Opinion Magazine
Number of visits: 9696380
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇલા કાવ્યો : ભગિનીપ્રેમનું ઉપનિષદ

દીપક મહેતા|Opinion - Literature|10 August 2014


ઇલા ! સ્મરે છે અહીં એક વેળા
આ ચોતરે આપણ બે રમેલાં;
દાદાજી વાતો કરતા નિરાંતે,
વહેલા જમીને અહીં રોજ રાતે.

આ પંક્તિઓથી શરૂ થતું ‘કલ્યાણ’ નામનું કાવ્ય જે કાવ્યસંગ્રહમાં પ્રગટ થયું હતું તે ‘ઇલા કાવ્યો’ ન વાંચ્યો કે જોયો હોય છતાં આ કાવ્યથી પૂરેપૂરા પરિચિત હોય એવા ઘણા બધા વયઃશ્રેષ્ઠીઓ આજે પણ ઘણા બધા જોવા મળશે. કારણ કેટલાં ય વર્ષો સુધી ચંદ્રવદન મહેતાનું આ કાવ્ય પાઠ્ય પુસ્તકોના એક અનિવાર્ય ભાગ જેવું બની ગયું હતું. આપણાં લોકગીતોમાં અને લોક કથાઓમાં ભાઈ-બહેનના સંબંધો અંગેનાં ઘણાં કાવ્યો અને કથા કાવ્યો જોવા મળે, પણ ઓગણીસમી સદીથી શરૂ થયેલા અર્વાચીન યુગના સાહિત્યમાં આજ સુધીમાં ભાઈ-બહેનના સંબંધ વિષે પ્રમાણમાં ઓછું લખાયું છે. તેમાં એક અપવાદ હોય તો ચંદ્રવદન મહેતાનો કાવ્ય સંગ્રહ ‘ઇલા કાવ્યો.’ બે-ત્રણ કાવ્યોને બાદ કરતાં તેમાંનાં બધાં કાવ્યોના કેન્દ્રમાં ભાઈ-બહેનનો સંબંધ રહ્યો છે. ૧૯૩૩માં પ્રગટ થયેલી આ પુસ્તકની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈ કહે છે : “મારી જીવંત મૂર્તિ ઇલાએ મારા જીવનમાં સજીવન કરેલા સંસ્કારના બદલામાં આ સંગ્રહના રૂપમાં વળતર – એનું તે શું પ્રમાણ? બહેનના એ નિર્મળ પવિત્ર નિઃસ્વાર્થ ભાવનો આ કેટલો નિર્બળ પડઘો! એને દીધેલા સંતાપ, એને ચીડવવાના કરેલા પાપનું આ કેટલું નિર્જીવ પ્રાયશ્ચિત્ત! … પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે એક સ્મારક.”

અહી ‘સ્મારક’ શબ્દ નોંધ્યો? ભાઈ-બહેનના સંબંધનાં કાવ્યો ઇલા કાવ્યોમાં છે, પણ તેમાંનાં ઘણાખરાં બહેનના અવસાન પછી લખાયેલાં છે. એટલે વિશાદ, અવસાદ એ આ કાવ્યોનો મુખ્ય સૂર છે. કવિ ભૂતકાળનાં સ્મરણો વાગોળે છે તેમાં આનંદ-ઉલ્લાસ, મજાક-મશ્કરી, રિસામણાં-મનામણાં એ બધું છે જરૂર, પણ છેવટે સંભળાય છે તે તો કવિનો દઝાડતો નિઃશ્વાસ – તે હિ નો દિવસાઃ ગતાઃ. સંગ્રહનું પહેલું કાવ્ય છે ‘અર્પણ.’ તેની પહેલી બે પંક્તિઓ જુઓ :

પ્રિયમ્ – અહહ! નામ એ ન ઉચ્ચરાય હાવાં પૂરું,
અને હૃદયમાં ભર્યું પૂરણ, ઓસરે ના જરી.

પહેલી પંક્તિમાં બહેનનું નામ પણ પૂરું નથી ઉચ્ચારી શકતા કવિ, નામ બોલતાં ગળે ડૂમો બાઝે છે, કંઠ રૂંધાય છે. હૈયે તો સદાનું જડાયેલું છે એ નામ, પણ હોઠે નથી લાવી શકતા કવિ. પણ પોતાના શોક પર કાબૂ મેળવી શ્લોકની રચના ન કરી શકે તો એ કવિ શાનો? ચૌદ પંક્તિના સોનેટની છેલ્લી પંક્તિ સુધી પહોંચતાંમાં કવિ જાત પર અંકુશ મેળવી લે છે, અને કહે છે :

‘છો તૂટે ઉર પ્રિયંવદા! ઓ ઈલા!’

ચન્દ્રવદન મહેતાનો જન્મ ૧૯૦૧ના એપ્રિલની છઠ્ઠી તારીખે. ‘ઇલા કાવ્યો’ સંગ્રહ પ્રગટ થયો ૧૯૩૩માં. એટલે કે એ વખતે કવિની ઉંમર માંડ બત્રીસ વર્ષની. અને બહેનનું અવસાન તો તે પહેલાં થઈ ચૂક્યું છે. એટલે અહીં જે કાવ્યો સંગ્રહાયાં છે તેમાંનાં ઘણાંમાં કિશોર અવસ્થાના ભાવ, પ્રસંગ, વિચાર, તરંગ જોવા મળે છે. ‘દેવબાલ’ નામના કાવ્યમાં કવિ કહે છે :

ઇલા! કદિ હોત હું દેવબાલ!
તારા ભરી આપત એક થાળ,
એના વડે કૂકડી દાવ સાથે
બંને રમ્યાં હોત અહો નિરાંતે.

આવું, સપના જેવું, બાળપણ શું વીતી જશે? શું ક્યારેક મૃત્યુ પણ સામે આવીને ઊભું રહેશે? ‘ઓળખ’ નામના કાવ્યના આરંભે કવિ કહે છે :

કેવો મજેનો સુખી બાલ્યકાળ!
આ મસ્તી, તોફાન, જવું નિશાળ;
ઇલા! થશે શું અતિ દિવ્ય એવું
નિર્દોષ આ જીવન સ્વપ્ન જેવું?

અહીં મોટા ભાગનાં કાવ્યો ભાઈની બહેનને સંબોધીને થતી વાત રૂપે રજૂ થયાં છે, પણ ક્યારેક બહેનની ઉક્તિ રૂપે પણ જોવા મળે છે. જેમ કે :

આજે મને એક થઈ છ હોંશ,
તે ભાઈ તારો નકી જોઉં જોશ;
જન્મોત્રી તારી અહીં લાવ વારુ,
એમાં ગણીને કહું ભાવી તારું.

‘જન્મોત્રી’ નામના આ કાવ્યમાં પછી તો બહેન મજાકમાં આમ પણ કહે છે :

એથી મને જો કંઈ દાન થાય,
તો નક્કી આજે ગ્રહ શાંતિ થાય.

ગાંધી યુગના આપણા બે કવિઓ સુન્દરમ (૧૯૦૮) અને ઉમાશંકર (જન્મ ૧૯૧૧) કરતાં ઉંમરમાં અને કાવ્યલેખનની બાબતમાં પણ ચંદ્રવદન થોડાક આગળ. સુન્દરમને સહજ (ઉમાશંકરને કદાચ નહિ) એવી નિખાલસતાથી તેમણે શકવર્તી ગણાયેલા ગ્રંથ ‘અર્વાચીન કવિતા’માં કહ્યું છે : “જ્યારે ચંદ્રવદન મહેતાએ ‘યમલ’માં પૃથ્વી છંદનો ચોટદાર પ્રયોગ કર્યો ત્યારે સુંદરમને એ છંદનું જ્ઞાન ન હતું, અને સુન્દરમે જ્યારે ઠીક ઠીક કાબૂથી એ છંદ વાપરવા માંડ્યો ત્યારે ઉમાશંકર જોશી એ ‘પ્રભુત્વ’થી આશ્ચર્યમુગ્ધ થઈને પોતાની એવા છંદ લખવાની અશક્તિથી દિલગીર થયા હતા.” અલબત્ત, પછીથી કવિતા નહિ, પણ નાટક એ ચંદ્રવદનભાઈ માટે અભિવ્યક્તિનું મુખ્ય માધ્યમ બની રહ્યું. સુંદર, સ્વચ્છ, સુઘડ પુસ્તકોનું પ્રકાશન આપણી ભાષામાં છેલ્લાં વીસેક વર્ષમાં જ થવા લાગ્યું એવો ભ્રમ જેમને હોય તેમણે ઇલા કાવ્યોની ૧૯૩૩ની પહેલી આવૃત્તિની નકલ મળે તો જોવી. દરેક પાને કનુ દેસાઈનાં સુંદર રેખાંકનો સાથેની એ આવૃત્તિમાં સાદગીનો વૈભવ છે અને વૈભવની સાદગી છે.

ગાંધી યુગના આપણા બે લેખકો પૂરેપૂરા આખાબોલા અને કડવાબોલા. તેને કારણે વિવેચકો અને અભ્યાસીઓ તરફથી તેમને ખાસ્સું વેઠવું પડ્યું. તેમાંના એક ચંદ્રવદન, અને બીજા મનસુખલાલ ઝવેરી. એટલે ઇલા કાવ્યોને માથે પણ કેટલાકે પસ્તાળ પાડેલી. કોઈ કહે કે આ ઇલા સાચી છે કે ખોટી? કોઈ પૂછે કે ઇલા એક છે કે એક કરતાં વધારે? કોઈએ તો ત્યાં સુધી પણ કહી નાખ્યું કે આ કાવ્યોમાં ભાઈ-બહેનના પ્રેમની નહિ, સ્ત્રી-પુરુષના પ્રેમની ગંધ આવે છે. સંગ્રહની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈએ લખ્યું હતું : “ઇલા કલ્પિત નથી; જીવંત વ્યક્તિ છે. ઘણાના જીવનમાં ઘણી વ્યક્તિઓ વણાએલી હોય છે, એમ એ મારા જીવનમાં વણાએલી છે. વળી ઇલા એક નથી, ત્રણ છે. ત્રણમાંની બે મને મૂકીને ચાલી ગઈ.” છતાં, કવિની વાત માને તો એ વિવેચક શાના? જે ત્રણ વ્યક્તિઓને એકરૂપ કરીને કવિએ ‘ઇલા’ નામ આપ્યું છે તે ત્રણે વ્યક્તિઓને અંગત રીતે ઓળખનાર એક વયોવૃદ્ધ સાક્ષરે જાહેરમાં લખ્યું કે ઇલા કાલ્પનિક વ્યક્તિ છે. એટલે પછી ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં ત્રણ વ્યક્તિઓનાં નામ ચન્દ્રવદનભાઈએ જાહેર કર્યાં. હકીકતમાં કાવ્ય કૃતિનું સર્જન થઈ જાય તે પછી વાસ્તવિકતાની ભૂમિ સાથેનો તેનો સંબંધ જ કપાઈ જાય છે – જેમ બાળકનો માતા સાથેનો નાળ-સંબંધ જન્મ પછી કપાઈ જાય છે તેમ. એટલે ઇલા વાસ્તવિક કે કાલ્પનિક, ઇલા એક છે કે ત્રણ, ઇલામાં બહેન નજરે પડે છે કે પછી … આવા સવાલો જ અસ્થાને છે. એક-બે દાખલાથી વાત સ્પષ્ટ થશે. પહેલી પત્નીના અવસાન પછી રામનારાયણ વિ. પાઠકે એક અદ્દભુત હૃદયસ્પર્શી સોનેટ લખ્યું – ‘ધમાલ ન કરો, જરી ન નેણ ભીનાં થશો’ એ પંક્તિથી શરૂ થતું. થોડા વખત પછી તેમણે બીજું લગ્ન કર્યું. પણ તેથી કાંઈ પેલા કાવ્યની હૃદયસ્પર્શીતા ઓછી થતી નથી. પરદેશી નાગરિક હોવાને કારણે અમદાવાદ છોડવું પડે એવી શક્યતા ઊભી થઈ ત્યારે આદિલ મન્સૂરીએ ‘નદીની રેતમાં રમતું નગર’વાળી કૃતિ રચી. થોડાં વર્ષો પછી તેઓ સ્વેચ્છાએ ભારત છોડી અમેરિકાવાસી થયા. પણ તેથી કાંઈ પેલી ગઝલનું દર્દ ઓછું થતું નથી.

આપણી કવિતામાં – અને ગદ્ય લખાણોમાં પણ – જે સંબંધની વાત ઘણી ઓછી થઈ છે તે ભાઈ-બહેનના સંબંધને ઉજાગર કરતાં આ કાવ્યો આજ સુધી અનોખાં રહ્યાં છે. ઇલા કાવ્યો એટલે રક્ષા બંધનને દિવસે તો અચૂક યાદ કરવા જેવું ભગિની-પ્રેમનું ઉપનિષદ.       

સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 10 અૉગસ્ટ 2014

Loading

વીજલમા

શરીફા વીજળીવાળા|Profile|10 August 2014

એમનું ખરું નામ શું હતું એ તો ખબર્ય નથી; પણ અમે બધાં એમને ‘વીજલમા’ કહેતાં. હું સમજણી થઈ ત્યારથી અમારા ઘર્યે આવતાં જોતી. મધ્યમ કાઠી, એકવડિયો; પણ ખડતલ બાંધો. પરસેવાથી ઝગારા મારતું, છૂંદણાંવાળું મોં. મોઢા પર અને આખ્યુંમાં એવું તેજ જે એમને બાકીનાં બધાંથી નોખાં તારવે … ભૂખરી જીમી, કાળો પછેડો ને ભૂખરું કાપડું પહેર્યું હોય … કાનમાં ઢગલોએક રૂપાની વાળિયું પહેરેલાં વીજલમા એમના વાસની બાકીની બાયુંની જેમ કાનમાં ઠોળિયાં ને હાથમાં બલોયાં કેમ નો’તાં પેરતાં એ તો મોટાં થયાં ત્યારે સમજાયેલું. આપણે ત્યાં સ્ત્રી પરણેલી છે કે વિધવા છે તે વગર કીધે સમજાઈ જાય એવાં ધારાધોરણો સમાજે ઊભાં કરી આપેલાં છે અને ડાહીડમરી સ્ત્રીઓ હોંશે હોંશે એ પાળતી આવી છે. ધણીના લાંબા ગામતરા પછી વીજલમાએ ત્રણેય દીકરિયુંને એકલા હાથે સારે ઠેકાણે વરાવી–પરણાવી … વાર–તે’વારે અમારા ઘરમાં પાલી–બે પાલી બાજરી–જાર ઠાલવી જતાં, અમારા હાથમાં રૂપિયો–રડો પકડાવી જતાં વીજલમા અમારાં શું સગાં થતાં’તાં ? બા એને માશી કે’તાં. દાડી–દપાડી કરીને પેટનો ખાડો ભરતી આ ડોશી મારી બાને દેવામાં કોઈ દા’ડો ચૂક્યાં હોય એવું હૈયે નથી ચડતું … એક દી પૂછી નાખ્યું કે, ‘વીજલમા, તમે મારી બાનાં શું સગાં થાવ ? તો જવાબ મળ્યો, ‘બટા, તારી માનીને મારી પિયરની એક દશ … બે જ ગાઉનો ગાળો … હું એની ‘દશ–માશી’ થાઉં … તારી માને મા નઈં અટલે પશી મારે જ ટાણું હાસવવાનું હોય ને ?’

અઠવાડિયે પંદર દા’ડે વીજલમા એકાદ આંટો જરૂર મારે … જઈં આવે તઈં એના પશેડાના છેડે કાંક્ય ને કાંક્ય બાંધ્યું જ હોય … ફળિયામાં પાર વગરના ખાટલા ઢાળેલા હોય; પણ ઈ ધરાર હેઠાં જ બેહે … અમે રાડ્યું નાખીએ … ‘વીજલમા આંયા મારી પાંહે આવતાં રયો, ઘણો માગ સે …’ પણ ઈ ધરાર બેઠાં હોય ન્યાંથી નો હલે … ‘ના બુન, હું મારે આંયા કણે ઠીક સું …’ અમે જેમ જેમ મોટાં થતાં ગયાં, સમજણાં થતાં ગયાં. એમ એમ અમારો વિરોધ સજ્જડ થતો ગયો. આવું કેમ ? એ પ્રશ્ન ધાર પકડતો ગયો. વીજલમા આવે એટલે અચૂક ચા મેલાય. અમારા ઘરને ફરતી આરપાર કાંય નો દેખાય એવી મોટી ડીંડલિયા થોરની વાડ્ય હતી. વાડ્ય માલીપા કંઈક જીવજંતું પડ્યાં રયે, જાતભાતનાં પંખી માળા બાંધે … ઈ વાડ્યની એક બખોલમાં એક ડાંડલા વગર્યનો કૉપ પડ્યો રયે, કાયમ … જેવી ચા કીટલીમાં ગળાય કે તરત જ વીજલમા ઊભાં થાય. ફળિયામાં માંડેલી કોઠીએ જઈને પેલો કૉપ વીછળે, પછી એમાં ચા ગળાય ને મારું મગજ ફાટી જાય … હું ધરાર રકેબીમાં ચા ગાળું;  પણ વીજલમા નો લ્યે … ‘ના બુન, અમે ઢેઢ કેવાઈં, તમારો ધરમ અભડાય તો મું નરકમાં પડું …’ ને હું મનોમન એવા ધરમને મણ મણની જોખીને દેતી. આમે ય અભડાવાની વાતે હું કાળઝાળ થઈ જતી પેલેથી જ .. અમારા કેટલા ય ગોઠિયા અમારા ગોળાનું પાણી નો પીતાં … ને કેટલાયને ઘર્યે ‘ખોબો ધર્ય, પાણી રેડું’ કે’વાતું … નાની હતી ત્યારે તો ખોબો ધરતી; પણ સમજણી થઈ ત્યારથી નક્કી કરેલું કે જે આપણાથી અભડાય એનાથી આપણેયે અભડાવું … એના ઘરનું પાણી અગરાજ ગણવું … હવે એમાં મારા જ ઘરમાં વીજલમા રકેબીમાં ચા નો પીવે ઈ કેમનું ખમાય ? પણ મરતાં લગી એમણે એમનો એ ડાંડલા વગર્યનો કૉપ ન મેલ્યો તે ન જ મેલ્યો .. મારા ઘર્યે મેમાન આવે એટલે વીજલમા ‘લે બુન, સા–મોરસના પૈસા … હંધાય હાટું અસલની રગડા જેવી ચા મેલ્ય જોઈં …’ કહીને બેસે … એના ઘરની ચાથી અભડાવાય એટલે આવો રસ્તો નીકળે … અમારી અકળામણથી મારી બા કે વીજલમા કોઈનું રુંવાડુંયે નો ફરકે … વીજલમાને પેટમાં દુખે ત્યારે હાથ–પગ–પેટ બધું ચોળી દેતી મારી મા કે ખાવા–પીવાની નાનીથી મોટી ચીજ અમારી ઓસરીમાં ઠલવી જતાં વીજલમા .. આ બેઉનું અભડાવું મને કોઈ દી ગળે ન ઉતર્યું.

અમારા ઘરમાં એ કાઠાં વર્ષોમાં ગમે તેટલા ટાંટિયા સંકોરીએ તો ય ચાદર ટૂંકી જ થાતી’તી. ઘરમાં ચૂલાનો દેવતા ટાઢો પડવાની તૈયારીમાં હોય, નાખી નજરે કોઈ નો દેખાતું હોય, તંઈ છેલ્લે બા વીજલમા પાંહે હાથ લાંબો કરે … ને ઈ ડોશી ગમે ન્યાંથી સો–બસોની સગવડ કરી દ્યે … પોતે વ્યાજે લાવે ને મારી બાને ઉછીના દ્યે … દર ખીહર્યે પોટલું લઈને આવે : ‘લે બુન, આ ખીહર્યનો ખીસડો …’ પોટલામાં બે–અઢી પાલી ઘઉં, બાજરી કાં તો જાર્ય હોય. ઓસરીમાં ઠાલવતાંક બે–ત્રણ રૂપિયા અમારા હાથમાં પકડાવીને વાજોવાજ નીકળી જાય ફળિયા બા’રાં … મારી બાના નિમાણા મોઢા સામે જોવાની એમનામાં હામ નો’તી. બધા વાર–તેવાર ભૂલ્યા વગર સાચવે. તલ, ડોડા, ચીભડાં, શીંગ, બોર, શેરડી … મોસમે–મોસમની ચીજુંનો ફળિયામાં ઘા કરતાં જાય .. એમના ઘર્યે કાંય વાડી–વજીફાં નો’તાં .. ઈ પોતે દાડિયું કરતાં .. ને ન્યાંથી જે મળે એમાં અમારો ભાગ અચૂક પાડે … દાડિયું હાલે ન્યાં લગી દાડી કરે ને ઉનાળાના માથું ફાડી નાખતા તડકામાં ડુંગરે–ડુંગરે રખડી–રવડીને પાણકંદા ખોદે અને વેચે … ને તોયે ઈ કાઠા કાળમાં એણ્યે મારી બાને કેટલી વાર મદદ કરી હશે ઈ તો ઈ બે જાણે … ને ત્રીજો ઉપરવાળો જાણે, જો હોય તો … કારેક ખીહર્યનો ખીસડો તો કંઈક નવા વરસની બોણી … સાતમ્ય–આઠમ્ય ને ભીમ અગિયારસ … તેવારના આપણે ક્યાં દુકાળ સે ? વીજલમાને દેવા માટે બહાનાં નો’તાં કાઢવાં પડતાં ને મારી માને એમની પાંહેથી લેવામાં નાનમ નો’તી લાગતી … પણ જાતી જિન્દગીએ જંઈ કર હાલતા બંધ થ્યા તંઈ આ ડોશીની લાચારી કોરી ખાતી … જેના ધણીએ જિન્દગી આખી દીધું જ હોય ને સપનામાં ય હાથ લાંબો નો કર્યો હોય … એની જીભ માગતાં ઉપડે કેમની? ને અમારા ઘરમાં તો ઉઘાડો ઉઘાડાને શું ઢાંકેના ખેલ હતા … પણ મોટીબેન કમાતી થઈ પછી થોડા–ઘણા દેતી થઈ … પૈસા લ્યે; પણ રાતાં પાણીએ રોતાં જાય … ‘અરે બુન, આ દીકરીની કમાણી ખાઈને મું કયે ભવ સુટવાની?’ એવું બોલતાં જાય … ફાર્મસી પૂરું કરીને હું ઍલેમ્બીકમાં ટ્રેઈની તરીકે જોડાઈ. મહિને ૪૫૦ રૂપિયા મળતા. મારા પેલ્લા પગારમાંથી મેં ૫૦ રૂપિયાની નોટ વીજલમા માટે સાચવી રાખેલી. ઘરની બા’રાં નીકળ્યાં ત્યારે રસ્તા વચાળ જઈને મેં ઈ નોટ એમને દીધી ત્યારે નીતરતી આંખે એમણે જેટલા આશીર્વાદ આપેલા એટલા તો કદાચ મારી માએ પણ કોઈ દી નહીં દીધા હોય …

(નવેમ્બર ૨૦૧૧માં પ્રકાશિત થયેલા લેખિકાના પુસ્તક ‘સમ્બન્ધોનું આકાશ’ (કુલ પાન : 71+8; કિમ્મત રૂપિયા 80; પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન – ‘સ્વમાન પ્રકાશન’, આલ્ફા ભવન, 12– સુહાસનગર, સેલ્સ ઇન્ડિયાની પાછળ, ઑફ આશ્રમ રોડ, દિનેશ હૉલ રોડના છેડે, સંકલ્પ રેસ્ટોરાંની સામેની ગલીમાં, અમદાવાદ – 380)

સર્જક–સમ્પર્ક : eMail : skvijaliwala@yahoo.com

સૌજન્ય : ‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ દસમું – અંકઃ 302 – August 10, 2014

અક્ષરાંકન ઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

Loading

કોને કહીશું આજે ‘ક્વિટ ઈન્ડિયા’?

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|9 August 2014

– કોને કહીશું આજે 'ક્વિટ ઈન્ડિયા’?

– ૯ ઓગસ્ટ; કદી સ્વાધીનતા આવે – વિનંતી, ભાઈ છાની : અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની

ક્વિટ ઈન્ડિયા … યુસુફ મહેરઅલીને સૂઝી રહેલા આ બે શબ્દો કેમ જાણે સ્વરાજસંગ્રામનો મંત્ર બની રહ્યા, અને સન બયાલીસ બિલકુલ સન સુડતાલીસની નાન્હી ઘટના સરખું સંઘષવર્ષ બની રહ્યું. કૃતજ્ઞ રાષ્ટ્ર આજે નવમી ઓગસ્ટે એ સૌ કુરબાનીઓને સંભારશે જેને કારણે આપણે છીએ. ગુજરાત આંગણે મહાનગર અમદાવાદમાં વિનોદ કિનારીવાલાનું થાનક એવા જ એક પ્રેણાર્તીથ શું ખડું છે – રાષ્ટ્રીય શાયર મેઘાણીની એ યાદગાર અમર પંક્તિઓ સાથે કે 'કદી સ્વાધીનતા આવે – વિનંતી, ભાઈ છાની : અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની’

જુલાઈમાં વસન્ત-રજબની શહાદત સંભારવાનું બને છે, ઓગસ્ટમાં કિનારીવાલા વગેરેને. જે એક વાત, આવે વખતે, કર્ણબધિર સૂત્રોચ્ચારો સાથે આપણા ખયાલમાં ઝટ કદાચ નથી આવતી તે એ છે કે આ સૌનાં બલિદાનો કોઈ સ્વપ્નરંગી ક્ષણાવેશ શી બીના નહોતી અને નથી. એક સમગ્ર ચિત્ર વસન્ત-રજબ, વિનોદ વગેરે સામે પોતપોતાની સમજ પ્રમાણે હતું. એ સ્વરાજસમણું હતું, એક એવા સ્વરાજનું જેમાં સૌહાર્દ તેમ સમતા પણ હોય.

નાતજાત કોમધરમ મજહબની સાંકડી ઓળખમાં નહીં ગંઠાતા સમાજ આખાની એક સમતાલક્ષી કલ્પના એ હતી. ત્યારે પ્રચલિત પ્રયોગ ખપમાં લઈને કહીએ તો દેશની તરુણાઈના ખાસા હિ‌સ્સાને લોકશાહી સમાજવાદ ઈષ્ટ હતો. તમે જુઓ કે સ્વરાજ આડે અઠવાડિયું પણ નહોતું અને કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકવા કોણ આવે એ પ્રશ્નનો ઉત્તર ગુજરાતના ત્યારના તરુણ નેતૃત્વને જયપ્રકાશમાં જડયો હતો જે કોંગ્રેસ સમાજવાદી પક્ષના લગભગ પર્યાયપુરુષ હતા.

બે વડા સાથીઓ અને સુભટો, નેહરુ અને પટેલ, જ્યારે સરકારસ્થ થયા ત્યારે કોંગ્રેસનું પ્રમુખપદ કોને સોંપવું એ સવાલનો ગાંધીને જડેલો જવાબ જયપ્રકાશનો હતો. જો કે, સ્થાપિત કોંગ્રેસ નેતૃત્વને એ નામ ગ્રાહ્ય નહોતું, જેમ ગુજરાતના વડીલ કોંગ્રેસજનોને ખાંભી સંદર્ભે પણ એ સ્વીકાર્ય નહોતું. પરંતુ, ગુજરાતના તરુણ નેતૃત્વે એ વાનું ગણકાર્યું નહીં અને તે જયપ્રકાશને નિમંત્રીને જ જંપ્યું. આ એ જ જયપ્રકાશ દિવસોમાં 'જરૂર પડે તો હાઈજેક કરીને પણ લાવો’ એવો આ બધું સંભારવાનો ધક્કો કોઈ પલપલ ઇતિહાસે ભરી બારમાસી કંદરામાં ભમવાભટકવાનો નથી; પણ સ્વરાજનિર્માણની સમાજવાદ કહેતાં આર્થિ‌ક-સામાજિક ન્યાયના વ્યાપક સંદર્ભમાં જે આર્થિ‌ક-સામાજિક કાર્યક્રમનો તકાજો આ દિવસોમાં પૂર્વે કદાપિ નહીં એ હદે સામે આવ્યો છે એની સમજને ધાર કાઢવાનો અને સંકલ્પને ઊંજવામાંજવાનો છે.

નરેન્દ્ર જ્યારે ચૂપેન્દ્ર નહોતા એ ગાળામાં બહુ ગાજેલો પ્રયોગ 'ગુજરાત મોડલ’નો હતો. વિકાસ શેનું નામ એવા કોઈ સાક્ષાત્કારક ચમત્કાર પેઠે સતત ઊછાળાતો રહેલો એ પ્રયોગ હતો અને છે. આ મોડલને જેટલો પ્રચારલાભ મળ્યો છે એટલો તપાસલાભ કદાચ નથી મળ્યો.

પણ સંક્ષેપમાં એટલું જ કહેવું બસ થશે કે એમાં વૃદ્ધિદરનો નિરતિશય મહિ‌મા છે. વૃદ્ધિ ઉચકાય એટલે વિષમતા જાય એવી એક દંતકહેણીએ મચેલો જે વિશ્વહંગામો એની જ એ ગુજરાત આવૃત્તિ છે. માત્ર, વિષમતા નિર્મૂલન અને સહભાગી વિકાસને 'વૃદ્ધિ’ ઉપરાંતની સારસંભાળ જોઈએ છે અને એ એક ન્યારો અગ્રતાવિવેક માગી લે છે એવી કોઈ જરૂરત પ્રચારશોર વચાળે ભાગ્યે જ કોઈના ખયાલમાં આવતી હશે. આમ લખતીકહેતી વખતે અલબત્ત એ વાનું તો ખયાલમાં જ હોય કે મૂડીવાદ અને સમાજવાદની કોઈ એક પરંપરાગત વ્યાખ્યા કે એમને વિશે કોઈ ચાલુ સમજ યથાવત્ નથી.

પણ જો મેળાપી મૂડીવાદની કળ ન વળે અને વૃદ્ધિ જ વૃદ્ધિ એવી મૂર્છા ન ઊતરે – સમતાલક્ષી સહભાગિતાનો ઇતિહાસબોધ ન પકડાયમપાય તો મળ્યું જણાતું સ્વરાજ અને જડયો કહેવાતો વિકલ્પ બેઉ ખાલી ખાલી ખખડવા લાગે. વડાપ્રધાને રાષ્ટ્રપતિના અભિભાષણ સબબ લોકસભામાં મૌનભંગ કીધો ત્યારે એક વાત માર્કાની કહી કે વિકાસ શા માટે જનઆંદોલનની જેમ ન ચાલે. ચાલે ભાઈ, ચાલે; જરૂર ચાલી જ શકે.

પણ મહુવા જનઆંદોલનની પરત્વે ગુજરાત મોડલ જે રીતે પેશ આવ્યું એમાં આ ગુંજાશ નથી તે નથી. જગદીશ ભગવતી અને અરવિંદ પાટનગરિયા તો શું અમત્ર્ય સેન પણ એક તબક્કે બજારદેવતા સમક્ષ અટકી જાય છે. વસંત, રજબ, વિનોદ તો શું જયપ્રકાશ પણ કોઈ અર્થશાસ્ત્રી નહોતા. પણ સ્વતંત્રતા હો કે વિકાસ, સમતા ને સહભાગિતા વગર તે ગંઠાયેલા અને મોચવાયેલા છે એટલો એક બુનિયાદી સમજ અને તેને સારુ જલતું જિગર એ તો સુવાંગ એમનાં અને એમનાં જ હતાં.

જો ભાજપના સત્તાકીમિયામાં આ મુદ્દાનો સમાસ નથી તો રાહુલને બદલે પ્રિયંકા અગર તો રાહુલપ્રિયંકાની જુગલબંદી એ પણ જવાબ નથી … અને મેનકા ગાંધીના વરુણ બલૂન વિશે તો શું કહેવું. રાષ્ટ્રવાદ અને વિકાસને એકબીજાના પર્યાયરૂપે પ્રયોજતાં ગર્જનતર્જનથી કોઈ પ્રજાવર્ગને મૂઠ વાગી શકે, કોઈ પ્રજાવર્ગને એની મોહની પણ લાગી શકે, પણ સમતાલક્ષી કહી શકાય એવો તો શેકયો પાપડ પણ ન ભાંગી શકે. જે રાજનીતિ લોકસભાનાં પરિણામો પછી ઉત્તરપ્રદેશમાં છસો જેટલાં કોમી તનાવકિસ્સાને હવા અને ખાણદાણ આપી શકે છે અને પેટાચૂંટણીઓમાં એનો પ્રભાવ પાડવા ઈચ્છે છે એને જ કાં 'ક્વિટ ઈન્ડિયા’ ન કહીએ?

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 09 અૉગસ્ટ 2014

Loading

...102030...3,9583,9593,9603,961...3,9703,9803,990...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved