
courtesy : "The Indian Express", 05 March 2016
![]()

courtesy : "The Indian Express", 05 March 2016
![]()
મહિના પહેલાં કન્હૈયા કુમાર નામનો કોઈ વિદ્યાર્થી છે એની કોઈને જાણ સુધ્ધાં નહોતી. આજે કન્હૈયા કુમાર યુવાનોનો રાષ્ટ્રીય આઇકન બની ગયો છે. ગુરુવારે ચૅનલો બન્ને ભાષણ (નરેન્દ્ર મોદીનું અને કન્હૈયાનું) લગભગ એકસરખા વજન સાથે બતાવતી હતી. આ એક વિડંબના છે અને એ સાથે જ લોકશાહીની મધુર પળ છે કે વડા પ્રધાનની સાથે પ્રાઇમ ટાઇમ એક સાવ ગરીબ અને પછાત પરિવારમાંથી આવતો વિદ્યાર્થી શૅર કરતો હોય અને પ્રગલ્ભતામાં વડા પ્રધાનને માત કરી જતો હોય
ગુરુવારે દિલ્હીમાં બે ભાષણ થયાં હતાં. એક ભાષણ વડા પ્રધાને લોકસભામાં કર્યું હતું અને બીજું ભાષણ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીનેતા કન્હૈયા કુમારે યુનિવર્સિટીના કૅમ્પસમાં કર્યું હતું. વડા પ્રધાનનું ભાષણ કૉન્ગ્રેસ દ્વારા સંસદમાં કરવામાં આવતી સતામણીના જવાબમાં હતું, જ્યારે કન્હૈયાનું ભાષણ એક સ્વતંત્ર નાગરિક સાથે રાજ્ય દ્વારા કરવામાં આવતી સતામણીના ઉત્તરમાં હતું. મારી વાચકોને વિનંતી છે કે બન્ને ભાષણો વાંચીને સરખાવી જુઓ અને બને તો યુટ્યુબ કે અન્યત્ર ભાષણ સાંભળવા મળે તો સાંભળી જુઓ. પ્રગલ્ભતા શું કહેવાય એનો ફરક આપોઆપ સમજાશે.
ઠેકડી ઉડાડવાની, ટોણા મારવાના, ખોટાં વચનો આપવાનાં, પાછા પોતાને લાચાર વિક્ટિમ તરીકે પેશ કરવાના, એ પછી વળી છપ્પન ઇંચની છાતી બતાવવાની અને તરજ જ ઉદાર બનીને બાથમાં લેવા જેટલી હૂંફ બતાવવાની, વળી પાછી ઠેકડી ઉડાડવાની આ બધું એક જ ખેલમાં એકસાથે હોય ત્યારે નાટ્યકૃતિ ફારસ બની જતી હોય છે. ભરત મુનિએ રસશાસ્ત્રમાં આઠ રસ બતાવ્યા છે (પછીથી કોઈકે શાંત રસને રસ તરીકે ઉમેરીને નવ રસ કરી નાખ્યા છે) અને સલાહ આપી છે કે ઉત્તમ કલાકારે યોગ્ય રસોનું સપ્રમાણ મિશ્રણ કરીને નાટ્યકૃતિની રચના કરવી. યોગ્ય રસોનું સપ્રમાણ મિશ્રણ કરવાનું કહ્યું છે, બધા જ રસોનું પ્રમાણરહિત મિશ્રણ કરવાનું નથી કહ્યું. બધા જ રસોનું અપ્રમાણ મિશ્રણ કરવામાં આવે તો એવું ભાષણ બને જે ગુરુવારે લોકસભામાં આપવામાં આવ્યું હતું કે પછી બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે આપવામાં આવતાં હતાં.
નવે રસોના અપ્રમાણ મિશ્રણનું પરિણામ આપણી અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની સામે છે. વરસ પહેલાં જે રાહુલ ગાંધીને ગંભીરતાથી લેવામાં નહોતા આવતા અને જેમને વિરોધીઓ પપ્પુ તરીકે ઓળખાવતા હતા તેમને આજે ગંભીરતાથી લેવામાં આવે છે. રાહુલ ગાંધીનું કદ વિકસ્યું છે અને એ વિકસાવી આપવાનું કામ દસ્તૂરખુદ નરેન્દ્ર મોદીએ કર્યું છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી રાહુલનું નામ લેવાનું ટાળતા હતા અને આજે? ગુરુવારે નરેન્દ્ર મોદીએ આખું ભાષણ (અને એ પણ લોકસભામાં) રાહુલ ગાંધીને ઉત્તર આપવા માટે આપવું પડ્યું હતું. લોકસભામાં માત્ર ૪૪ બેઠકો ધરાવતી કૉન્ગ્રેસને પગલુછણિયા તરીકે અપમાનિત કરવામાં આવતી હતી અને આજે એ જ કૉન્ગ્રેસને ગૃહ ચલાવવા દેવા વિનંતી કરવી પડે છે.
નરેન્દ્ર મોદીએ આઠમી લોકસભાનો ઇતિહાસ ભણી લેવો જોઈએ જેથી તેમને સંસદીય લોકશાહી શું કહેવાય અને એમાં સરકાર સંસદ પર કેટલી નિર્ભર છે એનો ખ્યાલ આવશે. આઠમી લોકસભામાં કૉન્ગ્રેસના ૫૧૫માંથી ૪૦૪ સભ્યો હતા. વીસેક સભ્યો મિત્રપક્ષોના હતા અને કૉન્ગ્રેસનો સો ટકા વિરોધ કરનારાઓ તો આખી લોકસભામાં ૯૦ સભ્યો પણ નહોતા. આમ છતાં વિરોધ પક્ષોએ રાજીવ ગાંધીની સરકારના નાકે દમ લાવી દીધો હતો. સંસદીય લોકશાહીમાં સરકાર સંસદથી ઉફરી ચાલીને કામ કરી શકતી નથી. બધા મહત્ત્વના સરકારી નિર્ણયો સંસદના ફ્લોર પરથી પસાર થાય છે અને સંસદમાં એ મંજૂર થાય એ માટે પ્રયાસ કરવાની જવાબદારી સરકારની છે. અત્યારના સંદર્ભમાં બહુ સરળ સવાલ છે, સરકાર ચલાવવાની જવાબદારી રાહુલ ગાંધીની છે કે નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓની? વિરોધ પક્ષો તો ખાઈ પહોળી થાય એ માટે દરેક પ્રયાસ કરશે જેથી કાં સરકારને સહયોગ આપવાથી બચી શકાય અને કાં સરકારને કૂણી પાડી શકાય. અંતે તો દરેક પોતાની જગ્યા બનાવવા પ્રયાસરત હોય છે અને એ સંસદીય લોકશાહીમાં સ્વાભાવિક છે.
વિરોધ પક્ષો જો પોતાની જગ્યા બનાવવા, બતાવવા અને પકડી રાખવા પ્રયાસ કરતા હોય તો શાસક પક્ષે ગૃહમાં પક્ષીય જગ્યા ભૂંસવા પ્રયાસ કરવો જોઈએ. ડાહ્યા શાસકો આમ કરે છે. પી. વી. નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયી આનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. આઠમી લોકસભામાં ૫૧૪માંથી ૪૦૪ બેઠકો હોવા છતાં રાજીવ ગાંધી આમ નહોતા કરી શક્યા, જ્યારે ૧૦મી લોકસભામાં કૉન્ગ્રેસને માત્ર ૨૩૨ બેઠકો મળી હોવા છતાં નરસિંહ રાવ ભારતના અર્થતંત્રને નવા યુગમાં લઈ ગયા હતા. કૉન્ગ્રેસની વિચારધારાથી ૧૮૦ ડિગ્રી અલગ વિચાર ધરાવનાર અને લોકસભામાં ૧૨૦ બેઠક ધરાવનાર ભારતીય જનતા પાર્ટીની જગ્યા પણ નરસિંહ રાવે સમજાવી-બુજાવીને ભૂંસી નાખી હતી અને સરકારી નિર્ણયો લોકસભામાં પસાર કરાવતા ગયા હતા. નરસિંહ રાવની આ કુનેહનાં વખાણ અટલ બિહારી વાજપેયીએ કર્યા હતાં. અટલ બિહારી વાજપેયીની કુનેહ વિશે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રે કહ્યું છે કે તેમની અને વિરોધ પક્ષનાં નેતા સોનિયા ગાંધી વચ્ચેની બૅક ચૅનલ હંમેશાં લાઇવ રહી છે. એ સમયે લોકસભામાં જે આશ્ચર્યો સર્જાતાં હતાં એ આપણા માટે હતાં, બાકી વાજપેયી અને સોનિયા ગાંધીને તો લોકસભામાં પગ મૂકે એ પહેલાં ખબર હોય કે આજે કેટલું ઝઘડવાનું છે અને ક્યારે ગળે મળવાનું છે.
પરંતુ આજે? આજે દેશમાં એવી સરકાર અને એવા વડા પ્રધાન છે જે દેશ માટે નહીં, પોતાનાં માટે જ આશ્ચર્યો સર્જે છે. મને કોઈ સંભળાવીને ન જવું જોઈએ, ભલે લોકસભામાં કામકાજ ન ચાલે. નરેન્દ્રભાઈ, આવી રીતે સરકાર નહીં ચાલી શકે. નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયી સાંભળી લેતા હતા અને મોકો મળે ત્યારે હળવેકથી વાગે નહીં એમ સંભળાવી પણ દેતા હતા. મને કોઈ સંભળાવીને ન જવું જોઈએ એને કારણે બિહારમાં આશ્ચર્ય સર્જાયું. એ આશ્ચર્યના જનક પણ નરેન્દ્ર મોદી હતા. બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે નીતીશકુમાર પ્રાદેશિક નેતા હતા અને ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધીમાં તેઓ રાષ્ટ્રીય નેતા બની ગયા. કોઈ માઈનો લાલ સંભળાવીને ન જવો જોઈએ. જો સામું સંભળાવું નહીં તો માનું દૂધ લાજે એવું વલણ રાજકારણમાં ન ચાલે.
મહિના પહેલાં કન્હૈયા કુમાર નામનો કોઈ વિદ્યાર્થી છે એની કોઈને જાણ સુધ્ધાં નહોતી. આજે કન્હૈયા કુમાર યુવાનોનો રાષ્ટ્રીય આઇકન બની ગયો છે અને આ લખનાર જેવાઓનો એક વર્ગ તેના પડખે ઊભો છે. ગુરુવારે ચૅનલો બન્ને ભાષણ (નરેન્દ્રનું મોદી અને કન્હૈયાનું) લગભગ એકસરખા વજન સાથે બતાવતી હતી. મસ્તિષ્કની તટસ્થતા સાથે બન્ને ભાષણો સાંભળો અને નક્કી કરો કે કોનું ભાષણ વધારે પ્રગલ્ભ હતું. આ પણ વિડંબના છે અને એ સાથે જ લોકશાહીની મધુર પળ છે કે વડા પ્રધાનની સાથે પ્રાઇમ ટાઇમ એક સાવ ગરીબ અને પછાત પરિવારમાંથી આવતો વિદ્યાર્થી શૅર કરતો હોય અને પ્રગલ્ભતામાં વડા પ્રધાનને માત કરી જતો હોય.
રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, નીતીશકુમાર, કન્હૈયા વગેરેનું કદવિસ્તરણ નરેન્દ્ર મોદીએ નવે રસોનું અપ્રમાણ મિશ્રણ કરીને પોતે જ પોતાની સામે જ આશ્ચર્યો સજીર્ને કર્યું છે. માઈનો લાલ કોઈ સંભળાવીને ન જવો જોઈએ.
સોજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 05 માર્ચ 2016
http://www.gujaratimidday.com/features/columns/narendra-modi-and-his-government-has-responsibity-to-run-system-not-rahul-gandhi-2
![]()
આર્ટ ઑફ લિવિંગ દ્વારા યમુના નદીને કરવામાં આવતા નુકસાનનો કેસ ટ્રિબ્યુનલમાં આવ્યો ત્યારે ટ્રિબ્યુનલે તપાસ યોજીને કહ્યું કે ફાઉન્ડેશને યમુના નદીને પહોંચાડેલું નુકસાન એવડું મોટું છે જે કદાચ ક્યારે ય સુધરી નહીં શકે. આ ઉપરાંત યમુનાના પાત્ર અને કાંઠા સાથે કરવામાં આવેલાં ચેડાંને કારણે દિલ્હી પર પૂરનું સંકટ વધવાનું છે. ટ્રિબ્યુનલે ૧૨૦ કરોડ રૂપિયાનો દંડ કરવાની ભલામણ કરી છે

વિવાદમાં : શ્રી શ્રી રવિશંકરના આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ત્રણ દિવસના વિશ્વ સંસ્કૃિત મહોત્સવ માટે યમુના નદીના પટમાં ચાલી રહેલું કામ. યમુના નદીને કરવામાં આવતા નુકસાનનો કેસ ટ્રિબ્યુનલમાં જતાં એણે ૧૨૦ કરોડ રૂપિયાનો દંડ કરવાની ભલામણ કરી છે.
બીજા કરતાં પોતાને આધુનિક ગણાવતા અધ્યાત્મગુરુ શ્રી શ્રી રવિશંકર (નામની આગળ બે શ્રીનાં વિશેષણ શા માટે મૂકવામાં આવે છે એનો ખુલાસો તેમણે કોઈ જગ્યાએ કર્યો હોય એવું જોવામાં આવ્યું નથી, પરંતુ સંસ્કૃતના જાણકારો કહે છે કે બે શ્રી નોકર માટે વાપરવાની પ્રાચીન યુગમાં પરંપરા હતી. આના કરતાં શ્રી x ૧૦૦૮નું વિશેષણ વધારે સલામત ગણાય) દિલ્હીમાં બીજા ધર્મગુરુઓને ઝાંખા પાડે એવો અત્યાર સુધીનો મોટો ખેલ પાડવાના છે. તેમણે ૧૧ માર્ચથી ત્રણ દિવસ માટે વિશ્વ સંસ્કૃિત મહોત્સવનું આયોજન કર્યું છે જેમાં વિશ્વભરમાંથી ૩૫ લાખ લોકો હાજર રહેવાના છે અને એની તૈયારીઓ ચાલી રહી છે.
૩૫ લાખ ડેલિગેશનનો આંકડો એટલા માટે આપવામાં આવી રહ્યો છે કે શ્રી શ્રી રવિશંકરની સંસ્થા આર્ટ ઑફ લિવિંગને ૩૫ વર્ષ થઈ રહ્યાં છે. કુલ ૧૫૫ દેશોમાં આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન શાખા ધરાવે છે અને સત્તાવાર રીતે ફાઉન્ડેશન એવો દાવો કરે છે કે ગુરુજીના વિશ્વભરમાં ૩૭ કરોડ અનુયાયીઓ છે. ૩૭ કરોડ અનુયાયીઓમાંથી માત્ર ૩૫ લાખ અનુયાયીઓ દિલ્હી આવવાના છે. ધર્મને જાહેર દેખાડા સાથે અને મેળાવડા સાથે નાભિનાળ સંબંધ છે અને એ જ મુક્તિમાં બાધક છે એમ ગંગાસતીએ અનુભવ્યું હોવું જોઈએ. એટલે તેમણે પાનબાઈને સલાહ આપી હતી કે અભ્યાસ જાગ્યા પછી ભટકવું નહીં. ગંગાસતીના ભજનમાંથી માત્ર આટલી પંક્તિ ટાંકુ છું:
હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દૂર રે
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે … અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે … અભ્યાસ જાગ્યા પછી …
પાનબાઈ કહે છે કે મંડપ અને મેળા અધૂરિયાનાં કામ છે, બાકી જેણે પૂરું ભાળી લીધું છે એ મંડપ અને મેળાવડામાં ભટકતા નથી અને બીજાને ભટકાવતા પણ નથી. ખેર. શ્રી શ્રી રવિશંકર ૩૫ લાખ લોકોને ત્રણ દિવસના મેળાવડા માટે મંડપમાં બોલાવવાના છે.
ન્યુઝ એ નથી કે શ્રી શ્રી રવિશંકર અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો યોજવાના છે. ન્યુઝ એ છે કે એના માટે આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશને દિલ્હીની યમુના નદીના પાત્રને અને એના કિનારાને ખેદાનમેદાન કરી નાખ્યું છે. યમુનાને મળતાં નાનાં-નાનાં વોકળાઓ અને જળાશયો બૂરી દેવામાં આવ્યાં છે. જ્યાં નદીનાં કુદરતી વળાંકો અને ઊંડાણો આવ્યાં છે એમાં માટી ભરીને લેવલિંગ કરવામાં આવ્યું છે. મહત્ત્વના મહેમાનો મોંઘીદાટ ગાડીઓ સાથે ફ્લાયઓવરથી સીધા સ્ટેજ નજીક પહોંચી શકે એ માટે રૅમ્પ બાંધવામાં આવ્યો છે અને એ માટે વૃક્ષો કાપવામાં આવ્યાં છે. સામાન્ય ભક્તો માટે ૬૫૦ ટૉઇલેટો નદીની બન્ને બાજુ બાંધવામાં આવ્યાં છે અને ભક્તો બન્ને બાજુનાં ટૉઇલેટોનો ઉપયોગ કરી શકે એ માટે પીપાપુલ બાંધવામાં આવી રહ્યા છે. સ્ટેજ અને મંડપ બાંધવા માટે નદીના પશ્ચિમ કિનારે ૫૦થી ૬૦ હેક્ટર જમીનને વૃક્ષો હટાવીને સાફ કરી છે અને માટી પૂરીને સમથળ કરી છે.
આ એવા ધર્મગુરુ અને સંસ્થા દ્વારા થઈ રહ્યું છે જે આધ્યાત્મિક વિકાસ ઉપરાંત સમાજ માટે સરોકાર હોવાનો દાવો કરે છે. આર્ટ ઑફ લિવિંગની ઑફિશ્યલ વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે તેઓ ડિઝૅસ્ટર રિલીફ, સસ્ટેનેબલ રૂરલ ડેવલપમેન્ટ વગેરે ઉપરાંત એન્વાયર્નમેન્ટલ સસ્ટેનેિબલિટી માટે કામ કરે છે. ચિરંતન અને ટકાઉ પર્યાવરણ માટે કામ કરનારાઓ યમુના નદીને લાંબા ગાળાનું અને કદાચ કાયમ માટે નુકસાન પહોંચાડી રહ્યા છે. યાદ રહે કે આવો આક્ષેપ કરનારા ઝોળાવાળા પર્યાવરણવાદીઓ નથી જેમને દરેક જગ્યાએ અનર્થ નજરે પડતો હોય અને આંદોલનો કરવાની આદત પડી ગઈ હોય. આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન યમુના નદીને મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે અને એની સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ કરવાં જોઈએ એવી માગણી નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કરી છે.
નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના ભારત સરકારે ૨૦૧૦માં કાયદો કરીને કરી હતી. એનું કામ એન્વાયર્નમેન્ટ, ઇકૉલૉજી, જંગલ, નદીઓના રક્ષણનું છે. ગ્રીન ઇન્ડિયાને નુકસાન પહોંચતું હોય એવું કોઈને લાગે ત્યારે ભારતીય નાગરિક ટ્રિબ્યુનલમાં પિટિશન કરી શકે છે અને ટ્રિબ્યુનલ માત્ર આને લગતા જ કેસો સાંભળે છે. આર્ટ ઑફ લિવિંગ દ્વારા યમુના નદીને કરવામાં આવતા નુકસાનનો કેસ ટ્રિબ્યુનલમાં આવ્યો ત્યારે ટ્રિબ્યુનલે તપાસ યોજીને કહ્યું હતું કે ફાઉન્ડેશને યમુના નદીને પહોંચાડેલું નુકસાન એવડું મોટું છે જે કદાચ ક્યારે ય સુધરી નહીં શકે. આ ઉપરાંત યમુનાના પાત્ર અને કાંઠા સાથે કરવામાં આવેલાં ચેડાંને કારણે દિલ્હી પર પૂરનું સંકટ વધવાનું છે. ટ્રિબ્યુનલે ૧૨૦ કરોડ રૂપિયાનો દંડ કરવાની ભલામણ કરી છે.
જી હા, ૧૨૦ કરોડ રૂપિયા. દંડની રકમ જોઈને હવે ખાતરી થઈ ગઈ હશે કે આધ્યાત્મિક ભટકાવ કેવડો મોટો છે અને સરોકાર કેટલો ખોટો છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 માર્ચ 2016
http://www.gujaratimidday.com/features/columns/sri-sri-ravi-shankars-art-of-living-to-cause-lasting-environmental-damage-say-activists-2
![]()

