Opinion Magazine
Number of visits: 9552676
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રંગ રંગ વાદળિયાં

'સુન્દરમ્'|Poetry|26 March 2015


હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

Loading

ધર્મ પર કાયદેસર કાર્યવાહી

આશા બૂચ|Opinion - Opinion|26 March 2015

આ શીર્ષક વાંચતાં જ કેટલાકને ધક્કો પહોંચશે. ધર્મ તો સદીઓથી સર્વને માટે માનનીય, પૂજનીય અને અનુસરવા યોગ્ય વિભાવના રહી છે, જેનું યોગ્ય રીતે પાલન ન કરનારા પર કાયદેસર કાર્યવાહી થાય. ભલા ધર્મે એવું શું કૃત્ય કર્યું છે તે તેના પર કાયદેસર કાર્યવાહી થાય? આવું વિચારવાની ધૃષ્ટતા જ કોઈ કેમ કરી શકે, ભલા?

ખરી વાત છે. આજથી પાંચ-સાત દાયકાઓ પહેલાં કે આજે પણ કેટલાક સમૂહોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવે તો ખળભળાટ મચી જવાનો સંભવ છે. માન્ચેસ્ટર યુનિવર્સિટીના ઉપક્રમે ઉપરોક્ત શીર્ષક હેઠળ  તાજેતરમાં એક ચર્ચાસભાનું આયોજન થયેલું. ચર્ચાસભાની પેનલમાં સોશિયલ રિસ્પોસિબિલિટી[social responsibility]ના ડાયરેક્ટર જુલિયન સ્કાયર્મ [Julian Skyrme], સ્થાનિક એમ.ઈ.પી. અફઝલ ખાન, ધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રોફેસર માઇકલ હોયલઝ્લ [Dr. Michael Hoelzl], ઉચ્ચ શિક્ષણના ચેપલિન રેવરન્ડ ટેરી બિડ્ડીંગ્ટન [chaplin of higher education Rev. Dr. Terry Biddington], ડાયવરસિટી ટીમના અધિકારી ટેસી મારિટીમ [Diversity team officer Tessy Maritim] અને સ્થાનક સાંસદ જ્હોન લીચ [John Leach] હતા.

કાર્યક્રમની શરૂઆતમાં હાજર રહેલા શ્રોતાઓને છ પ્રશ્નોમાંથી પોતાને જે અનુભવ થયો હોય તેના પર ચોકડી મારવા કહ્યું. એ પ્રશ્નો હતા :

1. મને આ દેશમાં અલગ અલગ ધર્મો અને ધાર્મિક માન્યતાઓ વિષે મળેલા શિક્ષણ વિષે સંતોષ છે.

2. મેં ત્રણ કે તેથી વધુ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે.

3. મારા મિત્રોમાં જુદા જુદા ધર્મના અનુયાયીઓનો સમાવેશ થાય છે.

4. મારા ધર્મને કારણે લોકોએ પ્રચલિત માન્યતાઓ અનુસાર મારી સાથે વર્તન કરેલું છે.

5. મેં બીજા વિષે ધર્મને આધારે કેટલાક અનુમાનો બાંધ્યા છે.

6. મેં અન્યના હિંસક વલણ-વર્તન સાથે તેમના ધર્મને જોડ્યો છે.

રસ પડે એવી વાત તો એ છે કે જ્યારે આ પ્રશ્નોના જવાબનું તારણ કાઢવામાં આવ્યું ત્યારે જણાયું કે પ્રથમ ત્રણ પ્રશ્નોના જવાબથી આજની શિક્ષણ વ્યવસ્થા માટે ફરિયાદ કરી ન શકાય તેમ જ મોટા ભાગના લોકો ધાર્મિક સ્થળો અને વિવિધ ધર્મના લોકો પ્રત્યે મૈત્રીભર્યું વલણ દર્શાવે છે, એમ બહાર આવ્યું. આમ છતાં, સમાજમાં હજુ ચીલાચાલુ માન્યતાઓને આધારે કોઈ એક સમૂહ વિષે અભિપ્રાયો બાંધવાનું અને તેને આધારે અન્ય સાથે અન્યાયભર્યું વર્તન કરવાનું તથા ગેરકાયદેસરના કે હિંસક વલણ-વર્તન માટે ધર્મને જવાબદાર ઠેરવવાનું વલણ હજુ ઘણું પ્રવર્તે છે.

પેનલ પરના છ સભ્યોને ત્રણ પ્રશ્નો પર પોતાના વિચારો વ્યક્ત કરવાનું કહેવામાં આવેલું :

અ) તમે ધર્મનો શો અર્થ ઘટાવો છો?

બ) રાજકારણમાં ધર્મને કોઈ સ્થાન છે ખરું?

ક) ધર્મ વિના આ દુનિયામાં વધુ શાંતિ રહેશે?

મુખ્ય વક્તાઓનાં વક્તવ્ય બાદ શ્રોતાઓનાં મંતવ્યો અને સવાલ-જવાબનો સાર ઘણો રસપ્રદ પૂરવાર થયો. સમાજશાસ્ત્રીઓનું એવું માનવું હતું કે જેમ જેમ સમાજની પ્રગતિ થશે તેમ તેમ ધર્મ અદ્રશ્ય થશે અને લોકો વધુ સેક્યુલર એટલેકે ધર્મ નિરપેક્ષ થશે. જ્યારે આજે આનાથી વિરુદ્ધ સ્થિતિ જોવા મળે છે. ધર્મ પ્રજાને મૂલ્યો વિષે જ્ઞાન આપે, એના પાલન માટે પ્રેરણા આપે અને તેની શક્તિને પડકારે એવો હોય એવી ધારણા હતી. આજે સવાલ થાય કે ધર્મ આડખીલી રૂપ છે કે માનવ-માનવ વચ્ચે પૂલ બાંધનાર બન્યો છે? એ એકતાનું વાહન બન્યો છે કે વિભાજનનું સાધન બન્યો છે? એક એવી માન્યતા છે કે ધર્મ વિનાની દુનિયા સારી નહીં હોય. શક્ય છે કે લોકો ધર્મને નામે નહીં તો બીજાં કોઈ કારણો સર લડતા રહેશે. ખરું જુઓ તો આતંક ફેલાવવા અને ગુનાઓ આચરવા માટે ધર્મ કારણભૂત નથી, એ તો એક માત્ર બહાનું છે. તો હિંસક અને ગુનાખોરી માનસ ધરાવનારા કોઈ બીજું બહાનું શોધી લેશે. માત્ર માનવ જ નહીં, સૃષ્ટિના તમામ સજીવ-નિર્જીવ પદાર્થોના સઘળાં કાર્યો કોઈ ને કોઈ પ્રકારની શ્રદ્ધા અને વિશ્વાસથી જ દોરવાયેલાં હોય છે. બાળક પડી જાય અને વાગે તો મા યાદ આવે તેમ માણસ તકલીફમાં હોય તો ધર્મને શરણે જાય એ તેનું એક સકારાત્મક પાસું છે. હાજર રહેલા વિદ્યાર્થી સમૂહનું કહેવું હતું કે જે ધર્મ લોકોના ઉદાર મતને ટેકો આપે અને સમાનતા તથા માનવ અધિકારોનાં મૂલ્યો પોષે તેવા ધર્મને આજની લોકશાહી રાજ્ય પદ્ધતિમાં સ્થાન મળી શકે, પરંતુ જે ધર્મ એક બાજુથી સ્કૂલો ચલાવે, ધર્મસ્થાનો ઊભાં કરે અને માનવતાનાં કાર્યો કરે એ જ ધર્મ પોતાના સિદ્ધાંતો બીજા પર ઠોકી બેસાડે, તે હવે એમને માન્ય નથી. ધર્મની ભૂમિકા સામાજિક વ્યવસ્થા જાળવવામાં છે તે ઊગતી પેઢીને પણ સ્વીકાર્ય છે, પણ ચર્ચ અને રાજ્ય જુદાં હોવાં જોઈએ એ મત ધરાવનારાની સંખ્યા વધતી જાય છે.

ધર્મનો ઉદ્દભવ એક જીવન પદ્ધતિ તરીકે થયેલો જેનો માનવ વિકાસમાં ઉત્તમ ફાળો રહ્યો. કમનસીબે છેલ્લા કેટલાક દાયકાઓથી બીજા પર દબાણ કરવામાં, જુદાઈ વધારવામાં અને તેને નામે હિંસા આચરવામાં વધુ જવાબદાર ગણાવા લાગ્યો છે. જો કે એવું માનવાને કારણ નથી કે સેક્યુલર પ્રજાએ હિંસા નથી કરી. ઇતિહાસ સાક્ષી છે કે લડાઈઓ અને રમખાણો કરનારા ધાર્મિક અને અધાર્મિક બંને જૂથમાંથી આવે છે. ધર્મ માનવ સર્જિત છે એ હકીકત છે એવી જ રીતે આત્યંતિક વિચારો પછી એ ધર્મ વિશેના હોય કે ધર્મ નિરપેક્ષતા વિશેના બંને માનવ જાતની એકતા અને સલામતી માટે સરખા જોખમકારક છે. એટલે ખરું જોતાં ધર્મ વિનાની નહીં પણ માણસ વિનાની દુનિયામાં પરમ શાંતિ હશે એમ માનવાનું મન થાય.

આમ આ ચર્ચાસભામાં અનેક મત-અભિપ્રાયોની લેવડ-દેવડ થઈ અને સહુ વિચારોનું ભાથું લઈને વિખેરાયા. કેટલાક નવયુવકો-યુવતીઓ સાથે એ સાંજે કોફી પીતાં ચર્ચા આગળ લંબાઈ. તેઓ મારા અંગત વિચારો જાણવા ઉત્સુક હતાં. મારા માટે ધર્મનો અર્થ છે, કુદરત અને તેની રચેલ તમામ સૃષ્ટિનો આદર કરવો, તેના અપાર વૈવિધ્યનો સ્વીકાર કરવો અને સહઅસ્તિત્વ વિકસાવવું. ધર્મનો અર્થ હું ફરજ એવો ઘટાવું છું. અંગત રીતે મારા ધર્મને સમજવાથી મારાં નૈતિક મૂલ્યો, અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનની સમજણ ઘડાઈ અને વિકસી. ધર્મની મારી આ વ્યાખ્યા હોવાને કારણે એવા ધર્મને રાજકારણમાં સ્થાન છે તેમ મારું માનવું છે. જો રાજકારણનો અર્થ મુઠ્ઠીભર લોકોના સ્થાપિત હિતોનું રક્ષણ થાય, એના લાભથી વંચિત રહેલાનું સત્તા અને લાંચ-રૂશ્વતથી શોષણ થાય એવો થતો હોય, તો એવા રાજકારણનું માનવ સમાજમાં સ્થાન નથી અને એવા રાજકારણમાં ધર્મને હરગીજ સ્થાન નથી. હા, રાજકીય હોદ્દાઓ પર ધાર્મિક સંસ્થાઓના વડાઓની નિમણુક થાય એ વિષય વિવાદાસ્પદ છે. અને જો તેઓ રાજ્યનો વહીવટ કરવામાં અને કાયદાઓ ઘડવામાં ધાર્મિક નિયમો લાવે તો એ માનવ અધિકારની તરફેણમાં હોય તો જ સ્વીકારવામાં માનું છું.

આજના યુગમાં ધર્મનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે અને તેને નામે જે માનવ હિત વિરોધી હિંસક આચાર થઇ રહ્યા છે એવા કહેવાતા ‘ધર્મ’ વિના આ દુનિયા વધુ શાંતિથી જીવી શકશે. આજે કોઈ પણ પાયા ઉપર નભેલી ઓળખ જાણે એકબીજાને વિભાજીત કરનારી બની ગઈ છે. ધાર્મિક સ્થાનો પાસે અઢળક મિલકતના ઢગલા છે, એ સામાજિક અને રાજકીય સત્તાની પીઠ સમાં બની ગયાં છે, તેના અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓનું શોષણ કર્તા બન્યા છે, પદ અને સત્તાની ચડ-ઉતર વ્યવસ્થા અને ક્રિયાકાંડને ચુસ્તપણે વળગી રહેવાને કારણે પાખંડી વધુ અને માર્ગદર્શક ઓછા રહ્યા છે, કેટલાક કિસ્સાઓમાં તો ધર્મ સ્થળો હિંસાત્મક વર્તનને પ્રોત્સાહન આપે છે એટલે નવી પેઢીને તેમના પરથી વિશ્વાસ ઊઠી જાય તે વ્યાજબી છે. અત્યાર સુધી અનેક પંથ બન્યા, વાડાઓ રચાયા, હવે સાચો ‘માનવ’ બનાવીએ, ધર્મ એની મેળે એની પાછળ પાછળ રચાશે. આપણે સહુ માનવ છીએ માટે આપણા સહુનો એક જ ધર્મ હોઈ શકે અને તે ‘માનવ ધર્મ’.

મારા આ મંતવ્ય સાથે યુનિવર્સિટીના એ વિદ્યાર્થીઓ મોટે ભાગે સહમત થતા જણાયા, અને એ પેઢી એક દિવસ માનવ ધર્મના ઉદ્દગાતા બને એવી શુભેચ્છા આપીને છુટ્ટી પડી.

e.mail : 71abuch@gmail.com

Loading

હમ ચલેંગે સાથ સાથ એક દિન

આશા બૂચ|Opinion - Opinion|26 March 2015

વિશ્વ આખામાં તાજેતરમાં બનતા બનાવોથી અન્ય દેશોની માફક બ્રિટનમાં તેમ જ બીજા શહેરોની જેમ માન્ચેસ્ટરમાં વસતા તમામ લોકો ખાસ કરીને જુઇશ અને મુસ્લિમ કોમ તંગદિલીનો અનુભવ કરી રહી છે, તેવે ટાણે ગ્રેટર માન્ચેસ્ટર પુલિસ તરફથી તેમને વધુ રક્ષણ આપવાની તૈયારી બતાવાઈ, ત્યારે આપણને જાણીને આનંદ થાય એવી એક હકીકત બહાર આવી.

મોટા ભાગના જુઇશ અને મુસ્લિમ કોમના લોકો શાંતિપ્રિય છે અને એકબીજા સાથે હળી મળીને રહે છે એ સહુ જાણીએ છીએ. છતાં જુઇશ અને મુસ્લિમ કોમ પેલેસ્ટાઈન અને ઇઝરાયેલમાં સામસામે શીંગડા ભરાવીને દાયકાઓથી એકબીજા સામે લડતા આવ્યા છે એટલું જ નહીં પણ દુનિયાના કોઈ પણ પડમાં રહેતી એ બંને કોમ વચ્ચે ક્યારે દુશ્મનાવટ ભભૂકી ઊઠે અને પરસ્પરને હાનિ પહોંચાડવાના બનાવો બને તે કહેવાય નહીં, એવી સ્ફોટક પરિસ્થિતિ તો હંમેશ ઝળુંબ્યા જ કરે છે. એ વાસ્તવિકતાનો પણ સ્વીકાર કર્યે છૂટકો નથી. તેમાં વળી વાણી અને વિચાર સ્વાતંત્ર્યને ગોળીએ વીંધવાનાં બનાવો બન્યા બાદ, એ ઘાવ ફરી દુઝતા થયા. રસપ્રદ વાત તો એ છે કે ગ્રેટર માન્ચેસ્ટર પુલિસની શાંતિ અને અમનની જાળવણી માટે વધુ પુલિસ કોન્સ્ટેબલ બંને પંથના અનુયાયીઓની આસપાસ ફરતા રહે તેવા પ્રસ્તાવના જવાબમાં તેઓએ કહ્યું કે, “અમારે નથી જોઈતું પુલિસનું રક્ષણ કે નથી જોઈતું શસ્ત્રોનું કવચ. અમે ઈચ્છીએ છીએ કે શહેરના તમામ લોકો આવી સ્ફોટક પરિસ્થિતિનો સામનો કરવા સંગઠિત થઈને એકબીજાને પડખે ઊભા રહે અને કોમી એખલાસ સાધવામાં સાથ આપે.” કેવો રચનાત્મક અને શાંતિમય ઉપાય એ બંને પ્રજાએ સૂચવ્યો?

આથી ગ્રેટર માન્ચેસ્ટરની વૈવિધ્યભરી સંસ્કૃિતનો જશ્મ મનાવવા, ધિક્કાર અને અસહિષ્ણુતાને સામે પલ્લે બેસવા અને બ્રિટનને વધુ સલામત અને મજબૂત રાષ્ટ્ર બનાવવા આ વિસ્તારના તમામ ફિરકાઓના પ્રતિનિધિઓને એક ચર્ચામાં ભાગ લેવા આમંત્રણ પાઠવેલું, જેમાં લગભગ 250-300 લોકો હાજર રહેલા અને મને તેમાં મને ભાગ લેવાની તક મળી. કાર્યક્રમની શરૂઆત ત્રણ 14-15 વર્ષના અશ્વેત કુમારો – કે જે ચાર-પાંચ વર્ષ પહેલાં માન્ચેસ્ટર આવ્યા ત્યારે ઇંગ્લિશ ભાષા નહોતા જાણતા – તેમના નૃત્યથી થઈ. ત્યાર બાદ ગ્રેટર માન્ચેસ્ટર પુલિસના ચીફ કોન્સ્ટેબલ સર પીટર ફાહે, ગ્રેટર માન્ચેસ્ટર પુલિસ અને ક્રાઈમ કમિશનર ટોની લોઈડ, ઇન્ટર ફેઈથ અને જુઇશ/મુસ્લિમ ફોરમના ત્રણ પ્રતિનિધિઓ, માન્ચેસ્ટર કાઉન્સિલના ડેપ્યુટી લીડર તથા ચીફ એક્ઝીક્યુટીવનાં વક્તવ્યો થયાં જેનો સાર કંઈક આ પ્રમાણે છે :

“Weનો અર્થ આપણે સહુ માનવો એવો કરવામાં જ સહુની ભલાઈ છે. બીજા દેશના નાગરિકો આ દેશમાં આવીને વસે તે કંઈ નવીન ઘટના નથી. એ તો શીત યુગ પૂરો થયો અને માનવી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો થયો ત્યારથી બનતું આવ્યું છે, અને ઔદ્યોગિક ક્રાંતિ બાદ તેમાં ઝડપ અને વ્યાપ વધ્યાં છે. એમ થવાથી આ દેશની બૌદ્ધિક, આર્થિક અને સાંસ્કૃિતક ક્ષેત્રે સમૃદ્ધિ વધી છે. હવે આપણે એકમેકની સાથે રહીને કામ કરીએ છીએ તો એટલું સમજી લઈએ કે ધર્મ કે કોમને નામે વિભાજીત થઈ જવાથી કશો ફાયદો થવાનો નથી. જુદા જુદા દેશના લોકો પોતાની ભાષા, પહેરવેશ, ખોરાક, રહેણી-કરણીની સાથે જ પોતાની કાર્ય કુશળતા, બુદ્ધિધન અને વફાદારી લઈને આવે છે. માન્ચેસ્ટર ઘણી બાબાતોમાં અગ્રેસર રહ્યું છે જેમ કે ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ અહીં થયાં, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને મતાધિકાર માટેની ચળવળ પીટરલૂમાં થઈ, કમ્પ્યુટરની શોધ, એટમનું વિભાગીકરણ અને ગ્રાફીમની શોધ પણ અહીં થઈ. તો હવે આ વિસ્તારના રહેવાસીઓ માનવ જાત તરીકે એકતા હાંસલ કરીને દેશ આખામાં દાખલો બેસાડે તે જરૂરી છે.”

ભવિષ્યમાં સાથે મળીને ગાઈએ, નાચીએ અને ભોજન લઈએ તેવા કાર્યક્રમો યોજવાની આ નવીન સંગઠનની નેમ છે. તેની પાછળનો હેતુ એ છે કે અલગ અલગ કોમ વચ્ચે સમજણ અને સહિષ્ણુતાનો સેતુ બંધાય, સમાનતાનો પ્રચાર-પ્રસાર થાય અને છેવટ તેનું પરિણામ પરસ્પરને માટે નફરતનું પ્રમાણ ઘટે એ છે. આમ કરવાથી વિવિધતામાં એકતા છે અને વિવિધ કોમનું આપણી પ્રગતિ અને વિકાસમાં બહુ મહત્ત્વનું પ્રદાન રહ્યું છે એનો અહેસાસ થશે. વળી લોકોમાં છૂપેલી સારપ પ્રગટ થશે અને ગુનાહિત વૃત્તિને ધરબી શકાશે તથા નફરતને કારણે થતા ગુનાઓની જાણ કરવામાં મદદ થશે એ ફાયદો થાય તે નફામાં. ગુનો કરનાર ચાહે ગમે તે કોમમાં જન્મ્યો હોય, હાનિ તો તે બધાની કરે છે, અને તેથી જ સ્તો, સહુએ સાથે મળીને તે કોમની નફરત કરવાને બદલે ગુનાખોરી કેમ ઘટે તે માટે પ્રયત્ન કરવામાં એકબીજાને સાથ આપવાની હાકલ કરવામાં આવી.

આજે જ્યારે ધર્મને નામે આંતક ફેલાય છે, સરકારી નીતિઓ એ વિષે આંખ આડા કાન કરે છે, અને ક્યાંક તો તેને સીધો કે આડકતરો ટેકો આપે છે અને પ્રજા જે તે દેશના રાજકારણીઓ જે પગલું ભરે તે જોઈને બેસી રહેવા જેવી નમાલી થઈ ગઈ છે તેવા માહોલમાં સામાન્ય પ્રજાજનો અને પુલિસ તંત્ર સાથે મળીને વિશ્વ વ્યાપી પ્રશ્નનો આવો સકારાત્મક ઉકેલ લાવે તે જોઈને મનને શાતા વળી.

આ પગલું સ્થાનિક કક્ષાએ લેવાયું છે તેથી તેમાં ભાગીદાર થવાની અને આ લીધેલ પ્રતિજ્ઞા પૂરી થાય તેના પર નજર રાખવાની એક જવાબદાર નાગરિક તરીકે તક મળશે તેમ જ ફરજ પણ બની રહેશે. ‘સાથે રમીએ સાથે જમીએ’નું પ્રણ લેવાયું છે, તો ‘સાથે કરીએ સારાં કામ’ એ નિર્ણય પણ અમલમાં મુકાશે, જો દરેકના ઘટ ઘટમાં વસતા શ્રી ભગવાન – ચાહે તે રામ, રહીમ, ગોડ કે વાહે ગુરુદીના નામે ઓળખાતો હોય – સાથ આપશે તો.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,7833,7843,7853,786...3,7903,8003,810...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved