Opinion Magazine
Number of visits: 9768407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશપ્રેમ અને દાંડાઇ વચ્ચેની ભેદરેખા

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|1 November 2016

દેશ અને દેશભક્તિની સર્વોચ્ચ કસોટી પક્ષ કે સાંસ્કૃિતક સંગઠન પ્રત્યે નહીં, દેશના બંધારણ પ્રત્યેની વફાદારી છે

દેશપ્રેમ બદમાશોનો છેલ્લો આશરો છે, એવું અત્યંત જાણીતું અવતરણ જાણે કોઇએ ભારતના ભવિષ્ય તરીકે કહ્યું હોય એવું અત્યારે લાગે છે. આટલું વાંચીને ‘બદમાશ એટલે શું?’, ‘કોણ બદમાશ ને કોણ દેશભક્ત એ કેવી રીતે નક્કી થાય?’ આવા સવાલ ઊભા થઈ શકે. ઉશ્કેરણીભર્યા પ્રચારનો માહોલ પણ એવો છે કે ભલભલાના દિમાગનો કાંટો હાલી જાય. 

‘એક તરફ પાકિસ્તાન ભારતીય સૈનિકો પર હુમલા કરી રહ્યું હોય ને આપણા સૈનિકો શહીદ થઈ રહ્યા હોય, ત્યારે પાકિસ્તાની કલાકારો મુંબઈની ફિલ્મોમાં કેવી રીતે કામ કરી શકે?’ આવું તોફાન થોડા વખતથી ચાલે છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને તેમાંથી અલગ પડેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)નો આ જ ધંધો છેઃ પોતાના રાજકીય હિતને (અને હવે તો પોતાનું અસ્તિત્ત્વ પુરવાર કરવાના ઉધામાને) હિંદુહિત અને દેશહિતના વાઘા પહેરાવીને રજૂ કરવું.

આ ચર્ચામાં આગળ જતાં પહેલાં કેટલાક સાદા સવાલઃ માથે ત્રિરંગો બાંધીને કે ‘ભારતમાતા કી જય’નાં સૂત્રો પોકારીને બૅન્ક લૂંટવામાં આવે, તો એને ‘રાષ્ટ્રવાદી લૂંટ’ કહેવાય? હાથમાં ત્રિરંગો લઈને સરેઆમ ધાકધમકી આપતા – ખંડણી લેતા ને મારામારી કરનારા ‘દેશપ્રેમી’ ગણાય? જેમનો જવાબ ‘હા’ હોય, તેમણે ‘દેશપ્રેમી’ કે ‘રાષ્ટ્રવાદી’ તરીકે પોરસાવાને બદલે, પોતપોતાને માફક આવે એવા રાજકીય પક્ષમાં વેળાસર ભરતી થઈ જવું. કારણ આ દેશપ્રેમ નહીં,  અનિષ્ટપ્રેમ છે અને આવા લોકોને બે હાથ પહોળા કરીને આવકારે એવા પક્ષો આપણે ત્યાં છે જ. 

‘દેશભક્તિના નામે આવું તો થતું હશે? ઊલટું આવું કરવાથી ત્રિરંગાનું અને દેશનું અપમાન થાય’ એવું સમજતા ધોરણસરના લોકો માટે વધુ સવાલઃ દેશપ્રેમના નામે અને પાકિસ્તાનના વિરોધના નામે પોતાના દેશવાસીઓ સામે ધિક્કારઝુંબેશ ફેલાવવી, તેમને ધાકધમકીઓ આપવી, તેમની ફિલ્મો અટકાવવી એ બધું શી રીતે ‘દેશભક્તિ’ કહેવાય? એક અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે અને પાકિસ્તાની કલાકારો ધરાવતી ત્રણ ફિલ્મોના નિર્માતાઓએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને ત્યાં બેઠક કરી. ત્યાં એવું ‘રાષ્ટ્રવાદી’ સમાધાન થયું કે એ નિર્માતાઓ સૈન્ય રાહતફંડમાં પાંચ કરોડ રૂપિયા જમા કરાવે, ફિલ્મની શરૂઆતમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપે અને ભવિષ્યમાં કોઈ પાકિસ્તાની કલાકારને કામ ન આપવાની બાંહેધરી આપે તો જ તેમની ફિલ્મો રજૂ થશે, નહીંતર ‘મનસે’ના ‘દેશભક્તિના ઠેકેદારો’ થિયેટરોમાં તોડફોડથી માંડીને કંઇક તોફાન કરશે.

કોઈ એ તો કહે કે દેશ એટલે શું અથવા કોણ? અને દેશભક્તિની ખંડણીઓ, ભલે સૈન્યના નામે, પણ કોણ ઉઘરાવી રહ્યું છે? જે નેતાઓ ક્યારેક ગુજરાતના, ક્યારેક બિહારના, તો ક્યારેક ઉત્તર પ્રદેશના ભારતીયોને મહારાષ્ટ્રમાંથી તગેડી મૂકવાની હાકલો કરે છે, મન પડે ત્યારે તેમની વિરુદ્ધ ધિક્કારઝુંબેશો ચલાવે છે, એ શિવસેના-મનસે કયા મોઢે દેશની અને દેશપ્રેમની વાતો કરી શકે? એમનો સઘળો દેશપ્રેમ બીજાના સગવડિયા વિરોધ તરીકે જ કેમ વ્યક્ત થાય છે? કારણ સીધું છે ઃ તેમનું રાજકારણ આટલાં વર્ષોથી આવાં તોફાનના જોરે ચાલ્યું છે. એ ચાલ્યું છે, તેના કરતાં વધારે ચિંતાજનક વાત એ છે કે તેને ચાલવા દેવાયું છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીથી માંડીને દેશના ગૃહમંત્રી-પ્રધાનમંત્રી સુધીના સૌ દેશભક્તિના નામે ચાલતી ગુંડાગીરીનો વિરોધ કરે તો પણ કેવી રીતે? એ બધાં પણ આ જ પાણીનાં માછલાં છે ને એ અહીં સુધી પહોંચ્યા એમાં આવી તરકીબોનો ફાળો ઓછો નથી.

પાકિસ્તાની કલાકારોએ ભારતીય ફિલ્મોમાં કામ કરવું જોઇએ કે નહીં, એ વ્યાવસાયિક પરિબળો દ્વારા નક્કી થાય તો ઉત્તમ. છતાં, બન્ને દેશો વચ્ચે તનાવભરી સ્થિતિ હોય ત્યારે જો કોઈ નિર્ણય લે તો એ ભારતની સરકાર લઈ શકે, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી શાણપણ ઉચ્ચારતા હોય ને મહારાષ્ટ્રમાં આવી કાંડામરોડ ચાલતી હોય, ત્યારે તેને કેવળ સંયોગ ગણીને આગળ વધી જવાનું? કે પછી ‘અમારે આ જ કરવું છે, પણ હવે સત્તામાં આવ્યા એટલે ખુલ્લેઆમ કરી શકતા નથી, પણ છીએ તમારી સાથે જ.’ એવી માનસિકતાની અભિવ્યક્તિ ગણવાની? સૈન્યમાંથી કેટલાક સૂર ઊઠ્યા છે કે ભાઈ, અમને તમારા રાજકારણમાં ન નાખો.

એવા અવાજ સત્તાધારી ભા.જ.પ.માંથી ઊઠવા જોઇતા હતા. કારણ કે તેમને તો સૈન્યની બહુ વધારે પડી છે. (ભલે સંરક્ષણ મંત્રીએ સર્જિકલ સ્ટ્રાઇકના બીજા દિવસે નોકરી દરમિયાન વિકલાંગ બનેલા સૈનિકોના પેન્શમાં ધરખમ ઘટાડો કરી દીધો હોય.) પરંતુ રાજ ઠાકરે ટાઇપના લોકો આવી ધોરાજી હંકારે ત્યારે પોતાને અનુકૂળ હોય ત્યાં સુધી સરકારો મોઢામાં મગ ભરીને બેસી રહે છે અથવા સ્થિતપ્રજ્ઞતાથી શાણપણવચનો ઉચ્ચારીને આડું જોઈ જાય છે. તેમને એ ખબર પડતી નથી કે ખરો દેશદ્રોહ પાકિસ્તાની કલાકારોને ફિલ્મોમાં લેવામાં નહીં, પણ દેશભક્તિના નામે ગુંડાગીરી ચલાવવામાં ને ચાલવા દેવામાં છે.

દેશ અને દેશભક્તિ એ કોઈ રાજકીય પક્ષની બાપીકી જાગીર નથી. કોઈનો તેના પર અધિકાર નથી. દેશ અને દેશભક્તિની આખરી અને સર્વોચ્ચ કસોટી દેશના નેતાઓ કે રાજકીય પક્ષો કે રિમોટ કન્ટ્રોલ સાંસ્કૃિતક સંગઠનો પ્રત્યેની નહીં, દેશના બંધારણ પ્રત્યેની વફાદારી છે. દેશના બંધારણને માન આપ્યા વિના દેશભક્તિના દાવા કરે તેવા દેશભક્તોથી અને તેમની આરતી ઉતારનારાઓથી ચેતવું. જે લોકો પોતાના સ્વાર્થ માટે દેશભક્તિને વટાવી ખાય તે કોઈ પણ હદે જઈ શકે.

બાળ ઠાકરેએ મુંબઈમાં એકહથ્થુ રાજ ચલાવ્યું. લતા મંગેશકરો, અમિતાભ બચ્ચનો અને સચિન તેંડુલકરો બાળ ઠાકરેના દરબારમાં હાજરી આપવાના સ્વરૂપે મુંબઈમાં રહેવાની ખંડણી ભરી આવતાં હતાં. પણ તેમની ગુંડાગીરી સામે એક શબ્દ બોલતાં આ મહાનુભાવોની જીભ ઝલાઈ જતી હતી. કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાના સ્વાર્થ ખાતર ઠાકરેને મોકળું મેદાન આપ્યું અને પછી બોટલમાંથી બહાર નીકળેલા જીનને પાછો બોટલમાં પુરવાની તેમનામાં હામ ન રહી. ઠાકરે હોય કે તેમના અનુગામીઓ, તેમના વિરોધનું કોઈ ધોરણ નથી. તેમને પોતાની સત્તા (ન્યૂસન્સ વેલ્યૂ) પર સત્તાવાર મંજૂરીની મહોર ખપે છે. કમનસીબી એ છે કે ફિલ્મવાળા કે બીજા ધંધાદારીઓ તો ઠીક, ચૂંટાયેલી સરકારો પણ સક્રિયતાથી કે નિષ્ક્રિયતાથી આવી મહોર મારી આપે છે.

લેખના આરંભે બદમાશીની અને દેશભક્તિની વ્યાખ્યાની વાત કરી હતી. મનમાં પક્ષકારણનાં જાળાં ન બાઝ્યાં હોય તો આ બન્ને વચ્ચે કશો સમજફેર થાય એમ નથી. બન્ને વચ્ચે ભેદરેખા પાતળી નહીં, ભારત-પાકિસ્તાન વચ્ચેની અંકુશરેખા કરતાં વધારે સ્પષ્ટ છે. દેશના બંધારણને આદર આપનારા, તેનો ભંગ નહીં કરનારા અને તેનો ભંગ કરે તેમનો વિરોધ કરનારા દેશના સાચા નાગરિકો છે. તેમને બીજા લોકો પાસેથી ‘દેશપ્રેમી’ તરીકેના બિલ્લાની જરૂર નથી. દેશપ્રેમના દાવા કરીને દેશના નાગરિકોને રંજાડનારા અને કાયદો હાથમાં લેનારા દેશના સાચા દ્રોહી છે. પાકિસ્તાન તો સરહદ પર નડે છે. આ લોકો આપણી વચ્ચે રહીને, દેશના-નાગરિકત્વના-બંધારણના પોતને અને સરવાળે દેશને નબળો પાડે છે.

સૌજન્ય : ‘ગુંડાગીરીની સામે’, “દિવ્ય ભાસ્કર”, 25 અૉક્ટોબર 2016

Loading

ધર્મસંસ્થાનો આદર, પણ બંધારણ સર્વોચ્ચ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 November 2016

હિંદુ ધર્મ અને હિંદુત્વ બે એક નથી. એક અલબત્ત ધર્મ છે અને જે બીજું તે રાજકીય વિચારધારા છે.

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ઠાકુર સહિતના સાત ન્યાયમૂર્તિઓની બેન્ચ સમક્ષ ભારત સરકાર, ખાસ કરીને ભા.જ.પ. શાસિત રાજય સરકારો મારફત જે રજૂઆત થઈ રહી છે તે ધ્યાનથી તપાસવા લાયક છે. ભા.જ.પ. શાસિત ત્રણ રાજ્યો (ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન) વતી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે ધર્મ તો સમાજનું અંગ છે અને તમે ચૂંટણી ઢંઢેરામાં એની જિકર બાબતે પરબારી બંધીનું કે આ ચર્ચા નહીં ને પેલી ચર્ચા સહી એવું કોઈ વલણ લઈ શકો નહીં. લોકપ્રતિનિધિત્વ ધારાની 123મી કલમ હેઠળ ભ્રષ્ટ નીતિરીતિને ધોરણે ધર્મ વગેરેના ઉપયોગ (દુરુપયોગ) અંગેનો આ મામલો છે, અને એમાં દરમ્યાન થતાં એડિશનલ સોલિસિટર જનરલે આમ કહ્યું છે. દેખીતી રીતે જ, ધર્મના મામલાને ચગાવીને ધર્મકોમી અપીલ મારફતે મત મેળવવાનું બન્યા પછી કેટલાક કિસ્સામાં આવી ભ્રષ્ટ નીતિરીતિ સબબ ચૂંટણી રદ થયાનું પણ આપણે ત્યાં બનેલું છે તેથી ભા.જ.પ.નું વલણ પાણી પહેલાં પાળ બાંધવાનું જણાય છે.

જો કે, ભા.જ.પ. સરકારે જે આખો એક અભિગમનો ગોફ આ તબક્કે ઉપસાવવા ધાર્યો છે એ છે તો સોજ્જો: આપણે એક બહુધર્મી મુલક છીએ. આ દેશનું વૈશિષ્ટ્ય એની વિવિધતાઓમાં છે. આ વૈવિધ્ય ધર્મોનું છે, નાતજાતનું છે, નાનાવિધ સમુદાયોનું છે, ભાષાઓનું છે – શેનું છે, શેનું નથી! આ સંજોગોમાં સમાજના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મનું હોવું સ્વાભાવિક હોવાનું, એટલે સિવાય કે કોઈ ચોક્કસ બંધારણીય જોગવાઈને અન્વયે સીમિતરૂપે જે પણ બંધી હોય, ધર્મને તમે ઢંઢેરામાં ડોકાતો રોકી ન શકો. 

સરકારની આ આખી માંડણી સામે સર્વોચ્ચ અદાલતમાં એક તબક્કે વિદ્વાન ન્યાયમૂર્તિઓ તરફથી એવી પૃચ્છા પણ થઈ હતી કે તમે રાજકીય ભાષણોમાં (અને ઢંઢેરાઓમાં) ધર્મના ઉપયોગ મુદ્દે આટલા બધા સભાન/સાવધ/સતર્ક કેમ છો. એડિશનલ સોલિસિટર જનરલે વળતું કહ્યું હતું કે જો કોઈ એન.જી.ઓ. અને કર્મશીલોને આ ચર્ચામાં દરમ્યાન થવા દેવાતાં હોય તો સરકાર તરીકે અમારો પણ આમાં હક અને ભૂમિકા બને જ છે.

બીજી બાજુ, સર્વોચ્ચ અદાલતે આ દિવસોમાં એકથી વધુ વાર એમ કહ્યું છે કે હિંદુ એ ધર્મ કરતાં તો એક જીવનરીતિ (વે ઑફ લાઇફ) છે એવા બે’ક દાયકા પરના જસ્ટિસ વર્માના ચુકાદાને પોતે આ તબક્કે નવેસર તપાસવા માગતી નથી. તે ચુકાદો, હાલ તો, છે તે છે. સાથોસાથ, સર્વોચ્ચ અદાલતે ધર્મકોમી વલણો સબબ ચૂંટણી રદ કર્યાના દાખલા પણ છે તે છે. આ જ દિવસોમાં, અદાલતની આ જ બેન્ચે, સેક્યુલર રાજ્યમાં ધર્મના સ્થાનની ચોક્કસ મર્યાદાઓ હોવાની એવું પણ કહ્યું છે.

સરકારની એકંદર રજૂઆત અને સર્વોચ્ચ અદાલતની એકંદર વાત જોતાં શું શું સમજાય છે? એક તો, સરકારનો હાલનો વલણવ્યૂહ દેશના વૈવિધ્યમૂલક વૈશિષ્ટ્યનો છે. અલબત્ત, પોતાની – ખાસ તો, પક્ષપરીવારની – ‘હિંદુ’ ઓળખ માટેનો આગ્રહ બરકરાર છે. સર્વોચ્ચ અદાલત વર્મા ચુકાદાને ઉખેળવાની જરૂર જોતી નથી, પણ રાજ્ય સેકયુલર હોવાલાગવા બાબતે તે ચોક્કસ છે. (અહીં અયોધ્યા ઘટના પછીનો સર્વોચ્ચ અદાલતનો એ યાદગાર ચુકાદો અવશ્ય સાંભરે જેમાં એણે ભા.જ.પ.શાસિત રાજય સરકારોની બરતરફી એ મુદ્દે વૈધ લેખી હતી કે અયોધ્યા આંદોલનમાં આ રાજ્યોની સંડોવણી દેશના બંધારણની એક મૂળભૂત ઓળખરૂપ સેક્યુલર માળખાને હાણ પહોંચાડનારી હતી.) ગમે તેમ પણ, સરવાળે ઊઠતી છાપ એ છે કે ભા.જ.પ. સરકાર અને સર્વોચ્ચ અદાલત બેઉ પોતપોતાને છેડેથી અને પોતપોતાની સમજ તેમ જ પોતપોતાનાં કારણોસર તંગ દોર પર ચાલી રહ્યાં છે.સરકાર અને સત્તાપક્ષ તેમ જ સર્વોચ્ચ અદાલતની આ તરાહ અને તાસીર જોતાં નાગરિક વર્તુળોની જાગૃતિ કદાચ સર્વાધિક મહત્ત્વની બની રહે છે. વિવેક અને જાગૃતિના કયા કયા મુદ્દાઓ આ ક્ષણે સામે આવે છે એનો વિચાર કરીએ તો પહેલો જ જે મુદ્દો સામે આવે છે તે અલબત્ત એ છે કે બે’ક દાયકા પરના જસ્ટિસ વર્માના ચુકાદા વિશે જાહેર ઊહાપોહ અને જનમતઘડતર લાંબા ગાળા સુધી જરૂરી છે અને રહેશે.

એનું કારણ એ નથી કે હિંદુ ધર્મની જે વિશેષતા (સેમેટિક ધર્મોને મુકાબલે) ગણાવાય છે તે નથી, અથવા તો હિંદુ ધર્મને ‘કોમનવેલ્થ ઑફ રિલિજિયન્સ’ તરીકે ઓળખાવી સર્વપલ્લી રાધાકૃષ્ણને એની સમાવેશી તાસીરનો જે મહિમા કર્યો છે તે નથી. આ વિશેષતા અને મહિમા પોતાને ઠેકાણે ઠીક જ છે, જેમ અદ્વૈત તત્ત્વજ્ઞાનની ઊંચાઈ અને નાતજાતગત ઊંચનીચ બેઉ વાસ્તવિક છે તેમ! જે મુશ્કેલી છે તે આપણે ત્યાં પોતપોતાના ધર્મસંપ્રદાયવિશેષનો મહિમા અને સવિશેષ પુરસ્કાર કરવાને ધોરણે મુસ્લિમ લીગ, અકાલી દળ અને ખુદ ભા.જ.પ.ની જે ભૂમિકા છે તેને કારણે છે.

સેક્યુલર સ્ટેટની આપણી સમજમાં ધર્મસંસ્થાનો નિરાદર નથી, સામાજિક સ્તરે સર્વધર્મસમભાવ આપણને ઇષ્ટ છે, આ બધું સાચું પણ સર્વાગ્ર તો બંધારણ જ છે, અને એની મર્યાદા અને મોકળાશમાં નાગરિક ભૂમિકાને પ્રાથમિકતા છે. તીન તલાકની ચર્ચામાં ધર્મ સ્વાતંત્ર્ય અને ધાર્મિક ઓળખના મુદ્દાને આગળ કરી સુધારણાની બંધારણીય કોશિશનો વિરોધ આ વાનું નહીં સમજાયાથી (કે નહીં પચ્યાથી) થાય છે. એક જમાનાના આનંદપુરસાહેબ પ્રસ્તાવમાં અકાલી દળે જે હદે આખી વાતને ખેંચી હતી એમાં પણ બંધારણીય મોકળાશ અને મર્યાદાની બહાર ધર્મસ્વાતંત્ર્યને નામે સેક્યુલર સ્ટેટમાં શું કરી શકાય અને શું ન કરી શકાય, એ અંગેની સમજનો અભાવ હતો.

જો કે શિરમોર દાખલો (અને સમસ્યા) તો આ સંદર્ભમાં ભા.જ.પ. પોતે છે. બહુધર્મી દેશમાં વૈવિધ્યનો સ્વીકારપુરસ્કાર બાવાહિંદી ન્યાયે (અથવા દિલોજાનથી) કર્યા પછી અને છતાં તે રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતાની આખી ચર્ચાને એક ચોક્કસ વિચાર સાથે સાંકળે છે, અને સમીકૃત કરે છે – આ વિચાર તે હિંદુત્વ છે. જે સૌની પિતૃભૂમિ અને ધર્મભૂમિ અહીં છે તે જ હિંદુ છે, રાષ્ટ્રીય છે. મુસ્લિમ સભ્યો(અને નેતાઓ)ના રસમી સ્વીકાર છતાં મૂળ નિષ્ઠા અને, સવિશેષ તો, માનસિકતા આ અને આ જ છે. યથાપ્રસંગ એ ‘રામજાદે વિ. હરામજાદે’ જેવી ભાષા ગૂંથણીમાં પ્રગટ થયા વિના રહેતાં પણ નથી.

એટલે સઘળી સુફિયાણી ને સોફિસ્ટ્રી છતાં નાગરિક સામે ભા.જ.પ. સંબંધે એક સો ટચનો સવાલ સામે આવીને ઊભો રહે છે. અને તે એ કે તમારી દેશની વ્યાખ્યા શું છે. જો હિંદુત્વ હોય તો, એ તો, પાકિસ્તાનનું હતું એવું જ લૉજિક થયું. વાત માત્ર આટલી જ નથી. સામાન્ય નાગરિકે વ્યામોહ અને અસમંજસથી ઊઠીને બીજો પણ એક વિવેક કરવો રહે. અને તે એ કે હિંદુ ધર્મ અને હિંદુત્વ બે એક નથી. એક અલબત્ત ધર્મ છે, અને જે બીજું તે રાજકીય વિચારધારા છે. જસ્ટિસ વર્માને માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે 2002ની ગુજરાતની મુલાકાતમાં ‘હિંદુત્વ ઇન ઍક્શન’નો સાક્ષાત્કાર થયા પછી ‘વે ઑફ લાઇફ’ અર્થઘટન વિશે પુનર્વિચાર કરવાપણું લાગ્યું હોય તો નવાઈ નહીં. ગમે તેમ પણ, ‘ધર્મ’ અને ‘ત્વ’ એક નથી એટલી સામાન્ય સમજ માટે સર્વોચ્ચ અદાલત પર બોજ નાખવો જરૂરી નથી, એટલું સમજીએ તો બસ.

પ્રકાશ ન. શાહ,  લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘મહત્ત્વનો ફરક’, “દિવ્ય ભાસ્કર”, 29 અૉક્ટોબર 2016

Loading

ફરજ નિષ્ઠને ડફણાં, કહ્યાગરાને કંત્રાટ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 November 2016

ગુજરાતમાં પોલીસ અધિકારીઓની બંધારણબાહ્ય વફાદારીઓની એક પછી એક પરત ખૂલતી જાય છે

ગુજરાત મોડેલ પણ ખરે જ એક યુગ બલિહારી છે ને કંઈ! પહેલાં એ એક પછી એક જેલ ભેગા થતા પોલીસ અધિકારીઓથી પંકાયું, હવે એ બધા વિવાદાસ્પદ – કોઈ ટ્રાયલગ્રસ્ત, કોઈ જામીનધન્ય – પોલીસ અધિકારીઓના પુન:પ્રતિષ્ઠાપન સારુ પંકાવા લાગ્યું છે. તરુણ બારોટ અને એન.કે. અમીનની કંત્રાટી રાહે નવનિયુક્તિ એ આ સિલસિલાનો જ એક મણકો છે. આમ તો સિલસિલાને બદલે પહેલાં સૂઝેલો પ્રયોગ ‘શૃંખલા’ હતો, પણ હાલ પૂરતો એને છોડી દઉં છું.

રાહુલ શર્માની જનહિતયાચિકા(પી.આઇ.એલ.)ને પગલે આ નિયુક્તિઓ વિશે હાઇકોર્ટે સરકારનો ખુલાસો પૂછયો છે અને ત્રણેક અઠવાડિયાં પછી સુનાવણી આગળ ચાલશે. 2007ના ગુજરાત પોલીસ ઍક્ટ મુજબ પુન:નિયુક્તિની કે કંત્રાટી કોઈ જોગવાઇ નથી એ દલીલસર તરુણ બારોટ અને એન.કે. અમીનની નવનિયુક્તિને પડકારતી દલીલ ઉપરાંત, આ લખનારની સમજ પ્રમાણે ટેકનિકાલિટીથી હટીને જે પાયાનો પ્રશ્ન આ જનહિતયાચિકા મારફતે ઉપસ્થિત થાય છે તે એ છે કે આ પ્રકારની નિયુક્તિઓ થકી એક ખોટો સંકેત જાય છે. પોલીસ અધિકારીઓને જાણે કે કહેવામાં આવે છે કે અમે (સરકાર/ સત્તાપક્ષ) કહીએ તેમ કાયદાનિરપેક્ષ વરતો અને એથી લાભો.

વસ્તુત: આ કોઈ ભા.જ.પ. શાસન કે ગુજરાત સરકારના પક્ષે અપવાદરૂપ ઘટના નથી. દરેક સરકાર, દરેક સત્તાપક્ષની આવી કોશિશ રહે છે. અનામતવિરોધી ઉત્પાત વખતે આપણે ત્યાં શાંતિ-સ્થાપન અઘરું બન્યું એનું એક કારણ આવા મેળાપીપણામાં નહોતું એવું નથી. રિબેરો આવ્યા અને ચાંપ દાબો ને હુલ્લડખોરી બંધ થઈ જાય એવો ચમત્કાર થયો એનું રહસ્ય એ હતું કે એમણે આ સાંઠગાંઠ (નેક્સસ) પર પ્રહાર કરવામાં સરકારની કે ચાલુ પોલીસ વડાઓની શરમ નહોતી ભરી. મુદ્દે, હુલ્લડ માત્રને અંગે. પોલીસ કારવાઈમાં એક સ્ટૅન્ડર્ડ પ્રોસીજર હોય છે. તમે એ પ્રકારે ચાલો તો સામાન્યપણે હુલ્લડ કાબૂમાં લેતા વિલંબ થતો નથી. રિબેરોએ એ જ કર્યું હતું (એટલે સ્તો ગોધરા કલેક્ટર જયંતી રવિએ 2002માં પહેલે ધડાકે રિબેરોનું માર્ગદર્શન માગ્યાના અવિધિસરના હેવાલો છે – અલબત્ત રિબેરો મોડેલને અનુસરવા ત્યારની સરકાર તૈયાર નહોતી એ સંજોગોમાં જે થાય તે થયું.)

મુદે, કટોકટી ઊઠ્યા પછી તરત રચાયેલા શાહ તપાસ પંચે તપસીલમાં જઈ જે બધાં તારણો અને ભલામણો રજૂ કરેલાં એમાં ઠીક ઠીક હિસ્સો તે પછી પણ નહીં પળાયા સારુ જાણીતો છે. ત્યારે જનતા પક્ષના (અને પછી ભા.જ.પ.ના) શીર્ષ બૌદ્ધિક જેવા અરુણ શૌરીએ એક સચોટ ટિપ્પણી કરી હતી કે જે બધા આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. અધિકારી મંડળો છે એમને કેમ આ પ્રકારના હેવાલો ચર્ચી આત્મનિરીક્ષણપૂર્વક સુધારણા કરવાનું સૂઝતું નથી. ગુજરાતમાં આપણે જે લાંબો દોર છેલ્લાં ચૌદ-પંદર વરસથી અનુભવી રહ્યા છીએ એમાં પોલીસ અધિકારીઓની બંધારણબાહ્ય વફાદારીઓ અને એવી જ પ્રવૃત્તિઓ પરથી એક પછી એક પરત ખૂલતી જાય છે. પણ પોલીસ તંત્રના શીર્ષ સ્તરે આવું કોઈ જ ચિંતન થતું જણાતું નથી.

જેમને બહુ જ વાજબી રીતે ‘ફર્સ્ટ વ્હીસલ બ્લોઅર ઑફ ગુજરાત પોલીસ કેડર’ કહેવામાં આવે છે તે શ્રીકુમારે ‘ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટન્સ’માં કરેલ સિલસિલાબંધ ઘટસ્ફોટ જુઓ કે રાણા અયુબે ‘ગુજરાત ફાઇલ્સ’માં નોંધેલા સંવાદો જુઓ, તમને સૂંડલામોંઢે એવી દસ્તાવેજી વિગતો મળશે જેમાં સંખ્યાબંધ પોલીસ અધિકારીઓએ સત્તાપક્ષના ચોક્કસ જૂથ કે નેતૃત્વના કહ્યાગરા અગર મળતિયા બનીને પોતાની બંધારણીય જવાબદારીનો ઉલાળિયો કર્યો હતો. નાણાવટી તપાસમાં કે રાઘવનના નેતૃત્વમાં એસ.આઇ.ટી.ની કામગીરીમાં સંખ્યાબંધ સગડ અને પાર વિનાનાં પગેરાં વણદબાવ્યાં રહ્યાં હશે એનો પણ અંદાજ જેમ પૂર્વે ‘ઓપરેશન કલંક’ થકી તેમ ‘બીહાઇન્ડ ધ કર્ટન્સ’ અને ‘ગુજરાત ફાઇલ્સ’માંથી પસાર થતાં મળી રહે છે. 

કદાચ, જે એક મુદ્દાથી આ કોલમનો ઉપાડ ને ઉઘાડ થઈ શકયો હોત તે પણ હવે ઉત્તરાર્ધમાં ચર્ચવા જોગ છે. આ મુદ્દાનું મૂલ્ય, કેમ કે તે પછીથી લેવાઈ રહ્યો છે એથી દ્વૈતીયિક કે ગૌણ બનતું નથી. બલકે, કહેવું હોય તો કહી શકાય કે આટલી ચર્ચાના માળખા પર તે શગ ઘટના જેવો છે. હમણે હમણે આ બધી પ્રકીર્તિત પોલીસ પ્રતિભાઓ સહસા આતંકવાદીઓથી પીડિત-પ્રતાડિત પ્રજાજનોની સહાયમાં એન.જી.ઓ. રૂપે બહાર આવી રહી છે. આતંકવાદને નામે અને બહાને જે દોર ચાલ્યો (જેની વિગતો ન જોવી હોય તો જ ન જોઈ શકાય એ બરની છે) એમાં આ સૌની ભૂમિકા કંઈ નહીં તો પણ સંદિગ્ધ હતી.

આ સંમિશ્ર ને સંદિગ્ધ સંકેતો આપણાથી છાના નથી એનું એક કારણ તો આ સૌ પ્રતિભાઓએ પ્રસંગોપાત એકબીજા સામે બહાર પાડેલી વિગતો છે. ડાયાજી વણઝારાએ જેલમાંથી નમો પર લખેલ પત્ર (ખરું જોતાં લેટરબૉમ્બ) આવી જ એક દસ્તાવેજી સાહેદી રૂપ છે.

વણઝારા સુયોગ્ય આશિર્વચનો સાથે (અને અલબત્ત એમની પોતાની વિશિષ્ટ સરસ્વતીપૂર્વક) આ કે તે રસ્તે જાહેર જીવનમાં આવવા માટે હદસે જ્યાદા આતુર જણાય છે એ વિગત જરી વધુ ધ્યાન માગી લે છે. રીલ લાઇફ હીરોની પેઠે એ ટૂંકજીવી મામલો નયે હોય. પાટીદાર આંદોલન અને ઉના ઘટનાએ બતાવ્યું છે કે ભા.જ.પ. પૂર્વવત્ અજેય નથી. ગુજરાતમાં રાજકીય શૂન્યાવકાશ ન હોય તો પણ પોલાણ તો છે જ છે. ઉંઝાથી ઉનાની કેજરીવાલની હડિયાપાટીની જેમ જ વણઝારાના જગોજગ, ગામોગામ, ઠામોઠામ સામૈયા પણ આ પોલાણને પૂરવાની ફિરાકમાં છે. પક્ષો (કે પક્ષજૂથો) વચ્ચેની ટાઇ ટાંકણે વિંગ અને સ્ટેજ વચ્ચેનું અંતર મિટાવવાના ઓરતા પણ એમને હોઈ શકે છે.

અહીં સંભારવા જોગ એક આંશિક પેરેલલ ઇંદિરા ગાંધીના પુનરાગમનનો છે. જે તે રાજકારણીને ચુંટાવામાં મદદ કરતાં અસામાજિક તત્ત્વોને ખુદ ચુંટાવાનો સણકો ત્યારથી મોટે પાયે ઉપડ્યો એવું એક અવલોકન છે. 2002થી 2007 અને 2012 સુધી જેમની સત્તાપક્ષને અન્યથા મદદ મળતી રહી તેઓ એ સત્તાપક્ષ વાટે કે સ્વતંત્રપણે સીધી સેવા આપવા માગે છે. પાલવની કિનારે ટિંગાવું કે સોહવું હવે એમને બહાલ નથી. એક વાર તમે ખુદને તારણહાર, રગ રગ રાખણહાર, ગોબ્રાહ્મણ પ્રતિપાળ સમજવા માંડો, પછી તો – આ વલણને જો વૈધતા અને સ્વીકૃતિ (લેજિટિમસી) મળી જાય તો ભા.જ.પ. શ્રેષ્ઠીઓનું તો એમની ખુદની કમાણીરૂપે જે થવાનું હશે તે થશે; પણ લોકશાહી ખુદ વધુ ને વધુ હાંસિયે હડસેલાશે. જે ‘ડેમેગોગી’ અને ‘સોફિસ્ટ્રી’ સોક્રેટિસને હરી ગઈ તે કશું પણ કરી શકે … કાશ, આશિષડાહ્યાઓને કોઈ આ સમજાવી શકે!

સૌજન્ય : ‘મેળાપીપણું’, “દિવ્ય ભાસ્કર”, 22 અૉક્ટોબર 2016

Loading

...102030...3,5693,5703,5713,572...3,5803,5903,600...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved