Opinion Magazine
Number of visits: 9690945
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાંચતાં વાંચતાં ગાઈ ઊઠીએ તેવું ‘ગા મેરે મન ગા’

અભિજિત વ્યાસ|Opinion - Opinion|1 August 2016

‘ગા મેરે મન ગા’ : લેખક – પ્રફુલ્લ દેસાઈ : પ્રકાશક – સાહિત્યસંકુલ, ચૌટાબજાર, સુરત : પૃષ્ટ 200 : કિંમત રૂ. 190

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સિનેમા વિશે, ખાસ કરીને ફિલ્મ ગીતસંગીત વિશે અત્યંત અભ્યાસપૂર્ણ અને ગંભીરતાથી લખાઈ રહ્યું છે. આ અંગેનાં અનેક પુસ્તકો પ્રગટ પણ થઈ રહ્યાં છે. સુરત જેવું શહેર તો ખાસ હરીશ રઘુવંશીના નામથી જ ઓળખાય છે. આ જ સુરત શહેરમાંથી ફિલ્મ ગીત સંગીતના અન્ય એક અભ્યાસી પણ સુરતને એક નવી ઓળખ આપી રહ્યા છે, તે છે ડૉ. પ્રફુલ્લ દેસાઈ. અહીં ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે વ્યવસાયે ડૉક્ટર એવા પ્રફુલ્લભાઈએ બહુ અભ્યાસપૂર્ણ રીતે ગીતસંગીતનો અભ્યાસ કરીને આ વિષયની છણાવટ કરી છે. આમ તો વિજ્ઞાન અને સંગીતને બહુ ઘનિષ્ટ સંબંધ છે, પણ અહીં ત્રિવેણીસંગમ જેવી રજૂઆત વાંચવા મળે છે. તેઓ સારા સાહિત્યકાર પણ છે, એટલે ગીતનાં સંગીતની સાથે-સાથે એમણે ગીતનો પણ આસ્વાદ કરાવ્યો છે. એમની પાસેથી જે સંચય મળે છે, તેમાં એમના સમગ્ર અભ્યાસનો લાભ વાચકોને મળે છે.

‘ગા મેરે મન ગા’ નામે લેખ સંગ્રહમાં તેમણે આપણી હિન્દી ફિલ્મનાં અવિભાજ્ય અંગ ગણાતાં ગીતોનો અને તેમની બંદિશોની વાત પ્રસ્તુત કરી છે. આ સંચય ‘ગુજરાતમિત્ર’માં આવતી એમની કૉલમના લેખોનો સંચય છે. આ કૉલમના લગભગ બસોથી વધારે લેખોમાંથી ૭૦-૭૫ લેખોને સંકલિત કરીને ભૈરવીથી મારવા સુધીના ચાલીસ જેટલા (પ્રસ્તાવનામાં એમણે ઉલ્લેખ કર્યા મુજબ પણ અનુક્રમણિકા મુજબ ૩૩) રાગોના લેખો આ સંચયમાં વાંચવા મળે છે. પ્રસ્તુત સંચયને આવકારતાં હસુ યાજ્ઞિક પ્રસ્તાવનામાં લખે છે, ‘અહીં મુખ્ય કેન્દ્રમાં સંગીત છે, એના ઉપાદાનમાં ફિલ્મી તરજ છે અને એનો અનુબંધ જે રાગસંગીતમાં વિસ્તરે છે તે અનેક સંદર્ભોમાં હસ્તામલકવત્ કરવામાં આવ્યો છે. આથી જ અહીં સંગ્રહસ્થ બધા જ લેખો બહુપાર્શ્વી આસ્વાદ્ય જ્ઞાનાશ્રયી એવા નિબંધનું સ્વરૂપ ધારણ કરે છે.’

‘ગા મેરે મન ગા’માં રાગનું સ્વરૂપ, તેમાં તૈયાર થયેલી ગીતની તરજ અને ગીતનો આસ્વાદ, એમ ત્રણેય અંગે વાંચવા મળે છે. લેખકે ફક્ત ગીતોનો ઉલ્લેખ જ નથી કર્યો પણ અહીં તો સમગ્ર ગીતકૃતિ તેની જે રીતે રજૂઆત થઈ છે, તેમ વાંચવા મળે છે. ગાયક- ગાયિકા અને કોરસના ઉલ્લેખ સાથે વાત થઈ છે. જ્યારે તે ગીત અંગે વાંચીએ છીએ, ત્યારે ગીતને વાચક ગણગણવા લાગે છે અને તે ગીત મનમાં સંભળાવા લાગે છે, જે રાગને અને તેના સ્વરૂપને સ્પષ્ટ કરી આપે છે. અહીં શરૂઆત ભૈરવથી થઈ છે. અને પછી કેટલાક પ્રચલિત રાગ જેવા કે જોગિયા, આહિર ભૈરવ, લલિત, ભટિયાર, હિંડોલ, બિલાવલ, આસાવરી, સિંધુભૈરવી, ભીમપલાસી, પટદીપ, કિરવાણી, પૂરિયા ધનાશ્રી અને મારવા જેવા રાગની સાથે-સાથે બહુ પ્રચલિત નહીં તેવા ભંખાર, બરવા, દેવગંધાર, સિંદૂરા, ધાની જેવા રાગો અંગે પણ વાંચવા મળે છે. ક્યારેક વાંચતાં-વાંચતાં એવું પણ થાય છે કે એ ગીત તો અનેક વખત સાંભળ્યું હોવા છતાં તેના રાગ અંગે સભાનપણે ધ્યાન ન દીધું હોય તેવું લાગે. અને પછી અચાનક ‘અરે આ તો આ રાગનું ગીત છે’ એમ સહસા આનંદ થઈ આવે એવી અનેક વિગતો વાંચવા મળે છે. આ રાગોમાં, તેમાં પ્રયોજાતા સ્વરો-વાદી, સંવાદી અને વર્જિતના ઉલ્લેખો પણ એમણે કર્યા છે. ખાસ સ્વરો અંગે એમણે વાચકો માટે નોંધ (પૃ.૩૧) મૂકી છે. અલબત્ત, આ નોંધ એમણે પુસ્તકનાં પ્રકરણોના આરંભ પહેલાં મૂકવી જોઈતી હતી.

સંગીતના રાગોમાં અનેક પ્રસંગોની જુદી-જુદી કથાઓ સાંભળવા મળે છે. એટલે એવું બને છે કે જુદા-જુદા લેખકોની પાસેથી એક જ પ્રસંગની અલગ-અલગ વાત વાંચવા મળે છે. અહીં આ સંચયમાં પણ એવું બને જ છે. જેમ કે તાનસેનના મૃત્યુ પછી રજૂ થયેલા રાગ તોડીની વાત વાંચવા મળે છે. આ વાતની રજૂઆતમાં સંગીતજ્ઞાતા પ્રફુલ્લભાઈની સાથે ચિકિત્સક પ્રફુલ્લભાઈનો પ્રવેશ પણ વાંચવા મળે છે. જેમ કે, “બિલાસખાને તોડીમાં સહેજ ફેરફાર કરી શુદ્ધ નિષાદને બદલે કોમલ નિષાદ લઈને એટલે કે તોડી સાથે આસાવરી મિશ્ર કરી ગાયો, ત્યારે અચાનક મૃત તાનસેનનો હાથ ઊંચકાયો. આધુનિક વિજ્ઞાનયુગમાં એને ‘રાઇગર મોર્ટિસ’ કહી શકીએ, જેમાં મૃત્યુ બાદ લાશનાં જકડાયેલાં અંગો છૂટાં થતાં હોય છે.” (પૃ. ૬૧) આમ, આવી રીતે એક રાગની વાત કરતાં-કરતાં એને સંલગ્ન રાગોની વાત પણ સાથે-સાથે વણી લે છે. જેમ કે, રાગ તોડીની વાત કરતાં તોડીના પ્રકારો વિશે અને રાગ બિલાવલની વાત કરતા અલ્હૈયા બિલાવલની વાતને પણ એ જ લેખમાં સમાવી લે છે. તેમ અત્યંત અપ્રચલિત એવા શુક્લ બિલાવલની વાત પણ લખે છે.

અહીં રાગ શુક્લ બિલાવલમાં સ્વરબદ્ધ થયેલી એક બંદિશની ચર્ચા એમણે બહુ સંયમિત રીતે કરી છે. સાયગલે ગાયેલું ‘તાનસેન’ ફિલ્મનું ગીત ‘સપ્ત સુરન તીન ગ્રામ’, જે પછીથી લતા મંગેશકરે પણ ગાયેલું તેની ચર્ચા કરતાં લેખકે આ ગીતને રાગ હેમંતનું લક્ષણગીત કેટલાકે ગણાવેલું છે તે વાતનો ઉલ્લેખ કર્યો છે. (પૃ. ૭૫) અને લતા મંગેશકરનું (મેં આ ગીત વિશે મારા પુસ્તક ‘રાગરંગ’માં ચર્ચા કરી છે) નામ લખવાનું ટાળ્યું છે. આમ એક મહાન ગાયિકાની ભૂલને લેખકે એના ઉલ્લેખ વગર બહુ સરસ રીતે ચર્ચી છે. એવી જ રીતે લતાનું ગાયેલું ફિલ્મ ‘ભાભી કી ચુડિયા’નું ગીત ‘જ્યોતિકલશ છલકે’નો મોટાભાગના શ્રોતાઓ રાગ ભૂપાલીનું માને છે પણ તે રાગ દેશકારનું છે, તેની યોગ્ય રજૂઆત કરી સમાન એવા આ બે રાગો – રાગ ભૂપાલી અને રાગ દેશકાર બે કેવી રીતે ભિન્ન છે તે સમજાવ્યું છે. (પૃ. ૮૬)

અલબત્ત, પુસ્તકમાં જે ગીતોને સમાવાયાં છે, તે બધાં જૂનાં છે અને નવા વાચકોને એમાંનાં કેટલાં ય ન પણ સાંભળ્યાં હોય તેવું બને. તેમ બધા વાચકોને બધાં જ ગીતો ગમતાં હોય તેવું ન પણ બને. તેમ છતાં એ બધાથી વાચકોને એ ગીતોના આસ્વાદને કારણે પસંદગીમાં બદલાવ પણ લાવી શકે એવું પણ બને. તેમ કેટલાક રાગો વિશે ખૂબ વિસ્તૃત તો કેટલાક વિશે ટૂંકમાં વાત થઈ છે. જેમ કે, રાગ બિલાવલ વિશે ૧૨ જેટલાં પૃષ્ઠોમાં અને રાગ સારંગ વિશે અગિયાર પૃષ્ઠોમાં તો રાગ ભંખાર વિશે ફક્ત બે પૃષ્ઠોમાં તો રાગ દેશકાર વિશે, પૃષ્ઠોમાં અને રાગ સિંદુરા વિશે પણ ફક્ત બે જ પાનાંમાં વાંચવા મળે છે.

‘ગા મેરે મન ગા …’ એક એવો સંચય છે તે સંગીતરસિકોની સાથે – સાથે ફિલ્મ ગીતરસિકોને અને અન્યોને પણ વાંચવો જ નહીં, મમળાવવો પણ ગમે એવો છે અને વાચક વાંચતાં-વાંચતાં ગાઈ ઊઠે એવું પણ બને જ. ગમતા ગીત માટે તો એવું ખાસ બની શકે. આવા સુંદર સંચય બદલ પ્રફુલ્લ દેસાઈ આપણા સૌના અભિનંદનના અધિકારી છે અને આ વાંચતા એમના હવે પછી પ્રગટ થતા સંગીતચિકિત્સાવિષયક પુસ્તક ‘સંગીતોપચાર’ વાંચવાની ઉત્કંઠા પણ જગાવે છે.    

e.mail :  abhijitsvyas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2016; પૃ 11-12.

Loading

મૃત્યુ પછી મને ગુજરાતમાં દફનાવજો

મહાશ્વેતા દેવી|Opinion - Opinion|1 August 2016

જયપુર, જાન્યુઆરી ૨૫, ૨૦૧૩

પ્રસિદ્ધ લેખિકા અને ડાબેરી વિચારસરણી ધરાવતાં સામાજિક કાર્યકર મહાશ્વેતા દેવીએ કહ્યું છે કે તે અમર રહેવા માગે છે, પરંતુ તેમની ઇચ્છા છે કે જ્યારે તે મૃત્યુ પામે ત્યારે તેમના દેહને ગુજરાતની ધરતી પર દફનાવવામાં આવે. તેઓ એમ પણ ઇચ્છે છે કે તેમની કબર પર મહુડાનું ઝાડ ઉગાડવામાં આવે.

આ નરેન્દ્ર મોદીનું ગુજરાત નહીં પરંતુ ગુજરાતના આદિવાસીઓનો વિસ્તાર તેજગઢ છે. તેમણે એમ પણ કહ્યું કે આજના આધુનિક સમાજોએ આધુનિકતાના અસલી પાઠ રાજસ્થાન સહિત દેશના જુદા જુદા પ્રદેશોમાં રહેતા આદિવાસીઓ પાસેથી શીખવા જોઈએ કેમ કે તેમનામાં ભાગલા નથી.

જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ઉદ્ઘાટન ભાષણ બાદ ‘ભાસ્કર’ સાથેની વિશેષ વાતચીતમાં તેમણે કહ્યું, ‘હું નથી ઇચ્છતી કે મને અગ્નિદાહ આપવામાં આવે. મને પશ્ચિમ બંગાળના પુરુલિયામાં દફનાવવામાં આવે તેમ ઇચ્છું છું. અગ્નિદાહ અને અસ્થિ વિસર્જનમાં મને વિશ્વાસ નથી પરંતુ પુરુલિયામાં અત્યંત જૂની માન્યતા ધરાવતા હિન્દુઓ વસે છે. તેઓ મને ત્યાં દફનાવવાની મંજુરી આપશે નહીં. માટે મેં નિર્ણય કર્યો છે કે મને ગુજરાતમાં દફનાવવામાં આવે. તેજગઢ વિસ્તારમાં જીએનદેવી ગણેશદેવી  કામ કરે છે અને મેં આ વિસ્તાર પણ જોયો છે. આ મારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હું ઇચ્છું છું કે મને દફન કર્યા બાદ મારી કબર પર મહુડાનો છોડ લગાડવામાં આવે જે વૃક્ષ બનીને લહેરાયા કરે.’

[‘દિવ્ય ભાસ્કર’માંથી સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2016; પૃ. 12

Loading

પ્રવીણ દરજીને રણજિતરામ સુવર્ણચંદ્રક નિમિત્તે

અજય પાઠક|Opinion - Literature|1 August 2016

ગુજરાતી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી પ્રવીણ દરજીને ઈ.સ. ૨૦૧૪નો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત થવાના પ્રસંગે મને સૌપ્રથમ યાદ આવે છે શ્રી રઘુવીર ચૌધરીના અમદાવાદ ખાતેના મહાદેવનગર સોસાયટીના નિવાસસ્થાને એક વાતચીતમાં ઉચ્ચારેલા શબ્દો : ‘તમારા અક્ષર પ્રવીણ દરજી જેવા જ છે.’ ત્યારથી પ્રવીણ દરજી પ્રત્યેનું મારું આકર્ષણ આરંભાયેલું, કારણ એટલું જ કે હું મારા અક્ષર માટે ભારે આકર્ષણ અનુભવતો હતો. પ્રવીણ દરજીના અક્ષરો જોવાનો પ્રસંગ તો હમણાં જ આવ્યો, પરંતુ તેમના ‘ચીસ’ કાવ્યસંગ્રહનું અવલોકન ‘ગ્રંથ’માં કરવાનું બન્યું હતું. તે સમયે તેમની અછાન્દસ અભિવ્યક્તિ આશાસ્પદ જણાઈ હતી.

આજે ‘ચીસ’ના સર્જકને તેમની દીર્ઘ સાહિત્યયાત્રા માટે ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ લેખાતો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે, તેથી ખૂબ આનંદની લાગણી ઊભરાય છે. ૪૦થી વધુ વર્ષોમાં પથરાયેલી તેમની આ સાહિત્યયાત્રામાં કવિતા, લલિતનિબંધ, ચિંતનાત્મક નિબંધ, પ્રવાસ-નિબંધ, હાસ્યનિબંધ, વ્યક્તિવિશેષ-ચરિત્રાત્મક લેખો, વિવેચન, સંશોધન-સિદ્ધાંત ચર્ચા, અનુવાદ, સંપાદન, પ્રૌઢ-બાલવિષયક સાહિત્ય, પ્રસન્ન પુષ્પવાચનમાળા વગેરેનો, લગભગ ૧૨૫ જેટલાં પુસ્તકોનો સમાવેશ થાય છે. આ પુસ્તકો પૈકી ૧૨ જેટલાં પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ વગેરે દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યાં છે. પ્રસ્તુત સુવર્ણચંદ્રકપૂર્વે અનેક મહત્ત્વનાં પારિતોષિકો, ચંદ્રકો, ઍવૉડ્ર્ઝથી આ કવિ, નિબંધકાર, વિવેચક, સંશોધક, ચિંતક પોંખાયા છે. કારણ એટલું જ કે સાહિત્ય, શિક્ષણ, સમાજ, સંસ્કૃિત અને વહીવટી ક્ષેત્રે પૂરાં સમર્પિત રહીને તેમણે પોતાની પ્રવૃત્તિને સમુચિત આકાર આપ્યો છે. તેમની લોકચાહનાનું રહસ્ય છે તેમનો મિલનસાર સ્વભાવ, બહુશ્રુત, ઉદ્યમી અને મૂલ્યનિષ્ઠ પ્રતિભા. તેમને ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયો છે.

પ્રવીણ દરજીનો જન્મ પંચમહાલ જિલ્લાના મહેલોલ ગામમાં ઈ.સ. ૨૩ ઑગસ્ટ, ૧૯૪૪ના રોજ થયો હતો. એ રીતે તેઓ ‘ઑગસ્ટ – પ્રતિભા’ છે. તેમનાં બાનું નામ ચંચળબા અને પિતાનું નામ શનિલાલ. પ્રાથમિક શિક્ષણ મહેલોલમાં થયું, માધ્યમિક શિક્ષણ વેજલપુરમાં થયું અને ઉચ્ચશિક્ષણ ગોધરા તથા મોડાસાની કૉલેજોમાં થયું. ઈ.સ. ૧૯૬૫માં બી.એ. અને ઈ.સ. ૧૯૬૭માં એમ.એ. તે રીતે જોતાં તેઓ મારા સહપાઠી ઠર્યા – સતીશ વ્યાસ તથા વિજય શાસ્ત્રીની જેમ. મારા અધ્યાપકો ડૉ. ઈશ્વરલાલ ર. દવેને તેમના જીવનના અંતિમ દિવસોમાં એક વાર મળવાનું બન્યું, ત્યારે વાતવાતમાં તેમણે કહ્યું હતું કે “તે દિવસોમાં અમે કોઈને ફર્સ્ટક્લાસ આપતા ન હતા.” એવા દિવસોમા ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ. તેમ જ એમ.એ. બંને કક્ષાએ પ્રથમ વર્ગમાં પાસ થનાર પ્રવીણ દરજી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે પાસ થયા હતા. અભ્યાસમાં આવી તેજસ્વી કારકિર્દી માટે કેમ આદર અને અહોભાવ ન જાગે? બાળક, કિશોર અને કુમાર અવસ્થામાં પણ પ્રવીણ દરજીએ પોતાની વાચન-અભ્યાસ વગેરેની લગનનો ઘનિષ્ટ પરિચય પોતાના પરિસરમાં સૌને કરાવેલો. શિક્ષકોને પણ આ તેજસ્વી બાળકની પરખ થયેલી. આ તમામ લોકોએ આ પ્રતિભાબીજને માવજતથી વિકસાવ્યું. પોતાના ગામની જે ઓટલી પર બેસીને પોતાની અભ્યાસનિષ્ઠા પ્રવીણ દરજીએ પ્રગટ કરેલી તે એટલી ‘ભણેશરીની ઓટલી’ તરીકે જાણીતી બની. પ્રગાઢ વાચનપ્રેમ અને અભિવ્યક્તિની તાજગીસભર ઊર્જા તેમનાં  પ્રતિભાલક્ષણો છે. તેનું સ્વાભાવિક પરિણામ તે તેમનું વિશાળ ગુણવત્તાભર્યું ગદ્ય-પદ્ય સર્જન-વિવેચન સાહિત્ય-કવિતામાં ‘ચીસ’ પછી ઉત્સેધ, ઇઓ, ગ્રીનબેલ્ટ અને પૂર્વાભાસ. ગદ્યમાં લલિતનિબંધ ‘લીલાં પર્ણ’ પછી બીજા પંદર સંગ્રહો. એવું જ ચિંતનાત્મક નિબંધ અંગે, પચીસ સંગ્રહો. એક બે પ્રવાસ-નિબંધના પુસ્તક, એક-બે હાસ્યનિબંધનાં પુસ્તક ઉમાશંકર જોશીના સૂચનથી ‘નિબંધ : સ્વરૂપ અને વિકાસ’ એવો પીએચ.ડી. માટેનો અભ્યાસગ્રંથ કર્યો, ડૉક્ટરેટ મેળવી અને તેમનો અભ્યાસ વખણાયો. તેઓ માત્ર નિબંધસર્જક નહીં, નિબંધ અંગેના ય અભ્યાસી/ તજ્જ્ઞ. બીજાં પણ વિવેચનો અને અન્ય સાહિત્ય. ઉત્સ્ફૂર્ત અને ધ્યાનપાત્ર.

જેવા તેજસ્વી વિદ્યાર્થી એવા જ સંનિષ્ઠ અધ્યાપક એવમ્ આચાર્ય. તેમનું કાર્યક્ષેત્ર લુણાવાડા. તેમની અભ્યાસી તરીકે સુવાસ ગુજરાત, સમગ્ર ભારત તેમ જ વિદેશમાં ફેલાયેલી છે. જેટલા તેઓ સંવેદનશીલ સર્જક રહ્યા છે એવા જ સામાજિક અને સહકારી પ્રવૃત્તિ બૅન્ક-વહીવટ વગેરે ક્ષેત્રોમાં સંકળાયેલા રહ્યા છે. તેમની પ્રશસ્ય સેવાઓની નોંધ લેવાઈ છે. તેમની ઉજ્જ્વળ કારકિર્દી તથા કુશળ વહીવટી સૂઝનું પ્રતિબિંબ તેઓ જ્યારે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના ચૅરમેન પદે રહ્યા હતા, ત્યારે તે કાર્યમાં બરાબર ઝિલાયું હતું. ગુજરાત રાજ્યના ગ્રંથનિર્માણ બૉર્ડને દેશમાં પ્રથમક્રમે મૂકી આપ્યું હતું તે એક યશકલગી સમાન બાબત ગણાય.

ત્રણ પ્રસંગોએ પ્રવીણ દરજીને સાંભળવા અને ક્ષણાર્ધ માટે મળવાનું બન્યું છે. ભાવનગર ગદ્યસભાના ઉપક્રમે શામળદાસ કૉલેજ, ભાવનગરમાં, અને પછીથી (કે પહેલાં?) સરદાર સ્મૃિતના પાછળના ભાગે આવેલ નાના ખંડમાં  ગ્રંથનિર્માણ બોર્ડનાં પુસ્તકોનું વેચાણ / પ્રદર્શન ભાવનગર ખાતે યોજાયું હતું ત્યારે ચૅરમેન તરીકે પ્રવીણ દરજી ઉપસ્થિત હતા અને મહુવા ખાતે અસ્મિતાપર્વમાં એક વક્તા તરીકે તેઓ આવ્યા હતા. રૂબરૂ સાંભળ્યાનો આનંદ અને ક્ષણાર્ધ મળ્યાનો સંતોષ તેમની આકર્ષક ઊંચાઈ અને નોંધપાત્ર એવી વિશાળ આંખો. કોઈ અધ્યાત્મપંથના યાત્રી હોય તેવો ભાસ થાય તેવું તે સમયે લાગેલું.

તેમનું પદ્ય એવમ્ ગદ્ય વાંચવું ગમે તેવું હોય છે. ‘ગુજરાત સમાચાર’ અને ‘જલારામદીપ’માંની તેમની કૉલમ નિયમિત જોવાનું બને છે. ઈઆ (કાવ્યસંગ્રહ) અને ‘નિરાવૃત્તિ’, ‘બજંતા નૂપુર’, ‘અણસરખી રેખાઓ’, ‘નિબંધસંગ્રહો’ વંચાઈ રહ્યા છે. અનેક કાવ્યો, અનેક ગદ્યખંડો ફરીફરીને વાંચવા ગમે તેવાં છે. પોતાનાં બા અને બાપુજી અંગેના નિબંધો ઝેરોક્ષ નકલ કરીને મિત્રોમાં વહેંચવાનું મન વધ્યું છે. આટલી પ્રસન્નતા સાથે આજની તકે પ્રવીણ દરજીને હાર્દિક અભિનંદન પાઠવું છું. 

ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2016; પૃ. 13

Loading

...102030...3,5743,5753,5763,577...3,5803,5903,600...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved