Opinion Magazine
Number of visits: 9771445
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રથમ સવંત્સરી ટાણે જયાબહેનને સાદર સ્મૃિત વંદના

આશા બૂચ|Opinion - Opinion|14 April 2015

કુસુમબહેન મેઘાણીના, જયાબહેન શાહની સ્મૃિતને તાજી કરતા લેખથી, મારી સ્મરણ પટારીના આગળા ખૂલી ગયા. મારા માતા-પિતા સરોજબહેન (હાલમાં રાજકોટ છે) અને સ્વ. નરેન્દ્રભાઈ અંજારિયા મારા જન્મ પહેલાં જ વજુભાઈ અને જયાબહેનના પરિચયમાં આવેલા અને સૌરાષ્ટ્ર હિન્દી પ્રચારના પરીક્ષા મંત્રી અને બાદમાં મંત્રી તરીકે જવાબદારી સંભાળેલી. અન્ય રચનાત્મક કાર્યોમાં સક્રિય હોવાને નાતે જયાબહેન-વજુભાઈનું સતત માર્ગદર્શન મળતું રહ્યું અને સાથે મળીને અનેક કાર્યો પાર પાડ્યાં.

હું અને અક્ષય હમઉમ્ર અને અમિતા અમારાથી બે વર્ષ નાની. 1954માં અમે સેનેટોરિયમમાં રહેવા આવ્યાં, ત્યારથી જોડાયેલો સંબંધ હજુ એવો ને એવો ઘનિષ્ઠ રહ્યો છે. અમે એક બીજાના ઘરમાં જ મોટાં થયાં એમ કહી શકાય. નાનપણથી જયાબહેન-વજુભાઈનાં વિચારો, કાર્ય પદ્ધતિ અને અન્ય સાથેના હુંફાળા વ્યવહારના અમે સાક્ષી બનેલાં અને અક્ષય-અમિતા પ્રત્યેના તેમના વહાલની ભાગીદાર પણ હું બનતી. જયાબહેન દિલ્હીથી રાજકોટ આવે ત્યારે એક પ્રકારનું ઉત્સાહનું વાતાવરણ છવાઈ જતું. એમનું રોકાણ અત્યંત ટૂંકું રહેતું જેમાં પોતાના મતવિસ્તારમાં જવું, બીજા નેતાઓ અને કાર્યકરોને મળવું વગેરે અનેક જવાબદારીભર્યાં કામ વચ્ચે બંને બાળકોનાં અભ્યાસ, સ્વાસ્થ્ય અને એમની પ્રગતિ વગેરે વિષે પૂછતાછ કરીને બરાબર સંભાળ લેતાં જોયેલાં છે. કામની ઝડપ તો જયાબહેનની જ. અમારાં ભણતર અને મોટી થઈ પછી કારકિર્દીમાં પણ તેમણે સક્રિય રસ લીધો, પ્રોત્સાહન આપ્યું, એટલું જ નહીં, મારા કામના સ્થળે આવી, મારું સામાજિક કાર્ય જોઈને શાબાશી પણ આપી.

જયાબહેનનું વ્યક્તિત્વ કેવું? એમ કોઈ પૂછે તો કહું કે તેઓ સ્વતંત્ર વિચારધારા ધરાવનાર, સ્પષ્ટ વક્તા, નીડર, શક્તિઓથી ભરપૂર અને સતત કાર્યરત રહેનાર વ્યક્તિ હતાં. પોતાની અને બીજાની કન્યાઓ પણ નીડર બને, સર્વોદય વિચારધારા પ્રમાણે જીવન જીવે અને કોઈના પણ દબાણ હેઠળ આવ્યા વિના નિર્ણય લે, એવો તેમનો આગ્રહ. બહારથી ક્યારેક રુક્ષ લાગતું તેમનું વ્યક્તિત્વ ખરેખર તો પ્રેમાળ જ હતું. અમારા બંને કુટુંબ વચ્ચેના અત્યંત નિકટ સંબંધોને કારણે, દુ:ખના સમયે, એક વડીલ તરીકે પોતાની પાંખમાં સમાવીને આશ્વાસન આપ્યું. એમની પ્રેમ ધારા છેક મારાં સંતાનો સુધી પહોંચી.

આજે (14 અૅપ્રિલ 2015) એમને પ્રિય એવા રાજકોટના પરિસરમાં કેટલાક રચનાત્મક કાર્યકરોનું મિલન યોજાયું છે જેમાં એમના વિશેના પુસ્તકનું વિમોચન, કાંતણ અને રચનાત્મક કાર્યકરોના સન્માનનું આયોજન થયું છે જે જયાબહેનને યોગ્ય અંજલી આપી કહેવાશે.

જયાબહેનમાં હતી તેનાથી દસમા ભાગની હિંમત અને કાર્યશક્તિ કેળવીને નિષ્ઠાથી કામ કરી શક્યાં હોઈએ, તો પણ તેમને ગૌરવ થાય એવા અન્યનાં ગુણ જોનારાં અને સદા બીજાને છાંયડો આપનાર એક અડીખમ સ્ત્રી શક્તિને શત શત વંદન.

e.mail : 71abuch@gmail.com

Loading

જયાબહેન શાહનાં સંભારણાં

કુસુમબહેન મેઘાણી|Opinion - Opinion|13 April 2015

ગાંધી-સર્વોદય મૂલ્યો તથા વિચારોને વરેલાં પીઢ ગાંધીવાદી, ખાદી-રચનાત્મક ક્ષેત્રનાં આગેવાન, પૂર્વ સાંસદ તથા આજીવન સમાજ-સેવિકા જયાબહેન વજુભાઈ શાહે 14 એપ્રિલ 2014નાં રોજ, 91 વર્ષની વયે, આપણી વચ્ચેથી વિદાય લીધી. જીવનનાં અંતિમ દિવસે જયાબહેન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત સ્વાતંત્ર્ય-સંગ્રામ તેમ જ ગાંઘી ગીતોનું ગુંજન કરતાં હતાં, જે ખાસ ઉલ્લેખનીય છે.

મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’નાં ગૌરવભર્યાં બિરૂદથી નવાજેલાં, તેવા ઝવેરચંદ મેઘાણી પ્રત્યે જયાબહેન અને વજુભાઈને સવિશેષ આદરભાવ હતો. ઝવેરચંદ મેઘાણી સાથે એમનાં અનેક લાગણીસભર સંભારણાંઓ. વજુભાઈનાં કંઠે, મૂળ ઢાળમાં, મેઘાણી-ગીતોને સાંભળવાનો એક લ્હાવો હતો. ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત અનેક ગીતો-લોકગીતો-ભજનો, મૂળ ઢાળમાં, જયાબહેનને પણ કંઠસ્થ હતાં. ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય `તારા નામમાં, ઓ સ્વતંત્રતા’ જયાબહેન અને વજુભાઈને અતિ પ્રિય હતું.

સ્વ. જયાબહેન વજુભાઈ શાહની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમનાં નાના બહેન, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ અને પિનાકી મેઘાણીનાં માતા કુસુમબહેન નાનકભાઈ મેઘાણીનાં લાગણીસભર સંભારણાં અહીં પ્રસ્તુત છે.

•••

`મા એ મા, બીજા વગડાનાં વા’. લોકજીવનની આ ઉક્તિમાં મારાં મા સમાન મોટા બહેન જયાબહેનનો સવિશેષ ઉલ્લેખ કરવો પડે ! રણ-વગડામાં મીઠાં પાણીની વીરડી જેવાં મારાં સૌથી મોટા બહેન — જયાબહેન.

પાંચ ભાઈ-બહેનોમાં હું સહુથી નાની. જયાબહેન મારાથી 17 વર્ષ મોટાં. જયાબહેનને મારા પર વિશેષ પ્રીતિ. મારાં પોણા સો વર્ષનાં જીવનમાંથી, શરૂઆતનાં પાંચેક વર્ષ બાદ કરીને, જયાબહેન સાથે સાતેક દાયકાનાં મધુર સંભારણાં અને સ્મૃિતઓ, આજે પણ, મારા હૃદયમાં અકબંધ છે. મારા સર્વાંગી વિકાસમાં જયાબહેનનો સિંહ-ફાળો રહ્યો છે. સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની ખૂબ જાણીતી નવલકથા `સરસ્વતીચંદ્ર’ જયાબહેનનાં અભ્યાસક્રમમાં આવતી. તેનાથી પ્રેરિત થઈને જયાબહેને મારાથી ચારેક વર્ષ મોટી બહેનનું નામ કુમુદ અને મારું નામ કુસુમ પાડ્યું હતું.

તે જમાનામાં કન્યા-કેળવણીનું ચલણ ખૂબ ઓછું, પણ અમારાં બા લક્ષ્મીબહેન અને બાપુજી ત્રિભુવનદાસભાઈએ, ખાસ રસ લઈને, અમને ચારે ય બહેનોને પોસ્ટ-ગ્રેજ્યુએશન સુધી, ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા આપી હતી. રેલવેનાં ભાવનગર ડીવિઝનમાં કેશિયર તરીકે ફરજ બજાવતા મારા `બાપા’, બાળકો માટે જૈન ધર્મની પાઠશાળા, શિક્ષણ-વર્ગ, સિવણ-વર્ગ સેવાકીય રીતે ચલાવતા. કન્યા કેળવણી માટે પ્રયત્નશીલ હતા. નાનપણથી અભ્યાસમાં જયાબહેન ખૂબ તેજસ્વી. ઘરકામમાં મારાં બાને બનતી મદદ કરીને નિશાળે જાય. સાથે હું ય તેમની આંગળી પકડીને જતી. વિદ્યાલયનાં મૂલ્યનિષ્ઠ શિક્ષકો ચુનીભાઈ શાહ, જયાબહેન દાણીને તેમની પર સવિશેષ ભાવ. એમ.એ.નાં ઉચ્ચ અભ્યાસ માટે જયાબહેન મુંબઈ ગયાં. મને પણ સાથે લેતાં ગયાં. પારલામાં રૂમ રાખીને રહેતાં. અભ્યાસની સાથોસાથ ટ્યૂશન કરે, એકલે હાથે બહાર અને ઘરનું બધું કામ કરે. મને પણ સાચવે.

આઝાદીની લડત વખતે ભાવનગરનાં નવાપરાનાં અમારાં ઘર પાસેથી એક વાર સ્વાંતત્ર-સેનાનીઓનું સરઘસ નીકળ્યું. જયાબહેન દોડીને તેમાં જોડાઈ ગયાં !

1939માં સ્થપાયેલી સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિનાં જયાબહેન સ્થાપક સભ્ય હતાં. સાથે કાનજીભાઈ ચૌહાણ, શહીદ રજબ અલી લાખાણી, કાંતિભાઈ શાહ પણ. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જયાબહેન હિન્દી ભાષાનાં વર્ગ ચલાવતાં, ત્યારે હું પણ તેમની સાથે જતી. જયાબહેનની પ્રેરણાથી હિન્દી તીસરીની પરીક્ષા પણ મેં ત્યારે પાસ કરેલી.

1945માં, હું છ વર્ષની હતી, ત્યારે તેમનાં લગ્ન વજુભાઈ સાથે થયા. મુંબઈની કોર્ટમાં થયેલાં તેમના લગ્નમાં હું પણ ગઈ હતી તેનું મને આજે ય સ્મરણ છે. લગ્ન પછી બન્ને મહાત્મા ગાંધીના આશીર્વાદ લેવા ગયાં, અને મને સાથે ન લઈ ગયાં, તેથી હું ખૂબ રડી હતી. વજુભાઈના પરિવારનો પણ મને ખૂબ પ્રેમ મળ્યો. વજુભાઈના ભાઈઓ કાંતિભાઈ, બાબુભાઈ, અનુભાઈ તથા બહેનો નાનીબહેન, શાંતાબહેન મને લાડથી `બેબી’ કહેતાં. જયાબહેન-વજુભાઈ ભાવનગરનાં આંબાવાડી વિસ્તારમાં `બ્રહ્મ નિવાસ’ મકાનમાં રહેતાં, ત્યારે શહીદ રજબ અલી લાખાણી પણ તેમની સાથે રહેતા. ઊંચા-પાતળા અને સફેદ ખાદીનાં વસ્ત્રો પહેરે. મને રમાડતાં. 1946માં અમદાવાદનાં કોમી હુલ્લડ વખતે વસંતરાવ હેગીસ્ટે અને રજબ અલી લાખાણીએ શહાદત વહોરી ત્યારે હું ખૂબ રોઈ હતી. પછીથી જયાબહેન-વજુભાઈ રાજકોટ ગયાં. શરૂઆતમાં સદર વિસ્તારમાં અને પછીથી સેનેટોરિયમમાં રહેતાં. મારા બાપુજીને મળતા રેલવે-મુસાફરીનાં ફ્રી-પાસ અમે રાજકોટ આવવા-જવામાં જ વાપરી નાખતા. વજુભાઈ-જયાબહેનનાં જીવન-કાર્યની સાથે એમનાં નિકટનાં મોરારજીભાઈ દેસાઈ, દરબારસાહેબ ગોપાળદાસ-ભકિતબા, દાદા ધર્માધિકારી, ઢેબરભાઈ, રતુભાઈ અદાણી, મોહનભાઈ મહેતા `સોપાન’, મનુભાઈ પંચોળી `દર્શક’, વિમલાતાઈ જેવાં મહાનુભવોને પણ નજીકથી જાણવાનો મોકો મળ્યો.

ધારાસભાના મતવિસ્તારની મુલાકાતે જયાબહેન સાથે ઘણી વાર હું પણ જતી. સવારથી મોડી રાત સુધી ગામડાંઓમાં ફરે. લોકોનાં દુ:ખ, દર્દ અને તકલીફો સાંભળીને તેનું નિરાકરણ કરવાનાં તેમનાં સંનિષ્ઠ પ્રયાસો, નાના અદનાં છેવાડાનાં માનવી સાથે પણ તેમનો લાગણીભર્યો અને સાલસ વ્યવહાર, ત્યારે મને ખૂબ સ્પર્શી ગયા હતા.

સંસદસભ્ય હતાં, ત્યારે, 1957માં, પહેલીવાર, મને અને તેમના પુત્ર અક્ષયને દિલ્હી સાથે લઈ ગયા હતાં. ત્યારે હું અઢારેક વર્ષ અને અક્ષય સાત વર્ષનો. પરોઢિયે ચાર વાગે ઊઠે. સંસદની તે દિવસની કાર્યવાહીની પૂર્વ-તૈયારી કરે. અમારા માટે બધી વ્યવસ્થા કરતાં જાય. સાંજે પાછાં આવે ત્યારે પણ હળવાંફૂલ હોય. સહેજ પણ ભાર નહિ.

1957-58માં વજુભાઈની રાહદારી હેઠળ, સૌરાષ્ટ્રમાં ભૂદાન પદયાત્રા શરૂ થઈ ત્યારે વિનોબા ભાવે ખાસ આવેલા. સણોસરા સુધી તેમની સાથે પદયાત્રા કરવાનો મને પણ લાભ મળ્યો હતો. `કામ કરે એ જીતે રે વાલમ, કામ કરે એ જીતે. આવડો મોટો મલક આપણો બદલે બીજી શી રીતે.’ જેવાં પ્રેરક ગીતોનું સહુ સમૂહ-ગાન કરતાં તેનું આજે પણ મને સ્મરણ છે.

જયાબહેને આજીવન ખાદી જ પહેરી. ઘરમાં ચાદર, ટુવાલ-નેપકિન, પડદા અને મસોતાં સુધ્ધાં ખાદીનાં જ. જયાબહેનનાં પ્રભાવ હેઠળ અમે ત્રણે ય બહેનો પણ ખાદી પહેરતી. મારાં મોટાં બહેન લીનાબહેને પણ આજીવન ખાદી જ પહેરી. મેં સાડી પહેરવાનું શરૂ કર્યુ, ત્યારે ખાદીની સાડી સહેજ જાડી લાગી. ને હું સુતરાઉં સાડી પહેરવા લાગી. એક વાર પાતળી ખાદીની સાડી જયાબહેનને નજરે આવતાં, તેમણે મને ભેટ આપી. જયાબહેનની સ્મૃિત સમાન આ ખાદીની સાડી મેં આજ સુધી જતનપૂર્વક જાળવી રાખી છે.

1961માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર નાનકભાઈ સાથે મારા `સિવિલ-મેરેજ’ થયાં. ત્યારે જયાબહેને સાક્ષીરૂપે રજિસ્ટરમાં સહી કરી હતી. 1966માં હું એમ.એ. થઈ અને એક કોલેજમાં લેકચરરની પોસ્ટ માટેનાં ઈન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ. એપોઈન્ટમેન્ટ લેટર ન મળતાં, તપાસ કરી તો ખબર પડી કે વજુભાઈ-જયાબહેનનાં ભલામણ-પત્રથી તરત મેળ પડી જાય તેમ છે. ત્યારે જયાબહેને મને સમજાવ્યું કે કોઈ પણ લાગવગ વગર, સ્વબળે જ જીવનમાં આગળ વધવું જોઈએ. તેમના આ વિચારે મને જીવનભર પ્રેરણા આપી.

જયાબહેન ખૂબ સેવાભાવી. વજુભાઈની માંદગી વખતે સતત ખડે પગે રહ્યાં. અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં સ્પેિશયલ રૂમને ઘર બનાવી દે. 1979-80માં અમે ગાંધીનગર રહેતાં ત્યારે મને સ્લીપ-ડીસ્ક થયેલું. લગભગ પથારીવશ થઈ ગયેલી. બાળકો પણ નાના. જયાબહેન મને અને મારા પરિવારને અમદાવાદ પોતાને ઘેર લઈ આવ્યાં અને એક દીકરીને જેમ મારી સાર-સંભાળ રાખીને મને માંદગીમાંથી બહાર લાવીને જ જંપ્યાં. જાન્યુઆરી 2014 મારું હર્નિયાનું ઓપરેશન થયું, ત્યારે પણ પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં, હોસ્પિટલનાં પગથિયાં ચડીને મારી ખબર પૂછવા આવ્યાં. હેતથી માથે હાથ રાખીને કહે : `ચાલ મારે ઘેર. તારી સેવા કરીશ અને તને ઝટ સાજી કરી દઈશ’.

જયાબહેનનું જીવન ખૂબ જ સાત્વિક, સરળ અને સાદગીભર્યુ. જીવન-જરૂરિયાત ખપ પૂરતી જ. છેલ્લા સમય સુધી રસોઈ કરતાં, પોતાનાં કપડાં જાતે પણ ધોતાં. ઘરકામ કરનારી બહેન ન આવી હોય, તો પોતે જાતે ઘરની સફાઈ કરે અને વાસણ પણ માંજી નાખે. કોઈ પણ કામનો સંકોચ અને નાનપ જ નહિ. ઝડપી પણ ખૂબ. જાણે `ફ્રન્ટીઅર મેલ’! ભારે શરીર, પણ ખૂબ સ્ફૂિર્ત. સહેજ પણ આળસ નહિ.

સ્વાદિષ્ટ રસોઈ બનાવીને સહુને પ્રેમથી જમાડતાં. રાજકોટનાં સેનેટોરિયમમાં રહેતાં, ત્યારે મહેમાનો અચાનક આવે. વજુભાઈ-જયાબહેન કોઈને પણ જમાડ્યાં વગર જવાં જ ન દે. ભાખરી, ઘી-ગોળ, અથાણું, દૂધ-છાશ તો હોય જ. આંબળાનું પૌષ્ટિક જીવણ જાતે બનાવીને તેની નાની-મોટી શીશીઓ ભરી રાખે. શુધ્ધ-પ્રાકૃતિક મધ, ખજૂર, ગોળ પણ રાખે. બાળકોને ખાસ આપે. દિવાળી વખતે ઘૂઘરા, મગજ, મઠિયાં અને નાસ્તો મોટા પ્રમાણમાં જાતે બનાવે. મળવા આવનાર દરેકને હોંશથી ખવડાવે. જ્યારે પણ તેમને મળવા જાઉં, તો 90 વર્ષની ઉંમરે પણ, ગરમ-ગરમ નાસ્તો કરીને પ્રેમથી ખવડાવે. મારા દીકરા પિનાકીને ગળપણ ખૂબ ભાવે એટલે તેના માટે પણ દર વખતે ખાસ વ્યવસ્થા કરીને રાખે. તેમના હાથે બનાવેલી પૂરણપોળી, લાપસી, ખાંડવી, ભાખરી, ઢોકળા, ઉપમા, ખીચું, અથાણાં મને ખૂબ યાદ આવે છે. જૈન ધર્મનાં સંસ્કારોને લીધે અમારાં બા-બાપુજીને ત્યાં ડૂંગળી-લસણનો ઉપયોગ ન થતો. જયાબહેને પણ આજીવન ડૂંગળી-લસણ ન ખાધાં.

આર્થિક વ્યવહારમાં જયાબહેન નખશિખ અણિશુધ્ધ પ્રામાણિક અને અતિ ચોકસાઈ-ચિવટવાળાં. હિસાબમાં સહેજ પણ ભૂલચૂક સાંખી ન લે. હિસાબ ન મળે ત્યાં સુધી ચેન ન પડે. જમે પણ નહિ. મારા પિતાજી પાસેથી તેમને આ ગુણ વારસામાં મળ્યો હતો. જયાબહેન પત્ર-વ્યવહારમાં ખૂબ નિયમિત અને ચોક્કસ. નાના-મોટા દરેકને યાદ રાખીને પત્રનો જવાબ આપે જ. દિવાળીમાં તો 500 જેટલાં શુભેચ્છાનાં પોસ્ટકાર્ડ જાતે લખે.

મારા સસરા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃિતને જીવંત રાખવા તથા એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ માટે મારા પુત્ર પિનાકીના પ્રયાસોથી જયાબહેન ખૂબ આનંદ પામતાં. 

જયાબહેનને ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા. સર્વધર્મમાં આસ્થા. નવકારમંત્રમાં અતૂટ શ્રદ્ધા. છેલ્લી માંદગીમાં અસહ્ય પીડા વચ્ચે પણ તેમની અખંદ શ્રદ્ધા અને પહાડને પણ આંબી જાય તેવું દ્રઢ મનોબળ અડીખમ રહ્યું. મારા બાએ 1985માં વિદાય લીધી. 14 એપ્રિલ 2014નાં રોજ મારાં મા સમાન મોટાં બહેન જયાબહેનની વિદાય ખૂબ વસમી લાગી. જયાબહેન સદેહે આજે આપણી વચ્ચે નથી, પણ, એમનાં જીવન અને કાર્યમાંથી સતત પ્રેરણા મળતી રહેશે. તેમનાં આશિષ સતત પ્રાપ્ત થતાં રહેશે. પરમાત્મા એમને પરમ શાંતિ અર્પે એવી અભ્યર્થના.

જયાબહેનને અતિ પ્રિય એવું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત અમર કાવ્ય `સ્વતંત્રતાની મીઠાશ’ની કેટલીક પ્રેરક પંકિતઓ અંજલિ-રૂપે પ્રસ્તુત છે :

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !


મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !

પૂછી જોજો કોઈ ગુલામને,


ઊઠ્યા કેવા ઓઘ એને મને


મળી મુક્તિ મંગળ જે દિને ;

એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ શી અહો સુખની ઘડી,


એની આંખ લાલમલાવ છાતીમાં છોળો છલકાઈ પડી.

Loading

સુશાસકના મોડલ સમા મોરારજી દેસાઈ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|12 April 2015

કેટલાક એવા મહાન લોકો હોય છે, જેમની કમનસીબી સમગ્ર રાષ્ટ્રની કમનસીબી બનીને રહી જતી હોય છે. મોરારજી દેસાઈ જેવા ખમતીધર અને ખમીરવંતા નેતા માંડ સોળેક મહિના (૨૪ માર્ચ, ૧૯૭૭ થી ૨૮ જુલાઈ, ૧૯૭૮) વડાપ્રધાન પદે રહી શક્યા, એ તેમના કરતાં દેશની વધારે કમનસીબી હતી. દેશના સર્વપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન એવા મોરારજી દેસાઈની જનતા સરકારનો અકાળે અંત આવ્યો ન હોત, તો ભારતનો ઇતિહાસ કંઈક જુદો હોત, એવું માનનારો એક મોટો વર્ગ છે. મોરારજીભાઈ કરતાં પણ આપણા માટે બીજી કમનસીબી એ છે કે તેમનો જન્મ ૨૯ ફેબ્રુઆરી, ૧૮૯૬ના રોજ થયેલો. ૨૯ ફેબ્રુઆરી એવી તારીખ છે, જે દર ચાર વર્ષે આવતી હોય છે, એટલે જન્મતિથિ નિમિત્તે તેમને યાદ કરવાની તક પણ દર ચાર વર્ષે મળતી હોય છે. આ વર્ષે જ તેમની જન્મતિથિ આવી નહોતી ! જો કે, કેન્દ્ર સરકારે મોરારજી દેસાઈ જેવા મહાન ગુજરાતી નેતાને યાદ કરવાની એક સુખદ તક પૂરી પાડી છે. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહ રાવની સાથે સાથે મોરારજી દેસાઈનું સ્મારક પણ દિલ્હીમાં એકતા સ્થળ સ્મારક સંકુલમાં તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે.

મોરારજી દેસાઈના આકરા સ્વભાવના દાખલા ઘણી વાર દેવાતા હોય છે, પણ તેમની સાદગી, સદ્દગુણો, મૂલ્યનિષ્ઠા, નૈતિકતા ઉપરાંત તેમના સુશાસનના કૌશલ્યની ચર્ચા જોઈએ એટલી થતી નથી. અંગ્રેજોના જમાનામાં નાયબ કલેક્ટર જેવા ઊંચા હોદ્દે કામ કરનારા મોરારજી દેસાઈ ન્યાયપ્રિયતા અને નક્કર નિર્ણયો માટે પણ જાણીતા થયેલા. ગાંધીજીનાં વિચારોથી આકર્ષાયેલા મોરારજીભાઈએ સ્વમાનને કારણે સરકારી નોકરી છોડીને આઝાદી આંદોલનમાં ઝંપલાવ્યું હતું. જો કે, આઝાદી આંદોલન હોય કે સ્વદેશી શાસન, તેમને જ્યારે પણ વહીવટતંત્રમાં કોઈ પણ જવાબદારી સોંપવામાં આવી, ત્યારે તેમણે પોતાનું હીર બતાવ્યું હતું. દેશમાં અનેક વહીવટી સુધારાનું શ્રેય તેમને જાય છે. નહેરુ સરકારમાં પહેલી વખત નાણાપ્રધાન બન્યા પછી તેમણે કટકે કટકે ત્રણેક વખત નાણા મંત્રાલય સંભાળેલું. સૌથી વધુ દસ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ આજે ય તેમના નામે બોલે છે. નાણાપ્રધાન તરીકે તેમણે ૨૦ ટકા જેટલા અધધ ફુગાવાના ફણીધરને નાથીને સોંઘવારીને સાકાર કરી બતાવી હતી. એમની કુનેહને કારણે જ ખાંડ-ચોખા વગેરેના ભાવ એટલા નીચે ગયા હતા કે લોકો રાશનની દુકાનમાંથી વસ્તુઓ લાવવાનું ભૂલી ગયા હતા.

મોરારજી દેસાઈ માટે વહીવટી કુનેહ જ નહીં પણ વિદેશી બાબતોમાં કૂટનીતિ માટે પણ વખણાયા છે. તેમની સકારાત્મક કૂટનીતિને કારણે જ પાકિસ્તાન સાથેના સંબંધો પણ સામાન્ય બનેલા. તમને જાણીને આશ્ચર્ય થશે પણ મોરારજી દેસાઈ એક માત્ર એવા રાજનેતા છે, જેમને પાકિસ્તાને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન 'નિશાન-એ-પાકિસ્તાન'થી ૧૯૯૦માં નવાજ્યા હતા અને એ પણ ભારતે 'ભારતરત્ન' આપ્યો, એના એક વર્ષ પહેલાં!

દેશમાં શ્વેત ક્રાંતિ માટે નિમિત્ત બનનારી અમૂલ ડેરીની સ્થાપના અને વિકાસમાં મોરારજીભાઈનો અનન્ય ફાળો છે, તો ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠની જાળવણી અને વિકાસમાં પણ તેમનું અનેરું યોગદાન છે. ગાંધીજી, સરદાર પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ પછી ૧૯૬૩થી મૃત્યુપર્યંત ૧૯૯૫ સુધી તેમણે ગૂજરાત વિદ્યાપીઠનું કુલપતિ પદ નિષ્ઠાપૂર્વક સંભાળ્યું હતું.

દિલ્હીમાં મોરારજીભાઈનું સ્મારક જોવા જવાય કે નહીં પણ મોરારજીભાઈના જીવન અને કાર્ય વિશે જાણવું હોય તો ગૂજરાત વિદ્યાપીઠમાં મોરારજીભાઈ દેસાઈનું સંગ્રાહલય છે, જેમાં તેમને મળેલાં સર્વોચ્ચ સન્માનો ઉપરાંત તેમની જીવનયાત્રાની ઝાંખી, તેમણે લખેલાં પુસ્તકો અને વિચારો રજૂ કરાયાં છે. મોરારજીભાઈના વતન એવા વલસાડ ખાતે રાજ્ય સરકાર દ્વારા તેમનું તદ્દન આધુનિક મ્યુિઝયમ તૈયાર કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ ટૂંક સમયમાં થશે, એવી શક્યતા છે. મોરારજીભાઈ જેવા સુશાસકના મોડલ સમા નેતાને વારંવાર યાદ રાખવાથી જ આપણું-દેશનું સદ્દનસીબ ખૂલી-ખીલી શકે!

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કટાર, “સંદેશ”, 12 અૅપ્રિલ 2015

Loading

...102030...3,8603,8613,8623,863...3,8703,8803,890...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved