Opinion Magazine
Number of visits: 9664639
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિવા પત્રકારત્વ અવૉર્ડ : પ્રગતિશીલ અને પ્રસ્તુત, પ્રેરણાદાયી અને પ્રથમ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 February 2025

– ‘મારો દીકરો ત્રણ મહિનાનો હતો અને મારે સળંગ ત્રણ દિવસ ઓવરનાઈટ શૂટ પર જવું પડ્યું. આમ તો ચોવીસ કલાકની નોકરી ઇમ્પોસિબલ છે’ : ગોપી મણિયાર-ઘાંઘર, જાણીતાં ટેલિવિઝન પત્રકાર

–  ‘આ મારું લાઇફ અચીવમેન્ટ સન્માન છે’ : ભાનુમતિબહેન, ગોપીનાં સાસુ 

‘મારું સન્માન થાય એના કરતાં વધારે ખુશી મારાં મા-બાપનું સન્માન કર્યું તેની છે. તેમણે મારા માટે જે કર્યું છે તે મારા માટે બહુ મહત્ત્વનું છે’ : અનિતા પટણી, ટેલિવિઝન પત્રકાર, કે જેમના માતાને ફળની લારી છે અને પિતા નિવૃત્ત શિક્ષક છે. 

– ‘માસિક ધર્મ થકી સ્ત્રી દર મહિને પવિત્ર થાય છે, પુરુષ ક્યારે ય પવિત્ર થતો નથી, પછી એ પ્રયાગરાજ જઈને આવે પછી પણ એવો ને એવો જ રહે છે’, પ્રશાંત દયાળ, અગ્રણી પત્રકાર

આ કેટલીક વાતો છે શિવા પત્રકારત્વ અવૉર્ડ સમારંભની.

•••

પ્રશાંત દયાળ, તેમના પરિવાર અને નવજીવન ન્યૂઝે પ્રશાંતભાઈના જીવનસાથી શિવાનીબહેનની સ્મૃતિમાં શરૂ કરેલા શિવા પત્રકારત્વ અવૉર્ડનો સમારંભ 22 ફેબ્રુઆરીએ, કસ્તૂરબાની પુણ્યતિથિએ, સાંજે નવજીવન ટ્રસ્ટના સંકુલમાં આવેલા જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલમાં ભરચક દર્શકોની હાજરીમાં યોજાયો હતો. 

આ પહેલી વારનું સન્માન ગોપી મણિયાર ઘાંઘર અને તેમનાં સાસુ ભાનુમતિબહેનને; અને,  અનિતાબહેન પટણી અને તેમનાં માતા સવિતાબહેનને આપવામાં આવ્યું.

તેમાં સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન અને વીસ હજાર રૂપિયાના રાશિનો સમાવેશ હતો. બંને પત્રકારોનો પરિચય તરીકે તેમના પરની ટૂંકી સંગીન ફિલ્મ્સ હતી.

પ્રગતિશીલ, પ્રસ્તુત અને પ્રેરણાદાયી એવા આ ઉપક્રમના કાર્યક્રમનું આયોજન પણ દોઢ કલાક યાદગાર બને તેવી રીતે થયું હતું.

પ્રશાંતભાઈએ માહિતી આપી કે આ સન્માન દસ વર્ષથી વધુ અનુભવ ધરાવનારા અને પચાસ વર્ષથી ઓછી ઉંમરના પત્રકારને એનાયત થશે. જેથી કામગીરીનો એક તબક્કો સધાયો હોય અને અવૉર્ડનો આનંદ આવે તેવી ઉંમર હોય. 

અલબત્ત, આ એવૉર્ડની અનન્યતા એ કે તે પત્રકાર ઉપરાંત તેની સાથે પડખે રહેનાર મહિલાને પણ આપવામાં આવશે. તેનો આશય પત્રકારની કામગીરી માટે તેના પરિવારના ફાળાને બિરદાવવાનો છે.   

કસ્તૂરબાની પુણ્યતિથિએ સમારંભ યોજવાનો હેતુ ગાંધીજીના જીવનમાં તેમનાં પ્રદાનનું ગૌરવ કરવાનો હતો. અનેક અગ્રણીઓનાં જીવનમાં આવેલી મહિલાઓની જેમ ઉપેક્ષિત રહ્યાં છે. તેમની કદર ન થઈ. ઘરઘરમાં આવી કસ્તૂરબા હોય છે. તેની કદર કરવી એ સાચી અંજલિ  ગણાય. 

શિવાની અને પ્રશાન્ત દયાળ

એવૉર્ડની ઉપરોક્ત ભૂમિકા આપવાની સાથે પ્રશાંતભાઈએ સમાજમાં ઘરની મહિલાઓ બાબતે તને-ખબર-ન-પડે એ બેહૂદી પુરુષપ્રધાન માન્યતાથી શરૂ કરીને પ્રશાંતભાઈએ સ્ત્રીજાતિની અસાધારણ ક્ષમતાને સરસ રીતે ઉપસાવી.

પ્રશાંતે તેમના જીવનમાં શિવાનીબહેનનું કેવું અસાધારણ સ્થાન હતું તે હૃદયસ્પર્શી રીતે બતાવ્યું. સમારંભનો દિવસ એ ત્રીસ વર્ષ પૂર્વે એટલે કે 1996માં ભરૂચના નાનકડા ટાઉનની  શિવાની મોઘે પ્રશાંતના જીવનમાં રજિસ્ટર લગ્ન કરીને પહેરેલાં કપડે પ્રવેશવાનો પણ દિવસ હતો.

પત્રકાર પતિ પ્રામાણિક અને હિમ્મતવાળો જ રહે તેના માટે શિવાનીએ જે  કહ્યું-કર્યું તેના બનાવો પણ પ્રશાંતભાઈએ વર્ણવ્યા. જેમ કે, પોતે કૌસરબી બળાત્કાર-હત્યા તેમ જ સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનું જબરદસ્ત કવરેજ કરતા હતા, તે વખતે તેમને મોટી રકમની ઑફર થઈ હતી. એ  વખતે મમ્મીના કૅન્સરની સારવાર માટે પૈસાની જરૂર પણ હતી.

એટલે પ્રશાંતભાઈએ પૈસા લેવા અંગે શિવાનીને પૂછ્યું, એટલે એ મતલબનો જવાબ મળ્યો કે ‘મારી પર બળાત્કાર થાય અને મને આવી રીતે મારી નાખે તો તમે પૈસા લઈ લેશો ને, લઈ લેજો પૈસા.’  

એક વખત સરકારે એક સ્ટોરી માટે પ્રશાન્ત પર રાજદ્રોહનો કેસ કર્યો અને તેને અન્ડરગ્રાઉન્ડ જવું પડ્યું ત્યારે શિવાનીએ કહ્યું : ‘હવે કોઈ દિવસ કોઈની વિરુદ્ધ લખતા નહીં … ડરીને ભાગી જાય એવો પતિ હું પસંદ નથી કરતી.’ 

પ્રશાંતભાઈએ યાદ કર્યું કે લગ્ન બાદ પહેલાં પંદર વર્ષ એમણે એક પણ વીકલી ઑફ લીધો ન હતો. તેમણે ઘરના મોકળાશભર્યા વાતાવરણની, સંતાનો સાથેની નિખાલસ વાતચીતની, સભ્યો વચ્ચેના સંવાદની અને એકંદરે સંસારની ઉજળી બાજુ બનાવો સાથે સંભારી.

પ્રશાંતભાઈએ અનેક શબ્દોમાં શિવાનીને યાદ કર્યાં : ‘શિવાનીએ મારા ઘરની દીવાલોને ઘર બનાવ્યું’, ‘હું પત્રકારત્વમાં આગળ વધતો રહ્યો અને તેની કિંમત શિવાની અને મારો પરિવાર ચૂકવતાં રહ્યાં એ મને સમજાયું નહીં’, ‘એ બહુ સાદી સ્ત્રી, સરળ, બીકણ સ્ત્રી. પણ એના પાતળા દેહમાં બહાદુરી, ખુમારી ઠાંસી ઠાંસીને ભરી હતી’, ‘એની પાસે એ સ્પષ્ટતા હતી કે મારા ઘરમાં એવો પૈસો ન આવવો જોઈએ કે જે નિસાસાનો પૈસો હોય, કોઈની પીડાનો પૈસો હોય.’ 

‘એને ખબર હતી કે એ જવાની છે, એની પાસે સમય ઓછો છે, પણ છતાં એ એની તાકાત પ્રમાણે લડતી રહી’, ‘મારી પાછળ શિવાની ન હોત તો હું જે કંઈ છું તે ન હોત, આ મુકામ પર પત્રકારત્વને પહોંચાડી શક્યો ન હોત’, ‘શિવાની પુત્રવધૂ ભૂમિને પેટે દીકરી તરીકે અમારા ઘરમાં પાછી આવવની છે.’ 

સન્માન મેળવનાર  બંને પત્રકારોએ તેમનાં ઘડતરમાં પ્રશાંતભાઈના ટેકાનો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કર્યો. ગોપીએ લાગણીસભર રીતે શિવાંગી અને તેની વચ્ચેની મૈત્રીને યાદ કરી. તેમણે ભાનુમતિબહેનની પીઠબળની પણ વાત કરી.

સન્માન સમાજસેવક મિત્તલ પટેલ અને વરિષ્ઠ પત્રકાર મુકુંદ પંડ્યાને હસ્તે અપાયાં. મિત્તલે પ્રશાંતભાઈએ તેને પ્રસંગે પૂરાં પાડેલાં મજબૂત પીઠબળની જીકર કરી. તેમણે એ પણ નોંધ્યું કે પ્રશાંતભાઈ માણસ તરીકે ટકી રહ્યા, ખોવાયા નહીં તેની પાછળ શિવાની હતાં. 

મુકુંદભાઈ 1975ની કટોકટી વખતના પત્રકારત્વને યાદ કર્યું .તેમણે એમ પણ કહ્યું કે સન્માનિત પત્રકારો અત્યારના સમયમાં પણ મૂલ્યો જાળવીને, પ્રામાણિકતાથી કાર્યરત છે તેમાં તેમના પરિવારનો સાથ હોય છે, તેમનો પરિવાર તેમની તાકાત, તેમનું પોષણ હોય છે.

શિવાનીને યાદ કરીને તેમણે ‘રામ તમે સીતાજીની તોલે ન આવો’ પંક્તિ ટાંકી. મકરંદ દવેના જાણીતા ભજન ‘અમે રે સૂકું રૂનું પૂમડું’નો છેલ્લો અંતરો ‘અમે રે ઊધઈ ખાધું ઇંધણું’ હલકથી ગાઈને તેનો કસ્તૂરબાના, મહિલાના સંદર્ભમાં અર્થ બતાવ્યો. નવજીવનના મૅનેજિન્ગ ડિરેક્ટર વિવેક દેસાઈએ પણ ભાવસભર રીતે નવજીવન બ્લૉક્સનો માહોલ અને તેમાં શિવાનીની હાજરીની યાદો વર્ણવી. પ્રશાંતના દીકરી પ્રાર્થનાએ પણ તેની મમ્મીને સ્વસ્થ રીતે યાદ કરી.

સંશોધક, પત્રકાર, લેખક અને વર્ષોથી પ્રશાંતના મિત્ર ઉર્વીશ કોઠારીએ કાર્યક્રમનું સંચાલન સાહજિક રીતે કર્યું. તેમાં પ્રશાન્ત, અત્યારની પત્રકારિતા, અત્યારનો સમય જેવી બાબતોના ઉલ્લેખો હતા. તેમની વાતમાં હળવાશ, કટાક્ષ, ટિપ્પ્ણી અને ચિંતનનો મજાનો મેળાપ હતો.

અત્યારે સ્ત્રીઓ માટે તકો વધતી જાય છે, એની સામે પુરુષી ઝેરીલાપણું (male toxicity) પણ વધતું જાય છે. એવા સંજોગોમાં સ્ત્રીની મહત્તાનું આટલી સરસ રીતે ગૌરવ કરવા બદલ પ્રશાંત દયાળ અને નવજીવન ન્યૂઝને અનેક ધન્યવાદ!

તસવીરો : રોહન ત્રિવેદી, કોલાજ : પરીક્ષિત જોગી 
26 ફેબ્રુઆરી 2025
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સાવરકરના મનમાં હિંદુ રાજાઓની છાપ કેવી હતી?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 February 2025

જન્મ : 28-5-1883 — મૃત્યુ : 26-2-1966

સાવરકરે ઈતિહાસનાં જે સ્વર્ણિમ પૃષ્ઠો પોતાની દૃષ્ટિએ આલેખ્યાં છે એમાં હિંદુઓની ‘સદગુણ વિકૃતિ’ એક મુદ્દો છે

ગોધરા-અનુગોધરાના દુર્ભાગી ઘટનાક્રમને તેવીસ વરસ પૂરાં થવામાં છે, અને બેસતે ફેબ્રુઆરીએ (પહેલી તારીખે), ઝકિયા આપા ગયાં. છેલ્લા બે’ક દાયકામાં, રાજધર્મના પરિપાલન વિષયક સવાલિયા દોરને અંગે ન્યાયની લડતના એક અણનમ ચહેરા તરીકે એ ઉભર્યાં હતાં. આવી લડતો સફળતા-નિષ્ફળતાને ધોરણે નહીં એટલી ખુદ લડત થકી જ ઓળખાય છે.

પ્રકાશ ન. શાહ

ઝકિયાની પોતાની આ જે ઓળખ બની, ઝુઝારુ જણ તરીકેની તેનું સ્વતંત્ર મૂલ્ય અલબત્ત છે જ. પણ જાફરી એ જે એમનું કુલનામ એ તો 1977ની શકવર્તી ચૂંટણીમાં યશસ્વી રહેલા કાઁગ્રેસમેન અહેસાનની ભેટ હતી. ધારાશાસ્ત્રી અહેસાન જાફરી, ઉર્દૂની પ્રગતિશીલ ધારાના એક અચ્છા શાયર પણ હતા. 1969માં રમખાણ ફાટી નીકળ્યું ત્યારે પૂર્વ અમદાવાદમાં ડો. ગાંધીની ચાલના એક ટેનામેન્ટમાં આ પરિવાર રહેતો હતો અને જાન બચાવવા વાસ્તે ખાસ્સું બે-ત્રણ કિલોમીટર દોડ્યા પછી અસારવા-ઉદયપુર રેલવે લાઈન ક્રોસ કરી પોલીસ સ્ટેડિયમમાં આશરો લીધો હતો. 1969ના આ અમંગલ અનુભવ પછી પણ પ્રજાસત્તાક સ્વરાજ લાયક જાહેર જીવન માટેની ગડમથલમાં એ કટુતા વગર સક્રિય હતા. 1977માં એમની સામે હારેલા બ્રહ્મકુમાર ભટ્ટ પાસેથી સાંભળ્યું છે કે અમે પોલીસ સ્ટેડિયમમાં શાતા પૂછવા ને સહાય જોગવવા ગયા ત્યારે હાથમાં ડબલું ઝાલી ચા વાસ્તે ઊભેલા અહેસાનનો ચહેરો હજુ નજર સામેથી ખસતો નથી, અને એ લાગણી પણ – કે છતે જુલમે આ માણસમાં કટુતા નથી.

દફતર ભંડારના અખિલ હિંદ વડા પ્રો. તીરમીઝી નિવૃત્ત થઈ દિલ્હીથી અમદાવાદ પાછા ફર્યા ત્યારે એમની પહેલથી રચાયેલ મૌલાના આઝાદ સેન્ટરની કાર્યવાહક સમિતિમાં અહેસાન જાફરીને મળવાનું થતું. તે વખતે એમની રચનાઓનોયે કંઈક પરિચય થયો હતો. એક વાર વસંત-રજબ શહાદત સ્મૃતિની પૂર્વ રાત્રિએ મુશાયરો યોજાયો હતો એમાં અહેસાનભાઈએ ઉચ્ચારેલી પંક્તિઓ આ લખતાં મનમાં ગૂંજે છે, અને એમના સંગ્રહ ‘કંદીલ’(દીવો, ફાનસ)ના નાગરી પાઠમાંથી ઉતારવાનું મન થઈ આવે છે : ‘હર દિલ મેં મુહબ્બત કી, ઉખુવ્વત કી લગન હૈ, યે મેરા વતન, મેરા વતન, મેરા વતન હૈ.’ આ વતન તે કેવું ને કોનું એ પણ એમણે બીજી એક રચનામાં અચ્છું વ્યાખ્યાયિત કરેલું છે : મીરાંબાઈના ભજને સોહતું, ગૌતમ બુદ્ધ – ગુરુ નાનક – અમીર ખુશરોના પ્રેમસંદેશ થકી આશીર્વાદપ્રાપ્ત, આ મારું વતન!

2002ની 28મી ફેબ્રુઆરીએ ગુલબર્ગ, ચમનપુરામાં બોંતેર વરસના અહેસાન સહિત 69 જણા જે રીતે ગયાં એમાં જવાબદાર કરવૈયાઓની ખુદની વીરગાથા શી સાહેદી ‘તહલકા’ની ટેપમાં અંકિત છે, પણ … ખેર છોડો એ ચર્ચા, હિંદુ કે મુસ્લિમ તરીકે નહીં પણ એક નાગરિક તરીકે જ્યારે જ્યારે ગોધરા-અનુગોધરા દિવસો સંભારીએ છીએ ત્યારે શું કહેવાનું બને છે? રાજધર્મ ન ચુકાયો હોત, એટલે કે કાયદાનું શાસન પળાયું હોત, શાસન એ ધોરણે ચુસ્તદુરસ્ત અનુશાસનમાં રહ્યું હોત તો જે ન થવાનું થયું તે નિ:શંક ન થયું હોત, શું ગોધરામાં કે શું તે પછી. શાસનની કામગીરીની જે પણ વિગતો સામાન્યપણે સમજાય છે તે કાં તો નિ:શાસનની છે, કે પછી દુ:શાસનની. અપવાદરૂપ કિસ્સાઓમાં, ‘કંદીલ’ લઈને શોધ્યે કાયદાનું શાસન જોવા મળે છે, એ આંખમાથા પર.

1965થી સંઘ પરિવારમાં દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવ દર્શનની કંઈક ચર્ચા શરૂ કરી ત્યારે એમણે ‘ધર્મરાજ્ય’ એ પ્રયોગ સરસ સમજાવ્યો હતો કે આ તો ‘રુલ ઓફ લો’ કહેતા કાયદાના શાસનની વાત છે. કંઈક ક્ષીણદુર્બળ પણ એ તંતુ વાજપેયીએ ઝીલવાની કોશિશ કરી હશે તે 2002ના એમના રાજધર્મ ઉદ્દગારોથી સમજાય છે. આ ઉદ્દગારો પરત્વે તત્કાળ એમને જે આશ્વસ્તકારી વેણ સાંભળ‌વા મળ્યાં હશે એને વિશે એમને કોઈ પતીજ નહીં હોય તેમ એમણે બેત્રણ મહિનાને આંતરે વળી તત્કાલીન મુખ્ય મંત્રી જોગ લખેલ પત્રમાં કરેલી ઝીણી પૃચ્છા અને આપેલી સાફ સલાહ પરથી જણાઈ આવે છે. 1 જૂન 2002નો આ પત્ર ત્યારે તો અપ્રકાશિત રહ્યો હતો. પણ પછી આર.ટી.આઈ.ને પરિણામે તે પ્રકાશમાં આવ્યો હતો.

ગમે તેમ પણ, ગોધરા-અનુગોધરા ઘટનાક્રમને કાયદાના શાસનની રીતે નહીં નિપટાવતા સામસામી છાવણીના ચશ્મે જોવાની અને હિંસ્ર વલણો પરત્વે અનુમોદનાની આ ‘નીતિ’નું સમર્થન એક અણચિંતવ્યે છેડેથી મળી શકે એમ છે. એ છેડો સાવરકરનો છે જે શાસનકૃપાએ શરૂ થયેલી અને વિક્રમ સંવતથી માંડી ઉદય માહુરકર સહિતના લેખો થકી ખાસી ઊંચકાયેલ નવ્ય દેવપ્રતિમા (ન્યૂ આઈકોન) પરત્વે શૌરિના વળતા સપાટે ચર્ચાની વંડી ઠેકી ચકચારના ચોકમાં ખાબકી છે.

સાવરકરે ઇતિહાસનાં જે સ્વર્ણિમ પૃષ્ઠો પોતાની દૃષ્ટિએ આલેખ્યાં છે એમાં હિંદુઓની ‘સદ્દગુણ વિકૃતિ’ એક મુદ્દો છે. શત્રુઓ સામે હિંદુ રાજાઓ નીતિના પાલનપૂર્વક લડતા એવી જે છાપ છે એ ‘છાપ’ સાવરકરને મન ‘વિકૃતિ’ સૂચક છે. હિંદુપત પાદશાહતના સ્વપ્નશૂરા શિવ છત્રપતિ નિમિત્તે સાવરકરના ‘ધન્ય ઉદ્દગારો’ સાંભરે છે. શિવાજીએ કલ્યાણની લૂંટમાં હાથ આવેલ સુબેદારની પત્નીને સબહુમાન પાછી મોકલી એમાં સાવરકરને કશું ‘ખાસ પ્રચાર’ યોગ્ય કે ‘આદરણીય’ જણાતું નથી; કેમ કે “જુવાનજોધ તરુણીને પરત મોકલવી એટલે જ શત્રુના વેતર વધારવામાં મદદ કરવા સમાન હતું. … એકાદ મોટા સરદારને આ આપી દેવી હતી. એ ય ન કરવું હતું તો તેમનો એકાદ નિકટનો હજુરિયો તો હતો ને ? એણે એ સુંદર છોકરી આનંદભેર સ્વીકારી હોત …” 

નહીં કે આ અધિકૃત અવતરણ ટાંકવું ગમે છે. માત્ર, રાજધર્મની શિથિલતાનો ઉત્તર, નાગરિક ધર્મની શિથિલતામાં નથી, એટલું જ એક નમ્ર નિવેદન, આજે સાવરકર સ્મૃતિ દિવસે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 ફેબ્રુઆરી 2025

Loading

ભદ્રકાળી માતા કી જય!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|24 February 2025

પોઝિટિવ અને મોટિવેશનલ સ્ટોરી 

આસોપાલવના ઝાડ પર વીસેક ફૂટ ઊંચે ડાળીઓ કાપવા ચડેલા છે તે છે ૩૫ની વયના ભરતભાઈ દેવીપૂજક અને સાયકલ લારી પાસે આસોપાલવ એકત્ર કરી રહેલાં તેમનાં પત્ની ૩૦ની વયનાં સૂર્યાબહેન.

અમદાવાદની નગરદેવી કહેવાતી ભદ્રકાળી માતાની રથયાત્રા નીકળવાની છે એવા સમાચાર એમને મળ્યા એટલે એ દરમ્યાન આસોપાલવનાં તોરણ વેચવા માટે તેઓ નીકળ્યાં છે આસોપાલવ ભેગો કરવા. તેઓ એમાંથી તોરણ બનાવશે અને પોટલામાં ભરીને એ જમાલપુર વિસ્તારમાં રથયાત્રાના દિવસે વેચશે. એમના કહેવા મુજબ એમાંથી એમને ₹ ૫૦૦થી ₹ ૬૦૦ મળવાની આશા છે. ત્રણ જણની કુલ આશરે પચાસેક કલાકની મહેનતનું આ ફળ તેમને મળશે! એ પણ એમની ધારણા છે. 

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં અર્જુન આશ્રમ પાસે તેઓ રહે છે. ચારે બાજુ પ્લાસ્ટિકથી બનાવેલું તેમનું એક ઘર છે. તેના ઉપર પણ પતરું નથી. બધે પ્લાસ્ટિક જ. આશરે ૧૨x૧૨નું છાપરું હશે. એમના ઘરને તેઓ ‘ઘર’ શબ્દથી નવાજતા નથી, એને તેઓ “છાપરું” જ કહે છે. ક્યાં રહો છો એમ પૂછેલું તો કહે, “સાહેબ, છાપરામાં.” એમાં તેમનાં પાંચ સંતાનો, તેમની માતા, એક ભાઈ અને એક બહેન એમ દસ જણા રહે છે. 

સામાન્ય રીતે તેઓ છૂટક મજૂરીનું, કડિયાકામ, ઢોલ વગાડવાનું, ફૂલ વેચવાનું, ડેકોરેશન કરવાનું, જૂનાં કપડાં લઈને વેચવાનું વગેરે કામ કરે છે. રોજ તો કંઈ કામ મળતું નથી એમ તેમણે કહ્યું. જે દહાડે જે કામ મળે તે કરવાનું. કોમલ બોલી : “ખાવા જેટલું મળી રહે છે.”

ભરતભાઈની સોળેક વર્ષની બહેન કોમલ. એ અને સૂર્યાબહેન બંને પગે ચાલીને ચાંદલોડિયા અને ઘાટલોડિયા વિસ્તારની સોસાયટીઓમાં આશરે દસેક કિલોમિટર ફરે અને જૂનાં કપડાં ભેગાં કરીને અમદાવાદમાં દિલ્હી દરવાજા રસ્તા પર વેચવા જાય. આ બંને વિસ્તારો એ છે કે જેમાંથી ગુજરાતના હાલના મુખ્ય પ્રધાન ચૂંટાયેલા છે. 

ભરતભાઈ મૂળ બહુચરાજી પાસેના ઝાંઝરવા ગામના. તેમના પિતાજી પણ ગામ છોડીને અમદાવાદ આવી ગયેલા. ભરતભાઈ અને સૂર્યાબહેનનો જન્મ તો અમદાવાદમાં જ.

તેમણે ગઈ દિવાળીમાં આ લારી લીધી. તે પણ જૂની. રૂ. ૭,૦૦૦માં ખરીદી. એટલા પૈસા એમણે ગમે તેમ કરીને ભેગા કર્યા. ક્યાંથી લાવ્યા એટલા પૈસા તો એમની એનો જવાબ આપવાની ઈચ્છા લાગી નહીં. 

કોમલ દસ ધોરણ ભણી પણ પરીક્ષા નહોતી આપી. ભરતભાઈ પાંચ ધોરણ ભણેલા અને સૂર્યાબહેન તો સાવ અભણ. એમનાં ત્રણ સંતાનો અત્યારે સરકારી શાળામાં ભણે છે. 

ભરતભાઈના નાના ભાઈનું નામ મનોજ. ૨૦ વર્ષની વય. એ પણ દસ ધોરણ સુધી ભણેલો. એ ટ્રેક્ટરનો ડ્રાઈવર છે. એને કામ મળે ત્યારે રોજના ₹ ૨૦૦ કે ₹ ૨૫૦ મળે. રોજ તો કામ એને પણ મળતું નથી.

એમને પૂછ્યું કે : “તમારી બધાની રોજની આવક કેટલી?” તો કહે કે “રોજ ક્યાં કામ મળે છે?” પણ “પેટ ભરાઈ જાય એટલું થઈ જાય છે.” દસ જણના ઘરમાં રોજની સરેરાશ આવક ₹ ૫૦૦ની હશે એવો સાવ અછડતો અંદાજ માંડી શકાય. પણ એ ચાર જણની મહેનતના. અર્થશાસ્ત્રમાં જેને પ્રચ્છન્ન બેકારી કહે તે આ પરિવારમાં પણ વાયબ્રન્ટ ગુજરાતમાં દેખાય છે.

અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતા પહેલી વાર મહાશિવરાત્રિને દિવસે નગરયાત્રાએ નીકળવાનાં છે તેથી એમના પરિવારને આસોપાલવના તોરણમાં માતા દેખાયાં હશે! 

પેલા ઇન્ફોસિસવાળા નારાયણમૂર્તિ કહે છે કે દેશના વિકાસ માટે એક સપ્તાહના ૭૦ કલાક અને એલ. એન્ડ ટી. નામની મહાકાય કંપનીના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યન કહે છે કે ૯૦ કલાક કામ કરવું જોઈએ. ભરતભાઈ અને એમના પરિવારના બીજા ત્રણ સભ્યોને તો એ બે જણ કામ નહીં જ આપે. 

ભરતભાઈ જતાં જતાં બોલ્યા : “સાહેબ, આવી રીતે તો અમારી સાથે કોઈ મોટા લોકો વાત કરતા જ નથી. તમે કરી.” “મોટા એટલે?” “તમારા જેવા.” આ “મોટા” એટલે ધનવાન જ ને? હું ધનવાન છું એનો અહેસાસ આ રીતે એમણે મને કરાવ્યો. અને છું પણ ખરો કારણ કે હું આવક વેરો ભરનારા દેશના માત્ર ૩.૫ કરોડ લોકોમાં આવું છું. 

સૂર્યાબહેન અને એમના પરિવારનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય કે નહીં? 

તા.૨૪-૦૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...372373374375...380390400...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved