Opinion Magazine
Number of visits: 9552963
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુ હેલ્પલાઇન

નીરવ પટેલ|Poetry|28 September 2015

(અછાંદસ ખંડકાવ્ય)

*

હિન્દુ હેલ્પલાઇન ચાલુ છે 
મદદ માગો, રાવ કરો, ફરિયાદ કરો
હિન્દુ હેલ્પલાઇન ચાલુ છે.

ફર્સ્ટ એઈડ કોલથી SOS સુધીના તમામ કોલ પર ત્વરિત ધ્યાન આપવા
મંચના, વાહિનીના, દળના, પરિષદના, પરિવારના કરોડો સ્વયંસેવકો,
આપણા સનાતન હિન્દુધર્મના 33 કોટિ પુરાતન દેવતાઓ, 
સંતોષીમા અને દશામા જેવી અદ્યતન દેવીમાતાઓ —
સૌ 24 x 7 અને 365 ય દિવસ
સૌ હિન્દુઓની સેવામાં હાજરાહજૂર છે.
હિન્દુ હેલ્પલાઇન ચાલુ છે.

પૂણ્યભૂમિ—પિતૃભૂમિની વ્યાખ્યામાં સમાઈ શકતા
તમામ પંથ અને સંપ્રદાયના હિન્દુઓ એનો લાભ લઈ શકે છે :
સિંધુના પૂર્વ કાંઠેથી લઈ કામરૂપ
અને કાશ્મીરથી લઈ કન્યાકુમારી લગી વસતા સૌ હિન્દુ ભારતીયો,
ઉપરાંત વખાના માર્યા કે લીલાં ચરાણ ચરવા ગયેલા ડાયાસ્પોરાના સૌ હિન્દુઓ.
અને તાજી ‘ઘરવાપસી’ કરેલ વટલાયેલા વિધર્મી હિન્દુઓ પણ.  

હિન્દુઓને જરૂર પડે તેવી સૌ સેવાઓ ઉપલબ્ધ છે આ હેલ્પલાઇન પર :
પર્સનલ, પોલિટિકલ, સોશિયલ, રિલીજિયસ , આર્થિક, આધ્યાત્મિક …
કોઈ પણ મદદ મેળવવા
હિન્દુ હેલ્પલાઇન ચાલુ છે.

મા અન્નપૂર્ણાના આશીર્વાદથી અખૂટ ભંડાર ભરવા છે?
મા કામધેનુની કૃપા વરસાવવી છે ?
કલ્પવૃક્ષની કલમ રોપવી છે તમારા પ્રાઈવેટ ગાર્ડનમાં ?    

સ્વરક્ષા માટે ત્રિશૂળ લેવું છે ?
કમૂરતમાં ય મૂરત કાઢવું છે ? 
અન્નકૂટ જમાડવા બ્રાહ્મણો જોઈએ છે ? 
ગુરુમા માટે સિક્સ-પેક-એબ-ધારી સેવક જોઈએ છે ? 
ભૂદેવ માટે ચિયરલીડર દેવદાસી જોઈએ છે ?  

100 % સફળતા માટે યંત્ર જોઈએ છે ?
દુશ્મનને મૂઠ મારવા મંત્ર જોઈએ છે ? 
વૈકુંઠ, અમરાપુરી કે કૈલાસની યાત્રા કરવી છે ?
શ્રાદ્ધ માટે પવિત્ર ઉપનયનથી સંસ્કારિત કાગડા જોઈએ છે ?
શ્રીકૃષ્ણલીલાની  કથા કહેવડાવવા આશારામ બાપુને બૂક કરાવવા છે ? 


VIP લાઇનમાં વૈષ્ણોદેવીના દર્શન કરવાં છે ?
ઓનલાઈન દાન દક્ષિણા મોક્લાવવી છે ?
કોમ્પ્યુટર કુંડળીમાં અનુકૂળ ગ્રહો બેસાડવા છે ? 

વાસ્તુશાસ્ત્ર ને ફેન્ગશુઈના (કન્-)ફ્યુઝન વર્ઝનથી બંગલાને પૂર્વાભિમુખ કરવો છે?

માં અંબાનું માદળિયું જોઈએ છે
કે માં કાળકાનો મન્ત્રેલો કાળો દોરો જોઈએ છે ?
ગોત્ર જાણવું છે ?  રાશિ જાણવી છે ? ગ્રહદશા નિવારણ કરવું છે ? 
રુદ્રાક્ષ જોઈએ છે ? ગોમૂત્ર જોઈએ છે ? 
ગોહત્યા રોકવી છે ? મુસ્લિમ ફિદાયીન સામે હિન્દુ આત્મઘાતી જોઈએ છે ?

આરાસુરી અંબામાના પવિત્ર સંકુલમાં સ્પા કે મસાજ સેન્ટર ખોલવું છે ?
હરિદ્વારના યોગાશ્રમમાં વિના મૂલ્યે ચાતુર્માસ ગાળવો છે ?
આધ્યાત્મિક ગુરુ પાસે આર્ટ ઓફ હિન્દુ લીવિંગ શીખવી છે ? 
ગોડસે મંદિર બાંધવા દાન જોઈએ છે?
મુસ્લિમ અને ખ્રિસ્તિઓની ‘ઘર વાપસી’ માટે ભંડોળ જોઈએ છે ?
RO વોટરથી ઉછરેલું તિરુપતિનું ‘બ્રહ્મ કમલમ’ ખરીદવું છે
અમર થવા મહામૃત્યુંજય જાપ કે યજ્ઞ કરાવવો છે ?
32 લક્ષણો પુત્ર માટે પુત્રકામેષ્ટી યજ્ઞ કરાવવો છે ?
સદા યૌવન માટે યયાતિનો આશીર્વાદ જોઈએ છે કે ચ્યવનનો કૌચાપાક જોઈએ છે ?
અક્ષૌહિણી સેના, કૃષ્ણનું સુદર્શન, પરશુરામની ફરશી,
શંકરનું ત્રિશૂળ મા કાળકનો ભાલો જોઈએ છે?  
રામજાદે-હરામજાદે જેવી તેજાબી જબાનવાળાં સાધ્વી ઉપદેશિકા જોઈએ છે ?
ભજનના ઢાળમાં સ્ત્રીપટીઝ કરતાં રાધેમા જોઈએ છે?
મા અમૃતામ્મા સાથે હગિંગ કરવું છે ? 
OMG કે PKની ટિકિટ જોઈએ છે ?

ટૂંકમાં તમે કલ્પના પણ નહીં કરી હોય તેવી,
હર ઈમરજન્સી અને હર હાલાત માટે ઉપયોગી
અમે શરૂ કરી છે આ સંકટ સમયની સાંકળ  :
હિન્દુ હેલ્પલાઇન !
જય હો હિન્દુ એકતા ! 
આ પ્રિ-રેકોરડેડ એનાઉન્સમેન્ટ પૂરી થાય એ પહેલાં તો
હિન્દુસ્તાન અને હિંદુસ્તાન પારના હિન્દુ કોલરોનો જાણે કે ધોધ ખાબક્યો :

1.

હેલો, હેલો, હિન્દુ હેલપલેણ …
કાળો કેર થૈ જયો સ ભૈશાબ,
ભેંસબકરી ગાયોઘેટાં માંણહજનાવર
હૌને શેંગડે ભેરવ સ
આખું ગોચર એના બાપનું હોય એમ કર સ
ભારે ભેલાડ કર સ
ગાંમ શેતર ક વાડી વગડે
ચ્યાંય નેહળાતું નથી
ગોચરમાં જતાં ગાયો ધરુજ સ
ભો એટલો ભારે થૈ જયો સ ક હૌ થથર સ. 
ખૈ ખૈન વકરી જયો સ
ગાંમપટેલનો ગાંડો પાડો
અન આલા ખાચરનો ખંધો આખલો !
ભૈશાબ, જલ્દી કરજો
ગાંમે ગાંમના અમે હંધા ય હિન્દુ હાંમલી જ્યા સીએ.
હાંભળ્યું સ ક અમદાદ શે’રના હિંદુના ય હાંજા ગગડી જ્યા સ.
કે’સ ક પટેલરેલીમાં એ બે રૂમલાશે
તો હૌં ન શેંગડે ચઢાવશે
પટેલના પાડાનું પાટુ જેને વાગ્યું એના રાંમ રમી જવાના
આખા શે’રનું સત્યાનાશ થૈ જશે. 
એવામાં આલા ખાચરનો આખલો અન પટેલનો પાડો
બથંબાથા આઈ જ્યાં તો તો ગાંમ ન શે’ર આખાનું આઈ બન્યું હમજો.
ભૈશાબ જલ્દી આનું કાંક કરો,
નકર થાકીહારી ન અમાર તો કાદર કહઇન કરગરવો પડશે.
ઠાકૈડાઓએ તો માંનતા ય માંની સ વેરાઈમાના પારે
પાડો વધેરવાની.
હેલો હેલો, હિન્દુ હેલ્પલેણ, ભૈશાબ જલ્દી કરજો
મોડું ના થૈ જાય.

2.

હલ્લો … હલ્લો … હલ્લો …
જલ્દી મદદ કરો સાએબ,
વહેલા અમારી વ્હારે ધાવ ….
નર્યો કળજગ આયો સ પરથમી પર !
આ ડાંડ તો અમ ગરીબગુરબાની આબરૂ લેવા બેઠો સ, ભૈશાબ !
મારી ગોવાલણી હૌ ગોઠણ જોડે જમુના કાંઠે નહાવા પડી’તી,
ન કોઈ કાળિયો ગોવાળિયો એમનાં લૂગડાં લૈ કદંબ પર ચઢી જયો સ,
કહે સ ક તમે હૌ નવસ્ત્રી ઊભી થાવ નદીમાંથી, 
તો જ તમારા વસ્તર પાછા આલું !
દ્રૌપદીમાના ચિરહરણ જેવો ચમત્કાર કરો ભૈશાબ.
કાં આ લબાડનું મસ્તક વાઢી કાઢો તમારા ચકકરથી !

3.

હલ્લો, હલ્લો, સુદામાના ઘેરથી બોલું સુ  :
ઘરમાં હાંલ્લા કુસ્તી કર સ ન હાંભળ્યું સ ક ગોર તો ભઈબંધના મ્હેલે મ્હાલ સ
છોકરાં રોકકળ કર સ
ન પટેલે દૂધની હડતાળ પાડી સ
કે’ સ ક અમારી જોડે રેલીમાં જોડાવ તો દૂધના બદલે દૂધપાક આલીએ !
ભાઈશાબ, ગોરન ગોતી આલો
તો આ દુવિધાનો પાર આવ !

4.

હેલ્લો … હેલ્લો … હેલ્લો …
આઈ‘મ કાલ પેન ફ્રોમ ન્યુ જર્સી
યા યા, યુએસ સિટીઝન,
નો નો નોટ ક્રિસ્ટિયન, કાલ પેન મીન્સ કલ્પેન પટેલ, પ્યુર સ્વામિનારાયણી હિન્દુ.
બહુ પ્રોબ્લેમ છે ભાઈ અહીં પરદેશમાં :
કેન્યામાં કાળિયા સાલા અમને અક્સપ્લોઇટર સમજીને પજવતા હતા 
ને અહીં ધોળિયા સાલા અમને કાળિયા માની કનડે છે
ક્યારેક તો સાલા સાવ બીસી જ ગણે છે અમને,
અમને અડતાં ય જાણે અભડાઈ ના જવાના હોય ?
ડોલરિયા દોલત છે અઢળક, પણ સ્વદેશ જેવું સન્માન નથી !
‘ગર્વસે કહો હમ હિન્દુ હૈ’નાં સ્ટિકરો યુસલેસ લાગે છે!
હલ્લો, હલ્લો હિન્દુ હેલ્પલાઇન,
અમે તો ક્યાંયના નથી રહ્યા, ના ઘરના ના ઘાટના,
અમને આ રેસિઝમથી બચાવો … 
હલ્લો, હલ્લો હિન્દુ હેલ્પલાઇન, હલ્લો 

5.

હલ્લો … હલ્લો … હલ્લો …
મદદ કરો, મદદ કરો
બાબાનું મંદિર તોડી કાઢ્યું છે
આખલા જેવા નાગા બાવાઓએ કાળો કેર વરતાવ્યો છે
હિન્દુઓના લોહી રેલાય છે સાહેબ શિરડીની શેરીઓમાં
જુઓ તો ખરા,
અમે આરતી કરીએ, ભજન ગાઈએ, બાબાની જે બોલાવીએ 
તો ય કહે છે કે અમે હિન્દુ નથી, મિયાંના ચેલા છીએ ! 
જય સાંઈબાબા …
હલ્લો, હલ્લો હિન્દુ હેલ્પલાઇન, હલ્લો હલ્લો.

6.

હલ્લો … હલ્લો … હલ્લો ….
અરે ભાઈ તમે રેકમંડ કરેલા આપણા હિન્દુ ડોક્ટરે
અધધ ફી લેવા છતાં હાથ અદ્ધર કરી દીધા છે.
બાપા મરણપથારીએ પડ્યા છે,
ને એમને મરવું નથી.
હવે તો હનુમાન લાવ્યા’તા એવી સંજીવની જ જોઈશે
કાં અકસીર મહામૃત્યુંજય જપ કરે તેવો ….
કોઈ બામણ મોકલી આપો,
કહેજો : ફૂલહાર-અગરબત્તી-પરસાદ બધી એસેસરી જોડે લઈને આવે
ગમે તે ફી ચૂકવવા તયાર છીએ, સાહેબ.

7. 

હલ્લો .. હલ્લો … હલ્લો …
મથુરાની MLA હાલીમવાલિની બોલું છું :
( જો કે પ્લીઝ … મારુ નામ ડિસક્લોઝ ના થવું જોઈએ … )
ના, ના, લોકસભાથી થાય એવું નથી.
છેક વારાણસીની હિન્દુ વિધવાઓએ અહીં વિધવાશ્રમોમાં અડ્ડો જમાવ્યો છે
(ફરી રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ … મારું નામ ડિસક્લોઝ ના થવું જોઈએ
… ખાસ તો PM આગળ )  

તેથી અમારા વૃંદાવન મતવિસ્તારની હિન્દુ વિધવાઓ આશરા વિના જ્યાં ત્યાં આખડે છે.
મમતાદીદીને કહીને એમને કલકત્તા બાજુ ક્યાંક મોકલી આપોને.
અથવા ગમેતેમ કરીને હિંદુસ્તાનના ગામેગામ ને શહેરે શહેર એક એક હિન્દુ વિધવાશ્રમ ખોલો ને.
આ ટ્રાફિક જામથી તો તોબા !  ત્રાહિમામ ! 

(જો કે … પ્લીઝ …. મારું નામ ડિસ્ક્લોઝ ના થવું જોઈએ ….)

હલ્લો, હલ્લો હિન્દુ હેલ્પલાઇન, હલ્લો

8.

હલ્લો … હલ્લો .. હલ્લો …
કર્ણાવતીથી કુલિન ત્રિવેદી બોલું છું
સાહેબ, બે બાટલા AB પોઝિટિવ લોહી જોઈએ છે
તાત્કાલિક, ઈમરજન્સી છે
અરે સાહેબ, ગમે તેનું, x y z  કે  s c – s t – o b c
કોઈ પણ વર્ગનું – વર્ણનું ચાલશે, સાહેબ.
બસ, આ ગરીબ બામણનો છોકરો બચી જવો જોઈએ.
ના, ના, મનુસ્મૃિતમાં આપદ્દધર્મને ધર્મ જ ગણ્યો છે !

9. 

હલ્લો … હલ્લો … હલ્લો …
સાહેબ, જરા કોન્ફિડેન્શિયલ વાત છે
ડોક્ટરે મારામાં વાંક કાઢ્યો છે
સ્પર્મ બેંકમાંથી ઊંચા ખાનદાનનું એકાદ ટીપું શુક્રાણું મળી જાય
બસ એટલી મદદ કરોને, સાહેબ.  
ના સાહેબ ના, કોઈ પણ હિન્દુનું ના ચાલે,
વાણિયા-બામણ-પટેલથી નીચું તો નહીં જ.
જાત નથી અભડાવવી.
ભલે વાંઝિયો મરી જાઉં !

10.

હલ્લો … હલ્લો … હલ્લો.
હું કે.કે. પરમાર બોલું છું
સાહેબ, ગુજરાત સરકારમાં સિનિયર IAS  છું, ACS  છું. 
કર્ણાવતીની કોઈ હિન્દુ સોસાયટીમાં બંગલો લેવો છે॰
પણ બધા બિલ્ડર પૂછે છે : પરમાર એટલે કેવા
મોચી, સુથાર, કોળી, દરબાર કે દલિત ?
હવે હું કેમનો કહું કે ભઈસા’બ હું મુખ્યમંત્રીના મતવિસ્તારનો મયો ઢેડ છું. !

11.  

હલ્લો … હલ્લો … હલ્લો ..
અમદાવાદથી કોટક બોલું,
હા હા બિલ્ડર કોટક.
જુહાપુરા બોર્ડર પર સ્કીમ મૂકી છે
થોડા હાઇ-કાસ્ટ મેમ્બર્સ કરી આપો ને, સાહેબ
હા હા સમજીશું સાહેબ . .
કમિશન આપીશું, સાહેબ
અહીં તો બધા મિયાં અને હરિજન ભર્યા છે,
અરે, પૈસા મોડા આલશે કે માંડવાળ કરવા પડશે તો ય ચાલશે
મારે તો સ્કીમની વેલ્યૂ બનાવી જોઈએ.
લક્ષ્મીના સ્વયંવરમાં વરમાળા તો લક્ષ્મીપતિના ગાળામાં જ પડે ! 

12.

હલ્લો … હલ્લો … હલ્લો …
અરે ભૈ ટેક્સી ડ્રાઈવર રામસરન યાદવ બોલ રહા હું,
દેખો ન યે શિવસેના વાલે હમે ભૈયા કહ કર ભગાતે હૈ બંબઈસે
ક્યા હમ હિન્દુસ્તાની નહીં હૈ ? અરે ભૈ ક્યા હમ હિન્દુ નહીં હૈ?
અરે રામલલ્લાકી તરહ હમ ભોલેનાથકે ભી ભક્ત હૈ ! 
જય શિવશંકર, જય ઠાકરે ભગવાનકી !

13.

હલ્લો … હલ્લો … હલ્લો …
ના, સાહેબ ના, લવ જિહાદનો કિસ્સો નથી.
આ તો અમારાં લાડલાં કુંવરી રીટાબાએ રઢ પકડી સ
ક પૈણું તો નાસીરખાન મિયાંન જ પૈણું
હવે આનો કઈ રસ્તો કાઢી આપો ન !
આ છોડી વંઠી સ એનું શું કરવું ?
પતાઈ દઈએ તો માળો ઓનર કિલિંગનો કેસ થાય સ !

14.

હલ્લો … હલ્લો … હલ્લો …
રેલમાં બધું તણાઈ જ્યું
ઝૂપડી ન ડોહો ન બકરી બધાં
પચ્ચી વરહ પહેલા મંદિર માટ ઈંટો મોકલાયી’તી અજોધિયામાં
જો વણવપરાયેલી પડી રહી હોય તો પાછી મોકલાવો ન ભયા મારા.
ડોશી ન રહેવા જોગું ખોરડું કરી આલો ન ભયા.
રામજી તમારું ભલું કરશે.

15.   

હલ્લો … હલ્લો … હલ્લો …
અમારી ફરિયાદ લખો ન સાએબ.
આ બામણો અમારા વડવાઓના હત્યારાઓને હીરો બનાવ સ
વામન જયંતી અન પરશુરામ જયંતીની જાહેર રજાઓ આપ સ . .
મનુનાં બાવલા મૂકાવ સ કોરટમાં.
ઘણા ધૂત્કાર્યા તો ય તમારો ધરમ અમે ઝાલી રાખ્યો
તો ય અમારા પૂર્વજોની ઠેકડી કર સ સાહેબ
હવે અમે શું કરીએ ?
આમ તો અમન હરિજન કે’સ 
અમે હરિજન હિન્દુ ના કહેવાઈએ, સાહેબ ?

16. 

હલ્લો … હલ્લો … હલ્લો …
હા, હરિજન છીએ, સાહેબ
હા, હા, હિન્દુ હરિજન.
ના સાહેબ, કશો વાંક ગુનો નહીં
છોકરો મંદિરમાં પેઠો એટલો જ ગુનો
દસમી પાસ થયો તે માની બાધા છોડવા ગયો
અને મંદિરના બામણે ઢોર માર માર્યો,
લોહીલુહાણ કરી કાઢ્યો !
પોલીસ ફરિયાદ ય નથી લેતી.
ગામનો ડાક્તર દવા કરવાનું ય ના પાડ સ.

17.  

હલો … હલ્લો … હલ્લો …
અરે ભૈસાબ કોઈ ઉપાડો
મારી નાખ્યા સાહેબ ….
મરી ગયા સાહેબ ….
હલ્લો … હલ્લો … હલ્લો …
અરે ભૈસાબ, કોઈ સાંભળો
બધું બળીને ખાખ થઈ ગયું
બધું બાળીને રાખ કરી કાઢ્યું
હલ્લો … હલ્લો … હલ્લો …
બાપા કોઈ સાંભળો
જુવાનજોધ છોકરો ….
વધેરી કાઢ્યો, સાહેબ
કુવારકા છોડીને ચૂંથી નાખી સાહેબ
હલ્લો … હલ્લો … હલ્લો …
ગામના શૌકાર લોકોએ ધિંગાણું ( કટક) કર્યું અમ કંગાળ હરિજનો પર.
મારો તો જીવ જાય સ સાહેબ,
ઘડી મોડું થયું તો એ રામે રામ

18.

હલ્લો … હલ્લો … હલ્લો …
લાજયો, માલાજયો …
કોક નામ પૂસ સ
કોક ગામ પૂસ સ
કોક જાત પૂસ સ
કોક ધરમ પૂસ સ
કોણે રંજાડયા પૂસ સ
કોણે માર્યા એ પૂસ સ
કુણે મારી કાઢ્યા એ પૂસ સ
સાએબ, મને ના ઓળખ્યો ?
નરોડા પાટિયાનો નારણ નખ્ખોદ.
ભૂલી જ્યાં ક સાયેબ ?
આપણું કામ જોયું નહીં તમે, સાયેબ ?
ઓળખ્યો સાએબ, ત્રિશૂળની અણીએ બિબડીનો ગરભ ઉછાળ્યો’તો,
અન કેટલાયને સીધા મકકે અલ્લા ભેગા કર્યા’તા ?  
અરે સાહેબ, પૂછવાનું હોય ?
હું હિન્દુ, એકદમ પાક્કો કટ્ટર હિન્દુ.
બાબાશાએબના ફોટા ય રાખું  ન
બાબા રામદેવપીરનો ઘોડો ય  રાખુંસું ઘરમાં
ચાવંડાની ચૂંદડી અન કરસનજીના મોરનું પેસુંય સ ઘરમાં
બાપા હવે હાંભળો ક
વશ્વા રાખો ઝાઝું પૂછપૂછ મત કરો.  
આ દરબારો મને મિયો હમજી મારે છે
મારે ક્યાં જવું ?
મિયાં થૈ જઉં ?

હા, બાપા હા. તમે કહો એ કહું : 
અમાર તો ભીડ ભાગ એ હૌ ભગવાંન
આશરો આલ એ હૌ ઈશ્વર  :
હા, જે શી ક્રસ્ન સાહેબ
હા જે શિયા રામ સાહેબ 
જય માતાજી

હલ્લો હલ્લો હલ્લો  …
લેણ કપઈ જૈ
લ્યો તાર ઝાઝા જુહાર
અમારી લેણ ય કપઈ જૈ
આપણી લેણદેણ પૂરી થૈ

19. 

હલ્લો … હલ્લો … હલ્લો …
ના સાહેબ ધર્મપરિવર્તન નહીં,
હું તો પાક્કો હિન્દુ જ છું.
મારે જ્ઞાતિપરિવર્તન કરવું છે : વાળંદમાથી વાણિયા થવું છે.
ઉજળિયાત બહેનો બ્યુટી પાર્લર ખોલી ઉપરના, નીચેના, બગલના વાળ કાઢી આપે
ને તો ય પાછા કહેવાય હજામને બદલે હેર સ્ટાઇલિસ્ટ અને બ્યુિટશિયન ! 
ને હું તો સાવ ઉજળો ધંધો કરું છું : ખાલી બાળદાઢી જ કરું છું અને તે ય ડેટોલમાં
તો ય મને ઘાંયજો ઘાંયજો કહીને ઉતારી પાડે છે આપણું હિન્દુલોક  !

20.

હલ્લો .. હલ્લો … હલ્લો …
મે’હાંણાથી બોલું …
હા પટેલ, પટેલ. કડવા પટેલ …
ઘર ઘર વાંઢા વધી જ્યાં’સ
વહુ જોઈએ :
બિહાર ઓરિસ્સા ઝારખંડ
આદિવાસી હુધિની ચાલે
હરિ ,,, ? ના ભૈસાબ, એ નહીં ચાલે.

21.

ઝડફિયા બોલું, ના ના, પેલા પરધાન ઝડફિયા નહીં.
હા હા કોંગ્રેસનાં કાકડિયા ને આમરી નાત એક.
લેઉઆ પાટીદાર.
દરબારો બહુ રંજાડે છે અહીં સૌરાષ્ટ્રમાં !
હા હા વર્ષે દા’ડે બેપાંચ ખૂન થાય છે અમારા પંથકમાં.
તોગડિયા સાહેબને કહો ને આનું કશું કરે !
હા  હા, ગમે તેટલી પ્રોટેક્ષન મની આપવા તૈયાર છીએ.
અમે તો પટેલ કૉમ્યુિનટી માટે ખાસ ભંડોળ ઊભું કર્યું છે કાગવડમાં !

22.

હલો, દેહાઇ બોલું.
ના ભૈ અનાવિલ નહીં.
માલધારી રબારી.
આ નારણપુરના પટેલિયાઓએ મારા વાલા
અમારો દૂધનો ધંધો પડાવી લીધો છે
ને હવે જબરઈ કરે છે.
ધોકાટીએ છીએ તો મારા બેટા કેસ ઠોકી દે સ.
કે’સ ક ગાંધીનગરમાં ન આખા ગુજરાતમાં ઇમનું રાજ ચાલ સ .
મોદી સાયેબન કહો તે આનું કાંક કર ….

23.

હલ્લો .. હલ્લો.હલ્લો … સાહેબ,
એક પૂછવાનું તો રહી જ ગયું !
ધર્મપરિવર્તન તો કર્યું, પણ હવે આપણા હિન્દુ ધરમમાં મારી નાત કઈ ?
હું જનોઈ પહેરી શકું ? હલ્લો, હલ્લો … હિંદુ હેલ્પ લાઇન, હલ્લો … હલ્લો …

24.

હલ્લો … હલ્લો … હલ્લો …
હલ્લો પટેલસાહેબ, પુરાણીસાહેબ, દવેસાહેબ, ત્રિવેદીસહેબ, ચતુર્વેદી સાહેબ …
90 કરોડ હિન્દુ કોલર્સ તો હજી ક્યૂમાં જ છે
ને લાઇન તો ડેડ થઈ ગઈ આ પાંચ-પચીસ હિન્દુઓના દુખડાંથી  !
હલ્લો, હલ્લો …
ઓ હજાર હાથવાળા શસ્ત્રાસ્ત્રથી સજ્જ હિન્દુ દેવીદેવતાઓ,
ઓ સર્વશક્તિમાન સ્વયંસેવકો, શિવસૈનિકો, રામસેવકો, બજરંગીઓ, બાહુબલીઓ, 
ઓ પિતૃઓ ને ઓ પિત્રોડાઓ!


અરે કોઈ તો હેલ્પ કરો આ હિન્દુ હેલ્પલાઇનને  ! 
અરે ઓ સંજીવની મંત્રના જાણકાર ઋષિઓ,
કોઈ તો સજીવન કરો આ હિન્દુ હેલ્પલાઇનને !

——————————————————————————————————

(વિશ્વ હિન્દુ પરિષદની ‘હિન્દુ હેલ્પલાઇન’ વિશેની તા. 9 ઓગસ્ટ, 2014ના “દિવ્ય ભાસ્કર”માં પ્રગટ ન્યૂઝસ્ટોરી અને તત્પશ્ચાતના બનાવોથી આ કવિતા સ્ફૂરેલી છે.) 

e.mail : neerav1950@gmail.com

Loading

અનામતની અમાનત સલામત રાખો

આશા બૂચ|Opinion - Opinion|27 September 2015

જે કંઈ વારસામાં મળ્યું હોય તેને સાચવીને રાખવું તે માનવ માત્રનો સ્વભાવ છે. ધર્મ, સંસ્કૃિત, રીત રિવાજ, રાજ્ય, સમાજ, કુટુંબ કે માતા-પિતા પાસેથી મળેલ ઉપદેશ, મૂલ્યો, જીવન પદ્ધતિ, કાયદાઓ, સંપત્તિ, સ્વાસ્થ્યની મૂડી અને સ્થાવર-જંગમ મિલકત એ બધું મોંઘેરી અમાનત ગણીને જીવીએ ત્યાં સુધી સંગ્રહી રાખવું અને આપણા પછીની પેઢીને આપતા જવું એ દરેકની પવિત્ર ફરજ છે, તો પછી આ અનામતની અમાનત એમાંથી કેમ બાકાત રહે?

તાજેતરમાં આ મુદ્દાને લઈને જે માગણીઓ થઈ રહી છે અને ક્યાંક ક્યાંક અમુક સમૂહના લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો છે તે સાંભળીને મારા એસ.એસ.સી.ના અભ્યાસક્રમમાં રાજ્ય બંધારણ અને નાગરિકશાસ્ત્ર વિષયનો એક પાઠ યાદ આવી ગયો. મારાં શિક્ષિકા બહેન – કે જેઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધેલો અને સ્વતંત્ર ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેનાં સાક્ષી હતાં  – તેમની પાસેથી સાંભળેલું કે ઈ.સ. 1950માં જયારે આપણું રાજ્ય બંધારણ ઘડાયું ત્યારે દેશની ગણનાપાત્ર સંખ્યા કેટલાક મૂળભૂત અધિકારોથી વંચિત હતી. એ જનસમૂહની જરૂરિયાતો, પરિસ્થિતિ અને માગણીઓને વાચા આપી શકે તેથી ધારાસભા અને રાજ્ય સભામાં લઘુમતી કોમ અને પછાત જ્ઞાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી જેથી તેમને સમાન તક મળે. આ જોગવાઈ દસ વર્ષ માટે હતી. તેમાં ધારાસભા અને રાજ્ય સભાના ઉમેદવારોની ગુણવત્તા ન હોય તો પણ તેમને ચૂંટણી લડવાનો અધિકાર રહેશે તેવું બંધારણમાં કોઈ કલમમાં કહેવામાં નથી આવ્યું એવું મારા પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટ પણે સમજાવેલું. રાજકીય ક્ષેત્રમાં અનામત બેઠકની જોગવાઈ કરવાની શરૂઆત ક્યારથી થઈ એવી અમ વિદ્યાર્થિનીઓની જિજ્ઞાસાને સંતોષવા મારાં એ શિક્ષિકાબહેને 35 મિનીટ સુધી માહિતીસભર વાત કરી. તેનો સાર આ મુજબ છે :

મહારાષ્ટ્રના મહાત્મા જ્યોતિરાવ ફૂલે જ્ઞાતિ મુક્ત અને વર્ગ મુક્ત સમાજ રચવા અને અસ્પૃશ્યતા નિવારણ માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા હતા. તેમણે કન્યા કેળવણી અને સાર્વત્રિક ફરજિયાત શિક્ષણ અપાય તેવી તજવીજ કરી. આ વાત છે ઈ.સ. 1882ની આસપાસની, જયારે તેમણે ફરજિયાત શિક્ષણ સાથે સરકારી નોકરીમાં પણ અનામત બેઠકો માટે માગણી કરેલી. બ્રિટિશ રાજ્ય દરમ્યાન મૂળ ભારતીયોને માત્ર કારકૂની કામ કરવાની તક હતી પણ કોઈ ઉચ્ચ હોદ્દાઓ ગ્રહણ કરવાનો અધિકાર નહોતો. તેથી ઈ.સ. 1908માં ભારતીય ઉમેદવારને સરકારી નોકરીમાં અનામત બેઠક આપવાની જોગવાઈ સૌ પ્રથમ થઈ.

1857ના બળવાને પરિણામે ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સલ્તનતને સંગઠિત પ્રજા ગમે ત્યારે બળવો પોકારીને તેમને તડીપાર કરી દેશે તેવો ભય રહેતો હતો, જેથી કરીને ભાગલા કરીને રાજ્ય કરવાની નીતિ અપનાવી. તેના ભાગ રૂપે ઈ.સ. 1933માં બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડે કમ્યુનલ એવોર્ડ જાહેર કર્યો, જેના અંતર્ગત મુસ્લિમ, સીખ, ઇન્ડો-ક્રિશ્ચિયન, એંગ્લો -ઇન્ડિયન, યુરોપીયન અને દલિતોને અનામત બેઠકો (માત્ર વહીવટી માળખામાં જ) આપવાનું જાહેર કર્યું. 1937ની બંગાળની રાજ્યસભાની કુલ 250 બેઠકોમાંથી 117 બેઠકો ખાસ મુસ્લિમો માટે અનામત રખાઈ એટલે સામાન્ય મતદાર કોઈ પણ ઉમેદવારને મત આપી શકે પણ ધર્મ, જ્ઞાતિ, લિંગ કે વ્યવસાય આધારિત લઘુમતી તરીકે વર્ગીકરણ પામેલા લોકો અનામત રખાયેલ બેઠકો પર પોતાના સમૂહનો ઉમેદવાર ઊભો રાખી શકે અને તે સમૂહના મતદારો તેમને જ મત આપે તેવી વ્યવસ્થા થઈ. ધર્મને આધારે વિભાજન કરવાથી બહુમતી હિંદુ સમાજ પૂરતા પ્રમાણમાં તૂટેલો ન લાગ્યો, તેથી તત્કાલીન શાસકોએ દલિતોને તદ્દન અલગ મતાધિકાર માગવા માટે ઉશ્કેરેલા, પરંતુ ગાંધીજીની દરમ્યાનગીરીને પરિણામે ભારતનું દરેકે દરેક ગામ અને ફળિયું વિભાજીત થતાં અટકી ગયું એ હકીકત સર્વ વિદિત છે.

બંધારણની કલમ 16 પ્રમાણે, “કેન્દ્ર સરકાર સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં પછાત રહેલ નાગરિકોને માટે ખાસ સગવડો પૂરી પાડવા કોઈ રાજ્યને રોકી ન શકે.” અને કલમ 46 પ્રમાણે, “રાજ્યને સમાજના નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતને લક્ષ્યમાં લઈને ખાસ કાળજીપૂર્વક તેમના અધિકારો અને તકોનું રક્ષણ કરવાની સલાહ આપે છે.” તેવો આદેશ અપાયેલો. અનામતની જોગવાઈ કરવાનો હેતુ હતો, સામાજિક ન્યાય જળવાય અને શોષણ થતું અટકે. તે વખતે આવી જોગવાઈ અત્યંત જરૂરી હતી અને સ્વતંત્ર થતાંની સાથે જ આવું પગલું ભર્યું તે માટે ગૌરવ ઉપજે. 

ઈ.સ. 1950માં બંધારણ અસ્તિત્વમાં આવ્યું તે પછી 1979માં મંડળ કમિશન દ્વારા અનામત માટેની કલમોમાં વધુ સુધારા થયા. 1257 જેટલી અન્ય પછાત જાતિ અને જ્ઞાતિ ઉમેરવાથી એ સંખ્યા સ્વતંત્રતા સમયે 25% હતી જે વધીને 52% પ્રજાનો તેમાં સમાવેશ થયો. આજે એ યાદીમાં વધારો થતાં થતાં 2297 અનુસુચિત જ્ઞાતિ/જાતિ અને આદિવાસી મળીને ભારતની 60% જેટલી પ્રજા ખાસ અધિકારો ભોગવવાને પાત્ર ગણાય છે! જે દેશમાં આવડી મોટી સંખ્યાના લોકો પોતાને પછાત ગણાવવા માગે તે દેશ વિકાસ કેવી રીતે કરી શકે? ધારાસભા અને રાજ્યસભા માટે થયેલ અનામત બેઠકની જોગવાઈ વિસ્તરતા વિસ્તરતા આજે હવે શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે પણ પ્રસરી. પરિણામે અનામતના લાભાર્થીઓ બંને બેઠક માટે ઉમેદવારી કરી શકે જ્યારે બહુમતી પ્રજા માત્ર બાકી રહેલ બેઠક માટે જ અરજી કરી શકે. જેમ કે પંચાયત, મ્યુિનસિપાલિટી, ધારાસભા કે લોકસભા માટે સ્ત્રીઓ તમામ સામાન્ય બેઠકો પર ઉમેદવારી નોંધાવી શકે પણ પુરુષો પોતે સ્ત્રી અને પુરુષ ન હોવાને કારણે માત્ર સ્ત્રીઓ માટેની અનામત બેઠકો સિવાય પરથી જ લડી શકે. આમ અસમાનતાની ગંગા અવળે વહેણે વહેવા લાગી.

1950ના બંધારણમાં માત્ર દસ વર્ષ માટે કરેલી અનામતની જોગવાઈ 65 વર્ષ પછી પણ ચાલુ છે. કોઈ રાજનેતા એ નિયમ બદલીને બંધ કરવા હિંમત નથી કરતો. ખરું જોતાં લોકશાહીમાં સાર્વત્રિક મતાધિકાર અપાયો છે અને દરેક નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનું સરકાર તરફથી વચન અપાયું છે, પણ અનામતવાળા વિસ્તારમાં તે સિવાયના લોકોના અધિકારો જોખમાય છે એટલે અંશે લોકશાહીનો ભંગ થાય છે. આથી જ તો મતદાન ઓછું થાય છે.

આ સંવેદનશીલ મુદ્દા વિષે જરા સમય રેખાને થોડા હજાર વર્ષ પાછી ખેંચી જવાની તસ્દી લઈએ તો કબૂલ કરવું પડશે કે સ્ત્રી-પુરુષ માટેની અસમાનતાના બીજ કદાચ મનુસ્મૃિતમાં મળી આવશે. વેદકાળના થોડા શતકો બાદ કરતાં સ્ત્રીઓને શિક્ષણમાંથી બાકાત રાખવાની શરૂઆત થઈ જે પછીથી ઘરની બહાર વ્યવસાય કરવાની, મિલકતના વારસદાર બનવાની, સંતાનો પેદા કરવાની અને જાહેર જીવનમાં હિસ્સો લેવા જેવી દરેક બાબતોમાં અધિકાર ગુમાવતી ગઈ. આ તો ક્રિકેટની ટીમમાંથી અર્ધી ટીમ બેંચ પર બેસાડીને રમત જીતવા જેવી વાત થઈ. સમાજના 50% એટલે કે સ્ત્રી વર્ગને અશિક્ષિત, બેકાર, બેસમજ અને અબળા બનાવીને કયો સમાજ પોતાને ‘સુ સંસ્કૃત’ કહેવડાવી શકે? આપણી પુરાણ કથાઓ પણ આવા અન્યાયોના દ્રષ્ટાંતોથી ભરપૂર છે. ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યને ધનુર્વિદ્યા શીખવવાનો ઇન્કાર કર્યો કેમ કે તે રાજ પુત્ર નહોતો, ભીલ કુમાર હતો. ઉત્તમ ધનુર્વિદ્યા ક્ષત્રીય અને રાજકુમારો માટે અનામત હતી. પરશુરામ ઉત્કૃષ્ટ કોટિના ધનુર્ધર હતા, પણ તેમની વિદ્યા બ્રાહ્મણો માટે અનામત હતી તેથી કર્ણને પોતાનો શિષ્ય ન બનાવી શકે. અહીં મજાની વાત તો એ બને છે કે કર્ણ સૂર્ય પુત્ર છે, હવે સૂર્યને તો કોઈ જ્ઞાતિ નથી, કૂળ નથી અને સંતાન, તેમાં ય ખાસ કરીને પુત્રનું કૂળ તો પિતાથી જ નક્કી થાય, પણ અહીં અન્યાય કરવાનો છે એટલે સગવડતા ખાતર તેને કુંતી પુત્ર એટલે ક્ષત્રીય ગણીને પરશુરામ શ્રાપ આપી શક્યા. ફરી અનામતનો જ સવાલ આડો આવ્યો. વેદકાળ બાદ પુરાણ કાળ આવ્યો અને વર્ણ વ્યવસ્થા જ્ઞાતિનો સ્વાંગ સજીને વધુ સામાજિક જડતા લાવનારી બની. બ્રાહ્મણો માટે સહુથી વધુ બાબતોમાં અનામત હોવાને કારણે લાભ મળતા, પછી વારો આવે ક્ષત્રિયોને અને ત્યાર બાદ વૈશ્યોને પણ થોડી અનામત પદ્ધતિનો લાભ મળતો રહ્યો. એક આખો વર્ગ ક્ષુદ્રોનો, જેમને ભાગે ઉચ્છીષ્ઠ અન્ન, ગામ બહાર ઘાસની ઝૂંપડી, અત્યંત નબળું સ્વાસ્થ્ય અને અજ્ઞાનતાની બેડી આવી. આમ તેઓ બધા પ્રકારની અનામતમાંથી સદીઓ સુધી બાકાત રહ્યા.

હવે 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કુદકે ને ભૂસકે આગળ વધતી ભારતની પ્રજાને શું જોઈએ છે? અનામત બેઠકો માટે સમય મર્યાદા અને તેમાં સમાવિષ્ટ લોકોની સંખ્યા વધારીને અસમાનતા વધારવી છે? હજુ થોડા દસકાઓએ પહેલાંની જ વાત છે જ્યારે હરિજનોને ગળે ઘંટ બાંધીને ગામમાં ફરવાની ફરજ પાડવામાં આવતી જેથી ‘સવર્ણ’ નાગરિક તેનાથી અભડાઈ ન જાય તેમ દૂર રહેવાની ચેતવણી મેળવી શકે. તો ‘હું અનામત વાળી/વાળો/ છું’ એવો ઘંટ ક્યાં સુધી બાંધીને ફરશું? હજુ પણ આપણે જન્મને આધારે જ ઓળખ રાખીશું? હાથમાં આધુનિક મોબાઈલ અને ટેબ્લેટ હોય, ઘેર સેટેલાઈટ ટેલીવિઝન હોય એ પોતાને ‘પછાત’ તરીકે ઓળખાવવાનું પસંદ કેવી રીતે કરી શકે? પહેલાના જમાનામાં ભણવામાં ડોબો હોય અને કામ કાજે ઢોલુ હોય તો પણ બ્રાહ્મણના દીકરાને માન-પાન આપવામાં આવતા કેમ કે તેનો જન્મ બ્રાહ્મણના ઘરમાં થયો છે તેવું જ માત્ર કહેવાતી પછાત જાતિ-જ્ઞાતિમાં જન્મ લેવાથી વિશેષ અધિકારો મેળવવાની માંગણી કરવી એ તો પેલા ઉચ્ચ વર્ગીય લોકો જેવું વલણ હોવાનું સાબિત થાય. આપણે કોઈ દિવસ કન્યાઓ માટે, ગામડાંઓ માટે કે શહેરોમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો માટે રોટી-કપડાં-મકાન-સ્વાસ્થ્યની બાબતમાં અનામતનો વિચાર કરેલો? એ વર્ગો માટે અનામતની જોગવાઈ કરી જુઓ અને પછી જુઓ શો જાદુ થાય છે તે, કેમ કે કન્યા અને સ્ત્રીઓને સમાનાધિકાર મળવાથી અર્ધો અર્ધ સમાજ જાગૃત થઈ જશે અને ગરીબોને કોઈ નાત-જાત નડતી નથી, તેઓ માત્ર નિર્ધન અને તક વિહોણાં માનવો હોય છે.

2009માં અનામત વિષે બંધારણમાં 95મો સુધારો બહાર પડ્યો, તેનાથી શું આપણે સુધર્યા? ઊલટાનું અનામત માટેની મુદ્દત વધારી એટલે હવે 2020 સુધી ‘અમે અસમાન છીએ’ એ વાતનું ગૌરવ લઈશું. કેન્સરનો રોગ થયો હોય તો તેમાંથી મુક્ત થવું સારું કે તેને વિદાય આપવામાં મુદ્દત વધારવામાં ડહાપણ છે? જાતિ અને જ્ઞાતિ આધારિત અસમાનતા અને અન્યાય એ પણ કોઈ પણ તંદુરસ્ત સમાજ માટે રોગીષ્ટ હોવાની નિશાની નથી શું? અત્યાર સુધીમાં અનેક મહાનુભાવો તખ્તનશીન થયા પણ કોઈને આ કાયદાને પરિણામે ઊભી થયેલ અસમાનતા મીટાવવા કંઈ પણ કરવાની હિંમત ન થઈ. વિનોબાજી કહે છે તેમ ઘેટાંને ભરવાડ ચૂંટવાની સ્વતંત્રતા મળી ગઈ એટલે આપણે લોકશાહી આવી ગઈ માનીને રાજી થયા, પણ જ્યાં ભરવાડ જ ઘેટાં જેવો આંધળું અનુકરણ કરનારો હોય ત્યાં વધુને વધુ ઘેટાં બને તેમાં શી નવાઈ? સંસ્કૃિતને નામે સામાજિક કુરિવાજોને પરિણામે ઊભી થયેલ આર્થિક અને સામાજિક અસમાનતા મીટાવવાના શુભ આશયથી અમલમાં લાવેલ અનામત વિશેના કાયદામાં ખોટું શું થયું? એક તો સમય મર્યાદા વટાવી ગયા પછી પણ આ  જોગવાઈ ચાલુ રહી અને સમાજના અન્ય સમૂહને ગેરલાભ થાય છે એ જાણ્યા પછી પણ તે માટે આંખ આડા કાન કર્યા. ખરું જોતાં તો છેવાડેના લોકને શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી અને મૂળભૂત જરૂરિયાતો સંતોષવા જરૂરી તમામ સગવડો પૂરી પાડી હોત તો તેઓ પણ પેલા સવર્ણો જેવા જ ખભ્ભે ખભ્ભા મિલાવીને ઊભા રહી શક્યા હોત. ગુણવત્તાને બાજુ પર મુકીને કોઈ આગળ વધી શકતું હશે, ભલા? ઉચ્ચ વર્ણના લોકોને જન્મને આધારે લાભ મળતા હતા તે દલિતો અને આદિવાસીઓને અન્યાય યુક્ત લાગતું હતું તો હજુ શા માટે એ પ્રથા ચાલુ રાખવી જોઈએ? તેમાં એમનું સ્વમાન કે સન્માન ક્યાં જળવાય? હું આદિવાસી છું માટે એન્જીિનયર થયો એમાં વધુ આનંદ છે કે મારામાં એન્જીિનયર થવાની બૌદ્ધિક અને અન્ય લાયકાત છે એમ કહેવામાં વધુ ગૌરવ સમાયેલું છે?

છેલ્લા થોડા દિવસો દરમ્યાન બહુ ચર્ચિત એવા આ મુદ્દાએ કૃષ્ણ દવેની કલમને સતેજ કરી જેની રચના આ સાથે પ્રસ્તુત છે.

એક ક્ષણીકા ! ! ! • કૃષ્ણ દવે

અનામત વિતરણ સમારંભ :
મિત્રો, લોકલાગણીને માન આપીને સૌને અનામત આપવી –
એવું આપણે નક્કી કર્યું છે,
એટલે કોઈએ ધક્કામુક્કી કરવાની જરૂર નથી.
એક પછી એક તમામ જ્ઞાતિ શાંતિથી અહીં આવે
અને પોતાની અનામત લઈ જાય .
આટલી જાહેરાત પછી વિતરણ સમારંભ શરૂ થાય છે
અને રંગે ચંગે પૂરો થાય છે.
અંતે વિજયી સ્મિત સાથે વરિષ્ઠ નેતા ભાષણ કરવા માટે ઊભા થાય છે –
એ જ વખતે ભીડમાંથી અથડાતી કુટાતી એક વ્યક્તિ માંડ માંડ આગળ આવીને કહે –
સાહેબ ! હું તો રહી જ ગયો ! મને પણ કઇંક આપો.
નેતાશ્રી કહે જરૂર જરૂર; તમને પણ આપવામાં આવશે જ,
બોલો તમારી જ્ઞાતિ ?
હાંફતા હાંફતા એ વ્યક્તિ કહે
“માણસ”
બાજુમાં જ રહેલા વિતરણ અધિકારી લીસ્ટમાં તપાસ કરીને –
નેતાશ્રીના કાનમાં કહે, સાહેબ !
“માણસ” નામની કોઈ જ્ઞાતિ તો આપણાં લીસ્ટમાં છે જ નહીં.

તો ચાલો આપણે સહુ “માણસ” નામની એક જ્ઞાતિ બનાવવા પ્રવૃત્ત થઈએ!

e.mail : 71abuch@gmail.com

Loading

પહેલો અને આખરી દાવ

વલીભાઈ મુસા|Opinion - Short Stories|27 September 2015

‘રક્ષાબંધનના તહેવારને બે જ દિવસ બાકી છે અને હજુ સુધી રમીલા ન આવી. પાછલાં બે વર્ષથી તે કંઈકને કંઈક બહાનું બતાવતી આવી છે. આ વર્ષે પણ જો એ ન આવે તો, બેટા, તારે તેને તેડવા જવું પડશે. આ તે કેવું કે વર્ષ આખામાં બેચાર દિવસ પણ આ તહેવારના બહાને એ પિયરમાં ન આવે! ગામની બધી વર્ણની બહારગામ પરણેલી દીકરીઓ ભાઈ પાસે રાખડી બંધાવવા આવે છે અને આપણાવાળી જ એવી તે કેવી સાવ ઘરરખું થઈ ગઈ છે કે બબ્બે વરસથી આ તરફ ફરકતી ય નથી! હેં તરભા, ભાણિયો પણ ખાસ્સો મોટો થઈ ગયો હશે, નહિ?’ કુંવરબાએ છીંકણી સૂંઘતાં જોડા બનાવી રહેલા દીકરા ત્રિભુવનને કહ્યું.

‘હજુ તો બે દિવસ બાકી છે. રાહ તો જો, બા. એ આવે તો માથાભેર અને ન આવે તો આપણે શું કામ એને તેડવા જવું પડે? જેવી એની અને હરિની ઇચ્છા! તને ખબર તો છે કે એની સાવ સસ્તી ય સાડી તથા ભાણિયા માટે કપડાંની જોડ અને એકાદું રમકડું ખરીદવાની પણ આપણી ત્રેવડ છે ખરી?’ ત્રિભુવને પાણીની કુંડીમાં પલાળેલો ચામડાનો ભીનો કકડો એરણી ઉપર મૂકીને બત્તા વડે ટીચી નાખતાં હળવો બળાપો કાઢ્યો.

કુંવરબા બિચારાં છોભીલાં પડ્યાં અને દીકરાની અકળામણ પારખી જતાં વિચાર બદલીને મનોમન પ્રાર્થી બેઠાં કે ‘ઓણ સાલ પણ રમીલા ન આવે તો સારું!’ એમને સમજાઈ ગયું કે ‘પેટની ભીડ અને ઘરની ભીડ પોતાના સિવાય કોઈ ન જાણે, એવું કહેવાવાળાએ જે કહ્યું છે તે સાચું છે!’ વળી એમને એ પણ સમજાઈ ગયું કે ત્રિભુવનની ચીડ પણ યથાર્થ જ છે અને રમીલા આ વર્ષે પણ ન આવે તેમાં જ બાંધી મુઠ્ઠી લાખની છે!

પરંતુ ત્રિભુવનને ક્યાં ખબર હતી કે એ જ્યારે એમ બોલ્યો હતો કે ‘જેવી એની અને હરિની ઇચ્છા’ ત્યારે તો રમીલા મહેલ્લાના નાકે આવી પહોંચી હતી. આગલી રાતે જ એની અને હરિની ઇચ્છાનો સરવાળો થઈ ચૂક્યો હતો અને સરવાળે અહીં આવવાનો નિર્ણય પણ લેવાઈ ગયો હતો!

રમીલાએ આંગણામાં પ્રવેશતાં જ ‘ઓ મારી માડી રે!’ કહીને પોક મૂકી, ત્યારે કુંવરબા હાથમાંની છીંકણીની ડબ્બી ભોંય ઉપર ફેંકીને દોડતાં રમીલાને બાઝી પડ્યાં. ત્રિભુવને પણ હાથમાંની ચામડાને છોલવાની ફરસી  પડતી નાખીને દોડી જતાં રમીલાના માથે હાથ ફેરવીને ભાણિયાને ઊંચકી લીધો.

રમીલા ઘરમાં ફરી વળી. તેનાં ચકોર ચક્ષુઓએ ક્યાસ કાઢી લીધો કે પોતે છેલ્લી પિયરે આવી હતી ત્યારથી હાલ સુધીમાં બાના ઘરમાં દરિદ્રતાએ વધુ ઘેરો રંગ પકડી લીધો હતો. મોટાભાઈ અને ભાભી તેમનાં બે બાળકો સમેત ગંધાતા ચામડા સાથેના વારસાગત વ્યવસાય સાથેનો છેડો ફાડીને દૂરના ગામે હાઈસ્કૂલની ચોથા વર્ગના સેવક સહાયક (Support Worker) તરીકેની મામુલી પગારવાળી નોકરી ઓ.બી.સી. ઉમેદવાર તરીકે મેળવી લીધી હતી, જે પાંચ વર્ષ પછી પૂરા પગારવાળી થવાની આશા હતી. તેમના કુટુંબના ચાલ્યા જવાથી અર્ધું ઘર ખાલી થઈ ચૂક્યું હતું. નાની ભાભી પહેલી સુવાવડ અર્થે પિયર ગઈ હોઈ હાલમાં તો બા અને ભાઈ ત્રિભુવન માત્ર જ કુટુંબમાં બાકી રહ્યાં હતાં. બાપુજી તો પોતે સૌથી નાની એવી બે વર્ષની હતી ત્યારે જ દેવલોક પામ્યા હતા. પિતાના અવસાન પછી બંને ભાઈઓએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને અભ્યાસ છોડી દીધો હતો. રમીલાને ભાઈઓએ એસ.એસ.સી. સુધી ભણવા દીધી હતી. આટલો ઓછો અભ્યાસ છતાં રમીલાની વિચારશક્તિ પ્રબળ હતી. તેને સરકારી સૂત્ર ‘નાનું કુટુંબ, સુખી કુટુંબ’ અહીં ભ્રામક લાગતું હતું. રોજીરોટીની સરળ ઉપલબ્ધતા જ કુટુંબને સુખી બનાવી શકે, નહિ કે કુટુંબનું કદ; એવી એની માન્યતા દૃઢ બની. 

કુંવરબાએ રમીલાને પાણીનો ગ્લાસ ધર્યો, જે પીતાંપીતાં તેણે જાહેરાત કરી દીધી કે સાંજની બસમાં તે પાછી ફરશે. સમજુ રમીલાએ નક્કી કરી લીધું કે પોતે બેપાંચ દિવસ પણ અહીં રહીને આ લોકોને બોજારૂપ નહિ થાય.

‘આટલા ટૂંકા ગાળા માટે તારે આવવું જોઈતું જ ન હતું. જો બા તને ધરેલો પાણીનો ગ્લાસ તું બેએક ઘૂંટડા પાણી પીએ ન પીએ અને ખેંચી લેં તો તને કેવું લાગે? હું તને આગલી રાતે ન કહું, ત્યાંસુધી તારે રોકાવાનું છે. હજુ રક્ષાબંધનને બે દિવસની વાર છે, એટલે એ બે દિવસ તો ખરા જ; અને ત્યારપછી પણ મારી મરજી મુજબ તારે રોકાવું પડશે. એટલી ખાતરી આપું કે તને પાંચ દિવસથી વધારે નહિ રોકું, બસ!’ ત્રિભુવને ભાવવાહી અવાજે કહ્યું.

રમીલાને એ સમજતાં વાર ન લાગી કે ભાઈ પાંચ દિવસની સમયાવધિ શા માટે માગી રહ્યો છે. સામાજિક વ્યવહારના ભાગરૂપે બહેનને ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેવી કોઈક ભેટસોગાદ ખરીદવા માટે તેને     એટલો સમય તો જોઈએ જ, કેમ કે તે પિયરમાં માવઠાની જેમ ઓચિંતી જ ટપકી પડી હતી ને!

* * * * *

જગતમાં વિવિધ ધર્મો અસ્તિત્વ ધરાવે છે અને તેમના ઓછી કે વધતી સંખ્યામાં અનુયાયીઓ પણ હોય છે. ધર્મોએ માનવીઓનું કલ્યાણ કર્યું છે કે નહિ તે નિશ્ચિતપણે કહી ન શકાય, પણ હતાશ માનવીઓને એ ધર્મોએ તેમની બલવત્તર આસ્થાના કારણે બળ તો અવશ્ય પૂરું પાડ્યું હોય છે. જીવનથી હારેલોથાકેલો માનવી છેવટે પોતાના ધર્મના શરણે જતો હોય છે અને પોતાના ઈષ્ટ દેવદેવીને પ્રાર્થતો હોય છે. કોઈક દોહરામાં વિપત ટાણે ઉદ્યમ કરવાની વાત સમજાવાઈ છે, પણ આપણા ત્રિભુવન જેવાઓને ઉદ્યમ કરવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં ઉદ્યમ જ ન મળે અને મળે તો અપૂરતો મળે ત્યારે કૌટુંબિક આવક-ખર્ચના બે ટાંટિયા સરખા કરવા દુષ્કર બની જતા હોય છે. અહીં ત્રિભુવનને પણ નાણાંભીડ સતાવી રહી હતી. એની તાતી જરૂરિયાત પણ એવી કોઈ મોટા આંકડામાં ન હતી, બસોત્રણસો રૂપિયા મળી જાય તો એનું કામ તાત્કાલિક નીકળી જાય તેમ હતું. ‘અંધા ચાહે દો આંખે’ની જેમ રમીલા આગળ નાદાર જાહેર ન થઈ જવાય તે માટે તે ગામના પાદર નજીક આવેલા દેવમંદિરે નાકલીટી તાણી આવ્યા પછી બસસ્ટેન્ડની ચાની કેન્ટિને ત્રિભુવને અડધી ચાનો ઓર્ડર આપ્યો.

કેન્ટિનવાળા કાસમે કહ્યું, ‘તરભા, બીજો કોઈ અર્ધી ચાનો ઘરાક આવે પછી ચા બનાવું છું; પણ હું તને પૂછું છું કે સવારસાંજ નહિ અને આમ કવેળાનાં દેવદર્શન! ભક્તને કોઈ ભીડ પડી કે શું?’

‘અલ્યા કાસમ, તું ત્રિકાળજ્ઞાની લાગે છે! તને મારી ભીડની શી રીતે ખબર પડી?’

'જો તરભા, આપણે એક મહેલ્લામાં રહીએ છીએ. સાથે ભણતા હતા, સાથે નિશાળ છોડી. આપણે બચપણના દોસ્તો છીએ. આપણા બેઉના સંજોગો પણ સરખા છે. ભણવામાં આવતી પેલી કડી યાદ છે? ‘દુ:ખીના દુ:ખની વાતો સુખી ના સમજી શકે, અને જો સમજી શકે તો જગતમાં દુ:ખ ન રહે.’ હમણાં જ આપણી બહેન રમીલા બસમાંથી ઊતરી. તને જવલ્લે જ મંદિરે જતો જોયો છે. આજે તને જોયો અને વાતનો તાળો બેસી ગયો. ઘણાં વર્ષે આવી છે, નહિ? શોભતું કંઈક એને આપજે; અને જરૂર પડે તો મારા ગજા પ્રમાણે તને મદદરૂપ થવાની મને તક પણ આપજે.’

‘તેં વગર કહ્યે અને વગર માગ્યે આટલું કહ્યું એટલે મને જાણે બધું મળી ગયું. જો કાસમ, મારા ગમે તેવા સંજોગો હોય; પણ મને લાગે છે કે આખા ય ગામમાં મારા જેવો કોઈ માણસ સુખી નહિ હોય! બોલ, તારા માથે પાંચપચીસનું પણ દેવું હશે કે નહિ? મારા માથે પાઈનું પણ દેવું નથી; પણ હા, ખિસ્સાં ખાલી હોં કે!’ આમ કહેતાં ત્રિભુવન હસી પડ્યો.

‘તારી વાત સાચી છે, તભુ. આ કાળઝાળ મોંઘવારીમાં બે છેડા સરખા રાખીને ટકી રહેવું એ તારા જેવો કોઈ વીરલો જ એમ કરી શકે. તું ઈરાદાનો પાકો છે તે હું બચપણથી જાણું છું. પરંતુ મારી નાનકડી મદદને તારે દેવું નહિ સમજવાનું અને મને વિના સંકોચે કહેજે; પણ તરભા, કહી શકે તો જણાવ કે તારું બજેટ શું છે?’  કાસમે લાગણીભર્યા અવાજે પૂછ્યું.

‘તારા સાઈડ ધંધાની ભાષામાં કહું તો મારે પાંચ રૂપિયાની ડબલ જેટલાની જરૂર છે.’

‘ઓહો, ત્રણસો પચાસ રૂપિયા! સિત્તેરના ભાવે, ખરું ને ?’

કાસમ ગામના વરલી મટકા જુગારના બુકી એવા એક શેઠિયાના સબ એજન્ટ તરીકે કમિશનથી કામ કરતો હતો. કાસમે પોતાના આ સાઈડ ધંધાના એક ઉસુલને જાળવી રાખ્યો હતો કે રૂપિયે બે આના જેટલા કમિશનથી સંતોષ માની લેવો અને કદી ય એક પાવલીનો પણ પોતે આંકડો રમવો નહિ. એનું કામ લોકોને જુગાર રમાડવાનું હતું, નહિ કે તેણે જુગાર રમવાનો હોય. બસ સ્ટેન્ડની ચાની કીટલી એ તો નામ પૂરતી તેની બેઠક માત્ર જ હતી. કાસમ પોતાના બાળગોઠિયા ત્રિભુવનને માનની નજરે જોતો હતો એટલા માટે કે તે પેટે પાટા બાંધીને પણ હલાલ કમાણીથી પોતાનું ગુજરાન નભાવતો હતો, જ્યારે પોતે મજહબે હરામ ઠરાવેલા એવા જુગારમાંથી કમાણી કરતો હતો. કાસમનો અંતરાત્મા કકળતો તો હતો, પણ હલાલ કમાણી મેળવવા માટેનો કોઈ સ્રોત હાથ ન લાગે ત્યાં સુધી આ કામ સિવાયનો તેની પાસે કોઈ વિકલ્પ પણ ન હતો.

‘કાસમ, મારી જરૂરિયાતને તારી જુગારની ભાષામાં જણાવી એ બદલ હું શરમિંદગી અનુભવું છું. તને હરહંમેશ આ અનીતિનો ધંધો છોડી દેવાની સલાહ આપનારા એવા મારા માટે આવું બોલવું પણ શોભાસ્પદ તો ન જ ગણાય. ખેર, બીજી અડધી ચાનો કોઈ ઘરાક આવ્યો તો નહિ, પણ મારી આખી ચા કરી નાખ અને આપણે બેઉ ભેરુડા અડધીઅડધી પી નાખીએ.’

‘એય તરભલા, તેરા હો ભલા; મેરી ચાયકી કીટલી, ઓર તું મેરેકુ ચાય પિલાયેગા! કમબખત, ઐસા બોલતે તુઝે શર્મ આની ચાહિએ! ચલ, મૈં દૂધમેં પાની ડાલે બિના અપન દોનોં કે લિયે અખ્ખે દૂધકી અખ્ખે અખ્ખે  દો કપ ચાય બનાતા હું. આજ તો બસ, યે મેરી ઓરસે હો જાય!’

‘અબ મૈં ભી તેરી બોલીમેં બોલું તો સૂન; બેટે, પારલે બિસ્કીટકી એક પેકેટ ભી હો જાય!’ બંને જણ ખડખડાટ હસી પડ્યા.

* * * * *

બસનો કોઈ સમય ન હતો અને બપોર થઈ ગઈ હોઈ કોઈ ગ્રાહક પણ ન હતું. ત્રિભુવનના ગયા પછી કાસમ વિચારે ચઢી ગયો હતો. ત્રિભુવનની આર્થિક સંકડામણ તેને પીડતી હતી. તેને એ પણ ખબર હતી કે ત્રિભુવન કોઈની પાસે ઉછીના પૈસા માટે હાથ લંબાવશે નહિ અને કોઈની મદદ સ્વીકારશે પણ નહિ. પરંતુ, હા, કદાચ એમ પણ બની શકે કે તે દોસ્તીના નાતે ગામ આખાયમાં માત્ર તેની પાસેથી જ હાથઉછીની મદદ લે, અને એ પણ દોસ્તીભંગની ધમકી આપવામાં આવે તો જ કદાચ! એ પોતે ત્રિભુવનની તાત્કાલિક જરૂરિયાત માટે શું કરી શકે તેની ગડમથલમાં પડી ગયો. ત્રિભુવનની બાનું નામ કુંવરબા હતું. ઘરના વડીલ તરીકે તેઓ જ હતાં. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું મામેરું શામળિયાએ શેઠ સગાળશા બનીને પતાવી આપ્યું હતું. આ કુંવરબા એ પોતાનાં બા સમાન છે અને તેમની ઈજ્જત સાચવવી એ પોતાની ફરજમાં આવે છે તેવું તે માનવા માંડ્યો. ત્રિભુવનને મદદરૂપ થવા માટે પોતાનું કાળું ધન કામ આવી શકે તેમ ન હતું. વળી કાળું તો કાળું પણ એવું ય ફાજલ ધન પણ પોતાની પાસે ક્યાં હતું? ચાની કીટલીની કમાણી તો નહિવત્ હતી અને વરલી મટકાના કમિશનની આવક પણ અનિશ્ચિત હતી. એ તો સદ્દભાગ્યે સિલાઈકામ જાણતી પત્ની મળી હતી એટલે તેની પૂરક આવકથી માંડ ઘર નભતું હતું.

કાસમના માનસપટ ઉપર રામકથાકારના એક કથનની યાદ આવી ગઈ. શુભ આશયે બોલાતું અસત્ય એ સત્ય કરતાં પણ અનેકગણું ચઢિયાતું બની શકે છે. આ વિચારમાત્રથી તેનો ઉદ્વેગ શાંત પડ્યો. તેના મનમાં એક વિચાર ઝબક્યો. શાહેદાની સિલાઈકામની બચતનાં નાણાં મહેનતનાં અને પ્રમાણિકપણે કમાયેલાં છે અને એમાંથી પોતે મદદ કરી રહ્યો છે એવા અસત્યનો સહારો લેવો પડે. પરંતુ વાસ્તવમાં તો એવી બચત તેની પાસે નથી. પોતાની ચાની કીટલીની અને જુગારના કમિશનની આવક ભેગી ભળી જતાં એ બધાં નાણાં અપવિત્ર જ બની જાય. ભલે ને એ અપવિત્ર જ હોય, તોયે એની પાસે એવી ત્રણસો ચારસોની બચત પણ ક્યાં હતી? એક ચેક વટાવી શકાય તેમ હતો અને તે હતો વરલી મટકાના બુકી શેઠ પાસેથી નાણાં ઉછીનાં લેવાનો. શેઠ ના તો ન જ પાડી શકે, કેમ કે પોતે તેમનો કમાઉ દીકરા સમાન હતો. વળી પાછો વિચાર બદલાયો કે એ ચેક નાછૂટકે વટાવવાનું રાખીને ત્રિભુવનના નામે પાંચ રૂપિયાની ડબલ ખેલી નાખું તો! તો તો ત્રણસો પચાસ રૂપિયા આસાનીથી મળી જાય, ભલે ને પોતાના જુગાર ન રમવાના ઉસુલનો અપવાદ રૂપે ભંગ કરવો પડે! જો ડબલ લાગી જાય તો ત્રિભુવનને એટલી જ રકમ આપવામાં આવે તો કદાચ એ વહેમાય પણ ખરો. શાહેદા પાસે દોઢસો રૂપિયા જેટલી બચત તો હશે જ. એમ થાય તો તેને પાંચસો રૂપિયા આપી શકાય. વળી એટલી પણ તેની મહેનતની કમાણી હરામના પેલા ત્રણસો પચાસ રૂપિયામાં ભળે તો પારસમણિના સ્પર્શની જેમ બધાં નાણાં પવિત્ર બની જાય.

કાસમ મનોમન હસી પડ્યો, પોતાના મૂર્ખ વિચારો ઉપર. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવો પોતાનો શેખચલ્લી જેવો તર્ક હતો તેવું તેને લાગ્યું વળી તેને પાછો યકિન પણ થવા માંડ્યો કે ત્રિભુવન જેવા ભગવાનના માણસના નસીબે એ ડબલ લાગી પણ જાય. પાંચ રૂપિયાના બદલે ગણતરી કરીને થોડું વધારે ખેલી નાખવામાં આવે તો શાહેદા પાસેથી દોઢસો રૂપિયા ઉછીના લેવા પણ ન પડે. પણ ના, ના. પૂરા પાંચસો રૂપિયા માટે શાહેદાનું નામ વટાવવાનું છે, તો તેની પાસેથી દોઢસો રૂપિયા કઢાવવા સારા; કેમ કે તેમ કરવાથી પૂરું નહિ તો અર્ધ સત્ય તો ગણાશે જ. બસ, તો પાંચની ડબલ ખેલી જ નાખવી. પાંચ રૂપિયાનું જોખમ લેવું એ કંઈ મોટી વાત ન હતી. વળી એ ડબલ ન લાગે તો શેઠવાળો બેરર ચેક તો છે જ.

કાસમે હવે સટોડિયાઓના જાતજાતના તર્કની જેમ એક અને માત્ર એક જ ડબલ કાઢવાની હતી, જે તેના માટેનો પહેલો અને આખરી દાવ હતો અને એ પણ તેના દિલોજાન મિત્ર ત્રિભુવન માટે જ તો વળી! કાસમના માનસ ઉપર ઝાઝું વિચાર્યા વગર જ વીજળીક ગતિએ બાવીસની ડબલ અંકિત થઈ ગઈ. આ અંક માટેનું કાસમનું સીધું ગણિત એ હતું કે ત્રિભુવનના ઘરમાં માદીકરો બે જ હતાં અને રમીલા અને ભાણિયો એમ નવાં બેનું આગમન થયું. કાસમે શેઠને આપવાની આંકડાઓની ચબરખીમાં ૨૨ના આંક સામે પાંચ રૂપિયા નોંધી દીધા.

એ રાત્રે બરાબર આઠ વાગે ઊઘડતો આંક બે આવ્યો અને અગિયાર વાગે બંધ આંક પણ બે જ આવ્યો અને કાસમની ડબલ પાકી થઈ ગઈ. બીજા દિવસે સવારે નવ વાગે કાસમ જ્યારે વલણ(ચૂકવણા)નો હિસાબ કરવા શેઠના ત્યાં ગયો ત્યારે પરિણામ એ જાણવા મળ્યું કે આગલા દિવસના ખેલાડીઓના તમામ પ્રકારના આંકડાઓ સિંગલ, ડબલ, પાનું, પેટી વગેરે નિષ્ફળ રહ્યા હતા અને એક માત્ર ૨૨નો આંક જ વિજેતા નીવડ્યો હતો.

કાસમે અઠવાડિક પોતાના કમિશનનાં નાણાં શેઠજીના ચરણોમાં પાછાં ધરી દઈને માત્ર રૂપિયા ત્રણસો પચાસ જ પોતાના ગજવામાં મૂકતાં તેમને અદબભેર જણાવી દીધું કે પોતે રાજીખુશીથી વરલી મટકાના કમિશન એજન્ટ તરીકેનું કામ છોડી દે છે!

(તા.૨૦-૦૯-૨૦૧૫) 

e.mail : musawilliam@gmail.com

Loading

...102030...3,6853,6863,6873,688...3,7003,7103,720...

Search by

Opinion

  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved