Opinion Magazine
Number of visits: 9552494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શેક્સપિયર, જ્યોફ્રી કેંડલ અને નસિરુદ્દીન શાહ

તેજસ વૈદ્ય|Opinion - Opinion|25 March 2015

શુક્રવારે [27 માર્ચ 2015] વિશ્વ નાટક દિવસ છે. શેક્સપિયરનું નામ તો પરિચિત છે. જ્યોફ્રી કેંડલ કોણ છે? નસિરુદ્દીન શાહ સાથે તેમનું શું કનેક્શન છે? નસિરુદ્દીન શાહ શા માટે સ્કૂલના વર્ગખંડને નહીં પણ નાટકના મંચને ખરું શિક્ષણ માને છે? આ સવાલોના જવાબ માટે વાંચો ..

ચાલીસના દાયકામાં અંગ્રેજોને આપણે હાંકી કાઢયા હતા અને દેશને આઝાદી મળી હતી. એ તબક્કે એક અંગ્રેજ એવો હતો જે ભારતમાં આવ્યો હતો અને ભારતને પોતાનું ઘર બનાવી લીધું હતું. એ અંગ્રેજ એટલે જ્યોફ્રી કેંડલ. તે નોખી માટીનો અંગ્રેજ હતો. તેણે ભારતને જેટલું વહાલ કર્યું હતું એટલો જ ભારતે તેને બાથમાં લીધો હતો.

જ્યોફ્રી કેંડલનું નામ સાંભળતાં જ મોટા ભાગના લોકોના મનમાં એક પ્રશ્નાર્થચિહ્ન સળવળે. જ્યોફ્રી કેંડલ? એ વળી કોણ? તો ચાલો એની ભાળ મેળવીએ.

જ્યોફ્રી કેંડલ (૧૯૦૯-૧૯૯૮) એ એક્ટર – મેનેજર હતા. ઇંગ્લેન્ડના હતા. જો બ્રિટનમાં માળા જપવાની પરંપરા હોત તો તે માણસ શેક્સપિયરના નામનો જાપ કરતો હોત. તેનું જીવન શેક્સપિયરને સર્મિપત હતું. ભારતમાં શેક્સપિયરનાં નાટકોની જે પહોંચ ઊભી થઈ છે એમાં એ માણસનું સીધું કે આડકતરું નોંધપાત્ર પ્રદાન છે.

બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ પોતાની નાટકકંપની 'શેક્સપિયરાના'ને લઈને હોંગકોંગ, સિંગાપોર વગેરે ઠેકાણે ફરતાં ફરતાં ભારત આવ્યા હતા. ભારતમાં તેઓ એક દિવસ જયપુરના રાજા સામે શેક્સપિયરનાં નાટક ભજવતા તો બીજા દિવસે કોઈ સ્કૂલ-કોલેજમાં નાટક ભજવતા હતા. દેશમાં વિવિધ ઠેકાણે તેમણે શેક્સપિયરનાં નાટકો એટલાં ભજવ્યાં કે લોકો તેને 'શેક્સપિયરવાલા' તરીકે બોલાવવા માંડયા હતા. તેમની આત્મકથા પણ એ નામે જ છે. તેમની નાટકમંડળી પ્રોપર્ટી (નાટકનો સાધન-સરંજામ) સાથે ખડે પગે જ રહેતી. જ્યાં હાકલ પડે કે જ્યાં તક મળે ત્યાં શેક્સપિયરનાં નાટકોને જીવતાં કરતા હતા. નાટક માટે થઈને રેલવે સ્ટેશનોનાં પ્લેટફોર્મ પર રાત વિતાવવાની હોય કે ચિક્કાર ભીડવાળી થર્ડ ક્લાસની ટ્રેનમાં જવાનું હોય, તેમના માટે એ રોજિંદું થઈ ગયું હતું. નાટકનું બજેટ જળવાઈ જાય એટલી રકમ કોઈ ઓફર કરે ત્યાં જઈને તેઓ નાટક ભજવતા હતા. કમાણી તેમનો ઉદ્દેશ ન હતો. ખપ પૂરતા પૈસા મળી રહે, શેક્સપિયરનું સર્જન વધારે લોકો સુધી પહોંચે અને નાટક ભજવવાની અનહદ મજા લૂંટવી એવું તેમનું સાદું ગણિત હતું.

આપણે ત્યાં રસ્તા પર કોઈ બે માણસ ઝઘડતાં હોય તો પણ આસપાસ લોકોની ભીડ એ રીતે ભેગી થઈ જાય જાણે કોઈ નાટક કે ફિલ્મનો સીન ભજવાતો હોય. ટોળાને આપણે ત્યાં સારી નજરે જોવામાં નથી આવતું, પણ જ્યોફ્રી કેંડલને ભારતના લોકોની આ કુતૂહલવૃત્તિ ખૂબ પસંદ હતી. તેઓ માનતા કે ભારત જેવું અદ્દભુત ક્રાઉડ જગતમાં ક્યાં ય નથી. એક નાની ઘટનાને તમાશો બનાવી દેતાં તેમને આવડે છે. ઊર્જાથી ભરપૂર લોકો છે. આવું બ્રિટનમાં તેમણે જોયું નહોતું. જ્યોફ્રી કેંડલને ભારતનો આ મિજાજ પસંદ હતો. તેમણે આત્મકથામાં ભારતીયો વિશે લખ્યું છે કે, "ધે આર ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ."

ઇંગ્લેન્ડના જ્યોફ્રી કેંડલ સાઠના દાયકામાં ફરી ઇંગ્લેન્ડ રવાના થઈ ગયા હતા. જો કે, ભારતની મોહિની તેમને આજીવન રહી હતી. ૧૯૮૪માં તેમની પુત્રી જેનિફરનું અવસાન થયું ત્યારે તેઓ ભારત આવ્યા હતા. તે પછી મુંબઈના પૃથ્વી થિયેટર માટે તેમણે 'ગેસલાઇટ' નાટક તૈયાર કરાવ્યું હતું, જે વિક્ટોરિયન સાયકોલોજિકલ થ્રિલર હતું.

આટલી આછીપાતળી ઓળખ પછી જ્યોફ્રી કેંડલ પર થોડું વધુ લાઇટિંગ ફેંકીએ. જ્યોફ્રી કેંડલ અને તેની પત્ની લૌરા ચાલીસના દાયકામાં ઇંગ્લેન્ડથી ભારત 'ધ એન્ટરટેઇનમેન્ટ કંપની ફોર બ્રિટિશ ટ્રુપ્સ' દ્વારા આવ્યાં હતાં. ૧૯૪૪થી ૧૯૫૦ સુધી તેમણે ભારતમાં ઠેર ઠેર નાટકો ભજવ્યાં હતાં. ૧૯૫૦માં તેમની બે દીકરીઓ જેનિફર અને ફેલિસિટી કેંડલે કંપનીની મોટા ભાગની જવાબદારી પોતે સંભાળી લીધી હતી.

જેનિફર કેંડલે પછી એક્ટર શશી કપૂર સાથે લગ્ન કર્યાં અને જેનિફર કપૂર બની ગઈ. ટૂંકમાં કહીએ તો કપૂર ખાનદાનની વહુ બની ગઈ. ઘટના એવી છે કે કલકત્તામાં જ્યોફ્રી કેંડલે એક શો ગોઠવ્યો હતો અને એમાં શશી કપૂરના પપ્પા પૃથ્વીરાજ કપૂરને જોવા માટે નોતર્યા હતા. શશી કપૂર પણ એ વખતે પાપાજી સાથે આવ્યા હતા. ત્યાં તેણે જેનિફરને જોઈ. પછી શશી કપૂરના દિલમાં ઘંડટી વાગી અને બંને પરણી ગયાં. આ લગ્ન દ્વારા નાટ્ય જગતના બે મહાન પરિવારોનું મિલન હતું. જ્યોફ્રી કેંડલ અને પૃથ્વીરાજ કપૂર બંને પોતપોતાની નાટક કંપની ચલાવતા હતા. બંનેનું નાટય ક્ષેત્રે મોટું નામ હતું, તેથી આ લગ્ન બે નાટ્ય પરંપરાનો સંગમ હતો. મુંબઈમાં પૃથ્વી થિયેટર નાટકોની પ્રવૃત્તિથી ધમધમે છે. ૧૯૪૪માં પૃથ્વી થિયેટર શરૂ કર્યું પૃથ્વીરાજ કપૂરે અને તેનું સિંચન કાર્ય જેનિફર, શશી કપૂર અને તેમનાં સંતાનો સંજના કપૂર અને કુણાલ કપૂરે કર્યું છે. કપૂર ખાનદાનના અન્ય સભ્યો ફિલ્મોમાં સક્રિય છે, પણ શશી કપૂરનો પરિવાર વર્ષોથી નાટકોને જ સર્મિપત છે. આજે પણ તમે સાંજે મુંબઈના જૂહુમાં આવેલા પૃથ્વી થિયેટર પર લટાર મારવા જશો તો ત્યાં વ્હિલચેર પર શશી કપૂર બેઠેલા જોવા મળશે. નાટક માટે કલાકારો, લેખકો અને ડિરેક્ટરોને મોકળું મેદાન મળી રહે એ માટે કેવો લાઇવ માહોલ તૈયાર કરવો જોઈએ એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે પૃથ્વી થિયેટર. આપણી સાહિત્ય તેમ જ કલાસંસ્થાઓ ક્યારે એકેડેમિક આળસ ખંખેરીને આવી નક્કર પ્રવૃત્તિ કરશે એ એક સવાલ છે.

ફરી શશી કપૂર અને જેનિફરની વાત પર આવીએ. જેનિફર 'શેક્સપિયરાના'ની મુખ્ય અભિનેત્રી હતી. શશી કપૂર પણ પછી 'શેક્સપિયરાના' સાથે જોડાયા હતા અને નાટકો કર્યાં હતાં. ૧૯૬૦માં પૃથ્વી થિયેટર બંધ થઈ ગયું હતું અને પછી ૧૯૭૮માં ફરી શરૂ થયું ત્યારે ૧૯૮૩માં પહેલો પૃથ્વી થિયેટર ફેસ્ટિવલ યોજાયો હતો. જ્યોફ્રી અને લૌરા કેંડલ પોતાના વેવાઈની રંગભૂમિમાં નાટક પરફોર્મ કરવા આવ્યાં હતાં. ૧૯૮૪માં જેનિફરનો દેહ પડયો એ પછી પણ તેમનાં માતા-પિતા ૧૯૮૫માં પૃથ્વી ફેસ્ટિવલમાં નાટક પરફોર્મ કરવા આવ્યાં હતાં. એ પછી તો જ્યોફ્રી કેંડલે પૃથ્વી થિયેટર માટે ગેસલાઇટ નાટક પણ ડિરેક્ટ કર્યું હતું.

જ્યોફ્રી કેંડલ મહાન હતા. મહાન લોકોનું કામ હવામાં બીજ વાવવાનું હોય છે. તેમની અથાક અને અતાગ ભેખ પ્રવૃત્તિને કારણે ક્યારે કયું બીજ ફળે અને એ પ્રતાપી નીવડે એ કાળ નક્કી કરતો હોય છે. જ્યોફ્રી કેંડલે તો શહેરના ચોગાનથી માંડીને સ્કૂલોમાં વિદ્યાર્થીઓની વચ્ચે ઠેર ઠેર શેક્સપિયર ભજવ્યા હતા. આવી જ એક નૈનિતાલની સેન્ટ જોઝેફ સ્કૂલ હતી જ્યાં તેઓ દર વર્ષે નાટક ભજવવા જતા હતા. એ સ્કૂલમાં એક વિદ્યાર્થી હતો. તેણે કેંડલનાં પરફોર્મન્સ જોયાં ત્યારે થયું કે નાટક તો અદ્દ્ભુત ચીજ છે. સ્કૂલમાં ખરેખર ભણવાનું તો મને નાટકમાંથી જ મળે છે. જીવનમાં કરવા જેવી ચીજ તો નાટક જ છે. પછી એ માણસ પર નાટકનું એવું ભૂત સવાર થયું કે તે આજીવન નાટકમય રહ્યો. એ માણસ એટલે નસિરુદ્દીન શાહ. જ્યોફ્રી કેંડલે તેના પર ભૂરકી છાંટી હતી.

નસિરુદ્દીન શાહે કહ્યું છે કે, "મારું ખરું શિક્ષણ નાટકોમાં થયું છે. મેં મારા જીવનમાં જ્યોફ્રી કેંડલથી મહાન કોઈ એક્ટર જોયો નથી. તેમના કામમાંથી આજે પણ હું પ્રેરણા મેળવું છું. નાટકને તેમણે નવાં પરિમાણ આપ્યાં છે. તેઓ અમારી સ્કૂલમાં દર વર્ષે આવતા અને કહેતા કે હું કોઈ એક્ટર કે ડિરેક્ટર નથી. હું એક મિશનરી છું અને મારું મિશન છે શેક્સપિયરનાં કામને ફેલાવવાનું. કેંડલની નાટક કરવાની જે સ્ટાઇલ હતી એ મને હંમેશાં અભિભૂત કરતી હતી. સામાન્ય રીતે નાટકોમાં જંગલ, નદી, ડ્રોઇંગ રૂમ જેવી ચીજો દેખાડવા માટે એના સેટ્સ ઊભા કરવા પડે. જ્યોફ્રી કેંડલના નાટકમાં એવો કોઈ સેટ જ ન હોય. તેમના નાટકની રજૂઆત વખતે બેકગ્રાઉન્ડ કાળું હોય. તેઓ ખુરશી અને હેટ જેવી ચીજો સાથે મંચ પર પ્રકટ થાય અને વસ્તુ સ્થિતિ, સૌંદર્યબોધ અને માહોલ તેઓ પોતાની ભાવભંગિમાથી ઊભાં કરે. તેઓ જે રીતે ડાયલોગ્સ બોલે એ જોતાં દર્શકના મનમાં એનું ચિત્ર આબેહૂબ ખડું થાય. નાટકનો અસલી જાદુ દર્શકની કલ્પનાશક્તિ જગાવવાનો છે, તેથી સંસાધનો ઓછાં હોય એ નાટકની મજબૂરી નહીં પણ તાકાત હોવી જોઈએ. એ જ્યોફ્રી કેંડલનાં નાટકોમાં જોવા મળતું હતું. અમારા ગ્રૂપ 'મોટલી'નો પણ એ જ ઉદ્દેશ છે."

ભારતના મહાન એક્ટરોની નામાવલી બનશે એમાં નસિરુદ્દીન શાહ સામેલ હશે. આજની પેઢી જેમ સત્યજિત રેને યાદ કરે છે એમ એક્ટિંગમાં નસિરુદ્દીન શાહને માઇલસ્ટોન તરીકે આગામી પેઢીઓ યાદ રાખશે. નસિરુદ્દીન શાહની એક્ટિંગનો ઇતિહાસ એટલા માટે પણ યાદ રાખશે કે તેઓ રંગભૂમિને વળગેલા રહ્યા. લોકો તેમને ભલે ફિલ્મના એક્ટર તરીકે વધુ ઓળખે પણ તેમને વ્યક્તિગત રીતે નાટકના એક્ટર તરીકે ઓળખાવું વધુ પસંદ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા કેટલાંય કલાકાર છે, જેઓ નાટકમાંથી આવ્યા છે. ફિલ્મોમાં સેટ થયેલા ૯૦ ટકા નાટકના કલાકારોએ સેટ થયા પછી નાટકને ટાટા – બાય બાય કરી દીધું છે. નસિરુદ્દીન શાહ એકમાત્ર એવો ફિલ્મી કલાકાર છે, જેને પોતાની ઓળખ ફિલ્મી નહીં પણ નાટકના એક્ટર તરીકે આપવી ગમે છે. એ ફિલ્મોમાં એકદમ સેટ થયેલા છે. તેની પાસે ઓફર્સની કમી નથી. છતાં તેની પ્રાથમિકતા નાટકો છે. તે નાટકોની તારીખ ફિલ્મો માટે ફાળવતા નથી. નસિરુદ્દીન શાહે એક મુલાકાતમાં આ લખનારને કહ્યું હતું કે, "હું ફિલ્મોમાં જે નાણાં કમાઉં છું એ નાટકોમાં રોકું છું. નાટકો માટે હું ફિલ્મો કરું છું."

ફોર્મેટની દૃષ્ટિએ જોઈએ તો ફિલ્મ એ નાટકનું જ એક્સટેન્ડેડ સ્વરૂપ છે. માર્મિક રીતે કહીએ તો ફિલ્મો એ નાટકનું સૌથી નબળું સ્વરૂપ છે. આ વાત થોડી મગજને મહેનત આપીને સમજવા જેવી છે. કલા તરીકે ફિલ્મે આટલાં વર્ષો કાઢયાં છતાં પણ પોતાનું સ્વતંત્ર સ્વરૂપ નથી વિકસાવ્યું. વિદેશમાં કેટલીક ફિલ્મો આગવા ફોર્મેટ સાથે બની છે. ભારતમાં મણિ કૌલની ઘણી ફિલ્મો તેમ જ સત્યજિત રેની કેટલીક ફિલ્મોનું પોતાનું સ્વરૂપ છે. એ સિવાય ફિલ્મો બદલાઈ નથી.

ફિલ્મો એ નાટકનું સૌથી નબળું સ્વરૂપ છે? કેવી રીતે? સમજીએ. સૌથી પહેલાં નાટકો આવ્યાં, ફિલ્મો પછી આવી. ફિલ્મોમાં સ્ક્રિપ્ટ એ રીતે જ લખાય છે જે રીતે નાટકમાં લખાય છે. ફિલ્મ એ કેમેરાનું માધ્યમ છે, પણ કોઈ રાઇટર કે ડિરેક્ટર કેમેરાના એંગલથી વિચારીને ફિલ્મ નથી લખતો કે બનાવતો. જો એવું જ હોત તો એક્ટર્સ એવું ન કહેતા હોત કે ફિલ્મનો અસલી હીરો 'સ્ક્રિપ્ટ' છે. ફિલ્મમાં ગીત આવે છે તો એ નાટકોમાં પણ આવે છે.

નાટક એ ઓપન ફોર્મેટ છે. એમાં ઇમ્પ્રોવાઇઝેશનના ભરપૂર સ્કોપ છે. નાટકના શોમાં સેટ્સ, લાઇટિંગ્સથી માંડીને કલાકારો સુધીનો કસબ એવો છે કે ગમે તે શોમાં એ બદલી શકાય છે. ઇમ્પ્રોવાઇઝ કરી શકાય છે. કોઈ એક નાટકના પચાસ શો કર્યા પછી ડિરેક્ટરને એવું લાગે કે ચોથા નંબરના સીનમાં મારે ડાયલોગ બદલવો છે કે છઠ્ઠા નંબરના સીનમાં મારે નવો ટ્વિસ્ટ આપવો છે કે દસમાં સીનમાં લાઇટિંગ બ્લૂથી બદલીને કેસરી રંગનું કરવું છે, એ બધું જ કરી શકાય છે. ફિલ્મમાં તો એક શુક્રવારે તબેલામાંથી ઘોડો છૂટયો એટલે છૂટયો, તેથી એક્ટર નાટકમાં વધુ ઘડાય છે, ફિલ્મમાં નહીં. તુષાર કપૂર અને અભિષેક બચ્ચન જેવા આવ્યા હતા એવા જ ધોયેલ મૂળા જેવા જ એક્ટિંગમાં હજી પણ રહ્યા છે. ઝાકિર હુસેન, વિજય રાઝ, નવાઝુદ્દીન સિદ્દિકી, મનોજ વાજપેયી ઉત્તરોત્તર તેમની એક્ટિંગમાં ગ્રો કરે છે.

હવે ગુજરાતી નાટકો તરફ વળીએ. મુંબઈ તેમ જ ગુજરાતમાં નાટકોનો અભૂતપૂર્વ યુગ હતો. એ વાત સાચી છે. 'વો ભી ક્યા દિન થે ..'ની જેમ એ યાદ કરીને એના નોસ્ટાલ્જિયાને પંપાળવાની જરૂર નથી. જરૂર એ છે કે નાટ્યપ્રવૃત્તિની ટીકા કર્યા વગર વધુ સારું એમાં શું કરી શકાય? એની જે કંઈ શિથિલતા હોય એ કેમ ખંખેરી શકાય? આમ વિચારીએ ત્યારે પહેલો મુદ્દો એ સૂઝે કે વર્ષોથી આજ સુધી ગુજરાતમાં નાટકને એક નિમ્ન પ્રવૃત્તિ તરીકે જોવામાં આવ્યાં છે. એ દ્રષ્ટિકોણ બદલાવો જોઇએ. માત્ર માતા-પિતા જ નહીં પણ શિક્ષણ સંસ્થાઓ પણ એવું જ માને છે. કોઈ માણસ નાટક કરતો હોય તો તેને 'નાટકિયો-ચેટકિયો' કહેવામાં આવે છે. ક્યાંક ઝઘડો થયો હોય તો 'આ શું ભવાઈ માંડી છે?' એમ કહેવામાં આવે છે. સ્કૂલમાં દર વર્ષે નાટ્ય હરીફાઈઓ થવી જોઈએ. નાટક એ મેનેજમેન્ટની પાઠશાળા છે. ચિક્કાર રિહર્સલ્સ કરવાં પડે છે. નાનામાં નાની ભૂલ પણ આખા પરફોર્મન્સની વાટ લગાડી દે છે. જેને ક્રાઇસિસ મેનેજમેન્ટ સમજવું હોય તેણે થોડાં નાટક કરવાં એટલે બધું સમજાઈ જશે. કહેવાનું તાત્પર્ય એ છે કે નાટક એ પ્રેક્ટિકલ શિક્ષણનું મહત્ત્વપૂર્ણ પાસું છે. બાળકો એનાથી વંચિત ન રહે એ જોવાનું કામ શિક્ષણ સંસ્થા અને સ્કૂલોનું છે. ગુજરાતની ગણીગાંઠી કોલેજોમાં પણ નાટકો માત્ર યુથ ફેસ્ટિવલ પૂરતાં ભજવાય છે. શેરી નાટક એ માત્ર નાટક નથી પણ મૂવમેન્ટ છે. સ્વચ્છતા, મોંઘવારીથી માંડીને કોઈ પણ સામાજિક સમસ્યા સામે શેરી નાટક દ્વારા અવાજ ઉઠાવીને એના દ્વારા લોકોનું એ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. બધાના સરવાળે અંતે તો નાટક એ એન્ટરટેઇનમેન્ટ છે. તો પછી એનાથી શા માટે વંચિત રહેવું જોઈએ.        

ભારતમાં શેક્સપિયરનું નાટક સૌ પ્રથમ સુરતમાં ભજવાયું

શેક્સપિયરનાં નાટકો ૧૯મી સદીના મધ્યગાળામાં પારસીઓની ગુજરાતી થિયેટર કંપનીઓએ ભજવ્યાં હતાં. તેમણે ગુજરાતી તેમજ ઉર્દૂમાં એ નાટકના તરજુમા કરીને ભજવ્યા હતા. ભારતમાં સૌ પ્રથમ વખત શેક્સપિયરનું નાટક ૧૮૫૨માં સુરતમાં ભજવાયું હતું. શેક્સપિયરનું નાટક 'ધ ટેમિંગ ઓફ ધ શૃ' સૌ પ્રથમ ભારતમાં ભજવાયું હતું. 'નઠારી ફિરંગણને શી રીતે ઠેકાણે આણી' એવા ટાઇટલ સાથે ગુજરાતીમાં ભજવાયું હતું. એક પારસી નાટકમંડળી દ્વારા તે સુરતમાં ભજવાયું હતું.

જયશંકર ભોજક 'ઓથેલો' ભજવીને જયશંકર 'સુંદરી' બન્યા!

અન્ય એક યાદગાર સંભારણું ગુજરાતના મહાન રંગકર્મી જયશંકર 'સુંદરી'(૧૮૮૯-૧૯૭૫)નું છે. શેક્સપિયરના મહાન નાટક 'ઓથેલો' ગુજરાતીમાં 'સૌભાગ્ય સુંદરી' નાટક તરીકે રજૂ થયું હતું. જેમાં જયશંકરે લેડી ડેસ્ડેમોનાનો રોલ ભજવ્યો હતો. એ વખતે મહિલાઓ નાટકમાં કામ કરતી નહોતી અને પુરુષો જ સ્ત્રીપાત્રો ભજવતા હતા. એ નાટક સુપરહિટ રહ્યું હતું. શક્યતા એવી છે કે 'સૌભાગ્ય સુંદરી' બાદ 'સુંદરી'નું એ છોગું જયશંકર સાથે તખલ્લુસ રૂપે રહી ગયું. તેમણે ઘણાં નાટકોમાં સ્ત્રીપાત્રો ભજવ્યાં હતાં. જયશંકર 'સુંદરી' ઉપરાંત અમૃત જાની નામના આપણા અન્ય એક નાટક કલાકાર પણ સ્ત્રીપાત્રો ભજવીને ફેમસ થયા હતા.

વર્લ્ડ થિયેટર ડેનો પહેલો આઇડિયા ચં.ચી.મહેતાને આવ્યો!

૨૭ માર્ચને વર્લ્ડ થિયેટર ડે તરીકે ઊજવવાની જે પરંપરા જગતમાં શરૂ થઈ એના પાયામાં ગુજરાતના જાણીતા રંગકર્મી ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઉર્ફે ચં.ચી. મહેતા (૧૯૦૧-૧૯૯૨) છે. ચં.ચી.મહેતા એમ.એસ. યુનિર્વિસટી વડોદરામાં ડ્રામા અને થિયેટર સ્ટડીઝ ભણાવતા હતા. નાટય વિભાગના હેડ હોવાથી તેઓ નાટક માટે વિશ્વના ઘણા દેશમાં ફર્યા હતા. ૧૯૬૦માં યુનેસ્કોના વડપણ હેઠળની વિયેના કોન્ફરન્સમાં તેમણે ઠરાવ રજૂ કર્યો હતો કે ૨૭ માર્ચને વર્લ્ડ થિયેટર ડે તરીકે ઊજવવો જોઈએ. જેને મંજૂરીની મહોર લાગતાં જગતભરમાં વિશ્વ રંગભૂમિ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી.

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 25 માર્ચ 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3056905

Loading

ફાર્બસ ગુજરાતી સભા

—, રાજેન્દ્ર શુક્લ|Opinion - Photo Stories|25 March 2015

ઇ.સ.૧૮૬૫ :
    

ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, અને સંસ્કૃિતના અભ્યાસ, સંશોધન, અને સંવર્ધનને ક્ષેત્રે કામ કરતી મુંબઈની સૌથી જૂની ‘ફાર્બસ ગુજરાતી સભા’ની સ્થાપના ૧૮૬૫માં થઈ હતી. આજના ગુજરાત રાજ્યમાં પણ આ ક્ષેત્રે કામ કરતી આટલી જૂની સંસ્થાઓ આંગળીને વેઢે ગણી શકાય એટલી છે.

હેતુઓ :

• ગુજરાતને લગતા તેમ જ ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ કરવા અને તેમાંના જે મુદ્રિત સ્વરૂપમાં સરંક્ષણ યોગ્ય હોય તેમના સંશોધન કરવા અને પ્રસિદ્ધ કરવા.

• અનુકૂળતા પ્રમાણે સંસ્કૃત, અંગ્રેજી, પ્રાકૃત, ફારસી તેમ જ બીજી ભાષાઓનાં શિષ્ટ અને ઉપયોગી ગ્રંથોનાં ભાષાંતર-સંપાદન કરાવવાં.

• ગુજરાતી ભાષામાં રચાયેલા સ્વતંત્ર ગ્રંથોને ઉત્તેજન આપવું.

• ગુજરાતી ઇતિહાસ, ભાષા અને સાહિત્યને લગતાં સંશોધનાત્મક પ્રકાશનો હાથ ધરવાં.

• અનુકૂળ સંજોગો ઊભા થતાં સંશોધન કેન્દ્ર શરૂ કરવું.

Loading

હાંરે અમે ગ્યાં’તાં હો રંગના ફુવારે ….

કનુ સૂચક|Opinion - Opinion|24 March 2015

મનમંજૂષામાં ૬૫-૬૭ વર્ષ પહેલાં બાળપણ અને નાનકડું ગામ ગલિયાણા અને પછી જસદણની સ્મૃિતઓ સચવાઈને પડી છે. ભાદર, ભાદર કાંઠે ધરોખડામાં, ઘેલો નદી અને તેની આજુબાજુએ પહાડો અને વનરાઈઓમાં અમારાં પગલાંની છાપ તો ભૂંસાઈ ગઈ હશે, પરંતુ હજુએ હૃદયમાં તો કોતરાઈને પડી છે. કેટલાંક કૂવાઓમાં તાગ લેવાં જતાં પથ્થરોએ છોલેલાં હાથપગમાંથી વહેલાં રુધિર પાણીમાં ભળ્યાં હશે અને ‘કોઈનું લોહી વહ્યું અહીંયાં ….’ જાણ્યા વગર તે કૂવાઓ પણ પૂરાઈ ગયા હશે.

એનાથી પણ પહેલાં અમરેલી શહેરથી ખૂબ દૂર નહીં તેવા સીમાડે, ભાણામામાના ખેતરમાં જતાં ગાડું ચલાવવાનું, ભેંશની સવારી કરવાની, રસ્તામાં આવતાં કોઈનાં ખેતરમાં ઘૂસી, મન ભરી માંડવી ઉખેડવાની અને ખાવાની, ખેતર પહોંચી શેરડીના સાંઠા કાપવાના અને નાનકડી ભારી બનાવી, માથે ઉપાડી ચિચોડે પહોંચાડવાની, અને જાણે મસમોટું કામ કર્યું હોય તેમ શેરડીનો રસ પીવાનો. દિવાળીમાસી ઊકળતી કડાઈમાંથી ગોળ કાઢી ઠારી આપે તેનો ટેસડો કરવાનો.

સૌથી વધુ અને અદ્દભુત આનંદ તો નિરભ્ર આકાશમાં ડૂબતો સૂરજ જોવા સ્થિર થઈ જવામાં આવતો. એ વયમાં પણ આકાશમાં રચાતી સંધ્યાની રંગલીલા જોવી ગમતી. હૃદયમાં શાંતિની અનુભૂતિ સમજાતી નહીં તોયે ખૂબ આનંદ આપતી. રાતે રામજી મંદિર કે શિવમંદિરમાં આરતી ટાણે ઢોલ કે ઝાલર – જે હાથમાં આવે તે વગાડવાનાં. આ સમજણ આવ્યાં પછીના જીવનનો પ્રથમ દાયકો.

પછી મુંબઈમાં છ દાયકાએ ઘણું આપ્યું. ઘણું ભુલાવ્યું. ગુમાવ્યું, પરંતુ મારામાં સતત જીવતું ગામડું સંઘર્ષ હોય કે વાવાઝોડું, આજ પણ અક્કબદ્ધ છે. હવે ગામડાંઓએ નવાં રૂપ ધારણ કર્યાં છે. ઘણું બદલાઈ ગયું છે, બદલાઈ રહ્યું છે. સમય સાથે જીવનપ્રવાહો ન બદલે તો જ નવાઈ. સ્થિર રહે તે જીવન ન રહે, તે જડ કહેવાય.

આવાં અનેક વિચારો વચ્ચે દિલીપભાઈ અને શોભના દેસાઈનું નિમંત્રણ સ્વીકાર્યું અને વાપી શહેરથી થોડાં દૂર આવેલાં તેમના નાનકડાં ગામ સોનવાડા પહોંચ્યાં. આમ તો પારડી અને તે પંથકમાં આવેલાં આ વિસ્તારો દેસાઈ લોકોથી ભરપૂર હતાં. હજુ પણ છે. ધીમે ધીમે નવી પેઢીના યુવાનો વધુ કમાણી અને સુવિધા ખાતર શહેરો તરફ સ્થળાંતર કરી ગયા. સોનવાડા ગામ પણ તેમાં અપવાદ નથી. દેસાઈ ઉપરાંત અનેક જાત,ધર્મના લોકોનો અહી વસવાટ છે, પરંતુ હજુએ અહીં ગામડું જીવે છે. મલકના માનવીઓમાં સરળતા અને વહાલ હજુ ય ધબકે છે. છૂટાછવાયાં માટીથી બનેલાં ખોરડાં, આવકાર આપતી ઓકળી પાડેલી ભીંતો અને માટી લીપેલા સ્વચ્છ ઓરડા અને ઓસરી. ચોખ્ખા ઘી નીતરતા જુવારના રોટલા અને ઉભરાતી તાંસળીમાં માખણ તરતી છાશ. માટીના ચૂલામાં બળતણ સંકોરતી ગૃહિણી ઊના રોટલા સાથે હેત પીરસતી આજે પણ જોવા મળે. શહેરોમાં રહી હોજરી સંકોચી બેઠેલાં અમે એ માણીએ તો પણ કેટલું ! મોટી તાવડીમાંથી ઊતરેલ ચાંદાનું અરધિયું તો શું, પાવલું ખાતાએ પેટ ફાટે.

સોનવાડાની સોનેરી સવાર તો જરૂર જોવી જ છેના નિર્ણય સાથે, દિલીપ-શોભનાનાં સુંદર નિવાસ સ્થાનમાં – જૂનાને વધારી નવું બનાવ્યું છે, આરામથી સૂઈ ગયાં. દિલીપ-શોભના એટલે ગામડું મનભર રાખી જીવતાં મુંબઈનાં માનવી. બન્ને વચ્ચે અને બધાં વચ્ચે તેમનો પ્રેમ સોનચંપાની જેમ મહેંકે છે.

ગાઢી ઊંઘમાંથી સવારે કૂકડાઓએ નહીં, મોરલાઓના ગહેકાટે જગાડ્યાં. ઓસરીમાંથી મોરલાઓ તો દેખાય પરંતુ સાથે આખું જંગલ અને ખેતરો આંખમાં પ્રવેશે. અંધારાને ધકેલતો સ્વચ્છ પવન અને શ્યામરંગી વાદળોની રમત, સ્વચ્છતાની વ્યાખ્યા સમજાવે જ નહીં, મનને પણ સ્વચ્છ કરી, આપણાં સમગ્રને સ્વચ્છમાં ઓગાળી દેતી ઘટના બને. આ પ્રસન્નતાના પર્યાય હોય જ નહીં, અને હોય તો પણ એ વિચારવા પણ મન ન કરે.

પદત્રાણ પગમાં વીંટીને નીકળી પડ્યાં. શુદ્ધ હવાનો કેફ, અમારાં જેવાં શરીરે વૃદ્ધમાં પણ ચેતનાનો પારાવાર પૂરે. ચાસ પાડેલાં ખેતરોની ધારે ધારે, આમ્રમંજરીઓ, બોરડીમાં બોર અને લુમ્બઝુંબ આમલીના કાતરાઓ નજરમાં આવે પણ પરોઢને ચીરતાં કોકરવર્ણ કિરણોને તળાવની ઊંચી પાળેથી જોવાની ઇચ્છા અમને રોકાવા દે તો ઊભાં રહીએ ને ! સરોવરની પાળ પર પહોંચ્યાં ત્યારે અમે અચંબાથી દિગ્મૂઢ, વાચારહિત અને વિસ્ફારિત નેત્રે ઘનગુલાબી રંગના કમળોનાં ઉપવનને જોઈ રહ્યાં. સૂરજ પણ આ દૃશ્ય જોવાં મંથર ગતિએ આવે છે અને ચાલે છે. સ્વર્ગ શું આથી સુંદર હોઈ શકે !

આજે હોલિકાદહનનો તહેવાર અને અમારાં મનમાંથી ગ્રંથિત ગાંઠોનો ઉકેલનો દિવસ. બીજો દિવસ સૌન્દર્ય રંગધામમાં પ્રવેશ. આ બન્ને દિવસ પળેપળ અમે ફૂલો સાથે, પશુપંખીઓ સાથે, હેતાળ માનવો સાથે સંગ કરતાં રહ્યાં. બાળક જેમ નિષ્કારણ ચહેકતાં રહ્યાં. મનગમતાં સ્નેહમેળે મહાલતાં રહ્યાં.

ભુવનમોહન સ્થળે સાથે ન આવી શકેલાં સ્નેહીઓને તક મળે ફરી લાવવાનો નિશ્ચય કર્યો, જેથી અમને પણ આ રંગરંગ ફુવારે ફરી ભીંજાવા મળે.

https://www.facebook.com/kanubhai.suchak/posts/10204945432929153

Loading

...102030...3,7843,7853,7863,787...3,7903,8003,810...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved