Opinion Magazine
Number of visits: 9456789
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેસતે સ્વરાજે અનેરી જુગલબંદી : આજે સંભારીએ, બેઉને એક સાથે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 November 2024

નહેરુ જયંતી  

જુગલબંદી : જવાહર ને સરદારની પરસ્પર પૂરક, ઉપકારક જોડી

સુવાંગ શાસનનાં દસ વરસ પછી અને છતાં બદ્ધેબધ્ધો ગરબડયશ  સ્વરાજના સ્થાપક–પિતાઓને જ ધરાર દીધે રાખવાની બચકાના હરકત ધોરણસરની તપાસ માંગે છે : બહુ થયા  ઇતિહાસના ‘જો‘ અને ‘તો‘.

લેપિયર – કોલિન્સની, આપણા સ્વરાજસંગ્રામને લગતી લોકપ્રિય કિતાબ ‘ફ્રીડમ એટ મિડ નાઇટ’ પર આધારિત સિરિયલ તરતમાં વહેતી મૂકવાની છે ત્યારે એની આગોતરી ખાટીમીઠી, કહો કે ટીઝર, સોશ્યલ મીડિયા પર જોઈ તમે? કાઁગ્રેસ કારોબારીના વરિષ્ઠ સદસ્યો એકત્ર થયા છે. મૌલાના આઝાદ છ વરસ પછી પ્રમુખપદેથી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એમનું (કાઁગ્રેસ પ્રમુખનું) સ્થાન કોણ લેશે એ વિમર્શમુદ્દો છે. સંખ્યાબંધ પ્રાન્તિક સમિતિઓ સરદાર તરફે છે. ટીઝરમાં દર્શાવ્યા મુજબ, ચાલુ વિમર્શે ગાંધી પ્રવેશે છે. દેશને પટેલની જરૂર છે એવો મુદ્દો એ લગભગ અધોરેખિત શૈલીએ કરે છે, અને જવાહરલાલના પ્રમુખપદની ભલામણ કરે છે. 

પ્રકાશ ન. શાહ

લ-ગ-ભ-ગ ઇતિ સિધ્ધમ ઢબે આ ખટમીઠું પડદાઊંચક આપણી સામે આવે છે. પણ દેશની તવારીખનો આ તબક્કો કોઈ એકાએક આવી પડેલ કે ઉપરથી ટપકી પડેલ નેતૃત્વનો વાસ્તવમાં નથી. સ્વરાજયાત્રા દરમિયાન 1929ની લાહોર કાઁગ્રેસના વારાથી નવા નેતૃત્વનું સહજ એલાન જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં મુકમ્મલ આઝાદીના ઠરાવ સાથે થઈ જ ચૂક્યું છે. પછીનાં વરસો સંગઠનના માણસ તરીકે પટેલ અને લોકમોઝાર નેતૃત્વના અનેરી જુગલબંદીના છે. એમાં સમવિષમ ચડાવઉતાર હોઈ શકે, પણ જુગલબંદી તે જુગલબંદી.

જવાહર-સુભાષ પૈકી ભગતસિંહને આર્થિક સામાજિક કાર્યક્રમને ધોરણે જવાહર સારુ પક્ષપાત છે. હવે જુઓ 1931ની કરાચી કાઁગ્રેસમાં જવાહરના બે પ્રિય મુદ્દા – મૂળભૂત અધિકારો અને નાગરિક સ્વાધીનતા – ઠરાવરૂપે પસાર થઈ પ્રતિમાન સરજે છે ત્યારે પ્રમુખપદે વલ્લભભાઈ છે. 1935ના બંધારણ પ્રમાણે ચૂંટણી લડાય છે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટણીજંગમાં ચાવીરૂપ સંકલન દાયિત્વ સંગઠન છેડે પટેલ હસ્તક છે અને દેશ આખામાં ધૂમી વળી જનમતને જીતવો એની જવાબદારી જવાહર બખૂબી પાર પાડે છે. એ દિવસોમાં વલ્લભભાઈએ બાપુને લખેલો પત્ર વાંચો. જવાહરે કેવું ભગીરથ કામ કેટલાં ભોગ સાથે પાર પાડ્યું, એ પ્રશંસાભાવ સાથેના વત્સલ શબ્દોમાં નાનો ભાઈ (સરદાર) મોટા ભાઇ(ગાંધી)ને રિપોર્ટ કરે છે. પોતાનાથી 14 વરસ મોટા વલ્લભભાઈ અને 20 વરસ મોટા ગાંધી સાથે મતભેદ સમેતનો સૌહાર્દ સમ્બન્ધ, કોણ સમજે. 

વિભાજનની વિભીષિકા વચ્ચે મોટી વાત દેશજનતાને બાંધતા ઊર્મિવત્સલ એવા અલબત્ત ખરી હૂંટીના અવાજની છે, એવી જ વળી રાજકીય એકમ તરીકેના દૃઢબંધની જરૂર છે. જવાહર ને સરદાર પરસ્પ પૂરક, ઉપકારક, સંસ્કાર (કરેક્ટિવ) એવી દુર્મિળ જોડી તરીકે બોજનું વહન કરે છે. બંનેને એકબીજા વિશે ખબર પણ છે, અને કદર પણ છે. મુંબઈની વિરાટ સભાને નેહરુ-પટેલ સંબોધે છે. પત્રકાર વિન્સેટ શીન આફરીન પોકાર્યાનો ભાવ પટેલ સમક્ષ વ્યક્ત કરે છે. પટેલ સહજભાવે કહે છેઃ મિ. શીન, આ બધું લોક જવાહર સારુ ઊમટ્યું છે. 

વિદેશ મંત્રીની નેહરુગાદીએ હાલ બેસતા એસ. જયશંકર વચ્ચે ગતકડું લઈને આવ્યા હતા કે નેહરુની કેબિનેટ યાદીમાં વલ્લભભાઈનું મૂળે નામ જ નહોતું! ભાઈ, નેહરુનો પટેલ પરનો કાગળ ઇતિહાસદર્જ ને ફાઈલબદ્ધ છે. એ લખે છે, મારે તમને ઔપચારિકતા સર નિમંત્રણ આપવું પડે છે, પણ (તમને એની જરૂર નથી, કેમ કે બધા જાણે છે કે) તમે આ નવી રચનાનો આધારસ્થંભ છો. 19 જુલાઈ 1947ના રોજ સત્તાવાર યાદી નેહરુએ લૉર્ડ માઉન્ટબેટન પર મોકલી એમાં ગણેશનામ શું પહેલું જ સરદાર રિપીટ, સરદાર વલ્લભભાઈ પટેલનું છે. 

‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’માં મૌલાના આઝાદે લખ્યું છે કે જો નેહરુનું નામ મૂક્યું એને બદલે પટેલનું મૂકવા જેવું હતું એમ મને લાગે છે. પાછળથી મેં પટેલને પૂછ્યું હતું કે તમે કેમ તમારે માટે આગ્રહ ન રાખ્યો. એમણે કહ્યું કે, 1945માં જેલમાંથી આવ્યો તે પછી શરીર સાવ કોરાઈ ગયેલું છે. ગમે ત્યારે ઢબી પડે એવું છે. (મતભેદો છતાં) અટ્ઠાવનના જવાહર ને બોત્તેરના વલ્લભ વચ્ચે, જે પણ વર્ષો ને સ્વાસ્થ્ય છે તે જવાહર પાસે સ્તો છે. 

કેળવવા જોગ પરિપ્રેક્ષ્યનું આ તો એકદશાંશમું ટોચકું માત્ર છે. દસ વરસના સુવાંગ શાસન પછી અગિયારમે પણ નહીં પકડાય તો ક્યારે પકડાશે ? રામ જાણે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 નવેમ્બર 2024

Loading

“તમારી પાસે પહેલાં હું ત્રણ ચીજ માગું છું. આપશો?”

રામનારાયણ નાગરદાસ પાઠક|Gandhiana|14 November 2024

રામનારાયણ નાગરદાસ પાઠક

ઓરિસ્સામાં હરિજન ફંડનું કામ ચાલતું હતું. કેન્દ્રાપાડામાં સાંજે સભા ભરાઈ. બાપુ એક ઊંચા મંચ ઉપર બેઠા. દશપંદર હજાર માણસમાં ભાગ્યે જ સોબસોએ પૂરાં કપડાં પહેરેલાં હશે. બાપુ લગભગ પોણો કલાક બોલ્યા. પછી ફાળો શરૂ થયો. રૂપિયા, આના, પૈસા, અધેલા, પાઇનો ઢગલો થયો. એમાં એક છોકરો આગળ આવ્યો, અને મોટું કોળું બાપુની સામે ઊંચું કરી ધરી રાખ્યું. બાપુએ મંચ ઉપરથી હાથ લંબાવીને લીધું અને સભાને શાંત પાડતાં બોલ્યા, “આ એક છોકરાની ભેટ છે. એણે છાપરા ઉપર શાકના વેલા ચડાવ્યા છે. કદાચ આજે આ કોળું તેનો મુખ્ય ખોરાક હશે. મેં એને પૂછ્યું કે તું આ શા માટે લઈ આવ્યો? મને કોળું આપી દીધું, હવે તું શું ખાઈશ? તો તેણે કહ્યું કે એક ટંક ન ખાવાથી ક્યાં મરી જવાના છીએ? મારી પાસે પૈસા નથી એટલે કોળું લાવ્યો. તાતા કે બિરલાના લાખો રૂપિયા કરતાં મને આ કોળાની વધુ કિંમત છે. તમને કેટલાકને થતું હશે કે આ માણસ ગરીબોના પૈસા લઈ લે છે. એ કરતાં બે-પાંચ શેઠિયા પાસેથી લાખ કેમ લઈ લેતો નથી? પણ તમે સમજો કે આ અસ્પૃશ્યતાનિવારણના મહાયજ્ઞમાં પૈસાની નહીં, ભાવનાની કિંમત છે. જે મને પાઈપૈસો આપે છે તે આ કામમાં મારી સાથે છે.”

સાંજે પાંચ વાગ્યે બીજે ગામ જવા નીકળ્યા. આગળ એક ભજનમંડળી અને પાછળ લોકોનું ટોળું. ગાતાવગાડતા આનંદથી નાચતાકૂદતા સૌ ચાલ્યા. જાણે પ્રભુ ચૈતન્યદેવ ફરી પધાર્યા હોય એમ લાગતું હતું. ધાર્યા કરતાં બીજા ગામનું અંતર વધારે નીકળ્યું, એટલે બાપુ એક ઝાડ નીચે વિસામો ખાવા બેઠા. ડિલે માત્ર કચ્છભેર, એક પગ લાંબો કરીને ઘુંટણ પર હાથ ટેકવી બેઠેલા બાપુ આસપાસ બેઠેલા સેંકડો ઓરિસ્સાવાસીઓના પ્રતિનિધિ સમા દરિદ્રનારાયણના સાથીના અવતાર જેવા લાગતા હતા.

ઠક્કરબાપા સાથે વાત કરી રહ્યા હતા. એમની બાજુમાં ઓરિસ્સાના લોકસેવક ગોપબંધુ ચૌધરી બેઠા હતા. તેઓ બાપુના દુભાષિયાનું પણ કામ કરતા. તે વખતે એક ડોસો આવ્યો. તેના અંગ પર માત્ર લંગોટી અને માથે લીરો વીટેલો હતો. અમે દૂર બેઠેલા જરા ખસીને નજીક આવ્યા. એ વૃદ્ધના શરીરની પાંસળીઓ ગણી શકાતી હતી. આવીને એ બાપુ સામે બેઠો. માથામાંથી તણખલું લઈ મોંમાં મૂક્યું. અને બાપુ સામું ત્રણવાર માથું નમાવ્યું. પછી એક પૈસો બાપુના પગ આગળ મૂક્યો. બાપુ ટગર ટગર જોઈ રહ્યા. તેમને આ જોઈને ભારે દુ:ખ થતું હતું. ઠક્કરબાપા તેમના અંતરની વેદના કળી શક્યા. થોડીવાર કોઈ બોલ્યું નહીં.

પછી બાપુએ ડોસા સામે જોઈ કહ્યું, “તમારી પાસે પહેલાં હું ત્રણ ચીજ માગું છું. આપશો?”

ચીંથરેહાલ વૃદ્ધ બાપુ સામે તાકી રહ્યો. એના મનમાં થયું કે આવડા મોટા મહાત્માને મારી પાસેથી શું લેવાનું હશે? એને ભારે નવાઈ લાગી, છતાં તરત એની આંખમાં તેજ આવ્યું. એ બોલ્યો, “બાપજી, આલવા જેવું હશે તો આલીશ.’’

માણસ કંઈક લેવા આવે છે ત્યારે એની આંખમાં ગરજ અને જીભમાં ખુશામત હોય છે. અને આપતી વખતે આત્માનું ઓજસ અને જીભમાં ત્યાગનું તેજ ચમકે છે. ઘડી પહેલાંનો ડોસો ઘડીમાં પલટાયો. ગાંધી મહાત્મા શું માગે છે તેની રાહ જોઈ રહ્યો.

બાપુ બોલ્યા, “પહેલાં તો તમારા માથામાં જે ઘાસનાં તરણાં છે તે મને આપી દો. આજથી કોઈની પાસે મોંમાં તરણું લઈ માથું ન નમાવશો. તમે પણ બીજા જેવા જ માનવી છો. સૌની જેવો જ આતમરામ તમારામાં પણ વસે છે. બીક કે લાલચથી બીજાને નમવું તે પાપ છે.” ડોસાએ માથામાંથી તરણાં ફેંકી દીધાં. “લો બાપજી” એમ કહેતાં એની આંખ ચમકી ઊઠી.

બાપુ બોલ્યા, “બીજું, તમારું મોં ગંધાય છે. તમે છાંટોપાણી લીધાં છે. દારૂ, તાડી, બીડી, તમાકુ, અફીણ વગેરે વ્યસનો માણસના દુ:શ્મન છે. અંગ્રેજની ગુલામી કરતાં એ મોટી ગુલામી છે. એ છોડી દેવાનું વચન આપો.”

“આજથી છાંટોપાણી નહીં લઉં, બાપજી!” ડોસાએ કહ્યું.

“ત્રીજું”, બાપુ બોલ્યા, “તમારી જીભ ચોખ્ખી રાખજો. જે જીભે રામનું નામ બોલીએ એ જીભે હલકો શબ્દ ન બોલાય. બાળકોને કે સ્ત્રીને ગાળ ન દેવાય. પાડોશીને ખરાબ વેણ ન કહેવાય. દેહ તો આત્માનું મંદિર છે. બોલો, કબૂલ છે?”

“ભલે બાપજી, ખોટા શબ્દ નહીં બોલું.”

બાપુ રાજી થઈને કહે, “તમારો પૈસો લાવો. એ ક્યાંથી લાવ્યા?” “લાકડાની ભારી વેચી તેમાંથી પાંચ પૈસા મળેલા. ચાર પૈસાના ચણા લઈ ખાધા અને એક આપને પગે મૂકવા લાવ્યો, બાપજી.”

“મને શા માટે આપો છો?”

“આપ કોઈ ધરમના કામમાં વાપરશો.”

“ધરમનું કામ એટલે ?”

“કોક ગરીબ ગુરબાના લાભમાં.”

બાપુએ ઠક્કરબાપાની સામે જોયું. તેઓ જાણે કહી રહ્યા હતા કે સાવ કંગાલ માણસનું મન પણ કેટલું મોટું છે. આર્થિક રીતે એ ગરીબ છે, પણ મનનો ગરીબ નથી. બીજાને માટે ઘસાવું, તેમાં જીવતરનો લહાવો માનવો, એ આપણા લોહીમાં રહેલી વસ્તુ હતી. 

બાપુએ એ પૈસો લીધો; એ ઘડીએ ત્રણે ડોસાના ચહેરા એક સરખા ખીલી ઊઠયા. એ ત્રિમૂર્તિ અમારા અંતરમાં એક અનોખો અજવાસ પાડી રહી.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

… અને વિશ્વનું સૌથી પહેલું બર્થ-કન્ટ્રોલ સેન્ટર ખૂલ્યું …

સોનલ પરીખ|Opinion - Opinion|14 November 2024

·       માતૃત્વ વરદાન છે, પણ સતત સગર્ભાવસ્થાનો બોજ અભિશાપ છે. માતૃત્વ અંતરની ઝંખનાનું પરિણામ હોવું જોઈએ, અજ્ઞાન કે અક્સ્માતનું ફળ નહીં

·       પોતાના શરીર પર માલિકી ન હોય ત્યાં સુધી સ્ત્રી સ્વતંત્ર નથી. દરેક સ્ત્રીને એ નક્કી કરવાનો મૂળભૂત અધિકાર છે કે તેને કેટલાં બાળકો જોઈએ છે અને ક્યારે જોઈએ છે.

— માર્ગરેટ સેંગર

‘તારા દીકરાનાં લગ્નને ચાર વર્ષ થઈ ગયાં, સારા સમાચાર નથી?’ મંજુમાસીએ સુનીતાબહેનને પૂછ્યું. નાના ગામની નિશાળમાં આઠ ધોરણ ભણેલાં સુનીતાબહેન સહજતાથી બોલ્યાં, ‘એ લોકોનો હમણાં પ્લાન નહીં હોય.’ આજે ત્રીજા વિશ્વના દેશોમાં પણ અને નાનાં નાનાં ગામોમાં પણ જન્મનિયંત્રણ એટલું સ્વાભાવિક બની ગયું છે કે આ સિવાયની પણ કોઈ પરિસ્થિતિ હોઈ શકે એવું માન્યામાં આવતું નથી. પણ આજથી એક-સવા સદી પહેલા અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બર્થ-કન્ટ્રોલ જેવી કોઈ કલ્પના ન હતી. એક પછી એક સગર્ભાવસ્થા, પ્રસૂતિ અને બાળઉછેરના અનંત ચક્રમાં ફસાયેલી સ્ત્રીઓની સ્થિતિ ખૂબ દયાજનક હતી. ગર્ભાવસ્થા પર નિયંત્રણ શક્ય બન્યું તે વીસમી સદીની મહાન ક્રાંતિકારી ઉપલબ્ધિ હતી. તેનો ઇતિહાસ ભારે રોમાંચક અને રસપ્રદ છે.

માર્ગરેટ સેંગર

1914નો ઉનાળો હતો. ન્યૂયોર્કના ગરીબ વિસ્તારમાં એક નર્સ માર્ગરેટ સેંગર આરોગ્યસેવાઓ આપતી. એની પાસે અનેક માતાઓ આવતી જેમને બાળકો જોઈતાં ન હોય, પોસાતાં પણ ન હોય તો પણ થયા કરતાં હોય. એક દિવસ એક યુવાન સ્ત્રી મરણતોલ હાલતમાં માર્ગરેટ પાસે આવી. તે પાંચ બાળકોની મા હતી અને છઠ્ઠા અવાંછિત ગર્ભનો નિકાલ કરવા જતાં તેની આ સ્થિતિ થઈ હતી. માર્ગરેટે મોટા ડૉક્ટરને બોલાવ્યા અને મહાપ્રયત્ને તેને ભાનમાં આણી. ભાનમાં આવતાં જ તે રડી પડી અને બોલી, ‘મારે વધારે બાળકો જોઈતાં નથી, હું શું કરું?’ ડૉક્ટરે કટાક્ષમાં કહ્યું, ‘તારા પતિને કહે એ અગાસીમાં સૂવાનું ચાલુ કરે.’ માર્ગરેટ આઘાત પામી ગઈ – સ્ત્રીના શરીરની આ અવદશા? અને હમદર્દીને બદલે ક્રૂર મજાક? છ મહિના પછી એ સ્ત્રી ફરી સગર્ભા હતી. ફરી તેણે ગર્ભપાત કરવાનો જીવલેણ પ્રયત્ન કર્યો ને માર્ગરેટના હાથમાં જ છેલ્લા શ્વાસ લીધા ત્યારે માર્ગરેટે નિશ્ચય કર્યો : ‘બહુ થયું. હવે બસ.’ અને 1916ની 16મી ઓક્ટોબરે માર્ગરેટ સેંગરે ન્યૂયોર્કમાં પહેલું બર્થ-કન્ટ્રોલ સેન્ટર ખોલ્યું.

જો કે ગર્ભનિરોધની દિશામાં પ્રયત્નો તો પ્રાચીન કાળથી થતા જ હતા. પ્રાચીન ઈજિપ્તમાં સ્ત્રીઓ વીર્યપ્રવેશ રોકવા માટે મધ, બાવળનાં પાન અને લિન્ટ વૃક્ષનાં પાનની લુગદી બનાવી યોનિમાં મૂકતી તેવો ઉલ્લેખ ઈ.સ. પૂર્વે 1850માં મળે છે. બાવળનો ગુંદર પણ તેઓ વાપરતાં. બાવળની શુક્રનાશક પ્રકૃતિ હવે સંશોધનો બાદ સાબિત થઇ છે એટલું જ નહીં, કોન્ટ્રાસેપ્ટિવ જેલીમાં તેનો ઉપયોગ પણ થાય છે. પ્રાચીન ગ્રીસમાં ઈ.સ. પૂર્વે સાતમી સદીમાં હિપોક્રેટસે સિલ્ફીયમ નામની વનસ્પતિનો ઉપયોગ ગર્ભપાત માટે કરવાનું સૂચવ્યું હતું. ચીન અને ભારતમાં પણ વનસ્પતિ અને જડીબુટ્ટીઓના ઉપયોગથી ગર્ભનિયંત્રણના પ્રયત્નો થતા હતા. જો કે આ પ્રયત્નોમાં સફળતાનો દર ઘણો નીચો હતો. ત્યાર પછી મધ્યયુગમાં નવા જન્મેલા બાળકને, ખાસ કરીને દીકરીને મારી નાખવાનો ક્રૂર રિવાજ શરૂ થયો. આજે ગર્ભનિરોધનાં સાધનો સહેલાઈથી ઉપલબ્ધ હોવા છતાં અનિચ્છિત ગર્ભ રહી જવાના અને ગર્ભપાતના, જન્મેલા બાળકને ત્યાગી દેવાના બનાવો બનતા રહે છે. બાળકના શારીરિક વિકાસ અને અપંગત્વને ગર્ભમાં જ જાણી લેવાની જે પદ્ધતિ શોધાઈ છે, તેમાં બાળકની જાતિની ખબર પડે છે એટલે તેનો ઉપયોગ કન્યાભ્રૂણની જાણકારી અને ગર્ભમાં જ તેની હત્યા માટે વધારે થાય છે. અનર્થ અને દુરુપયોગ કરવાની બાબતમાં માણસજાતનો જોટો જડે તેમ નથી.

ખેર, આપણે વાત કરતાં હતા માર્ગરેટ સેંગર અને તેના બર્થ-કન્ટ્રોલ સેન્ટરની. 16 ઑક્ટોબર 1916ના દિવસે તેમણે બ્રાઉન્સવિલે બર્થ-કન્ટ્રોલ સેન્ટર ખોલ્યું ત્યારે બ્રુકલેન્ડના સ્થાપિત હિતો ખૂબ ગુસ્સે ભરાયા. વિશ્વયુદ્ધ ચાલુ હતું. યૂરપની સ્ત્રીઓને મતાધિકાર મળવાને ચાર વર્ષની વાર હતી. 1870માં બનેલા કોમસ્ટોક કાયદાની બોલબાલા હતી. ગર્ભનિયંત્રણનો પ્રયત્ન કરવો કે તેના વિષે વાત કરવી તે ‘અનૈતિક’ અને ‘બેહૂદું’ ગણાતું. માર્ગરેટ સ્ત્રીઓને ગર્ભનિયંત્રણ અંગે માર્ગદર્શન આપતાં. સ્ત્રીની તંદુરસ્તી, શારીરિક ઈચ્છાઓ અને જન્મનિયંત્રણ અંગે ખૂલીને વાત થવી જ જોઈએ તેમ માનતાં. ‘વિમેન્સ રિબેલ’ નામનું મેગેઝીન પણ ચલાવતાં. કહેતાં કે પ્રજોત્પત્તિ વિષે જાણવું અને તે બાબત નિર્ણય કરવો એ સ્ત્રીઓનો અધિકાર છે ને જ્યાં સુધી એ અધિકાર સ્ત્રીઓને નહીં મળે ત્યાં સુધી બીજા કોઈપણ અધિકાર નકામા છે. માર્ગરેટની ક્લિનિક સ્થાપિત હિતો માટે ખુલ્લો પડકાર હતો. તેઓ મેદાને પડ્યાં અને માત્ર નવ દિવસમાં માર્ગરેટને ગર્ભનિરોધક સાધનો વેચવાં અને ઓબ્સિનિટી-બેહુદાપણાના આરોપસર જેલમાં પૂરવામાં આવ્યાં. માર્ગરેટ અદાલતમાં લડ્યાં. ક્લિનિક ચાલુ રાખવાની મંજૂરી મેળવી અને 1923માં મેનહટ્ટનમાં બર્થ-કન્ટ્રોલ સેન્ટર ખોલ્યું. યૂરપ જઈ ગર્ભનિરોધક સાધનો અને ઉપાયોની માહિતી મેળવી ‘ફેમિલી સેનિટેશન’ નામની પત્રિકા બહાર પાડી જેમાં યુગલોએ બાળકોના જન્મના સમય કે સંખ્યા પર કેવી રીતે નિયંત્રણ મેળવવું તેની માહિતી હતી. તેની લાખો નકલો વેચાઈ અને ઘણીબધી ભાષાઓમાં તેનો અનુવાદ થયો.

માર્ગરેટ 1936માં ભારત આવ્યા હતાં. મુંબઈ, મદ્રાસ ફરેલાં અને ગાંધી આશ્રમમાં પણ રહેલાં. ગાંધીજી સાથેની મુલાકાતમાં તેમણે ભારતમાં પ્રજોત્પત્તિની સમસ્યા અને તેના ઉપાયો વિષે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો.  ગાંધીજીએ ઠંડકથી કહ્યું, ‘જુઓ બહેન, અત્યારે તો બ્રિટિશ શાસન જ ભારતની સૌથી મોટી સમસ્યા છે.’

યૂરપમાં સૌથી પહેલું બર્થ-કન્ટ્રોલ ક્લિનિક બ્રિટનમાં શરૂ થયું હતું. બર્થ-કન્ટ્રોલ કેમ્પેન ચલાવતા મેરી સ્ટોપસે એ ક્લિનિક 1921માં શરૂ કર્યું હતું. તેમણે ‘મેરીડ લવ’ નામનું પુસ્તક લખ્યું હતું. પંદર દિવસમાં તેની છ આવૃત્તિ કરવી પડી હતી. પશ્ચિમી જગતમાં પહેલી વાર આ પુસ્તકમાં સ્ત્રીની જાતીય ઇચ્છાઓનો આદર કરવાની વાત થઈ હતી. લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેની સમાન ભાગીદારી છે, એથી ઓછું કશું ચાલે નહીં એવું તેમણે સ્પષ્ટ શબ્દોમાં તેમાં કહ્યું હતું. 1935માં થયેલા એક સર્વેક્ષણ મુજબ આ પુસ્તક તેની પહેલાનાં 50 વર્ષોમાં લખાયેલાં પુસ્તકોમાં સૌથી વધુ વેચાણ ધરાવનારું નીવડ્યું હતું. આઇન્સ્ટાઇનના ‘રિલેટીવીટી’, હિટલરના ‘માય કામ્ફ’ કે ફોઈડના ‘ઇન્ટરપ્રિટેશન ઑફ ડ્રીમ્સ’ કરતાં પણ ‘મેરીડ લવ’ની નકલો વધુ વેચાઈ હતી. 1923માં તેના પરથી એક મૂક ફિલ્મ બની હતી.

ભારતમાં 1927માં રઘુનાથ ઘોંડો કર્વેએ ‘સમજસ્વાસ્થ્ય’ નામનું સામયિક શરૂ કર્યું હતું. તેમ તત્કાલીન સામાજિક સમસ્યાઓ સાથે વસતીનિયંત્રણની ચર્ચા પણ તેમણે કરી હતી અને સરકારે ગર્ભનિરોધક સાધનોને વ્યાપક બનાવવા જોઈએ તેમ સૂચવ્યું હતું. આ માટે તેમનો ખૂબ વિરોધ થયો હતો. મહાત્મા ગાંધી ગર્ભનિરોધક સાધનોના વિરોધી અને આત્મસંયમના સમર્થક હતા. કર્વેએ કહ્યું, ‘એ આદર્શ કેટલા અપનાવી શકે? ગર્ભનિયંત્રણ એટલે મહિલાઓનું પોતાની જિંદગી પર નિયંત્રણ.’ સ્વતંત્ર ભારતમાં સરકારે પરિવારનિયોજન યોજનાઓ બનાવી. સારો પ્રતિસાદ મળ્યો. વિદેશથી મદદ પણ મળી. પણ આ બધું ઉપરછલ્લું રહ્યું કારણ કે વસતીવધારાનું મૂળ જ્યાં છે તેવાં ગરીબી, આરોગ્ય અને શિક્ષણ જેવાં તત્ત્વો આમાં સામેલ ન હતાં. 1970માં ઇન્દિરા ગાંધીએ ફરજિયાત નસબંધી કાર્યક્રમ ઉપાડ્યો પણ તે નિષ્ફળ ગયો. યોજના બે બાળકો ધરાવતા પુરુષોની નસબંધી કરવાની હતી. પણ ઘણા અજ્ઞાન, અપરિણીત, ગરીબ પુરુષો તેનો શિકાર બન્યા. આ કાર્યક્રમ એટલો ટીકાપાત્ર બન્યો કે ત્યાર પછી વર્ષો સુધી કોઈ સરકારી યોજના લોકોનો વિશ્વાસ ન મેળવી શકી. આજે ભારત દર વીસ દિવસે દસ લાખ બાળકોને પોતાની વસ્તીમાં ઉમેરે છે.

માર્ગરેટ સેંગરે કહ્યું છે, ‘માતૃત્વ વરદાન છે, પણ સતત સગર્ભાવસ્થાનો બોજ અભિશાપ છે. માતૃત્વ અંતરની ઝંખનાનું પરિણામ હોવું જોઈએ, અજ્ઞાન કે અક્સ્માતનું ફળ નહીં.’ અને ‘પોતાના શરીર પર માલિકી ન હોય ત્યાં સુધી સ્ત્રી સ્વતંત્ર નથી. દરેક સ્ત્રીને એ નક્કી કરવાનો મૂળભૂત અધિકાર છે કે તેને કેટલાં બાળકો જોઈએ છે અને ક્યારે જોઈએ છે.’ કેટલી સાદી ને સાચી વાત – પણ સાદી ને સાચી વાત આચરણમાં લાવવા માટે તો વધારે મોટી લડાઇઓ લડવી પડતી હોય છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 ઑક્ટોબર  2024

Loading

...102030...355356357358...370380390...

Search by

Opinion

  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved