Opinion Magazine
Number of visits: 9771930
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લહરોં મેં નિમંત્રણ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|18 February 2015

૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ – ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૫ : દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રીપદે અરવિંદ કેજરીવાલના શપથ સાથે એક વર્તુળ જાણે પૂરું થાય છે. એનાર્કિસ્ટ અને ભગૌડા અરવિંદ અને આપ સમસ્તને લોકશાહી રાહે અશ્રુતપૂર્વ અનુમોદના મળે છે.

ધારો કે સ્વાસ્થ્યવશ હાજર ન રહી શકે તો પણ અણ્ણા હજારેનાં આર્શીવચનો આપ સાથે છે, કેમ કે આખરે તો આમ આદમી પાર્ટી દ્રૌપદીની પેઠે યાજ્ઞસેની છે. આંદોલનના અગ્નિદિવ્યની પેદાશ છે. સ્થાપિત રાજકીય પક્ષો પરત્વે અનાસ્થા અને અંતર અલબત્ત પોતાને ઠેકાણે છે, પણ આંદોલનમાંથી નીકળેલા પક્ષ પરત્વે અને એમાં ઉભરેલ નેતૃત્વ માટે પુણ્યપક્ષપાત પણ ઠીક જ છે. અણ્ણા આંદોલનમાં સુકાન અને કમાનઢઢ્ઢા સંદર્ભે ઠીક ઠીક દોર અરવિંદ કેજરીવાલે સંભાળ્યો હતો તેની કદરબૂજ અણ્ણાને અવશ્ય છે. એટલે આંદોલનગર્ભ પક્ષમાં નહીં જોડાતે છતે એમનું એક ભાવનાત્મક સંધાન છે તે સાફ જણાઈ આવે છે. અરવિંદની ભૂમિકા અને સજ્જતા સબબ એમણે આ દિવસોમાં પણ ‘બ્રાઈટર ધેન મી’ (‘મુંથી અદકો ઉજ્જવલ’) એવો હૃદયભાવ વ્યક્ત કર્યો છે.

આંદોલનસાથી કિરણ બેદીના ભા.જ.પ. પ્રવેશ વિશે અણ્ણાએ પોતાની નાપસંદગી અને નારાજગી પ્રગટ કરતાં સંકોચ કર્યો નથી. મોદી વિશે અણ્ણાને પક્ષે નિર્ભ્રાન્તિનો પહેલો ધક્કો મે ૨૦૧૧ની એમની ગુજરાતયાત્રા સાથે લાગ્યો હતો, અને કેજરીવાલ તથા સિસોદિયાની સમજ પણ આ મુલાકાત સાથે કદાચ ઓર સાફ થવા લાગી હતી. કંઈ નહીં તો પણ આંદોલનની કોર કમિટીના કેટલાક સભ્યો(ખાસ કરીને કિરણ બેદી અને ઉદ્યોગપતિ જિંદાલ)ની જેમ ભ્રષ્ટાચારવિરોધી (અને એથી એસ્ટાબ્લિશમેન્ટ વિરોધી) આંદોલનનો કેજરીવાલ-સિસોદિયા આદિનો અર્થ કૉંગ્રેસને સ્થાને ભા.જ.પ. (જયપ્રકાશના શબ્દોમાં સાપનાથને સ્થાને નાગનાથ) એવો અલબત્ત નહોતો.

જ્યાં સુધી અણ્ણાનો સવાલ છે, કેન્દ્રમાં મોદી સરકારની કામગીરીના આઠનવ મહિના સંદર્ભે એમનું મૂલ્યાંકન પાસ માર્કનું પણ નથી. ક્યાં છે ‘અચ્છે દિન’, એમણે પૂછ્યું છે અને જનલોકપાલ બાબતે ક્યાં છો એવો ચીપિયો પણ એમણે તહેદિલથી પછાડ્યો છે. આંદોલનના દિવસોમાં ચેનલચોવીસાએ એમને ગાંધી-જેપીમાં સ્થાપવા પરત્વે લગરીક પણ વિવેકપોરો ખાધો નહોતો એ સાચું; પણ પક્ષીય રાજનીતિથી ઉફરી નાગરિક શક્તિની ઉદ્યુક્તિની દિશામાં એમનું ચોક્કસ અર્પણ હતું અને છે તે પણ સાચું.

૨૦૧૪-૧૫ના આપ ઘટનાક્રમનું પગેરું દબાવતા હમણાં મે ૨૦૧૧ની અણ્ણાની ગુજરાતયાત્રાની જિકર કરી, પણ સગડ દબાવતે દબાવતે ખરું જોતાં ગુજરાતમાં હજુ પાછળ જવાની જરૂર છે : ફેબ્રુઆરી ૧૯૭૪માં ‘ચાહે તો હાઇજેક કરીને લાવો’ એવા નવનિર્માણી ઉદ્રેકના ઝંખ્યા જયપ્રકાશ અમદાવાદ આવ્યા હતા અને છાત્રોને સંબોધતાં નવી રાજનીતિના સાદને એમણે દાદ આપી હતી કે આજે લહેરોમાં નિમંત્રણ છે ત્યારે હું તીરે કેમ ખોડાઈ શકું. તટસ્થતાને નામે કોઈ સલામત અંતરની ચિંતા વગર એમણે પોતાના જીવનકાર્યના અનુસંધાનમાં નવસક્રિયતાની રીતે વિચારવાપણું જોયું હતું. આ જ ફેબ્રુઆરી મહિનો અને એનું આ જ બીજું અઠવાડિયું હતું જ્યારે એમની ઉપસ્થિતિમાં ‘લોકસ્વરાજ આંદોલન’નો આરંભ થયો હતો જે આગળ ચાલતાં લોકસંઘર્ષ સમિતિ વાટે જનતા મોરચા લગી પહોંચ્યો હતો. એમાંથી સ્તો ૧૯૭૭માં લોકશાહીની પુનઃ પ્રતિષ્ઠા સારુ અગ્રનિમિત્ત બની રહેલ જનતા પાર્ટીની ભૂમિકા રચાઈ હતી.

‘આપ’ના ઉદયમાં આ આખા ઇતિહાસપર્વ પરત્વે જેમ સાતત્ય અને સંધાન છે તેમ એક શોધન-શક્યતા પણ બેલાશક છે. જેપી આંદોલનની નિયતિ, છેવટ જતાં, ચાલુ પક્ષોની સહાયથી (ભલે ‘જનતા’ બેનર છતાં) રોડવવાની રહી. જયપ્રકાશે જો કે જનતા પક્ષ બાબતે આત્મીયતા છતાં લોકસમિતિ અને છાત્રયુવા સંઘર્ષ વાહિની જેવાં આગવાં ઓજારો પર ભાર જરૂર મૂક્યો હતો. તાજેતરનાં વર્ષોની આપ ઘટના આ આગવાં ઓજારો અને વિધિવત્ પક્ષરચના બેઉ મળીને એક પ્રકારે નૃસિંહ કોશિશ જેવી છે.

નાતજાતકોમમાં વહેંચીને ચાલતી રાજનીતિને બદલે આમ આદમીને અનુલક્ષીને ચાલતી નાગરિક હિલચાલ લેખે આ નવોદયને સારુ ગુજરાતમાં પણ એક આશાઅપેક્ષા અસ્થાને નથી. સ્થાપિત પક્ષો સિવાયની જે પણ હિલચાલો આજે સક્રિય છે એમની સાથે સિનર્જીભેર કાંક કશુંક નિર્માણ કરવાની દિશામાં પહેલ કરવાનો દડો આ ક્ષણે નાગરિક શક્તિના પર્યાયરૂપે ઉભરેલ ‘આપ’ના આંગણામાં છે.

આપ ભલે હાલ દિલ્હીમાં કાર્યરત થશે, એના ભણી મીંટ દેશ સમસ્તની હોવાની છે કેમ કે નાગરિક કહેતાં સેક્યુલર વિકલ્પખોજ જારી છે.

ફેબ્રુઆરી ૧૨, ૨૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2015, પૃ. 01 – 02

Loading

— અને શિક્ષણ

ભરત મહેતા|Opinion - Opinion|18 February 2015

જે વીરલાઓને આજે મોકળું મેદાન મળ્યું તે વીરલાઓને એન.ડી.એ. કાળમાં જરાક જેટલો સમય મળેલો ત્યારે એ વીરલાઓ શિક્ષણમાં અંબાણી-બિરલાને લઈ આવેલા. ઉચ્ચ શિક્ષણ માટે જે સમિતિ એમણે સ્થાપેલી એનું નામ ‘અંબાણી-બિરલા સમિતિ’ હતી. આ સમિતિએ જે દસ્તાવેજ તૈયાર કર્યો એનું નામ ‘અંબાણી-બિરલા રિપોર્ટ’, જે મહત્ત્વનો ઐતિહાસિક દસ્તાવેજ છે. આ વીરલાઓના, પુત્રનાં લક્ષણ પારણામાં એમ આ રિપોર્ટમાં રંગેચંગે સ્વીકારાયું કે ‘શિક્ષણ મૂડીરોકાણનું ઉત્તમ ક્ષેત્ર છે.’ આ સમિતિની ભલામણ હતી કે ઉચ્ચ શિક્ષણના સમગ્ર ક્ષેત્રનું ખાનગીકરણ કરી દેવું જોઈએ ! આ સમિતિની રચના જ બતાવે છે કે શિક્ષણ પર ‘બજાર’નું કેવું અને કેટલું પ્રભુત્વ હશે. જ્યારે એન.ડી.એ.  કાળ હતો, ત્યારે તો બત્રાનાં પતરાં ખખડતાં નહોતાં હવે તો બત્રાજીનો વેદ વદે છે અને શ્રુતિ તો એવી છે કે સ્મૃિત (ઈરાની) શાખ નહીં, શાખાની શાખાઓ શાળાઓ રૂપે જ આપશે ! વિવિધ ભારતી પાસેથી નહીં પણ ‘વિદ્યાભારતી’ પાસેથી મેળવેલું ‘જ્ઞાન’ વહેંચવામાં આવશે. કૉંગ્રેસે શિક્ષણને ખાડે નાખેલું છે. હવે શિક્ષણમાં અખાડાયુદ્ધ જ શરૂ થવાનું છે જેના અણસાર વર્તાય છે.

શું આ વીરલાઓ પાસે આશા રાખી શકાશે કે શિક્ષણમાં અચ્છે દિન આયેંગે ? વૈશ્વિકીકરણના માહોલમાં શિક્ષણનાં (કુ)લક્ષણો આ રીતે પ્રગટ થતાં રહ્યાં છે : ઉચ્ચ-મૂલ્યબોધવાળા મનુષ્યનું નિર્માણ કરવાની પ્રક્રિયા સમા શિક્ષણના મૂળભૂત ઉદ્દેશોને નગણ્ય લેખવામાં આવે છે. સામાજિક પરિપ્રેક્ષ્યથી શિક્ષણને કાપી નાંખવામાં આવ્યું છે. ‘બજાર’ની જરૂરત મુજબ શિક્ષણનું નિર્ધારણ કરવાનું છે. રાજ્યનો હસ્તક્ષેપ હરપળે રાખવાનો છે. કૉમન યુનિવર્સિટી ઍક્ટ ગુજરાતમાં લાવવાની બબ્બે વાર નાકામ કોશિશ કરનારા આ વીરલાઓ જ હતા જ્યાં શિક્ષણની સ્વાયત્તતાનો ખાતમો બોલાવવાની પેરવી હતી – જે ઍક્ટ મહેનતપૂર્વક ‘સંતાડી’ રાખવામાં આવેલો. પ્રજાસમક્ષ રજૂ જ નહોતો કરાયો. ભૂતકાળની ઘટના એટલે દોહરાવું છું, આ વીરલાઓની વૃત્તિનો ખ્યાલ આવે. અંબાણી-બિરલાએ શિક્ષણની કબરનો છેલ્લો ખિલ્લો એમ કહીને ઠોક્યો કે ખાનગી યુનિવર્સિટી નીલ પાસ ! જાવ ઉદ્યોગપતિઓ લહેર કરો. નદી-નાળાં-સમંદર-રોડ-પર્વત તો તમને આપ્યાં જ હતાં તો તમારા યજ્ઞમાં વધુ એક આહુતિ. શિક્ષણની પણ હાટડીઓ માંડો. ટૂંકમાં, શિક્ષણ એક પણ્યપ્રવૃત્તિ (comodity) બની ગયું છે. શિક્ષણનું આ વેપારીકરણ (comodification) એ વૈશ્વિકીકરણનો શિક્ષણ પર પડેલો પ્રભાવ છે. એ લોકો સ્પષ્ટ માને છે કે શિક્ષણ જ્યારે એક લે-વેચની સામગ્રી બની ગઈ છે ત્યારે એમાંથી નફાની મલાઈ ખાવાની શરમ શી ? છાશ લેવા જવું ને દોણી સંતાડવી ? તેથી આઝાદ ભારતમાં ચોમેર અધધધ કહી શકાય, એવી શિક્ષણની હાટડીઓ મંડાઈ ગઈ છે. રિલાયન્સ કે નિરમા – ગાંધીજી, ભગતસિંહ, જગદીશચંદ્ર બોઝ, વિક્રમ સારાભાઈ કે પ્રેમચંદજી પેદા કરવા માટે શિક્ષણનું કારખાનું થોડું ખોલે ? એને તો જોઈતો હોય છે થોકડાબંધ રોકડો નફો. છાશવારે સંસ્કૃિતની વાતો કરનારાની, સંસદને વંદન કરનારની અસલી સંસ્કૃિત આ છે. સરસ્વતી(જ્ઞાન)ને બજારુ બનાવી દેવાઈ છે. આ દુઃશાસનકર્તાઓ સરસ્વતીનું ચીરહરણ કરી રહ્યાં છે ત્યારે આખી સભા ચૂપ છે ! લેખકો, પત્રકારો, કળાકારો, સમૂહમાધ્યમોને આ વસ્ત્રાહરણ દેખાતું નથી ?

શિક્ષણમાં ઉદ્યોગોની વધુમાં વધુ ભાગીદારી કોણીએ એવો ગોળ લગાડીને આપવામાં આવી રહી છે કે આ ઉદ્યોગો રોજગારી પૂરી પાડનારા છે. જો આવું જ હોત તો કરોડો શિક્ષિત બેરોજગારોને એમને ત્યાં બોલાવતા કોણ અટકાવે છે ? ખાનગી સંસ્થાઓમાં કૅમ્પસડ્રાઇવ નાટક ચાલે જ છે. જેમાં કૅમ્પસ પરથી ભરતી થાય, એની ટકાવારી સંસ્થા હરખાતી-હરખાતી બતાવે … પછી એક-બે વર્ષમાં જ પેલાઓને છુટ્ટા કરાય. ખાનગી સંસ્થા અને ઉદ્યોગમાલિકોનું આ ષડ્યંત્ર હવે તો જગજાહેર છે. ઉદ્યોગોને તો જેવો અને જેટલો કુશળ (skilled) મજૂર જોઈએ છે, તેવો અને તેટલો જ શિક્ષણ પામેલો જોઈએ છે. વધુ જ્ઞાનવાનનો એને ખપ નથી. આમ, વૈશ્વિકીકરણમાં શિક્ષણનો ઢાંચો ઉદ્યોગકેન્દ્રી બની રહ્યો છે, જે એકાંગી વિકલાંગ સમાજ સર્જશે. લાખો ગૃહિણીઓ, ખેડૂતો, વંચિતો એમને, એવા કરોડોને કોણ શિક્ષણ આપશે ? કલ્યાણરાજ્યના સેવાકીય ક્ષેત્રને આ રીતે નફાકેન્દ્રી ઉદ્યોગોના હવાલે કરી દેવાયું છે. કોઈ પણ પક્ષના દરેક બજેટમાં ઉદ્યોગના સરેરાશ ૪૫થી ૬૫ હજાર કરોડનું દેવું માફ કરાય છે, જ્યારે બીજી તરફ આટ્ર્સ-કૉમર્સમાં પણ પૅમેન્ટ સીટ છે !

વૈશ્વિકીકરણના કારણે શિક્ષણ પર પડેલી એક વધુ અસર છે – ઊંચી ફી, ખાનગી સંસ્થાઓએ રોકાણ મુજબ ફી લેવાની ? ના, ઊભા રહો. ઊંચી ફીમાં રાજ્ય કહેશે તેવી ‘સમાનતા’ (!) રાખવાની ! ફી- નિર્ધારણમાં આ રીતે વપરાયેલો ‘સમાનતા’ શબ્દ પણ ‘વિકાસ’ શબ્દની જેમ પોતાની ગરિમા ખોઈ બેઠો. ‘સમાનતા’ શબ્દની આ દશા થશે, એની તો કોઈને કલ્પના પણ નહીં હોય. વંચિત છે એમને તો વંચિતો જ રહેવાનું છે. શિક્ષણથી પણ આઝાદી પછી કોઈને કોઈ સ્વરૂપે આ પ્રશ્નો હતા. પરંતુ ’૯૦ના વૈશ્વિકીકરણના વેગીલા પ્રવાહ પછી નર્યા સપાટી ઉપર આવી ચૂક્યા છે.

વૈશ્વિકીકરણમાં શિક્ષણની બીજી એક સ્થિતિ એ થઈ છે કે અહીં આલોચનાત્મક ચિંતન ક્રિટિકલ થિન્કિંગને જરા ય સ્થાન નથી. ચિત્રોથી પ્રશ્ન પૂછશો તો સરકાર ધમકાવે તે પહેલા મોરલ પોલીસ તૂટી પડશે. ફિલ્મથી પ્રશ્નો નહીં પૂછવાના. બત્રા બોલે તે સત્ય ! ‘પરઝાનિયા’ ફિલ્મ નહીં બતાવવા દઈએ, પી.કે.માં તોડફોડ કરીશું. ભલે ચોમેર બ્લુ ફિલ્મો વેચાય કે સંસદમાં જ જોતાં સાંસદો પકડાય !

ચિંતનશીલ વ્યક્તિની વૈશ્વિકીકરણમાં જરૂર નથી. ચિંતનશીલ વ્યક્તિ ખતરનાક હોય છે. આવી વ્યક્તિઓ એમના જુઠ્ઠાણાંસભર પ્રચારનો પર્દાફાશ કરે છે. રાજ્યને કરોડરજ્જુ વગરનું, ગુલામી માનસવાળું સંપૂર્ણ વફાદાર સૈન્ય જોઈએ છે. તાર્કિક ચિંતનને હવે સ્થાન નથી. તેથી ઇતિહાસ, રાજનીતિ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સમાજશાસ્ત્ર હવે ભણવાની જરૂર નથી. વિજ્ઞાનમાં પણ કેવળ એપ્લાઈડ સાયન્સ જ ભણવાનું. થિયરી વગર ચાલશે ! હવે આ બધું ભણાવવાની જરૂર નથી અથવા એમાંથી ‘બજાર’ને ખપમાં આવે તેવું જ ભણવાનું. શિક્ષણનો માપદંડ છે એ ‘બજાર’માં કેટલો નફો રળી આપશે ! એને કમ્પ્યૂટર બરાબર આવડતું હશે પણ એનું માનસ વૈજ્ઞાનિક નહીં હોય. આવો ‘રૉબોટ સમાજ’ એમને સર્જવો છે.

વર્ચસ્વ ધરાવતા સ્થાપિત વર્ગે એમના નિજી સ્વાર્થ માટે જ્ઞાનના સ્વરૂપ સાથે આ રીતે ચેડાં કર્યાં છે. એ વિકૃત (ડિસ્ટોર્ટેડ) જ્ઞાનને ફેલાવે છે. બત્રા જેવા અનધિકૃત, અવૈજ્ઞાનિકને જાણીબૂઝીને પ્રોત્સાહન આપે છે. પછી આ દેશમાં વૈજ્ઞાનિકો, ઇજનેરો, નેતાઓ સાગમટે ગણેશને દૂધ પિવડાવે નહીં તો નવાઈ ! હમણાં વડાપ્રધાને હોદ્દા મુજબ, નાનો માણસ નાનું ગપ્પું મારે, મોટો મોટું ફટકારે, તેમ ફટકાર્યું. ગણેશના શિરચ્છેદ પછી હાથીનું મસ્તક લગાવાયું છે. (પુરાણકથામાં) તેથી ભારતમાં સર્જરીવિદ્યા હતી ! પંડિત નેહરુથી શરૂ થયેલ વડા પ્રધાન પરંપરામાં આપણે ક્યાં પહોંચ્યા એનો આ એક અંદાજ છે. મધ્યપ્રદેશમાં ત્રણ દાયકાથી ચાલતો ‘ઔરંગાબાદ વિજ્ઞાનશિક્ષણ કાર્યક્રમ’ હમણાં બંધ કરી દેવાયો, બીજી તરફ બત્રાજીનાં પુસ્તકોની શ્રેણી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે છાપી. નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા રાજકર્તાઓએ પ્રસ્તાવના લખી. આ આખું મિશન એક માનસિકતા – માઇન્ડસેટ – ઘડવા માટે છે. આ ઘટના પણ વૈશ્વિકીકરણથી, એના એજન્ડાથી પર નથી. જેમ સંસ્થાનવાદ વખતે પુનરુત્થાનવાદી ચેતનાને બળ દેવાતું, શાસન એને પ્રોત્સાહન આપતું, તેવું જ આ છે. વાલીને યજમાન ગણાવી શાળામાં યજ્ઞ કરાવો. વેંડી ડોનિગર કે એ.કે. રામાનુજનનાં પુસ્તકો સામે પ્રતિબંધ લાવનાર તરીકે બત્રાજી વિખ્યાત છે. આર.એસ.એસ. સંચાલિત ‘અખિલ ભારતીય વિદ્યા સંસ્થાન’ના મહાસચિવ હતા. તેમનાં પુસ્તકો ગુજરાતની ચાલીસહજાર શાળાઓમાં મફત વિતરિત કરાયાં. હજાર જગ્યાએ ‘પૈસા નથી’ની રાડો પાડનાર શિક્ષણતંત્રને આ માટે એકાએક પૈસા મળી ગયા ! એક જ વ્યક્તિને આટલું સ્થાન ? આ લોકશાહી રાષ્ટ્ર કે હિન્દુ રાષ્ટ્ર ? એ ગ્રંથોમાં જુઠ્ઠાણાંઓ ધમધોકાર છે. સ્ટેમસેલ રિસર્ચ મહાભારતકાળમાં હતું, સંજયના કારણે કહી શકાય કે ટેલિવિઝન હતું, પુષ્પક વિમાનની કંપની હતી, અનશ્વરથ હતા, તેથી મોટરકાર પણ હતી. એ પુસ્તકમાં અખંડ ભારત દર્શાવાયું છે – ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન, તિબેટ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર ! વૈદિક ગણિત જ સાચું ગણિત છે. નવી પેઢીને, કૂમળા છોડને આ રીતે વાળી નાખવાના. કૂવામાંનાં દેડકાં બનાવવાનાં. આમ, કૉંગ્રેસે કરેલ શિક્ષણના વેપારીકરણમાં ભા.જ.પ. ભગવા રંગનું વેપારીકરણ અથવા તો ભગવાકરણનો વેપાર શિક્ષણ દ્વારા ઉમેરવા માંગે છે.

વૈિશ્વક બજારના અન્ય ઘટકો – સેટેલાઇટ, ડિજિટલ ટેક્નોલૉજી, કમ્પ્યૂટર્સ વગેરેની શિક્ષણમાં બોલબાલા વધી છે. તેથી સમાજમાં અત્યંત આધુનિકથી માંડી અત્યંત સામાન્ય શાળાઓનો ભેદ સર્જાયો છે. જેની પાસે જેવા પૈસા તેમાં જાવ. વડોદરામાં એક તરફ મોંઘીદાટ નવરચના શિક્ષણસંસ્થા છે, તો બીજી તરફ કડકબજારમાં પ્રતાપ હાઈસ્કૂલ પણ છે. શિક્ષણમાં વર્ગભેદ સર્જાયો છે. અતિ આધુનિક સુવિધાગ્રસ્ત શાળાઓ સામાજિક દરજ્જાની સૂચક બની છે. વૈશ્વિકીકરણે આમ શિક્ષણને પણ્યપ્રવૃત્તિ અને ક્રયવસ્તુ બનાવ્યા પછી એમાં ‘બ્રાન્ડ નેમ્સ’ ઊભાં કરે છે. આ આખી રીતભાતમાં વૈશ્વિકીકરણની વિજ્ઞાપનકળાનો ય ફાળો છે. છેવટે બધાંને સમાન ગુણવત્તાવાળું શિક્ષણ પૂરી પાડવાની પોતાની બંધારણીય ફરજમાંથી રાજ્યે પોતાના હાથ ઊંચા કરી નાખ્યા છે.

બીજી તરફ ઑપન યુનિવર્સિટીઓ, રેડિયો-ટીવી દ્વારા શિક્ષણ જેવી ઔપચારિક શિક્ષણપદ્ધતિઓ આમજનતાના શિક્ષણ માટે છે. આમ, શિક્ષણનું ‘નાટક’ ચાલે છે. રાબેતા મુજબની શાળાઓ, યુનિવર્સિટી બંધ કરી દેવાની, જેથી ખાનગી માલિકોને જલસા. એમ.એસ. યુનિવર્સિટીએ તાજેતરમાં જ પાદરામાં આટ્ર્સ ફૅકલ્ટી બંધ કરી. ઉસમાનપુરાનો(અમદાવાદ)ની શાળામાં વહીવટી કચેરી થઈ ગઈ. મીઠાખળી (અમદાવાદ)ની મ્યુિનસિપલ શાળા નંબર વીસનો બનાવ આ દૃષ્ટિએ ઐતિહાસિક છે. ’૯૭માં આ સરકારી શાળાનું પંદર ઓરડાનું તે કાળે કાયદેસર કિંમત સવા પાંચ કરોડનું મકાન, મેદાન સાથે ખાનગી સંસ્થાને અંગ્રેજી શાળા ખોલવા માટે ભાડાપેટે આપવામાં આવ્યું. બીજી ઑક્ટોબરે આ જગ્યાએ ‘મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ’ શરૂ થઈ ! ત્યારે ત્યાં જુનિયર કે.જી.ની ફી રૂપિયા ૧૮,૦૦૦/- હતી ! મકાનના ભાડા પેટે વાર્ષિક ભાડું ૧૦૧ રૂપિયા ! ૪૦ વર્ષ માટે આ જગા ભાડે અપાઈ ચૂકી છે. A.I.D.S.O.ની લોકલડત ચાલી. સર્વશ્રી દર્શક, યશવંતભાઈ શુક્લ, ચુનીભાઈ વૈદ્ય, પ્રકાશભાઈ શાહ સમેત અનેક અગ્રણીઓએ એમાં ભાગ લીધો. ડૉ. યશપાલે (યુજીસી ચૅરમેને) ટેકો જાહેર કર્યો; પરિણામ શૂન્ય. લોકલડતના કાર્યકરોએ એક વર્ષ સુધી ફૂટપાથ પર વંચિતો માટે શાળા ચલાવી. આજે ગાંધીના નામે એ જગાએ વેપલો ચાલુ છે. ભેદભાવપૂર્ણ સમાંતર શિક્ષણવ્યવસ્થા સરકાર દ્વારા જ ઊભી થઈ રહી છે, તેનું આ ઉદાહરણ છે. દિલ્હી યુનિવર્સિટીમાં ૧૦+૨+૩નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને સ્નાતક કોર્સ ચાર વર્ષનો કરવાના જે ધમપછાડા સરકારે કર્યા, એ પણ આનું જ ઉદાહરણ છે. જેમ જાહેર એકમોને તાળાં વાગે, તો ખાનગી ઉદ્યોગપતિઓને મોકળું મેદાન મળે તે જ નીતિ આ છે. રાબેતા મુજબની શાળા/ કૉલેજો/ યુનિવર્સિટીઓને સરકાર તાળાંબંધી કરી રહી છે, જેથી શિક્ષણ પાછળ સરકારે બજેટ ફાળવવું જ ન પડે.

આઝાદ ભારતના પહેલા શિક્ષણપંચે – બી.જી. ખરે કમિશને શિક્ષણ પાછળ રાષ્ટ્રીય બજેટના ૧૦% વાપરવાનું સૂચન કર્યું હતું. ક્યારે ય આ દેશમાં શિક્ષણ પાછળ ૫% પણ વપરાયા નથી ! વર્ષોનાં વર્ષો સુધી શિક્ષકની ભરતી જ ન થાય. દા.ત., આંકલાવની આટ્ર્સ-કૉમર્સ કૉલેજમાં ૧૯૯૪થી આજ લગી અંગ્રેજીના પ્રાધ્યાપક જ નથી ! સરકારી શાળાઓમાં આવું થાય છે. બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી થતી નથી. પરિણામ એ આવ્યું છે કે ઝૂંપડપટ્ટીમાં ખાનગીશાળાઓ શરૂ થઈ છે ! મોટી ખાનગી સંસ્થાઓને સરકાર મદદ કરે છે, અને સરકારી શાળાઓને નહીં. જમીન સસ્તા ભાવે, આવકવેરામાંથી મુક્તિ, સી.બી.એસ.ઇ.નું ત્વરિત જોડાણ જેવા લાભો અપાઈ રહ્યા છે.

૮મી સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ (આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ) ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં આવેલા સમાચાર આ સંદર્ભે જોવા મળે છે.

‘Directorate of Education (Delhi) has decided to close down 35 Government Schools … This is in addition to the 55 schools already closed.’ ફાટફાટ થતાં શહેરમાં આવી અવળીગંગા કેમ ? આ ગંગાનું શુદ્ધિકરણ ન કરાય ? પછીથી આ શાળાનાં મકાનોમાં કાં તો શૉપિંગ સેન્ટર્સ બને છે. અથવા તો ખાનગી શાળાઓ.

૧૮૮૨માં ઇન્ડિયન એજ્યુકેશન કમિશનની સામે મહાત્મા જ્યોતિબા ફુલેએ, ૧૯૧૧માં ઇમ્પિરિયલ એસેમ્બ્લીમાં ગોપાલકૃષ્ણ ગોખલેએ કે સંવિધાનસભામાં ડૉ. આંબેડકરે ‘મફત અને ફરજિયાત શિક્ષણ’ની વકીલાત કરી હતી. આઝાદી પછીના નેતાઓ કેટલાં વામણાં છે કે આટલી નાની માંગ પણ એ પૂરી કરી શક્યા નથી.

લેખના અંતે આ મહાનુભાવોને સહેતુક યાદ કર્યા છે. વૈશ્વિકીકરણ એકદમ નવીનક્કોર ઘટના નથી. સામ્રાજ્યવાદના ઉદયથી વિકાસ સુધીની એની ગતિ છે. સંસ્થાનવાદ વખતે સામ્રાજ્યવાદે શિક્ષણ સાથે એવો જ વ્યવહાર કરેલો. આજનું વૈશ્વિકીકરણ સંસ્થાનવાદનું પરિષ્કૃત અને અધિક શક્તિશાળી સ્વરૂપ છે. પોતાના વેચાણ માટે બજાર મેળવવું, કુદરતી સંસાધનો પર પ્રભુત્વ મેળવવું એ એનો આજે ય હેતુ છે. ૧૮મી-૧૯મી સદીના સંસ્થાનવાદ સાથે તેથી એને સરખાવી શકાય. એની સામે ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જ્યોતિબા ફુલે, આંબેડકર આ માંગ કરી રહ્યા હતા. આજે આ કોણ કરશે ? આજે તો શિક્ષિતો વૈશ્વિકીકરણના ચળકાટથી અત્યંત પ્રભાવિત છે, અભિભૂત છે. એ વંચિતોની વકીલાત કરશે ? ‘જ્ઞાન’ જે માનવસંસ્કૃિતના વિકાસની ચાવી છે, સામ્રાજ્યવાદીઓના નફા સાથે ટકરાય તો પ્રશ્નો ઊભા થાય, તેથી એ સાચું જ્ઞાન નહીં પણ જ્ઞાનનાં વિકૃત, સીમિત અને અનધિકૃત સ્વરૂપોને જ ખપમાં લે છે. સંસ્થાનવાદે જે સીમિત ‘શિક્ષણવ્યવસ્થા’ પૂરી પાડી હતી, તેમાં ભારતની યુવા પેઢીને સાચા અર્થમાં શિક્ષિત બનાવવાનો હેતુ ન હતો, હકીકતે તો – એમને એમની નોકરશાહીને મજબૂત કરવી હતી. આજે વૈશ્વિકીકરણમાં શિક્ષણ સાથે આ જ વ્યવહાર થઈ રહ્યો છે. સાચું જ્ઞાન તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની માંગણી કરે. એ વૈજ્ઞાનિક, લોકશાહીયુક્ત અને ધર્મનિરપેક્ષ સમાજવ્યવસ્થાની માંગ કરે, જે આજના શિક્ષણના સ્વરૂપમાં દેખાતું નથી. મોટા ભાગની સંસ્થાઓ વૈશ્વિકીકરણના વિરૂપ ચહેરાને માનવીય બતાવવાના દલાલ રૂપે કામ કરે છે. આજે શિક્ષણતંત્રનો આવો ઉપયોગ થઈ રહ્યો છે, તેથી શાળા-કૉલેજોએ પોતાની સર્જનાત્મક ઊર્જા ગુમાવી છે અને માત્ર વિધિ-વિધાનો, કર્મકાંડ ચાલે છે.

શિવે કામદેવને ભસ્મ કરી દીધો હતો. ત્યાર બાદ રતિના વિલાપના કારણે શિવે અંગ વિનાના, અનંગની રચના કરી આપી. અનંગની સામે લડવું કઠિન છે. સંસ્થાનો વખતે સામ્રાજ્યવાદ નજર સામે હતો તેથી એની સામે શિવ જોગમાયા સંગ ધૂણન્તા ઓતરાદી વાયરા ઊઠેલા. પણ એ આજે અનંગ સ્વરૂપે છે. એણે ભારતીયતાનું, સંસ્કૃિતનું કવચ પહેરી લીધું છે, તેથી વૈશ્વિકીકરણથી સજ્જધજ્જ સામ્રાજ્યવાદનો સામનો સંસ્થાનવાદ જેટલો સહેલો નથી. પહેલાં બ્રિટિશરો સામે લડવાનું હતું, હવે તો અર્જુનની જેમ પોતીકા જ સામે છે. વિષાદયોગને ખંખેરીને રણટંકાર કર્યા સિવાય બીજો રસ્તો છે જ નહિ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2015, પૃ. 08 – 10

Loading

યેસ ટીચર : નો ટીચર

મણિલાલ હ. પટેલ|Opinion - Opinion|18 February 2015

પોતે નિયમિત ભણે-વાંચે અને વિદ્યાર્થીઓને નિષ્ઠાથી નવું-નવું ભણાવે તેનું નામ શિક્ષક. શિક્ષકો વિશે મોટી-મોટી વ્યાખ્યાઓ થાય છે, આદર્શો રજૂ કરાય છે, મહાન વ્યક્તિઓનાં સુવાક્યો ટાંકવામાં આવે છે. એ બધું ચોપડીમાં કે ભીંત પર ભલે સાચું હોય, આજના વાસ્તવ-જગતમાં એ બધું પોથીમાંનાં રીંગણાં જેવું છે. અર્થાત્ આજનો શિક્ષક આદર્શોથી તો દૂર જ છે, પણ એની પાસે થોડીક ભાવનાઓ કે માણસાઈ દેખાડતું હૃદય પણ નથી બચ્યું !!

શિક્ષકો – (૮૦ ટકા જેટલા શિક્ષકો) આજે ‘નોકરી’ કરે છે, એમણે ભણાવવાનો આનંદ લેવો નથી તથા વિદ્યાર્થીઓને એ આનંદ આપવો નથી. એમનાં કાર્યોનું કેન્દ્ર ‘પગાર’ નથી ‘બીજા લાભો’ છે. વિદ્યાવ્યાસંગ શું છે ? એનો આનંદ કેવો તો લોકોત્તર છે. એ વાત એ જાણતા જ નથી, ને આપણે જણાવીએ, તો એમને અઘરું લાગે છે. એમને ‘અભ્યાસક્રમ’ અને ‘સમયપત્રક’ દીઠાં ગમતાં નથી. પહેલો ‘બેલ’ એમની છાતીમાં વાગે છે અને દરેક પાછલો (છેલ્લો) ‘બેલ’ એમને ભાવવિભોર કરી દે છે. પરીક્ષા કરતાં વધારે સમય એ એમનાં વ્હાલાં વ્યસનોને આપે છે. એમને ટૂંકાં, મૌલિક પ્રવચનોની ટેવ નથી, એ આવડત કેળવવામાં એમને આર્થિક લાભ દેખાતો નથી. થોડાં સાચ્ચાં / ચોખ્ખાં વાક્યો લખવાનું સાહસ એ કરતા નથી. અજ્ઞાનને એ મૂડી માને છે ને એના બળે એ નભી રહ્યા છે. પણ આપણા વહાલા આ સ્માર્ટ શિક્ષકો પરિશ્રમ કરીને પ્રતિભા કેળવવામાં પણ ‘પંતુજીપણું’ જુવે છે … એમને નોકરી મળી ગઈ, કાયમી થઈ ગયા એટલે બસ, એમણે જગ અને જંગ બંને જીતી લીધાં હોય, એવી રીતે મહાલે છે … ‘ભગવાન એમને માફ કરી દેજે, એ શું કરી રહ્યા છે એ વિશે એ (બિચારા !) કશું જાણતા નથી’ (ને જાણવા માગતા ય નથી.)

આજના આ કરુણ વાસ્તવિક ચિત્રમાં હજી બે-ચાર વધુ વિગતો ઉમેરીને ‘સાચા શિક્ષણ’ની વાત માંડીશું. આજે તો શિક્ષકો કે સરકારો કોઈના આચારવિચારમાં, ક્યાં ય દૂર દૂર સુધી, ‘વિદ્યા’સર્જકતા, મૂલ્યમાવજત, વિદ્યાર્થી તથા જીવનઘડતર વગેરે જરા ય દેખાતાં નથી. એ કેન્દ્રમાં કદી નહોતાં. એ આજે તો પરિઘની પાર નીકળી ગયા છે. આ બધા શિક્ષણ માટે સોનારૂપાનાં, અવનવી ભાતનાં પાંજરાં ઘડાવે છે. એનાં સ્થાન બદલે – રૂપ – રંગ બદલાવે છે, પણ પેલું પંખી તો ડાહ્યું હતું, તે પરદેશ ઊડી ગયું – લાચાર હતું તે પાંજરામાં જ મરી ગયું છે. બધે બધું સડી ગયું છે. પણ સરકારી તંત્રો-શિક્ષકો-સરકાર : કોઈને નાક નથી, એટલે દુર્ગંધ આવતી નથી.

આપણા શિક્ષકો-અધ્યાપકો(આચાર્યોની પણ)ની પ્રાથમિકતા (પ્રાયોરિટી) નોંધીએ : ૧. એની મોટરબાઇક : કાર ચકાચક જોઈએ. ૨. ફોર ‘બીએચકે’વાળો બંગલો, ફ્લૅટ – થોડી લોન, ટૅક્સ, બચાવવાં જોઈએ. (ને આની ના નથી. આ તો આનંદની વાત છે.) ત્રીજા ક્રમે સંતાન, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, પત્નીની નોકરી જ, કુટુંબ, સમાજ, ધંધો, ખેતીની ચિંતા. પ. સ્વાસ્થ્યટૂર્સ – જલસા – ફ્રૅન્ડ્ઝઃ હી ઍન્ડ શી ! ૬. છેક છઠ્ઠા ક્રમે આવે છે નોકરીએ જવાનું ને લમણાં લેવાનાં ! ૭. સાતમા ક્રમે આવે છે વર્ગમાં પાઠ વાંચી કે વંચાવી જવાનો અને વાંચ્યા વિના પેપર્સ જોઈ – તપાસી કાઢવાનું ! આ સત્ય હકીકતો છે. અહીં વાંચવું, સજ્જતા કેળવવી, સરસ ભણાવવું – વિદ્યા આપી વિદ્યાર્થીનું ઘડતર કરવું, ‘આ બધું તો જૂની વાતો થઈ ગઈ !’ હા, સરકાર સુધારવા ખૂબ પ્રયત્નો કરે છે પણ કઠોર ને કડક નિર્ણયો લેતી નથી. ચોરને રખેવાળ બનાવો તો વાડી ભેળાઈ-લૂંટાઈ જ જાયને ?! લૂંટનારા ને લૂંટાવનારા રાજી-રાજી છે. બેની વચ્ચે ‘વિદ્યા અને વિદ્યાર્થી’ નધણિયાતાં નમાયાં ઊભાં છે.

હવે જે વીસ ટકાને વિદ્યા અને વિદ્યાર્થીમાં ખરેખર હજી ય રસ છે. (ને પેલા ૮૦% પણ ભલે જોડાય) એમની આશા તથા એમના આનંદના સંદર્ભે શિક્ષક તથા વિદ્યાર્થીની વાત કરીએ. જેમને માટે વિદ્યા-શિક્ષણ તથા વિદ્યાર્થી પ્રથમ પ્રાયોરિટી (પહેલી પ્રાથમિકતા) છે, તેવા શિક્ષકો ‘યસ ટીચર’ છે જ્યારે આપણે ઉપર ગણાવ્યા તે ‘નોકરિયાત’ શિક્ષકો ખરેખર તો ‘નો ટીચર’-ના વર્ગમાં આવે છે. શિક્ષણની, આજની કમનસીબી એ છે કે આજે ‘નો ટીચર્સ’ રોજેરોજ વધતા જાય છે.

રવીન્દ્રનાથે પોતાની એક ચાહક, આર્જેન્ટિનાની વિક્ટોરિયાને કહેલું કે : ‘હું તો રસ્તો છું, હું રોકાઈ ન શકું. રસ્તાએ તો આગળ જ વધવાનું હોય છે.’ આ વાત શિક્ષક, શિક્ષણ તથા વિદ્યાર્થી ત્રણેને પણ લાગુ પાડી શકાય એમ છે. શિક્ષણ કેડી છે, રાજપથ છે, દેશદેશાવરમાં આગળ વધતો માર્ગ છે. એના પર શિક્ષકે-ભણનારે-થાક્યા વિના ચાલવાનું છે. શિક્ષણ તથા જ્ઞાનનો માર્ગ તો નિત્ય લંબાતો રહે છે. શિક્ષકે – છાત્રે એ માર્ગ પર ચાલવાનું છે. કેમ કે શિક્ષકે છાત્રે જ્ઞાનનો પર્યાય બનવાનું છે. કેમ કે જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી. તે જ્ઞાન અનુભવો તથા પ્રયોગો દ્વારા પુસ્તકોમાં સંચિત થાય છે. પુસ્તકો જ્ઞાનનો મુખ્ય સ્રોત છે, જેમ સૂર્ય સર્વ શક્તિઓનો સ્રોત છે. જ્ઞાનનાં બધાં માધ્યમો પુસ્તકનો આધાર લે છે, એટલે પુસ્તકનો વિકલ્પ નથી. ‘યસ ટીચરે’ હંમેશાં વાંચતાં રહેવાનું છે. વાંચવાથી જ સજ્જતા વધે છે. કશે પણ પહોંચતા વાસ્તે ચાલવું પડે … બધાંને દોરવા રસ્તો બનીને આગળ વધવું પડે … ને આ બધું વાંચવાથી જ બને છે. આજના શિક્ષણની બીજી કમનસીબી છે કે મોટા ભાગના શિક્ષકો (અને બહેનો તો સવિશેષ) વાંચતાં જ નથી … વાંચવું એટલે જાતને બધી રીતે તથા અનેક વાતે સજ્જ કરવી તે !

‘નો ટીચર’ બધા સુક્કાં ઝાડ જેવાં હોય છે. ને સુક્કા ઝાડ પર બેસીને પંખીઓ કદી ગાતાં નથી કે રાતવાસો કરતાં નથી. ભૂલથી થોડા સૂડાઓ જો સુક્કા ઝાડ પર આવીને બેસે, તો એ ઘડીક લીલું લાગે છે. પણ સૂડા ઊડી જતાં ઝાડ તો પાછું ઠૂંઠું જ લાગે છે. પંખીઓ (પ્રેમીજનો) બોલવવાં હોય, તો લીલાંછમ ઝાડ બનવું પડે. ‘યસ ટીચર્સ’ લીલાંછમ ઝાડ જેવા હોય છે. ઝાડ લીલું રહેવા માટે મૂળ ઊંડાં નાખીને પાણી તથા તત્ત્વો મેળવે છે. ડાળીઓ કૂંપળો ફુટાડીને ઝાડ વધારે હવા, તડકો તથા અવકાશ મેળવે છે. માટી સાથે જળ, ખાતર તથા ઊર્જાને ચાહતું વૃક્ષ ટાઢ-તડકા-વાયરા-વિપદા વેઠીને વિકસે છે ને ત્યારે એને ફૂલ તથા ફળ બેસે છે. શિક્ષકે પણ ખાતર, પાણી, ઊર્જા મેળવવા વાંચવું-વિચારવું-વિહરવું પડે. આ બધાં માટે ખર્ચ કરવા અને જાત ઘસવા તૈયાર રહેવું જ પડે. ‘યસ ટીચર’ બનવાનો આનંદ જેને મળે છે, એ તો વગર માલે માલામાલ થઈ જાય છે. ઉત્તમ ગ્રંથો વાંચવાનો અને સરસ રીતે ભણાવવાનો આનંદ એ સર્જન કરવા જેટલી જ ઊંચી કક્ષાનો આનંદ છે. ખાધુંપીધું તો ખલાસ થઈ જાય છે, પણ વાંચ્યું અને ઉત્તમ ભણાવ્યું એ તો પેઢીઓ સુધી પહોંચે છે. ઉમાશંકર એમના શિક્ષકોને યાદ કરતા તથા ઉમાશંકરને એમના વિદ્યાર્થીઓ હજીયે યાદ કરે છે. હવે આવા ઉત્તમ શિક્ષકો તથા એવા વિદ્યાર્થીઓની પેઢીઓનું બીજ ખોવાતું જાય છે. ‘યસ ટીચર’ – બનવાનો પડકાર ઉપાડનારા ક્યાં છે ? – છે – આ શક્ય છે … ચાલો, જાગીએ ને લીલું ઝાડ થઈએ …

કોઈ ભાષામાં કહેવાત છે, લોકોક્તિ છે : “તમારા હૃદયને લીલાછમ વૃક્ષ જેવું રાખો. (ભીતરમાં લીલુંછમ વૃક્ષ ઉછેરો) ક્યારેક કોઈક ગાતું પંખી આવશે, તો રાતવાસો કરશે.” યસ ટીચર હંમેશાં લીલા વૃક્ષ જેવો હોય છે. ઘડીક આવતી પેલી પાનખર પણ લીલી કથ્થાઈ કૂંપળો ફુટાડવા માટે જ આવે છે. પાનખર પછી જ મંજરી બેસે છે. જ્યારે યસ ટીચર તો બારેમાસ લીલો તથા મંજરીથી લચેલો હોય છે.

યસ ટીચર કોઈનો – આચાર્યનો, વિદ્યાર્થીનો, મંડળનો, સમાજ કે સરકારનો વાંક કાઢીને બેસી રહેતો નથી. એ જાણે છે કે અગવડો તથા સમસ્યાઓ તો હોવાની જ. મકાન ન મળે, તો એ ઝાડ નીચે પણ ભણાવશે. સરસ ઘટાદાર તરુવર હોય તથા નીચે માટી લીંપેલો ઓટલો મળી જાય, તો વર્ગ ચાલવા માંડે. બહુ વ્યવસ્થાઓ અને નિયમો કરી-કરાવીને આપણે વિદ્યાને નામે વેપાર કરવા માંડ્યા. વિદ્યા બેટીને આપણે બજારે બેસાડીને કવિ અખોભગતને સાચા પાડ્યા છે. હવે તો બસ કરો !! શિક્ષણની શતાબ્દી-જયંતી કરવાને બદલે એવા અધિકારીઓએ તો શિક્ષણ સાથે શાળા-કૉલેજનોય મૃત્યુઘંટ વગાડી દીધો છે. શાળાઓમાં પણ ‘સૅમેસ્ટર’ લાવનારાંઓને ગુજરાતની યુવા પેઢીઓ કદી માફ નહિ કરે !!

વલ્લભવિદ્યાનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2015, પૃ. 10 – 11

Loading

...102030...3,8913,8923,8933,894...3,9003,9103,920...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved