Opinion Magazine
Number of visits: 9560141
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘શોર્ટ કટ’

ચીમન પટેલ ‘ચમન’|Opinion - Opinion|8 July 2014

સમયની મારામારીમાં ‘શોર્ટ કટ’ લેવાનું કોઈને શીખવવું પડતું નથી. આપ મેળે, અનુભવો મેળવી, પોતાની સગવડતા-અગવડતા જોઈ શીખી જવાય છે, આપોઆપ ! ભલે એ ‘શોર્ટકટ’થી બીજાને મુસીબતોમાં મૂકી દેતા હોઈએ !

ગામના એક પ્રતિષ્ઠિત કુટુંબમાં એમના એક પુખ્ત ઉંમરના વડીલનું કુદરતી રીતે મૃત્યુ થતાં એમની પાછળ બેસણું ‘કમ’ ભજનો રાખ્યા અંગેની માહિતીભરી ઇ-મેલ મળી. આવનારને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને સૌ સમયસર પહોંચી જાય એનો સુંદર વિચાર કરી, શહેરની બધી દિશાઓ તરફ્થી આવવાના માર્ગોની અને ઘરના સંકળાયેલ સહુના સેલ ફોનના નંબરો મૂકી, આવનારને સુંદર સુવિધા કરી આપી હતી. આ આખા લખાણને લખતાં અને સામાવાળાનો વિચાર કરવામાં ઇ-મેલ ખૂબ લંબાઈ ગઈ હતી એવું વાંચનારને થાય.
મને તો આ ઇ-મેલ અને લખનાર વ્યક્તિ ગમી ગઈ.

છેલ્લે, આભાર વ્યક્ત કરી, પોતાના નામનું સવિસ્તાર સૂચન કરેલું, કે જેથી વાંચનાર કોઈ નામમાં ગોથું ન ખાઈ જાય! ઇ-મેલના અંતમાં ત્રણ અક્ષરો “JSK” લખ્યા હતા, એની મને સમજ ન પડી!! એક મિત્રને ફોન કરી પૂછ્યું તો પ્રથમ એ હસ્યો અને કહ્યું : ‘તમે લેખક થઈ ને આ ન સમજ્યા?!’

‘અરે ભઈ, સમજ્યો હોત તો તને સવારના પહોરમાં ફોન શું કરવા કરત?’

મને જ્યારે મિત્રે સમજાવ્યું કે ‘જય શ્રી કૃષ્ણનું’ આ સગવડિયું સમય બચાવવારું ‘નીક નેમ’ એમના સગવડિયા ભક્તો/ભકતાણીઓએ પાડ્યું છે. અને એકે પહેલ કરી, એટલે બીજાએ પણ કરી ! કેટલાક ભગવાનના આવાં ટૂંકા નામો હવે આ ઇ-મેલ પર લખાવવાં પણ શરૂ થઈ ગયાં છે! અહીં એનું લીસ્ટ મુકવા જેવું જ્ઞાન મારી પાસે નથી, નહિતર, તમારી જાણ માટે મૂકત !

આ સમજાયા પછી હું ભગવાન કૃષ્ણ પાસે પહોચી ગયો અને કહ્યું : ‘પ્રભુ, તમે મને હમણાં હમણાં ફરિયાદ કરો છો કે તમારા ભક્તોની સંખ્યા આજકાલ ઓછી થઈ રહી છે કારણ કે એમને સમયની તાણ છે, નાણાંની નથી!’

‘વસ્ત, આમ અવળી વાણી કેમ બોલે છે? તું શું કહેવા માગે છે એ જરા સરળ શબ્દોમાં સમજાવીશ?’

‘પ્રભુ, તમારા ભક્તો રોજની ટીવીની સિરિયલો, ભારતથી ઉનાળાના ઉકળાટથી બચવા અહીં આવતા સીને સ્ટારો, કથાકારો, નાટ્ય અને ગાયક વૃંદો માટે ગમે તેવાં કિંમતી કામ છોડીને, સમય કાઢી લઈ એમને જોવા/સાંભળવવા ‘હાઉસફુલ’કરી દે છે. આજકાલ સફેદ વસ્ત્રોમાં એમને સાંભળવા આવનારને ગમતી વાતો કહેતા, કાનને ગમે એવાં સંગીતમાં એમને ડોલાવતા, દેખાડવાના અને ચાવવાના અલગ દાંતોથી ભરમાવી, આ ભક્તોને એમના ભાષણોથી, આંધળા કરી દીધા છે, પ્રભુ! તમે તો માનવ જન્મ લઈ ઘણા ચમત્કારો કર્યા પછી આજે પૂજાવ છો. આ લોકોના દિવસ અને રાતના ચમત્કારો તમારા જેવા નથી છતાં તમને છોડી એ લોકોની ભક્તિ માટે ગાંડા કેમ થઈ ગયા છે, એ મને સમજાતુ નથી, પ્રભુ! હવે તો સમય બચાવવા તમારું નામ પણ ટૂંકાવી દીધું છે, પ્રભુ! તમને એની જાણ હશે કે નહીં એની મને ખબર નથી! પ્રભુ, તમે ચિંતા ન કરતા. નામ ટૂંકાવવાની પાછળ કોઈ કારણ તો હશે જ?’

‘વસ્ત, તું જો આ જાણતો જ હોય તો મને ચોખવટ કરી દે. મારા ભકતો માટે મારા દર્શનનો સમય થવા આવ્યો છે!’

‘પ્રભુ, જૂના જમાનામાં બાળકોનાં અસલ નામની સાથે સાથે બોલાવવાનાં નામો પણ અલગ આપવામાં આવતા હતાં. જેમ કે, દીકરાનું નામ ‘કોશલ’ રાખે, પણ બોલાવે એને ‘કીપો’ કહી! એ જ રીતે દીકરીનું નામ ‘અંકીનિ’ પાડી એને ‘શીની’ કહી બોલાવે. આમ કરવામાં આ સારા, શોભિતા, ખૂબ ખૂબ વિચારીને ચૂંટેલા નામોવાળા એમના બાળકોને કોઈની બૂરી નજર ન લાગે, અને એમનું આયુષ્ય લંબાવાય એવી માનતા માબાપોની રહેતી હશે, એવું મારું માનવું છે! કદાચ, આ કારણે તમારું સુંદર નામ તમારા સાચા ભક્તોએ ટૂંકુ કરી દીધું હશે, એવું મને લાગે છે. પ્રભુ, તમે તમારા નામને આમ ટૂંકાવનારા ઉપર ગુસ્સે ન થતા. સવારના નાહી-ધોઈ ચોપડીમાં તમારા સો (૧૦૦) નામ લખીને પછી જ ચા કે બદામવાળું દૂધ ગ્રહણ કરનારા તમને જેમ વધારે પસંદ છે, તેમ આ લોકોને પણ ગણી લેશોને પ્રભુ ?’

‘ચાલ, ચાલ તું હવે જલદી પતાવીશ, તારું ભાષણ?’

‘પ્રભુ, આ છેલ્લી વાત કરી લઉં. તમારો વધારે સમય નહીં લઉં એની ખાતરી આપું છું. આજ કાલ તમે જ આપેલી શક્તિઓ વડે, ભણેલાને પણ ભુલાવે એવી એમની વાચાઓથી એમના તરફ ખેંચીને તમારા ભક્તોની સંખ્યા ઓછી થતી હું જોઈ શકતો નથી!’

‘એ વાત તો તારી મને સાચી લાગે છે! તારી પાસે છે કોઈ ઉપાય એનો?’

‘પ્રભુ, છે. જો તમો થોડો વધારે સમય મને આપો તો?’

‘ચાલ, બોલી નાખ!’

‘ભૂતકાળમાં તમારો એક કિંમતી હાર કોઈ ચોરી ગયું હતું, અને તમે એ માટે કેમ ચુપ રહ્યા હતા, પ્રભુ? જો હવે તમારી આ ડાયમન્ડની માળા ચોરવા કોઈ હિમ્મત કરે, તો એને ત્યાં ને ત્યાં જ તમે સ્બધ્ધ કરી દો, તો આ એક જ ચમત્કાર એવો કામ કરી જશે કે પછી જુઓ તમારા ભક્તોની કેવી લાંબી લાંબી લાઈન લાગી જાય છે! … લ્યો, તમારા ભક્તોના પગરવનો અવાજ મને સંભળાવવા લાગ્યો. પ્રભુ, હું વિદાય લઉં!?’

e.mail : chiman_patel@hotmail.com

http://chimanpatel.gujaratisahityasarita.org/

Loading

છેતરાટ

અનિલ વ્યાસ|Opinion - Short Stories|7 July 2014

નર્યો થાક! છેલ્લા ઓગણીસ દિવસથી હું  એને દરરોજ મરતો જોતી હતી.

એ મોટે ભાગે મારા પુત્રો, પૌત્રો અને કુટુંબીઓથી ઘેરાયેલો. મારા કુટંબમાં તો કોઈ હતું જ નહિ. મારા દૂરનાં કાકા કાકીએ મને ઉછેરી અને પરણાવી. એમને મર્યે ય વર્ષો થયાં.

આ થાક હતો રઝળપાટનો. હજી ગઈકાલે જ ત્રણસો માઈલ હડદોલાઈને અમે આવ્યાં. એમની અંતિમ ઇચ્છા પ્રમાણે એમના વતનની નદીમાં એમના અસ્થિ પધરાવવા ગયા હતાં. અહીં હતાં ત્યારે એમની  શોકસભાઓ, બેસણાં અને વધારામાં મન ફાવે ત્યારે આવી ચડતા સગાંવહાલાં કે પડોશીઓ ! હું સાવ  નીચોવાઈ ગઈ હતી.

ગઈકાલે જ અમારો મોટો દીકરો ઉદય એના પરિવાર સાથે બેંગ્લોર પાછો ગયો.

હું સાવ એકલી! મારી જાતને જેસન વગરની દીવાલો વચ્ચે ગોઠવવા મથતી હતી. અડધી રાતે ઝબકીને  જાગી જવાતું. ઓરડામાં ધરબાયેલો સન્નાટો મારી આજુબાજુ ટોળે વળતો. હું  ફફડતી! આંખ ખોલી જોઉં  તો ક્યાં ય નહોતો પેલો ત્રાસદાયક નસકોરાંનો અવાજ કે નહોતો અનુભવતો પડખામાં ગરમાટો. આખી રાત  એ રજાઈ પોતાની બાજુ ખેંચી ખેંચી મારી ઊંઘ બગાડતો. મારી ડોક નીચે, પીઠમાં લાંબા શ્વાસ ભરી  અકળાવતો.

અમે પહેલી વાર સોનલની બર્થડે પાર્ટીમાં મળેલાં, હું સત્તરેક વરસની. લંડનની કોલેજમાં તાજીતાજી  જોડાયેલી. એ ઊંચો, ખડતલ અને ઉપસેલા નાક. પહેલાં ધ્યાન ખેંચે એવી રાખોડી આંખોથી મને જોઈ રહ્યો હતો. હું નજર ફેરવું એ પહેલાં તો એ મારી સામોસામ! એનો શ્વાસ અનુભવાય એટલો નજીક।

"મારી સાથે નૃત્ય કરીશ?" પૂછતાવેંત જાણે મેં હા પાડી હોય એમ એણે તરત મારો હાથ ખેંચી મને સાહી લીધેલી. એ સરસ નાચતો હતો, સરળતાથી ડગલું  મૂકતો, જરા ય થાક ના અનુભવાય એમ સરળતાથી  શ્વાસ લેતો હતો. જો કે, એની એવી સાહજિકતા ચારેક વર્ષ પછી એ જ્યારે નેવીમાંથી પાછો આવ્યો ત્યારે સ્હેજ ઓછી થઈ હતી. નોટિન્ગલ ઉત્સવમાં સળંગ એક કલાક નૃત્ય કરવાનું થયું એ વેળાએ મેં એને થાકતાં જોયો. તો ય એ તો એ જ! લગ્ન પછી અમે જૂનાગઢ ગયેલાં. ગિરનારના પર્વત પર એકી દોટે ચઢતાં એ હાંફતો, ત્યારે એના શ્વાસની ઘાઢી સુગંધ એવી આલ્હાદક કે હું એને વેલીની જેમ વીંટળાઇ જતી. એક રાતનું અમારું હનીમૂન  થોડી  રમૂજ,  ખેંચતાણ, આવેશ  અને વિશ્વાસથી આરંભાયેલું.

આજે એકતાલીસ વરસના સહજીવન પછી એનો ખ્યાલ આવે છે; સ્હેજ જુદી રીતે!

એ  દિવસે એ નહાવા જતાં જતાં મને ચીડવતો ગયેલો, હમેંશની જેમ! પણ પછી એ બહાર આવ્યો જ નહિ. ખાસ્સી વારે ખ્યાલ આવ્યો કે હજી એ બાથરૂમમાં જ છે. હું સફાળી દોડી. બારણું ખખડાવતી હતી ત્યારે  જ  ધ્રાસકો પડેલો કે કશુંક બન્યું છે. પણ કશું ય સમજાય એ પહેલાં તો  ધક્કો માર્યો ને બારણું ખુલી ગયું.

એ ત્યાં જ હતો. પારદર્શક પારદર્શક પાણીની પરત નીચે સૂતેલો! એનો એક પગ બાથટબની ધારે લબડતો હતો અને ધડ છેક તળીએ. એના વાળ પાણીમાં તરતા હતા. એક હાથ સ્થિર ઝાવું મારતા અટકી ગયો હોય એમ તોળાયેલો, મોફાડ ખુલ્લી! નક્કી એનું હૃદય બંધ પડી ગયું હશે ને શ્વાસ રોકાઈ જઈ એનો જીવ ….. કેવું મૃત્યુ થયું હશે? પીડા થઇ હશે કે તરત જ જીવ …..? મેં હાથ લંબાવ્યો ને એના પગના અંગૂઠાને મારી કોણી અડી જતાં મારાથી ચીસ પડાઇ ગઈ. બહાર લાવીને સૂવાડ્યો ત્યારે એવો જ દમામદાર લાગતો હતો. કોરો અને ચોખ્ખો ચણાક! એનું સ્નાયુબદ્ધ શરીર હમણાં ઊઠીને ચાલવા માંડશે એવો ભ્રમ સર્જતું હતું પણ મને ખબર હતી  એ હવે ક્યારે ય ઊઠવાનો ન હતો.

હવે, છેલ્લાં ત્રણ અઠવાડિયાથી હું કેદ છું આ કારમાં સન્નાટામાં. મને જોઉં છું ….. એના ઉધરસના ઠસકાની રાહ જોતી, એની બૂમ સાંભળવા હાથમાં પકડેલી વસ્તુઓ એમ જ પકડી ઊભેલી, એના પગલાં પરખવા કાન માંડીને ડોક ફેરવતી. એની ઊંડો શ્વાસ લઈ ચપટી વગાડી જોઈતું માગવાની ટેવે કેવી વિવશ કરી મૂકી છે મને? જાણે હમણાં ચપટી વગાડતો આવશે ને  કહેશે ….

પણ અહીં તો છે દીવાલો, ફોટાઓ અને એને ગમતું નિર્જિવ અને સ્થિર ફર્નિચર. મારી આંખ ફરે ને નજરે પડે છે હૃદયરોગની બે, હાઈકોલેસ્ટોરેલની, બ્લડ પ્રેશરની, અપચો અને અનિદ્રાની .. ભાત ભાતની શીશીઓ! એની જાતજાતની બીમારીઓ અને એનાં આગવા ટીકડા! ખબર નહીં એ કેવા કેવા ઓસડિયાં  ગળતો રહેતો. હું હસતી "તું આમાંને આમાં મારી જઈશ, જેસન।"

એ હસતો "એમ, તારે વિધવા થઈને નવું ઘર માંડવું હશે, નહીં?" હું ભવાં ચડાવતી, "બહુ ખાંડ ના ખાઇશ, એ તો હું કાલે ય માંડી દઉં. મારા હોઠ મલકાય એ પહેલાં મને યાદ આવ્યું કાલે મારે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ છે. છેલ્લે હું તપાસ કરાવવા ગઈ ત્યારે ડોક્ટરે મને સાતેક કિલો વજન ઘટાડવાની સલાહ આપી હતી. થોડું ઘણું ઉતર્યું પછી તો ઘરના કામ ઓઠે બધું રહ્યું. જો કે જેસન એની તબિયત બરાબર સાચવતો. દર આંતરે દિવસે એનું બ્લડ પ્રેશર માપતો. એનું બ્લડ પ્રેશર માપે ત્યારે એ મને ય માપી આપતો. હવે કોણ એવી રીતે માપી આપવાનું? મેં જાતે જ બ્લડ પ્રેશર તપાસવાનું નક્કી કર્યું.

મેં પલંગ જોડેનું  ડ્રોઅર  ઉઘાડ્યું. બ્લડ પ્રેશરનો પટ્ટો (કફ )અને સ્ટેથોસ્કોપ પહેલાં ખાનામાં જ પડ્યાં હતાં. બી.પીનું મશીન ક્યાં? મેં ચામડાનું પાકીટ ઉપાડ્યું ને મશીન દેખાયું.  એ લેવા વળી ને ખુલ્લા પાકીટમાંથી બે ત્રણ પાતળાં, ભભકદાર પૂંઠાવાળાં  મેગેઝીન સરી પડ્યાં.

દેખાવડા નગ્ન પુરુષો ….. સ્નાયુબદ્ધ શરીર. મોહિત કરી લે એવા આકર્ષક ચહેરા પર લલચાવતું સ્મિત! એક ક્ષણ થયું હું પલંગની ધારે બેઠી છું અને જેસન હાથ લંબાવી મને આવકારી રહ્યો છે! બ્લડ પ્રેશર માપવાનો પટ્ટો મારા હાથમાં જ લબડતો રહ્યો. મેં ઊંડા ઊંડા શ્વાસ લીધે રાખ્યા તો ય લાગતું હતું કે મારા શરીરમાંથી પ્રાણવાયુ ઘટી રહ્યો છે. અચાનક મને ઊબકો આવવા જેવું થયું.

હવે?

કોઈએ મારો બેડરૂમ આંચકી લીધો ને મને ધક્કો મારી બહાર હડસેલી મૂકી. સાવ અજાણ્યા પુરુષો વચ્ચે જેસન નગડધગડ ઘૂમતો હતો. એના ખિખિયાટા, અટ્ટહાસ્યો, ધીંગામસ્તી કરતા એકબીજાને ફટકારવાના, ચુમવાના, આનંદની ચિચિયારીઓ પાડવાના અવાજો સાંભળતી હું ભયંકર મારથી ઘવાયેલી, લાત ખાધેલા પશુ જેવી પડી છું. કશું ય સ્પષ્ટ થતું ન હતું. હું સાવ તરછોડાયેલી, નિરાધાર અને લાચાર!

મારે તાબડતોબ મારા દીકરાઓને બોલાવવા હતા એમને બધું જ  કહી  દેવું'તું.  તમારો  બાપ ….  જુઓ, એના ભવાડા! પણ કહીને ય શું? મરેલા માણસને તમે શું કહો કે શું કરી શકો?

પણ એ તો મર્યો જ નહીં, કબરમાંથી ઊભો થઈ સીધો સામે આવી ગયો!

મારાથી પેલાં મેગેઝીન પર છપાયેલા ફોટા જોવાતા નહોતા. થતું હતું કે આ દમામથી ઈશારાઓ કરતા સાંગોપાંગ સંપૂર્ણ દેખાતા ને છતાં  ય ….. હુકમો  કરતા  ઈજનભરી  આંખો  પરોવી  સીધું  તાકતાં  ચહેરાઓ  તોડી નાંખું, ચાકુ  ફેરવી દઉં, ચીરેચીરા કરી નાખું. તરડી નાખું આ મલકાટ.

મેં મેગેઝીન ઊઠાવ્યાં, પાનાં ડૂચો વાળી ફાડી નાંખવા ગઈ, પણ રહેવાયું નહિને પાનાં ઉથલાવ્યા.  અંદરના દ્રશ્યો તો ધ્રુજાવી દે એવા હતા. આ બધાં ભેગા થઈ મારા જેસનને ખેંચી જવા માંગતા હતા. અને  એના પર ફક્ત મારો જ હક હતો. ફક્ત મારો.

કોઈ બીજાને એને અડવાની છૂટ નહોતી. એ મારી એકલી નો જ.  સુવાંગ મારો જ.

પણ એ તો કોઈ આગંતુક બની ઊભો'તો મારી સામે! મારે આ બધાં જ નકામાં ચોપાનિયાં બાળી  મુકવા'તા પણ કોઈ જાસૂસ કે વકીલ જેમ પુરાવા બરાબર સાચવીને મૂકી દે એમ મેં ખાનું બંધ કર્યું। એ જ ક્ષણે  ક્યારનું રોકી રાખેલું ધ્રૂસકું વછૂટી ગયું. કેમે ય ડૂમો ઓગળતો નહોતો. જાત પર વછૂટતી દયા કે પાગલ થઈને કોઈને પ્રેમ કરવાની પીડા? 

છેલ્લા પંદર વર્ષમાં છૂટી છવાઈ ભોગવેલી શરીર સંબધની ક્ષણો હીહીયાટા કરતી પેલા નાગડા પુરુષોની  જેમ ઓરડામાં દોડાદોડ કરતી હતી. પતિએ આચરેલા છળનો આ કેવો આકરો ઉદ્વેગ?

મને શું ખબર કે એ ગે હશે? કોઈના ચહેરા પર ક્યાં વૃત્તિઓ લખી હોય છે કે વાંચીએ? મને યાદ આવ્યું  પાંચેક વરસ પહેલાં એક વાર સાંજે ફોન આવેલો કે મારે મોડું થશે. સમીર સાથે પીવા બેસવાનું છે.

"તો ક્યારે પધરાવાના છો?"

"બસ, એ છોડે એટલી વાર."

અમારા લગ્ન પછી એને ત્રણ પ્રમોશનો મળેલા. નૅવીમાંથી નિવૃત થયા પછી એણે ટેલી કોમ્યુનીકેશનમાં ઝંપલાવ્યું ને એમાં જ આગળ જઈ સોફ્ટવેર ચકાસણીની બહુ મોટી કંપનીમાં એ લીડ એન્જીિનયર થયો. આ ગાળામાં અમારે ચાર સંતાનો થયા મિહિર, અનાર, મનન અને જય. મોટા ભાગના શનિ – રવિમાં સમીર અમારે ત્યાં જ પડયો પાથર્યો રહેતો. અમારા ભર્યા ભાદર્યાં કિલ્લોલતા પરિવારમાં એ ભળી ગયો હતો.  ક્યારે ય થયું જ નહિ કે એ અમારા પરિવારનો ભાગ નહોતો. મને બરાબર યાદ છે ફોન મૂક્યા પછી મેં ઘડિયાળમાં જોયેલું. જેસન હમણાંથી બહુ પીતો હતો. સાતેક વરસથી કેટલી ય રાતો એણે બહાર વિતાવી હતી. એ દારૂ પીને વાહન ચલાવે એ મને જરા ય ગમતું નહીં. રસ્તાની ધારે કે હોસ્પિટલના પલંગ પર એનું મૃત શરીર જોવાની કલ્પના માત્રથી મને કમકમાં આવતાં. એવી કેટલી ય રાતો હતી જ્યારે એ લગભગ રાતના અગિયારેક વાગ્યે ફોન કરીને નશીલા લથડતા અવાજે કહેતો, "સોના, બહુ પીવાઈ ગયું છે, બકા, શું કરું હું?" હું જવાબ ના આપું કે અકળાઉં તો માફામાફી કરતો. છેવટે "સારું હવે ત્યાં જ સૂઈ જાવ." સાંભળી થેંક્યું …. થેંક્યું કહેતાં હસી પડતો. ત્યારે હું ભગવાનનો આભાર માનતી, હાશ, એ સલામત છે એટલે બસ.

બીજા દિવસે જેસન ઘરે આવ્યો ત્યારે ખાસ્સો નંખાઈ ગયેલો હતો. એને હેંગઓવર હશે એમ મને લાગ્યું. હું જમવાનું પીરસતી હતી, એણે મનન અને જય સામે હાથ હલાવ્યો અને ચૂપચાપ ઉપર જતો રહ્યો. થોડીવારમાં શાવર બંધ થવાનો અવાજ આવ્યો, એ કપડાં બદલી નીચે આવ્યો ત્યારે છોકરાંઓ જમીને આડા પડખે થયા હશે કે વાંચતા હશે. અનારને પરણ્યાવ્યે વરસે ય નહોતું થયું, મિહિર એરફોર્સની ટ્રેનિંગમાં હતો. ઘરનો ભાર અમારા પર હતો. એણે ચૂપચાપ થાળી લીધી. હું શાક ગરમ કરવા વળી, ત્યારે એના હોઠ ફફડ્યા પણ ચૂપ થઈ ગયો. શાક મૂકીને હું બેઠી, એ ટટ્ટાર થયો. ઉષા, એનો અવાજ ઊંડેથી આવતો હોય એવો હતો.  “ મારે તારી સાથે વાત કરવી છે.”

એ મારી સાથે નજર ન મીલાવી શક્યો. એણે ઊંડો શ્વાસ લીધો ત્યાં સુધી હું એને જોઈ રહી.

“મારાથી કાલે સમીર જોડે … તું સમજે છે ને? હું એની સાથે ..” સ્હેજ અટકી એ બોલ્યો, “મેં સમીર જોડે શરીર સંબંધ બાંધ્યો.” એ આડું જોઈ ગયો. હું સ્તબ્ધ અવાક, વિચાર સુધ્ધાં કરી નહિ શકી. મને કયારેક એવો વિચાર આવ્યો હશે કે જેસન મરી ગયો છે કે નશામાં ગાડી ચલાવવાના કેસમાં જેલમાં પુરાયો છે પણ એવું તો ક્યારે ય નહોતું વિચાર્યું કે એ કોઇ બીજા પુરુષ સાથે સેક્સ કરતો હોય અને એ ય સમીર જોડે?

“મને માફ કરી દે, પ્લીઝ.” એ થોડીવાર નતમસ્તક બેસી રહ્યો, આશામાં કે હું કઇંક બોલીશ; પણ હું શું બોલું?

“બહુ પીવાઇ ગયું એમાં ભાન ના રહ્યું ને .. ” હું એને પ્રશ્નાર્થ નજરે જોઈ રહી હતી.

“જો કે તારે એની સાથે કશી લેવા દેવા નથી પણ તને કહી દેવાયું.”

છેવટે હું સ્વસ્થ થઈ. “આવું પહેલી જ વાર બન્યું?” એ સાવ કોરી નજરે મને જોઈ રહ્યો. થોડીવારે એના હોઠ ફફડ્યા, “ના.”

“કેટલી વાર, જેસન, કેટલી વાર તું સૂઈ ગયો છે એની સાથે?” એણે ખભા ઉલાળ્યા, જાણે કશું જાણતો જ નથી પછી પાણીનો પ્યાલો લઈ એકી શ્વાસે પાણી પી ગયો, અને પીરસેલી થાળીને હડસેલતાં ઊભો થઈ ગયો. હું જાણતી હતી આ એની રીત હતી, બસ. હવે કોઈ ચર્ચા નહિ જોઇએ કહેવાની. વાત પૂરી થઈ ગઈ હતી.

“તો હવે શું કરવાનું છે, આપણે?”

જવાબમાં એ જ બેપરવાઈ અલબત્ત, સહેજ શરમ સાથે.

“મને જવાબ જોઇએ છે, જેસન, આપણે શું કરવાનું છે?”

“મેં તને કહ્યું તો ખરુ, તારે એની સાથે કશી લેવા દેવા નથી. હું બહુ પીધેલો હતો એમાં એવું બની ગયું.” એ બચાવમાં બોલતો હોય એમ બોલ્યો પણ એનો ગુસ્સો છૂપો રહેતો નહોતો. મારે નહિ તો કોને લેવા દેવા છે એની સાથે? પણ હું કશું બોલી શકતી નહોતી. એક ડર અને અસલામતીમાં અટવાઈ ગઈ. મારે એ જાણવું હતું જેસન મને છોડી  દેવાનો તો નહોતોને?

મારે એ ય જાણવું હતું કે હવે ફરી એ સમીર સાથે સેક્સ માણવાનો હોય તો ……. હજી માર માન્યામાં નહોતું આવતું. આ કેવી રીતે બન્યું હશે? એકવાર નહિ, વારંવાર. એ મારી ઉપર યંત્રવત્ વર્તે છે એવું ક્યારેક અનુભવાયું તો ય વધતી વયની ઓઠે બધું કેવું સહજ હતું? સમીરને તો અમે અમારા લગ્ન પહેલાંથી ઓળખતાં હતાં.

અને કોઈ બીજા પુરુષો સાથે ય સંબંધ હશે?

“બોલો, શું કરવાનું છે આપણે?” મેં ફરી પૂછ્યું.

“શું કરવાનું?” પૂછતાં એણે કાચનો ગ્લાસ ટેબલ પર પછાડ્યો ને બોલ્યો, “સારું, બધો વાંક મારો પણ, તું? એટલી નાનકડી વસ્તુ તો તું નિરાંતે આપી શકી હોત. તેં મારું ધ્યાન રાખ્યું તેં કદી?”

હું આ સવાલ માટે જરા ય તૈયાર નહોતી. એના શબ્દો મને વીંછીના ડંખ જેમ ડંખ્યા.

શું હું એનું ધ્યાન રાખતી નહોતી? મને તો એવું લાગતું હતું કે એના સિવાય મારા કેન્દ્રમાં કોઈ હતું જ નહિ. સવારથી એ ચિંતા થતી કે સાંજ પડ્યે છોકરાંઓ સમયસર પથારી ભેગા નહિ થાય તો? ને જેસનને તો બરાબર સાડા સાતે જમવાનું ટેબલ પર જોઇએ એટલે જોઇએ જ. એને મન તો સાત ને એકત્રીસ થાય એટલે ડીનર લેઇટ. સાત એકત્રીસ હોય કે સાત પંચાવન, મિનિટોનું કશું મહત્ત્વ જ નહોતું. લેઇટ એટલે લેઇટ.

કશીક ગુનાની લાગણી કોરી ખાવા લાગી. થોડો ધ્રાસ્કો ય પડ્યો. હમણાં એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જશે.

“જો તું થોડીકે ય વધારે હાથવગી હોત …” જેસનનો અવાજ મારા પર દોષારોપણ કરતો હોય, આરોપ મૂકતો હોય એવો થયો, “તો મારાથી આવું ના થઈ જાત.”

હાથવગી? હા, પાંચ વરસમાં ચાર છોકરાં જણી આપ્યા એટલે હું હાથવગી તો શાની હોઉં? પણ એને હું દારૂ જેટલી હાથવગી નહોતી અને સહેજ વધારે દારૂ પીવાઈ જાય તો એ નપુંસક થઈ જતો, “નથી જાગતું ચલ સૂઈ જઈએ.” પણ મેં આ વાત ન ઉચ્ચારી.

મારી જતું કરવાની ટેવ, સંસ્કાર કે પછી એ શરમ હતી પણ મારી જરૂરિયાતે કદી મને બીજો મરદ શોધી લેવા ન પ્રેરી. બધો મારો જ વાંક. જમવાનું મોડું થાય, ગર્ભ રહી જાય, હું થાકેલી હોઉં, ધાવણ ઊભરાતું હોય .. હું હાથવગી ના મળું મારો જ વાંક. હું ધ્રુસકાભેર રડતી બીજા ઓરડામાં દોડી.

જેસન પાછળ પાછળ આવ્યો. મને નજીક ખેંચતા બોલ્યો, “ઉષા, ઉષા.” એનો અવાજ ઢીલો સ્હેજ ગભરાયેલો હતો. “હું ખાતરી આપું છું આવું ફરી ક્યારે ય નહિ બને. કદી નહિ, વચન, બસ, તારા સોગન. હું એના આલિંગનમાં બંધાઇ રહી. મને ગમતું હતું એની વાત માનવાનું, મારા અંતરના અવાજને ઊવેખતી હું એના હૃદયના ધબકાર ગણતી ઓગળતી રહી. જેસનમાં ભાત ભાતની આવડતો હતી. એ સરસ સીવતો, ગળે ઝીણાં ભરત વાળું ફ્રોક કે ડ્રેસ બનાવવો એના માટે રમત હતી. અનારના બધાં જ કપડાં એ સીવતો. અરે એને તો સુંદર મોનોગ્રામ અને લૉગો બનાવતા, રાંધતા ય આવડતું. એ અફલાતૂન બર્થ ડે કેક બનાવતો. ગાજર કે મૂળામાંથી ગુલાબ અને ક્રીમ સાકરની ડિઝાઈન પલકમાં તૈયાર!

એ જાણતો શરીર કેવી રીતે લસરાવવું, નાચતી વખતે સૌથી ચપળ અને સારા કેવી રીતે દેખાવું. એટલે તો  હું એને ચાહું છું, અપાર. એની તીવ્ર ઇચ્છાઓ, પરિપૂર્ણતા, કૌશલ્ય અને …

આ બધી કન્યા રાશી કળાઓની અસરે તો એને ગે નહિ બનાવ્યો હોય ને? જો કે આ નવું હતું. મને વિચારતાં જ કમકમાટી આવતી હતી, ક્યાંક જેસન પુરુષોને ચાહવાનું ન છોડી શક્યો તો?

એક જ છત નીચે આમ રહી શકીશું ખરાં? આખરી ઉપાય જો છૂટા પડી જવાનો જ બચે ને અમારે જુદા જુદા ઘરમાં રહેવાનો વારો આવે તો કેવી રીતે જીવી શકીશું? આ એક ઘર ચલાવતાં ય કેવી મુશ્કેલીઓ પડે છે .. અરે એટલા પૈસા ક્યાંથી આવશે? મને તો કશું આવડતું નથી અને નથી હું એટલું ભણેલી કે નથી મારા નામે કશી બચત કે આવક!

અમારાં ચાર સંતાનોની જવાબદારી અને એક જૂની કાર જે ગમે ત્યારે રીસાઈ જાય.

જેસન મને છોડીને જતો દેખાયો કે હું છળી મરી. ના હું નહિ રહી શકું. ભલે એ દારૂ પીતો હોય પણ એ સાવ અનોખો છે, કશુંક એવું છે એનામાં જે મને જકડી રાખે. હું એ જે કંઈ કહેતો એને ચાહતી હતી અને એની કહેવાની ઢબે ય કેવી? જાણે ગ્રીક અથવા લેટિનમાં શેક્સપિયરની કાવ્ય પંક્તિઓ બોલતો હોય. મેં તો જગત એની આંખે જોયું છે એ જેટલું જાણે, મને જણાવે એ જ મારી દુનિયા. એના કૌશલ્યની મારે મન કોઈ સીમા નહોતી. એ બધું એની રીતે કરતો, જેમ મેં ઇચ્છયું હોય. હું તો એનાથી જ અભિભૂત હતી. એ જ મારું સર્વસ્વ. છોકરાંઓ ય એનાથી કેવા સંમોહિત અને એ સહુને કેટલું બધું ચાહે છે … અમે લડતાં, એકબીજાને રમતોમાં ચડાઊતરીમાં ચીડવી દોડદોડ કરતાં. ગીતો ગાતાં કાગારોળ મચાવતા રાગડા તાણતા, શબ્દ પૂરણી માટે ઝઘડતા. એ નાટકો વાંચતો અમે એકબીજાને વળગીને  સમજતાં, પામવા મથતાં. હું કેવી રીતે એને છોડી દઉં?

જે થયું એ, એણે સમીર સાથે જે કર્યું એ. વાત પૂરી થઈ.

એણે મને વચન આપ્યું છે. મારે એના શબ્દોનો વિશ્વાસ કરવો રહ્યો. એ જેવો હોય એવો, પણ એ જેસન છે. મારો નમણો, રૂપાળો, સેનાની વિધ્નહર્તા પતિદેવ. આ વિષય હવે છેડવો જ નથી, મેં નક્કી કર્યું. ના, કદી નહિ. આખી યે વાત વિસારે પાડી આગળ વધી જવું. આટલું બધું બની ગયું છતાં હું નહોતી કે હું એના વગર જીવું અમે સાથે જ જીવીશું .. ખાત્રીપૂર્વક. (એ હતું ઠાલું આશ્વાસન યા શ્રદ્ધા?)

જ્યાં સુધી મેગેઝીનો ને ફોટા મળ્યા નહોતાં, ત્યાં સુધી તો હું એમ જ માનતી હતી કે સમીર સાથેનો શરીર સંબંધ એ માત્ર એ તો ચિક્કાર પીધેલા દારૂની અસરનો ચાળો હતો. હવે મારું રૂદન રોકાતું નહોતું. મારી લાગણીઓ હું પોતે જ ઉકેલી શકતી નહોતી. બેવફાઈ એમાંની એક. પારાવાર દિલગીરી … જેસનની  શરમજનક ખાનગી જિંદગી બદલ ગુસ્સો કે ખરેખર એણે આવું શું કામ કર્યું એ કહેવા એ હાજર નથી એની હતાશા? મને કોઈએ કોલુના ચીલામાં સૂવાડી દીધી ને ડાબલાબંધી બળદો એક ધારું ચાલ્યા કરતા હતાં. હું પેલા અજાણ્યાપણાની ખરીઓમાં પીસાતી-કરચાતી હતી.

મેં છોકરાંઓને બોલાવવાનું નકકી કર્યું.

પહેલાં મિહિર. એ જેસન જેવો જ કુશળ નર્તક હતો. એ સિવાય આજ સુધીમાં એણે સાતેક ધંધાઓ બદલેલા. એ તદ્દન સીધો અને સરળ એટલે જ  કદાચ એને કાયમ ગુમાવવાનું આવતું.

પણ મને કોઈ બરાબર સમજી શકે તો એ. એની સાથે વાત કરવાનું મારે માટે સરળ હતું. હું એને ગમે તે કહી શકું. મેં એને કહ્યું કે મને જેસનની ગંદી પુરુષો જોડેની ફિલ્મ, ફોટોગ્રાફ્સ અને મેગેઝિનો મળ્યાં છે. પછી સમીર સાથેની વાતો, બીજી વાતો મન મૂકી ને કહી દીધી.

‘ઓહ!’ એણે ઊંડો નીસાસો નાંખ્યો. ‘મને તો આવો અણસારો ય નહોતો, પપ્પા મને કેટલું ચાહતા. જો કે મને કોઈવાર લાગતું, અમારી વચ્ચે કશો અંતરાય છે, પડદા જેવું કશુંક અમારી વચ્ચે …. તો એ આ હતું એમ! ’

અનાર હતી, બીજા નંબરે. સહાનુભૂતિથી ભરી ભરી અને સાવ ડૂબતા અવાજે બોલી, બહુ થોડા શબ્દો.

મનન સમજણો થયા પછી હોસ્ટેલમાં ઉછર્યો, એટલે એકલપટો અને જિદ્દી ય એવો જ. આ વાતથી સહુથી વધારે કોઈ દુ:ખી થયું હોય તો એ.

છેવટે મેં જયને બોલાવ્યો. મેં એને રાખેલો સાચવીને. જય એકદમ હોંશિયાર હતો. સીધી વાત ને તરત નિકાલ. મેં વિચાર્યું નહોતું એ શું કહેશે, કેવી રીતે પ્રતિભાવ આપશે. એક આંચકા જેવું, થોડી ચૂપકીદી વચ્ચે વાત પૂરી થયા પછી સ્હેજ મોટા અવાજે બોલ્યો, ‘મૉમ, હવે મૂકો ને વાત, ખાલી પોર્ન જ છે કે બીજું કાંઈ?’

હું બેવફાઈ, દગો એવું બબડી, ત્યાં એણે મને ફંગોળી દીધી એના અવાજના વેગમાં.

‘બધું પતી ગયું હવે. મડદું ચીરવાથી વાસ સિવાય કશું ય હાથ નહિ આવે.’ મેં એને શ્વાસ ઝાટકતાં સાંભળ્યો, એની અસહિષ્ણુતા પીછાણી.‘ મેં પપ્પાના બેસણાંના દિવસે કહેલી પ્રાર્થના યાદ કરો. એ બની ગયું, હવે એમ જ રહેવા દો.’

મેં કશો જવાબ ન વાળ્યો. એના શબ્દો મારા માથામાં ધમ ધમ વાગતા હતા. જયારથી પેલું ખાનું ખોલ્યું ત્યારથી વાગતા હતા એમ. વાત પતી ગઈ હતી, જેવી રીતે જેસને પહેલાં પતાવેલી. એવું કેવી રીતે બને કે જેસનને એના દીકરાનો દીકરો ગર્વભેર ન જુએ?

મેં જોયું કે શિયાળો ઉનાળાને રસ્તો કરી આપતો હતો. મને હવે એ પોર્ન તપાસવામાં કોઇ રસ ન રહ્યો. હા, મેં અમારા લગ્નજીવનનો ખૂણેખૂણો તપાસી જોયો. મને નવાઈ લાગતી હતી કે એણે કઈ રીતે મને  આટલાં વરસ પ્રેમ કર્યો હશે, જ્યારે અંદરથી એ કોઈ પુરુષને ચાહતો હોય. ક્યાં સંતાડી રાખી હશે એણે એની આ ગૅ જિંદગી?

ત્યાં જ ફોન રણક્યો. સામે છેડે કરણ અને વર્ષા હતાં. આ જુલાઇમાં જ જેસને જ્યારે “સૉફ્ટવેર સીક્યોર” છોડ્યું, પછી જેસનની ભલામણથી એના અંગત દોસ્ત કરણ એમાં જોડાયા. કરણ અને જેસન વર્ષોથી મળ્યા નહોતાં, પણ ફોન અને પત્રો દ્વારા સંબંધ જીવતો હતો.

ફોન પર વાત કરતાં કરણ કહે, ‘ભાભી, તમે જાણો છો જેસન તમને કેટલું બધું ચાહતો હતો? હું જ્યારે ફોન કરું, માત્ર તમારી જ વાત.’ એણે ઘણી વાતો કરેલી, હું શું જમવાનું બનાવતી, ઘર સંભાળતી, બાળકોને ઊછેરતી, બગીચો સાચવતી, સાફ સૂફી … વખાણ, નર્યા વખાણ. ‘એને તમારે માટે બહુ ગર્વ હતો.’

મારી આંખો ભરાઈ આવી. હું બોલી ન શકી. શા સારું? સત્ય મારા મોઢે આવીને ઊભું હતું પણ મેં શબ્દો સાચવી લીધા.

સાંજે સહુ ચુપચાપ જમ્યાં. કોઈના લગ્નમાં એકલાં એકલાં જમવાનું બને એમ. મારી દીકરી અનાર ઘડી ઘડી એના સાસરે ફોન કરતી હતી. મિહિર એના રૂમમાં હતો. જય ટેલીવિઝન પર સમાચાર જોતો હતો. મનન બારી બહાર તાકતો હતો. એના વાળ અને કપડાં હવાથી ફરફરતાં હતાં. એ થોડી વારે મારી સામે જોઈ ફિક્કું હસી લેતો.

મને થયું લાવ એને પૂછું બહાર આટલો બધો પવન છે તો શું કામ બારી ઊધાડી રાખી છે?

પણ એ ક્યાં કશું સાંભળે એવો હતો?

સવારે સહુ ગયાં પછી આખા ઘરમાં બધું ભૂલી જવાની સલાહ અને મૂકો હવે એ વાત જ નથી ઉખેળવીના આદેશ વિખેરાયેલા પડ્યા હતાં.

પણ મને ચેન પડતું નહોતું. હું ડૉ. પ્રીતિ પરીખને મળવા ગઈ. અમારા વર્ષો પુરાણા થેરાપિસ્ટ.

મહિરના જન્મ પહેલાં અચાનક નોકરીમાં પ્રમોશનને બદલે બદલી થતાં જેસન બહુ જ હતાશ થઈ રજા પર ઊતરી ગયેલો. એ વખતે ફેમીલી ડૉક્ટરે અમને એમની પાસે મોકલેલાં.

મને હતું કે એ તો મને ચોક્કસ જેસનની એ વાતો કહેશે જે હું જાણતી નહોતી.

‘એ ક્યારેય એના સંવેદનો સરળતાથી વ્યકત કરતો નહિ. એને ઉકેલવો અઘરો હતો.’

સાંભળી મેં હકારમાં માથું હલાવ્યું.

‘એવું નહોતું કે એ લાગણીશીલ નહોતો પણ એ એની લાગણી ખાસ દેખાડતો નહિ.’

‘તમે તો વર્ષોથી એને જાણો છો તમારાથી શું છૂપું હોય?’ હું બોલી ગઈ.

‘હા. પણ મન અગોચર હોય છે કદાચ કંઈ દબાયેલું ય હોય.’

મેં ઊંડો શ્વાસ લીધો અને કહી દીધું. ‘જેમ કે કોઈ ગૅ હોય.’

શાંત પળો વીતતી રહી. મેં પ્રીતિ સામે જોયું. હજુ એના માન્યામાં આવતું નહોતું  એ નિ:શબ્દ!

છેવટે બોલી, ‘જેસન ગૅ હતો?’

હવે ચકિત થવાનો મારો વારો હતો. ‘તમને ખબર નથી?’ એણે દિગ્મૂઢની જેમ માથું હલાવ્યું. મેં એને મળેલા ફોટાઓ, ફિલ્મની, સમીર સાથેના સંબધની વાત કરી.

પ્રીતિ એની અતિશય વિશ્વાસુ થેરાપિસ્ટ હતી, છેલ્લા વીસ વર્ષથી. એને જેસન હોમોસેક્સયુઅલ પાસાંની કશી ખબર જ નહોતી. હું પાસું કહું છું કારણ કે આજે ય મને પૂરેપૂરી ખબર તો છે જ નહિ  કે જેસન શું હતો? થોડો ગૅ કે પૂર્ણ પુરુષ? કે થોડો પુરુષ અને પૂરો ગૅ?

તમે બાયસેક્સયુઅલ હો એટલે પુરુષ અને સ્ત્રી બન્ને સાથે એક જ સરખો સેક્સ માણી શકો?

તો પછી એમ.એસ.એમ … મેં હમણાં જ જાણ્યું કે પુરુષ જેને પુરુષ સાથે શરીર સંબધ હોય એ MSM.(મેન હેવિંગ સેક્સ વીથ મેન) બહુ શાલીનતાથી બોલાય. ‘પુષ્પક.’ એનો અર્થ જરાય એવો નહિ કે પુરુષ ગૅ જ હોય.

મને હતું કે આ ગૂંચવાડો સમજી શકું, પણ ના મને કંઈ જ સમજાતુ ન હતું. મેં પ્રીતિ સામે જોયું હજી એનો અચંબો ઉતર્યો નહોતો. આટલાં વરસોમાં એ વાત ક્યારે ય નીકળી જ નહિ. એવી કેવી થેરાપી? કદાચ આ જ સાચી ચાવી છે. કારણ કે જેસન એ વાત કદી પ્રીતિની ઓફિસ સુધી લાવ્યો જ નહિ. ઘરરખ્ખુ, ધાર્મિક પત્નીનો પતિ, ચાર છોકરાનો બાપ જેસન તો ફળદ્રુપ ગૅ હતો. લુચ્ચો અને દારૂડિયો, હલકટ અને જુઠ્ઠો. એ જેસન જેણે દારૂ અને ધુમ્રપાન નાનપણથી શરૂ કરી દીધેલાં. થાય છે આટઆટલાં વરસોમાં પ્રીતિ કદી એ જેસનને મળી જ નહિ.

‘જેસને તને અપાર ચાહી છે, ખબર છે ને તને?’ એણે બારણાંમાં ઊભાં ઊભાં આવજો કહેતાં પહેલાં કહ્યું.

‘હા. હું જાણું છું, પ્રીતિ, જેસન મને ખરા હૃદયથી ચાહતો હશે પણ હું એ નથી જાણતી કે એવું શું છે જે મને તાર તાર કરી મૂકે છે. આ પીડા મારાથી નથી વેઠાતી. મેં માંડ માંડ ઘ્રુસકું દબાવ્યું. પ્રીતિએ મારો હાથ સાહી મને બેસાડી.

‘જેસન ખરેખર જાણતો હશે કે મેં એને પારાવાર ચાહ્યો છે?’  એ ચૂપચાપ મારી સામે જોઈ રહી.

મારાથી પ્રીતિને તુંકાર થઈ ગયો. ‘તને લાગે છે કે એ જાણતો હશે?’

એણે નજર ફેરવી લીધી, એનો ચહેરો સ્હેજ ઓજપાઈ ગયો. ધીમેથી માથું હલાવતાં બોલી, કેમ નહિ?એ ચોક્કસ જાણતો હશે.’ મને એની વાત પર વિશ્વાસ હતો પણ મનમાં થયું, કદાચ એને પોતાનો વિશ્વાસ નહિ ડગવા દેવો હોય.

ઘર તરફ જતાં મેં આના વિષે ફરી વિચાર્યું. હું અને પ્રીતિ બન્ને જાણતા હતાં કે જેસન માટે કેટલું બધું અઘરું હતું પોતાને ચાહવાનું ને એ સમજવાનું કે હું એને કેવી રીતે ચાહું છું. કેવી મોટી કરુણતા છે આ?

અને એનું રહસ્ય મારે જાણવું હતું. મેં અમારી જિંદગીને શરૂઆતથી તપાસવી શરૂ કરી. એકે એક વળાંક, ખાંચખૂંચી અને વિરામો.

અમારાં લગ્ન પછી જેસનના મામાએ વિદેશ પ્રવાસની ભેટ આપી હતી ત્યારે એણે સ્વિત્ઝર્લેન્ડને  બદલે હનિમૂન માટે ફ્લોરિડા થઇ સેંટ થોમસ જવાનુ પસંદ કર્યું. ત્યાંની અદ્દભુત વનરાજી, ઊંચા ઢોળાવો અને ભૂરું પોખરાજી પાણી …… મેં કાયમ વિચારેલું એક દિવસ હું ને જેસન ફરીથી આ પ્રવાસે આવીશું અને આ  નીતર્યા આકાશી પાણીમાં તરીશું.  જેસન જેને દુનિયાનો સર્વ શ્રેષ્ઠ દરિયા કિનારો કહે છે ત્યાં રાત ગાળીશું અને ડોમિનિકન બીટસ્ પર મેરેન્ગયૂ નૃત્ય કરીશું. પચાસ વરસમાં રેત, પરવાળાંના ખડકો અને પથ્થરો પર અફળાઈ અફળાઈ પાણીના કેટલા ય રંગ બદલાયા હશે.

સેન્ટ થોમસની ટેકરીઓના ઢોળાવો પરના ખેતરોના જાંબલી, પીળા, કિરમજી અને ગાઢા બદામી રંગોના પટ્ટા, પામ ટ્રી અને અજાણ્યાં લીલા છમ વૃક્ષો અને ફૂલો જોતાં હું સાવ પાગલ બની ગઈ હતી. ચોતરફ પથરાયેલી હરિયાળી, રેત પર ફેંકાઈ, પથરાઈ  ફીણોટાતાં પાણી વચ્ચે માગેન્સ બૅ પર છૂટા છવાયાં ટોળામાં લોકો મોજ ઉડાવતા હતા. અમે કલાકથી વાનની રાહ જોતા કંટાળ્યા હતાં. થોડીવારે વાન આવી. અમે ગોઠવાયાં પછી કોઈ ગેટ પાસે જેસન ઊતરી ગયેલો. આર્મીનું કોઈ ખાસ મીશન એને ત્યાંય છોડતું નહોતું. મોડી સાંજે મેં વાનના ડ્રાઇવરને વિનંતી કરી મને પેલા ગેટ પર લઈ જાય જ્યાં જેસન ઊતરી ગયો હતો. ‘ત્યાં જઈને શું કામ છે તમારે?’ એના અવાજમાં એક પ્રકારની અકળામણ હતી. હું વધારે જિદ કરું એ પહેલાં જેસન આવી ગયો હતો. મને પેલા ડ્રાઇવરની એ અકળામણ યાદ આવી. મેં ઈન્ટરનેટ ખોલ્યું.

ગુગલમાં લખ્યું સેંટ થોમસ …. તો વાત આમ હતી. જ્યારે જેસન સેંટ થોમસ, વર્જિન આયલેન્ડના પાટનગરમાં આવ્યો ત્યારે એને ખબર હતી કે આ એક એવી જગા છે જયાં તમે કોઇ રોકટોક વગર એક ગે તરીકે વર્તી શકો. મને એનું એ વખતનું આનંદથી ઝૂમી ઊઠવું સાદશ્ય થયું. એનું નૃત્ય … એ થરકાટ … તો એને ખરેખર હું નહોતી જોઇતી? હું એક સંતાન પેદા કરવાનું યંત્ર બની રહી એની સાથે આટલા વરસ? કે એને સ્ત્રીની કોમળતાની લસરક સાથે પુરુષત્વની ઢગલો ભીંસ વચ્ચે જીવવું હતું? એને ચોક્કસ પ્રશ્નો હશે એટલે  તો એ નિયમિત સાયક્યાટ્રીસ્ટને મળતો હતો.

મેં એના સાયક્યાટ્રીસ્ટ ડો. દિવાનજીને ફોન કર્યો.

‘હું મારી જાતને સવાલ પૂછું છું કે દિવાનજી, તું આટલા વરસો એનો માનસશાસ્ત્રી રહ્યો ને તને ક્યારે ય ખબર ન પડી કે જેસનને પુરુષોનું અદમ્ય આકર્ષણ હતું?’

એ ચૂપચાપ મારી સામે જોઈ રહ્યા. થોડીવારે એમનું ચિરપરિચિત સ્મિત એમના હોઠે આવ્યું.

‘જો કે એ મને છેતરી ગયો પણ જેસને ક્યારે ય એની સજાતીય વૃત્તિ છુપાવી નહોતી. બસ એને એણે એક જુદી જ દુનિયામાં સંતાડી રાખી હતી.’ એમનો અવાજ સ્હેજ ઉદાસ થયો.

‘એને પોતાનાં બે સાવ અનોખાં ને અલગ વાસ્તવ હતાં. તું એ સમજવા પ્રયત્ન કરીશ તો કદાચ તારો રોષ અને પીડા ઓછા થશે.’

બે જુદા જેસન નહિ પણ બે જુદી વાસ્તવિકતાઓ!

બે અલગ વિશ્વમાં એ કાયમ જીવ્યો. કદાચ એણે મનોમન ભારે લડત અનુભવી હશે. એ બહાર આવવા મથ્યો હશે. બે સાવ જુદા અંચળા ઓઢી જાતને સતત છુપાવી કે છેતરી જીવવા એ કેવું તરફડ્યો હશે? મેં તો એ જ દુનિયા જોઈ જે એ દેખાડવા માગતો હતો. અને એ એનું ગુપ્ત રહસ્ય હતું. એક આભાસી જગત હતું. અમારા સંતાનો, કુટુંબીઓ, મિત્રો, પ્રીતિ અને દિવાનજીએ એક જ જેસનને જોયો હતો. જો કે અકસ્માતે કે કોઈ અપરાધભાવના બોજથી પણ મારી સાથે એણે ખૂલવું પડ્યું હતું. એણે મને સમીર વિષે કહ્યું …. કદાચ અમે પ્રેમ કર્યો હશે કે નહિ કર્યો હોય? મેં વિચાર્યુ. હવે મને સમજાયું હતું સેંટ થોમસનું અપાર સૌંદર્ય કેમ એને ગમતું હતું. જે માગેન્સના સ્ફટિક પાણીમાં તરવરતું હતું, એ ભીંજાવું, એ દેખાવડા મનગમતા પુરુષોની સાથે નાચવું, જાંઘથી જાંઘ દબાવીને ચીપકવું. બસ મદહોશ થઈ માણવું, સાવ નફ્ફટ થઈ માત્ર આનંદ લૂંટવો.

એકાએક સત્ય બહાર આવી ગયું હતું, જેસન ત્યારે ય મને સેંટ થોમસ લાવવા માગતો જ નહોતો. એણે કદી એવું કહ્યું ય નહોતું. એ તો મને નિસર્ગ વચ્ચે એકલી મૂકી મિત્રોને માણવા ઉપડી જતો. મને લાગ્યું હતું કે આ આનંદાયક પ્રવાસ હતો, પણ ના, હું  ખોટી હતી. એ તો માત્ર એના માટે જ જીવ્યો.

પણ આટલાં બધાં વરસ …. નવોઢા પત્નીને સાથે લાવી, પોતે સરકી જઈ શું કર્યું હશે ત્યાં? આ એક વણ ઉકલ્યો કોયડો મને મૂંઝવ્યા કરે છે. કદાચ આખી જિંદગી હું એને ઊકેલવા મથતી રહીશ. પણ કોણ જાણી શક્યું છે કોઈના હૃદયમાં શું હશે?

કોઈને પામવું એ જેવી તેવી વાત ઓછી છે?

તો ય, છેતરાયાની, કોઈ ઠગીને જતો રહે પછી થાય એવી લાગણી થતી હતી. આવી છેતરપીંડી?

પ્રેમમાં?

સર્વસ્વ આપી દીધા પછી?

પણ વળતી પળે વિચાર આવ્યો …. જે હોય એ, મેં એને પસંદ કર્યો હતો. ચાહ્યો હતો અપાર. સ્હેજે ય દિલચોરી રાખ્યા વગર.

બસ એટલું પૂરતું.

મેં જેસનના ફોટા સામે જોયું. એનો હસતો ચહેરો, સીધું તાકતી આંખો …. મેં નજીક જઈ હળવેથી ફોટો ઊતારી લીધો. ડ્રોઅર ઊઘાડ્યું ને પેલા મેગેઝીનો સાથે પડેલી ખાલી જ્ગ્યા ઉપર મૂકી ડ્રોઅર બંધ કર્યું.

એક હળવો ખટકો ને પછી નીરવ શાંતિ.

Loading

સ્વર્ગની ચાવી

હરનિશ જાની|Opinion - Opinion|7 July 2014


હમકો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન,
દિલ કે ખુશ રખને કો ગાલિબ યહ ખયાલ અચ્છા હૈ.

દોઢસો વરસ પહેલાં, ગાલિબ સાહેબ આ ડહાપણની વાત કહી ગયા છે. વાત વિચારીએ તો ‘જન્નત’ છે કે નહીં. તેની પાકી ખાતરી કોઈની પાસે નથી. આજ સુધીમાં એકે હાલતા ચાલતા મનુષ્યએ સ્વર્ગ જોઈને પૃથ્વી પર આવીને સ્વર્ગની વાતો નથી કરી. હવે આ વાત આપણે ફેલાવીએ કે ‘ભાઈ, ઉપર સ્વર્ગ જેવું કાંઈ છે જ નહીં.’ તો? અને આપણી વાત લોકો માને તો ? આ પૃથ્વી પર કેટલી અરાજકતા ફેલાય ? તેની કલ્પના કરવી પણ અઘરી છે.

મારા બાલુકાકા રોજ સવારે ગામના વિશ્વેશ્વર મહાદેવની પૂજા કરે છે. એમની બે ઈચ્છા છે. એક તો બીજીવાર પરણવું છે અને બીજી ઈચ્છા સ્વર્ગમાં જવું છે. મારે એમને કહેવું પડ્યું કે એક વાર પરણો તો ખરા! પછી આપોઆપ સ્વર્ગના વિચારો સૂઝશે. બીજી કાકી સારી હશે તો અહીં જ સ્વર્ગ ઉતારશે. અને નહીં હોય તો તમને સ્વર્ગમાં પહોંચવાની વ્યવસ્થા કરી આપશે.

આપણાંમાંના ઘણાં માને છે કે ભગવાન કે સ્વર્ગ–નરક જેવું કાંઈ નથી. ચાલો, આપણે તે માની લઈએ. અને કદાચ કોઈ ગેબી શક્તિ (ભગવાન?) આ પૃથ્વી પરથી બધાં દેવ-સ્થળો ગાયબ કરી દે તો ? મારા મિત્ર યોગેશભાઈ દર શનિવારે હનુમાનજીના મંદિરે ચાલતા દર્શન કરવા જાય છે. તે તો ગુંચવાઈ જાય કે સાલું, આ શનિવારે શું કરવાનું? અને તેનાથી પણ વધુ એમના પત્ની ગીતાબહેનનું સરદર્દ વધી જાય. જ્યારે યોગેશભાઈ મંદિરે જાય છે તે જ સમય ગીતાબહેનનો નિરાંતનો સમય હોય છે. હવે એ ઘેર રહે તો ? ભારતમાં મંદિરનો સૌથી વધુ ઉપયોગ કરતી હોય તો તે સ્ત્રીઓ છે. પત્નીની ભક્તિ કદાચ ફળે તો તેમને પણ સુખ મળવાનું જ છે. અને ભક્તિ ન ફળે તો ય ઘરમાં તેમની ગેરહાજરીની શાંતિ તો છે! એમ સમજીને કોઈ પણ ડાહ્યા પતિદેવો તેમને તેમ કરતાં રોકતા નથી. લાંબા લગ્ન જીવનનું રહસ્ય એ છે કે બન્ને જણે દિવસના અમુક કલાક છૂટાં રહેવું જોઈએ. શરૂઆતનાં વરસો એકમેકની સાથે ચોવીસ કલાક નિકટ રહ્યાં હોય છે. એટલે જ પાછલાં વરસોમાં થોડા છૂટાં રહેવાનું ગમે છે. અને એ ભગવાનની આ એક્ટિવિટીને કારણે જ શક્ય છે.

હવે બધાં મંદિરો જ ન હોય તો દેશની ઈકોનોમી પડી ભાંગે. ભારતનું આખું અર્થતંત્ર મંદિરો પર નિર્ભર છે. કાલે ઊઠીને કોઈ ડિક્ટેટર કે જે ભગવાનમાં ન માનતો હોય તેના હાથમાં સત્તા આવે અને કહે કે ‘બધાં મંદિરો દૂર કરો.’(એકલાં મંદિરો જ નહીં, પણ બધાં જ ધર્મના ધાર્મિક સ્થળો) તો અડધો દેશ બેકાર થઈ જાય. લાખો પૂજારીઓ અને કરોડો ભક્તો જાય કયાં? મંદિર એટલે ઈંટ ચૂનાનું બિલ્ડીંગ જ નહીં, પણ તેને લીધે તૈયાર થતાં બીજા સેંકડો  ધંધાઓ પણ ગણવાના.

વરસો પહેલાં અમે મોટા અંબાજી ગયા હતા અમદાવાદથી ત્યારે બે ટાઈમ બસ ઉપડતી હતી. અને રહેવા માટે માંડ પાંચ ધર્મશાળાઓ હતી. આજે ત્યાં મોટું શહેર વસી ગયું છે. ફાઈવ સ્ટાર હોટલો છે. મોટો હાઈ વે પણ બન્યો છે. નાનકડું મંદિર આજે મોટો મહેલ થઈ ગયું છે. આ બધું માતાજીના નામ પર થયું છે. અને એનો લાભ કોને મળ્યો ? માતાજીને ? ના એ પૈસા લોકોના જ ખીસ્સામાં આવ્યા. આમ લોકોની માતાજીમાં શ્રદ્ધાને કારણે થયું છે.

અમે વિજ્ઞાન અને કલાના પારણાં સમાન ઈટાલી ગયા હતા. અમારે જિસસ જોડે આમ જોઈએ તો કાંઈ  લેવા દેવા નહીં. પરંતુ ક્રિશ્ચિયનોનું વેટિકન સીટી જોવા ગયા. ત્યાં સેન્ટ પિટર્સ બેસેલિકામાં સેન્ટ પિટર્સનું બ્રોન્ઝનું સ્ટેચ્યુ છે. તેના હાથમા સ્વર્ગની ચાવી લટકે છે. રોજના હજારો લોકો તે સ્ટેચ્યુના ચરણ સ્પર્શ કરવા લાઈનોમાં ઊભા રહે છે. મારા પત્નીએ મને કહ્યું કે, ‘આપણે પણ લાઈનમાં ઊભા રહીએ.’ મેં કહ્યું કે, ‘પહેલે નંબર સેન્ટ પિટર્સ મને ઓળખે પણ નહીં. અને ભૂલે ચૂકે મને સ્વર્ગમાં જવા દે તો શું આ અજાણ્યા લોકો જોડે ત્યાં રહેવાનું ? રામભક્તોની લાઈનમાં ન ઊભો રહું !’ જે હોય તે પણ અમે ત્યાં સો, બસો ડોલર ખર્ચી આવ્યા. 

ત્યાં તેના પરિસરની બહાર ડઝનબંધી ટુરિસ્ટની બસો ઊભી હતી. અને ત્યાંની અસંખ્ય રેસ્ટોરાં માનવ મહેરામણના પૈસા ભેગા કરતી હતી. અને વેટિકનની ઈકોનોમી સુધારતી હતી. વેટિકનની બીજી તો કોઈ ઇન્કમ જ નથી. લોકો આ સ્વર્ગની ચાવીના ચક્કરમાં જ વેટિકનનું ચક્કર ફરતું રાખે છે. હવે સવાલ એ થાય કે એને શ્રદ્ધા કહેવી કે અંધશ્રદ્ધા ? આ લોકો આગળ હું ગેલેલિયો કે વિન્ચીની વાતો કરું તો કોઈ મને સાંભળે ખરા? ગાલિબ કહે છે તેમ સ્વર્ગ છે કે નહીં તે અગત્યનું નથી; પરંતુ તેના અસ્તિત્વનો વિચાર જ આ જગત માટે પુરતો છે. અને એ વિચાર જગતમાં લોકોને નીતિમય જીવન જીવવા પ્રેરે છે. (નીતિમય જીવન જીવવું કે નહીં તે વાતનો આધાર વ્યક્તિ પર નિર્ભર છે.) જગતના દરેક ધર્મમાં આ જ વિચાર પ્રવર્તે છે. મરણ પછી સ્વર્ગમાં જવું છે. અને સ્વર્ગમાં જવા સારા કૃત્યો કરવા જરૂરી છે. એટલે હજુ લોકોમાં કાંઈક માનવતા છે. દુનિયામાં ભગવાન છે કે નહીં તે જાણવું હોય તો કોઈ પણ હોસ્પિટલની મુલાકાત લો. પલંગે પલંગે ભક્તો ભગવાનનું રટણ કરે છે. જો ભગવાનનો વિચાર જ ન હોય તો દર્દીઓ શું બોલિવુડના હીરોનું નામ લેશે? દુ:ખમાં તેમની ઇશ્વરમાં શ્રદ્ધા જ રાહત આપે છે. કોઈ અપંગ બાળકના માતા પિતાને સમજાવી જો જો કે ભગવાન જેવી વસ્તુ દુનિયામાં છે જ નહીં.

સવાલ ઈકોનોમીનો છે. પછી તેને શ્રદ્ધા ગણો કે અંધશ્રદ્ધા. આપણી ઈકોનોમીમાં લોકો પોતાનું સોનું શિરડીમાં ચઢાવે છે. ત્યાં હજારો કિલોગ્રામ સોનું છે. તે આપણું જ છે. બીજા ધંધાઓ કરનારા પણ સોનું કમાય છે. વકિલો, ડૉક્ટરો, શિક્ષણ સંસ્થાઓ, સ્ટોક અને શેર બજારવાળા અને ખાસ તો પોલિટીશિયનો ક્યાં લોકોને નથી લૂંટતાં? અને તે લૂંટ સ્વિસ બેંકોમાં જમા કરાવાય છે. દરેક ધંધાઓ કરતાં મંદિરના ધંધા દેશની બેકારી દૂર કરવામાં મદદ કરે છે. અરે! બુટ ચંપલ સાચવવાનો પણ ધંધો તેને લીધે ખિલ્યો છે. અને એમાં મંદી તો હોય જ નહીં. કથાકારોનો પણ જબરદસ્ત ફાળો છે. કથા કાંઈ એમને એમ નથી થતી. એક કથા પાછળ લાખોનો ધુમાડો થાય છે. તે ધુમાડો લોકોના શ્વાસમાં જ જાય છે ને ! દેશમાં ક્રિકેટના કે કોલસાના કે મિલીટરીના કોંટ્રાકટોમાં કેટલા કરોડો ખવાય છે. તો એક કથાકાર કથા કરીને કમાય તેમાં શું ખોટું છે? કેટલીય ટીવી ચેનલોને આજે આ કથાકારો પોષે છે! કેટલાય પુસ્તક પ્રકાશનો ધાર્મિક પુસ્તકો છાપીને જીવંત રહે છે. કવિતાનાં પુસ્તકોથી તો બિચારો કવિ પણ નથી કમાતો.

ટૂંકમાં લોકોનો ઈશ્વરમાં અને સ્વર્ગમાં વિશ્વાસ એમનું જીવન સરળ બનાવી દે છે. અને એ ન હોય તો માનવ જીવનમાં મોટું વેક્યુમ સર્જાય. તે પુરવા માટે પોલિટીશિયનો અને બીજા ધંધાધારીઓ ઘુસી જાય. તેના કરતાં ભગવાન સારા. એકની એક માન્યતા, કોઈની શ્રદ્ધા અને તો કોઈની અંધશ્રદ્ધા પણ બની શકે છે. પરંતુ એક વાત સાચી છે કે તે દેશની ઈકોનોમી ટકાવવામાં એ માન્યતા ભાગ ભજવે છે. પછી તમે કે હું ભગવાનમાં માનીએ કે ન માનીએ તેથી આ હકીકત બદલાતી નથી.

ગાલિબ સાહેબની વાત સોએ સો ટકા સાચી છે કે જન્નત નથી. એ બધાંને ખબર છે. પણ જન્નતનો ખ્યાલ જગતને દોડતું રાખે છે.

[4th July 2014]

4, Pleasant drive, Yardville, NJ 08620. USA

e.mail. harnishjani5@gmail.com

Loading

...102030...3,9303,9313,9323,933...3,9403,9503,960...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved