Opinion Magazine
Number of visits: 9562571
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Very high on this metric

Akshay V. Shah|Opinion - User Feedback|13 May 2014

Thank you so much for your quick action in publishing the article about Jayaben.

Both my parents held great respect for publishers of books and magazines which offer substance over the shiny print and packaging. The Opinion scores very high on this metric.

Thank you for your dedication to publishing such a great magazine for all these years.

With regards

e.mail : akshay.shah@alcatel-lucent.com

Loading

Kagda TO Badhe Kada …….

દીપક મહેતા|Opinion - Literature|12 May 2014

કાગડા તો બધે કાળા, પણ કોયલનો રંગ કેવો?

કાગડો અને કોયલ, એ બે વચ્ચે ફરક શો ?

તમે કહેશો, આ તે કેવો સવાલ ? નાનું છોકરું ય આનો જવાબ તો જાણે છે. હા, પણ જો એ બાળકની ફર્સ્ટ લેન્ગવેજ ગુજરાતી હોય તો જાણે છે. પણ જેની માતૃભાષા ગુજરાતી નથી એવા કોઈ બાળકને આ સવાલ પૂછો તો ? બાળકને જ શા માટે ? કોઈ મોટી ઉંમરની વ્યક્તિને પણ પૂછો તો ? એ કહેશે, ઊભા રહો. ગુજરાતી શબ્દકોશ જોઈને હમણાં કહું. પછી એ આપણી ભાષાનો સર્વમાન્ય મનાતો સાર્થ ગુજરાતી જોડણીકોશ હાથમાં લે અને પાનાં ઉથલાવે. કાગડો શબ્દનો અર્થ તેને આ પ્રમાણે વાંચવા મળે : ‘કાક. એક કાળું પક્ષી.’ પછી એ કોયલ શબ્દ જુએ. શું વાંચે ? ‘એક પક્ષી, કોકિલા.’

આટલું વાંચ્યા પછી તેને શું સમજાય ? એટલું જ કે કાગડો અને કોયલ એ બંને પક્ષીનાં નામ છે અને તેમાં કાગડાનો રંગ કાળો હોય છે, પણ કોયલનો રંગ કેવો હોય તે કહી શકાય તેમ નથી. વળી આપણે અગાઉ જોયું હતું તેમ આ કોશ વાપરનાર દરેક વ્યક્તિને ગુજરાતી કરતાં પણ સંસ્કૃત વધારે આવડે છે એમ માનીને જ કોશકારો ચાલ્યા છે અને તેથી ઘણીખરી જગ્યાએ અર્થ આપવાને બદલે સંસ્કૃત પર્યાયો મૂકીને કામ પૂરું થયું એમ માન્યુ છે. પણ એક સંસ્કૃત શ્લોકમાં તો કાગડો અને કોયલ બંનેને કાળાં કહ્યાં છે, અને બે વચ્ચેનો તફાવત જ્યારે વસંત આવે ત્યારે જણાય એમ કહ્યું છે, કારણ ત્યારે કાગડો ‘કો કો’ કરે અને કોયલ ‘કુહૂ કુહૂ’ કરે. પણ આપણા આ કોશે તો માત્ર કાગડો જ કાળો હોય તેમ કહ્યું છે, કોયલ માટે તેમ કહ્યું નથી, એટલે શું ગુજરાતમાં જુદા રંગની કોયલ હશે ?

પણ અર્થના અનર્થની આ ગમ્મત આટલેથી અટકતી નથી. હવે જુઓ ‘મોર’ શબ્દનો અર્થ : ‘એક પક્ષી, મયૂર.’ હવે જેને સંસ્કૃત નથી આવડતું અને એટલે જેને કાક, કોકિલા, મયૂરના અર્થો ખબર નથી તે તો એવા વિચારમાં જ પડે કે એક પક્ષી માટે ત્રણ ત્રણ નામ હશે ગુજરાતીમાં ? આટલી મૂંઝવણ ઓછી હોય તેમ ઘણી વાર તો આ કોશ વાચકને જબરી ફેરફૂદરડી ફેરવે છે. તમે ‘ચકલી’ શબ્દ જુઓ. વ્યવહારમાં ‘ચકલી’ વધારે વપરાય છે, પણ અહીં ‘ચકલી’નો અર્થ આપ્યો છે : ‘ચકલાની માદા.’ એટલે તમે ‘ચકલો’ શબ્દ જુઓ. ત્યાં તમને સૂચના વાંચવા મળે : ‘જુઓ ‘ચકલું’માં’. એટલે તમે ‘ચકલું’ શબ્દ પાસે પહોંચો. પણ ત્યાં જે લખ્યું છે તે વાંચીને હસવું કે રડવું તે ન સમજાય. કારણ ત્યાં લખ્યું છે : ‘જુઓ ચકલી.’ હવે આટલી ફેરફૂદરડી ફર્યા પછી પણ તમને એ તો ખબર જ ન પડે કે ચકલી, ચકલું, ચકલો એ એક પક્ષીનાં નામનાં રૂપો છે. કારણ આ કોશે ‘એક પક્ષી’ એટલું પણ ક્યાં ય કહ્યું જ નથી કે નથી આપ્યો સંસ્કૃત પર્યાય !

જો કે કેટલીક વાર તો આ કોશે શબ્દોની અને પ્રવિશ્ટિઓની ભારે બચત કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે તેણે મુખ્ય એન્ટ્રી આપી છે : ‘સસલી.’ પછી તેનો અર્થ આપ્યું છે : ‘સસલાની માદા.’ પછી છાપ્યું છે : –લું (એટલે કે ‘સસલું’) : એક નાનું ચોપગું પ્રાણી.’ પછી છાપ્યું છે : ‘- લો’ (એટલે કે ‘સસલો’) : ‘સસલાનો નર.’ હવે, સસલો’(નર જાતિ)નો પાછો નર કેવી રીતે હોય ? અને તો પછી બચાડી ‘સસલી’ તો નર વગરની જ ? પણ આ કોશે કમાલ કરી છે તે તો ‘ગાય’ શબ્દનો અર્થ આપવામાં. કહે છે, ગાય એટલે ‘દૂધ દેતું એક ચોપગું.’ દૂધ દેનારાં બધાં જ પ્રાણી ચોપગાં નથી હોતાં ? તો એ બધાંને જ ‘ગાય’ કહેવાય ? અને વસૂકી ગયેલી ગાય, જે દૂધ ન આપતી હોય, તેને ‘ગાય’ ન કહેવાય ? તો તેને શું કહેવાય ?

પણ આ કોશમાં અર્થની આવી અરાજકતા થવાનું કારણ ? કારણ ૧૯૨૯માં તેની પહેલી આવૃત્તિ બહાર પડી ત્યારે તે માત્ર ‘જોડણીકોશ’ હતો, તેમાં શબ્દોના અર્થ આપ્યા જ નહોતા. આવી ‘સ્પેિલંગ બુક’ અગાઉ પણ અંગ્રેજીમાં પ્રચલિત હતી, અને મર્યાદિત પ્રમાણમાં આજે પણ છે. પણ પછી ૧૯૩૧ની બીજી આવૃત્તિથી આ કોશ ‘અર્થ સાથેનો જોડણીકોશ’ બન્યો, પણ તેમાં મુખ્ય સ્થાન તો જોડણીનું જ રહ્યું, અર્થનું સ્થાન ગૌણ રહ્યું. કોશ સાથે સંકળાયેલાઓમાંથી ઘણા આઝાદીની લડતને પ્રતાપે જેલમાં ગયા તેથી અર્થ આપવાનું કામ ધાર્યું હતું તેટલી સંગીન રીતે થઈ શક્યું નથી એમ બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં કહ્યું છે. એ તો સમજી શકાય, પણ તે પછી આટ આટલાં વર્ષો વિત્યાં છતાં સર્વસાધારણ શબ્દોના અર્થની પણ આ દશા ?

નોહા વેબસ્ટરે પણ શરૂઆત અમેરિકન ઇંગ્લિશની સ્પેિલંગ બુકથી કરી હતી. પણ પછી ડિક્ષનરી તૈયાર કરવા માટે થઈને ૨૬ ભાષાઓ શીખ્યો અને એકલે હાથે પૂરાં પચ્ચાસ વર્ષ પછી અમેરિકન ઇંગ્લિશની સૌથી વધુ પ્રમાણભૂત મનાતી વેબસ્ટર ડિક્ષનરી દેશને આપી.

કોઈ માણસ ગુજરાતી જાણતો હોય કે ન જાણતો હોય, પણ તે સંસ્કૃત તો જાણતો જ હોય અને એટલે સંસ્કૃત પર્યાય આપીને છૂટી જવાય એવી માન્યતા આજ સુધી આપના કોશકારોએ ચાલુ રાખવાની ? જોડણી અંગેના પ્રશ્નો તો છે જ, પણ ખરી જરૂર છે આ કોશ અંગેનો આખો અભિગમ બદલવાની. તેને બને તેટલો યુઝર ફ્રેન્ડલી બનાવવાની. અને પર્યાય તરીકે માત્ર સંસ્કૃત શબ્દો જ અપાય એવું શા માટે ? અંગ્રેજી પર્યાય કેમ ન અપાય ? જરૂર હોય ત્યાં ચિત્રો કેમ ન અપાય ? આ કોશ ગણ્યાગાંઠ્યા વિદ્વાનો માટે જ નહિ, પણ ગુજરાતી ભાષા જાણતા — તેમ જ ન જાણતા — ઢગલાબંધ લોકો માટે છે એ વાત હવે તો સ્વીકારવી ઘટે.

સૌજન્ય : ‘ડાયરી’, દીપકભાઈ મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 12 મે 2014  

Loading

Tulisikyarana Deeva

દીપક મહેતા|Opinion - Literature|12 May 2014

તુલસીક્યારાના દીવા / મનસુખ સલ્લા : અમદાવાદ – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ૧ આવૃત્તિ, ૨૦૧૪ : ૧૫૨ પાના : રૂ.૧૩૦

મનસુખ સલ્લાનો રેખાચિત્રોનો પહેલો સંગ્રહ ‘જીવતર નામે અજવાળું’ ૨૦૦૧માં પ્રગટ થયેલો. અને હવે આ ‘તુલસીક્યારાના દીવા.’ બંને સંગ્રહોમાં ત્રેવીસ-ત્રેવીસ રેખાચિત્રો છે એ તો અકસ્માત હોઈ શકે, પણ બંને સંગ્રહોના નામમાં પ્રકાશવાચક શબ્દો છે તે અકસ્માત નથી. પહેલામાં ‘અજવાળું’ છે તો બીજામાં અજવાળાના પ્રસારક ‘દીવા’ મૂકાયા છે, અને તે ય તુલસી ક્યારે. એટલે અજવાળામાં શુચિતા આવી મળે છે. ઉમાશંકર જોશીએ પૂછ્યું હતું : “બે પૂંઠા વચ્ચે હૃદય પ્રવેશ્યું છે?” ‘તુલસીક્યારાના દીવા’ પુસ્તક પૂરતો આ સવાલનો જવાબ હકારમાં આપી શકાય તેમ છે.

અંબા ગોરાણીથી જયાબહેન શાહ અને ‘અવધૂત’થી માંડીને મોરારિ બાપુ સુધીની વ્યક્તિઓની રેખાઓ જેવી પોતાના હૃદય-મુકુરમાં ઝીલાઈ તેવી લેખકે અહીં આલેખી છે. ભાષાની ભભકથી વાચકને આંજી નાખવાનો નથી ક્યાંય પ્રયત્ન. કવેતાઈ વાઘા પહેરવા-પહેરાવવાનો નથી ક્યાં ય પ્રયત્ન. બીજાની વાતને નિમિત્તે જાતની જાહેરાત કરવાનો નથી પ્રયત્ન. જેમની વાત કરી છે તેમને માટે લેખકના મનમાં આદર છે જ, પણ એ આદર અહોહોભાવમાં રૂપાંતરિત થતો નથી.

આ પુસ્તકમાં મિત્રો, મુરબ્બીઓ, કુટુંબીજનો વિષે પણ લખાયું છે. જેમને વિષે લખ્યું છે તે વ્યક્તિઓનો લેખકને નિકટનો પરિચય તો હોય જ. પણ આ પુસ્તકમાં તેઓ અતિશયોક્તિથી દૂર રહ્યા છે અને છેટા રહ્યા છે કલ્પનાના રંગો પૂરીને ચિત્રને વધુ ભડક કે આકર્ષક બનાવવાથી. અને છતાં આ બંનેથી દૂર રહીને પણ રેખાચિત્રને રળિયામણું કેમ બનાવી શકાય એની હથોટી લેખક પાસે છે જ. લેખકમાં રહેલો વાર્તાકાર પણ આમ કરવામાં તેમની મદદે આવે છે. 

કુલ ત્રેવીસમાંથી સાત રેખાચિત્રો સ્ત્રીઓનાં છે, અને બીજાં રેખાચિત્રોમાં પણ પુરુષને પ્રેરણા કે શાતા આપનાર તરીકે સ્ત્રીનું મહત્ત્વનું સ્થાન લેખકે જાણ્યું છે અને પ્રમાણ્યું છે. પહેલું જ ચિત્ર મળે છે લેખકનાં બાનાં નાની કુંવરમાનું. બે પૈસામાં આખા ઘરનું શાક આવતું અને પાંત્રીસ રૂપિયાનો દરમાયો બહુ કહેવાતો એ કરકસરિયા જમાનાના કુંવરમાનું ચિત્રણ લેખક શબ્દોની પૂરી કરકસરથી પણ અસરકારક રીતે કરે છે : “ઊંચો દેહ, ગૌર વર્ણ, કાળાં કપડાં, બેતાળાનાં ચશ્માંમાંથી અમીઝરતી આંખો, થોડી કરચલીવાલી ચામડી, હસું હસું થતું મોં, અને ગંભીર-પ્રસન્ન, પ્રભાવશાળી ચહેરો.” મા વિષે લખવાનું આમ તો સહેલું લાગે, પણ સાચકલાઈથી લખવું હોય તો અઘરું છે. માતા વિમળાબહેન વિષે લખતાં લેખક એપિસોડિક (ગુજરાતી શું કરશું?) પદ્ધતિ અપનાવે છે. આનો એક ફાયદો એ થયો છે કે માતાની વાત કરતાં અનિવાર્યપણે પોતાની વાત કરવી પડે તે લેખક સુગમતાથી કરી શક્યા છે. અહીં પણ શબ્દોની કરકસર તો છે જ. “કેમ જાણે પરીક્ષા મેં આપી હતી, પણ પાસ પોતે થયાં હતાં.”

પણ આ ત્રેવીસ વ્યક્તિઓમાંથી ક્યારે ય ન ભૂલાય એવી રીતે લેખકે આલેખન કર્યું હોય તો તે ‘દંતકથાના પાત્ર જેવાં’ અંબા ગોરાણીનું. ગ્રામ બોલીનો – અને બૈરક બોલીનો પણ – લેખક પાસેનો ભંડાર અહીં તેમણે અભરે ઠાલવ્યો છે. હા, આ લખનાર જેવા સો ટકા શહેરી જણને કોઈક કોઈક શબ્દ આગળ અટકવું પડે, પણ અર્થ ખબર ન હોય તો ય માયનો સમજાઈ જાય.

અહીં મોરારિબાપુ, ઉમાશંકર જોશી, નારાયણ દેસાઈ, રતિલાલ બોરીસાગર, કાંતિસેન શ્રોફ, ઝીણાભાઈ દરજી જેવી જાણીતી વ્યક્તિઓ વિષે પણ લેખકે લખ્યું છે. તેમાં લેખકની અંગત જાણકારીની વાતોને સ્વાભાવિક રીતે જ થોડો ઓછો અવકાશ મળ્યો છે. આ બધી વ્યક્તિઓનું આપણી નજર સામે જે ચિત્ર છે તે ધરમૂળથી બદલાઈ જાય એવું આ લેખો વાંચ્યા પછી બને તેમ નથી. રોહિત કોઠારી, મનોહર ત્રિવેદી, રતિલાલ બોરીસાગર, દિલાવરસિંહ જાડેજા, ઝીણાભાઈ દરજીનાં રેખાચિત્રો આ લખનારને વધુ આસ્વાદ્ય લાગ્યાં છે. મોરારિબાપુ, ઉમાશંકર કે નારાયણભાઈ વિષે લખતાં જાણે લેખકનો હાથ જરા ભારે થઈ ગયો હોય તેમ લાગે.

જેના નામમાં જ ‘સલ્લા’ હોય તેને આમ કરો કે ન કરો એવી સલ્લા આપનાર આપણે તે કોણ? પણ મનસુખભાઈને એક વિનંતી કરવાનું મન થાય. ‘જીવતર નામે અજવાળું’ની પ્રસ્તાવનામાં તમે લખ્યું હતું : “આ રેખાચિત્રોમાં મુ. દર્શકનું રેખાચિત્ર નથી તેથી કોઈકને આશ્ચર્ય પણ થાય. પરંતુ મુ. દર્શક મારે માટે રેખાચિત્રનો નહિ, ગ્રંથનો વિષય છે.” આ જ કારણસર પ્રસ્તુત પુસ્તકમાં પણ દર્શકનું રેખાચિત્ર જોવા મળતું નથી. પણ દર્શકની જન્મશતાબ્દીના આ વર્ષમાં જ તમારી પાસેથી તેમને વિશેનો ગ્રંથ મળે એવું ન બની શકે, મનસુખભાઈ?

સૌજન્ય : ‘બુકમાર્ક’, દીપકભાઈ મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 12 મે 2014

Loading

...102030...3,9553,9563,9573,958...3,9703,9803,990...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved