Opinion Magazine
Number of visits: 9554588
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કટોકટીની ચાલીસી નિમિત્તે

પરેશ ર. વૈદ્ય|Opinion - Opinion|20 July 2015

૨૫ જૂન, ૧૯૭૫ના રોજ જાહેર કરાયેલ કટોકટીને ૪૦ વર્ષ પૂરાં થયાં. તે દરમિયાન થયેલા જુલમોની વાતો તો કટોકટી ઊઠ્યા પછી બહાર આવી અને તેથી આજે તો બધાને તેનો તિરસ્કાર છે. પરંતુ એ ચાલુ હતી તે દરમિયાન ઘણા લોકો એવા હતા, જે તેનાં વખાણ કરતા. પણ તેમાં આ લખનારની પેઢી, (જે અત્યારે ૬૦ થી ૭૦ વર્ષની વચ્ચે  છે) તે સામેલ નથી. ખાસ કરીને ગુજરાતમાં. તેનું કારણ એ કે જ્યારે અમે તરુણાવસ્થામાંથી યુવાની તરફ જઈ રહ્યા હતા, ત્યારે જ ‘ઇન્દિરા’ નામની ઘટના આકાર લઈ રહી હતી. તેનાં નાટકીય તત્ત્વોએ અમારા પર સારી છાપ નહોતી છોડી.

૧૯૬૬માં કૉલેજનાં પહેલા વર્ષમાં હતા, ત્યારે સિન્ડિકેટ અને મોરારજીભાઈ વચ્ચેની ખેંચતાણ એ અમારી રિસેસમાં ચર્ચાનો વિષય રહેતો. ભુજની લાલન કૉલેજના પ્રાંગણમાં તડકો શેકતા એ વિષય પર વાતો કરવામાં લખનારની સાથે કર્મશીલ દીપક ધોળકિયા પણ હતા. શાસ્ત્રીજી પછી વડાપ્રધાન તરીકે કૉંગ્રેસે સિનિયર સભ્ય મોરારજીને છોડીને સૌથી જુનિયર ઇન્દિરા ગાંધીને પસંદ કર્યાં. તે પછી યંગટર્કની ઘટના અને ૧૯૬૯માં કૉંગ્રેસનું તૂટવું પણ એ સમયે આવ્યું. જ્યારે અમારી પેઢી અભિપ્રાય બનાવતા શીખી રહી હતી. બૅન્કોના રાષ્ટ્રીયકરણ ટાણે મોરારજીભાઈ પાસેથી નાણાંખાતું લઈ લીધું. ત્યારે દુઃખ એટલે નહોતું થયું કે મોરારજીભાઈ લોકલાડીલા હતા, પરંતુ આ બધામાં ઇન્દિરા ગાંધીની ચાલાકી અને કાવાદાવામાં નિપુણતાની ગંધ આવતી હતી. આથી જ તેમાંના ઘણાને બાંગ્લાદેશ યુદ્ધના જ્વલંત વિજય છતાં ઇન્દિરા ગાંધી પ્રત્યે માન વધ્યું નહિ. તે પછી પ્રચંડ ભાવવધારો, સમાંતરે નવનિર્માણ આંદોલન, એમની ચૂંટણી રદ થવી અને બિહાર/જયપ્રકાશનું આંદોલન – એ ઘટનાક્રમને છેડે આવી કટોકટી. મુખ્ય કારણ અલાહાબાદ હાઈકોર્ટનો ચૂંટણી રદ ગણતો ચુકાદો હતો. એ વિષે હવે કોઈને શંકા નથી. કટોકટીની પૂર્વે અને પછી ઇન્દિરા ગાંધીને ન્યાયતંત્ર જોડે ઝગડો હતો જ.

પચીસમી જૂનના સાંજે સમાચાર આવ્યા, ત્યારે આ લખનાર ભુજમાં હતો અને ૨૬મી એ સવારે મુંબઈ જવા નીકળવાનું હતું. મનમાં વિચિત્ર ધૂંધવાટ હતો. ૮-૧૦ કાગળો ઉપર કટોકટી વિરુદ્ધના સૂત્રો લખ્યાં. સ્ટેશને-સ્ટેશને ઊતરીને જ્યાં જગા મળી – બૅંચ, ટી-સ્ટૉલ, પાણીનો નળ-ત્યાં કાગળ મૂક્યા. અસર જે થઈ હોય તે, મનને શાંતિ થઈ. મુંબઈ આમ તો અમદાવાદ કે દિલ્હી જેવું રાજકીય રીતે ‘ઍક્ટિવ’ શહેર નથી, પરંતુ કાયદાના નિષ્ણાતોનું સ્રોત રહ્યું છે. ન્યાયતંત્ર અને બંધારણ સાથે ચેડાં થવા લાગ્યાં ત્યારે અહીં રહીને મહત્ત્વની સભાઓ અને મિટીંગોનો લહાવો મળ્યો. હિન્દુસ્તાની આંદોલન નામની સંસ્થા પૂર્વસાંસદ મધુ મહેતાએ સ્થાપેલી. તેના સંપર્કમાં રહ્યો. મુંબઈ સર્વોદય મંડળની તારદેવ ઑફિસમાં છાત્ર-સંઘર્ષ વાહિનીની મિટિંગો થતી. રંગા દેશપાંડેના સૂચનથી તેની બે-ચાર મિટિંગમાં હાજરી આપી. આ બધાથી સંતોષની લાગણી થતી કે લોકો તદ્દન ચૂપ નથી, કશુંક ચાલી રહ્યું છે.

‘કમિટેડ ન્યાયતંત્ર’ના પ્રચાર વચ્ચે જસ્ટિસ એ.એન. રેને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા, ત્યારે બીજા ત્રણ ન્યાયાધીશોની સિનિયોરિટી અવગણવામાં આવી. આથીએ ત્રણેએ ૨૬ એપ્રિલ ૧૯૭૩ના રાજીનામાં આપ્યાં. તેમના ટેકામાં ક્રિકેટક્લબ ઑફ ઇન્ડિયાના ચોગાનમાં એક જાહેરસભા થઈ. સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી સભાઓનો મોટો ફાળો રહ્યો હશે. સભામાં લૉ કમિશનના માજી ચૅરમેન મોતીલાલ સેતલવાડ ૮૮ વર્ષની જૈફવયે પણ હાજર રહ્યા. સાથે જસ્ટિસ હિદાયતુલ્લા અને જે. સી. શાહ પણ બોલ્યા. હિદાયતુલ્લાએ વારંવાર યાદ દેવરાવ્યું કે સામ્યવાદીમાંથી કૉંગ્રેસી બનેલા કુમારમંગલમ્ આ બધા માટે જવાબદાર હતા. જે સરકારની નીતિઓને ટેકો આપે તેને જ પ્રમોશન આપવામાં આવે તો રહેવા હવેથી થઈ. જસ્ટિસ રેને લાંબી ટર્મ મળી શકે તેથી વહેલા ચીફ જજ બનાવાયા છે તેવી દલીલને કાપતા જસ્ટિસ શાહે કહ્યું કે હું તો માત્ર ૪૫ દિવસ માટે ચીફ જસ્ટિસ હતો; તો શું ફરક પડ્યો? પૂર્વ ઍટર્ની જનરલ દફતરીએ ધ્યાન ખેચ્યું કે આ મુદ્દો માત્ર ન્યાયાધીશો કે વકીલો  માટેનો જ નથી, તમારા સર્વનો છે, કારણકે હવેથી ન્યાયાધીશો જે ચુકાદો આપશે, તે ન્યાયને જોઈને નહિ પણ પોતાની કૅરિઅર વિશે વિચારીને આપશે.

બંધારણસભાના સેક્રેટરી આયંગાર પણ એક વક્તા હતા. ન્યાયતંત્ર શા માટે સ્વતંત્ર રાખવામાં આવ્યું છે, તે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તેમણે સમજાવ્યું. કહે કે રાજકારણીઓનો મોટો દોષ છે કે એ પોતાને કાયમી માને છે. ઇન્દિરા પણ આ ગ્રંથિથી પીડાય છે. તેણે કરેલા ફેરફારોનો તેના અનુગામીઓ દુરુપયોગ કરી શકે છે, તે તેને નથી સમજાતું! ( બિચારા આયંગાર – ઇન્દિરા પોતે જ દુરુપયોગ કરશે તે તેઓને ન સમજાયું). ઇન્દિરાના ચુસ્ત સમર્થક ખુશવંતસિંહને પણ નિમંત્રણ હતું, પરંતુ તેઓ બોલવા આવ્યા જ નહિ. છેલ્લે બોલ્યા સ્ટેજ પર સૌથી યુવાન એવા નાની પાલખીવાળા. કહે કે જો ન્યાયધીશ સરકારની ફિલસૂફીને વરેલો (કમિટેડ) હોય, તો તે ન્યાયાધીશ છે જ નહીં. જો ન્યાયતંત્ર ખરેખર સ્વતંત્ર હોય, તો બંધારણમાંથી મૂળભૂત અધિકારોનું પ્રકરણ જ કાઢી નાખો તો ય ચાલે! તેમણે પણ એ વાત પર ભાર આપ્યો કે તમે માત્ર સાંભળવા નથી આવ્યા, પૂરો વિરોધ કરો.

આવી જ એક બીજી રોમાંચકારી મિટિંગ કટોકટીની વચ્ચોવચ થઈ, ૪૨મા બંધારણસુધારાના વિરોધમાં.  હિન્દુસ્તાની આંદોલનના નેજા હેઠળ ચર્ચગેટમાં ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ઘીયા હૉલમાં છઠ્ઠી ડિસેમ્બર ૧૯૭૬ના રોજ આ સભા મળી. તેને વિરોધસભા કહેવાને બદલે ‘ મૂળભૂત અધિકારો અને ફરજોના સંદર્ભમાં સીમ્પોઝિયમ’ એવું નામ આપ્યું. તેમ છતાં સિવિલ ડ્રેસમાં ઢગલાબંધ પોલીસ અને ઇન્ટેલીજન્સ બ્યૂરોના માણસો ઑડિયન્સમાં ભળેલા હતા. ૨૦૦ – ૨૫૦ લોકોની હાજરી એ વાતાવરણમાં સારી ગણાય. અધ્યક્ષસ્થાને એમ.સી. ચાગલા હતા. પરંતુ ખાસ્સી ૪૦ મિનિટ એ પોતે જ બોલ્યા. મહારાષ્ટ્રના ઍડ્વોકેટ જનરલ રામરાવ આદિક, ફ્રી-પ્રેસ જર્નલના શ્રી સી.એસ. પંડિત, મધુ મહેતા અને સુપ્રીમ કોર્ટમાં વકીલ સોલી સોરાબાજી વક્તાઓ હતા. રામરાવ આદિકને લોકોએ ધારાશાસ્ત્રી કરતા શાસકપક્ષના પ્રતિનિધિ તરીકે જોયા અને લગભગ હુરિયો બોલાવી, બોલવા જ ન દીધા.

જસ્ટિસ ચાગલાએ ૪૨મા સુધારાની એક-એક કલમ લઈને તેમાં રહેલી વિસંવાદિતા દર્શાવી. શરૂમાં કહે કે આજે સવારે મને પોલીસ કમિશનરે ફોન કરીને કહ્યું કે ‘કટોકટીની ટીકા ના કરતા’, આ જ બતાવે છે કે આપણા મૂળભૂત અધિકારો કેટલાક છે! કટોકટીનો પાયો એટલો નબળો (brittle) છે કે ટીકાનો ભાર ન ઝીલી શકે! બંધારણના નવમાં શિડ્યુલમાં એવી બાબતોનું લિસ્ટ છે કે જેને કોર્ટમાં પડકારી ન શકાય; ૧૯૭૧માં આ યાદીમાં ૮૧ આઇટેમો હતી, આજે ૧૧૬ છે. આ ભારતના ન્યાયતંત્રની પહોંચની મર્યાદા બતાવે છે. બંધારણના આ સુધારામાં એમ પણ સૂચવ્યું છે કે હવેથી બંધારણને લગતી બાબતોમાં ચુકાદો ન્યાયધીશોની ૨/૩ બહુમતીથી જ આવવો જોઈએ. જો સાત જજમાંથી ચાર એક તરફ મત આપે તો પણ ચુકાદો પાસ ન થાય અને ત્રણ જજ કહે તે ચુકાદો ગણાય. એમ.સી. ચાગલાએ ગુસ્સ્સાથી કહ્યું કે આવું ‘નૉન-સૅન્સ’ તો દુનિયામાં ક્યાં ય સાંભળ્યું નથી.

રામરાવ આદિક પર કટાક્ષ કરતા કહે કે હું તો અદનો માણસ છું, મારી પાસે ટીવી, રેડિયો વગેરેનો ટેકો નથી, એટલે પ્રોપગેન્ડાના આ દિવસોમાં અમારી વાત લોકો સુધી કેમ પહોંચશે? આથી આપ શ્રોતાઓનું કામ છે કે અહીં કહેવાય તે બહાર જઈને મિત્રોને કહેજો. ‘લોકશાહીમાં કશું કાયમી નથી અને સંજોગો બદલી શકે છે’. એમના ભાષણ પછી એટલા લાંબા સમય સુધી તાળીઓ ચાલતી રહી, જેટલી અગાઉ ક્યારે ય નહોતી સાંભળી. લોકોના મનમાં જે ધૂંધવાટ હતો, તેને જાણે માર્ગ મળ્યો હોય. એમના સૂચનના અમલ તરીકે જ આ અહેવાલ તૈયાર કરી અમુક વ્યક્તિ સંસ્થાઓને મોકલ્યો. ૪૨મા સુધારાની ઘણીખરી ખામીઓ જનતા સરકારે ૧૯૭૮માં ૪૪મો સુધારો લાવીને સુધારી લીધી. અને તેથી આજે આપણે એટલા જ આઝાદ છીએ જેટલા ૧૯૬૯માં હતા. પરંતુ આપણામાંના ઘણાને સત્તા સામે વગર જરૂરે ઝૂકવાની ટેવ છે – તેનો શો ઉપાય?                                           

e.mail : pr_vaidya@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 18 and 16

Loading

રિયલ લાઈફ હ્યુમરસ સ્ટોરીઃ મરચાં વગરના ફાફડા.

મહેન્દ્ર શાહ
, મહેન્દ્ર શાહ|Opinion - Opinion|20 July 2015

આજે  મિત્રનાં સ્વર્ગસ્થ બા યાદ આવી ગયાં, શાશ્વત પ્રણામ.

કોઈ પણ વ્યક્તિ એમ જ અચાનક યાદ આવતી નથી .., ક્યારે, કેમ, કેવી રીતે યાદ આવે એનું પણ કારણ હોય છે! 

કયા કારણસર યાદ આવ્યાં એ આ વાર્તા પૂરી થતાં પહેલાં ખબર પડી જશે! ૮૦ના દાયકાની વાત છે, જ્યારે અમેરિકામાં આજના પ્રમાણમાં દેશીઓ ઓછાં, દેશી ગ્રોસરી સ્ટોર ઓછા, અને દેશી શાકભાજી પણ ઓછી મળતી. મિત્રનાં બાને ભારતથી આવ્યે બે એક અઠવાડિયાં થયાં હશે, પડોસમાં જ રહીએ, એટલે અવારનવાર મળવાનું થતું, બા જોડે વાતો કરવાની મજા આવતી, કોઈ પણ વિષે ફ્રેન્ક ઓપીનિયન આપતાં, કોઈની સાડાબારી રાખતાં નહીં. 

હું અને મારો મિત્ર ઘણી વાર પાર્ટી, લગ્નો, રિસેપ્શનમાં કારપુલ કરી સાથે જતા, બંનેના કૉમન ફ્રેન્ડઝ, એટલે બધે અમને બંને ફેમિલીને ઈન્વિટેશન હોય. એક વાર રિસેપ્શનમાં જવાનું હતું, ને ડ્રાઈવ કરવાનો મારો વારો હતો, એટલે અમે એને પીક અપ કરવા એના ઘરે ગયાં … સામાન્ય રીતે લિવીંગ રૂમમાં બા બેઠેલ હોય એટલે થોડીકવાર એમની જોડે બેસી ખબર અંતર પૂછી મિત્ર તૈયાર થઈ જાય ત્યાં સુધી ગપ્પાં મારું. બાને કહ્યું, "બા, અમે એક મિત્રની દીકરીના રિસેપ્શનમાં જઈએ છીએ …” મને એમ કે બાને ખબર નહીં હોય, રિસેપ્શન શું ચીજ છે એટલે થોડુંક બેકગ્રાઉન્ડ આપવાનો પ્રયત્ન કરી કહ્યું, "બા, અહીં બપોરે લગ્ન હોય, અને પછી, સાંજે …., ".. " હા .. હા, મને ખબર છે … રાતે વાળું કરીને બત્તીઓ બત્તીઓ ઝબૂક ઝબૂક થાય, ને ટોળામાં બધાં ઘોંઘાટ કરી હઈસો હઈસો કરી કૂદાકૂદ કરે એકબીજા જોડે અથડાય, વળગી પડે એ ને?" 

હું રિસેપ્શન શું છે એ વિષે બાને લંબાણમાં સમજાવું એ પહેલાં તો મને અટકાવી એમણે એક જ વાક્યમાં  રિસેપ્શનમાં જમવાનું, મોડી રાતે જમ્યા પછી .., બ્લીકીંગ સ્ટ્રોબ લાઈટના ચાલું બંધ થવાના પ્રકાશમાં કૂદી કૂદી એકબીજાને અથડાઈ અને વળગીને ડાન્સ કરતાં હોઈએ એનું એમનું વર્ણન મને સંભળાવી દીધું, જે એમની તથા મારી દ્રષ્ટિએ સોએ સો ટકા સાચું હતું! 

વાત વાતમાં બાને પૂછ્યું, "બા, એ વાત તો ઠીક, પણ મને એ કહો, તમને અમેરિકા કેવું લાગ્યું, અહીં ફાવે છે? મજા આવે છે કે નહીં? ઘણું બધું જોવાનું, ચોખ્ખાઈ, સરસ મઝાના સ્ટોર્સ, શોંપીંગ વગેરે વગેરે."  "ઠીક છે  ઠીક .. એ બધું તો ઠીક, .. સમજ્યા હવે.. પણ કારેલાં તો અહીં મળતાં નથી, દેશમાં કારેલાંનું શાક તો ખાવા મળે!" અમેરિકામાં કારેલાં મળતાં નથી, અને તેથી કારેલાંનું શાક મીસ થાય છે, બસ એ પરથી બાએ અમેરિકા  વિષેની ઈમ્પ્રેશન નક્કી કરી દીધી!
અમારા ગામમાં એક સંસ્થાએ ભારતથી આવેલ કલાકાર વૃંદનો એક સુંદર ડાયરાના ચેરિટી કાર્યક્રમનું આયોજન કરેલ. ડાયરો માણવાની તો એટલી મજા આવી જ, સાથે સાથે ડાયરા પહેલાં ચા પાણી નાસ્તામાં ફાફડા, જલેબીની વ્યવસ્થા! તથા ડાયરા પછી સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન, બધાંએ માણ્યું .. ! વ્યવસ્થાપકોએ કમ્પ્લેઈન કરવા માટેની કોઈ જગ્યા જ નોં'તી છોડી! કાર્યક્રમ પછી ગાડીમાં ઘરે જતાં એક મિત્ર અને એની પત્નીના વાર્તાલાપની મને જાણ થતાં બાનો કારેલાંનો પ્રસંગ યાદ આવી ગયો! કપલ વચ્ચે શું વાત થયેલ એ તો નીચેનું કાર્ટૂન જ કહેશે!

ડાયરામાં ફાફડા સાથે મરચાં હતાં નહીં એટલે ડાયરો ના ગમ્યો .., ને અમેરિકામાં કારેલાં મળતાં હતાં નહીં … એટલે અમેરિકા ના ગમ્યું !

હવે તમે જ કહો, મને સ્વર્ગસ્થ બા કેમ યાદ ના આવે?

e.mail : mahendraaruna1@gmail.com

Loading

ઓમર શરીફ: દિલીપકુમારે જે શોહરત ગુમાવી તેની દાસ્તાન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 July 2015

ઓમર શરીફને જે સફળતા મળી તેના પરથી બહુ બધા લોકોને એમ લાગ્યું હતું કે દિલીપકુમારે આ રોલનો ઇન્કાર કરીને મોટી ભૂલ કરી હતી. દિલીપકુમારને ય આ ભૂલ લાગતી હશે પણ ક્યારે ય કબૂલ નથી કર્યું.

1982માં રિચાર્ડ એટનબરોએ ગાંધીજીનું બાયોપિક બનાવ્યું તે પહેલાં 1960માં ડેવિડ લીન નામના બીજા એક બ્રિટિશ ફિલ્મમેકરે ગાંધીની કથાને ફિલ્મ પડદે લાવવા વિચાર કર્યો હતો. એમાં અલેક ગિનીસ નામનો એક્ટર ગાંધીની ભૂમિકા કરવાનો હતો. ડેવિડ લીન આના માટે ભારત આવેલા અને પ્રધાનમંત્રી નહેરુને પણ મળેલા. ઇન્દિરા ગાંધી ત્યારે યુવાન હતાં અને ત્રણે જણ પ્રધાનમંત્રી નિવાસસ્થાનના બગીચામાં બેસીને કેરી ખાતાં હતાં, એવું લીને એક ઇન્ટરવ્યૂમાં કહેલું.

અધવચ્ચે ડેવિડ લીનનો રસ ઊડી ગયો અને ગાંધી ફિલ્મ અટકી પડી (જે એટનબરોએ પાછળથી પૂરી કરી). ડેવિડ લીન આકરો અને અઘરો ફિલ્મસર્જક હતો. મોટાભાગના કલાકારો લીનથી સો ગજ દૂરી રાખતા હતા. ટ્રેવોર હોવાર્ડ નામના બ્રિટિશ એક્ટરે કહેલું કે, ‘ડેવિડ લીને જો ગાંધી ફિલ્મ પૂરી કરવી હોત તો કેથરીન હેપબર્ને (મશહૂર હોલિવૂડ અદાકારા) મહાત્મા બનવું પડ્યું હોત કારણ કે એ એકલી જ લીન સાથે બોલતી હતી.’ ડેવિડ લીનને ગાંધી નહીં બનાવવાનો બહુ અફસોસ થયેલો અને એ અફસોસનું વેર વાળવા 1962માં લોરેન્સ ઓફ અરેબિયા નામની ફિલ્મ એટલા ઝનૂનથી બનાવી કે અંગ્રેજી ફિલ્મોના ઇતિહાસમાં એ આજે ય એક અત્યંત મહાન અને પ્રભાવશાળી ફિલ્મ ગણાય છે.

આ ફિલ્મમાં પીટર એ ટૂલે નામના બ્રિટિશ એક્ટર આરબ વિદ્રોહને દબાવી દેનાર બ્રિટિશ મિલિટરી ઓફિસર થોમસ એડવર્ડ લોરેન્સની ભૂમિકા કરેલી. આ લોરેન્સ અરેબિયન ઉપદ્વીપમાં એના અરબ સાથીદાર શરીફ અલી સાથે મળીને મિલિટરી ઓપરેશન પાર પાડે છે. શરીફ અલીની ભૂમિકા ઇજિપ્શિયન એક્ટર ઓમર શરીફના ભાગે ગયેલી. ઓમરની આ પહેલી જ અંગ્રેજી ફિલ્મ અને એની ધૂંઆધાર સફળતાએ ઓમરને ઇન્ટરનેશનલ સ્ટાર બનાવી દીધેલો.

આ ઓમર શરીફનું ગયા સપ્તાહે 10 જુલાઈના રોજ 83 વર્ષની વયે કેરોની હોસ્પિટલમાં અવસાન થઈ ગયું. એક સાહસ કથા ફિલ્મી પરદે કેવી હોય એ ડેવિડ લીને લોરેન્સ ઓફ અરેબિયા મારફતે સાબિત કરી દીધેલું અને એના પછી આવેલા જ્યોર્જ લુકાસ (સ્ટાર્સ વોર અને ઇન્ડિયાના જોન્સ) સામ પેકીન્પ (ધ વાઇલ્ડ બન્સ), માર્ટિન સ્કોરસેસ (ટેક્સિ ડ્રાઇવર અને રેજીંગ બુલ), રીડલી સ્કોટ (બ્લેડ રનર અને ગ્લેડીયેટર) અને સ્ટીવન સ્પીલબર્ગ (એક્ટ્રા ટેરેસ્ટિયલ અને જુરાસિક પાર્ક) જેવા ફિલ્મ નિર્દેશકોએ ફિલ્મની ભવ્યતા કેવી હોય એ લોરેન્સ ઓફ અરેબિયામાંથી શીખ્યા હતા. ઓમર શરીફની પહેચાન આ લોરેન્સ ઓફ અરેબિયાથી થઈ અને એ પહેચાનની પ્રેમમાં તબદીલી થઈ ત્રીજા જ વર્ષે આવેલી ડેવિડ લીની જ ‘ડો. ઝીવાગો’ ફિલ્મથી. રશિયન સાહિત્યકાર બોરીસ પાસ્તરનાકે સ્ટાલિનની સરમુખત્યારશાહી નીચે દબાયેલા રશિયન સમાજની પીડાને વાચા આપવા યુરી ઝીવાગો નામના એક ડોક્ટર અને કવિના પાત્રની આસપાસ ‘ડો. ઝીવાગો’ નામની મહાનવલ લખી હતી. જે રશિયન શાસકોની સખ્તાઈના કારણે ઇટલીમાં પ્રગટ થયેલી અને પાસ્તરનાકને સાહિત્યનું નોબેલ પારિતોષિક પણ અપાવેલું.

ઓમર શરીફ હટ્ટોકટ્ટો, ઊંચો, હેન્ડસમ એક્ટર હતો. અમુક પ્રકારનાં ઐતિહાસિક પાત્ર માટે ઓમર એકદમ ફિટ હતો. દાખલા તરીકે લોરેન્સ ઓફ અરબિયા માટે ઓમરનો સ્ક્રીન શોટ લેવાનો હતો ત્યારે ડેવિડ લીને ઓમરને ઇજિપ્તથી લાવવા માટે પ્લેન મોકલેલું. ઓમરને લઈને પ્લેન અરેબિયાના રણમાં ઊતર્યું ત્યારે એના દરવાજા બહાર જ ડેવિડ લીન ઊભેલા. ઓમર શરીફ બહાર આવ્યો ત્યારે કશું ય બોલ્યા વગર ડેવિડ લીને એની આજુબાજુ ચક્કર લગાવીને ઓમર શરીફની હાઇટ-બોડી, સાઇડ એન્ગલ, ફેસ એન્ગલ અને ચહેરો માપી લીધેલો. ઓમરે શરીફ અલી અને ડો. ઝીવાગોનો રોલ એટલો અદ્દભુત રીતે નિભાવેલો કે એક પછી એક આવા દમદાર રોલ આવતા ગયેલા. ‘ચે’માં એ અર્જેટિનિયન ક્રાંતિકારી અર્નેસ્ટો ચે ગુવેરા બનેલો તો ‘માર્કો ધ મેગ્ની ફિસન્ટ’માં ઇટાલીન પ્રવાસી માર્કો પોલો બનેલો. ચંગીઝ ખાનમાં એ મોંગોલ સેનાપતિ હતો તો મેકેનાઝ ગોલ્ડમાં મેક્સિકન ગેંગ લીડર હતો.

એક સશક્ત એક્ટર અને પુરુષ તરીકે ઓમર શરીફની ખ્યાતિ એટલી જબરદસ્ત હતી કે એને એક જ સપ્તાહમાં 3000 જેટલી લગ્નની દરખાસ્તો મળેલી. શરીફે પાછળથી કહેલું, ‘સ્ત્રીઓ સાથે મેં અમુક સાહસો કર્યાં છે પણ કોઈ મહાન પ્રેમકહાની નથી. મારો એક માત્ર પ્રેમ મારી પત્ની સાથે જ હતો.’ આ પત્ની એટલે ઇજિપ્શિયન સિનેમાની હોટેસ્ટ સ્ટાર ફતેન હમામા જેણે પહેલીવાર પરદા પર નવાસવા એક્ટર ઓમર શરીફને કિસ કરી ત્યારે ખબર ન હતી કે એ જ એનો ભાવિ પતિ બનશે. 20 વર્ષની શાદી પછી બંને વચ્ચે તલાક થઈ ગયા. હમામ ફરીથી પરણીને ઘરેલુ જિંદગીમાં ખોવાઈ ગઈ. શરીફે આખી જિંદગી એકલા જ ગુજારી. ઓમર શરીફની આ કહાનીમાં આપણા માટે એક નામ અગત્યનું છે : મુહમ્મદ યુસુફ ખાન ઉર્ફે દિલીપકુમાર. ઉપર આપણે જે કંઈ વાંચ્યું એવું અને કદાચ એનાથી ય વધુ આપણે આપણા આ યુસુફકુમાર માટે વાંચતા હોત તો જો એમણે લોરેન્સ ઓફ અરેબિયાનો રોલ ઠુકરાવ્યો ન હોત. યસ, ભારત અને ભારતીય સંસ્કૃિતથી પ્રભાવિત ડેવિડ લીન લોરેન્સના શરીફ અલીની ભૂમિકામાં દિલીપકુમારને લેવા માગતા હતા પણ દિલીપે ઓફર ઠુકરાવી એટલે એ રોલ ઓમર શરીફના ખોળામાં જઈને પડ્યો.

એક્ટરો એક યા બીજા કારણોસર અમુક ફિલ્મો કરી ના શકે એ બહુ સ્વભાવિક છે પણ એવી ફિલ્મો ભાગ્યે જ હોય છે જેનો ઇન્કાર પણ ઐતિહાસિક બની જાય. દિલીપકુમારનો આ એક એવો ઇન્કાર છે જે દુનિયાને (અને કદાચ એમને ખુદને) કાયમ માટે યાદ રહ્યો છે. લોરેન્સ ઓફ અરેબિયામાં મશહૂર કોમેડિયન આઈ. એસ. જોહર પણ હતો. ‘રેમીનીસેન્સેસ’ (સંસ્મરણો) નામની આત્મકથામાં એક્ટર ચંદ્ર શેખર લખે છે, ‘આજના એક્ટરો જે હોલિવૂડ પાછળ દોડી રહ્યા છે તેની સરખામણીમાં દિલીપ સા’બે ત્યારે લીનની લોરેન્સ ઓફ અરેબિયા ઠુકરાવી દીધી હતી. એમને ભારતીય એક્ટર હોવાનું અભિમાન હતું.’

ભારતીય એક્ટર હોવાના અભિમાનમાં દિલીપકુમારે ફિલ્મનો ઇન્કાર કર્યો હતો? એવું કહેવાય છે કે દિલીપકુમારને લોરેન્સ ઓફ અરેબિયામાં શરીફ અલીનો રોલ સેકન્ડ લીડ લાગ્યો હતો. (પહેલો લીડ રોલ લોરેન્સનો હતો) એમને એવું લાગેલું કે અંગ્રેજી સ્ટાર કાસ્ટના ઝમેલામાં એ ખોવાઈ જશે.

દિલીપકુમારે આ વાતનો કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ ઓમર શરીફને જે સફળતા મળી તેના પરથી બહુ બધા લોકોને એમ લાગ્યું હતું કે દિલીપકુમારે આ રોલનો ઇન્કાર કરીને મોટી ભૂલ કરી હતી. દિલીપકુમારને ય આ ભૂલ લાગતી હશે પણ ક્યારે ય કબૂલ નથી કર્યું. દિલીપના ચાહકો આને યુસુફ સા’બની મહાનતા અને રાષ્ટ્રપ્રેમ ગણે છે. હકીકત એ છે કે દિલીપકુમાર લીડ રોલ નહીં મળવાના ખોટા વહેમમાં રહી ગયા. દિલીપ ત્યારે એક મોટા એક્ટર હતા અને એમને હતું કે હોલિવૂડવાળાએ પણ એવી જ કોઈક ઓફર કરવી જોઈએ.

ઓમર શરીફ ત્યારે ઇજિપ્શિયન ફિલ્મોમાં ખાસ્સો જામેલો એક્ટર હતો. લોરેન્સની ચકાચોંધ સફળતા પછી એને ય ખબર પડેલી કે આ રોલ દિલીપકુમારે ઠુકરાવ્યો હતો. કેમ ઠુકરાવ્યો હતો? એ તો ઓમર શરીફને ય ખબર નહોતી પડી. ડેવિડ લીનને એવા એક્ટરની જરૂર હતી જે સારો એક્ટર તો હોય સાથે અંગ્રેજી સારું બોલતો હોય અને ઇતિહાસ સમાજશાસ્ત્રનું જ્ઞાન હોય. ડેવિડ લીનને એવા એક્ટરો સાથે ફાવતું ન હતું જે પોતાને સ્ટાર સમજતા હોય. કદાચ દિલીપકુમારને ડેવિડ લીને જ નાપસંદ કર્યા હોય એવું ય બને. ઓમર શરીફે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે, ‘ડેવિડ લીનને એની ફિલ્મ અને એનાં પાત્રોમાં જ રસ હતો. એને ફિલ્મ સ્ટારમાં રસ ન હતો. મને એણે કહેલું કે એને અંગ્રેજી બોલી શકે તેવા અારબ એક્ટરની જરૂર છે. હું કૈરોની અંગ્રેજી સ્કૂલમાં ભણેલો એટલે એને રસ પડ્યો. એને જે ગમતા એક્ટર હતા એમાંથી હું એક હતો.’

ડેવિડ લીને પણ ઓમર શરીફને ‘બ્રિલિયન્ટ પર્સન’ (બ્રિલિયન્ટ એક્ટર નહીં) ગણાવેલો. કદાચ શરીફ પણ લીનની જેમ નો-નોનસેન્સ હતો. લોરેન્સ ઓફ અરેબિયાનાં 50 વર્ષ થયાં તે નિમિત્તે એક મહિલા પત્રકારે શરીફનો ઇન્ટરવ્યૂ કરેલો. એમાં એણે કહેલું, ‘ફિલ્મ તો સારી હતી પણ મારું કામકાજ બરાબર ન હતું. મને ત્યારે થયેલું ત્રણ કલાક અને 40 મિનિટની ફિલ્મમાં ખાલી રણ જ હોય અને કોઈ છોકરી ન હોય એને જોવા કોણ જાય!’ આપણા ટ્રેજેડી કિંગ, રોમેન્ટિક સ્ટાર દિલીપકુમારે કદાચ આ કારણસર પણ ફિલ્મ ઠુકરાવી હોય. દિલીપકુમારે આ ફિલ્મ ના  કરી એનાથી આપણને ઓમર શરીફ મળ્યો એ સારું થયું કે યુસુફભાઈ વિશ્વસ્તરે ન ગયા તે ખોટું થયું? જવાબ અઘરો છે.

e.mail : rj.goswami007@gmail.com

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5057920-NOR.html

Loading

...102030...3,7243,7253,7263,727...3,7303,7403,750...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved