Opinion Magazine
Number of visits: 9552625
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેઝરિંગ મોદી – 1 : ગૉડ ધૅટ ફેઇલ્ડ

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|16 May 2016

એવો એક પણ દિવસ નથી ગયો કે લોકોએ નરેન્દ્ર મોદીનાં વચનોને યાદ ન કર્યા હોય કે ન કરાવ્યાં હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જેમના બચાવમાં ખાસ રચવામાં આવેલા સાઇબર સેલે કામ કરવું પડે છે અને ભક્તોએ બચાવ કરવા સોશ્યલ મીડિયા પર રોજ સરેરાશ એક કલાક ખર્ચવો પડે છે. ભગવાનને બે પગે ઊભા રાખવા માટે ભક્તોએ જહેમત ઉઠાવવી પડે એવો અપૂર્વ પ્રસંગ ભારતમાં જોવા મળી રહ્યો છે

નરેન્દ્ર મોદીનું આ સદ્ભાગ્ય છે કે દુર્ભાગ્ય એ તો તેઓ જાણે, પરંતુ તેમની સરકાર રચાઈ ત્યારથી તેઓ સતત કસોટીની એરણ પર છે. આવું આ પહેલાં ભારતમાં ક્યારે ય નથી બન્યું. એવો એક પણ દિવસ નથી ગયો કે લોકોએ નરેન્દ્ર મોદીનાં વચનોને યાદ ન કર્યા હોય કે ન કરાવ્યાં હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જેમના બચાવમાં ખાસ રચવામાં આવેલા સાઇબર સેલે કામ કરવું પડે છે અને ભક્તોએ બચાવ કરતા મેસેજિઝ ફૉર્વર્ડ કરવા રોજ સરેરાશ એક કલાક ખર્ચવો પડે છે. ભગવાનને બે પગે ઊભા રાખવા માટે ભક્તોએ જહેમત ઉઠાવવી પડે એવો અપૂર્વ પ્રસંગ ભારતમાં જોવા મળી રહ્યો છે.

ભગવાન અને ભક્તની વાત આવી એટલે તુલના ખાતર મને રશિયન સામ્યવાદી શાસનની યાદ આવે છે. ૧૯૧૭માં બૉલ્શેિવક રેવલ્યુશન પછી જગતને કહેવામાં આવ્યું હતું કે સર્વહારા વંચિત માણસે હવે કલ્પનાના ઈશ્વર પાસે હાથ જોડવાની કે ભીખ માગવાની જરૂર નથી. માણસ પોતે સ્વપુરુષાર્થ દ્વારા પોતાનું ભાગ્ય બદલી શકે છે અને એની શરૂઆત રશિયામાં થઈ ગઈ છે. દુનિયા હવે લૂંટનારાઓ અને સરખે ભાગે વહેંચનારાઓ વચ્ચે વહેંચાઈ ગઈ છે અને એક દિવસ વહેંચનારાઓ જગતને જીતી લેશે અને એ સાથે લૂંટનારાઓનો અને તેમની મતલબી વિચારધારાનો અંત આવી જશે.

બૉલ્શેિવક રેવલ્યુશને જગતમાં પ્રચંડ આશા પેદા કરી હતી. ઘડી ભર લોકો લોકતંત્રના અભાવને અને હિંસાને ભૂલી ગયા હતા. મસમોટું સપનું તો ‘સ્ટેટ વિલ વિધર અવે’ એટલે કે રાજ્યના અસ્તનું હતું. લોકોનું રાજ્ય હશે અને સંપત્તિની સરખે ભાગે વહેંચણી થશે. આ સપનું સાકાર કરવા માટે થોડો સમય તાનાશાહી, હિંસા, અરાજકતા સહન કરી લેવી જોઈએ. વિશ્વના અનેક મેધાવી વિદ્વાનો સામ્યવાદ તરફ આકર્ષાયા હતા. ભારત જેવા ગુલામ દેશોના નેતાઓ આઝાદી પછી નૂતન સમાજરચનાના નવા વિકલ્પને તપાસવા રશિયા જતા હતા. આશા એવી પેદા કરવામાં આવી હતી કે પૃથ્વીના ગોળા પર ઉત્તરના છેડે રામરાજ્યની રચના થઈ રહી હોય.

દિવસો અને વર્ષો વીતતાં ગયાં, પરંતુ ઉત્તરના છેડેથી ગુપ્તતાની લોખંડી દીવાલો વચ્ચેથી હિંસા સિવાય કોઈ ખબર બહાર આવતા નહોતા. રામરાજ્યના તો કોઈ સગડ નહોતા મળતા, પરંતુ સાઇબીરિયામાં વિરોધીઓને સતાવવામાં આવી રહ્યા છે એવા સમાચાર આવતા હતા. ધીરે-ધીરે હતાશા વધવા માંડી અને બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાંની સાથે જ જાણીતા સાહિત્યકાર અને વિચારક આર્થર કાસ્લરે ‘ગૉડ ધૅટ ફેઇલ્ડ’ની ઘોષણા કરી દીધી. જાણીતા બ્રિટિશ સાહિત્યકાર જ્યૉર્જ ઓરવેલે ૧૯૪૫માં ઍનિમલ ફાર્મ નામનું પ્રહસન લખીને કહ્યું હતું કે રશિયન સામ્યવાદમાં બધા લોકો સમાન છે, પણ થોડા લોકો વધારે સમાન છે. બાય ધ વે, આર્થર કાસ્લર અને જ્યૉર્જ ઓરવેલ એક સમયે સામ્યવાદી શાસનના પ્રસંશક નહીં, ભક્ત હતા.

ભક્તોનો ભ્રમ ભાંગ્યો અને ઘોષણા થઈ : ગૉડ ધૅટ ફેઇલ્ડ. આર્થર કાસ્લર દ્વારા સંપાદિત ‘ધ ગૉડ ધૅટ ફેઇલ્ડ’ નામના પુસ્તકમાં સામ્યવાદના એક સમયના છ વિદ્વાન સમર્થકોએ રશિયન સામ્યવાદનું મૂલ્યાંકન કર્યું હતું અને એ પછી તો ‘ગૉડ ધૅટ ફેઇલ્ડ’ સામ્યવાદની નિષ્ફળતાનું મહાવાક્ય બની ગયું હતું. જો બીજું વિશ્વયુદ્ધ વચ્ચે ન આવ્યું હોત તો ઈશ્વરની નિષ્ફળતાની જાહેરાત પશ્ચિમમાં ઘણી વહેલી થઈ ગઈ હોત.

મને ખબર નથી કે આને નરેન્દ્ર મોદીનું દુર્ભાગ્ય કહેવું કે કવિન્યાય, પણ બે જ વર્ષમાં આપણે ત્યાં ‘ગૉડ ધૅટ ફેઇલ્ડ’ની જાહેરાત કરવી પડે એવો સમય આવી ગયો છે. આમ તો ગયા વર્ષે જ HDFCના અધ્યક્ષ દીપક પારેખે કહ્યું હતું કે એકંદરે સંજોગો આશા વધારનારા નથી

તો બાયોકોનનાં અધ્યક્ષા કિરણ મઝુમદાર-શૉએ કહ્યું હતું કે હજી એક વરસ રાહ જોવી જોઈએ. હવે બીજું વર્ષ પૂરું થવા આવ્યું છે અને સંજોગો નિરાશાજનક છે. અહીં કવિન્યાય શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ સ્થિતિ માટે નરેન્દ્ર મોદી પોતે જવાબદાર છે. જનમાનસમાં તેમણે પ્રચંડ આશા પેદા કરી હતી. તેઓ નેતા તરીકે નહીં પણ સવર્‍શક્તિમાન ભગવાન તરીકે અવતર્યા હોય એવી છાપ પ્રજામાનસમાં તેમણે પેદા કરી હતી.

નેતા હંમેશાં આપણેની ભાષામાં વાત કરે છે અને સમર્થ સાથીઓની ટીમ બનાવીને લોકોનું નેતૃત્વ કરે છે. ભગવાન સ્વનામધન્ય હોય છે એટલે તે ભક્તોનો ભૂખ્યો હોય છે, તેને સાથીની જરૂર હોતી નથી. બૉલ્શેિવક રેવલ્યુશન વખતે એના નેતા વ્લાદિમીર લેનિને ક્યારે ય કહ્યું નહોતું કે તેઓ ક્રાન્તિ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે વિચારમાં ક્રાન્તિ છે અને જો એ વિચાર અપનાવશો તો ક્રાન્તિ થશે. લેનિને રશિયનોને પ્રેરિત કર્યા હતા અને તેમનું નેતૃત્વ કર્યું હતું. ક્રાન્તિનો જનક વિચાર હતો, ક્રાન્તિ લોકોએ કરી હતી અને લેનિને નેતૃત્વ કર્યું હતું. બે વિશ્વયુદ્ધ વચ્ચેની અમેરિકન મંદી વખતે અને એ પછી તરત થયેલા બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકન પ્રમુખ ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટે ક્યારે ય કહ્યું નહોતું કે તેમની પાસે સંકટમાંથી બહાર નીકળવાનો કોઈ જાદુઈ ચિરાગ છે. તેમણે કહ્યું હતું કે જો અમેરિકનો સંગઠિત થઈને કૃતનિશ્ચય કરે તો સંકટનો સામનો સફળતાપૂવર્‍ક થઈ શકે એમ છે. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે આપણે સરહદે લડીશું, શહેરોની ભાગોળે લડીશું, જરૂર પડશે તો ગલીઓમાં લડીશું; પણ મેદાનમાંથી ભાગીશું નહીં. હજી હમણાં ૨૦૦૮માં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી વખતે ડેમોક્રૅટિક પાર્ટીના ઉમેદવાર તરીકે બરાક ઓબામાએ કહ્યું હતું કે આપણે ધારીએ તો પડકારોનો સામનો કરવા સક્ષમ છીએ. ‘વી કૅન ડૂ’નો ફ્રેઝ જગતભરમાં તેમના થકી જાણીતો થયો છે.

‘વી કૅન ડૂ ઍન્ડ નૉટ આઇ વિલ ડૂ’. નેતા જ્યારે નિષ્ફળ નીવડે ત્યારે એને દુર્ભાગ્ય કહેવાય. સ્વનામધન્ય વ્યક્તિ જ્યારે સમાજ અને સંજોગોની વાસ્તવિકતા ઓળખ્યા વિના ગજાબહારના અવ્યવહારુ દાવાઓ કરે અને નિષ્ફળ નીવડે તો એને કવિન્યાય કહેવાય. નરેન્દ્ર મોદી સાથે કવિન્યાય થઈ રહ્યો છે. એટલે તો ભગવાનનો બચાવ કરવા ભક્તોએ રોજ એક કલાક સોશ્યલ મીડિયા પર ફાળવવો પડે છે. આ અપૂર્વ ઘટના છે. આવું આ પહેલાં જગતમાં ક્યારે ય જોવા મળ્યું નથી.

આપણે બૉલ્શેવિક રેવલ્યુશનની વાત કરતા હતા. ૧૯૧૭માં રશિયામાં થયેલી બૉલ્શેિવક ક્રાન્તિ અને ૨૦૧૪માં ભારતમાં થયેલી સપનાંના વાવેતરની ક્રાન્તિ પરિણામોની બાબતમાં સમાંતર ચાલે છે. ક્રાન્તિ પછી તરત જ લેનિનનું અવસાન થયું હતું અને સત્તા જોસેફ સ્ટાલિનના હાથમાં આવી હતી. સ્ટાલિનને સામ્યવાદ કરતાં સત્તામાં વધારે રસ હતો. સ્ટાલિન કોઈ પણ કિંમતે સત્તામાં ટકી રહેવા માગતો હતો. આ બાજુ આશા નિરાશામાં ફેરવાતી જતી હતી અને લોકોમાં અસંતોષ વધતો જતો હતો. સ્ટાલિને સત્તા ટકાવી રાખવા રશિયન સમાજની અંદર દીવાલો બાંધવાનું અને વિભાજનની રેખાઓ ખેંચવાનું શરૂ કર્યું હતું. વિચારનારા લોકો, યુનિવર્સિટીઓ જેવાં વિચાર-વિમર્શનાં સંસ્થાનો, વિચારને કલાત્મક પણ સ્વતંત્ર અભિવ્યક્તિ આપનારા સાહિત્યકારો-કલાકારો અને એવી સંસ્થાઓ સ્ટાલિનને આંખમાં કણાની માફક ખૂંચવા લાગ્યાં હતાં.

ધીરે-ધીરે આવા સ્વતંત્ર લોકોને પ્રતિક્રિયાવાદી, સર્વહારાના દુશ્મન, મૂડીવાદના એજન્ટ, રનિંગ ડૉગ ઑફ કૅપિટલિઝમ જેવાં લેબલ ચોંટાડવામાં આવ્યાં હતાં જેમ આપણે ત્યાં અત્યારે દેશદ્રોહનાં લેબલ ચોંટાડવામાં આવી રહ્યાં છે. જૂઠા પ્રચારની પ્રચંડ યંત્રણા ઊભી કરવામાં આવી હતી જેમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હતા. મારી પેઢીના વાચકોએ ‘સોવિયેટ લૅન્ડ’ નામના મફતમાં આવતા સામયિકના અંક જોયા હશે જેમાં રશિયાના ઝડપી વિકાસની જૂઠી વાર્તાઓ આવતી હતી. ‘સોવિયેટ લૅન્ડ’ એકલી ગુજરાતી ભાષામાં નહીં, જગતભરની લગભગ બધી ભાષામાં નીકળતું હતું; કારણ કે નિષ્ફળ નીવડી રહેલા ગૉડને બચાવવાનો હતો. અત્યારે ‘સોવિયેટ લૅન્ડ’ની જગ્યા સોશ્યલ મીડિયાએ લીધી છે.

ડિલિવર ન કરી શકતા હો તો સમાજમાં વિભાજન પેદા કરો. અસંતોષનો તાપ સહન ન થતો હોય તો અસંતોષીઓ સામે જ અસંતોષ પેદા કરો. ઘરવાપસી, લવ-જેહાદ, ગોમાતા, બીફ, દેશદ્રોહ, ભારત માતા વગેરે અસંતોષ વ્યક્ત કરનારાઓ સામે અસંતોષ પેદા કરીને ઠેકાણે પાડવાની રમત છે. દેશદ્રોહનો પ્રશ્ન ઉઠાવીને કન્હૈયાકુમારો સામે એટલી હદે અસંતોષ પેદા કરો કે એમાં ડિલિવરી વિશેનો અસંતોષ ઢબૂરાઈ જાય. ૨૦મી સદીમાં પહેલા ભગવાન તરીકે અવતરેલા સામ્યવાદી ભગવાને આ બધા હથકંડા સોવિયેટ રશિયામાં અજમાવી લીધા છે. પ્રજા વચ્ચે દીવાલો પેદા કરવામાં આવી હતી, ટીકાકારોના કપાળ પર દુ:શ્મનનું લેબલ ચોંટાડવામાં આવતું હતું અને અસંતોષનો અવાજ ઉઠાવનારાઓ સામે પ્રચંડ અસંતોષ પેદા કરીને તેમને મૂંગા કરવાનો પ્રયાસ થતો હતો. એ જ રમત છે જેને આધારે આર્થર કાસ્લર અને લુઇ ફિશર જેવાઓએ કહ્યું હતું કે ઈશ્વર નિષ્ફળ નીવડ્યો છે અને આજે એ જ રમતના આધારે અહીં કહેવું પડે છે કે ભારતમાં ઈશ્વર નિષ્ફળ નીવડ્યો છે અને ૨૦૧૪માં ભારતની પ્રજા છેતરાઈ હતી.

વડા પ્રધાન ગુસ્સાને પાત્ર નથી, દયાને પાત્ર છે. શું અપેક્ષા પેદા કરી હતી અને લોકોનો કેવો વિશ્વાસ સંપાદન કર્યો હતો. ૧૯૮૪ પછી પહેલી વાર ભારતની પ્રજાએ સ્પષ્ટ બહુમતી આપીને શાસક પક્ષની વરણી કરી હતી. એ બહુમતી ભારતીય જનતા પાર્ટીને નહોતી મળી, નરેન્દ્ર મોદીને મળી હતી અને આવું ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર બન્યું હતું. સ્પષ્ટ બહુમતી હોય, લોકોનો પ્રેમ અને શ્રદ્ધા હોય, પક્ષ પર પૂરી પકડ હોય, વિરોધ પક્ષ નિર્બળ હોય તો બીજું જોઈએ શું? પડકારો વિકટ હતા, પણ પડકારોનો સામનો કરવા માટેની અનુકૂળતા પૂરી હતી. પી. વી. નરસિંહ રાવથી લઈને ડૉ. મનમોહન સિંહને જે અનુકૂળતા નહોતી એ નરેન્દ્ર મોદી પાસે હતી. આમ છતાં નરસિંહ રાવ, વાજપેયી અને મનમોહન સિંહ વધારે કામ કરતા ગયા છે એ હકીકત છે.

શું ખૂટે છે વડા પ્રધાનમાં અથવા તો તેઓ કઈ ચીજનો શિકાર બની રહ્યા છે એની વાત :

— 2 —

નરેન્દ્ર મોદી પાસે જો કોઈ વિઝન હોત તો નીતિ આયોગ દ્વારા દેશ સમક્ષ પ્રગટ થયું હોત. નીતિ આયોગનું નામ જ છે નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ઑફ ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા

એક વાત યાદ રાખજો, આ દેશમાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પછી અને કદાચ તેમના કરતાં પણ વધુ મહાન વડા પ્રધાન તે જ સાબિત થવાનો છે જે સિસ્ટમને હાથ લગાડવાની અને સુધારવાની હિંમત કરશે. 56ની છાતીની ખરી કસોટી ત્યાં થવાની છે. નરેન્દ્ર મોદીએ હજી સુધી તો એવી હિંમત બતાવી નથી અને જે પહેલાં બે વરસમાં ન બતાવી શકે એ પછીનાં ત્રણ વરસમાં બતાવી શકે એવી બહુ ઓછી શક્યતા છે

એક પ્રશ્ન થાય છે અને કદાચ તમને પણ થતો હશે કે નરેન્દ્ર મોદી ગજાબહારનાં વચનો આપ્યાં એટલે હાસ્યાસ્પદ બની રહ્યા છે કે પછી વચનપૂર્તિ માટેનું ગજું નથી એટલે બદનામ થઈ રહ્યા છે? બહુ મહત્ત્વનો સવાલ છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મૂલ્યાંકન કરવા માટે. ચૂંટણીના રણમેદાનમાં સામે માનવમેદની જોઈને ઘણા લોકો બહેકી જતા હોય છે અને પોતાને સમર્થ સાબિત કરવા ગજાબહારનાં વચનો આપવા લાગે છે. નરેન્દ્ર મોદીમાં પણ આ મર્યાદા છે અને તેમણે ગજા બહારનાં અનેક વચનો આપ્યાં હતાં એ આપણે જાણીએ છીએ. જ્યારે આવાં વચનો આપવામાં આવતાં હતાં ત્યારે જાણકારોને જાણ હતી કે આ બનવાનું નથી, આ તો લોકોને ભરમાવીને સત્તા સુધી પહોંચવાનો બેત છે.

બીજો સવાલ એ થાય છે કે શું તેમણે આપેલાં બધાં જ વચનો સત્તા મેળવવાના નશામાં આપેલાં ગજાબહારનાં હતાં? ના, એવું નથી. એવાં ઘણાં વચનો હતાં જે વ્યવહારુ અમલમાં મૂકી શકાય એવાં છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીઢંઢેરામાં એવાં કેટલાંક વચનો છે જે કેન્દ્ર સરકાર ધારે તો અમલમાં મૂકી શકે એમ છે. જો કે ચૂંટણીઢંઢેરાની આજકાલ કોઈ કિંમત નથી રહી એ જુદી વાત છે, અને હવે તો શાસકો પણ એને વાંચતા નથી.

એક ત્રીજો સવાલ પણ ઉપસ્થિત થશે કે એવા કોઈ પ્રશ્નો છે જેનાં વચનો આપવાં જોઈતાં હતાં, પણ નથી આપવામાં આવ્યાં? ખાસ કરીને અમલમાં મૂકવાં શક્ય હોય અને એ છતાં એવાં વચનો આપવામાં ન આવ્યાં હોય, એવું ખરું? જી હા, એવા ઘણા પ્રશ્નો છે જેને કાં તો યાદ કરવામાં આવ્યા નથી અને કાં મૅનિફેસ્ટોમાં કોઈક જગ્યાએ નાનકડી અપ્રસ્તુત જગ્યા ફાળવવામાં આવી છે.

ચોથો સવાલ પણ અહીં ઉપસ્થિત થઈ શકે કે એવા કોઈ મુદ્દા ખરા જેનો હરફ પણ ઉચ્ચારવામાં ન આવ્યો હોય, પણ લાગુ કરવામાં આવતા હોય? જી હા, આવું પણ બની રહ્યું છે અને મોટા પ્રમાણમાં બની રહ્યું છે. ટીકાકારો આને પાછલા બારણેથી લાગુ કરવામાં આવતો ‘હિડન એજન્ડા’ કહે છે.

નરેન્દ્ર મોદીની સરકારનાં બે વર્ષને આ ચાર પ્રશ્નોની એરણે માપવા જોઈએ, પણ એ પહેલાં આ ચાર પ્રશ્નોનું સ્વરૂપ અને એનાં પરિણામો સમજી લેવાં જોઈએ. 1. ગજાબહારની વાતો કોઈ પણ માણસની ઠેકડી ઉડાડવાનું કારણ બને. 2. આપણા ગજાનાં, લાગુ કરી શકાય એવાં વ્યવહારુ વચનો આપવામાં આવે અને એના પર અમલ કરવામાં આવે તો એવો શાસક વ્યવહારવાદી સફળ શાસક તરીકે અમર થતો હોય છે. 3. જેને હાથ લગાડવામાં જોખમ છે અને સામાન્ય શાસકો જેને હાથ લગાડતાં ડરતા હોય એવાં મૂળભૂત વ્યવસ્થાકીય વચનો જે આપી શકે અને અમલમાં મૂકી શકે એવા શાસકો મહાન શાસક તરીકે અમર થતા હોય છે. 4. એ તો દેખીતી વાત છે કે પ્રજાને વિશ્વાસમાં લીધા વિના નહીં જાહેર કરવામાં આવેલો ‘હિડન એજન્ડા’ લાગુ કરવામાં આવે તો એ કોઈ પણ સરકારને બદનામ કરી શકે છે. આ પ્રજા સાથેની છેતરપિંડી છે.

હવે કહો કે બે વરસ દરમ્યાન નરેન્દ્ર મોદીની પોતાની અને તેમની સરકારની કઈ ઇમેજ બની છે? એક ઇમેજ ગજાબહારનાં વચનો આપનાર, ચોવીસે કલાક પોતાને કેન્દ્રમાં રાખનાર અને અવસર મળ્યે મોટી વાતો કરનાર ફેકુ તરીકેની છે અને બીજી ઇમેજ RSSનો એજન્ડા લાગુ કરનાર ફાસિસ્ટ તરીકેની છે. આ ઇમેજ બની છે તો એના માટે નરેન્દ્ર મોદી પોતે અને તેમની સરકાર જવાબદાર છે, વિરોધ પક્ષો કે તેમના ટીકાકાર જવાબદાર નથી. એવાં અનેક કામો છે જેના દ્વારા અચ્છે દિન આવી શકે એમ છે, પરંતુ એ કરવામાં આવતાં નથી અને જે કરવામાં આવશે એમ કહેવામાં પણ નહોતું આવ્યું એ થઈ રહ્યાં છે. આજે સ્થિતિ એવી છે કે વિકાસલક્ષી મંત્રાલયો લગભગ નિષ્ક્રિય છે અને જેમાં RSSને રસ છે એવાં શિક્ષણ અને સંસ્કૃિતને લગતાં મંત્રાલયો સક્રિય છે. વિકાસલક્ષી મંત્રાલયો એ છે જે ભારતીય નાગરિકના ભૌતિક વિકાસ કરવા માટે કામ કરે છે; જેમ કે નાણાં, વાણિજ્ય, ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ, ખેતી વગેરે. શિક્ષણ અને સાંસ્કૃિતક બાબતોને લગતાં મંત્રાલયો ભારતીય નાગરિકના ચિત્તપ્રદેશને તત્ત્વનિષ્ઠાની ઉપાસના કરતાં શીખવાડીને વિકસાવે છે કાં કુપ્રચાર કરીને અભડાવે છે.

વડા પ્રધાન સતત ઇલેક્શન મોડમાં રહે છે, કારણ વિના દુનિયા ઘૂમી રહ્યા છે. જ્યારે બોલે ત્યારે સાંભળનાર જો સમજદાર હોય તો ઘા ખાઈ જાય અને ઘેલો હોય તો રાજીનો રેડ થઈ જાય એવી મોટી-મોટી વાતો કરે છે અને સરકાર? સરકાર પાછલા બારણેથી RSS ચલાવે છે. નરેન્દ્ર મોદીના ટેકેદારોને આ ન ગમે તો માફ કરે, પણ આજની આ વાસ્તવિકતા છે. ફેકુ અને ફાસિસ્ટની ઇમેજ જો બની છે તો એને માટે તેઓ સ્વયં જવાબદાર છે. સરકારમાં RSS સૌથી વધુ સક્રિય છે. દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓને કબજે કરવામાં આવી છે. યુનિવર્સિટીઓમાં ચડ્ડીધારીઓને બેસાડવામાં આવ્યા છે જેમનામાં પોતાનામાં શૈક્ષણિક સજ્જતાનો અભાવ છે એટલે ધીરે-ધીરે શિક્ષણસંસ્થાઓ બુદ્ધિદરિદ્રતાનો ભોગ બની રહી છે. વિરોધ કરનારાઓને સતાવવામાં આવે છે. પ્રતિષ્ઠિત વિદ્વાનોને હટાવવામાં આવી રહ્યા છે.

ભારતમાં પાઠ્યપુસ્તકોનું પાકિસ્તાનીકરણ કરવું હોય તો બે ચીજ અનિવાર્ય છે. એક તો એવા લોકો શિક્ષણ સંસ્થાઓમાં હોવા જોઈએ જેઓ સંઘની શાખાઓમાં તૈયાર થયા હોય અને જેમનામાં સ્વતંત્ર રીતે વિચારવાની આવડત જ ન વિકસી હોય. એ લોકો વિદ્વાન ખરા પણ રોબો જેવા. ચાવી આપો એટલે શાખામાં સાંભળેલું બોલી દે. બધું જ સાંભળેલું હોય, વિચારેલું કંઈ જ ન હોય. હા, તેમની સ્મરણશક્તિને દાદ આપવી હોય તો બીજી વાત છે. બીજી લાયકાત બાળકના કુમળા મનમાં ઝેર રોપવા જેટલી નિદર્‍યતા હોવી જોઈએ. સંઘની શાખાઓમાં અનેક દીનાનાથ બાત્રાઓ તૈયાર થયા છે જેઓ આવી બન્ને લાયકાત ધરાવે છે. રાજસ્થાનમાં રોબોએ પાઠ્યપુસ્તકમાંથી જવાહરલાલ નેહરુનું પ્રકરણ હટાવી દીધું છે અને એ પણ ભારત માતા પરનું પ્રકરણ. કદાચ તેમને નેહરુનાં ભારત માતા મૅડમ જેવાં લાગ્યાં હશે. નેહરુનું પ્રકરણ હટાવવાથી નેહરુને કોઈ નુકસાન થવાનું નથી. જે નુકસાન થશે એ ભારતના આવતી કાલના નાગરિકોને થવાનું છે. પાઠ્યપુસ્તકો અને શિક્ષણ સંસ્થાઓમાંથી ઉદારમતવાદીઓને હટાવીને પાકિસ્તાને જેવી બે પેઢી પેદા કરી છે એવી સંઘ ભારતમાં પેદા કરવા માગે છે. સંઘનો આ ખતરનાક ખેલ છે અને આપણા વડા પ્રધાન જે-તે ઇવેન્ટ યોજીને પોતાની પબ્લિસિટીના ખેલ પાડવામાં મસ્ત છે.

આમ આવતી કાલના નાગરિકને ઘડવાનું કામ વડા પ્રધાને RSSને સોંપી દીધું છે અને સ્મૃિત ઈરાની સાથે મળીને સંઘ એ કામ પૂરી સક્રિયતાથી કરી રહ્યો છે. આ બાજુ વિકાસલક્ષી મંત્રાલયોએ બે વર્ષમાં કયું મોટું કામ કર્યું એ બતાવો કે આપણે આફરીન થઈ જઈએ? મોટા ભાગના પ્રધાનોમાં આવડત નથી અને જેમનામાં આવડત છે તેમને સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવતું નથી. આંતરરાષ્ટ્રીય સ્થિતિ અનુકૂળ હોવા છતાં કશું નોંધપાત્ર બનતું નથી. ભાવ ઘટતા નથી, બેરોજગારીમાં ઘટાડો થતો નથી. ઇન્ફ્રા-સ્ટ્રક્ચરમાં કોઈ નવા ઉપક્રમ હાથ ધરવામાં આવ્યા નથી, ખેડૂતો આત્મહત્યા કરતા અટક્યા નથી, મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવતું નથી, સંસદ ચાલતી નથી, ખરડાઓ પસાર થતા નથી. આના કરતાં તો અટલ બિહારી વાજપેયીએ અને પહેલી મુદત દરમ્યાન ડૉ. મનમોહન સિંહે વધારે મોટાં કામ કર્યા હતાં. હજી બે વરસ વીતવા છતાં જાણે કે દેશમાં નવી-નવી સરકાર આવી હોય એમ જાહેરાતો જ થઈ રહી છે. ્’મેક ઇન ઇન્ડિયા’, ‘સ્કિલ ઇન્ડિયા’ વગેરે હજી આજે પણ જાહેરાતના જ સ્તરે અટકેલી છે.

નીતિ આયોગ તો સૌથી મોટું ફારસ છે. મોટા ઉપાડે આયોજન પંચને વિખેરી નાખવામાં આવ્યું અને એની જગ્યાએ રચવામાં આવેલા નીતિ આયોગે શું કામ કરવાનું છે એ જ સ્પષ્ટ નથી. ‘નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ઑફ ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા’ આયોગ એ નીતિ આયોગનું પૂરું નામ છે. પહેલી વાત તો એ કે આ ઇન્સ્ટિટ્યુશન છે કે આયોગ છે? કમિશન અને ઇન્સ્ટિટ્યુશનમાં જમીન-આસમાનનો ફરક છે અને કદાચ એટલે જ નીતિ આયોગ નક્કી નથી કરી શકતું કે એણે કરવાનું શું છે? નીતિ આયોગ રચાયે ૧૫ મહિના વીતી ગયા છે, પરંતુ હજી વિઝન-ડૉક્યુમેન્ટની રાહ જોવાય છે જે આપણને કહે કે ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા કઈ રીતે કરવાનું છે. લોકો નીતિ આયોગને ભૂલી ગયા છે. જૂના આયોજન પંચના બૌદ્ધિક યોગદાન સાથે નીતિ આયોગની કોઈ તુલના જ થઈ શકે એમ નથી. આશ્ચર્ય એ છે કે આજે ૧૫ મહિના પછી પણ નીતિ આયોગની પૂરી રચના કરવામાં આવી નથી. નવાની નિર્મિતિ કર્યા વિના જૂનાને તોડવાથી કોઈ ફાયદો થતો નથી.

તો પ્રારંભમાં ચાર લક્ષણો કહ્યાં એમાંથી વડા પ્રધાન ઇલેક્શન મોડમાં મોટી વાતો કરે છે અને ફેકુની ઇમેજને વધારે મજબૂત બનાવી રહ્યા છે અને કન્હૈયાકુમારની ભાષામાં મનુસ્મૃિત ઈરાની RSSની સાથે મળીને ભારતનું પાકિસ્તાનીકરણ કરી રહ્યાં છે. જે પ્રશ્નો સહેજે હાથ ધરી શકાય એમ છે અને જે વડા પ્રધાનને સફળ વડા પ્રધાન સાબિત કરી શકે એમ છે એના પર ધ્યાન આપવામાં નથી આવતું. નરેન્દ્ર મોદીને સફળ વડા પ્રધાન બનાવનારા પ્રશ્નો હાથ ન ધરાતા હોય ત્યાં નરેન્દ્ર મોદીને મહાન વડા પ્રધાન તરીકે અમર કરનારા મુદ્દાઓ હાથ ધરવામાં ન આવે એ સ્વાભાવિક છે.

એક વાત યાદ રાખજો, આ દેશમાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પછી અને કદાચ તેમના કરતાં પણ વધુ મહાન વડા પ્રધાન એ જ સાબિત થવાનો છે જે સિસ્ટમને હાથ લગાડવાની અને સુધારવાની હિંમત કરશે. 56ની છાતીની ખરી કસોટી ત્યાં થવાની છે. નરેન્દ્ર મોદીએ હજી સુધી તો એવી હિંમત બતાવી નથી અને જે પહેલાં બે વરસમાં ન બતાવી શકે એ પછીનાં ત્રણ વરસમાં બતાવી શકે એવી બહુ ઓછી શક્યતા છે. બીજું, આને માટે વિઝનની અને વિરોધીઓને પણ જીતવાની આવડત જોઈએ જે નરેન્દ્ર મોદીમાં નથી એ દિલ્હી, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં અને એ ઉપરાંત સંસદમાં સાબિત થઈ ગયું છે. ખરું પૂછો તો નરેન્દ્ર મોદીની ત્રીજી એક ઇમેજ સરમુખત્યારની છે.

ટૂંકમાં, હરખાવા જેવું તો કંઈ જ નથી. ઊલટું સંઘ દ્વારા પાછલા બારણેથી ફાસિસ્ટ એજન્ડા લાગુ કરવામાં આવતો હોવાથી ચિંતાજનક સ્થિતિ છે. જાણીબૂજીને સમાજમાં તિરાડો પાડવામાં આવશે અને અથડામણનું રાજકારણ અપનાવવામાં આવશે; કારણ કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત જેવાં નિર્ણાયક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી લડવાની છે. ૨૦૧૭નું વર્ષ દેશ માટે અને નરેન્દ્ર મોદી માટે નિર્ણાયક નીવડવાનું છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 08 મે 2016 તેમ જ 15 મે 2016

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-08052016-7

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-15052016-12

Loading

સાત રંગનું સરનામું : રઘુવીર ચૌધરી

દીપક મહેતા|Opinion - Literature|15 May 2016

અગાઉના વક્તાઓ કરતાં મારી સ્થિતિ જરા જુદી છે. જુદી છે એટલે તેમના કરતાં ઓછી સારી કે વધુ સારી છે એમ નહીં. પણ જરા જુદી છે કારણ મારે જેમને વિષે વાત કરવાની છે તે હાજરાહજૂર છે. માત્ર આ સભાગૃહમાં જ નહિ, ગુજરાતી સાહિત્યમાં પણ હાજરાહજૂર છે. અને હાજરાહજૂર છે એટલે એમની આસપાસ હજૂરિયાઓ પણ છે અને કાનખજૂરિયાઓ પણ છે. ‘ચૌધરી’નો એક અર્થ છે ઉપજના ચોથા ભાગનો હકદાર માણસ. હજૂરિયાઓ કે કાનખજુરિયાઓ તરફથી જે ઉપજ મળે તેનો ચોથો ભાગ તો શું, દસમો ભાગ પણ આ ચૌધરી પોતાની પાસે રાખતા નથી. સ્થિતપ્રજ્ઞના ઘણાં ગુણ-લક્ષણ એમનામાં છે એમ તો કોઈ કહે નહિ, પણ એક ગુણ તો છે તેમનામાં: ‘તુલ્ય નિંદા-સ્તુિતર્ મૌની.’ નિંદા અને સ્તુિત બંનેને એ સહજતાથી સ્વીકારી શકે છે. કારણ એ જેટલા વીર છે એટલા જ ધીર પણ છે. આજે આપણે તેમના સાહિત્ય વિષે વાત કરી શકીએ છીએ તે માટે આપણે ઉમાશંકરભાઈનો આભાર માનવો જોઈએ. કારણ બીજે ક્યાં ય નહિ, પણ ઉમાશંકરના ‘સંસ્કૃિત’ના જ એક અંકમાં (જાન્યુઆરી-માર્ચ, ૧૯૮૪) ખુદ રઘુવીરભાઈએ જ લખ્યું છે કે ૧૯૬૩-૬૪ના અરસામાં તેમણે રાજકારણનું કામ કરવા અંગે ઉમાશંકરભાઈની સલાહ માગેલી. ઉમાશંકરે રાજકારણનો મહિમા સમજાવીને પણ સાહિત્યનો વિકલ્પ સૂચવ્યો. ઉમાશંકરની સલાહ માનીને રઘુવીરભાઈ સત્તાના રાજકારણથી દૂર રહ્યા, પણ સત્તાનું નહિ તો સાહિત્યનું રાજકારણ એમનાથી દૂર રહ્યું નથી. આજના આ કાર્યક્રમને, અને તેમાં અત્યારે જે બોલાઈ રહ્યું છે તેને પણ, કેટલાક એકાક્ષ નિરીક્ષકો સાહિત્યના રાજકારણની શતરંજનું પ્યાદું બનાવે તો નવાઈ નહિ.

૧૯૩૮માં જન્મ. ૭૭ વર્ષ પૂરાં. ભોળાભાઈના કહેવા પ્રમાણે મૂળ નામ રઘજીભાઈ ચૌધરી. પણ ઓળખાયા અને પરખાયા રઘુવીર ચૌધરી તરીકે. ગામની ભજન-મંડળી નિમિત્તે દસેક વર્ષની ઉંમરે લેખનનો આરંભ કરેલો. ત્યારથી ગણીએ તો ૬૬ વર્ષનો લેખન-કાળ. ૧૯૬૪માં પૂર્વરાગ નવલકથા પ્રગટ થઈ, ત્યારથી ગણીએ તો બાવન વર્ષ. તેમાં ૪૨ નવલકથા, ૧૧ વાર્તાસંગ્રહો, ૭ કાવ્યસંગ્રહ, ૬ નાટક-એકાંકી સંગ્રહો, રેખાચિત્રોનાં ૩ પુસ્તક, ૬ નિબંધસંગ્રહો, પ્રવાસ વર્ણનનાં ચાર પુસ્તકો, સંસ્કૃિત અને ધર્મ ચિંતન અંગેનાં પાંચ પુસ્તકો, વિવેચનનાં ૭ પુસ્તકો. કુલ થયાં ૯૧ પુસ્તક (વધ-ઘટ લેવી દેવી). સંપાદન અને અનુવાદનાં ૪૫ કરતાં વધુ પુસ્તકોને બાજુએ રાખીએ તો ય એક પુસ્તક વિષે એક મિનિટ બોલવાનું રાખીએ તો ય ૯૧ મિનિટ — દોઢ કલાક ને ૧ મિનિટ — થાય. વિગતે વાત કરવી હોય તો તો ઘણો વધુ સમય જોઈએ. સંપાદકો દૃષ્ટિ પટેલ અને સુનીતા ચૌધરીને અમૃતાથી ધરાધામ પુસ્તકના એકને બદલે બે ભાગ કરવા પડ્યા તેમ કનુભાઈએ આ કાર્યક્રમ એકને બદલે બે દિવસનો કરવો પડે. એવું ન કરવું પડે એટલા ખાતર થોડાં પુસ્તકો પસંદ કરી સાત અક્ષરનું નામ ધરાવતા અને સાત રંગના સરનામા જેવા આ લેખકના ઇન્દ્રધનુષી સર્જન અંગે થોડી વાત કરવા ધાર્યું છે. તેમાં મોટે ભાગે તેમના સર્જનના ઉત્તર કાળમાંથી પુસ્તકો પસંદ કર્યા છે. એટલે આ લખાણને ‘ઉત્તર રઘુવીર ચરિતમ્’ એવું વૈકલ્પિક નામ પણ આપી શકાય.

‘શબ્દસૃષ્ટિ’ના ૨૦૦૭ના દીપોત્સવી અંકમાં રઘુવીરભાઈએ લખેલું: “બાળપણથી થતા આવેલા ઘડતર મુજબ તો મારે કવિતા અને નાટક સિવાય બીજું કશું લખવાને કારણ ન હતું.” એટલે સાત રંગમાનો પહેલો રંગ તે કવિતાનો અને બીજો રંગ તે નાટકનો. ચૌદ-પંદર વર્ષની ઉંમરે લખાયેલી એક પંક્તિ ‘ખીલતા ફૂલને કદીયે મ્લાન મેં દીઠું નથી’ બચુભાઈ રાવતે ‘કુમાર’માં છાપી ત્યારથી રઘુવીરભાઈની કાવ્ય-યાત્રાનો આરંભ. દર્શક તો એમ પણ કહેતા રઘુવીરભાઈને, કે તમારે કવિતા જ લખવી જોઈએ. રઘુવીરભાઈના લેખનનો ધોરી પ્રવાહ ગદ્યમાં વહેતો રહ્યો છે, પણ કવિતાનું ઝરણું પણ ક્યારે ય સુકાયું નથી. ૧૯૬૭માં પ્રગટ થયેલા પહેલા કાવ્યસંગ્રહ ‘તમસા’ની પછીથી બીજી બે આવૃત્તિ થઈ છે. ૧૯૮૪માં વહેતાં વૃક્ષ પવનમાં, ૧૯૮૬માં દિવાળીથી દેવ દિવાળી, ૧૯૯૭માં ફૂટપાથ અને શેઢો, ૨૦૦૭માં પાદરનાં પંખી, ૨૦૧૧માં બચાવનામું. ‘સંસ્કૃિત’ના ૧૯૮૪ના જાન્યુઆરી-માર્ચ અંકમાં પ્રગટ થયેલા લેખમાં રઘુવીરભાઈએ લખેલું: “ચાર-પાંચ વર્ષથી એક દીર્ઘ કાવ્ય લઈને બેઠો છું. પૂરું થતું નથી. વચ્ચે મોટા મોટા વિરામ પડે છે. જીવનના નકારાત્મક અંશને – ઉધાર પાસાને વ્યક્ત કરતી ‘આધુનિકતા’નો મહિમા હોય ત્યારે ખાલીપો ખાળતી સુંદરતાની વાતો કરવી એ ધ્રુષ્ટતા જ કહેવાય ને ! તેથી કાવ્યનું નામ રાખ્યું છે, બચાવનામું.” એટલે કે ૧૯૭૯-૧૯૮૦ના અરસામાં આ કાવ્ય લખવાનું શરૂ કર્યું હોય. તે વખતે હજી આપણે ત્યાં આધુનિકતાનો જુવાળ પૂરેપૂરો શમ્યો નહોતો. તેથી લેખક ઉમેરે છે: “ આજે મૂલ્યોની વાત કરનાર આરોપીના પિંજરામાં મુકાયો છે. આ કાવ્યમાં પરમ તત્ત્વ અને સંતુલનનો સંબંધ પણ સમજવો છે.” એટલે કે આ કૃતિ પર લગભગ ત્રીસ વર્ષ સુધી કામ થતું રહ્યું છે. પ્રસ્તાવનામાં થોડી વધુ વિગતો પણ મળે છે. પહેલાં આ કૃતિ અછાંદસમાં લખવાનું શરૂ કરેલું. ઘણાં પાનાં લખાયેલાં. પણ પછી અભિવ્યક્તિને છાંદસ રૂપ વધુ અનુકૂળ આવશે એમ લાગવાથી મુખ્યત્ત્વે અનુષ્ટુપ અને બીજા કેટલાક છંદોમાં કૃતિને નવેસરથી ઢાળી. ડિમાઈ સાઈઝનાં ૯૫ પાનાંની આ કૃતિને રઘુવીરભાઈએ ‘પ્રબંધ’ તરીકે ઓળખાવી છે. ‘બચાવનામું’ની પહેલી વિશિષ્ટતા એ કે ગીત અને ગઝલના લીલા દુકાળના સમયમાં એક સુદીર્ઘ કૃતિ આપણને મળે છે. બીજું, સમજીને કે સમજવાની જરૂર ન જોઈને, ઘણાખરા જ્યારે કહેવાતા ‘અછાંદસ’ તરફ વળ્યા – ઢળ્યા છે ત્યારે આખી કૃતિ સંસ્કૃત છંદોમાં લખાઈ છે. ત્રીજું, બચાવનામુંમાં પાત્રો છે, પ્રસંગો છે. પણ કોઈ હાથવગી મિથનો ઉપયોગ કે દુરુપયોગ કરવાને બદલે આ પ્રબન્ધનાં પાત્રો અને પ્રસંગો કવિએ જાતે નિપજાવ્યાં છે. ચોથું, અહીં કથા છે, પણ કથા કહેવી એ મુખ્ય ઉદ્દેશ નથી. અહીં પાત્રો છે, પણ પાત્રાલેખન એ મુખ્ય ઉદ્દેશ નથી. અહીં એ બધું ઉપયોજાયું છે વિચાર, ભાવના, આદર્શનો પુરસ્કાર કરવાના આશયથી. એટલે એકી બેઠકે ગગડાવી જવાય એવું આ કાવ્ય નથી. વાંચતાં થોભવું પડે, થોભીને સમજવું પડે, સમજીને વિચારવું પડે, વિચારીને સહમત કે અસહમત થવું પડે એવું આ કાવ્ય છે. એટલે કે આ એક મહત્ત્વાકાંક્ષી અને પુરુષાર્થી કૃતિ છે. અને છતાં કદાચ આ બધાં કારણોને લીધે જ આપણા વિવેચકો, સમીક્ષકો, અભ્યાસીઓ, આસ્વાદકો, વગેરેનું આ કૃતિ તરફ બહુ ઓછું ધ્યાન ગયું છે. પુસ્તકમાં મૂકાયેલ કવિની કેફિયત, સુરેશ દલાલની પ્રસ્તાવના, ભોળાભાઈ પટેલનો લેખ ‘કવિ રઘુવીર ચૌધરીનો કલ્પલોક’ (જે ‘બુદ્ધિપ્રકાશ’ના જાન્યુઆરી ૨૦૧૨ના અંકમાં પણ છપાયો હતો), શબ્દસૃષ્ટિમાં પ્રગટ થયેલો સંધ્યા ભટ્ટનો લેખ. બીજાં એક-બે ઉભડક અવલોકનો. પણ પછી? પ્રગટ થયાને છ વર્ષ થયાં, પણ તેને વિશેના છ અભ્યાસ લેખો પણ મળ્યા નથી. જો રઘુવીર ખરેખર મેન્યુપલેટર હોત તો ૨૬ લેખો લખાવી શક્યા હોત. પહેલા સર્ગના આરંભ ભાગમાં બે પંક્તિઓ આ પ્રમાણે છે:

વિદ્યાકુંજ સમી સંસ્થા નામ એનું ‘નિહારિકા’
ચાહવું એટલે હોવું ગાય છે શુક-સારિકા.

તે પછી ૮૮મે પાને આ પંક્તિઓ મળે છે:

કહું છું સર્વ શાસ્ત્રોની પરકમ્મા પૂરી કરી:
ચાહવું એટલે હોવું – એ જ અસ્તિત્ત્વની ધરી.

આરંભે જે કેવળ શુક-પાઠ હતો તે કાવ્યને અંતે શાસ્ત્રોની પરકમ્મા પૂરી કર્યા પછી થયેલી આત્મપ્રતીતિનું શ્રદ્ધા-વચન બની રહે છે: ‘ચાહવું એટલે હોવું.’ અને કૃતિના છેલ્લા ત્રણ શબ્દો છે: ‘શ્રદ્ધાનું તેજ જાગશે?’ કાવ્ય પૂર્ણવિરામ પર નહિ, પણ પ્રશ્નવિરામ પર પૂરું થાય છે. શ્રદ્ધાનું કાવ્ય ખરેખર ક્યારે ય પૂરું થાય ખરું? પૂરું થાય તો ન રહે શ્રદ્ધા, ન રહે કાવ્ય.

બચાવનામું જેવી ભારઝલ્લી કાવ્ય કૃતિ આપ્યા પછી ૨૦૧૪માં ધરાધામ નામનો કાવ્યસંગ્રહ કવિ આપે છે. તેનું એકંદર સ્વરૂપ આપણે ત્યાં પ્રગટ થતા ઘણાખરા કાવ્યસંગ્રહો જેવું છે. ધરાધામમાં કુલ ૬૪ કૃતિઓ સંગ્રહાઈ છે. આ કૃતિઓમાં ધરા પ્રત્યેનો, પ્રકૃતિ પ્રત્યેનો, ગામડા પ્રત્યેનો પ્રેમ જરૂર પ્રગટ થાય છે, ઉત્કટ અને આકર્ષક રૂપે પ્રગટ થાય છે, પણ શહેરની બધી સગવડો ભોગવતા રહીને ‘હાય હાય, મારું ગોમડું તો ભઈ ક્યાંય થવું નહિ હો’ એવો મગરનાં આંસુ સારતો વલોપાત, સારે નસીબે અહીં ક્યાં ય જોવા મળતો નથી. રઘુવીરભાઈ વંધ્ય અતીતરાગથી પીડાતા નથી, કારણ તેમને માટે ગામડું ભૂતકાળ બન્યું જ નથી, પાછળ છૂટી ગયું જ નથી. એટલે તો કવિ કહે છે:

‘મને છે ઇષ્ટ સદા મુજ ધરાધામ.
તળની માટીની માયા રગમાં રમે.’

પણ મને જે ઇષ્ટ, તે બધાનું ઇષ્ટ ન પણ હોય, બલકે ન જ હોય. તો? આથી જ તેઓ કહે છે: ‘સ્વર્ગ જે નિજ નિજનાં એ ભલે સુરક્ષિત રહે.’ ધરાધામ સંગ્રહને આરંભે મૂકાયેલા એક લેખમાં કહેવાયું છે: “રઘુવીર ચૌધરી સ્થિર તો થયા છે અમદાવાદ નગરમાં, પણ એમનું ચિત્ત-મન તો દૂર ગ્રામ ધરામાં ધરબાયું છે. ભલે એમનું વ્યવહાર જીવન નગરલોકમાં હોય, પણ એમનું ચૈતસિક જીવન ગ્રામ ધરામાં રમમાણ છે.” પણ આ વાત સાથે સહમત થવાનું મન થતું નથી. કારણ રઘુવીરભાઈમાં આવો દ્વૈતભાવ જોવા મળતો નથી. શરીર શહેરમાં અને મન ગામડામાં એવું નથી. એ જ્યાં અને જ્યારે હોય છે ત્યાં અને ત્યારે પૂરેપૂરા હોય છે. શહેર અથવા ગામડું નહિ, શહેર અને ગામડું. ખરું જોતાં એ ‘અથવા’ના માણસ જ નથી. ‘અને’ના માણસ છે. અને માત્ર ગામડું અને શહેરની બાબતમાં આ સાચું નથી, આદર્શ અને વ્યવહારની ઘણીખરી બાબતોમાં સાચું છે. એટલે જ તો અછાંદસ કે પરંપરિત લયમાં લખવાની સાથે સાથે તેઓ આપણને ગીતો પણ આપે છે. પોતે રચેલી ગરબીઓ પિતાજી ભજન મંડળીમાં ગવડાવતા ત્યારે બાળક રઘુવીર નાચતાં થાકતા નહિ. ત્યારે તો ભજન એ જ કવિતા. તેઓ પોતે જ સંસ્કૃિતમાં પ્રગટ થયેલા લેખમાં કહે છે કે ‘સંગીત વિના પણ કવિતા હોય એની ખબર પછી પડી.’ જ્યાં અછાંદસ કે પરંપરિત લય કામ નથી લાગતો ત્યાં કવિ ગીત પાસે પહોંચે છે: ‘ન કહેવાયું તેથી ગવાયું.’ ઘણાં ગીતોમાં કૃષ્ણ માટેની કે કૃષિ માટેની પ્રીતિ પ્રગટ થતી જોવા મળે છે. રઘુવીરભાઈનાં ગીતો અંગેની એક ધ્યાનપાત્ર વાત એ છે કે નબળી ક્ષણોમાં પણ તે ગાયન બની જતું નથી. સંગ્રહમાં કેટલીક ગઝલ કે ગઝલનુમા કૃતિઓ છે તો ખરી, પણ તે રઘુવીરભાઈને ગઝલકાર ઠેરવી શકે તેવી નથી. ધરાધામમાં સૌથી વધુ ધ્યાન ખેંચે એવી જે કૃતિઓ છે તેમાંની ઘણીખરી અછાંદસ કે પરંપરિત છંદમાં છે, અને પ્રમાણમાં લાંબી છે. આ સંગ્રહને જેનું નામ મળ્યું છે તે કૃતિ ઉપરાંત પાછલી ખટઘડી, જ્ઞાનદેવ: છાયા છબિ, ઝૂંપડપટ્ટી વિષે હેવાલ, આગ ધર્મયુદ્ધની, પાંચ વજ્ર, જેવી કૃતિઓ પાસે ફરી ફરી જવું પડે તેમ છે.

કવિતાની જેમ નાટકનો પાસ પણ નાનપણથી જ લાગેલો. બાળપણમાં ભવાઈના વેશ માણવાના જે અનુભવો થયેલા તે ઉપરવાસ કથાત્રયીમાં તો વર્ણવાયા છે જ, પણ એ અનુભવોએ પછીથી રઘુવીરભાઈને નાટ્ય લેખન તરફ પણ વાળ્યા છે. એટલે બીજો રંગ નાટકનો. ૧૯૭૦માં પ્રગટ થયેલ અશોકવન અને ઝૂલતા મિનારા ઉપરાંત સિકંદર સાની, નજીક, મહાજન, ડીમલાઈટ, ત્રીજો પુરુષ એ એમનાં નાટક-એકાંકીનાં પુસ્તકો. તેમાંનાં ઘણાંખરાં નાટકોમાં પરંપરાને નવો મોડ અને મરોડ આપવાનો પ્રયત્ન જોવા મળે છે. નાટકોમાં અદ્યતનતા ખરી, પણ આધુનિકમાં ખપવાનો ધખારો નહિ, એ તેમની વિશેષતા ગણાય. ૧૯૮૨માં પ્રગટ થયેલ ત્રીજો પુરુષ પુસ્તકમાં કુલ ૭ નાટ્ય કૃતિઓ સંગ્રહાઈ છે. ચંદ્રવદન મહેતાના અમૃત મહોત્સવ નિમિત્તે લખાયેલ ‘ત્રીજો પુરુષ’ આ સંગ્રહમાંની ઉત્તમ કૃતિ તો છે જ, પણ રઘુવીરભાઈની ઉત્તમ નાટ્ય કૃતિઓમાં પણ તેને ગણાવી શકાય તેમ છે. આઈ.એન.ટી.એ આવું નાટક લખવા આમંત્રણ આપ્યું ત્યારે રઘુવીરભાઈએ નિખાલસતાથી કહ્યું હતું કે ‘ચં.ચી. માટે મને મુગ્ધ ભાવ નથી. તેથી અહોભાવના સ્થાને હાસ્ય-કટાક્ષ પણ આવશે.’ હા, અહીં હાસ્ય-કટાક્ષ ભરપૂર છે, પણ તે ચં.ચી.ને ભોગે નહિ. એકને બદલે બે ચં.ચી.ને તખ્તા પર ઊભા કરવાનો વિચાર જ કૃતિને અડધી સફળતા અપાવે છે. આ પુસ્તકની બીજી કેટલીક કૃતિઓમાં જોવા મળતી શબ્દાળુતા કે વાક્ ચાતુરી અહીં ભાગ્યે જ જોવા મળે છે. પણ ત્રીજો પુરુષ વાંચવાનું નહિ, જોવાનું નાટક છે. ૧૯૭૬ના એપ્રિલની સાતમી તારીખે મુંબઈના ભારતીય વિદ્યા ભવનમાં એ પહેલી વાર ભજવાયું ત્યારે જોવાનું સદ્ભાગ્ય મળેલું. આપણી રંગભૂમિના કેવા કેવા મહારથીઓ જોડાયા હતા એ પ્રયોગ સાથે – પ્રવીણ જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા, પરેશ રાવલ, સરિતા જોશી, ડી.એસ. મહેતા, સુરેશ રાજડા, વગેરે. વર્ષો પછી ફરી આ નાટક વાંચતાં થાય છે કે રઘુવીરભાઈ નાટ્ય લેખન ક્ષેત્રે વધુ સક્રિય રહ્યા હોત તો કેવું સારું થાત!

બાપુપુરાથી રોજ ત્રણ માઈલ ચાલીને માણસાની સ્કૂલમાં ભણવા જતા એ રઘુવીરભાઈના પહેલા પ્રવાસો. એ વખતે રસ્તે ચાલતાં ચાલતાં પણ વાંચવાની ટેવ. વખત જતાં તેમણે દેશ અને વિદેશમાં અનેક પ્રવાસો કર્યા અને તેમાંના કેટલાક વિષે પુસ્તકો પણ આપ્યાં. પણ પ્રવાસ શરૂ કરતાં પહેલાં અને તે વિષે લખતાં પહેલાં જે-તે મુલક વિષે વાંચે, વિચારે, જાણકારી મેળવે. અમેરિકાના પ્રવાસ અંગેનું એક અજ્ઞાત પારસી લેખકે લખેલું પહેલવહેલું ગુજરાતી પુસ્તક છેક ૧૮૬૪માં પ્રગટ થયું હતું. તેનું સીધુંસાદું નામ હતું ‘અમેરિકાની મુસાફરી.’ ૨૦૦૫માં પ્રગટ થયેલા રઘુવીરભાઈના પુસ્તકનું નામ પણ આવું સીધુંસાદું જ છે: ‘અમેરિકા વિષે.’ એ પુસ્તકમાં જ તેમણે લખ્યું છે: “અમેરિકા વિષે વરસે દહાડે ગુજરાતીમાં એકાદ પુસ્તક ઉમેરાતું જાય છે.” તો પછી આ પુસ્તક એ બધાં કરતાં જુદું પડે છે? હા. કઈ રીતે? આપણે ત્યાં લખાતાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકો મોટે ભાગે બે પ્રકારનાં હોય છે. એક, વિમાનથી માંડીને યજમાન સુધી પોતે ક્યાં શું ખાધુંપીધું, સસ્તો માલ વેચતી દુકાનોમાંથી કેવી ખરીદી કરી, સિફત પૂર્વક કઈ કઈ ભેટો મેળવી, જેવી વિગતોથી ભરપૂર લખાણ લખનારનાં પુસ્તકો. બીજો પ્રકાર તે જુદાં જુદાં સ્થળોએ મોટે ભાગે મફત મળતા બ્રોશરમાંથી માહિતી અને આંકડાનો ઢગલો કરીને અભ્યાસીમાં ખપવા માગતા લેખકોનાં પુસ્તકો. જ્યારે ‘અમેરિકા વિષે’ મિશ્ર સ્વરૂપનું પુસ્તક છે. તેમાં સળંગ સીધી લીટીએ પ્રવાસ વર્ણન નથી. પ્રવાસના અનુભવો ઉપરાંત મળેલી વ્યક્તિઓ, ત્યાંના ગુજરાતીઓ અને તેમની લાક્ષણિકતાઓ, તેમના પ્રશ્નો, ગુજરાતીઓનાં સંસ્થાઓ, સામયિકો, વગેરે અંગેની વાતો લેખકે ૭૪ લેખોમાં વણી લીધી છે. તેમાંના કેટલાક લેખ નિબંધની નજીક પહોંચે તેવા છે. આ ઉપરાંત બારીમાંથી બ્રિટન, તીર્થભૂમિ ગુજરાત, અને ચીન ભણી જેવાં પ્રવાસમૂલક પુસ્તકો પણ તેમની પાસેથી મળ્યાં છે. આ પ્રવાસનો રંગ તે સાત રંગમાંનો ત્રીજો રંગ.

ચોથો રંગ તે નિબંધો. શબ્દસૃષ્ટિના ઓક્ટોબર ૨૦૧૩ના અંકમાં રઘુવીરભાઈએ કહ્યું છે: “જેની પાસે કથ્ય છે એ નિબંધ લખવા પ્રેરાય અને જેણે કંઈ કહેવાનું ન હોય એ નિબંધ ન લખે એ ઇચ્છનીય … તમારી પાસે વિચાર છે? જ્ઞાનાત્મક સંવેદન કે સંવેદનાત્મક જ્ઞાન છે? તો લખો નિબંધ.” ૧૯૮૮માં પહેલો નિબંધસંગ્રહ ભૃગુલાંછન. તે પછી પુનર્વિચાર, મુદ્દાની વાત, ઊંઘ અને ઉપવાસ, પ્રેમ અને કામ, અને વાડમાં વસંત (૨૦૦૫) એ તેમના નિબંધ સંગ્રહો. વાડમાં વસંતમાં કુલ ૪૪ નિબંધો છે. શરૂઆતમાં મૂકાયેલા શિપ્રાવાયુ પ્રિય સમ વહે કે તાજમહાલ જેવા નિબંધો જોતાં થાય કે ગુરુ ભોળાભાઈને પગલે ચાલીને લખાયેલા નિબંધો વાંચવા મળશે કે શું, પણ એ બે અને બીજા બધા નિબંધો વાંચતાં સ્પષ્ટ થાય કે બીજા કોઈને પગલે ચાલે એવા તો આ લેખક નથી. એટલું જ નહિ, અહીં મૂકાયેલા નિબંધો નથી કાલેલકર કૂળના કે નથી સુરેશ જોશી ઘરાણાના. આ નિબંધોને દૂરનું પણ સગપણ હોય તો તે ગુણવંત શાહના નિબંધો સાથે. અહીં નિબંધ લખવો છે માટે ચાલો કથ્ય શોધીએ એવું નથી, કથ્ય છે માટે ચાલો, નિબંધ લખીએ એવું મોટે ભાગે જોવા મળે છે. અહીં જ્ઞાન પણ છે અને સંવેદન પણ છે, અનુભવ પણ છે અને અભ્યાસ પણ છે, મર્માળું હાસ્ય છે અને કડક ટીકા પણ છે. ક્યારેક અણધારી રીતે લેખક કોઈને ટપલી પણ મારી લે. ડર્યા એ દરિયાથી દૂર નામનો નિબંધ આમ તો લખાયો છે એક શ્રેષ્ઠીએ યોજેલા કાર્યક્રમમાં ગાળેલા ત્રણ દિવસોના અનુભવોને આધારે. ભોળાભાઈ પટેલ પણ સાથે હતા તે કોઈક વિદેશી સ્થાપત્ય જોઈને ખુશ હતા. રઘુવીર ભાઈ કહે છે: “પોર્ટુગીઝ કે ડચ ધર્મસ્થાન હોઈ શકે. પણ આ બાબતે શ્રી નરોત્તમ પલાણને પૂછ્યા પછી લખવું સારું. જેથી આપણી અને કદાચ એમની ભૂલના બચાવમાં એ લડ્યા કરે.” પુસ્તકમાંના નિબંધોનું વિષય વૈવિધ્ય પણ ધ્યાન ખેંચે. આ લેખક ઇન્દિરા ગાંધી વિષે પણ થોડા સારા શબ્દો લખે, સોનિયા ગાંધી વિષે લખે, ગુણવંત શાહના પુસ્તક વિષે લખે, નરેન્દ્ર મોદી વિષે લખે. અલબત્ત, સંવેદન જ્ઞાનાત્મક બનતું હોય કે જ્ઞાન સંવેદનાત્મક બનતું હોય એવું બધા નિબંધોમાં જોવા મળતું નથી. જ્ઞાન અને સંવેદન વચ્ચે બાદરાયણ સંબંધ હોવાનો વહેમ પણ કેટલાક નિબંધો વાંચતાં જાય છે.

પાંચમો રંગ તે રેખાચિત્રોનો. ૧૯૮૦માં પ્રગટ થયેલ સહરાની ભવ્યતામાં ૨૫ લેખકોનાં રેખાચિત્રો છે. ૧૯૯૮માં પ્રગટ થયેલા તિલક કરે રઘુવીરના પહેલા ભાગમાં ૮૩ લેખકોનાં રેખાચિત્રો છે. જેમને વિષે લખવાનું રઘુવીરભાઈને મન થાય એવા ૧૦૦ કરતાં વધુ લેખકો આપણી ભાષામાં છે એ જાણીને આનંદ થાય. તિલક કરે રઘુવીરના બીજા ભાગમાં ૧૧૬ રેખાચિત્રો છે, પણ તે મુખ્યત્ત્વે કર્મશીલોનાં છે. જો કે તેમાં પણ ઇન્દુલાલ યાજ્ઞિક, ઉષા શેઠ, જીતેન્દ્ર દેસાઈ, દિલાવરસિંહ જાડેજા, નારાયણ દેસાઈ, ફિરોઝ દાવર, મંજુ ઝવેરી, રામુ પંડિત, વિજયરાય વૈદ્ય, વિપુલ કલ્યાણી, હસમુખ સાંકળિયા, વગેરેને વધતે ઓછે અંશે કર્મઠ ઉપરાંત લેખક તરીકે પણ ઓળખાવી શકાય. પહેલો ભાગ લેખકે હાલના નિરીક્ષક સાપ્તાહિકના હાલના તંત્રી પ્રકાશ ન. શાહ અને તેમનાં પત્નીને અર્પણ કર્યો છે. આ પુસ્તકની આજે બીજી આવૃત્તિ છપાય તો લેખક એ અર્પણમાં ફેરફાર ન કરે એવું હું માનતો નથી, કારણ એ ફેરફાર ન કરે એ અંગે મને ખાતરી છે. અમદાવાદના મોટા ભાગના લેખકો સ્વાશ્રયી હોવાને કારણે ગુજરાતી સાહિત્યની વાત કરતી વખતે મુંબઈના લેખકો વિષે બોલવા-લખવાની જરૂર તેમને નથી વર્તાતી. પણ પહેલા ભાગમાં રઘુવીરે અમૃતલાલ યાજ્ઞિકથી માંડીને હીરાબહેન પાઠક સુધીના મુંબઈના કુલ ૧૮ લેખકોને તિલક કર્યાં છે. બીજા કોઈ અમદાવાદી લેખકે મુંબઈના આટલા લેખકો વિષે એક પુસ્તકમાં લખ્યું હોય એવો સંભવ નથી. પણ ગુજરાતીના અધ્યાપકોનો પ્રિય પ્રયોગ વાપરીને કહીએ તો ‘સ્ત્રી લેખિકાઓ’ની બાબતમાં રઘુવીરે અણધારી રીતે હાથ ટૂંકો કર્યો છે. ઘણા લેખકોની વાત કરતી વખતે તેઓ તેમનાં પત્ની, પુત્રી, પુત્રવધૂ વગેરે વિષે પણ ઉમળકાપૂર્વક લખે છે, પણ આ પુસ્તકમાં તેમણે માત્ર નવ લેખિકાઓને તિલક કર્યું છે. તેમાં ય અમદાવાદની તો રોકડી બે જ લેખિકા છે. આમ કેમ થયું એ શોધી કાઢવા માટે પારુબહેનની અધ્યક્ષતામાં એક કમિશન નીમવું જોઈએ. ખેર, આ પુસ્તકમાંના બધા લેખો રેખાચિત્રો છે એમ માનવાની ભૂલ કરવા જેવું નથી. કેટલાક અભિનંદન કે અંજલિ રૂપે લખાયા છે, તો કેટલાકમાં લેખક કરતાં તેનાં પુસ્તકોની વાત વધુ છે, આસ્વાદ કે અવલોકન રૂપે. પણ શક્ય તેટલું વાંચ્યા-વિચાર્યા પછી તો લગભગ દરેક લેખ લખાયો છે. ઉભડક વાત ભાગ્યે જ ક્યાં ય કરી છે. ઘણી વાર માત્ર એક-બે વાક્યના લસરકાથી તેઓ લેખકનું સાચકલું ચિત્ર ઉપજાવી શકે છે. ચંદ્રકાંત શેઠ વિષે લખે છે: ‘ચંદ્રકાંત એટલે કુમારયુગની કવિતાનું છેલ્લું શિખર.’ તો યશવંત દોશી માટેનું પહેલું જ વાક્ય આ છે: ‘શ્રી યશવંત દોશી એટલે નવી પેઢીની વિલક્ષણતાઓનો બચાવ કરનારા ગાંધી યુગના વિવેચક-સંપાદક.’ અલબત્ત, લખતાં લખતાં રઘુવીર તીર નહિ તો ટપલી ક્યાં, કોને મારે એ કહેવાય નહિ. ચંદ્રકાંત ટોપીવાળા વિષે લખતાં કહે છે: ‘એમનો પરિચય આપતાં ડો. સિતાંશુ યશશન્દ્રએ કહેલું કે એમનામાં કુલપતિની યોગ્યતા છે. જો કે એ જુદી વાત છે કે પછી સિતાંશુભાઈ કુલપતિ થયા અને ડો. ટોપીવાળાએ કવિતા લખી.’ ગુલાબદાસ બ્રોકર વિષે લખતાં કહે છે: ‘અનુગામી આધુનિકો જેટલા સજ્જ કે એમની સાથે હોવાનો દાવો એમણે કર્યો નથી, જો કે એ આધુનિકોએ એકમેકનું વાંચ્યું હશે એથી વધુ એમનું ગુલાબદાસે વાંચ્યું છે.’ પુસ્તકમાંના ઘણાખરા લેખો જે-તે લેખકના જીવન અને લેખનની વિગતો ધરાવે છે. પ્રસ્તાવનામાં લેખકે કહ્યું છે: ‘જેને વિષે લખાયું હોય તેને મોટે ભાગે હું જાણ ન કરું, કોઈક વાચક પ્રગટ લેખની નકલ તે વ્યક્તિને મોકલે.’ એટલે કે જે-તે લેખકને પ્રશ્નોત્તરી મોકલીને કે ફોન કરીને વિગતો મેળવવાનો સહેલો રસ્તો લીધો નથી, પણ જાત મહેનતથી વિગતો એકઠી કરી છે. અંગત સંબંધ કે અનુભવોથી એ વિગતોને ઉજાગર કરી છે. પુસ્તકોની વાત કરતી વખતે ધ્યેય વિવેચનનું નહિ, પણ આસ્વાદમૂલક અવલોકનનું રહ્યું છે. પણ બીજાં રેખાચિત્રોથી આ લેખો જૂદા પડે છે તે રઘુવીરભાઈનાં સૂક્ષ્મ અવલોકન, ચતુર અર્થઘટન, અને આગવી અભિવ્યક્તિને કારણે. રઘુવીરે પોતે કહ્યું છે તેમ નર્મ-મર્મ અને હળવાશ તેમના આ ચરિત્ર નિબંધોમાં અનાયાસ આવી ચડે છે.

અને હવે છઠ્ઠો રંગ, ટૂંકી વાર્તાનો. પહેલો વાર્તાસંગ્રહ આકસ્મિક સ્પર્શ ૧૯૬૬માં, ૨૦૧૧માં ‘દૂરથી સાથે.’ વચમાં મળી ગેરસમજ, નંદીઘર, અતિથિગૃહ, દશ નારી ચરિત, વિરહિણી ગણિકા, મંદિરની પછીતે, સાંજનો છાયો, જિંદગી જુગાર છે?, અને પ્રાણ પ્રતિષ્ઠા જેવા સંગ્રહોની વાર્તાઓ. રઘુવીરભાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં નોકરી કરતા હતા અને રહેતા પણ હતા ત્યારે ઈશ્વર પેટલીકર, સુરેશ જોશી અને ચંદ્રકાંત બક્ષી જેવા લેખકોની તેમને ઘરે આવજા હતી. તેમાંથી પેટલીકર અને બક્ષીની તો નહિ પણ સુરેશ જોશી પ્રેરિત આધુનિકતાની અસર રઘુવીરભાઈની શરૂઆતની વાર્તાઓમાં જોવા મળે છે. તેમણે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું ત્યારે સુરેશ જોશીનો અને તેમની વિચારણાનો જે આત્યંતિક પ્રભાવ હતો તેનાથી સાવ અળગા રહેવાનું રઘુવીર જેવા રઘુવીરથી પણ બની શક્યું નહિ હોય. કથાને અને તેની ભાષાને કવિતાની કક્ષાએ પહોંચાડવી એ તે વખતનો આદર્શ હતો. વિવેચકો પણ સૂક્ષ્મદર્શક કાચ લઈ કૃતિઓમાં તેની શોધ ચલાવતા. બહાર કોઈ છે સંગ્રહનું અવલોકન કરતાં ‘ગ્રંથ’ માસિકમાં એક સમીક્ષકે ‘ક્ષિતિજ ભણી’ વાર્તા વિષે લખેલું: “વાર્તાનું કથાનક કાવ્યની કક્ષાએ વિકસે છે.” પણ પછી ધીમે ધીમે રઘુવીરભાઈ એ પ્રભાવ અને પ્રવાહમાંથી બહાર આવી ગયા. તેમણે લખ્યું: “કવિતાની કક્ષાની સર્જનાત્મક નવલકથાએ ભાવકો ગુમાવ્યા છે. જો કવિતા જ સાંભળવાની કે વાંચવાની હોય તો કોઈ કથા પાસે શા માટે જાય?” (‘શબ્દસૃષ્ટિ’, ઓક્ટોબર-નવેમ્બર ૨૦૦૭) ૨૦૦૧માં પ્રગટ થયેલ મંદિરની પછીતે સંગ્રહમાંની ૨૨ વાર્તાઓમાં બીજા કોઈનો પડઘો નહિ પણ રઘુવીરનો પોતાનો અવાજ સંભળાય છે. ૧૯૯૨માં રમેશ ર. દવેને આપેલી એક મુલાકાત (‘શબ્દસૃષ્ટિ’ ૧૯૯૨)માં રઘુવીરભાઈએ કહેલું: “મારી મોટા ભાગની વાર્તાઓમાં આધાર પાત્રનો અથવા પાત્રગત સંવેદનાનો છે.” મંદિરની પછીતેમાંની પણ ઘણીખરી વાર્તાઓ માટે આ વાત સાચી છે. લેખકનું લક્ષ્ય જેટલું પાત્રને ઉજાગર કરવા તરફ છે તેટલું ઘટનાઓનું જાળું ગૂંથવા પર નથી. અલબત્ત, ક્યારેક સંવાદોમાં પાત્રનો નહિ પણ લેખકનો અવાજ સંભળાતો હોય તેવો વહેમ જાય. કેટલીક વાર્તાઓમાં પાત્રો ગ્રામ પ્રદેશનાં છે તો કેટલીકમાં શહેરનાં. તો કેટલીક વાર્તાઓમાં લેખક એક પગ ગામડામાં અને એક પગ શહેરમાં રાખે છે. પરદેશની ભૂમિ પર વસતાં પાત્રો પણ કેટલીક વાર્તામાં છે. ફોઈ નામની વાર્તામાં તો લેખકના કુટુંબના સભ્યો જ પાત્રો તરીકે આવતાં જોવા મળે છે, અલબત્ત તેમાં કેન્દ્રસ્થાને છે બાળક મંદાર. ઘટનાઓમાં કલ્પનાના અંશો હશે જ, પણ વાર્તાનું કાઠું લેખકના કુટુંબની વ્યક્તિઓ અને ઘટનાઓથી બંધાયું છે એવો પાકો વહેમ જાય. પછીથી ૨૦૧૪માં પ્રગટ થયેલો કાવ્ય સંગ્રહ ધરાધામ લેખકે પૌત્ર મંદારને અર્પણ કર્યો છે. અર્પણ પત્રિકા અંગ્રેજીમાં લખેલી છે, જેમાં માત્ર એક જ છાપ ભૂલ છે. રઘુવીરભાઈની પુનઃ પુનઃ લેખનની ટેવનો લાભ તેમની વાર્તાઓને પણ મળ્યો જ છે, છતાં કોણ જાણે કેમ, કેટલીક વાર એમ લાગ્યા કરે છે કે હજી એક-બે વધુ વાર એવો લાભ મળ્યો હોત તો વાર્તા છે તેના કરતાં પણ વધુ સુરેખ થઈ શકી હોત.

અને હવે સાતમો રંગ નવલકથાનો. પહેલી નવલકથા પૂર્વરાગ ૧૯૬૪માં પ્રગટ થઈ. ૨૦૦૯માં એક ડગ આગળ બે ડગ પાછળ. વચમાં બીજી ચાલીસેક નવલકથા. રઘુવીરભાઈએ પોતે કહ્યું છે: “નવલકથા ક્ષેત્રે દર્શકનું અલ્પલેખન નોંધપાત્ર ગણાય તો મારું અતિલેખન. તેમ છતાં કોઈ કૃતિ રદ કરવી એ અંગે મને વિચાર આવ્યો નથી … લખાતું ગયું, છપાતું ગયું, વેચાતું – વંચાતું ગયું તેથી અતિલેખનનો ભાર અનુભવાય છે.” (‘શબ્દસૃષ્ટિ’, ઓક્ટોબર-નવેમ્બર ૨૦૦૭) પણ હકીકતમાં રઘુવીરભાઈનું સૌથી વધુ મોટું અને મહત્ત્વનું પ્રદાન નવલકથા ક્ષેત્રે જ છે. તેમની નવલકથાઓમાં શબ્દ અને સમાજનો સહયોગ જોવા મળે છે. અને સમાજ એટલે માત્ર વ્યક્તિનું આંતર જીવન નહિ પણ વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેના સંબંધો. દામ્પત્ય, કુટુંબ, શેરી, ગામ, દેશ, અને આખી દુનિયા, એ બધાનું બાહ્ય અને આંતરિક અસ્તિત્ત્વ. કોઈ લેખકની પહેલી નવલકથા પ્રગટ થાય ત્યારે જ ધ્યાન પાત્ર બને, અને તે પછી લાંબા વખત સુધી નોંધપાત્ર બની રહે એવું અવારનવાર બનતું નથી. રઘુવીરભાઈની પૂર્વરાગ પ્રગટ થતાં વેંત ધ્યાનપાત્ર બની હતી અને આજે ૫૦ વરસ પછી પણ નોંધપાત્ર બની રહી છે. તો ૧૯૬૫માં પ્રગટ થયેલી અમૃતા તેના સર્જકની તેમ જ ગુજરાતી નવલકથાની પણ એક મહત્ત્વની કૃતિ બની રહી છે.

રઘુવીરભાઈની મોટા ભાગની નવલકથાઓમાં ઘટનાઓ તો હોય જ છે, પણ મહત્ત્વનો આધાર ઘટના નહિ પણ કોઈ પાત્ર હોય છે. માત્ર સામાજિક નવલકથાઓ માટે જ આ વાત સાચી છે એમ નથી, તેમની ગોકુલ-મથુરા-દ્વારકા જેવી પૌરાણિક તેમ જ રુદ્ર મહાલયની કર્પૂર મંજરી અને સોમતીર્થ જેવી ઐતિહાસિક નવલકથાઓ માટે પણ તે સાચી છે.

૧૯૮૭માં પ્રગટ થયેલી (બીજી સંવર્ધિત આવૃત્તિ ૨૦૧૩) ઈચ્છાવરમાં ૧૬૦ પાનાંના વિસ્તારના પ્રમાણમાં ઘણાં બધાં પાત્રો છે. બધાં પાત્રો છે ગામડાંનાં, પણ ગ્રામ સમાજના જુદા જુદા સ્તરમાંથી આવતાં પાત્રો છે. ઈચ્છાવર કરતાં ૫૫ વર્ષ પહેલાં, ૧૯૩૨માં પ્રગટ થયેલી દિવ્યચક્ષુમાં રમણલાલ દેસાઈએ અસ્પૃશ્યતા નિવારણનો પ્રશ્ન આવરી લીધો હતો. આપણા સમાજની એ કમનસીબી ગણાય કે ૧૯૮૭માં પ્રગટ થયેલી નવલકથામાં પણ અસ્પૃશ્યતા નિવારણનો પ્રશ્ન એક મુખ્ય કથા અંશ બની રહે એવી આપણે ત્યાં હજી સ્થિતિ છે. અલબત્ત, રમણલાલની નિરૂપણ રીતિ એક ગાંધી રંગે રંગાયેલા આદર્શવાદી શુભેચ્છકની હતી, જ્યારે ઈચ્છાવરના લેખકની દૃષ્ટિ અને નિરૂપણ રીતિ એક વાસ્તવદર્શી જાણકારની છે. બન્ને કૃતિમાં દલિત સમાજનાં પાત્રો અને તેમના જીવનમાંની ઘટનાઓ હોવા છતાં તેમને દલિત સાહિત્યની કૃતિ તરીકે ઓળખાવી શકાય નહિ. મંદિરની ઈમારતમાં વધતી જતી તિરાડ એ અસ્પૃશ્યતાના કલંકનું પ્રતિક છે જે આખી કૃતિ દરમ્યાન અવારનવાર નજરે પડતું રહે છે. મંદિરના મહંત તે તિરાડ લોકોને દેખાય નહિ માટે ઉપર ઉપરથી રંગ કરાવીને તેને ઢંકાવી દે છે, પણ તેને દૂર કરવાની ઈચ્છા કે વૃત્તિ તેમનામાં નથી. અસ્પૃશ્યતાનો વધતે ઓછે અંશે પુરસ્કાર કરનાર પરંપરાગત ધર્મસત્તાનું પૂરેપૂરું હૃદય પરિવર્તન થવાનું શક્ય નથી એ લેખક જાણે છે એટલે તેઓ તેને સ્થાને નવી ધર્મ વ્યવસ્થાનું સૂચન કરે છે. ગ્રામ જીવનમાં જુદા જુદા વર્ગનાં પાત્રો એક યા બીજા કારણસર, વધતે ઓછે અંશે એક બીજા પર આધાર રાખતાં જોવા મળે છે. તેમના મનમાં એકબીજા માટે અમુક અંશે સદ્ભાવ છે તો અમુક અંશે વિરોધ કે તિરસ્કાર પણ છે. ગામડું એટલે સ્વર્ગ એવા ભ્રમમાં તો લેખક વાચકને રાખતા જ નથી. સંકુલ અને અમુક અંશે પરસ્પર વિરોધી ભાવો અને આચરણોનું આલેખન તેમણે સચ્ચાઈપૂર્વક કર્યું છે. પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં એક વાક્ય આમ છે: “તમે બીજાઓને કામ કરતાં જુઓ અને ખેતરમાં સહુની સાથે મળીને કામ કરો એમાં ફેર છે.” આપણા કેટલાક લેખકો પાછળ છોડેલા ગામડાના અતીતરાગ – નોસ્ટેલ્જિયા – માં એવા સપડાયા છે કે તેઓ ગામડું એટલે તો સ્વર્ગ એવું નિરૂપણ કરતા રહે છે. જ્યારે ઈચ્છાવરના લેખકનો ગામડાં સાથેનો સંપર્ક અને સંબંધ સતત જળવાઈ રહ્યો છે. એટલે તેઓ ગામડાંનું, ત્યાંનાં લોકોનું, તેમના જીવનનું, તેમાં આવી રહેલા ધીમા પણ ચોક્કસ પરિવર્તનનું આલેખન જાતને અને ગામડાંને વફાદાર રહીને કરે છે. હા, મારા જેવા ૧૦૧ ટકા શહેરી વાચકને ક્યાંક ક્યાંક કોઈ શબ્દનો અર્થ ખબર ન પડે એમ બને, પણ મોટે ભાગે સંદર્ભ પરથી એ પણ કળાઈ જાય. કથામાં એક બાજુથી કમુનું પાત્ર નેગેટિવમાંથી ધીમે ધીમે, પૂરતી તાવણી પછી, પોઝેટિવ પાત્ર બની રહે છે. તેવી જ રીતે અસ્પૃશ્યતા પ્રત્યેનું માનપુર ગામના લોકોનું વલણ પણ નેગેટિવમાંથી પોઝેટિવ બની રહે છે. કૃતિની શરૂઆતમાં (પા. ૨૪) એક જવાનિયો કહે છે: “અહીં ચારે કોર અજવાળું કરી નાખીએ.” અલબત્ત, અહીં સંદર્ભ મંદિર અને બાપજીની ઓરડીમાં વીજળીનું કનેક્શન લાવવા અંગેનો છે. પણ વાત અજવાળું લાવવાની છે, અજવાળા સાથે આવતી જાગૃતિની છે, અને તે પણ મંદિરના સંદર્ભમાં. તો કૃતિનું છેલ્લું વાક્ય છે: “આખું ગામ જાગી ગયું હતું.” મંદિરમાં જ નહિ, આખા ગામમાં અજવાળું થઈ ગયું ન હોય તો ગામ જાગી જાય શી રીતે? અલબત્ત, કોઈ પણ નવલકથામાં પર્ટિક્યુલર સ્થળ-કાળનું જ નિરૂપણ હોઈ શકે, જનરલ – સર્વસામાન્યનું નહિ. અહીં પણ વાત એક જ ગામની છે. પણ પ્રસ્તાવનાને અંતે લેખક કહે છે: “હવેનું ગામડું મંગળને સમજી ચૂકેલી કમુની પસંદગીનું હશે તો જ શહેરથી પાછા જનારને લાગશે કે આપણે સાચી દિશામાં છીએ.” આ નવલકથાના આલેખનની બાબતમાં લેખક સાચી દિશામાં ચાલ્યા છે એટલું ચોક્કસ.

૨૦૦૩માં પ્રગટ થયેલ નવલકથા સમજ્યા વિના છૂટાં પડવુંના કેન્દ્રમાં સુમન્તનું પાત્ર રહેલું છે. ઘણીખરી ઘટનાઓ અને મોટા ભાગનાં પાત્રો કોઈ ને કોઈ રીતે સુમંત સાથે સંકળાય છે. સુમંત એક પછી એક જુદાં જુદાં સ્ત્રી અને પુરુષ પાત્રોના સંપર્કમાં આવતો જાય છે, પણ એ સંપર્ક સંબંધમાં પરિણમે તે પહેલાં જ એ વ્યક્તિથી છૂટાં પડવાનું બને છે. અને એ પણ પૂરી સમજણ સાથે નહિ, પણ સમજ્યા વિના અથવા અધૂરી સમજણ સાથે. નવલકથાના લેખન અને તેની સંરચનાની દૃષ્ટિએ આ નવલકથા રસપ્રદ બને તેવી છે. ૨૦૦૩ના ઓગસ્ટમાં લખાયેલી પ્રસ્તાવનામાં લેખક કહે છે કે “આ નવલકથા પાંચેક વર્ષ પહેલાં માંડેલી. સુમંત શેઠ વિપુલભાઈની નોકરી છોડવા તત્પર બને છે ત્યાં સુધીનાં પ્રકરણો ત્યારે લખાયેલાં.” એટલે કે ૧૯૯૮માં ક્યારેક લખવાની શરૂઆત કરી હશે. નોકરી છોડવાનો નિર્ણય સુમંત નવમા પ્રકરણને અંતે કરે છે. એટલે ૩૦માંથી ૯ પ્રકરણ પહેલાં લખાઈ ગયેલાં. ત્યાં સુધીમાં ઘણાંખરાં પાત્રોના વિકાસ અને ઘટનાઓના નિરૂપણ વિષે ચોક્કસ ખ્યાલો લેખકના મનમાં બંધાયા જ હોય. પણ એ પછી અણધારી રીતે આ નવલકથાની દિશા અને દશા બદલાઈ ગઈ. તેનું કારણ વાસ્તવ જગતમાં બનેલી ત્રણ અભૂતપૂર્વ ઘટનાઓ. ૨૦૦૧ના જાન્યુઆરીની ૨૬મી તારીખે કચ્છ-ગુજરાતમાં આવેલો ધરતીકંપ તે પહેલી ઘટના. એ જ વર્ષના જુલાઈની ૧૧મી તારીખે ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવર અને બીજી કેટલીક જગ્યાઓ પર થયેલા આતંકવાદી હુમલા એ બીજી ઘટના. અને ૨૦૦૨ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે થયેલ ગોધરા કાંડ અને તે પછીનાં રમખાણો તે ત્રીજી ઘટના. પાત્રો અને પ્રસંગોની જે મૂળ રેખાઓ મનમાં ધારી હશે તેને બાજુ પર મૂકીને લેખકે સુમંતને આ ત્રણે ઘટનાઓ સાથે સાંકળ્યો છે અને એ રીતે આ ત્રણે ઘટનાઓના નિરૂપણની અને તેને વિશેના પોતાના વિચારો વ્યક્ત કરવાની તક મેળવી છે. પહેલી અને બીજી તેમ જ બીજી અને ત્રીજી ઘટના વચ્ચે પાંચ-છ મહિનાનો ગાળો છે. ૧૫મા પ્રકરણથી કચ્છના ધરતીકંપનું નિરૂપણ શરૂ થાય છે તે ૨૪મા પ્રકરણના અંત સુધી ચાલે છે. એટલે કે ૧૦થી ૨૪ સુધીનાં પ્રકરણો એક સાથે કે કટકે કટકે ૨૦૦૧ના પહેલા છ મહિના દરમ્યાન લખાયાં હોય. ત્યાં સુધીમાં ફરી પાત્રો અને પ્રસંગોના નિર્વહણ અંગે લેખકના મનમાં ખ્યાલ બંધાયા હોય. પણ પછી ૨૫મા પ્રકરણને આરંભે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઘટના ગોઠવાઈ છે. ન્યૂયોર્કમાં રહેતા લિયાકતઅલી સાથે લગ્ન કરવા અગાઉ નફીસાને મોકલી હતી તે વાત કદાચ અણધારી રીતે લેખકને અહીં ખપમાં આવે છે. તેવી જ રીતે નફીસા અને તેનો ભાઈ વસીમ મુસ્લિમ હોવાનું નિરૂપણ અગાઉથી થઈ ચૂક્યું હતું તે ૨૮મા પ્રકરણથી ગોધરા અને અનુ-ગોધરાની ઘટનાઓને સાંકળી લેવા ખપમાં આવે છે. ૩૦મા પ્રકરણને અંતે નવલકથા પૂરી થાય છે ત્યારે વસીમ નફીસાને કહે છે: “સુમંતને કહેજે કે હવે અહીં ન આવે. આ શહેરમાં આપણી મૈત્રીને સ્થાન નથી.” સુમંત માટે આ છેલ્લું છૂટા પડવું છે, અને તેનું કારણ અંગત સમજણનો અભાવ નથી, પણ બે કોમ એક બીજીને સમજી કે સહી શકતી નથી તે છે. આખી કૃતિમાં જે પ્રશ્ન અવારનવાર સપાટી પર આવતો રહે છે તેને પ્રસ્તાવનાના અંત ભાગમાં લેખકે આ રીતે વધુ સ્પષ્ટ કર્યો છે: “લાગણીથી સંબંધ જાગે છે, એ ટકે છે સમજણના પાયા પર. પણ બે વ્યક્તિઓ કે જૂથો એકમેકને સમજી શકે એ પહેલાં છૂટાં પડવાનું બને છે એનું શું?”

આ નવલકથામાં જેમ સમકાલીન ઘટનાઓની વાત આવે છે તેમ તેની સાથે જોડાયેલી ધીરેન્દ્ર મહેતા, કીર્તિ ખત્રી, ચુનીભાઈ વૈદ્ય, મોરારીબાપુ, જેવી કેટલીક વ્યક્તિઓના નામોલ્લેખ પણ આવે છે. આ નવલકથા વિષે લખનારાઓમાંથી કેટલાકને આ નામોલ્લેખ અંગે વાંકુ પડ્યું છે. પણ જે ઘટનાઓનું લેખક નિરૂપણ કરે છે તે ઘટનાઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓનાં નામ પણ કૃતિમાં આવે તો તેમાં વાંધો શા માટે હોવો જોઈએ એ સમજાતું નથી. આ વ્યક્તિઓ અહીં પાત્ર તરીકે આવતી નથી — જો કે એ રીતે પણ આવી શકે – માત્ર વાસ્તવિક ઘટના અંગેના રેફરન્સ પોઈન્ટ તરીકે આવે છે. ધીરેન્દ્રને બદલે વીરેન્દ્ર કે ચુનીભાઈને બદલે મુનીભાઈ લેખક સહેલાઈથી લખી શક્યા હોત. પણ તો એ નામો આ ઘટનાઓ માટે રેફરન્સ પોઈન્ટ ન બની શક્યાં હોત. વળી જેમનો નામોલ્લેખ થયો છે તે કથાના પ્રવાહમાં તો સંડોવાતા નથી કે ઘટનાઓના ઘડતરમાં પણ ફાળો આપતા નથી, તો પછી તેમના નામોલ્લેખ અંગે શા માટે વાંધો હોવો જોઈએ?

હા, નવલકથાની થોડી વધુ પડતી સાહિત્યિકતા અંગે સર્વસાધારણ વાચક કદાચ થોડો ઉચાટ અનુભવે. સુમંત છે તો અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી, અને પછી અધ્યાપક, પણ આખી નવલકથામાં તે અર્થશાસ્ત્રની વાત ભાગ્યે જ કરે છે. વાત કરે છે તો કવિઓ અને કવિતાની, લેખકો અને તેમનાં લખાણોની. હોસ્પિટલમાં બેઠાં બેઠાં તે બે પાનાંની અછાંદસ કવિતા પણ લખી નાખે છે. આ ઉપરાંત જુદાં જુદાં પાત્રો તરફથી નાનાભાઈ ભટ્ટનું અવતરણ, ઈર્શાદની ગઝલ, નિરંજન ભગત, ધર્મવીર ભારતી, ધીરેન્દ્ર મહેતા, કવિ ‘તેજ,’ રમેશ સંઘવી, વગેરેની કાવ્ય પંક્તિઓની ભેટ પણ આપણને મળે છે. અહીં પાત્રોનાં નામ ભલે બદલાતાં રહેતાં હોય, લેખકની પોતાની સાહિત્યપ્રીતિ જ એ બધાં વ્યક્ત કરતાં જણાય છે. લેખકના વ્યક્તિત્વનો પ્રભાવ કથાનાં ઘણાં પાત્રો પર પડે તે આવકાર્ય ગણાય કે કેમ એ પ્રશ્ન છે. પણ આ કૃતિ દ્વારા લેખકની જીવન અને માણસ વિશેની જે નરવી અને ગરવી સમજણ પ્રગટ થાય છે તે તેનો એક આગવો વિશેષ બની રહે છે.

૧૯૬૦ પછીનાં વીસેક વર્ષ એટલે ગુજરાતી સાહિત્યમાં આવેલા આધુનિકતાના વાવાઝોડાનાં વર્ષો. અને એ વાવાઝોડાની આંખ હતા સુરેશ જોશી. રઘુવીરભાઈએ જ સુરેશ જોશીને વ્યવસ્થાના સૌથી મોટા વિરોધી તરીકે ઓળખાવ્યા છે. વળી કહે છે કે ટીકા એમનો સ્થાયી ભાવ હતો અને જ્યાં નાયક હોય ત્યાં વિરોધ નામનો રસ સર્જાતો. પણ આધુનિકતાને નામે ફેલાયેલી અવ્યવસ્થાનો ભોગ બન્યા વગર, ટીકા અને વિરોધની પરવા કર્યા વગર, પોતાનામાં અને પોતાના વાચકોમાં શ્રદ્ધા રાખીને એ વખતે કેટલાક લેખકો લખતા રહ્યા. તે વખતે આમ કરવું સહેલું નહોતું. કારણ એ સામે પૂરે તરવા જેવું કામ હતું. આવા લેખકોમાંના બે તે રઘુવીરભાઈ અને – મને ખબર છે, બીજું નામ સાંભળીને ઘણા ચોંકી ઊઠશે – એકલવીર ચંદ્રકાંત બક્ષી. માત્ર નવલકથાની જ વાત કરીએ તો ૧૯૬૫માં સુરેશ જોશીની છિન્નપત્ર પ્રગટ થઈ તે પહેલાં ૧૯૬૩માં બક્ષીની પહેલી નવલકથા આકાર અને ૧૯૬૪માં રઘુવીરની પહેલી નવલકથા પૂર્વરાગ પ્રગટ થઈ ચૂકી હતી. ૧૯૬૫માં એક તરફ છિન્નપત્ર તો બીજી તરફ અમૃતા પ્રગટ થઈ. ૧૯૬૭માં બક્ષીની પેરેલિસિસ આવી. બક્ષી ઉંમરમાં રઘુવીર કરતાં છ એક વર્ષ મોટા. પણ બંનેનું લખવાનું લગભગ સાથે શરૂ થયું. બંનેને પોતાની જાતમાં અને પોતાની કલમમાં ભરપૂર શ્રદ્ધા. કોઈથી દબાવાનું કે દોરવાવાનું બંનેના સ્વભાવમાં જ નહિ. બક્ષી જબરા નિરીક્ષક. ઘટનાના બેતાજ બાદશાહ. રઘુવીર નિરીક્ષક ઉપરાંત વિચારક અને સમાજ હિતચિંતક. તેમને મન પહેલાં પાત્ર, પછી ઘટના. બંને ભાષાને રમાડી જાણે, બંને વ્યંગ-કટાક્ષ કરવામાં પાવરધા. બંનેએ ઘણું લખ્યું, પણ અમુક સ્તરથી નીચેનું નહિ. બંનેએ નવલકથા, વાર્તા, નાટક, લેખ, નિબંધ, પ્રવાસ વર્ણન વગેરે લખ્યાં. બક્ષીએ કવિતા ન લખી. બંનેનું મુખ્ય કામ કથાસાહિત્યમાં. બંનેએ છાપાં અને સામયિકો માટે પુષ્કળ લખ્યું, પણ પોતે કોઈ સામયિક ન તો શરૂ કર્યું કે ન તો લાંબા વખત માટે હાથમાં લીધું. રઘુવીર સતત સાહિત્યિક, શૈક્ષણિક, સાંસ્કૃિતક સંસ્થાઓની સાથે રહ્યા, બક્ષી સતત સામે. બંનેના મિત્રોની સંખ્યા મોટી, તો અમિત્રોની સંખ્યા પણ નાની નહિ. પોતાની સગવડ અને જરૂર પ્રમાણે મિત્રમાંથી અમિત્ર અને અમિત્રમાંથી મિત્ર બની બેસનારાઓનો બંનેને ખાસ્સો અનુભવ. પણ બંનેએ એક કામ કર્યું. પોતપોતાની રીતે આધુનિકતાના વાવાઝોડા સામે ટટ્ટાર ઊભા રહ્યા અને પોતાની હરીભરી સર્જકતાનાં સુફળ વાચકોને સતત આપતા રહ્યા. બક્ષીની હયાતીમાં તેમને વિષે રઘુવીરભાઈએ લખેલું: “એમના સાહિત્યે મને યુગચેતનાના અવબોધ સાથેનો આનંદ આપ્યો છે. તેથી એ મારા પ્રિય લેખક છે.” અલબત્ત, બક્ષીએ રઘુવીર માટે – કે બીજા કોઈ સમકાલીન લેખક માટે આવું લખ્યું નહિ હોય. કારણ બક્ષીનો પ્રિય લેખક એક જ હતો, બક્ષી પોતે. પણ બંનેના લેખનમાં સતત આધુનિકતાના હઠાગ્રહ વિનાની અદ્યતનતાનો સભર અનુભવ થાય.

શરૂઆતમાં મેં કહ્યું હતું: “અગાઉના વક્તાઓ કરતાં મારી સ્થિતિ જરા જુદી છે. જુદી છે એટલે તેમના કરતાં ઓછી સારી કે વધુ સારી છે એમ નહીં. પણ જરા જુદી છે કારણ મારે જેમને વિષે વાત કરવાની છે તે હાજરાહજૂર છે. માત્ર આ સભાગૃહમાં જ નહિ, ગુજરાતી સાહિત્યમાં પણ હાજરાહજૂર છે.” હવે અંતે લાગે છે કે ના, મારી સ્થિતિ જરા જૂદી તો છે જ, પણ થોડી વધુ સારી છે. કારણ આગલા વક્તાઓ જે કરી શકે એમ નહોતું તે કરી શકાય તેમ છે. રઘુવીરભાઈને અત્યારે સવાલ પૂછી શકાય. રઘુવીરભાઈ, તમે ગૂજરાત વિદ્યાપીઠમાં કામ કરતા હતા અને રહેતા પણ હતા ત્યારે એક વાર તમારે ઘરે મોરારજી દેસાઈ આવેલા. ત્યારે તમે આત્મકથા લખવા માટે તેમને ડાયરી ભેટ આપેલી. પછી મોરારજીભાઈએ જે આત્મકથા લખી તે એ ડાયરીમાં લખેલી કે નહિ તેની તો ખબર નથી. પણ આત્મકથા લખી તો ખરી. રઘુવીરભાઈ, તમને પૂછવાનું મન થાય કે આત્મકથા લખવા માટે તમને કોણ ડાયરી આપે તેની તમે રાહ જૂઓ છો? હવે આત્મકથા લખો ને! અને જેમ સવાલ પૂછી શકાય તેમ આશા-અપેક્ષા અને શુભેચ્છા પણ વ્યક્ત કરી શકાય.

‘શબ્દસૃષ્ટિ’ના ૨૦૧૨ના દીપોત્સવી અંકમાં રઘુવીરભાઈએ લખેલું: “મારો આ અધૂરો મનસૂબો છે – આજના સમાજને સ્પર્શે એવું નૃત્ય સંગીતથી સભર નાટક લખવું, ભજવવું.” આવું નાટક વહેલી તકે તમારી કલમે લખાય અને એનો પહેલો પ્રયોગ મુંબઈમાં જ થાય એવી શુભેચ્છા નહિ, તમારી પાસે આશા-અપેક્ષા પણ રહે છે, રઘુવીરભાઈ!

* સાહિત્ય સંસદ સાન્તાક્રૂઝ, એક્ટિવિટી ફોરમ ઓફ રોટરી ક્લબ ઓફ બોમ્બે વેસ્ટ, અને શ્રી કીર્તન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે, મુંબઈમાં, પાંચમી માર્ચ, ૨૦૧૬ના રોજ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ચાર ગુજરાતી સર્જકો વિષે યોજાયેલ ‘સંસ્કૃિત સેતુ’ કાર્યક્રમમાં રજૂ કરેલું વક્તવ્ય.

e.mail : deepakbmehta@hotmail.com

https://www.facebook.com/deepak.b.mehta.1/posts/10206922584359494

Loading

સૂચિ સાચી છે…

મણિલાલ હ. પટેલ|Opinion - Opinion|14 May 2016

સૂચિ સાચી છે એ સૂચિબહેનનું રેખાચિત્ર મણિલાલ પટેલનું આલેખન છે. મારું અનુમાન એવું હતું કે આ મધુસૂદનભાઈ કાપડિયાના પ્રોજેક્ટનો ભાગ છે.  મધુસૂદનભાઈને ફોન કરતાં જાણ્યું કે એમ જ છે. મધુસૂદન એક કમાલ વ્યક્તિ છે. ન્યૂ જર્સીથી સીનસીનાટી ,ઓહાયો ગયા, તો ત્યાં બેઠે બેઠે કાવ્યસ્વાદનો  પ્રોજેક્ટ શરૂ કર્યો – એમના શબ્દોમાં કહું તો "અભાગિયા જીવને કંઈ કર્યા વિના ચેન ન પડે." પણ એની વાત ક્યારેક પછી. આ બીજો મહત્ત્વાકાન્ક્ષી પ્રોજેક્ટ છે 'અમેરિકાના ગુજરાતીઓ : સંઘર્ષ અને સિદ્ધિ'.  

કેટલાક વિશિષ્ટ લોકોની મુલાકાત મણિભાઈ લે છે – આ માત્ર ઇન્ટરવ્યુ નથી.  આ તો અંતરંગને પામવાનો અને આલેખવાનો પ્રયત્ન છે. અત્યાર સુધીમાં લગભગ 40 મુલાકાતો થઈ છે.  રેખાચિત્રોને પુસ્તકાકારે પ્રગટ કરવાની યોજના છે તેમ જ એના અંગ્રેજી અનુવાદની પણ યોજના છે. આવું કામ તો કોઈ સંસ્થા જ કરી શકે પણ ત્યાંની બે સાહિત્યિક સંસ્થાઓએ આ જવાબદારી લેવાની ના પાડી, તો મધુસૂદન કાપડિયા એકલે હાથે ઝંપલાવે છે. 

સૂચિ સાચી છે એનો પ્રથમ મણકો છે.

• • • • • 

સૂચિ ગિરીશ વ્યાસ

આખું અમેરિકા ‘સૂચિ’ને ઓળખે છે. આ અતિશયોક્તિમાં ભારોભાર સચ્ચાઈ છે.. આંખકાન ખુલ્લાં રાખીને અમેરિકામાં ફરતો-રહેતો દરેક ગુજરાતી જાણે છે કે સૂચિ સાચી છે. ‘સૂચિ’ માનાર્થે એકવચનમાં ઉચ્ચારાતું વ્હાલું નામ છે. આપણાં જાણીતાં કવયિત્રી પન્ના નાયકને મુખે ‘સૂચિ’ બોલતું સાંભળીએ ત્યારે અણસાર આવે છે કે ‘સૂચિ’માં હૈયું અને હેત, હૂંફ અને હિત ખીચોખીચ ભરેલાં છે .. ને આ બધાં વાનાં બીજાંઓને વહેંચવા માટે છે.

સૂચિનું અસલ નામ તો છે સુચેતા છગનલાલ જોષી. ગામ – રાજકોટ. ગાંધીજીની દાંડીયાત્રા વેળાએ આશ્રમથી સવારે પ્રસ્થાન કરતી વખતે લેવાયેલ છબી-ચિત્રમાં ગાંધીજીની જમણે બાપુને અડીને ચાલી રહેલ ગાંધી ટોપીધારી માણસ તે જ છગનલાલ જોષી છે. બાપુના અંતેવાસી રહેલા સેવક છગનલાલ ક્વિટ ઇન્ડિયા પછી પુન: સંસારી થયા એ ગાળામાં સૂચિનો (1946) જન્મ થયેલો. એટલે મોટાં ભાઈબહેનની જેમ એને બાપુના આશ્રમમાં ઉછરવાની તક ન મળી. બા રમાબહેન અને પિતાજી બાર વર્ષ ગાંધી આશ્રમમાં રહેલાં. પિતાજીએ કદી પગારની નોકરી નહીં કરેલી. વારસાગત વ્યવસાયની આવકમાંથી બા ઘર ચલાવતી. પછી તો ભાઈ કમાતા થયા. જીવન સાદું અને નોકરને ય (રસોઈ કે કચરાપોતાં / કપડાં-વાસણ કરનારને) મદદ કરવાની પરંપરા. આજે ય શાકાહારી અને સાત્ત્વિક ભોજનની ટેવ છે. પિતાજી ‘હરિજન સેવક સંઘ’ના અને ‘અખિલ હિન્દ નશાબંધ મંડળ’ના પ્રમુખ તરીકે સેવારત રહેલા. બાએ ખાસ્સો સંઘર્ષ વેઠેલો પણ ગાંધીજી-કસ્તૂરબાનું ભાવસમૃદ્ધ નીતિનિષ્ઠ અને મહેનતકશ સાંનિધ્ય પામ્યાં એ બહુ મોટી વાત હતી. જાણે અજાણે પણ સૂચિ પર આવાં માબાપનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો એ વાત સૂચિનાં સેવાકાર્યો અને નોકરીનાં વર્ષોની નિસબત તથા સાહસભરી કામગીરી જોતાં સમજાઈ જાય એમ છે. પિતાજી નશાબંધી માટે અને હરિજનો માટે સમર્પિત હતા. તમે યોગાનુયોગ તો જુઓ : સૂચિએ પણ ડ્રગ અને આલ્કોહોલમાં પાયમાલ થયેલા ગરીબો તથા ગુંડાગર્દી કરનારા મહાભરાડીઓ સાથે ત્રણ દાયકા સુધી પૂરી લગનથી જીવ રેડીને કામ કર્યું છે…ને USAમાં પ્રથમવાર આવતાં, ઘર-નોકરી-સહાય-હૂંફને હેત શોધતાં/ઝંખતાં અનેકોને તમામ પ્રકારની મદદ કરી. બાબાપુજીની સંસ્કાર-પરંપરા-પ્રીતિ વિના સૂચિ માટે આ શક્ય નહોતું. સૂચિનું આવું ભર્યુંભાદર્યું ભીતરી વ્યક્તિત્વ જાણનાર આશ્ચર્યચકિત થઈ જાય એમાં નવાઈ નથી.

કેમ કે સૂચિ બિન્ધાસ્ત છે, આખાબોલાં-સાચાંબોલાં આક્રમક ને ફટાફટ કામ પાર પાડતાં સૂચિમાં તમને ઠાવકાઈ-ગંભીરતા જોવા નહીં મળે. પણ વખતે એ ગુણો ય કામ તો કરતા જ હોય ! મૂળ વાત એટલી જ કે દંભ, દેખાડો, ગરબડ, ગોટાળો સૂચિથી 100 માઇલ છેટે રહે .. એમનાં મન-વચન-કર્મ આપણી સામે પારદર્શકપણે વિલસતાં હોય છે. સૂચિ-ગિરિશનું ગોરપદું જરાક નોખું છે. આ ગોર પરગજુ થઈને પરણાવી આપે છે ને ગાંઠનું ગોપીચંદન કરીને ઘર પણ ચલાવી આપે છે. પોતે વ્હાલ કરે અને વિશ્વાસ મૂકે પછી સામેની વ્યક્તિને જેમ રુચે તેમ ભલે કરે .. જો કે ઝીણો ય રંજાડ કરનાર હજી સુધી તો ભાગ્યે જ મળ્યા છે.

સૂચિ-ગિરીશનું ઘર તો પ્રેમનો માળો છે.
અનેક માટે ઠર્યાનું ઠેકાણું છે તથા થાક્યાનો વિસામો છે ..
આ માત્ર રેનબસેરા નથી.
અહીં તો પંખીઓ વળી વળીને વાસો કરવા,
તાજામાજા થવા ને મૌજ કરવા વારેતહેવારે પાછાં આવે છે.

એરપોર્ટની ઇન્ક્વાયરીમાં એમણે ફોન નંબર આપેલો છે. અધમધરાતે રઝળી પડનારને કે કશે જગ્યા નહિ જડનારને એ જઈને લઈ આવે છે. જમાડે, રાખે અને વ્યવસ્થા કરીને મૂકી આવે. નોકરી શોધી આપે ને પૈસાનો ટેકો કરે .. પછી ભૂલી જાય .. વળી બીજાનાં કામ કરી આપવામાં વ્યસ્ત થઈ જાય. આ બધાંની વચ્ચે પોતાનાં કાર્યો રાત વેઠીને ય હસતાં-રમતાં કરી લેવાનું આ દંપતીને ફાવે છે. હું અને બળવંત જાની સૂચિને ત્યાં વારેવારે રહેતા હોવાથી બધી વાતો જાણીને અચંબિત થઈએ છીએ. વાતોના તડાકા અને ગિરીશના હાસ્ય રેલાવતા નર્મમર્મ વચ્ચે પાંચ-પંદર માણસની રસોઈ કરી દેતાં સૂચિ રસોડામાં ઓછાં અને લિવિંગ રૂમમાં હસતાં-ઉછળતાં વધારે દેખાય છે.

બાળપણની નટખટ તોફાની સૂચિ કિશોરવયમાં વધુ રૂપાળી બની છે. બહેનપણીઓ ખરી પણ છોકરાંઓ ભેગી ય ભળે. મોટાં ભાભીનો ભાઈ ગિરીશ વ્યાસ આવતો ત્યારે બધાં ભારે ધમાલ કરતાં. સાતતાળી, પાનાં, સંતાકૂકડીની રમતો ચાલે .. ગિરીશ પાંચ-છ વર્ષે મોટો ને સૂચિને તો હોમપીચ પર રમવાનું .. ધીમે ધીમે જીવ મળ્યા .. બંને પરણવાની જિદ્દે ચઢેલાં. ઘરનાં સગાંમાં સગું કરતાં અચકાય. સૂચિ માટે એના જેવો જ સુંદર છોકરો ઉદય ભાવનગરમાં ભણતો હતો તેની વાતો ચાલતી હતી. પણે સુચેતા ન માની તે ન માની. અઢાર વર્ષની ઉંમરે ગિરીશને પરણીને સૂચિ મુંબઈ સાસરે ગઈ. હાઈસ્કૂલ સુધીનું ભણતર થયેલું. જો કે સાસરે તો નોકર-ચાકર હતા. ગિરીશ ત્યારે વલ્લભવિદ્યાનગરની BVM કૉલેજમાં સિવિલ એન્જિનિયરિંગનું ભણતા હતા. સૂચિએ કે.સી. કૉલેજમાં ભણવાનું શરૂ કર્યું ત્યારે તે દીકરા-દીકરી(ભેરુ-ડોલી)નાં મમ્મી બની ચૂક્યાં હતાં. રૂપાળી-ઉજળી-બિન્ધાસ્ત-તોફાની સૂચિ કૉલેજમાં પણ સૌને પ્રિય છે. એના બોયફેન્ડ થવા ઇચ્છનારાઓ પણ એને ‘મમ્મી’ કહેતા. સૂચિ ત્યારથી જ ઘણાંની મમ્મી છે. સુરેશ દલાલ ફરજિયાત ગુજરાતી ભણાવવા આવતા ને તોફાનોમાં છેલ્લી પાટલીએ મિત્રો વચ્ચે બેસીને ય ચૂપ નહિ બેસતી સૂચિનું નામ ગર્જયા કરતું. અંગ્રેજી અને સાયકૉલોજીના ક્લાસમાં (પછી જે ફિલ્મસ્ટાર થયા) રાજેશ ખન્ના સહાધ્યાયી હતા.

સૂચિએ સાયકૉલોજી સાથે B.A. કર્યું. પછી થોડું મોડેથી માસ્ટર્સ કરેલું ત્યારની નીતિ પ્રમાણે ગિરીશ-સૂચિને બાળકો સાથે USA આવવાના વીઝા મળેલા. 1970ના મેમાં ગિરીશ આવ્યા પછી વરસતા સ્નોમાં 1970ના જ ડિસેમ્બરમાં સૂચિ બે બાળકો સાથે JFK એરપૉર્ટ પર ઊતર્યાં ત્યારે લેવા આવેલા ગિરીશ ઘડીક સંતાકૂકડી રમતા હોય એમ અટવાઈ ગયેલા. સૂચિને થયેલું કે આ તો હજી ય પેલી કિશોરકાળની રમત જ રમે છે કે શું? નાનકડી જગ્યામાં સંસાર ગોઠવ્યો. પણ વચ્ચે ગિરીશને નોકરી ન્હોતી. ઠંડીમાં કપડાં ય બીજાઓ પાસેથી મેળવેલાં. જમવાનું ય ન ફાવે, જે પદાર્થો મળે તેને ગુજરાતી રીતે રાંધી લેતાં લેતાં નવા દેશવેશ-ભાષા-વાતાવરણ સાથે ટેવાતાં-ગોઠવાતાં ગયાં. બેબી સીટિંગથી સૂચિએ કામ પ્રારંભેલું. પછી ફૂડ ફૅકટરીમાં રાતની નોકરી લેવી પડેલી. સવારે કૉલેજ ભણવા જાય, બપોરથી સાંજ લગી રાંધવાનું ને બાળકોને સંભાળવાનું. છેવટે કપરા દિવસો પૂરા થયા. ગિરીશને કન્સ્ટ્રકશન કંપનીમાં પ્રોજેક્ટ પ્રમાણે કોન્ટ્રાકટર હાયર કરે. પ્રૉજેકટ બદલાય, સ્થળ અને હાયર કરનાર પણ બદલાય, પણ નોકરી ચાલુ જ રહેલી. ગિરીશનું કામ ચીવટ અને ચોખ્ખાઈવાળું, ઝડપી ખરું એમની માગ રહેતી. સૂચિને પણ ફિલાડેલ્ફિયાના ડ્રગ્સ એડિક્ટ રિહેબ સેન્ટરમાં રુચિની, કાયમી અને માનપાન સાથેની જોબ મળેલી. હવે બાળકો મોટાં થાય છે ને સૂચિનું કાર્ય રંગ લાવે છે. હવે મહેમાનો તથા રુચિપોષક કાર્ય માટે વખત મળે છે.

સૂચિના ‘રિહેબ’ કાર્ય અને નિજી પદ્ધતિથી ઝડપી અને વધુ સારાં પરિણામો મળતાં સંસ્થાને એવોર્ડઝ મળે છે. સંસ્થા સુખ્યાત થાય છે. બીજા લોકો રિહેબમાં સાયકોની પરંપરાગત રીતિઓ જ પ્રયોજે છે, જ્યારે સૂચિ ‘રીનોન્ડ’ રીતે કામ કરે છે. દર્દીઓ ડ્રગ્સથી ખતમ થયેલા હોય, કોઈ ગુંડાગર્દીમાં જેલ ગયેલા, વંઠેલા, આક્રમક હોય, બીક લાગે પણ પેલી બિન્ધાસ્ત સૂચિ અહીં પ્રગટ થાય છે. ત્રેવડ રાખી હિંમતથી ઝંપલાવતી સૂચિ ક્યારેક તો નોકરીને જોખમે ય નિયમોને છોડીને કામ કરે. અવનવા પ્રયોગો કરે, વ્હાલથી વળગી ય પડે. સૂચિને વધારે અઘરા કેસો સોંપાય, સૂચિ વિમાસણમાં પડી જાય પરંતુ પડકાર ઉપાડી લ્યે. આવા તો કેટલા ય કેસો એણે સંભાળ્યા. એમાંના દશબાર કેસો વિશે, એ વ્યક્તિઓ વિશે, એણે ‘સૂચી કહે’ રેખાચિત્ર/વાર્તાના પુસ્તકમાં જીવથી લખ્યું છે.

સૂચિ ખરાબ ટેવોનો વિદાય આપતી રમતો રમાડે. એવી કુટેવોની ફ્યૂનરલ કઢાવે. બાળક બનીને સૌને બાળક જેવા બનાવે. આપણને ‘દો આંખે બારહ હાથ’ ફિલ્મ યાદ આવી જાય. સૂચિને કોરી ખાતી ભાવશૂન્ય આંખો અને અટ્ટહાસ્યો, જિદ્દ બધાં સામે નર્યા પ્રેમથી વર્તતી સ્વસ્થ સૂચિ તો જેમણે અનુભવી હશે એ જ પ્રમાણવા યોગ્ય બન્યા હશે તો હશે ! આવા દર્દીઓ બહુધા આફ્રિકન-અમેરિકન, થોડા એશિયનો તથા મૂળના અમેરિકનો પણ ખરા. પણ દર્દી એટલે દર્દી. ગમેતેમ બોલે કે વર્તે .. સૂચિએ તો પ્રેમથી કામ લેવાનું, થાકવાનું નહિ આ જ પડકાર છે.

સૂચિ સૌને કમળતળાવે લઈ જાય ને પ્રકૃતિલીલા દેખાડે, દર્દીની રુચિ જાણી લ્યે પછી એવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવે. કોઈને બાગકામ, કોઈને ખેતીકામ, કોઈને સુથારીકામ તો કોઈ માટીકામ કરે. ચિત્રો કરનારા ય આવ્યા અને સૌરાષ્ટ્રના ભરતગૂંથણવાળા ચાકળા બનાવનારા થતા સીવણ કરનારાં ય મળી આવ્યા. સૂચિ દર્દીઓની જુદી જ દુનિયામાં લઈ જઈને એમની જાત સાથે જોડતી. ચિત્રો-ચાકળા અન્ય નમૂનાઓથી સંસ્થાની રૂમો-દીર્ઘાઓ શણગારતી હતી. દર્દીઓનાં ચિત્રોમાંથી મોટું કોલાજ જેવું મ્યૂરલ આજે ય સંસ્થાની ભીંતને શોભાવી રહ્યું છે. સાજા થઈ ગયેલાં દર્દીઓ (ભાઈ-બહેનો) યાદ કરી અને મળવા આવે. પ્રસંગે બોલાવે, વ્હાલ કરે! આ જ તો ખરી કમાણી છે. જેનાં માબાપે મહાત્મા ગાંધીને ઉપાસ્યા હોય તેવી કોઈ સૂચિ જ આ કરી શકે. આપણી અંદરના અસલ માણસને જીવતો રાખીને જીવનારાં આવાં તો કોઈક જ હોય. ઉમાશંકરને યાદ કરીને સૂચિ કહે છે :

‘ત્રણ વાનાં મુજને મળ્યાં :
હૈયું મસ્તક હાથ
જા ચોથું નથી માગવું
બહુ દઈ દીધું નાથ.’

આ ત્રણે વાનાંને સૂચિ જીવનભર પ્રયોજતી રહી છે. પશ્ચિમની પ્રજા જેને માટે કહે છે – થ્રી ‘એચ’. હાર્ટ-હેડ-હૅન્ડઝ !

સૂચિ એક પ્રસંગ કહે છે. 20 જેટલાં દર્દીઓને લઈને સંસ્થાના વાનમાં સૂચિ એમને દૂરના સ્થળે ફરવા – પિકનિક પર – લઈ જાય છે. બધું સમુંસૂતરું ચાલે છે, પણ વળતાં પેલા બધા સૂચિને કહે છે, ચાલ સૂચિ ! અમે તો આ બહેન સાથે જ ભાગી જવા ચાહીએ છીએ. અમારે એ કેદખાનામાં પુન: નથી આવવું. મુક્ત થઈ જવું છે. ગાડી ચલાવનાર પણ એમનો જ, એ ય તાનમાં. કર્મચારી તો સૂચિ એકલી હતી. અંદરથી ડરી-હચમચી ગયેલી સૂચિને આ ઘટનાના બધા સંકેતોએ આંખે અંધારાં લાવી દીધાં, છતાં કોઈ અજબ શક્તિની સૂચિ સ્વસ્થતા ઓઢીને બધાંને વાતે વળગાડે છે : ‘હા ચાલો, હું ય આવું. પણ એક જોખમ છે. આ સંસ્થાની મોટરવાન આપણને પુન: પકડાવી દેશે. પાછી જેલ, પાછું સંસ્થામાં જવાનું .. ને બધું એકડેએકથી શરૂ કરવાનું. આ તો વધારે અઘરું છે – આપણે બીજો રસ્તો વિચારીએ.’ આવી ચર્ચામાં સૌને જોડીને બધાંને પાછાં સંસ્થામાં લાવી ઉતાર્યાં. બધા બોલી ઉઠ્યા – ‘સૂચિ આપણને બનાવી ગઈ.’ બીજી બાજુ સૂચિ બેભાન થઈને પડી હતી, બધું માંડ થાળે પડેલું ! સાઇકોથેરેપી શું છે ? એ માત્ર પુસ્તકોમાંથી નહિ, સૂચિ જેવાં કર્મશીલો પાસેથી પણ શીખવું જોઈએ. પોતાના આવા અનુભવો સૂચિ કશા દાવા વિના, વાર્તા-રેખાચિત્ર રૂપે લખે છે. વાર્તાકલા વિશે મારે સાથે સૂચિ 2009થી આજ સુધી ચર્ચા કરતાં રહ્યાં છે ને એ જાણે છે કે વાર્તા સર્જવી અઘરી છે.

બા પાસેથી ગાંધીજીને અને આઝાદી-આંદોલનની વાતો સાંભળેલી. પિતાજી નાની ત્રણે બહેનોને આશ્રમ તથા યરવડા જેલ, વર્ધા-સેવાગ્રામ અને બીજાં આંદોલન-સ્થળો પ્રવાસ કરીને બતાવેલાં. મોટીબહેન જાણીતા બાળકેળવણીકાર ગિજુભાઈ બધેકાનાં દીકરાને પરણીને ભાવનગરની દક્ષિણામૂર્તિ શાળાને સમર્પિત થયેલાં. આજે એ મોટાભાઈ કે બહેનો કોઈ રહ્યાં નથી, માત્ર એમની યાદો તથા રાજકોટનાં એ તોફાનમસ્તીનાં વર્ષોની સ્મૃિતઓ વગેરે બચ્યાં છે.

પણ સૂચિને તો જીવનભર સખીઓ-મિત્રો મળતાં જ રહ્યાં છે. સ્વભાવ જ સૌને પોતાનાં કરી લેવાનો અને પ્રસંગે-સાંજેમાંદે-છાનાંમાનાં મોઢામોઢ થઈ મદદ કરવાનો. આજે હિન્દુ – ઇસાઈ – મુસ્લિમ – પંજાબી – દક્ષિણ ભારતીઓ તથા એશિયન – આફ્રિકન – અમેરિકન એમ ઘણા મિત્રો છે – મળે છે ને પર્વો ઉજવે છે. આ વયે પણ તોફાનમસ્તી કરી લેનારા મધુ રાય અને સુઘોષ મજમુદાર જેવા મિત્રો છે. મધુ રાયને તો પોતાની ‘રિહેબ સંસ્થા’માં નોકરી પણ અપાવેલી. પરંતુ મધુભાઈ બાંધી નોકરી કરવા નથી સર્જાયેલા. સદાય કોરી રહેતી મધુભાઈની આંખ સૂચિની વાતોમાં નમ બને છે. એકવાર મધરાતે જયંતી પટેલ ‘રંગલો’ને મધુ રાય સૂચિને ઘેર મૂકી આવેલા – ‘પગ ભાંગેલો’ તે કહેવાય નહોતા રહ્યા. કેટલો વિશ્વાસ ! સુઘોષ, બાબુ સુથાર, મધુભાઈ, પન્ના નાયક સમેત અનેક મિત્રો માટે સૂચિ-ગિરીશનું ઘર-રસોડું-ભોંયરું સદાને માટે ખુલ્લાં જ હોય છે.

સુઘોષ તો છેક કૅલિફોર્નિયાથી સૂચિના વિશ્વાસે બસમાં અથડાતાં-પછડાતાં છસાત દિવસે ફિલાડેલ્ફિયા પહોંચેલા. સૂચિને જોયાં પણ નહોતાં. પછી તો પ્રારંભે સૂચિના ઘરે જ રહીને ભણવાનું વગેરે પ્રારંભેલું. આજે પણ સુઘોષને માટે તો સૂચિ મમ્મી-મિત્ર-મોટી મૂડી જેવાં તો છે જ છે. સૂચિનો ચહેરો કાયમ હસતો ને હસતો હોય છે. હૃદયમનની પ્રસન્નતા વિના આ શક્ય નથી. પિતાજી કાયમ મહેમાન લઈને આવતા. સૂચિને એ પરંપરા જાળવ્યાનો આનંદ છે. ગિરીશ વ્યાસ પણ આ આનંદવર્તુળમાં ‘ત્રિજયા’ નહિ પણ ‘વ્યાસ’રૂપ છે. બંનેની ‘સેન્સ ઑફ હ્યુમર’ ગજબ છે. બંને એકબીજાંને આકરું લઢીવઢી શકે છે પણ ખોટું લગાડતાં નથી. નકામી નિયતને હસી કાઢે છે. ઘરકામ બંને સાથે જ કરે છે. ‘નિવૃત્તિમાં શું કરો છો?’ એવા પ્રશ્નના જવાબમાં ગિરીશ કહે છે : ‘સૂચિનું પર્સ ઉપાડવાની જવાબદારી ઉપાડું છું ..’ બંનેને હાસ્ય અને સદ્ભાવે સેવાપ્રેમે ટકાવ્યાં છે. હવે ઉંમરનો પડાવ દેખાય છે.

દીકરાદીકરીના સંસારમાં તટસ્થ બનીને રસ લેતાં સૂચિ-ગિરીશ ગુપ્ત રીતે ચેરિટી કરતાં રહે છે. ભક્તિ કે મંદિર કરતાં એમને ‘સર્વિસ ટૂ ફેલોમેન ઇઝ સર્વિસ ટૂ ગોડ’માં વધારે રસ છે. અનાથાશ્રમો, ગૌશાળાઓ (ગુજરાતમાં), કેન્સર નિવારણ કેન્દ્રો, ઘાયલ સૈનિક સેવા સંસ્થાનો તથા વહેલતારકોને દર વર્ષે નિયમિત ચેક મોકલતાં ગિરીશ-સૂચિને પ્રકૃતિ પણ ખૂબ વ્હાલી છે.

દૂર પહાડીઓમાં કોઈ અજાણ્યું અને નીરવતા પીતું ગામ છે. પાસે સ્વપ્ન નદી વહે છે એની પેલે પારના હરિયાળા ડુંગરોને માથે વાદળી આકાશ વરસે છે. ત્યાં ધરતી-આભનું મિલન થાય છે. ત્યાં મારું પ્રિયજન મારી સદીઓથી વાટ જુએ છે. આ મારી જન્માંતરોની લાગી રહી છે. હમણાં (જુલાઈ 28/2015) ગિરીશભાઈ મને ત્યાં છેક લઈ ગયા .. જ્યાં ‘દિલાવર’ નદી વહે છે. વૃક્ષોમાં છુપાયેલું ને પ્રશાંતિમાં ડૂબેલું ‘ન્યૂ હોપ’ ગામ છે. સામે ન્યૂ જર્સીમાં રાજ્યની સરહદ છે, ચારે તરફ વનરાઈછાયા ડુંગરો માથે ભૂરું આકાશ વરસે છે. વર્ષો જૂનાં, સુંદર સ્વચ્છ સુઘડ ઘરો ઊભાં છે ને પ્રિયજનની વાટ જોતી મુગ્ધાઓ ટગર ટગર તાકી રહે છે. જાણે આ ગામ અને હું આ લોકમાં નથી, કોઈ જુદા જ આલોકમાં છીએ ! હું કહું છું : ‘ભાઈ, તમે મને જન્માન્તરોથી તરસતા પ્રિયજન સાથે મેળાપ કરાવી આપ્યો છે. હું પુન: આ ગામમાં જન્મ લઈશ.’

સૂચિ-ગિરીશને ઘરે મિજલસ ને જલસો થતાં રહે છે. ફ્રેન્ડઝ ઑવ ફિલોડેલ્ફિયા – કવિતા-વાર્તા-ચર્ચા-સંગીત માટે મળતાં રહે છે. આયોજન ગમે ત્યાં હોય ત્યાં સૂચિનો સક્રિય સહયોગ અને ગિરીશની કારના આંટાફેરા સાથે હાસ્યના ફુવારા ઊડતા જ હોય ! પિનારા અહીં તરસ્યા નથી રહેતા ને મહેમાનો સંકોચ નથી રાખતા. પુસ્તકો-ચિત્રો-ફોટોગ્રાફી-ગાયકી-ગીતકવિતાની લિજ્જત માણનારાં ફિલાડેલ્ફિયામાં ઠીક ઠીક છે.

ફિલોડેલ્ફિયા તો સ્વતંત્ર અમેરિકાની પ્રથમ રાજધાની હતું. લિબર્ટી બેલ અહીં વાગેલો. જે દેશનું બંધારણ અહીં ઘડાઈ-વંચાઈ અને વહેતું મૂકાયેલું. અનેક સુખ્યાત યુનિવર્સિટીઝમાં ગુજરાતીઓ, ભારતીયો અહીં ભણવા આવેલા. સ્કૂલકીલ-ડેલાવર જેવી બારમાસી નદીઓનો બંદરબારાનો લાભ લેતું, વૃક્ષો-પહાડો-પ્રકૃતિ માટે જાણીતું આ રાજ્ય વસનારાંને વ્હાલું લાગે છે. ફિલાડેલ્ફિયામાં ક્રાઇમ રેટ ઊંચો હોય એવા એરિયા છતાં જીવન આનંદમય વીતે છે. સૂચિનો ત્રીજો પાડોશી કરોડપતિ છે – છતાં નિવૃત્તિમાં એ સૂચિના ઘર સમેત ત્રણચાર ઘરની લોન શોખથી કાપે છે. બીજો પાડોશી FBIનો અધિકારી છે. સૂચિના ઘરે – એની ગેરહાજરીમાં – કોઈ પણ આવે, એ પાડોશી પાસે આવે ને ખાતરી કરે .. રાહ જોવા ડેક પર નહિ, પોતાની કારમાં જ બેસી રહેવા વિનંતી કરે. અમેરિકન પ્રજાની આ ખૂબી છે.

ચારપાંચ દાયકા પહેલાં ઘરનાંએ સૂચિ માટે શોધેલો પેલો રૂપાળો ઉદય એક વાર ફોન કરીને સૂચિને જણાવે છે કે એ પરિવાર સાથે મળવા માગે છે. સૂચિના ઘરમાં ઉત્સવ હોય જાણે ! બધાંએ ઘર સજાવ્યું. સૂચિએ ભાવતાં ભોજન કર્યાં. સંતાનો કહે : “મમ્મીનો બૉયફ્રેન્ડ આવે છે.’ ગિરીશે બધાંને જણાવ્યું કે, ‘સૂચિને જોવા છોકરો આવે છે.’ સૂચિ પણ ઘડીવાર તો નર્વસ થઈ ગઈ. ઉદય ગાડીમાંથી લાકડીને ટેકે ઊતર્યો ત્યારે સૂચિ મનોમન બોલી ઊઠેલી કે, ‘બિચારો ઉદય ! છેક અસ્તાચળે આવી મળ્યો ..’ આ પ્રસંગ વર્ણવતાં ગિરીશ-સૂચિની આંખોમાં સાચ્ચે જ આંસુ ઉભરાયાં હતાં. આ બંને ‘મળેલા જીવ’ છે !!

સૌજન્ય : “ગુર્જરી ડાયજેસ્ટ”, જાન્યુઆરી 2016; પૃ. 36-40

Loading

...102030...3,5703,5713,5723,573...3,5803,5903,600...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved