Opinion Magazine
Number of visits: 9770433
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિભાજિત ભારત: વૉર ઇન પ્રોગ્રેસ નહીં, વર્ક ઇન પ્રોગ્રેસ

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 January 2016

‘આપણે પાછા ભેગા થઈ જવું જોઈએ’ એવી ફેન્ટસીમાં રાચવા કરતાં વધુ સંગત અને તાર્કિક સવાલ એ છે કે ‘શું આ વિભાજન થયું તે સારા માટે ન હતું?

જે દિવસે (મસ્તાની ફેમ) બાજીરાવ સિનેમાઘરોમાં મુઘલ સામ્રાજ્યની સરહદો કાપીને મરાઠા સામ્રાજ્યનું વિસ્તરણ કરવા માટે ખાંડાં ખખડાવી રહ્યો હતો ત્યારે દોહા સ્થિત અલ જઝીરા ટીવી ચેનલના ઇન્ટરવ્યૂઅર મહેંદી હસન સાથે ખાંડાં ખખડાવીને ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવે ‘આશા’ વ્યક્ત કરી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માને છે કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક દિવસ ભેગાં થશે અને અખંડ ભારત બનશે.

બાજીરાવના સમયમાં મુઘલોનો ‘મુસ્લિમ પાવર’ સંક્ષિપ્ત કરીને મરાઠાઓનો ‘હિન્દુ પાવર’ પશ્ચિમમાં કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ અને દક્ષિણમાં તામિલનાડુ સુધી છવાયો હતો. બાજીરાવની જેમ જ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ હકીકત સાથે સામંજસ્ય સ્થાપી શક્યો નથી કે ‘હિન્દુસ્તાન’ બે ટુકડામાં વહેંચાઈ ગયું છે. આના માટે સંઘ ‘મુસ્લિમો’ને જવાબદાર માને છે. સંઘની ‘સ્કીમ’માં પાકિસ્તાનનું અસ્તિત્વ અતાર્કિક અને અનાવશ્યક છે અને હિમાલયથી શરૂ કરીને સિંધુ નદીના તટમાં રહેતા તમામ ઇલાકાઓએ હિન્દુ જાતિ અને હિન્દુ રાષ્ટ્ર તરીકે રહેવું જોઈએ.

વિનાયક દામોદાર સાવરકરે લખ્યું છે કે ‘સંસ્કૃતમાં સિંધુનો મતલબ માત્ર નદી જ નહીં, સાગર પણ થાય છે. એટલે સિંધુનો પટ (પશ્ચિમમાં) આપણી ભૂમિની સરહદ છે. સિંધુસ્તાનના નામમાં આપણી માતૃભૂમિની છબી છે; જે સિંધુ અને સિંધુ-નદીથી સાગર સુધીની છે. હિન્દુઓ (આ) હિન્દુ રાષ્ટ્રના ખાલી નાગરિક તરીકે જ સંગઠિત નથી, સમાન ખૂનથી પણ બંધાયેલા છે.’ આ વિભાજન અખંડ ભારતના ખયાલનો વિશ્વાસઘાત છે, એમ સંઘ માને છે.

અખંડ ભારતનું સ્વપ્ન ખાસું લોકપ્રિય છે અને એ ઘણા બધાની નીંદમાં આવતું રહે છે. તમારા અને મારા માટે તો 60 વર્ષ બુઢાપાની ઉંમર કહેવાય પણ એક રાષ્ટ્ર માટે તો એ બાળપણ કહેવાય. એ કારણથી જ, ભારત-પાકિસ્તાનના વિભાજનને લઈને હજુ ય ગહન અને ભાવુક ચર્ચા-વિચાર થતો રહે છે. એમાં કૉંગ્રેસ, મુસ્લિમ લીગ, ગાંધી, જીન્હા, નહેરુ, સરદારને વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે ઉત્તરદાયી ગણવામાં આવતા રહે છે અને એવા ય ખયાલને પંપાળવામાં આવે છે કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો ભેગા હોત તો વધુ સુખી અને સમૃદ્ધ હોત.

ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ હવે જમીની હકીકત છે અને એ હકીકત નકારી શકાય તેમ નથી. એ વાત સાચી છે કે આ વિભાજન રક્તરંજિત અને દર્દનાક હતું. એટલા માટે જ ઇતિહાસકારોથી લઈને રાજકીય પક્ષો અને આમજનતા ભાવુક થઈને ‘આ વિભાજન નિવારી શકાયું હોત’ અથવા ‘આપણે પાછા ભેગા થઈ જવું જોઈએ’ એવી ફેન્ટસીમાં રાચતા રહે છે. છતાં, વધુ સંગત અને તાર્કિક સવાલ એ છે કે ‘શું આ વિભાજન થયું તે સારા માટે ન હતું?’

પાછાં ભેગાં થવાની વાત તો એવી છે કે પાકિસ્તાનીઓ પાછા હિન્દુઓના પ્રભુત્વ નીચે આવી જાય અથવા ભારતીયો પાછા અંગ્રેજોના ગુલામ થઈ જાય. આ અશક્ય જ નહીં, અપમાનજનક પણ છે. પહેલી વાત તો એ કે વિભાજન અનિવાર્ય હતું. અંગ્રેજોએ ભારતનાં બે ફાડિયાં કર્યાં હતાં એવી એક મિથ યુવાન પેઢીને ભણાવવામાં આવી છે. અંગ્રેજોએ વર્ષો સુધી એવી દલીલ કરી હતી કે હિન્દુ-મુસલમાનોએ સાથે રહેવું જોઈએ. છેલ્લે 1946-47માં વચગાળાની કેબિનેટમાં નહેરુ, સરદાર અને જીન્હાને ભેગા બેસાડવામાં આવ્યા હતા એ પ્રયોગ પણ નાકામ રહ્યો હતો. એમાં લીગના નાણામંત્રી લિયાકત અલી ખાને (જે સ્વતંત્ર પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતા) દ્વિતીય મહાયુદ્ધમાં ઢગલો રૂપિયા બનાવનારા ઉદ્યોગો પર કરવેરા ઝીંક્યા તે ‘હિન્દુ વિરોધી’ હોવાની લાગણી બળવત્તર બની ગઈ અને કૉંગ્રેસે મન બનાવી લીધું કે જીન્હા સાથે કોઈ કાળે કામ કરવું શક્ય નથી અને સાફ-સૂથરું વિભાજન જ અંતિમ ઉપાય છે.

આ જ કેબિનેટ પ્લાન હેઠળ રાજા-રજવાડાંને લઈને મગનું નામ મરી પાડવામાં આવ્યું઼ ન હતું. આ પ્લાન જો પાર પડ્યો હોત તો આ નવાબો અને મહારાજાઓએ કેવી દાદાગીરી અને કેવા બ્લેકમેઇલ કર્યા હોત એ કલ્પના કરવા જેવી છે. સ્વતંત્ર ભારતમાં ય સરદાર પટેલે રીતસર કાપાકાપીની ધમકી આપી તે પછી આ નવાબજાદાઓ લાઈન પર આવ્યા હતા અને સાલિયાણાના બદલામાં સત્તા જતી કરવા તૈયાર થયા હતા. એટલે સુધી કે બ્રિટિશ ટોરી પક્ષની (જેને ભારતની સ્વતંત્રતા સામે જબ્બર વાંધો હતો) ચઢામણીથી કેટલાંક રજવાડાંઓએ તો અખંડ ભારતમાં રહીને સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યપદ માટે પણ અરજીઓ કરી હતી.

કેબિનેટ મિશન પ્લાનનો ઉદ્દેશ જ વિભાજિત ભારત સારું કે અખંડ ભારત સારું એ પ્રશ્નનો જવાબ શોધવાનું હતું. અંગ્રેજોએ કૉંગ્રેસ અને લીગની કામચલાઉ સરકારને જે ‘લબાચો’ પકડાયેલો તે આ રાજા-રજવાડાંનું શું કરવું તે. વિભાજન ન થયું હોત તો આ ‘લબાચો’ ઉકેલાયો ન હોત અને  એમણે અખંડ ભારતના નાકમાં દમ લાવી દીધો હોત. વિચાર કરો કે એક જ સંવિધાન, સમાન રેલ વ્યવસ્થા અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના સંલગ્ન ઇલાકા વગરનું ભારત કેવું હોત?

કેબિનેટ મિશનનો ઉદ્દેશ હિન્દુ-મુસ્લિમોના સહ-અસ્તિત્વ અને સહ-સરકારનો હતો. આ મિશનનો અસ્વીકાર ભારતના ટકી રહેવા માટે અગત્યનો બની ગયો હતો. આ  યોજનાનો ડૂચો વાળી દેવામાં આવ્યો તે પછી જ ભારતીય સંવિધાન, ન્યાયિક વ્યવસ્થા, મુક્ત લોકતંત્ર અને બહુ પક્ષીય ગોઠવણ શક્ય બની હતી. અવિભાજિત ભારતમાં આ શક્ય બન્યું ન હોત કારણ કે અવિભાજિત ભારતના 33 પ્રતિશત મુસ્લિમો તમામ પ્રકારની યોજના, વિચાર, ચર્ચામાં હાવી રહ્યા હોત. 30 અને 40ના દાયકામાં સામાજિક-રાજકીય સુધારની કોશિશ એટલે જ નાકામ રહી હતી.

કેબિનેટ મિશન પ્લાનની હિન્દુ-મુસ્લિમ સત્તા સાઝેદારીમાં એક ગોઠવણ મુસ્લિમો માટે અલગ નિર્વાચન-મંડળ (ઇલેક્ટ્રોરેટ)ની હતી. નહેરુ આના વિરોધી હતા. અલગ નિર્વાચન મંડળ હોય એવી લોકશાહી લોકશાહી ગણાઈ હોત? અવિભાજિત ભારતમાં પંજાબ, સિંધ, બલુચીસ્તાન અને પૂર્વ બંગાળમાં હિન્દુ-મુસ્લિમ વસતીનું અસંતુલન માથાનો દુખાવો રહ્યું હોત અને કોંગ્રેસ ક્યારે ય શાંતિથી શાસન કરી શકી ન હોત. વિભાજનના કારણે જ મહાત્મા ગાંધી, નહેરુ અને સરદાર બહુમતી કોમના ઝેરને બેઅસર કરી શક્યા હતા.

જીન્હાને શરૂઆતથી જ ખબર હતી કે હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ ફોલ્ટ-લાઈન થીંગડાં મારવાથી સરખી નથી થવાની. નહેરુ અને સરદારને મોડે મોડે પણ ડહાપણ લાધેલું. ગાંધીજી આ ક્યારે ય નહીં સમજ્યા. અગર સમજ્યા હતા તો ક્યારે ય એનો સ્વીકાર કર્યો ન હતો. જીન્હા, નહેરુ અને સરદારની આ સમજના કારણે જ હિન્દુ અને મુસ્લિમો એક ખુલ્લી શાંતિ હેઠળ જીવી રહ્યા છે. અવિભાજિત ભારતમાં એ કોમી વિસંવાદ ખાસો અઘરો સાબિત થયો હોત. આ નેતાઓની દૂરંદેશીના કારણે જ ભારત હિન્દુ રાષ્ટ્ર કે હિન્દુ પાકિસ્તાન બનવામાંથી બચી ગયું. કોમી અસંતુલનના કારણે જ ભારત લેબનોન બન્યું નથી જ્યાં 60 પ્રતિશત મુસ્લિમો અને 40 પ્રતિશત ઈસાઈઓના મિશ્રણથી હિંસાની ભયાનક કોકટેલ બની છે.

કુલદીપ નાયર નામના પ્રસિદ્ધ પત્રકાર અને શાંતિ-દૂતે કહ્યું હતું કે વિભાજન તો અનિવાર્ય હતું જ, પણ એમના અંગત મત પ્રમાણે, મુસ્લિમો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વિભાજિત થઈ ગયા એમાં મુસ્લિમોનું જ અહિત થયું છે. આ મુસ્લિમો એકઠા હોત તો એમની તાકાત કેટલી મોટી હોત, એમ નાયરે કલ્પના કરી હતી. એક્ચુઅલી, લોકતંત્ર અને ધર્મનિરપેક્ષતાની સલામતી માટે આ વિભાજન તાર્કિક હતું.

પાકિસ્તાનમાં આજે જે પરિસ્થિતિ છે તેના પરથી ભારતે પોતાના ટુકડા થવા દીધા તે ઉચિત લાગે છે. ભારત આજે જે પ્રગતિ કરી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે ભારતીય સમાજ આંતરિક તનાવો, ધાર્મિક સંઘર્ષ અને જરી-પુરાણી પરંપરાઓથી મુક્ત રહ્યો છે. હકીકત એ છે કે (લોકતંત્રથી વિપરીત) ધર્મતંત્રો હંમેશાં આપસમાં અને અંદરથી લડાઈ-ઝઘડો જ કરતા રહ્યાં છે. ધર્મતાંત્રિક વ્યવસ્થા ત્યાં જ કારગત નીવડી છે જ્યાં દેશ નાનો ટચૂકડો કે સંપ્રદાય જેવો હોય.

ભારત વિભાજનના કારણે જ ધર્મતાંત્રિક બનતું રહી ગયું. નહીં તો બે પ્રબળ કોમોના સહઅસ્તિત્વથી કોમવાદી વિસંવાદ હજાર ઘણા તીવ્ર હોત અને લોકતાંત્રિક તથા ધર્મનિરપેક્ષ અવાજોનાં ગળાં ઘોંટાઈ ગયાં હોત. ઇન્ટરનેશનલ રિલેશન્સ નામની એક વેબ સાઇટના અભ્યાસ મુજબ દુનિયામાં અત્યારે (પાકિસ્તાન સહિત) 10 દેશોમાં સશસ્ત્ર ગૃહયુદ્ધો ચાલે છે, જેમાં પ્રતિવર્ષ 1000થી વધુ મૃત્યુ થાય છે. પાંચ દેશોમાં ઓછા ગંભીર ગૃહયુદ્ધ ચાલે છે. જેમાં પ્રતિવર્ષ 200થી વધુ મૃત્યુ થાય છે.

ભારતનો સમાવેશ આ બીજા જૂથમાં કરવામાં આવ્યો છે, જેનું કારણ કાશ્મીર અને ઉત્તર-પૂર્વનાં રાજ્યો હોઈ શકે. ભારત સીરિયા અને ઈરાક (જે પ્રથમ જૂથમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન પર છે)ની જેમ ગંભીર ગૃહયુદ્ધનો શિકાર નથી બન્યું તેનું કારણ વિભાજન છે. એ દૃષ્ટિએ, ભારત વોર-ઇન-પ્રોગ્રેસ નહીં, પણ વર્ક-ઇન-પ્રોગ્રેસ છે.

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘રસરંગ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 17-01-2016

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5224663-NOR.html

Loading

અર્થચ્છાયામૂલક અનુવાદ

'અદમ' ટંકારવી|Diaspora - Reviews|18 January 2016

નારીવાદ : પુનર્વિચાર; સંપાદકો – રંજના હરીશ તથા વિ. ભારતી હરિશંકર; અનુવાદક – નીતા શૈલેષ; ગૂર્જર સાહિત્ય પ્રકાશન, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001; કિંમત – રૂ. 300; પહેલી આવૃત્તિ –  2015; પૃષ્ઠ – 16+272

‘નારીવાદ : પુનર્વિચાર’ મૂળ અંગ્રેજીમાં રંજના હરીશ અને વિ. ભારતી હરિશંકર સંપાદિત ‘રિ-ડિફાઇનિંગ ફૅમિનિઝમ્સ’ પુસ્તકનો નીતા શૈલેષે કરેલ ગુજરાતી અનુવાદ છે. ટી.એસ. અૅલિયટના Translation is rejuvenation કથનને આ પુસ્તક યથાર્થ સાબિત કરે છે. આ પુસ્તકમાંથી પસાર થયો તે અગાઉ નારીવાદ વિશે મારી સમજ ઉપરછલ્લી, મર્યાદિત, cliched – બીબાઢાળ હતી.  શબ્દકોશ આધારિત એવી સમજ કે, નારીવાદ એટલે સ્ત્રી પુરુષ સમોવડી છે એવી માન્યતા. આ પુસ્તકે ઘણી ગેરસમજો – misconceptions દૂર કરી. નારીવાદ સંજ્ઞાના સંકુલ સ્વરૂપનો ખ્યાલ આવ્યો. નારીવાદના અનેક સંદર્ભો છે, એ બહુપરિમાણીય છે, એના વિશે વિવિધ દૃષ્ટિકોણો છે, એ સતત વિકસતી પ્રક્રિયા છે, એ કેવળ સ્ત્રી – હકોની માંગ નહીં બલકે જીવનશૈલી છે, એવી ગેડ બેઠી. હમણાં સુધી આ સંજ્ઞાના એક વચન નારીવાદથી ટેવાયેલાં આંખકાનને બહુવચન નારીવાદોનો પરિચય થયો. આમ, નારીવાદ સંદર્ભે પુનર્રચના, પુનર્વિચાર, પુનર્નિમાણ પુનર્મૂલ્યાંકનનો આ પુસ્તકનો ચતુર્વિધ હેતુ સિદ્ધ થતો લાગ્યો.

આ વિષયના તજ્જ્ઞોએ રજૂ કરેલ અભ્યાસલેખોના સંચયરૂપ મૂળ અંગ્રેજી પુસ્તક તો મૂલ્યવાન છે જ, પણ આ અનુવાદ દ્વારા એ વિશાળ ગુજરાતી વાંચકસમુદાય સુધી પહોંચે છે એ વિશેષ ઉપલબ્ધિ છે. આને પરિણામે ગુજરાતી વાંચકોની ચિંતનપ્રક્રિયા ઉદ્દીપ્ત થશે અને તેઓ આ વિષય પરત્વે વધુ સંવેદનશીલ બનશે. ડબલ્યુ.એચ. અૉડન કહે છે તેમ, Translation introduces new kinds of sensibilities. ‘નારીનો સમાજ તથા તેના પોતાના દ્વારા એક અલાયદી, આત્મનિર્ભર વ્યક્તિ તરીકેના સ્વીકાર’ની ભૂમિકા રચાશે.

અનુવાદ વિશુદ્ધ, ચોક્કસાઈપૂર્વકનો, પ્રવાહી શૈલીનો મૂળને વફાદાર છે. આનું કારણ અનુવાદક તરીકેની નીતાબહેનની સજ્જતા. વ્યવસાયે દુભાષિયા એટલે source language અંગ્રેજી અને target language ગુજરાતી પર પ્રભુત્વ. પણ ભાષાંતર કરવા માટે કેવળ ભાષાકૌશલ્ય પર્યાપ્ત નથી. અનુવાદક વિષયને આત્મસાત્ કરે એ આવશ્યક છે. નારીવાદ વિશે નીતાબહેન સતત ચિંતનશીલ રહ્યાં છે. એમને નારીવાદ સંદર્ભે ઊંડાણપૂર્વક વિચાર્યું છે એટલું જ નહીં, બલકે એ નારીવાદ જીવ્યાં છે. અગાઉ મુશાયરા નિમિત્તે અનેકવાર મારે ટૉરન્ટો જવાનું થયેલું ત્યારે નીતાબહેન સાથે આ વિષય પર ખાસ્સી ચર્ચા થયેલી. ત્યારે હું નીતા દવેને મળેલો. આ પુસ્તક દ્વારા નીતા શૈલેષનો મેળાપ થયો. આમ આ પુસ્તકના પ્રકાશન ટાણે નીતાબહેન પોતાને re-define -પુનર્વ્યાખ્યાયિત કરે છે એ પણ આ ચિતનપ્રક્રિયાનું જ પરિણામ છે. વિષયના તલસ્પર્શી પરિશીલન અને ભાષાકીય સજ્જતાની સાથે ભળ્યાં, રંજના હરીશ કહે છે તે, ઉમળકો અને ખંત. આમ પ્રસ્તુત પુસ્તકના ગુજરાતી અનુવાદ માટેની પરફૅક્ટ રૅસિપિ તૈયાર થઈ.

આ પ્રકારનું પુસ્તક ગુજરાતીમાં અનૂદિત થાય એ ઘટના પણ મહત્ત્વપૂર્ણ છે. આપણી ભાષાનું ચિંતનપ્રધાન સાહિત્ય ગરીબડું, રાંક છે. નારીવાદની વિશદ વિચારણા કરતાં પુસ્તકો નહીંવત્ છે ત્યારે આ અનુવાદ એ અભાવની પૂર્તિરૂપે આવે છે. પોતાની ભાષાના સાહિત્યને વધુ વ્યાપક, વધુ પ્રાણવાન બનાવવાની નેમ પણ ખરી. આનું પ્રેરકબળ તે નીતાબહેન અને શૈલેષની ભાષાપ્રીતિ. ટૉરન્ટોમાં ગુજરાતી ભાષા-સાહિત્યના જતન, સંવર્ધન માટેની એમની ખેવનાનો હું સાક્ષી છું. આ પુસ્તક પુત્ર અદ્વૈતને અર્પણ કરતાં નીતાબહેન લખે છે : માતૃભાષાની મશાલ હવે તારા હાથમાં. આ પુસ્તક વૈચારિક સ્તરે તો નોંધપાત્ર પ્રદાન છે જ, ઉપરાંત સાહજિક, રસાળ, ગુજરાતી લઢણયુક્ત અનુવાદના ઉદાહરણ તરીકે પણ મહત્ત્વપૂર્ણ છે.

પુસ્તકના આરંભે નીતાબહેને પોતાના અનુવાદકર્મ વિશે જે નોંધ મૂકી છે તે પણ ઉપયોગી છે. અનુવાદ દરમિયાન એમની સામે ઊભા થયેલ પડકારો અને તે ઝીલવાની એમની મથામણ એ કોઈ પણ સજાગ અનુવાદક માટે દિશાસૂચન બને તેમ છે.

આપુસ્તક નિમિત્તે ગુજરાતના ચિંતકો અને સમાજશાસ્ત્રીઓમાં નારીવાદ સંદર્ભે વિચારવિમર્શ જાગે એ એનું મુખ્ય ઉપાદાન. તદ્દઉપરાંત reader friendly અનુવાદનાં લક્ષણોની ચર્ચા થાય તો તે વળી મંડામણ. ગુજરાતીઓને બેવડો નફો.

e.mail : ghodiwalaa@yahoo.co.uk

Loading

લા.ઠા. : રમ્યઘોષાથી આંતરઘોષા

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|16 January 2016

 લા.ઠા. : રમ્યઘોષાથી આંતરઘોષા

એમની કોલમકારી અને ગદ્યલેખન આપણા સમય સાથે કામ પાડવામાં સંવેદનસંબલ બની શકે એ બરનું

કવિ લાભશંકર ઠાકર ગયા ત્યારે ચાળીસીએ ઊભેલી એક મિત્રે કરેલું એનું પહેલું સ્મરણ પોતે ચોથા ધોરણમાં હશે ત્યારે એમનો જે પાઠ ભણવામાં આવેલો એનું-‘ચોંટડૂક…’નું કર્યું હતું. એનું બાલપાત્ર કેવું તો સત્યવક્તા છે અને એને મળેલી રકમ કૂવો ગળાવવામાં વાપરે છે, અને આ વારતામાં વળી પરીની પણ હાજરી અને કામગીરી છે એ એણે હોંશે હોંશે સંભાર્યું હતું. દેખીતી રીતે જ ‘રે મઠ’ના વારાથી લાભશંકરની જે ઓળખ બની હશે એના કરતાં આ એક જુદી છાપ છે.

શું એમાં ‘કૉન્ટ્રાડિક્શન’ છે? આ લખું છું ત્યારે લાઠાને જાણે બોલતા સાંભળું છું કે ‘યસ, લાઠા કૉન્ટ્રેડિક્ટ્સ હિમસેલ્ફ!’ મનમરજીના માલિક – એક વાર એમને મેં કવિ મનસ્વી પાટડીવાળા તરીકે ઓળખાવ્યા હતા – લાઠા આજે રણજિતરામ ચંદ્રક નકારે પણ ખરા અને આવતી કાલે સ્વીકારે પણ ખરા. પણ ‘કુમાર’માં ઘડાઈ બચુભાઈ રાવતને ‘રે મઠ’ મિજાજમાં ફાંસીએ ચડાવી શકાતા લાભશંકરને તમે બચુભાઈના અમૃતમિલાપનું આયોજન કરતા પણ જુઓ તો એમ માનવાનું મન થાય કે એમના પ્રયોગો જ્યારે વ્યુત્ક્રાંન્તિના લાગ્યા ત્યારે પણ, ભલે વાયા વ્યુત્ક્રાન્તિએ ઉત્ક્રાન્તિ ભણીના હશે, અને ઉપશમે કરીને સમુત્ક્રાન્તિના.

લાભશંકર નામનું આ જે એક ઉખાણું તે સિત્તેર આસપાસનાં એક સનન્નારીના આ દિવસોના સહજ ‘સુમિરન’ની સહાયથી છોડાવવાની કોશિશ કરવા જેવી છે: ‘આકંઠ સાબરમતી’ની એક બેઠકમાં લાભુભાઈએ પોતાના એક અંગત વલણની વાત કરી હતી. એમણે કહ્યું કે એવું માનનારા ય લોકો છે કે કોઈ પણ ભિખારીને ભિક્ષા આપવી જોઈએ નહીં, કેમ કે કોઈની ય ભિક્ષાવૃત્તિને પ્રોત્સાહન ન અપાય. પણ હું મારી પાસે ભીખ માગનારા એકેએક ભિક્ષુકને કંઈને કંઈ આપું છું. કેમ કે મારો તર્ક એવો છે કે જે માણસને ભીખ માગવી પડે એની લાચારી હશે? લાચાર ન હોય એ તો ભીખ જ ન માગે ને ભીખ માગનારની લાચારીને તમે વધુ ઘેરી ને દુ:ખદ જ બનાવો છો જ્યારે તમે એને ભિક્ષામાં કંઈ આપતા નથી. હું કોઈ જ અભાવગ્રસ્ત લાચારીની દુ:ખદ લાગણીને ઊંડી કરવા નથી માગતો ને એટલે કે પ્રત્યેક ભિક્ષુકને યત્કિંચિત દાન કરું જ છું.

વાર્તાકાર સુવર્ણાનું આ લાભ-સુમિરન ઉતારું છું ત્યારે લાભશંકરની કોલમકારીની દૃષ્ટિએ સ્મૃિતમાં અવગાહન કરવાનું મન થઈ આવે છે. હરિશ્ચંદ્ર ભટ્ટનો કાવ્યસંગ્રહ ઉમાશંકરે સંપાદિત કરી રસિકજનસુલભ કર્યો ત્યારે કાકાસાહેબે થોડું જીવન અને સમાજચિંતન કરવાની તક ઝડપી હતી. એનો ઉલ્લેખ કરીને કાકાસાહેબે એ મતલબની ટિપ્પણી કરી હતી કે આવું સાંભળવાનું બને ત્યારે ત્યારે મનમાં ગ્લાનિ થાય છે. આપણા સમાજના એક પ્રતિનિધિ તરીકે હું પોતે જ બેદરકારીના પ્રતિનિધિ તરીકે ગુનાગાર હોઉં એવું દુ:ખ થાય છે. દુનિયાભરના શાસ્ત્રોએ કહ્યું છે કે આત્મહત્યા એ મહાપાપ છે. જો એ વાત સાચી હોય તો એ પાપ આત્મહત્યા કરનારને ચોંટે છે એના કરતાં સમાજને વધારે ચોંટવું જોઈએ, કેમ કે એવી આત્મહત્યા માટે ઘણી વાર સમાજરચના અને સમાજનું માનસ જ જવાબદાર હોય છે.

હરિશ્ચંદ્ર ભટ્ટ કૃત ‘સ્વપ્નપ્રયાણ’ વિશે લખતાં લાભશંકરે કાકાસાહેબની આ ટિપ્પણી એમની કોલમમાં સંમતિપૂર્વક ઉતારી હતી. એમના ભિક્ષુકચિંતન અને આ ટિપ્પણી બંનેને સાથે મૂકીને જોઈએ તો એમાંથી અનુકંપા, સહાનુકંપા, સમસંવેદનથી સિક્ત સમાજચિંતન અથવા સામાજિક નિસબતનો એક રણકો નિ:શંક ઊઠવા કરે છે. લાભશંકરની શ્રદ્ધાંજલિસભામાં ચંદ્રકાન્ત ટોપીવાળાએ પ્રમુખપદેથી એમની કાવ્યયાત્રાને ‘વહી જતી પાછળ રમ્યઘોષા’થી આરંભી કવિના ખુદના શબ્દોમાં ‘આંતરઘોષા’માં વિરમતી (કે વિલસતી) કહી હતી. રમ્યઘોષાથી આંતરઘોષા લગીની આ યાત્રા ચોક્કસ જ કોઈ સુરંગ કે બોગદામાંથી – શું કહીશું એને, ‘પર્ગેટોરિયો’માંથી – પસાર થઈ હોવી જોઈએ. ન કવિ, ન વિવેચક એવા મને આવું વિધાન કરવાનું સાહસ (અને કંઈક સમજ) એમની લાંબી કોલમકારી થકી મળે છે એ માટે તરત જ કહી દેવું જોઈએ.

નમૂના દાખલ, રમ્યઘોષાથી આંતરઘોષાના વચગાળાની પ્રક્રિયાની ખોજસમજના હું ‘પ્રવાહણ’ દીર્ઘકાવ્યનું સ્મરણ કરવા ચહું. અહીં હું એ આખું નહીં ટાંકતા માત્ર સાર રૂપે કહું કે આ કાવ્યમાં મળોત્સર્ગની લગભગ જુગુપ્સા જગવતી ક્રિયાની જોડાજોડ (‘જક્સ્ટાપોઝ’ કરવાની રીતે) કાવ્યોત્સર્ગ કહેતાં સર્જનની ચિત્રણા થયેલી છે. કવિ પાછા આવું બધું કહેતે કહેતે ‘લેટ મી સ્ટૉપ ફૉર અ મિનિટ!’ એવું પણ કહે. (ટાગોર હૉલમાં એમણે કરેલું પઠન આ ક્ષણે સાંભળું છું.) ગમે તમે પણ આ ‘લેટ મી સ્ટૉપ ફૉર અ મિનિટ! સાથે મને થતો ઝબકારો એમની ‘એક મિનિટ’ અને ‘ક્ષણ-તત્ક્ષણ’ એ જનસત્તા દિવસોની કોલમકારીનો છે.

‘પ્રવાહણ’ અને આ કોલમલેખન, એક જ દસકામાં લગભગ લગોલગ ચાલેલાં આવેલાં છે. જે બધા ઉત્સર્ગો, તે કોઈ નિ:સારવાદી બંસીબોલ નથી પણ એમાં રચના પડકારનો કશોક અજંપો, કશીક ખોજ, કશોક દિશાબોધ પણ પડેલા છે, કેમ કે કાવ્ય રચનાનો ધક્કો આખરે તો અનુભૂતિની એ તીવ્રતામાંથી આવેલો છે કે ‘વનમાં/મનમાં/તનમાં/ધનમાં/સળગતા/રાજમાં/વૈદેહી/મારી કાવ્યચેચન વલવલે’ આ વલવલાટને જેમ કલા અને સાહિત્ય વિશે તેમ રાજ્ય, ધર્મ અને સાહિત્ય વિશે તેમ રાજ્ય, ધર્મ અને શિક્ષણ વગેરે વિશે વ્યક્ત થવાની સગવડ કોલમલેખન થકી સુલભ ગદ્યકારીએ આપેલી છે.

સહેજ ખસીને કહું કે હમણાં રૂસી લેખિકા સ્વેતલાનાને નોબેલ પારિતોષિક અપાયું તે વાર્તા-કવિતા નહીં પણ ગદ્યલેખનનું છે. પ્રજાને રાજ્યાદિ થકી જે વેઠવાવારો આવ્યો એના, પ્રત્યક્ષ અભ્યાસનિષ્ઠ સુદીર્ઘ રિપોર્તાજ તે સ્વેતલાનાનો વિશેષ રહ્યો છે. લાભશંકર કવિ મોટા, ઉમાશંકર-સુંદરમ, રાજેન્દ્ર-નિરંજન એમ લાભશંકર-સિતાંશુ કવિયુગ્મ એક પ્રતિમાન ખરું, પણ એમની કોલમકારી અને ગદ્યલેખન (અને કે પેલું પદ્યલેખન ઝમતે ઝમતે) આપણા સમય સાથે કામ પાડવામાં સંવેદનસંબલ બની શકે એ બરનું.

નાટ્યકાર હેરોલ્ડ પિન્ટરને 2005નું નોબેલ મળ્યું ત્યારે એમને અંગેની અધિકૃત અભિવાદન નોંધમાં એમને જેમ ‘પોલિટિકલ પ્લેરાઇટ’ તેમ ‘પબ્લિક ન્યુસન્સ’ કહેવાયા હતા. પિન્ટર એક નમૂનેદાર ‘ન્યૂસન્સ’ એ વાસ્તે હતા કે કલાવિધાનમાં શું વાસ્તવિક છે અને શું અવાસ્તવિક છે એ બે વચ્ચે કે સત્ય અને અસત્ય વચ્ચે પણ ચોખ્ખા ભેદ ન હોય તો પણ નાગરિક તરીકે મારે પૂછવું જોઈએ કે સાચું શું છે, ખોટું શું છે. લાભશંકરની કોલમકારીમાં સ્વેતલાના તરેહનો વ્યાપ અને સઘન કામગીરી ન હોય પણ એમાં સમાજનિસબતના સ્ફુિલંગો તમને સતત મળશે. રમ્યઘોષાથી આંતરઘોષાના પુણ્યોદકમાં આ તો લગરીક ડૂબકી …

e.mail : prakash.nirikshak@gmail.com

સૌજન્ય : ‘સ્મરણાંજલિ’, “દિવ્ય ભાસ્કર”, 16 જાન્યુઆરી 2016

Loading

...102030...3,7143,7153,7163,717...3,7203,7303,740...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved