Opinion Magazine
Number of visits: 9772933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કલમની મશાલ

કુમાર પ્રશાંત|Opinion - Literature|28 January 2015

૮૨ વર્ષની ઉંમરે કોઈ લેખક થાકીને પોતાની કલમ મૂકી દે તો આપણે એને એનો અંત નહિ કહીએ. અને એ વાત જો અનંતમૂર્તિ જેવા લેખકની હોય તો એમ કહેવું તે આપણી મૂઢતા જ ગણાશે. કેમ કે એમણે જિંદગીભર કલમને મશાલની જેમ ઊંચી પકડી રાખી અને સળગતી રાખી. આપણું દુર્ભાગ્ય છે કે આપણે આપણા દેશને અંગ્રેજીની બારી મારફતે જ જોઈએ છીએ, ઓળખીએ છીએ, એટલે અનંતમૂર્તિ કે અજ્ઞેય જેવી પ્રતિભાઓ એવી રાષ્ટ્રીય ઓળખ નથી મેળવી શકતા. જેવી એમની સાધના હતી એવી સાધનાનો પડકાર છોડીને તેઓ ગયા છે.

ઉદૂપી રાજગોપાલાચાર્ય અનંતમૂર્તિ કન્નડના લેખક વિચારક હતા, એમ કહેવું તે કબીર ઉત્તરપ્રદેશના વણકર કવિ હતા, એના જેવું છે. આપણું પાત્ર જેટલું નાનું હોય છે, દરિયો કંઈ એટલો નાનો થોડો જ હોય છે, આપણે એમાંથી એટલું જ પાણી લાવી શકીએ છીએ જેવું આપણું પાત્ર હોય છે અથવા જેવી આપણી આંતરિક તરસ હોય છે. અનંતમૂર્તિ સમગ્ર ભારતના બરના સાહિત્યકાર વિચારક હતા.

અનંતમૂર્તિ એ અર્થમાં સાહિત્યકાર નહોતા. તેઓ પોતાના વિચારોની સાથે જીવતા હતા. સમજદારી તો એમાં માનવામાં આવે છે જેમાં જીવવાનું અલગ અને વિચારવાનું અલગ. તેઓ આનાથી અલગ પ્રકારના હતા, લખવું, વાંચવું, વિચારવું, બોલવું તમામ વિચારપૂર્વક કરતા હતા, એટલે આ પ્રમાણે હંકારતા નહોતા. તેઓ રાજકારણમાં હતા અને પક્ષીય રાજકારણમાં માનતા હતા. સમાજવાદીઓમાં એમનું આગવું સ્થાન હતું. રામકૃષ્ણ હેગડે, જ્યૉર્જ ફર્નાન્ડીઝ, જે.એચ. પટેલ, વગેરે મિત્રોની સાથે તેમના ગાઢ સંબંધો હતા. તેઓ દરેક પ્રશ્નમાં પોતાનો અભિપ્રાય આપતા હતા. એટલું જ નહિ, જોરદાર રીતે આપતા હતા, એને કારણે ક્યારેક-ક્યારેક વિવાદાસ્પદ પણ બની જતા હતા. પણ તેમની બૌદ્ધિક પ્રામાણિકતા પર ક્યારે ય કોઈએ શંકા નથી કરી. પ્રાથમિક શાળાઓમાં માધ્યમ કન્નડ હોવું જોઈએ, તે બાબતમાં ત્યાં ઉગ્ર ચર્ચાઓ થઈ. આજના બજારવાદમાં માનનારાઓ બૅંગાલુરુના આઈટી હબ બનાવનારાઓએ એનો વિરોધ કરી અંગ્રેજીને માધ્યમ બનાવવાનો પ્રયત્ન કર્યો. તે વખતે અનંતમૂર્તિ કન્નડ ભાષાની તરફેણમાં કૂદી પડ્યા. બરમિંઘમ વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરેટ કરીને આવેલા, અંગ્રેજીના વિદ્વાન અધ્યાપક, કોટ્ટાયમ સ્થિત મહાત્મા ગાંધી વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ, ભારતીય જ્ઞાનપીઠ-સન્માનથી વિભૂષિત, પદ્યભૂષણ, નેશનલ બુક ટ્રસ્ટ અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂકેલા વ્યક્તિ અંગ્રેજીની વકીલાત ન કરે અને ઈન્ફોસિસના કરામતી અધ્યક્ષ નારાયણમૂર્તિની સાથે એ બાબતમાં ઝઘડી પડે કે કન્નડ ભાષાને એનું પ્રમુખસ્થાન મળ્યા પછી જ અંગ્રેજી વગેરેની ચિંતા કરવી જોઈએ, ત્યારે એવું લાગે છે કે આ માણસના હાથમાં કલમને બદલે કોઈક મશાલ છે, એક સાહિત્યકાર તરીકે એમણે પોતાનું તમામ લખાણ કન્નડ ભાષામાં જ કર્યું.

અનંતમૂર્તિ સંસદની ચૂંટણી પણ લડ્યા હતા અને ધારાસભાની ચૂંટણી પણ લડ્યા હતા. બંનેમાં હારી ગયા હતા. પણ કોઈએ ક્યારે ય એમના હેતુ વિશે શંકા નથી કરી. એમનું કદ વિરાટ જ રહ્યું. એમનું આ વિરાટ કદ કન્નડ ભાષા પૂરતું જ સીમિત નથી રહ્યું. સમગ્ર દેશમાં વ્યાપ્ત હતું. તેઓ પોતાના સમયના ભારતના સૌથી સમર્થ બૌદ્ધિકોમાંના એક હતા.

સાંપ્રદાયિક બળોની સામે હંમેશાં ઝૂઝવાની તૈયારી અને પછાતપીડિત જાતિઓ-વર્ગોની સાથે ઊભા રહેવાનું સાહસ – ગાંધીએ આ બે કસોટીઓ મૂકી હતી, બૌદ્ધિક હોવાની. એને કારણે ભારતીય સમાજમાં બૌદ્ધિક હોવાનો મતલબ જ આ બે કસોટીઓમાંથી પાસ થવું એવો થઈ ગયો હતો. અનંતમૂર્તિ આ બંને ભૂમિકાઓમાં એવી પ્રખરતાથી જીવ્યા હતા કે એમની સાથે ઊભા રહેવામાં હિંમત જોઈતી હતી.

એક લેખકની આંતરિક દુનિયા અને એક બૌદ્ધિકનું સાહસ જ્યારે જ્યારે કોઈ વ્યક્તિમાં સાકાર થશે, ત્યારે આપણને ત્યાં અનંતમૂર્તિ ઊભેલા દેખાશે, કેમકે મશાલ ક્યારે ય બુઝાતી નથી. કોઈક નવા હાથોની ઇંતેજારીમાં સળગ્યા કરે છે.

(સંપાદન અનુવાદક : મોહન દાંડીકર)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2015, પૃ. 09 અને 11

Loading

સામાજિક સાહિત્યકાર, એ વળી શું

ધીરેન્દ્ર મહેતા|Opinion - Literature|27 January 2015

જાગરૂક અને વિચારશીલ વાચક ડંકેશ ઓઝાના ‘મનમાં ઘમસાણ યુદ્ધ જમાવી બેઠા હતા’ એવા જે વિચારોએ ૧ ડિસેમ્બર, ૨૦૧૪ના ‘નિરીક્ષક’નાં પૃષ્ઠો પર ‘ચહલપહલ’ મચાવી છે, એમાંના ચાર મુદ્દા પૈકીનો એક આ છે :

‘સાહિત્યને સમાજ સાથે નાભિનાળનો સંબંધ હોવાનું સ્વીકારવા છતાં બધા સાહિત્યકારોને સામાજિક નામના ખાનામાં ખતવી શકાય ખરા ? જે અર્થ અને જે સંદર્ભમાં ઈશ્વર પેટલીકર કે પન્નાલાલ કે દિલીપ રાણપુરા કે જૉસેફ મેકવાનને સામાજિક સાહિત્યકાર લેખાવી શકાય, તે અર્થમાં બીજાને ગણાવી શકાય ખરા ?’

એમ થાય કે ડંકેશભાઈએ સંભાર્યા જ તો આ સંદર્ભમાં સૌથી પહેલાં તો ગોવર્ધનરામને સંભારવા જોઈતા હતા. અને રમણલાલ ? મેઘાણી ? સુન્દરમ્‌ ? ઉમાશંકર ? દર્શક ? રઘુવીર ? અને – અને … પણ અહીં કહેવાની વાત આ નથી. જે છે એ વાત કરતાં પહેલાં બીજી બે વાત વિચારવા જેવી છે. ‘સરસ્વતીચંદ્ર’ની કે ‘ઝેર તો પીધાં છે -’ની કંઈ પણ ટીકા થઈ છે, તે શા કારણે થઈ છે ? અને બીજી વાત એ કે લાભશંકર ઠાકર જેવા લાભશંકર ઠાકરનો હાથ પન્નાલાલને સલામ કરવા ઊંચકાય છે તે શા કારણે ?

સમજવાની વાત એ છે કે માત્ર સાહિત્યને નહિ, મનુષ્યમાત્રને, તેના દ્વારા થતી પ્રવૃત્તિમાત્રને ‘સમાજ સાથે નાભિનાળનો સંબંધ છે,’ અરે, જન્મ પછી નાભિ સાથે મનુષ્યની નાળનો વિચ્છેદ થાય છે, જ્યારે સમાજ સાથેનો તેનો સંબંધ તો આજીવન અવિચ્છેદ્ય રહે છે. પણ મનુષ્ય દ્વારા થતી ચિત્રશિલ્પસ્થાપત્ય-સંગીતનૃત્યાદિ કલાપ્રવૃત્તિના સંદર્ભમાં આપણે આવો પ્રશ્ન ઊભો કરતા નથી, તો સાહિત્યકલાની બાબતમાં શા માટે, શા માટે વારંવાર કરીએ છીએ?

એનું દેખીતું કારણ એ છે કે સાહિત્યકૃતિનું માધ્યમ ભાષા છે. એ ભાષા એને સમાજ પાસેથી મળેલી છે. આ ભાષાનું નિર્માણ સમાજમાં અને સમાજ દ્વારા થયેલું હોઈ તેને અનેક સામાજિક વળગણો છે. એ વળગણોમાંથી એને મુક્ત કરવાની લાખ કોશિશ છતાં સર્જક એમાં સર્વથા સફળ થતો નથી. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે રચનાપ્રવૃત્ત કોઈ પણ કલાકારને જે કંઈ વિચારવાનું-સંવેદવાનું, અનુભવવાનું આવે છે, તેમાં એણે ભાષાનો આશ્રય લેવાનો થાય છે !

વધારામાં, સાહિત્યકારને – ખાસ તો કથાલેખકને સામગ્રી પણ સમાજમાંથી, બલકે વ્યવહારજગતમાંથી લેવાની આવે છે. આથી એની રચના એક ‘નવલ’લોક ઊભું કરે છે, જે એના ઉપાદાનરૂપ વ્યવહારજગતનો – સમાજનો આભાસ આપે છે.

આ બે તત્ત્વો સાહિત્યકૃતિ પાસે વાચકના મનમાં સમાજલક્ષી અપેક્ષાઓ ઊભી કરે છે; જેવી કે એની સમાજ પ્રત્યેની જવાબદારી, એનું પથપ્રદર્શન, એને આપવાનો સંદેશ, સમીક્ષા, દોરવણી ઇત્યાદિ ઇત્યાદિ. આમાં વળી પાછી સગવડ એ છે કે સાહિત્ય વિશે બોલવા માટે, અન્ય કલાઓ વિશે વાત કરવા માટે પડે છે, એવી સજ્જતા કે અધિકારની જરૂર પડતી નથી. અને વાત શરૂ થઈ ગયા પછી એમાં ગમે તે માણસ જોડાઈ જઈ શકે છે !

આ પ્રકારની અપેક્ષાઓ સાહિત્ય અને સમાજનો સંબંધ ઉપરછલ્લી દૃષ્ટિએ જોવામાંથી જન્મે છે. ખરેખર જોવાનું તો એ રહે છે કે સાહિત્યકૃતિ આ સામગ્રીનો ઉપયોગ કઈ રીતે કરે છે અને એમાંથી શું નીપજે છે : કલા નીપજે છે કે કંઈ ઇતર ? એ ભૂલવાનું નથી કે સાહિત્યકૃતિ પાસે તમે કલાની અપેક્ષાએ જતા હો, સાહિત્યકૃતિને તમે કલાકૃતિ તરીકે સ્વીકારતા હો, તો એ સો ટચની જણસ છે, એકાવન ટકાથી એને ચાલતું નથા. આ જ કારણે સાહિત્યના પ્રદેશમાં સામાજિક અને અસામાજિક, સમાજકેન્દ્રી અને વ્યક્તિકેન્દ્રી, એવા ભેદ હોતા નથી. વિદ્યાર્થીઓ સમાજલક્ષી, મનોલક્ષી, એવા-એવા અભિગમોથી પોતાના અભ્યાસ માટે સાહિત્યકૃતિઓનો સાધન લેખે ઉપયોગ કરે એ અલગ વાત.

આ પરિપ્રેક્ષ્યમાં જોવાથી સચ્ચિદાનંદ સમ્માન ચંદ્રકાન્ત શેઠ, રતિલાલ બોરીસાગર અને લાભશંકર પુરોહિતને અપાય એ બાબતે કશી વિમાસણ થવી ન જોઈએ. માત્ર એમના સાહિત્યકાર્યમાં સમાજ, અને ખાસ તો મનુષ્ય કઈ રીતે સંદર્ભ પામે છે તે પરખવાનું રહે. પરિષદ જેવી સાહિત્યસંસ્થા કોઈ પણ પ્રવૃત્તિ માટેનું દાન કે કર્તવ્ય સ્વીકારે, ત્યારે એની દૃષ્ટિ સાહિત્યને કલાપદાર્થ તરીકે જોવા પર મંડાયેલી રહે એમાં જ ઔચિત્ય છે.

‘જીવનછાયા’ હૉસ્પિટલ રોડ, પંડિત દીનદયાલ ઉપાધ્યાયમાર્ગ, ભુજ

e.mail : mehta_dhirendra@yahoo.co.in

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પાન 14 – 15

Loading

રન-વે પર શહીદ થયેલી ભેંસ વિશે

મણિલાલ હ. પટેલ|Opinion - Opinion|27 January 2015

સુરત ઍરપોર્ટના રન-વે પર ‘ભેંસપ્રવેશ’ થયો એ આમ તો સામાન્ય ઘટના ગણાવી જોઈતી હતી … પણ એ ઐતિહાસિક બનાવ હોય એમ મીડિયાએ એની વિશેષ નોંધ લીધી, એથી જીવનનાં જ્ઞાન તથા સંશોધનનાં તમામ ક્ષેત્રોમાં ભેંસના પ્રવેશોત્સવ થવા માંડ્યા છે. રાજકારણમાં એને પ્રગતિ તથા વિકાસનું વાહન ગણાવીને, વેર વાળવાની ભાષામાં વ્યંગપર્વો યોજાયાં … ને એમ બળતાં પેટમાં ભેંસ-પ્રકરણે ટાઢક પ્રસરાવવાનું સેવાકાર્ય કર્યું છે. આ અર્થમાં કેટલાકે ભેંસને સામાજિક પ્રાણી પણ ગણાવી દીધી. જો કે અમે તો ભેંસને કશી અપેક્ષા વગર દૂધ તથા ‘પાડી’ આપતી હોવાથી – વર્ષોથી ‘કર્મશીલ’ માનીએ છીએ. ભેંસ પણ કર્મની વાતે ગીતાને અનુસરે છે. કાળી ભેંસની સેવાઓ દૂધ જેવી સફેદ છે.

જો કે, હવે અમે માનવા માંડ્યા છીએ કે ‘રન-વે પર ભેંસ’ એ બિના ઐતિહાસિક બનવા જઈ રહી છે. ના, હજી સુધી સુરતના ‘ફૅસબુક’ – રસિયા કવિઓએ, ગઝલ-ગીત-વાર્તા લખીને તરતાં-ફરતાં મૂક્યાં નથી. કેમ કે ભેંસો હજી સિરિયલોમાં લેવાઈ નથી. અમદાવાદ દૂરદર્શન પર મંગુબહેન અને એમની ભૂરી ભેંસની સિરિયલ જરૂર આવેલી, જેમાં ભેંસો વતી ભૂરી સરસ બોલતી હતી. એમાં સૌંદર્યદૃષ્ટિ નહિ પણ આર્થિક દૃષ્ટિ રહેલી. ‘રન-વે પર ભેંસ’ મરી ગઈ, એ વિશે ગઝલહઝલ લખતાં લખાશે પણ ભેંસ વિશે હવે સાહિત્યક્ષેત્રેય સંશોધકો સંશોધનો કરવા કમરે ભેંસચર્મના પટ્ટા બાંધી-કસી રહ્યા છે. રમેશ પારેખે સડક પર ‘કાગડો મરી ગયો’ એવી હઝલ-કમ-ગઝલ લખેલી. એના વિશે-એના સ્વરૂપ વિશે મૂર્ધન્ય વિવેચકોએ ચર્ચાપત્રો લખીને, ઠરવા આવેલી સાહિત્ય-તાપણીનું તાપમાન વધારી દીધેલું. આ કિસ્સામાં તો ‘ભેંસ મરી ગઈ’ એમ કહેવું ભેંસને અન્યાયકર્તા છે, ખરેખર તો ભેંસ શહીદ થઈ ગઈ હતી. હા, વિમાનના બધા પૅસેન્જર્સને બચાવવા ભેંસે મૃત્યુ વ્હોરી લીધું – એણે જાતના ત્રણ ટુકડા થવા દીધા … પણ વિમાનને તો બચાવી લીધું. ‘રન-વે પરની ભેંસ’ અમર રહો ! આ શહીદી ઐતિહાસિક છે, કેમ કે આ શહીદ ભેંસે ‘વિકાસ’-નું સર્વાંગીણ ચિત્ર રજૂ કર્યું છે. હવેથી ભેંસ વિશે મુક્તક કે વાર્તા લખવાથી નહિ ચાલે. હવે તો પૂરા કદનાં ખંડકાવ્યો તથા નવલકથાઓ લખાવાં જોઈએ. ભેંસ કાગડાથી તો હજાર ગણી મોટી હોય છે. ભેંસને એક ગઝલ કે સૉનેટમાં ખતવી દેવાથી નહિ ચાલે. છંદ ન જાણનારા પણ અછાંદસમાં ભલે લખે. બાબુ સુથારે એમની બોડી ભેંસ વિશે લખતાં છંદનાં ઝાંઝર ત્યજી દીધાં છે.

પન્નાલાલ પટેલે (‘મા’) અને પીતામ્બર પટેલે (‘અંજળપાણી’) ભેંસને વિશે એકાધિક વાર્તાઓ લખી છે. ભેંસ ભાવના તથા લાગણીનો વિષય હોવા સાથે કુટુંબની કમાનાર સભ્ય પણ છે.

ગુજરાતી કવિતા-કથાની ‘બોડી’ (ભેંસ) આ સંદર્ભે તપાસી શકાય. “ભેંસ અને કુટુંબ : પરસ્પરના સંબંધો, પરિણામો અને પ્રાપ્તિ” એવો વિષય લઈને સમાજવિદ્યાવાળા યુ.જી.સી.માં મેજર રિસર્ચ પ્રોજેક્ટ મૂકી શકે છે. રન-વે ઉપર ભેંસના આગમનથી ઘણી દિશાઓમાં પ્રકાશ ફેલાયો છે. હા, ભાઈ ! ભેંસ કાળી હોવા છતાં એનું શ્વેત દૂધ જો ક્રાંતિ લાવી શક્યું તો એ પ્રકાશ પણ ફેલાવશે જ એમાં બેમત નથી. ભેંસને ગુજરાતી લલિતનિબંધમાં અવતારવાના ‘ભગીરથ’ – પ્રયાસો પણ થયા છે. અમારા એક શિખાઉ ચરિત્ર-નિબંધકારે ‘ના-ગોરી ભેંસ’નું રેખાચિત્ર દોર્યું છે. શબ્દોમાં ! ‘ના-ગોરી’ એટલે કે જે ‘ગોરી’ – ચાંદની જેવી નથી તે – કાળી ભેંસ ! ગુજરાતી નિબંધ ક્ષેત્રે આવું લેખન બલકે અર્પણ વિરલ છે. ભેંસના એમના ચિત્રમાં એમણે ઘણા રંગો પૂર્યા છે, પણ ચિત્ર તો ‘બ્લૅક’ જ છે.

છેલ્લા દોઢ-બે દાયકામાં અનુઆધુનિક ભેંસોના તબેલાઓએ ગામડાંની સિકલ સાવ બદલી નાખી છે. અમારાં ફૂલીમા એક વખત બી.એડ્‌. થયેલા ભત્રીજા હર્ષદને કહેતાં હતાં કે, ‘આ તમારી સરકાર ! માસ્તરોને માંડ ચારપાંચ હજાર પગાર આલે છે ને એનાથી તો આ મારી ભૂરી(ભેંસ)નો પગાર (દૂધની આવક) ચાર ગણો છે, ભૈ ! મારી ભૂરી તો એમ.બી.એ. છે, હા !’ ને તમે નહિ માનો, અમારા હર્ષદે તબેલો કરી દીધો – આજે મહિને લાખ કમાય છે. ને પેલાં સરપંચનાં વહુ રમીલાબહેન તો વર્ષે પચાસ લાખનું દૂધ ભરાવે છે. ભેંસ તો હવે પ્રેરણા બનતી જાય છે. વિકાસના પ્રતીક જેવી ભેંસ પર હવે સંશોધનો ન થાય તો જ નવાઈ ! વિષય તો જુઓ ! એમ.ફિલ. / પી.એચડી.ની પ્રપોઝલ્સ જેવા ! હાસ્તો !

– ‘ગુજરાતના / દેશના આર્થિક વિકાસમાં ભેંસોનું પ્રદાન : એક અધ્યયન.’ (અર્થશાસ્ત્ર વિષયનો પ્રોજેક્ટ)

– ‘ગુજરાતી સાહિત્યમાં ભેંસ-નિરુપણઃ એક અભ્યાસ’ (ગુજરાતી સાહિત્ય)

– પટેલ સર્જકોના કથાસાહિત્યમાં ભેંસવર્ણનઃ સંવેદન અને અભિવ્યક્તિના વિશેષ સંદર્ભમાં અભ્યાસ. (ગુજરાતી સાહિત્ય)

આ ઉપરાંત શાસ્ત્રોમાં એમ.ફિલ. માટે પણ નવો અવકાશ રચાયો છે. ભેંસોના પ્રકારો અને દૂધપ્રાપ્તિ. ભેંસ-ઘાસ-દાણા અને દૂધની માત્રા. વગેરેનો અભ્યાસ. કદાચ, સરકાર ભેંસ માટે થઈને નવી વેટરનરી તથા ડેરી સાયન્સને લગતી યુનિવર્સિટી પણ શરૂ કરે તો નવાઈ નહીં. આથી ગુજરાતને વધુ એક કુલપતિ વિશે જ્ઞાન મળી શકે !

ભેંસો નમ્રતા જાણે છે. ગાયમાતાની જેમ એ બજારનો કચરો નથી ખાતી ને રખડવા પણ નથી જતી. આજકાલ તો પટલાણીઓની જેમ ભેંસો પણ સીમવગડે નથી જતી. ભલો એમનો તબેલો, ખાણદાણ, નહાવું ખાવુ ને દૂધ દેવું, બસ ! લીલાલહેર છે. ભેંસ થોડો વિદ્રોહ પણ કરે છે. જ્યારે માલિક, ‘પાડો’ જન્મે ત્યારે ભેંસની જાણ બહાર એ પાડાને મરાવી નાખે છે ત્યારે ભેંસ બૅંકના કર્મચારીઓની જેમ પ્રતીક હડતાળ પાડે છે. દૂધ નહી આપું ! પણ પછી ‘ક્લિયરન્સ’ વધુ વખત અટકાવી શકાતું નથી !’ અબલા તેરી યહી કહાની-આંચલમેં દૂધ, આંખોમેં પાની’ !

ભેંસની પાસે કાયમ ‘વાગોળવા’ જેવું ઘણું બાકી હોય છે. (ભેંસ ખાવામાં ભીમની બહેન છે.) એટલે એને ‘ભાગવત’ સાંભળવાનો કંટાળો આવે છે. ‘જેની લાઠી એની ભેંસ’ એવું હવે નથી રહ્યું. હવે તો ‘જેની પાસે ખાણદાણ ને રજકો એની સાથે ભેંસ’ – એ વાત બધે જ દેખાય છે. ભાગોળે પણ નહિ જનારી ને શીંગડાંનો ભાર નહિ ઉપાડનારી આજની ડાહી-શાણી ભેંસો હેલીપૅડ તથા રન-વે ઉપર કેમ ગઈ હશે ? અભ્યાસનો ખરો વિષય આ પણ છે. વિકાસ માટે કામ કરતી-દિવસરાતનું દૂધ કરતી ભેંસને શહીદીનો વિચાર આવે, એની પાછળ વિદેશી તાકાતોનો કે દેશના આંતરિક દુશ્મનોનો તો હાથ નથી ? એ વિશે સંસદમાં ચર્ચા થવી જોઈએ, એમ પ્રિન્ટ-મીડિયાવાળા માને છે.

આપણે ત્યાં ભેંસનો મહિમા કરવાનો રિવાજ નથી. એ લાભ આપણે માત્ર ગાયમાતાને ફાળવી આપેલો છે. આ પક્ષપાત માટે ઉદાર-શાંત ભેંસે કદી શીંગડાં માંડ્યાં નથી. ‘આપણા લેખકો અને ચિંતકોના ઘડતરમાં ભેંસની ભૂમિકા’ એવા વિષય પર સુદીર્ઘ સંશોધનલેખ થઈ શકે એમ છે. આજે તો અભ્યાસીઓ આવી વાતે એમફિલ તથા પીએચડી પણ થઈ શકે એટલો વિકાસ થયો છે. ભેંસ પર સવારી કરનારા, નદીતળાવમાં ડૂબતાં ભેંસનું પૂંછડું પકડી (વૈતરણી) તરી જનારા, ભેંસો ચરાવતાં-ચરાવતાં લેખક થઈ જનારા ને નોબેલ મેળવનારા (ચીનમાં) સર્જકોની, ચિંતકોની વાતો આપણે જાણી-માણી છે. હવે બહુધા ભેંસો વાડીમાં ને તબેલામાં માનપાનભર્યું સ્થાન પામી છે. એટલે ભેંસો ચરાવનારા નવા લેખકો આવવાની શક્યતા ઘટી છે. આમાં વાંક ડેરી-વિકાસનો પણ છે. જો કે ‘વિકાસનો વાંક’ કહેવામાં દેશદ્રોહ ગણાય છે.

પાણી અને નહાવાની બાબતે આપણી પરંપરામાં ભેંસને બ્રાહ્મણની સમકક્ષ ગણાવી છે. દા.ત., ‘ભેંસ, બ્રાહ્મણ અને ભાજી / પાણી જોયું એટલે રાજી-રાજી’. રોડ પર ચાલતી ભેંસની નીડરતા તથા ધીરજ જોઈને ઘણા ભેંસને આધુનિક ‘આર.ટી.ઓ.’ની સમકક્ષ મૂકે છે. નાથુકાકા કાદવમાં આળોટતી એમની ભેંસને ભ્રષ્ટાચારમાં આળોટતા નેતાનું નામ આપે છે. ભેંસની કમાણી પર ઘર ચલાવતાં મારાં ધનીફોઈ ભેંસને ‘ધનલક્ષ્મી’, ‘ઊજળી લક્ષ્મી’ પણ કહે છે. પતિસેવા કરવા કરતાં ભેંસસેવા કરવાથી વધુ લાભ મેળવીને સ્વાવલંબી બનેલી પત્નીઓ વધતી જાય છે.

ગ્રામોદ્ધારમાં અગ્રીમ ફાળો આપનાર ભેંસનાં ચરિયાણોમાં હવે ‘હેલીપૅડ’ બની રહ્યાં છે. ભેંસના ‘ચરણપ્રદેશ’માં ‘ઍરપોર્ટ’ દબાણ કરતું ચઢી આવે છે. ત્યારે વાંક ભેંસનો નથી, એ તો એના પ્રિય ચરણપ્રાંતમાં જ હતી … ‘રન-વે’ એનો ‘મરણ-વે’ બન્યો છે, એ યંત્રયુગની મર્યાદા છે. ‘જે પોષતું તેને જ મારતું’ – આ વિપરીત કલ્ચર નહીં ચલાવી લેવાય.

નાથુકાકા મને કહે છે : “મનુભાઈ, અમેરિકામાં ભેંસો નથી એમ સાંભળ્યું છે. ત્યાં તો માઈલોના માઈલો ખાલી વેરાન પડ્યાં છે ને ? જો અમેરિકા ખરેખર રંગભેદમાં ના માનતું હોય, તો ઓબામાએ ભેંસને ‘વિઝા’ આપવો જોઈએને ?! ને દૂધ તો બધાં પ્રાણીઓનું ધોળું જ હોય છે ! જેમ લોહીનો રંગ બધે જ લાલ હોય છે !” જોઈએ હવે ભેંસોનું નસીબ કેવું છે તે ! ઓબામા આવી જ રહ્યા છે …

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પાન 19

Loading

...102030...3,9063,9073,9083,909...3,9203,9303,940...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved