Opinion Magazine
Number of visits: 9691216
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંધીગમન

નયના પટેલ|Opinion - Short Stories|3 July 2016

મસ્તીખોર માર્જને અચાનક ડાહી-ડમરી ને ઉદાસ થઈ ગયેલી જોઈને વેરાને ખૂબ નવાઈ લાગી. સામાન્ય રીતે ઘર માથે લેતી માર્જ એના રુમમાં જ બેસી રહે એવું બનવાનો પ્રસંગ ખાસ આવ્યો જ નથી. એને ગમતું ન થાય તો લડી લે – ઝઘડી લે પરંતુ આમ ઉદાસ અને શાંત થઈ જાય એવું બને તો નહીં!

કોલેજના પ્રથમ વર્ષમાં ભણતી માર્જને કોઈએ ક્યારે ય આટલી શાંત જોઈ ન્હો’તી.

શરુઆતમાં સૌએ શાંત રહીને જોયા કર્યું. પછી ધીરજ ન રહેતાં અમુક જણે કટક્ષમાં તો અમુક જણે આડકતરી રીતે એનું કારણ જાણવા પ્રયત્નો કર્યા, પણ આ તો માર્જ છે. બોલવાનું શરુ કરે પછી કોઈને બોલવાનો ટર્ન આવવા જ ન દે એ માર્જ બોલે જ નહીં તો નવાઈ ન લાગે?

પરંતુ સૌને માર્જની ચૂપકીદી કંઈક વિચિત્ર લાગી.

માર્જથી નાની રીટાને પૂછ્યું તો એણે પણ ખભા ઉલાળી ‘ખબર નથી’ કહ્યું.

વેરાએ કેટલી મનાવી અને કારણ જાણવા પ્રયત્ન કર્યો પણ …… માર્જ ચૂપચાપ.

એની ચૂપકીદીમાં વેરાને પોતે કોઈ અપરાધ કર્યો હોય એવી લાગણી કેમ થતી હતી તેની એને પહેલાં તો સમજ ન પડી. પછી યાદ આવ્યા તે દિવસો જ્યારે તેણે માર્જ અને રીટાના ડેડ એલન સાથે ડિવોર્સ લીધા હતા અને પહેલીવાર જ્યોર્જ સાથે બન્ને દીકરીઓની ઓળખાણ કરાવી હતી.

૧૨ વર્ષની માર્જે જ્યોર્જને ડેડ તરીકે સ્વીકારવાની ઘસીને ના પાડે દીધી હતી. જેવો હતો તેવો પણ એને તો એના ડેડ એલનની જ માયા હતી. બીજા કોઈને એ ડેડની જગ્યા આપી જ કેમ શકે?

રીટાએ વાંધો પણ ન લીધો કે ન તો ઉત્સાહ બતાવ્યો – બસ પરિસ્થિતિને સ્વીકારી લીધી.

૧૪માં વર્ષે માર્જે એની વર્ષગાંઠને દિવસે જ્યોર્જને સ્પષ્ટ શબ્દોમાં મનમાં પડઘાતી રહેલી વાત કહી જ દીધી, “મારા ડેડ બનવાનો પ્રયત્ન નહી કરતા. તમે મારી મમના પતિ હશો, પરંતુ મારે માટે મમના મિત્રથી વધીને કાંઈ જ નથી. અને એક છાપરા નીચે રહેવાથી કોઈ સગું બની નથી જતું. ” 

“માર્જ ડાર્લિંગ, એમ ન બોલાય, બેટા,” કહીને વેરાએ એ વાત ત્યાં જ સમેટી લીધી હતી પરંતુ વાત એમ ભલે સમેટાઈ ગઈ છતાં જ્યારે જ્યારે માર્જની આંખ જ્યોર્જ સાથે મળતી ત્યારે બોલાયા વગર પણ એ વાતના પડઘા પડતાં.

સેકન્ડરી સ્કૂલમાં જતી માર્જ ભણવામાં ખૂબ હોંશિયાર હતી, પરંતુ વેરાએ કરેલા આ બીજા લગ્નથી નાખુશ માર્જનું મન ભણવામાંથી ઊઠી ગયું અને બને એટલા જલદી એ ઘરમાંથી નીકળી કેમ જવું તેની યોજનાઓ કરતી રહેતી. એમાં પછી ભણવામાં મન ક્યાંથી લાગે? પછી વળી રીટાનો વિચાર આવતાં મન પાછું પડે. એના ડેડ એલને પણ બીજાં લગ્ન કરી લીધાં છે અને સ્વાભાવિક રીતે જ ત્યાં જવાનો દરવાજો પણ બંધ થઈ ગયો.

જાય તો ય ક્યાં જાય?

એમ કરતાં કરતાં બે વર્ષ નીકળી ગયાં. સ્કૂલમાંથી એને કાઉન્સેિલંગ માટે જવા કહ્યું પરંતુ એનો પણ ઈન્કાર કર્યો. રીટાને લઈને ભાગી જવાનું મન થાય પરંતુ પછીની પરિસ્થિતિનો વિચાર કરતાં કરતાં એને ઘણીવાર થતું કે એ ગાંડી થઈ જશે.

આ દરમ્યાન જ્યોર્જે વેરા પાસે એક તેમના પોતાના બાળકની માંગણી કરી પરંતુ વેરાને ખબર હતી કે જો એમ બને તો માર્જ અને રીટાનો પ્રતિભાવ કેવો આવશે. એ સારી રીતે જાણે છે કે જે દિવસે બન્ને છોકરીઓને ખબર પડે કે એ જ્યોર્જના બાળકની મા બનવાની છે, તે દિવસે એ એની બાપ વિહોણી દીકરીઓને ગુમાવી બેસશે અને મા વિહોણી પણ કરવાનું પાપ લાગશે. 

વેરાના નકારથી જ્યોર્જ ધુંધવાઈ તો ઊઠ્યો પણ શું કરવું તે સૂઝ્યું નહીં.

જ્યોર્જે એક દિવસ ગુસ્સામાં, માર્જ ૧૬ વર્ષની થઈ ગઈ છે અને હવે ઘર છોડી દેવું જોઈએ એમ કહ્યું.

એક તરફ માર્જ સાથે રીટા પણ ઘર છોડવા તૈયાર થઈ ગઈ અને બીજી તરફ વેરાની હાલત કફોડી બની ગઈ. 

વેરાએ કાકલુદી કરીને બન્ને છોકરીઓને રહેવા સમજાવી. ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી માની પરિસ્થિતિ જોઈને બન્નેએ માને આશ્વાસી અને મન કઠણ કરીને રહી ગયાં. 

માંડ માંડ પરિસ્થિતિને સમથળ કરી અને નિરાંત અનુભવે છે ત્યાં તો એક દિવસ માર્જ સાવ મૂંગી બની બેઠી છે.

“કમ ઓન બેટા, ટેલમી વોટ્સ હેપન્ડ?”

વાત કહેશે તો ક્યાં તો મા એ વાત માનશે જ નહીં અથવા જો માનશે તો ફરીને એ ઘર અને પતિ વિનાની થઈ જશે એ વિચારે એ સહમી ગઈ.

વેરા તરફ એક ઠંડી અને અસહાય નજર નાંખીને ચૂપ જ રહી.

માની આંખમાં આંસુ જોઈને માંડ માંડ બોલી, “નથીંગ મમ, પ્લીઝ લીવ મી અલોન.”

રૂમમાં પ્રવેશતો જ્યોર્જ મા-દીકરીને વાતો કરતાં જોઈને પાછો વળી ગયો તો ય માર્જની આંખમાંથી નીક્ળતી ધિક્કારની જ્વાળા એને સ્પર્શી ગઈ.

નીચું મોં કરી ફ્રીઝમાંથી બિયરનું ટીન લઈને સિટીંગ રૂમમાં બેસીને પીવાનું શરુ કર્યું.

વેરા આવીને એની બાજુમાં બેસી ગઈ અને બોલી. “ખબર નહીં આ છોકરીને શું થયું હશે?”

જ્યોર્જે સાંભળ્યું – ન સાંભળ્યું કરીને ટી.વી.માં મન પરોવ્યું.

જ્યારથી માર્જ મૂંગી થાઈ ગઈ છે, ત્યારથી જ્યોર્જનું વર્તન પણ વેરાને વિચિત્ર લાગતું હતું એટલે એણે તો સહજ રીતે જ જ્યોર્જને પૂછ્યું, “ડાર્લિંગ, તારી સાથે તો એણે ઝઘડો નથી કર્યોને?

જ્યોર્જની ડાબી બાજુ પર બેઠેલી વેરાને એણે સાચે જ ‘ડાબા હાથની’ જડી દીધી.

‘પૂછ તારી લાડકીને મને શું પૂછે છે? લાડ કરી કરીને બગાડી નાંખી છે. મારી છોકરી હોયને …’

ત્યાં તો માર્જ રુમમાં ધસી આવી અને જ્યોર્જ સામે ઊભી રહી, ‘ બોલ, આગળ બોલ કે પછી હું તારું વાક્ય પૂરું કરું?’

જ્યોર્જે આવો પ્રતિભાવ નહોતો કલ્પ્યો. એ તો દર વખતની જેમ વેરાને ‘મનીપ્યુલેઈટ’ કરવા માંગતો હતો .. 

હંમેશાં આવી પરિસ્થિતિમાં માર્જને ચૂપ રહેવાનું કહેતી વેરાએ માર્જને કહ્યું, ‘બોલ બેટા, એનું વાક્ય તું જ પૂરું કરી નાંખ.’

પોલ ખોલવાની પળ આવી ગયેલી જોઈને જ્યોર્જ માર્જને મારવા ગયો. વેરા આડો હાથ કરીને ઊભી રહી અને ડારતે અવાજે કહ્યું, ‘હાથ તો અડાડી જો એને … !’

પરિસ્થિતિને હાથમાંથી સરી જતી જોઈને રુમ બહાર જતાં જ્યોર્જની સામે જઈને માર્જ બેધડક બોલી, ‘તારી છોકરી હોત તો તેં મારી સાથે જે કર્યું તેમ એને તું રેઈપ કરતે?’

વેરા અવાક બની ગઈ.

માળ ઉપર ચૂપચાપ સઘળું સાંભળતી રીટા પણ નીચે ધસી આવી અને બાકી રહેલી વાત આગળ વધારી, ‘મમ, તેં આ માણસને એનું બાળક આપવાની ના પાડીને, તેની શિક્ષા એ અમને કરે છે.’ એક ગાળ બોલી એણે જ્યોર્જેને જોરથી તમાચો માર્યો.

બહાર સખત વરસાદ અને વાવાઝોડું હતું તેની પરવા પણ કર્યા વગર વેરાએ બન્ને છોકરીના હાથ પકડ્યા અને ઘર બહાર નીકળી ગઈ.

સુખ નામના પ્રદેશમાં જવા માટે થનગનતી વેરાને તેના બન્ને પતિઓએ આંધીગમન કરવા મજબૂર કરી દીધી!

************************

e.mail : nayna47@hotmail.com

Loading

‘આપાત્કાલ કો યાદ રખના ચાહિયે’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 July 2016

૨૬મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં ઠીક સંભાર્યું કે ‘આજ કે હી દિન આપાત્કાલ લાગુ કર દેશ કો જેલખાના બના દિયા ગયા થા.’ આમ સંભારવું અલબત્ત સાચું અને સમયસરનું હતું, અને એમાં કૉંગ્રેસ પરનો પ્રહાર ને કટાક્ષ પણ સાફ હતા. ખરું જોતાં એ કૉંગ્રેસની પોતાની જ કમાણી હતી અને છે. પણ પછી નમો એમના કાર્યક્રમોની ટીકા (અને મજાક) કરનારાઓ ભણી વળ્યા : ‘યહ ઇસ લિયે મુમકિન હૈ ક્યોં કિ હમ લોકતંત્ર મેં રહ રહે હૈ.’ અને ઉમેર્યું : ‘ઐસા કરનેવાલોં કો આપાત્કાલ યાદ રખના ચાહિયે.’

મુદ્દે, આગલે દહાડે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું ટિ્વટ ગામ આખામાં વાયકની પેઠે ફરી વળ્યું હતું કે ‘ઇમરજન્સી ઇન દિલ્હી … એરેસ્ટિંગ, ટેરરાઇઝિંગ, ફાઇલિંગ ફૉલ્સ કેસીઝ -’ આપ ધારાસભ્ય મોહનિયાને પોલીસ ચાલુ પ્રેસકૉન્ફરન્સે ઊંચકી ગઈ તેની આ પ્રતિક્રિયા હતી. અહીં કેસની ચર્ચામાં જવાનો ખયાલ નથી. માત્ર, ડારો બેસાડવાની ને છાકો પાડી દેવાની પોલીસ પેરવીના રાજકારણનો સંકેત કરવા ધાર્યો છે.

આ રાજકારણ કેવું છે એનો તાજો સંકેત ગુજરાતના જાહેર જીવનમાં ભાજપ અને એકંદર સંઘ પરિવારના સૅંક્શન સાથે જે રીતે વણઝારાની વીર પ્રતિષ્ઠાનો ઉધામો મળ્યો છે તે પરથી સમજાઈ રહેવું જોઈએ. સેવાનિવૃતિ (વસ્તુતઃ સેવામુક્ત હોવા જોઈતા) પોલીસ અધિકારી વણઝારા હજી પણ ગાંધીનગરમાં સી.બી.આઈ. સમક્ષ રોજ્જે હાજરી પુરાવવા બંધાયેલા છે. જો કે, એ બેધડક કહે છે કે અમે છ અધિકારીઓ છૂટ્યા (એટલે કે જામીન પર છૂટ્યા) તે દર્શાવે છે કે અમે સાચા હતા. ગમે તેમ પણ, સંઘ શિબિરમાં પછી બૌદ્ધિક વિશેષોપસ્થિતિ સહિત પ્રાયોજિત કાર્યક્રમોમાં એમને અંગે ઉછામણી, પધરામણી, પહેરામણીનો એક દોર ચાલ્યો છે. હજી હમણેનો આવો એક કાર્યક્રમ અમરેલીનો સંભળાયો હતો જેના આયોજક અભિનવ ભારત રાષ્ટ્રવાદી હિંદુ સંગઠનના અનિલ કોરડિયાએ ગૌરવભેર કહ્યું છે કે અમે ગાંધીવાદી નથી પણ ગોડસેવાદી છીએ. હશે ભાઈ, છાણના દેવ અને કપાસિયાની આંખો, બીજું શું.

પ્રશ્ન ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનો નથી. એ તો ટીકાપાત્ર જ નહીં પ્રતિકારપાત્ર પણ હતી. અને આ નાચીજ સહિતના અનેકે ત્યારે તેમ કર્યું પણ હતું. પણ જેઓ કટોકટીવાદના વિકલ્પરૂપે પોતાનો દાવો ‘પાર્ટી ઑફ ગવર્નન્સ’ની હદે આગળ કરે છે એમને હસ્તક દેશમાં બની રહેલ માહોલ સ્વાભાવિક અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને નાગરિક મોકળાશનો નથી. અમદાવાદમાં ભા.જ.પ. પ્રેરિત લોકતંત્ર સેનાની સંઘના કાર્યક્રમમાં પૂર્વમિસાબંદી રાજ્યપાલ કોહલીએ કહ્યું હતું કે યુવા પેઢીએ કટોકટીકાળ જોયો નથી એટલે એમને એનો ખ્યાલ આપવો જોઈએ. (વાત સાચી, પણ કોઈકે તો કહેવું સંભારવું જોઈએ ને કે આ જ રાજ્યપાલ હસ્તક મહેંદી નવાજ જંગ હૉલ કેન્દ્ર કે રાજ્ય સરકારની ટીકા નહીં કરવાની શરતે જ અપાય એવુંયે વિચારાઈ શકે છે.) શહેર ભા.જ.પ.ના  કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને અનુરોધ કર્યો હતો કે કટોકટીનો કૉંગ્રેસનો કલંકિત ઇતિહાસ જન જન સુધી લઈ જવો એ રાષ્ટ્રધર્મ છે. રાષ્ટ્રધર્મ, અલબત્ત, ચોક્કસ પ્રજાતિ તાબેનો ઇલાકો છે, એ વિશે આ જમાવડાને શંકા ન હોય એ દેખીતું છે. અખબારી હેવાલ પ્રમાણે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ કટોકટીકાળમાં ભા.જ.પ.ના નેતાઓએ લોકશાહી બચાવવા કરેલા પ્રયાસોથી કાર્યકરોને અવગત કર્યા હતા. કેમ કે આ બધા પ્રયાસો ભા.જ.પ.ના નેતાઓએ કર્યા હતા, એમાં જયપ્રકાશ અને મોરારજીનો પાટલો જો ‘વગેરેમાં’ પડ્યો હોય તો નવાઈ નહીં! જેણે કટોકટીકાળ નથી જોયો તે યુવાપેઢીને ઇતિહાસની ખબર આવી પક્ષીય રીતે તો નહીં આપી શકાય.

અઘોષિત કટોકટીની રીતે ખાસું કહી શકાય. ૧૯૭૭માં કટોકટી ઊઠી ગયા પછી જનતા સરકાર હસ્તક પણ નાગરિક સ્વાધીનતાના સવાલો નથી ઊઠ્યા એમ નથી. ત્યારે પણ વિરોધ કરવાનું બનેલું છે. કૉંગ્રેસના પુનરાગમન પછી આ વિરોધમુદ્દાઓ રહ્યા અને વકર્યા છે. એન.ડી.એ.-૧ (વાજપેયી) અને એન.ડી.એ.-૨ (મોદી) વખતે પણ કહેવાનુું બનતું રહ્યું છે. જે માનસિકતા સત્તા-પ્રતિષ્ઠાનની રીતે હમણાંના ગાળામાં પ્રગટ થતી રહી છે એને વિશે ઍવોર્ડ વાપસીના ઐતિહાસિક સિલસિલા પછી નવેસરથી કહેવાની જરૂર ન હોવી જોઈએ. જેમ ‘સરકારની ટીકા નહીં’ની શરતે હૉલ આપવા જેવી જોગવાઈની હમણાં જિકર કરી તેમ એક બીજો સાદો દાખલો પણ આવું સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોગ્નિઝેબલ ગુનામાં ફરિયાદ અચૂક નોંધવી એ પોલીસની ફરજ છે. પણ આજે વાસ્તવિકતા એ છે કે પોલીસ ફરિયાદ નોંધે એવી ફરજ પાડવા માટે હાઇકોર્ટ સમક્ષ અરજી કરવી પડે છે.

‘અધોગતિ કટોકટી’ તરેહની ફરિયાદ જો કૉંગ્રેસકાળમાં હતી તો આજે પણ અપ્રસ્તુત નથી. ઇશાન ભારત અને ડિસ્ટર્બ્ડ એરિયા ઍક્ટ વિશે શું કહીશું? આફસ્પા વિશે શું કહીશું? એ જ રીતે કટોકટી (ઇમરજન્સી) ગઈ, પણ કટોકટી (ક્રાઇસિસ) ચાલુ છે એ વિશે શું કહીશું? ખાસ કરીને આર્થિક-સામાજિક ન્યાયના સંદર્ભમાં જર્મનીમાં હિટલરના વારાની એક સિતમ છાવણીની મુલાકાલ લેવાનું બન્યું ત્યારે અમને એ મુલાકાતે લઈ ગયેલા યજમાનમિત્રે જે કહેલું તે હું કદાપિ ભૂલી શકતો નથી. અગાઉ પણ ટાંક્યું છે અને વારેવારે ટાંકતો રહીશ. “એક જર્મન તરીકે મારે માટે અહીં આવવું એ કોઈ સુખદ અનુભવ નથી. પણ એક પ્રજા તરીકે અમે ક્યારેેેેેેેક કેવા ભુરાયા થયા હતા અને ન કરવાનું કરી બેઠા હતા તે યાદ રહે એટલા સારુ (જેથી કરીને એવું ફરી ન થાય તે સારુ) હું, અહીં આવવું પસંદ કરું છું.” જેમ લાદનાર મંડળી(અને એમાંથી છૂટી નહીં શકેલી જમાત)ને નાતે કૉંગ્રેસે તેમ એના પ્રતિકારનો જશ લેતા ભા.જ.પે. પોતપોતાને છેડેથી આ યાદ રાખવા જેવું છે. આપણે જેની ટીકાએ કરીને તરી ગયા એના જેવું તો નથી કરતાને!

લાલકૃષ્ણ અડવાણીએ વરસેક પર એક અખબારી મુલાકાતમાં માર્કાની વાત કહી હતી કે આપણે બંધારણીય તોડમરોડમાં તો દોષદુરસ્તી જરૂર કરી છે. પણ તેથી કટોકટી ફરી નહીં જ આવે એમ હું કહી શકતો નથી. વડાપ્રધાનપદની રેસમાં જે બન્યું એને કારણે હોઈ શકતી વ્યક્તિગત ફરિયાદના ટકા બાદ કરીને તો પણ એક પીઢ રાજકારણી તરીકેની એમની આ વાતમાં હોઈ શકતું વજૂદ ગ્રાહ્ય રાખીને ચાલવું જોઈએ.

ગમે તેમ પણ, નમો સાથે આપણે જરૂર સંમત થઈશું કે ‘આપાત્કાલ કો યાદ રખના ચાહિયે.’

જૂન ૨૭, ૨૦૧૬

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2016; પૃ. 01-02

Loading

અસલિયત ખુલ્લી પડ્યાની અકળામણ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|2 July 2016

જાહેરાત સમાજમાં ભાગલા પાડનારી છે કે જે ભાગલા છે એ પ્રગટ કરનારી છે, એ કેમ વિચારી શકતા નથી?

ના સાહેબો, ના. વાત પતી ગઈ છે. અગર પતવામાં છે એમ કૃપા કરી માનશો મા. મારો ઈશારો અલબત્ત સેન્ટ ઝેવિયર્સ કૉલેજ પરિસર(અમદાવાદ)થી સંચાલિત ‘હ્યુમન ડેવલપમેન્ટ ઍન્ડ રીસર્ચ સેન્ટર’ – એચ.ડી.આર.સી.એ થોડાક વખત પર પોતાના નોટિસ બોર્ડ પર મૂકેલી જાહેરાત તરફ છે. કમનસીબે, આ જાહેરાત અને એકંદર પ્રકરણને જેવું, રિપીટ જેવું અને જેટલું, રિપીટ, જેટલું ધ્યાન અપાવું જોઈએ એવું અને એટલું અપાયું જણાતું નથી. ચર્ચવાનો મુદ્દો ચકચાર અને વિચારવાનો મુદ્દો તનાવ તેમ જ તોડફોડમાં દબાઈ કે ઢંકાઈ ગયો છે. 

રહો, પહેલાં એચ.ડી.આર.સી. વિશે અને એની જાહેરાત બાબત થોડી વાત કરી લઈએ. સેન્ટ ઝેવિયર્સ સર્વિસ સોસાયટીની પરંપરામાં ‘હ્યુમન ડેવલપમેન્ટ ઍન્ડ રીસર્ચ સેન્ટર’ની સ્વયંસેવી સમાજસેવી કારકિર્દી અને કામગીરી રહી છે. 2001ની આસમાની (ધરતીકંપ) હોય કે 2002ની સુલતાની, અસરગ્રસ્તોને સહાયરૂપ થવામાં ને બેઠા કરવામાં ગુજરાતે એમની તત્પરતા જોઈ જ છે. જંગલના અધિકારો, બાળમજૂરી જેવા સવાલોમાં પણ એ સક્રિય છે. સ્થાપિત પક્ષો અને સ્થાપિત હિતોને એને અંગે અકળામણ છે કે ફરિયાદ હોઈ શકે એવું બને, કેમ કે એસ્ટાબ્લિશમેન્ટ માત્રને પોતાની જવાબદારી બાબતે પૂછનારાઓ બધો વખત સોરવાતા નથી.

હશે. તાજેતરમાં આ સેન્ટરે એક જાહેરાત પોતાની નોટિસ બોર્ડ પર એવી મૂકી હતી જે કોઈને કદાચ ‘નિર્દોષ’ અને ‘નિર્દેશ’ ન પણ લાગે. કંઈ નહીં તો પણ એ જાહેરાત જાણે ‘જોણું’ છે એવું તો ઘણાબધાને લાગે – અને કેટલાક એમાં પોતાને અંગે ‘નીચાજોણું’ પણ વાંચવા ઈચ્છે. જાહેરાત હતી ટોઇલેટસફાઈ માટે માણસોની. પણ એમાં એક જોગવાઈ એવી દર્શાવી હતી કે કથિત ઉચ્ચ વરણને – બ્રાહ્મણ, પટેલ, જૈનને – તેમ જ સૈયદ અને પઠાણ તથા સિરિયન ક્રિશ્ચન અને પારસી ઉમેદવારોને અગ્રતા અપાશે.

આ જાહેરાતને મહિનોમાસ કે થોડો વધુ વખત થયો હશે અને સંસ્થા પર રાજપૂત શૌર્ય ફાઉન્ડેશન, યુવા શક્તિ સંગઠન, સુન્ની અવામી ફોરમ વગેરે તરફથી એકદમ જ ધોંસ આવી. યુવા શક્તિ સંગઠન જરી વધુ જ તાનમાં હશે. એણે કહ્યું કે અમારું આંદોલન શાંતિપૂર્ણ કે ગાંધીવાદી નહીં હોય. (થૅંક ગૉડ, વીર વણઝારાના અમરેલી ઓવારણાના એક આયોજકની જેમ એમણે એમ ન કહ્યું કે અમે ગોડસેવાદી છીએ.)

બ્રહ્મસમાજ અલબત્ત પાછળ ન જ હોય. એના વકીલ નેતાના શબ્દોમાં આ પ્રકારની જાહેરાત નાતજાતધરમકોમ આદિના ધોરણે શત્રુવટ પ્રેરનારી અને સમાજને વહેંચનારી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સમક્ષ એકંદર સેન્ટરના સંચાલક પ્રસાદ ચાકો સામે આ સંદર્ભમાં આઇ.પી.સી. 153એ અન્વયે ફરિયાદ નોંધાયાના પણ હેવાલો છે. નાનાવિધ વિરોધી સંસ્થાઓમાં એન.એસ.યુ.આઇ.એ દાખવેલ રણરંગ ઉર્ફે તોડફોડની જિકર પણ અહીં લાજિમ છે. યથા પ્રસંગ જે સૂત્રો આ ગાળામાં પોકારાતાં રહ્યાં એમાંના એક પ્રમાણે ‘આ જાહેરાત અમને નીચા પાડવા કે હલકા ચીતરવા માટે છે’, એવો સૂર નીકળતો હતો.

એક મહિનાથી વધુ સમય વીતી ગયા પછી, આ બધા જે સહસા પડમાં પધાર્યા એમાં એક વિલક્ષણ પત્રબાણ, દેશના બહુમતી મુસ્લિમો(બરેલવી સુન્નીઓ)ના પ્રતિનિધિત્વનો દાવો કરતી રઝા એકેડમીનું હતું. એકેડમીએ દેશમાં રાહત અને સેવાનાં કામોમાાં ઠીક ઠીક હાથ બટાવ્યો ગણાય છે. પણ એના મંત્રીએ સેન્ટર પર આ જાહેરાત જોગ પત્રમાં લખ્યું કે તમે ‘સચ એન ઇન્સલ્ટિંગ જૉબ’ વાસ્તે સૈયદોનું નામ લીધું એ બરદાસ્ત કરી શકાય નહીં, કેમ કે સૈયદો તો પયગંબરસાહેબના સીધા વંશ જ છે અને આવા ગંદા કામમાં એમને જોતરાવા કહ્યું તે તૌહીન છે.

વાચક જોશે કે આ જાહેરાતથી અમને નીચા પાડ્યા કે અમારું અપમાન કર્યું એવી લાગણી રાજપૂત શૌર્ય ફાઉન્ડેશન, યુવા શક્તિ સંગઠન, બ્રહ્મસમાજ, સુન્ની અવામી ફોરમ, રઝા એકેડમી એ સૌની ઓછી વત્તી એક સરખી છે. બ્રહ્મસમાજે જો કે એટલું જરૂર કહ્યું છે કે અમે એસ.સી.-એસ.ટી. અને બીજાઓના વિરોધી નથી, પણ આ જાહેરાતનો હેતુ સમાજમાં ભાગલા પાડવાનો છે.

ભાઈ, હ્યુમન ડેવલપમેન્ટ ઍન્ડ રીસર્ચ સેન્ટરે આપેલી જાહેરાતથી કોઈને અકળામણથી માંડી ઉશ્કેરણી જેવું અનુભવાતું હોય તો પણ અને આવી જાહેરાત આપવી તે સલાહભર્યું છે કે નહીં એવો સવાલ ઊઠતો હોય તો પણ એને અંગે બે રીતે વિચારવાપણું અને જાત જોડે જવાબ માગવાપણું તો રહે જ છે. આ જાહેરાત સમાજમાં ભાગલા પાડનારી છે કે જે ભાગલા છે એને પ્રગટ કરનારી છે, એ આપણે કેમ વિચારી શકતા નથી. જો જનરલ કેટેગરી માટે મળમૂત્રસફાઈ સેવા અરજી માટે ખુલ્લી મૂકાતી હોય તો ભેદભાવ તો નૉન-જનરલ કેટેગરી એટલે કે પરંપરાગત રીતે આ કામ કરનારાને થાય છે.

તો, અવાજ તો એમણે ઉઠાવવો જોઈતો હતો. બલકે, ભલે પછીથી એ પુસ્તકની પાંચ હજાર નકલો ચલણમાંથી ચૂપચાપ પાછી ખેંચી લેવાઈ હો, પણ ગુજરાતમાં શીર્ષ સત્તાસ્થાનેથી સફાઈ સેવામાં રત પરંપરાગત વાલ્મીકિ સમુદાયને અધ્યાત્મનું પ્રમાણપત્ર અપાયું હતું, એ હકીકત છે. તો, એચ.ડી.આર.સી.ની જાહેરાતમાં જનરલ કેટેગરીને અગ્રતા અપાયાથી તોડફોડ સહિતની વિરોધલાગણી તો નાતજાતગત પરંપરાગત સફાઈ કામદારો તરફથી પ્રગટ થ‌વી જોઈતી હતી.

ગમે તેમ પણ, આ જાહેરાત બાબત માફી માગો કે ન માગો, પોલીસ સમતા અને બંધુતાને ધોરણે કારવાઈ કરો કે ન કરો, દેખીતી શાંતિ સ્થપાયા પછી પણ ઘીના ઠામમાં ઘી પડ્યાનો રાહત ઓડકાર ન તો શક્ય છે, ન તો ઈષ્ટ છે. જેઓ અકળાયા ને ઉશ્કેરાયા, શાંતિમય નહીં એવા વિરોધરસ્તે વળ્યા, એ સૌ કથિત ઉપલી વરણના છે અને એક સમાજ તરીકે આપણો ભેદભાવભર્યો વાંસો દેખાઈ ગયો, એથી બહાર આવ્યા છે. એન.એસ.યુ.આઇ.ને પણ આ જાહેરાત સામે મેદાનમાં ઊતરવાની ચળ ઊપડી તે દર્શાવે છે કે તેઓ જે રાજકીય પક્ષ જોડે સંકળાયેલા છે એમાં બંધુત્વ અને નાગરિકતાનો સંસ્કાર કેટલો ઓછો છે.

વસ્તુત: ગુજરાતે વીસમી સદીની છેલ્લી વીસી બેસતે જે અનામતવિરોધી ઉત્પાત જોયો એમાં બંને મુખ્ય પક્ષોના બીજીત્રીજી હરોળના કાર્યકરો સક્રિય હતા એ વરવું વાસ્તવ છે. રાજ્યનાં ટ્રેડ યુનિયનો પણ સહકામદાર તરીકેની ભાવના ચૂકીને નાતજાતગત વહેંચાઈ ગયાં હતાં. ખરો મુદ્દો તો આ અને આ જ છે. પટેલ અનામત આંદોલનને આ ઘટનાક્રમ સંદર્ભે શી રીતે જોશું, વારુ. કાં તો અમને પણ અનામત આપો કે પછી અનામત નાબૂદ કરો, એવું એક તબક્કે જોરશોરથી કહેવાયું હતું. ભાઈ, બંધારણના ઘડવૈયાઓએ જે કારણે અનામતી જોગવાઈ વિચારી હતી એનું લૉજિક અને આપણું સામાજિક વાસ્તવ તો તપાસો.

એચ.ડી.આર.સી.ની ઉક્ત જાહેરાત સામે જેઓ બહાર આવ્યા એમણે સામાજિક અસલિયતને ફરી એક વાર ઉજાગર કરી આપી છે. એનો જવાબ પટેલ અગર જાટ કે એવી તેવી અનામતોની માંગણીમાં નથી. સમાજસુધારણામાં અને ‘જૉબલેસ ગ્રોથ’ ન થાય એવી આર્થિક વ્યવસ્થામાં એનો જવાબ હોય તો હોય. તમારાં શૌર્યશક્તિ ફોરમોએ ફતેહ કરવાનો કિલ્લો તો સમાજસુધારાનો અને અર્થનીતિસુધારણાનો છે. જરી ધોરણસર લડી તો જાણો, મારા ભૈ.

અરે, માથે મેલું ઉપાડવાની નાબૂદી ગાંધી શતાબ્દીએ ન થઈ અને આંબેડકર એકસો પચીસીમી ય આ ઊઘલી! રાજકીય-શાસકીય સંકલ્પશક્તિને થોડોક પ્રજાસૂય આંચકો આપી જાણો તો તમને શૂરા બકું.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘વિચારવાની વાત’, “દિવ્ય ભાસ્કર”, 02 જુલાઈ 2016

Loading

...102030...3,5953,5963,5973,598...3,6103,6203,630...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved