Opinion Magazine
Number of visits: 9559879
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નેનો’નાં પાંચ વર્ષ : ગુજરાતને શું મળ્યું ?

સનત મહેતા|Samantar Gujarat - Samantar|21 June 2014

ગયા ગુરુવારે [12 જૂન 2014] ભારતના મોટા ઉદ્યોગગૃહોએ છેલ્લાં દસ વરસમાં, કેટલી નવી રોજગારી ઊભી કરી અને એ પણ એને થયેલી આવકના વધારાની તુલનામાં એની વિગતો આપણે જોઈ. હવે આપણે ગુજરાતમાં એવી યોજનાનાં પરિણામ વિશે વિચારી રહ્યાં છીએ જેણે ભારતના ઔદ્યોગીકરણના ઇતિહાસમાં ઇતિહાસ રચ્યો છે. પ‌શ્ચિ‌મ બંગાળમાં તાતા જૂથે સિંગુરમાં પોતાના નેનો કાર પ્રોજેક્ટને મમતાદીદીના જમીન આંદોલનનાં કારણે બીજે ખસેડવાનો નિર્ણય કર્યો અને ચપળ રાજકારણી ગણાતા નરેન્દ્ર મોદીએ તાતા જૂથના વડા રતન તાતાને સાદા નિમંત્રણથી ગુજરાતમાં સાણંદ પાસે આ પ્લાન્ટ લાવી દીધો.

ગુજરાત સરકારે ૧લી જાન્યુઆરી ૨૦૦૯ના સરકારી ઠરાવ નંબર : ટીએમટી/૧૦/૨૦૦૮/પ૧/૧થી પ્લાન્ટ માટે ''ચટ મંગની પટ બ્યાહ’’ની જેમ જરૂરી બધી સગવડો, વિશાળ રસ્તા, ગેસની લાઇન, ૬૬ કેવીએ સબ સ્ટેશન અને ૨૦૦ કેવીએ વીજળી, ભાવિ રેલવે લાઇન માટે સગવડ આપી દીધી. અમદાવાદથી સાણંદ વિસ્તારમાં નેનો મોટરકારનાં પ્રચારપાટિયાં ઝૂલ્યા. સાણંદની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારો યુવકોને નેનોના પ્લાન્ટમાં રોજગારીનાં સપનાં આવી ગયાં. ૨૦૦૯ની વાતને આજે પાંચ વરસ પૂરાં થયાં છે. ગુજરાત પાંચ વરસમાં ''ઓટોમોબાઇલ હબ’’ બનવાની વાત દૃશ્ય અને શ્રાવ્ય મીડિયામાં મહિ‌નાઓ સુધી ચમકતી રહી. નેનો કારનું સપનું રંગીન એટલું હતું કે, સાણંદના પ્લાન્ટમાં દર વરસે અઢી લાખ ગાડીઓનું ઉત્પાદન થવાનું હતું. ગાંધીનગરમાં બેઠેલા સચિવો પણ આ ઉત્પાદનને ધ્યાનમાં રાખી વેટની આવક સામે આવનારી લોનની વસૂલાતની ગણતરી કરી મૂછોને વળ દેતા હતા.

પણ આજે પાંચ વરસ પછી ''નેનો કાર’’ જ જાણે હવાઈ ગઈ હોય એવી વાસ્તવિકતા છે. ઉત્તરાખંડમાં પણ તાતા ઉદ્યોગગૃહ નેનો કારનું ઉત્પાદન કરતી હતી. ૨૦૧૨ના જૂનમાં સાણંદના એકમનું ઉત્પાદન શરૂ થયું. આ પહેલાં ૨૦૦૯-૧૦માં ૩૦,૩પ૦ નેનો ભારતમાં વેચી શકાઈ હતી.  પ્રારંભમાં તો બજારમાં નેનો કારનું જબરજસ્ત એડવાન્સ બુકિંગ થયું. ૨૦૧૧-૧૨માં વેચાણ ૭૪,પ૨૭ પર પહોંચ્યું હતું. એટલે તો સાણંદ પ્લાન્ટની ઉત્પાદનશક્તિ વરસે અઢી લાખ ગાડીને ઊભી કરાઈ હતી. પણ ૨૦૧૩-૧૪માં ''નેનો કાર’’નું સાણંદ ખાતેનું વેચાણ માત્ર ૨૧,૨૧૯ પર આવી ગયું. પ્લાન્ટ માત્ર ૨પ ટકા શક્તિ એ જ ઉત્પાદન કરી શક્યું. મૂળ પ્લાન્ટ માત્ર ૨પ ટકા ઉત્પાદનશક્તિથી ચાલે એટલે નેનોના ભાગ પૂરા પાડનાર જે એકમો વેન્ડર પાર્કમાં આવ્યા હતા એને પણ સહન કરવું પડયું. પછી પ્લાન્ટ એક પાળી કામ કરતો થઈ ગયો.

લાખેણી કારને બૂરી નજર લાગી અને ખુદ રતન તાતાને કબૂલ કરવું પડયું કે સસ્તી ગાડી તરીકે એનો પ્રચાર કરવામાં અમે થાપ ખાઈ ગયા. અત્યારે આ ઘડીએ સાણંદના પ્લાન્ટ અને એની રોજગારીની પરિસ્થિતિ કેવી હશે ? એની તો કલ્પના જ કરવી રહી  નેનોનાં વેચાણની નિષ્ફળતાથી તાતા મોટર્સનું ભાવિ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું. ઓટોમોબાઇલ ક્ષેત્રમાં તાતા જૂથ જાણે બસ ચૂકી ગયું. ૨૦૧૩-૧૪માં તાતા જૂથ ભારતમાં એની બધી બ્રાન્ડ મળી કુલ ૧,૩૮,૪પપ મોટરકાર વેચી શક્યું છે. આટલું વેચાણ તો, એનું ૨૦૦૩-૦૪ના વરસમાં હતું. નોંધવાલાયક એ છે કે, આ ૧૦ વરસ દરમિયાન ભારતના કાર માર્કેટનું વેચાણ ૯ લાખમાંથી ૨પ લાખ પર પહોંચી ગયું છે. તાતા જૂથનું ૨૦૧૩-૧૪નું વેચાણ મારુતિ સુઝૂકીના બે માસનાં વેચાણ જેટલું છે અને તાતા મોટર્સની આવી દશા ઊભી થવાવી મૂળમાં 'નેનો’ છે.

છતાં ય હજુ નેનો કારમાં વિવિધ પ્રકારની સુધારણા કરવાથી તાતા મોટર્સ પાછા હટવાનું નામ લેતું નથી. ટૂંકમાં, પ‌શ્ચિ‌મ બંગાળના સિંગુરમાંથી નેનો પ્લાન્ટ ગુજરાતમાં લાવી રાજ્ય સરકારે ભારતભરમાં જે પ્રસિદ્ધિ મેળવી હતી એના કારણે સાણંદ વિસ્તારમાં ન મોટા ઔદ્યોગિક વિકાસ થયો છે, ન જાહેરાત કરાઈ હતી. એટલી રોજગારી ઊભી થઈ શકી છે. તાતા મોટર્સને એના આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના રૂ.૨,૯૦૦ કરોડની રોકાણ સામે, આ રોકાણના ૩૩૦ ટકા વધુ રૂ.૯,૭પ૦ની લોન અને દસ વરસ સુધી એક્સાઇઝ ડયૂટીની સો ટકા માફી અને બીજી સવલતો મેળવ્યા છતાં આવું બન્યું. મૂડીરોકાણ એ પછી દેશી હોય કે વિદેશી; આધુનિક ટેક્નોલોજીના યુગમાં મોટું રોકાણ એટલે વધુ રોજી એ તાળો બંધબેસતો નથી.

તાજેતરમાં ભારતના બેંક એમ્પ્લોઇઝ એસોસિયેશને બેંકોના ૪૦૬ એકાઉન્ટની વિગતો બહાર પાડી જણાવ્યું છે કે, જાહેર બેંકોમાંથી લેવાયેલી આ ૪૦૬ લોન ન પૂરું ઉત્પાદન કરી શકી છે કે ન રોજગારી આપી શકી છે. ઉલ્ટાનું આના કારણે રૂપિયા સિત્તેર હજાર કરોડ જેવડી રકમ અટવાઈ ગઈ છે. વધુમાં એસોસિયેશને એવી માહિ‌તી આપી છે કે, સપ્ટેમ્બર ૨૦૧૩ સુધીમાં જાહેર બેંકોના કુલ રૂ.૨.૩૬ લાખ કરોડ અટવાઈ ગયા છે અને ટેકનિકલ ભાષામાં આવડી મોટી રકમ નોન પરર્ફોમિંગ થાપણો બની ગઈ છે. બેંકનાં નાણા ડૂબે છે પણ રોજગારી પેદા થતી નથી. બેંકની લોનની વસૂલાત ન થઈ શકે તેવી કે આમ મૃતપ્રાય બની જાય છે; વાત ત્યાંથી અટકતી નથી, પણ બેંકો આગળ વધીને પોતાની લોન માંડી વાળવાને બદલે વિવિધ માર્ગે એનું પુનર્ગઠન કરી આપે છે અને આ બહાને ઉદ્યોગગૃહોને બચાવે કે છાવરે છે.

જાણીતા ઉદ્યોગપતિ અને કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા આનું તાજું ઉદાહરણ છે. એ પણ કિંગફિશર એરલાઇનના કર્મચારીઓ નિયમિત પગાર ક્યાંથી આપી શક્યા હતા ? ટૂંકમાં, ઉદ્યોગગૃહો જે રોકાણ કરે છે એનો મોટો ભાગ બેંકોનાં નાણાનો હોય છે. એનો આવો ગેરવહીવટ થાય છે ત્યારે પણ એવા મૂડીરોકાણમાંથી જાહેર થઈ હોય એટલી રોજગારી પેદા થતી નથી. ''નેનો કાર’’માં તો પ્રતિષ્ઠિ‌ત તાતા ઉદ્યોગ જૂથ સંકળાયેલ હતું તો ય આવી સ્થિતિ જન્મી એ બતાવે છે કે, રાજ્ય સરકારોએ ઊજળું એટલું દૂધ સમજી આગળ વધતાં પહેલાં વધુ સાવધાની દાખવવી પડશે.

સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 19-06-2014

Loading

૯૨ વર્ષની વાચનયાત્રાના તેજીલા શબ્દવીર મહેન્દ્રભાઈ મેઘાણી

સંજય શ્રીપાદ ભાવે|Profile|21 June 2014

આજે (20 જૂન 2014) બાણુંમો જન્મદિવસ ઉજવી રહેલા લોકોત્તર વાચનપ્રસારક મહેન્દ્ર મેઘાણી એક નવું પુસ્તક ‘દર્શક સાથે વિચારયાત્રા’ તૈયાર કરી રહ્યા છે. દર્શકની જન્મશતાબ્દીએ તેમનાં ચૂંટેલાં ચિંતનાત્મક લખાણોનાં સો પાનાંના પુસ્તક માટેનું છેલ્લું પ્રૂફ મહેન્દ્રભાઈ વાંચી રહ્યા છે. હંમેશની જેમ તેની લાખ નકલો છપાવીને ઘરે ઘરે પહોંચાડવાનો ઉમંગ છે. હાથ પર બીજું કામ છે તે ગયા છ મહિના દરમિયાન પ્રકાશિત થતી રહેલી ‘મિલાપની વાચનયાત્રા’ શ્રેણીનાં તેરમાથી સોળમા ક્રમનાં પુસ્તકો તૈયાર કરવાનું.

મહેન્દ્રભાઈ બંને કામ માટેની કાચી સામગ્રી દીકરીને ત્યાં પહેલી એપ્રિલે અમેરિકા ગયા ત્યારે લઈને ગયા હતા. અત્યારે મનરોના ઘરે પરોઢે પાંચ વાગ્યે ઊઠીને દિવસના છ-આઠ કલાક કામ કરે છે. બાકીના સમયમાં આંખોને વધુ કામ માટેનો આરામ આપવાનું, વાંચવાનું, થોડું ચાલવાનું. શક્ય હોય ત્યારે અમેરિકા જેના માટે જાણીતું છે તે જાહેર ગ્રંથાલયો કે પુસ્તકભંડારોમાં મ્હાલવાનું !

ગુજરાતીમાં બધાને જ ઉત્તમ, આનંદદાયી, સંસ્કારક્ષમ અને વૈવિધ્યપૂર્ણ વાચન બહુ ઓછા દરે મળતું રહે તે માટે મહેન્દ્રભાઈએ ભાવનગરના લોકમિલાપ પ્રકાશન થકી સતત પુસ્તકો બહાર પાડ્યાં. ’પુણ્યનો વેપાર’ કરવા માટે આ ધંધામાં પડ્યા હતા, એટલે નહીં નફો, નહીં નુકસાન જેવી આર્થિક ગોઠવણ ‘પૂરતાં શાકરોટલા મળે’ એવી કુનેહથી કરી હતી. બીજા પ્રજાસત્તાક દિવસથી પચાસ વર્ષ દરમિયાન આપણો સાહિત્ય વારસો, મેઘાણી સાહિત્ય, ચંદનનાં ઝાડ, કાવ્યકોડિયાં અને ખિસ્સાપોથીઓ જેવી યોજનાઓ થકી દરેક પ્રકારનું સરસ ગુજરાતી સાહિત્ય ઘરેઘરે પહોંચ્યું. તમામ પ્રકાશનોમાં એવું જ સાહિત્ય હોય કે જેના વિષયો અને નિરુપણમાં અદનો માનવી કેન્દ્રમાં હોય.

નવી સદીથી ‘અરધી સદીની વાચનયાત્રા’ તેમ જ રોજેરોજની અને કેટલાક લેખકો સાથેની વાચનયાત્રા જેવી પુસ્તકમાળાઓથી મહેન્દ્રભાઈ નવી પેઢીમાં પણ ઠીક જાણીતા થયા. ઓછા જાણીતા મહેન્દ્ર મેઘાણી એટલે ગરીબો માટે દિલ કપાતું હોવાથી વર્ષો લગી ચપ્પલ નહીં પહેરનારા પ્રકાશક. થેલીમાં જુદી જુદી સાઇઝનાં ચપ્પલ ભરીને અડવાણે પગે મજૂરી કરતી બહેનોને એ પહેરાવતા. સાયકલ અને એસ.ટી. બસ સિવાય કોઈ વાહનનો ઉપયોગ ન કરતા. આજે પણ અમદાવાદ હોય ત્યારે બગીચામાં ચાલતાં ચાલતાં ઉપાડાય એટલો કચરો ઉપાડે છે.

વર્ષો સુધી દરરોજ ઘરની ઘંટીએ જુદાં જુદાં અનાજ દળીને ખુદના શરીરની અને પરિવારના મહિલા વર્ગની સંભાળ લેનારા, તેમનાં સંતાનોનાં મમ્મી. ઘઉંનો જાતે દળેલો લોટ ભાવનગરના ખાદીઉદ્યોગના બેકરીવાળાને આપી એનાં બિસ્કિટ બનાવડાવવાની ગુજરાતમાં પહેલ કરનારા મહેન્દ્રભાઈ. બહેનોનાં સમય-શક્તિ રોટલા વણવામાં જતાં હોવાથી તેમનો વિકાસ રુંધાય છે એવી સમજથી પુરુષોએ દળેલાં ઘઉંના લોટની સારી જાતની બ્રેડ બેકરીમાં બનાવડાવીને ખાવી જોઈએ એવું ય તે માનતા.

ભાવનગરમાં પુસ્તકની લારી લઈને બજારમાં ઊભા રહેતા. દેશવિદેશમાં પુસ્તકમેળા કરતા. આંતરરાષ્ટ્રીય બાળક વર્ષ નિમિત્તે પુસ્તકપ્રદર્શન માટે અમેરિકા અને યુરોપ જવાનું હતું. વિમાનની ટિકિટ પોષાય એવી ન હતી. એટલે લોકમિલાપે એર ઇન્ડિયાને સૂચન કર્યું કે તમે અમારી પાસેથી બાળકોનાં પુસ્તકો ખરીદો, તમારી દુનિયાભરની ઑફિસો તેમ જ મુસાફરોને આપો, અમને એ પુસ્તકો માટે પૈસા નહીં પણ એટલી કિંમતની ટિકિટ આપો. મહેન્દ્રભાઈની પુસ્તક-પસંદગી, શાખ, રજૂઆત અને સાચકલાઈના કીમિયાથી આ સૂચન અમલમાં મૂકાયું !

નાગરિક મહેન્દ્રભાઈ સ્વાતંત્ર્ય-સમતા-બંધુતા અને માનવ અધિકારના પ્રખર પુરસ્કર્તા છે. પિતા ઝવેરચંદ મેઘાણીની રચનાઓના ઉપયોગની રૉયલ્ટી માટે લેખકના ગૌરવના મુદ્દે આકાશવાણી સામે લડ્યા હતા. ઉત્તમ સંકલન સામયિક ‘મિલાપ’ (1950-78)ના પ્રકાશક-સંપાદક તરીકે કટોકટીમાં શાસનની સેન્સરશીપ સામે લડ્યા હતા. ઓરિસ્સાના ખ્રિસ્તી ધર્મગુરુ ગ્રેહામ સ્ટેઇન્સ અને તેના બે કિશોર દીકરાને હિંદુ ધર્મઝનૂનીઓએ 1999ના જાન્યુઆરીમાં બાળી નાખ્યા. તેનાં પત્ની ગ્લૅડિસ સ્ટેઇન્સ પ્રત્યે સંવેદન વ્યક્ત કરવા મહેન્દ્રભાઈએ તેને પુસ્તકો મોકલ્યાં.

‘બુક અને બૅલેટ’થી ક્રાંતિ લાવવાનું સપનું જોનારા મહેન્દ્રભાઈએ ગુજરાત વિધાનસભાની ગઈ ચૂંટણી વખતે ‘સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન’ એવી સોળ પાનાંની ખિસ્સાપોથી ‘લોકશાહીના ચાહકો તરફથી લોકહિતાર્થે વિનામૂલ્યે’ બહાર પાડી હતી. હમણાંની ચૂંટણીમાં પણ તેમણે ભાવિ સંસદસભ્યો સંસદમાં ગેરવર્તણૂક ન કરે તેવી લેખિત બાંહેધરી મતદારોએ ઉમેદવારો પાસેથી લેવી જોઈએ તે માટેની ઝુંબેશ ચલાવવાની કોશિશ કરી હતી.

ઇશાવાસ્ય ઉપનિષદનો બીજો જ શ્લોક કહે છે કે કામ કરતાં કરતાં સો વર્ષ જીવો. એ ઈશવચન આજે જાણે મહેન્દ્રભાઈ માટે છે.

સૌજન્ય : (http://epaper.navgujaratsamay.com/details/638-5089-1.html)

Loading

નાગરિક, સરકાર અને અદાલત

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|21 June 2014

– નાગરિક, સરકાર અને અદાલત

– જૂન ૧૯૭૫, જૂન ૨૦૧૪ & કોઈ કોઈ વાર લાગે છે તો એવું કે કટોકટી ઘર ભાળી ગઈ તે ભાળી ગઈ …

હમણાં સન્માન્ય નાણાવટી-મહેતા કમિશને (એટલે કે એના સન્માન્ય વકીલે) ગુજરાત હાઈકોર્ટની દેવડીએથી વાજતેગાજતે પીછેકૂચ કરી, ત્યારે સહસા જૂના દિવસો યાદ આવી ગયા. જૂના પણ અને જૂનના પણ. ચારેક દાયકા પર, જૂન ૧૯૭૫માં, દેશે ઇંદિરાઈ કટોકટીનો આઘાતઆંચકો અનુભવ્યો હતો. મૂળભૂત અધિકારો ત્યારે મૂર્છિત હતા, અને એ અર્થમાં કાયદાનું શાસન લગભગ ગયા જેવું હતું. તે વખતે મેઈન્ટેનન્સ ઓફ ઇન્ડિયા સિકયુરિટી એક્ટ – એમ.આઈ.એસ.એ., મિસા -નું ચલણ હતું.

એમાં તમને કારણ આપ્યા વિના પકડી શકાતા. અલબત્ત, પકડનાર ઓથોરિટીને ખુદ ચોક્કસ કારણ સબબ પતીજ પડેલી હોવી જોઈએ એવી રસમ કલમ એની સાથે જોડેલી હતી. પણ કટોકટી પછી રચાયેલ શાહ તપાસ પંચનાં તારણો વાંચીએ ત્યારે સમજાય છે કે તંત્રે તો રાજકીય સત્તાના કહ્યે ખેલ પાડ્યો હતો અને પકડવા માટે કોઈ વાજબી કારણ છે કે કેમ તેનો ખાસા બધા કિસ્સાઓમાં આ ઓથોરિટી કને કોઈ ખુલાસો જ નહોતો. બહુ બહુ તો, તમે એમ કહી શકો કે તંત્રે ઉપલા માળ વાપર્યા વગર (અગર તો ભાડે આપીને) કામ લીધું હતું.

આ ઉપલો માળવાળો પ્રયોગ વખતે અવિવેકી લાગે તો મારે વેળાસર અને વિવેકસર કહેવું જોઈએ કે અંગ્રેજીમાં જેને ‘મિસએપિ્લકેશન/ નૉન એપિ્લકેશન ઓફ માઇન્ડ’ કહે છે તેવી એ દાસ્તાં હતી.

વાતની શરૂઆત જો કે આપણે સન્માન્ય નાણાવટી પંચના વિદ્વાન વકીલબાબુથી કરી હતી. સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટે પોતાના કેસ સબબ ૨૦૦૨ના કેટલાક ઈન્ટેલજિન્સ ડૉકયુમેન્ટ્સ જોવા દેવાની માગણી કરી હતી.

આ દસ્તાવેજી સામગ્રી ગુજરાત સરકારે પંચને સોંપેલી હતી, અને તે જોવા દેવી એવો હાઈકોર્ટનો આદેશ હતો. સંજીવ ભટ્ટ આદેશ આશ્વારૂઢ થઈ પંચમાંડવે પહોંચ્યા તો ખરા, પણ લીલે તોરણે પાછા ફર્યા, કેમ કે એમને કહેવામાં આવ્યું કે અમે (પંચ) હાઈકોર્ટ સમક્ષ આ આદેશ બાબત સમીક્ષા અરજી કરી રહ્યા છીએ. બુધવારે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય ખુદ સહિતની ખંડપીઠ સમક્ષ સમીક્ષા અરજી નીકળવા વખતે જો કે જુદો જ ઘાટ ઊપસી રહ્યો હતો.

વકીલબાબુએ પરમ આદરપૂર્વક પીછેકૂચ કરી કે આવા મુદ્દે ઓક્ટોબર ૨૦૧૩ના આદેશની અમને કોઈ જાણ જ નહોતી. ભલાભાઈ, હાઈકોર્ટ રાજ્ય સરકારને આદેશ આપી ચૂકી હતી કે આ દસ્તાવેજો ગુપ્ત અને વર્ગીકૃત (સીક્રેટ એન્ડ કલાસફિાઈડ) છે એવી કોઈ ટેકનિકલ ટઈડપઈડમાં પડ્યા વિના તમે બતાવવા બંધાયેલ છો. પંચ, જેનું કામ સત્યને પ્રકાશમાં આણવાનું છે એને તો ઊલટાનું આ તરત પકડાવું જોઈતું હતું, પણ –

શુક્રવારનાં છાપાંમાં ટૂંકા ટૂંકા હેવાલોમાંથી આ પ્રશ્ને બધાં બિંદુઓ જોડવાનો મનોવ્યાયામ કરી રહ્યો હતો. ત્યારે સમાંતરપણ અક્ષરધામ ચુકાદાની ચહલપહલ પણ ચિત્તમાં ચાલી રહી હતી. એટલે સંજીવ હવે માંડવે બેઠો છે એટલો એક બોલ નાણાવટી જોગ રમતો મૂકીને અક્ષરધામ ચુકાદાની પણ થોડી વાત કરવા ઇચ્છું છું.  આ ચુકાદો ગયે મહિને આવ્યો હતો પણ ગુજરાતના મુખ્યમંત્રી દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા હતા એના જશનશોરમાં આ ચુકાદો કોઈ કોઈ ઠેકાણે નોંધ લેવાયા છતાં લગભગ વણ ગાયો, વણચર્ચાયો રહી ગયો છે.

ગોધરા – અનુ ગોધરા ગુજરાતમાં જે બધું બન્યું એની સત્તાવાર તપાસ ‘ફૅકટફાઈન્ડિંગ’ કરતાં વધુ તો ‘ફિકશન’ છે એ તરજ ઉપર સાધિકાર પુસ્તક લખનાર મનોજ મિટ્ટાએ અલબત્ત આ કર્ણબધિર શોર વચાળે અક્ષરધામ ચુકાદાની સળેસળ નોંધ લીધી હતી એટલી એક દિલખુલાસ આસાએશને અવશ્ય અવકાશ છે. વાચકને યાદ આપીએ કે સારે અવસરે કેદીઓને છોડી મૂકવામાં આવે છે તેવું આ કિસ્સામાં અક્ષરધામના આરોપીઓ વિશે બન્યું હતું.

આ નજરે કોઈ કેસ ટકતો નહોતો કેમ કે રાજ્ય સરકારે ‘મગજનો જરાયે ઉપયોગ કર્યો ન હતો.’ સપ્ટેમ્બર ૨૦૦૨ની ઘટના પછી આખું એક વરસ એમ જ વહી ગયા બાદ, કારકિર્દીની ટોચે જેલમાં જ નિવૃત્તિ વહોરવાનો વિક્રમ ધરાવતા ડાહ્યાજી વણઝારાની મૌખિક સૂચનાના જાદુથી ટપોટપ શકમંદો પકડાઈ ગયા હતા અને એમના પર જે ઘડિયા મુકદમો ચાલ્યો એમાં ખુદ વણઝારાને જે સાક્ષી તરીકે  કેમ રજૂ ન કરાયા તેવો પ્રશ્ન સર્વોચ્ચ અદાલતે પોતાનાં નિરીક્ષણોમાં પૂછયો છે. લાશના ખિસ્સામાંથી (બંદૂકની ગોળીથી પડેલાં કાણાં અને લોહી છાંટા છતાં) અક્ષરશ: અસ્ત્રીબંધ કાગળો નીકળ્યા.  

એ પણ આ જાદુખેલનો એક ટપ્પો હતો. ‘કાલ્પનિક કથાવાર્તામાં પણ અક્કલ તો હોવી જ જોઈએ’ એમ કહેવા સાથે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે પોલીસે ઉપજાવેલી કાલ્પનિક કથાને સ્વીકારવી એટલે અક્કલનું દેવાળું ફૂંકવું. દેખીતી રીતે જે રાજ્ય સરકારે આખો કેસ મગજનો ઉપયોગ કર્યા વગર ઊભો કર્યો હતો. અદાલત તો એની મર્યાદામાં ‘નૉનએપિ્લકેશન ઓફ માઈન્ડ’ની વાત કરે, પણ નિસબત ધરાવતો નાગરિક બચાડો એમાં મિસએપિ્લકેશન’ પણ ભાળે તો એનો શો વાંક.

લાગે છે, કટોકટી ઘર ભાળી ગઈ તે ભાળી ગઈ ! આશા રાખું લાગતાવળગતાને ત્યારનો નાગરિક પરચો પણ યાદ રહે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Jun 21, 2014

Loading

...102030...3,9383,9393,9403,941...3,9503,9603,970...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved