Opinion Magazine
Number of visits: 9771515
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અકાદમી અને પરિષદ : કરવા જેવું હજુ ઘણું બાકી છે

જનક નાયક|Opinion - Literature|3 June 2015

હમણાં થોડા વખત પહેલાં એક મિત્રનો ફોન આવ્યો; અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એ માટે સહી આપો. અગાઉ પણ આ મુજબનો મોબાઇલ રણક્યો હતો. તો એ અગાઉ મારા એક મિત્રનો ફોન કંઈક આવો આવ્યો હતો, હમણાં-હમણાં અકાદમીની સ્વાયત્તતા માટે ઝુંબેશ ચાલે છે, તો એમાં પડશો નહિ, ત્યારે પણ કશો જવાબ આપ્યો નહોતો. આજે પણ કોઈ નક્કર જવાબ મને મળતો નથી. કોણ જાણે કેમ મને એવું થાય છે કે, મારી ખુદની સ્વાયત્તતા જોખમાઈ રહી છે. કયા રસ્તા પર જવું, એની અવગઢમાં હું કાયમ જીવ્યો છું. માણસ છું, એટલે લાભાલાભની ગણતરીઓ થતી જ રહે છે. મને ખબર છે, ગણતરીઓ આવે એટલે સ્વતંત્રતા જોખમમાં મુકાય છે. થોડાક દિવસોથી અકાદમી અને તેની સ્વાયત્તતાનું ભૂત મને રાતે ઊંઘવા દેતું નથી. અનેક પ્રશ્નો તરફેણ અને વિરુદ્ધમાં મને સતાવ્યા કરે છે. થોડાંક વર્ષો પહેલાં અકાદમી સ્વાયત્ત હતી, ત્યારે શું થયું હતું? ખાસ તો સાહિત્યના લાભાર્થે અને હમણાં અકાદમી સ્વાયત્ત નથી ત્યારે શું થઈ રહ્યું છે? એ અંગે સતત વિચારો આવે છે, ત્યારે પણ ગણ્યાગાંઠ્યા લેખકો-સર્જકોનો પ્રભાવ હતો, આજે પણ એ સર્જકોની સંખ્યામાં વધારો થયો છે, એવું  કહી શકાય નહિ. માત્ર ‘હઇસો હઇસો’ કરનારા, નારાબાજી કરનારા, ક્યાં લાભ થશે એ બાજુ ઝૂકી જનારા, અવાજ નથી એટલે માત્ર ઘોંઘાટ કરનારા, અમુકતમુકના ઝંડા લઈને ફરનારા, કોઈના ને કોઈના પ્રભાવમાં આવી જનારા, જીહજુરિયાઓ, ડરપોક અને સ્વમાન ગુમાવી ચૂકેલા મારા જેવા અનેક સર્જકો તો અમુકતમુકના માત્ર હાથા બની રહી જઈએ છીએ. અંદરથી ધગધગતા લાવાને બહાર વાસ્તવિકતામાં ઠંડી રાખ બનાવીને ટોળામાં ભ્રામક આનંદમાં રાચનારા અમે સર્જકો છીએ. અમે કશું કરી શકતા નથી અથવા કશું કરવા માગતા નથી, ત્યારે જાતને જ કહું છું, ‘સાલા, ડરપોક …’

અકાદમી સ્વાયત્ત થાય તો અને અત્યારે અકાદમી સ્વાયત્ત નથી, ત્યારે શું-શું કરવું જોઈએ એની નક્કર યોજના આપણી પાસે નથી. માત્ર સાહિત્યિક કાર્યક્રમો કરવા, માત્ર જન્મશતાબ્દીઓ ઊજવવી, માત્ર પુસ્તકો પ્રકાશિત કરવાં કે માત્ર સામયિકનું પ્રકાશન કરવું, એ માત્ર કંઈ સાહિત્યિક સંસ્થાનું કામ નથી. આ કાર્ય તો ગુજરાતની સેંકડો સંસ્થાઓ પોતપોતાની રીતે કરતી જ રહે છે, કદાચ અકાદમી કે પરિષદ જેવી સાહિત્યિક સંસ્થાઓ કરતાં પણ સારું કરે છે. તો શું થવું જોઈએ? આજના સળગતા પ્રશ્નો કયા? એનો કોઈ ઉકેલ ખરો? કે પછી માત્ર અંધારામાં જ કોઈ એક આંદોલનનો ઝંડો પકડીને તીર માર્યા કરીશું? ગુજરાતના હજારો સર્જકોએ અને લાખો ભાવકોએ એના પર સ્વસ્થ ચિત્તે ચિંતન કરવા જેવું છે.

(૧) ગુજરાતી સાહિત્ય હાંસિયામાં ધકેલાઈ ગયું છે. કોઈ સર્જકીય પ્રભાવ સાંપ્રત સમાજ પર દેખાતો નથી. આજની પેઢી મહત્ત્વના ગુજરાતી સર્જકને પણ જાણતી – ઓળખતી નથી, તો એનું સાહિત્ય વાંચવાની તો વાત જ ક્યાં આવી ? હમણાં મેં વાર્તાકથન – અભિયાનમાં શાળાઓમાં જઈને હજારો બાળકોને વાર્તાઓ કહી, પણ તેઓ પંચતંત્રની થોડીક વાર્તાઓથી વિશેષ જાણતા ન હતા. કોઈ એક સર્જકની હું વાર્તા કરું તો એ પહેલાં એના વિશે વિદ્યાર્થીઓને પૂછું, તો ભાગ્યે જ એકલદોકલ વિદ્યાર્થી એ સર્જકનું નામ જાણતો હોય. પદ્મશ્રી કે બીજા ઍવૉર્ડ લઈને આપણે પોરસાયા કરીએ પણ અડાજણની એક શાળામાં જ જે-તે સર્જક વિશે કોઈ એક જાણતું ન હોય એના જેવી દુઃખદ ઘટના બીજી શી હોઈ શકે ? સુરતના અનેક સર્જકોને સુરતની જ શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ ઓળખતા ન હોય, ત્યારે મારા જેવાને તો રડવું જ આવે. હમણાં એક શિક્ષક ગાય વિશે નિબંધ લખી ન શક્યા, એની મીડિયાએ કલાકો સુધી ચર્ચા કરી. પરંતુ આજે ગુજરાતીનો શિક્ષક કે અધ્યાપક આજના મહત્ત્વના સાહિત્યકારો વિશે દસ-પંદર લીટી પણ લખી શકે નહિ, એ મહા પ્રશ્ન વિશે આપણે મૌન છીએ. દુર્ભાગ્યે, સામાન્ય ગુજરાતીના જીવનમાંથી સાહિત્ય કે કલા બહાર ધકેલાઈ રહી છે, એ આપણા માટે સળગતો પ્રશ્ન નથી બનતો. ગુજરાતી પ્રજા જવાબદાર છે કે આપણે સર્જકો? એ એક ગહન ચિંતનનો વિષય છે. શાળા-કૉલેજમાં સારી લાઇબ્રેરીઓ નથી. કારણમાં એવું કહેવાય છે કે વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં જતાં નથી. આ દરેક શાળાઓમાં (ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં પણ) નાના પાયા પર અમે પુસ્તકમેળાઓ કર્યા, ત્યારે એટલી તો ખાતરી થઈ જ કે બાળકોને અને વાલીઓને પુસ્તકમાં રસ છે, કિન્તુ આપણે સર્જકોને જ ભાવક સુધી જવામાં તીવ્રતમ ઉત્સાહ નથી. અમે દક્ષિણ ગુજરાતની ૬૬ શાળાઓમાં લગભગ ત્રીસેક હજાર વિદ્યાર્થીઓ અને સેંકડો શિક્ષકો સાથેના ‘સાભિનય વાર્તાકથન’ના જાતઅનુભવ પછી આ લખવાનું બને છે. અકાદમી કે બીજી સાહિત્યિક સંસ્થાઓ મુશાયરા કે ભાષણોના કાર્યક્રમ ભલે કરે, પણ સાથે-સાથે સાહિત્યને છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટે કોઈ યોજના ન કરી શકે ? સંસ્થાનું સ્વાયત્તીકરણ થયું હોય કે સરકારીકરણ, આપણે તો સાહિત્યના પ્રસાર-પ્રચારની બાબતમાં નિષ્ફળ જ પુરવાર થયા છીએ.

(૨) પુસ્તકો અત્યારે આમ તો અઢળક-અઢળક છપાય છે. જો કે કાવ્યસંગ્રહો, નવલકથાઓ, વાર્તાસંગ્રહો કે બીજાં સાહિત્યિક પુસ્તકોની નકલો ઘટતી જાય છે. ૨૫૦થી ૭૫૦ પ્રત પ્રિન્ટ થાય છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિય શબ્દો ‘છ કરોડ ગુજરાતી’માં આજનું સાહિત્ય ક્યાં ? એમાં ય સરકારી યોજનામાં જ સાહિત્યનાં પુસ્તકોનું વેચાણ થાય છે. અલબત્ત, સરકારી ગ્રાન્ટથી ખરીદાતાં પુસ્તકો વિશે એટલું કહી શકાય કે, જેઓ પુસ્તકો ખરીદે છે, તેઓ એ વાંચતાં નથી અને જે થોડોઘણા પુસ્તક પ્રેમીઓ વાંચવા માગે છે, તેઓનો પુસ્તક- ખરીદીમાં કોઈ અવાજ નથી. માત્ર સરકારી ધોરણે નહીં, પણ પુસ્તક આપમેળે વેચાય એવી યોજનાઓ આપણે ન બનાવી શકીએ? એ માટે પુસ્તક-પ્રદર્શન, પુસ્તક-પરિચય, પુસ્તક-યાત્રા ગામડે-ગામડે, મહોલ્લે-મહોલ્લે, શાળા-કૉલેજમાં યોજાય એવું ન બની શકે? આપણે સૌ સર્જકો ભેગા મળીને પુસ્તક-પ્રસાર માટે એક આંદોલન ન કરી શકીએ? ગુજરાતભરમાં સર્જકો સાથે મળીને પુસ્તક-પ્રસાર માટે [મહેન્દ્ર] મેઘાણીની જેમ કાર્ય ન કરી શકે? ગુજરાતી સાહિત્યને હજારો મેઘાણીઓની જરૂર છે, જેઓ થેલામાં પુસ્તકો નાખીને ગામેગામ ફરીને સાહિત્યનો પ્રસાર-પ્રચાર કરે.

(૩) માણસ ટોળકીઓમાં જીવનારો છે. એમાં કોઈ સર્જક પણ બાકાત નથી. જ્યારે-જ્યારે ક્રાંતિઓ થઈ છે, ત્યારે માત્ર ટોળકીઓ બદલાઈ છે, પણ મૂળ સમસ્યાઓ ઓછી થઈ નથી, બલકે વધી છે. અકાદમી સ્વાયત્ત હતી, ત્યારે પણ એક ટોળકી હતી અને આજે અકાદમી સ્વાયત્ત નથી, ત્યારે પણ બીજી એક ટોળકી જ છે. ત્યારે ગાંધીનગર-અમદાવાદના થોડાક સર્જકોનો પ્રભાવ હતો અને આજે પણ એવું જ છે. અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એવી દલીલ થાય છે. ધારો કે અકાદમી સ્વાયત્ત થાય, તો અગાઉ વર્ણવેલી મૂળ સમસ્યાઓ ઉકેલાઈ જશે ? પ્રશ્ન પૂછવો જોઈએ સૌ સર્જકોએ સ્વયંને અને આજે અકાદમીનું સરકારીકરણ થયું છે, ત્યારે મૂળ સમસ્યા ઉકેલાઈ છે? મને તો બંને પક્ષે જવાબ નકાર જ મળે છે. વિધિની વક્રતા તો જુઓ, અમદાવાદની જે સંસ્થાએ સરકારીકરણ થયેલી અકાદમીના લાખો રૂપિયાનું દાન લઈને કાર્યક્રમો કર્યા એ જ હવે અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ, એવો ઠરાવ કરે છે. નીતિનિયમોની વાત કરીએ, આદર્શોની વાત કરીએ, તો સંસ્થા ચલાવવા માટે જેનો વિરોધ છે, ખાસ કરીને અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ, એવો અગાઉ ઠરાવ કર્યો હોય ત્યારે એનું તો અનુદાન લેવાય જ નહિ. કોઈ સરકારી અધિકારી પોતાની વગ વાપરીને લાખો રૂપિયા લાવી આપે અને આપણે જાણતા જ હોઈએ કે જે ઉદ્યોગપતિ પાસેથી એ નાણાં આવ્યાં હોય એ તો એ સરકારી અધિકારીનો પોતાના લાભમાં ઉપયોગ કરવાનો જ છે. (સરવાળે તો સામાન્ય ગુજરાતીનું જ કશુંક ને કશુંક નુકસાન છે) ને છતાં સંસ્થા ચલાવવા માટે આપણે સિદ્ધાંતોને બાજુ પર મૂકી દઈએ છીએ. અકાદમીના કોઈ એક પદાધિકારી સરકારી ખજાનામાંથી નાણાં આપે અને એમાં એનો તો કોઈ ફાળો ન જ હોય, એના ખિસ્સાના તો પૈસા છે જ નહિ, છતાં જાહેરમાં જાણે પોતે નાણાં આપ્યાં હોય એ રીતે ગર્વપૂર્વક અગાઉ અનેક સાહિત્યિક કાર્યક્રમોમાં સન્માન લેતા મારા જેવા અનેક સર્જકોએ જોયા છે. આ ખોટું છે અને એ સરકારી કર્મચારીનું શું કામ સન્માન કરવું જોઈએ, એવું માનતા હોવા છતાં ‘આપણને તો મમ્‌ મમ્‌ સાથે કામ છે’ એવું સ્વીકારીને હસતામુખે એમનું સન્માન કર્યું છે ને એમણે લખેલી ગઝલ કે સાહિત્યની પ્રશંસા શરૂ થઈ થઈ જાય. આખેઆખી વ્યવસ્થા એવી છે કે, આપણે સર્જન સર્જકત્વ ત્યજીને માત્ર લાભ લેનાર અને જરૂર પડે તો સાચીખોટી પ્રશંસા કરવામાં પડી જઈએ છીએ. નર્મદની જેમ ‘આજથી તારે ખોળે છઉં’ એવું કહેવાની આપણી હિંમત નથી. આ બધું જે કંઈ થાય છે એ સાચું જ છે એવું કહેવાની મારી હિંમત નથી. હું જાણું છું કે, સારું કામ કરવું હોય અથવા સાહિત્યિક સંસ્થા ચલાવવી હોય, તો આ પ્રકારનાં સમાધાનો સ્વીકારવાં જ પડે. આજે આખો માહોલ પૈસા (પૈસા કંઈ ઝાડ પર ઊગતા નથી) અને સત્તા (આપણે સર્જક છીએ, બિઝનેસમૅન કે રાજકારણી નથી) પર રચાયેલો હોય, ત્યારે આ જે કંઈ થયું એમાં કશું ખોટું થયું છે એવું હું કહી શકું નહીં. હા, એ વાત સાચી કે જ્યારે આપણે સ્વયં આ પ્રકારની વ્યવસ્થાના એક ભાગ હોઈએ, ત્યારે વિરોધ કરવાનો કોઈ અર્થ રહે નહિ. વિરોધ કરવો હોય, તો પ્રથમ આપણે ખુદનો જ કરવો જોઈએ.

અકાદમી કે પરિષદ કે કોઈ પણ સાહિત્યિક સંસ્થાએ તથા આપણે સૌ સર્જકોએ ઘણું કરવાનું છે, ચાલો, એ અંગે વિચારીએ …

(૧) આજનો સર્જક વૉટ્‌સઅપ કે ફેસબુક પર પોતાનો અલગ ચોકો બનાવીને જીવે છે. સામાન્ય ભાવક સાથેનો છેડો લગભગ એણે ફાડી નાખ્યો છે. એનું કારણ એ પણ ખરું કે સાહિત્યિક સંસ્થાઓ ગુજરાતના અસંખ્ય સર્જકથી દૂર થઈ ગઈ છે. સાહિત્યિક સંસ્થાઓમાં ગણ્યાગાંઠ્યા ચહેરાઓ જ વારંવાર દેખા દે છે. સર્જકની નવી પેઢીને આપણે હાથે કરીને આપણાથી ઉદાસીન કરી નાખી છે. વળી, ભાવકની તો કદાચ આજના સર્જકને પડી જ નથી. દશ-પંદરના ટોળામાં થતી વાહવાહથી આપણે સંતુષ્ટ થઈ જઈએ છીએ. સાહિત્યિક કાર્યક્રમોમાં શ્રોતાઓની પાંખી હાજરી ચિંતાનો વિષય છે. લાખો રૂપિયા ખર્ચીને સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન થાય, તો એ કેટલા શ્રોતાઓ સુધી પહોંચે છે, એ અંગે પણ ચિંતન થવું જોઈએ. દરેક શહેરમાં ને ગામડાંમાં સાહિત્યિક સંસ્થાઓએ સર્જકોને ભેગા કરીને સાહિત્યના કાર્યક્રમો નિયમિતપણે યોજવા જોઈએ.

(૨) નવા સર્જકો બહાર આવે એ અંગેના વાર્તા-નવલકથા કે કાવ્યશિબિર યોજાવી જોઈએ. ખાસ કરીને પુસ્તકનો આસ્વાદ કઈ રીતે કરી શકાય એનાં શિબિરો પણ યોજાવી જોઈએ. ભાવકો માટે પણ સાહિત્ય સુધી કઈ રીતે પહોંચી શકાય એના સેમિનાર યોજાવા જોઈએ.

(૩) માર્કેટિંગનો જમાનો છે અને સર્જક પોતાના સાહિત્યનો પ્રસાર-પ્રચાર ન કરે, તો એનું સારું કામ પણ સુજ્ઞ ભાવકો સુધી પહોંચે નહીં. સર્જકને પણ પોતાની કૃતિનો પ્રચાર કઈ રીતે કરી શકાય એની તાલીમ આપવી જોઈએ.

(૪) શાળા-કૉલેજોમાં જઈને નવા વાચકો અને નવા સર્જકો તૈયાર કરવા માટે આયોજન થવાં જોઈએ. મારા એક કુલપતિમિત્રને મેં કહ્યું કે, આપણે કૉલેજમાં વાર્તાઓ, કવિતાઓનું પઠન-કથન અને એને કઈ રીતે સમજી શકાય, કૃતિના હાર્દ સુધી કઈ રીતે પહોંચી શકાય, એ વિશે કાર્યક્રમો કરીએ. તરત જવાબ મળ્યો, વિદ્યાર્થીઓને ક્યાં રસ છે ? અને આજની સેમિસ્ટર પદ્ધતિમાં સમય જ ક્યાં છે ? મારું ચોક્કસ માનવું છે કે, હવે વાચકો તૈયાર કરવાનો સમય આવી ગયો છે. ટી.વી.ની સામે પુસ્તકને ટકવું હશે, તો ભારે જોર લગાવવું પડશે.

(૫) સાહિત્યમાં જૂથબંધીને સ્થાન ન હોવું જોઈએ. સાહિત્યિક સંસ્થાઓ જાણ્યે-અજાણ્યે જૂથબંધી માટે વધુ જવાબદાર છે. સર્જકે સૌપ્રથમ તો પારદર્શી બનવું પડે. જે કોઈ સર્જક સારું કરે છે એને સાહિત્યિક સંસ્થાઓમાં સ્થાન મળવું જોઈએ. ઊલટાનું એવા સર્જકને શોધીને એને પ્રોત્સાહિત કરવો જોઈએ.

અહીં જે લખાયું એ માત્ર મારો મત છે. હું ખોટો પણ હોઈ શકું છું. કિન્તુ સાહિત્ય મારો શ્વાસ-પ્રાણ છે અને એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ માટે હંમેશ પ્રયત્નશીલ રહ્યો છું. મારા માટે સાહિત્યને આસ્વાદતા ભાવકો જ શ્રેષ્ઠ છે. એ પછી જ કોઈ પણ સાહિત્યની સંસ્થાઓ આવે. નર્મદ મારો અતિ પ્રિય સર્જક છે. અને મેઘાણીએ જે સાહિત્યના પ્રસાર માટે કર્યું, એથી હું અત્યંત પ્રભાવિત છું. સાહિત્યની મશાલ સળગતી રહે, એવા પ્રયાસો મરતાં સુધી કરતો રહીશ. આપ સૌ પણ મારા સાહિત્યપ્રસારના અભિયાનમાં જોડાશો. એવી અપેક્ષા સાથે.

ચાલો, આપણે સૌ સાથે મળીને ગુજરાતી પ્રજાને વાચતી કરીએ, ચૅકબુક કે પાસબુકના કલ્ચરમાંથી બહાર લાવીને પુસ્તકપ્રેમી બનાવીએ. આ આપણે સર્જકો ન કરીશું, તો કોણ કરશે ?

email : janaknaik54@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2015, પૃ. 06 – 07

Loading

શતાબ્દી વંદના ન સેવાશ્રમ, ન તપોવન, સત્યાગ્રહ આશ્રમ

પ્રકાશ ન. શાહ|Gandhiana|3 June 2015

શતાબ્દી વંદના

ન સેવાશ્રમ, ન તપોવન, સત્યાગ્રહ આશ્રમ

ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડી ભારત સ્થાયી થવા પાછા ફર્યા એ આપણા જાહેરજીવનને સારુ અક્ષરશઃ નવસંવત શી ઘટના હતી, અને કોચરબ આશ્રમની સ્થાપના એ સંદર્ભમાં નિઃશંક એક સીમાચિહ્ન છે, બિલકુલ શેષનાગને માથે ખીલો ખોડાયા જેવું. દક્ષિણ આફ્રિકાનાં સંઘર્ષવર્ષોમાં પોતે શરૂ કરેલી આશ્રમ-પરંપરામાં ભારત પાછા ફર્યા પછી દક્ષિણ આફ્રિકાના સાથીઓની જે ટુકડી શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથની નિશ્રામાં હતી, એને મળવા ગાંધીજી ગયા ત્યારે એ પંથકમાંયે સૂચિત એક આશ્રમઠેકાણું તો હતું જ.

બીજાં પણ એકાધિક સ્થળો સામેથી સૂચવાયાં હતાં, પણ અમદાવાદની પસંદગીનું ગાંધીલૉજિક સમજવા જેવું છે. કૃષિસંસ્કૃિત અને ઔદ્યોગિક ક્રાંતિ વચાળે ક્યાંક ઊભા રહીને એમણે જે નવસંતુલન ઇચ્છ્યું હશે (કહો કે પોસ્ટ-ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી માટે) એમાં ચરખાનું એક અગત્યનું સ્થાન, અલબત્ત અભિગમ રૂપે હતું. અમદાવાદ એક કાળે હાથવણાટનું મથક અને બીજરૂપ પ્રતિભાએ કરીને રણછોડલાલ રેંટિયાવાળાની સાહસપહેલે માન્ચેસ્ટરની ગુંજાશ દાખવી શકેલું. ત્યાં કેમ થાણું ન નાખવું? અને ગુજરાતી ભાષા, સ્વભાષા, જેવું ઉત્તમ સેવાવાહન પણ બીજું કિયું હોઈ શકે. બેશક, જાહેર કામ માટે નાણાસ્રોતની રીતે લક્ષ્મીનંદન મહાજનોની સુલભતા પણ લક્ષમાં લીધી હશે.

જો કે, સો વરસના ઉજાસમાં આ બધી બાબતોની તપસીલ તપાસને અવકાશ હોઈ શકે છે; પણ જોવાનું એ છે કે હરદ્વાર અને વૈદ્યનાથધામનાં સહયોગસુવિધાપૂર્વકનાં નિમંત્રણો હતાં છતાં ગાંધીજીએ આવા કોઈ સ્થાપિત તીરથ પર કળશ ન ઢોળ્યો. પાછળ નજર કરતાં આ સંદર્ભમાં એમ માનવાનું મન થાય છે કે આપણા સમયના કદાચ સૌથી મોટા ધર્મપુરુષને અભીષ્ટ ઓળખ પરંપરાગત ધર્મતીર્થો કરતાં ગુણાત્મકપણે જુદી હતી. ચોક્કસ, એ એક પાયાની સમજ હતી, જે એમને પરમતદ્વેષી, રૂઢિચુસ્ત, સંપ્રદાયગ્રસ્ત, અન્યથા પણ આ લોક કરતાં પરલોકપરસ્ત માહોલથી દૂર લઈ ગઈ હશે. ઇતિહાસદૃષ્ટિએ જોતાં એમના આ સભાન/અભાન પણ વિવેક પર વારી ગયા વિના રહેવાતું નથી. બાકી, આશ્રમના ઉદ્દેશપત્ર કહેતાં પ્રૉસ્પેક્ટસમાં એમણે જે યમનિયમો અને વ્રતતપની ભાષામાં વાત કરી હતી એમાં ચીલાચાલુ ધર્મમંડળી પ્રકારના અર્થઘટનને અવકાશ નહોતો એવું તો નથી. શાંતિનિકેતનની રૂબરૂ મુલાકાતે પ્રભાવિત પ્રોફેસર કૃપાલાનીને મુઝફ્‌ફરપુરમાં આ ઉદ્દેશપત્ર મળ્યું ત્યારે એમણે અકળાઈને એ ટેબલ પર ફેંક્યું હતું. એમને થયું કે આ માણસ, અગાઉના મહાત્માઓની પેઠે, ‘સ્વર્ગનું રાજ્ય’ શોધતો હોય તો ભલે હિમાલયભેગો થઈ જતો. બીજે છેડે, વિનોબા જેવા તો કદાચ આ ઉદ્દેશપત્ર માંહેલી વિશેષતાથી જ આશ્રમવાસી બનવાના નિર્ણય પર પહોંચ્યા હશે. ‘મેં તો ઇતિહાસનાં ઘણાં થોથાં વાંચી કાઢેલાં’, વિનોબાએ સંભાર્યું છે અને ઉમેર્યું છે : ‘એકે થોથામાં ક્યાં ય દેશસેવા માટે આ બધાં વ્રતોનું પાલન જરૂરી હોવાનું વાંચ્યું નહોતું. યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથોમાં, ભક્તિમાર્ગમાં આવતી વાતો અહીં જોઈ મને સમજાયું કે આ માણસ દેશની રાજકીય સ્વતંત્રતાની તેમ જ આધ્યાત્મિક વિકાસની એમ બેઉ વાતો એકસાથે સાધવા ચાહે છે.’

આશ્રમની સ્થાપના પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં ગાંધીજીએ ‘દેશસેવા’નો પોતાના ખયાલ અને મર્યાદા બંને અસંદિગ્ધ શબ્દોમાં બાંધી બોલી બતાવ્યાં હતાં ઃ ‘જગતહિતને અવિરોધી એવી દેશસેવા કરવાની કેળવણી લેવી અને એવી દેશસેવા કરવાનો સતત પ્રયત્ન કરવો.’ તમે જુઓ કે રાષ્ટ્રીય ચળવળના એટલે કે દેશભક્તિના જોસ્સાનાં એ વરસો હતાં. દેશ કે રાષ્ટ્ર એટલે પોતે જ આદિ, મધ્ય, અંત બધું જ એવા મનોભાવ બલકે માનસિકતાને અવકાશ જ અવકાશ હોઈ શકતો હતો. એની વચ્ચે આ માણસ ‘જગતહિતને અવિરોધી’ ભૂમિકા પર ભાર મૂકે છે. રાષ્ટ્રરાજ્યવાદના મત્સર અને દ્વેષ વિશ્વયુદ્ધ રૂપે ભભૂકી ઊઠ્યાં છે તે વિશે તે સ્પષ્ટ છે. આ સંદર્ભમાં લેવા જોગ કેળવણી અને કરવા જોગ દેશ સેવાના સ્થાનક તરીકે આશ્રમ ખડો થઈ રહ્યો છે, તો એનું નામ શું પાડવું?

‘સત્યના પ્રયોગો’ વાંચતાં ‘સેવાશ્રમ’થી માંડીને ‘તપોવન’ જેવાં નામો વિચારાયાની સાહેદી મળે છે. પણ પરંપરાગત તીરથમાં જેનું ધર્મપ્રવણ ચિત્ત ન ઠર્યું, તેની સેવાની વ્યાખ્યા પણ નકરી પરંપરિણ તો ક્યાંથી હોય? ગાંધીમંથન છે કે દક્ષિણ આફ્રિકામાં અમે સૌએ સેવાની એક રીતે વિકસાવી હતી એનો પડઘો આ ‘સેવાશ્રમ’ જેવા નામમાં ઝિલાતો નથી. અને તપોવન, એમાં કદાચ પરંપરાગત તપસ્યા પર જેટલો ભાર છે, એટલો પ્રત્યક્ષ કર્મ પર ક્યાંથી લાવવો. આ બધી ઘડભાંજ અગર ભાંજઘડમાંથી સામે આવી ઊભું રહેતું નામ ‘સત્યાગ્રહ આશ્રમ’ છે. વૈશાખ સુદ અગિયારસ ને સંવત ૧૯૭૧ કહેતાં ૨૫ મે ૧૯૧૫ના દિવસે, આમ, સત્યાગ્રહ આશ્રમનું સ્થાપન અને નામકરણ થયું. રાષ્ટ્રકૈવલ્યવાદ, રાજ્ય કૈવલ્યવાદ અને બજારકૈવલ્યવાદ પોતપોતાની ગતમાં જગતહિતથી નિરપેક્ષપણે મત્ત મહાલે છે ત્યારે, કાશ, આપણે ગાંધીને એની ઇનિંગ્ઝ આપી શકીએ! સન સુડતાલીસની આઝાદી અને સન પચાસનું પ્રજાસત્તાક સ્વરાજ આંખમાથાભેર પણ બાકી ઇનિંગ્ઝ તે બાકી ઇનિંગ્ઝ, ને આપણી વકટલૅંડ ચાલે તે ચાલુ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2015, પૃ. 20 

Loading

ટાવરની ઘડિયાળના હવે ‘ડંકા વાગતા’ નથી !

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|31 May 2015

પંજાબના વિદ્રોહી કવિ 'પાશ'ની અંગારા જેવી ધગધગતી એક કાવ્યપંક્તિ છે, "સમય બડા કૂત્તા હૈ મેરી બુલબુલ …." સમય માટેના આક્રોશનું કારણ એ છે કે સમય કોઈનો થયો નથી કે થવાનો પણ નથી. સમય પોતાની ગતિએ ચાલે છે, તે કોઈની શેહમાં આવતો નથી અને સમય સામે સૌ મજબૂર હોય છે. સમય જ તમને બળવાન બનાવે છે અને સમય જ તમારી શક્તિઓ હણી લેતો હોય છે, એનો એક સજ્જડ દાખલો મહાભારતમાં પણ ઉપલબ્ધ છે. મહાભારતની એક જાણીતી પંક્તિ છે, સમય સમય બલવાન હૈ, નહીં મનુષ બલવાન, કાબે અર્જુન લૂંટયો, વહી ધનુષ વહી બાણ …. સમય જેટલો શક્તિશાળી છે, એટલો ક્રુર પણ છે અને સમયની ક્રુરતાથી સમયના સાક્ષી જ નહિ બલકે પ્રવક્તા ગણાય, એવી ઘડિયાળો પણ બચી શકી નથી. એકવીસમી સદીમાં કોમ્પ્યુટર અને મોબાઇલ ફોનનો સમય જામ્યો છે ત્યારે પરંપરાગત ઘડિયાળોનો અંતિમ સમય આવી પૂગ્યો હોય એવું લાગે છે. કાંડા ઘડિયાળ હવે સમય જોવાના સાધન તરીકે નહીં તો પણ ફેશનની ચીજ કે એક્સેસરીઝ તરીકે પહેરાય છે, પણ સૌથી દયનીય હાલત ટાવર પરની ઘડિયાળોની થઈ ગઈ છે. એક જમાનામાં સમય જોવાના સાધન તરીકે દુનિયાભરમાં જેના ડંકા વાગતા હતા, એવી ટાવરની ઘડિયાળના વાગતા ડંકા પર આજે ભાગ્યે જ કોઈનું ધ્યાન જતું હોય છે. લોકો પાસે જાણે ટાવરની ઘડિયાળ પર નજર નાખવાનો 'સમય' જ નથી રહ્યો !

આજે ટાવરની ઘડિયાળને યાદ કરવાનું નિમિત્ત પૂરું પાડનાર છે – દુનિયાની ડંકા વગાડતી સૌથી ઊંચી ટાવર ઘડિયાળ બિગ બેન. બ્રિટનના પાર્લમેન્ટ હાઉસ એટલે કે લંડનના વેસ્ટમિનિસ્ટર મહેલના ઉત્તર છેડે ઊભેલા એલિઝાબેથ ટાવર પરની આ ઘડિયાળની આજે વર્ષગાંઠ છે. ૩૧મી મે, ૧૮૫૯ના રોજ આ ઘડિયાળ કાર્યરત થઈ હતી અને તેના ડંકા વાગવા માંડયા હતા. બિગ બેનનો સંક્ષિપ્ત ઇતિહાસ જોઈએ તો ઓક્ટોબર-૧૮૩૪માં વેસ્ટમિનિસ્ટર મહેલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આ મહેલને ફરી બાંધવામાં આવ્યો અને તેના ઉત્તર છેડે દુનિયાની સૌથી ઊંચી અને સમયમાં એકદમ ચોક્કસ ઘડિયાળ બેસાડવાનો નિર્ણય કરાયો. રોયલ એસ્ટ્રોનોમર સર જ્યોર્જ એરીએ સમયમાપનના વિજ્ઞાનમાં ખાંટું મનાતા એડમંડ બેકેટ ડેનિસનની મદદથી સમયની સાથે ચુસ્તપણે ચાલતી ઘડિયાળ તૈયાર કરી હતી. સમયે સમયે ડંકા વગાડવા માટે સોળ ટનનો મોટો ટોકરો (ઘંટ) તેની સાથે જોડવામાં આવ્યો હતો. આા ટોકરો ગ્રેટ બેલ તરીકે જાણીતો છે અને તેના આધારે જ આ ઘડિયાળ અને ટાવર બિગ બેન તરીકે ઓળખાય છે. બિગ બેનના સેન્ટ સ્ટીફન્સ ટાવરનું નામ ૨૦૧૨માં ઇંગ્લેન્ડનાં મહારાણી એલિઝાબેથ-બીજાના શાસનના હીરક મહોત્સવ (૭૫ વર્ષ) નિમિત્તે બદલીને એલિઝાબેથ ટાવર કરાયું હતું. જો કે દુનિયા તેને બિગ બેન ટાવર તરીકે જ ઓળખે છે.

૧૮મી સદીમાં કાંડા ઘડિયાળ તો દૂરની વાત થઈ પણ ઘરમાં દીવાલો ઘડિયાળો પણ દુર્લભ હતી. એ જમાનામાં લોકોને સમયનો અંદાજ આવે એ માટે નગરોમાં ઊંચા ટાવર પર ઘડિયાળ રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. ટાવર ઘડિયાળનું ચલણ વિકસ્યું એમાં પણ બિગ બેનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. દુનિયાની ઐતિહાસિક ટાવર ઘડિયાળોમાં મુંબઈની રાજબાઈ ટાવર ઘડિયાળનો સમાવેશ થાય છે. બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો પાયો નાખનારા પ્રેમચંદ રાયચંદે પોતાની માતાની સ્મૃિતમાં આ ટાવર ઘડિયાળ બનાવડાવી હતી. અંગ્રેજ આર્કિટેક્ટ જ્યોર્જ ગિલ્બર્ટ સ્કોટે લંડનની બિગ બેનના આધારે જ રાજબાઈ ટાવર ઘડિયાળ બનાવી હતી.

સમયના વહેણમાં ટાવર ઘડિયાળો વહી જવાની છે, પણ જૂની પેઢીનાં તેની સાથેનાં સ્મરણો સાચવી રાખવાં જેવાં છે. તમારાં માતા-પિતા કે દાદા-દાદી પાસેથી જાણીને તેને નોંધી લેવાનું ચૂકતાં નથી, બાકી તમે જાણો જ છો, સમય બડા કૂત્તા હૈ … !

સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 31 મે 2015

e.mail : divyeshvyas.amd@gmail.com

Loading

...102030...3,8403,8413,8423,843...3,8503,8603,870...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved