Opinion Magazine
Number of visits: 9555497
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Hun te Vivechak ? Naa re, Naa

દીપક મહેતા|Opinion - Literature|7 November 2014

હું તે વળી વિવેચક? – ના રે, ના

કાનૂની ચેતવણી

‘શબ્દસૃષ્ટિ’ના વિદ્વાન સંપાદકે મોકલેલા આમંત્રણપત્રમાં ‘’આપ ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત અને જાણીતા વિવેચક છો’ એવું વિધાન કર્યું છે, પણ આ લખાણ લખનાર એ વિધાન સાથે સહમત થઈ શકતો નથી કારણ તે પોતાને વિવેચક જ માનતો નથી. છતાં ‘નહિ રાજાજીનો હુકમ પણ પાછો કદી ફરે’ એ ન્યાયે અહીં જે ઝાઝું લખ્યું છે તે થોડું ગણી વાંચવા વિનંતી.

***

‘ફૂલછાબ’ના ૧૯૪૧ના પંદરમી ઓગસ્ટના અંકમાં ગુરુદેવ ટાગોરને અંજલિ આપતાં તેમને સંબોધીને ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું: “તમે કવિ હતા. ‘કવિ’ શબ્દ હવેથી અમે સાચવીને વાપરશું.” પણ આપણે ગુજરાતીઓ સાચવીને વાપરીએ પૈસા, શબ્દો નહિ. ‘વચનેષુ કિમ્ દરિદ્રતા’ એ સુ(?)વાક્ય નક્કી કોઈ ગુજરાતીએ જ પ્રચલિત કર્યું હોવું જોઈએ. પણ જેમ ‘કવિ’ શબ્દ સાચવીને વાપરવા જેવો છે, તેમ ‘વિવેચક’ શબ્દ પણ સાચવીને વાપરવા જેવો છે. આપણી ભાષાની જ વાત કરીએ તો પણ વિવેચક તો કોઈ નવલરામ કે નરસિંહરાવ, કોઈ બળવન્તરાય કે કોઈ ભૃગુરાય, કોઈ આનંદશંકર કે કોઈ ઉમાશંકર, કોઈ રામનારાયણ પાઠક કે કોઈ જયંત કોઠારી. વધુમાં વધુ બીજાં પાંચ-દસ નામ ઉમેરી શકાય. બાકીના બધા તે પણ વિવેચક? ના રે, ના. બહુ બહુ તો સમીક્ષક, આલોચક, આસ્વાદક, કે સાહિત્યિક પત્રકાર. આ લખનારનો સમાવેશ પણ તેમનામાં જ થાય. વાઘ અને ‘વાઘતણી માશી’ વચ્ચે જેટલો તફાવત, તેટલો વિવેચક અને આ સૌ વચ્ચે.

કશું સર્જનાત્મક લખવાનું તો હાડમાં જ હશે નહિ એમ લાગે છે. એટલે ભર યુવાનીમાં ય કવિતાની એકાદ પંક્તિ પણ લખી નથી. પણ પુસ્તકો સાથેનો ઘરોબો ઘરમાંથી જ બંધાયો. ઘરમાંનાં પાંચેક હજાર પુસ્તકો (મોટા ભાગનાં ગુજરાતી)માંનાં જેટલાં જાતે વાંચેલાં એના કરતાં સાંભળેલાં વધુ. કારણ રોજ રાતે મોટા ભાઈ – રમણકાંતભાઈ – એકાદ કલાક માટે કોઈ પણ પુસ્તકનું પઠન કરે અને ઘરનાં સૌ આસપાસ બેસી તે સાંભળે એવો રિવાજ. પણ મન જરા અળવીતરું ખરું. એટલે સાંભળતાં સાંભળતાં વિચારે : ‘આમ કેમ થયું? આના કરતાં આમ લખ્યું હોત તો? આ તો લેખક પીંજણ કરવા બેસી ગયા નથી લાગતા?’ જો કે આ બધી મનની વાત મનમાં જ રહે.

આઠ વર્ષની ઉંમરે પહેલી વાર સ્કૂલનું મોઢું જોયું. (એ જમાનામાં બાળક જન્મે તે પહેલાં તેને સ્કૂલમાં ધકેલી દેવાનો ચાલ નહોતો.) મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલ. ભણતર તો ખરું જ, પણ સાહિત્ય, સંગીત, કળા, નાટક, વગેરેના ગણતર પર પણ એટલો જ ભાર. સાહિત્ય અંગે સ્નેહ અને સૂઝ ધરાવતા કેટલાક શિક્ષકો સદ્દભાગ્યે મળ્યા – પિનાકિન ત્રિવેદી, સોમભાઈ પટેલ, મધુભાઈ પટેલ, સુશીલાબહેન વાંકાવાળા. તેથી વાંચવાના શોખને દિશા મળી. સ્કૂલના પાંચ-સાત વિદ્યાર્થીઓએ કવિ સુંદરમની મુલાકાત લીધેલી. તેનો આ લખનારે લખેલો અહેવાલ સ્કૂલના વાર્ષિક ‘ઉષા’માં પ્રગટ થયેલો તે સાહિત્યિક પત્રકાર તરીકેની પહેલી દીક્ષા. 

પણ સાહિત્ય અંગેની સમજણ મળી તે તો મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. મનસુખભાઈ ઝવેરી ગુજરાતી શીખવે અને ઝાલાસાહેબ — ગૌરીપ્રસાદ ઝાલા — સંસ્કૃત શીખવે. બંને ઉત્તમ શિક્ષકો, પણ બંનેની તાસીર સાવ જુદી. બળવન્તરાય ઠાકોર સંપાદિત ‘આપણી કવિતા સમૃદ્ધિ’માંથી મનસુખભાઈ આખા વર્ષમાં ક્લાસમાં માંડ પાંચ-સાત કાવ્યો શીખવે. બે-ત્રણ મહિના એક-એક કાવ્ય પાછળ આપે. પણ પછી એના અજવાળામાં તમે કોઈ પણ કાવ્યને પામી શકો. જ્યારે ઝાલાસાહેબ ભગવદ્ગીતા, મેઘદૂત, કે શાકુન્તલનો શબ્દે શબ્દ ક્લાસમાં વાંચે, વાંચીને ખોલે, અને ખોલે તે એવી રીતે કે વિદ્યાર્થીમાં સાહિત્ય માટેની સમજણ ખીલે. એ કોલેજનો ગુજરાતી વિભાગ દર વર્ષે ‘રશ્મિ’ નામનું વાર્ષિક પ્રગટ કરે. વિદ્યાર્થીઓનાં લખાણો તો હોય જ, પણ તે વખતના ઘણા અગ્રણી લેખકો, કવિઓની કૃતિઓ પણ તેમાં પ્રગટ થતી. મનસુખભાઈ અને ઝાલાસાહેબે ‘રશ્મિ’ માટે લેખ લખવા કહ્યું. ત્યારે સાહેબ, સ્વર્ગ હાથવેંતમાં હોય એમ લાગેલું. કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ (સંવર્ધિત આવૃત્તિ) વિષે લખીને લેખ તો આપી દીધો. પણ જીવ તાળવે ચોંટેલો. ‘રશ્મિ’માં છપાશે કે નહિ? પૂછવાની તો હિંમત જ કેમ ચાલે? અંક બહાર પડ્યો, હાથમાં આવ્યો. ‘પ્રખર સહરાની તરસથી’ અનુક્રમનું પાનું જોયું. અને આપણા રામની ઝંખના ફળી. ગ્રંથ-સમીક્ષાની એ પહેલી દીક્ષા.

૧૯૬૩ના જૂનથી મુંબઈની સોમૈયા કોલેજમાં ગુજરાતી ભણાવવાનું શરૂ કર્યું. ૧૯૬૪ના જાન્યુઆરીમાં ‘ગ્રંથ’ માસિક શરૂ થયું. બીજા ઘણા અધ્યાપકોને મોકલેલાં, તેમ મને પણ એક પુસ્તક (ભૂલતો ન હોઉં તો કોઈ નવલકથા) યશવંતભાઈ દોશીએ અવલોકન માટે મોકલ્યું. અમારો અંગત પરિચય બિલકુલ નહિ. અવલોકન લખીને આપવા માટે પરિચય ટ્રસ્ટની ઓફિસે ગયો ત્યારે પહેલી વાર મળ્યો. ત્યારથી યશવંતભાઈ, ગ્રંથ, અને પરિચય ટ્રસ્ટ સાથે જે મનમેળ થયો તે ૧૯૭૪માં સહાયક સંપાદક તરીકે જોડાતાં વધુ ગાઢ થયો. સમીક્ષા-લેખનની ગલીકૂંચીઓમાં હાથ પકડીને કોઈએ ફેરવ્યો હોય તો તે યશવંતભાઈએ. પુસ્તક કે સાહિત્ય માટેનો પ્રેમ એ તો પહેલી શરત. પણ માત્ર એનાથી કામ ન ચાલે. ઝીણવટ, ચીવટ, શ્રમ, સૂઝ, કંઠીબંધનનો અસ્વીકાર, એ બધું – એક શબ્દમાં કહેવું હોય તો વિવેક – પણ અનિવાર્ય એમ તેમણે સમજાવ્યું. ૧૯૮૬ના જૂનમાં ‘ગ્રંથ’ બંધ કરવામાં આવ્યું ત્યાં સુધીમાં તેને માટે ઘણું લખ્યું, બલકે યશવંતભાઈએ લખાવ્યું.

પણ ગ્રંથસૃષ્ટિની વિશાળતા, વિવિધતા, અને સમૃદ્ધિનો ખરો ખ્યાલ આવ્યો તે તો ૧૯૭૬ના ડિસેમ્બરમાં લાયબ્રેરી ઓફ કોંગ્રેસની દિલ્હી ઓફિસમાં જોડાયા પછી ત્યાં દસ વર્ષ કામ કર્યું ત્યારે. ડિરેક્ટર જિન સ્મિથ એટલે ગ્રંથકીટ. ગુજરાતી સહિતની ભારતની ઘણી બધી ભાષાઓ અને તેમના સાહિત્ય વિષેની જાણકારીનો તેમની પાસે ખજાનો. દેશની એકે ભાષા કે બોલી એવી નહિ હોય કે જેનાં પુસ્તકો, છાપાં, મેગેઝિન એ ઓફિસમાં આવ-જા કરતાં ન હોય. (આવે પુસ્તક વિક્રેતાઓ પાસેથી, અને જાય અમેરિકાની લાયબ્રેરીઓમાં.) બધી ભાષા જાણીએ તો ક્યાંથી, પણ દરેક ભાષાના જાણકારો તે ત્યાં હતા સહકાર્યકરો. એમની સાથેની વાતચીત, ચર્ચા, આપ-લે, રોજ નવા નવા દરવાજા ખોલે. ‘મોરી મોરી રે’ની બહારની પુસ્તકોની દુનિયા જોવા મળી. ત્યાં પુસ્તકોને જે અછોવાનાં કરે એ જોઈને શરૂઆતમાં તો આંખ પહોળી થઈ જતી. વળી રેર અને એન્ટિક્વેરિયન બુક્સના જિન સ્મિથ ભારે જાણકાર અને સંગ્રાહક. દરેક ભાષાનાં એવાં પુસ્તકો ભેગાં કરવાનો ખાસ પ્રોજેક્ટ કરેલો. ઓગણીસમી સદીનાં પુસ્તકો, સામયિકો, લેખકો, વગેરેમાં જે રસ જાગ્યો તેનાં મૂળમાં આ જિન સ્મિથ. અને બીજા તે સહકાર્યકર ડો. અરુણ ટીકેકર – અડધી જિંદગી અને કમાણી રેર બુક્સ પાછળ ખર્ચી નાખનાર. ગ્રંથનિષ્ઠાની દીક્ષા, આમ દિલ્હીમાં મળી. 

આટલાં વર્ષોમાં ધીમે ધીમે જે કાંઈ એકઠું કર્યું હતું તેનો નિયમિત ઉપ-યોગ કરવાની તક મળી તે તો નિવૃત્તિ પછી. ઇ.સ. ૨૦૦૦ના માર્ચથી બાર વર્ષ ‘મુંબઈ સમાચાર’માં દર ગુરુવારે ‘વર્ડનેટ’ પાનાનું લેખન-સંપાદન કરવાનું બન્યું. તત્કાલીન તંત્રી પિન્કીબહેન દલાલની અને મારી પહેલેથી એવી સમજ કે આને બીબાંઢાળ ‘સાહિત્યનું પાનું’ કે ‘અવલોકનનું પાનું’ નથી બનાવવું. વૈવિધ્યનો આગ્રહ. શક્ય હોય તેટલું ટોપિકલ બનાવવું. દરેક લખાણ સચિત્ર હોય જ. ગુજરાત ઉપરાંત દેશ અને દુનિયાનાં ભાષા-સાહિત્યને પણ બને તેટલો સ્પર્શ કરવો. છાપેલા શબ્દ ઉપરાંતનાં શબ્દનાં રૂપોની વાત પણ વણી લેવી. સાહિત્યિક પત્રકારત્વ, ગ્રંથસમીક્ષા અને ગ્રંથનિષ્ઠાના જે પાઠ અગાઉ ભણવા મળેલા તેનો બને તેટલો સદુપયોગ આ બાર વર્ષમાં કરવાનો પ્રયત્ન કર્યો.

લખવાનું શરૂ કર્યું ત્યારે નવલકથા વિષે વધુ લખવા તરફ ઝોક રહ્યો. ઉત્તમથી માંડીને કચરા જેવી ઢગલાબંધ નવલકથાઓ વાંચી, આપણી ભાષાની તેમ જ બીજી ભાષાની પણ. જિંદગીનાં પહેલાં બત્રીસ વર્ષ મુંબઈના ગિરગામ રોડ પરના એક મકાનમાં ગાળેલાં. એ વખતે ગિરગામ એટલે મરાઠી માણૂસ, અને તેનાં ભાષા અને સંસ્કૃિતનો એક ગઢ. એટલે ખબર ન પડે એ રીતે મરાઠી ભાષા આવડતી ગઈ – પહેલાં ગુજરાતી અર્થમાં અને પછી મરાઠી અર્થમાં (મરાઠીમાં ‘આવડતી’ એટલે ‘ગમતી,’ ‘ભાવતી.’). પણ તેનું સાહિત્ય વાંચવાનું બન્યું તે તો સોમૈયા કોલેજમાં મરાઠીના અધ્યાપક અને ઉમદા વિવેચક પ્રા. વસંત દાવતરે ઉશ્કેર્યો તે પછી. પરિણામે મરાઠી નવલકથાઓ વિષે પણ ઠીક ઠીક લખાયું, અલબત્ત, ગુજરાતીમાં. શરૂઆતમાં નવલકથા જેવા લોકગમ્ય પ્રકાર વિષે વધુ લખવાનું થયું તેનો એક લાભ એ થયો કે એ વખતે આધુનિકતાને નામે જે કેટલાક દુરાગ્રહો વહેતા થયા હતા – જેમ કે જે લોકપ્રિય હોય તે સાહિત્યિક ન હોય, અને જે સાહિત્યિક હોય તે લોકપ્રિય ન હોય – તેનો બહુ પાસ લાગ્યો નહિ. વિવેચનના કોઈ વાદ કે વાડામાં બંધાવામાંથી પણ બચી જવાયું. લખતી વખતે કૃતિ, લેખક, તેમનાં સ્થળ-કાળ, વાતાવરણ, લેખકનું જીવન, વગેરે બધાંનો વિચાર ખરો, પણ વાચકનો પણ વિચાર જરૂરી. વાચક વગર કર્તા કે કૃતિના અસ્તિત્વનો અર્થ કેટલો?

પણ પછી ઓગણીસમી સદીનાં લેખકો, પુસ્તકો, સામયિકો, સંસ્થાઓમાં એવો રસ પડ્યો કે બીજું બધું આઘું જતું રહ્યું. આપણા સાહિત્યના ઇતિહાસ કે વિવેચનનાં ઘણાંખરાં પુસ્તકો માટે ઓગણીસમી સદી એટલે દસ-પંદર લેખકો અને તેમની વીસ-પચીસ કૃતિઓ. તેમાં ય નર્મદ-દલપત પહેલાંના લેખકો અને પુસ્તકોની તો કોઈ વાત જ ન કરે. હા, એ બધાંની વાત માત્ર સાહિત્યનાં ત્રાજવે તોળીને ન થાય. એ જમાનાનાં મુદ્રણ, શિક્ષણ, રાજકારણ, સમાજ, બધાંનો સાથેલાગો વિચાર કરવો પડે. આપણે ત્યાં સામયિકોનો અભ્યાસ કરવાના કેટલાક પ્રયત્નો થયા છે, પણ તેમાં બધો ઝોક ‘સાહિત્ય’ તરફ જ. તે એટલે સુધી કે ડાંડિયો, બુદ્ધિપ્રકાશ, ગુજરાતી, પ્રિયંવદા, વસંત કે અરે, પ્રસ્થાનમાં પણ સાહિત્ય સિવાયની જે સામગ્રી આવતી તેનો તો ઉલ્લેખ પણ ન થાય. પરિણામે છાપ એવી પડી કે આ બધાં સામયિકો ‘શુદ્ધ સાહિત્ય’નાં હતાં. આપણા જમાનાના આગ્રહો આગલા જમાના પર લાદવાનું પરિણામ કેવું આવે તે, આવા અભ્યાસોએ બતાવ્યું છે. ઓગણીસમી સદીને સમજવી હોય તો આપણી શરતે ન સમજાય, તેની શરતે સમજવી જોઈએ. પણ આપણે તેમ ન કર્યું એટલે પારસીઓ, પરદેશીઓ, અને પાદરીઓએ આપણાં ભાષા-સાહિત્ય, પત્રકારત્વ, વગેરેમાં જે પાયાનું કામ કર્યું તેની સામે આપણે આંખ આડા કાન કર્યા. તેથી નુકસાન તેમને નહિ, આપણને જ થયું. આ લખનારનાં ઓગણીસમી સદી વિશેનાં લખાણોનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં. હવે પછી બીજાં નહિ થાય એવી ખાતરી નથી. આજે હવે થાય છે કે પહેલેથી આ ઓગણીસમી સદીની દિશા સૂઝી હોત તો કેવું સારું થાત? વિવેચક નહિ તો સંશોધકમાં તો ગણતરી થાત!

સારે નસીબે પહેલેથી એવી વ્યક્તિઓ સાથે કામ કરવાનું થયું કે જેના મનમાં વાચકનું મહત્ત્વ વસેલું હોય. લખીએ છીએ તે આપણી જાત ખાતર નહિ, કોઈક વાંચશે એવા આશયથી, એવી આશાથી. વિવેચકો કે અધ્યાપકો કે અભ્યાસીઓ કરતાં પણ ગુમનામ વાચકો કેટલા વધુ સજાગ હોય છે તેનો એક અનુભવ તો ક્યારે ય નહિ ભૂલાય. ઝવેરીલાલ યાજ્ઞિક અને દલપતરામ ખખ્ખરના ૧૮૬૭માં પ્રગટ થયેલા ‘શાકુન્તલ’ના અનુવાદો વિષે ‘વર્ડનેટ’માં લખતાં સાથે આમ પણ લખેલું: “કાલિદાસનો પહેલવહેલો ગુજરાતી અનુવાદ કરનાર હતા રણછોડભાઈ ઉદયરામ. તેમણે કરેલો ‘માલવિકાગ્નિમિત્ર’નો અનુવાદ ૧૮૪૦માં પ્રગટ થયો હોવાનું ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી લાયબ્રેરી સૂચિ’માં નોંધાયું છે.” હકીકતમાં આ ઉપરાંત અચ્યુત યાજ્ઞિક અને કિરીટ ભાવસાર સંપાદિત ‘ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ’માં પણ આ જ સાલ આપી છે. અરે, સુન્દરમે પણ ‘શકવર્તી’ ગણાયેલ ગ્રંથ ‘અર્વાચીન કવિતા’માં ૧૮૪૦ની સાલ જ આપી છે. ‘વર્ડનેટ’માં લખાણ પ્રગટ થયું તે દિવસે એક વાચકનો ફોન આવ્યો. લાગલું જ પૂછ્યું: “રણછોડભાઈ ઉદયરામનો જન્મ કઈ સાલમાં?’ સંદર્ભનું હાથવગું પુસ્તક જોઈ જવાબ આપ્યો: ૧૮૩૭માં.’ પેલા વાચકે જનોઈવઢ ઘા કરતાં કહ્યું: ‘તો શું ત્રણ વર્ષની ઉંમરે રણછોડભાઈએ ‘માલવિકાગ્નિમિત્ર’નો અનુવાદ કરેલો?’ અમે તો કઈ વાડીના મૂળા, પણ સુન્દરમ્ જેવા સુંદરમને જે સીધી સાદી વાત ન સૂઝી તે અખબારના એક વાચકને સૂઝી!  હા, પહેલી વાત એ કે લખાણ વાંચવામાં સરળ હોવું જોઈએ. એમાં આપણા શોખ ખાતરના શૈલીવેડા ન ચાલે. વાત સહેલી રીતે કહેતાં ન આવડે તો ન કહેવી, પણ જાણી જોઈને ગૂંચવીને તો ન જ કહેવી. પરિભાષાનો પ્રયોગ ન છૂટકે જ કરવો. તદ્ભવ શબ્દથી કામ ચાલતું હોય ત્યાં સુધી તત્સમ શબ્દ ન વાપરવો. અંગ્રેજી શબ્દોની સૂગ ન જ રાખવી. (આવું બધું કરવાનો વૈભવ દોઢ સો–બસો નકલોનો માતબર ફેલાવો ધરાવતાં સામયિકોમાં લખનારાને પોસાય, આપણને નહિ.) અગિયાર વર્ષ કોલેજમાં ભણાવ્યું તો ખરું, પણ જે કાંઈ લખાય તે ‘અધ્યાપકીય’ ન બની જાય એનું ધ્યાન ત્યારે ય રાખેલું, આજની જેમ. આટલાં વર્ષના મહાવરાએ એક વાત બરાબર શીખવી છે : અઘરું લખવું સહેલું છે, સહેલું લખવું સહેલું નથી.

પણ આપણે ત્યાં વિવેચનને નામે જે કાંઈ લખાય-છપાય છે તેના ઘણા લખનારાઓ સહેલો રસ્તો લઈ અઘરું લખે છે. એટલે એ ખરેખર વાંચે છે કોણ એ સવાલ છે. આપણા સાહિત્યના વિદ્યાર્થીઓએ – અને મોટા ભાગના શિક્ષકો, અધ્યાપકોએ પણ – તો વાંચવાનું જ છોડી દીધું છે. લેખકો વાંચે, પણ તે તો જેમાં તેમનાં વખાણ થયાં હોય તેવાં જ લખાણો વાંચે. જેમને વાંચવું છે તેવા ગુમનામ વાચકને સમજાય જ નહિ તો એ વાંચે કઈ રીતે? યુ.જી.સી. કે યુનિવર્સિટીના નિયમોની જબરદસ્તી છે, પાપી પેટનો સવાલ છે, એટલે ‘અભ્યાસ’ અને ‘સંશોધન’ના લેખો ઢગલાબંધ લખાતા રહે છે, દયાભાવે સામયિકોમાં છપાતા રહે છે. (એક આડ વાત : છેલ્લાં થોડાં વર્ષોમાં આપણાં ઘણાં સામયિકોએ આઈ.એસ.એસ.એન. નંબર મેળવી લીધા છે, કેમ કે સરકારી બાબુઓએ નક્કી કર્યું કે આ નંબરવાળા સામયિકમાં છપાયા હોય તેવા લેખોને જ ચડતી-પડતીની ગણતરીમાં લેવા. બચાડા બાબુઓને કોણ સમજાવે કે આ નંબર એ સામયિકની ઊંચી ગુણવત્તાનું પ્રમાણપત્ર નથી જ નથી. એ તો એક સગવડિયો નંબર છે.) પુસ્તકો છાપવા માટે અનુદાનો આપનારા મળી રહે છે, જેમાં માત્ર કોરાં પાનાં જ બાંધ્યાં હોય એવાં ‘પુસ્તક’ની પણ બસો-પાંચસો નકલો સરકારશ્રીના ગળામાં પહેરાવી દઈ શકે એવા કુશળ પ્રકાશકો પણ છે, એટલે એવા લેખો ભેગા કરી ‘વિવેચન’નાં પુસ્તકો પણ દર વર્ષે ઢગલાબંધ છપાતાં રહે છે. અને પુસ્તકોને તથા લેખકોને ઇનામ, પુરસ્કાર, ચંદ્રક, સન્માન આપનારા હોંશીલાઓની પણ ખોટ નથી, એટલે છાતીએ આવા બે-ચાર બિલ્લા લટકતા હોય તો પછી વિવેચનનું વિવેચન કરનારાની તો ઐસી તૈસી. વખાણ વાંચીને લેખક ખુશ છે, લખાણ છાપીને સંપાદક ખુશ છે, પુસ્તક છાપીને પ્રકાશક ખુશ છે. વાચક? એ તો શી વિસાતમાં? એની ખુશી-નાખુશીનો તે વળી વિચાર કરવાનો હોય? અને એ પણ વિવેચકે? પણ ભઇલા, તમે પોતે જ શરૂઆતમાં પેટછૂટી વાત કરી કે ‘હું વિવેચક નથી’ એટલે ‘વિવેચક’ને સમજાય તે વાત તમને નહિ સમજાય. એ વાત તે આ: જો અને જે વંચાય તો અને તે વિવેચન નહિ. વંચાય અને સમજાય પણ, તે તો વિવેચન નહિ જ નહિ. અને આવા વિવેચનથી આપણાં આજનાં ભાષા-સાહિત્ય સમૃદ્ધ છે, પછી ચિંતા શાની? આજની ચિંતા છોડ ચિંતામણી, અને લાગી જા ઓગણીસમી સદીના કોઈ અજાણ્યા પુસ્તક, સામયિક, સંસ્થા, કે લેખક વિષે લખવા. આજે નહિ તો બાવીસમી સદીમાં તેના પર ‘મહાનિબંધ’ લખી કોઈ માંદો અધ્યાપક ‘ડોકટર’ બની જશે. એક સમીક્ષક કે સાહિત્યિક પત્રકાર આનાથી વધુ ભલું બીજા કોઈનું શું કરી શકે?

(જડ)ભરત વાક્ય : परिहास विजल्पितम् सखे परमार्थेन न गृह्यताम् वचः|

***

પુસ્તકો:

૧. નવલકથા: કસબ અને કલા (૧૯૭૬) ૨. કથાવલોકન (૧૯૭૮) ૩. રમણલાલ વ. દેસાઈ (ગુજરાતી ગ્રંથકાર શ્રેણીમાં, ૧૯૮૦) ૪. કથાસંદર્ભ (વંદના મહેતા સાથે, ૧૯૮૫) ૫. કથાપ્રસંગ (૧૯૯૦) ૬. આપણા કેટલાક સાહિત્યસર્જકો (૨૦૦૩) ૭. દીપે અરુણું પરભાત (૨૦૦૫) ૮. ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ (૨૦૧૦) ૯. વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓ (૨૦૧૨) ૧૦. ઓગણીસમી સદીના ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકાર (૨૦૧૪)

સંપાદનો:

૧૧. મુનશીનો વૈભવ (૨૦૦૦) ૧૨. ગુલાબદાસ બ્રોકરની શબ્દસૃષ્ટિ (૨૦૦૯) ૧૩. નર્મદની શબ્દસૃષ્ટિ (૨૦૧૦) ૧૪. શ્રીધરાણીની શબ્દસૃષ્ટિ (૨૦૧૨)

પરિચય પુસ્તિકા

કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, ગુલાબદાસ બ્રોકર, ચંદ્રવદન મહેતા, મનસુખલાલ ઝવેરી, મુનશીની નવલત્રયી, પાંચ દાયકાનો સાહિત્યિક વિકાસ, શામળની કવિતા, જગતની શ્રેષ્ઠ નવલકથાઓ, પ્રથમ અખબાર: મુંબઈ સમાચાર, વગેરે.

(૨૧૨૬ શબ્દો)  

e.mail : deepakbmehta@gmail.com

Loading

1938 Kenyan Cricket Selection Committee

Indra Trivedi|Opinion - Photo Stories|6 November 2014

Harshad Topiwala has graciously sent me this memorable photograph from his file for me to add on to my collection and, I thought I should share it with you.

 

I knew or have heard of many of the individuals pictured in this historical (if I may call it so) photograph.

 

Some of you may remember Harshad's father H.T. Topiwala who had his dispensary adjoining that of Dr. K.V. Adalja on Reata Road in Nairobi. Both of these doctors lived directly across our house on Blenhiem Road and were like family to us. In this picture, Dr Topiwala is as always immaculately dressed. He loved the game of cricket next only to his love of his profession.

 

Also pictured here is G.N. Shah who I recall was a life member of S.V.I.G. Sports Club and was in the insurance business.

 

As to F.M. Patel pictured here, I cannot tell whether he is the same person by that name whom I knew who was the Registrar of the High Court in Nairobi as I do not know what he looked like during his younger days.

 

Harban's Singh of course was a well known cricketer. He captioned the Asian side of the team against Europeans many times. He was the Manager of the Barclay's Bank on Government Road.

 

Also interesting to see here is the presence of two very prominent Parsis. Lawyer E.P. Nawrojee and Dr. Sorabjee.

 

The name "Mankad" intrigues me. I do not know whether this is famous Vinoo Mankad of India. It is possible because (a) of the hair style, height and built and (b) I recall my father mentioning that Mankad had come to Nairobi and stayed with us as guest in our house. Like my father, Mankad was from Jamnagar, India and Vinoo Mankad had a  relative Lawyer Dinker N. Anjaria in Dar-es-Salam through whom Mankad was recommended to put up with us. It is possible at this time 1938 Mankad was invited by the  Asiatic  Committee to play as guest though I am not certain.

 

Karam Chand's name will perhaps go down in Kenya Cricket history as one of the most outstanding players of all time from what I have heard.

 

I trust this photo from Harshad to me will generate more information on the history of development of the cricket scene in Kenya and some of the individuals pictured here.Your feed back- if any- will be much appreciated.

 

— Indra Trivedi

Mississauga Ontario, CANADA

courtesy : 'Africana Orientalia'

Loading

Business As Usual

E.P Unny|Opinion - Cartoon|6 November 2014

courtesy : "The Indian Express", 06 November 2014

Loading

...102030...3,8503,8513,8523,853...3,8603,8703,880...

Search by

Opinion

  • યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
  • સમસ્યા : અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની
  • સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !
  • તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?
  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved