Opinion Magazine
Number of visits: 9553068
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાંકડી શેરી, સાયકલ અને કુટુંબ — મારા સંસ્મરણો

નવીન બેન્કર|Opinion - Opinion|5 February 2015

આ ફોટો ૪૦ વર્ષ પહેલાંનો છે. − કદાચ ૧૯૭૫ની આસપાસનો.

સરનામું હતું – ૫૪૪, ઝૂંપડીની પોળ, સાંકડી શેરી, અમદાવાદ – ૩૮૦ ૦૦૧ ( ખાડિયા વોર્ડ, માણેક ચોક).  પોળની અંદર ખડકી અને લગભગ છેવાડાનું બે માળનું ઘર. નીચે રણછોડકાકા અને શાંતામાસી રહેતાં હતાં, અને મેડા પર અમે – અમે એટલે મારા દાદીમા વિચક્ષણ વિદ્યાબા, મારા પિતાશ્રી રસિકલાલ બેન્કર, કાકા રમણલાલ, મારી બા કમુ, હું અને મારા અન્ય છ ભાઇબહેનો – કોકિલા, દેવિકા, સુષમા, સંગીતા, વીરુભાઈ, અને અન્ય બે જે નાની ઉંમરમાં જ ગુજરી ગયેલા. ઘરમાં કોઈ સોફાસેટ, પલંગ, ડાઇનીંગ ટેબલ નહોતા.

ચિત્રમાં દેખાય છે એ દાદરા પાસેનો કઠેડો … કાચના બારણાવાળું શો-કેઇસ … લાકડાની બેઠક પર સુષમાબહેન … મારી બકુ અને ગુચ્છાદાર વાળવાળો નવીન બેન્કર. મારી સાઈડમાં પાછળ ગોદડા મૂકવાના ડામચિયાની ઝાંખી થાય છે. ઘરમાં ત્યારે ઇલેક્ટ્રીસિટી પણ ન હતી. ફાનસના અજવાળે અમે રહેતા હતાં. રાત્રે એ બેઠક પાસે મેઇન રૂમમાં જ મારી બા, બાપુજી, અને ભાઈબહેનો બાજુબાજુમાં પથારીઓ નાંખીને ફર્શ પર જ સૂઈ જતાં અને સવારે એ પથારીઓ ઉપાડી લઈને ડામચિયા પર ગોઠવી દેતાં. ચાદરો કે ઓશીકાના કવરો હતા કે કેમ એ તો મને યાદ જ નથી. આટલા બધા વચ્ચે જુદા જુદા ટૂવાલ હતા કે નહીં એ પણ યાદ નથી. બાથરૂમ તો હતો જ નહીં.

આગળની ગેલેરીમાં, અગાશી પર જવાની સીડી પાસે, ખુલ્લામાં એક ત્રાંબાનો બંબો હતો જેની પાસે ખુલ્લા આકાશ નીચે, અમે સ્નાન કરી લેતા હતાં. સ્ત્રીઓ નહાવા બેસે ત્યારે પુરુષો નીચે જતા રહેતા. બે નાનકડી ઓરડીઓ હતી જેમાં દાદીમાની સેવા, અનાજ, કરિયાણું, રાંધેલા ધાન મૂકવાનો એક કબાટ, છાજલીઓ, વધારાના વાસણો, અનાજ દળવાની ઘંટી પડ્યા રહેતાં અને મારા દાદીમા ત્યાં જ સૂઈ જતાં. અમે એ ઓરડીને  ‘બાની ઓયડી’ કહેતા. બીજી બાજુની ઓરડીમાં એક નાનકડું વા-બારિયું હતું. જ્યાં જમીન પર એક નાનકડી પથારી પર હું અને બકુ સૂઈ જતાં. મોટેભાગે એ ઓરડીનો દરવાજો એકાદ કલાક બાદ કરતાં ખુલ્લો જ રાખવો પડતો નહીંતર ગુંગણામણ થતી. મારા લગ્ન પહેલાં એ ઓરડી ‘મોટાભાઈની ઓયડી’ કહેવાતી.   શ્રીરામ .. શ્રીરામ …

અમારી દુનિયા માણેકચોક, રાયપુર, રતનપોળ, ગાંધી રોડ અને ભદ્રકાળીમાતાનું મંદિર કે ધના સુતારની પોળના માતાજીનું મંદિર સુધીમાં જ સમાઈ જતી હતી. મોટે ભાગે અમે બધાં ચાલી ચાલીને જ જતાં. ૧૯૬૦ પછી મેં એક જૂની હરક્યુલિસ સાઇકલ પચાસ રૂપિયામાં સેકન્ડહેન્ડ ખરીદી હતી. એ જમાનામાં નવી સાઇકલ બસ્સો રૂપિયામાં મળતી. સાઇકલ ખરીદવા માટે સરકારી ઓફિસોમાં ૨૦૦ રૂપિયાની લોન મળતી હતી. ૧૯૬૨ના જુલાઈ માસમાં મારો ગ્રોસ પગાર રૂપિયા ૧૬૧ અને ૮૨ પૈસા હતો, જેમાં મારા વિચક્ષણ વિદ્યાબા (દાદીમા) મહિનાનો ઘર ખર્ચ ચલાવતા. ૧૯૮૬ના જાન્યુઆરીમાં મેં વોલન્ટરી રિટાયર્મેન્ટ લીધું, ત્યારે મારો ગ્રોસ પગાર ૧,૪૦૦ રૂપિયા હતો અને મારું માસિક પેન્શન ૮૫૦ રૂપિયા, જે આજે વધી વધીને ૮,૫૦૦ રૂપિયા થઈ ગયું છે.

મારી એ જૂની સાઇકલની યાદોને મેં મારા બ્લોગ પર મૂકી છે. ૧૯૬૦માં લીધેલી એ સેકન્ડહેન્ડ સાઇકલ મેં છેક ૨૦૦૮ સુધી ચલાવી હતી – ટ્યુબ, ટાયર બદલવા પડતાં; બાકી હું સાયકલને હવામાં ઉડાડતો. સેટેલાઇટથી લાલ દરવાજા અને માણેકચોક સુધી, ગવર્નર પર કંતાનની જાડી થેલીમાં ખાંડ, ગોળ અને શાકભાજી ભરીને સીટી વગાડતા વગાડતા, ઝુલ્ફોને હવામાં લહેરાવતો લહેરાવતો, એક હાથ છૂટ્ટો મૂકી દઈને, મસ્તીથી સાયકલ ચલાવતો. ૧૯૭૯માં અમેરિકા આવ્યા પછી યે જ્યારે જ્યારે અમદાવાદ જાઉં ત્યારે ત્યારે પણ ૨૦૧૦ સુધી સાયકલ ચલાવી છે. ૧૯૮૨માં લેમ્બી સ્કૂટર, ચેતક સ્કૂટર પર સજોડે મુસાફરી કરતાં કરતાં પણ સાયકલ તો ચલાવતો જ હતો.

૨૦૧૦માં મેં બેલેન્સ ગુમાવી દીધું. હાલમાં હું સાયકલ કે સ્કૂટર ચલાવી શકતો નથી.

૨૦૧૦માં મેં મારી એ પ્રિય સંગિની હરક્યુલિસ સાયકલ અમારે ત્યાં પ્લમ્બીંગનું કામ કરવા આવનાર એક કારીગરને ગીફ્ટ તરીકે આપી દીધી – અલબત્ત, નવા ટ્યુબ-ટાયર નંખાવી, ઓવરહોલીંગ કરાવીને, નવી બ્રેકો નંખાવીને ચાલુ હાલતમાં. પ્લમ્બર સાયકલ લઈને ગયો ત્યારે હું છુટ્ટે મ્હોંએ રડેલો.

આજે અમેરિકામાં, ટોયોટા કોરોલા ચલાવતા એ આનંદ નથી આવતો જે એ સાયકલ ચલાવતા આવતો હતો. કોઈ હિન્દી ફિલ્મમાં રાજેન્દ્રકુમારને વૈજયંતિમાલાને સાયકલના આગળના ડંડા પર બેસાડીને, ‘બનકે પંછી ગાયે પ્યારકા તરાના’ જેવાં ગીતો ગાતા જોઈને પણ હું આજે ય રડી પડું છું.

આજે જીવનના બધા જ થ્રીલ, એક્સાઈટમેન્ટ્સ ખત્મ થઈ ચૂક્યાં છે. ઇન્ટરનેટ પર ગુજરાતીમાં ઘસડવું …લોકોને ઇ-મેઇલ્સ કરવા … ઢગલાબંધ ફિલ્મો થિયેટરમાં બેસીને જોવી … રાત્રે હિન્દી સિરિયલો જોવી .. લાયબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચવાં … સમાન વિચારસરણીવાળા મિત્રો સાથે ગપાટા મારવા … સિનિયર્સ મંડળ, સાહિત્ય સરિતા, હિન્દી કવિતાગ્રુપ, જેવા સાથે સમય વિતાવવો. હરનિશ જાની, પ્રવીણકાંત શાસ્ત્રી કે ચિમન પટેલ જેવા વિદ્વાનો (સમાન વિચારસરણીવાળી સ્ત્રી મિત્રોનાં નામ નથી લખતો.) સાથે ઇન્ટરનેટ પર ગૂફ્તગો કરી લેવી … એ જ માત્ર પ્રવૃત્તિ રહી ગઈ છે.

બાકી, સાચું કહું ?  બે હાથ જોડીને કોઇ રૂપાળીને ‘જય શ્રી કૃષ્ણ’ કહેવું  દિલથી નથી ગમતું.  કોઈને પણ ગમે ????

લખ્યા તારીખ – ૧૨ ડિસેમ્બર ૨૦૧૪

My Blog : navinbanker.gujaratisahityasarita.org

Ek Anubhuti : Ek Ahesas.  

e.mail : navinbanker@yahoo.com

Loading

ગરીબ-તવંગરની ખાઈ એ શું નવી નવાઈની ઘટના છે?

આશા બૂચ|Opinion - Opinion|4 February 2015

આજકાલ ‘ગરીબ અને તવંગર વચ્ચે વધતી ખાઈ’ વિષે દરેક ‘સુધરેલા’ દેશોના નેતાઓ અને ગરીબો માટે કુણી લાગણી ધરાવનારા કેટલાક કર્મશીલો પોતે આ મહા પ્રશ્ન વિષે ચિંતા સેવે છે, એમ વારંવાર ઉચ્ચારીને પોતે નિર્ધન પ્રજા માટે કેવા હમદર્દ છે અને પોતાના દેશનો આત્મા શુદ્ધ હોવાને કારણે એ વિષે જાગૃત છે એવાં બણગાં એવાં તો જોરથી ફૂંકે છે કે હવે એમ માનવાનું મન થાય છે કે ખરેખર ગરીબ-તવંગર સહુ એક સમાન થઈ જવાનો સમય પાકી ગયો છે અને એવા સર્વોદય સમાજમાં રહેવાનું સુખ કેવું હશે તેના દીવા-સ્વપ્ન જોવા લાગી છું.

બ્રિટનના બી.બી.સી.ના એક સંવાદદાતા જેક પેરેટીની આંતરડી કકળી ઊઠી હશે એટલે તેમણે આ વિષે આધારભૂત માહિતી એકઠી કરવાનું બીડું ઝડપ્યું, જે Super Rich & Us એવા મથાળા હેઠળ ટેલીવિઝન પર પ્રસારિત થયેલું. અધૂરામાં પૂરું World Economic Forum સ્વીત્ઝર્લેન્ડના સ્કી રિસોર્ટ માટે પ્રખ્યાત એવા ડાવોસ મધ્યે અસંખ્ય કરોડાધિપતિઓ અને રાજકારણીઓ (કેટલાક કિસ્સાઓમાં એ બંને હોદ્દો એક જ વ્યક્તિ ધરાવતી હોવાનો સંભવ છે) મળ્યા.

ઉપરોક્ત કાર્યક્રમ અને સમાચારોમાંથી જાણવા મળ્યું કે વર્તમાન ગતિથી અસમાનતા વધતી રહેશે તો આવતા વર્ષ સુધીમાં દુનિયાની 1% વસતી પાસે બાકીના 99% લોકો પાસેની સંયુક્ત મિલકત જેટલી અસ્કયામત હશે. બીજા એક અભ્યાસ મુજબ માત્ર 85 વ્યક્તિ દુનિયાની અર્ધી વસતી જેટલું કમાય છે. હવે આ પરિસ્થિતિ કોને ખૂંચે છે, પેલા 1% લોકોને કે 99% લોકોને? ના, કદાચ ઓક્સફામ જેવી સંસ્થાઓ આ ખાઈને સાંકડી કરવા ઝઝૂમે છે. જો કે કેટલાક ધનાઢ્ય નબીરાઓને પણ હવે શરમ આવવા લાગી છે.

ઓક્સફામના અભ્યાસ મુજબ 2009માં 1% ધનિકો પાસે દુનિયાની 44% મિલકતનો કબજો હતો તે વધીને 2014માં 48% થયો છે. હવે યાદ રહે કે એ વર્ષો તો મોટા ભાગના દેશો માટે મંદીના હતાં જ્યારે સરકાર, જાહેર સંસ્થાઓ અને નાગરિકોને કરકસરનાં પગલાં ભરવાની ફરજ પડેલી, તો પેલા ટેકરી પર બેઠેલાને કેમ ફાયદો થયો? હજુ જો નિષ્ક્રિય રહેશું તો આવતે વર્ષે એ 1% લોકો પાસે દુનિયાની અર્ધોઅર્ધ માલમત્તા સંચિત થયેલી હશે. ઓક્સફામના એક્સેક્યુટીવ ડાયરેક્ટર બ્યાન્યીમાએ સહુથી વધુ ધન દૌલત ધરાવનારા અને રાજકીય સત્તા ધરાવનારાઓને સંદેશ આપ્યો કે વધતી આર્થિક અસમાનતા જોખમકારક છે. તેનાથી પ્રગતિ રૂંધાય અને વહીવટને પણ મુશ્કેલી સહેવી પડે. હાલમાં તો જેના હાથમાં ધન તેના હાથમાં સત્તા છે જેને કારણે સામાન્ય પ્રજાનો અવાજ કોઈ સાંભળે નહીં અને તેમના હિતનું કોઈ રક્ષણહાર નથી રહ્યું. હવે આવી વિષમ અસમાનતા એ કંઇ કોઈ અકસ્માત કે કુદરતી આર્થિક પ્રવાહનું પરિણામ નથી, એ તો સરકારી નીતિ અને નૈતિક મૂલ્યોના અધ:પતનની ઉપજ છે.

એમ મનાય છે કે 21મી સદી એ લોકો વચ્ચે આર્થિક બાબતમાં સહુથી વધુ ધ્રુવીય અંતર ધરાવનારી સદી છે. એ વિધાન સાથે વિચાર કરતાં ખ્યાલ આવ્યો કે રાજાશાહી અને સામંતશાહીના જમાનામાં ડોકિયું કરીએ તો જણાશે કે તે વખતે પણ રાજા પાસે તેની રૈયતના પ્રમાણમાં અસાધારણ કહેવાય એટલી સંપત્તિ અને વૈભવ ક્યાં નહોતાં? વળી રાજાના મંત્રીઓ, અમાત્યો, જમીનદારો, સામંતો, ધર્મના વડાઓ અને મોટા મોટા શાહુકાર-વેપારીઓને પણ જમીન-જાગીર, મહેલ-મોલાતો, અને જર-જવેરાતોના ઢગલા સાંપડતા હતા. તે વખતે કોની પાસે કેટલી સ્થાવર અને જંગમ મિલકત છે એ નોંધવાની સગવડ હોત તો અત્યારના આંકથી બહુ જુદું ચિત્ર જોવા ન મળત એ શક્ય છે. જો કે એથી કરીને આજની સ્થિતિને વ્યાજબી ન ઠરાવી શકાય. ખરી વાત તો એ છે કે લોકશાહીના આગમન સાથે એ પતિત, દલિત, કચડાયેલા નિર્ધન લોકો અવાજ ઉઠાવતા થયા છે. હવે ‘જેવાં જેનાં નસીબ’ કહીને પોતાની ઝોળીમાં જે પડે તે સ્વીકારીને આવતે જન્મ વધુ સારો અવતાર મળશે એમ મૂંગે મોઢે સહી લેવાને બદલે માનવ અધિકારની જાગૃતિ વધતાં સમાનાધિકારની ઝુંબેશ વધી રહી છે. અને પરિણામે છેલ્લા પાંચેક દાયકાઓ દરમ્યાન આર્થિક અસમાનતા વધતી જાય છે એવું ચિત્ર ઉપસી આવે છે.

જેક પેરેટીએ અલગ અલગ ધનિકો તેમ જ સામાન્ય સ્થિતિના લોકો સાથેની મુલાકાત દરમ્યાન જે તારણ  કાઢ્યું તે જાણવું રસપ્રદ થશે. એમના મતે બ્રિટન પહેલાં એક મોટા સામ્રાજ્યનું માલિક હતું જે આજે પોતાની વૈભવી જીવન પદ્ધતિ ટકાવી રાખવા અન્ય દેશોના વેપાર-ઉદ્યોગોને આ ધરતી પર નભવા દઈને જાણે જુગારખાનું બની ગયું છે. આજે હજુ જેમની પાસે અલ્પ સંપત્તિ છે તેમની પાસે પુરતા આવાસ કે પોષણની સુવિધા નથી જ્યારે ધનિકો પાસે અતિ ખર્ચાળ યોટ હોય છે. તો પુરાણા જમાનામાં જમીનદાર અને ગામના મોચીની શું એવી જ હાલત નહોતી? 2008ની સાલ મોટા ભાગના દેશો માટે મંદીનું મોજું લાવી. સરકારી ખાધને સરભર કરવા જાહેર સેવાની સંસ્થાઓ અને સરકારી ખાતાંઓને કરકસરના પગલાં લઈને 80 બીલિયન પાઉન્ડ બચાવવાનો આદેશ એક બાજુ થયો, તો બીજી બાજુ એટલી રકમ તો બેન્કના મેનેજર્સને બોનસ રૂપે અપાઈ ! એમ તો અમારે રાજાઓ અને તેના હજૂરિયાઓ દુકાળના કારમા સમયે પ્રજા ઘાસ ખાઈને જીવતી હોય અને પોતે ચુરમાના લાડવા ખાતા હોય એવા ય દાખલા છે, હોં ભાઈ. જો કે દુનિયાના ટોપ એક હજાર ધનિકો મંદીના વર્ષો દરમ્યાન 17 બીલિયન પાઉન્ડ કમાયા કે જે બ્રિટનના કુલ ફૂલ ટાઈમ કરનારા લોકોની કુલ આવક જેટલી થવા જાય છે એનો જોટો જડવો મુશ્કેલ છે.   

પેલા 1% ધનિકો અને તેમના વૈભવી જીવનને પરિણામે લાભ મેળવતા લોકોને પૂછશો તો કહેશે કે ભાઈ, આ દુનિયા પાણીના ઝમણના સિદ્ધાંત પર ચાલે છે. જરા ધીરજ રાખો, 1% લોકોનું માટલું છલકાઈ જશે એટલે 99% લોકોને જ લાભ થશે કે બીજા કોઈને? અને જુઓને અત્યારે જ એનો ફાયદો થાય છે ને? લાખોપતિ કે કરોડાધિપતિ મોંઘી કાર વાપરે તો બનાવનારને રોજી મળે, એ લોકો 215 હજાર પાઉન્ડની ઘડિયાળ ખરીદે, મોંઘા રેસ્ટોરંટમાં જમવા જાય, પોતાની સેવામાં નોકરોનું સૈન્ય રાખે, તેમને માટે એક સલામતીનું દળ ફરતું રહે, જેટમાં મુસાફરી કરી, પ્રાઈવેટ હેલીકોપ્ટરમાં ફરે, યોટ્સના માલિક હોય તો અંતે ફાયદો તો એ બનાવનાર, ચલાવનાર અને સેવા આપનારને જ થાય છે. નહીં તો એ બધા તો ભૂખે જ મરવાના, ખરું ને? પણ જો આ ટ્રીકલ ડાઉન થિયરી સાચી હોય તો 1% લોકોની સંપત્તિ વધે છે અને 99% લોકો હજુ કટોકટીના સમય પહેલાની સ્થિતિમાં કેમ રહે છે? દસ વરસ સુધી સરેરાશ બ્રિટિશ માણસ મહિને 429 પાઉન્ડ કમાતો રહ્યો પણ એ દરમ્યાન સુપર રીચની આવક વધી, તો પૂછવાનું એ કે વેપાર-ધંધાનો નફો કોની પાસે જાય છે? એ લોકોની લક્ષ્મી દસ વરસમાં 200 બીલિયન પાઉન્ડથી વધીને 500 બીલિયન થઈ. તો મહેલો બાંધનાર પોતે એક બેડ રૂમના મકાનમાં જ કેમ મરે છે? જો કે આવો જ સવાલ આપણે બસો વર્ષ પહેલાં પણ અમીર-ઉમરાવોને પૂછી શકત, પણ એટલી છૂટ પણ પ્રજાને નહોતી.

હજુ એક દલીલ એવી કરવામાં કે એ ‘લોકોને એટલી આવક મેળવવાનો અધિકાર છે કેમ કે તેઓ ‘સખત કામ કરે છે’! માનો કે ફ્રાકીંગ પદ્ધતિથી પેટાળમાંથી ગેસ અને ખનીજ તેલ કાઢનારી કંપનીનો માલિક અતિ ધનાઢ્ય લોકોમાંનો એક છે તો એ શું પેલા મજૂરો સાથે એ સ્થળે જઈને આઠ-દસ કલાક ડ્રીલ કરે છે? એ મજૂરો તો દિવસને અંતે કામ પૂરું કર્યાનો સંતોષ લઈને પોતાના રોજમદારીની આવકને ઓશીકાં નીચે રાખી નિરાંતે ઊંઘી જાય અને બીજે દિવસે ફરજ પર ખુશ મિજાજ સાથે હાજર થાય. એ જ કંપનીની ઓફિસમાં ઉત્પાદન, વેંચાણ અને ખરીદીની નોંધ રાખતા અને હિસાબ કરનારા પણ બહુ બહુ તો અઠવાડિયાના પાંચ દિવસ દસેક કલાક કામ કરે, પણ એમની ઊંઘ હરામ નથી થતી હોતી. જે ક્વોડ્રીલા કંપનીનો માલિક છે એ એકલો જ અઠવાડિયાના સાતે ય દિવસ ચોવીસ કલાક ‘કામ’ કરે છે. એને પોતાની કંપનીનો નફો ઓછો ન થાય, કંપનીનનો બીજો કોઈ હરીફ મેદાનમાં ન આવે એની ચિંતા સતાવે છે એટલે એને ‘સખત કામ’ રહે છે. અને સજ્જનો અને સન્નારીઓ, એ રખે ભૂલતા કે એવા સુપર રીચ લોકોના પરિશ્રમથી એ કંપનીના મજૂરોને લાભ થાય એટલે તેઓ આવો ત્યાગ કરે છે, એ તો પોતાની અંગત મિલકતમાં વધારો થાય એ માટે ફના થાય છે.

યુનાઇટેડ કિંગ્ડમમાં રાણી વિક્ટોરિયાના જમાનામાં બેહદ આર્થિક, સામાજિક અને રાજકીય અસમાનતા પ્રવર્તતી હતી. તો વળી ભારતની પુરાણ કથાઓ પણ તેના નમૂના પૂરા પાડે છે, નહીં તો વળી શ્રી કૃષ્ણ ભગવાને સુદામાને મદદ શાને કરવી પડી હશે?

પરંતુ આજે  હવે બ્રિટનમાં HMRCના જ ઓફિસરો સુપર રીચ લોકોને વધુ ટેક્સ ભરવામાંથી કેમ બચવું એ બતાવે એની જાણ સામાન્ય પ્રજાને થઈ જતી હોવાને કારણે જાગૃત પ્રજા એ અન્યાય નહીં સાંખી લે. હવે મજા તો એ વાતની છે કે 2008ની સરકારે પોતે આ વિષે સક્રિય છે એ બતાવવા લાખોપતિ હોય તેણે  30 હજાર પાઉન્ડ કર ભરે તેવો કાયદો કર્યો.

અરે ભાઈ, એટલી રકમ તો એવા ધનિકો પોતાના સંતાનોની જન્મદિવસની પાર્ટીમાં ખર્ચી નાખે તો એમને એવી એકાદ પાર્ટી વધુ થઈ એમ માનવમાં શું વાંધો આવે? જયારે બ્રિટનના મોટાભાગના નાગરિકોની સરેરાશ આવક 27 હજાર પાઉન્ડ હોય તેને એમાંથી થોડું એકાદ બટકું ય મળવાનું હશે? આથી જ તો ભારત  સ્વતંત્ર થયું ત્યારે પ્રથમ પંચ વર્ષીય યોજના તૈયાર કરીને વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિનોબાજીને એ યોજના જોઈ જઈને તેને માન્ય કરવા દિલ્હી જવા વિનવ્યા (મારો ખાલ છે ત્યાં સુધી વિનોબાજી વર્ધાથી દિલ્હી ચાલતા ગયેલા). એ પ્રથમ પંચ વર્ષીય યોજના ઉપર નજર ફેરવતાં જ વિનોબાજીએ કહ્યું, “આમાં તમે તો માત્ર ચપટી ભર લોકોને જ ફાયદો થાય એવી યોજના કરી છે, કરોડો ગ્રામવાસીઓ, બેકાર છતાં કુશળ કારીગરો, ખેડૂતોના લાભમાં હું આમાનું કંઈ જોતો નથી.” ત્યારે જવાહરલાલજીનો જવાબ હતો, “આપણી પાસે ટાંચા સાધનો છે, બધાનો એક સાથે ઉદ્ધાર શક્ય નથી, ગ્રામવાસીઓએ થોડી રાહ જોવી રહી, બીજી યોજનામાં તેમનો સમાવેશ થશે.” વિનોબાજીએ વ્યથિત હૃદયે કહ્યું, “જો રાહ જોવાની હોય તો પેલા શિક્ષિત અને ઉચ્ચ મધ્યમ વર્ગનાને કહો, કરોડો ગ્રામવાસીઓને પહેલાં વિકાસનું પાણી પહોંચાડો. મારે મન આ યોજના કચરા પેટીમાં નાખી દેવા યોગ્ય છે કેમ કે તેમાં છેવાડેના લોકોનો સમાવેશ નથી.” કહી તેમણે ભારે હૃદયે દિલ્હી છોડ્યું. આવી ખુદગરજી સરકાર હવે નહીં ચલાવી લેવાય એમ આમ જનતાને લાગે છે.

જ્યાં સુધી રાજકીય પક્ષોને ધનિકો તરફથી પ્રચાર માટે અને અન્ય લાભ મળે તે માટે આવા ‘સુપર રીચ’ લોકો તરફથી  ‘દાન’ મળતા રહેશે ત્યાં સુધી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની વફાદારી આવા સ્વાર્થપટુઓ માટે જ રહેશે. આથી જ તો એ ધનિકો અને એમને થાબડ ભાણાં કરનાર સરકારી સલાહકારો એમ માને છે કે ધનિકોને વધુ ટેક્સ ભરવા કહો તો દેશ છોડીને ભાગી જાય (કેમ કે તેમની નીતિ તો ગમે તે ભોગે અતિ ધનાઢ્ય રહેવાની જ હોય, તો અહીં રોકો તો બીજે જવામાં શો વાંધો હોય?) એટલે ગરીબોને થોડું ધન મળી રહે એટલા ખાતર આવી લઘુમતીને ગરીબ ન બનાવાય એમ તેઓ કહે છે. એક એવી જોરદાર માન્યતા છે કે બધાએ ગરીબ થવું એનું નામ સમાનતા નથી. અરે મારા વહાલા, મોબાઈલ ફોન કંપનીના માલિકને સુપર માર્કેટના કેશિયર કરતા હજાર ગણી આવક થતી હોય તો એ શું હજાર ગણી વસ્તુઓ ખરીદી શકે છે? માણસને પેટ પૂરવા જેટલું કમાવાની શક્તિ પ્રભુએ આપી છે, જેને માટે સવારથી સાંજ કામ કરે અને રાત્રે પ્રામાણિકતાનો રોટલો રળ્યાનો સંતોષ લઈને સૂઈ શકે એટલી જ મિલકત પચાવી શકે અને ઉપયોગ કરી શકે, બાકીની વધારાની માત્ર વેડફાઈ જ જતી હોય છે.

દુનિયાનો છેલ્લા એક હજાર વર્ષનો આર્થિક અને સામાજિક જીવનનો ઇતિહાસ જોશું તો ખ્યાલ આવશે કે અઢારમી અને ઓગણીસમી સદીમાં અત્યારે છે એવી જ સમાનતા હતી. માત્ર આપણે હવે તેનાથી વધુ જાગૃત બન્યાં છીએ, એ માટે વિરોધ કરવાની શક્તિ કેળવી છે અને જે ટ્રીકલ ડાઉન થિયરી નીચલા વર્ગને ફાયદાકારક છે એમ કહેવામાં આવતું હતું તે તો  ટ્રીકલ અપ થઈને ઉપલા વર્ગને જ ફાયદો કરનારી નીવડી એનું ભાન થયું એટલે એવી આર્થિક વ્યવસ્થા માટેનો ભ્રમ ભાંગ્યો અને હવે ‘અમને પણ અમારી મહેનતનો ભાગ આપો’ એવો નારો બળવત્તર બનતો જાય છે. 99% લોકોએ હવે પોતાના પૂર્વજો કરતાં વધુ અસરકારક રીતે પોતાના અધિકારો માટે ઝઝૂમવું રહ્યું અને તે મળી ન જાય ત્યાં સુધી જંપી ન શકાય કેમ કે એમાં માત્ર 99% have notsનું જ નહીં પણ 1% havesનું પણ કલ્યાણ છે.

e.mail : 71abuch@gmail.com

Loading

એક બહિષ્કૃત લેખકની હત્યા …

મેહુલ મંગુબહેન|Opinion - Literature|4 February 2015

આપણી તકલીફ એ છે કે આપણને પેરિસની ઘટનામાં જેટલો રસ છે તેટલો દેશની ઘટનામાં નથી.

તામિલનાડુમાં ચાર વર્ષ અગાઉ લખાયેલી નવલકથા માટે પેરુમલ મુરુગન [Perumal Murugan] નામના એક લેખક ધરાર બહિષ્કૃત થયા છે. તેમણે પોતાનાં તમામ પુસ્તકો પાછા ખેંચી લઈ ' પોતે હવે લેખક તરીકે મૃત્યુ પામે છે' તેવી ઘોષણા કરી છે, ત્યારે આપણે અભિવ્યકિત સ્વાતંત્ર્યના આ તમાશા-એ-હિંદના નઘરોળ સાક્ષી સાબિત થઈએ છીએ

તારીખ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૫. સ્થળ સોશિયલ મીડિયા ફેસબુકની વોલ. આ દીવાલ પરની પોસ્ટ આ મુજબ છે : મરી ગયો પેરુમલ મુરુગન. એ ઈશ્વર નથી કે ફરીથી આવશે પાછો. એવા કોઈ પુનર્જન્મમાં એને વિશ્વાસ પણ નથી. હવે એ ફક્ત પી. મુરુગન છે. ફક્ત એક શિક્ષક. એને એકલો છોડી દો.

આ પોસ્ટ એક લેખકે પોતાના મોતની કરેલી સત્તાવાર જાહેરાત છે. લેખક પેરિસનો કાર્ટૂનિસ્ટ નથી. લેખક પેશાવરનો પીડિત નથી. લેખક આઈ.એસ.આઈ.એસ.ના આતંકવાદનો ભોગ બનેલો નથી, લેખક તમિલ ભારતીય છે. તે આપણા દેશની અસહિષ્ણુતાનો પીડિત છે. એમ.એફ. હુસેનથી લઈને વેન્ડી ડોનિગર સુધીના લોકોની જેમ, સમાજના એક વર્ગની દંભી માનસિકતાનો ભોગ બન્યો છે. લેખક દલિત સમુદાયમાં જન્મેલો છે. લેખક એક સરકારી કોલેજમાં તમિલ ભાષાનો વિદ્વાન પ્રોફેસર છે. અનેક સાહિત્યિક કૃતિઓ ઉપરાંત નિષ્ઠાવંત શૈક્ષણિક પ્રદાન તેમના નામે બોલે છે. આ લેખકનું નામ છે પેરુમલ મુરુગન. પેરુમલ મુરુગન તમિલ સાહિત્યમાં પ્રતિષ્ઠિત નામ છે. ૪૮ વર્ષના આ લેખકે ભારતીય સાહિત્યને તમિલ ભાષામાં ચાર નવલકથાઓ, ત્રણ વાર્તાસંગ્રહો અને ત્રણ કાવ્યસંગ્રહ આપ્યા છે. તેમનું સાહિત્ય ઇતિહાસ પ્રત્યે સંવેદનશીલ છે, દેશની સૌથી ક્રૂર એવી જાતિપ્રથા સામે મુખર અને સર્જનાત્મક છે. પોતાની એક નવલકથા બાબતે થયેલા આકરા અને અકારણ વિરોધથી વ્યથિત થયેલા પેરુમલ મુરુગને આખરે પોતે લેખક તરીકે મૃત્યુ પામે છે તેવી જાહેરાત કરી છે. શું છે આ આખી ઘટના?

૨૦૧૦માં તેમની નવલકથા 'માતોરુભાગાન' પ્રકાશિત થઈ. આ નવલકથાને લોકોનો અને વિવેચકોનો પણ જોરદાર આવકાર મળ્યો. આ નવલકથા એક નિસંતાન ખેડૂત દંપતીની વાર્તા છે. નવલકથાની પૃષ્ઠભૂમિ છે ૨૦મી સદીનો ઈરોડ અને નમક્કલ પાસેનો એક કસબો તિરુચેરગોડે. તિરુચેરગોડે એ જગ્યા છે જ્યાંથી પેરિયાર ઈ.વી. રામાસ્વામીએ જાતિપ્રથા તથા કુરિતિયો સામેના પ્રખ્યાત દ્રવિડિયન આંદોલનની શરૂઆત કરેલી. નવલકથા સંતાનહિન સ્થિતિ અને તેને લીધે થતાં ભેદભાવ પર પ્રહાર કરનારી છે. વાર્તામાં ઘટના એવી બને છે કે સંતાનહિન મહિલાને સંતાન પ્રાપ્ત થાય અને વંશવેલો જળવાઈ રહે તે માટે તેના પરિવારજનો તેને અજાણ્યા માણસ સાથે સંબંધ બાંધવા મજબૂર કરે છે. આમાં એક એવી ધાર્મિક પરંપરાની કલ્પના છે જેમાં એક રાત માટે બે સ્ત્રી-પુરુષ પરસ્પર સહમતીથી સંબંધ બાંધી શકે છે. સ્ત્રી સાથે સંબંધ બાંધનાર આવા અજાણ્યા માણસને ભગવાનનો દૂત ગણાવાની પરંપરા છે અને આવા સંબંધ થકી જન્મનાર બાળકને 'સામી પિલ્લે' યાને કે ભગવાનનું સંતાન ગણવામાં આવે છે. બસ, આટલી જ વાત પર વિરોધ છે. સ્થાનિક ગોંડર સમુદાયના લોકો પોતાની સ્ત્રીઓનું આ પાત્ર થકી અપમાન કરવામાં આવ્યું હોવાનું હાલ કહી રહ્યાં છે. અલબત્ત, લેખક પેરુમલ મુરુગન પોતે પણ આ સમુદાયમાંથી જ આવે છે.

હકીકત જાણે એમ છે કે, આ પુસ્તક ૨૦૧૦માં પ્રકાશિત થયેલું છે અને તેનો વિરોધ ૨૦૧૪ના અંત અને ૨૦૧૫ની શરૂઆતમાં થઈ રહ્યો છે. આ પુસ્તક સંતાનહિન સ્ત્રીની વેદના અને તેને લીધે ઊભા થતાં ધાર્મિક-સામાજિક ભેદભાવોને ઉજાગર કરે છે અને લોકોની સામાજિક માનસિકતા પર પ્રહાર કરે છે. પુસ્તક પતિ-પત્નીના સંબંધો અને બાળક પેદા કરવા માટેની લગ્નસંસ્થા ઉપર પણ પ્રહાર કરે છે. મુદ્દો એ છે કે, આટલાં વર્ષ સુધી આ પુસ્તકનો વિરોધ ન થયો અને હવે શું કામ? એવું એટલા માટે કેમ કે ૨૦૧૩માં આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ 'વન પાર્ટ વુમન' પ્રકાશિત થયો. આ વેળાએ રાજકીય લાભ ખાટનારાં પરિબળો અચાનક મેદાનમાં આવ્યાં. સ્થાનિક ગોંડર સમુદાયને ભડકાવવા માટે પુસ્તકના ચોક્કસ ભાગોની ૧૦,૦૦૦થી વધુ પ્રતો પત્રિકા સ્વરૂપે વહેંચવામાં આવી અને લેખક પોતાના નાનકડા શહેરમાં જ જાણે કે બહિષ્કૃત થઈ ગયા. આ પુસ્તક સામેનો આયોજનબદ્ધ વિરોધ મૂળે તો દક્ષિણપંથી વિચારધારા ધરાવતાં અમુક સંગઠનોનો છે. આ સંગઠનોએ અનેક દિવસો સુધી ધરણાં યોજ્યાં. લેખકે નવલકથામાંથી તિરુચેરગોડે નામ હટાવવાની તૈયારી બતાવી પણ તો ય વિરોધ ચાલુ જ રહ્યો. પુસ્તકના ચોક્કસ પાનાં મહિલાઓને આપીને તેમનો પુસ્તકવિરોધી મત ઊભો કરવામાં આવ્યો અને લેખકના નાનકડા શહેર નમક્કલમાં જડબેસલાક બંધનું આયોજન પણ થયું. આખરે લેખકને શહેર છોડીને ભાગવું પડયું.

તામિલનાડુનું સ્થાનિક રાજકારણ આમાં ભળેલું છે. સ્થાનિક સરકારી તંત્ર દ્વારા સમાધાનના પ્રયાસોની આડમાં લેખક પાસેથી બિનશરતી માફી તથા તમામ પ્રતો પાછી ખેંચવાનું લખાવવામાં આવ્યું હોવાના પણ સમાચાર છે. પેરિસના કાર્ટૂનિસ્ટને મુદ્દે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની દુહાઈ દેનારા અનેક લોકો આ વેળાએ ફરકતા નથી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે અનેક દિવસોથી ત્રસ્ત થયેલા લેખક પેરુમલ મુરુગને પ્રકાશકોનું નુકસાન પોતે વેઠીને તમામ પુસ્તકો બજારમાંથી પાછાં ખેંચી લેવાની તથા જેમની પણ પાસે તે હોય તેમને સળગાવી દેવાની અપીલ કરી દીધી.

આ બાબતે વિખ્યાત ઇતિહાસકાર રામચંદ્ર ગુહા સહિત અનેક લોકોએ પેરુમલ મુરુગનને પોતાનો ટેકો જાહેર કર્યો છે. ગુહાએ કહ્યું કે પેરુમલ મુરુગનનું લેખક તરીકે મોત તમિલ અને ભારતીય સાહિત્ય માટે એક અત્યંત દુઃખદ ઘટના છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલે, આલોચક નિરંજના રોય સહિત અનેક લોકોએ પેરુમલ મુરુગનને પોતાનો ટેકો જાહેર કર્યો છે અને ઘટનાની નિંદા કરી છે. જો કે, હકીકત તો એ છે કે, પેરુમલ મુરુગન હાલ તો બહિષ્કૃત ખાનાબદોશ છે. તેમના પોતાના શહેરનું એ રીતે કોમી ધ્રુવીકરણ કરી દેવામાં આવ્યું છે કે તેઓ ત્યાં રહી શકશે કે કેમ એ જ મોટો પ્રશ્ન છે.

તેમના પ્રકાશક તેમની પડખે છે અને આ બાબતે અદાલત સુધી જવા તૈયાર છે પણ ૪૮ વર્ષની ઉંમરે પ્રતિબદ્ધ રીતે સાહિત્યિક ઉપાસના કરનાર લેખકની વ્યથાનું શું? લેખકે કરેલી પોતાના મોતની જાહેરાત જો ખરેખર સાચી પડશે તો આપણી દંભી સભ્યતાએ એક સર્જકની હત્યા કરી એમ જ ગણાશે.

e.mail : mmehul.sandesh@gmail.com

સૌજન્ય : ‘વિગતવાર’ નામક લેખકની કટાર, “સંદેશ”, 21 જાન્યુઆરી 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3033936

Loading

...102030...3,8123,8133,8143,815...3,8203,8303,840...

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved