Opinion Magazine
Number of visits: 9558033
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તારા જેવી આંખ અને પંખી જેવી પાંખ ધરાવતા લેખક

દીપક મહેતા|Opinion - Literature|16 September 2014

એક ચૌદ-પંદર વરસનો છોકરો. જૂનાગઢની નિશાળમાં નાપાસ થઈને ભાવનગરની દક્ષિણામૂર્તિ નામની અનોખી શિક્ષણ સંસ્થામાં ભણવા આવ્યો છે. એ સંસ્થાના પ્રાર્થના મંદિરની અગાસી ઉપર એકલો બેઠો છે. સાંજ ઢળવા આવી છે. આકાશમાં દેખાતા શુક્રના તારા તરફ પેલો છોકરો તાકી રહ્યો છે. અર્ધ સભાન, અર્ધ અભાન એવી અવસ્થામાં ગણગણવા લાગે છે :

તારા! તારા! તારા જેવી
મીઠી મીઠી આંખ દે!
પંખી મીઠા! તારા જેવી,
ચેતનવંતી પાંખ દે.
સાત સમંદર વિંધી જાઉં,
હસતી આંખે જોતો જાઉં.

પછી તો સડસડાટ આખી કવિતા લખી નાખે છે અને બીજે દિવસે ગુજરાતીના શિક્ષક ગિરીશભાઈને બતાવે છે. તેને કહ્યા કારવ્યા વગર ગિરીશભાઈ એ કવિતા ‘કુમાર’ માસિકના તંત્રીને મોકલી દે છે. એ જમાનામાં જાણીતા કવિ માટે પણ પોતાની કવિતા ‘કુમાર’માં છપાય એટલે ધન ઘડી ને ધન ભાગ ગણાય. અને આ છોકરડાની પહેલવહેલી કવિતા ‘કુમાર’માં છપાય છે. તારા જેવી આંખ અને પંખી જેવી પાંખ મળે તેવી અભિલાષા પ્રગટ કરનાર આ વિદ્યાર્થી તે કૃષ્ણલાલ શ્રીધરાણી.

માગીએ છીએ તો આપણે બધા, પણ માગેલું બધાને મળતું નથી. પહેલી જ રચનામાં શ્રીધરાણીએ તારા જેવી મીઠી આંખ માગી અને તેમને તે મળી. તારાના તેજ જેવી તેજસ્વી કવિતાનું અવતરણ તે સાંજે થયું તે પછી જીવનના અંત સુધી એ પ્રવાહ ચાલતો રહ્યો – હા, વચમાં કેટલાંક વર્ષ તે ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો, પણ સૂકાઈ ગયો નહોતો. પહેલો કાવ્ય સંગ્રહ ‘કોડિયાં’ પ્રગટ થયો ત્યારે શ્રીધરાણીની ઉંમર હતી માત્ર ૨૩ વર્ષ.

શ્રીધરાણીની બીજી અભિલાષા હતી પંખી જેવી ચેતનવંતી પાંખ મળે તેની. આવી પાંખ મળે તો સાત સમંદર વિંધી જવાની અને સમંદર પારના મુલક હસતી આંખે જોવાની મુરાદ હતી. એ પણ ફળી. ૧૯૩૪માં એક બાજુ ‘કોડિયાં’ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો, અને બીજી બાજુ દક્ષિણામૂર્તિ, ગુજરાત વિદ્યાપીઠ, અને શાંતિનિકેતનમાં ભણ્યા પછી વધુ અભ્યાસ માટે શ્રીધરાણી અમેરિકા ગયા. ત્યાં ભણી એમ.એ., પીએચ.ડી. થયા. આજે આપણને આ વાતની નવાઈ ન લાગે, પણ ૧૯૩૪માં હજી અમેરિકા ગુજરાતનો એક જિલ્લો બન્યું નહોતું. બાર વર્ષ અમેરિકામાં રહી ગાંધીજીની વિચારણા, હિન્દુસ્તાનની આઝાદી માટેની લડત, વગેરે વિષે અમેરિકન લોકોને લખાણો અને ભાષણો દ્વારા ઢંઢોળીને જાગૃત કર્યા. વોર વિધાઉટ વાયોલન્સ, માય ઇન્ડિયા, માય અમેરિકા, વોર્નિંગ ટુ ધ વેસ્ટ, ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ, ધ બીગ ફોર ઓફ ઇન્ડિયા, જેવાં પુસ્તકો લખ્યાં. તેમાંનું માય ઇન્ડિયા, માય અમેરિકા જેવું અફલાતૂન પુસ્તક તો આજ સુધી અમેરિકામાં ફરી ફરી છપાતું રહ્યું છે. એક કનૈયાલાલ મુનશીને બાદ કરતાં બીજા કોઈ ગુજરાતી લેખકે અંગ્રેજીમાં આટલાં પુસ્તકો લખ્યાં નહિ હોય.

૧૯૪૬માં સ્વદેશ પાછા આવી શ્રીધરાણી દિલ્હીવાસી બન્યા. અમેરિકા-વાસનાં બાર વર્ષ કવિતાએ દેશવટો લીધો હતો. ૧૯૪૮માં ભારતમાં કવિતા અને શ્રીધરાણીનું પુનર્મિલન થયું. ૧૯૫૭માં ‘કોડિયાં’ની સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરી. સ્વદેશ આગમન પછીનાં બાર વર્ષમાં લખાયેલાં કાવ્યોનો સંગ્રહ ‘પુનરપિ’ શ્રીધરાણીએ તૈયાર કરી રાખેલો, પણ તે પ્રગટ થયો ૧૯૬૧માં. ૧૯૬૦ના જુલાઈની ૨૩મી તારીખે માત્ર ૪૯ વર્ષની વયે શ્રીધરાણીનું અકાળ અવસાન થયું, તે પછી. 

૧૯૩૪માં ‘કોડિયાં’ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો તે પહેલાં ૧૯૩૧માં શ્રીધરાણીનું નાટક ‘વડલો’ પ્રગટ થયું હતું. તે પછી ઠેઠ ૧૯૫૨માં આ નાટક વિષે શ્રીધરાણીએ લખેલું : “ઉંમર વધતી જાય તેમ તેમ આપણને પહેલાં લખેલું સુધારવાનું મન થાય. પણ ‘વડલો’ મારી એક એવી કૃતિ છે કે એમાં એક કાનો ઉમેરવાનું મન નથી થતું. હું એને મારું એક ધન્ય ક્ષણનું દર્શન માનું છું. વડલોથી હું કૃતાર્થતા અનુભવું છું.” તે પછી પણ તેમણે પીળાં પલાશ, મોરનાં ઈંડાં, પદ્મિની, પિયો ગોરી, સોનાપરી, જેવાં નાટક-એકાંકી આપ્યાં, તો ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો જેવી કથાકૃતિઓ પણ આપી.

પંખી જેવી ચેતનવંતી પાંખ ઝંખનાર શ્રીધરાણી સતત વધુ વ્યાપક અને વિશાળ આકાશમાં ઊડતા રહ્યા. ૧૯૧૧ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે ભાવનગર પાસેના ઉમરાળામાં જન્મ, ભણ્યા ભાવનગર, ઘડાયા ગુજરાત વિદ્યાપીઠમાં, ખીલ્યા શાંતિ નિકેતનમાં, ખુલ્યા અમેરિકામાં. સ્વદેશ પાછા આવીને અમદાવાદ કે મુંબઈવાસી નહિ, પણ દિલ્હીવાસી બન્યા. ગાંધીજી, ગુરુદેવ ટાગોર, પંડિત જવાહરલાલ નેહરુ, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઇન્દિરા અને ફિરોઝ ગાંધી, જેવી રાષ્ટ્રીય કક્ષાની અગ્રણી વ્યક્તિઓ સાથે શ્રીધરાણીને ઘરોબો હતો. વિશ્વવિખ્યાત ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલ સાથે જાહેર ચર્ચા કરી શકે એવી તેમની હેસિયત હતી. ધાર્યું હોત તો આઝાદી પછીની સરકારમાં માનમોભાભર્યું સ્થાન મેળવવાનું અઘરું નહોતું. એવી ઓફર આવેલી પણ ખરી. પણ પોતાની સ્વતંત્રતાને આંચ ન આવે એટલા ખાતર તેમણે પત્રકારનો વ્યવસાય સ્વીકારેલો અને અંગ્રેજીના પત્રકાર તરીકે પણ ઉજળો હિસાબ આપેલો. શ્રીધરાણીના અવસાન પછી અંજલિ-લેખમાં ગગનવિહારી મહેતાએ લખેલું : “કોઈ પર દ્વેષ-ભાવ રાખતા નહિ, અંગત હુમલા કરતા નહિ, અમુક વ્યક્તિ માટે પ્રચાર કરતા નહિ. એમના લેખો દિલ્હીનાં મંત્રીમંડળોમાં, પરદેશી રાજદૂતોના કાર્યાલયોમાં, અમલદાર વર્ગમાં, તેમ જ લોકસભા અને રાજ્યસભામાં ધ્યાનથી વંચાતા.” આવા એક અનોખા લેખક અને પત્રકારને જન્મ દિવસ નિમિત્તે આ નાનકડી આદરાંજલિ.

સૌજન્ય : ‘ટ્રિબ્યૂટ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2014

Loading

ગુજરાતી પુસ્તકોની પહેલવહેલી સૂચિ

દીપક મહેતા|Opinion - Opinion|16 September 2014

ગુજરાતી મુદ્રણ, અખબારો, સામયિકો અને પુસ્તકો માટે ૧૮૬૭નું વર્ષ મહત્ત્વના સીમાચિહ્નરૂપ છે. કારણ આ વર્ષે ધ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ ઍકટ (25 of 1867) ૨૨મી માર્ચથી અમલમાં આવ્યો. આ કાયદો ઘડવા પાછળ બ્રિટિશ સરકારની નહોતી કોઈ રાજકીય લાભની ગણતરી કે નહોતો આ આડકતરી સેન્સરશિપ લાદવાનો પ્રયાસ. આ કાયદા પાછળનો મુખ્ય હેતુ બ્રિટિશ ઇન્ડિયામાં પ્રગટ થતાં પુસ્તકો, સામયિકો વગેરેની જાળવણી અને નોંધણી કરવાનો હતો.

આવો કાયદો ઘડવા માટેની હીલચાલ ૧૮૬૩માં ધ રોયલ એશિયાટિક સોસાયટી ઑફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડના અધિકારીઓએ શરૂ કરી હતી. હિંદુસ્તાનમાં સંસ્કૃત અને બીજી ભાષાઓમાં પ્રગટ થતાં પુસ્તકોની વ્યવસ્થિત અને નિયમિત સૂચિઓ તૈયાર કરાવવાની તેમણે હિમાયત કરી હતી. વળી બ્રિટનમાં પ્રગટ થતા દરેક પુસ્તકની પાંચ નકલ બ્રિટનની પાંચ અગ્રણી લાયબ્રેરીઓને મોકલવાની ફરજ પાડતો કાયદો હતો પણ તે બ્રિટિશ ઇન્ડિયાને લાગુ નહોતો પડતો. એથી બ્રિટિશ ઇન્ડિયા માટે પણ તેને મળતો આવે એવો કાયદો ઘડવાની માગણી પણ તેમણે કરી હતી. આ માગણીના અનુસંધાનમાં આ ૧૮૬૭નો ૨૫મો કાયદો પસાર કરવામાં આવ્યો. પ્રગટ થતા પ્રત્યેક પુસ્તક કે સામયિકની ત્રણ નકલ વિનામૂલ્યે સરકારને મોકલવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. અલબત્ત, આ કાયદો  દેશી રાજયોને લાગુ પડતો નહોતો. કાયદો પસાર થયો પછી તરત ૧૮૬૭ના જુલાઈની પહેલીથી નવાં પ્રગટ થયેલાં પુસ્તકોની ત્રૈમાસિક સૂચિઓ સરકાર દ્વારા પ્રગટ થવા લાગી. વળી સરકારને મળતી ત્રણ નકલોમાંથી એક-એક નકલ બ્રિટનની ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરીને તથા બ્રિટિશ મ્યુિઝયમને મોકલવામાં આવતી પણ ૧૮૬૭ પહેલાં પ્રગટ થયેલાં પુસ્તકોનું શું? એ પુસ્તકોની સૂચિ તૈયાર કરવા શિક્ષણ ખાતાને સરકારે હુકમ કર્યો. તે વખતના ડિરેકટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રકશન સર એલેકઝાન્ડર ગ્રાન્ટે આ સૂચિ બનાવવાનું કામ માથે લીધું. ૧૮૬૪ના ડિસેમ્બરની ૩૧મી સુધીમાં મુંબઈ ઈલાકામાં પ્રગટ થયેલાં ગુજરાતી, મરાઠી તથા અન્ય ભાષાનાં પુસ્તકોની સૂચિ તેમણે તૈયાર કરી અને સરકારે તે પ્રગટ કરી. જો કે તેમાં ઘણી ભૂલો રહી ગયેલી એટલે તેની સુધારાવધારા સાથેની બીજી આવૃત્તિ ૧૮૬૭માં પ્રગટ થઈ.

પણ ગ્રાન્ટની સૂચિમાં ૧૮૬૫-૧૮૬૭ના સમયગાળામાં પ્રગટ થયેલાં પુસ્તકોનો સમાવેશ થયો નહોતો. એવાં પુસ્તકોની સૂચિ સરકારે તે વખતના ડાયરેકટર ઑફ એજયુકેશન સર જેમ્સ બી. પીલ પાસે તૈયાર કરાવી ૧૮૬૯માં પ્રગટ કરી. ગ્રાન્ટ અને પીલની આ સૂચિઓમાંથી કુલ ૮૬૫ ગુજરાતી પુસ્તકો અને સામયિકોની માહિતી મળે છે. અલબત્ત, આ બંને સૂચિની મર્યાદા એ છે કે બધાં પુસ્તકો જોઇ- ચકાસીને સૂચિ તૈયાર કરી નથી. બીજેથી મળેલી માહિતીનો પણ તેમાં ઉપયોગ કર્યો છે. આથી ઘણીવાર માહિતી અધૂરી કે ખોટી હોય કે બેવડાઈ હોય એવું બન્યું છે. છતાં ૧૮૬૭ સુધીમાં પ્રગટ થયેલાં ગુજરાતી પુસ્તકોની માહિતી આપતું બીજું કોઇ સાધન આપણી પાસે નથી એટલે આ બંને સૂચિઓ અત્યંત મહત્ત્વની બની રહે છે.

ગ્રાન્ટ અને પીલની સૂચિઓને અંતે મુંબઈ ઈલાકામાં કામ કરતાં છાપખાનાંની વિગતવાર યાદી આપી છે. આ યાદીઓ પ્રમાણે ૧૮૬૭ના જૂન સુધીમાં મુંબઈ ઈલાકામાં કુલ ૧૪૩ છાપખાનાં કામ કરતાં હતાં. તેમાંનાં ૫૧ છાપખાનાં તો કેવળ મુંબઈ શહેરમાં હતાં. મુંબઇનાં ઘણાંખરાં છાપખાનાં એક કરતાં વધારે ભાષાનું છાપકામ કરતાં હતાં. ૫૧ માંથી ૩૦ જેટલાં છાપખાનાં ગુજરાતીનું છાપકામ કરતાં હતાં. આજના ગુજરાત રાજયના વિસ્તારમાં ૫૦ છાપખાનાં કાર્યરત હતાં. તેમાંનાં ૨૨ અમદાવાદમાં હતાં. સુરતમાં ૧૪ પ્રેસ હતાં. તે ઉપરાંત ભરૂચ(૪ છાપખાનાં), ખેડા(૩), ભાવનગર(૨), હાલાર(૨), દમણ(૧), રાજકોટ(૧), નવા નગર(૧)માં બધું મળીને ૧૪ છાપખાનાં હતાં. આની સામે મુંબઈ સિવાયના મરાઠીભાષી વિસ્તારોમાં માત્ર ૩૧ છાપખાનાં હતાં, જેમાંનાં ૧૩ પૂણે શહેરમાં હતાં. મુંબઈ ઈલાકાના અન્યભાષી પ્રદેશોમાં કુલ ૧૧ છાપખાનાં હતાં, જેમાનાં ૮ કરાચીમાં હતાં. આ આઠમાંનાં ત્રણ છાપખાનાં બીજી ભાષાઓ સાથે ગુજરાતી છાપકામ પણ કરતાં હતાં. આ આંકડા જોતાં એક વાત સ્પષ્ટ થાય છે. મુંબઈની સરખામણીમાં ગુજરાતી મુદ્રણ ગુજરાતીભાષી પ્રદેશમાં ભલે મોડું શરૂ થયું, પણ પછી તેનો વિકાસ મરાઠીભાષી વિસ્તારો કરતાં ય વધુ ઝડપથી થયો. જો કે મરાઠીમાં છપાયેલાં પુસ્તકો અને સામયિકોની સંખ્યા ગુજરાતી (૮૬૫) કરતાં વધારે છે, ૧૦૦૯.

(વધુ હવે પછી)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2014   

Loading

કરોડો લોકોની હૃદયભાષા – હિંદી

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|15 September 2014

૧૪મી સપ્ટેમ્બરનો દિવસ હિંદી દિવસ તરીકે ઊજવાય છે. દેશની સૌથી વધારે બોલાતી ભાષા તરીકે હિંદી નિર્વિવાદપણે નંબર વન છે. એક અંદાજ મુજબ દેશની આશરે ત્રીસેક કરોડ લોકોની માતૃભાષા હિંદી છે. દેશની ૪૦ ટકાથી વધારે જનતા હિંદી બોલી-લખી શકે છે. ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં હિંદીનો મોટો પ્રભાવ છે. ૧૧ સ્વરો અને ૩૩ વ્યંજનોથી બનેલી હિંદી કરોડો લોકોની હૃદયભાષા છે. હિંદી માત્ર ભારતમાં નહીં પરંતુ પાકિસ્તાન, મોરેશિયસ, સુરિનામ, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, દક્ષિણ આફ્રિકા, ન્યૂિઝલેન્ડ અને હવે ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા તેમ જ યુરોપ અને આફ્રિકાના દેશોમાં બોલાતી-લખાતી ભાષા છે. આજે હિંદી વિશ્વની સૌથી વધારે બોલાતી ભાષામાં ચોથો ક્રમ ધરાવે છે. અનેક વિદેશી ભાષાઓએ, એમાં ય અંગ્રેજીએ હિંદીના અનેક શબ્દોને પોતાની ભાષામાં સમાવ્યા છે. નમસ્કાર, ગુરુ, નિર્વાણ, યોગ, રોટી, અડ્ડા, અવતાર, બંગલો, લૂટ, મંત્ર, જંગલી, યાર, બદમાશ, ફિલ્મી જેવા અનેક શબ્દો આજે અંગ્રેજી સહિતની વિદેશી ભાષામાં ચલણી બની રહ્યા છે. વળી, વિશ્વ પ્રસિદ્ધ અંગ્રેજી ડિક્શનરી ઓક્સફર્ડ દ્વારા અનેક હિંદી શબ્દોને સમયાંતરે આમેજ કરવામાં આવ્યા છે, જે હિંદીના વધતાં પ્રભાવની નિશાની છે.

આઝાદીના આંદોલનમાં હિંદી ભાષાની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું ઇતિહાસકારોએ નોંધ્યું છે. આઝાદી આંદોલનના સરસેનાપતિ એવા મહાત્મા ગાંધીએ હિંદીને 'એકતાની ભાષા' કહી હતી. ગાંધીજી હિંદીમાં પણ પોતાનું અખબાર પ્રકાશિત કરતા હતા અને તેમનાં મોટા ભાગનાં વક્તવ્યો હિંદીમાં રહેતાં હતાં. હિંદી ભાષામાં સંસ્કૃત, અરેબિક, ફારસી વગેરે ભાષાનો સમન્વય છે, આમ, તે ભાષાકીય જ નહીં પણ સાંસ્કૃિતક સમન્વયની ભાષા તરીકે પણ જાણીતી છે. હિંદી ભાષાએ આઝાદી આંદોલનમાં કરોડો દેશવાસીઓને એક અવાજે પોતાનો મત વ્યક્ત કરવાની કે વિરોધ જતાવવાની તક પૂરી પાડી હતી. હિંદી ભાષા ગરીબથી લઈઙ્મો અમીરો, અક્ષરજ્ઞાનથી વંચિતોથી માંડીને પ્રકાંડ પંડિતો, મજૂરોથી લઈને માલિકો, ખેડૂતોથી લઈને કારીગરો, સૌ કોઈ જાણતા હતા. હિંદી સૌની ભાષા હતી, સહિયારી ભાષા હતી અને એટલે જ તેનામાં સૌને સાથે રાખવાની, સૌને જોડી રાખવાની તાકાત હતી. હિંદી ભાષાના આ ગુણને કારણે જ મહાત્મા ગાંધીએ ઇ.સ. ૧૯૧૮માં યોજાયેલા હિંદી સાહિત્ય સંમેલનમાં અધ્યક્ષ પદેથી પોતાનો મત વ્યક્ત કર્યો હતો કે હિંદી દેશની રાષ્ટ્રભાષા હોવી જોઈએ.

ભાષા તરીકે હિંદીની પહોંચ અને લોકપ્રિયતાને ધ્યાને રાખીને આઝાદ ભારતમાં દેશનો વહીવટ હિંદીમાં ચલાવવાનું નક્કી કરાયું હતું. ૧૪મી સપ્ટેમ્બર, ૧૯૪૯ના રોજ હિંદી સાહિત્યના ટોચના સાહિત્યકાર મુનશી પ્રેમચંદના જન્મ દિવસ નિમિત્તે બંધારણ સભામાં દેશની અધિકૃત ભાષા તરીકે હિંદીને સ્વીકારવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦થી બંધારણના અમલીકરણ સાથે હિંદી દેશની સત્તાવાર ભાષા બની હતી. બંધારણના ભાગ-૧૭માં કલમ ૩૪૩ (૧)માં લખવામાં આવ્યું છે કે સંઘની રાજભાષા હિંદી અને લિપિ દેવનાગરી રહેશે. દેશના પહેલા રાષ્ટ્રવાદી વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને તેમની સરકાર દેશનો તમામ વહીવટ હિંદીમાં ચલાવવા પ્રતિબદ્ધ હતા. તેમણે દેશના જે વિસ્તારોમાં હિંદીનું ચલણ નથી ત્યાં હિંદીનો પ્રસાર વધારવા માટે પંદર વર્ષનો ગાળો રાખ્યો હતો. જો કે, દક્ષિણ ભારતનાં રાજ્યોમાં, જ્યાં હિંદીનું ચલણ નથી ત્યાં હિંદીનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. હિંદીના નામે રાજકારણ રમાવાનું શરૂ થઈ ગયું હતું. હિંદીના વિરોધીઓએ ૧૩ ઓક્ટોબર, ૧૯૫૭માં હિંદી વિરોધી દિવસની ઉજવણી પણ કરી હતી! ભાષાને કારણે દેશના ભાગલા પડે એવું કોઈ રાષ્ટ્રવાદી નેતા ઇચ્છે નહીં. આખરે ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ-૧૯૬૩ બનાવવામાં આવ્યો અને હિંદીની સાથે અંગ્રેજીને પણ અધિકૃત ભાષા તરીકે માન્યતા આપવાની જોગવાઈ સ્વીકારવામાં આવી. આ કાયદો ઇ.સ. ૧૯૬૫થી અમલમાં આવ્યો અને હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું!

રાજકારણીઓના પાપે હિંદી ભલે રાષ્ટ્રભાષાનો દરજ્જો પામી નથી, પણ તેની પહોંચ, પ્રભાવ અને લોકપ્રિયતા ભલભલી ભાષાને ઈર્ષા જગાવે એવાં છે. હિંદી દિવસની ઉજવણી માત્ર આપણા દેશમાં જ નહીં પરદેશમાં પણ રંગેચંગે થાય છે. હિંદી દિવસની ઉજવણીનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ઇ.સ. ૧૯૫૩માં સમગ્ર દેશમાં હિંદીનો પ્રચાર-પ્રસાર કરવાનો યજ્ઞ આદરનાર રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના અનુરોધ પર ઇ.સ. ૧૯૫૩થી બંધારણ સભામાં સત્તાવાર ભાષા તરીકે હિંદી પસંદ થયાનો દિવસ એટલે કે ૧૪ સપ્ટેમ્બરને દર વર્ષે રાષ્ટ્રીય હિંદી દિવસ તરીકે મનાવવાનું શરૂ થયું છે.

હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળે કે ન મળે, આ દિવસે આપણે અંગ્રેજી પ્રત્યેનો અહોભાવ દૂર કરીને હિંદી પ્રત્યેનો ગૌરવભાવ અનુભવવાની તક ઝડપવી રહી.

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કટાર, “સંદેશ”, Sep 14, 2014

Loading

...102030...3,8833,8843,8853,886...3,8903,9003,910...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved