Opinion Magazine
Number of visits: 9769574
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રભાષાવિહોણો દેશ આપણો, અંગ્રેજીનું ચલણ યથાવત્‌ રહ્યું છે

હરિ દેસાઈ|Opinion - Opinion|30 June 2016

રાજનાથ ભલે સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીને રાષ્ટ્રભાષા ગણાવતા હોય, આજ લગી હિંદીને આ દરજ્જો પ્રાપ્ત થયો નથી

હમણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિટ્‌ઝર્લેન્ડ, અમેરિકા અને મૅક્સિકોમાં ટૅલિ-પ્રૉમ્પ્ટરના ટેકે પ્રભાવી અંગ્રેજીમાં સંબોધનો કર્યા પછી ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં શાંઘાઈ સહકાર સંગઠનના દેશોની પરિષદમાં એ સહભાગી થયા ત્યારે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની સીધી મંત્રણામાં તેમણે હિંદીમાં બોલવાનું પસંદ કર્યું. મોદીએ દુભાષિયાના ટેકે શી સાથે હિંદીમાં વાત કરી અને જિનપિંગે આપણા વડા પ્રધાન સાથે દુભાષિયાના માધ્યમથી ચીની-મૅન્ડેરિન ભાષામાં સંવાદ સાધવાનું પસંદ કર્યું.

વડા પ્રધાન મોદીની સત્તાવાર વૅબસાઈટ પર ઝળકતી તસવીરોમાં ટૅલિ-પ્રોમ્પ્ટર દેખા દે છે. એટલે એના વપરાશ વિશે પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે, પરંતુ વડા પ્રધાન સમય, સંજોગો અને શ્રોતાગણ જોઈને કઈ ભાષામાં બોલવું એ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. પશ્ચિમના દેશોમાં ટૅલિ-પ્રોમ્પ્ટરનો ઉપયોગ વિવિધ દેશોના નેતાઓ કરતા હોય છે અને ઘરઆંગણે મોદી પૂર્વેનાં વડા પ્રધાનો અને મુખ્યમંત્રીઓ પોતાનાં વ્યાખ્યાનો લખી આપવા માટે તેજસ્વી લહિયા રાખતાં રહ્યાં છે એટલેસ્તો ‘ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર’ કે પછી ‘ટપ ટપથી નહીં, પણ મમ મમથી જ’ સંબંધ રાખવાનું યોગ્ય લેખાય.

ભારત આઝાદ થયું ત્યારથી એની રાષ્ટ્રભાષા (નેશનલ લૅંગ્વેજ) હોવી જોઈતી હતી, પરંતુ બંધારણસભામાં જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અભિપ્રેત ઉર્દૂની છાંટવાળી હિંદુસ્તાની અને સંસ્કૃતની છાંટવાળી હિંદી બાખડવાના સંજોગોમાં દક્ષિણ ભારતનાં રાજ્યોના તર્કને આગળ કરીને પંદર વર્ષ માટે રાજભાષા (ઑફિશિયલ લૅંગ્વેજ) તરીકે હિંદીની સાથે જ અંગ્રેજી પણ રખાઈ. પંદર વર્ષને આજે ૭૦ થવા આવ્યાં, છતાં ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિંદી હજુ સ્વીકારી શકાઈ નથી.

અંગ્રેજીનું ચલણ યથાવત્‌ રહ્યું છે, અને દેશની કુલ રર ભાષાઓને સત્તાવાર ભાષાઓ તરીકે સ્વીકૃતિ અપાયા છતાં અલાહાબાદ, પટણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની વડી અદાલતો સિવાયની દેશની તમામ વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં પણ હિંદી ભાષા હજુ અસ્પૃશ્ય જ રહી છે. ગુજરાતની વડી અદાલતની ખંડપીઠે જાન્યુઆરી-ર૦૧૦માં ‘હિંદી રાષ્ટ્રભાષા નથી’ એવા આપેલા ચુકાદાને હજુ કોઈએ પડકાર્યાનું જાણમાં નથી અને છોગામાં સર્વોચ્ચ અદાલતમાં હિંદીમાં રજૂઆત કરવા માટે જાહેર હિતની કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દેવાઈ છે. ગુજરાતના સ્વર્ગસ્થ કાયદાપ્રધાન અશોક ભટ્ટ વડી અદાલતના કામકાજમાં ગુજરાતીને દાખલ કરવાના પક્ષે હતા, પણ હવે એ વાત હવાઈ ગઈ લાગે છે.

“હું એ પક્ષ સાથે સંબંધ ધરાવું છું કે જેણે આજ લગી કહ્યું છે કે, આપણે અંગ્રેજીને દૂર કરવી જોઈએ. ભારતીય ભાષાઓમાં જ કામ કરવું જોઈએ.” એવું કહી લોકસભામાં જનસંઘના નેતા તરીકે ૧ર ડિસેમ્બર, ૧૯૬૭ના રોજ સરકારી ભાષા સુધારણા વિધેયકનો વિરોધ કરતાં પોતાનો મત રજૂ કરનારા અટલ બિહારી વાજપેયીએ ૧૯૭૭માં દેશના વિદેશ પ્રધાન તરીકે સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીમાં ભાષણ કર્યું, ત્યારે એમનું ગૌરવ કરવામાં આવ્યું હતું. જો કે વાજપેયી પહેલાં પણ સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીમાં ભાષણ કરવાનો યશ પંડિત પ્રકાશવીર શાસ્ત્રીને ફાળે જાય છે. પંડિત શાસ્ત્રી આર્યસમાજી હતા. સંસ્કૃતના વિદ્વાન હતા. ઘણો લાંબો સમય એ લોકસભા અને રાજ્યસભાના સભ્ય હતા. સામાન્ય રીતે એ અપક્ષ સાંસદ હતા, પણ એકવાર ૧૯૭૪માં જનસંઘના પ્રતિનિધિ તરીકે સાંસદ બન્યા હતા. ર૩ નવેમ્બર, ૧૯૭૭ના રોજ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે પણ એ ઉત્તર પ્રદેશમાંથી અપક્ષ સાંસદ હતા.

પંડિત શાસ્ત્રી અને કવિવર વાજપેયી પછી વડા પ્રધાન રહેલા તથા ૧૪ ભાષાના જાણકાર એવા પી. વી. નરસિંહરાવ અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઘણા મહાનુભાવો સંયુક્ત રાષ્ટ્રની બેઠકને હિંદીમાં સંબોધન કરી ચૂક્યા છે. અત્યારે હિંદીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્વીકૃતિ અપાવવાના આગ્રહી એવા કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથસિંહ પણ ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે ૬ ઑક્ટોબર, ર૦૧૦ના રોજ ‘ હિંદી અમારી રાષ્ટ્રભાષા હોવાથી મારું સંબોધન હું હિંદીમાં કરવાનું પસંદ કરીશ.’

એવું પ્રારંભિક કથન રજૂ કરીને વૈશ્વિક આતંકવાદ નિર્મૂલન અંગે હિંદીમાં જ સંયુક્ત રાષ્ટ્રના ૬પમા સત્રને સંબોધિત કરી ચૂક્યા છે. રાજનાથ ભલે સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીને રાષ્ટ્રભાષા ગણાવતા હોય, આજ લગી હિંદીને આ દરજ્જો પ્રાપ્ત થયો નથી અને એ અપાવવાની જવાબદારી રાજનાથના મંત્રાલયની જ છે ! ભારતીય બંધારણસભામાં સંસ્કૃતપ્રેમી ડૉ. બાબાસાહેબ આંબેડકરના માધ્યમથી સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાની કોશિશ પણ થઈ હતી, પરંતુ એ કોશિશ સફળ રહી નહોતી.

ભારતીય ભાષાઓની જ નહીં, ઘણી બધી ઈન્ડો-યુરોપિય ભાષાઓની પણ જનની ગણાતી સંસ્કૃત કરતાં તમિલ જૂની ભાષા હોવાનો દાવો કરાય છે. હિંદી અને સંસ્કૃત સામેનો વિરોધ પણ રાજકીય કારણોસર તમિળભાષી પ્રદેશમાંથી જ ઊઠતો રહ્યો છે. ફારસી અને પુસ્તુ ભાષા પણ સંસ્કૃત સાથે સંબંધ ધરાવે છે. એટલું જ નહીં, વેબ્સ્ટર ડિક્શનેરીના ચાર લાખ જેટલા અંગ્રેજી શબ્દોમાંથી ચોથા ભાગના એટલે કે એક લાખ જેટલા અંગ્રેજી શબ્દો સંસ્કૃતમાંથી જ ઉતરી આવ્યાનું ડૉ. એન.આર. વરહાડપાંડે જેવા ૧૦ હજાર શબ્દો તારવી આપીને બાકીના કામની જવાબદારી નાગપુર યુનિવર્સિટીને શિરે નાખનાર વિદ્વાનનું કહેવું હતું.

ભોપાલમાં સપ્ટેમ્બર ર૦૧પમાં યોજાયેલા ત્રિ-દિવસીય વિશ્વ હિંદી સંમેલનના સમાપન સત્રમાં કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહે હિંદીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્થાપિત કરવા માટે યોગની વૈશ્વિક સ્વીકૃતિની ભૂમિકા પર કામ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. અત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં અરબી, ચીની, અંગ્રેજી, ફ્રેંચ, રશિયન અને સ્પેિનશ ભાષાને જ સત્તાવાર ભાષા તરીકે સ્વીકૃતિ પ્રદાન થયેલી છે.

વિશ્વમાં ચીની-મૅન્ડેરિન ભાષા બોલનારા સૌથી વધુ છે અને એ પછીના ક્રમે હિંદી બોલનારા આવે છે. ગૃહમંત્રી રાજનાથના મતે, ‘ભારતીય નેતાગીરીની કેટલીક નબળાઈને કારણે’ હિંદી રાષ્ટ્રભાષા બની શકી નથી. જો કે વર્ષ ર૦૧૮માં હવે પછીનું વિશ્વ હિંદી સંમેલન મોરેશિયસમાં મળે એ પૂર્વે હિંદીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષામાં સમાવવા માટે ભારત સરકાર કૃતસંકલ્પ જણાય છે, પણ ભારતમાં એને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની બાબતમાં મગનું નામ મરી પાડવામાં આવતું નથી. વિધિવિધાન તરીકે હિંદી દિવસની ઉજવણી ૧૪ સપ્ટેમ્બરે ભારતમાં કરવાની પરંપરાને ગૃહમંત્રી રાજનાથસિંહે અખંડ રાખી છે.

સમાજવાદી નેતા ડૉ. રામમનોહર લોહિયાએ જર્મન ભાષામાં પોતાનો પીએચ.ડી.નો મહાનિબંધ લખીને જર્મનીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવ્યા છતાં ભારતની ભાષા તરીકે હિંદીને જ પ્રસ્થાપિત કરવાની એમની નેમને આગળ વધારવાનું પ્રંશસનીય કામ એમના રાજકીય શિષ્ય એવા મુલાયમસિંહે કરી બતાવ્યું હતું. ૧૯૯૬-’૯૮ દરમિયાન મુલાયમ જ્યારે દેશના સંરક્ષણ પ્રધાન બન્યા ત્યારે એમણે પોતાના મંત્રાલયના વ્યવહારને હિંદીમાં જ ચલાવવાના આગ્રહનો અમલ કરાવ્યો હતો. જો કે એ સંરક્ષણ પ્રધાનના હોદ્દેથી ગયા કે તૂર્ત જ સંરક્ષણ મંત્રાલયમાંથી હિંદી ટાઈપરાઈટરોને રૂખસદ અપાઈ હતી. મોદી સરકાર સંયુક્ત રાષ્ટ્ર(યુએન)માં હિંદીને માન્યતા અપાવવા મેદાને પડી છે ત્યારે દેશમાં પ્રત્યેક તબક્કે ભાષા-વિવાદ અખંડ છે અને હિંદીને હજુ રાષ્ટ્રભાષા તરીકેની સ્વીકૃતિ અપાવવાની વાત તો ઊભી જ છે.  

સૌજન્ય : ‘હિંદીત્વ’,  “દિવ્ય ભાસ્કર”, 29 જૂન 2016

Loading

ઇમર્જન્સી વરસી

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|29 June 2016

જવાહરલાલ નેહરુના અવસાન પછી સેક્યુલર મૂલ્યના જતનમાં કૉન્ગ્રેસનું કોઈ યોગદાન નથી અને ભારતમાં આઝાદીનાં મૂલ્યનાં જતનમાં BJPનું કોઈ યોગદાન નથી, દરેક રાષ્ટ્રીય કલંકની ઘટના વેળા મૂલ્યોના પક્ષે ઊભા રહેવામાં રાજકીય પક્ષો નિષ્ફળ નીવડ્યા છે. અદના ભારતવાસીએ ભારતની લાજ રાખી છે, પરંતુ રાજકીય પક્ષોએ નહીં. ઇમર્જન્સી વખતે આઝાદીનાં મૂળભૂત મૂલ્યોમાં માનનારા સામાન્ય માણસે ઇમર્જન્સી સામે લડત આપી હતી. દિલ્હી, અયોધ્યા અને ગુજરાત વખતે મુઠ્ઠીભર સેક્યુલરિસ્ટોએ મોરચો સંભાળ્યો હતો. એ વખતે રાજકીય પક્ષો તો પાણીમાં બેસી ગયા હતા

BJPએ રવિવારે (26 જૂને) ઇમર્જન્સીની ૪૧મી વરસી ઊજવી. અંગ્રેજી ભાષામાં એક ફાયદો છે કે ઍનિવર્સરી શબ્દમાં સારી-નરસી બન્ને ઘટનાઓનો સમાવેશ થાય છે. ઇમર્જન્સી એ કોઈ ઊજવવા જેવી ઘટના નહોતી, પરંતુ શરમાવા જેવી ઘટના હતી એટલે આવી ઘટનાઓ માટે વરસી શબ્દ ઠીક રહેશે. ૪૧ વરસ પહેલાં ૨૬ જૂને ઇન્દિરા ગાંધીએ દેશ પર ઇમર્જન્સી લાદી હતી. હવે તો ઇમર્જન્સી શું હતી એ ૬૦ વરસથી નીચેની વયના લોકોને સમજાવવું પડે એટલી એ જૂની ઘટના છે અને લોકો વીસરવા લાગ્યા છે. BJPને સ્વાભાવિકપણે ઇમર્જન્સી ન વીસરાય એમાં રસ છે, કારણ કે એમાં કૉન્ગ્રેસ ગુનેગાર છે અને BJP ઇમર્જન્સીનો સીધો અને મોટો લાભાર્થી પક્ષ છે.

BJP લાભાર્થી પક્ષ છે એટલે એણે ઇમર્જન્સીને યાદ કરતા રહેવું જોઈએ અને બીજાઓએ હવે એને જૂની ઘટના ગણીને ભૂલી જવી જોઈએ એવું નથી. ડાહ્યા માણસો જીવનમાં મેળવેલી સિદ્ધિઓની માફક જીવનમાં કરેલી ભૂલોને પણ યાદ રાખે છે અને ભૂલો વિશે વધારે બોલે છે. ઇતિહાસ બેધારી તલવાર છે. એનો કોઈની સામે વેર વાળવા માટે પણ ઉપયોગ થઈ શકે છે અને આત્મનિરીક્ષણ કરીને જાતને સુધારવા માટે પણ ઉપયોગ થઈ શકે છે. ડાહ્યો માણસ બીજી રીતે ઇતિહાસનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રને પણ આ વાત લાગુ પડે છે. રાષ્ટ્ર એ કોઈ જમીનનો ટુકડો નથી, પરંતુ જીવતો સમાજ છે જે ભૂલો કરી શકે છે અને જો વિવેક જાગ્રત હોય તો એને સુધારી પણ શકે છે. ઇતિહાસ ઊલટાવી શકાતો નથી, પરંતુ ઇતિહાસમાં માનવસમાજે કરેલી ભૂલો બીજી વાર ન થાય એની તકેદારી લઈ શકાય છે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ રવિવારે કહ્યું હતું કે ઇમર્જન્સી રાષ્ટ્રીય કલંક છે અને કૉન્ગ્રેસે એના વિશે પક્ષ અંતર્ગત અને બહાર ચર્ચા કરવાની તૈયારી બતાવવી જોઈએ. તેમની વાત સાચી છે. ઇમર્જન્સી એક રાષ્ટ્રીય કલંક છે. ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવાના એકમાત્ર ઉદ્દેશથી દેશ પર ઇમર્જન્સી લાદી હતી. ઇન્દિરા ગાંધીએ ચૂંટણીની રીતરસમો પાળવામાં કરેલા ભંગ સામે રાજનારાયણ નામના તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારે અલાહાબાદની હાઈ કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં ઇન્દિરા ગાંધી હારી ગયાં હતાં. અદાલતે તેમનું લોકસભાનું સભ્યપદ રદ કર્યું હતું અને બીજાં છ વર્ષ તેઓ ચૂંટણી ન લડી શકે એવી સજા કરી હતી. ચૂંટણીકીય રીતરસમોમાં કરવામાં આવેલા મામૂલી અને એ પણ ટેક્નિકલ ભંગના ગુના માટે આ સજા જરા વધારે પડતી આકરી હતી. ઇન્દિરા ગાંધીની ચૂંટણીસભા માટે બાંધવામાં આવેલા મંચની ઊંચાઈ ઠરાવેલી ઊંચાઈ કરતાં વધારે હતી એ રીતરસમોમાં કરવામાં આવેલા ઉલ્લંઘનનો મહત્ત્વનો મુદ્દો હતો.

ગમેતેમ, ગુનો એ ગુનો હતો અને સજા એ સજા હતી અને પાછી સજા હાઈ ર્કોટે કરી હતી. સજા અપીલમાં ટકી શકે એમ નહોતી એવો દરેક વકીલનો અભિપ્રાય હતો. અપીલ અને ચુકાદાનો માત્ર વચગાળાનો સમય હતો અને એ દરમ્યાન ઇન્દિરા ગાંધીએ રાજીનામું આપવું પડે એમ હતું. ઇન્દિરા ગાંધી રાજીનામું નહોતાં આપવા માગતાં. નવો વડો પ્રધાન પછી ખસે નહીં તો? પક્ષ એ માણસના પક્ષમાં ઊભો રહી જાય તો? સજામાં ઘટાડો ન થાય તો? બહાદુરીનો દેખાડો કરનારા મોટા ભાગના માણસો અંદરથી ડરપોક હોય છે એટલે તેઓ પોતાનો ગરાસ ન લૂંટાઈ જાય એ માટે આક્રમક બની જાય છે. ઇન્દિરા ગાંધી આવાં અસલામતીથી પીડિત બહાદુર મહિલા હતાં. તેમણે પોતાની સત્તા જાળવી રાખવા ઇમર્જન્સી લાદી હતી.

પોતાના અંગત સ્વાર્થ સારુ બંધારણને લકવાગ્રસ્ત કરવું, રાષ્ટ્રના અંતરાત્મા પર કુઠારાઘાત કરવો અને પ્રજાની જીભ સીવી લેવી એ અક્ષમ્ય ગુનો હતો. અરુણ જેટલી કહે છે એમ રાષ્ટ્રીય કલંક હતું. અરુણ જેટલીએ પક્ષ અંતર્ગત અને પક્ષની બહાર કૉન્ગ્રેસે ચર્ચા (નૅશનલ ડિબેટ) કરવી જોઈએ એવું આહ્વાન કર્યું છે. એ વાત ખરી છે કે કૉન્ગ્રેસે એ વિશે ક્યારે ય ચર્ચા નથી કરી. મૂંગા રહેવાનું અને મોં ફેરવી લેવાનું વલણ કૉન્ગ્રેસીઓ ધરાવે છે. એટલું સારું છે કે હવે કૉન્ગ્રેસીઓ ઇમર્જન્સીનો બચાવ નથી કરતા.

અહીં માત્ર અરુણ જેટલીને નહીં, પરંતુ તમામ રાજકીય પક્ષોને અને એમાં પણ ખાસ કરીને કૉન્ગ્રેસને અને BJPને સૂચવવું રહ્યું કે આપણે આઝાદી પછીનાં રાષ્ટ્રીય કલંકોની યાદી બનાવીને રાષ્ટ્રીય સ્તરે આત્મનિરીક્ષણ કરીએ તો કેમ? અમે અને તમેની ભાષામાં બોલવાની અને લલકારવાની શી જરૂર છે, આપણેની ભાષામાં આપણે આત્મનિરીક્ષણ કરીએ તો કેમ? મારી દૃષ્ટિએ આઝાદી પછી પાંચ ઘટનાઓ એવી બની છે જેને રાષ્ટ્રીય કલંક તરીકે ઓળખાવી શકાય. પહેલી ઘટના મહાત્મા ગાંધીની હત્યા. બીજી ઘટના ઇમર્જન્સી. ત્રીજી ઘટના ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હી અને અન્યત્ર સિખોનો કરવામાં આવેલો નરસંહાર. ચોથી ઘટના ૧૯૯૨માં બાબરી મસ્જિદનો કરવામાં આવેલો ધ્વંસ અને પાંચમી ઘટના ૨૦૦૨માં ગુજરાતમાં મુસલમાનોનો કરવામાં આવેલો નરસંહાર. આ પાંચેય ઘટનાઓ સભ્ય સમાજ માટે શરમજનક છે અને આપણે, અમે અને તમેની ભાષા છોડીને, રાષ્ટ્રીય સ્તરે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભલે પાંચ શરમજનક ઘટનાઓ બની હોય, પરંતુ એકવીસમી સદીમાં અને એ પછીના યુગમાં આવી એક પણ ઘટના ન બને એ માટે માણસ બનીને આત્મનિરીક્ષણ કરવું જોઈએ.

રાજકીય પક્ષોના મંચ પર ચર્ચા થવી જોઈએ, બહાર ચર્ચા થવી જોઈએ, રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થવી જોઈએ, જરૂરી બંધારણીય સુધારાઓ થવા જોઈએ, ચૂંટણીકીય સુધારાઓ થવા જોઈએ. બોલો છે તૈયારી? તમારે આત્મનિરીક્ષણ કરવું જોઈએ એવી સુફિયાણી સલાહ આપવાનો કોઈ અર્થ નથી.

એક વાત નોંધી રાખજો, આમાંનું કાંઈ થવાનું નથી. એનું કારણ એ છે કે દરેક રાષ્ટ્રીય કલંકની ઘટના વેળા મૂલ્યોના પક્ષે ઊભા રહેવામાં રાજકીય પક્ષો નિષ્ફળ નીવડ્યા છે. અદના ભારતવાસીએ ભારતની લાજ રાખી છે, રાજકીય પક્ષોએ નહીં. ઇમર્જન્સી વખતે રાજકીય પક્ષો પાણીમાં બેસી ગયા હતા. કોઈકે માફી માગી હતી, કોઈકે બીમારીનાં બહાનાં કાઢ્યાં હતાં, કોઈકે છૂપી સોદાબાજી કરી હતી, કોઈકે સખણા રહેવાની બાંયધરી આપી હતી; જ્યૉર્જ ફર્નાન્ડિસ જેવા બહુ ઓછા લોકો હતા જેમણે સામી છાતીએ ઇમર્જન્સીનો મુકાબલો કર્યો હતો. આઝાદીનાં મૂળભૂત મૂલ્યોમાં માનનારા સામાન્ય માણસે ઇમર્જન્સી સામે લડત આપી હતી જેની સંખ્યા ભલે ઓછી હતી, પરંતુ છાતી નેતાઓ કરતાં મજબૂત હતી. આ નોંધાયેલો ઇતિહાસ છે જેની ખાતરી થઈ શકે એમ છે. દિલ્હી, અયોધ્યા અને ગુજરાત વખતે મુઠ્ઠીભર સેક્યુલરિસ્ટોએ મોરચો સંભાળ્યો હતો. રાજકીય પક્ષો તો પાણીમાં બેસી ગયા હતા. ભારતમાં આઝાદીના મૂલ્યના જતનમાં BJPનું કોઈ યોગદાન નથી અને જવાહરલાલ નેહરુના અવસાન પછી ભારતમાં સેક્યુલર મૂલ્યના જતનમાં કૉન્ગ્રેસનું કોઈ યોગદાન નથી.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 જૂન 2016

http://www.gujaratimidday.com/features/columns/emergency-in-india-2

Loading

તું મારી આદત બની ગઈ છે ….

પ્રશાન્ત દયાળ|Opinion - Opinion|28 June 2016

હું ઘરની ડોરબેલ વગાડું અને મારી પત્ની શિવાની દરવાજો ખોલી, તરત ઊંધી ફરી ચાલવા લાગે એટલે, મારે સમજી જવાનું કે ઘરનું તાપમાન અમદાવાદનાં તાપમાન કરતાં પાંચ ડિગ્રી ઊંચું જઈ રહ્યું છે.

આ સ્થિતિમાં એક બે વખત પૂછવાનો પ્રયત્ન કરવાનો અને તેના મોંઢે તાપમાન ઊંચું જવાનું કારણ જાણવાનો પ્રયત્ન કરવાનો. આમ તો મને ખબર જ હોય છે કે કયાં વિવિધ કારણસર ગ્લોબલ વોર્મીંગની અસર થઈ છે, છતાં પચાસ વર્ષની ઉંમરે ભોળા થવાની પણ મઝા હોય છે.

સામાન્ય રીતે આ સ્થિતિમાં તેને કઈ પણ પૂછો એટલે જવાબ જ ના આપે, પણ કયારેક કહી દે, ‘કેમ ઘરે આવ્યા … ભાઈબંધોએ જમાડયા નહીં … મને ફોન કર્યો હતો તો આકાશ (દીકરો) સાથે ટીફિન મોકલાવી દેતી …'

કોઈ પૂછે કે તારી પાસે અઢળક માત્રામાં શુ છે તું હું ઊંઘમાંથી જાગીને પણ તરત કહી શકું કે મિત્રો છે .. ખૂબ જ મિત્રો … અને તે પણ કારણ વગર પ્રેમ કરનારા .. એટલે સ્વભાવિક છે કે સવારથી સાંજ સુધી મારો લોક અને મિત્ર સંપર્ક અન્ય કરતાં લાંબો ચાલે છે. .. શિવાનીની મારી સામેની અનેક ફરિયાદોમાં એક ફરિયાદ એવી છે કે મારે મિત્રો ખૂબ જ છે. .. તે મૂડમાં હોય ત્યારે કહે છે, તમે ગોળનો ગાંગડો છો અને પેલા મકોડાની જેમ તમને ચોટી રહે છે .. !

આમ છતાં મારા જે મિત્રો મને છોડતા નથી, તે અચાનક ઘરે આવી ચઢે તો શિવાની એક સારા એકટરની જેમ, પોતાના ચહેરા ઉપર તેમના તરફ કોઈ પણ પ્રકારનો ગુસ્સો દર્શાવ્યા વગર, ચા લઈ હાજર થઈ જાય છે.

અમારાં લગ્નને વીસ વર્ષ થયાં … તે દરમિયાન તેની નાદુરસ્ત તબિયતનો ગાળો લાંબો ચાલ્યો … સતત દવાઓ અને સારવારને કારણે તે થાકી પણ જાય છે; પણ તે થાકી જાય, ત્યારે કહે હજી મારાં બાળકો નાનાં છે. તેનાં માટે તો મારે જીવવું પડશે, તેવું કહ્યાં કરે. અનેક વખત અમારી વચ્ચે કોઈ પણ કારણ વગર એવી ચર્ચા નીકળે કે આપણા બન્નેમાંથી કોણ પહેલું જશે .. ત્યારે તે તરત કહે .. મારે જ પહેલાં જવું છે …  તમારા વગર મને કંઈ જ ખબર પડતી નથી.

વીસ વર્ષ પહેલાં શિવાની લગ્ન કરી, ભરુચથી અમદાવાદ આવી, ત્યારે તેના ચહેરા ઉપર કોઈક અજાણી જગ્યા ઉપર આવી ગયાનો ડર મેં જોયો હતો. તે આજે પણ ઘરની બહાર નીકળે ત્યારે હું તેના ચહેરા ઉપર જોઉં છું. તે લગ્ન પહેલાં તેના પિતા પોલિસમાં હોવાને કારણે પોલિસલાઈનમાં રહેતી હતી. અમદાવાદ આવી, તે પહેલાં તે ક્યારે રેસ્ટોરન્ટમાં ગઈ નહોતી. તે ત્યારે જેટલી સરળ હતી, એટલી જ આજે પણ છે. તેનામાં ખાસ કોઈ ફેર પડયો નથી. મોટી હોટેલોમાં અને મોટા લોકો વચ્ચે જતાં આજે પણ કહે છે, ‘મને ડર લાગે છે.’ ..

તેને હું પૂછું કે બેન્કમાં જઈ આવીશ, તો તરત કહે, ના, મને બહુ બીક લાગે. … મને નહીં ફાવે. … અમારી દીકરી કહે, મમ્મી, તું મને સ્કૂટર ઉપર સ્કૂલે લેવા આવીશ, … તો કહે, ના, ટ્રાફિકની મને બીક લાગે. …

તેને તેનાં બે સંતાનો અને પતિ સિવાય કયાં ય સુરક્ષાનો અહેસાસ થતો નથી. તેનું વિશ્વ એટલે ઘરની ચાર દિવાલો અને ચાર માણસો. અહિંયાથી દુનિયાની શરૂઆત થાય અને અહિયા જ અંત આવે છે.

તે મને કહે છે : માની લો કે તમે મારી પહેલાં  જશો .. તો મારું શું થશે ? …. મને કંઈ જ આવડતું નથી. .. તેને બાળકો મોટાં થાય, ત્યાં સુધી તો રોકાવું છે .. ‘પણ મારે પહેલાં જવું છે’ .. તેવું તે કહ્યાં કરે છે ! .. ખબર નથી કોની બાજીમાં કેટલાં પત્તા છે.

સ્વભાવ અને દેખાવમાં રૂક્ષતા હોવા છતાં તે જવાની વાત કરે, ત્યારે અંદરથી એક પ્રકારની ધ્રૂજારી છૂટી જાય છે. મિત્રો સાથે લાંબો સમય બેઠો હોઉં અથવા રાતે મોડું થાય, ત્યારે પણ મનમાં તો સતત શિવાનીના વિચાર જ ચાલ્યા કરતા હોય છે, તે નારાજ થઈ હશે … ઘરે જઈશ એટલે ગુસ્સો કરશે … તેને સાચું લાગે તેવું કયું ખોટું બહાનું ઊભું કરવાનું, વગેરે …

પણ શિવાની નહીં હોય, ત્યારે મારે ઘરે કેમ જવાનું, તે વાત જ મને ડરાવી મુકે છે, કારણ બન્ને સંતાનો પોતાના રસ્તે જતાં રહ્યાં હશે .. કોઈ ઘરે રાહ જોનારું નહીં હોય; કોઈ નારાજ પણ થશે નહીં. આજે કયારેક શિવાનીના ગુસ્સાનો મને ગુસ્સો આવે છે, પણ તે મારી આદત બની ગઈ હોય પણ તેની ગેરહાજરીમાં પછી મારે કોઈને મનાવવા નહીં પડે, તે વઘુ અકળાવનારી વાત થઈ જવાની છે. શિવાની મારી પહેલાં જશે તેનો ડર મને જેટલો લાગે છે, એટલે જ હું પહેલો જઈશ અને તે એકલી પડી જશે તેનો ડર મને વધુ લાગે છે .. મને ખબર છે મારા વગર તે જીવી તો જશે, પણ પણ તેના જીવનમાં પ્રાણ નહીં હોય, એટલે જ કયારેક એવું મનોમન બોલી જવાય છે, જો પ્રાર્થના સાંભળે, તો તેની સાંભળજે.

શિવાની આજે પણ ઊંઘમાં ઝબકી જાય છે. અને જ્યારે પણ ઝબકે ત્યારે મારો હાથ પકડી લે છે. …  … પછી શિવાનીની યાદ હશે, પણ મારો હાથ પકડનાર કોઈ નહીં હોય. મારા હાથ પકડવાથી તેનો ડર જતો રહે છે. પણ પછી તે મારો હાથ નહીં પકડે, તેનો ડર મને આજે સતાવી રહ્યો છે.

કારણ તે મારી આદત બની ગઈ છે.

સૌજન્ય : https://www.facebook.com/prashant.dayal.75/posts/1381890335159483?comment_id=1381945288487321¬if_t=feed_comment_reply¬if_id=1467095779543693

Loading

...102030...3,6263,6273,6283,629...3,6403,6503,660...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved