Opinion Magazine
Number of visits: 9773086
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લંડનમાં ઘેર ઘેર ગેસના દીવા

દીપક મહેતા|Opinion - Opinion|3 September 2014

ગુજરાતી સાહિત્યના ઇતિહાસ, વિવેચન, ‘અભ્યાસ’નાં પુસ્તકો ફેંદી વળો. તેમાં ક્યાં ય ડોસાભાઈ ફરામજી કરાકાનું કે તેમના પુસ્તકનું નામ પણ જોવા મળે તો કહેજો !
ગુજરાતીમાં લખાયેલાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકોની વાત કરવાની હોય ત્યારે બધા સૌથી પહેલાં મહીપતરામ રૂપરામ નીલકંઠને અને તેમના નાનકડા પુસ્તકને જ યાદ કરે. ૧૮૬૨માં પ્રગટ થયેલું તેમનું ‘ઇન્ગ્લન્ડની મુસાફરીનું વર્ણન’ એ આપણી ભાષાનું પ્રવાસ વર્ણનનું પહેલું પુસ્તક એમ પણ ઘણાએ તો ઠઠાડી દીધું છે. પણ કરાકાનું પુસ્તક મહીપતરામના પુસ્તક કરતાં એક વર્ષ પહેલાં પ્રગટ થયું હતું, ૧૮૬૧માં. એનું નામ, ‘ગરેટ બરીટન ખાતેની મુસાફરી.’ અને આ કોઈ નાનુંસૂનું પુસ્તક નથી. ૯ X ૧૧ ઇંચના કદનાં ૩૧૪ પાનાંનું છે આ પુસ્તક. છપાયું છે મુંબઈના દફતર આશકારા પ્રેસમાં. લીલા રંગના પાકા પૂંઠા પર સોનેરી શાહી વડે ‘ધ ક્રિસ્ટલ પેલેસ’નું એન્ગ્રેવિંગ છાપ્યું છે. ખાસ ઇન્ગ્લંડમાં છપાવીને ત્રીસ જેટલાં ચિત્રો પણ લેખકે આ પુસ્તકમાં મૂક્યાં હતાં. મહીપતરામના પુસ્તકમાં એક પણ ચિત્ર નથી.

તે વખતનાં બીજાં ઘણાં પુસ્તકોની જેમ ડોસાભાઈના પુસ્તકમાં પણ બે ટાઈટલ પેજ છે, એક અંગ્રેજીમાં, અને બીજું ગુજરાતીમાં. એટલું જ નહિ, લેખકની પ્રસ્તાવના પણ બંને ભાષામાં છે. (આ ચાલ છેક ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’ સુધી તો ચાલુ રહ્યો જ છે.) ‘દિબાચો’ નામે લખેલી પ્રસ્તાવનામાં ડોસાભાઈ કહે છે : “જે મુલકના રાજા હેઠળ આપણા વતનનું દેશ છે, તે મુલકથી સારી પેઠે વાકેફ થવાની તથા તાહાં જે જોવામાં આવે તેનું આ દેશના લોકોને સમજ પડે અને ઉપઓગી થાએ, તેવી રીતનું વરણન તેઓની આગળ રજૂ કરવાની મતલબથી ઇસવી સને ૧૮૫૮ના વરસની શરૂઆતમાં આ ટાપુ(મુંબઈ)નો કિનારો છોડીઓ હતો.” આટલું વાંચતાં પણ તરત ખ્યાલ આવશે કે તે વખતના બીજા ઘણા પારસી લેખકોની જેમ આ લેખક પણ જોડાક્ષરો ઓછામાં ઓછા અને ન છૂટકે જ વાપરે છે. પુસ્તકને લેખકે ૨૭ પ્રકરણમાં વહેંચ્યું છે. પહેલા ત્રણ પ્રકરણ મુંબઈથી એડન, સુએઝ, કેરો, એલેક્ઝાન્ડ્રિયા, માલ્ટાથી ફ્રાંસ સુધીની દરિયાઈ મુસાફરીના વર્ણન પાછળ રોકાયાં છે. તે પછી પૂરાં છ પ્રકરણ લેખકે પેરિસ શહેરના વર્ણનને ફાળવ્યાં છે. આ છ પ્રકરણોમાં ડોસાભાઈએ પેરિસનાં અનેક જોવા લાયક સ્થળો વિષે લખ્યું છે, પણ એફિલ ટાવર વિષે એક અક્ષર પણ લખ્યો નથી ! એક કેમ હશે ? જવાબ માટે રાહ જુઓ આ લેખ પૂરો વાંચી રહો ત્યાં સુધી.

દસમાં પ્રકરણમાં પેરિસથી લંડન સુધીની દરિયાઈ મુસાફરીનું વર્ણન છે, અને ૧૧મા પ્રકરણમાં આપણે તેમની સાથે લંડન પહોંચી જઈએ છીએ. એ વખતે લંડનની કુલ વસ્તી ૨૩ લાખ, ૬૨ હજાર, અને ૨૩૬ની હતી એમ લેખક નોંધે છે. લંડનમાં મકાનોનાં બારી-બારણાં હંમેશાં બંધ જ રહે છે તે જોઈને આ હિન્દુસ્તાની મુસાફરને પહેલાં તો નવાઈ લાગે છે. પણ પછી સમજાય છે કે ઠંડી અને ઘર ઘરની ચીમનીમાંથી નીકળતા ધૂમાડાથી બચવા આમ કરવું જરૂરી છે.

ડોસાભાઈ જોયેલું તે લંડનમાં વીજળીના દીવા નહોતા. પણ ગેસના દીવા હતા ! રસ્તાઓ પર, અને ઘરોમાં પણ. લંડનમાં ઠેર ઠેર કૂવાઓ નથી, પણ પાઈપ વાટે લોકોનાં ઘરોમાં પાણી પહોંચાડાય છે એ વાત ડોસાભાઈ અચરજ પૂર્વક નોંધે છે. એ વખતે લંડનના રસ્તાઓ પર ઘોડા ગાડીઓ દોડતી હતી, અને આ ગાડીઓને ઊભી રાખવા માટે આખા શહેરમાં ૩૦૦ સ્ટેન્ડ હતાં. આ ઉપરાંત બસ પણ હતી, જેને ત્રણ ઘોડા ખેંચતા! એક બસમાં ૨૬ મુસાફરો બેસી શકતા. આખા લંડનમાં મુસાફરી કરવા માટેની ટિકિટનો એક જ દર હતો – છ પેન્સ, અથવા પા રૂપિયો (આજના આપણા ૨૫ પૈસા). આવી એક ટિકિટ લીધા પછી તમે આખા લંડનમાં ક્યાં ય પણ જઈ શકો.

બારમાં પ્રકરણમાં લેખકે બકિંગહામ પેલેસ અને બીજા રાજમહેલોની વાત કરી છે. તે પછીના પ્રકરણોમાં પાર્લામેન્ટ હાઉસ, લંડનનો કિલ્લો. ટંકશાળ, બેંક ઓફ ઇન્ગ્લંડ, સેન્ટ પોલ્સ કેથીડ્રલ, બાગ બગીચા, સંગ્રહસ્થાનો, આર્ટ ગેલેરીઓ, વગેરે પોતે જોયેલાં સ્થળોની વાત લખી છે. ૧૮મા પ્રકરણથી લેખક લંડનના જાહેર જીવન તરફ વળે છે. કેળવણીની વ્યવસ્થા, સખાવતી સંસ્થાઓ, ‘રમત અને મોજનાં કારખાના’ (સ્પોર્ટ્સ અને રીક્રિયેશન ક્લબો), વગેરેની વાત કર્યા પછી ફરી ક્રિસ્ટલ પેલેસના વર્ણનમાં ૨૧મું પ્રકરણ રોકે છે. (૧૮૫૧ના મોટા પ્રદર્શન માટે બાંધવામાં આવેલો આ કાચનો મહેલ એ વખતે એક અજાયબી ગણાતો હતો. ૧૯૩૬ના નવેમ્બરની ૩૦મી તારીખે લાગેલી ભયંકર આગમાં તે ભસ્મીભૂત થઈ ગયો હતો.) ૨૨મા પ્રકરણથી લેખક લંડન છોડીને આસપાસમાં ફરવા નીકળે છે. માન્ચેસ્ટરની કાપડ મિલો જુએ છે, એડિનબરામાં લટારો મારે છે, બીજાં કેટલાંક સ્થળોની મુલાકાત લે છે. 

૨૪મા અને પચ્ચીસમા પ્રકરણમાં સરકારની શાસન પદ્ધતિની વાત કરે છે, લશ્કર, આવક-જાવક, વેપાર વણજ વગેરેની ચર્ચા કર્યા પછી છેલ્લા પ્રકરણમાં ડોસાભાઈ એ મુલકની ‘સંસારી હાલત’ વિષે વાત કરે છે. અહીં લેખક નથી તો ખોટી વાહ વાહ કરતા, કે નથી તો નિરર્થક ટીકા-નિંદા કરતા. કહે છે : “જે દેશમાં વધારે શુધરાઈ તાહાં વધારે ઠગાઈ બી હોવી જોઈએ. ઠગો બી અકલના બલથી બને છે, પણ સઘળાં જ આદમીઓ ઠગ છે એમ કહેવાશે નહિ. ઇન્ગ્લન્ડમાં સૌથી સરસ ઈમાનદારી ધરાવનારા લોકો છે, તેમ સૌથી સરસ ઠગો પણ છે.” ડોસાભાઈ ૧૮૫૭ના બળવા પછી લગભગ તરત ઇન્ગ્લંડ ગયા હતા. ત્યારે તેમને ત્યાં ગોરાઓનો કેવોક અનુભવ થયેલો ? પુસ્તકને અંતે તેઓ લખે છે : “અમો અમારી અજમાયેશ ઉપરથી કહેવાને આંચકો ખાતા નથી કે અંગ્રેજ લોકો પારકા લોકોને સારું માન આપે છે તથા તેઓની બરદાસ્ત લે છે અને પોતાનાથી બને તેટલું તેઓને વાસ્તે કરે છે. માટે જો અંગ્રેજ લોકોની ખરી ખૂબી જોવી હોય તો ઇન્ગ્લંડ ગયાથી દેખાય છે.” 

હવે પેલી એફિલ ટાવરવાળી વાત. ડોસાભાઈએ આ પુસ્તકમાં એફિલ ટાવર વિષે એક શબ્દ પણ લખ્યો નથી, કારણ ત્યારે એ ટાવરનું અસ્તિત્ત્વ જ નહોતું ! અ ટાવર બાંધવાની શરૂઆત ૧૮૮૭ના જાન્યુઆરીની ૨૮મીએ થયેલી. તેનું કામ ૧૮૮૯ના માર્ચની ૧૫મી તારીખે પૂરું થયેલું, અને તેનું ઉદ્દઘાટન થયેલું એ જ મહિનાની ૩૧મી તારીખે. જ્યારે આપણા ડોસાભાઈ તો પેરિસ પહોંચ્યા હતા ૧૮૫૮માં. એટલે કે આ લખનારના હાથમાં ડોસાભાઈના પુસ્તકની જે નકલ છે તે પણ એફિલ ટાવર કરતાં જૂની છે !   

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત 'ગ્રંથયાત્રા', "ગુજરાતમિત્ર", 31 અૉગસ્ટ 2014

Loading

પહેલા વિશ્વયુદ્ધનો એક વિશિષ્ટ વિરોધાભાસ : અહિંસાના પૂજારીની યુદ્ધમાં સામેલગીરી

ઉર્વીશ કોઠારી|Gandhiana|3 September 2014

પહેલા વિશ્વયુદ્ધ(૧૯૧૪-૧૯૧૭)નાં સો વર્ષ નિમિત્તે તેની સાથે સંકળાયેલી ઘણી કથાઓ તાજી થઈ રહી છે. ગુલામ ભારત માટે આ વિશ્વયુદ્ધ વિશિષ્ટ હતું. તેમાં હજારો ભારતીય સૈનિકો ફ્રાન્સ, મેસોપોટેમિયા (ઇરાક) જેવા મોરચે લડ્યા, પણ પોતાના દેશ માટે નહીં – પોતાના રાજકર્તા અંગ્રેજો માટે. તેમના માટે ગૌરવ લેવું કે નહીં, એ આઝાદ ભારતની સરકારો માટે મૂંઝવનારો સવાલ રહ્યો છે.

પરંતુ ઘણા ભારતીયો માટે પહેલા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલો સૌથી મૂંઝવનારો સવાલ ગાંધીજીના અભિગમ અંગેનો છે. પ્રખર અહિંસાવાદી તરીકે જાણીતા બનેલા ગાંધીજી પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટનના પક્ષે સક્રિય બને? બ્રિટન માટે સૈન્યભરતી કરવાની હદે જાય? અને એ પણ અંગ્રેજ સરકાર સામે ચંપારણ-ખેડા જેવા સત્યાગ્રહોમાં ઉતરી ચૂક્યા પછી?  

આ સવાલો ફક્ત ગાંધી ટીકાકારોને નહીં, ગાંધીજીના પરમ ચાહકો અને ગાઢ મિત્રોને થયેલા છે. રવીન્દ્રનાથ ટાગોરને ગાંધીજીનું આ પગલું રૂચ્યું ન હતું એવું તેમના અંતેવાસી  ‘દિનબંઘુ’ એન્ડ્રુઝે નોંઘ્યું છે. દક્ષિણ આફ્રિકાના દિવસોથી ગાંધીજીના સાથી – મિત્ર રહેલા પાદરી સી.એફ. એન્ડ્રુઝ/ C.F.Andrewsને પોતાને યુદ્ધપ્રયાસોમાં ગાંધીજીની સામેલગીરી કદી સમજાઈ નહીં. આ મુદ્દે તેમની અને ગાંધીજીની વચ્ચે ‘પેઇનફુલ ડિસઅગ્રીમેન્ટ’ (પીડાકારક અસંમતિ) રહ્યું. બાકી, સત્યાગ્રહી ગાંધીજી માટે એન્ડ્રુઝને એવો ઊંડો ભાવ હતો કે તે ખ્રિસ્તી ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવી લેવાના છે એવી અફવા એક સમયે ઊડી હતી.

ખ્રિસ્તી ધર્મસંસ્થાએ એન્ડ્રુઝ પાસે ખુલાસો માગ્યો, જે આપવાનો તેમણે ઇન્કાર કર્યો. દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી તે મિશન કોલેજ છોડીને શાંતિનિકેતનમાં જોડાઈ ગયા અને પાદરીપદું પણ તજી દીઘું. છતાં, વિશ્વયુદ્ધમાં (બ્રિટનના પક્ષે) લડવા માટે સૈનિકોની ભરતી કરવાનો ગાંધીજીનો નિર્ણય તેમને કદી યોગ્ય લાગ્યો નહીં.

દરેક બાબતોમાં ગાંધીજીની સમજ આગવી અને મૌલિક હતી. એ બદલાતી અને વિકસતી પણ રહી. ગાંધીજી સવાયા ધાર્મિક હતા, પણ કોઈ પુસ્તક કે કંઠીથી બંધાયેલા ન હતા. સત્ય અને અહિંસા અનાદિકાળથી હોવા છતાં, એ બન્નેમાં ગાંધીજીએ સાધેલો વ્યવહાર અને આદર્શનો સમન્વય મૌલિક, વિશિષ્ટ અને ઘણી વાર ગૂંચવાડા પ્રેરનારો હતો. પરંતુ બીજાને ગૂંચવાડો લાગે તે ગાંધીજીને દીવા જેવું સ્પષ્ટ ભાસતું. એટલે જ, એન્ડ્રુઝ જેવા મિત્રોના પ્રખર વિરોધ છતાં પોતે યુદ્ધપ્રયાસમાં સહયોગ આપવો જોઈએ, એ વિશે ગાંધીજીને કશી અવઢવ થઈ ન હતી.

વિશ્વયુદ્ધના મોરચે લડવા માટે સૈનિકભરતીનું કામ ગાંધીજીએ ભારત આવ્યા પછી ૧૯૧૮માં ખેડા જિલ્લાથી શરૂ કર્યું, પરંતુ આ દિશામાં તેમની ગતિ ૧૯૧૪થી આરંભાઈ હતી. બન્યું એવું કે ગાંધીજી કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડીને ભારત આવવા નીકળ્યા ત્યારે વચ્ચે ચારેક મહિના લંડન રોકાયા. ઓગસ્ટ ૪, ૧૯૧૪ના રોજ તે લંડન ઉતર્યા એ જ દિવસે બ્રિટને જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું.

જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ તરીકે યુદ્ધમાં પોતાનો શો ધર્મ છે? એ વિશે વિચારતાં ગાંધીજીને લાગ્યું કે બ્રિટન સામેની લડાઈ ઊભી રાખીને આફતના સમયે બ્રિટિશ પ્રજાજન તરીકે ભારતીયોએ યુદ્ધમાં બનતો ભાગ ભજવવો જોઈએ. એટલે ગાંધીજીએ કસ્તૂરબા ઉપરાંત સરોજિની નાયડુ અને ત્યારે લંડન ભણવા આવેલા (અલગ ગુજરાતના પ્રથમ ભાવિ મુખ્ય મંત્રી) જીવરાજ મહેતા સહિત કુલ ૫૩ લોકોની સહી ધરાવતો એક પત્ર અંગ્રેજ સરકારને લખ્યો. તેમાં લડાઈ અંગે યથાશક્તિ કામ કરવાની ઈચ્છા દર્શાવી.

ગાંધીજી માટે યુદ્ધભૂમિની નવાઈ ન હતી. આફ્રિકાનિવાસ દરમિયાન બે વાર તે યુદ્ધમાં ‘એમ્બ્યુલન્સ કોર્પ્સ’ માં ઘાયલોને મેદાનથી છાવણી સુધી લઈ જવાની સેવા આપી ચૂક્યા હતા. એ માટે તેમને સરકારી મેડલ પણ મળ્યો હતો. બ્રિટનમાં ગાંધીજીની રજૂઆત પછી તેમની આશરે એંસી જણની ટુકડીને છ અઠવાડિયાં સુધી પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી. પછી બાકાયદા પરીક્ષા લેવાઈ. તેમાં એક સિવાયના સૌ પાસ થયા. એ લોકોને લશ્કરી ટુકડીનો ભાગ બનાવવા માટે અને ફૌજીની જેમ કવાયતો કરાવવા માટે એક ગોરા અફસરના હાથ નીચે મૂકવામાં આવ્યા.

દક્ષિણ આફ્રિકામાં અહિંસક સત્યાગ્રહ સફળતાથી અજમાવી ચૂકેલા ગાંધીજી વિશ્વયુદ્ધમાં બ્રિટનના પક્ષે સક્રિય બને, એથી તેમના ઘણા સાથીઓને નવાઈ લાગી. આફ્રિકાના સાથીમિત્ર પોલાકે તાર કરીને પૂછાવ્યું, ‘તમારું આ કામ અહિંસાના સિદ્ધાંતની વિરુદ્ધ નથી?’ એ સવાલ અપેક્ષિત હતો અને ગાંધીજી પાસે તેનો જવાબ પણ હતો, જે મિત્રોને  સમજાવવા તેમણે કોશિશ કરી. જેમ કે, લંડનથી નવેમ્બર ૧૫, ૧૯૧૪ના રોજ પ્રાગજી દેસાઈને લખેલા એક પત્રમાં તેમણે કહ્યું હતું, ‘સત્યાગ્રહીથી લડાઈને સીઘું કે આડકતરી રીતે ઉત્તેજન ન અપાય એ નિર્વિવાદિત વાત છે. તેવો શુદ્ધ સત્યાગ્રહી હું નથી. તેવો થવા પ્રયત્ન કરું છું. દરમિયાન જેટલે દરજ્જે પહોંચાય, તેટલે પહોંચવું જોઈએ. હું વિલાયતમાં આવ્યો ને લડાઈ શરૂ થઈ. મારી ફરજ વિચારવામાં કેટલાક દિવસ ગાળ્યા. હું વિલાયતમાં મૂંગે મોઢે પડ્યો રહું તો પણ લડાઈમાં ભાગ લેવા જેવું જણાયું.’

આમ વિચારવા પાછળ ગાંધીજીનો તર્ક એ હતો કે બ્રિટનનું સૈન્ય દેશનું રક્ષણ કરતું હતું અને પોતે પણ સૈન્યના રક્ષણ નીચે હતા. એટલે કાં તેમણે અંગ્રેજ સૈન્યનું રક્ષણ ન હોય એવી કોઈ

જગ્યાએ, પહાડી પર જતા રહેવું જોઈએ. સરકારી વ્યવસ્થાને કારણે નહીં, પણ પહાડ પર જે ઊગે તે ખાવું જોઈએ. ત્યાંથી જર્મનો તેમને પકડી જાય તો ભલે – અને જો પોતે આવું ન કરી શકે તો પછી યુદ્ધમાં યથાશક્તિ ફાળો આપવો જોઈએ. પહેલો વિકલ્પ અપનાવવાની ‘મારી હિંમત ન ચાલી’ એમ કહીને ગાંધીજીએ પત્રમાં લખ્યું, ‘હજારો તો કપાઈ પણ ગયા. છતાં હું બેઠો બેઠો મોજ કર્યા કરું ને અનાજ ખાઉં? ગીતાજી શીખવે છે કે યજ્ઞ વિના અન્ન ખાનાર ચોર કહેવાય. અહીં યજ્ઞ આ સમયે આપભોગનો હતો ને છે. ત્યારે મેં જોયું કે મારે પણ યજ્ઞ કરવો જોઈએ. હું પોતે ગોળી તો ન જ ચલાવી શકું, પણ જખમીની સારવાર કરી શકું. તેમાં તો મને જર્મનો પણ સારવારમાં મળે. હું એ કામ નિષ્પક્ષપાતે કરી શકું. તેમાં દયાભાવનો ભંગ ન થાય. તેથી મેં મારી નોકરી આપવા નિશ્ચય કર્યો …’

ગાંધીજી અને સાથીદારોએ સરકારને પત્રમાં એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે ‘જે કામને સારુ અમે યોગ્ય હોઈએ તે કામ વગર શરતે અમે કરશું.’ તેનો ઉલ્લેખ કરીને ગાંધીજીએ પ્રાગજીભાઈ પરના પત્રમાં લખ્યું,‘હું લડાઈને સારુ યોગ્ય નથી એમ બધા જાણે છે. એટલે મારે સારુ લડાઈનું કામ હોય જ નહીં.’

અહિંસાનો પોતાનો ખ્યાલ ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયાસ કરતાં તેમણે લખ્યું, ‘મારાથી સર્પ મરાય નહીં એવી એ વાત છે, પણ જ્યાં સુધી સર્પની મને બાયલાપણે ધાસ્તી રહી છે ત્યાં સુધી (એને) મારું નહીં તો પકડીને છેટે મૂકી આવું ખરો. એ પણ હિંસા છે ને છેટે મૂકવા જતાં જો તે જોર કરે તો સાણસામાં એટલો દબાવું કે તેને લોહી પણ નીકળે ને વખતે કચરાઈ મરણ પણ પામે. તો પણ સર્પને મારાથી ન મરાય એ વાક્ય તો રહ્યું જ છે ને રહેવું જોઈએ. જ્યાં સુધી મારામાં નિર્ભયતાનો ગુણ સર્વાંશે નથી આવ્યો ત્યાં સુધી મારાથી પૂરા સત્યાગ્રહી ન થવાય.’

ટૂંકમાં, અહિંસા ભયમાંથી નહીં, ભય પરની જીતમાંથી પેદા થવી જોઈએ. એ તો બરાબર. છતાં, ગાંધીજીએ આત્મકથામાં લખ્યું હતું, ‘હું જાણું છું કે મારા ઉપલા વિચારોની યોગ્યતા હું ત્યારે પણ બધા મિત્રોની પાસે સિદ્ધ નહોતો કરી શક્યો. પ્રશ્ન ઝીણો છે. તેમાં મતભેદને અવકાશ છે. તેથી જ અહિંસાધર્મને માનનારા ને સૂક્ષ્મ રીતે તેનું પાલન કરનારઓ સમક્ષ બની શકે તેટલી સ્પષ્ટતાથી મેં મારો અભિપ્રાય રજૂ કર્યો છે.’

(ભારત આવ્યા પછી ગાંધીજીએ બે ડગલાં આગળ વધીને સૈન્યભરતીનું શા માટે શરૂ કર્યું? અને બકરીના દૂધને પહેલા વિશ્વયુદ્ધ સાથે શો સંબંધ? તેની વાત આવતા સપ્તાહે)

http://www.urvishkothari-gujarati.blogspot.co.uk/2014/09/blog-post.html

Monday, September 01, 2014

Loading

‘દર્શક’ સાથેનાં સંસ્મરણો – ૧

રતિભાઈ પંડ્યા|Profile|2 September 2014

મનુભાઈ પંચોળી એટલે ‘દર્શક’ અને ‘દર્શક’ એટલે ? બતાવનાર – જોનાર અથવા તો દર્શન કરાવનાર એવો સાદો અર્થ થઈ શકે. ઇતિહાસના ઊંડા અભ્યાસ પરથી, વર્તમાનના અનુભવમાંથી અને ભવિષ્યના દીર્ઘદૃષ્ટિવાળા ચિંતનમાંથી જગતને અને માનવ-જીવનને કંઈક આપી જવાની ખેવના અને ભાવનાવાળો માણસ એટલે મનુભાઈ રાજારામ પંચોળી. ટૂંકમાં, દર્શક.

‘દર્શક’નું નામ મારા શાળાકાળ એટલે કે ઇ.સ. ૧૯૫૦થી સાંભળવા મળેલું, તેઓ ગુજરાતી ભાષાના લેખક છે, એટલી જ ખબર, પરંતુ તેમને ૧૯૬૧ના ઑક્ટોબર માસમાં સણોસરા (જિ. ભાવનગર) મુકામે લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં પ્રથમ વાર રૂબરૂ મળવાનું બન્યું. તસવીરમાં જોયેલા વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનને મળતા ચહેરા અને વાળવાળા મનુભાઈના પ્રથમ દર્શન થયા. વ્યક્તિત્વ પ્રભાવશાળી લાગ્યું. તે વખતે હું આણંદ એગ્રિકલ્ચર કૉલેજ સંચાલિત સાણંદ નજીકના છારોડી કેટલ બ્રીડિંગ ફાર્મ(ગૌશાળા)માં કામ કરતો હતો. હાલમાં તે જગ્યા અને જમીન પર તાતા કંપની ‘નેનો’ કાર બનાવવાનું કામ કરે છે !

કૌટુંબિક કારણોસર આ ફાયદાવાળી કાયમી નોકરી છોડી અન્યત્ર જોડાવાની વિચારણા મનમાં ચાલતી હતી. તે વખતે જાણવા મળ્યું કે ભાવનગર નજીકની લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં ડેરી-પશુપાલનના અધ્યાપકની જગ્યા ખાલી પડી છે. સણોસરાની રૂરલ ઇન્સ્ટિટ્યૂટના તે વખતના આચાર્યે રતિભાઈ અંધારિયાના આમંત્રણથી લોકભારતી જવાનું બન્યું. ત્યાં તેમણે મને મનુભાઈ પંચોળી અને નાનાભાઈ ભટ્ટનો પરિચય કરાવ્યો. વાતચીત અને વાતાવરણથી વ્યક્તિઓ અને સ્થળ ગમી ગયાં નાનાભાઈ ભટ્ટ તે વખતે માંદગીની પથારીએ હતા. મનુભાઈ સંસ્થાના નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી હતા. રતિભાઈ અંધારિયાએ બંને મહાનુભવોને મારો પરિચય આપી દીધો, તેથી ખાસ વાતચીત થઈ શકી નહીં. પરંતુ નાનાભાઈ ભટ્ટે પથારીમાં પડ્યા-પડ્યા એટલું કહ્યાનું યાદ છે કે ‘તમે તો આણંદની મોટી ખેતીવાડી સંસ્થામાં ભણ્યા છો, અને હાલ પણ ભણાવો છો, એટલે મોટા વૈજ્ઞાનિક કહેવાવ. અમારી લોકભારતી સંસ્થા તો ગામડાની નાનકડી સંસ્થા છે, પરંતુ અમારે વિજ્ઞાનીનો દીવો ગામડાંના ગરીબ લોકનાં ઝૂંપડાં સુધી લઈ જવો છે. તમને તેમાં રસ હોય, તો જોડાવાનું વિચારજો. વહીવટ અને નિર્ણયો તો મનુભાઈ-મૂળશંકરભાઈ-બૂચભાઈ-રતિભાઈ વગેરે મિત્રો કરે છે.’ મને આ ઋષિવાક્ય સ્પર્શી ગયું.

મનુભાઈએ પૂછેલું કે તમને ગામડાનું અને ગામડામાં કામ કરવાનું ગમે ? મેં તરત જ હા પાડી અને કહ્યું કે કિશોર-અવસ્થામાં ર.વ. દેસાઈની નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ વાંચીને ખેતીવાડી કૉલેજમાં ભણીને વાર્તાના નાયક માફક ગામડામાં રહીને કામ કરવાનો નિર્ણય કર્યો છે. મનુભાઈનો બીજો પ્રશ્ન એ હતો કે ‘ગાયને ઇન્જેક્શન આપતા આવડે છે?’ મેં હા કહી ઉમેર્યું કે, ‘હાલ છારોડી કૅટલ ફાર્મ પર જ્યાં કામ કરું છું, ત્યાં ૫૦૦ પશુ તથા ૨૫ જેટલા કુટુંબ-પરિવારો માટે ઇન્જેક્શન અને દવા-દારૂનું કામ મારે જ કરવાનું હોય છે. વળી, એકાદ માસ પહેલાં સાણંદમાં સર્કસ આવેલું, તેમાં બીમાર પડેલા સિંહને પણ ઇન્જેક્શન આપવાનું બનેલું !’ મારી વાત સાંભળી મનુભાઈ, રતિભાઈ અને બચુભાઈ હસી પડેલા. મનુભાઈએ સૂચવ્યું, તમારો બાયોડેટા ઉપનિયામક બચુભાઈને આપતા જજો. ટૂંક સમયમાં જ મને ન.પ્ર. બૂચ તરફથી લોકભારતીમાં જોડાવા અંગેનો પત્ર મળ્યો. તેને ઍપોઇન્ટમૅન્ટ ઑર્ડર (નિમણૂકપત્ર) નહીં, પરંતુ ઇન્વિટેશન-કાર્ડ (આમંત્રણ-પત્રિકા) કહી શકાય તેવું આ મુજબ લખાણ હતું. ‘તમે અહીં જોડાશો તો અમને સૌને ગમશે. અમારે અહીં એક રતિભાઈ (અંધારિયા) તો છે, તમે જોડાશો તો બે રતિભાઈ થશે. ‘એકથી ભલા બે’ની કહેવત સાર્થક થશે.’

લોકભારતીમાં ૧૯૬૨ ફેબ્રુઆરીથી ૧૯૯૭ના એપ્રિલ સુધી અધ્યાપક અને ગૌશાળાના મૅનેજર તરીકે કામ કરવાની તક મળી, તેને હું અને મારો સમગ્ર પરિવાર આનંદ અને ગૌરવનો અવસર ગણીએ છીએ. મનુભાઈ સાથે દીર્ઘકાળ સુધી રહેવાનું અને કામ કરવાનું મળ્યું, તેથી આનંદ અને આદરની લાગણી કાયમ મનમાં રહી છે. સંસ્થામાં જોડાયો, તેના આગળના વર્ષ ૧૯૬૧-૬૨માં ગૌશાળામાં દસ હજાર રૂપિયાની ખોટ ગયેલી, જે અત્યારના ૨૦૧૩-૧૪ના વર્ષની ગણતરીએ લગભગ લાખ રૂપિયાની ખોટ ગણી શકાય. આથી મનુભાઈ અને ટ્રસ્ટીમંડળ ચિંતામાં હતું. ગૌશાળાનો ચાર્જ સોંપતી વખતે મનુભાઈએ કહેલું કે ‘ગૌશાળા એ સંસ્થા માટે ભાણેજ ખાતું (ખર્ચખાતું) છે. તમે આ વિષયના અનુભવી અને અભ્યાસી છો, તો તેમાં આર્થિક રીતે ખોટ ન આવે તેવી રીતે તેનું સંચાલન કરજો, જેથી ગૌશાળા માટે દાન મેળવવા શ્રીમંતોની દાઢીમાં હાથ નાખવા ન જવું પડે. વળી, આપણે સામેથી દાન માગવા જઈએ, તો આપણું તેજ ઘટે.’ મને આ વાત અને વિચાર બરાબર સમજાઈ ગયો. તેથી મેં આત્મવિશ્વાસપૂર્વક કહ્યું કે, ખોટ ન આવે અને કાર્ય કરી અને વિદ્યાર્થીઓની મદદથી સરભરના પાયા પર સંચાલન કરીશું. ગૌશાળાને ભાણેજમાંથી ભત્રીજો બનાવવાની કોશિશ કરીશું, જેથી તેમાં થોડી બચત રહે. જે દુકાળ કે અછતનાં વર્ષોમાં કામ આવે. પછીનાં વર્ષોમાં વાર્ષિક દસ-વીસ હજારની રૂપિયાની બચત પણ થઈ શકી હતી. ગૌશાળાના વહીવટ-વ્યવહારોમાં મૅનેજિંગ ટ્રસ્ટી ‘દર્શક’ અને નિયામક કુમુદભાઈ ઠાકરે અમારા પર પૂરો વિશ્વાસ રાખી કામ કરવાની સ્વતંત્રતા આપી. તેઓ ગૌશાળાની સફળતાના સાથીદાર બન્યા.

૧૯૬૨માં લોકભારતીમાં જોડાયા પછીના બીજા જ મહિને મનુભાઈએ મને રૂબરૂ બોલાવી એક મોજણી કરવાનું કામ સોંપ્યું. લોકભારતી આસપાસનાં ગામડાંમાં પશુપાલનની દૃષ્ટિએ વિકાસ કરવા શું-શું કરવા જેવું છે, તેનો અહેવાલ પણ બે માસમાં આપવા સૂચવ્યું. વિદ્યાવિસ્તારના ભાગ રૂપે રતિભાઈ અંધારિયા નિયમિત રીતે આસપાસનાં ગામોમાં જતા, તેની સાથે હું જોડાઈ ગયો અને દસેક ગામોનો અભ્યાસ કર્યો. બે માસના સઘન અભ્યાસ પછીથી મનુભાઈએ અહેવાલ આપતાં કહ્યું કે, ગામડામાં જે દૂધ પેદા થાય છે, તેના નિકાલની કે વાજબી ભાવે વેચાણવ્યવસ્થા નથી, આથી લોકોને આ ધંધામાં ખાસ રસ નથી. ગાયના દૂધમાં ચાર ટકા ફેટ અને ભેંસના દૂધમાં સાત ટકા ફેટ હોય છે. ગાયના દૂધમાંથી ઘી બનાવવું લોકોને પોસાતું નથી, આથી લોકોને ગોપાલનમાં ખાસ રસ નથી, દૂધના દલાલો ગામડામાંથી ગાયનું ૨૦ લિટર દૂધના છથી આઠ રૂપિયા અને ભેંસના દૂધના આઠ થી ૧૦ રૂપિયા ચૂકવી લઈ જાય છે. દૂધ ઉત્પાદકોને નિયમિત અને પૂરાં નાણાં ચૂકવતાં નથી. દૂધના દલાલો ગામડાંનું દૂધ શિહોરના પેંડાવાળાને અને ભાવનગરના વેપારીઓને વેચે છે, અને બમણા ભાવ મેળવે છે. જો અમૂલ ડેરીની માફક સહકારી ધોરણે દૂધ-મંડળીઓની રચના કરી દૂધની વેચાણવ્યવસ્થા વાજબી ભાવે ગોઠવાય, તો ઉત્પાદકોને રસ પડે અને પશુપાલનના ધંધાનો વિકાસ થાય. મારી વાત સાંભળી મનુભાઈ તે વખતે ગુસ્સે થઈ કહે, ‘ગામડાંમાંથી દૂધનું વેચાણ કરવાથી લોકોને દૂધ-ઘી-માખણ-છાશ જેવો ખોરાક મળતો બંધ થાય અથવા ઓછો થાય. આમ, ગાય મારીને કૂતરાં ધરવવાનું કામ થાય !’ મનુભાઈની આ વાત મને ગળે ન ઊતરી. તેથી મારા આ વિચારને કોલ્ડ-સ્ટોરેજમાં સાચવવા મૂકી રાખ્યો અને કોઈ દલીલો પણ ન કરી.

પાંચેક વર્ષ પછી ૧૯૬૭માં એક વહેલી સવારે મનુભાઈ ફરતાં ફરતાં મારે ઘેર આવીને કહે, ‘પંડ્યાભાઈ, ગામડાંમાં પેદા થતા વધારાના દૂધની સહકારી ધોરણે બજારવ્યવસ્થા કરી ઉત્પાદકોને વાજબી અને વધુ ભાવો મળી રહે, તે માટે કાંઈક કરવું જોઈએ. મેં વિદેશોમાં તેમ જ આપણે ત્યાં આણંદ-મહેસાણામાં ડેરીઉદ્યોગ દ્વારા ગામડાંનો આર્થિક વિકાસ થતો જોયો છે તેમ જ ડૉ. કુરિયન, અમૂલના ચૅરમેન ત્રિભુવનદાસ પટેલ, મહેસાણા ડેરી અને ગામડાંની દૂધ સહકારી મંડળીઓ જોઈ અનેક લોકોને મળ્યો છું. ગામડાંમાં પેદા થતા દૂધની વેચાણવ્યવસ્થા પડતર ભાવે થવી જોઈએ, જેથી પશુપાલનનો વિકાસ થાય અને દૂધનું ઉત્પાદન વધે. મેં કહ્યું, આ વાત મેં પાંચેક વર્ષ પહેલાં તમને કહેલી, તે વખતે તમને ગળે ઊતરી ન હતી. હવે તમને સમજાયું, તેનો આનંદ છે, બે-ત્રણ ગામોમાંથી દૂધ એકઠું કરી નજીકમાં આવેલા અમરગઢની હૉસ્પિટલને તથા ભાવનગર તખ્તસિંહના હજારેક દર્દીઓને ચોખ્ખું દૂધ વ્યાજબી ભાવે પૂરું પાડવાની યોજના થઈ અને દૂધ-ઉત્પાદકોને પણ વાજબી ભાવો મળ્યા.

‘દર્શક’ પોતાની જૂની માન્યતાઓને તિલાંજલિ આપી, નવો વિચાર સ્વીકારી તેનો અમલ કરતા. તે ખરા અર્થમાં ‘દર્શક’ હતા, તેમ તેમની સાથેના સુદીર્ઘ સહવાસથી કહી શકાય.

(સૌજન્ય : "નિરીક્ષક", 01 સપ્ટેમ્બર 2014; પૃ. 13-14) 

[ફોટાઓ નીતાબહેન પંડ્યાના ફેઇસબુક પાન પરેથી]

Loading

...102030...3,9733,9743,9753,976...3,9803,9904,000...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved