Opinion Magazine
Number of visits: 9554930
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૂર્ય ઉપાસના એ સત્યની ઉપાસના

વિનોબા|Opinion - Opinion|3 February 2016

સૂર્ય ઉપાસના

પદયાત્રી : સૂર્ય ઉપાસનાનું તમારું અવલંબન શું ? સૂર્ય અંગેની વૈદિક કલ્પના કે સૂર્ય અંગેનું વૈજ્ઞાનિક સંશોધન ?

વિનોબા : આ કહેવું મુશ્કેલ છે, જો મારા માટે વ્યક્તિગત સવાલ હોય તો; કેમ કે મેં વૈદિક અધ્યયન પણ ઘણું કર્યું છે અને વિજ્ઞાન વિશે પણ મારી બહુ પ્રીતિ છે. પણ હું તો સૂર્યની ઉપાસના કરતો જ નથી. જેમ ઘડિયાળને સામે રાખીને ઉપાસના થાય નહીં તેવી રીતે ઊગતા સૂર્યને નજર સામે રાખીને ઉપાસના કરીએ તો ઉપાસના ન થાય. હું તો જે ઉપાસના કરું છું તે તો આત્મ-સૂર્યની કરું છું. એને માટે વેદમાં નાનકડો મંત્ર છે :

सूर्य आत्मा जगतस्तु चक्षु:।

સૂર્ય એ સ્થાવર-જંગમનો આત્મા છે. આત્માનું નામ સૂર્ય છે; તો એવી રીતે સૂર્ય પર પણ આત્માની ભાવના કરી શકાય. કુરાનમાં એક વાક્ય લખ્યું છે. તેમાં એક વિશેષ શ્રદ્ધા પ્રગટ થાય છે. તે જ મારી શ્રદ્ધા છે કે તમે જો ઈશ્વરની ઉપાસના કરવા માગતા હો તો તેની જ ઉપાસના કરો. સૂર્ય, ચંદ્ર એ બધાને પરમેશ્વરે ઉત્પન્ન કર્યા છે, તેની ઉપાસના ન કરો, પણ જેણે આ બધી વસ્તુ પેદા કરી છે તેની ઉપાસના કરો. એટલે કે કર્તાની ઉપાસના કરો, કર્મની નહીં. હું એમ જ માનું છું પણ જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં નિઃસંશય પ્રાણસંચાર થાય છે. એમાં જેને અનુભવ હોય તે કબૂલ કરી શકે, પણ જેને અનુભવ ન હોય તે પણ કલ્પનાથી સમજી શકે છે. એટલે મને તો સૂર્યોદયનો સમય બહુ મહત્ત્વનો લાગે છે.

અમે જ્યારે જેલમાં હતા ત્યારે અમારો ઘણો સમય આનંદદાયી ચર્ચામાં જતો હતો, ખાસ કરીને મારો સમય તો બહુ આનંદમાં વ્યતીત થતો હતો. જ્યારે કેટલાકને તો આશા-નિરાશા અને દુઃખનાં અનેક કારણો મળતાં હતાં. પરંતુ મને એવું કશું થતું નહોતું, જે કંઈ થતું તે મને સુખમય જ લાગતું. એક દિવસ જેલરે આવીને મને પૂછ્‌યું કે તમારું જીવન તો બહુ સુખમાં છે, તમને કોઈ દુઃખ હોય તેવું દેખાતું નથી. ત્યારે મેં કહ્યું કે દુઃખ દેખાતું તો નથી પણ છે ખરું; તો સાત દિવસ તમે વિચાર કરીને શોધી કાઢો. તો સાત દિવસ પછી એ પાછો આવ્યો અને કહેવા લાગ્યો કે હું તો તમને કોઈ પણ દુઃખમાં જોતો નથી. ત્યારે મેં કહ્યું કે સવારના પહોરમાં અને સાંજે મને સૂર્યનું દર્શન નથી થતું તે મારું દુઃખ છે. પણ તે દુઃખ મટાડવાનો ઉપાય જેલમાં નહોતો.

તો, સૂર્યદર્શન એ બહુ જ ઉત્સાહદાયક દર્શન છે; અને એ નિમિત્તે ઈશ્વરની ઉપાસના કરીએ તો તે સારું છે. મને સૂર્ય જેટલું સ્ફૂિર્તદાયક મંદિર, આશ્રમ કે કાબા કે કંઈક બીજું સ્થાન નથી લાગતું. એ એટલું મોટું ને મહાન સ્ફૂિર્ત-સ્થાન છે. એને ઈશ્વરનું પ્રતીક સમજીને પરમેશ્વરની ઉપાસના કરીએ તો સારું છે.

પદયાત્રી : ચિંતન સાથે સૂર્ય-ઉપાસનાનો શો સંબંધ છે ?

વિનોબા : મારી એવી ધારણા છે કે સૂર્ય અને આપણી વચ્ચે એક સંબંધ છે. ઉપનિષદમાં પણ એક વાક્ય આવે છે કે સૂર્યકિરણ નાડી મારફત હૃદયમાં પહોંચે છે, અને સૂર્ય અને હૃદયની વચ્ચે એક રસ્તો બનેલો છે, અને ત્યાંથી અહીં અને અહીંથી ત્યાં આવી-જઈ શકાય છે. જેમ સૂર્યકિરણ હૃદયમાં આવે છે તેમ હૃદયથી સૂર્ય સુધી પહોંચી શકાય છે. એવો હૃદય અને સૂર્ય વચ્ચેનો એક ધોરી રસ્તો તૈયાર થયો છે. મને તો એવો અનુભવ થયો છે. સૂર્યનું જ એવું થાય છે તેમ નહીં, તારાઓ વિશે પણ મને એવો જ અનુભવ થાય છે.

અત્યાર સુધી હું આગ્રહપૂર્વક ખુલ્લા આકાશમાં સૂતો હતો. વરસાદમાં થોડા વખત માટે અંદર ચાલ્યો જાઉં, પણ ઘણી વાર તો ઓઢીને બહાર જ પડ્યો રહું. ઘણી વાર તો ખબર જ ન પડે કે વરસાદ પડે છે. સવારે ઊઠું ત્યારે ખબર પડે કે ઓઢવાનું ભીંજાઈ ગયું છે. આમ, રાતનું આકાશદર્શન કરીએ તો તારકો અને આપણી વચ્ચે કંઈક રસ્તો બનેલો છે એવો ભાસ થાય.

– નવાવાસ તા. ૪/૧/૫૯

પદયાત્રી : હૃદય એ કરુણા અને પ્રેમનું સ્થાન છે, તો સત્યનું સ્થાન કયું ?

વિનોબા : હૃદય એ કરુણા અને પ્રેમનું અંદરનું સ્થાન છે, પણ બહાર તો કરુણા અને પ્રેમનું સ્થાન સૃષ્ટિ જ છે. તેનું પ્રતિબિંબ હૃદયમાં પડે છે.

તેવી રીતે સત્ય પણ સૃષ્ટિમાં છવાયેલું છે. અને તેનું પ્રતિબિંબ પણ એ જ હૃદયમાં પડે છે, જેમાં કરુણા અને પ્રેમનું પડે છે. જેમ પ્રેમ અને કરુણા માટે, તેમ સત્ય માટે પણ. બહાર અને અંદર એક જ સ્થાન છે. બહારનું આખું વિશ્વ અને અંદર હૃદય, એ સત્ય-પ્રેમ અને કરુણા માટેનાં સ્થાન છે.

પદયાત્રી : આપણી પદયાત્રામાં (સૂર્યોદય સમયે) આ જે પ્રાર્થના ગવાય છે, તે સમજાવશો ?-

            सत्येन लभ्यस्तपसा ह्येष आत्मा
            सम्यग् ज्ञानेन ब्रह्मचर्येण नित्यम् ।
            अंत:शरीरे ज्योतिर्मयो हि शुभ्रो यं
            पश्यन्ति यतय: क्षीणदोषा: ।।
                         सत्यमेव जयते नानृतम
                         सत्येन पंथा विदतो देवयान: ।
                         येनाक्रमन्ति ऋषयो ह्याप्तकामा
                         यत्र तत् सत्यस्य परमं निधानम् ।।

વિનોબા : આ મંત્ર એક બહુ ગંભીર મંત્ર છે. એ મુંડકોપનિષદ્‌નો મંત્ર છે. (૩ઃ૧ઃ૫-૬) અને મૂળ સૂર્યની ઉપાસના માટે નથી કહેવાયો. પણ હું એનો ઉપયોગ સૂર્ય-ચિંતન માટે કરું છું. ह्येष आत्मा – હૃદયમાં જે આત્મા છે તે પણ સૂર્ય છે અને આ જે સૂર્ય છે તે પણ આત્મા છે. જેમ બહાર સૂર્ય-જ્યોતિ છે, તેમ અંદર સત્ય-જ્યોતિ છે. એ બંને જ્યોતિની ઉપાસના આપણા પૂર્વજો કરતા હતા. એક બાજુ સૂર્ય-પ્રતીક અને બીજી બાજુ આત્મ-પ્રતીક ! આવો અર્થ કરીને સૂર્યોપાસના કરીએ તો સત્યની પ્રાપ્તિ સુલભ થાય.

પહેલું સાધન : સત્ય

આ મંત્રમાં આત્માની પ્રાપ્તિ માટે ચાર સાધનો મૂક્યાં છે. તેમાં સૌથી પહેલું મૂક્યું છે તે સત્ય. તે બહુ મહત્ત્વનું છે. બંગાળમાં અને અહીં ગુજરાતમાં પણ, એક વ્યાખ્યાનમાં મેં કહેલું કે એક બાજુ આખું નીતિશાસ્ત્ર હોય અને બીજી બાજુ કેવળ સત્ય હોય તો બંનેની તુલના કરતાં સત્યનું પલ્લું જ વધુ વજનદાર ઠરે. એટલે સત્ય સૌથી શ્રેષ્ઠ નીતિધર્મ છે. બીજા બધા નીતિધર્મો સત્યની સરખામણીમાં ગૌણ છે. એ અર્થમાં સત્યને અહીં પહેલું સ્થાન આપ્યું છે. ખાસ કરીને આત્મપ્રાપ્તિ માટે સત્ય બહુ મહત્ત્વનું છે. સત્ય એટલે કેવળ વાણીનું સત્ય નહીં, પણ મનસા-વાચા-કર્મણા સત્ય. મનુષ્યનું જીવન જો સત્ય પર ઊભું રહે તો જ આત્માનું દર્શન થાય.

બીજું સાધન : તપ

બીજું સાધન તપનું બતાવ્યું છે. સત્યને સમજવા માટે જે મહેનત કરવી પડે તે તપ જ કહેવાય. ખાસ કરીને જો ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવાય તો તેની મારફત સત્ય સુધી પહોંચી શકાય અને તો એ બહુ સરળ થઈ શકે. પણ જો ઇન્દ્રિયો ઉપર કાબૂ ન હોય અને તેના વશમાં આપણે હોઈએ તો આપણી સ્થિતિ પેલા ઘોડેસવાર જેવી થાય, જેના હાથમાં લગામ નથી. તપસમાં મુખ્યત્વે ઇન્દ્રિય ઉપરનો કાબૂ આવે. તે ઉપરાંત સત્યપ્રાપ્તિ માટે જે પ્રયોગ કરવા પડે તે પણ તપસમાં આવે. મનુષ્યને કલ્પના તો ઘણી આવે, ને તેનાથી એને અંદરથી સ્ફૂિર્ત પણ મળતી રહે. પરંતુ તે કલ્પના ખરી છે કે ખોટી તે સમજવા માટે તો પ્રયોગો કરી જોવા પડે. અને તેમાં જે તકલીફ પડે છે તે તપસ્‌ છે. તો સત્યના પ્રયોગો કરવા અને તેને અંગે ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો એ બે ક્રિયા તે તપ છે.

ત્રીજું સાધન : સમ્યગ્‌ જ્ઞાન

ત્રીજું સાધન સમ્યગ્‌ જ્ઞાનનું. આત્માના સ્વરૂપનું આકલન કરવા માટે યોગ્ય બુદ્ધિ હોવી જોઈએ. યોગ્ય બુદ્ધિ એટલે અનાસક્ત બુદ્ધિ. જેમાં પૂર્વગ્રહો ન હોય એવી બુદ્ધિ, તે સમ્યગ્‌ જ્ઞાન કરાવી શકે. પૂર્વગ્રહરહિત બુદ્ધિથી જ આત્માનું દર્શન થાય.

ચોથું સાધન : બ્રહ્મચર્ય

ચોથું સાધન બ્રહ્મચર્યનું બતાવ્યું છે. અહીં બ્રહ્મચર્ય અને તપસ્‌ અલગ પાડ્યાં છે. એટલે બ્રહ્મચર્યમાં મુખ્યત્વે અધ્યયન, ચિંતન, મનન વગેરે સમજવું જોઈએ, કેમ કે જો તપને અલગ ન રાખ્યું હોત તો બ્રહ્મચર્યમાં તપ આવી જ જાત, પણ તપને અલગ રાખ્યું છે એટલે બ્રહ્મચર્યમાં બ્રહ્મનું ચિંતન, મનન, અધ્યયન વગેરે જે કરવું પડે તે સમજવું જોઈએ.

આ રીતે सत्य એક નૈતિક મૂળ તત્ત્વ થયું, અને तमस् એટલે તેને માટે પ્રયોગો કરવા પડે તેની તૈયારી થઈ. सम्यग् ज्ञान એટલે કે બુદ્ધિની સૂક્ષ્મતા અને તટસ્થતા. અને બ્રહ્મચર્ય એટલે કે નિરંતર અધ્યયન, સતત ચિંતન વગેરે. આ બધું જો હોય તો આત્મદર્શન થાય.

अंत: शरीरे ज्योतिर्मयो हि शुभ्रो – જેવી રીતે બહાર સૂર્યનારાયણનો ઉદય થાય છે, તેવી રીતે અંદર પણ સૂર્યનારાયણ છે. જેમ બહારનો સૂર્ય વાદળથી ઢંકાઈ જાય તો તેનું દર્શન ન થાય, તેવી રીતે હૃદય પર જો પડદા આવી જાય, તો અંદર જે જ્યોતિ છે તેનું દર્શન ન થાય. અંદર જે સૂર્ય છે તે અત્યંત જ્યોતિર્મય છે, એટલે જેમ સૂર્યમાં સ્વયંભૂ પ્રકાશ છે તેમ આમાં સ્વયંભૂ જ્ઞાનપ્રકાશ છે અને એ પ્રકાશ શુભ્ર છે.

यं पश्यन्ति यतय: क्षीणदोष: । યતિ એટલે કે યત્નવાન સંન્યાસી. એનો સરળ અર્થ યત્ન કરનારો એટલો થાય. સાધકો જ્યારે ક્ષીણ દોષવાળા થાય છે, એમના દોષો ઘસાઈ જાય છે, ત્યારે એ લોકો એનું દર્શન કરે છે. એટલે જ્યાં સુધી દોષો છે ત્યાં સુધી આવરણ છે. એ દોષો જો જાય તો દર્શન થાય. એના દર્શન માટે દોષ-નિરસન એ ઉત્તમ ઉપાય છે. તેને માટે ચાર સાધનો બતાવ્યાં. એનો ઉપયોગ કરીને જો દોષ ક્ષીણ થાય તો અંદર જે સૂર્ય છે તેનું દર્શન થાય.

सत्यमेव जयते । न अनृतम – આ બંને વાક્ય જુદાં દેખાય છે, પણ હકીકતમાં તે એક જ છે. એક બાજુ કહે છે સત્યનો જ જય થાય છે. અને બીજી બાજુ કહે છે કે અનૃતનો કદી જય થતો નથી. વળી ઉપર જે સાધનો બતાવ્યાં તેમાં સત્યને પ્રધાન બતાવ્યું. તો આ રીતે એમાં સત્ય પર જ બધો ભાર મૂક્યો છે.

सत्येन पंथा विततो देवयान: – દેવના દર્શનનો માર્ગ સત્યથી જ પથરાયેલો છે. देवयान: એટલે કે દેવ તરફ જવાનો માર્ગ. મતલબ કે પરમેશ્વર સુધી પહોંચવાનો માર્ગ સત્યથી જ બનેલો છે.

येनाक्रमन्ति ऋषयो व्याप्तकामा: । જેઓ નિષ્કામ ઋષિ છે અને જેમની કામનાઓ પરિપૂર્ણ થઈ છે તેવા ઋષિઓને आप्तकाम કહ્યા છે. અને ઋષિ છે. એટલે સત્યનું દર્શન કરી રહ્યા છે. અને તેઓ ક્યાં પહોંચે છે? यत्र तत् सत्यस्य परमं निधानम । પણ દર્શન કરીને પછી તેઓ જ્યાં પહોંચે છે તે સ્થાન પણ સત્યનું પરમધામ છે, છેલ્લો મુકામ છે. ત્યાં પહોંચવાનો રસ્તો પણ સત્ય છે. અને એની ઝાંખી થઈ હોવાથી એમના પગ ઊપડે છે, તે દર્શન પણ સત્યનું જ છે. આ રીતે ચાલવાનું સાધન તે પણ સત્ય, ચાલવાનો રસ્તો તે પણ સત્ય, અને જ્યાં પહોંચવું છે તે મુકામ પણ સત્ય. આ બંને મંત્રો મળીને આવો અર્થ થાય છે.

યાત્રિક : બાબા, આત્માનું સ્વરૂપ કેવું હોય ? ….. આત્મ-સાક્ષાત્કાર કેવી રીતે થાય ?

વિનોબા : આત્મા કોઈ પદાર્થ નથી કે જેથી એની કોઈ એક નિશ્ચિત વ્યાખ્યા થઈ શકે. જુદાં જુદાં સ્વરૂપ હોય છે, અને આત્મદર્શનના માર્ગો પણ અનેકવિધ હોય છે. બાળકને માટે શરીર એ એનો આત્મા છે; કારણ કે એ શારીરિક રીતે જીવે છે. એનું શારીરિક સુખ એ જ એનું આત્મિક સુખ હોય છે. પછી થોડું મોટું થતાં તે મનોમય થઈ જાય છે, મનની ઇચ્છા પર ચાલે છે. પછી આગળ વિકાસ થતાં પોતાનો દરેક વ્યવહાર બુદ્ધિથી કરતો થાય છે. બુદ્ધિની પરિપક્વતા અને સ્થિરતાને કારણે તે શરીર અને આત્માના ભેદને સમજવા માંડે છે. એમ ઉત્તરોત્તર આત્મદર્શનની શક્તિ મેળવતો થાય છે.

પ્રશ્ન : આજના યુગમાં મોક્ષપ્રાપ્તિનું સૌથી સહેલું સાધન કયું ?

વિનોબા : મોક્ષ પ્રાપ્તિનું સૌથી સહેલું સાધન સમાજસેવા છે. આપણે સમાજના ખૂબ જ ઋણી છીએ. સમાજસેવા એ કાંઈ સમાજ ઉપર ઉપકાર નથી. જે સમાજ પાસેથી આપણે ભરીભરીને મેળવ્યું છે, તે સમાજના ઋણમુક્ત થવાનો આપણો પ્રયાસ છે એમ સમજવું જોઈએ. એ આપણો સહજ ધર્મ છે. ગ્રામસફાઈ, શ્રમ વગેરે કરીને, દિલમાં સમાજ માટે પ્રેમ અને કરુણા રાખીને, સહકાર અને પરિવારભાવના રાખીને, સાથે મળીને સેવા કરશું, કામ કરશું, તો ગીતાના ૧૧મા અધ્યાયમાં કૃષ્ણના હજારો હાથપગવાળા ગ્રામેશ્વરનાં દર્શન થશે.

સંકલિત

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ડિસેમ્બર 2016; પૃ. 01-03

Loading

માવજી કે. સાવલા – એક નિરાળા વ્યક્તિત્વનો વિલય

રમણીક સોમેશ્વર|Opinion - Literature|3 February 2016

સતત વહેતા પ્રવાહનો વિલય એટલે એનું વિરાટમાં ઓગળી જવું. અનેક ધારાએ વહેતી સરિતા જેવું માવજીભાઈ સાવલાનું જીવન. મારી ડબડબતી આંખે એમના વિશે બે અક્ષર પાડવા બેઠો છું ને મારા શબ્દો કાગળ પર આવે તે પહેલાં જ એ ધારાઓમાં વિલિન થવા લાગે છે. છતાં વહેતાં જળમાં રેખાઓ આંકવાનો થોડો પ્રયત્ન કરી જ લઉં.

દિવાળીની બપોરે અમે વડોદરાથી અંજાર આવ્યા. બે દિવસ પછી દક્ષાબહેન સંઘવી સાથે ફોન પર વાત થઈ ને એમણે સમાચાર આપતાં કહ્યું કે બાપુજીને ઘરમાં જ લપસી જતાં ફ્રેક્ચર થયું છે અને ઓપરેશન કરાવવું પડ્યું છે. શનિવારે હોસ્પિટલમાંથી રજા મળશે. શનિની સાંજે હું ને મારાં પત્ની એમને ઘેર પહોંચ્યાં, મંદ મુસ્કાનથી એમણે અમને આવકાર્યા. શરીર કંઈક ક્ષીણ થયેલું ભાસ્યું. અવાજ ધીમો, કંઈક ઊંડેથી આવતો પણ રણકો તો એ જ. પીડાગ્રસ્ત ચહેરા પર હાસ્યની એવી જ તરોતાજા લકીરો. મનથી પૂરા સ્વસ્થ. એ અવસ્થામાં ય ધીમે સાદે પરિવાર, મિત્રો સૌના ખબર-અંતર પૂછ્‌યા. કલાકેક બેઠા અને ફરી નિરાંતે મળવાના વાયદા સાથે છૂટા પડ્યા.

સવારે દસ વાગ્યે મિત્ર રજનીકાંત મારુનો ફોન. માવજીભાઈ વિદાય લઈ ગયા – મેં કશેક વાંચેલું : ’Let Death Catch You Alive‘ – તમે ધબકતા હો ત્યારે જ મૃત્યુ ભલે તમને પકડી પાડે – આ માવજીભાઈ પણ ધબકતા જીવન સાથે ભેરુબંધની જેમ મૃત્યુનો હાથ ઝાલી ચાલતા થયા. એ જ મસ્તી, એ જ તોર, એ જ અકબંધ મિજાજ સાથે. મને કવિશ્રી હરીન્દ્ર દવેની આ પંક્તિઓ યાદ આવી જાય છે :

મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો.

ચાર-સાડાચાર દાયકાનો અમારો અનુબંધ. કૉલેજમાં ભણતો એ દિવસોથી જ એમની દુકાને જતો થયેલો. ત્યારે તો કેન્દ્રમાં ‘કચ્છ કલામ’. પછી ફૂટપાથને કાંઠે આવેલી એ ચાની દુકાનનો એક ખૂણો ‘અપ્લાઈડ ફિલોસોફી સ્ટડી સેન્ટર’માં રૂપાંતરિત થતો હું જોતો રહ્યો. દર્શનશાસ્ત્રના આજીવન વિદ્યાર્થી અને થોડો સમય પ્રાધ્યાપક પણ રહી ચૂકેલા માવજીભાઈનું ધ્રુવપદ એવું કે પુસ્તકો, અભ્યાસક્રમો કે ચર્ચાઓમાં અટવાઈ રહેવાને બદલે જિવાતા જીવન સાથે તાલ મેળવે એ જ ખરી ફિલસૂફી.

દુકાનમાં એમની સિંહાસન જેવી ખુરશી એક રીતે તો જોગીના ધૂણા જેવી. દશે દિશાના વાયરા ત્યાં હોંશે હોંશે વાય. ફિલસૂફોથી લઈને ફકીરો કે કલાકારોથી કામદારો – સ્તરે સ્તરના અનેકવિધ લોકોનો ત્યાં આવરો-જાવરો. કશા આયોજન વિના સુનિયોજિત બેઠકો ત્યાં ચાલતી રહે. તીવ્રતમ બૌદ્ધિક ચર્ચાઓથી લઈને જીવનનાં સારભૂત તત્ત્વોની ખરલ ત્યાં ઘૂંટાતી રહે, માવજીભાઈની એ બેઠક અનેકોનો વિસામો, હૈયું ઠાલવવાનું કામ, પ્રેરણાની પરબ … અને ઘણું બધું. એની વધુ વાતો તો એ બેઠકોના કોઈ નિત્યસંગાથી જ કરી શકે.

સતત પ્રવૃત્તિશીલ એવા માવજીભાઈ ભીતરથી ખાસ્સા સ્થિર અને દીપ્તિમંત. જીવન છે એટલે વિપદાઓ તો આવવાની, આવતી રહે. અનેક ઝંઝાવાતો વચ્ચે માવજીભાઈ અડોલ. કોઈ કપરા કાળમાં આપણે એમને આશ્વાસન આપવા ગયા હોઈએ અને આશ્વાસિત થઈને પાછા આવીએ. અડગ ગતિશીલતા અને નિર્મળ હાસ્ય એ એમના વ્યક્તિત્વની આંતર છબી.

તત્ત્વનું ટૂંપણું નહીં પણ રસબસતું દર્શન એ માવજીભાઈનો મંત્ર. અઘરામાં અઘરા વિષય પર પણ સૌને સમજાય એવું સરળ ભાષામાં લખે. ચિત્રકળા હોય કે ચલચિત્રો, લોકસંગીત હોય કે શાસ્ત્રીય સંગીત; અનેકવિધ વિષયોમાં એમની ચેતના રમમાણ. વિશ્વવિખ્યાત દિગ્દર્શક એલિયા કઝાનની વાત પણ ક્યારેક માંડે, તો હોમિયોપથી અને બાયોકેમિક ઉપચાર પદ્ધતિનાં પુસ્તકો પણ આપે. એમને પ્રિય જૂની ફિલ્મનાં ગીતો, ભજનો, પદો, સદૈવ એમના હોઠે અને હૈયે રમતાં હોય.

‘કચ્છ કલામ’ એ એમની કચ્છ અને કાછી સાહિત્યને મળેલી અમુલખ ભેટ. કચ્છી ભાષા, સાહિત્ય, સંસ્કારો અને કચ્છીયતની જાળવણી અને સંવર્ધનને લક્ષતું એ બેનમૂન સામયિક. સામયિક સંપાદનનો એક આદર્શ નમૂનો પણ એ દ્વારા મળી રહે. થોડો સમય ચલાવ્યું, દિશા ચીંધી અને પછી સહજ વિરામ.

‘કિતાબી દુનિયા – વાચનની આનંદયાત્રા,’ ‘વાચન વિશ્વ ઝરૂખે’ કે ‘કિતાબી સફર’ જેવાં એમનાં પુસ્તકો જોઈએ ત્યારે ખ્યાલ આવે કે એમની વાચનની ક્ષિતિજો કેટકેટલી વિસ્તરેલી હતી. મને એમની પાસેથી અઢળક સાંપડ્યું છે. પુસ્તકોનું અમારું આદાન-પ્રદાન સતત ચાલતું રહે.

કલમ સતત ચાલતી રહે. ‘કચ્છ મિત્ર’, ‘પગદંડી’, ‘ઓળખ’ આદિમાં કૉલમ; સામયિકોમાં સતત લેખન. ‘વિચાર વલોણું પરિવાર’ સાથે તો વરસોનો નાતો. એ બધાના પરિપાક રૂપે નાની નાની પુસ્તિકાઓથી માંડીને અનેક પુસ્તકો પ્રકાશિત થતાં રહે. પ્રવાસ, સ્મરણો, પત્રો, સંકલન, સંપાદનનાં અત્યાર સુધી ૫૦(પચાસ)થી વધુ પુસ્તકો અને અનુવાદનાં ૨૫(પચ્ચીસ)થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં હશે. ફંફોસવા બેસીએ તો હજુ ૧૫-૨૦ પુસ્તકો જેટલું સાહિત્ય લખાયેલું સાંપડે.

અધ્યાત્મ એમનો પ્રાણવાયુ. ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી. એ વિશેનાં પુસ્તકો મળે એ સ્વાભાવિક પણ રશિયન દાર્શનિક ગુર્જિએફ એમને એવા પ્રિય કે એમના વિશે એમણે ચાર પુસ્તકો આપ્યાં. નિસર્ગદત્તજીના દર્શનના નીચોડરૂપ ‘આત્મબોધ’ના ચાર ભાગનો એમનો અનુવાદ મહામૂલો. જે. કૃષ્ણમૂર્તિ, ઝેન, તાઓ, સૂફી …. દર્શનની કેટકેટલી ધારાઓ એમણે જિજ્ઞાસુઓ સમક્ષ ખોલી આપે !

વિશ્વ વિખ્યાત સજર્ક ટૉલ્સટૉયની ‘રીઝરેક્શન’ જેવી બૃહત નવલકથાનો ‘પુનરાવતાર’ નામે સંક્ષિપ્ત અનુવાદ એમણે આપ્યો. તાજેતરમાં જ એની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. દોસ્તોયેવસ્કીની એક લાંબી વાર્તાનો સુંદર અનુવાદ ‘સ્વપ્ન એક બુદ્ધનું’ – લાભશંકર ઠાકરે એનો વિસ્તૃત પ્રવેશક ઉમળકાભેર લખ્યો. ‘એટ્ટીની રોજનીશી’ એમનો યશોદાયી અનુવાદ. જુદા જુદા પ્રકાશકો દ્વારા એની એકાધિક આવૃત્તિઓ થઈ. નોબેલ પુરસ્કારથી સમ્માનિત જર્મન લેખક હરમાન ! ‘સિદ્ધાર્થ’ એમને અતિ પ્રિય. એ કૃતિનું એમણે ગુજરાતીમાં નાટ્ય રૂપાંતર આપ્યું. છેલ્લા કેટલાક સમયથી રવીન્દ્રનાથ એમના ચિત્તમાં રમ્યા કરતા; તો એમના અનુવાદો અને એનાં વિશેનાં પુસ્તકો. – આ તો થોડા અછડતા ઉલ્લેખો બાકી પુસ્તકોની વાતોનો આરો કે ઓવારો નહીં.

સજર્નાત્મક સાહિત્યમાં વાર્તા-લઘુનવલ લખવાની એમની મનીષા. લાભશંકર ઠાકર અને થોડા મિત્રો એમને એ માટે પ્રેરતા રહે. એ રીતે અધ્યાત્મ જીવનના અનુભવોની વણી લેતી એક લઘુ નવલ ‘એક અધૂરી સાધના કથા’ એમની પાસેથી મળી. તો એવી જ બીજી લઘુનવલ દેહાવસાનના થોડા દિવસો પૂર્વે જ એમણે પૂરી કરી – જેના પ્રકાશનની આપણે રાહ જોઈએ. એમની અંગત ડાયરી(નોટબુક્સ)માંથી પણ સંકલન કરવા બેસીએ તો કંઈક અનોખું સાહિત્ય એમાંથી સાંપડે.

સંવેદનશીલોને ભાવુક કરી મૂકતી છેલ્લે પ્રકાશિત થયેલી એમની કૃતિ ‘તું અને હું’ એ એમનાં પત્ની સાકરબહેનના મૃત્યુ પછી એમણે આલેખેલી દાંપત્યજીવનની ભાવસભર સ્મરણગાથા. બે હૈયાંના અનુપમ સાયુજ્યની અનોખી કથા. તા. ૧૫-૧૧-૧૫ની સવારે એ પુસ્તકના શીર્ષકમાંથી ‘અને’ ને હદપાર કરી, ‘તું-હું’ના સાયુજ્યનું અનુસંધાન રચતા તેઓ અનંતમાં વિસ્તરી ગયા. હવે જે ‘અન્‌-અંત’ છે તેના ‘અંત’ની વાત શી રીતે કરવી ?

અલમ્‌.

સૌજન્ય : “કચ્છ મિત્ર”

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ડિસેમ્બર 2015; પૃ. 11 & 10

Loading

વહાલાં બાલુડાં

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|3 February 2016

રોઝી, બાર વાગવા આવ્યા. હવે ઘરમાં આવવું છે ? ભૂખ-તરસ કંઈ યાદ આવે છે કે, તારાં છોકરાંઓ પાસે જ બેસી રહેવું છે ?’

‘બસ, હમણાં આવી. આ જોને, એંજલાને કેટલી તરસ લાગી છે ! આપણું બાળક તરસ્યું હોય તો એને પાણી તો આપવું જોઈએ ને !’

સ્મિથ દંપતીના પાડોશીઓને પીટર હયાત હતો ત્યાં સુધી લગભગ રોજ આવા સંવાદો સાંભળવા મળતા. હા, એમાં એંજલા પછી એંથની અને જૉયનાં નામ પણ આવતાં. અજાણ્યા હોય તેને ખ્યાલ ન આવે પણ આ જૂના પાડોશીઓને ખબર હતી કે, રોઝીએ પોતાના આંગણામાં રોપેલી નાળિયેરીઓને પોતાનાં ત્રણ સંતાનોનાં નામ આપ્યાં હતાં. માત્ર નામ આપ્યાં હતાં એટલું જ નહીં પણ દૂર દેશાવરમાં વસેલાં દીકરા-દીકરીઓ આ નાળિયેરીના માધ્યમથી વાતો પણ કરતી રહેતી. ગોવાના સમુદ્રતટની આબોહવામાં નાળિયેરીઓ મજાની ફૂલીફાલી હતી.

‘એંજલા, તું તારા સંસારમાં સુખી છે એથી મને કેટલો સંતોષ થાય છે, જાણે છે ? વળી તું પ્રેગનન્ટ છે એ ખબર મળતાં તો હું ને તારા ડેડી હરખઘેલાં થઈ ગયાં છીએ.’

‘એંથની, હવે ગોવા આવવાનું આટલું ઓછું કેમ કરી નાખ્યું છે ? કંઈ નહીં તો બે વર્ષે એક વાર તો તારા પરિવારને લઈને આવતો જા, દીકરા !’ ‘જૉય, હવે તું નથી, તારા ડેડી નથી. તમે કોઈ ન હો તો આ ઘરડી મા કોને આધારે જીવે ?’

પીટરના ગયા પછી રોઝી મોટે ભાગે આ ત્રણ નાળિયેરીઓ સાથે જ સમય વિતાવતી. સૌથી મોટી એંજલા શાળામાં ભણતી ત્યારે એક દિવસ શાળામાંથી આવી ત્યારે નાળિયેરીનો રોપો લેતી આવેલી. ખુશ થતાં એણે કહેલું, ‘માઈ, આ રોપો આપણા વાડામાં રોપીશું ?’

રોઝીએ ત્યારે પીટરને કહ્યું હતું,

‘દીકરી તો પરણીને સાસરે જતી રહેશે. એના ગયા પછી આ ઝાડ આપણને એની સાથે જોડેલાં રાખશે. ચાલ, આપણે એના હાથે જ નાળિયેરી રોપાવીએ.’

એણે રોપેલી નાળિયેરી પર ફળ આવે એ પહેલાં એંજલા લગ્ન કરીને લંડન જતી રહેલી. ત્યાર પછી રોઝીના લાડકવાયા એંથનીને કુવેતમાં સારા પગારની નોકરી મળતાં એને પણ નજરથી દૂર કરવાનો વારો આવ્યો. એ સમજુ અને સંવેદનશીલ હોવાથી રોઝીને આ દીકરા માટે અનહદ પ્રેમ હતો. એની કુવેત જવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે એક દિવસ રોઝીએ કહ્યું,

‘બેટા, હું ઇચ્છું છું કે જતાં પહેલાં તું એંજલાવાળી નાળિયેરીની બાજુમાં તારે હાથે એક નાળિયેરી રોપતો જાય. રોજ સવારે તારા માથે હાથ ફેરવીને તને ઉઠાડું છું. તારા ગયા પછી એ સુખ તો નહીં મળે પણ તારી રોપેલી નાળિયેરી પર હાથ ફેરવીને … ‘રોઝી વાક્ય પૂરું નહોતી કરી શકી.’ ‘રડ નહીં માઈ, રડ નહીં.’ કહેતાં એંથનીએ એને બાથમાં લઈ લીધી હતી.

એંજલાની બાજુમાં એંથનીને રોપાયાને કંઈ ઝાઝો સમય નહોતો થયો. હવે તો માત્ર જૉયને કારણે ઘરમાં વસતી લાગતી. પીટર અને રોઝી બંને વૃદ્ધ થતાં જતાં હતાં એટલે બેઉને એમ હતું કે, જૉય એમનું ઘડપણ પાળશે. પણ એક દિવસ જૉય પર મેલ આવ્યો કે, એને હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમીશન મળી ગયું છે.

એંજલા અને એંથનીની પડખે જૉય પણ રોપાઈ તો ગયો, પણ એના વિદેશગમન પછી રોઝીની પડખે પીટર લાંબો સમય ન રહ્યો. આટલાં વર્ષો રોઝીને પ્રેમભર્યો સથવારો આપતો રહેલો પીટર અચાનક સદાને માટે ચાલ્યો ગયો. હર્યું-ભર્યું ઘર સાવ ભેંકાર થઈ ગયું. ઘરમાંથી અને જીવવામાંથી રોઝીનો રસ ઊડી ગયો. માત્ર એક જ રસ ટકી રહ્યો હતો – ત્રણે સંતાનોને પાણી પાવાનો અને એમની સાથે રોજેરોજની વાતો કરવાનો. ઝાડ પર સુંદર અક્ષરે એણે ત્રણેનાં નામ કોતર્યાં હતાં. એ નામો પર હાથ ફેરવતી વખતે એની આંગળીઓનાં ટેરવાંમાંથી વ્હાલ નીતરવા લાગતું.

છેલ્લા બે-ત્રણ દિવસથી રોઝી બહુ બેચેન હતી. રજિસ્ટર એ.ડી.થી એને એક પત્ર મળ્યો હતો. બાજુવાળા એડવર્ડને બતાવ્યો ત્યારે એણે કહ્યું, ‘ભૂમિ-અધિગ્રહણ ધારા હેઠળ આપણા રસ્તા પર આવેલા દરેક ઘરની આગળની બાજુની જમીન કપાતમાં જવાની છે. સાંભળ્યું છે કે, રસ્તા પહોળા કરવાના છે.’

‘એમ સરકાર આપણી જમીન કેવી રીતે લઈ શકે ?’ રોઝીએ વ્યગ્રતાથી પૂછ્‌યું. ‘એમાં આપણું કંઈ ચાલે નહીં. અમારી તો વીસ વીસ નાળિયેરી કપાઈ જવાની. તમારે તો સારું છે કે ત્રણ જ છે.’

‘હેં ? નાળિયેરી કપાવાની ? મારા જીવતા એ કોઈ કાળે નહીં થવા દઉં.’ પથારીમાં પડ્યા પડ્યા ખુલ્લી આંખોમાંથી વહેતાં આંસુ એનું ઓશીકું પલાળી રહ્યાં હતાં. એ જીસસને કાલાવાલા કરી રહી હતી,

‘મને મારાં સંતાનોથી દૂર ન કરશો. પ્લી…ઝ… મારું ઘર-બાર બધું જાય તો વાંધો નહીં પણ મારાં ઝાડવાંને બચાવી લેજો.’

પણ જીસસે એનું સાંભળ્યું હોય એવું લાગ્યું નહીં. બીજે દિવસે સવારના પહોરમાં એક જીપમાં અધિકારી અને મજૂરો આવી પહોંચ્યા. મજૂરોના હાથમાં કુહાડી જોઈ રોઝી પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી. દોડતી જઈને એંજલાને વળગીને ઊભી રહી ગઈ. ‘નહીં કાપવા દઉં. આ ઝાડ નથી, આ તો મારાં બાળકો છે. એક માની સામે એનાં બાળકોની હત્યા તમે કેવી રીતે કરી શકો ?’

મુખ્ય અધિકારીએ ઈશારો કર્યો એટલે મજૂરો ઝાડને વળગેલી રોઝીને ખેંચવા લાગ્યા. રોઝી તસુભાર ખસવા તૈયાર નહોતી. ઝપાઝપીમાં એક મજૂરના હાથની કુહાડી રોઝીના માથામાં વાગી. એ તમ્મર ખાઈને પડી. એડવર્ડ દોડતો આવ્યો. એને જોઈને રોઝીના મોં પર સ્મિત ફરક્યું. એણે તરડાતા અવાજે કહ્યું, ‘છેલ્લી વાર મને મારાં બાળકો પાસે લઈ જા ભાઈ, હું એમને ગુડબાય કહી દઉં.’ ઝાડ પરનાં નામ પર હાથ ફેરવતાં એણે કહ્યું, ‘મેં નહોતું કહ્યું એડવર્ડ, કે મારા જીવતા હું કોઈ કાળે આમનાથી છૂટી નહીં પડું ?’ અને એણે આંખો મીંચી દીધી.

(દામોદર માવજોની કોંકણી વાર્તાને આધારે)

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ડિસેમ્બર 2015; પૃ. 24

Loading

...102030...3,6163,6173,6183,619...3,6303,6403,650...

Search by

Opinion

  • સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !
  • તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?
  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved