Opinion Magazine
Number of visits: 9772279
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પોસ્ટ ઓફીસ

'ધૂમકેતુ'|Opinion - Short Stories|13 July 2015

પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝભ્ભાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈ ને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કોઈક વહેલાં ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર : એ સિવાય શહેર તદ્દન શાંત હતું.

લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા, અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહિ છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબૂ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રૂજતો ને શાંત રીતે ડગમગ ચાલતો હતો, શહેરના દરવાજા બહાર થઈ, એક સીધી સડક પર આવી પહોંચ્યો, ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો.

સડકની એક બાજુ ઝાડોની હાર હતી, ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે “શીમણી” બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ, બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું, ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાશ બહાર પડતો હતો.

ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે, તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઇ આનંદ પામ્યો. કમાન પર એક જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા : “પોસ્ટ ઓફિસ”. ડોસો ઑફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ બેચાર જણા કામમાં હોય તેમ વ્યાવહારિક ‘ગુસપુસ’ થતી હતી.

પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ! અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો. પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યાં હતાં. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળનાં સરનામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દીવાનસાહેબ, લાઇબ્રેરિયન, એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંક્યે જતો હતો.

એવામાં અંદરથી એક મશ્કરીભર્યો અવાજ આવ્યો : ‘કોચમેન અલી ડોસા !’ વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું, ને આગળ વધ્યો, અને બારણા પર હાથ મૂક્યો.

‘ગોકળભાઈ !’

’કોણ ?’

‘કોચમેન અલી ડોસાનો કાગળ કીધો નાં ?….. હું આવ્યો છું.’

જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું.

‘સાહેબ ! આ એક ગાંડો ડોસો છે. એ હંમેશાં પોતાનો કાગળ લેવા પોસ્ટઑફિસે ધક્કો ખાય છે.’ કારકુને આ શબ્દો પોસ્ટમાસ્તરને કહ્યા, ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. પાંચ વર્ષ થયાં એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો.

અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશાં જેમ અફીણીને અફીણ લેવું પડે, તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચીતરા તેતર પર અલીની દૃષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય ! એની તીક્ષ્ણ દૃષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા, પીળા ‘કાસડા’ના કે રાંપડાના ધાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા, આગળ વધી જતા ને સસલું બચી જતું, પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દૃષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પળે તે રહેતું નહિ. વળી ક્યારેક અલી મચ્છીમારોનો મિત્ર બની જતો.

પણ જ્યારે જીવનસંધ્યા પહોંચતી લાગી, ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઇ હતી; અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લાં પાંચ વર્ષ થયાં કાંઈ સમાચાર હતા નહિ. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરનાં બચ્ચાંને આકુળવ્યાકુળ દોડતાં જોઈ હસતો. આ એનો – શિકારનો આનંદ હતો.

શિકારનો રસ એની નસેનસમાં ઊતરી ગયો હતો, પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતાં શિકાર ભૂલી, સ્થિર દૃષ્ટિથી અનાજનાં ભરચક લીલાં ખેતર જોઈ રહેતો ! એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહનાં આંસુ છે ! પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હંમેશાં સવારમાં ચાર વાગ્યે ઊઠીને એ પોસ્ટઑફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહિ, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસનાં તે હંમેશાં સૌથી પહેલો પોસ્ટઑફિસે આવીને બેસતો.

પોસ્ટઑફિસ – કદાચ જગતમાં સૌથી રસહીન મકાન – એનું ધર્મક્ષેત્ર – તીર્થસ્થાન બન્યું. એક જ જ્ગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશાં બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મશ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જ્ગ્યા પરથી પોસ્ટઑફિસનાં બારણાં સુધી, કાગળ ન હોય છતાં, ધક્કો ખવરાવતા. અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય હોય તેમ એ હંમેશાં આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો.

અલી બઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઑફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે, એટલે આખા શહેરના દરેકદરેક ઑફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો.

કોઈના માથા પર સાફો. તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ – એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખૂલ્યું, દેવાના અજવાળામાં સામેની ખુરશી પર તૂંબડા જેવું માથું ને હંમેશનો દિલગીરીભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્તર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાં ય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડસ્મિથનો ''વિલેજ સ્કૂલ માસ્તર'' આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્તર હોય છે !

અલી પોતાની જ્ગ્યાએથી ખસ્યો નહિ.

પોલીસ કમિશનર ! કારકુને બૂમ પાડી, ને એક થનગનાટ કરતા જુવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો.

સુપરિન્ટેન્ડન્ટ !

બીજો એક પટાવાળો આગળ આવ્યો – અને આમ ને આમ એ સહસ્ત્રનામાવલિ વિષ્ણુભક્તની જેમ કારકુન હંમેશાં પઢી જતો. અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઊઠ્યો. પોસ્ટઑફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો ! અરે ! સૈકાઓ પહેલાંનો ગામડિયો !

આ માણસ ગાંડો છે ? પોસ્ટમાસ્તરે પૂછ્યું.

હા, કોણ ? અલી ના ? હા સાહેબ, પાંચ વરસ થયાં ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે ! એનો કાગળ ભાગ્યે જ હોય છે ! કારકુને જવાબ આપ્યો.

કોણ નવરું બેઠું છે ? હંમેશ તે કાગળ ક્યાંથી હોય ?

અરે ! સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે ! તે પહેલાં બહુ પાપ કરતો, એમાં કોઈ થાનકમાં દોષ કર્યો ! ભાઈ, કર્યાં ભોગવવાં છે ! પોસ્ટમેને ટેકો આપ્યો.

ગાંડા બહુ વિચિત્ર હોય છે.

હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો : બસ, બીજું કાંઈ નહિ. બીજા એક ગાંડાને હંમેશાં નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી !

અરે, એક ગાંડાને એવી હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે ! બીજો એક કવિતા ગાયા કરતો ! એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો. ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો !

આજે પોસ્ટઑફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશાં આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બે-ચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકરવર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. પોસ્ટ્માસ્તર છેવટે ઊઠ્યા અને જતાં જતા કહ્યું : માળું, ગાંડાની પણ દુનિયા લાગે છે ! ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે !

છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્તર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળ્યે જરાં ગાંડાઘેલાં જોડી કાઢતો ને એને સૌ ખીજવતા. પોસ્ટમાસ્તરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતાં હસતાં એના તરફ ફરીને કહ્યુ હતું. પોસ્ટઑફિસ હતી તેવી શાંત બની રહી.

એક દિવસ અલી બે-ત્રણ દિવસ સુધી આવ્યો નહિ. પોસ્ટઑફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દૃષ્ટિ કોઈનામાં ન હતી. પણ એ કેમ ન આવ્યો, અવી કૌતુકબુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો હતો, ને એના ચહેરા પર જીવનસંધ્યાનાં સ્પષ્ટ ચિહ્ન હતાં.

આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટમાસ્તરને પૂછ્યું : માસ્તરસાહેબ, મારી મરિયમનો કાગળ છે ?

પોસ્ટમાસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું.

ભાઈ, તમે કેવા છો ?

મારું નામ અલી ! અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો.

હા. પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે ?

નોંધી રાખોને, ભાઈ ! વખત છે ને કાગળ આવે, ને હું ન હોઉં તો તમને ખપ આવે ! પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે ?

પોસ્ટમાસ્તર તપી ગયા : ગાંડો છે કે શું ? જા, જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહિ જાય !

પોસ્ટમાસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતાં નીકળતાં એક વખત ફરીને પોસ્ટઑફિસ તરફ જોઇ લીધું ! આજે એની આંખમાં અનાથનાં આંસુની છાલક હતી, અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો ! અરે ! હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે ?

એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો : ભાઈ !

કારકુન ચમક્યો, પણ તે સારો હતો.

કેમ ?

જુઓ, આ મારી પાસે છે. એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી. એ જોઈ કારકુન ભડક્યો.

ભડકશો નહિ, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી, પણ એક કામ કરશો ?

શું ?

આ ઉપર શું દેખાય છે ? અલીએ શુન્ય આકાશ સામે આંગળી ચીંધી.

''આકાશ''

ઉપર અલ્લા છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો.

કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો : ક્યાંથી ક્યાં પહોંચાડવો ?

મારી કબર ઉપર !

હેં ?

સાચું કહું છું. આજ હવે છેલ્લો દિવસ છે ! અરેરે છેલ્લો ! મરિયમ ન મળી – કાગળે ન મળ્યો. અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમેધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખીસામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું.

પછી અલી કોઈ દિવસ દેખાયો નહિ, અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહિ. એક દિવસ પોસ્ટમાસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી, અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. ટપાલ આવી ને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટમાસ્તરે ઝપાટાબંધ એક કવર ઊંચકી લીધું. પણ એના ઉપર સરનામું હતું ''કોચમેન અલી ડોસા !''

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું ! દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભર્યું કે આ પેલા ડોસાનું કવર – અને કદાચ એની દીકરી મરિયમનું.

લક્ષ્મીદાસ ! – એમણે એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા.

કેમ સાહેબ ?

આ તમારા કોચમેન અલી ડોસા ….. આજે હવે ક્યાં છે એ ?

તપાસ કરશું.

તે દિવસે પોસ્ટમાસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઑફિસમાં બેઠા હતા. ચાર વાગે ને અલી ડોસા આવે કે, હું પોતે જ તેને કવર આપું, એવી આજ એમની ઈચ્છા હતી.

વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. પાંચ પાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલવહેલું લાગણીથી ઊછળી રહ્યું હતું. બરાબર પાંચ વાગ્યે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા નહતા, પણ આ ટકોરો અલીનો હતો, એમ લાગ્યું. પોસ્ટમાસ્તર ઊઠ્યા. પિતાનું હૃદય પિતાના હૃદયને પિછાને તેમ આજે એ દોડ્યા, બારણું ખોલ્યું.

આવો અલીભાઈ ! આ તમારો કાગળ ! બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો.

છેલ્લાં આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી, ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી ફરેલી હતી.

તેણે પોસ્ટમાસ્તર સામે જોયું ને પોસ્ટમાસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું !

કોણ સાહેબ ? અલી ડોસા ….! લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો.

પણ પોસ્ટમાસ્તરે તે તરફ હવે લક્ષ ન આપતાં બારણા તરફ જ જોયા કર્યું – પણ ત્યાં કોઈ ન લાગ્યું.

પોસ્ટમાસ્તરની આંખ ફાટી ગઈ ! બારણામાં હવે કોઈ જ હતું નહિ, એ શું ? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા.

એના સવાલનો જવાબ વાળ્યો :

હા, અલી ડોસા કોણ ? તમે છો નાં ?

જી, અલી ડોસો તો મરી ગયેલ છે ! પણ એનો કાગળ લાવો મારી પાસે !

હેં ? કે દી ? લક્ષ્મીદાસ !

જી, એને તો ત્રણેક મહિના થઈ ગયા ! સામેથી એક પોસ્ટમેન આવતો હતો. તેણે બીજો અરધો જવાબ વાળ્યો હતો.

પોસ્ટમાસ્તર દિંગ્મૂઢ બની ગયાં. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો ! અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે, અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમાસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંન્ને ખડાં થયાં ! એમનું મન ભ્રમમાં પડ્યું : મે અલીને જોયો કે એ માત્ર શંકા હતી, કે એ લક્ષ્મીદાસ હતો ? –

પાછી રોજનીશી ચાલી : પોલીસ કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યે જતો હતો. પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમે પોસ્ટમાસ્તર આજે એકીનજરે એ તરફ જોઈ રહ્યા છે ! કવર એટલે એક આનો ને પોસ્ટ્કાર્ડ એટલે બે પૈસા એ દૃષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું ? પોસ્ટમાસ્તર વધારે ને વધારે ઊંડા ઊતરે છે.

મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.

તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટમાસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્તર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા.

લક્ષ્મીદાસ ! આજે સવારે તમે પોસ્ટઑફિસે વહેલા આવ્યા કાં ?

જી. હા.

અને તમે કીધું, અલી ડોસા …..!

જી હા.

પણ ત્યારે …. ત્યારે, સમજાયું નહિ કે ….!

શું ?

હાં ઠીક, કાંઈ નહીં ! પોસ્ટમાસ્તરે ઉતાવળે વાત વાળી લીધી.

પોસ્ટઑફિસનું આંગણું આવતાં પોસ્ટમાસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપ એમ ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા, ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો.

Loading

કવિ ચંદ્રેશ ઠાકોરની ચિરવિદાય

રઈશ મણીઆર
|Opinion - Literature|12 July 2015

કવિ ચંદ્રેશ ઠાકોર ગુજરાતના કાવ્યવિશ્વમાં કદાચ ઓછા જાણીતા હશે, પણ એમણે ડિટ્રોઈટ મુકામે કુંદનબહેન ભરતભાઈ જેવાં મિત્રો સાથે મળીને “ડિટ્રોઈટ સાહિત્યવર્તુળ” ચલાવ્યું છે. પ્રત્યેક વિદેશપ્રવાસી ગુજરાતી કવિ જો ડિટ્રોઈટ ગયા હોય તો એમણે ચંદ્રેશભાઈની મહેમાનગતિનો લહાવો માણ્યો જ હશે. 80 વર્ષની વય સુધી ઉત્સાહ અને સ્ફૂિર્તથી ધગધગતું રહેલું આ જીવંત વ્યક્તિત્વ કાળની ગતિને આધીન થયું છે, ત્યારે એમને હું મારી આદરાંજલિ અર્પું છું.

મૂળ ભરુચના, ગોધરા અને જૂનાગઢમાં જીવનનો પૂર્વાર્ધ વિતાવી છેલ્લા ચાર પાંચ દાયકાથી ભારતીય અને અમેરિકન સંસ્કૃિતમાંથી “બેસ્ટ ઓફ બોથ”ને જાળવી તારવીને જીવતા ચંદ્રેશભાઈ મારે મન એક અમેરિકન ભારતીય કેવો હોવો જોઈએ એનો એક આદર્શ હતા. એમના પત્ની જ્યોતિબહેન ઠાકોર (સુરત જીવનભારતી કેળવણીમંડળના સ્થાપક શ્રી. સી.સી. શાહનાં દીકરી) એક મોટાં ગજાનાં કલાકાર. સુંદર મજાનાં ચિત્રો અને શિલ્પોનો ખજાનો એમની પાસે. આ પ્રસન્ન દાંપત્યને અમેરિકાના પ્રવાસોમાં કાયમ નિહાળ્યું. આ જોડી ખંડિત થવાનો વિષાદ હૈયે રહેવાનો.

ગુજરાતી સાહિત્ય રસિકોને આજે એમના સાત હાઈકુનો પરિચય કરાવીને ખ્યાલ આપવો છે કે કેવી કેવી કાવ્યપ્રતિભાઓને સમયસર પોંખવાનું આપણે ચૂકી જતા હોઈએ છીએ.

આ નાનકડાં કોડિયાં જેવાં સાત કાવ્યો મારા મનને એ વાતની પ્રતીતિ કરાવે છે કવિ ચન્દ્રેશ ઠાકોરની કલમ સૂરજના ખડિયામાં બોળીને લખે છે, નહિતર કોડિયાંમાં આવું અજવાળું! સાત અલગ અલગ વિષયો પર આ કાવ્યો છે, કવિએ કોઈ કારણસર એમને હાઈકુ કહેવાનું ટાળ્યું છે. વાંચતા લય પકડાય અને મનોહારી આંતરપ્રાસ પણ ક્યાંક ક્યાંક કાને પડે એ વધારાની શોભા. પણ મને આકર્ષે છે કવિનો કસબ જે નાના નાના ચિત્રો પકડી એમને સિફતથી, સાહજિકતાથી, સલૂકાઈથી એમનું સૌંદર્ય અળપાવા દીધા વગર, તમારી હથેળીમાં વિચાર-પતંગિયાઓ બનાવી મૂકે દે છે.

ઘાટ ઘડાયો
મારો, તારા હાથની
રૂ હથોડીએ

એક અસ્તિત્વ, વ્યક્તિત્વ બને એ માટે એણે ઘાટ ઘડાવાનો આઘાત, એની પીડા સહેવી પડે છે. અહીં કવિ ભાગ્યશાળી છે. જીવનમાં જે પૂરકપાત્ર મળ્યું છે, એ ઘાટ ઘડવાની ફરજ તો અદા કરે જ છે પણ એનું ઓજાર હથોડો નથી, હથોડી છે, અને એ ય રૂની હથોડી છે. પ્રસન્ન દાંપત્યનું સુંદર ચિત્ર!

મન આંખો તો
ખડકી નહીં, પણ
આયખું માપે

મનની આંખ એટલે વિચાર. વિચારની ગતિ સ્થળમાં ઓછી અને કાળમાં વધારે તેથી એ ખડકીને નહીં પણ આયખાને માપતી રહે છે. મનની આંખ વિચારના પિંજણા પર ભૂતકાળ અને ભવિષ્યને ચૂંથતી રહે છે.

અશબ્દ સાવ
શીખવે છે ખડક
મૌનતાકાત

‘ખડક અશબ્દ છે’ એમ કવિ કહે છે ત્યારે કવિને એ કહેવાની ય જરૂર નથી કે એ ખડક ઘૂઘવતા સાગરના ભારે અવાજ સાથે નિરંતર પછડાતાં વેગવંતા મોજાંની વચ્ચે જીવે છે. અને કવિને એ ય કહેવાની જરૂર નથી કે ખડક અડગ રહી મોજાની ગતિની તાકાતને વિફળ બનાવે છે. કવિ તો આપણે માટે બસ એટલું તારવી આપે છે કે મૌનની તાકાત કેવી હોય!

આંખ કદીય
પહેરી શકે નહીં
મૌનનાં વાઘાં

સંવાદનાં, પ્રત્યાયનનાં માધ્યમો ભાષા વાણી કે શબ્દ સિવાય પણ ઘણાં હોઈ શકે. હૃદયની ભાષાને બુદ્ધિ વિચારથી સમજે અથવા ભાષા કે શબ્દોથી અભિવ્યક્ત કરે એના કરતાં કંઈ વધુ ઝડપથી માણસનું શરીર એને વ્યક્ત કરી દે છે. એમાં ય ગમો-અણગમો આકર્ષણ-અપાકર્ષણ વ્યક્ત કરવામાં આંખ જીભ કરતાં વધુ બોલકી હોય છે. જીભ પર લગામ લગાવી શકાય પણ આંખ કદી મૌનના વાઘાં પહેરી શકે?

કાંકરો લીલો
મગદાણાંય લીલા
મા છેતરાય?

અનેક કવિઓએ કશા ય ઉધામા કે મોટા દાવાઓ વગર ઘરનાં નાનાંનાનાં કામોમાં જીવ રેડતી માનાં સુંદર ચિત્રો આલેખ્યાં છે, કાવ્યવિશ્વની એ શોભામાં ઉમેરો કરતું આ લાજવાબ લઘુકાવ્ય છે. મગ ઓરતાં પહેલાં પોતાના સ્નેહીજનોના હિતાર્થે અનિવાર્યપણે કાંકરા ચૂંટતી માના આ નાનકડાં કાર્યમાં રહેલ પડકારને અને એ પડકારને પહોંચી વળવાનાં માનાં કૌશલ્યને કાવ્યદેહે વણી લેવા માટે કાંકરા વીણનારી મા જેવી જ ચકોર કવિનજર અપેક્ષિત છે.

રસ્તો વળે છે
હું જો નહીં વળું તો
ક્યાં જઈશ?

તૈયાર રસ્તાઓ, પરાપૂર્વથી બનેલા રસ્તાઓ પર જ ચાલવાની માનવની નિયતિ આઝાદમિજાજ કવિજીવને ખૂંચે, એ વાત તો જૂની છે. પણ અહીં કવિએ ‘વળવું’ શબ્દનો અદ્દભુત ઉપયોગ કર્યો છે. રસ્તો વળાંક લે છે, ત્યારે સીધું ચાલવાવાળા પાસે પોતાની દિશા પકડી રાખવાની ટેક કે અકડ છોડવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. અહીં ‘રસ્તા વળે એટલે સાથે વળવું પડે’ એ એક વાચ્યાર્થ છે પણ સાથે સાથે અકડ છોડીને વળવું (જેમ કે, કોઈ વાળે તેમ વળવું) એ શબ્દપ્રયોગમાં લવચીકતા, સમાધાન અને ઝૂકવાનો પણ સૂર છે.

પાપા પગલી
ભાગે જલદી, લેજો
હૈયે ઝડપી

બાળક પા પા પગલી ભરવા જેવડું પગભર થાય કે તરત માનો પાલવ કે બાપની આંગળી છોડી પોતાની ગતિથી આસપાસના જગતને ખૂંદી વળે છે. એ ચંચળ બાળકની સુરક્ષા માટે ચિંતિત માબાપ એને પકડવા, એને ઝડપવા એની પાછળ દોડતાં હોય છે, આ ચિત્ર આપણાં સૌની અનુભૂતિનો હિસ્સો છે. આ પરિચિત દૃશ્યના સહારે કવિ બીજું નિશાન તાકે છે. બાળકની પા પા પગલી માત્ર સ્થળને નહીં, કાળને ય ખૂંદે છે અને બાળક જોતજોતા મોટું થઈ જાય છે. કવિ કહે છે કે વાત્સલ્યના આનંદની ક્ષણોને હૈયામાં ઝડપી લેવાનું જો જો ચૂકી ન જતાં! અહીં ‘ઝડપવું’ શબ્દને બે રીતે વાપરી કવિએ કમાલ કરી છે.

આ હાઈકુઓમાં ચંદ્રેશભાઈનો શ્વાસ હજુય ધબકે છે. અનુભવાયો?

https://www.facebook.com/raeesh.maniar/posts/878426308877173?comment_id=878461975540273&notif_t=feed_comment_reply

Loading

૬૬૯ બાળકોના પિતાને હૃદયાંજલિ

વિશાલ શાહ|Opinion - Opinion|12 July 2015

૬૬૯ બાળકોના 'પિતા'ને હૃદયાંજલિ

આ દુનિયામાં રોજેરોજ કેટલાંક સારા કર્મો થાય છે અને કેટલાંક ખરાબ. જો કે, નાનામાં નાના સારાં કર્મની અસર ખરાબ કર્મ કરતાં અનેકગણી વધારે શક્તિશાળી હોય છે. એક નાનકડું સારું કર્મ ક્યારે 'મહાનતા'માં ખપી જશે એ કહી શકાતું નથી. આ વાતનું સૌથી ઉત્તમ ઉદાહરણ કોઈ હોય તો તે છે, સર નિકોલસ વિન્ટન. નિકોલસના જીવનમાં પણ એક એવી ક્ષણ આવી હતી જ્યારે તેમણે નૈતિક હિંમત દાખવીને અઘરો અથવા તો સામેથી મુશ્કેલીઓને આમંત્રણ નહીં આપીને સુરક્ષિત રસ્તો અપનાવવાનો હતો. જો કે, તેમણે અઘરો રસ્તો પસંદ કરીને મધ્ય યુરોપના ચેકોસ્લોવેકિયા દેશમાં ફસાયેલા ૬૬૯ યહૂદી બાળકોને નાઝી કેમ્પમાં કમોતે મરતાં બચાવ્યા હતા. નિકોલસે બાળકોને બચાવવા શું કર્યું હતું એ ઇતિહાસ કલ્પના કરતાં પણ વધારે રોચક છે. આ બાળકો આજે ૭૦થી ૮૦ વર્ષની ઉંમરનાં થઈ ગયાં છે, જે આજે પણ 'વિન્ટન્સ ચિલ્ડ્રન્સ' તરીકે ઓળખાય છે. આ યહૂદી બાળકોની બે-ત્રણ પેઢી પણ લગ્ન કરીને ઠરીઠામ થઈ ગઈ છે અને તેમના વંશજોની સંખ્યા છ હજારને પાર થઈ ગઈ છે. નાઝી યુગમાં જબરદસ્ત શૂરવીરતા દાખવનારા સર નિકોલસ વિન્ટનનું પહેલી જુલાઈ, ૨૦૧૫ના રોજ ૧૦૬ વર્ષની વયે અવસાન થયું છે.

નૈતિકતાની કસોટી કરતો નિર્ણય

વર્ષ ૧૯૩૮માં દ્વિતિય વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે નિકોલસ વિન્ટન લંડન સ્ટોક એક્સચેન્જમાં ક્લાર્ક હતા. એ વખતે ચેકોસ્લોવેકિયામાં શિક્ષક તરીકે નોકરી કરતા નિકોલસના ખાસ મિત્ર માર્ટિન બ્લેકે તેમને સ્કિઈંગ વેકેશન પર આવવાનું આમંત્રણ આપ્યું હતું. નિકોલસે ખુશ થઈને આ આમંત્રણ સ્વીકારી લીધું હતું પણ આ દરમિયાન માર્ટિને નિકોલસને ફોન કરીને કહ્યું કે, ''હવે હું સ્કિઈંગ કરવા નહીં પણ પ્રાગ (એ વખતે ચેકોસ્લોવેકિયાની અને અત્યારે ચેક રિપબ્લિકની રાજધાની) જઈ રહ્યો છું અને તારે પણ મારી સાથે આવવું જોઈએ.'' માર્ટિન પ્રાગ જઈને યહૂદીઓને બચાવવાના કામમાં જોડાવવા માગતા હતા કારણ કે, હિટલરના નાઝી લશ્કરે યહૂદીઓની સામૂહિક કત્લેઆમ કરવા તેમને શોધી શોધીને બંદી બનાવવાનું શરૂ કરી દીધું હતું. હવે નિકોલસે નિર્ણય કરવાનો હતો કે, સ્કિઇંગ કરવાના વિચારો પડતા મૂકીને માર્ટિન સાથે યહૂદીઓની મદદે જવું કે પછી લંડન સ્ટોક એક્સચેન્જમાં બેસીને શેરબજારના ઈન્ડેક્સની ચિંતા કરવી? જો કે, નિકોલસ માર્ટિન સાથે પ્રાગ જવાનો નિર્ણય કરે છે અને એ વખતે તેમની ઉંમર હોય છે, ૨૯ વર્ષ.

નાઈટહૂડના ખિતાબ સાથે નિકોલસ વિન્ટન

નિકોલસ ચેકોસ્લોકેવિયા પહોંચીને ત્યાંની સ્થિતિ જોતા દંગ રહી ગયા હતા. જે યહૂદીઓ નાઝી લશ્કરના હાથમાં નહોતા આવ્યા તેઓ કોઈ પણ ભોગે ચેકોસ્લોવેકિયા છોડીને સુરક્ષિત સ્થળે જવા માગતા હતા. જર્મનીના ક્રિસ્ટલ નાઈટ શહેરમાં નવ અને દસ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ હિટલરના લશ્કરે યહૂદીઓની સામૂહિક કત્લેઆમ શરૂ કરી દીધી હતી. આ ઘટનાએ ભયાનક ખૌફનો માહોલ સર્જ્યો હતો. મોતનો ભયાનક ડર, લાચારી અને અવ્યવસ્થાની સ્થિતિમાં હજારો યહૂદી પરિવારો ઘરવિહોણાં થઈને વિખરાઈ ગયા હતા. નાઝી લશ્કરે હજારો યહૂદીઓને ઝડપી લીધા હતા અને તેથી અનેક બાળકો અનાથ થઈ ગયા હતા.

બાળકો બચાવવા શરૂ કર્યું 'મેનેજમેન્ટ'

હિટલરનું લશ્કર યહૂદીઓની કત્લેઆમ કરી રહ્યું હતું ત્યારે બ્રિટન સિવાયના યુરોપના મોટા ભાગના દેશોએ યહૂદીઓ માટેની ઈમિગ્રેશન પ્રક્રિયા કડક બનાવી દીધી હતી. આ દરમિયાન બ્રિટન સહિતના યહૂદી અને બિન-યહૂદી જૂથોએ યહૂદી બાળકોને બચાવવા 'મૂવમેન્ટ ફોર ધ કેર ઓફ ચિલ્ડ્રન ફ્રોમ જર્મની' નામનું સંગઠન સ્થાપ્યું હતું. આ સંગઠનની ઉગ્ર રજૂઆતોને પગલે બ્રિટને યહૂદી શરણાર્થીઓની ઈમિગ્રેશન પ્રક્રિયા અત્યંત ઝડપી કરવાની ખાતરી આપી હતી. આ જૂથના પ્રયાસોથી જ બ્રિટનમાં કિન્ડરસ્પોર્ટ્સ પ્રોગ્રામ શરૂ થયો હતો. દ્વિતિય વિશ્વયુદ્ધના નવેક મહિના પહેલાં જર્મની, ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ અને દાનઝિમાં ફસાયેલા યહૂદી બાળકોને સલામત રીતે બ્રિટન પહોંચાડવા શરૂ કરાયેલી યોજના કિન્ડસ્પોર્ટ્સ તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ યહૂદી બાળકો બ્રિટનમાં યજમાન પરિવારોને સોંપાતા હતા. જે બાળકોને હંગામી ધોરણે પણ કોઈ પરિવાર ના મળે તેમને હોટેલો, સ્કૂલો, હોસ્ટેલો અને ખેતરોમાં શરણાર્થી કેમ્પ ઊભા કરીને રખાતા હતા. આ યોજના હેઠળ ૧૭ વર્ષથી મોટા બાળકને બ્રિટન લાવવામાં આવે ત્યારે ૫૦ પાઉન્ડનો બોન્ડ કરવો ફરજિયાત હતો, જેનો હેતુ યહૂદી બાળકો ખતરો ટળ્યા પછી 'વતન'માં પાછા જતા રહે એ હતો.

ચેકોસ્લોવેકિયામાંથી બચાવેલી એક બાળકી સાથે નિકોલસ વિન્ટન

યહૂદીઓને બચાવવાનું કામ શરૂ કર્યું ત્યારે નિકોલસે અનુભવ્યું કે, જેમને પકડીને બંદી બનાવવા સૌથી સહેલા છે એવા હજારો બાળકોનું તો કોઈ રણીધણી જ નથી. આ કારણોસર તેણે બાળકો માટે કંઈક કરવાનું વિચાર્યું. ચેકોસ્લોવેકિયામાં જે બાળકો પર જીવનું સૌથી વધારે જોખમ હતું એવા પાંચેક હજાર બાળકોની તેણે એકલા હાથે માહિતી એકત્રિત કરી. નિકોલસના કામકાજની નાઝી અધિકારીઓને ગંધ આવી ત્યારે તેણે ખિસ્સાખર્ચીમાંથી લાંચ આપીને પતાવટ કરી. આ કામમાં અંશતઃ સફળતા મળ્યા પછી વધુ ચુસ્ત કામ કરવા નિકોલસે એકલા હાથે શરણાર્થી સંસ્થા ચાલુ કરી, જેમાં તેણે સતત નવ મહિના રાત-દિવસ કામ કર્યું. આ માટે નિકોલસે પ્રાગ અને લંડન વચ્ચે પણ રઝળપાટ કરવી પડી.

બાળકોને પ્રાગથી લંડન મોકલવા ટ્રેનો કરાઈ

નિકોલસ પ્રાગની એક હોટેલમાં રોકાઈને આ બધું કામ કરતા હતા. હોટેલના રૂમમાં રહીને નાઝીઓના નરસંહાર કાર્યક્રમની વિરુદ્ધમાં કામ કરવું જોખમી હતું. આ કારણોસર તેણે પ્રાગમાં સ્વખર્ચે એક ઓફિસ શરૂ કરી. નિકોલસે પ્રાગ અને લંડન વચ્ચે ધક્કા ખાઈને મહિનાઓ પછી કિન્ડરસ્પોર્ટ્સ પ્રોગ્રામ માટે ૯૦૦ બાળકોના દસ્તાવેજો તૈયાર કર્યા. હવે નિકોલસ માટે સૌથી મોટી મુશ્કેલી લંડનનું સરકારી તંત્ર હતું કારણ કે, ૯૦૦ બાળકોને પ્રાગથી લંડન લઈ જવા નવ મહિનામાં ઓછામાં ઓછી આઠ ટ્રેનોની જરૂર હતી. બ્રિટનમાં દરેક બાળક માટે યજમાન પરિવાર અને શરણાર્થી કેમ્પની મંજૂરી લેવામાં સરકારી ટેબલો પર બહુ વાર લાગતી હતી. વળી, નિકોલસ પાસે અનેક બાળકોના પૂરતા દસ્તાવેજો પણ ન હતા. આ કામ પતાવવા તેઓ લંડન ગયા, જ્યાં યજમાન પરિવારો શોધવામાં નિકોલસને તેની માતાનો પણ ભરપૂર સાથ આપ્યો હતો.

કિન્ડરસ્પોર્ટ્સ પ્રોગ્રામની ઉજવણી  નિમિત્તે દોડાવાયેલી ખાસ ‘વિન્ટન્સ ટ્રેન’

લંડનમાં યહૂદી બાળકોને રાખવા તૈયાર થનારા પરિવારોમાં યહૂદી જ નહીં બિન-યહૂદી પણ હતા. આ મામલે નિકોલસને બ્રિટનના યહૂદી રાજકારણીઓ સાથે તકરાર થઈ રહી હતી. લંડન પહોંચનારા તમામ બાળકોના ૫૦ પાઉન્ડની જામીનગીરી પણ નિકોલસ ભરતો હતો. અનેક બાળકોને પ્રાગથી લંડન જવાનું ભાડું ચૂકવવા તેણે ફાળો ઉઘરાવવો પડતો હતો કારણ કે, કેટલાક બાળકો અનાથ હતા તો કેટલાક યહૂદી માતા-પિતા પાસે કાણી પાઈ પણ ન હતી. આ બધી જ મુશ્કેલીઓને પાર કરીને નિકોલસે પ્રાગથી વાયા હોલેન્ડ થઈને લંડન જતી એક ટ્રેનમાં કેટલાંક બાળકોને મોકલવાની ગોઠવણ કરી. જો કે, હોલેન્ડ સરકાર 'વિવાદ'માં પડવા માંગતી ન હોવાથી પોતાની ટેરિટરીમાંથી યહૂદીઓને લઈ જતી ટ્રેનને મંજૂરી ના આપી. છેવટે ડચ અધિકારીઓએ લંડન જતી ટ્રેનને વાયા જર્મની મોકલી. જો કે, સદ્દનસીબે બાળકો બચી ગયા. બાદમાં નિકોલસે ડચ અધિકારીઓને સફળતાપૂર્વક સમજાવી લીધા કે, ભવિષ્યમાં બાળકોના જીવ ખાતર તેઓ આવું નહીં કરે.

આવી મુશ્કેલીઓ વચ્ચે  ચોથી માર્ચ, ૧૯૩૯ના રોજ બાળકોને લઈને પહેલી ટ્રેન રવાના થઈ. એના એક જ દિવસ પછી નાઝી લશ્કરે આખું ચેકોસ્લોવેકિયા ધમરોળી નાંખ્યું. આ સ્થિતિમાં પણ નિકોલસે ઠંડે કલેજે આયોજન કલેજે આયોજન કરીને ઓગસ્ટ સુધીમાં બીજી સાત ટ્રેનમાં અનેક યહૂદી બાળકોને પ્રાગથી લંડન મોકલી દીધા હતા. હવે, ૨૫૦ બાળકો સાથેની નવમી ટ્રેન ત્રીજી સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ લંડન જવાની હતી. આ પહેલાં એકેય ટ્રેનમાં આટલાં બધાં બાળકો ન હતાં. જો કે, પ્રાગ રેલવે સ્ટેશનેથી આ ટ્રેન ઉપડી જ નહીં કારણ કે, કિન્ડરસ્પોર્ટ્‌સ પ્રોગ્રામને ખેદાનમેદાન કરવા નાઝી લશ્કર પહેલી સપ્ટેમ્બરે જ તમામ સરહદો બંધ કરાવી દીધી હતી. આ ૨૫૦ બાળકોનું શું થયું એ વાત આજ સુધી જાણી શકાઈ નથી. જો કે, એ પહેલાં નિકોલસે ૬૬૯ બાળકને લંડન પહોંચાડી દીધા હતા.

૫૦ વર્ષ સુધી રહસ્ય અકબંધ રાખ્યું

નિકોલસ વિન્ટને ૫૦ વર્ષ સુધી પોતાની શૂરવીરતાની વાત છુપાવી રાખી હતી. આ દરમિયાન એંશીના દાયકામાં હોલોકોસ્ટ (સામૂહિક નરસંહાર) રિસર્ચર ડૉ. એલિઝાબેથ મેક્સવેલ વિન્ટન દંપતીના સંપર્કમાં આવ્યા. મેક્સવેલે સંશોધન માટે નિકોલસની પત્ની ગ્રેટે જેલ્સટ્રપ પાસેથી કેટલાક જૂના દસ્તાવેજો મેળવ્યા હતા, જેમાં નિકોલસે બચાવેલા બાળકોનાં નામ-સરનામાં પણ હતાં. આ ઘટના પછી નિકોલસની ૬૬૯ યહૂદી બાળકોને બચાવવાની વાત બહાર આવી અને આગની જેમ ફેલાઈ ગઈ. આ વાત નિકોલસે ૫૦ વર્ષ સુધી છુપાવી રાખી હતી. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે, ''એવી ઘણી વાતો હોય છે જે તમે પરિવારજનોને પણ કરી શકતા નથી. એ બધું યુદ્ધ વખતે થયું હતું અને મને યુદ્ધ સહિત આવી કોઈ વાત મહત્ત્વની નથી લાગી રહી …''

વર્ષ 2009માં નિકોલસ વિન્ટનના માનમાં પ્રાગ રેલવે સ્ટેશને મૂકાયેલું વિન્ટનનું પૂતળું

વર્ષ ૨૦૦૩માં બ્રિટિશ ક્વિને નિકોલસ વિન્ટનને નાઈટહૂડના ખિતાબથી સન્માનિત કર્યા હતા. વર્ષ ૨૦૧૪માં ચેક ખગોળશાસ્ત્રીઓએ શોધેલા એક ગ્રહને નિકોલસ વિન્ટનનું નામ અપાયું છે. તેમના માનમાં પહેલી સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ કિન્ડરસ્પોર્ટ્સની ૭૦મી જન્મજયંતીએ પ્રાગથી લંડન ખાસ 'વિન્ટન્સ ટ્રેન' દોડાવાઈ હતી. આ ટ્રેનમાં એ 'મોટા બાળકો' બેઠાં હતાં, જેમને નિકોલસે બચાવ્યાં હતા. આ ટ્રેન લંડન પહોંચી ત્યારે ૧૦૦ વર્ષના સર નિકોલસ વિન્ટને તેમનું સ્વાગત કર્યું હતું. આ બાળકોએ એ દિવસે પણ આંખોમાં હર્ષાશ્રુ સાથે પોતાને 'વિન્ટન્સ ચિલ્ડ્રન્સ' તરીકે ઓળખાવીને નિકોલસને સૌથી મોટું સન્માન આપ્યું હતું.

http://vishnubharatiya.blogspot.in/2015/07/blog-post_9.html

Loading

...102030...3,8143,8153,8163,817...3,8203,8303,840...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved