Opinion Magazine
Number of visits: 9552178
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી સાહિત્ય પરિષદને સો વર્ષ, પછી?

રમણ સોની|Opinion - Literature|6 October 2015

આઠમા દાયકાના ઉત્તરાર્ધમાં, પરિષદના પોતાના મકાન ‘ગોવર્ધન-ભવન’નું નિર્માણ થયું. ‘નદીકિનારે’ એવું એનું સરનામું શોભતું હતું. એ જ વર્ષોમાં ગુજરાતી સાહિત્યના સંપાદિત ઇતિહાસના ચાર ખંડો (૧૯૭૩થી ૧૯૮૧) તૈયાર થઈ ચૂક્યા હતા અને ઉમાશંકર જોશીએ એમાં સીધો, સક્રિય રસ લીધો હતો. તે અગ્રણી સંપાદક હતા, એટલું જ નહીં, નરસિંહ મહેતા વિશેનું એક પ્રકરણ પણ એમણે એમાં (ખંડ-૧માં) લખેલું. એ જ અરસામાં (૧૯૮૦) ‘ગુજરાતી સાહિત્યકોશ’ની યોજના આરંભાઈ હતી. જયંત કોઠારી જેવા ઉત્તમ સંશોધક વિદ્વાનની એના મુખ્ય સંપાદક તરીકે વરણી થઈ હતી. ત્રણ ખંડમાં પ્રકાશિત આ સાહિત્યકોશને પરિષદનું કદાચ એક સૌથી વધારે મહત્ત્વનું પ્રદાન ગણવાનું થશે. ૧૯૮૨ આસપાસ પરિષદ-સંચાલિત સંશોધનની સંસ્થા તરીકે ક.લા. સ્વાધ્યાયમંદિર રચાયું ને ચંદ્રકાન્ત શેઠ એના પહેલા નિયામક થયા. ભાષાવિજ્ઞાન વિશેનું જ એક સ્વતંત્ર સામયિક ૧૯૭૮થી હરિવલ્લભ ભાયાણીના સંપાદન-માર્ગદર્શનમાં પરિષદે આરંભેલું જે ચંદ્રકાન્ત શેઠ અને પછી ચંદ્રકાન્ત ટોપીવાળાના સંપાદનમાં ભાષાવિજ્ઞાન ઉપરાંત સાહિત્યવિવેચનવિચારના સામયિક તરીકે ચાલતું રહ્યું. પરિષદની આ એક ગૌરવ-પ્રતિષ્ઠ પ્રવૃત્તિ હતી. સાહિત્યકોશનો પ્રથમ ખંડ ૧૯૮૯માં પ્રગટ થયો …

ઊંચી સાહિત્યવિવેચન-સજ્જતા ઉપરાંત વહીવટી ક્ષમતા ધરાવતા ચંદ્રકાન્ત ટોપીવાળા ક.લા. સ્વાધ્યાયમંદિરના નિયામકપદે આવ્યા ને એમણે પરિષદમાં વિદ્યાપ્રવૃત્તિનો હાથ ઉપર રાખ્યો. ક.લા. સ્વાધ્યાયમંદિરના અન્ય સંશોધકોને સાથે રાખીને – ૧૯૮૬માં ‘સાહિત્યસંજ્ઞા કોશ’ અને એની પૂર્તિરૂપે, ૧૯૮૮માં ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ’ એમણે કરી આપ્યા અને સાહિત્યકોશનો બીજો(૧૯૯૦)ને ત્રીજો (૧૯૯૬) ખંડ પ્રગટ કર્યા. ક.લા. સ્વાધ્યાયમંદિરની, સાહિત્ય-સંશોધનની સંસ્થા તરીકે કાર્યક્ષમ પ્રસ્તુતતા ઊભી થતી રહી ને એણે પરિષદનું ગૌરવ વધાર્યું.

આ દાયકાઓ દરમિયાન પરિષદ મંત્રી રઘુવીર ચૌધરી એમની વહીવટી દક્ષતાથી ને વ્યવહારપટુતાથી પરિષદની લોકાભિમુખ પ્રવૃત્તિઓ તેમ જ એની વિદ્યાભિમુખ પ્રવૃત્તિઓને સંકલિત કરતા રહ્યા. પરિષદ ભવન ઊભું કરવામાં પણ એમની સક્રિયતાનો ફાળો ઘણો મહત્ત્વનો હતો. પરંતુ પછી વહીવટીતંત્ર પર વધુ ભાર મૂકાતો રહ્યો, એમાં ય એમનો ફાળો જ મહત્ત્વનો બનતો રહ્યો. ઉપર ઉલ્લેખાયેલ સમયગાળામાં પણ આ વહીવટી દાબનો અનુભવ, એમાં કાર્યરત વિદ્વાનોને પણ થતો રહેલો.

વિદ્યાપ્રવૃત્તિ મંદ કે નબળી પડતી જાય ને કેવળ તંત્ર-પરકતા વધતી જાય, ત્યારે સાહિત્યસંસ્થાને સામાજિક રાજકીય સંસ્થાથી જુદી પાડવી મુશ્કેલ બનતું જાય. સંસ્થાને એક શિખરે પહોંચાડ્યા પછી અગ્રણી પાછો વળી જાય ને બીજાઓની ક્ષમતાને માર્ગ કરી આપે એ ઇષ્ટ પરંપરા ન પળાઈ. મંત્રી રૂપે, ખજાનચી રૂપે, પ્રમુખ રૂપે, ટ્રસ્ટી રૂપે રઘુવીર કેન્દ્રમાં જ રહેતા ગયા (ટ્રસ્ટી પણ બધી જ સભા-બેઠકો-સમિતિઓમાં પોતાની સક્રિય ઉપસ્થિતિ રાખે એવી ‘પરિપાટી’ સુદ્ધાં એમણે ઊભી કરી). અર્પણને કેવળ અને કેવળ વિધાયક રહેવા દેવું જોઈએ – એ ન થયું. સંગીન વિદ્યાપ્રવૃત્તિનો અભાવ (ગયા આખા દાયકા ઉપર) વિસ્તરતો ગયો ને વહીવટકારની મુદ્રા પ્રભાવક બનતી ગઈ …

[‘પ્રત્યક્ષ’, ઑક્ટોબર – ડિસેમ્બર ૨૦૦૫]

e.mail : ramansoni46@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 12

Loading

વંચિતોને વહારે આવનાર સનત મહેતા

તુલસીપુરી ગોસ્વામી|Samantar Gujarat - Samantar|6 October 2015

અમદાવાદ જેવા મહાનગરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે કામ કરતાં- કરતાં ડૉ. નાનકભાઈ ભટ્ટને મળવાનું થયું અને તેમની સાથે મુલાકાત દરમિયાન શ્રમિક વિકાસ સંસ્થાન-વડોદરા દ્વારા ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં વંચિતોની વેદનાને વાચા આપી અને સામાજિક ન્યાય સાથે ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા વિશે જાણી હું પણ આ પ્રકારની કામગીરી કરવા માટે પ્રેરાયો, ત્યારે ડૉ. નાનક ભટ્ટ સંસ્થાના નિયામક તરીકે સેવા આપતા હતા. સૌપ્રથમ વડોદરા સંસ્થાના મુખ્ય કાર્યાલયમાં તેઓના માધ્યમથી ૧૯૯૪માં મુ. સનત મહેતાસાહેબને રૂબરૂ મળવાનું થયું અને ત્યાર બાદ ત્રણેક માસ સુધી મુખ્ય કાર્યાલયમાં કામગીરી કરવાનો અને સંસ્થાની પ્રવૃત્તિઓ જાણવાનો અવસર મુ. સનત મહેતાના સાંનિધ્યમાં પ્રાપ્ત થયો. જેને હું મારા જીવનનો અમૂલ્ય સમય અને મોકો ગણું છું. તેઓની પાસેથી સમયબદ્ધતા, કામનો ત્વરિત નિકાલ, લોકોના પ્રશ્નોને સાંભળી યોગ્ય ન્યાય મળે તેવું આયોજન કરવું, વ્યક્તિની ભૂલ હોય તો તરત જ જણાવવું. સતત વાંચન, લેખન અને નવું વિચારવું, જે શીખવા મળે તે જોવા મળ્યું છે. હા, ચોક્કસ કહીશ કે મહેતાસાહેબ ગુસ્સો બહુ કરે પરંતુ થોડા સમય પછી ફરીથી આપણને બોલાવી સાચી સમજ આપે, ઉપરાંત અન્ય નવી વ્યક્તિઓ સાથે પરિચય કરાવે અને આપણું મિત્રવર્તુળ મોટું બનાવડાવે. આમ ત્રણ માસના ટૂંકા ગાળાના સમયમાં ઑફિસના તેઓના સાંનિધ્યમાં કામ કરવામાં ઘણું જાણવા અને શીખવા મળ્યું જે મારા માટે અસ્મરણીય રહેશે.

ત્યાર બાદ આ સંસ્થાના મોટી ધરાઈ, તા. વલભીપુર, જિ. ભાવનગર સેન્ટરમાં ફિલ્ડ કાર્યકર તરીકે ભાલ વિસ્તારનાં ગામોમાં સોનાજીભાઈ પંચાસરાની સાથે રહીને સામાજિક પ્રવૃત્તિ એક વર્ષ કરવાની તક મળી અને પછી તો ભરૂચ જિલ્લાના અંતરિયાળ એવા વાગરા તાલુકામાં ૧૯૯૫થી ૨૦૧૧ સુધી ૧૫ વર્ષ કરતાં પણ વધુ સમય મહેતાસાહેબના સતત માર્ગદર્શન હેઠળ આશ્રમશાળા આઈ.ટી.આઈ., લીગલ સેન્ટર, સંસ્કારકેન્દ્ર, સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ જળસ્રાવ વિસ્તાર વિકાસ-કાર્યક્રમ, આંખોના નેત્રનિદાન કૅમ્પ, ખેડૂત સંમેલન અને લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મશતાબ્દી-વર્ષ નિમિત્તે વાગરા શૈક્ષણિક સંકુલને પ્રખર ગાંધીવાદી ચુનીકાકા વૈદ્યના અધ્યક્ષપદે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીના મુખ્ય મહેમાનપદે ‘લોકનાયક જયપ્રકાશ નારાયણ સંકુલ’ નામાભિધાન કરવામાં આવ્યું, ત્યારે મુ. સનત મહેતાએ જણાવેલ કે વાગરા મતવિસ્તારની વિધાનસભાની બેઠક પર સૌ પ્રથમ વખત સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં હું પરાજિત થયો છતાં પણ આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણીને ધ્યાને લઈ અને ૧૯૮૮/૮૯થી ગંધાર તેલક્ષેત્રે વિસ્તાર વિકાસ-કાર્યક્રમ અંતર્ગત પ્રવૃત્તિઓ શરૂ કરી, જેના પાયાના કાર્યકર રમણભાઈ કે. ચૌહાણે તેઓની મહેનત-અથાગ પરિશ્રમ અને લોકો સાથેના બેઠક-પરિચય દ્વારા આઈ.ટી.આઈ., બક્ષી પંચ આશ્રમશાળા તેમ જ યુવકો, બાળકો, મહિલાઓ માટેની વિવિધ પ્રવૃત્તિઓ સરકારશ્રીની યોજનાઓના અમલીકરણ ચલાવવાની શરૂ કરી. ૧૦૦ કરતાં પણ વધારે કાર્યકરોને સામેલ કરી રોજગારી અને ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓ સાથે જોડાયા જેમાં મારું યોગદાન પણ મહદ્દઅંશે રહ્યું, પરંતુ દરેક કાર્યક્રમમાં મહેતાસાહેબનું માર્ગદર્શન સતત મળતું રહ્યું અને તેના કારણે પાંચ એકર જમીનમાં સંસ્થાનું સ્વતંત્ર ઇન્ફાસ્ટ્રક્ચર સાથેનું સંકુલ ઊભું કરી શક્યા. હા, આ બધી પ્રવૃત્તિઓ કરવામાં અનેક આર્થિક, સામાજિક, રાજકીય મુશ્કેલીઓ આવી પરંતુ જેના લીડર (સેનાપ્રમુખ) બાહોશ અને અનુભવી હોય, તેને કોઈ આંચ આવતી નથી. આમ, અમો જાતે પણ અને કાર્યકરો પણ તૈયાર થયા. મહેતાસાહેબ કહેતા, આપણું કામ નર્સરી જેવું છે. રોપો તૈયાર કરવાનો, વટવૃક્ષ જાતે બની જશે અને આવા અનેક દાખલા છે કે સંસ્થાના કાર્યકરો આચાર્ય, ઇજનેર રાજકીય કાર્યકર વર્ગ-૧ના અધિકારી સુધી પહોંચ્યા છે અને સાહેબને યાદ કરશે તેમાં મારો પણ સમાવેશ થાય છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, તે ઉક્તિ અનુસાર તા. ૨૦-૮-૧૫ના સાહેબના અવસાનના સમાચાર જાણ્યા ત્યારે ખરેખર અમે એક વડીલની છત્રછાયા ગુમાવી છે, તેવું દુઃખ થયું, પરંતુ દુનિયામાં ખરેખર જરૂર છે, તેવી વ્યક્તિને આકસ્મિક આપણાં વચ્ચેથી આપણને છોડીને જવાના સમાચાર મળે છે ત્યારે ખૂબ જ આંચકો લાગે છે, પરંતુ તેઓનાં અધૂરાં કામો સાથે મળી પૂરાં કરીશું તે મહેતાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ હશે.

‘જલ કી શોભા બૂંદ સે, ઉપવન કી શોભા ફૂલ,
હમારી શોભા આપસે, ઉસે ન જાયે હમ ભૂલ.’

એ-૯, પાવનપુરી વિભાગ-૧, જી.પી. કૉલેજરોડ, ભોલાવ, મુ. ભરૂચ – ૩૯૩ ૦૦૧

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 16

Loading

૨૦૧૯માં મતદાતાઓ પસંદગી કરે એ પહેલાં વડા પ્રધાને હવે વિકાસ અથવા હિન્દુત્વમાંથી એકની પસંદગી કરી લેવી જોઈએ

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|5 October 2015

છેલ્લાં બસો-અઢીસો વર્ષમાં હજારેક કોમી હુલ્લડોની ઘટનાઓમાં ગાય અને વાજિંત્રો સરખાં કારણો તરીકે આગળ કરવામાં આવે છે. અઢીસો વર્ષ, કોમી હુલ્લડોની હજાર ઘટનાઓ અને છતાં એકનું એક બહાનું કામ કરે એ તો આશ્ચર્ય છે. કાં તો પ્રજા બેવકૂફ છે અને કાં ધાર્મિક અનુયાયીઓની ઉશ્કેરાયેલીઓ લાગણી માત્ર એક બહાનું જ છે, બાકી બધું જ કોમવાદીઓનું આયોજન હોય છે

વડા પ્રધાન અમેરિકામાં બહુરાષ્ટ્રીય કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરોને ભારતની ગ્રોથ-સ્ટોરી વેચી રહ્યા હતા ત્યારે ઘરઆંગણે દિલ્હીની ભાગોળે દાદરી નજીક બિસાહડા નામના ગામમાં એક મુસલમાનને જીવતો મારી નાખવાની તૈયારી ચાલતી હતી. વડા પ્રધાને રજૂ કરેલી ભારતની ભવ્ય ગ્રોથ-સ્ટોરી વાગોળતાં-વાગોળતાં કંપનીના સંચાલકો ઘરે જઈ રહ્યા હતા ત્યારે બિસાહડા ગામના મંદિરના પૂજારીએ ગામના લોકોને એકઠા કરીને કહ્યું હતું કે ‘મેં પોતે સગી આંખે ઇખલાકના ફળિયામાં મારેલી ગાયના અવશેષ જોયા છે. તે ગોમાંસ ખાય છે અને વેચે છે. અત્યારે જો તમે તેના ઘરે જશો તો તેના ફ્રિજમાં ગોમાંસ મળી આવશે.’ હિન્દુઓનું ઉત્તેજિત ટોળું ઇખલાકના ઘરે ગયું હતું અને તેને ઢોરમાર મારીને મારી નાખ્યો હતો. ઇખલાકના દીકરાને પણ મારવામાં આવ્યો હતો જે અત્યારે મૃત્યુ સામે સંઘર્ષ કરી રહ્યો છે.

નરેન્દ્ર મોદીની ભવ્ય ગ્રોથ-સ્ટોરી અને દાદરીની ઘટના વચ્ચે આમ તો કોઈ સીધો સંબંધ નથી અને છે પણ. સંબંધ એટલા માટે કે વડા પ્રધાન નાટકની ઠરાવેલી સ્ક્રિપ્ટ મુજબ ગ્રોથ-સ્ટોરી વેચે છે અને તેમના પ્રધાનો હિન્દુત્વ વેચે છે. આ ઉપરાંત સંઘપરિવારને મોસાળમાં જમણ અને મા પીરસનારી એમ પૂરી મોકળાશ છે. ઠરાવેલી સ્ક્રિપ્ટ મુજબ વડા પ્રધાન મોઢું ખોલતા નથી અને પ્રધાનો અને પ્રવક્તાઓ જે વાતો કરે છે એને જો સિલિકૉન વૅલીમાં કહેવામાં આવે તો ભારતને મોઢું બતાવવા જેવું ન રહે. વડા પ્રધાન કદાચ ભ્રમમાં છે કે વિશ્વસમાજ તેમનો બીજો અને તેઓ જે વિચારધારામાંથી આવે છે એ પરિવારનો સાચો ચહેરો જાણતો નથી. હવે સમય આવી ગયો છે જ્યારે વડા પ્રધાને અને કેન્દ્ર સરકારે વિકાસ અને હિન્દુત્વમાંથી એકની પસંદગી કરી લેવી જોઈએ. ક્યાંક બાવાના બેઉ ન બગડે એવું ન બને એ માટે આ જરૂરી છે.

બે સંભાવના છે. એક સંભાવના એવી છે કે સંઘપરિવાર સાથે પાછલે બારણેથી હિન્દુત્વની પ્રવૃત્તિ કરવાની ગોઠવણ થઈ છે અને એમાં કેન્દ્ર સરકારની, ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્ય સરકારોની અને પરિવારની ભાગીદારી છે. બીજી સંભાવના એવી છે કે પરિવારનાં સંગઠનો અને સ્વયંસેવક ગાંઠતાં નથી. મને પહેલી સંભાવના વધુ નજરે પડે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પરિવારને હાંસિયામાં ધકેલી શકે અને વડા પ્રધાન તરીકે સ્પષ્ટ બહુમતી હોવા છતાં લાચાર હોય એ શક્ય નથી. એવું બને કે દિલ્હી સુધી પહોંચવા માટે પરિવારને હાંસિયામાં ધકેલી દીધો હોય અને પરિવારે હાંસિયામાં રહેવાનું મંજૂર કર્યું હોય. એ પણ કદાચ એક સમજૂતી હશે.

આવો ઇશારો કરવો પડે છે એનું કારણ વડા પ્રધાન પરત્વેનો પૂર્વગ્રહ નથી; પરંતુ કેન્દ્ર સરકારના પ્રધાનો, પક્ષના પ્રવક્તાઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શેષાદ્રિ ચારીનાં કથનો છે. જેની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરવી જોઈએ એનો બચાવ કઈ રીતે થઈ શકે? મહેશ શર્મા નામના કેન્દ્રના પ્રધાને કહ્યું હતું કે હુમલાખોરો એટલા સંસ્કારી હતા કે તેમણે ઇખલાકની જુવાન છોકરીને હાથ પણ નહોતો લગાડ્યો. બાકી એ ઘટના ઉશ્કેરાટના કારણે બની હતી. આ એ બત્રીસલક્ષણા ભાઈ છે જેમણે હજી ગયા અઠવાડિયે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. કલામનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેઓ મુસલમાન હોવા છતાં દેશભક્ત હતા. શેષાદ્રિ ચારીએ મુસલમાનોને સલાહ આપી હતી કે તેમણે હિન્દુઓની ગાય માટેની ભાવનાનો આદર કરવો જોઈએ, મુસલમાનોએ ગુડ મુસલમાન બનવું જોઈએ. ડાહી સાસરે જાય અને ઘેલી શિખામણ આપે એમ બૅડ હિન્દુઓ મુસલમાનોને ગુડ મુસલમાન બનવાની સલાહ આપે છે. જો કોઈ પણ પ્રકારના બચાવ વિના ઘટનાની નિંદા કરવામાં આવી હોત તો ભાગીદારીની શંકા કરવા માટે કોઈ કારણ ન રહેત.

હવે રવિવારના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં જે સ્ટોરી પ્રગટ થઈ છે એ જોઈને છેડા મળી રહ્યા છે કે નિર્વિવાદ નિંદનીય ઘટનાનો બચાવ શા માટે કરવામાં આવી રહ્યો છે. મંદિરના પૂજારીએ કબૂલ કર્યું છે કે તેણે નહોતો ઇખલાકને ગાયને મારતા જોયો કે નહોતા તેના ફળિયામાં ગાયના મૃતદેહના કોઈ અવશેષ જોયા. તેને તો આ રીતે કહેવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણે ખોટું બોલવાની ના પાડી ત્યારે તેને ધમકાવવામાં આવ્યો હતો. છેવટે દબાણ હેઠળ આવીને તેણે ગામના લોકોને એકઠા કર્યા હતા અને જૂઠી કહાની સંભળાવી હતી. એ પછી લોકોને ઉશ્કેરવાનું કામ એ લોકોએ કર્યું હતું જેમણે પૂજારીને જૂઠું બોલવાની ફરજ પાડી હતી. જે ત્રણ યુવકો સામે આરોપ છે એમાંનો એક ભારતીય જનતા પાર્ટીના દાદરીના ભૂતપૂર્વ વિધાનસભ્યનો પુત્ર છે અને બીજો હોમગાર્ડનો જવાન છે. હોમગાર્ડનો જવાન પૂજારીને ધમકાવવા અને ફરજ પાડવા ખાસ યુનિફૉર્મ પહેરીને રાતે મંદિરે ગયો હતો.

ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારથી કોમી હુલ્લડો થાય છે અને એમાં ગાયનો અને વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લાં બસો-અઢીસો વર્ષમાં એકાદ હજાર કોમી હુલ્લડોની ઘટનાઓમાં ગાય અને વાજિંત્રો એકસરખાં કારણો તરીકે આગળ કરવામાં આવે છે. કાં તો કોઈ મુસલમાને ગાયને મારી હોવાની અફવા ઉડાડવામાં આવે છે, કાં મંદિરમાં માંસના લોચા ફેંકવાની ઘટના બને છે જે ગાયના હોવાનું અને મુસલમાનોએ ફેંક્યા હોવાનું કહેવામાં આવે છે, કાં નમાજના સમયે મસ્જિદની બહાર વાજિંત્રો સાથે જુલૂસ કાઢવાની ઘટના બને છે. અઢીસો વર્ષ, કોમી હુલ્લડોની એકાદ હજાર ઘટનાઓ અને છતાં એકનું એક બહાનું કામ કરે એ તો આશ્ચર્ય છે. કાં તો પ્રજા બેવકૂફ છે અને ઉશ્કેરાઈ જાય છે અને કાં ધાર્મિક અનુયાયીઓની ઉશ્કેરાયેલીઓ લાગણી માત્ર એક બહાનું છે, બાકી બધું જ કોમવાદીઓનું આયોજન હોય છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 05 અૉક્ટોબર 2015

http://www.gujaratimidday.com/features/columns/2015-10-05-05-28-19

Loading

...102030...3,6793,6803,6813,682...3,6903,7003,710...

Search by

Opinion

  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318
  • બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે? 
  • વૈશ્વિક સ્તરે નારી-હત્યા નાં ચોંકાવનારા આંકડા
  • ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓમાં વ્યાપેલું મીંઢાપણું ઘાતક છે …

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved