Opinion Magazine
Number of visits: 9692329
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મા વિનાનાં ગલુડિયાં

ઉષા પરમ|Opinion - Short Stories|4 December 2015

મારા પતિ જિતેન્દ્ર અને નરેન્દ્ર બે ભાઈઓ અને અમે શીલા ને નીલા બંને દેરાણી-જેઠાણી. ચારેયનાં નામોમાં જેવું સામ્ય હતું એવું જ સામ્ય ચારેયના સ્વભાવમાં પણ હતું. અમારો આદર્શ, સુખી પરિવાર હતો. નીલા પરણીને આવી ત્યારે મારો આદિ છ-સાત વર્ષનો. નીલાએ એને એવી માયા લગાડેલી કે આખો દિવસ કાકી, કાકી કરતો એનો પાલવ પકડી ફર્યા કરતો. હું હસીને કહેતી,

‘નીલા તું તો મારા કાનુડાની જશોદા મૈયા છે. ઘરમાં હું ન હોઉં તો એને ચાલે પણ તારા વિના એને ઘડીભર ન ચાલે.’ નીલા હસીને કહેતી, ‘દીદી, હું નથી કહેતી હં, એને મારી પાછળ પાછળ ફરવાનું.’

આ સંબંધનું જાણે સાટું વાળવું હોય એમ નીલાની કૂખે રત્ના જન્મી અને જન્મતાંની સાથે મારી જ થઈ ગઈ. એને માલિશ કરવું, નવડાવવી, કડવાટ પાવી એ બધાં કામ મેં મારા હાથમાં લઈ લીધેલાં. મને તો જાણે રત્નાના રૂપમાં સ્વર્ગ મળી ગયેલું. જરીકે વાર એને રેઢી ન મૂકું. ને એ મીઠડી ય મને ભાભુ, ભાભુ કરતી જાય ને મીઠું મીઠું હસતી જાય. એ માંડ ત્રણેક વર્ષની થઈ હશે ત્યાં અમારા સુખને કોઈની નજર લાગી ગઈ હોય એમ બે જ દિવસના તાવમાં મારો લાડકો દિયર નરેન્દ્ર ચાલતો થયો.

‘નીલા, બસ કર. હવે રડવાનું બંધ કર ને જરા આ કુમળી છોકરી સામે તો જો !’ હું નીતરતી આંખે નીલાને સમજાવવાની નિષ્ફળ કોશિશ કર્યા કરતી. આખા ઘરમાં સ્મશાનવત્ શાંતિ પથરાઈ ગઈ હતી. થોડા વખત પછી એક દિવસ નીલાનાં માતા-પિતા મળવા આવ્યાં. રાત્રે સહુ બેઠાં હતાં ત્યારે એમણે ધીમેથી વાત મૂકી,

‘જિતેન્દ્રભાઈ, એક વાત કહું ? ખરાબ ન લગાડશો. તમે અને શીલાબહેન તો નીલા માટે કંઈ કરવામાં બાકી નથી રાખતાં પણ આ ઘરમાં રહીને એ કોઈ દિવસ પોતાનું દુઃખ ભૂલી નહીં શકે. રાત-દિવસ એને નરેન્દ્રના જ ભણકારા વાગ્યા કરશે. જો તમારી સંમતિ હોય તો અમે નીલા અને રત્નાને લઈ જઈએ.’

મારા હૈયામાં ચિરાડો પડ્યો. નરેન્દ્રને તો ગુમાવ્યો જ હતો, હવે આ બંને પણ જતાં રહેશે. રત્ના વિના મારી જિંદગીમાં રહેશે શું ? પણ કયા હક દાવે અમે ના કહી શકીએ ?

થોડા દિવસની રજા ભેગી થાય કે રત્ના અહીં જ આવી જતી. એને ય એની ભાભુ વિના સોરવતું તો નહીં પણ બાળકો તો જ્યાં જાય ત્યાંનાં થઈ જાય. નીલા ત્યાંની શાળામાં શિક્ષિકાની નોકરી કરવા લાગી હતી. એક વખત અચાનક એ રત્નાને લીધા વિના આવી પહોંચી. મારો પહેલો સવાલ હતો – ‘કેમ એકલી આવી ? રત્નાને ન લાવી ?’

‘દીદી, તમારી સાથે ખૂબ જરૂરી વાત કરવી હતી એટલે એની હાજરીમાં ….’

એના સહશિક્ષક એવા વિનોદની પત્ની એક દીકરા વીકીને મૂકીને અવસાન પામી હતી. વિનોદ અને નીલાની વારંવારની મુલાકાત પછી એ બંને લગ્ન કરવાના નિર્ણય પર આવ્યાં હતાં.

‘આનાથી રૂડું બીજું શું હોઈ શકે ? તું તારા જીવનમાં સારી રીતે ગોઠવાઈ જાય એનો અમને ખૂબ આનંદ હોય પણ રત્ના ….’

‘દીદી, એમને રત્ના ખૂબ વહાલી છે. એ કહે છે, વીકી અને રત્ના ભાઈ-બહેન બનીને રહેશે. હું રત્નાને સાથે લઈને જ જવાની છું. અમારે એ ચોખવટ થઈ ગઈ છે.’

નીલા ખૂબ ખુશ જણાતી હતી. મેં એને અંતરથી આશિષ આપ્યાં. એટલું સારું હતું કે પુનર્લગ્ન પછી પણ એણે અમારી સાથે સંબંધ એવા ને એવા જ રાખ્યા હતા. વિનોદનો સ્વભાવ પણ સારો જણાતો હતો અને મારે માટે સૌથી ખુશીની વાત એ હતી કે, હજુ પણ ત્રણ-ચાર દિવસની રજા ભેગી થવાની હોય ત્યારે રત્ના અહીં જ આવતી. આદિ જઈને એને લઈ આવતો. આ વખતે તો દિવાળીની રજાઓમાં એ લોકો કેરળ ફરવા જવાનાં હતાં તો યે રત્ના જીદ કરીને અહીં જ આવી. ફરવા ન ગઈ.

‘રત્ના, સાંજે ફરવા ક્યાં જવું છે ? દરિયાકિનારે જઈશું?’ ‘તમે જેમ કહો તેમ.’ ‘રત્ના, જમવામાં શું બનાવું ? શીખંડ ખાવો છે કે શીરો?’ ‘તમે જે બનાવો તે.’ મેં જોયું કે, હંમેશાં મારી પાસે પોતાનું જ ધાર્યું કરાવનારી રત્ના બદલાઈ ગઈ હતી. આખો દિવસ અહીંથી તહીં દોડાદોડ કરતી ને બડબડ કરતી રહેતી રત્ના સાવ શાંત થઈ ગઈ હતી. એને કોઈ વાતમાં રસ નહોતો પડતો ને ઉદાસ બેસી રહેતી હતી.

એ દિવસોમાં અમારી સોનુને ત્રણ બચ્ચાં આવેલાં. ધોળાં ધોળાં માખણના પિંડા જેવાં ગલુડિયાંને પોતાની મા પાછળ ફર્યા કરતાં જોયા કરતી. મને થયું, ગલુડિયાંને જોઈને રત્ના કંઈક ખુશ થઈ છે એટલે હું એમનંુ કામ એને સોંપતી. ‘રત્ના, લે, સોનુના વાસણમાં આ પાણી રેડી આવ.’ ‘રત્ના, આજે તો સોનુ માટે શીરો બનાવ્યો છે. ચાલ જોઈએ, કેવી ચપચપ કરતી ખાય છે !’

એક દિવસ સવારથી સોનુ ક્યાંક ગાયબ થઈ ગઈ. કંપાઉન્ડનો દરવાજો બંધ કરવાનું તો અમે બરાબર ધ્યાન રાખતાં તો ય એ કેવી રીતે ને ક્યાં જતી રહી હશે ? મારી ચિંતા વધતી જતી હતી. રત્નાએ આવીને મને કહ્યું, ‘ભાભુ, મેં મોટો દરવાજો ખોલીને જોયું. દૂર દૂર સુધી સોનુ ક્યાં ય દેખાતી નથી. હવે તો એનાં બચ્ચાં પણ રડવા લાગ્યાં છે.’ એનો અવાજ પણ રડમસ થઈ ગયો.

‘આવી જશે બેટા, જરૂર આવી જશે, પોતાનાં બચ્ચાંને મૂકીને એ ક્યાં જવાની હતી ?’ મારા મનમાં પણ હવે એ આવશે કે કેમ એવી શંકા તો હતી છતાં મેં રત્નાને આશ્વાસન આપવા કહ્યું.

‘મને ખબર છે એ ક્યાં ગઈ હશે,’ અચાનક રત્ના બોલી, એ ગલુડિયાના નવા પપ્પા પાસે ગઈ હશે. હવે પાછી નહીં આવે. એને પોતાનાં બચ્ચાં કરતાં નવા પપ્પા વધારે ગમે છે. ભાભુ, હવે આ બચ્ચાં મરી જશે તો ?’ એ ડૂસકાં ભરતાં મને વળગી પડી.

‘નહીં મરવા દઉં, તું ચિંતા નહીં કર. આ બચ્ચાંઓને હું જિવાડીશ.’ ‘સાચ્ચે જ ભાભુ, તમે એને જિવાડશોને? પ્રોમિસ ?’ રત્નાએ વિશ્વાસપૂર્વક મારી સામે જોઈને કહ્યું.

(ઉમા પરમની મરાઠી વાર્તાને આધારે)

ગુજરાતી રૂપાંતર : આશા વીરેન્દ્ર

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 અૉક્ટોબર 2015; પૃ. 24

Loading

સોક્રેટિસના બે સંઘર્ષ – દર્શકની નજરે

અશોક ગોહિલ|Opinion - Literature|4 December 2015

‘પેરેક્લીઝે ભલે કિલ્લા બાંધ્યા કે નૌકા કાફલો તૈયાર કર્યો પણ તેણે માણસોને નથી ઘડ્યા તે તેની ભૂલ છે, અને તેથી હું પેરેક્લીઝને સાચો રાજનીતિજ્ઞ ગણતો નથી.’ સોક્રેટિસ અને પેરેક્લીઝ બંને મિત્રો છે. તેને ઘેર સોક્રેટિસ જતો-આવતો હોય છે, છતાં પણ એ ભૂલ બતાવે છે. કારણ કે તે સ્વાયત્ત છે.

‘પેરેક્લીઝ તમને બગાડી રહ્યો છે. આ રીતે તમને ભથ્થાંઓ આપી ન્યાયને બદલે પૈસાના લાલચુ બનાવી દીધા છે, અને પૈસાની લાલચથી તમે તમારા આત્માને અવનત કરો છો. લોકોનું ભલું તેમની વાસનાઓ પરિશુદ્ધ કર્યા વિના ન થાય. લોકોએ વિચાર કરતાં શીખવું જોઈએ. લોકોની વાસનાઓને બહેકાવી મતો મેળવવા તો સહેલું છે. પણ આવા બધાને ભેગા કરી સત્તા લાવે તો તેનો નાશ થાય. લોકશાહીનો આવો અર્થ છે જ નહીં.’ સોક્રેટિસ આવું કહે તો કોને ગમે ?

‘હું મરીશ, પહેલાં પણ મર્યા છે અને હજી મરશે. કારણ કે કોઈ પણ ટોળું એના વિરુદ્ધના અભિપ્રાયને સહન કરી શકતું નથી.’ એણે સ્પષ્ટ ભેદ પાડ્યો છે લોકશાહી અને ટોળાશાહી વચ્ચે. લોકશાહીને નામે ટોળાશાહી ખપાવી દેવાનું જે રાજકારણીઓ કરી રહ્યા છે, તેઓ લોકશાહીના મોટામાં મોટા ઘાતકો છે. લોકશાહીમાં પાયાથી માની લેવામાં આવ્યું છે કે – (૧) મતદારો સર્વસામાન્ય હિતને સમજી શકે છે. (૨) સમજી શકે છે એટલું જ નહીં, બીજી લાલચોને વશ થયા વિના સાચી રીતે મત આપી શકે છે. (૩) આવું કોઈનામાં ન હોય તો સમજાવટથી તેનામાં આવી શકે છે.

હવે, આવી સમજાવટ કરે નહીં, ઊલટું સમજશક્તિ નષ્ટ થાય તેવી લાલચો આપી, અંધ જૂથ કે સ્થાનિક અભિમાન ચગાવી મતો લેવાની કરામત કરે તેને લોકશાહીના ઘાતકો જ કહેવા જોઈએ ને ? આપણા દુર્ભાગ્યે આજે સોક્રેટિસ નથી, જ્યારે આ ઘાતકોની સંખ્યા મોટી છે.

સોક્રેટિસને પૂછવામાં આવ્યું કે, ‘તને આટલી બધી ખબર છે કે આ સારું અને આ યોગ્ય, આ અયોગ્ય, આ ડહાપણ અને આ ગેરડહાપણ, તો પછી તું રાજનીતિમાં પડીને, ધારાસભામાં બેસીને કે સામાન્ય સભામાં બોલીને કે ઉમેદવારી કરીને અમને સુધારવાની કોશિશ કેમ કરતો નથી ?’ ત્યારે એણે કહ્યું કે, ‘તમે મને આ પૂછી શકો છો, પણ મારે તમને એમ કહેવું છે કે જો મેં એવી કંઈ કોશિશ કરી હોત તો હું આટલાં વર્ષ જીવ્યો તે પણ ન જીવી શક્યો હોત. બહાર રહીને તો આ ચાલીસ વર્ષ હું જીવ્યો. પણ જો હું તમે કહો છો તે સત્તાના રસ્તે ચાલ્યો હોત તો આટલાં વર્ષ જીવી શકત નહીં, કારણ કે કોઈ પણ લોકશાહીમાં અજ્ઞ સમાજ તેની સામે મત આપનારાઓને લાંબો વખત સહન કરી શકે નહીં.’

સોક્રેટિસનો એક જ ગુનો છે કે તે બધા માણસને પૂછે છે, તમે કંઈ સમજો છો કે સમજ્યા વિના જ ચાલો છો ? તમને સુખ જોઈએ છે, પરંતુ સુખ શું એ ખબર છે ? સાચું સંરક્ષણ, સાચી ઉદારતા, સાચી મૈત્રી, સાચી બહાદુરી, સાચો પ્રેમ, સાચી કેળવણી વિષે તમે કાંઈ વિચાર્યું છે ? આ વિચાર્યા વિના સુખ તમારા હાથમાં કેમ આવશે ? ન્યાયાધીશોને તે એમ કહે છે, ‘તમે કદાચ કહેશો કે તારી સામેના આરોપ જેઓ મૂકે છે તેને અમે સાચા નથી માનતા …. તને છોડી મૂકીએ છીએ પણ એટલી બાંહેધરી તું આપ કે તત્ત્વજ્ઞાનના આવા સવાલો તું નહીં પૂછે. તો એથેન્સ નગરના નગરજનો, હું તમને ચાહું છું. તમારે માટે મને માન છે, પણ જો તમે મને આવું કહો તો હું એટલું જ કહીશ કે તમે મને એક વાર મારો કે સો વાર મારો પણ હું બધાને પ્રશ્ન પૂછતો અટકવાનો નથી. હું તો જે મને મળશે તેને પૂછીશ કે અરે ! આવા એક એથેન્સ જેવા મહાન નગરનો તું રહેવાસી છે તો તું આ ધન પાછળ અને કીર્તિ પાછળ શા માટે પડ્યો છે ? તારા પોતાની આત્માની શા માટે સંભાળ નથી લેતો ? અને તે મને કહેશે કે હું લઈશ તો પણ હું માની નહીં લઉં. હું તેને ફરી પૂછીશ કે તું શું સંભાળ લઈ શકે તે તો મને કહે ! હું તેનો કેડો મૂકવાનો નથી.’

લોકોને એણે ચેતવ્યા કર્યા, સમજાવ્યા કર્યા કે, ‘ભાઈ તમે ખોટે રસ્તે છો, આ રસ્તે તમે ચડો છો તેમાં તમને અને લોકશાહીને નુકસાન થશે.’ સોક્રેટિસનો આટલો વાંક.

સોક્રેટિસ મતદારોની કેળવણી માટે શહીદ થયો. એને જ્યારે કહેવામાં આવ્યું કે તમે છૂટા થઈ શકો છો પણ તત્ત્વજ્ઞાનની ચર્ચા ન કરશો તો કહે, ‘તમે સો વાર મારો કે એક વાર મારો પણ હું જ્ઞાનનું તત્ત્વ, અને તત્ત્વના જ્ઞાનની વાત તો કર્યા જ કરીશ, કારણ કે આત્મચિકિત્સા વિનાનું જીવન નિરર્થક છે – પશુઓ જીવે છે, ભાઈ !’

આ વાતને આજની લોકશાહીની પરિભાષામાં કહીએ તો શું કહેવાય ? એ જ કે …. મતદારોને કેળવવાનો મૂળભૂત અધિકાર હું કોઈ પણ સંજોગોમાં જતો કરવા માગતો નથી. આટલો જ છે આજના સંદર્ભે એનો અર્થ. આ મારો મૂળભૂત અધિકાર છે. એ મારી ફરજ છે કે મારે લોકોને કેળવવા, લોકોને વિચાર કરતા કરવા અને લોકોનાં મૂલ્યોનું પરિવર્તન કરવું. મૂલ્ય-પરિવર્તન કર્યા વિનાની લોકશાહી એ ભયજનક છે. આ પ્રતીતિએ સોક્રેટિસને કહેરાવ્યું કે, ‘હું આ અધિકાર જતો નહીં કરું, જે કરવું હોય તે કરો !’ આનો અર્થ એટલો જ કે લોકશાહીમાં મત એટલો જરૂરી નથી, પક્ષ એટલો જરૂરી નથી – એ સેકંડરી ચીજ છે, પણ પહેલી જરૂર મતદારોની કેળવણીની છે.

એટલે જ સોક્રેટિસે કહ્યું કે, ‘હું રાજનીતિમાં પડ્યો જ નથી, મારે સત્તા જોઈતી જ નથી. મારે એક જ સત્તા જોઈએ છે, મતદારોને કેળવવાની.’ અને એ જ પેલા રાજકારણીઓને પસંદ નહોતું. તેમને ખુશામત જોઈએ છે. કેળવણી નથી જોઈતી. ગ્રીસને જ નહીં, બધી ટોળાંપરસ્ત લોકશાહીને ઓછીવત્તી આ વાત લાગુ પડે છે. સોક્રેટિસનો આ પહેલો સંઘર્ષ હતો – મતદારોની કેળવણીના અધિકારનો સંઘર્ષ.

સોક્રેટિસની જે મહત્તા છે તે તો એ છે કે એને સજા ખોટી રીતે થઈ છે તે એ જાણે છે. સજા કરવાવાળામાં પણ એવું માનનારા છે કે એણે અમથા અમથા અમને ખીજવ્યા. ખરી રીતે આ કરવાનું કારણ નહોતું. તેણે સીધીસાદી વાત કરી હોત તો આપણે તેને છોડી મૂકવાના હતા. પણ મૂળે એ માણસનો વાંક નથી, અને આપણે આટલી આકરી સજા કરી તે ઠીક નથી. એટલે તે લોકોએ, એના મિત્રો વગેરેએ, આમતેમ કરીને તેને અહીંથી ભગાડી મૂકીએ એવું બધું ગોઠવી દીધું. જેલમાંથી તે નાસી જાય તેની બધી તૈયારી કરીને એક દિવસે સવારે તેનો મિત્ર-શિષ્ય હતો તે ક્રિટો સોક્રેટિસ પાસે ગયો. કહે છે …. ‘હવે ઝાઝા દિવસ રહ્યા નથી. બે ત્રણ દિવસમાં તો તમારે ઝેર લેવાનો વખત થશે. એટલે અમે બધાંએ નક્કી કર્યું છે કે તમારે નાસી જવું જોઈએ, કારણ કે તમારાં બાળકો, તમારી સ્ત્રી, તમારા મિત્રો – એ બધાંનો વિચાર કરવો જ જોઈએ. પણ તે ઉપરાંત બીજા બે વિચારો તમારે કરવા જ જોઈએ – એક તો, તમને સજા થવી ન જોઈએ. તમને સજા ખોટી રીતે થઈ છે. સજા કરનારા ખોટા છે અને તમે સાચા છો. એટલે તમે કાંઈ સજા સ્વીકારવા બંધાયેલા નથી જ. બીજી વાત, એ લોકોને પણ થોડા વખત પછી પસ્તાવો થશે. પસ્તાવો થશે તેમ અમને ખાતરી છે અને એમાંના કેટલાક ઇચ્છે છે, ભાઈ શા માટે અમને પાપ કરાવો છો, નસાડી મૂકો ને ! બધું તૈયાર રાખ્યું છે, હોડી તૈયાર છે. જેલરને અમે ફોડ્યો છે. કોઈ કાંઈ કરવાનું નથી, બધા આંખો મીંચી દેશે.’

સોક્રેટિસ કહે, ‘હા, જરા વિચાર કરી જોઉં.’ ‘અરે, આમાં વિચાર કરવાનું શું છે ? જિંદગી આખી વિચાર કર્યો. હવે વિચાર કરવાનું શું છે ? હવે તમે અમે કહીએ એમ કરો.’ ‘ના, ના, વિચાર કરતાં જો સાચું લાગે તો તો તું કહે એમ જ કરીશું.’

પછી સોક્રેટિસ શાંતિથી કહે, ‘માનો કે હું નાસી જવાનું ઠરાવું અને ઊભા થઈને ચાલવા માંડું અને ત્યાં રસ્તામાં એથેન્સના કાયદા સદેહે મારી આડે આવી ઊભા રહીને મને પૂછે, ‘અલ્યા, અમે તારો શો ગુનો કર્યો કે તું અમને દગો દઈને ચાલ્યો જાય છે ? તું સત્તર વર્ષનો થયો ત્યારે તને પૂછવામાં આવ્યું હતું કે તારે એથેન્સમાં રહેવું છે કે નથી રહેવું ? અમે તને છૂટ આપી હતી કે તારે એથેન્સમાં રહેવું હોય તો રહે, નહિ તો તારી બધી મિલકત સાથે બીજે જવું હોય તો પણ છૂટ છે. તું પસંદ કરી લે.’ મેં અહીં રહેવાનું પસંદ કર્યું. અહીંના બધા કાયદાઓનો બધો લાભ લીધો, હવે જ્યારે એ કાયદાના આધારે મને સજા થાય છે ત્યારે કેમ ફરી બેસું ?’

‘પણ તમને ખોટી સજા થઈ છે તે તો ખરું ને ?’ ‘હા, એ વાત સાચી છે. મને ગુનેગાર ઠરાવ્યો તે ખોટું છે. પણ ઠરાવ્યો તે પદ્ધતિ સાચી છે. કાયદા મુજબ જ મને આ સજા કરી છે, કાયદાની બહાર જઈને નહીં. તો એ કાયદા મને પૂછે, ‘તેં ઘડેલા કાયદા પ્રમાણે આ ચુકાદો આપ્યો છે, અને હવે અમને દગો દઈને શા માટે ચાલ્યો જાય છે ?’ એ પ્રશ્ન મને પૂછે છે કે તારે લાભ લેવો હતો ત્યારે તું એથેન્સમાં રહ્યો અને હવે માનો કે અમે ભૂલ કરી હોય તો પણ આખરે તારે એમ વિચારવું જોઈએ કે નવ્વાણું વાર જેનો લાભ લીધો, તેની એક વાર ભૂલ થાય તો તારે કાયદાનું ખૂન નહિ કરવું જોઈએ. અને જો તું આ પ્રમાણે કરીશ તો પછી દુનિયાને તેં આ બધું શીખવ્યું તેમાંથી લોકો શું સાર કાઢશે ? તે કહેશે, ફાવે ત્યારે કાયદાને અનુસરવું, અને નહીં ફાવે ત્યારે તેને તોડી નાખવો. તું અમને અન્યાય કરે છે.’

લોકશાહીમાં કાયદો સર્વોપરી છે – તે પૂર્ણ હોય કે અપૂર્ણ. અપૂર્ણ હોય તો ય તમે જવાબદાર છો, અને પૂર્ણ હોય તો તમે યશભાગી છો. તમે એટલે આખો સમૂહ. ત્યારે એ સમૂહમાં તમે લાભને માટે રહ્યા છો, તો સમૂહનો કોઈક વાર ગેરલાભ પણ થાય. તે સમૂહે નિયમ પ્રમાણે નિર્ણય કર્યો છે. તે ખરી રીતે તમે કર્યો છે, કોઈકે તો કર્યો જ નથી. આ કાયદાને ધક્કો મારીને સજ્જન જઈ શકતા નથી. લોકશાહીને લાગેવળગે છે ત્યાં સુધી કાયદાની સર્વોપરિતા એ અજર-અમર છે. કાયદા કેમ કરવા તે તમારા બંધારણમાં બતાવવામાં આવ્યું છે. તેમાં તમારે સુધારા-વધારા કરવા હોય તો કેમ કરવા તે પણ બતાવવામાં આવ્યું છે. પછી તમે કેવી રીતે કહી શકશો કે મને આ કાયદો અનુકૂળ નથી ? તો તો દુનિયાની અંદર લોકશાહી ટકી શકે જ નહીં. જે લોકશાહીમાં નાગરિકો કાયદાની સર્વોપરિતા સ્વીકારતા નથી તે લોકશાહી ગમે તેવી હોય પણ ટકી શકે નહીં. અહીં કોયડો એ ઊભો થાય છે કે કાયદાની દૃષ્ટિએ બરાબર હોય પણ નૈતિક દૃષ્ટિએ ખોટું હોય – લીગલી બરાબર પણ મોરલી બરાબર ન હોય – ત્યારે શું કરવું ? સોક્રેટિસનો આ બીજો સંઘર્ષ હતો.

તેનો ઉપાય લોકશાહીમાં શું હોઈ શકે ? એનો ઉપાય સોક્રેટિસે કહ્યું તે છે : ‘સેલ્ફ સફરિંગ, આત્મ બલિદાન.’ જેને ગાંધીએ સવિનય કાનૂન ભંગ, સત્યાગ્રહ કહ્યો. ગાંધીએ કહ્યું, કાનૂન એટલી બધી પવિત્ર ચીજ નથી કે તે બદલી જ ન શકાય. સત્યાગ્રહી બધા જ વાજબી કાનૂનો પાળવા બંધાયેલો છે, પણ કોઈ અનૈતિક કાનૂન પાળવા બંધાયેલો નથી. પણ બીજી બાજુ નાગરિક તરીકે કાનૂનનું પાલન કરવા સત્યાગ્રહી બંધાયેલો છે. તો આ પાલન કરવું અને ભંગ કરવો એ બે વસ્તુ એકસાથે કેવી રીતે કરવી ?

ગાંધીજીએ કહ્યું કે કાયદાનો ભંગ કરીને આ કાયદો નહીં જ ચાલવા દઉં. આ કાયદો બદલો, પણ મારા કાયદાભંગ માટે હું જાતે ખુલ્લંખુલ્લા સજા વહોરી લઈશ અને આનંદભેર પુનઃપુનઃ વેઠીશ. કાયદો હાથમાં લેવાનો નથી. તે તો લોકશાહીમાં શક્ય જ નથી. હું કાયદાને મારા હાથમાં નથી લેતો, પણ કાયદાને મારા માથા પર ચડાવીને કહું છું કે આ કાયદા મુજબ સજા હું સ્વીકારું, મારા જેવા લાખ બીજા પણ આમ સહન કરશે, પણ આ કાયદો બદલાવો જોઈએ.

સેલ્ફ સફરિંગ દ્વારા લોકમત ઘડો. તમે સમાજમાં કાયદો બદલો છો. કાયદાને તમે વશ ન થાઓ, અને છતાં થાઓ. વશ ક્યાં થાઓ છો ? તો ગાંધી કહે, ‘ભાઈ તમે મોતની સજા કરો તો મોતની ! છ મહિનાની કરો તો છ મહિનાની, અને કાળા પાણીની કરો તો કાળા પાણીની ! મને સ્વીકાર્ય છે. પણ તમે મને એમ કહો કે, તારે તો પેટે ઘસડાતાં ઘસડાતાં અહીં આવવાનું તો હું તે નહીં સ્વીકારું. કાયદામાં એમ પણ લખ્યું હશે ને કે આમ પેટે ઘસડાઈને ન ચાલનારને આટલી સજા કરવી – તે સજા કરો – તે હું સ્વીકારું છું. એટલે હું કાયદાનું પાલન જ કરું છું.’ ગાંધીજીએ સોક્રેટિસની એપોલોજીનો અનુવાદ કર્યો તેનું કારણ એ માણસ પ્રથમ સત્યાગ્રહી હતો. આ જગતમાં પ્રથમ સત્યાગ્રહી છે, સોક્રેટિસ.

(ગાંધીયુગના પીઢ સમાજસેવક, સંનિષ્ઠ શિક્ષક અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર સ્વ. મનુભાઈ પંચોળી ‘દર્શક’એ તા. ૨૭ નવેમ્બર ૧૯૮૧ના રોજ સદ્ગત દાદાસાહેબ માવળંકરના ૯૩મા જન્મ દિને, લેસ્કી ઇન્સ્ટિટ્યૂટના સોક્રેટિસ હોલમાં ‘સોક્રેટિસ : લોકશાહીના સંદર્ભમાં’ એ વિષય પર આપેલું પ્રવચન – જે પછીથી લેસ્કી ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ દ્વારા ૧૯૮૨માં પુસ્તિકા સ્વરૂપે પ્રગટ કરવામાં આવેલું. પ્રસ્તુત લેખ આ પ્રવચનમાંથી ટૂંકી નોંધ રૂપે સંકલિત કરેલો છે.)

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 અૉક્ટોબર 2015; પૃ. 05-06

Loading

પ્રાણશક્તિ અને જ્ઞાનશક્તિ

વિનોબા|Opinion - Opinion|4 December 2015

શિક્ષણ એટલે યોગ-ઉદ્યોગ-સહયોગની કેળવણી. શિક્ષણ દ્વારા સાક્ષરતા જ નહીં, જીવનની સાર્થકતા સાધવી છે. માણસના સર્વ ગુણોનો વિકાસ કરવો છે. મૂલ્યોબદલીને સમાજને બદલવો છે. સહુને ઉદ્યોગશીલ ને વિચારશીલ બનાવવા છે. અર્થશુચિ ને સામ્યયોગના સંસ્કાર આપવા છે.

‘હું એક શિક્ષક છું’ – એમ કહેવામાં કાંઈ ખોટું તો નથી. હું શિક્ષક છું જ. અને તેમ છતાં મને લાગે છે કે ‘હું એક વિદ્યાર્થી છું’ – એમ કહેવું વધારે ઠીક થશે. અધ્યાપન કરતાં અધ્યયનની પ્રેરણા મારા માટે વધુ સહજ રહી છે. અધ્યાપન કરતાં-કરતાંયે મારું અધ્યયન જ ચાલ્યું છે. ખરું જોતાં, મારા વિદ્યાર્થીઓ પાસેથી હું જેટલું શીખ્યો છું, તેની તુલનામાં મેં તો એમને કાંઈ જ નથી શીખવ્યું. મારો વિદ્યાર્થી મારી પાસે આવીને જેવો બેસે છે કે મારા હૃદયમાં જે કાંઈ મલીનતા હોય, તે બધી સાફ થઈ જાય છે. આ હૃદય ધોવાની ક્રિયા મારા માટે તીર્થસ્નાન છે. મેં મારા વિદ્યાર્થીઓ પાસેથી જ વધુ મેળવ્યું છે.

ખરું કહું તો, કોઈના શિક્ષક કહેવડાવવું મને બહુ પસંદ નથી. હું કોઈને શિક્ષણ આપી રહ્યો છું, એ વિચાર જ મને જચતો નથી, ઠીક લાગતો નથી. વાસ્તવમાં, શિક્ષક અને વિદ્યાર્થી અન્યોન્ય શિક્ષક હોય છે, જેમ અન્યોન્ય મિત્ર એક બીજાના મિત્ર હોય છે, બે ભાઈ એકબીજાના ભાઈ હોય છે, તેમ શિક્ષક ને વિદ્યાર્થી એકબીજાના શિક્ષક હોય છે. આપણે કોઈને શીખવી રહ્યા છીએ, તે વિચાર જ છોડી દેવો જોઈએ. જે કંઈ શીખવાય છે અને શીખાય છે, તે સહજ ભાવે થતું રહે છે. શિક્ષક પોતે શિક્ષણનું કેન્દ્ર છે અને તેની સમીપ રહેવાથી શિક્ષણ મળતું રહે છે.

વળી, શિક્ષક કાંઈ નવું નથી કરતો. પોતે નિમિત્ત માત્ર બને છે, એમ તેણે માનવું. વિદ્યાર્થીને જ્ઞાન શિક્ષક નથી આપતો, જ્ઞાન તો વિદ્યાર્થીના દિમાગમાં ભર્યું જ છે. શિક્ષક તે જ્ઞાનને પ્રગટ કરવામાં મદદગાર થાય છે. શિક્ષકે વિદ્યાર્થીમાં જ્ઞાન ભરવાનું નથી, તેણે એનામાં જ્ઞાન માટેની પિપાસા પેદા કરવાની છે, જ્ઞાન મેળવવાની શક્તિ ઊભી કરવાની છે. બાકી તો વિદ્યાર્થી પોતે જ શીખતો હોય છે.

આજકાલ વિદ્યાલયોમાં જે શિક્ષણ અપાય છે, તેમાં વિદ્યાર્થીઓને કાંઈ ને કાંઈ જાણકારી આપવામાં આવે છે, પણ સ્વતંત્રપણે જ્ઞાન-પ્રાપ્તિ કેવી રીતે કરવી, તે નથી શીખવાતું. ખરું જોતાં, શિક્ષણમાં એવી પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓની પ્રજ્ઞા સ્વયંભૂ બને અને તેઓ સ્વતંત્ર વિચારક બને, તેઓ જાતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે. દુનિયામાં અનંત જ્ઞાન છે. તે બધાની તો કાંઈ જરૂર નથી પડતી. છતાં જીવન માટે પર્યાપ્ત જ્ઞાન મેળવી લેવું પડે છે. પરંતુ જીવન માટેનું આ ઉપયોગી જ્ઞાન કોઈ સ્કૂલ-કૉલેજમાં નથી મળી શકતું. જીવન માટેનું ઉપયોગી જ્ઞાન તો જીવનમાંથી જ મળે છે. વિદ્યાર્થીઓમાં તે મેળવી શકવાની શક્તિ જાગૃત કરવી, એટલું જ વિદ્યાલયોનું કામ છે. વિદ્યાલયોમાંનું તમારું શિક્ષણ પૂરું થયું, તો તેનો અર્થ એટલો જ કે હવે તમે તમારા પોતાના પ્રયત્નથી વિદ્યા પ્રાપ્ત કરી શકશો. હવે તમે નિજ-આધાર, નિજાધાર બન્યા, નિરાધાર ન રહ્યા. અન્ય આધારોથી, અન્ય આલંબનોથી મુક્તિ, એ જ ખરું સ્વાવલંબન કહી શકાય. વિદ્યાર્થીને આવો સ્વાવલંબી બનાવવો, એ જ શિક્ષણનો ઉદ્દેશ છે. એવી જ રીતે વિકારવશતાયે ઉચિત નથી. જે માણસ પોતાની ઇંદ્રિયોનો ગુલામ છે અને વિકારોને કાબૂમાં નથી રાખી શકતો, તે પણ સ્વાવલંબી નહીં કહેવાય. એટલા વાસ્તે શિક્ષણમાં સંયમ, વ્રત, સેવા આદિનોયે સમાવેશ થવો જોઈએ.

સ્વાવલંબનનો આવો ઊંડો અર્થ છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનું મુખ્ય ત્રણ પ્રકારનું સ્વાવલંબન સધાવું જોઈએ. શિક્ષિત માણસે પોતાના ઉદર-નિર્વાહ માટે બીજાઓ ઉપર આધાર રાખવો ન પડે. બીજું એ કે જ્ઞાન મેળવવાની સ્વતંત્ર શક્તિ એનામાં જાગૃત થાય. અને ત્રીજી વાત એ કે પોતાની જાત ઉપર કાબૂ રાખવાની શક્તિ એનામાં આવે, ઇન્દ્રિયો અને મનને વશમાં રાખવાની શક્તિ આવે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનું આવું ત્રિવિધ સ્વાવલંબન સધાવું જોઈએ.

વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે તે પોતાનું દિમાગ એકદમ સ્વતંત્ર રાખે. એ સાચું કે વિદ્યા શ્રદ્ધા વિના નથી મળતી. એટલે શ્રદ્ધા તો જાણે જોઈએ જ. પરંતુ શ્રદ્ધાની સાથોસાથ બૌદ્ધિક સ્વાતંત્ર્યનીયે એટલી જ જરૂર છે. ઘણાને એમ થાય છે કે શ્રદ્ધા અને બુદ્ધિ અલગ છે અને એકબીજાની વિરોધીયે છે, પણ તે ખોટો વિચાર છે. જેમ કાન અને આંખ બે અલગ-અલગ શક્તિઓ છે તથા બંને વચ્ચે કોઈ વિરોધ નથી, એવી જ રીતે શ્રદ્ધા અને બુદ્ધિનું પણ છે. શ્રદ્ધા વિના વિદ્યાની પ્રાપ્તિ અસંભવ છે. મા બાળકને ચાંદો દેખાડીને કહે છે કે, ‘‘જો બેટા, આ ચાંદ છે.’’ હવે બાળકને જો માતામાં શ્રદ્ધા ન રહી અને તેના મનમાં શંકા ઊઠી કે મા દેખાડી રહી છે તે ચાંદ છે કે નહીં, કોણ જાણે, તો તેને જ્ઞાન નહીં થાય. જ્ઞાન-પ્રાપ્તિ માટે શ્રદ્ધા એક પાયાની ચીજ છે. જ્ઞાનનો આરંભ જ શ્રદ્ધાથી થાય છે. પરંતુ જ્ઞાનની પરિસમાપ્તિ બુદ્ધિમાં છે. શ્રદ્ધાથી જ્ઞાનનો આરંભ થાય છે અને સમાપ્તિ સ્વતંત્ર ચિંતનશક્તિ ખીલવાથી થાય છે.

વિદ્યાર્થીની બાળ-અવસ્થા અને કિશોર-અવસ્થા એવી છે કે જ્યારે તેને ‘હીરો-વરશિપ’ —વીરપૂજાની આદત હોય છે અને શિક્ષક સ્વાભાવિક જ તેનો ‘હીરો’ બની શકે છે. પરંતુ શિક્ષક પણ એવો હોવો જોઈએ. જે શિક્ષક વિદ્યાર્થીને પૂરતી સ્વતંત્રતા ન આપતો હોય, તેના ઉપર જબરદસ્તી કરતો હોય, તે શિક્ષક જ નથી, એમ હું કહીશ. શિક્ષક તો એવો હોય, જે વિદ્યાર્થીઓને એમ કહે કે મારી વાત તમને ગળે ઊતરે તો જ માનજો, નહીં તો હરગિજ નહીં માનતા. આવી રીતે જ પોતાના વિદ્યાર્થીઓને પૂરેપૂરું બુદ્ધિ-સ્વાતંત્ર્ય આપે, એ જ સાચો શિક્ષક છે. બુદ્ધિ-સ્વાતંત્ર્ય એ જ ખરું સ્વાતંત્ર્ય છે. આને માટે બહેતર શબ્દ ચિંતન-સ્વાતંત્ર્ય છે. વિદ્યાર્થીનું ચિંતન-સ્વાતંત્ર્ય કદાપિ છીનવાઈ જવું ન જોઈએ.

જ્ઞાનની બાબતમાં આજ્ઞા ને હુકમ ચાલી જ ન શકે. બીજા કોઈ કામમાં હુકમ હોઈ શકે અને તેનું પાલન પણ થઈ શકે. પરંતુ જ્ઞાનની બાબતમાં તો નહીં જ. કોઈ વસ્તુ ગોળ છે, તો હું તમને એવી આજ્ઞા નહીં કરી શકું કે તમે તેને ત્રિકોણ માનો. તેમાં આજ્ઞા કામ ન કરી શકે. જે વસ્તુિસ્થતિ છે, તે છે જ અને તેનું જ્ઞાન વસ્તુગત (ઑબ્જેક્ટિવ) છે. આજ્ઞાથી તેને બદલી ન શકાય. શિસ્તના કે અનુશાસનના નામે તેને બદલી ન શકાય. હા, વિદ્યાર્થી અનુશાસન જરૂર પાળશે, પણ તે સ્વયં-અનુશાસન હશે. કૃત્રિમ કે જબરદસ્તીનું અનુશાસન નહીં. વિદ્યાર્થી વિનયી હોવો જોઈએ એનો અર્થ એ કે તે સેવા-પરાયણ હોય, આજ્ઞા-પરાયણ નહીં.

વળી, વિદ્યાર્થીઓને અમુક વિચારસરણીમાં ઢાળવાનીયે કોશિશ થતી હોય છે. આ પણ ન થવું જોઈએ. આવું દિમાગનું યંત્રીકરણ ચિંતન-શક્તિને કુંઠિત કરનારું છે. માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ યંત્રના પૂર્જા બની જવાનું નથી. વિદ્યાર્થી તો સત્યનો ઉપાસક છે. એ કોઈ પંથમાં ભળી જઈ શકે નહીં. વિદ્યાર્થી તો સાવધાન રહીને દુનિયામાં જે બધી હલચલો ચાલતી હશે, તેનું અધ્યયન કર્યા કરશે. જે કાંઈ વિચારો અને વાદો સમાજમાં હશે, તે બધાનું એ તટસ્થ બુદ્ધિથી અવલોકન ને અધ્યયન કર્યા કરશે. વિદ્યાર્થીએ તો સર્વવ્યાપક થવાનું છે, પોતાની બુદ્ધિને સંકુચિત થવા દેવાની નથી. ધર્મના, ભાષાના, પ્રાંતના, દેશના, કોઈ પણ વાડામાં તેણે પુરાઈ જવાનું નથી. એનામાં લગીરે સંકીર્ણતા આવવી જોઈએ નહીં. તેણે તો વ્યાપક બુદ્ધિએ જ વિચારતા રહીને પોતાને વિશ્વ-નાગરિક જ માનવો જોઈએ. પોતે વિશ્વમાનવ છે, વિદ્યાનો ઉપાસક છે, તટસ્થ બુદ્ધિથી વિચારનારો છે, એવી જ અનુભૂતિ એને નિરંતર થવી જોઈએ.

તેથી જ વિદ્યાર્થીઓ રાજકારણમાં નહીં પડે. રાજકારણની બાબતમાં વિદ્યાર્થી સાક્ષી અને અધ્યક્ષ બનીને રહેશે. ‘અધ્યક્ષ’ એટલે જેની આંખ દુનિયા આખી ઉપર રહેતી હોય છે. વિદ્યાર્થી અવસ્થામાં તમે જીવનને સંબંધિત બધા પ્રશ્નોનું અધ્યક્ષની ભૂમિકાથી નિરીક્ષણ-પરીક્ષણ કરતા રહેશો અને તમારો સ્વતંત્ર અભિપ્રાય બાંધતા રહેશો. આજે સૌથી વધુ જરૂર છે, વિશ્વવ્યાપક દૃષ્ટિની, વિશ્વમાનવની વૃત્તિની. આજે આપણે વિજ્ઞાનયુગમાં જીવી રહ્યા છીએ. આજે સૌથી મોટી સમસ્યા એ છે કે માણસનું દિમાગ તો અત્યંત વ્યાપક બની ગયું, પણ એનું દિલ નાનું જ રહી ગયું. એટલા વાસ્તે નવી પેઢીએ દિમાગની સાથે પોતાના દિલને ય મોટું બનાવવું પડશે, વ્યાપક બનાવવું પડશે. વ્યાપક દિમાગ, એવું જ વ્યાપક દિલ પણ. નવી પેઢી હોય છે જ કંઈક નવું કરવા માટે, જૂનું પુરાણું ચાલુ રાખવા માટે નહીં. ઋગ્વેદમાં એક બહુ સુંદર મંત્ર આવે છે : ‘અચિત્તં બ્રહ્મ જુજુષુર્યુવાનઃ’ —યુવાન એ બ્રહ્મનું ચિંતન કરે છે, જે બ્રહ્મનું અગાઉ ચિંતન નથી થયું.

વિદ્યાર્થીની સ્વતંત્ર ચિંતનશક્તિ ખીલતી રહે, તેની સાથોસાથ તેનો પોતાની જાત ઉપરનો કાબૂ પણ વધતો જવો જોઈએ. જેનો પોતાનાં દેહ, મન, બુદ્ધિ ઉપર કાબૂ રહેશે, એ જ પોતાના સંકલ્પમાં દૃઢ રહી શકશે તથા દુનિયામાં સ્વતંત્ર રીતે વિચરી શકશે અને ટકી શકશે. જેની સંકલ્પ-શક્તિ દૃઢ હશે, એ જ સ્થિતપ્રજ્ઞ બની શકશે. સ્થિતપ્રજ્ઞ એટલે જેની પ્રજ્ઞા સ્થિર છે, જેનામાં સ્વસ્થ ને દૃઢ નિર્ણયશક્તિ છે. અને એવી નિર્ણયશક્તિની આજના જમાનામાં તાતી જરૂર છે. વિદ્યાર્થીએ પોતાનાં દેહ, મન, બુદ્ધિ પર કાબૂ મેળવીને આવી સ્થિતપ્રજ્ઞતા કેળવવાની છે.

ઉપનિષદમાં યુવાનનાં આવાં લક્ષણો ગણાવવામાં આવ્યાં છે — ચારિત્ર્યવાન, શીલવાન, ઉત્તમ અધ્યયનશીલ, દૃઢ નિશ્ચયી અને બળવાન. હૃદયમાં આશા અને હાથમાં બળ હોય, એવા યુવાનથી કામ થાય છે. યુવકોમાં ઉત્સાહ તો હોય જ છે, તેની સાથે ધૈર્યનીયે આવશ્યકતા છે. જોશ અને હોશ, બંને જોઈએ. અને કર્મયોગી બનવા માટે યુવકોએ કાંઈ ને કાંઈ નિર્માણકાર્ય કરતા રહેવું જોઈએ. નિર્માણ વિના, પ્રયોગ વિના સંશયરહિત જ્ઞાન નહીં થાય. ટૂંકમાં, દરેક વિદ્યાર્થીના હાથને કામ મળવું જોઈએ, એના હૃદયને પોષણ મળવું જોઈએ, અને તેની બુદ્ધિનો વિકાસ થવો જોઈએ.

સરવાળે, બે વાતનું ખાસ ધ્યાન રહે. વિદ્યાર્થી દસ-પંદર વરસનું શિક્ષણ લઈને જ્યારે જીવનમાં પ્રવેશ કરે, ત્યારે બે શક્તિ તેણે પ્રાપ્ત કરી લીધી હોવી જોઈએ, જેના વિના વ્યક્તિનું તેમ જ સમાજનું જીવન સારી રીતે ચાલી નથી શકતું. તે બે શક્તિ છે, એક પ્રાણશક્તિ અને બીજી જ્ઞાનશક્તિ. આ બે શક્તિ જેણે મેળવી લીધી, તેને પછી જીવનમાં કોઈ વાંધો નહીં આવે, એ જીવનમાં સફળ થઈ શકશે. આમાંથી એક પણ શક્તિ ઓછી પડશે, તો જીવનમાં એટલી ઓછપ રહી જશે.

પ્રાણશક્તિ અને જ્ઞાનશક્તિ, બંનેથી જ્યારે માણસ સંપન્ન બને છે, ત્યારે તેનું જીવન સમર્થ બને છે. પ્રાણશક્તિના વિકાસ માટે શરીરને સારું પોષણ જોઈએ, ઉત્તમ વ્યાયામ જોઈએ અને સંયમ જોઈએ. આ ત્રણ ચીજ જો હોય, તો પ્રાણશક્તિનો વિકાસ થાય છે.

જ્ઞાનશક્તિનો વિકાસ કરવા માટે જોઈએ મનનશક્તિ. કાંઈક વાંચીએ, નિરીક્ષણ કરીએ, સાંભળીએ. આપણી ચિંતનશક્તિ વધવી જોઈએ. આપણને સારાસાર વિવેક કરતાં આવડવું જોઈએ. તેને માટે ચિત્તમાં સમત્વ જોઈએ, વિવેક અને તટસ્થતા જોઈએ. આપણી બુદ્ધિ સ્વતંત્ર હોય. આ રીતે બુદ્ધિમાં સ્વતંત્રતા, સમત્વ અને વિવેક, એ ત્રણ ચીજ જો હોય, તો જ્ઞાનશક્તિનો વિકાસ થાય છે.

આખાયે જીવનની બુનિયાદ વિદ્યાર્થી-જીવન છે. જેમ છોડને શરૂમાં ઉત્તમ ખાતર-પાણી મળે, તો તે પરિપુષ્ટ થાય છે, તેમ માણસને પણ બાળપણમાં ને વિદ્યાર્થી-જીવનમાં ઉત્તમ ખાતર-પાણી મળવાં જોઈએ. આને માટે બ્રહ્મચર્યથી બહેતર બીજું કાંઈ નથી. પાછળથીયે તે કલ્યાણકારક જ છે. પરંતુ વિદ્યાર્થી-અવસ્થા માટે તો બ્રહ્મચર્ય અનિવાર્ય છે.

એવી જ રીતે વિદ્યાર્થી-અવસ્થામાં જેને વિદ્યાની લગન છે, તેણે નિરંતર ચિંતન-મનન કરતા રહેવાનું છે. દિમાગ જ જીવનમાં આપણું મુખ્ય માર્ગદર્શક છે. તેનો વિકાસ નહીં કરીએ, તો ઘણું બધું ખોઈ બેસીશું. માટે વિદ્યાર્થીએ સતત અધ્યયનશીલ રહેવાનું છે.

અધ્યયનમાં લંબાઈ-પહોળાઈ મહત્ત્વની ચીજ નથી, મહત્ત્વ છે, ગંભીરતાનું ને ઊંડાણનું. બહુ વખત સુધી, કલાકના કલાક જાતજાતના વિષયોનું અધ્યયન કરતા રહેવું, તેને હું લાંબું-પહોળું અધ્યયન કહું છું. સમાધિસ્થ થઈને નિત્ય નિરંતર થોડો વખત કોઈક નિશ્ચિત વિષયના અધ્યયનને હું ગંભીર ને ઊંડું અધ્યયન કહું છું. દસ-બાર કલાક પથારીમાં સૂતા રહેવું, પાસાં ફેરવતાં રહેવાં, સપનાં જોતાં રહેવાં — આવી નીંદરથી કાંઈ વિશ્રાંતિ નથી મળતી. પરંતુ પાંચ-છ કલાક જ સૂઈએ અને ગાઢ નિદ્રા આવે, તો તેનાથી પૂર્ણ વિશ્રાંતિ મળી જાય છે. આવું જ અધ્યયનનુંયે છે. ‘સમાધિ’ અધ્યયનનું મુખ્ય તત્ત્વ છે.

આવા સમાધિયુક્ત ગંભીર અધ્યયન વિના જ્ઞાન નથી. અધ્યયનથી પ્રજ્ઞા, બુદ્ધિ સ્વતંત્ર ને પ્રતિભાવાન થવી જોઈએ, બુદ્ધિમાં નવી-નવી કૂંપળો ફૂટતી રહેવી જોઈએ. નવી-નવી કલ્પના, નવો ઉત્સાહ, નવી ખોજ, નવી સ્ફૂિર્ત, આ બધાં પ્રતિભાનાં લક્ષણ છે.

અધ્યયન તો કરીએ, પણ તે વર્તમાન જીવનમાં આવશ્યક એવા કર્મયોગ માટે પૂરતું સ્થાન રાખીને કરીએ. નહીં તો અધ્યયન જીવન માટે કલ્યાણકારક સિદ્ધ નહીં થાય. અધ્યયન માટે બુદ્ધિ હંમેશાં તાજી રહેવી જોઈએ. અને ખુલ્લી હવામાં કાંઈક ને કાંઈક શરીરશ્રમ નિયમિત કરતા રહેવાથી જ બુદ્ધિ તાજી રહેશે. જેમ ખરડાયેલી અને તડકામાં તપેલી ભૂમિ વરસાદ માટે તૈયાર રહે છે, તેમ શરીરશ્રમને કારણે બુદ્ધિ પણ જ્ઞાન-ગ્રહણ માટે તૈયાર રહે છે અને તે જ્ઞાનને પણ ફળદ્રુપ બનાવે છે.

આની સાથે જ જીવનની દિશા નિશ્ચિત હોવી જોઈએ. બે બિંદુ મળે તો સરળ રેખા બને છે. જીવનનો માર્ગ પણ બે બિંદુઓના મળવાથી જ નિશ્ચિત થાય છે. ક્યાં છીએ ? — આ પહેલું બિંદુ છે. ક્યાં જવું છે ? — એ બીજું બિંદુ છે. આ બે બિંદુ નક્કી કરી લેવાથી જીવનની દિશા નક્કી થઈ જાય છે. તેના વિના અહીં-તહીં ભટકતા રહેવાથી રસ્તો નિશ્ચિત થતો નથી.

સારાંશ કે, ગંભીર અધ્યયનનું સૂત્ર છે — અલ્પ માત્રા, સાતત્ય, સમાધિ, કર્મ માટે અવકાશ અને નિશ્ચિત દિશા.

આ રીતે પ્રાણશક્તિ અને જ્ઞાનશક્તિ, બંને સંપન્ન થશે અને તેને લીધે વિદ્યાર્થી પૂર્ણ આત્મવિશ્વાસ સાથે સંસારમાં પ્રવેશ કરી શકશે. સંસારમાં એ પછી કોઈની સામે માથું ઝુકાવીને નહીં, બલ્કે છાતી ફુલાવીને ચાલશે. ‘નમયતીવ ગતિર્ ધરિત્રીમ્’ — જાણે એના ચાલવાથી ધરતી દબાઈ જઈ રહી છે !      

[સંકલિત]

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 અૉક્ટોબર 2015; પૃ. 01-02 અને 23

Loading

...102030...3,7053,7063,7073,708...3,7203,7303,740...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved