Opinion Magazine
Number of visits: 9692043
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફ્લોરેન્સ નાઇટિંગલનું ‘સ્વચ્છ ભારત’ અભિયાન

વિશાલ શાહ|Opinion - Opinion|1 February 2016

સ્વચ્છતાનાં કામમાં લોકોને જોતર્યા વિના અને લોકોને તેનાથી શું લાભ થવાનો છે એવું સમજાવ્યા વિના આપણે કદાચ સ્વચ્છતાનાં કાર્યોનો અમલ કરી શકીશું, પરંતુ એ પછી બધું અર્થહીન થઈ જશે …

ભારત સરકારે જાન્યુઆરી, ૨૦૧૬થી 'સ્વચ્છ ભારત'ની સફળતા-નિષ્ફળતા ચકાસવા સર્વેક્ષણ શરૂ કર્યું છે ત્યારે છેક દસમી ઓક્ટોબર, ૧૮૮૮ના રોજ લખાયેલા આ શબ્દો બરાબર યાદ રાખવા જેવા છે. આ શબ્દો લખનારી વ્યક્તિએ ભારતને સ્વચ્છ કરવા, રોગચાળો ફેલાય જ નહીં એ માટે, જાહેર આરોગ્યની સ્થિતિ સુધારવા, હોસ્પિટલો-દવાખાનાઓ કેવા હોવા જોઈએ, ગટર વ્યવસ્થાની ખામીઓ, પાણી અને જમીનની શુદ્ધતા, નદી-નાળાંની સ્થિતિ તેમ જ ભારત જેવા વિશાળ દેશમાં ભૂખમરાની સ્થિતિનો કેવી રીતે સામનો કરી શકાય એ તમામ વિષયો પર ઘણું લખ્યું હતું. ભારતના આ તમામ પ્રશ્નો પર તેમણે સતત ચાળીસ વર્ષ સુધી ધ્યાન કેન્દ્રિત કરીને સોનેરી સૂચનો કર્યાં હતાં. નવાઈની વાત એ છે કે, સ્વચ્છતાનાં કામમાં લોક ભાગીદારીનું મહત્ત્વ સમજાવવા આ શબ્દો જે વ્યક્તિએ લખ્યા હતાં એ ક્યારે ય

ભારત આવી જ નહોતી. આ વ્યક્તિ એટલે 'લેડી વિથ ધ લેમ્પ' તરીકે અમર થઈ ગયેલાં ફ્લોરેન્સ નાઇટિંગલ.

ઈ.સ. ૧૮૫૩માં યુક્રેનની દક્ષિણ પૂર્વે આવેલા ઓટોનોમસ રિપબ્લિક ઓફ ક્રિમીઆમાં બ્રિટન-ફ્રાન્સે રશિયા સામે જોરદાર યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં યુદ્ધમોરચે ઘવાયેલા સૈનિકોની સારવાર કરવાનું કામ ફ્લોરેન્સ નાઇટિંગલની નર્સિંગ ટીમનું હતું. એ વખતે યુદ્ધ મોરચે જઈને જીવંત અહેવાલો પીરસવાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે સ્વાભાવિક રીતે જ બ્રિટનના 'ન્યૂઝ સ્ટોરી' ભૂખ્યા અખબારોએ જનસેવા અને દેશપ્રેમના કોકટેલમાં ઝબોળેલા સમાચારો છાપીને નાઇટિંગલને રીતસરના સ્ટાર બનાવી દીધા હતા. નાઇટિંગલની તરફેણમાં આવેલા સંખ્યાબંધ અહેવાલોથી તેમને દાયકાઓ પછી ફાયદો થવાના બદલે નુકસાન થયું. ૧૩મી ઓગસ્ટ, ૧૯૧૦માં નાઇટિંગલના મૃત્યુ બાદ થયેલા કેટલાક સંશોધનોમાં એવો દાવો કરાયો કે, નાઇટિંગલનું કામ સારું હતું પણ તેમની આસપાસ દંતકથાઓ રચવાનું કામ 'સમાચાર-પીપાસુ' મીડિયાએ કર્યું હતું. જો કે, ફક્ત ક્રિમીઆ યુદ્ધમાં કરેલા કામને ધ્યાનમાં રાખીને નાઇટિંગલનું મૂલ્યાંકન કરવું એ તેમના સાથે ઘોર અન્યાય બરાબર છે.

ઈ.સ. ૧૮૫૭માં અંગ્રેજો સામે આઝાદીની લડાઈએ જોર પકડ્યું ત્યારે નાઇટિંગલનું ધ્યાન ભારતમાં જાહેર આરોગ્યની સ્થિતિ તરફ ખેંચાયું. જો કે, શરૂઆતમાં તેમનો ઈરાદો ભારતમાં રહેતા બ્રિટિશ સૈનિકોનું આરોગ્ય સારું રાખવાનો હતો, પરંતુ એ પછી તરત જ નાઇટિંગલે ભારતના સ્વચ્છતાના પ્રશ્નોને સમજવાનું શરૂ કર્યું હતું. ભારત આવી શકે એમ નહીં હોવાથી તેમણે ભારતના તમામ જિલ્લાઓની બ્રિટિશ છાવણીઓમાં સર્વેક્ષણ પણ કર્યું હતું. આ માટે તેમણે જાતે વીસ પ્રશ્નોની યાદી બનાવી હતી, જેથી તેઓ બ્રિટનમાં બેઠાં બેઠાં નકશા અને આંકડાની મદદથી ભારતની મુશ્કેલીઓ સમજી શકે. આ પ્રકારનું 'ડિસ્ટન્સ લર્નિંગ' કરીને નાઇટિંગલે બ્રિટિશ છાવણીઓના જાહેર આરોગ્યની સ્થિતિ સુધારવા સ્થાપવામાં આવેલા રોયલ કમિશન સાથે જબરદસ્ત સક્રિયતાથી પત્રવ્યવહાર કર્યો હતો. તેમણે દુકાળ, ભૂખમરો, સિંચાઈ, રહેણીકરણી, શિક્ષણ, જાહેર આરોગ્ય અને હોસ્પિટલો એમ તમામ બાબતને એકબીજા સાથે જોડીને સ્વચ્છતાના પાયાના પ્રશ્નોને સમજાવવા કમર કસી હતી.

જેમ કે, ઈ.સ. ૧૮૭૭માં દક્ષિણ ભારતમાં સતત બે વર્ષ કારમો દુકાળ પડ્યો હતો. ઈતિહાસમાં આ પ્રકરણ 'ગ્રેટ ફેમિન ઓફ ૧૮૭૬-૭૮' તરીકે જાણીતું છે. આ કુદરતી આફતમાં ૫૫ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. એ વખતે નાઇટિંગલે બ્રિટનમાં બેઠાં બેઠાં ઝીણી ઝીણી વિગતો એકઠી કરીને તાત્કાલિક કેટલાંક પગલાં લેવાની માગ કરી હતી. જૂન ૧૮૭૭માં 'ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ'માં એક ચર્ચાપત્રમાં નાઇટિંગલે મદ્રાસ પ્રેસિડેન્સીના દુકાળ વિશે કરેલી જબરદસ્ત છણાવટની નોંધ મળે છે. નાઇટિંગલનું કહેવું હતું કે, દુકાળગ્રસ્ત જિલ્લાઓને આપણે દુકાળમુક્ત જિલ્લાઓ સાથે કેનાલોની મદદથી જોડી દેવા જોઈએ. આવું કરીએ તો આપણે તમામ જિલ્લાઓ વચ્ચે સિંચાઈની વ્યવસ્થા તો ઊભી કરી શકીએ. આ ઉપરાંત સ્ટિમ બોટ એન્જિનથી એ જિલ્લા વચ્ચે અસરકારક કોમ્યુિનકેશન પણ કરી શકીએ … નાઇટિંગલ અન્ન ઉત્પાદન વધારવા અને દુકાળગ્રસ્ત વિસ્તારોમાં અન્ન પહોંચાડવા પણ સિંચાઈની આક્રમક વકીલાત કરતાં હતાં. એવું નહોતું કે, નાઇટિંગલે સૂચનો કર્યાં એ પહેલાં સિંચાઈનું કામ થતું જ નહોતું, પરંતુ આવા અનેક મુદ્દે તેમણે સંખ્યાબંધ પત્રો લખીને અંગ્રેજ શાસનને ઠાલી વાતો કરવાનું બંધ કરીને ઠોસ પગલાં લેવા ટપાર્યું હતું.

અંગ્રેજ શાસનમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્ય ક્ષેત્રે સારું કામ કરનારાને પ્રોત્સાહન આપવામાં પણ તેમણે પાછીપાની કરી ન હતી. ૧૦મી ઓક્ટોબર, ૧૮૮૮ના રોજ લખેલા એક પત્રમાં નાઇટિંગલે બોમ્બે પ્રેસિડેન્સીના હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવનારા થોમસ ગિલહામ હ્યુલેટ વિશે નોંધ્યું છે કે, ‘'… તેઓ બોમ્બે પ્રેસિડેન્સીના પહેલાં હેલ્થ ઓફિસર છે, એ પણ સાત વર્ષથી. સેનિટરી એન્જિયરિંગને તેમણે જાતમાં વણી લીધું છે. રાત્રિના બે-ત્રણ વાગ્યા સુધી તેઓ ટીમ સાથે જાહેર સફાઈકાર્યો કરતા હોય છે. ઊંચો મૃત્યુદર હવે એક હજારે ૩૫ પરથી ૨૩ પર આવી ગયો છે અને કોલેરા આખરે નાબૂદ થઈ ગયો છે. ૧૮૭૬-૭૮ના દુકાળ વખતે સેનેટરી મિશનરી (સેવા કરવા આવતા ખ્રિસ્તી સંતો) તરીકે આવ્યા હતા. સેનેટરી કમિશનર તરીકે ફરજ બજાવતી વખતે તેઓ તંબૂઓ તાણ્યા વિના, ખાધાપીધા વિના દિવસના વીસેક કલાક પ્રવાસ કરીને દુકાળની રાહત છાવણીઓમાં કાર્યરત રહેતા હતા. ગામડાઓમાં કામ કરવાનો ઘણો મોટો અનુભવ તેમને અહીંથી મળ્યો હતો. પ્રેસિડેન્સીના સેનેટરી મિશનરી તરીકે તેઓ છેલ્લાં પાંચ વર્ષથી સ્થાનિકોને વહેલા મૃત્યુ અને રોગો વિશે તેમ જ તેમની આ શારીરિક ક્ષમતાની અધોગતિ રોકવા જાગૃત કરી રહ્યા છે, જે મ્યુિનસિપાલિટી કે પંચાયતના પ્રમુખ, વડા કે ગ્રામજનો હોઈ શકે છે …''

આટલું લખીને તેઓ લેખની શરૂઆતમાં જે શબ્દો લખ્યા છે એ લોક ભાગીદારીની વાત કરે છે. લોક ભાગીદારી માટે હ્યુલેટે સ્થાનિક લોકોનો વિશ્વાસ કેવી રીતે જીતી લીધો એના પણ તેઓ વખાણ કરે છે. યાદ રાખો, આ ૧૨૮ વર્ષ પહેલાંની વાત છે, જ્યારે ભારતમાં નિરક્ષરતા અને કુરિવાજો ચરમસીમાએ હતા. ત્રીજી ઓક્ટોબર, ૧૮૮૮ના રોજ નાઇટિંગલે પત્ર લખીને અમદાવાદની સ્વચ્છતાને લગતા બે દસ્તાવેજો મોકલવા બદલ હ્યુલેટનો આભાર માન્યો હતો. આ દસ્તાવેજો મંગાવવાનો હેતુ ભારતમાં સ્વચ્છતા મુદ્દે ક્યાં સારું કામ થઈ રહ્યું છે જાણીને પત્રવ્યવહાર કરવાનો હતો. ૨૪મી ઓક્ટોબર, ૧૮૮૮ના રોજ નાઇટિંગલે લોર્ડ રિપનને લખેલા પત્રમાં અમદાવાદ વિશે લખ્યું છે કે, ‘'… અમદાવાદ તેના સ્થાનિક પ્રમુખ રણછોડલાલ છોટાલાલની આગેવાનીમાં પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા મુદ્દે શાનદાર કામ કરી રહ્યું છે, જે તમારા માટે મોટી વાત છે. (એક સમયે આ ત્રાસદાયક શહેર હતું.) હવે તેઓ શહેરને અવિરત પાણી પૂરું પાડવાની તૈયારીમાં છે, જે તેઓ સારી રીતે બાંધવામાં આવેલા નદીના પટમાંથી મેળવશે … અમદાવાદ પાકી ગટરો ધરાવતું ભારતનું પહેલું મોફૂસિલ શહેર હશે. એક સમયે તેનો મૃત્યુઆંક ખૂબ ઊંચો હતો …'' (ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ત્રણ રાજધાની બોમ્બે, કલકત્તા અને મદ્રાસ પ્રેસિડેન્સીની બહાર આવેલા નાના-પછાત નગરો મોફૂસિલ તરીકે ઓળખાતા હતા.)

નાઇટિંગલ ઇચ્છતાં હતાં કે, બીજા શહેરો પણ અમદાવાદમાંથી પ્રેરણા લે. અમુક બ્રિટિશ અધિકારીઓની જેમ નાઇટિંગલે ક્યારે ય ભારતીયોની અસ્વચ્છતાની ટીકા નહોતી કરી. નાઇટિંગલનું ધ્યાન ફક્ત ભારત કે ભારતીયો કેમ આવા છે અને તેમને કેવી રીતે સુધારી શકાય એ તરફ હતું. જાણ્યા-સમજ્યા વિના બેફામ ટીકા કરવાની ફેશન પૂરજોશમાં છે ત્યારે આ વાત સૌથી મહત્ત્વની છે. કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારતની સમીક્ષા કરવાના હેતુથી ઝૂંપડપટ્ટીઓ, જાહેર ટોઇલેટ અને તેની આસપાસના સ્થળો, બસ-રેલવે સ્ટેશનો તેમ જ કરોડો ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારો જ્યાં રહે છે એવા ગીચ વિસ્તારોમાં ટીમો મોકલવાનું શરૂ કર્યું છે, ત્યારે નાઇટિંગલે બ્રિટનમાં બેઠાં બેઠાં ચલાવેલું સ્વચ્છ ભારત અભિયાન સમજવા જેવું છે. અહીં સ્વચ્છતા અભિયાનની બદબોઈ કરવાનો ઈરાદો નથી. આઝાદી પછી ભારતમાં પહેલીવાર કોઈ સરકાર સ્વચ્છતાને આટલું મહત્ત્વ આપ્યું છે એ આવકાર્ય છે, પરંતુ ભારત જેવા મહાકાય દેશને સ્વચ્છ કરવા લોકજાગૃતિના મુદ્દાને ગંભીરતાથી નથી લેવાયો એ તેની સૌથી મોટી ખામી છે. આ કામ પણ અઘરું છે જ પણ અશક્ય નથી. જો અંગ્રેજો આટલાં વર્ષો પહેલાં આ દિશામાં આટલું વિચારતા હોય તો આપણે કેમ નહીં?

સુપરપાવર બનવાના સપનાં જોતા દેશમાં સ્વચ્છતાના પ્રશ્નો આપણી નબળી અને કંગાળ સિસ્ટમનું સૌથી મોટું ઉદાહરણ છે. અંગ્રેજોએ ભારત પર સળંગ ત્રણ સદી કેવું સિસ્ટમેટિક રાજ કર્યું એનો જવાબ પણ નાઇટિંગલના કામમાંથી મળે છે. આપણી સરકારો ગાઈવગાડીને જેટલી જાહેરાતો કરે છે એટલું યોજનાઓના જડબેસલાક અમલમાં ધ્યાન આપતી નથી. વળી, સરેરાશ ભારતીય પણ પોતાના હક્કો અને ફરજો બંને માટે ઉદાસીન, આળસુ અને સ્વાર્થી છે. આપણે હજુયે ભારત સ્વચ્છ કેમ નથી કરી શક્યા અથવા કેમ નથી કરી શકતા? આ સવાલનો એક જ લીટીમાં જવાબ આપવો હોય તો કહી શકાય કે, આપણે અસ્વચ્છતા કેમ થાય છે એ બરાબર સમજી નથી શકતા કે સમજવાની કોશિષ પણ નથી કરતા.

(નોંધઃ ફ્લોરેન્સ નાઇટિંગલે બ્રિટનમાં બેઠાં બેઠાં પત્રવ્યવહાર કરીને ભારત વિશે આશ્ચર્યથી આંખો પહોળી થઈ જાય એવી ઝીણી ઝીણી વિગતો ભેગી કરી હતી અને આ મહાન સ્ત્રી વિશે ગાંધીજીએ શું કહ્યું હતું એ વિશે વાંચો હવે પછી ક્યારેક …)

e.mail : vishnubharatiya@gmail.com

Loading

તાર અને તાળો મેળવવાનો ઉપક્રમ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|30 January 2016

આ સર્વ-ભાષા-સંવાદ કોઈક પ્રોજેક્ટ ફન્ડેડ પ્રાયોજિત મિલન નહીં પણ સ્વૈચ્છિક સંમિલનરૂપે ઊભર્યો છે.

રોહિત આજે આપણી આપણી વચ્ચે હોત તો એ અઠ્ઠાવીસનો થયો હોત. આ દેશમાં કોઈ અકાલ, અમાનવીય મૃત્યુને ન વરે એટલા માટે સર્વોચ્ચ બલિદાન આપીને પથ પ્રશસ્ત કરનાર મહાત્માનો નિર્વાણદિવસ અને હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના મેધાવી શોધ છાત્ર રોહિતનો જન્મદિવસ, બેઉ એક જ તારીખે હોય તે બેલાશક એક બનતાં બની આવેલો જોગાનુજોગ છે, અને આંબેડકર પરત્વે પણ આલોચનાત્મક અભિગમ લઈ શકવાની જેની ગુંજાશ હતી તે ગાંધીનો ટીકાકાર ન હોય એમ માનવું જરૂરી નથી.

તેમ છતાં, વાત તો સાચી કે સહિષ્ણુતાની-અને સહિષ્ણુતાએ નહીં અટકતાં સૌહાર્દ અને સંવાદની ભૂમિકા સારુ મથતા ગાંધીને સારુ જ્યાં હત્યા નિરમાયેલ હોય અને રોહિત જેવાને સારુ જ્યાં (આત્મ)હત્યા દુર્નિવાર બનાવતા સ્થિતિસંજોગ હોય ત્યાં કશુંક ખૂટે છે. ગાંધીનો કોઈ વાંકગુનો હોય કે રોહિતની કાંક કસૂર હોય તો તે કદાચ એક અને એક જ કે અમન અને એખલાસની એમની પરિભાષામાં ઈન્સાફનું અનુસ્યૂત હોવું અનિવાર્ય હતું અને છે. આંબેડકરી રોહિત ન તો બૌદ્ધ ભિખ્ખુ હતો, ન તો ગાંધી કોઈ નકરા ક્વેકર કે પેસિફિસ્ટ હતા.

આ પ્રકારનાં વ્યક્તિત્વ, એટલે કે પરિવર્તનવાંછુ ને બગાવતી વ્યક્તિત્વને સ્વીકારી શકે એવો સમુદાર સમાજ ક્યાંથી લાવવો. સહિષ્ણુતા (ટોલન્સ) એ દેખીતા શાંતિમય સહઅસ્તિત્વ કરતાં તત્ત્વત: ખાસી આગળ જતી વાત છે. અન્યાય પ્રતિકારપૂર્વક નવા જમાના માટેની ગુંજાશ ને મોકળાશ એ સ્તો એની આંતરસરવાણી છે. શાંતિ, સદ્દભાવ-અરે સહિષ્ણુતાને નામે યથાસ્થિતિ પ્રતિષ્ઠા કેવળ બેમાની અને બેમતલબ છે.

એવોર્ડ વાપસીના કેમ જાણે નવ્ય ચરણ રૂપે હૈદરાબાદ યુનિવર્સિટીની ડિ.લિટ.ની માનદ ઉપાધિ પાછી વાળનાર અને 30મી જાન્યુઆરીએ રાજઘાટ પર ‘સત્યાગ્રહ’ પ્રકારનું આયોજન ઈચ્છનાર અશોક વાજપેયીએ એક માર્કાની વાત કહી છે આ દિવસોમાં કે કદાચ પહેલી જ વાર આપણે ત્યાં લેખકો એક અસરકારક પરિબળ તરીકે ઊભરી રહ્યા છે, કેમ કે એમણે પોતાની માંહેલા ‘નાગરિક’ને અભિવ્યક્ત થવા દેવાની વાતને અગ્રતા આપી છે.

આજે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અન કેરળના લેખકો, બૌદ્ધિકો, કળાકારો, મીડિયાકર્મીઓ દાંડીમાં સર્વ-ભાષા-સંવાદની ભૂમિકાએ મળી રહ્યા છે એને પણ સહૃદય ને સંવેદનશીલ એવા આ કે તે વિધાના સૌ પટુ લોકોની નાગરિક અભિવ્યક્તિ તરીકે કેમ ન જોઈ શકીએ વારુ? જોવાનું એ છે કે એવોર્ડવાપસીનો એક સિલસિલો જેમ સ્વયંભૂ  ચાલ્યો એમ દાંડીનો સર્વ-ભાષા-સંવાદ પણ કોઈક પ્રોજેક્ટ ફન્ડેડ પ્રાયોજિત મિલન નહીં પણ સ્વૈચ્છિક સંમિલનરૂપે ઉભર્યો છે. રેશનલિસ્ટ દાભોલકર, ડાબેરી પાનસરે અને સુધારલક્ષી ક્રાંતિકારી સંશોધક-વિવેચક કલબુર્ગી – છેલ્લાં બેે’ક વરસ દરમ્યાનની આ ઉપરાછાપરી શહાદતો અને દેશનાં સાહિત્યિક ને બીજાં પ્રતિષ્ઠાનોની એને અંગે આંખ આડા કાન જેવી ભૂમિકા અને પરિવર્તનલક્ષી નાગરિક મિજાજના એક આવિષ્કાર રૂપે તમે દાંડી મિલનને જોઈ શકો.

આ જ દિવસોમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં રાજકીય સંસ્મરણોનો બીજો ખંડ બહાર આવ્યો છે. એમણે જો શાહબાનુ પ્રકરણમાં અને અયોધ્યામાં તાળા ખોલવામાં રાજીવ ગાંધીના પક્ષે ગોથું ખાવાયાની નોંધ લીધી છે તે બાબરીધ્વંસને વળતાં બળોની બેમોંઢાળી પ્રવૃત્તિ – ‘અ પરફેક્ટ ઍક્ટ ઑફ પરફિડ’ – કહેતાં સંકોચ નથી કર્યો. કોમી ધ્રુવીકરણના હિંસ્ર રાજકારણની જિકર કરવા સાથે એમણે વિશ્વનાથ પ્રતાપસિંહના મંડલશાસ્ત્રને પણ સંભાર્યું છે. અને કહ્યું છે કે એણે એક બાજુ જ્યાં સામાજિક અન્યાય કમી કર્યો ત્યાં બીજી બાજુ સમાજમાં નાતજાતગત વિભાજન અને ધ્રુવીકરણ પણ પ્રેર્યાં. વિવિધ પરિબળોની પ્રણવ મુખર્જીની આ નિરૂપણા તાજેતરના ઇતિહાસના પ્રકાશમાં જે એક મુદ્દો કૉંગ્રેસભાજપ અને બીજાથી નિરપેક્ષપણે અંકિત અને અધોરેખિત કરી આપે છે તે એ કે યથાસ્થિતિ(સ્ટેટસ કો)નાં પરિબળોને ઠમઠોરીને ન્યાય ને પરિવર્તનની દિશા પકડવાનું કેટલું કાઠું છે.

લાંબા ઇતિહાસમાં જરી પાછળ જઈને જોઈએ તો અસાધારણ પ્રતિભા અને અનન્ય સમર્પણના સ્વામી તિલક સ્વરાજમાં રહેલો જન્મસિદ્ધ અધિકાર તો બુલંદપણે લોક સમક્ષ મૂકી શકે છે, પણ માનવ તરીકેના અધિકારો જાતિગત ભેદભાવમાં દબાઈ ન જાય તે માટેની શાહુ મહારાજની પ્રગતિશીલ સુધારલક્ષી કોશિશને એવી જ એક બળુકી સ્વરાજચેષ્ટા તરીકે જોઈ શકતા નથી. ગાંધી આવે છે અને રાજકીય સ્વરાજ ને સામાજિક સુધારા બેઉને માટે સાથે લગી ચળવળ ચલાવે છે ત્યારે તિલકની પનાહ હતી એ દિવસોમાં પોતાને આશ્વસ્ત અનુભવતા રૂઢિવાદી પરિબળો કેવાં અસ્વસ્થ, આઘાંપાછાં અને આક્રમક થઈ જાય છે!

બને કે આ અગર તે રાજકીય અંતિવાદી છેડાઓથી ઉફરો પણ ન્યાય અને પરિવર્તનનાં મૂલ્યોને વરેલો, રાજકીય ધીટતાની દૃષ્ટિએ કેળવાયેલો નહીં પણ સંવેદનસિક્ત સમજમાં રમેલો, નક્કરનરવો નાગરિક અવાજ એવોર્ડવાપસીની પ્રક્રિયામાંથી – અને સવિશેષ તો જે કારણે આ પ્રક્રિયા શક્ય બની તે કલબુર્ગી, પાનસરે આદિની શહાદતમાંથી – બહાર આવે. દાંડી મિલન એ દિશામાં જરી દિલોદિલ તાળો અને તાર મેળવવાનો ‘કમ્પેિરંગ નોટ્સ’ની પ્રક્રિયામાં ગતિ અને દિશા આપવાનો એક ઉપક્રમ અવશ્ય છે.

દેશની સેન્ટ્રલ યુનિવર્સિટીઓ રોહિત ઘટનાને પગલે, ખાસ કરીને છાત્ર છેડે અસ્વસ્થ, અન્-આશ્વસ્ત અને આંદોલિત માલૂમ પડે છે. અન્ય સ્થાપિત યુનિવર્સિટીઓમાં જન્મગત ભેદભાવનો મુદ્દો ઢાંકાઢૂબામાંથી ઢેકો કાઢીને બહાર આવ્યો છે. સવાલ, આ અસ્વસ્થતાને એક સર્જનાત્મક વળાંક આપવાનો છે, અને એ દૃષ્ટિએ સ્વતંત્રતા, સમાનતા, બંધુતાને અનુલક્ષીને બંધારણીય મૂલ્યો બાબતે પડને ગાજતું રાખવાનો છે. કદાચ, આ ચાલુ રાજકીય પક્ષોના બરની વાત એટલી નથી જેટલી સ્વતંત્ર સાહિત્યસેવીઓના બરની હોઈ શકે છે.

કવિ-પત્રકાર અને વળી દાંડીયાત્રાની શ્રીધરાણીએ નવી દિલ્હી પરની એમની સુપ્રતિષ્ઠ રચનામાં એક પંક્તિ બિલકુલ ભરીબંદૂક લખી છે: અહીં મર્યા ગાંધી કે જેથી જીવે ભારતવર્ષ. સરસ વાત કરી છે કવિએ, પણ ગાંધીને આપણે ભારતવર્ષમાં સીમિત ક્યાં સુધી રાખીશું? એશિયા, યુરોપ અને આફ્રિકા ત્રણ ત્રણ ખંડમાં જીવનકાળમાં એની સક્રિય હાજરી હતી. એકાધિક પ્રજાઓ સાથે એની સંડોવણી હતી. કોઈ એક દેશની આઝાદી કરતાં ઉત્તરોત્તર વિશ્વમાનવતાના બુલંદ સ્વરરૂપે અને હર અન્યાય સામે પ્રતિકારના એક પ્રતીક તેમ જ પ્રતિમાનરૂપે એમની પ્રતિભા ઊભરી હતી. અહિંસા અને અભયનો એક એવો રસ્તો ખોલી નાખ્યો એણે જેને કોઈ માર્ટિન લ્યુથર કિંગ, કોઈ મન્ડેલા, કોઈ સૂ ચી હોંશેહોશે સંભારે – અને નવી દુનિયાની ખોજમાં ‘અરબ સ્પ્રિંગ’માં હો કે પછી ‘ઑક્યુપાય વૉલ સ્ટ્રીટ’માં, આ રીઢો આસામી ક્યાં નથી?

ચલ મન દાંડી.

e.mail : prakash.nirikshak@gmail.com

સૌજન્ય : ‘દાંડી મિલન’, “દિવ્ય ભાસ્કર”, 30 જાન્યુઆરી 2016

Loading

આશા ચૂંટે છે ‘કદાચ’

અશોક વાજપેયી|Poetry|29 January 2016

 

આશા ચૂંટે છે પોતાને માટે એક નાનકડો શબ્દ
’કદાચ’
જયારે એમ થાય છે અધરાતે કે
હમણાં બારણું ખટખટાવશે વરદીધારી,
કોઈ ન કરેલા ગુનાની તપાસ અર્થે,
ત્યારે અંધારા ખૂણામાં
પાળેલી બિલાડી પેઠે ભરાઈ જાય છે આશા,
એમ માનીને કે બહાર હશે ખાલી હવા
કદાચ.
ફૂલોથી લદાયેલા શંકાસ્પદ દેવની સામે થતી
કાન વીંધતી આરતી ને કીર્તનમાં
અને
ઘી-તેલની ચીકણી ગંધમાં
કોઈ ભૂલી જવાયેલા મંત્રની જેમ
સળવળે છે આશા,
કાચાપાકા નૈવેદ્ય અને કચકચતી ભક્તિની નીચે
બચેલી
પડી રહી હશે થોડીક પ્રાચીન પવિત્રતા.
જ્યારે એમ થાય છે કે
ભીડથી ઊભરાતી સડક પર
સામેથી ધસી આવતી
બેકાબૂ બેરહમ ટ્રક
કચડી નાખીને ચાલી જશે,
પેલી કોણ જાણે ક્યાંથી આવી પહોંચેલી બાલાને;
એ વેળા આશા
કોઈ ખખડી ગયેલી ડોસીની જેમ
કોણ જાણે ક્યાંથી ઝાપટ મારીને
તેને ઉપાડીને લઈ જશે,
નિયતિ અને દુર્ઘટનાની શણગારેલી દુકાનની ચીજવસ્તુઓને
વેરણછેરણ કરી નાખીને.
’કદાચ’ છે એક શબ્દ,
જે શૈશવકાલે ખેલતી વેળા ખર્યો હતો
ફૂલની જેમ એકાએક
પુષ્પાચ્છાદિત વૃક્ષ પરથી .
’કદાચ’  છે એક પથ્થર,
જે કોકે જોરથી માર્યો હતો,
પરીક્ષામાં સારા ગુણ ન મળવાથી ખિન્ન થઈને.
’કદાચ’ તો છે એક બારી,
જેમાંથી જોઈ હતી
ધૂંધળી થતી જતી પ્રિય છવિ.
’કદાચ’ છે એક બળ્યા વગરનું અસ્થિ,
મિત્રના શબને દાહ દીધા પછી
અમે ચિતા પાસે જ ભૂલી આવ્યા હતા એને
અને આજ સુધી કોઈ નદીમાં જેને સરાવી શક્યા નથી .
આશાએ ચૂંટ્યો છે
એક  રઝળી પડેલો નાનકડો શબ્દ.
’કદાચ’.

(અનુવાદક : ધીરેન્દ્ર મહેતા)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2016; પૃ. 19

Loading

...102030...3,6763,6773,6783,679...3,6903,7003,710...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved