અમદાવાદમાં આશ્રમ રોડ પર નહેરુ પુલ પાસે શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ (એચ.કે.) જૂથની કૉલેજોનો પરિસર છે. પાંચ માળની વિશાળ ઇમારત, માટી સાથેનું મેદાન, ભોંયતળિયે નાટ્યગૃહ, તેની પછવાડે નદી કિનારે ઇતિહાસ સંશોધન કેન્દ્ર છે. આ પરિસર જોતાં લાગે છે કે ઇમારત કભી બુલંદ થી ! શ્રી એચ.કે. આર્ટસ્ કૉલેજની એક જમાનાની બુલંદી પાછળ તેના સ્થાપક આચાર્ય યશવંત શુક્લની કાબેલિયત હતી. તેમનું આ જન્મશતાબ્દી વર્ષ છે.
કૉલેજની માતૃસંસ્થા ગુજરાત વિદ્યાસભાએ તેના આ દીર્ઘકાલીન કર્ણધારના સ્મરણમાં પ્રસિદ્ધ કરેલા ‘યશવંત શુક્લ : બહુમુખી પ્રતિભા’ (2000) સંચયના છત્રીસ લેખકોએ યશવંતભાઈને ‘વિદ્યાક્ષેત્રે કબીરવડ’, ‘શૈક્ષણિક વિશ્વના મહાજન’, ‘ખરા ઇલ્મી, ખરા શૂરા’, ‘વિદ્યાપુરુષ’, ‘સંસ્કારપુરુષ’, ‘વાત્સલ્યમૂર્તિ’, ‘ખરેખરા મિત્ર’ જેવા શીર્ષક સાથેના લેખોથી અંજલિ આપી છે. અલબત્ત તેમનું સહુથી વધુ ઉપસી આવતું પાસું આચાર્યપદનું છે. આજના માહોલમાં તે ઍકેડેમિક અને ઍડેમિનિસ્ટ્રેટિવ રીતે પ્રસ્તુત પણ છે.
યશવંતભાઈના વાસ્તવવાદી શિક્ષણદર્શનની વ્યાપકતાના ઘણા દાખલા આપી શકાય. વર્ષો પહેલાં તેમણે માનવવિદ્યાશાખામાં અનેક વિષયો ભણાવવાનું શરૂ કર્યું. એટલે આજે પણ એચ.કે.માં તત્ત્વજ્ઞાન, ભારતીય સંસ્કૃિત, ભૂગોળ અને રાજ્યશાસ્ત્ર વિષયો છે જે ભાગ્યે બીજી કોઈ કૉલેજમાં હોય. પત્રકારત્વ અને નાટ્યવિદ્યાના અભ્યાસક્રમો શરૂ કરવામાં પણ યશવંતભાઈ ગુજરાતમાં અગ્રસ્થાને હતા. રાષ્ટ્રીય સેવા યોજનાની પ્રવૃત્તિ બહુ વહેલી શરૂ કરનાર પણ આ કૉલેજ હતી. વળી તે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટેની બૌદ્ધિક અને સાંસ્કૃિતક પ્રવૃત્તિનું કેન્દ્ર પણ હતી. તેમાં તેનું સ્થાન યશવંતભાઈના ઉત્તરાધિકારી ચીનુભાઈ નાયકે દોઢ દાયકા સુધી જાળવી રાખ્યું. વિદગ્ધ વાચક યશવંતભાઈના વારસાનો કૉલેજનો અત્યારનો એકમાત્ર નક્કર ઘટક એટલે બે માળનું સમૃદ્ધ અને સુવ્યવસ્થિત ગ્રંથાલય.
કૉલેજમાં અધ્યાપકો નિયમિત સમયસર આવે ત્યારથી લઈને તે વિદ્યાકીય સજ્જતામાં સમયની સાથે રહે તે માટેની લગભગ તમામ તકેદારીની શરૂઆત યશવંતભાઈએ પોતાનાં આચરણ, અભ્યાસ અને અધ્યાપનથી કરી. વિદ્યાર્થીશક્તિના ઉછાળાના સિત્તેરના દાયકામાં પણ તે વિદ્યાર્થીઓને શિસ્ત અને વિધાયકતામાં રાખી શક્યા તેનું કારણ અધ્યાપકોમાં તેમણે આ વૃત્તિઓનું સિંચન કર્યું. ધોરણસરનું વર્ગશિક્ષણ, ચોકસાઈભર્યું પરીક્ષાકાર્ય, સ્વાધ્યાય-વાચન-પ્રવચન, સામાજિક સહભાગિતા જેવી ઉચ્ચ શિક્ષણમાં આજે ઘટી ગયેલી બાબતો એક સમયે એચ.કે.ની ખાસિયતો હતી. ગુજરાતના સંખ્યાબંધ સાક્ષરો એચ.કે. કૉલેજમાં અધ્યાપકો તરીકે અથવા વિદ્યાસભામાં લેખક-સંશોધક તરીકે જોડાયેલા હતા.
અધ્યાપકોની વિદ્વત્તા માટેના પૂરા આદર સાથે યશવંતભાઈ તેમને કૉલેજમાં કર્તવ્યનિષ્ઠ રાખતા. તેના પરિણામે વિદ્યાર્થી અને વ્યાપક રીતે સમાજને ઘણો લાભ થયો. અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા એચ.કે.ના પૂર્વ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની યાદી બહુ લાંબી છે. વિદ્યાર્થીઓ માટે બહારથી કડક પણ મનથી હિતચિંતક યશવંતભાઈના મદદ-માર્ગદર્શન-પ્રોત્સાહનથી સફળતા મેળવનારાના સંભારણાં વાંચવા મળે છે. તે જ રીતે કૉલેજની સમસ્યાઓને મક્કમ નિર્ણયથી ઉકેલી હોવાના દાખલા પણ પુસ્તકમાં છે. જો કે યશવંતભાઈ ‘સકલપુરુષ’ ન હતા. તેમના ભાગે એરર્સ ઑફ કમિશન ઍન્ડ ઓમિશન, અર્થાત્ સિદ્ધાન્તને જોડવા-છોડવાની, કેટલીક મર્યાદાઓ હતી. કહેવા ને કરવા વચ્ચેના ભેદના દેખીતા પ્રસંગો પણ હતા. પણ તેના કરતાં સમાજજીવનનું તેમનું એકંદર પ્રદાન વધુ મહત્ત્વનું છે.
ગુજરાતી સાહિત્યના પૂર્વ અધ્યક્ષ સાક્ષર યશવંત શુક્લ તેમની જિંદગીના ચોર્યાસીમા છેલ્લા વર્ષ 1999માં, અવસાનના બરાબર સવા બે મહિના પહેલાં, બીજી ઑગસ્ટે સેક્યુલર ડેમૉક્રસી આંદોલને યોજેલા માનવસાંકળના કાર્યક્રમમાં નહેરુ પુલ પર નાદુરસ્ત તબિયતે પણ બે કલાક ઊભા રહ્યા હતા. તે પહેલાંના વર્ષે તે મીઠાખળી વિસ્તારની બાળકો માટેની મ્યુિનસિપલ શાળા પૈસાદારોના હાથમાં ન જાય તે માટે આઠેક મહિના ચાલેલા લોકઆંદોલનમાં રસ્તા પરનાં બધાં ધરણાં-દેખાવોમાં જોડાયા હતા. જાહેરજીવનની કેટલી ય ઘટનાઓમાં તેમણે નિસબત ધરાવતા નાગરિક તરીકે ભૂમિકા ભજવી હતી. તેમાં સાહિત્ય પરિષદમાં મુનશીના આધિપત્ય સામેની ચળવળ, ટીકાસ્પદ બનેલો સામ્યવાદી ચીનનો પ્રવાસ, ગુજરાત યુનિવર્સિટીની સેનેટ, અધ્યાપકોનાં સંગઠન, ભૂદાન, મહાગુજરાત અને નવનિર્માણ આંદોલનો, 1986માં દુષ્કાળ પ્રતિરોધ સમિતિના નેજા હેઠળ રાજકોટની શેરીઓમાં ફરીને અનાજની ઉઘરાણી જેવી સામેલગીરીનો સમાવેશ થાય છે. તેઓ અનેક પ્રકારની સંસ્થાઓનાં સંચાલકમંડળમાં હતા.
નાગરિક વિમર્શમાં હંમેશાં અભ્યાસપૂર્ણ રસ લેનારા યશવંતભાઈનો માર્ક્સ અને ગાંધીને સમજવાનો પ્રયત્ન એમના ઓછા જાણીતા ‘ક્રાન્તિકાર ગાંધી’ પુસ્તકમાં જોવા મળે છે. ઉત્તમ વક્તા તરીકે સંખ્યાબંધ આમંત્રણો સ્વીકારનાર યશવન્તભાઈએ અનેક પુસ્તકો પણ આપ્યાં છે. ‘ઉપલબ્ધિ’, ‘શબ્દાન્તરે’ અને ‘પ્રતિસ્પંદ’માં સમજાય તેવાં વિવેચનલેખો છે. ‘કેન્દ્ર અને પરિઘ’ તેમ જ ‘કંઈક વ્યક્તિલક્ષી અને કંઈક સમાજલક્ષી’ સાહિત્ય ઉપરાંત ઇતિહાસ સંસ્કૃિત, રાજકીય વિચાર, પત્રકારત્વ જેવા વિવિધ વિષયો પરના લેખોનો સંગ્રહ છે. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે કમાણી માટે કઠોર પરિશ્રમ કરીને મેળવેલા શિક્ષણમાં અર્થશાસ્ત્ર અને ઇતિહાસમાં બી.એ. તેમ જ ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કરનારા યશવંતભાઈએ કેટલાંક સંપાદનો ઉપરાંત અનુવાદો કર્યા છે. તેમાં નૉર્વેજિયન નાટકકાર ઇબ્સનના ‘લેડી ફ્રૉમ ધ સી’ નાટક તેમ જ યુરોપના કૌટિલ્ય મૅકિયાવેલીના ‘પ્રિન્સ’ અને વિશ્વચિંતક બર્ટ્રાન્ડ રસેલના ‘પાવર’ પુસ્તકો છે.
વિદ્યાસભા અને એચ.કે. જૂથની કૉલેજમાં બીજી સંસ્થાઓની સરખામણીએ લોકશાહી અભિગમ અને ઉદારમતવાદિતા જોવા મળે છે તેમાં યશવંતભાઈના વિચાર-આચાર અને ચીનુભાઈના લાગણીપ્રધાન વાણીવ્યવહારનો ફાળો છે. એચ.કે.ની માટીમાં પડેલાં યશવંતભાઈનાં પગલાં ભૂંસાતાં જઈ રહ્યાં છે. કૉલેજ પરિસરની માટીમાં તેમણે છેલ્લા પ્રવાસ પહેલાંનો છેલ્લો વિસામો લીધો હતો. તે તારીખ હતી 1999ના વર્ષની ત્રેવીસ ઑક્ટોબર.
21 ઑક્ટોબર 2014
********
e.mail : sanjaysbhave@yahoo.com
![]()


Narendra Modi was attracted by the ideology and activities of the RSS from the teenage. He dedicated his life to RSS and abandoned his family and wife. In course of time, he established his position amongst the youth and the workers of the RSS. He joined post- graduate studies to improve his credentials. He joined the post-graduate School of Social Science (SAMAJVIDYABHAVAN) of Gujarat University, as a student of Political Science. He came in my contact as I was a teacher there. During NAVANIRMAN movement and, when I was the coordinator of the election campaign of Janata Front candidate Bhimabhai Rathod from DASADA constituency, he used his influence with RSS workers to help that campaign. During Indira-Emergency he went underground, grew beard, to appear like a SARDARJI.
નરેન્દ્ર મોદી કિશોરવયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારો અને પ્રવૃત્તિથી આકર્ષાયા હતા. કુટુંબ, પત્નીને ત્યજી સંઘના કાર્યને સમર્પિત થયા. સમય જતાં સંઘના કાર્યકરો અને યુવકોમાં તેમણે પોતાનું સ્થાન જમાવ્યું. પોતાની શૈક્ષણિક લાયકાતો સુધારવા તેમણે અનુસ્નાતક અભ્યાસ આરંભ્યો. ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં હું શિક્ષક હોવાથી તેઓ મારા સંપર્કમાં આવ્યા.નવનિર્માણ આંદોલન, તથા દસાડાની બેઠક પરથી ચૂંટણી લડતા જનતા મોરચાના ઉમેદવાર ભીમાભાઈની ચૂંટણીનું સંચાલન હું કરતો હતો, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોને તેમાં મદદરૂપ થવા તેમણે પોતાની વગનો ઉપયોગ કર્યો હતો. ઈન્દિરાઈ કટોકટી દરમિયાન શરૂઆતમાં તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. દાઢી વધારી સરદારજી જેવો દેખાવ બનાવ્યો. આ દરમિયાન ક્યારેક તેઓ મારા ઘેર પણ આવતા.