Opinion Magazine
Number of visits: 9696558
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોમનવેલ્થ ગેઇમ્સ પાસેથી પ્રેરણા લઈને આપણે સુખી થઈશું

અાશા બૂચ|Opinion - Opinion|5 August 2014

તારીખ 23મી જુલાઈને દિવસે ગ્લાસગોમાં 20મી કોમનવેલ્થ ગેઈમ્સનું મંગલાચરણ થયું અને ત્રીજી ઓગસ્ટને દિવસે પૂર્ણાહુતિ પણ થઈ ત્યારે કળા અને સ્કોટલેન્ડની સંસ્કૃિતનું સુંદર પ્રદર્શન થયું. સહુથી મનભાવન વાત એ નોંધી કે સારાયે કાર્યક્રમ દરમ્યાન ‘આપણે સહુ કોમનવેલ્થ કુટુંબના સભ્યો છીએ’ અને ‘આ મૈત્રીપૂર્ણ તથા પરસ્પર પ્રત્યેના વિશ્વાસથી ખેલાતો રમતોત્સવ છે’ એવી ઘોષણા થતી હતી. હાલની હિંસાથી તરબોળ બનેલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં આ શબ્દો જાણે આગમાં શીતલ પાણીના છંટકાવ જેવા શાતાદાયક લાગ્યા.

જ્યારે હરીફ દેશોના ખેલાડીઓ પોતપોતાના દેશના વિશેષ વેશપરિધાન કરીને 45 હજારની પ્રત્યક્ષ મેદની અને લાખો ટેલીવિઝનના માધ્યમના પ્રેક્ષકો સમક્ષ ગૌરવથી કૂચ કરતા પસાર થયા, ત્યારે દિલને એક કરાર વળ્યો કે આટલી મોટી સંખ્યાના યુવક-યુવતીઓ તંદુરસ્ત છે, જીવનમાં રમત-ગમત દ્વારા કંઈક સિદ્ધિ હાંસલ કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે અને ખેલદિલીપૂર્વક હરીફાઈ કરી શકે છે.

કક્કાવારી પ્રમાણે એક પછી એક દેશોના ખેલાડીઓ હસતા, ઝૂમતા પસાર થતા જોઈને આંખો ઠરી, સાથે સાથે જે તે દેશોના નામોલ્લેખ થતાં જ તેના વિષે સાંભળેલ, વાંચેલ અને જોયેલી કેટલીક ભૂતકાળની અને વર્તમાન કાળની હકીકતો યાદ આવ્યા વિના ન રહી. કોમનવેલ્થના સભ્ય દેશોમાંથી કોઈ દેશમાં વીસેક વર્ષ પહેલાં જેનોસાઈડ થયેલો, તો એક દેશમાં બોકો હરામ નામના એક સંગઠને બસો જેટલી વિદ્યાર્થિનીઓનું અપહરણ કરી તેમને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પાડી એ ઘટના હજુ તાજી જ બની. જ્યાં મબલખ હીરા મળી આવે છે એવા દેશમાં વર્ષોથી સિવિલ વોર ચાલે છે જેમાં લાખો લોક મરાયા અને વિસ્થાપિત થયા. તો વળી કોઈ બે પાડોશી દેશો વચ્ચે એકાદ જમીનના ટુકડાની માલિકી માટે છ છ દાયકાઓથી વારંવાર યુદ્ધના છમકલાં થયા કરે છે એટલું જ નહીં પણ એ દેશોની આંતરિક શાંતિ પણ કોમી વિખવાદથી જોખમાઈ છે. એક બાજુથી જે દેશમાં ઇ.સ.પૂર્વે 1,25,000 વર્ષ પહેલાં માનવ વસવાટ થયેલો માનવામાં આવે છે અને જ્યાં અહિંસાના પ્રખર પૂજારી એવા બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો ત્યાં જ બે જુદી જુદી કોમ વચ્ચે હિંસક લડાઈઓ થઈ અને હજારોના જાન ગુમાવાયા. અરે, જે ધરા પર લગભગ 3,00,000 વર્ષ પહેલાં શિકારી માનવે પોતાના ડેરા તંબુ તાણ્યા, જ્યાં દુનિયાની સહુથી પુરાતન સંસ્કૃિતનું પારણું ઝૂલ્યું એ મુલ્ક આંતરિક ટંટા ફિસાદ, સરમુખત્યારોના દમનકારી શાસન, લશ્કરી બળવા અને આતંકવાદીઓના ભય નીચે કચડાયેલો રહે છે.

જે  કોમનવેલ્થના સભ્ય દેશો આવા સહકારથી ખેલ-કૂદના મહોત્સવનું આયોજન કરી શકે, એકબીજા પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખીને પણ સ્વચ્છ હરીફાઈ કરી શકે એ જ દેશના લોકો અંદર અંદર લડી ઝઘડી મરે કે પાડોશી દેશ સાથે કાયમનું વૈમનસ્ય પોષે તે કેમ ચલાવી લેવાય? સવાલ એ થાય કે આંતરિક અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણ માટે એ દેશો હિંસાત્મક રાહ અપનાવે છે જેને સારુ એ દેશો  શસ્ત્ર સરંજામ આયાત કરે છે અને પોતાના જ દેશના નાગરિકો ભૂખમરાથી પીડાય, શિક્ષણ અને સ્વાસ્થ્ય વિના ટળવળે તો પણ વેર ભાવનાને છાંડતા નથી. અને ખરી  મજા તો એમાં છે કે એમને શસ્ત્રો પૂરા પાડનાર એ જ દેશો છે જેમણે ભૂતકાળમાં એમના પર શાસન કર્યું હોય. એલા ભાઈ, પહેલાં પારકી ભૂમિ પર રાજ્ય કરવું, તેનું શોષણ કરવું, પછી એ બધાને રાજકીય સ્વતંત્રતા આપ્યા બાદ ‘ચાલો હવે આપણા બધાની સંપત્તિ સહિયારી ગણીએ’ કહીને ‘કોમનવેલ્થ’ની ભાવના જગાવવી (જેની પાછળનો એક હેતુ એ બધા દેશો તેમના ભૂતપૂર્વ શાસક સામે માથું ન ઊંચકે અને છતાં એમની સંપત્તિમાં થોડો ઘણો પણ હિસ્સો મળતો રહે તે પણ છે) અને સાથે સાથે મોતનો વેપાર કરતા હોય તેમ શસ્ત્રો પૂરાં પાડવા એ તે કેવી રીત?

એક વાત ચોક્કસ સમજાય છે કે હવે કોઈ એક દેશ બીજા દેશને ગુલામ બનાવે એ જમાનો પૂરો થયો તેવી જ રીતે ‘અમે ગુલામીમાં સબડયા એટલે …’ એવા ઓઠા નીચે પોતાના જ દેશમાં બે કોમ અને જાતિઓ વચ્ચે આંતર કલહની આતશ અખંડ સળગતી રાખવાનો અને પાડોશી દેશો સાથે અવિરામ લશ્કરી સંઘર્ષ ચાલુ રાખવાનો સમય પણ પૂરો થવો રહ્યો. જો કોમનવેલ્થના સભ્ય દેશો પહેલાં વિદેશી શાસન તળે કચડાયેલા હોવાના નાતે દુ:ખના સહભાગી હતા અને હવે જેમ આ ખેલ-કૂદમાં સહિયારો આનંદ લૂંટે છે તેમ જ એ તમામ દેશ પોતાના દેશમાં બે જાતિઓ અને કોમ વચ્ચે સુમેળ સાધવાની પ્રતિજ્ઞા લે, પાડોશી દેશો સાથે સરહદના પ્રશ્નો વાટાઘાટ દ્વારા હાલ કરવાનો નિર્ણય લે, અણુ શસ્ત્રો બનાવવાને બદલે પીવાના પાણીનો પૂરવઠો પૂરો પાડવો, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી અને શિક્ષણનું સ્તર સુધરવાને અગ્રતાક્રમ આપવો અને પોતાના દેશના તમામ નાગરિકોના માનવ અધિકારોનું રક્ષણ થશે એવા નિશ્ચય કરશે તે દહાડે એ દેશોના નાગરિકો ખરા અર્થમાં ‘કોમનવેલ્થ’ના ધણી થશે.

ખેલ-કૂદની સ્પર્ધામાં ભાગ લેવાં રમતવીરો-વીરાંગનાઓ એક કડક શિસ્તનું પાલન કરે છે, તાલીમ મેળવે છે અને બીજાને હાનિ પહોંચાડ્યા વિના પોતપોતાના ક્ષેત્રમાં અવ્વલ આવવાની પ્રમાણિકપણે કોશિશ કરે છે તેવી જ રીતે એ બધા દેશના નાગરિકો પોતપોતાની કારકિર્દી નિભાવવા અને નાગરિક ફરજો બજાવવા શિસ્તનું પાલન કરે, પોતાના કામ-ધંધા માટે ઉત્તમ તાલીમ મેળવે અને દેશબંધુ કે વિદેશી લોકોને બિલકુલ હાનિ પહોંચાડ્યા વગર ઉત્તમ સિધ્ધિઓ હાંસલ કરવા કૃતનિશ્ચયી બને તો કમ સે કમ આ ખેલ-કૂદની સ્પર્ધાઓમાં ભાગ લેનારા 72 દેશોમાં તો શાંતિમય વાતાવરણ રહે. એ બધા દેશોના રાજ્યકર્તાઓને ચાર વર્ષ સુધી કોઈ એક ખેલ માટે તાલીમ આપી, કોમનવેલ્થ ગેઈમ્સમાં ભાગ લેવા ફરજ પાડીએ અને પછી પોતપોતાના દેશનો વહીવટ કોમનવેલ્થ ગેઈમ્સના નિયમો મુજબ કરવા અનુરોધ કરી જોઈએ. કદાચ એમ કરવાથી નિષ્પક્ષ ન્યાય પદ્ધતિ, સુઘડ વ્યવસ્થાતંત્ર અને સ્વચ્છ વહીવટ આપીને સુરાજ્ય લાવી શકશે.

જે દેશમાં માનવ અધિકારોનું રક્ષણ થતું હોય, કોમી રમખાણો ન થતાં હોય અને જેનો પાડોશી દેશો સાથેનો વ્યવહાર મૈત્રીપૂર્ણ હોય તેવા દેશોમાં કોમનવેલ્થ ગેઈમ્સ યોજવાનો નિર્ણય જો તેની કમિટી લઇ શકે તો કદાચ સભ્ય દેશો પોતપોતાનું આંગણું સાફ કરે અને શેરી-ગામને રૂપાળું કરવા પ્રેરાય અને માત્ર ખેલાડીઓ જ નહીં પણ એ બધા દેશોની આમ પ્રજા સુખ ચૈનથી જીવી શકે તેવું ઈચ્છીએ.

e.mail : 71abuch@gmail.com

Loading

વ્યાસ-વાલ્મીકિ, વર્ન-વેલ્સ

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|5 August 2014

ભારત મહાન રાષ્ટ્ર છે એવું માનવાનું કોને ન ગમે? જ્ઞાતિપ્રથાનાં ભયંકર અને અક્ષમ્ય દૂષણને કોઈ રીતે બાદ ન કરી શકાય. તેમ છતાં, એ દૂષણ સહિત પ્રાચીન ભારતમાં ઘણા જ્ઞાનીજનો થઈ ગયા. તેમણે ભક્તિમાર્ગને બદલે જ્ઞાનમાર્ગને પ્રાધાન્ય આપ્યું અને વ્યક્તિગત કે સંકુચિત હિતોને બદલે સમષ્ટિના લાભમાં જ્ઞાનસર્જન કરવામાં પોતાનાં વર્ષો ખર્ચી નાખ્યાં. જો કે, સંકુચિત હિતોને આગળ કરતી જ્ઞાતિપ્રથાના પાપે જ્ઞાન પર જ્ઞાતિવિશેષનો ઇજારો કે કાળમુખો ભરડો આવી જતાં, સમગ્ર માનવજાત માટે મનીષીઓએ ઉપાર્જિત કરેલું જ્ઞાન સડવા પડ્યું. લેખિત પરંપરાના અભાવ અને વિદેશી આક્રમણોને કારણે પ્રાચીન જ્ઞાન ધીમે ધીમે લુપ્ત થઈને કલ્પનાનો વિષય બની ગયું.

આ પ્રકારની ધારણા રાષ્ટ્રવાદનું સંકુચિત અને કોમવાદી રાજકારણ ખેલનારાને સૌથી પ્રિય હોય છે. તેમાં ઘણી હદે તથ્ય છે, પણ કથિત રાષ્ટ્રવાદીઓ જે ઝનૂનથી, વિવેકભાન ભૂલીને આ માન્યતા સેવતા અને બીજાના ગળે ઉતારવા પ્રયાસ કરતા હોય છે એ જો ચિંતાજનક ન હોત તો હાસ્યાસ્પદ ગણાત. અત્યાર લગી સંઘ પરિવાર કે તેની વિચારધારા સાથે સંબંધ ધરાવતી સંસ્થાઓ એક યા બીજી રીતે પ્રાચીન ભારતની ગૌરવગાથાઓને પોતાના રાજકારણના ચોકઠામાં ફીટ કરીને અથવા એ પ્રકારનું સ્વરૂપ આપીને, તેનો યથાશક્તિ પ્રચારપ્રસાર કરતી હતી. પરંતુ આઝાદી પછી પહેલી વાર દેશમાં સંઘ પરિવારની સાથે સીધો સંબંધ ધરાવતી હોય એવી સરકાર સંપૂર્ણ બહુમતી સાથે આવી છે. એટલે સંઘની વ્યાખ્યા પ્રમાણેનો રાષ્ટ્રવાદ હવે મુખ્ય ધારામાં સમાવિષ્ટ થાય અને ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’ પ્રમાણે વાદવિવાદથી નવું જ્ઞાન નીપજાવવાની પ્રક્રિયા પર બૂચ મારી દે એવી આશંકા જાગી હતી.

પરંતુ આશંકા અણધારી ઝડપે વાસ્તવિકતામાં બદલાઈ છે અને તેની શરૂઆત ‘લેબોરેટરી’ તરીકે જાણીતા ગુજરાતથી જ થઈ છે. રાજ્યની આશરે ૪૨ હજાર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ ઉપરાંતના પૂરક વાચન તરીકે સંઘ પરિવારના ‘શિક્ષણવિદ્દ’ દીનાનાથ બત્રાનાં પુસ્તકો ધુસાડી દેવામાં આવ્યાં છે. એ મતલબનો પરિપત્ર રાજ્ય સરકારે કરી દીધો છે. ‘શિક્ષણનું ભારતીયકરણ’ જેવો સંદેહાસ્પદ દાવો ધરાવતાં બત્રાનાં પુસ્તકોમાં કેવી સામગ્રી ભરેલી છે, તેનાં ઉદાહરણો પ્રસાર માઘ્યમોમાં આવી રહ્યાં છે. તેમાં એ જ જૂની-પુરાણી, ‘બધી શોધો ભારતમાં થઈ હતી’વાળી મિથ્યાભિમાની અને પૂરતા આધાર પુરાવા વગરની દલીલો છે. જેમ કે, ‘રામાયણ’માં આવતા પુષ્પક વિમાનને બત્રા આઘુનિક વિમાનનું પૂર્વજ ગણાવીને એવું સિદ્ધ કરે છે કે વિમાનની શોધ રાઇટ બ્રધર્સે નહીં, ૠષિમુનિઓએ કરેલી. એવી જ રીતે, ટીવીની શોધ પણ દુષ્ટ ધોળી ચામડીવાળાએ કરી ન હતી. મહાભારતના યુદ્ધ વખતે સંજયે જે દિવ્ય દૃષ્ટિ વાપરીને ઘૃતરાષ્ટ્રને યુદ્ધનો અહેવાલ આપ્યો એ હકીકતમાં ટીવીનું લાઇવ ટેલીકાસ્ટ હતું.

આ જાતની દલીલો વર્ષોથી થતી આવી છે અને તેની કચાશ પણ સંતોષકારક રીતે સિદ્ધ થઈ ચૂકી છે. ગૌરવગાનમાં ભાન ભૂલેલા બત્રા જેવા ઘણા લોકો ‘ફિક્શન’ અને ‘સાયન્સ ફિક્શન’ વચ્ચેનો સાદો તફાવત અંકે કરી શકતા નથી અથવા તેની સગવડે ઉપેક્ષા કરે છે. જુલ્સ વર્ન કે એચ.જી.વેલ્સ જેવા ઘણા લેખકોએ તેમના જીવનકાળનાં પચીસ-પચાસ-સો વર્ષ પછી થનારી શોધો વિશે પોતાની કથાઓમાં લખ્યું હતું. લિઓનાર્દો દ વિન્ચી તો એ બાબતમાં પાંચસો-છસો વર્ષ આગળ હતો.

પરંતુ વ્યાસ-વાલ્મીકિનાં મહાકાવ્યોમાં આવતી વાતોને ‘વૈજ્ઞાનિક શોધો’ તરીકે સાબીત કરવામાં મૂળભૂત વાંધો છે. તે સ્વતંત્રપણે ન સમજાય તો પણ વર્ન કે વેલ્સની વાર્તાઓ વાંચીને દીવા જેવો સ્પષ્ટ થઈ જવો જોઈએ. બત્રાએ આપેલા ઉદાહરણની જ વાત કરીએ તો, રામાયણમાં પુષ્પક વિમાન આવે છે. પરંતુ તેના વર્ણનમાં હવા કરતાં વઘુ વજન ધરાવતો પદાર્થ શી રીતે ઉડી શકે એ વિશે કશું જાણવા મળતું નથી, જ્યારે જુલ્સ વર્નનાં વિમાન, હેલિકોપ્ટર કે સબમરીનનાં વર્ણનો કેવળ વાર્તા નથી. તેમાં વિજ્ઞાનના સિદ્ધાંતો સમજાવીને ખુલાસાવાર દર્શાવાયું છે કે હેલિકોપ્ટર કેવી રીતે હવામાં ઉડી શકે, સબમરીન કેવી રીતે પાણીની સપાટીની નીચે તરી શકે અથવા માણસ કેવી રીતે ચંદ્ર પર જઈ શકે. ખરેખર હેલિકોપ્ટર કે સબમરીન બન્યાં કે માણસ ચંદ્ર પર પહોંચ્યો ત્યારે વર્ને માંડેલી ઘણીખરી ગણતરીઓ અને તેમની વિજ્ઞાન આધારિત અટકળો સાચી પડી હતી. રામાયણ-મહાભારત પરથી બત્રાએ તારવેલાં એકેય ‘વૈજ્ઞાનિક સંશોધન’ વિશે આવું કહી શકાશે?

સૌથી ખતરનાક બાબત એ છે કે જિજ્ઞાસાથી ખદબદતાં બાળકોની જીવનનો પાયો ઊભા કરવાની પ્રક્રિયામાં આવો ‘માલ’ શિક્ષણ અને રાષ્ટ્રગૌરવના નામે ઠલવાઈ રહ્યો છે. દેશનો વિસરાયેલો જ્ઞાનવારસો ખરેખર પુનઃસ્થાપિત કરવો હોય તો હિંદુત્વના રાજકારણ-માર્ગથી અલિપ્ત રહીને, જ્ઞાનમાર્ગે આગળ વધવું પડે, તેના વિશે સંશોધન કરવું પડે અને ટીકાકારોને પણ સ્વીકાર કરવો પડે એટલી નક્કરતાથી ભારતીય જ્ઞાનની મહત્તા સિદ્ધ કરી આપવી પડે.

આત્મદયા અને મિથ્યાભિમાનના વિરોધાભાસી અને ઝેરી કોકટેઇલથી તો નશો નીપજે, જ્ઞાન નહીં.

સૌજન્ય : “ગુજરાત સમાચાર”, તંત્રીલેખ, 29 જુલાઈ 2014

Loading

કોંકણી કરે તે આપણે કેમ ન કરી શકીએ?

દીપક મહેતા|Opinion - Literature|4 August 2014

ગુજરાતી છાપાંઓને તો આવા સમાચારોમાં રસ ક્યાંથી પડે?

પણ થોડા દિવસ પહેલાં અંગ્રેજી છાપામાં ય ખૂણેખાંચરે એક સમાચાર છપાયા હતા. મેંગલોર ખાતે વર્લ્ડ કોંકણી સેન્ટરની એક બેઠક મળી હતી. તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે કોંકણી ભાષામાં પ્રગટ થયેલાં બધાં પુસ્તકો એકઠાં કરવાં અને તેમને સ્કેન કરીને ડીજિટલ ફોર્મમાં મૂકવાં, જેથી હવે પછીની પેઢીઓ માટે આ ગ્રંથભંડાર સચવાઈ રહે. કર્ણાટક, ગોઆ, અને કેરળમાંથી આવેલા કોંકણી ભાષાના લેખકો, વિદ્વાનો અને સંશોધકોએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

અલબત્ત, આવાં કામ તબક્કાવાર જ કરવાં પડે. એટલે સૌથી પહેલાં મૌખિક સાહિત્યને લિખિત રૂપે રજૂ કરતાં પુસ્તકો (એટલે કે સાદી ભાષામાં કહેવું હોય તો લોકસાહિત્યનાં પુસ્તકો, પ્રાચીન ગ્રંથોને આધારે લખાયેલા ગ્રંથો, છેલ્લાં એક સો વર્ષમાં પ્રગટ થયેલાં અને ‘ક્લાસિક’નો દરજ્જો પામેલાં પુસ્તકોને આ યોજના હેઠળ આવરી લેવાશે. આ દિશામાં કેન્દ્ર સરકાર પણ કામ કરવાની છે, પણ તેની રાહ જોયા વગર આ સંસ્થાએ પોતે કામ શરૂ કરવાનું નક્કી કર્યું છે. બીજો મહત્ત્વનો નિર્ણય એ લીધો છે કે આ બધાં પુસ્તકોને માત્ર ડીજિટલ સ્વરૂપે જ ન સાચવતાં તેની સાથોસાથ ‘વોઈસ-ઓવર’ ટેકનિકનો પણ ઉપયોગ થશે. એટલે કે એ પુસ્તકો માત્ર વાંચી જ નહિ શકાય, સાથોસાથ સાંભળી પણ શકાશે. (આ ટેકનિકમાં માનવ-અવાજમાં રેકોર્ડીંગ કરવાની જરૂર નથી હોતી. કમ્પ્યુટરના સ્ક્રીન પર જે લખાણ હોય તે સોફ્ટવેરની મદદથી સાંભળી શકાય. આમ કરવું એટલા માટે જરૂરી છે કે અત્યારે કોંકણી ભાષા એક નહિ પણ ચાર જુદી જુદી લિપિમાં લખ્યા-છપાય છે : દેવનાગરી, કન્નડ, મલયાલમ, અને રોમન. પણ તેને પરિણામે ભાષા એક જ હોવા છતાં બધા કોંકણીભાષીઓ બધાં કોંકણી પુસ્તકો વાંચી શકતા નથી. વોઈસ-ઓવરને પ્રતાપે આ મુશ્કેલી દૂર થશે. ઉપરાંત અંધ જનો, બાળકો, નિરક્ષર લોકો વગેરેને પણ આ સગવડથી લાભ થશે.

છેલ્લા કેટલાક દાયકાથી જ કોંકણી ભાષા ઠરીઠામ થઈ છે. આજે તો તે ગોઆની રાજ્યભાષા છે, પણ અગાઉ પોર્તુગીઝ શાસન દરમ્યાન કોંકણી ભાષાને દબાવી દેવાના વ્યવસ્થિત પ્રયત્નો સરકારી રાહે થયા હતા. બાકીના દેશ કરતાં ગોઆને આઝાદી મોડી મળી. તે પછી કેટલાંક વર્ષો મરાઠી ભાષા સાથે ઝગડો ચાલ્યો. તે વખતે મરાઠીભાષીઓ કોંકણીને અલગ ભાષા તરીકે જ સ્વીકારવા તૈયાર નહોતા. તેમનું કહેવું હતું કે કોંકણી તો મરાઠીની એક બોલી છે. આની પાછળનું એક કારણ એ હતું કે જો આ વાત સ્વીકારાય તો ગોઆ મહારાષ્ટ્રનો ભાગ બને. પણ પહેલાં દિલ્હીની સાહિત્ય અકાદેમીએ અને પછી દેશના બંધારણે કોંકણીને અલગ ભાષાનો દરજ્જો આપ્યો. બીજો ઝગડો ચાલ્યો લિપિ અંગેનો. ચારે લિપિવાળાઓ પોતપોતાની તરફ આ ભાષાને ખેંચવા માગતા હતા. પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો તે પછી રોમન લિપિમાં કોંકણી લખવાનું તો ઘણું ઓછું થઇ ગયું. પણ બાકીની લિપિઓ ચાલુ રહી. દેવનાગરી જ તેની સત્તાવાર લિપિ હોવી જોઈએ એવી માંગ ઊઠતી રહે છે, પણ લોકો આજે પણ જુદી જુદી લિપિ વાપરે છે. મરાઠી કે ગુજરાતીની સરખામણીમાં કોંકણીમાં પુસ્તકો, છાપાં, સામયિકો, વગેરે ઘણી ઓછી સંખ્યામાં પ્રગટ થાય છે. અને આમ થાય એ સ્વાભાવિક છે, કારણ કોંકણી બોલનારાઓની સંખ્યા આજે પણ પચ્ચીસ લાખ કરતાં વધારે નથી. આવી બધી મુશ્કેલીઓનો સામનો કરીને આજે હવે કોંકણી ભાષા પગભર થઈ છે. અને તે આવતી કાલનો વિચાર કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરવા તત્પર થઈ છે.

પણ ખરી મજાની વાત તો હવે આવે છે. મેંગલોરમાં જે બેઠક મળી તેના પ્રમુખસ્થાને કોણ હતું? જાણીતા ઉદ્યોગપતિ અને આઈટી નિષ્ણાત ટી.વી. મોહનદાસ પાઈ. અને જે યોજના ઘડાઈ છે તેમાં તેમનો મોટો આર્થિક ટેકો પણ રહેવાનો છે. હા, આપણા કેટલાક દાઢીવાળા ખેરખાંઓ ચીસ પાડશે : ભાષા-સાહિત્યના કામમાં તે વળી ઉદ્યોગપતિનું શું કામ? ભાષા અને સાહિત્ય માટે શું સારું, શું નરસું, શું કરવું, શું ન કરવું એ નક્કી કરવાવાળા અમે બેઠા નથી, તે ઉદ્યોગપતિઓના ખોળામાં બેસવાનું? પણ જરા વિચાર કરો.

ફોર્બ્સની યાદી પ્રમાણે ભારતના ટોચના દસ ધનવાનોમાંથી પાંચ ગુજરાતી છે. આ પાંચે સ્કૂલ-કોલેજ, હોસ્પિટલો, મંદિરો બંધાવે છે, તેના પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. પણ ગુજરાતી ભાષા-સાહિત્ય માટે કોઈએ એક પણ નક્કર કામ કર્યું? કોઈએ નવી લાયબ્રેરી ઊભી કરી? અરે, નવીની વાત જવા દો, કોઈ લાયબ્રેરીને દત્તક લીધી? ગુજરાતી પુસ્તકો, સામયિકો વેચવા માટેની સગવડ પોતાનાં વેચાણ-કેન્દ્રો પર આપી? હા, જલસા જેવા સાહિત્યના કે સંગીતના કાર્યક્રમો માટે પૈસા આપે, સુવિનરોમાં કે સામયિકોમાં જાહેર ખબરના ટુકડા ફેંકે, પણ ભાષા કે સાહિત્યનું નક્કર કામ કરવામાં કોઈએ ક્યારે ય રસ લીધો? કેમ? બધો વાંક એમનો નથી. ‘ભાષા-સાહિત્યવાળાઓ’નો પણ છે.

ગુજરાતીને કોઈ મોહનદાસ પાઈ મળશે? ક્યારે? કોંકણી કરે તે આપણે કેમ ન કરી શકીએ?      

સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 04 અૉગસ્ટ 2014

Loading

...102030...3,9623,9633,9643,965...3,9703,9803,990...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved