Opinion Magazine
Number of visits: 9771037
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જન્મદિને / હે નિત્યનૂતન,


રવીન્દ્રનાથ ઠાકુર : અંગ્રેજી પરથી અનુવાદ : જયંત મેઘાણી|Poetry|9 May 2015

જન્મદિને
રવીન્દ્રનાથ ઠાકુર; અનુવાદ : જયંત

આજે જન્મદિને ખોવાયો છું ચિત્તભીતર,
મનુજભાંડરું તણાં પ્રીતિ-સ્પર્શ ને આશિષ
આયુષ્ય-આરે આવી વાંછું,
ઝોળી મહીં હતી સંપત સર્વ અર્પી સંગીજનોને,
મનુષ્યલોક તણાં સ્નેહ ને ક્ષમાની ગઠરી ભરી લઇ
જીવનયાત્રાની છેલ્લી નૌકા વિશે
વાણીશૂન્ય અંતિમ ઉત્સવ પ્રતિ પ્રયાણ મારું.

°

આમાર એ જન્મદિન-માઝે આમિ હારા

રવીન્દ્રનાથ ઠાકુર

આમાર એ જન્મદિન-માઝે આમિ હારા
આમિ ચાહિ બન્ધુજન યારા તાહાદેર હાતેર પરસે
મર્ત્યેર અંતિમ પ્રીતિરસે
નિયે યાબ જીવનેર ચરમ પ્રસાદ,
નિયે યાબ માનુષેર શેષ આશીર્વાદ.
શૂન્ય ઝુલિ આજિકે આમાર; દિયેછિ ઉજાડ કરિ યાહા કિછુ અછિલ દિબાર, પ્રતિદાને યદિ કિછુ પાઇ – કિછુ સ્નેહ, કિછુ ક્ષમા –
તબે તાહા સંગે નિયે યાઇ પારેર ખેયાય યાબો યબે ભાષાહીન શેષેર ઉત્સવે.

[એંશીમા અને અંતિમ જન્મદિન નિમિત્તે રચાયેલું, 1941. ‘એકોત્તરશતી’, પા. 359]

•

હે નિત્યનૂતન


રવીન્દ્રનાથ ઠાકુર : અંગ્રેજી પરથી અનુવાદ : જયંત મેઘાણી

હે નિત્યનૂતન,
મમ જન્મ તણી ક્ષણ મંગલ ફરી લાવો, ફરી ફરી લાવો!
ધુમ્મસ-ભેદંતા રવિતેજ બની તમે આવો!
આ રિક્ત સૃષ્ટિને વીંધી નવ નવ રૂપે પ્રગટો,
ને જીવનકુંજે મુદિત મંગલ ગાઓ!
નિજમાં સંચિત વિશ્વ તણાં વિસ્મય સઘળાં ખોલો,
પ્રાચી-દ્વારે શંખઘોષ ગજાવો! પચીસમે વૈશાખ-પ્રભાતે1,
હે નિત્યનવલ,
આ જીવનખોળે નવલા જનમ તમે અવતારો!

(બંગાળી સંવત મુજબ વૈશાખની 25મી તિથિએ કવિવરની વરસગાંઠ.)

[એંશીમા અને અંતિમ જન્મદિન નિમિત્તે વિદ્યાર્થીઓના આગ્રહથી રચેલું કાવ્ય, 1941]

°
હે નૂતન

હે નૂતન,

દેખા દિક આર-બાર જન્મેર પ્રથમ શુભક્ષણ. 

તોમાર પ્રકાશ હોક કુહેલિકા કરિ ઉદ્ઘાટન

સૂર્યેર મતન.

રિક્તતાર વક્ષ ભેદિ આપનારે કરો ઉન્મોચન.

વ્યક્ત હોક તોમા-માઝે અસીમેર ચિરવિસ્મય

ઉદયદિગન્તે શંખ બાજે, મોર ચિત્ત-માઝે

ચિરનૂતનેર દિલ ડાક

પંચિશે વૈશાખ.                             

[‘ગીતપંચશતી’, પા. 355]

e.mail : jayantmeghani@gmail.com

Loading

જો ભણેલા હશો તો અમેરિકામાં સુખી થશો. અને નહીં હો તો પૈસાવાળા થશો.

હરનિશ જાની|Opinion - Opinion|9 May 2015

હું મજાકમાં, કાયમ કહું છું કે "તમે જો ભણેલા હશો તો અમેરિકામાં સુખી થશો. અને નહીં હો તો પૈસાવાળા થશો." વાત સાવ સીધી છે. તમે એન્જીિનયર હો કે ડોક્ટર હો, અમેરિકામાં નોકરી તો મળી રહે. આજે નહીં તો કાલે. અને તમારી પાસે કોઈ પણ જાતની ડિગ્રી બિગ્રી ના હોય, તો તમારા માટે અમેરિકામાં કમાવાના ઢગલાબંધ રસ્તા છે. જાત જાતના ધંધા કરી શકાય. સ્કાય ઈઝ ધ લિમીટ. તમે માનશો, એક ગુજરાતી બંદો વર્લ્ડ ટ્રેડ સેન્ટરના લોખંડનો ભંગાર ખરીદીને ભારતમાં અને ચીનમાં વેચે છે. નોકરીમાં તો રોજ એકના એક લોકો જોડે તમારે વ્યવહાર કરવાનો હોય. એટલે તેમના સ્વભાવથી ટેવાઈ જવાય. હવે ધંધો કરવાનો હોય એટલે તમારે નવા નવા  અમેરિકન  જોડે સંપર્કમાં આવવું પડે. અને આ લોકોમાં જાત જાતના સ્વભાવવાળા  હોય. એમાં જ જોખમ વધારે હોઈ શકે. નવા આવનારા દરેક ઇમિગ્રંટસે ભય સ્થાનો સમજવા પડે. રાતની નોકરીઓથી દૂર રહેવું જોઈએ. ધંધામાં બે વસ્તુ છે. તમે પોતાનો ધંધો કરો છો કે કોઈ ધંધાવાળાને ત્યાં નોકરી કરો છો. હવે તેવા ધંધામાં. લિકર સ્ટોર, સેવન–ઈલેવન સ્ટોર (ફૂડ–મિલ્કનો સ્ટોર જે આખી રાત ખુલ્લા રહે છે.) પેટ્રોલ પંપ. જે મોડી રાત સુધી ખુલ્લા હોય. અને મોટેલો પણ ૨૪ કલાક ખુલ્લી રહે.

થોડા વખત ઉપર એક ગુજરાતી યુવાનનું ન્યૂ જર્સીના એક લિકર સ્ટોરમાં ખૂન થયું. તે કૅસ રજિસ્ટર પર બેસતો હતો. આ બનાવ પર કોમેન્ટ કરવી છે. આ બનાવ પહેલો નથી અને છેલ્લો પણ નહીં હોય. ત્યાર પછી અમેરિકામાં બીજા સો ખૂન થઈ ગયા હશે. આ તો અમેરિકાનું કલ્ચર છે. સ્વભાવ છે. પત્નીને પતિ પર ગુસ્સો થાય તો ય ગોળી મારી દે છે. (ફરીથી વાંચો, પત્ની પતિને પતાવી દે.)

આ દેશનો પાયો જ ખૂનામરકીનો છે. યુરોપની ગોરી પ્રજા આ નવા પ્રદેશમાં આવી તો પહેલું કામ એ કર્યું કે અહીંના મૂળ રહેવાસીઓનું – રેડ ઇન્ડિયનોને જડમૂળથી નિકંદન કાઢવાનું. અને ત્યાર પછી અઢારમી સદીમાં અને ઓગણીસમી સદીમાં બંદૂક એ કાયદાનું પ્રતિક થઈ ગયું. જેની લાઠી તેની ભેંસ. કોઈ પણ ઝગડાનો નિવેડો પળવારમાં બંધૂકથી લાવી દેવાતો. આજની મિનિટે ૪૭ ટકા લોકો પાસે ગન છે. કોને ખબર આપણા ઇન્ડિયનો પાસે પણ હોઈ શકે. આ નવપરણિત ગુજરાતી યુવાન, આ લિકર સ્ટોર કે જ્યાં વ્હિસ્કી, વાઈન, રમ, બિયર મળે, તે સ્ટોરમાં કામ કરતો હતો. અમેરિકામાં લિકરનો ધંધો એટલે કૅસનો ધંધો. ક્રેડિટ કાર્ડ કે ચેક ન ચાલે. ત્યાં ફક્ત કૅસ આપો તો જ દારુની બોટલ મળે એટલે આવા સ્ટોરને લૂંટતા ફાવે. ખાસ કરીને ડ્રગ્ઝની લતવાળા લોકોની નજર આવા સ્ટોર પર પહેલી પડે. તેમાં આવી લૂંટફાટમાં કાળા લોકોનું પ્રમાણ વધારે હોય છે. અને સૌથી વધારે એ લોકો જ ઘરાક બનતા હોય છે. અમારે ત્યાં સામાન્ય રીતે કહેવાય કે લિકર સ્ટોર એટલે ગોલ્ડ માઈન. સાંજ પડે ઘેર કૅસ લઈને જવાનું. એટલે કેટલા ય સ્ટોર-કીપર સ્ટોર બંધ કરતી વખતે લૂંટાય છે. અમેરિકનો વિવેકી તો એટલા કે રવિવારે હોલી ડે (પવિત્ર દિવસ ) ગણાય એટલે તે દિવસે લિકર ન વેચે. ઈલેક્સન ડે પર લિકર ન વેચાય. નહીં તો કોઈ ખોટાને વોટ આપી દેવાય. જો કે એ કામ હવે પીધા વિના થાય છે. મારા ત્રણ ખાસ મિત્રોના લિકર સ્ટોર્સ હતા. તે ત્રણે જૈન છે. પોતે ના પીએ પણ પોતાને પૈસા મળતા હોય તો બીજાને પીતા ન રોકે એ વાણિયો. ત્રણે સ્માર્ટ છે. હવે તે વેચી દીધા છે. અને ઢગલો પૈસા ભેગા કર્યા છે. તે પોતે સ્ટોરમાં નહોતા બેસતા. તેઓ લિકર સ્ટોર્સના પ્રોબ્લેમ્સ જાણતા હતા. સ્ટોર ચલાવવા બીજા માણસો રાખ્યા હતા.

હવે વાત એમ છે કે જો માણસ રાખે તો માણસો વેચાણના પૈસા રજિસ્ટરમાં મૂકે એવું કાંઈ નહીં. એટલે એ લોકો બોટલ વેચીને પૈસા ગજવામાં મૂકે. પરંતુ પાછલા વરસોમાં કમ્પ્યુટરનો ઉપયોગ વધ્યો, સાથે સાથે ઈન્વેન્ટરી પર બરાબર કાબૂ રહેવા લાગ્યો. આ માણસો ત્યાં તમારો સ્ટોર ચલાવે એટલે એ બિચારા જોખમમાં. એ રોકડ રકમ પર બેસે. અને એને લૂંટવા આવનારા પાસે ગન હોય કે મોટો ચાકુ હોય અને બે ત્રણ જણ પણ હોઈ શકે.

આ વાત કરવાનો અર્થ એ નહીં કે અહીં દરેક લિકર સ્ટોરમાં લૂંટફાટ જ ચાલતી હોય છે. એનો અર્થ એટલો જ કે આ લિકર સ્ટોર લૂંટાવાની શક્યતા વધારે. તેમાં પણ મોડી રાત સુધી સ્ટોર ખુલ્લો હોય તો તે પહેલો લૂંટાય. હવે કોઈ લોભીઓ ઇન્ડિયન માલિક હોય તો તે જાતે ન ઊભો રહે પણ બીજા કોઈ નવા આવેલા ઇમિગ્રંટને ઓછા પૈસે નોકરી આપી અને વધારે સમય સ્ટોર ખુલ્લો રાખી, પેલા પાસે વધુ કામ કરાવે. (દેવયાની ખોબ્રાગડે અને એની મેઈડનો દાખલો તો યાદ હશે જ.)

પેલા બિચારાને આ જોખમની જાણ તો હોય જ, છતાં ન છૂટકે એ નોકરી કરે; રાતની નોકરી પણ. લૂંટફાટમાં પેલો નવો ઇમિગ્રંટ મરે. સામાન્ય રીતે આ લિકરવાળા આવી પ્રેકટિસ કરતા હોય છે. પેલા બિચારા નવા આવનાર પૈસા માટે કોઈ પણ નોકરી લેવા તૈયાર હોય છે. એમને નોકરી દેખાય છે. પણ એ નોકરીનું મોટું જોખમ નથી દેખાતું.

અને અમેરિકાનું બીજું કલ્ચર છે આલ્કોહોલનું. અમેરિકામાં અમેરિકનો કોઈ પણ જાતની ઉજવણી આલ્કોહોલથી કરે છે. ન્યૂ યર, કે કોઈ પણ જાતની એનિવર્સરી, બર્થ ડે, વેડિંગમાં તો કેટલી ય બોટલો જોઈએ. અને ન્યૂ યરમાં તો વેચાણમાં આખા વરસનું કમાઈ લેવાય.

આવો બીજો ધંધો છે મોટેલનો. જે પટેલભાઈઓ ભણેલા હતા તેમણે મોટી મોટી નોકરીઓ લઈ લીધી અને સગાં સંબંધીઓ આવ્યાં તેમને મોટેલોમાં ગોઠવી દીધાં. હવે આ મોટેલોનો બિઝનેસ પટેલોએ ખૂબ જ ટ્રીકથી લેવા માંડ્યો. આ ઓપન સિક્રેટ હતું. આ મહેનતુ અને સંપીલી કોમે એકમેકને મદદ કરીને લાભ લેવા માંડ્યો. મોટેલની રૂમો જાતે સાફ કરે અને ચાદરો જાતે ધૂએ અને પૈસા બચાવે. એમને ખબર પડી ગઈ કે આ મોટેલમાં તો લોકો એકાદ રાત માટે ટૂંક સમય માટે જ આવતા હોય છે. એટલે એનો પણ લાભ લેવા માંડ્યો. કોઈક વાર એકનો એક રૂમ એક રાતમાં બે વાર પણ ભાડે આપી દે. આજે અમેરિકાની મોટા ભાગની મોટેલોના માલિકો મીલિયોનર પટેલભાઈઓ જ છે. હા, અહીં પણ લૂંટફાટના બનાવો બને છે. એટલે મોટા ભાગના પટેલ બિઝનેસમેન હવે ફાઈવ સ્ટાર હોટલો જ ખરીદીને ચલાવે છે. અમે, બામણભાઈએ – મેં અને મારા ભાઈએ સ્ટેશનરી અને વેરાયટી (કપડાં લત્તા, મેગેઝિનો ગ્રિટીંગ્સ કાર્ડસ) સ્ટોર ખરીદ્યો. પણ મૂળ બામણભાઈ એટલે સ્ટોર પાંચ વાગે બંધ કરી દેતા હતા. અમે એ ભૂલી ગયા કે અમે બેંક નથી. બેંકના ટાઈમે બેંકો જ બિઝનેસ કરે. વેરાયટી સ્ટોર નહીં. કહેવાની જરૂર ખરી કે એ સ્ટોરનું શું થયું?

પેટ્રોલ પંપવાળા તો બિચારા બે રીતે રિબાય. એક તો પૈસા ઓછા મળે. એમને લૂંટવાવાળા તો પોતાની કારમાં બેઠાં બેઠાં લૂંટે. અને બીજું વેધરથી પણ રિબાય. વરસાદ પડતો હોય. ઝીરો ડિગ્રી ટેમ્પરેચર પણ હોઈ શકે કે ૪૦ ડિગ્રી સેટી. પણ હોઈ શકે. અમારા ન્યૂ જર્સીમાં સૌથી વધારે પેટ્રોલ પંપ સરદારજીના છે.

હું તો જ્યારે જ્યારે પેટ્રોલ લેવા જઉં તો, કાર ઊભી રાખી "સત્ શ્રી અકાલ"નો ઘોષનાદ કરું. આ સરદારો જ આવી ઠંડી કે ગરમીમાં બહાર ઊભેલા મળે. અમેરિકામાં મેં એ જોયું છે કે જે નવી ઇમિગ્રંટ પ્રજાને મેઈન સ્ટ્રીમમાં જલદી સ્થાન નથી મળતું, તે આગળ આવે છે. એમને જલદી નોકરીઓ ન મળે એટલે જીવન નભાવવા ધંધો કરવો પડે. અને યોગ્ય રીતે ધંધો કરનારને હમેશાં લક્ષ્મી અને કીર્તિ વરે છે.

તમે ધ્યાનથી જોશો તો જગતમાં જ્યુઈશ લોકો ધંધામાં રોકાયલા હોય છે. તેમાં પણ કહેવાય છે કે અમેરિકા તો તેમણે કબજે કરી લીધું છે. અને તેમના બાળકો ડોક્ટર અને સાયન્ટીસ્ટ બને છે. અને હા. મોટા ભાગના બેંકિંગમાં છે. અને  બ્રોકરેજ કંપનીઓ એમના બાપની નહીં પણ એમના છોકરાઓની હોય છે. ૧૮૬૫ના સિવીલ વોર પછી યુરોપમાંથી જ્યુઈશ લોકો અમેરિકામાં આવવા માંડ્યા. તેઓ અમેરિકન પ્રજાને નહોતા ગમતા. અને તેમને માટે નોકરીના ચાન્સીસ ઓછા હતા. તેથી ધંધામાં પડ્યા અને જોત જોતામાં અહીંનું અર્થતંત્ર હાથમાં લઈ લીધું. આપણાં લોકોના સ્વભાવ જ્યુઈશ જેવા બની શકે. પરંતુ  આપણી ભાષા જુદી છે. અને શરીરનો રંગ જુદો છે. 

આ લૂંટ અને ખૂનની વાતો સાંભળી ચિંતા કરવા જેવું નથી. અમેરિકામાં સામાન્ય જન જીવન ચાલુ જ રહે છે. બાકી મૃત્યુનો ડર રાખીને લોકો જીવતા હોત તો બેડમાં કોઈ સૂએ જ ના ને!  

‘સ્કાય ઈઝ ધ લિમીટ – અમેરિકા’નામક લેખકની કોલમ, “ગુજરાતમિત્ર”.

e.mail   harnishjani5@gmail.com

Loading

‘અચ્છે દિન’ : સુટબુટ, સૂઝબૂઝ અને અરુણ શૌરિ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|9 May 2015

વરસ વીતવામાં છે ત્યારે બીજું શું કહેવું, સિવાય કે આંબે આવશે મહોર ને વાત કરીશું પહોર …

વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી આનંદીબહેન પોતપોતાનાં કાર્યકાળના પ્રથમ વર્ષ પૂરું થવાના ઉંબરદિવસોમાં આવતે અઠવાડિયે ચીનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યાં છે ત્યારે કમબખ્ત ‘વધામણી’ પણ કેવી મળે છે! વણઝારા બીજા લેટરબોમ્બ કે પત્રપ્રસ્ફોટ સાથે પડમાં હાજરાહજૂર છે અને કહે છે કે તમે (ગુજરાત સરકારે) આઈ.પી.એસ. જોહરીને એટલા વાસ્તે બઢતી આપી છે કે અમિત શાહ અને પી.સી. પાંડેને બચાવી શકો. વણઝારા અલબત્ત મોદી મહિમા મંડનને મોરચે ક્યારેક દંતકથાના તો ક્યારેક લોકગીતના નાયક રહ્યા છે. એમણે તે સારુ શો ઉજમ કીધો હશે તે જાણવાનું ગજું આ રાંક બાપડું નાગરિકડું ક્યાંથી લાવી શકવાનું હતું? માત્ર, તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે એમણે ‘ભગવાન ભગવાન ન રહા’ની તરજ ઉપર તેમ જ ગુરુ પણ ઝડપાયાની આક્રોશભરી વેદના સાથે પહેલો પત્રપ્રસ્ફોટ કર્યો હતો તે આપણે જરૂર જાણીએ છીએ.

રક્તરંજિત વિજયગાથા હવે અશ્રુસિક્ત બનવા લાગી છે, અને આ આંસુ તીખાં પણ છે. ભ્રમનિરસનની શક્યતાના એક દોરમાં તેઓ પસાર થઈ રહ્યા હોય એમ બને. બેશક, એ કોઈ ખાતરી નથી કે વીરનાયકવશ ગુજરાતને માટે એથી ભ્રમનિરસન અનિવાર્યપણે થશે જ. એક કાળે ગુજકોક, ગુજકોક એવું ડમરુ ત્રિકાળસંધ્યા પેઠે ધૂણતું હતું. હવે ગુજસીટોક નામે એક નવ્ય અવતારે દેખા દીધી છે. જો કે, વિધિવૈચિત્ર્ય એ છે કે પૂર્વે યુ.પી.એ. સરકાર ગુજરાતની ભા.જ.પ. સરકારના આ પ્રકારના કાયદાને તપાસલાયક માનતી હતી એવા જ હાલ કદાચ એન.ડી.એ. સરકાર હસ્તક પણ છે … આ કડક કાયદા કોવિદોની સૂઝબૂઝ વિશે તો શું કહેવું! અક્ષરધામ કેસમાં પરબારા પકડી પાડેલા લોકો અગિયાર અગિયાર વરસના કારાવાસ પછી ‘નિર્દોષ’ પુરવાર થઈને છૂટી શકે છે. અલબત્ત, કુદરત કને પણ કવિન્યાય સરખી સૂઝબૂઝ છે એ તો કહેવું જ પડે: નમોની શપથઘટના અને આ મુક્તિઘટના બેઉ સાથોસાથ બનેલી બીના છે.

અહીં કોઈ આ કલીમઘસીટુને રોકી શકે, ટોકી પણ શકે કે તમે જૂની ગતમાં જ ક્યાં સુધી ચાલશો. હશે ભાઈ, જૂનીનો છેડો પકડીને થોડી નવી વાત કરીએ. વીર વણઝારા જ્યારે જામીન પર છૂટ્યા ત્યારે પ્રાયોજિત ટોળું ખાસું જમા થયું હતું, અને ‘અચ્છે દિન આ ગયે’ની રણહાક સાથે એમણે એન્ટ્રી મારી હતી. ત્યારની ધડબડાટીથી ઈડિયટ બોક્સનો નાનો પડદો બચાડો ફાટુંફાટું હતો. ‘અચ્છે દિન’ની મોદી શૈલી અને વણઝારા શૈલી વચ્ચેનું સામ્ય અગર તો તત્રલુપ્તા સરસ્વતીનું રહસ્ય, ફરીથી કહું, રાંક બચાડું નાગરિકડું તો ક્યાંથી જાણી શકે. પણ આવું આવું ‘અચ્છે દિન’ની અસલિયત વર્ષાન્તની અણીએ શું છે એનો અચ્છો ઊહાપોહ આ દિવસોમાં ખુદ નમો ભા.જ.પ. છાવણીમાંથી જ ઊઠ્યો છે, અને તે પણ એ ત્રિમૂર્તિ મારફતે ઊઠ્યો છે જેણે ભા.જ.પ.ની સત્તાવાર જાહેરાતના ઠીક ઠીક સમય અગાઉથી વડાપ્રધાનપદે મોદી-પક્ષે પણની ખુલ્લંખુલ્લા હિમાયત બેબાકપણે કરવા માંડી હતી.

અરુણ શૌરિ, રામ જેઠમલાની અને સુબ્રમણ્યમ સ્વામીની આ ત્રિમૂર્તિ વિશે, બને કે, કોઈ કમારપટા તળેની ટીકા પણ કરે કે આ સાહેબોને દ્રાક્ષ ખાટી લાગે છે. જેઠમલાની અને સ્વામીનો ટ્રેક રેકોર્ડ સંમિશ્ર તરેહનો છે એમ કહેવામાં વાસ્તવકથન માત્ર છે. પણ શૌરિ જ્યારે ટીકાવચનો ઉચ્ચારે છે ત્યારે એને કેવળ ‘દ્રાક્ષામ્લ ન્યાય’ની રીતે ખતવી શકાય એમ સ્વાભાવિક જ નથી. ભલે, ‘વન્સ અપોન અ ટાઈમ’ જેવી એમની સૂરતમૂરત તાજેતરનાં વરસોમાં રહી હોય, શૌરિની બૌદ્ધિક પ્રતિભા અને જેહાદી પત્રકારિતાની એક પૃષ્ઠભૂ ચોક્કસ જ છે. એમને કશું એડ્વાઈઝરું અગર એવુંતેવું ન અપાયું. એથી એ યદ્ધાતદ્ધા બોલે છે એમ કહેવું ઉતાવળું લેખાશે. આજની તારીખે પણ મોદી જ ‘ધ લીડર’ની ગુંજાશ ધરાવે છે તે વિધાનને એ પૂર્વવત્ વળગી રહ્યા છે. 2009માં અડવાણી સત્તાવાર ધોરણે ‘પ્રાઈમ મિનિસ્ટર ઈન વેઈટિંગ’ હતા ત્યારે પણ શૌરિએ અમારી પાસે અડવાણી ઉપરાંત મોદીનો પણ સક્ષમ વિકલ્પ છે એવું કહેતાં સંકોચ નહોતો કર્યો. પણ શૌરિના મતે જેટલે ‘ગાજોવાજો’ છે એની સામે જમીન સચ્ચાઈ ખાસી ઓછી છે.

વચ્ચે એકના એક અરુણ જેટલી અને આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રણ્યન ભારતની સિદ્ધિઓ અને શક્યતાઓના નવ્ય નમો યુગના લોબીઈંગ વાસ્તે વોશિંગ્ટન જઈ આવ્યા ત્યારે જેટલીએ જે વાતો કરી એને શૌરિએ નકરી ‘લોયરલી’ એટલે કે વકીલબહાદુર એમને જે બાજુની ફી મળી હોય તેની બ્રીફ તથ્યનિરપેક્ષપણે ભારી જમાવટથી કરે એવી રજૂઆત તરીકે ઓળખાવી છે. જેટલીનું બજેટ, શૌરિના મતે, ચિદમ્બરમની પરંપરામાં કાતર ને ગુંદરના કસબ ઉર્ફે ‘કટ એન્ડ પેસ્ટ જોબ’થી વિશેષ નથી. ફાઈલોની થપ્પીઓ અને વિલંબાતા નિર્ણયો તેમ જ સિનિયર મંત્રીઓની નિ:સહાયતાનું દુર્દૈવ વાસ્તવ શૌરિએ બેબાક બોલી બતાવ્યું છે. આખું ચિત્ર, મેઘનાદ દેસાઈના શબ્દોમાં, ‘લુઝિંગ ધ પ્લોટ’ જેવું ઉભરી રહ્યું છે. બને કે હવેના દિવસોમાં ‘કલ્યાણ પર્વ’ પ્રકારનાં આયોજનો દરમિયાન વિશેષ નિરીક્ષા ને નુક્તેચીનીના નિમિત્તો મળી રહે પણ ઈવેન્ટ મેનેજમેન્ટ અને ઈમેજ પ્રોજેક્શન એ સુશાસનનો અવેજ નથી એટલું અવશ્ય કહેવું રહે છે.

પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર  છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 09 મે 2015

Loading

...102030...3,8493,8503,8513,852...3,8603,8703,880...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved