Opinion Magazine
Number of visits: 9552599
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રૂપ ‘વ્યાપમ’

પંચમ શુક્લ|Poetry|3 October 2015

 

સર્વવ્યાપી સર્વદિશામાં રહે છે,
મંત્ર-યંત્રો તોય ખીસામાં રહે છે.
ઉમ્રની પાછળ છુપાઈને જીવે પણ, 
સૃષ્ટિ એક આખી અરીસામાં રહે છે.
ક્ષણ મહીં ઇશ્વરને નશ્વરમાં ડુબાડે, 
એવું ગાંડું પૂર શીશામાં રહે છે.
લાખ ચાહો તોય એ ભટક્યા જ કરતું, 
મન સદા કોઈ મનીષામાં રહે છે!
કાલિદાસે વર્ણવેલા નાગરો શું –
રૂપ 'વ્યાપમ' લઈ વિદિશામાં રહે છે?

London, 1/10//2015

Loading

ફ્યુનરલ – એક હાસ્યલેખ

નવીન બેન્કર|Opinion - Opinion|3 October 2015

‘આપણાં સિનિયર્સ એસોસિયેશનનાં મેમ્બર – પેલા જીવીકાકી – ગુજરી ગયાં. તેમનું ફ્યુનરલ ગુરુવારે બપોરે ૧૧ થી ૧ વચ્ચે, ગાર્ડન ઓક ફ્યુનરલ હોમમાં રાખ્યું છે.’

સામાન્ય રીતે કોમ્યુિનટીમાં કોઈ ગુજરી જાય, ત્યારે ઇ-મેઈલ મારફતે મેસેજ મળતા હોય છે.  જીવીકાકી નામ તો જાણીતું હતું પણ ચહેરો યાદ આવતો ન હતો. કદાચ વર્ષોથી કાકી બિમાર હોવાના કારણે મિટિંગમાં કે પિકનિકમાં દેખાતાં ન હતાં.

આવો શોકસંદેશ મળતાં જ, હું મારા કોમ્પ્યુટર પર ગુજરાતી ફોન્ટ્સમા શોકસંદેશ કે શ્રદ્ધાંજલિ લખી નાંખું અને બધાંને મોકલાવું. ફ્યુનરલમાં પણ જઉં અને સિનિયર્સના વડીલ તરીકે કોઈ મને માઈક પર બોલાવે તો બે શબ્દો કહું પણ ખરો. મને આ બધાંની સારી ફાવટ છે. છાપાંમાં ફોટા સહિત ‘ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ’ જેવી શ્રદ્ધાંજલિઓ પણ લખી આપું.

એ દિવસે મારે, બે વખત નહાવું પડે. મારી પત્ની ચુસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે. એટલે ફ્યુનરલમાંથી આવ્યા બાદ, મારે તરત જ, ક્યાં ય અડ્યા વગર, બાથરૂમમાં જઈને બધા જ કપડાં કાઢી નાંખીને, પલાળી દઈને સ્નાન કરવું પડે. ઘરમાં પગ મૂકતાં જ ચીસાચીસ કરવા લાગે કે – ‘જોજે ક્યાં ય અડતો નહીં. ખિસ્સામાંથી રૂમાલ કાઢવાનું ભૂલતો નહીં. બધો બોળાવાળો કરી મૂકીશ. મારા ઠાકોરજીને – ’ વગેરે વગેરે .. અને હું એના ઠાકોરજીને મણમણની ચોપડાવતો, નિર્વસ્ત્ર થઈને નહાવા બેસી જઉં. ગાળાગાળી કરું પણ પત્નીના ડરથી એનું કહ્યું તો માનું જ.

હા ! તો આ કયા જીવીકાકી ગયાં, એ જાણવા હું ફ્યુનરલમાં ગયો. ૧૬” બાય ૨૦”ની તસ્વીર જોઈને હું જીવીકાકીને ઓળખી ગયો. પહેલી હરોળમાં સફેદ વસ્ત્રો પહેરેલાં એમના આપ્તજનોને જોઈને મને થયું કે અરે! આ બધાંને તો હું ઓળખું છું. ચાર દીકરીઓ, બે દીકરા, પ્રપૌત્રો, ભાઈઓ બધાંને હું ઓળખું. પણ કોઈને, જીવીકાકીને કારમાં લઈને મિટિંગસ્થળે મૂકવાં આવતાં જોયેલાં નહીં. જીવીકાકી હંમેશાં પાડોશણની રાઈડ લઈને જ આવતાં હતાં. અથવા મારા જેવા પરગજુ વોલન્ટીઅરને વિનંતિ કરીને બોલાવી લેતાં. જીવીકાકીના નવ પરિવારજનોએ ગળગળા થઈને, ગળે ડૂમો ભરાઈ જવાના અભિનય સાથે, શ્રદ્ધાંજલિઓ આપી. બેક ગ્રાઉન્ડમાં, કોફીનની પાછળથી, જીવીકાકીનાં બાળપણથી જુવાની અને ઘડપણ સુધીના ખૂબસુરત ફોટાઓની સ્લાઈડો સ્ક્રીન પર દર્શાવાતી હતી. હું, પણ, કારમાં રાઈડ આપતી વખતે, જીવીકાકીએ કહેલી તેમના જીવનની ખાટીમીઠી વાતોને યાદ કરી રહ્યો હતો.

એક બીજા ફ્યુનરલમાં એક ડોક્ટરના પિતાશ્રી ગુજરી ગયેલા. એમના ભાઈઓ પણ બધા જ ડોક્ટર્સ. સદ્દગત પિતાશ્રી પણ ડોક્ટર હતા, ડાઘુઓની સામે કોફીનમાં મૃતદેહ પડ્યો હતો અને એક પછી એક દીકરાઓ, સદ્દગત પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપતા હતા. એમના એક દીકરા ડોક્ટર આદિત્ય ઐયરે પિતાજીની અંત્યેિષ્ઠ ક્રિયામાં મદદરૂપ થવાં આવેલાં એક રૂપાળાં, પ્રૌઢ સન્નારીને જોઈને, કાંઈક આવી મતલબની શ્રદ્ધાંજલિ આપવા માંડી.

‘આજથી ત્રીસ વર્ષ પહેલાં, હું આ શહેરમાં આવેલો ત્યારે અમે એક નાટક કરેલું. એમાં આ બહેન (પેલા પ્રૌઢ ખૂબસુરત સન્નારી) પણ એમાં કામ કરતાં હતાં. એ મારા હિરોઇન હતાં. નાટક કરતાં, એના રિહર્સલ / પ્રેક્ટીસ  કરવામાં વધારે મજા આવતી. ખરું ને પ્રિયંકાબે’ન ? (નામ બદલ્યું છે) …. અને પછી આદિત્ય ઐયર સાહેબ ભૂતકાળની સ્મૃિતઓમાં ખોવાઈ ગયેલા. અને ડાઘુઓ સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. ફ્યુનરલમાં આવા યે નંગ ભટકાઈ જાય છે.

અમારા શહેરના એક ભાઈને જો શ્રદ્ધાંજલિ આપવા માટે માઈક હાથમાં આપીએ, એટલે, પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે, સંસ્કૃતમાં ફાડવા માંડે અને પછી ‘ઇતિ, મતિ, બુદ્ધિ’…થી શરૂ કરીને આખી ભીષ્મ-સ્તૂિત શરૂ કરી દે. ત્યાંથી નહીં અટકતાં, મતિ અને બુદ્ધિનો તફાવત સમજાવવા માંડે અને મહાભારતના યુદ્ધમાં ભીષ્મપિતામહ, બાણશય્યા પર પડેલા અને શ્રીકૃષ્ણ ભગવાનને બોલાવી પોતાની બે માનસપુત્રીઓનું દાન કરેલું એની કથા કહેવા માંડે. અમે તો આ બધું અગાઉ પણ એટલી બધી વાર સાંભળેલું કે જેવો એ વક્તા ઊભો થાય કે અમે તો બીડી પીવા ફ્યુનરલ હોમની બહાર જતા રહીએ અને પુષ્પાંજલિ સમયે હાજરી આપવા જ આવીએ.

એક બીજા વક્તા શ્રદ્ધાંજલિ આપવા ઊભા થાય કે તરત મૃતદેહના કોફીન સામે બે હાથ જોડીને, ગળગળા થઈ જવાના અભિનય સહિત શરૂ કરે – ‘દાદા …’ શ્રોતાઓમાંથી કોઈ સુધારે – ‘દાદા નથી, દાદી છે.’ એ સાંભળીને સુધારી લે કે – ‘દાદી … છેલ્લા દિવસોમાં તમે મને ફોન કરી કરીને કહેતા કે’ સુધાકર, પેલું ભજન સંભળાવ ને ! અને મને તમારી પાસે આવવાવો સમય જ ન મળ્યો.’ આવો, આપણે બધા ‘બા’નું પ્રિય ભજન ગાઈને તેમને અંજલી આપીએ’. અને પછી એક લાં..બ્બુ ભજન એમના ખોખરા સ્વરે આપણા માથે ઠપકારે. પાછું આ જ નાટક બીજી કોઈ ડોશીના ફ્યુનરલમાં યે સાંભળવાની આપણે તૈયારી રાખવાની.

હવે તો, ફ્યુનરલ ૧૧ વાગ્યે હોય તો હું ૧૨ કે સવા બાર વાગ્યે જ જઉં અને વિઝીટર્સ બુકમાં નામ લખીને, કોરીડોરમાં સોફા પર જ બેસું છું અને પુષ્પાંજલિ સમયે, લાઈનમાં ઊભો રહીને, મૃતદેહ સમક્ષ નતમસ્તકે ઊભો રહી, મૃતકના અન્ય પરિવારજનો, મારી હાજરીની નોંધ લે એ રીતે, પુષ્પાંજલિ કરીને, દરવાજા પાસે લાઇનસર ઊભેલા પરિવારજનોને ભેટીને કે જયશ્રીકૃષ્ણ કરીને વિદાય લઉં છું.

ફ્યુનરલની આગલી સાંજે મૃતકના નિવાસસ્થાને ભજન રાખ્યા હોય ત્યાં જવાનું હું ટાળી દઉં છું. એના બે કારણો –  એક તો, સૂતકીને ઘેર જવાથી યે સૂતક લાગે અને કપડાં બોળીને મારી પુષ્ટિમાર્ગીય ભક્તાણી પત્ની મને નવડાવે. અને બીજું, એમના નિવાસસ્થાન પાસે પાર્કીંગ ન મળે અને દૂરદૂર ગાડી પાર્ક કરીને ચાલવું પડે. સોફામાં બેસવાની જગ્યા ન મળે અને નીચે શેતરંજી પર બેસવું પડે તો ટાંટિયા વળતા નથી. વળી ભજન આઠ વાગ્યા પછી જ હોય એટલે રાત્રે ડ્રાઇવ કરવું પડે.

અમુક સમજુ સજ્જનો ફ્યુનરલમાં ચોક્સાઈપૂર્વક અમુક સમયમર્યાદામાં પ્રસંગને સમેટી લેતા હોય છે. બિનજરૂરી વક્તાઓને કે ચીટકુ વિદ્વાનોને માઈક આપવાનું ટાળે છે.

મેં તો મારા રજિસ્ટર્ડ વીલમાં લખી દીધું છે કે મારા અવસાન પછી, ‘દેહદાન’ જ કરી દેવું.

નો ફ્યુનરલ …     નો  શ્રદ્ધાંજલિઓ ….    નો ભીષ્મસ્તુિતઓ …

લખ્યા તારીખ :- બીજી ઓક્ટોબર ૨૦૧૫

https://gadyasarjan.wordpress.com/2015/10/02/funeral-ek-hasya-lekha-navin-banker/

Loading

ગાંધીજીના જીવનકાળની દોઢ સદી બાદ તેમના વિશે મૌલિક કહેવાનું અતિશય મુશ્કેલ

સુદર્શન આયંગાર|Gandhiana|2 October 2015

ગાંધી પોકારે છે, આપણે સાંભળીશું?

મનુષ્યમાં રહેલી સારપને બહાર કાઢવા અને તેના આત્માના વિકાસ માટે ગાંધીજીએ ચિત્તશુદ્ધિને અનિવાર્ય ગણી

ગાંધીજીના જીવનકાળની લગભગ દોઢ સદી બાદ તેમના વિશે કંઈ મૌલિક કહેવાનું અતિશય મુશ્કેલ છે. કારણ ઘણું લખાયું અને બોલાયું છે. પણ સ્મૃિતયોગ્ય કાળ અને ગાંધીજી જેવા મહાન આત્મા વિશેની આપણી સહિયારી સમજને સમયાંતરે વાગોળતા રહીએ, તો સ્વસ્થ સમાજનવરચનાની અવિરત પ્રક્રિયાને સાચી દિશા મળે. વૈશ્વિક સ્તરે એક સ્વીકૃતિ બની છે કે મનુષ્ય પ્રજાતિએ પોતાના સમગ્ર અસ્તિત્વકાળમાં છેલ્લા શતકમાં અજોડ ભૌતિક સુવિધાઓ ઊભી કરી છે. એ માટે  સક્ષમ સાબિત થયેલા વિજ્ઞાન અને ટેકનોલોજીથી આવનાર સમયમાં તમામ મુશ્કેલીઓ પણ હલ કરી શકાશે તેવો અંહકાર વ્યાપક બન્યો છે. ઉપરાંત એ અહેસાસ પણ તીવ્રતાથી કરાવાઈ રહ્યો છે કે વ્યક્તિથી દેશ સુધી કોઈ પણ સ્તરે ભૌતિક સમૃદ્ધિ – સુખાકારી હાંસલ કરવા માટે સાધનશુદ્ધિ આવશ્યક નથી. 

૨૨-૧૦-૧૯૨૫ના 'યંગ ઇન્ડિયા'ના એક અંકમાં ગાંધીજીએ ‘એક ગોરા મિત્ર’ના પત્રનો ઉલ્લેખ કરી, તેમણે ગણાવેલાં સાત સામજિક પાપો અંગે બુદ્ધિથી આગળ જઈ મનોમંથન કરવા વાચકોને સૂચવ્યું હતું. તે હતાં ઃ સિદ્ધાંતવિહીન રાજનીતિ, શ્રમવિહીન સંપત્તિ, નીતિવિહીન વ્યાપાર, ચરિત્રવિહીન શિક્ષણ, માનવતાવિહીન વિજ્ઞાન, વિવેકવિહીન વિલાસાનંદ, અને ત્યાગવિહીન પૂજા. વિધિની વક્રતા છે કે આજે આ સાતે સામાજિક પાપો સમાજમાં પ્રચૂર માત્રામાં સામાજિક મંજૂરી સાથે આચરવામાં આવી રહ્યાં છે. પરિણામે પામી ગયેલાનો નાનકડો વર્ગ અને રહી ગયેલાનો મોટો વર્ગ – એમ સંપૂર્ણ માનવતા ઝડપથી વહેંચાઈ રહી છે. વિગ્રહના એંધાણ છે. ગાંધીજીની જીવનયાત્રા દરમિયાન નીતિમત્તા અને પારદર્શિતાના આભામંડળમાં સામાન્ય માણસ પણ અનીતિ કરતાં શરમાતો હતો. ગાંધીજીની અનુપસ્થિતમાં સંકોચ અનુભવ્યા વગર ગૌરવભેર તેમની વાતની અભિવ્યક્તિ અને તેને વ્યક્તિગત સ્તરે આચરણમાં લાવવાનો સંકલ્પ જ આપણને કર્તવ્યપરાયણ બનાવશે. 

ગાંધીજી વિશે જાણવા બહુ શોધખોળની જરૂર નથી. ગાંધીજીની આત્મકથા, જેને તેમણે ‘સત્યના પ્રયોગો’ તરીકે ઓળખાવી છે, એના આધારે કહી શકાય છે કે તેઓ એક સામાન્ય પુરુષ જ હતા. સંકલ્પ, તપ, સાધના સાથે અંગત અને જાહેર જીવનમાં સાધનશુદ્ધિ દ્વારા તેઓ અાધ્યાત્મિક અને સામાજિક ઊંચાઈ પર પહોંચ્યા. અસામાન્ય સિદ્ધિઓ છતાં પોતાની મર્યાદાઓ વિશે તે સભાન હતા. ‘મારા ભૂતકાળના જીવન ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઇશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે … અને મારું રાજપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવાવું પણ એ જ વસ્તુને આધીન છે'. (આત્મકથાની પ્રસ્તાવના) અંતમાં તે લખે છે, 'જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઇચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતપોતાને વિશે વાપરવું જોઈએ, તે પ્રમાણે હું અવશ્ય કહું કે, ‘મો સમ કોન કુટિલ ખલકામી / જિન તિનુ દિયો તાહિ બિસરાયો / એસો નિમકહરામી.’

આ સામાન્ય પુરુષની અસામાન્યતા શું? ઇંગ્લેંડના અભ્યાસકાળથી જોયેલી પશ્ચિમની દુનિયાએ ત્યાંનો માનવી બુદ્ધિબળે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો આશરો લઈ મુખ્યત્વે શારીરિક અને ભૌતિક સુખાકારી અને કલ્યાણની દિશામાં અગ્રેસર હોવાની પ્રતીતિ કરાવી. તેનાં નકારાત્મક પાસાં — લોભ, કામ, મત્સર, અનુરાગ, ક્રોધ–માં વધારાની સાથે હિંસક અને વિધ્વંસક બળો વધતાં માનવીય મૂલ્યોનો થતો હ્રાસ છે. અહિંસક સમાજનું સ્વરૂપ જણાવવાના હેતુથી તેમણે ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ લખ્યું. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે ચાલતા આંદોલન દરમિયાન માનવીય મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારા લોકોનો મેળાપ અને એ શક્તિનું અહિંસાના માર્ગે પ્રાગટ્ય થયું. મનુષ્યમાં રહેલી સારપને બહાર કાઢવા અને તેના આત્માના વિકાસ માટે ગાંધીજીએ ચિત્તશુદ્ધિને અનિવાર્ય ગણી. ચિત્તશુદ્ધિના પ્રયોગ સમૂહજીવનમાં થાય અને તેના માટે આશ્રમો સ્થાપી તેમાં રચનાત્મક કાર્યો ગોઠવ્યાં. અન્યાયી તંત્રને બદલવા અહિંસક સત્યાગ્રહ કર્યો.

૧૯૧૫માં, આજથી ૧૦૦ વર્ષ પહેલાં, બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા સ્વરૂપે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા. દેશમાં ચાલી રહેલા સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. દેશવાસીઓને પોતાનાં વાણી, વ્યવહાર અને કાર્યક્રમ વડે માનવસમાજની દિશા વિનાશાત્મક હોવાનું સમજાવ્યું. આ વાતને બે વિશ્વયુદ્ધોએ સમર્થન આપ્યું. ગાંધીજીએ દેશની આઝાદી અને પરિવર્તન માટેનો રાહ સુઝાડ્યો. વ્યક્તિસ્તરે ચિત્તશુદ્ધિની વાત મૂકીને આશ્રમોમાં તેના અભ્યાસની તક ઊભી કરી. સમગ્ર દેશમાં રચનાત્મક કાર્યો ગોઠવ્યાં. અંગ્રેજોને હાંકી કાઢવા અહિંસક સત્યાગ્રહો કર્યા. દેશને આઝાદી મળી, પરંતુ  આપણે સૌ ગાંધીજી અને તેમના સાથીદારોની ઊંચી નૈતિકતા ભૂલ્યા અને ચાલ્યા એ જ માર્ગે જેની સામે ગાંધીજીએ ગંભીર ચેતવણી ઉચ્ચારી હતી. આતંકવાદ, ભ્રષ્ટાચાર અને હિંસાના આજના માહોલમાં ગાંધીજીની વિચારસરણી કેટલી પ્રસ્તુત? અરે! બાપુએ તો સમગ્ર જીવન, અને મૃત્યુ પણ, વ્યક્તિ, સમષ્ટિ અને પ્રકૃતિ સાથે સંવાદિતા સાધવાની તપસ્યામાં વિતાવ્યું. આપણે એમને પૂરેપૂરો છેહ દીધો છે.

ગાંધીજીએ બ્રિટિશ સંસદને વેશ્યા અને વાંઝણી કહી હતી. આજે આપણે ત્યાં જમીન, જંગલ, ખનીજ, પાણી અને સરકારી સત્તા દ્વારા વેપાર કરી શકાય એ બધાની ધૂમ દલાલી ચાલે છે. ધન, સત્તા, બાહુબળ, અને એ સર્વે મેળવવા-જાળવવામાં છળને મળેલી સમાજસ્વીકૃતિનાં પરિણામ હિંસા, ભ્રષ્ટાચાર, અત્યાચાર અને બળાત્કાર જ હોઈ શકે. સામાજિક ક્ષેત્રે આ તમામ પરિબળો જ્ઞાતિવાદ અને કોમવાદને વકરાવી હિંસા ફેલાવી રહ્યાં છે. બહુધા બૌદ્ધિકો કાં તો પશ્ચિમી વિચારસરણી અને જીવનદર્શન પર આફરીન થયા છે, કાં તો વેચાઈ ગયા છે. સંવેદનહીન બનેલા તેઓ માનવીય અને તેથી નૈતિક પાસાંને ખતમ કરનારાં પરિબળો સાથે ભળીને નર્યા ભોગવાદમાં લિપ્ત થઈ રહ્યા છે. પ્રકૃતિ પર વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી સંપૂર્ણ અંકુશ રાખી ભૌતિક સમૃદ્ધિની રેલમછેલ માણી શકાય, તેમ માનનાર આ વર્ગ નવા ગ્રહો-ઉપગ્રહોને સર કરી ત્યાંનાં સંસાધનોનું શોષણ કરવા સંસ્થાનો કરવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે! 

પણ શાણો અને અહિંસક સમાજ બનાવવાની ખેવના હજી સંપૂર્ણ મરી પરવારી નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્ષ ૨૦૦૭ની બીજી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવવાના ઠરાવને સ-નમન અને સ-મન સ્વીકારીએ. ચિત્તશુદ્ધિ દ્વારા વ્યક્તિને બદલીએ. તંત્રપરિવર્તનની દિશામાં આ પહેલું પગલું છે. આ તપસ્યા વધે તો જીવનશૈલી સાદી થશે, નવાં રચનાત્મક કાર્યો ગોઠવાશે. નવી વ્યવસ્થાઓમાં ઓછી ઊર્જા વાપરીશું તો આપમેળે ગ્લોબલ વૉર્મિંગનું સંકટ ઓછું થશે. સ્થૂળ અને સૂક્ષ્મ હિંસાના ક્ષય માટે શોષણમુક્ત સમાજ પૂર્વશરત છે. આપણે એ પણ ભૂલી ગયા કે ખાદી એ માત્ર વસ્ત્ર નથી, પર્યાવરણની જાળવણી માટેનું યોગ્ય પરિધાન છે. છતાંય પ્રતિકૂળ પરિબળો અડચણો ઉપસ્થિત કરશે તો નવા સત્યાગ્રહોના મંડાણ કરવા પડશે. ગાંધી જયંતી નિમિત્તે એ મહામાનવ માટે માનવતાની શ્રદ્ધાંજલી આ જ હોઈ શકે. 

સૌજન્ય : ‘ગાંધીમાર્ગ’, “દિવ્ય ભાસ્કર”, 02 અૉક્ટોબર 2015

Loading

...102030...3,6823,6833,6843,685...3,6903,7003,710...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved