Opinion Magazine
Number of visits: 9552678
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીનો જીવન સંદેશ ફરી કાંસ્ય પ્રતિમામાં પુરાશે ?

આશા બૂચ|Opinion - Opinion|25 February 2015

જગતમાં ત્રણ પ્રકારના લોકો થઈ ગયા. પ્રકાર એક : બોલે એક, કરે બીજું. પ્રકાર બે : માત્ર બોલે, કરે કંઈ નહીં. પ્રકાર ત્રણ : જે બોલે તે કરી બતાવે. ગાંધી આમાંથી ત્રીજી કોટિમાં મૂકી શકાય તેવી વ્યક્તિ. તેમની આ શક્તિને કારણે જ તો તેઓ ‘મોહન’માંથી ‘મહાત્મા’ના પદ પર પહોંચ્યા.

આજે (24 ફેબ્રુઆરી 2015) જ સમાચાર વાંચ્યા કે ગાંધીજીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ તારીખ 14મી માર્ચના થશે. આ પ્રતિમા લંડનના અતિ પ્રખ્યાત એવા પાર્લામેન્ટ સ્કવેરમાં ગૌરવભર્યું સ્થાન મેળવશે. વળી ગાંધીજીને જ્યારે પણ એકલવાયું લાગશે ત્યારે તેમની જોડે ગોષ્ઠી કરવા સ્વ. વિન્સ્ટન ચર્ચિલ અને નેલ્સન માંડેલા હાજર જ હશે. ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક લોર્ડ મેઘનાદ દેસાઈની સાથે ભારત સરકારના નાણા મંત્રી અરુણ જેટલી મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.

માનનીય વડાપ્રધાન ડેવિડ કેમરાને ગાંધીજીની કાંસ્ય પ્રતિમાને પાર્લામેન્ટ સ્કવેરમાં મુકવાના સરાહનીય નિર્ણય વિષે બોલતાં જણાવેલું, ‘ગાંધીજીની પ્રતિમા લંડનના મુખ્ય પ્રવાસી સ્થળે મુકવાનો નિર્ણય ભારત અને બ્રિટન બંને દેશોના ઇતિહાસ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે, એટલું જ નહીં પણ આપણા બે દેશો વચ્ચેની મૈત્રી વધુ દ્રઢ બનાવશે. તેમના જીવન કાર્યથી પ્રસ્થાપિત થતો સત્ય અને અહિંસાનો સંદેશ યુગો સુધી માત્ર આ બે દેશોમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ગુંજતો રહેશે. તેમનો ‘Be the change that you wish to see in the world.’ એ આદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.’

આ વર્ષ ગાંધીજી સાઉથ આફ્રિકાથી સ્વદેશ પરત થયા તેને સો વર્ષ થયાં તેની સ્મૃિતમાં અનેકાનેક કાર્યક્રમોથી ઉજવાઈ રહ્યું છે અને આ પ્રતિમા મુકવાની ચેષ્ટા તેમાંનો જ એક ભાગ હોઈ શકે. ખરેખર તો 1915ની 9મી જાન્યુઆરીએ ગાંધીજીએ ભારતની ભૂમિ પર પગ માંડ્યો ત્યારથી બ્રિટીશ સલ્તનતને વિદાય કરવાનાં પડઘમ વાગવાં શરૂ થયાં. જો તેઓ ભારત પાછા ન ફર્યા હોત તો કદાચ ભારતને જુદી રીતે અને જુદા સમયે સ્વતંત્રતા મળી હોત. શક્ય છે કે સ્વતંત્રતા મેળવવા અન્ય માર્ગ અપનાવાયો હોત અને તો આજે ભૂતપૂર્વ શાસક-શાસિત દેશો વચ્ચે સુમેળ ભર્યો સંબંધ છે તે રહ્યો ન પણ હોત. જેમના નેતૃત્વ નીચે ચાલેલી ચળવળથી સામ્રાજ્યનો અંત આવ્યો, એ વ્યક્તિની જ પ્રતિમા બ્રિટનના પાટનગરમાં મુકાય તે કંઈ ઓછી નોંધનીય ઘટના નથી. જે સરકારને ‘હિન્દ છોડો’નું એલાન કરવા બદલ જેલ ભોગવવી પડેલી એ જ દેશની સરકાર છ દાયકા પછી વિશ્વના મોટા ભાગના દેશો પરના પોતાના આધિપત્યને ભોંય ભેગો કરવા માટે જવાબદાર એવી વ્યક્તિને સન્માનપૂર્વક જાહેરમાં સ્થાન આપે, તે એક અનોખી ગાથા બની રહેશે તેમાં શંકા નથી.

ગાંધીજી હંમેશ કહેતા, ‘ખોટા કામને નકારો, એ કરનારને નહીં. ‘તેમણે બ્રિટીશ રાજ્યના અધિકારીઓને કહેલું, ‘અમે ઇચ્છીએ છીએ કે તમે આ દેશમાં ખુશીથી અમારી સાથે રહો. અમારામાંના એક બનીને, અમારા પર રાજ્ય કરવા માટે નહીં. અમે તમારી પાસેથી ઘણું શીખી શકીશું, પણ તે એકમેકને સમાન ગણીને પરસ્પરને મદદ કરવા માટે હશે નહીં કે રાજા અને ગુલામ હોવાને નાતે. હું તો કહું છું કે અંગ્રેજો ભલે રહે, તેમનું રાજ્ય જાય.’ એ મહામના માનવની આવી નિર્વૈરની ભાવનાને કારણે જ બ્રિટીશ હકૂમત ખતમ થઈ પણ બ્રિટીશ પ્રજા પ્રત્યે અણગમો, નફરત કે તિરસ્કાર પેદા નથી થયો. સત્ય અને અહિંસાની કેવડી મોટી તાકાત છે એ સાબિત થઈ ગયું. એક બીજી પણ ગૌરવ લેવા જેવી બાબત એ છે કે જેમણે કોઈ રાજકીય, ધાર્મિક કે વેપારી ક્ષેત્રમાં ઉચ્ચ પદ નથી શોભાવ્યું, જેની પાસે અંગત કહેવાય એવી કોઈ મિલકત કે જાગીર નહોતી – અરે, એમને નામે રહેવાને કોઈ ઘર જ નહોતું – એવા અકિંચનને આટલું બહુમાન મળે એ અદ્દભુત બીના ગણી શકાય. ગાંધીજીના અવસાન સમયે યુનાઇટેડ નેશન્સ.નો ધ્વજ અર્ધી કાઠી પર ઉતારવામાં આવ્યો ત્યારે ઘણાને આશ્ચર્ય થયેલું કે એ કોઈ દેશનો રાજા નથી, વડાપ્રધાન નથી કે નથી કોઈ ધર્મનો સર્વોચ્ચ વડો, તો એ આખર છે કોણ? આનાથી સાબિત થાય છે કે દુનિયા આખીના લોકોનું દિલ જીતવા રાજ્ય સત્તા કે ધાર્મિક સંગઠનના પીઠબળની જરૂર નથી હોતી, જોઈએ છે માત્ર માનવ માત્ર સાથે અનુસંધાન કરીને તેમના જેવા બની તેમનાં દુ:ખ દૂર કરવાની અદમ્ય તાકાત.

કહે છે કે આ પ્રતિમા પાછળ લાખો પાઉન્ડનો ખર્ચ થયો છે. લોકોએ એક પાઉન્ડથી માંડીને હજારો – લાખો પાઉન્ડ દાનમાં આપ્યા છે. જેને માટે લોર્ડ મેઘનાદ દેસાઈએ આભાર વ્યક્ત કર્યો. સારું કહેવાય. તેમાંના એક દાનવીર લક્ષ્મી મિત્તલ છે જેમણે £100,000 અને બીજા દાનવીર કે.વી. કામથ કે જેમણે £2,50,000 દાનમાં આપ્યા ત્યારે આ સ્ત્યુત્ય કાર્ય પાર પાડી શકાશે. ગાંધીજી હયાત હોત તો ઝોળી ફેલાવીને કહેત, ‘હું લંડનના ઇસ્ટ એન્ડમાં રહેતા લોકોના આવાસ, રોજગાર, સ્વાસ્થ્ય અને શિક્ષણના સુધારા માટે ફાળો એકઠો કરું છું તેમાં યથાશક્તિ ફાળો આપો.’ આવડી મોટી રકમ તેમને મળી હોત તો તેઓ જરૂર બ્રિટનના બેનીફીટ પર નભતાં સ્ત્રી-પુરુષ-બાળકો માટે કાયમી ધોરણે તેમની હાલત સુધારવા માટે એક સંગઠન ઊભું કરી શક્યા હોત. અલગ અલગ સંસ્થાઓ અને રાજકીય જૂથના હોદ્દેદારો માને છે કે ગાંધીજીનો સંદેશ અને તેમના કાર્યની સ્મૃિતને આ રીતે કાયમ કરી શકાશે અને એમની મહાનતાના દ્યોતક સમાન આ બાવલાથી અસંખ્ય લોકોને લાંબા સમય સુધી પ્રેરણા મળતી રહેશે.

જ્યારે આપણે કોઈની જાહેરમાં ખડી કરેલી પ્રતિમા જોઈએ છીએ ત્યારે મોટે ભાગે તો એ કોણ છે એ જોવાની પણ તમા કર્યા વગર દૂરથી પસાર થઈ જઈને તેની નોંધ પણ નથી લેતાં હોતાં. અને જો ભૂલેચૂકે એ પ્રતિમા નીચેની તકતી પર તેમનું નામ, જન્મ-મરણ તારીખ અને હોદ્દો દર્શાવતું લખાણ વાંચીએ તો પણ છેવટ તો ખભ્ભો ઉલાળીને ‘હશે કોઈ, આપણને શું?’ એમ જ વિચારીને ચાલતી પકડીએ છીએ અથવા બહુ બહુ તો આછી પાતળી ઓળખાણ કે સંદર્ભ હોય તો વળી મનમાં ને મનમાં ગૌરવ અનુભવી લઈએ અથવા તો પોતાના સંતાનને ‘જો આ આપણા. …… કેવડા મહાન હતા કે તેની પ્રતિમા મુકાઈ?’ એટલું કહીને સંતોષ લઈએ. ખરું પૂછો તો નેલ્સન માંડેલા કે માર્ટીન લ્યુથર કિંગને ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મળી કે ખુદ ગાંધીજીને જોહ્ન રસ્કિન કે ટોલ્સ્ટોય પાસેથી પ્રેરણા મળી તે શું એમનાં બાવલાં જોઈને મળેલી કે તેમનાં લખાણો વાંચીને, તેમના વિચારો અને કાર્યો વિષે સાંભળીને અથવા એમની જોડે કામ કરી ચુકેલા તેમના સાથીદારોના અનુભવો સાંભળીને તેમને અનુસરેલા ? કહે છે કે હવે લગભગ દુનિયાના તમામ દેશોના મુખ્ય શહેરોમાં ગાંધીજીની પ્રતિમા જોવા મળે છે. ખુશ થવા જેવું છે ખરું. પણ તો પછી તે પ્રતિમા પાસેથી પ્રેરણા લઈને જે તે દેશોમાં એમના આદેશોનું પાલન કરતા લોકો કેમ જોવા નથી મળતા? માત્ર મૂર્તિઓ જ માણસને ઉત્તમ માનવ અને સમાજને આદર્શ સમાજ બનાવતો હોત તો રામ અમે કૃષ્ણની મૂર્તિઓ તો શેરીએ શેરીએ સ્થાપન કરેલી છે તો એની લોક જીવન પર અસર કેમ જોવા નથી મળતી?

ગાંધીજી સાધન શુદ્ધિના સખત આગ્રહી હતા. તેથી જ તો તેમણે કહેલું કે ‘હિંસા આચારવાથી જ સ્વરાજ્ય મળતું હોય તો મારે સ્વરાજ્ય નથી જોઈતું.’ તો એવા મહા પુરુષના નામે જો ફાળો એકઠો કરતા હોઈએ તો એ નાણાંની ગંગોત્રી ક્યાં છે એ તપાસવું રહ્યું. ગાંધીજીના લંડન ખાતેની પ્રતિમા માટેના મુખ્ય દાનેશ્વરીઓમાંના એક છે કે.વી. કામથ કે જે ભારતની વિશ્વ વિખ્યાત IT કંપની ઈન્ફોસીસના ચેરમેન છે. તેઓ આપબળે ઊંચા આવ્યા છે. બીજા આઠેક એવોર્ડ્સ ઉપરાંત તેમને ભારતનો પદ્મભૂષણનો ઈલ્કાબ પણ મળ્યો છે. તેમના વિષે ઉજળી બાબતો જ જાણવામાં આવી છે જે માટે હરખ થાય. પણ જે મહાનુભાવ આટલી મોટી માતબર રકમ દાનમાં આપી શકે એની પાસે પોતાની માલિકીની કેટલી મિલકત હશે એ કલ્પના કરવી મુશ્કેલ છે. કામથના ધન ભંડાર અને એ કંપનીના કામદારોની આવકની સરખામણી કરીએ તો કદાચ આ પ્રતિમા માટે એમની પાસેથી દાન લેવાનું ઉચિત ન ગણાય. બીજા દાનેશ્વરી છે લક્ષ્મી મિત્તલ કે જેમને ‘steel magnate’ અને ‘steel mogul’ જેવા નામથી ઓળખવામાં આવે છે. તેમને મળેલ ડઝનેક એવોર્ડ્સમાં ભારતનો પદ્મવિભૂષણનો ઈલ્કાબ પણ સામેલ છે. મિત્તલજી 13.5 બીલિયન ડોલરના ધણી છે એટલે લંડનના અતિ ધનાઢ્ય પરા કેન્સીન્ગટનમાં £67 મીલિયન પાઉન્ડની કિંમતનું આલીશાન મેન્શન ખરીદ્યું છે. એમના જમા પાસામાં તેમણે રમત-ગમત, શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે આપેલ દાન અને ઊભી કરેલ સંસ્થાઓ બોલે છે, તો વળી ઉધાર પાસું પણ ખમતીધર છે. ભૂતકાળમાં મિત્તલજીના સ્ટીલના ધંધામાં ગેરરીતિઓ કરનારને નોકરીએ રાખ્યાના, સ્ટીલના ઉદ્યોગમાં મજૂરોની ગુલામ જેવી સ્થિતિ હોવાના, મજૂરોની સલામતીનો ખ્યાલ નજર અંદાજ થતો હોવાના, cash for influence કૌભાંડમાં સંડોવાયેલા છતાં બ્રિટનની લેબર પાર્ટીને £1,25,000 દાનમાં આપેલા તેથી બદનામીથી બચી જવા પામેલા અને આયર્લેન્ડના બંધ પડેલ સ્ટીલ પ્લાન્ટના પર્યાવરણના જોખમ વિષેના વિવાદમાંથી સરકારનો નુકસાનીનો દાવો નકારી છૂટી ગયાના અહેવાલો સાક્ષી પૂરે છે. આથી મિત્તલજીની કમાણીથી ગાંધીજીની સ્મૃિત કાયમ કરવાનું તો સ્વપ્ને પણ ન સ્વીકારી શકાય.

મોહનદાસ કરમચંદ ગાંધી જીવનની એક એવી ઊંચાઈ સુધી પહોંચ્યા કે તેમને ‘મહાત્મા’નું બિરુદ મળ્યું. એનું એક કારણ એ છે કે તેઓ જે માનતા તે કરી બતાવતા. પ્રસ્તુત કાંસ્ય પ્રતિમા માટે નાનાં મોટાં દાન આપનારમાંથી કે મુલાકાતીઓમાંથી જો કોઈ પણ તેમના એક પણ આદર્શનું ઓછે વધતે અંશે પાલન કરવા અસમર્થ હોય તો એ પ્રતિમા સહુને પ્રેરણાદાયક બનશે એમ શી રીતે કહી શકાય? બ્રિટન અને ભારત એકબીજા સાથે ‘મૈત્રીપૂર્ણ સંબંધો અને વ્યાપારી કરારો’ હોવાનું ગૌરવ લે છે. જે વ્યક્તિની પ્રતિમા ઊભી કરવા જાઓ છો તેની હાજરીમાં શસ્ત્રોની લે-વેચ કરી શકો? નીતિમત્તાને કોરાણે મુકીને થતા ઉદ્યોગ-વ્યાપારને માન્યતા આપી શકો? જેના પ્રબોધેલ આદર્શોનું પાલન કરવાની દાનત ન હોય તેની પાસેથી પ્રેરણા મળે તે માટે તેની મૂર્તિ ઘડવાથી શો લાભ? અને તે પણ આટલાં બધાં નાણાં? NHS દ્વારા કઈ કઈ સારવાર લોકોને આપી શકાય તે માટે નૈતિક મુદ્દાઓ પર ચર્ચા થાય છે તો આવાં સ્મારકો પાછળ અઢળક સંપત્તિ ખર્ચાય અને જેણે દરિદ્રમાં જ નારાયણ જોયા તેવી વિભૂતિને યાદ રાખવા ધાતુની પ્રતિમા બનાવતાં નૈતિક સવાલ કેમ ઊભો નથી થતો?

એક ફાયદો જરૂર થશે કે આ દેશના નાગરિકો જ્યારે પણ લંડન જશે અને ગાંધીજીની પ્રતિમા જોશે ત્યારે ‘Who was he? What did he do?’ એમ પૂછશે એટલે જે રીતે બ્રિટનનો કોલોનિયલ ઇતિહાસ કાળજીપૂર્વક શાળાઓમાં નથી ભણાવવામાં આવ્યો તેનાં દ્વાર ખુલી જશે અને કદાચ હવેની પેઢી જિજ્ઞાસાવશ હકીકત જાણી શકશે.

જો ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટને ગાંધીજીની સ્મૃિત કાયમ જાળવી રાખવાની અને આવનારી પેઢીઓને સત્ય-અહિંસાના માર્ગે દોરવાની નેમ હોય, તો સામાન્ય પ્રજાએ આપેલ નાણાંમાંથી દિલ્હીના બિરલા ભવનમાં ઊભું કર્યું છે તેવું એક અભ્યાસ કેન્દ્ર ઊભું કરી શકાય. કોઈ પ્રતિમા નીચે ઊભા રહેવાથી એ વ્યક્તિનાં જીવન કે કાર્ય વિષે માહિતી ન મળે. એ અભ્યાસ કેન્દ્રમાં ગાંધીજી અને તેમના જેવા અનેક અનુકરણીય નેતાઓનાં કાર્ય વિષે પુસ્તકો, વીડિયો, ઇન્ટરએક્ટીવ પ્રસાર માધ્યમો વગેરેની સુવિધા પૂરી પાડી હોય તો જ એ નિર્જીવ મૂર્તિ કંઈ સંદેશ આપી શકે. વળી એક ઓરડો અલાયદો રાખીએ જેમાં આ બધી માહિતી જોયા-સાંભળ્યા બાદ મુલાકાતીઓ આંતર પરીક્ષણ કરી શકે અને એ કેન્દ્ર છોડતાં પહેલાં ગાંધીજીએ ચીંધેલા અગિયાર વ્રતોમાંથી એકાદ વ્રત લેવું હોય તો તેના પ્રતિજ્ઞા પત્ર પર સહી કરીને મૂકી શકે એવી વ્યવસ્થા વધુ પ્રસંશનીય થશે. Martin Luther King Jr.ની સ્મૃિત કાયમ જાળવવા મોન્ટગોમરીમાં સિવિલ રાઈટ્સ મ્યુિઝયમ છે જ્યાં માત્ર MLKની પાષણ પ્રતિમાને બદલે તેમનાં વ્યાખ્યાનો, ચળવળો, લડાઈઓ અને સફળતા-નિષ્ફળતાઓની તવારીખ નોંધાયેલી જોવા મળે છે. એ બને ખરું પ્રેરણા સ્થાન.

લંડનના પાર્લામેન્ટ સ્કવેરમાં વિન્સ્ટન ચર્ચિલ, નેલ્સન મંડેલા અને મહત્મા ગાંધીનાં જીવન-કાર્ય વિષે આવું અભ્યાસ કેન્દ્ર શરૂ કરવાની અરજ ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટને કરીએ, જેમની આગેવાની હેઠળ એક અર્થપૂર્ણ સ્મારક આવનારી અસંખ્ય પેઢીઓ માટે મૂકી જવાનું શક્ય બને અને એ જ ગાંધીજીનું સાચું તર્પણ હશે.

e.mail : 71abuch@gmail.com

Loading

રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ

અશ્વિનકુમાર|Gandhiana|25 February 2015


કસ્તૂરબા મહાત્માથી આશરે છ મહિના મોટાં હતા ! ઇ.સ.૧૮૬૯માં જન્મેલાં અને ઇ.સ.૧૮૮૨માં તેર વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાયેલાં, બા-બાપુનું દાંપત્ય-જીવન બાસઠ વર્ષનું હતું. જેલનિવાસી કસ્તૂરબાનું અવસાન આગાખાન મહેલ, પૂના મુકામે ૨૨-૦૨-૧૯૪૪ના રોજ સંધ્યા-સમયે ૭-૩૫ કલાકે થયું. તેઓ લગભગ પંચોતેર વર્ષની વયે, મહાશિવરાત્રીની પાવન તિથિએ, જેલમાંથી અને મહેલમાંથી મહાનિર્વાણ પામ્યાં! મનુબહેન ગાંધી દ્વારા લખાયેલા અને નવજીવન પ્રકાશન મંદિર દ્વારા ઇ.સ. ૧૯૫૨માં પ્રગટ થયેલા, ‘બા બાપુની શીળી છાયામાં’ નામના પુસ્તકમાં કસ્તૂરબાના ઓલવાતા જીવનદીપનું જીવંત વર્ણન છે. લેખિકા મનુબહેન એટલે ગાંધીજીના પિતરાઈ ભાઈના દીકરા જયસુખલાલનાં દીકરી.

જીવનના આખરી દિવસની સવારે કસ્તૂરબાનું પહેલું વાક્ય હતું : ‘મને બાપુજીના ઓરડામાં લઈ જાઓ.’ પોતાની તબિયતને ગમે તેટલું અસુખ હોય તો પણ, ગાંધીજીને દરરોજ ફરવા જવાની કસ્તૂરબા ક્યારે ય ના કહેતાં નહીં. પરંતુ આજે ગાંધીજીએ પોતે ફરવા જવાની વાત કરી કે તરત કસ્તૂરબાએ ના કહી. આથી ગાંધીજી ત્યાં બેઠા. રામધૂન ઇત્યાદિની વચ્ચે પણ કસ્તૂરબાએ ગાંધીજીના ખોળામાં થોડી વાર શાંતિ લીધી. છેવટે દસેક વાગ્યે ગાંધીજીને ફરવાની રજા મળી. ગાંધીજીએ કહ્યું કે, ‘સાવ નહીં ફરું તો માંદો પડીશ, એટલે થોડુંક ફરવું જરૂરી છે.’


મનુબહેનના જણાવ્યા અનુસાર, ફરતી વખતે બાપુએ કહ્યું : “‘બા હવે થોડા વખતની મહેમાન છે. માંડ ચોવીસ કલાક કાઢે તો. કોના ખોળામાં એની આખરી નિદ્રા થશે તે જોવાનું છે.’ દાક્તર ગિલ્ડર થોડી થોડી વારે આવીને કસ્તૂરબાને જોઈ-તપાસી જતા હતા. ગાંધીજી સાડા બાર વાગ્યે કસ્તૂરબા પાસે ગયા. દેવદાસ ગાંધી, જયસુખલાલ ગાંધી ઉપરાંત હરિલાલ ગાંધીની દીકરીઓનું પણ આગમન થયું. દોઢેક વાગ્યે કનુ ગાંધીએ કસ્તૂરબાની કેટલીક તસવીરો લીધી. દેવદાસ ગાંધીએ ગીતાપાઠ કર્યો. સાડા ત્રણે દેવદાસ ગાંધી ગંગાજળ અને તુળસીપત્ર લઈ આવ્યા. તેમણે અને ગાંધીજીએ કસ્તૂરબાને થોડું ગંગાજળ પાયું. લગભગ સાડા ચાર વાગ્યે, બાપુ તરફ જોઈને બા બોલ્યાં : ‘મારી પાછળ તો લાડવા ઉડાડવાના હોય. દુઃખ હોય? હે ઈશ્વર, મને માફ કરજે; તારી ભક્તિ આપજે.’ આવેલાં અન્ય સગાંઓને પણ કસ્તૂરબાએ કહ્યું : ‘કોઈ દુઃખ ન કરશો.’


સાંજના પાંચેક વાગ્યા પછી બાએ મનુને બાપુ માટે ગોળ કરવા કહ્યું. કારણ કે ગાંધીજી માટે બાટલીમાં રાખેલો ગોળ થઈ રહ્યો છે એ બાબત કસ્તૂરબાની નજરમાંથી કેવી રીતે છટકી શકે! વળી, તેમણે મનુને બાપુના ભોજન સારુ દૂધ-ગોળ બરાબર આપવાનું અને મનુને પણ જમી લેવા કહ્યું. આ ઘટના અંગે મનુબહેન નોંધે છે : ‘આખી જિંદગી પૂજ્ય બાપુજીની બધી સેવામાં રહેવાનું અને મુખ્યત્વે એમના બંને વખતના ભોજનની બારીક તપાસ રાખવાનું એમણે કદી નહોતું છોડ્યું. આજે છેલ્લે દિવસે પણ દર્દની ને ભગવાનની સામે યુદ્ધ કરતાં કરતાં ય એમણે એકાએક મને ચેતાવી.’

ગાંધીજી, તેમનાં કુટુંબીજનો અને સહકાર્યકરો, દાક્તરો અને જેલ-અધિકારીઓ ખાસ વિમાન મારફતે આવેલું પેનિસિલિનનું ઇન્જેક્શન કસ્તૂરબાને આપવું કે નહીં એની ચર્ચા કરતાં હતાં. જેમને જમવાનું હતું તે લોકોએ લગભગ સાડા છ સુધીમાં ખીચડી, કઢી, રોટલી વગેરેનું વાળુ કર્યું તો શિવરાત્રીના ઉપવાસીઓએ ફરાળ કર્યું. જમતાં જમતાં પણ એ જ વાતો ચાલી કે પેનિસિલિનથી કદાચ ફાયદો થઈ જાય. અંતે આશરે સાતેક વાગ્યે દાક્તર સુશીલાબહેન નય્યરે મનુબહેન ગાંધીને ઇન્જેક્શનની સોયો ઉકાળવા આપી. મનુએ ઇલેક્ટ્રિક ચૂલા ઉપર વાસણમાં તે ગરમ કરવા મૂકી. જો કે, ઇન્જેક્શન દેવાની ગાંધીજીએ ના કહી એટલે સુશીલાબહેને ઇલેક્ટ્રિક ચૂલો ઠારી નાખ્યો. દરમ્યાનમાં મનુના કાને ગાંધીજીના આટલા જ શબ્દો પડ્યા કે, ‘હવે તારી મરતી માતાને શા માટે સોંય ભોંકવી?’ આ શબ્દો કાને સાંભળ્યા ન સાંભળ્યા અને મનુબહેન સંધ્યાટાણે તુળસીજી આગળ ધૂપ-દીવો કરવાની ઉતાવળમાં ત્યાંથી ચાલ્યાં ગયાં.


મનુબહેને દીવો કર્યો. કસ્તૂરબાએ સહુને ‘જયશ્રીકૃષ્ણ’ કહ્યા. એવામાં કસ્તૂરબાના ભાઈ માધવદાસ આવ્યા. તેમને જોયા છતાં કસ્તૂરબા કંઈ બોલી ન શક્યાં. એકાએક તેમણે કહ્યું : ‘બાપુજી!’ એટલામાં ગાંધીજી હસતા હસતા આવ્યા. તેમણે કહ્યું : ‘તને એમ થાય છે ને આટલાં બધાં સગાંઓ આવ્યાં એટલે મેં તને છોડી દીધી?’ એમ કહીને ગાંધીજી ત્યાં બેઠા. જીવનની આખરી ક્ષણો વખતે કસ્તૂરબાનું ખોળિયું ગાંધીબાપુના ખોળામાં હતું. બાપુએ બાના માથે હાથ ફેરવ્યો ત્યારે બાએ બાપુને કહ્યું : ‘હવે હું જાઉં છું. આપણે ઘણાં સુખદુઃખ ભોગવ્યાં. મારી પાછળ કોઈ રડશો મા. હવે મને શાંતિ છે.’ આટલું બોલ્યાં ત્યાં તો બાનો શ્વાસ રૂંધાયો. કસ્તૂરબાની તસવીરો લઈ રહેલા કનુ ગાંધીને બાપુએ અટકાવ્યા અને રામધૂન ગાવા કહ્યું. સહુ લોકો ‘રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ’ ગાવા લાગ્યાં. મનુબહેન લખે છે : ‘એ રામનામના છેલ્લા સ્વરો સાંભળ્યા ન સાંભળ્યા ત્યાં તો બે મિનિટમાં બાપુજીના ખભા ઉપર મોટીબાએ માથું મૂકી કાયમની નિદ્રા લીધી!’ મનુએ વધુમાં નોધ્યું છે તે મુજબ, ગાંધીજીની આંખમાંથી આંસુનાં બે ટીપાં પડી ગયાં. તેમણે ચશ્માં કાઢી નાખ્યાં. તેઓ બે જ મિનિટમાં સ્વસ્થ થઈ ગયા, પરંતુ પુત્ર દેવદાસ સદ્દગત માતાના પગ પકડીને કરુણ આક્રંદ કરવા લાગ્યા.


મનુબહેનની રોજનીશીના આધારે રાષ્ટ્રમાતા કસ્તૂરબાના જીવનના અંતિમ દિવસનો ઘટનાક્રમ જોઈ શકાય છે. વળી, બદલાતાં દૃશ્યો સાથે કસ્તૂરબાના ગાંધીજી સાથેના સંવાદો સાંભળી શકાય છે. આ વિગતોથી તેમની વચ્ચેના સંબંધોની અનુભૂતિ થાય છે. પતિ મોહનદાસના ખભા ઉપર માથું મૂકીને કાયમ માટે સૂઈ જવાનું અહોભાગ્ય પત્ની કસ્તૂરને મળ્યું. કારણ કે ગાંધીજી સદ્દભાગી હતા કે, તેમને જીવનસાથી સ્વરૂપે કસ્તૂરબા મળ્યાં હતાં. કાં પતિ આદર્શ હોઈ શકે, કાં પત્ની આદર્શ હોઈ શકે. પતિ-પત્ની બન્ને આદર્શ હોઈ શકે અને તેમનું દાંપત્ય-જીવન પણ આદર્શ હોઈ શકે, એવું જોડું તો આપણાં સૌનાં બા-બાપુનું જ !


e.mail : ashwinkumar.phd@gmail.com

સૌજન્ય : ‘રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ‘; વિગત-વિશેષ; “દિવ્ય ભાસ્કર” દૈનિક, ૨૨-૦૨-૨૦૧૫, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨

Blog-link : http://ashwinningstroke.blogspot.in

Loading

કાંકરિયાના કીમિયાગર રૂબિન ડેવિડ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|25 February 2015

કુદરતના દેવદૂત સમા રૂબિન ડેવિડે કાંકરિયા પ્રાણીબાગ રૂપે ગુજરાતમાં પ્રાણી-પંખીલોક માટેના પ્રેમનું  તીર્થક્ષેત્ર બનાવ્યું છે. એક જમાનામાં અમદાવાદ દેશ અને દુનિયામાં, ગાંધી આશ્રમ તેમ જ  ઝૂલતા મિનારાની જેમ આ કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયથી પણ જાણીતું હતું.

રૂબિન(1912-1989)એ ઝૂનું સર્જન રચના કરી પશુપંખી માટેના નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ, તેમનાં માનસની અજબ સમજ અને ગજબ કોઠાસૂઝ, રાતદિવસની મહેનત અને સહુ માનવેતર જીવોને સુખી કરવાની લગનથી. તેમની આ ઉમદાઈ  હેતભર્યાં પ્રસંગો અને સંભારણાં થકી વર્ણવતું  ‘માય ફાધર્સ ઝૂ’ (રુપા, 2007) નામનું પુસ્તક તેમનાં કલાવિદ દીકરી એસ્થર ડેવિડે લખ્યું છે, તેનાં  નોખી ભાતનાં  ચિત્રો પણ એસ્થરે જ કર્યાં છે. તેનો ધોરણસરનો ગુજરાતી અનુવાદ ‘મારા ડૅડીનું ઝૂ’ (આર.આર. શેઠ, 2012) નામે ચિરંતના ભટ્ટે કર્યો છે. માધવ રામાનુજની ‘પિંજરની આરપાર’(વોરા,1990) નામની સાદ્યંત રસપ્રદ નવલકથા, રૂબિનનું ગુજરાતના એક અદ્વિતીય પ્રાણીસંવર્ધક અને દિલદાર માણસ તરીકેનું  ચરિત્ર ઉપસાવે છે. 

‘હું તો ઝૂમાં જ મોટી થઈ છું’ – એવાં પહેલાં જ વાક્યથી શરૂ કરીને એસ્થરબહેન ‘માય ફાધર્સ ઝૂ’ પુસ્તકનાં તેત્રીસ નાનાંમોટાં પ્રકરણોમાં તેમના પિતાની પ્રાણીપંખી માટેની આસ્થાની કથાઓ કહે છે. જેમ કે, મોન્ટુ નામનો સિંહ રૂબિન  માટે સંતાન જેવો  હતો. એમણે તેને બ્લૅકી નામની કૂતરીના દૂધથી એના ટૉમી સહિતનાં ગલૂડિયાં સાથે ઉછેર્યો હતો. મોન્ટુ ભાઈબંધીમાં ટૉમીનાં તોફાન સહન કરતો. રૂબિન એના પિંજરામાં જઈને એને વહાલ કરતા. એક વખત ભૂલથી એને ફટકાર્યો પણ હતો. પણ જંગલના રાજાએ ઝૂના સર્જનહારના  લાકડીના ફટકા ચૂપચાપ સહન કર્યા. મૉન્ટુએ સાહજિક સિંહ-વૃત્તિ ગુમાવી દીધી એનું રૂબિનને દુ:ખ હતું. મૉન્ટુ, ટૉમી, બ્લૅકી અને રાજુ વાઘ ઝૂમાં ક્યારેક સાથે ફરવા નીકળતાં. રાજુ એની સંગિની તારા રૂબિનની  ખુરશીની બંને બાજુએ બેસતાં. બ્રાઉની, બ્લૉન્ડિ અને બીજાં રીંછની વચ્ચે બેસીને તેમને મધ ખવડાવતાં હોય એવો ય પ્રસંગ એસ્થરબહેને વર્ણવ્યો છે. ડૅડી સાથે સિગરેટ પીતી ચિમ્પાઝી કોકો પર આખું પ્રકરણ છે. તેમાં એના માણસને મળતા આવતા વર્તનનું વર્ણન છે. વળી પાડોશમાં ઓરાન્ગ-ઓટાન્ગના આગમનથી ડૅડીના પ્રેમ અંગે અસલામતી અનુભવતી કોકોને તેમણે ચિત્ર દોરતી કરીને શાંત પાડી એની વાત પણ છે.  ઈજાના કારણે લંગડાતા મગરને ઇંડાં મૂકવાં-સેવવાં માટે ખાડા બનાવવામાં પડતી મુશ્કેલીમાં રૂબિન મદદ કરે છે. અહીં લેખક નોંધે છે : ‘ડૅડીને જૂન એનાં બચ્ચાંની બીજી મા બનવા દેતી.’ કાંકરિયા તળાવમાં સંજોગવશાત  માણસખાઉ બનેલી જૂનને રૂબિને પોતાને ત્યાં હળાવી હતી. તે પહેલાં, ચોમાસે છલકાયેલાં તળાવમાંથી રસ્તા પર આવેલાં જૂનનાં બચ્ચાં જિમી અને જેનને પણ તેમણે બચાવીને પોતાને ત્યાં ઊછેર્યાં હતાં. મણિનગર અને વડનગરમાં રસ્તા પર આવી ગયેલાં દીપડાઓને તેમણે ટ્રાન્ક્વિલાઇઝર ગનના ઉપયોગ વિના સિફતથી પકડી લીધા હતા. રૂબિનની સાથે સંતાકૂકડી રમતી બિન્ની અને સિલિ નામની રીંછબિલાડીઓ એક વખત રિસાઈ ગઈ ત્યારે તેમણે પત્ની સારાના હાથની બનાવેલી ચિકન કરી, ફ્રાઇડ ફિશ અને ભાત ખવડાવીને મનાવી લીધી હતી. પગમાં ખીલો ઘૂસ્યા પછી પણ સરકસવાળાના શોષણનો ભોગ બનતી રહેલી હાથણી મોહિનીને છોડાવીને પોતાને ત્યાં નવું જીવન આપ્યું હતું. રૂબિનના શ્વાનબેટ જેવા ઘરના આઠેક જાતનાં કૂતરાંનાં વ્યવહાર-વર્તન પર આખું પ્રકરણ છે. શ્વેત હરણ ચંદ્ર અને સફેદ કાગડા મોતીની વાત ઉપરાંત અનેક સફેદ પશુપંખીઓનો ઉલ્લેખ છે. 

પંખીલોકમાં ઘરના ડાઇનિંગ ટેબલ સહિત બધે બેસીને નખરા કરતો કાકાકૌઆ સિલ્વર છે. પોતાના સાથીના શિકારીને પણ ચાહતી સારસી શિખા છે. પ્રેમાળ સૅલી સ્વમાની સાથી પેલિકન સ્ટેફાનના અવસાન પછી ઊડી જાય છે. બગીચામાં આવીને પડેલાં અત્યંત સુંદર દુર્લભ પક્ષી ખડમોરને રૂબિન સાજું કરે છે. પણ એ બીજા પક્ષીઓ સાથે ભળી ન શકવાથી અશક્ત થતું જાય છે તે ધ્યાનમાં આવતાં રૂબિન તેને એક ચાંદની રાત્રે આકાશમાં ઊડાડી મૂકે છે. નળસરોવર વિસ્તારના આદિવાસીઓને પક્ષીઓનો શિકાર કરતાં કુનેહપૂર્વક અટકાવે છે એટલું જ નહીં એમનો આદર પણ પામે છે. સુંદર શહામૃગ પરીના પીંછા સળગાવનાર કે ચંદ્રની જીભે રબ્બરની રિંગ લગાવીને તેના ભૂખમરાથી અવસાનનું કારણ બનનાર નરાધમો પણ છે. એટલે રૂબિન કહેતાં : ‘ખરાં જનાવરો તો પિંજરાની અંદર નહીં બહાર છે.’ પુસ્તકનાં પહેલાં બે પ્રકરણો પ્રાણીપ્રેમથી ભર્યાભર્યા ઘરમાં રૂબિનનાં ઉછેર  તેમ જ હંમેશ માટે તેમનો હૃદયપલટો કરનાર શિકારના બે અનુભવો વર્ણવે છે. પુસ્તકમાં મજાની એક બાબત છે તે રૂબિને પાળેલાં પ્રાણીઓ માટે બનાવેલી હર્બલ દવાઓ અને કૉસ્મેટિક્સની માહિતી. તેમાં ટૂથપાઉડર, હેર કન્ડિશનર, આઇવૉશ, મેન્જ ઑઇલ, મસાજ જેલ વગેરે છે. કનેરિની પાંખોના ચળકાટ માટે પીવાના ટૉનિકમાં કેસર નાખેલ નારંગીનો રસ છે ! સહુથી હૃદયસ્પર્શી છે તે દરેક પ્રાણી અને રૂબિન વચ્ચેની ઇન્ટરઍક્શન, જે પુસ્તકમાં વાંચવી એક અનુભવ છે.

એક જમાનાનો સર્વસુલભ કાંકરિયા પ્રાણીબાગ તો, જેમાં પૈસાથી જ પ્રવેશ મળે એવી લેકફ્રન્ટ નામની લોકવિરોધી કિલ્લાબંધીમાં અટવાઈ ગયો છે. કાર્નિવલના ધૂમધડાકામાં ફરિશ્તાઈ રૂબિનનું નામ યાદેય ન આવે તેમાં કોઈ નવાઈ નથી. પણ એક જમાનાની સાચકલી નવાઈની દુનિયામાં લઈ જનાર, માનવેતર સૃષ્ટિ માટેના પ્રેમથી તરબતર આ પુસ્તકના નાયક રૂબિન ડેવિડને, અમદાવાદને ખરેખર ચાહનારાએ આવતી કાલે શહેરના સ્થાપનાદિને યાદ કરવા જોઈએ.

23 ફેબ્રુઆરી 2015                      

++++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : લેખકની ‘કદર અને કિતાબ’ નામક કટાર, “નવગુજરાત સમય”, 25 ફેબ્રુઆરી 2015

Loading

...102030...3,8003,8013,8023,803...3,8103,8203,830...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved