Opinion Magazine
Number of visits: 9690306
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Debating India : એક ઊહાપોહ !

મહેન્દ્ર એન. દેસાઈ|Opinion - Opinion|8 July 2016

ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનની વાર્ષિક સભા શનિવારે 25 જૂન 2016ના દિવસે યોજાઈ હતી, તેમાં હાજર રહેલા સભાસદોને એક સુંદર ભેટ મળી. જાણીતા કેળવણીકાર અને વિચારક લોર્ડ ભીખુભાઈ પારેખે સુંદર વિચારપૂર્ણ પ્રવચન આપ્યું. તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા “Debating India” પુસ્તક પર એમના વિચારો જાણવા મળ્યા, સાથેસાથે શ્રોતાઓ સાથેની પ્રશ્નોત્તરીથી પણ ઘણું ઘણું ઘણું જાણવા-માણવા મળ્યું.

वादे वादे जायते तत्त्वबोध, વેદના આ શ્લોકથી પ્રવચનની શરૂઆત કરી. ભારતીય સંસ્કૃિતમાં વાદ-વિવાદને મહત્ત્વનું સ્થાન મળેલું છે. અલગ અલગ મત ધરાવતી વ્યક્તિઓ કે વ્યક્તિ સમૂહો વચ્ચે જુદા જુદા વિષયો પર વાદ-વિવાદ દ્વારા તે તે વિષયોના વિવિધ પાસાંઓ ઉઘડતાં જતાં, જ્ઞાન વિસ્તાર થતો હતો. આ પ્રણાલિકા સમગ્ર ભારતમાં અનેક સ્રોતમાં ફેલાઈ જતાં જ્ઞાન સમૃદ્ધિ વધતી ગઈ હતી. બૌદ્ધ ધર્મના આગમન થતાં અને સમગ્ર ભારતમાં સેંકડો વર્ષો સુધી વિસ્તરીત થયેલો હતો તે દરમ્યાન વાદ-વિવાદની પ્રણાલિકા થોડી ક્ષીણ થવા પામી. Buddha was Saint by his own solitude. અમુક ઇતિહાસકારો-વિચારકોએ આ પ્રમાણે ટીકા પણ કરી હતી.

બુદ્ધ મોક્ષદાતા નહિ પણ માર્ગદાતા છે એવું પણ વિધાન છે. અને માર્ગ પર તો એકલો જા ને રે (બુદ્ધ મોક્ષદાતા નહિ પણ માર્ગદાતા એવું વિધાન છે. અને માર્ગ પર તો “એકલો જાને રે” એ જ હોયને ! તેથી વાદ-વિવાદ અસ્થાને બની જાય છે.) ત્યારબાદ મુસલમાનોના આક્રમણ અને પછીના મુસ્લિમ રાજ્યકાળ દરમ્યાન આ પ્રણાલિનો લગભગ અંત આવી ગયો, પણ મજાની વાત એ બની કે મોગલકાળમાં અકબરે એને અન્ય ધર્મો પ્રત્યે જિજ્ઞાસા હોવાથી એના દરબારમાં ધર્મગોષ્ઠી દ્વારા વાદ-વિવાદને ફરીથી જાગૃત કર્યો, જે ઓગણીસમી સદીના અંત ભાગ સુધી જળવાઈ રહ્યો. વીસમી સદી આવતાં સુધીમાં આખાયે ભારતમાં આઝાદીના જંગની શરૂઆત થઈ ગઈ હતી એટલે વાદ-વિવાદ વિસારે પડી ગઈ.

સ્વતંત્રતા બાદ ભારતનું સંચાલન નહેરુજીના હાથમાં આવી ગયું. તેમણે ભારતને નવી દિશાએ લઈ જવા માટે : Socialism, Secularism અને Scientific thinkingનો નવો વિચાર પ્રજાને આપ્યો.

હવે એક આડવાત – સેક્યુલારિઝમ પર

આ સેક્યુલારિઝમના વિચારોને પ્રજા સમક્ષ રજૂ કરવામાં અને તેને ભારતના નવા બંધારણ  જોડાવાઈ કરવા સુધીનું મહત્ત્વ આપવા પાછળ નહેરુજીનો શો આશય હશે ? તેનાં અનેક કારણો આપી શકાય, અને તેમાંનું એક કારણ કદાચ એમના ભારતના ઇતિહાસમાંનું અધ્યયન હોઈ શકે ? એ તો સુવિદિત વાત છે કે એમને ઇતિહાસમાં ઊંડો રસ હતો અને તેનું ઘેરું અધ્યયન કર્યું હતું અને તે પરથી એક દમદાર પુસ્તક Discovery of India પ્રજાને ભેટ કર્યું હતું.

હવે આપણે લોર્ડ પારેખના પ્રવચન તરફ વળીએ, ભારતના એક જગવિખ્યાત અને નોબેલ પારિતોષક મેળવનાર અમર્ત્ય સેન રચિત “The Argumentative Indian” પુસ્તકનો લોર્ડ પારેખે  ઉલ્લેખ કરતાં અને એના પ્રતિશોધ રૂપે “Debating India” પુસ્તક લખાયું એમ જણાવ્યું. The Argumentative Indian (વાદ-વિવાદી ભારતીય એવું ભાષાંતર થઈ શકે? કે પછી વાદ-વિનોદી ભારતીય?) પુસ્તકમાં અમર્ત્ય સેને બૌદ્ધ ધર્મ અને તેનો ફેલાવો એ બાબત પર અને આગળ જતાં ભારત અને ચીનમાં બૌદ્ધ ધર્મની અસર એ વિશે વિસ્તારપૂર્વક એક આખું પ્રકરણ લખ્યું છે. પાંચમી-છઠ્ઠી સદી દરમ્યાન ચીનથી અનેક મુસાફરો ભારત આવતા હતા. તેઓ ભારતીય સંસ્કૃિતથી ખૂબ પ્રભાવિત થયા અને બૌદ્ધ ધર્મ પ્રત્યે આકર્ષાયા. ત્યારબાદ અનેક અભ્યાસુઓ ચીનથી ભારત આવતા, વર્ષો સુધી રહીને ઊંડો અભ્યાસ કરીને ચીન પાછા ફરતા ત્યારે તેઓને ત્યાંના રાજ્ય તરફથી ઘણાં માન-મરતબો મળતાં હતાં, અને સમાજમાં એમનું બહુમાન થતું હતું. આમ ચીનમાં પણ બૌદ્ધ ધર્મનું વિસ્તરણ થવા લાગ્યું. જો કે તે સમયે ત્યાંના પ્રચલિત ધર્મ-વિચાર Taoismનો સખત વિરોધ સહન કરવો પડ્યો હતો. નવમી સદીમાં હાન-યુ નામના એક ચીની બૌદ્ધિકે બૌદ્ધ ધર્મની વિરોધમાં અનેક લખાણો કર્યાં હતાં, તેમાંથી એક પ્રસંગને અમર્ત્ય સેન એમના પુસ્તકમાં ટાંકતા લખે છે કે લીયાંગ પ્રદેશનો વુ (wu) નામનો એક સમ્રાટ બૌદ્ધ ધર્મથી ખૂબ જ પ્રભાવિત થયો, એણે એ ધર્મનો સ્વીકાર કર્યો, બૌદ્ધધર્મનો જીવનવ્યવહાર અપનાવ્યો, માંસાહારનો ત્યાગ કર્યો, ફળફળાદિનો આહાર અપનાવ્યો, અને વ્રત-નિયમ, ઉપવાસ વગેરે કરવા લાગ્યો. આમ કરતાં કરતાં શારીરિક રીતે તે સમ્રાટ ખૂબ ક્ષીણ થઈ ગયો. નજીકના પ્રદેશના અન્ય રાજાએ ચઢાઈ કરી, નબળા સમ્રાટને હરાવીને તેનો દેશનિકાલ કર્યો, જ્યાં એ ભૂખ-તરસ્થી મૃત્યુ પામ્યો અને આ બાજુ એનું રાજ્ય પણ નષ્ટ પામ્યું,

એ પુસ્તકનો આ પ્રસંગ વાંચતાં મને આપણા ગુજરાતના એક મહાન સાહિત્યકાર ‘ધૂમકેતુ’ની યાદ આવી ગઈ. ધર્મ અને રાજ્યના અરસપરસના ગાઢ સંબંધ વિશે ચૌલુક્ય નવલકથા સંગ્રહમાંની એક નવલકથામાં ‘ધૂમકેતુ’ લખે છે કે, ‘જ્યારે ધર્મ રાજ્યાસન પર સવાર થાય છે ત્યારે રાજ્યનો અને ધર્મનો નાશ થાય છે.’

આડવાત તો ચાલુ જ છે, હવે આપણે સેક્યુલારિઝમ પર આવીએ. ઇતિહાસના ઊંડા અભ્યાસી અને આઝાદીની ચળવળ વખતે વિવિધ પ્રદેશોમાં ફરતાં ફરતાં અનેક વ્યક્તિઓના પરિચયમાં આવતાં નહેરુજીને આ બે પ્રસંગો વિશે જાણવા-વાંચવા મળ્યું હશે ? અને કદાચ એની ઊંડી અસર એમના વિચારો પર પડી હશે ? ખૂબ જ વિચારોના મંથન બાદ કદાચ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હોય કે નવતર ભારતમાં ધર્મને રાજ્ય વહીવટથી અલગ રાખવો એ ઉત્તમ છે અને એટલે એમને આ સેક્યુલારિઝમ પસંદ આવી ગયું હોય.

Secularismનો અર્થ ઓકસફર્ડ ડિક્ષનરીમાં આ પ્રમાણે છે : A doctrine that the basis of morality should be non-religious, અને બીજો અર્થ છે : a policy of excluding religious teaching from schools under state control.

ખ્રિસ્તી ધર્મના પ્રભાવ હેઠળ ઉછરેલી – પાંગરેલી અંગ્રેજી ભાષાનો ધર્મની નકારાત્મકની છાંયવાળો આ સીમિત અર્થ છે. ભારત જેવા વિવિધત્તા ધરાવતા દેશમાં જ્યાં અનેક ધર્મો છે, અનેક માન્યતા, સામાજિક રિવાજો અને સાથે સાથે અનેક ભાષાઓવાળા આ દેશને અને પ્રજાને આ સીમિત અર્થમાં ન બાંધતાં, સેક્યુલારિઝમ ને એક નવો જ અને અનેરો શબ્દ મળ્યો – ધર્મનિર્પેક્ષિતા !

ગાંધીજીને પોતાના ધાર્મિક વિચારો હતા અને તેથી આ સેક્યુલારિઝમને તેઓ ધાર્મિક – આસ્તિક દૃષ્ટિથી જોતા હતા જ્યારે નહેરુજીને ધર્મ પ્રત્ય અ-ભાવ હતો એટલે તેઓ નાસ્તિકતાની નજરે જોતા હતા. સ્વતંત્ર ભારત ભવિષ્યમાં ધર્મોની વાડાબંધીમાં ફસાઈ ને અલગ અલગ ટુકડાઓમાં વિખરાઈ ન જાય એવી આશંકા હતી. અને તેથી પ્રજાને આ નવી નીતિ અપનાવવાનો તેમનો અનુરોધ હતો. તેથી જ તેમણે આ નીતિને ભારતના નવા બંધારણમાં સામેલ કરવા સુધી લઈ ગયા.

અને ભારતની પ્રજાને પોતપોતાનો ધર્મ પોતાની રીતે માનવાનો-પાળવાનો સ્વતંત્ર અધિકાર મળ્યો હતો. ધર્મનિરપેક્ષિતામાં ભારતની પ્રજાને સ્વધર્મનો અધિકાર ઉપરાંત એમાં સમાયેલો ગહન વિચાર-ભાવ પસંદ આવી ગયો અને અપનાવી લીધો અને ભારતીય બંધારણમાં સ્વીકારાઈ ગયો.

આમ ધર્મ ને અને રાજ્યવહીવટને અલગ અલગ રાખવાનો આગ્રહ ધરાવતા નહેરુજી એ આખરે તો ધર્મને રાજ્યવહીવટ સાથે બાંધી દીધો. શરૂઆતમાં આ નવી વિચારધારાને પ્રજાએ જુદી જુદી દૃષ્ટિકોણથી વિચારીને નવા નવા પ્રતિભાવો પ્રગટ કરતી ગઈ, રાજ્યકારણીઓ પણ આના સંશોધનમાં સામેલ થયા અને એમણે પણ પોતપોતાના પક્ષની નીતિ દૃષ્ટિકોણથી પોતાના પ્રતિભાવો પણ જણાવતા ગયા. પણ થોડાક રાજકારણીઓને આ નીતિમાં કંઈક નવું જ તત્ત્વ દેખાયું અને ધર્મ નિરપેક્ષિતાને મત-અપેક્ષામાં વાળી દીધું અને એમણે નવો શબ્દ ઉપજાવ્યો – Vote Bank. ધર્મ પ્રત્યે અ-ભાવથી નાસ્તિક વિચારો ધરાવતા નહેરુજીના રાજ્યમાં રાજકારણીઓ “ધાર્મિક” થતા ગયા. પછી તો બધા જ રાજકીય પક્ષોએ આ નવી મત-અપેક્ષા વાળી વિચારધારામાં ઝંપલાવી પોતપોતાના ધર્મો, સમાજો, પ્રજાઓ-ઉપજાતિઓની વાડાબંધી કરીને, નહેરુજી એ આપેલા ધર્મનિરપેક્ષિતાના વાઘા સજીને પોતપોતાની Vote-Bank ઘડતા ગયા. આ અખંડ ભારતના લડવૈયા નહેરુજી ના જ સમયકાળ દરમ્યાન ભારત ખંડ ખંડમાં વિખરાવવા લાગ્યું અને હવે તો આ સેક્યુલારિઝમ – ધર્મ નિરપેક્ષિતા શબ્દ જ હાસ્યાસ્પદ થઈ ગયો ….

ધર્મ જ્યારે સત્તાની ગાદી પર બેસે છે ત્યારે ધર્મનો અને સત્તાનો લોપ થાય છે – ‘ધૂમકેતુ’નું આ વિધાન શું ફરીવાર ભારત માટે સાચું પડશે?

અહીં આડવાત પૂરી થઈ હવે આપણો લોર્ડ ભીખુભાઈના પ્રવચન પર પાછા આવીએ. વાદવિવાદની લાંબી ઐતિહાસિક સફર કરાવ્યા બાદ, લોર્ડ પારેખ આધુનિક ભારતમાં ઊભી થતી પરિસ્થિતિમાં વાદ-વિવાદનું સ્થાન ક્યાં અને કેટલું છે એ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહે છે કે, ‘જે ભારતમાં એક કાળે વાદ-વિવાદ દ્વારા વિચારવિમર્શ થતાં નવા નવા દૃષ્ટિકોણ ઉપજતા નવા અર્થો-ભાવો નિપજતા અને નવું જ્ઞાન પ્રાપ્ત થતું હતું, અને ક્યાંક પ્રશ્નોનું નિરાકારણ પણ થતું હતું એ વાદ-વિવાદનો આજના ભારતમાં લગભગ અંત આવી ગયો જણાય છે. એની જગ્યાએ વિચારોમાં જડતા, હઠાગ્રહતા આવતી જાય છે અને ક્યાંક વિચારોની ઉગ્રતાથી અસહિષ્ણુતા ઊભી થતી જાય છે.

એક ભીતિ સતાવવા લાગે છે કે Debating India ક્યાંક વિસ્ફોટક પરિસ્થિતિ તરફ સમગ્ર દેશને ઘસડી ન જાય.

e.mail : mndesai.personal@googlemail.com

Loading

ઍલ્વિન ટોફલર : 1928-2016

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|7 July 2016

બદલાતા યુગમાં વિશ્વસમાજને સળ નહીં જડે ને કળ નહીં વળે ત્યાં સુધી અૅલ્વિન ટોફલર ભુલાવાના નથી

દુનિયા કઈ દિશામાં જઈ રહી છે, હવે પછી કેવાં પરિવર્તનો આવી શકે એમ છે અને એની સમાજજીવન પર કેવી અસર થઈ શકે એમ છે એ સમજાવવાનું કામ ટોફલરે કર્યું હતું. આ નવી વિકસેલી જ્ઞાનશાખા ફ્યુચરોલૉજી તરીકે અોળખાય છે અને એના જનક અૅલ્વિન ટોફલર હતા

આવતી કાલે મારા જીવનમાં શું બનશે એની ચિંતા માણસ ખબર નહીં આદોકદમીથી કરતો આવ્યો છે, પરંતુ સમાજમાં અને દુનિયામાં આવતી કાલે શું બનશે એની માણસ ભાગ્યે જ ચિંતા કરતો હતો. આનું કારણ એ છે દુનિયા બહુ ઓછી ઝડપે બદલાતી હતી. ભારતીય સમાજશાસ્ત્રીઓ કહે છે કે પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં રાજપાટ બદલાતાં હતાં એની અસર સમાજજીવન પર ભાગ્યે જ પડતી હતી. બધું જ યથાવત્ રહેતું હતું, રાજા ગમે તે હોય. ભારતીય ગ્રામીણ વ્યવસ્થા આર્થિક રીતે સ્વાયત્ત હતી. સમાજજીવન પર પરિવર્તનની અસર ઔદ્યોગિક ક્રાન્તિ પછી થવા લાગી હતી. બે ઔધોગિક ક્રાન્તિ થઈ હતી જેમાંથી બીજી ક્રાન્તિએ સમાજવ્યવસ્થાને બેહદ પ્રભાવિત કરી હતી.

માણસ પરિવર્તનથી ડરે છે અને પરિવર્તન જીવનની વાસ્તવિકતા છે. માણસ ઇચ્છે છે કે પરિવર્તન ન થાય અને તે તેના પરિચિત અને સુરક્ષિત વાતાવરણમાં આયખું વિતાવી દે. બીજી ઔદ્યોગિક ક્રાન્તિ પછીથી આ પરિચિતતા અને સુરક્ષા હાથમાંથી સરકી જવા લાગી હતી. પરિવર્તન સાર્વત્રિક અની વ્યાપક હતું. આર્થિક, ટેક્નૉલૉજીકીય, પર્યાવરણીય અની ભૌગોલિક પરિવર્તનોએ સમાજજીવનને અસ્થિર બનાવવા માંડ્યું હતું. માણસ પરિવર્તનની રફતાર સાથે તાલ મિલાવી શકતો નથી જેને કારણે કેટલાક નવા માનસશાસ્ત્રીય પ્રશ્નો પેદા થવા લાગ્યા હતા.

પશ્ચિમમાં પરંપરાગત ક્લાસિકલ ફિલોસૉફી સામે કૉન્ટિનેન્ટલ ફિલોસૉફીની નવી શાખા અસ્તિત્વમાં આવી હતી જેના કેન્દ્રમાં તર્ક નહીં, માનવી હતો. એક્ઝિસ્ટેન્શિયલિઝમ, ફિનૉમીનૉલૉજી, સર્રિયાલિઝમ વગેરે જ્ઞાનશાખાઓ 19મી સદીના અંતમાં અને 20મી સદીમાં અસ્તિત્વમાં આવી હતી. એ તાત્કાલિક માનવીય સંકટ સાથે કામ પાડે છે એટલે વધારે ફૅશનમાં આવી હતી. સામાજિક મનોવિજ્ઞાન (સોશ્યલ સાયકોલૉજી) અને મનોવિશ્લેષણ (સાયકો ઍનૅલિસિસ)ની શાખાઓ પણ એ જ યુગમાં અસ્તિત્વમાં આવી હતી અને એનું કારણ પણ ઝડપથી થઈ રહેલું પરિવર્તન હતું. દાયકાઓથી ઘડાયેલા અને એકંદરે સ્થિર રહેલા માનસપિંડ સામે નવા પડકાર પેદા થયા હતા. માણસ એની સાથે પોતાને એડ્જસ્ટ નહોતો કરી શકતો અને ભયનો અનુભવ કરવા લાગ્યો હતો.

અહીં 27 જૂને, અમેરિકાના લૉસ ઍન્જલસમાં, 87 વર્ષની વયે અવસાન પામેલા ઍલ્વિન ટોફલર આવે છે જેમણે પરિવર્તનની રફતાર અને દિશા સમજવા-સમજાવવાનું કામ કર્યું હતું. પરિવર્તને માનવી અને માનવસમાજ પર કેવી અસર કરી છે એ સમજાવવાનું અને એની ચિકિત્સા કરવાનું કામ ઉપર કહે એવી નવી વિકસેલી જ્ઞાનશાખાઓએ કર્યું છે; પરંતુ દુનિયા કઈ દિશામાં જઈ રહી છે, હવે પછી કેવાં પરિવર્તનો આવી શકે એમ છે અને એની સમાજજીવન પર કેવી અસર થઈ શકે એમ છે એ સમજાવવાનું કામ ટોફલરે કર્યું હતું. આ નવી વિકસેલી જ્ઞાનશાખા ફ્યુચરોલૉજી તરીકે ઓળખાય છે અને એના જનક ઍલ્વિન ટોફલર હતા.

1928માં અમેરિકામાં જન્મેલા ટોફલરે ખેતમજૂર તરીકે અને પછી ફૅક્ટરી-વર્કર તરીકે કામ કર્યું હતું. એ પછી તેઓ પત્રકારત્વમાં પ્રવેશ્યા હતા. તેમણે એવા સમાજને જોયો હતો જેની સુરક્ષિત જગ્યા પરિવર્તનને કારણે સરકી રહી હતી. તેમણે એવા સમાજને પણ જોયો હતો જે હજી વધુ મેળવવાની આકાંક્ષા ધરાવતો હતો. પત્રકાર તરીકે તેમણે એવા સમીક્ષકોને પણ જોયા હતા જેઓ પરિવર્તનના સૂચિતાર્થો સમજાવવાના નિરર્થક પ્રયાસ કરતા હતા (જે રીતે આ લેખક કરતો રહે છે). બધું તાલમેલ વિનાના સર્કસ જેવું ભાસતું હતું. ઍલ્વિન ટોફલરે સર્કસમાં સમજણ વિકસાવવાનો અને એ દ્વારા ભાવિ દિશા પકડવાનો પ્રયાસ કર્યો હતો.

1970માં પ્રકાશિત થયેલું ‘ફ્યુચર શૉક’ તેમનું પહેલું પુસ્તક હતું જેણે જગતને અક્ષરશ: શૉક આપવાનું કામ કર્યું હતું. આ પુસ્તકની અત્યાર સુધીમાં દોઢ કરોડ નકલ વેચાઈ ગઈ છે. એ પુસ્તકમાં ટોફલરે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે અને એનું જવું કઈ રીતે અનિવાર્ય છે એની વાત કરી હતી. ફ્યુચર શૉક કલ્ચરલ શૉક હશે એમ ત્યારે ટોફલરે કહ્યું હતું. સૅમ્યુઅલ હન્ટિંગટનની કલૅશ ઑફ સિવિલાઇઝીશનની થીસિસ તો એ પછી 23 વર્ષે આવી હતી. હન્ટિંગટને કહ્યું હતું કે હવે પછી જગતમાં ટેક્નૉલૉજીને કારણે નજીક આવી ગયેલી, પરંતુ મૂળભૂત રીતે એકબીજાથી અપરિચિત સભ્યતાઓ વચ્ચે સંઘર્ષ થશે.

1980માં ‘ધ થર્ડ વેવ’ નામનું તેમનું બીજું પુસ્તક આવ્યું હતું. એ પુસ્તકમાં તેમણે કહ્યું હતું કે પરિવર્તનનું ત્રીજું મોજું ઈન્ફર્મેશન ટેક્નૉલૉજીનું હશે. પહેલું મોજું કૃષિવ્યવસાયનું હતું જેમાં માનવી ઠરીઠામ થયો હતો અને સભ્યતાઓ વિકસી હતી. બીજું મોજું ઔદ્યોગિક ક્રાન્તિનું હતું જેમાં સમાજ આર્થિક રીતે પ્રભાવિત થયો હતો. ત્રીજું મોજું ઇન્ફર્મેશન ઓવરલોડનું હશે. શબ્દપ્રયોગ પર ફરી વાર નજર કરો. ઇન્ફર્મેશન ઓવરલોડ. ઇન્ટરનેટ જેવી ટેક્નૉલૉજી વિકસશે એટલું જ માત્ર જો તેમણે કહ્યું હોત તો તેઓ મહાન ફ્યુચરોલૉજિસ્ટ ન ગણાત. તેઓ મહાન ફ્યુચરોલોજિસ્ટ એટલા માટે છે કે તેમણે ઓવરલોડની કલ્પના કરી હતી. લોડ એટલો પ્રચંડ હશે કે માનવી અને તેનો માનસપિંડ એને સહન નહીં કરી શકે. અથડામણો, હિંસા, પોતાની જગ્યા બચાવવાનો અને બીજાની જગ્યા આંચકી લેવાનો સંઘર્ષ આજે સર્વત્ર નજરે પડે છે. આજે જૂઠાણાંનો ઉદ્યોગ અબજો ડૉલરનો થઈ ગયો છે એ, ત્રીજા મોજાનું પરિણામ છે. પાછા જૂઠાણાં ફેલાવનારાઓના સગડ પણ મળતા નથી (ટોફલરના ‘થર્ડ વેવ’નો ગુજરાતીમાં અનુવાદ જાણીતા સર્વોદયી વિચારક કાંતિભાઈ શાહે ‘ત્રીજા મોજા’ના નામે કર્યો છે જે વાંચવાની હું ભલામણ કરું છું. આ પુસ્તક યજ્ઞ પ્રકાશન, વડોદરાએ પ્રકાશિત કર્યું છે). એ ઉપરાંત ‘પાવર શિફ્ટ’ અને બીજાં કેટલાંક પુસ્તકો ટોફલરે આપ્યાં છે જે આ જ દિશામાં હજી બીજી કેટલીક વાત કરે છે.

ટોફલરે વિકસાવેલી ફ્યુચરોલૉજીની જ્ઞાનશાખાને પાંચ દાયકા થવા આવ્યા છે, પણ તેને બીજા ટોફલર નથી મળ્યા. એબ્સર્ડ ભાસતા સર્કસમાં રિધમ પકડવી એ અઘરું કામ છે અને એ એક ફેક્ટરી-વર્કરે કરી બતાવ્યું છે. બદલાતા યુગમાં વિશ્વસમાજને સળ નહીં જડે અને કળ નહીં વળે ત્યાં સુધી ઍલ્વિન ટોફલર ભુલાવાના નથી. 

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 જુલાઈ 2016

Loading

માનવીને પ્રેમ કરનારાઓે ખુદાના દુશ્મન?

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|5 July 2016

જેમ સંગીત ભારતીય ઉપખંડનું સહિયારું છે એમ સાબરી ગાયકો પણ આપણા બધાના હતા. સાબરી પરિવારનો કવ્વાલીના ગાયનમાં લાંબો અને વૈભવી વારસો છે.

હિંદી ભાષાના વરિષ્ઠ પત્રકાર ઓમ થાનવી જ્યારે હિંદી દૈનિક 'જનસત્તા'ના તંત્રી હતા ત્યારે એક વાર પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. તેમણે પાકિસ્તાનના પ્રવાસનું વર્ણન કરતું નાનકડું પુસ્તક લખ્યું છે જેમાં એક પ્રસંગ દિલને સ્પર્શી જાય એવો છે. તેઓ રાતની બસમાં કરાચીથી લાહોર જઈ રહ્યા હતા. પરોઢિયે એક જગ્યા આવી જ્યાં બસ ઊભી રહી. ડ્રાઇવરે મસ્ત કલંદરની કેસેટ વગાડવા મૂકી અને મુસાફરો ઈબાદતની મુદ્રામાં એક તરફ મોઢું કરીને બેઠાં હતાં. એ જગ્યા પ્રસિદ્ધ સેહવાણ શરીફની હતી જ્યાં લાલ શાહબાઝ કલંદરની મઝાર છે. હા, એ જ દમાદમ મસ્ત કલંદરવાળા સૂફી પીર. ઓમ થાનવીએ પણ બીજાઓની જેમ બે હાથ સામે રાખીને ઈબાદત કરી હતી. ઇચ્છા તો મઝાર પર જવાની હતી, પરંતુ વહેલી સવારે એ શક્ય નહોતું.

એક ભારતીય હિંદુ પત્રકાર માટે સેહવાણ જરા ય અજાણ્યું નહોતું. માત્ર ભારતના વિભાજનને કારણે દૂર હતું એટલું જ. જેમ પાકિસ્તાનીઓ માટે દિલ્હીની હઝરત નિઝામુદ્દીનની મઝાર કે અજમેરની ચિશ્તીની દરગાહ દિલમાં હોવા છતાં વિભાજનને કારણે દૂર છે. ભાગ્યે જ એવો કોઈ હિંદુ મળી આવશે જેણે લાલ બાદશાહનું નામ ન સાંભળ્યું હોય અને દમાદમ મસ્ત કલંદરની નાત સાંભળીને નાચી ન ઊઠયો હોય. સૂફીઓ અને સંતોએ આજના ભારતનું ઘડતર કર્યું છે. આટલી વિપુલ માત્રામાં વિવિધતા હોવા છતાં ભારતની એકતા જળવાઈ રહી છે એનું ઘણું મોટું શ્રેય સૂફીઓ અને સંતોને જાય છે અને ભારતનું વિભાજન થયું છે એનું એક કારણ સૂફીઓ અને સંતોના હિંદુ-મુસ્લિમ આધ્યાત્મિક એકત્વના અવાજને નકારવાનું છે.

ભારતીય ઉપખંડમાં આ નકારવાનો ઇતિહાસ પણ હવે તો દોઢસો વર્ષ જેટલો લાંબો થઈ ચૂક્યો છે અને દુર્ભાગ્યે નકારવાની પ્રવૃત્તિ મંદ પડવાની જગ્યાએ તીવ્ર થતી જાય છે. સૂફીઓ અને સંતોના વારસાને નકારવામાં આવી રહ્યો છે. હિંદુસ્તાની ભાષાને નકારવામાં આવી છે. હિંદીને હિંદુઓની ભાષા અને ઉર્દૂને મુસલમાનોની ભાષા બનાવી દીધી છે. ઉર્દૂ ભાષા સામે બંગાળી ભાષાને નકારવામાં આવી એટલે તો પાકિસ્તાનનું વિભાજન થઈને બાંગલાદેશ અલગ થયો. સંતો અને સૂફીઓનું મઝહબીકરણ થઈ રહ્યું છે જ્યારે કે તેઓ તો ખુદા અને બંદા વચ્ચે શરતો લાદીને દીવાલો ઊભી કરનારા સંગઠિત ધર્મોના વિરોધીઓ હતા. કબીર, શિરડીના સાંઈબાબા, પ્રણામી ગુરુ પ્રાણનાથ વગેરે ધાર્મિક એકતામાં માનનારા સંતોનું હિંદુકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુસ્લિમ સ્ત્રીઓ પાસેથી સાડી છીનવી લેવામાં આવી છે અને હવે સંગીત છીનવી લેવામાં આવી રહ્યું છે.

પખવાડિયા પહેલાં પાકિસ્તાનના જાણીતા કવ્વાલ અમજદ સાબરીની કરાચીમાં હત્યા કરવામાં આવી એ એકત્વને નકારવાની પ્રવૃત્તિનું પરિણામ છે. જેમ સંગીત ભારતીય ઉપખંડનું સહિયારું છે એમ સાબરી ગાયકો પણ આપણા બધાના હતા. સાબરી પરિવારનો કવ્વાલીના ગાયનમાં લાંબો અને વૈભવી વારસો છે. તેમનું ખાનદાન અકબરના જમાનાથી કવ્વાલી દ્વારા ખુદાની બંદગી કરે છે. સાબરી એ તેમની અટક નથી, પરંતુ ચિશ્તી-સાબરી સૂફી સિલસિલા છે. ટૂંકમાં તેઓ વ્યવસાયી ગાયકો નહોતા, પરંતુ સૂફી સિલસિલાના હજુ સુધી ટકી રહેલી માળાના મણકા હતા. ગુલામ ફરીદ સાબરી અને તેમના નાના ભાઈ મકબુલ અહમદ સાબરી પ્રખ્યાત સાબરીબ્રધર્સ તરીકે ઓળખાતા હતા. એ પણ કેવી વિડંબના કે વિભાજન વખતે ગુલામ ફરીદ સાબરી મુસલમાન હતા એટલે જીવ બચાવવા પૂર્વ પંજાબ છોડીને પાકિસ્તાન જવું પડયું હતું અને હવે તેમના પુત્રની તાલિબાનોએ સાચા મુસલમાન નહીં હોવા માટે હત્યા કરી છે. ઇસ્લામમાં બે શબ્દો છે જે આજકાલ સલ્ફી-વહાબી-દેવબંદી સ્કૂલના મુસલમાનોને અને તેમને અભિપ્રેત એવા ઇસ્લામના પ્રચારનું કામ કરતા તબલીગીઓને બહુ વહાલા છે. એ બે શબ્દો છે શિર્ક અને બીદ્દત. શિર્કનો અર્થ થાય છે ખુદાની બરાબરી કરવી અને બીદ્દતનો અર્થ થાય છે ઇસ્લામનો ચીંધેલો માર્ગ ચાતરવો અથવા અજ્ઞાનને કારણે પથભ્રષ્ટ થવું.

પાક્કા મુસલમાનનો અર્થ થાય છે આપણા પોતાના વારસાને નકારવો અને આયાતી વારસાને અપનાવવો. તેઓ આ રીતે સર્વસમાવેશક ભારતીય ઇસ્લામને નકારી રહ્યા છે. ઓછામાં પૂરું હવે સાઉદી પેટ્રો ડોલર્સ દ્વારા ચલાવવામાં આવતી મદરેસાઓ બાળકોનું સલ્ફી-વહાબીકરણ કરવાનું કામ કરે છે. તેમને સૂફીઓની મઝાર પર મુસલમાનો ઈબાદત કરે એ સ્વીકાર્ય નથી. તેમને સૂફીઓની સ્તુિતમાં ગાવામાં આવતી કવ્વાલીઓ સ્વીકાર્ય નથી. અમજદ સાબરીની હત્યા કરવામાં આવી એનું આ કારણ છે. સાચા મુસલમાને ખુદા સિવાય કોઈની ઇબાદત કરવાની ન હોય અને સ્તુિત કરવાનો તો સવાલ જ નથી. સાઉદી પ્રભાવ હેઠળ સલ્ફી-વહાબી મુસલમાનોને તો હવે ખુદા શબ્દ સામે પણ વાંધો છે. ખુદા શબ્દ ફારસી છે એટલે તેની જગ્યાએ તેઓ અરેબીક શબ્દ અલ્લાહનો આગ્રહ રાખે છે જ્યારે કોઈ મુસલમાન ખુદા હાફિઝની જગ્યાએ અલ્લાહ હાફિઝ બોલતો સાંભળવા મળે તો સમજી લેવું કે તે દેવબંદી મુસલમાન છે. સલ્ફી-વહાબીઓના આગ્રહોને કારણે પાકિસ્તાન દોજખમાં ફેરવાઈ ગયો છે, પરંતુ તેઓ એમ માને છે કે તેઓ સાચા ઇસ્લામની સેવા કરી રહ્યા છે. પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે પાકિસ્તાનમાં માત્ર ૨૪૫ મદરેસાઓ હતી. ૨૦૦૧ની સાલમાં પાકિસ્તાનમાં મદરેસાઓની સંખ્યા વધીને ૬,૮૭૦ થઈ હતી. આજે તેમાં હજુ વધારો થયો હશે. આ મદરેસાઓ સલ્ફી-વહાબી સ્કૂલની છે અને સાઉદી ફંડથી ચાલી રહી છે.

પાકિસ્તાન ધર્મઝનૂનની ગર્તામાં ધકેલાઈ ગયો એમાં સલ્ફી-વહાબી સ્કૂલની આ મદરેસાઓનો અને તબલીગી જમાતનો મોટો હાથ છે. તેઓ માત્ર અહમદિયા અને શિયા સંપ્રદાયનો જ વિરોધ નથી કરતા, પરંતુ બરેલવી સુન્ની ઇસ્લામનો પણ વિરોધ કરી રહ્યા છે. બરેલવી મુસલમાનો શિર્ક અને બીદ્દતને પ્રોત્સાહન આપે છે. ૨૦૧૦માં મૂળભૂતવાદી સલ્ફી-વહાબી ત્રાસવાદીઓએ લાહોરમાં આવેલી દાતા દરબારની મઝાર પર હુમલો કર્યો હતો જેમાં ૪૦ કરતાં વધુ લોકો માર્યા ગયાં હતાં.

સૌજન્ય : ‘સમાલોચન’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 02 જુલાઈ 2016

http://www.sandesh.com/article.aspx?newsid=3425161

Loading

...102030...3,5903,5913,5923,593...3,6003,6103,620...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved