wordpress.com/2012/01/msm-meeting) આ કિસ્સો એટલા માટે નોંધ્યો છે જેથી વાચકને એ ખ્યાલ આવે કે અકાદમીની કામગીરી એક મહત્ત્વપૂર્ણ જવાબદારી છે જેને નિયમ અને નિષ્ઠાથી નિભાવવી જરૂરી છે. વળી એ પણ હકીકત છે કે અકાદમીને તથા એના સત્તામંડળને અદાલતમાં પડકારી શકાય છે. ઓડિયા ભાષાના સાહિત્યકારોએ પોતાનાં ભાષા-સાહિત્ય પ્રત્યે દાખવેલી વ્યાપક-નિર્ભિક નિષ્ઠા મને પ્રશંસાજનક લાગી છે. હવે આપણે અકાદમીની સંરચના અને એના કાર્યક્ષેત્રની વાતમાં આગળ વધીએ.

કેન્દ્રીય સાહિત્ય અકાદમી એક સ્વાયત્ત અને પ્રજાકીય સંસ્થા છે એવું બંધારણ સૂચવે છે. એની સ્થાપના ૧૨ માર્ચ, ૧૯૫૪ના રોજ થઈ છે. ૭ જાન્યુઆરી, ૧૯૫૬ના રોજ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ-૧૮૬૦ હેઠળ એની નોંધણી થઈ છે. એટલે કે અત્યારે એ છપ્પન-સત્તાવનની પાકટ વયે પહોંચી છે. આ સ્વાયત સંસ્થાની સર્વોચ્ચ સત્તા એની જનરલ કાઉન્સિલ પાસે છે. આ જનરલ કાઉન્સિલની રચનામાં દેશભરની અનેક સાહિત્યિક સંસ્થાઓ, રાજ્યની અકાદમીઓ, કેન્દ્ર સરકારના વિભાગો, દેશભરની યુનિવર્સિટીઓ આદિ મળીને કરે છે. આ જનરલ કાઉન્સિલમાં ૯૯ સભ્યો હોય છે. અહીં દરેક ભાષામાંથી રાજ્ય સરકારની અકાદમી, યુનિવર્સિટી અને સાહિત્યિક સંસ્થા એવી ત્રણ કેટેગરીમાંથી નામો મોકલાય છે. દરેક ભાષામાંથી ત્રણ વ્યક્તિઓ જનરલ કાઉન્સિલમાં પસંદ થાય છે. સામાન્ય રીતે જે જનરલ કાઉન્સિલનો કાર્યકાળ પૂરો થાય છે તે પોતાના સ્થાને આવેલા નામોમાંથી નવી જનરલ કાઉન્સિલ માટે પસંદગી કરે છે. આ નવી જનરલ કાઉન્સિલ ભાષાવાર કન્વિનર ચૂંટે છે, આ ભાષાવાર કન્વિનર્સ પ્રેસિડન્ટ ચૂંટે છે. દરેક ભાષાના કન્વિનર પોતાની સલાહકાર સમિતિ રચે છે. ત્રણ જી.સી. મેમ્બર સહિત આ સલાહકાર સમિતિ કુલ દસ સભ્યોની હોય છે.

અહીં મારે જે ટિપ્પણી કરવાની છે તે એ કે જતી જી.સી. આવતી જી.સી.પસંદ કરે છે. આ પસંદગી એક એવી 'કુલડી'છે જેમાં 'પાવરબ્રોકર' પોતાની મરજી પ્રમાણેના લોકોને જી.સી.થી લઈને સલાહકાર સમિતિ સુધી ગોઠવી શકે છે અને પોતાના હિતની સુરક્ષા કરી શકે છે. આ સામાન્ય સભા ચૂંટાયેલી નહીં પણ વરાયેલી હોય છે. વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭ સુધીના પાંચ વર્ષ માટે ગુજરાતી ભાષાના કન્વિનર તરીકે જનરલ કાઉન્સિલે કવિ સિતાંશુ યશ્ચંદ્રને નિર્વિરોધ ચૂંટ્યા છે. પણ સિતાંશુ ગુજરાતની અકાદમી, સાહિત્યિક સંસ્થા કે યુનિવર્સિટી દ્વારા જનરલ કાઉન્સિલમાં નથી પહોંચ્યા, પણ દેશભરમાંથી નીમાતા આઠ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની કેટેગરીમાંથી અકાદમી અધ્યક્ષ સ્વ.સુનીલ ગંગોપાધ્યાય દ્વારા પસંદ થઈને જનરલ કાઉન્સિલ સુધી પહોંચ્યા છે. જેમનો કાર્યકાળ પૂર્ણ થતો હતો એવા જનરલ કાઉન્સિલના કન્વિનર વિનોદ જોશી અને બે સભ્યો વર્ષા અડાલજા તથા રમણ સોનીએ નવી જનરલ કાઉન્સિલમાં પ્રબોધ જોશી, મનસુખ સલ્લા અને બળવંત જાનીની પસંદગી કરી છે. અત્યારે હિંદી કવિ વિશ્વનાથ પ્રસાદ તિવારી એના અધ્યક્ષ છે તો કન્નડ કવિ-નાટકકાર ચંદ્રશેખર કંબાર એના ઉપાધ્યક્ષ છે અને કે. શ્રીનિવાસરાવ એના સચિવ છે. અકાદમીના કાર્ય અને અધિકાર આ પ્રમાણે છે.

1.    ભારતીય ભાષાઓમાં સાહિત્યિક વિકાસ માટે વિદ્વાનો વચ્ચે સહયોગ રચવાની પ્રવૃત્તિને ઉત્તેજન આપવું.

2.    એક ભારતીય ભાષામાંથી અન્ય ભારતીય ભાષાઓમાં, ભારતીય ભાષાઓમાંથી ભારતીયતેર ભાષાઓમાં સાહિત્યિક કૃતિઓના અનુવાદની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું તથા એ અંગેની વ્યવસ્થા કરવી.

3.    જુદી જુદી ભારતીય ભાષાઓમાં સાહિત્યિક ગ્રંથ-સૂચિઓ, શબ્દકોષો, જ્ઞાનકોષો, આધારભૂત શબ્દાવલિઓ આદિનું પ્રકાશન કરવું તથા એના પ્રકાશન માટે અન્ય સંસ્થાઓ તથા વ્યક્તિઓને સહાયતા આપવી.

4.    અખિલ ભારતીય સ્તરે કે પ્રાદેશિક સ્તરે સાહિત્યિક સંમેલન, પરિસંવાદ અને પ્રદર્શનો કરવા કે કરાવવા.

5.    ઉત્કૃષ્ટ કૃતિઓ માટે લેખકોને પુરસ્કાર, સમ્માન અને માન્યતા આપવી.

6.    ભારતીય ભાષાઓ તથા એના સંશોધન કાર્ય માટે પ્રોત્સાહન આપવું.

7.    પ્રાદેશિક ભાષાઓ અને એના સાહિત્યના અધ્યયન-અધ્યાપનને બીજા પ્રદેશોમાં પ્રોત્સાહન આપવું.

8.    જનતામાં સાહિત્યના અધ્યયન અને પ્રચાર-પ્રસાર માટે પ્રોત્સાહન આપવું.

9.    દેશની જે ભાષાઓમાં લેખન થાય છે એની લિપિના સુધાર અને વિકાસ માટે કામ કરવું.

10.  દેવનાગરી લિપિના વ્યવહારને પ્રોત્સાહન આપવું તથા દેવનાગરીમાં જુદી જુદી ભારતીય ભાષાઓનાં પસંદગીના પુસ્તકોના પ્રકાશનને પ્રોત્સાહન આપવું.

11.  જરૂર પડે ત્યારે કોઈ પણ ભાષાના પ્રશિષ્ટ પુસ્તકોનું બીજી ભાષાની લિપિઓમાં પ્રકાશન કરવું.

અકાદમી દરેક ભાષાઅને સાહિત્યના વિકાસ માટે કાર્યરત છે. ભારતભરની ભાષાઓ અકાદમીના મંચ પર એક સાથે આવે છે એટલે એમની વચ્ચે પણ એક સંવાદ સૂત્રતા સધાય છે. અકાદમીની બે ફેલોશિપ છે. ફેલોશિપ મોટા ગજાના વિદ્વાનો માટેનું સન્માન છે. આપણે ત્યાં રાજેન્દ્ર શાહ અને ભોળાભાઈપટેલ આ સમ્માન પામી ચૂક્યા છે. દરેક ભાષામાં 'મીટ ધ ઓથર' જેવા કાર્યક્રમો પણ છે, આ કાર્યક્રમ અંતર્ગત પ્રતિષ્ઠિત સાહિત્યકારનો ભાવકોને સાક્ષાત્કાર થાય છે. દર વર્ષે નિશ્ચિત સંખ્યામાં પરિસંવાદ કે શિબિરની યોજનાઓ પણ છે. આ પરિસંવાદ અને શિબિરની યોજના દરેક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થા માટે છે, એ માટે સંસ્થાએ અકાદમીને પ્રપોઝલ મોકલવાની હોય છે. એ પ્રપોઝલ કન્વિનર જે તેભાષાની એડવાઇઝરી સામે ચર્ચા માટે મૂકે છે અને નિર્ણય લેવાય છે. જો કે આ નિર્ણયોની સાર્થકતા જે તે ભાષાના કન્વિનર અને એડવાઇઝરી બોર્ડની ગુણવત્તા તથા એમની વચ્ચેના તાલમેલ પર નિર્ભર કરે છે. અકાદમીના પાંચ પુરસ્કાર છે. (૧) સાહિત્ય અકાદમી એવોર્ડ (૨)  અનુવાદ પુરસ્કાર (૩) બાલ સાહિત્યપુરસ્કાર (૪) યુવા પુરસ્કાર અને (૫) ભાષા સમ્માન.

છેલ્લાં બે વર્ષથી શરૂ થયેલા યુવા પુરસ્કાર સિવાયના પુરસ્કારો માટે આરંભિક ધોરણે એડવાઇઝરીએ સૂચવેલા અનેક નામોમાંથી અકાદમી ગ્રાઉન્ડ લિસ્ટ માટે પેનલ બનાવે છે, પછી આ ગ્રાઉન્ડ લિસ્ટ સલાહકાર સમિતિ પાસે જાય છે. સલાહકાર સમિતિ ગ્રાઉન્ડ લિસ્ટમાંથી અથવા પોતાના તરફથી બે પુસ્તકના નામ સૂચવે છે. આ બધી પ્રક્રિયામાંથી પસાર થઈને પાંચ પુસ્તકો ત્રણ વિદ્વાનોની જૂરી પાસે જાય છે અને જૂરી એમાંથી એક પુસ્તકને પુરસ્કાર માટે પસંદ કરે છે. દેખીતી રીતે આ પ્રક્રિયા અનંતમૂર્તિ જણાવે છે એ પ્રમાણે ખાસ્સી એવી ફુલપ્રૂફ છે, પણ આપણી સામે ઓડિયાના અકાદમી પુરસ્કારની પી.આઈ.એલ. પણ છે અને 'મારા જીવતે જીવ ફલાણાને તો અકાદમી પુરસ્કાર નહીં જ મળવા દઉં' જેવો હુંકાર ભરનાર સાહિત્યકાર પણ આપણે  જોયા છે તો 'ફલાણાભાઈને અકાદમી પુરસ્કાર મળ્યાનું શ્રેય ઢીંકણાભાઈને જાય છે' એવા વ્યક્તિપૂજક ઉદ્દગારોના પણ આપણે સાક્ષી છીએ એટલે જૂરીથી લઈને આખી પ્રક્રિયાની સાર્થકતાનો આધાર અંતે જૂરી અને કન્વિનરની વિવેકબુદ્ધિ પર જ છે.

આ ઉપરાંત નવોદિત લેખકો બીજી ભાષાના સાહિત્ય અને સાહિત્યકારોના સંપર્કમાં આવીને પરસ્પર આદાન પ્રદાન કરી શકે એ માટે ટ્રાવેલ ગ્રાંટ આપવામાં આવે છે. દર વર્ષે પાંચથી છ યુવા સાહિત્યકારો આ યોજનાનો લાભ લેતા હોય છે. આ તો આપણી ભાષાના કાર્યક્રમો અને યોજનાઓ અંગે વાત થઈ. દર વર્ષે સાહિત્ય અકાદમીના મંચ પર દરેક ભાષાના સાહિત્યકારો માટે રાષ્ટ્રીય કાર્યક્રમો પણ યોજાતા હોય છે. એમાં બહુભાષી કવિસંમેલનો, સાહિત્ય સંમેલનો, પરિસંવાદો, કેફિયતોના કાર્યક્રમો હોય છે. આવા કાર્યક્રમોમાં યુવા પ્રતિભાઓથી લઈને પ્રતિષ્ઠિત સાહિત્યકારો રાષ્ટ્રીય મંચ પર પોતપોતાના સાહિત્યનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. દેશભરના સાહિત્યકારોમાંથી દર વર્ષે કેટલાક સાહિત્યકારોને સાહિત્યિક આદાનપ્રદાન માટે વિદેશ યાત્રાએ પણ મોકલવામાં આવે છે.

આમ કેન્દ્રીય સાહિત્ય અકાદમી સાહિત્યના પ્રસાર-પ્રચાર અને વિકાસ માટે અનેક સ્તરે કામ કરે છે. સ્વાભાવિક રીતે આ બધા આયોજનો પાછળ અપાર ધન ખર્ચ કરવામાં આવે છે, અને એ જરૂરી પણ છે જ. કોઈ પણ ભાષાના સામાન્ય લેખકની એવી ભાવના ચોક્કસ હોય કે આ બધું વ્યાપક સાહિત્ય માટે અને વ્યાપક સાહિત્યિક સમાજના હિત માટે થાય. પણ આમ ન થાય ત્યારે આઘાતજનક સ્થિતિ પેદા થાય છે. આ પુરસ્કારો માટે, ફેલોશિપ્સ માટે, વિદેશ પ્રવાસો માટે, પરિસંવાદો માટે, જ્યારે કતારો ઊભી કરવામાં આવે ત્યારે સાહિત્ય અને કલાનાં મૂલ્યોનો ઉપહાસ થાય છે. એ માટે જ્યારે વિચારધારા આધારીત, જૂથ આધારીત, જ્ઞાતિ આધારીત, વ્યક્તિગત સબંધ અને સગપણ આધારીત પંગતો પાડવામાં આવે છે ત્યારે અઢળક ધન અને અમૂલ્ય માનવશ્રમ-બુદ્ધિના ભોગે ચાલતી પ્રવૃત્તિ એકદમ વ્યર્થ બની જાય છે, પણ આપણે સમજતા નથી. કથા-કવિતા, નાટક-નિબંધ, સંશોધન-વિવેચન કરનારા સાહિત્યકારો, સમજતા નથી. આપણે ત્યાં આજે પણ એવા લોકો હયાત છે જે કોઈ પણ નવો પુરસ્કાર શરૂ થાય એટલે પહેલા પોતે મેળવી લેવા માટે કટિબદ્ધ હોય છે અને પછી એ પુરસ્કારની સમિતિમાં પોતાનું કાયમી આસન જમાવી એ પુરસ્કારનો દુરુપયોગ શરૂ કરે છે. આજે પણ આપણી વચ્ચે એવા મહાન સાહિત્યકારો વિદ્યમાન છે જેમના માટે સાહિત્ય કરતાં સાહિત્યેત્તર બાબતો જ મહત્ત્વની છે. આજે પણ આપણી વચ્ચે એવા મોટા સાહિત્યકારો છે જે યુવાપેઢીના સમવયસ્ક સાહિત્યકારોમાં ગુણવત્તા આધારીત તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ સર્જવાને બદલે વૈમનસ્ય સભર સ્પર્ધાભાવ ઊભો કરી એમને અંદરોઅંદર લડાવે છે. એટલે જ તો તેલુગુના યુગકવિ ગુન્ટુર સેશેન્દ્ર શર્માનું આ વિધાન સચોટ લાગે છે : 'ભારતના દરેક ભાગમાં એક એવી અસ્વસ્થ રાજનીતિ જોવા મળે છે જેના દ્વારા એક સબળ રચનાકારને આસાનીથી પૃષ્ઠભૂમિમાં ધકેલી દેવાય છે અને કેટલાક અયોગ્યને આગળ કરી દેવામાં આવે છે.'

આપણી ગુજરાતી ભાષાની હાલની સલાહકાર સમિતિની યાદી આ પ્રમાણે છે. (૧) સિતાંશુ યશશ્ચંદ્ર, કન્વિનર (૨) બળવંત જાની, જનરલ કાઉન્સિલના સભ્ય (૩) મનસુખ સલ્લા, જનરલ કાઉન્સિલના સભ્ય (૪) હિમાંશી શેલત (૫) રમણીક સોમેશ્વર (૬) કમલ વોરા (૭) મણિભાઈ પ્રજાપતિ (૮) અંબાદાન રોહડિયા (૯) અશોક ચાવડા (૧૦) પ્રવીણ પંડ્યા

આજે ગુજરાતી ભાષામાં અનેક પુરસ્કારો છે, પણ સાહિત્ય અને સાહિત્યકારોની ગરિમા જળવાતી હોય એવું છેલ્લા ઘણા સમયથી નથી દેખાતું. કૃષ્ણા સોબતીના આ વિધાન જેવી સ્થિતિ છે : 'એમાં કોઈ સંદેહ નથી કે સાહિત્યિક માફિયા કાર્યરત છે … કોઈ એકને અથવા બીજાને પ્રમોટ કરવા માટે ત્યાં હંમેશાં મૂક નિર્ણય લઈ લેવામાં આવે છે. આ એક સર્કિટ ગેમ છે જે બહારના લોકો માટે નિષિદ્ધ છે.' આપણે આશા રાખીએ કે સાહિત્યમાં ગુણવત્તાની પંગત પડે, એમ થશે તો બાકીની પંગતોના પાટલા આપોઆપ ઉપડી જશે. એક વખત સહજ વાતચીત  દરમ્યાન સિતાંશુભાઈએ કહેલું :  'સાહિત્યમાં સાહિત્યની સંસ્કૃિત સ્થપાય એ જરૂરી છે.' આ આશાવાદ જરૂર છે, પણ આસપાસનું પરિદૃશ્ય કાંઈક આવું છે :

     એક મોટો મોભી
     પોતાની દસે આંગળીએ
     માણસો ટીંગાડીને સભાખંડમાં પ્રવેશે છે,
     એની આંગળીએથી ઉતરેલા માણસો
     ખુરશીઓમાં ગોઠવાય છે
     અને પછી
     શરૂ થાય છે મારા દેશનું લોકતંત્ર.

તારીખ : ૭-૭-૨૦૧૩

(“નિરીક્ષક”, 16 જુલાઈ 2013માંથી સાભાર)

સૌજન્ય : https://www.facebook.com/notes/ashok-chavda-bedil/જરૂર-કુલડી-ભાંગવાની-છે-પ્રવીણ-પંડ્યા-સંદર્ભ-કેન્દ્રીય-સાહિત્ય-અકાદમી-અને-સાહિત્ય/620841407940021

Loading

...102030...4,0334,0344,0354,036...4,0404,0504,060...

Search by

Opinion

  • સાર્ધ શતાબ્દીનો કળશ : ‘વંદે માતરમ્’ની સ્વીકૃતિ અને રાજકારણ
  • નવી મમ્મી
  • મેજ પર મોબાઇલ : બાળકોનું સ્ક્રીન-એક્સપોઝર માનસિક વિકાસ માટે જોખમી 
  • અફઘાન સ્ત્રીઓ આ દુનિયામાં જીવે છે !  
  • રાહુલ ગાંધી ચૂંટણી કેમ હારી જાય છે? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved