Opinion Magazine
Number of visits: 9769088
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકી રાજકીય પક્ષો : પડકારો

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|22 December 2016

આ વારની અમેરિકી પ્રમુખપદની ચૂંટણી-પ્રક્રિયા શરૂ થઈ ત્યારે, ઑગસ્ટ ૨૦૧૫માં રિપબ્લિકન પાર્ટીની પ્રથમ સત્તાવાર ડિબેટમાં મંચ પર ૧૦ ઉમેદવારો હતા. મૂળ ઉમેદવાર તો સોળ હતા, પણ તેમાંના છ જણ પાસે ચર્ચામાં ભાગ લેવા જેટલો લોકમતનો ટેકો નહોતો. છ માંહેલા એક ઉમેદવાર એવા હતા જેને ૨૦૧૨ની રિપબ્લિકન પાર્ટીની પ્રાઇમરીમાં ૧૧ રાજ્યોમાં વિજય મળેલો, એક સેનેટર હતા જેની પાસે વીસ વર્ષનો સેનેટનો અનુભવ હતો, અને એક ગવર્નર હતા જેના રાજ્યમાં જ આ ડિબેટ યોજાયેલી. મંચ પર જે હતાં તેમાં એક રિયાલિટી ટીવીનો અનુભવ ધરાવતાં લક્ષાધિપતિ હતા. એક કોઈ પણ જાતના વહીવટી અનુભવ વગરના ન્યૂરો સર્જન હતા અને એક કમ્પૂટર કંપની ચલાવવાનો અનુભવ ધરાવતાં મહિલા હતાં. બાકીના ઉમેદવારોમાં ગવર્નર, સેનેટર કે નીચલા ગૃહના સભ્યો હતા. જેમજેમ ચૂંટણી-પ્રક્રિયા આગળ ચાલી તેમતેમ એક પછી એક ઉમેદવાર ખરતા ગયા અને છેલ્લે જે ઉમેદવાર રહ્યા તે એવા હતા કે જેને કોઈ રીતે રિપબ્લિકન ના લેખી શકાય. તે હતા ડોનાલ્ડ ટ્રમ્પ. તે ૧૯૮૭માં રિપબ્લિકન પાર્ટીમાં જોડાયા. પછી નિર્દલીય બન્યા, પછી ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા, પછી બંને પક્ષોના ઉમેદવારોને ચૂંટણીભંડોળમાં નાણાં આપતા રહ્યા અને છેલ્લે રિપબ્લિકન બન્યા. તે બધે આંટા મારી આવેલા. ટ્રમ્પ સામે પ્રાઈમરીમાં જે છેલ્લા હરીફ હતા તે રિપબ્લિકન સેનેટર ખરા, પણ પક્ષમાં તે હંમેશાં બહારના – આઉટસાઇડર ગણાતા. બંનેમાંથી કોઈને રિપબ્લિકન પાર્ટીની વરિષ્ઠ નેતાગીરીનો કે પૂરા પક્ષનો સાથ નહીં.

ડેમોક્રેટિક પાર્ટીમાં ઉમેદવારોની યાદી રિપબ્લિક પાર્ટી જેટલી લાંબી નહોતી, પણ હિલેરી ક્લિન્ટન સામે ઠેઠ કન્વેન્શન સુધી લડનાર બર્ની સેન્ડર્સને પણ લગીરે ‘ડેમોક્રેટ’ ના ગણી શકાય. સેન્ડર્સ ન્યૂ હેમ્પશાયર પ્રાઇમરીના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર થયા તેના એક દિવસ પહેલાં જ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય બનેલા. છેલ્લાં વીસ વર્ષથી તે વર્મોન્ટથી અપક્ષ તરીકે ચૂંટાતા અને સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીને સહયોગ આપતા. ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઇમરીમાં સેન્ડર્સને કુલ ૧૩૦ લાખ મળ્યા અને હિલેરીના ૨૮૧૧ સામે ૧૮૭૯ ઇલેક્ટોરલ ડેલિગેટ્‌સ સાથે પોતાને ફેબિયન સોશિયાલિસ્ટ તરીકે ઓળખાવતા સેન્ડર્સને અપક્ષ અને યુવાવર્ગનો ભારે મોટો ટેકો મળ્યો.

ટ્રમ્પ, ક્રુઝ અને સેન્ડર્સની ઉમેદવારીની આંખે ઊડીને વળગે વાત તેવી એ છે કે અમેરિકી રાજકીય પક્ષો પરથી પક્ષના એસ્ટાબ્લિશમૅન્ટની પકડ પણ સાવ ઢીલી પડી ગઈ છે. આપણે જેને રાજકીય પક્ષ માનીએ છીએ, તે સંસ્થા છે પણ તેની અસર ક્રમશઃ સાવ ઘટી ગઈ છે. એક રાજકીય સંસ્થા તરીકે પક્ષની અસરકારકતા ઘણી ઓછી થઈ ગઈ છે.

આપણે ત્યાં અવિભક્ત કૉંગ્રેસને રજની કોઠારીએ ‘પ્લૅટફૉર્મ પાર્ટી’ કહેલી જેમાં બધા વાડાના, ચીલાના, ફિરકાના લોકો આવી શકતા. પણ આ બધું છતાં પક્ષ પર વરિષ્ઠ નેતાઓની પકડ હતી. આ નેતાઓ ચૂંટણીની ટિકિટ વહેંચતા. કોણ મુખ્યમંત્રી બને તે પણ નક્કી કરતા. અમેરિકાના પક્ષો પ્લૅટફૉર્મ પાર્ટીઝ છે, પણ પક્ષના વરિષ્ઠ નેતાઓની તેના પરની પકડ નબળી છે. આપણે ત્યાં એવું બને કે ક્યારેક કોઈ યુવા નેતા કોઈ વરિષ્ઠ નેતાએ ટપીને આગળ નીકળી જાય, પણ તે પક્ષકારણની અંદર રહીને, પક્ષને બાજુએ મૂકી દઈને નહીં.

ગઈ ચૂંટણી દરમિયાન રિપબ્લિકન પાર્ટીમાં જો પાર્ટી બૉસીસનું ચાલ્યું હોત, તો જેબ બુશ ક્યારના ઉમેદવાર ઘોષિત થઈ ગયા હોત અને ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું ચાલ્યું હોત તો હિલેરીને લાંબી પ્રાઇમરીમાંથી પસાર તો થવું ના પડ્યું હોત, રિપબ્લિકન પાર્ટીમાં મુખપત્ર જેવા ગણાતાં વૉલ સ્ટ્રીટ જર્નલમાં ત્રણેક વર્ષ પહેલાં બે પાનાં ભરીને લેખ હતો કે ઓબામા પછીના અમેરિકી પ્રમુખ જેબ બુશ બનશે અને તેમાં વિગતે બુશના કન્ઝર્વેટિવ મુસદ્દાની ચર્ચા હતી. નોંધવું જોઈએ કે જેબ બુશને સમ ખાવા એકેય ઇલેક્ટોરલ ડેલિગેટ ના મળ્યો અને બહુ વહેલી ઉમેદવારી સમેટી લીધી.

પાર્ટી ઍસ્ટાબ્લિશમૅન્ટનું વિઘટન અને પક્ષની ઓછી અસરકારકતા કેવળ પ્રમુખપદની ચૂંટણી પૂરતી નથી, કૉંગ્રેસમાં આ જ દશા છે. દેડકાની પાંચ શેરીથી કંટાળેલા ગૃહના અધ્યક્ષ જોન બેનરે રાજીનામું આપ્યું. ત્યારે તે પહેલાં એવાં અધ્યક્ષ હતા જેણે કોઈ પણ જાતના ભ્રષ્ટાચારના આરોપ વગર, કેવળ હારીથાકીને પદત્યાગ કર્યો હોય. રિપબ્લિકન પાર્ટીમાં એક દબાવજૂથ, પ્રેસરગ્રૂપ, તરીકે કામ કરતી ટી-પાર્ટીના સભ્યોની આત્યંતિકતા અને અસામાધાનકારી વલણોને કારણે બીજું કોઈ સ્પીકર બનવા તૈયાર નહોતું. વર્તમાન સ્પીકર પોલ રાયે અનેક વિનવણીઓ પછી પદ સંભાળેલું તે પણ અનેક બાંયધરીઓ મેળવીને. એક સમય એવો હતો કે ઓબામા સાથે મળીને, સમાધાનકારી ફૉર્મ્યુલા ઘડીને બૅનર ગૃહ સમક્ષ આવે ત્યારે ટીપાર્ટી એ વિષય પર ચર્ચા કરવા જ તૈયાર ના થાય. નવા સ્પીકરનું પણ આવું નહિ થાય તેવું માનવાને કોઈ કારણ નથી. હવે તો દશા એવી છે કે પ્રમુખ તરીકે રિપબ્લિકન છે જેનો એજન્ડા પોતાનો છે. સેનેટમાં રિપબ્લિકન બહુમતી છે અને નીચલા ગૃહમાં પણ રિપબ્લિકન બહુમતી છે. પ્રમુખની જેમ સેનેટના સભ્યોનો અને ગૃહનો પોતપોતાનો એજન્ડા છે.

‘પક્ષની વરિષ્ઠ નેતાગીરી’ એ એક કાલભ્રમ છે. હવે કેવળ વ્યક્તિગત રાજકીય અદાકારો-ઇન્ડિવિજ્યુઅલ પોલિટિકલ ઍક્ટર્સ છે, જે પોતપોતાનાં અંગત રાજકીય હિતો અને વિચારસરણીઓ પાછળ દોડ્યા કરે છે.

બ્રિટિશ સંસદીય અને અમેરિકાના પ્રમુખીય લોકતંત્ર વચ્ચે એક નોંધપાત્ર ફેર છે. પક્ષીય નિયમોથી આડા ચાલતા સાંસદને બ્રિટન કે ભારતમાં પક્ષ કાઢી મૂકી શકે. અમેરિકી સાંસદને તેમ ના કરી શકાય. તેવી જ રીતે અવિશ્વાસની દરખાસ્તથી પ્રધાનમંત્રીને કાઢી શકાય, અમેરિકી પ્રમુખને પક્ષ કાઢી શકતો નથી. અમેરિકી બંધારણમાં એવી કોઈ જોગવાઈ જ નથી. અમેરિકી બંધારણમાં ક્યાં ય રાજકીય પક્ષનો ઉલ્લેખ નથી.

સેનેટ અને ગૃહની બિનઅસરકારકતા એ અમેરિકી રાજકારણની મોટી દુર્બળતા છે. વિવિધ મોજણીઓ પ્રમાણે અમેરિકાના ૬૦થી ૭૦ ટકા લોકો માને છે કે કૉંગ્રેસની કામગીરી કંગાળ છે. છોંતેર ટકા રિપબ્લિકન મતદારો માને છે કે કૉંગ્રેસને પ્રજાની પડી નથી. અસરકારક પક્ષો અને પક્ષીય નેતાગીરીના અભાવને કારણે એક મોટો રાજકીય શૂન્યાવકાશ ઊભો થયો છે. એક શિસ્તવિહીન, દિશાવિહીન ‘અરાજક’ સ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રમ્પની ઉમેદવારી અને વિજય આ અરાજક સ્થિતિનું સર્જન છે. આ કોઈ અલ્પકાલીન સ્થિતિ નથી; એક ‘અરાજક સંલક્ષણ (સિન્ડ્રોમ)’ છે. આ સિન્ડ્રોમને કારણે કૉંગ્રેસમાં એક ગ્રીડલોક ઊભો થયો છે. આ કારણસર જ અમેરિકાની ૬૦ ટકા પ્રજા માને છે કે કૉંગ્રેસની કામગીરી કંગાળ છે. બ્રૅનરે રાજીનામું આપ્યું ત્યારે તો ૭૦ ટકા લોકો માનતા હતા કે કૉંગ્રેસ પોતાનું કામ નથી કરતી. રિપબ્લિકન પાર્ટીના ૭૬ ટકા મતદારો ચૂંટણીપૂર્વે માનતા હતા કે પોતાના પક્ષના સાંસદોને પ્રજા સાથે કોઈ સંપર્ક નથી રહ્યો. ટ્રમ્પે પોતાના ચૂંટણીપ્રચારમાં આ અરાજક સ્થિતિનો પૂરતો લાભ લીધો. તેમના પ્રચારની મુખ્ય વાત એ હતી કે હું વૉશિંગ્ટન બહારનો – ‘આઉટસાઇડર’ છું. મારું કામ રિપબ્લિકન ઍસ્ટાબ્લિશમૅન્ટ અને અન્ય સ્થાપિત હિતો સામે લડવાનું છે. હું વૉશિંગ્ટનનો ગંદવાડ દૂર કરીશ. અને ‘આઈ વિલ ડ્રેઇન ધ સ્વામ્પ.’ (અત્યાર સુધી ટ્રમ્પે પોતાની કૅબિનેટની જે જાહેરાત કરી છે, તેમાં સ્થાપિત હિતો જ છે, તે ચર્ચા ફરી ક્યારેક !)

થોડા સમય પહેલાં જાણીતા રાજકીય વિશ્લેષક, જોનાથન રોશે ‘એટલાન્ટિક’ સામયિકમાં ‘હાઉ અમેરિકન પોલિટિક્સ વેન્ટ ઇન્સેઇન’ના મથાળા હેઠળના એક નિબંધમાં આ અરાજક સિન્ડ્રોમનાં કારણોનું વિગતે નિરૂપણ કર્યું છે.

કોઈ પણ લોકતંત્રમાં રાજકીય પક્ષો, રાજકીય આગેવાન, સંસદીય નેતાગણ, સંસદીય સમિતિઓ વગેરે સત્તાધીશો પર અંકુશ રાખતા હોય છે. પક્ષના સભ્યોને સખણાં રાખે. લાઇનમાં રાખે. કોઈ આડુંઅવળું થાય તો તેને સીધું કરે. શિસ્તમાં રાખે. માર્ગદર્શન આપે. આ બધી સંસ્થાઓ લોકતાંત્રિક વ્યવસ્થામાં ‘વચેટ-માધ્યમો’ (ઇન્ટરમિડિયરીઝ) જ ગણાય. અમેરિકામાં આ વચેટ માધ્યમોની અસરકારકતા ઘટતી ગઈ અને તેને પરિણામે ચૂંટાયેલા સાંસદો, રાજકીય નેતાઓ અને મતદારો સૌ વ્યક્તિવાદી બની ગયા. સૌ પોતપોતાના મનના રાજા. સૌનો પોતપોતાનો એજન્ડા. ‘અરાજક સિન્ડ્રોમ’નું આ મુખ્ય લક્ષણ છે.’

કોઈ પણ લોકતંત્રમાં આવાં વચેટ માધ્યમો, માળખાઓ ઊભાં કરતાં લાંબો સમય લાગે છે. અમેરિકાની ‘પરિપક્વ લોકશાહી’ને આ માળખાં ઘડતાં બસ્સો વર્ષ લાગ્યાં. અમેરિકામાં પક્ષીય પ્રથા ૧૭૯૦થી શરૂ થઈ, પણ જેને આપણે આજના સંદર્ભમાં રાજકીય પક્ષ ગણી શકીએ, તે પ્રથા તો ૧૮૩૦થી આરંભાઈ. ધીમે ધીમે રાજકીય પક્ષપ્રથા મજબૂત બનતી ગઈ. મુખ્યત્વે બે પક્ષો ઊભરતા ગયા. રાજકીય વિચારધારાઓ વિકસતી ગઈ. પોલિટિકલ મશિનરી ઊભી થઈ. મતાધિકારના વ્યાપ સાથે રાજકીય પક્ષોનું સ્વરૂપ પણ બદલાતું ગયું. આર્થિક, સામાજિક, ભૌગોલિક, રાજકીય માંગો સાથે અનેક હિતજૂથો, દબાવજૂથો પક્ષો સાથે જોડાયાં, પણ આ બધાંની સાથે નવી મુશ્કેલીઓ, સમસ્યાઓ અને પડકારો પણ આવ્યા.

છેલ્લાં ત્રીસેક વર્ષથી એક એવી છાપ પ્રબળ બનતી ગઈ કે આ વચેટ માધ્યમો જ ભ્રષ્ટ, બિનલોકતાંત્રિક અને બિનજરૂરી છે. ધીરેધીરે આ માધ્યમોની વિશ્વસનીયતા એટલી હદે નીચે ગઈ કે તે અસરકારકતા જ ગુમાવી બેઠાં. આ માધ્યમોની અવિશ્વસનીયતાને કારણે પ્રજામાં રાજકારણ પ્રત્યે ઉદાસીનતા વધી. બધા રાજકારણીઓ સરખા ભ્રષ્ટ છે એવી વ્યાપક લાગણીને પરિણામે મતદાનની ટકાવારી ઘટતી ગઈ. એક દાખલો લો. ગઈ પ્રમુખપદની ચૂંટણીમાં શરૂઆતમાં ૧૨ રિપબ્લિકન પ્રાઇમરીમાં કેવળ ૧૭ ટકા રિપબ્લિકન મતદારોએ મતદાન કર્યું. એનો અર્થ એમ થયો કે ટ્રમ્પને રિપબ્લિકન મતદારોના એક બહુ જ નાના જૂથે સમર્થન આપેલું. (આ જૂથ કેવું અને કયું હતું તેની ચર્ચામાં મેં ગયા અંકમાં કરી છે.)

અરાજકતા સિન્ડ્રોમ પાછળનું અન્ય મહત્ત્વનું પરિબળ વિચારધારાકીય ધ્રુવીકરણ આઇડિયોલૉજિકલ પોલરાઇઝેશન છે. બંને પક્ષે, વિશેષ કરીને રિપબ્લિકન પાર્ટીમાં ૧૯૯૦ના ગિંગરીચ રેવોલ્યુશન પછી જે ‘ટી-પાર્ટી’ નામનું દબાવજૂથ ઊભુ થયું છે, તેની આત્યંતિકતાએ રાજકીય નેતાગીરીની પકડને હલબલાવી મૂકી છે. આગળ આપણે સ્પીકર બ્રેનરની બિનઅસરકારકતાનો ઉલ્લેખ કર્યો છે. આ જૂથ માને છે કે નેતાગીરી સમાધાનને નામે આપણાં હિતો અને વિચારસરણી(કન્ઝર્વેટિવ વિચારધારા)ને નુકસાન પહોંચાડે છે. માટે રાષ્ટ્રને નુકસાન થાય, તો વાંધો નહીં, પરંતુ વિચારધારા બચવી જોઈએ. રાષ્ટ્ર પછી, વિચારધારા પહેલાં. પરિણામે બજેટ મંજૂર ના કરવું. ઓબામાની રાજકીય નિમણૂકોને મંજૂરી ના આપવી, સરકારી કામગીરી ઠપ્પ કરી દેવી, આવા વિકારો જન્મ્યા.

આ વિકારની એક સીધી અસર એ થઈ કે જો તમે અમારી સાથે નહીં તો અમારી સામે. પરિણામે રિપબ્લિકન પાર્ટીમાં મૉડરેટ હોવું એક ગેરલાયકાત જેવું બની ગયું. પરિણામ એ આવ્યું કે કાં તો મૉડેરેટ વિચારધારાઓએ ધીમે-ધીમે નિવૃત્તિ લઈ લીધી યા તો મૌન સેવી લીધું. જે રહ્યાં તેમને ઘરઆંગણે પોતાનાં જ મતક્ષેત્રોમાં જિતવું મુશ્કેલ બની ગયું. રિપબ્લિકન પાર્ટીના વર્તમાન સેનેટ-અધ્યક્ષ મિચ મેક્કોલેનને કન્ટકીની પોતાની સેનેટસીટ બચાવવી મુશ્કેલ પડેલ. કેન્ટર નામના ગૃહના બહુમતી નેતા તો પ્રાઇમરીમાં ટી-પાર્ટીમાં એક ઉમેદવાર સામે હારી ગયા. હવે ચાલુ સભ્યોને ભય છે કે સંસદમાં તે કોઈ એવું મતદાન ના કરે કે જેથી પોતાને ફરીથી ચૂંટાવું મુશ્કેલ બની જાય. ટ્રમ્પના વિજયથી આ સ્થિતિ વધુ ભયાનક બનશે.

વ્યક્તિવાદી રાજકારણનું અન્ય આકર્ષતું પાસું ચૂંટણીભંડોળ છે. અમેરિકી લોકતંત્ર પર ધનતંત્રનું વર્ચસ્વ સર્વવિદિત છે. હિલેરી ક્લિન્ટને આ ચૂંટણીમાં ૧.૨ બિલિયન ડોલર્સ વાપર્યાં. ૨૦૧૨ની ચૂંટણીમાં ઓબામા અને રોમની બંનેએ મળી બે બિલિયન ડોલર્સ ખર્ચેલા. જેબ બુશે બ્યુરો પ્રાયમરીમાં ૧૫૦ મિલિયન ડોલર્સ વાપર્યા અને એક પણ રાજ્યમાં ના જીત્યા. ૧૯૭૦થી ચૂંટણીમાં ધનતંત્રનો પ્રભાવ નાથવા કાયદાઓ કરવાની માંગ વધી. કાયદાઓ થયા પણ ખરાં. પરંતુ છટકબારીઓ એટલી નીકળી કે ધનતંત્રનો પ્રભાવ ઘટવાને બદલે કાંઈ ગણો વધ્યો. સહિત જૂથો, દબાવ જૂથો અને સ્થાપિત હિતોએ ઉમેદવારો સાથે મળી સુપર પોલિટિકલ એક્શન કમિટીઓ ઊભી કરી જે ‘સુપરપેક’ના નામે ઓળખાય છે. ઉપર જે આંકડાઓ આપ્યા છે તેમાં આ સુપરપેકની રકમના અહમ ભાગ છે. આ સુપરપેક પર પક્ષોનો કોઈ અંકુશ નથી. પક્ષો પોતાનું ભંડોળ ઊભું કરે છે. પરંતુ મુખ્યત્વે સુપરપેક ઉમેદવાર સાથે સીધો વ્યવહાર કરે છે. સુપરપેકને કારણે પક્ષો મજબૂત થવાના બદલે નબળા બન્યા છે. બંને પક્ષના કેટલાક નેતોઓએ જાહેરમાં કહ્યું છે કે સુપરપેકને કારણે તેમની કામગીરી વધુ મુશ્કેલ બની છે. સુપરપેક પ્રાયમરીમાં જ પોતાના ઉમેદવારને જીતાડવા લાખો કરોડો ખર્ચે છે. જેબ બુશના ૧૫૦ મિલિયન ડૉલર્સ ને હિલેરીના ૬૦૦ મિલિયન તેનાં ઉદાહરણ છે.

એક સમયે રાજકીય પક્ષો સંસદીય કામગીરીમાં અસરકારી ભાગ ભજવતાં સિનિયર નેતાઓને સમિતિઓના અધ્યક્ષ બનાવતા. મહત્ત્વની સમિતિઓમાં નિમાતા. સાંસદો સાથે બેસીને અરસ-પરસ કામો પતાવી લેતા. અમેરિકામાં આ પ્રથાથી જે દૂષણ પેદા થયું તે ‘પોર્ક બેરેલ’ નામે જાણીતું છે. તેમાં તારુંમારું સહિયારું ચાલતું. સાંસદો પોતપોતાના મતક્ષેત્રમાં રસ્તાઓ બનાવવા ઉદ્યોગો બનાવવા વિધેયકોમાં પોર્ક બેરેલને સામેલ કરી દેતા. અલાસ્કામાં બનેલો ‘રોડ્‌સ ટુ નો વ્હેર’ તેનું ઉદાહરણ છે. ગિંગરીચ રેવોલ્યૂશન પછી આ પોર્ક બેરેલને નાથવાના આશયથી સુધારાઓ થયા પરંતુ આ સુધારાઓએ પક્ષોને કૉંગ્રેસમાં વધુ નબળા બનાવ્યા એક સમયે સાથે મળીને કામ કરતાં જૂથોમાં મધ્યસ્થહીનતા આવી ગઈ.

આમ પક્ષોની અને પક્ષીય નેતાગીરીની ઘટેલી અસરકારકતાને કારણે લોકરંજક ઉમેદવારો ઊભા થવા માંડ્યા. વ્યક્તિવાદી લઘુકેન્દ્રી રાજકારણ ઊભું થયું. હવે પ્રજા અને ઉમેદવારની વચ્ચે કોઈ અસરકારી પરિબળ નથી.

અમેરિકાના રાજકીય પક્ષોના ભવિષ્ય વિશેની આગળની ચર્ચા હવે પછી.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 03, 04 અને 15 

Loading

કાળાં નાણાંથી ‘કૅશલેસ ઇકોનૉમી’

રમેશ બી. શાહ|Opinion - Opinion|22 December 2016

દેશમાં કાળાં નાણાંની નાબૂદી માટે નોટબંધી એક માત્ર ઉપાય છે અને કાળું નાણું દેશ માટે આપત્તિજનક અને દેશના વિકાસ માટે અવરોધક છે, એમ નાગરિકોની વિશાળ બહુમતીએ માની લીધું છે. દેશમાં કાળાં નાણાંની ચર્ચા દસકાઓથી ચાલે છે અને તેના મોટા-મોટા આંકડા રજૂ થતા રહે છે. તેથી દેશમાં કાળાં નાણાંને લોકો ભસ્માસુર રૂપે જોતાં થયાં છે. નોટબંધી કરીને મોદી આ ભસ્માસુરનો વધ કરવા નીકળ્યા છે એવી માન્યતાથી પ્રેરાઈને લોકો હાડમારી વેઠીને પણ નોટબંધીને ટેકો આપી રહ્યા છે. કાળું નાણું શું છે, એ કેવી રીતે સર્જાય છે, એની અર્થતંત્ર પર શું અસર પડે છે, એની નાબૂદી માટે કરવામાં આવેલી નોટબંધીથી અર્થતંત્રને લાંબે ગાળે શું લાભ થશે, એ વિશે કશી જાણકારી નહીં ધરાવતા નાગરિકો કેવળ વર્ષોથી ચાલી આવતી કાળાં નાણાં અંગેની માન્યતાથી પ્રેરાઈને નોટબંધીનું સમર્થન કરી રહ્યાં છે. આ લેખમાં કાળાં નાણાંનાં આ બધાં પાસાંની ચર્ચા કરી છે.

એ ચર્ચા કરીએ એ પહેલાં કાળાં નાણાં અંગેના એક તુલનાત્મક ચિત્રથી વાકેફ થઈએ. જેને આપણા દેશમાં કાળા કે સમાંતર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેને વૈશ્વિક ચર્ચામાં છાયા-અર્થતંત્ર (shadow economy) તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વબૅંકના ત્રણ અર્થશાસ્ત્રીઓએ દુનિયાના ૧૬૨ દેશોમાં ૧૯૯૯થી ૨૦૦૭માં કેટલા પ્રમાણમાં છાયા-અર્થતંત્ર પ્રવર્તતું હતું, તેનો અભ્યાસ કરીને એક અભ્યાસલેખ ૨૦૧૦માં પ્રકાશિત કર્યો હતો. આ તુલનાત્મક અભ્યાસમાંથી સાંપડેલી કેટલીક વિગતો નીચે નોંધી છે :

૧. દુનિયાના ૧૫૧ દેશોને છાયા-અર્થતંત્રના કદના આધારે આપવામાં આવેલા ક્રમમાં ભારત ૩૯મા ક્રમે હતું. ભારતમાં છાયા-અર્થતંત્રનું કદ ૧૯૯૯માં સત્તાવાર જી.ડી.પી.ના ૨૩.૨ ટકા હતું, જે ઘટીને ૨૦૦૭માં ૨૦.૭ ટકા થયું હતું.

૨. છાયા-અર્થતંત્રનું સહુથી નાનું કદ સ્વિટ્‌ઝર્લૅન્ડમાં હતું, જે ૨૦૦૭માં ૮.૧ ટકા હતું. ભારતની તુલનામાં નાના કદનું છાયા-અર્થતંત્ર ધરાવતા અન્ય ૩૮ દેશોમાં અમેરિકા (૮.૪ ટકા), જાપાન (૧૦.૩ ટકા), ચીન (૧૧.૯ ટકા), સ્વીડન (૧૭.૯ ટકા) વગેરેનો સમાવેશ થતો હતો.

૩. ભારતની તુલનામાં મોટું છાયા-અર્થતંત્ર ધરાવતા ૧૧૨ દેશો પૈકી કેટલાક ભારત કરતાં વધુ વિકસિત દેશોનાં ઉદાહરણ આ પ્રમાણે છે : કોરિયા (૨૫.૬ ટકા), ઈટાલી (૨૬.૮ ટકા), મૅક્સિકો (૨૮.૮ ટકા), મલેશિયા (૨૯.૬ ટકા), બ્રાઝિલ (૩૬.૬ ટકા) અને રશિયા (૪૦.૬ ટકા).

૪. અભ્યાસ નીચેના ૧૫૧ દેશોમાં છાયા-અર્થતંત્રનું સરેરાશ કદ ૧૯૯૯માં ૩૩.૩ ટકા હતું, જે ઘટીને ૨૦૦૭માં ૩૧.૩ ટકા થયું હતું. આમ-વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતમાં છાયા અર્થતંત્રનું કદ ગણનાપાત્ર ગણાય એટલું ઓછું છે. જે દેશના લોકો એમની દેશભક્તિ માટે વિખ્યાત છે, તે ઇઝરાયેલમાં છાયા-અર્થતંત્રનું કદ ભારત જેટલું જ માલૂમ પડ્યું છે. બેલ્જિયમ અત્યંત વિકસિત અને ‘કૅશલેસ’ અર્થતંત્ર ધરાવતો દેશ છે, છતાં બેલ્જિયમમાં છાયા-અર્થતંત્રનું કદ ૨૦૦૭માં ભારત કરતાં થોડું મોટું હતું. (૨૧.૩ ટકા).  દેશના અર્થતંત્રને ‘કૅશલેસ’ બનાવવાની જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તેના સંદર્ભમાં બેલ્જિયમનું ઉદાહરણ ધ્યાનપાત્ર છે.

દુનિયાના ૧૦૦થી અધિક દેશોમાં છાયા-અર્થતંત્રનું કદ ભારતની તુલનામાં મોટું હોવા છતાં ભાગ્યે જ એમાંના કોઈ દેશમાં આ વહીવટી અને આર્થિક પ્રશ્નને ભારતમાં અપાયું છે, તેવું રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. આના સંદર્ભમાં વિષયાન્તરનો દોષ વહોરીને ફ્રાન્સનો એક દાખલો ટાંકું છું. ૨૦૦૫ના વર્ષમાં ફ્રાન્સના પ્લમરોને એવું સમજાવવામાં આવ્યું હતું કે પૉલૅન્ડમાંથી પ્લમરો મોટી સંખ્યામાં આવશે અને ફ્રાન્સના પ્લમરોની રોજી છીનવી લેશે. એ વખતે ફ્રાન્સમાં બેકારી વધારે હતી, તેથી પ્લમરોએ એ વાત માની લીધી. વાસ્તવમાં પોલૅન્ડના પ્લમરને કોઈએ જોયો નહોતો. ફ્રાન્સના પ્લમરોના મંડળે આપેલા આંકડા પ્રમાણે પોલૅન્ડના ૬૫૦ પ્લમરો ટૂંકી મુદતના કરાર પર આવેલા. હકીકતમાં ફ્રાન્સમાં ૬,૦૦૦ પ્લમરોની અછત હતી. આમ છતાં, પ્લમરોમાં બેકારીનો હાઉ ઊભો કરીને તેમનામાં આક્રોશ પેદા કરી શકાયો હતો. આમ, અસરકારક પ્રચાર દ્વારા અર્ધસત્યો કે તદ્દન જુઠાણાંના પાયા પર મોટા જનસમૂહને ગેરમાર્ગે લઈ જઈ શકાય છે.

આ ભૂમિકા સાથે હવે કાળાં નાણાંના પ્રશ્નનાં વિવિધ પાસાં તપાસીએ :

દેશમાં કાળું નાણું (બ્લૅકમની) શબ્દ ખોટી રીતે રૂઢ થયો છે. કાળું નાણું એ ખરેખર કાળી કે સત્તાવાળાઓથી છુપાવવામાં આવેલી આવક છે. આવક છુપાવવાનો ઉદ્દેશ કરચોરી કરવાનો છે. કાનૂની માર્ગે મેળવવામાં આવેલી આવકનો કેટલોક ભાગ કર-અધિકારીઓથી કરચોરીના ઉદ્દેશથી છુપાવવામાં આવે છે. કેટલીક આવક  જ ગેરકાનૂની માર્ગે મેળવવામાં આવી હોય છે, તેથી તે જાહેર કરાતી નથી. લાંચરુશવત અને દાણચોરી દ્વારા મેળવવામાં આવેલી આવક આ પ્રકારની છે. ઉત્પાદકો અને વેપારીઓએ આબકારી જકાત, વેટ, જેવા વેરા અંશતઃ ટાળીને જે આવક મેળવી હોય, તે પણ ગેરકાનૂની છે. આમ, કાળી આવક કરચોરી અને ભ્રષ્ટાચાર દ્વારા મેળવવામાં આવે છે.

કાળી આવકનો ઉપયોગ, ધોળી આવકની જેમ વિવિધ માર્ગોએ થાય છે. કેટલીક આવક વૈભવી વપરાશ માટે ખર્ચાય છે. એ આવકનો મોટો ભાગ જમીન, મકાનો, સોનું, ઝવેરાત જેવી સંપત્તિ ખરીદવામાં ખર્ચાય છે, જેમની પહોંચ છે, એવા લોકો તેમની કાળી આવકનો મોટો ભાગ વિદેશોમાં રાખે છે. એ આવકનો કેટલોક ભાગ સગવડ ધરાવતા લોકો બીજાઓનાં નામે વેપારધંધામાં રોકે છે અને શેષ ભાગ ચલણી નોટોમાં રાખે છે. આમ કાળી આવકનો એક નાનો ભાગ ચલણી નોટોના રૂપમાં હોય છે. લોકોમાં પ્રચલિત ખ્યાલ પ્રમાણે એ જ કાળું નાણું છે.

કાળાં નાણાં વિશે એક મોટી ગેરસમજ પ્રવર્તે છે. આ માન્યતા પ્રમાણે કાળું નાણું ધરાવતા લોકો તેમની પાસે રહેલાં કાળાં નાણામાં દર વર્ષે ઉમેરો કરતા રહે છે. સરકાર વતી ઍટર્ની જનરલે સર્વોચ્ચ અદાલતમાં કરેલી રજૂઆતમાં લોકોની આ ગેરસમજ પોષાય એ મતલબનાં વિધાનો કરવામાં આવેલાં. વાસ્તવમાં કાળી આવક મેળવતા લોકો વધુ પ્રમાણમાં ચલણી નોટો હાથ પર રાખતા નથી. ચલણી નોટોના રૂપમાં સંપત્તિ વધી જાય તો ઉપર દર્શાવી છે, એવી અન્ય સંપત્તિમાં તેનું રૂપાંતર કરી નાખવામાં આવે છે. જો દર વર્ષે હાથ પર રાખવામાં આવતાં કાળાં નાણાંમાં વધારો થતો હોત, તો મોદી સરકારને રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટોને ચલણમાંથી રદ કરવાનો મોકો જ ન મળ્યો હોત. ધારો કે દર વર્ષે ત્રણ લાખ કરોડ જેટલી કાળી આવકને ચલણી નોટોના રૂપમાં રાખવામાં આવે છે. ૨૦૧૧થી આપણે શરૂઆત કરીએ, તો ૨૦૧૫ સુધીનાં પાંચ વર્ષમાં કરચોરો પાસે રૂ. ૧૫ લાખ કરોડની રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટોનો સંચય થાય. આની સામે માર્ચ ૨૦૧૬માં ચલણમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની કુલ નોટો રૂ. ૧૪,૧૭,૯૪૩ કરોડની હતી. બીજી એક હકીકતના આધારે તપાસીએ. સાતમી ડિસેમ્બર સુધી બૅંકોમાં રૂ. ૧૧.૫ લાખ કરોડની નોટો જમા થઈ ગઈ હતી અને હજી (સરકાર બીજી અનેક બાબતોમાં ફરી ગઈ છે, તેમ આ બાબતમાં પણ ફરી ન જાય તો) નોટો જમા કરાવવા માટે ૨૩ દિવસ બાકી હતા. આમ, કાળાં નાણાં વિશે મોટો હાઉ અને અપેક્ષાઓ જગવીને નોટબંધી કર્યા પછી ‘કોથળામાંથી બિલાડી’ નીકળવાની પાકી સંભાવના હોવાથી, ‘રોકડ નાણું જ ભ્રષ્ટાચારના મૂળમાં છે’, એવી દલીલ કરીને હવે વડાપ્રધાનને ‘કૅશલેસ ઇકોનૉમી’ માટે ઝુંબેશ શરૂ કરી છે. એ મુદ્દાની ચર્ચા લેખના ઉત્તરાર્ધમાં કરી છે.

કાળી આવક સર્જાવાના બે સ્રોત છે : કરચોરી અને ભ્રષ્ટાચાર. કરચોરી માટે લોકોની અને કરવેરાના વહીવટીતંત્રની અપ્રામાણિકતાની સાથે બીજાં પણ કેટલાંક કારણો છે : વેરાનો ઊંચો દર, વેરાના કાયદાની જટિલતા અને સંદિગ્ધતા, કર ઉઘરાવતા અધિકારીઓની કનડગત, ખેતીની આવક પર આવકવેરાનો અભાવ (જે આવકવેરાની ચોરી કરવાની સગવડ પૂરી પાડે છે), અર્થતંત્રમાં મોટો અસંગઠિત વિભાગ (જેમાં મોટા ભાગમાં વ્યવહારો રોકડ નાણાંથી થાય છે), વકીલો, ડૉક્ટરો, વેપારીઓ વગેરેને રોકડ નાણાં રૂપે મળતી આવક (જે કરચોરી માટે પોષક નીવડે છે). આમ કરચોરી રોકવા માટે અનેક મોરચે લડવાનું છે.

કાળી આવકનો બીજો સ્રોત ભ્રષ્ટાચાર છે. સરકારી વહીવટીતંત્રમાં તળિયાથી ટોચ સુધી ચાલતા ભ્રષ્ટાચારના મૂળમાં રાજ્યના અંકુશોની જટિલતા અને અધિકારીઓને મળતી વિવેકાધીન સત્તા (discretionary power) રહેલાં છે. લોકશાહી ધરાવતા ભારતમાં રાજકીય પક્ષો દ્વારા લડાતી ચૂંટણી ભ્રષ્ટાચારનો મોટો સ્રોત બને છે. આ રાજકીય પક્ષો ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ, બિલ્ડરો વગેરે પાસેથી મોટી રકમો ‘દાન’ રૂપે મેળવે છે, જેની વિગતો ક્યારે ય પ્રગટ કરવામાં આવતી નથી. આ દાન બિનહિસાબી નાણાંરૂપે મેળવવામાં આવતું હોઈ દાતાઓને એ નાણાં કાળી આવકના રૂપમાં રાખવાની ફરજ પડે છે. આમ, સરકારી તંત્રમાં ટોચ ઉપર લેવાતી મોટી રકમની લાંચ અને રાજકીય પક્ષો દ્વારા મેળવવામાં આવતાં ‘દાન’ દાતાઓને કાળી આવક સર્જવાની ફરજ પાડે છે. જ્યાં સુધી સરકારી તંત્ર અને રાજકીય પક્ષોનો આ ભ્રષ્ટાચાર મહદંશે નાબૂદ નહીં થાય, ત્યાં સુધી ‘કૅશલેસ’ અર્થતંત્ર પણ કાળી આવકના સર્જનને રોકી નહીં શકે.

અર્થતંત્રમાં કાળી આવક સર્જાવાના સ્રોત અને તેનાં કારણો જાણ્યાં પછી કાળી આવકની અસરોની ચર્ચા કરીએ. કાળી આવક પર વેરો ભરવામાં આવતો નથી તેનાં ત્રણ પરિણામો આવે છે : કરચોરી આવક અને સંપત્તિની અસમાનતા સર્જવામાં સહાયક બને છે; કરચોરી સાપેક્ષ રીતે અન્યાયની સ્થિતિ સર્જે છે. વર્ષે રૂ. પંદર લાખનો પગાર મેળવતા સંગઠિત ક્ષેત્રના કર્મચારીને આવકવેરો ભરવો પડે છે, જ્યારે એટલી જ આવક રળતો વેપારી આવક પ્રગટ નહીં કરીને આવકવેરો ટાળે છે. કરચોરીને કારણે સરકારને વેરામાંથી ઓછી આવક મળે છે. તેથી એમ કહી શકાય કે પ્રજાકીય કામો કરવાની સરકારની વિત્તીય ગુંજાશ ઘટે છે, પણ અર્થતંત્રમાં સર્જાતી કાળી આવકથી દેશનો આર્થિક વિકાસ રૂંધાય છે, એમ કહી શકાશે નહીં. પ્રથમ આપણા દેશનો દાખલો લઈએ. ૧૯૫૦થી ’૮૦ના ત્રણ દસકા દરમિયાન રાજ્ય વિકાસ માટે મોટા પ્રમાણમાં ખર્ચ કરતું હતું પણ જી.ડી.પી.નો વાર્ષિક વૃદ્ધિદર એ વર્ષોમાં સાડા ત્રણ ટકાનો હતો. એ પછીનાં વર્ષોમાં રાજ્યની ભૂમિકા ઘટતી ગઈ છે અને વૃદ્ધિદર વધતો રહ્યો છે : ૧૯૮૦થી ’૯૦ના દસકામાં તે પ.૬ ટકા હતો; ૧૯૯૦થી ૨૦૦૦ના દસકામાં તે ૫.૮ ટકા હતો; ૨૦૦૦થી ૨૦૧૦ના દસકામાં તે વધીને ૭.૨ ટકા થયો હતો. આજે ભારતનું અર્થતંત્ર દુનિયામાં સહુથી ઊંચો વૃદ્ધિદર ધરાવે છે. બીજી બાજુ, છેલ્લા ત્રણ-ચાર દસકાઓ દરમિયાન કાળી આવકમાં મોટો વધારો થયો હોવાની છાપ છે.

આંતરરાષ્ટ્રીય તુલના કરીએ, તો દેશમાં છાયા-અર્થતંત્રના કદ અને દેશની માથા દીઠ આવક વચ્ચે કોઈ સંબંધ જોવા મળતો નથી. ચીનમાં છાયા-અર્થતંત્રનું કદ ૧૨ ટકા જેટલું છે અને તેની માથા દીઠ આવક ૮,૨૬૧ ડૉલર છે. મૅક્સિકોમાં છાયા-અર્થતંત્રનું કદ ૨૯ ટકા છે, પણ એની માથા દીઠ આવક ૮,૬૯૯ ડૉલર છે. ભારતમાં છાયા-અર્થતંત્રનું કદ ૨૧ ટકા જેટલું છે અને તેની માથા દીઠ આવક ૧,૭૧૯ ડૉલર છે. બીજી બાજુ બ્રાઝિલમાં છાયા-અર્થતંત્રનું કદ ૩૭ ટકા જેટલું છે. પણ તેની માથા દીઠ આવક ૮,૫૮૭ ડૉલર છે અને મલેશિયામાં છાયા-અર્થતંત્રનું કદ ૩૦ ટકા જેટલું છે, જ્યારે એની માથા દીઠ આવક ૯,૫૪૬ ડૉલર છે.

કાળી આવક કે કાળાં નાણાં દેશમાં ફુગાવો સર્જે છે, એ માન્યતામાં પણ તથ્ય નથી. દેશમાં કાળાં નાણાંની હાજરી વચ્ચે ફુગાવાના દરમાં મોટી વધઘટ જોવા મળી છે, તે દર્શાવે છે કે ફુગાવાનો સંબંધ દેશમાં નાણાંના કુલ પુરવઠાના વૃદ્ધિદર સાથે છે, કાળાં નાણાં સાથે નથી. ઊલટું, લોકો માને છે તેમ જો કાળું નાણું નિષ્ક્રિય પડી રહેતું હોય, એટલે કે ન ખર્ચાતું હોય, તો તે ફુગાવાને ઘટાડવામાં સહાયભૂત થાય!

આનો અર્થ એવો નથી કે કાળી આવક અનિષ્ટ નથી. એ નિર્વિવાદ રીતે એક અનિષ્ટ છે, કારણ કે તેના મૂળમાં કરચોરી અને ભ્રષ્ટાચાર છે. પણ નોટબંધી તેનો ઇલાજ નથી. પેટમાં ઍપેન્ડિક્‌સનો દુખાવો હોય એવા દરદીને દુખાવો મટાડવા માટે પેટ ઉપર ડામ દેવામાં આવે તેનો જેવો આ ઇલાજ છે. એનો હેતુ તો સારો જ છે. પણ સાધ્યના આધારે આ દાખલામાં જેમ સાધનને યોગ્ય ન ગણી શકાય, તેમ કાળા નાણાંનાં અનિષ્ટોને નાબૂદ કરવા માટે નોટબંધી યોગ્ય માર્ગ નથી.

નોટબંધીથી ટૂંકા ગાળામાં લોકોને હાડમારી પડશે, કેટલાક લોકોને રોજગારી ગુમાવવી પડશે, વેપારઉદ્યોગના વેચાણ અને ઉત્પાદનમાં ઘડાટો થશે, એ રીતે દેશના લોકોએ તેની કિંમત ચુકવવી પડશે, પણ લાંબે ગાળે તેનાથી દેશને લાભ થશે, એવી દલીલ પ્રધાનમંત્રી સહિત અનેક લોકોએ કરી છે. પણ તેઓ બે બાબતો વિશે ફોડ પાડીને કહેતા નથીઃ એક ટૂંકો ગાળો કેટલો ટૂંકો છે અને લાંબો ગાળો કેટલો લાંબો છે, તે તેઓ કહેતા નથી. બીજું, નોટબંધીથી લાંબે ગાળે શું લાભ થશે અને તે કેવી રીતે થશે, તે સ્પષ્ટ કરતા નથી. વડાપ્રધાને નોટબંધી જાહેર કરી, ત્યારે તેને કાળાં નાણાં, આતંકવાદીઓ પાસે રહેલાં અને તેમને મળતાં નાણાં તથા ચલણમાં ઘુસાડવામાં આવેલી ચલણી નોટો પરની સર્જિકલ સ્ટ્રાઇક તરીકે વધાવી લેવામાં આવી હતી. પણ આ ત્રણે ઉદ્દેશોની બાબતમાં ભોંઠા પડવાનું થયું છે. આપણે જોઈ ગયા તેમ અપેક્ષા રાખવામાં આવી હતી, તેવા મોટા જથ્થામાં કાળું નાણું સાંપડવાની સંભાવના રહી નથી, દેશની પશ્ચિમ સરહદે અને પૂર્વનાં રાજ્યોમાં આતંકવાદીઓના હુમલા થયા છે તથા નવી નોટો બધા લોકો પાસે પહોંચે તે પહેલાં નકલી નોટો ફરતી થઈ. બીજી બાજુ નોટોની અછતને કારણે બૅંકો અને એ.ટી.એમ. પર લાઇનો લાગે છે અને ઘણા લોકોને નિરાશ થઈને ઘેર જવું પડે છે. લાઇનમાં ઊભેલા લોકોને નવી નોટો મળે નહીં અને વગદારોને ઘેરબેઠાં નવી નોટો મળી જાય, એ નોટોના વિતરણમાં ચાલતા ભ્રષ્ટાચારને જે સરકાર રોકી શકી નથી, તે કાળી આવક સર્જતા સરકારી વહીવટીતંત્રના ભ્રષ્ટાચારને કેવી રીતે દૂર કરી શકશે. એવો પ્રશ્ન સહજ રીતે થાય.

નોટબંધીથી સર્જાયેલી આ અરાજકતા અને તેના કથિત ઉદ્દેશો પાર પાડવામાં અપેક્ષિત સફળતા સાંપડવાની સંભાવના નથી, તે પામી જઈને વડાપ્રધાને રાજકીય ચતુરાઈ વાપરીને એક સાવ નોખો ઉદ્દેશ રજૂ કરી દીધો. નોટબંધી દ્વારા નોટોની અછત સર્જીને તેઓ દેશના અર્થતંત્રને ‘કૅશલેસ’ બનાવવા માગે છે. નોટબંધી જાહેર કરવામાં આવી, ત્યારે કૅશલેસ અર્થતંત્રના જે ઉદ્દેશનો ઉલ્લેખ સરખો કરવામાં આવ્યો નહોતો. તે આજે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે અને મૂળ ઉદ્દેશો ભુલાઈ ગયા છે. વડાપ્રધાનની આ રાજકીય ચતુરાઈ દાદ માંગી લે તેવી છે. અફસોસ એટલો જ કે એ ચતુરાઈનો ઉપયોગ નોટબંધીના કુશળ આયોજન માટે થયો હોત, તો કરચોરીની બાબતમાં સાવ નિર્દોષ એવા ૯૦ ટકાથી અધિક લોકોને હાડમારી ન ભોગવવી પડત તેમજ છૂટક મજૂરી કરતા મજૂરોને રોજગારી ગુમાવવી ન પડત.

કૅશલેસ અર્થતંત્રનો અર્થ એવો નથી કે અર્થતંત્રમાં ચલણી નાણાંનો ઉપયોગ કર્યા વિના, ક્રૅડિટ કાર્ડ, ડૅબિટ કાર્ડ, મોબાઇલ જેવાં સાધનોનો ઉપયોગ કરીને બૅંકના માધ્યમથી જ બધી ચુકવણીઓ થતી હોય. કૅશલેસ ગણાતાં વિવિધ અર્થતંત્રોમાં રોકડ નાણાંના ઉપયોગ વિના થતા વિનિમયનું પ્રમાણ વિભિન્ન માલૂમ પડે છે. દા.ત. ફ્રાન્સના મૂલ્યની રીતે ૭૮ ટકા વિનિમય રોકડ નાણાંની મદદ વિના થાય છે; જર્મની અને અમેરિકામાં એ પ્રમાણ ૭૬ ટકા છે, જ્યારે ઓછા વિકસિત ચીનમાં એ પ્રમાણ ૫૩ ટકા અને તૂર્કસ્થાનમાં ૪૦ ટકા છે. ભારતમાં એ પ્રમાણ આજે ૨૨ ટકા છે, પણ ૨૦૨૫ સુધીમાં તે ૫૯ ટકા થશે એવો અંદાજ નોટબંધીપૂર્વે મૂકવામાં આવ્યો હતો. આમ, અર્થતંત્રના વિકાસ સાથે અર્થતંત્ર આપમેળે વધુ ને વધુ કૅશલેસ થતું જ જાય છે.

અર્થતંત્ર આ રીતે કૅશલેસ થાય તેને પરિણામે અર્થતંત્રમાં જી.ડી.પી.ના ટકા રૂપે ચલણી નાણાંનું પ્રમાણ ઘટે છે. ભારતમાં ચલણી નાણાંનું પ્રમાણ જી.ડી.પી.ના ૧૨ ટકા જેટલું છે. ચીનમાં તે ૨૦૦૦માં ૧૪.૬ ટકા હતું. તે ઘટીને ૨૦૧૫માં ૯.૧ ટકા થયું હતું. આ બે દેશોની સરખામણીમાં વધુ વિકસિત એવા મૅક્સિકોમાં ચલણનું પ્રમાણ ૫.૩૨ ટકા, બ્રાઝિલમાં ૩.૯૩ ટકા અને દક્ષિણ આફ્રિકામાં ૩.૭૨ ટકા છે. ભારતમાં નોટબંધી દ્વારા ચલણની તીવ્ર અછત સર્જીને લોકોને કૅશલેસ વ્યવહારો કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેને પરિણામે દેશમાં જી.ડી.પી.ના ટકા રૂપે ચલણી નાણું કેટલું ઘટવા પામે છે, તે જોવાનું રસપ્રદ થશે. બહુ આશાવાદી થઈને આપણે એમ ધારીએ કે બે વર્ષમાં, એટલે કે ૨૦૧૮ના અંતે દેશમાં ચલણનું પ્રમાણ ઘટીને સાત ટકા થઈ જાય છે, અને જી.ડી.પી.માં ચાલુ ભાવે આજના દરે વધારો થયા કરે છે, તો ૨૦૧૮ના અંતે દેશમાં લગભગ ૧૨ લાખ કરોડનું ચલણ હોય. નોટબંધી પહેલાં દેશમાં ૧૬ લાખ કરોડનું ચલણ હતું. આમ, કૅશલેસ અર્થતંત્ર શબ્દશઃ કૅશલેસ થતું નથી, તેથી પ્રધાનમંત્રીના નિદાન પ્રમાણે જો ભ્રષ્ટાચારના મૂળમાં રોકડ નાણું હોય, તો એ તો અર્થતંત્રને કૅશલેસ કર્યા પછીયે રહેવાનું જ છે.

અર્થતંત્ર કૅશલેસ થાય, એટલે ઘણા બધા વ્યવહારો બૅંકોમાં નોંધાઈ જાય. તેથી લોકોને આવક છુપાવવાનો અવકાશ રહેતો નથી, એમ માનવામાં આવે છે, નોટબંધીનો જે લાંબા ગાળાનો લાભ ગણાવવામાં આવે છે તે આમાંથી નીપજે છે : કરચોરી ઘટે, તો સરકારની કરની આવક વધે. સરકારની કરની આવક વધતાં વિકાસલક્ષી તેમ જ સામાજિક સેવાલક્ષી ખર્ચ કરવાની સરકારની વિત્તીય ગુંજાશ વધે. પણ સરકારની વધતી વિત્તીય ગુંજાશનો ક્યાં કેવો ઉપયોગ થશે, તે એક અનિશ્ચિત બાબત છે.

પણ અર્થતંત્ર કૅશલેસ થવાથી ભ્રષ્ટાચાર અને કરચોરી ઘટી જશે એવું નિશ્ચિત રૂપે કહી શકાય તેમ નથી. ઉપર આપણે જે આંકડા ટાંક્યા છે તેમાંથી આ મુદ્દો ફલિત થાય છે. ચીનમાં રોકડ નાણાંનું પ્રમાણ નવ ટકા જેટલું વધારે હોવા છતાં તે દેશમાં છાયા-અર્થતંત્રનું કદ ૧૨ ટકા જેટલું ઓછું છે. એની તુલનામાં મૅક્સિકોમાં ચલણનું પ્રમાણ ૫.૩૨ ટકા જેટલું ઓછું હોવા છતાં છાયા-અર્થતંત્રનું કદ ૨૯ ટકા જેટલું છે. ભારતમાં ચલણનું પ્રમાણ ૧૨ ટકા જેટલું વધારે હોવા છતાં છાયા-અર્થતંત્રનું કદ ૨૧ ટકા છે. એની તુલનામાં બ્રાઝિલમાં ચલણનું પ્રમાણ ચાર ટકાથી ઓછું હોવા છતાં છાયા-અર્થતંત્રનું કદ ૩૭ ટકા જેટલું મોટું છે. મુદ્દો એ છે કે દેશના અર્થતંત્રમાં ચલણનું પ્રમાણ ઘટાડીને તેને કૅશલેસ કરવા માત્રથી દેશમાં ભ્રષ્ટાચાર અને કરચોરી નામશેષ થઈ જતાં નથી. એ માટે વિવિધ વહીવટી સુધારા અસરકારક રીતે કરવા પડે છે. અલબત્ત, એ સુધારામાં નોટબંધી જેવી નાટ્યાત્મકતા ન હોવાથી તેનાથી પ્રસિદ્ધિ અને રાજકીય લાભ મળતા નથી.

લખ્યા તા. ૯-૧૨-’૧૬

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 05-07 

Loading

નોટબંધી : બેમિસાલ આપત્તિ

રોહિત શુક્લ|Opinion - Opinion|22 December 2016

સરકારે નોટબંધી જાહેર કરી અને ભારતીય જનજીવનમાં એક ઉલ્કાપાત થયો. આ ઘટનાને અનેક નિષ્ણાતો, મીડિયાકર્મીઓ, જાહેરજીવનના અગ્રણીઓ તેમ જ સામાન્ય જનસમુદાયે ભિન્નભિન્ન રીતે જોઈતપાસી છે. ૭૦ ઉપરાંત વ્યક્તિઓએ આત્મહત્યા કરી, નાના ધંધારોજગાર લગભગ પડી ભાંગ્યા, ખેતી અને ખેડૂતોની હાલાકી વધી ગઈ, વિદ્યાર્થીઓની ફી ભરવાથી માંડીને દવાખાનામાં બિલ ચૂકવવા સુધીની અને લગ્નથી માંડીને મરણની ક્રિયા સુધી રોકડ રકમ માટે લોકો ટળવળતા રહ્યા. ખાતાંઓમાં પૈસા હોવા છતાં તે ઘણાને કામ ન આવ્યા.

બીજી તરફ ‘કાળું’ નાણું ધરાવનારાઓ પૈકી કોઈકોઈએ તે નદીનાળામાં વહાવ્યા કે બાળી મૂક્યાના હેવાલો પણ આવ્યા. કાશ્મીરમાં ચાલતો તનાવ આ નોટો બંધ થવાની સાથે જ ઘટી ગયો – સરકારનાં અન્ય પગલાં કે ૧૫૦ દિવસના કરફ્યુને લીધે નહીં – એવું પણ કહેવાયું.

વિશ્લેષકોએ અભ્યાસપૂર્ણ રજૂઆત કરીને જણાવ્યું કે ભારતીય ચલણમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ નોટોનું ચલણ લગભગ રૂ. સત્તર લાખ કરોડનું છે, જે પૈકી મોટી નોટોનું પ્રમાણ ૮૬ ટકાથી પણ વધુ છે. વળી, દેશમાં નેવું ટકા સોદાઓ રોકડ રકમ દ્વારા થાય છે. આથી ૧૦મી નવેમ્બરથી જ બૅંકો તથા એ.ટી.એમ.માં મોટી કતારો જામી પડી. કદાચ જગતના ઇતિહાસમાં ભારત એકમાત્ર દેશ બન્યો કે જ્યાં વગર વેતને સૌને સો ટકા કામ મળ્યું – લાઇનોમાં ઊભા રહેવાનું !

નવમી નવેમ્બરથી આજ સુધી આવી અનેક વાતો ચર્ચાઈ ગઈ છે અને કદાચ હજુ લાંબા સમય સુધી ચર્ચાતી રહેશે. આ લેખનો ઇરાદો આ ચર્ચાઓની પુનરુક્તિ કરવાનો નથી. આ પગલાને એક લાંબી શૃંખલાની કડી રૂપે જોવું ઠીક રહેશે.

આ શ્રૃંખલાનું પ્રારંભબિંદુ કદાચ ૨૦૧૦માં છે. ૨૦૦૪માં ભા.જ.પ.ના નેતૃત્વવાળું ગઠબંધન હાર્યું, મનમોહનસિંહના નેતૃત્વવાળી સરકાર રચાઈ, જે ૨૦૦૯માં પણ વિજેતા નીવડી. આ સમયથી જ ભા.જ.પ. અને સમાન‘ધર્મી’ પક્ષોએ કૉંગ્રેસના નેતાઓના ચરિત્રહનન સહિતના પ્રયાસો હાથ ધર્યા હતા. હજુ ગુજરાતમાં ‘વિકાસ’ના મહોરા હેઠળ મતો એકઠા કરાતા હતા, ત્યારે રાજકારણના અઠંગ ખેલાડી અડવાણીને સત્તાપ્રાપ્તિની નવી નિસરણી ઘડવાનું સૂત્ર હાથ લાગી ગયું હતું. તેમને સમજાઈ ચૂક્યું હતું કે ‘વિકાસ’ જે થયો જ નથી; અથવા થઈ શકે તેમ નથી તેના આધારે લાંબું તરાશે નહીં. રામજન્મભૂમિના મુદ્દાને પણ બેમર્યાદ ઉછાળી શકાય તેમ ન હતો. વડાપ્રધાન બનવાની અદમ્ય લાલસા અને કુશાગ્ર બાજીમાંથી તેમને સાંપડેલો મુદ્દો હતો ભ્રષ્ટાચારનો. વિદેશોમાં મબલક કાળું ધન સંતાયેલું છે એવો તેમણે પોકાર કર્યો અને બાબા રામદેવે તેને તરત ઝીલ્યો. ૨૦૧૧માં બાબા રામદેવે દ્વારકાથી ‘ભારત સ્વાભિમાનયાત્રા’નો પ્રારંભ કર્યો. અલબત્ત, શરૂના તબક્કાવાર તેમાં રોગમુક્ત ભારત ઉપર ભાર હતો. પતંજલિની પેદાશો વેચવાનો પણ તેમાં અભિગમ હતો. આ પ્રથમ યાત્રાનો અંત ઉજ્જૈનમાં મહાકાળેશ્વરના મંદિરના દર્શનથી આવ્યો.

રામદેવની બીજી યાત્રાનો પ્રારંભ ઝાંસીથી થયો. દિલ્હીના રામલીલા મેદાનમાં આ વિશાળ જનમેદની અચાનક કેવી રીતે આવી હશે? મેદની એકઠી કરવામાં વિશેષ ફાવટ ધરાવનારા ભા.જ.પ.-આર.એસ.એસ. વગેરેની ભૂમિકા ક્યારેક સ્પષ્ટ થશે, ત્યારે જણાશે કે આ બધું અચાનક સ્વયંભૂ કે અનાયોજિત ન હતું.

તે સમયની મનમોહનસિંહની સરકાર એક ‘સિટિંગ ડક’થી વિશેષ ન હતી. તે સમયના સર સેનાપતિ અને ગૃહસચિવ, બંને ભા.જ.પ. પ્રેરિત નવી સરકારમાં મંત્રી સ્થાન શોભાવે છે, તે યાદ રાખીએ. ગુજરાતમાં જે કૅગના અહેવાલોની ઉપેક્ષા કરાય છે તે જ કૅગના ભારત સરકાર સામેના અહેવાલમાં ટુજી જેવા ‘ગોટાળા’ની વાત ચગાવવામાં આવી. કૉંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર એટલે ગરીબોને લૂંટનારા અને અમે શુદ્ધ જેવી વાતોને ભ્રષ્ટ નાણાં વડે ખરીદાઈ ગયેલાં માધ્યમો દ્વારા વારંવાર અને ભારપૂર્વક કહેવાઈ. આ વાતોમાં ક્યાં તો અતિશયોક્તિ હતી અથવા સાવ નિરાધાર પણ હતી. દા.ત. એમ કહેવાયું કે સ્વીસ બૅંકોમાં ભારતના ૧.૬ ટ્રિલિયન ડૉલર પડ્યા છે, પણ ત્યાંની સરકાર કહે છે કે આ રકમ માત્ર બે બિલિયન ડૉલર્સ જ છે. એક એવી પણ વાત ચલાવાઈ કે હસન અલી ખાન નામના માણસ પાસે ૬૦ બિલિયન રૂપિયા હતા, જે અદનાન ખાસ્સોગીના શસ્ત્રસોદામાં વપરાતા હતા. આ નાણાં યુ.બી.એસ. નામની બૅંકમાં હતાં એમ પણ કહેવાયું. બૅંકે પોતે  સમગ્ર વાતને પાયાવિહોણી ગણાવી છે. ૨૦૦૭થી પ્રારંભાયેલો આ કેસ હજુ ‘જૈસે થે’ છે.

આમ, રામજન્મભૂમિ અને વિકાસના મુદ્દા બિનઉપજાઉ બની જતાં, ઇરાદાપૂર્વક કૉંગ્રેસને ભ્રષ્ટાચારી ગણાવી દઈને ચૂંટણીઓ જીતવાનો વ્યૂહ રચાયો છે. આ કહેવાનો મતલબ એ નથી જ કે કૉંગ્રેસ શુદ્ધ છે; ખરેખર તો રાજકારણમાં જનારા કોઈ સાધુ ‘સંત’ પણ હિરણ્યમય પાત્ર વડે ઢંકાયા વગર રહેતા નથી.

નોટબંધીનું પગલું ભ્રષ્ટાચારના મુદ્દાનો રાજકીય લાભ ઉઠાવવા વાસ્તે હતું, તે સમજવામાં ઉપયોગી થઈ પડે તેવા અન્ય પણ કેટલાક મુદ્દા તપાસીએઃ

મનમોહનસિંહની સરકાર બહુ ભ્રષ્ટ હતી એમ કહેવાય છે. પણ વાસ્તવ શું છે? ભારતની જી.ડી.પી.ના ૨૩થી ૨૬ ટકા આવી બ્લૅક, શેડો કે પૅરેલલ ઇકોનૉમીના છે. સમગ્ર એશિયાની સરાસરી ૨૮થી ૩૦ ટકાની છે. આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં આ પ્રમાણ ૪૧થી ૪૪ ટકા છે. દુનિયાના વિકાસશીલ એવા ૯૬ દેશોની શેડો ઇકોનૉમીની સરાસરી ૩૮.૭ ટકા છે. ભારત આ સરાસરીથી ઘણું નીચું છે ત્યારે સરકારે અચાનક જ ૨૨ બિલિયન નોટોનાં કાગળિયાં કરી નાંખવાની જરૂરત જ નહોતી. વળી, કુલ ૧૭ લાખ કરોડ રૂપિયાની ચલણી નોટમાંથી રૂ. ૧૫.૪૪ લાખ કરોડની આવી નોટોને અચાનક ચલણમાંથી હડસેલી મૂકવાથી ભારે મોટા પ્રત્યાઘાત ઊભા થયા છે.

યુપીએ-૨ના કાળમાં ભ્રષ્ટાચાર સામેેની બુમરાણ મચાવવામાં આવી; અત્યારે પાર્લામેન્ટ ચાલવા દેવાની અપીલ કરનારી હાલની સરકારના પક્ષોએ તે સમયે આવી કોઈ જરૂર જોઈ ન હતી. છતાં સરકારે પ્રત્યક્ષ વૅરાના બોર્ડના ચૅરમેન એમ.સી. જોશીની અધ્યક્ષતામાં એક સમિતિ [૨૦૧૧] નીમી. આ સમિતિનાં કેટલાંક તારણો આ પ્રમાણે હતાં.

૧. ભારતના બે મોટા રાજકીય પક્ષો (કૉંગ્રેસ અને ભા.જ.પ.) પોતાના પક્ષની આવક અનુક્રમે પાંચ અને બે અબજ રૂપિયા દર્શાવે છે પણ તેમણે ૨૦૧૪ની ચૂંટણીમાં સો અને દોઢસો અબજ, ખર્ચ્યા હોવાનો સંભવ છે.

૨. આર્થિક બાબતોના ગુનેગારોની સજામાં વધારો કરો. તેમને સખત શ્રમની સજા કરો.

૩. સમગ્ર દેશમાં આવા ગુનાની કાયદેસરતા તપાસવા વાસ્તે એક ઑલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ રચો અને કરવેરા માટેની ટ્રિબ્યૂનલ્સ બનાવો.

૪. કાળાં નાણાં માટે એક માફીયોજના લાવો.

વધુ વિગતોમાં ઊતર્યા વગર સ્પષ્ટપણે દેખાતી કેટલીક બાબતો નોંધીએઃ

૧. તા. ૨૯ નવેમ્બરના એક અહેવાલ મુજબ સરકાર જે કરચોરોને ખરેખર પકડે છે, તેની પાસેથી વસૂલાત પેટે માંડ છ ટકા રકમ વસૂલ કરે છે.

૨. દેશના ન્યાયતંત્રની હાલત જ ચિંતાજનક છે. મુખ્ય ન્યાયમૂર્તિના કહેવા મુજબ ૪૫૦૦ કોર્ટોમાં ન્યાયાધીશો જ નથી. ત્યાં જ્યુડિશિયલ ટ્રિબ્યૂનલની તો વાત જ ક્યાંથી કરાય? વળી, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૬ના દિવસે પૂરી થયેલી યોજનામાં સરકારને માંડ રૂ. ૬૫,૨૫૦ કરોડ જ મળ્યા છે. તેની સામે સરકારનો લક્ષ્યાંક રૂ. બે લાખ કરોડનો હતો. તે યાદ રાખીએ! આ રકમમાંથી ટૅક્સ રૂપે રૂ. ૨૯,૨૬૨.૫ કરોડ જ મળ્યા છે.

નોટબંધી, કાળું નાણું અને રાજકારણના આ ગહન કાવાદાવામાં એક નાનકડો, પણ અગત્યનો ખૂણો નોટોની સંખ્યાનો છે. ૨૦૧૪ અને ૨૦૧૬નાં બે વર્ષના ટૂંકા ગાળામાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટોની સંખ્યામાં ૩૮ ટકાનો વધારો કરાયો છે.

આ સરકારના શાસનકાળમાં – માત્ર બે જ વર્ષમાં આ નોટોના ફેલાવામાં ૩૮ ટકા જેવો મોટો વધારો કેમ થયો? સાદું કારણ એ છે કે સરકાર મોંઘવારીની સમસ્યા હલ કરી શકી નથી. આથી મોટી નોટોની જરૂર વધી છે. બેકારી અને ગરીબીના નિવારણના મોરચે પણ ખાસ સફળતા સાંપડી નથી. યાદ રાખીએ, સત્તા ઉપર ન હતા, ત્યારે આ જ મહાનુભાવોએ મનરેગાનો વિરોધ કર્યો હતો.

આ મુદ્દાને એક અન્ય ખૂણેથી પણ તપાસીએ : ભારતની જી.ડી.પી. (ચાલુ ભાવે) રૂ. ૧૫,૧૭,૮૧,૦૦૦ કરોડ છે, જે પૈકી લગભગ રૂ. ૩૫,૦૦,૦૦૦ કરોડ (૨૨ ટકા) કાળું અર્થતંત્ર છે. આ અર્થતંત્ર લગભગ રૂ. અઢાર લાખ કરોડની નોટો વડે ચાલે છે, જે પૈકી લગભગ સાડા ત્રણ લાખ કરોડ, નોટોના સ્વરૂપે રહેલું કાળું નાણું હોવાનો અંદાજ છે. તા.૨૮-૧૧-૧૬ સુધીમાં કુલ લગભગ રૂ. સાડા આઠ લાખ કરોડ બૅંકોમાં જમા થઈ ચૂક્યા છે. હવે જોવાનું એ થાય છે કે આ પૈકી કેટલું પાછું આવે છે. અહીં એ પણ યાદ રાખીએ કે આપણા ઘણા એન.આર.આઈ. પાસે પણ ભારતીય ચલણ સંઘરાયેલું પડ્યું છે.

વાજબી રીતે પુછાય તેવો સવાલ એ પણ છે કે શું સરકારને કાળું નાણું ક્યાં અને કોની પાસે છે, તેની ખબર જ નથી? સરકારની રાજ ચલાવવાની ક્ષમતા સામે જ આ સવાલ શંકા ઊભી કરે છે. આ પ્રકારના ચલણમાં કે સંપત્તિ સ્વરૂપની અસ્કામતો વિદેશોમાં, સોનું-ઝવેરાત અને રિયલ એસ્ટેટમાં, હાથ ઉપરના વિદેશી ચલણમાં અને ચલણના સ્વરૂપે હોય છે. ખરેખર તો ચલણના સ્વરૂપે તો ઘણો નાનો હિસ્સો હોય છે.

આ સમગ્ર કવાયત અને દાવપેચ બાબતે ખાસ કરીને વિરોધ પક્ષો દ્વારા એક ટીકા એ થઈ છે કે સરકારે અત્યંત ગુપ્ત રીતે આ આખી રમતમાંથી પોતાના મળતિયા-સંપીલાને બચાવી લીધા છે. આ અંગે અરવિંદ કેજરીવાલે ભા.જ.પ.ના એક નેતાએ રૂ. ૨૦૦૦/-ની નવી નોટોના બંડલ સાથેના સોશ્યલ મીડિયા ઉપર મૂકેલા ફોટાનો ઉલ્લેખ કર્યો છે. યાદ રાખીએ, આ ફોટા તા. ૮મી નવેમ્બર પહેલાંના છે.

આ બાબતે અન્ય બે બાબતોનો પણ ઉલ્લેખ કરવો રહ્યોઃ

૧. નવી સરકાર સ્થપાઈ તે પહેલાં ભારતમાંથી એક નાગરિક વિદેશમાં પંચોતેર હજાર ડૉલર મોકલી શકતો. સરકાર રચાયાના એક જ મહિનામાં આ રકમ વધારીને સવા લાખ ડૉલર કરાઈ અને હવે તે અઢી લાખ ડૉલર છે. એક દાખલો લઈએ. અમિતાભ બચ્ચન પોતાના કુટુંબના દરેક સભ્યની આવક ઉપર સચ્ચાઈથી વેરા તો ભરી દે, પણ પછી જો તે રકમ દેશમાં જ રાખે, તો તેની સંપત્તિ વધતી જ જાય અને તેની ઉપર પણ વેરા લાગી શકે. આથી દર વર્ષે અઢી લાખ ડૉલરના હિસાબે, પોતાના કુલ પાંચ માણસના મળીને સાડા બાર લાખ ડૉલરને જો તે પનામા ખાતે મોકલી દે તો ક્યાં ય વેરો લાગે નહીં. (યાદ કરીએ : દેશની ટોચની ગણાય તેવી ૨,૦૦૦ હસ્તીઓનાં નામ પનામાં પેપર્સમાં ખૂલ્યાં છે.)

૨. આર.એસ.એસ. જેવી સંસ્થાઓનાં બૅંકખાતાં હોવા બાબતે શંકા છે. બીજી તરફ દર વર્ષે દશેરા, ગુરુપૂર્ણિમા જેવા દિવસે લાખો સ્વયંસેવકો શાખામાં પૈસા આપે છે. આ પૈસા ક્યાં જતા હશે? તે કેવી રીતે સચવાતા હશે? તેનો વહીવટ કેવી રીતે થતો હશે? પેલી રેમિટન્સની મર્યાદાને પંચોતેર હજાર ડૉલરને વધારીને અઢી લાખ ડૉલર કરવાના પગલાને આની સાથે કોઈ સંબંધ હશે?

જેમની પાસે રોકડ સ્વરૂપે કાળુંનાળું છે, તેમની પાસે તેને સફેદ કરવાના પણ અનેક રસ્તા છે. જે થોડાકની જાણકારી સાંપડે છે તે આ પ્રમાણે છે :

૧. ઘણાં મંદિરો વીસ ટકા કાપીને કાળાનાં ધોળા કરી આપે છે.

૨. કેટલીક સહકારી બૅંકોએ પાછલી તારીખમાં થાપણો કરી આપી છે.

૩. ઘણાં શૂન્ય બૅલેન્સ ધરાવતા જનધન ખાતાંઓમાં પૈસા જમા કરાયા છે.

૪. કેટલાકે ગરીબોને તાત્કાલિક ‘ધિરાણ’ આપવા માંડ્યું છે.

૫. પેટ્રોલપંપો ઉપર સો-સોની નોટોથી પેટ્રોલ કે ડિઝલ ભરાવનારાનાં નાણાં રૂ. ૫૦૦-૧૦૦૦ની સામે કમિશન લઈને બદલાવામાં આવ્યાં છે.

૬. કેટલાકે સ્ટાફને આગોતરા પગાર ચૂક્વ્યા છે.

૭. રેલવે-રિઝર્વેશન કરાવી પછી તે કૅન્સલ કરીને પણ નાણાં બદલી લેવાયાં છે.

૮. ક્યાંક – જેમ, કોલકાતામાં ‘જમાખર્ચી’ નામથી કેટલીક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સની પેઢીઓએ કાળાંનાં ધોળાં કરી આપ્યાં છે.

૯. ખેતીની આવક કરપાત્ર ન હોવાથી તેનો પણ ખાસો લાભ લેવાયો છે.

તો પછી સવાલ એ ઊઠે છે કે નોટબંધીના આ પગલાને કારણે દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો કે ઘટ્યો ? વળી, સરકાર ક્યારે કાળાંનાણાં કે ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે દૂર થશે એમ કહેતી નથી; એ તો કહે છે – તેમાં ઘટાડો થશે.  તો પછી સવાલ એ છે કે આ ઘટાડાનું પ્રમાણ કેટલું હશે, એક ટકો, પાંચ ટકા, દસ ટકા?

આ આખા સંદર્ભમાં વિચારવાના બે મુદ્દા તરફ હવે ધ્યાન આપીએ :

૧. સરકારને કાળાંબજારિયા કે ભ્રષ્ટાચારી કોણ છે, તેની ખબર જ હોતી નથી? હમણાં છ મહિના પહેલાં જ દેશભરમાં તુવેરની દાળ બસો રૂપિયે કિલો સુધી પહોંચી, ત્યારે તે કોના કારણે બન્યું તે સરકાર જાણતી નથી? જાણવું જોઈએ?

બધા જ જાણે છે કે આ બધી રચનામાં સરકાર, તેના રાજકીય પક્ષો, બાબુઓ અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ હોય છે. બીજી તરફ આ બધાના ભ્રષ્ટ વ્યવહારોને રોકવા માટે તંત્રગત પણ વ્યવસ્થા અને ઉપાયો છે જ. તેનો ઉપયોગ કેમ ન કરાયો?

૨. દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ચર્ચા વર્ષોથી ચાલે છે. તેના વ્યવસ્થિત ઉપાય તરીકે લોકપાલ અને લોકાયુક્તના તંત્રની હિમાયત થઈ જ છે. કર્ણાટકમાં તો જસ્ટિસ હેગડેએ દાખલો બેસે તેવી કામગીરી કરી બતાવી છે. સામે પક્ષે ભા.જ.પ.ના મધ્યપ્રદેશમાં ‘વ્યાપમ’ ગોટાળા બાબતે સરકારની નરી નિષ્ક્રિયતા પ્રવર્તે છે. સંસદમાં પ્રશ્નો પૂછવામાં લાંચ લેનારામાં ભા.જ.પ.ના સાંસદો પણ હતા અને ભા.જ.પ.ના એક પૂર્વ પ્રમુખ પણ ભ્રષ્ટાચારી હોવા બદલ મુશ્કેલીમાં મૂકાયેલા. આ સંજોગોમાં ભા.જ.પ. એક પક્ષ તરીકે શુદ્ધ હોવાનો દાવો કરે તો તે ટકી શકે તેમ નથી અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે બંધારણીય એવી લોકાયુક્ત – લોકપાલની કે પછી ન્યાયતંત્રમાં પૂરતી નિમણૂક જેવા માર્ગો પણ તે લેવા માંગતું નથી, આવું કેમ ?

આ તબક્કે આ પગલાની અસરકારકતા વિશે પણ વિચાર કરવો જોઈએ. એક ગણતરી અનુસાર રૂ. ૫૦૦-૧૦૦૦ની ચલણમાં રહેલી નોટોનું કુલ મૂલ્ય રૂ. ૧૫.૪૪ લાખ કરોડ છે. રિઝર્વ બૅંકમાં આંકડા અનુસાર, તા. ૨૮-૧૧-૧૬ સુધીમાં રૂ. ૮.૪૫ લાખ કરોડ પાછા આવી ગયા છે. આ ઉપરાંત, અન્ય બૅંકોના ક્રેડિટ રિઝર્વ રેશિયો(CRR)ના સ્વરૂપે, રિઝર્વ બેંક પાસે, રૂ. ૪.૦૬ લાખ કરોડ પડ્યા છે. આ રકમ મુખ્યત્વે રૂ. ૫૦૦-૧૦૦૦ની કિંમતની છે. આ ઉપરાંત બૅંકો પોતે પણ પોતાના રોજિંદા વ્યવહાર અર્થે હાથ ઉપર રોકડ રાખતી હોય છે. આ પૈકી મોટી નોટોમાં રખાતી નોટોનું મૂલ્ય આશરે રૂ. ૫૦,૦૦૦ કરોડ હોવાનો અંદાજ છે. આમ, (૮.૪૫ + ૪.૦૬ + ૦.૫૦) તમામ રકમો ગણતાં કુલ રૂ. ૧૩ લાખ કરોડ ઉપર થાય છે. અગાઉ નોંધ્યું તેમ રૂ. ૧૫.૪૪ લાખ કરોડથી આ ચલણી નોટોમાંથી, જેનો હિસાબ મળી ગયો છે, તેવી રૂ. ૧૩ લાખ કરોડની રકમ બાદ કરતાં એ બજારમાં કુલ રૂ. અઢી લાખ કરોડ બાકી રહે છે. આ રકમ પણ ડિસેમ્બરના છૂટના મહિના દરમિયાન પાછી ફરે તો? તો દેશમાં કાળું નાણું અને તેથી ભ્રષ્ટાચાર છે જ નહીં તેવું સરકાર જાહેર કરશે? અને પેલા નેવું અપમૃત્યુનું શું ? સરકાર તેમને માટે શું કરશે, તે તો સરકારમાં જ બેઠેલાની સંવેદનશીલતા ઉપર પણ આધાર રાખે છે. લોકસમુદાયે પણ આ પ્રશ્ન કરવાનો વારો આવશે.

આ સમગ્ર ચર્ચાના હજુ ઘણાં મુદ્દા અને પાસાં ચર્ચી શકાય છે, પણ સમાપન કરતાં પહેલાં તેની અર્થતંત્ર તથા વિવિધ વર્ગો ઉપર પડેલી અસરોની ટૂંકી ચર્ચા કરીએ :

આ પગલું સમગ્ર અર્થતંત્રને ખોરવી નાંખનારું છે. મુંબઈના ઝવેરી બજારમાં રોજનો વકરો રૂ. ૧૨૫ કરોડનો થતો; લગ્નસરા હોઈ તેમાં વધારો થવાનો જ હતો, પણ આ

૫૦૦-૧૦૦૦ની મોકાણમાં તે ઘટીને દૈનિક માત્ર રૂ. ૧૩ કરોડનો થઈ ગયો. પણ ઝવેરીની વાત છોડીએ – સામાન્ય ખેડૂત કપાસ-મગફળી-ડાંગર, વગેરે લઈને બજારમાં આવવામાં જ હતો. સરખા ભાવ મળે, તેની કશ્મકશ ચાલતી હતી; ત્યાં જ આ મરણતોલ અને બેરહમી ફટકો પડ્યો. રવિપાકના ઘઉં જેવા પાકના વાવેતર માટે જરૂરી ખાતર, બિયારણ, મજૂરી વગેરેની વ્યવસ્થા જ ખોટવાઈ ગઈ. આ વર્ષે ગુજરાતમાં માત્ર ૩૯ ટકા જમીનો ઉપર જ રવિપાકનું વાવેતર શક્ય બન્યું.

ગરીબોની હાલત કંગાલિયત તરફ વળી. ઝારખંડમાં એક માણસ દિવસના માત્ર ૩૫ રૂ.માં સાત માણસનું કુટુંબ નિભાવે છે, તે સમાચાર સૂચવે છે કે તેમને સૌને બી.પી.એલ.થી પણ નીચે ધકેલી દેવાયા છે.

ઝૂંપડપટ્ટીમાં રહીને નાનાંમોટાં કૌશલ્યો વડે ચામડાં, ભરતકામ, સિલાઈ, ફર્નિચર વગેરે જેવા જાતમહેનતના વ્યવહારો કરનારાને કાચો માલ મળતો નથી અને તૈયાર માલ વેચાતો નથી. મજૂરી ચૂકવવાના પણ પૈસા નથી. ‘સ્કિલ ઇન્ડિયા’ની ગુલબાંગો હાંકનારાઓએ દેશની પ્રવર્તમાન સ્કિલ ઉપર નભનારાનું પણ નખ્ખોદ કાઢી નાંખ્યું છે. આ તમામની હવે કેસ્કેિડંગ ઇફેક્ટ શરૂ થઈ છે. દેશનું અર્થતંત્ર પત્તાંના મહેલની માફક તૂટી રહ્યું છે. ૨૦૧૪ની ચૂંટણીઓમાં તાનમાં આવીને લલકારીને બોલ્યા હતા – ‘મનમોહનસિંહ ડૉક્ટર છે, પણ (ડૉલરની સામે) રૂપિયો પથારીએ પડ્યો છે.’ તે સમયે લગભગ રૂ. ૬૭નો ભાવ હતો; આજે રૂ. ૭૨નો ભાવ છે. શું કહીશું ? રૂપિયો મરણપથારીએ છે અને દાક્તરીની જગ્યાએ ઊંટવૈદું ચાલી રહ્યું છે?

અર્થતંત્રને લગતા આવા અનેક મુદ્દા છે, પણ હવે થોડીક ચર્ચા રાજકીય પરિપ્રેક્ષ્યની પણ કરીએ. પંજાબ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ગોવામાં ચૂંટણીઓ આવી રહી છે. ભારતની ચૂંટણીઓ હવે ઇન્દુચાચાની રીતે – નોટ આપો અને વોટ આપોની રીતે લડાતી નથી. આથી ‘સામેના’ પાસે પૈસાનું બળ ન રહે અને પોતે પૈસા વડે મેદાન મારી જાય તેવી ચાલબાજી ચાલે છે. પણ સામેના પણ ગાંજ્યા જાય તેવા હોતા નથી. જે પ્રમાણમાં ૫૦૦-૧૦૦૦ની નોટો પાછી ફરી છે, તે જોતાં તેની પ્રતીતિ થાય જ છે.

કોણ જાણે કેમ પણ હવે દરેક મુદ્દે રાષ્ટ્રવાદની દુહાઈ દેવાય છે. આથી એમ પણ કહેવાયુ કે આતંકવાદીઓ પાસે બનાવટી નોટો છે અને તેનો પણ હિંમતભર્યા પગલા સાથે ખાતમો થઈ જશે. દેશમાં ફરતું બનાવટી ચલણ કુલ ચલણના માત્ર ૦.૦૨૩ ટકા છે. આ અંગે અગાઉ તપાસ થઈ ત્યારે માલૂમ પડ્યું હતું કે તે માત્ર પાકિસ્તાનથી જ નથી પ્રવેશતું; શ્રીલંકા, બાંગ્લાદેશ તથા અન્ય પડોશી દેશો પણ તેનાં ઉગમસ્થાનો છે. અહીં રાષ્ટ્રવાદ, આતંકવાદ કે કાળાં નાણાંના સફાયાના મુદ્દાને સાંકળવાની જોગવાઈ જ થઈ શકે નથી.

તો પછી આ પગલાં વિશે શું કહેવું ? ચૂંટણી અને સત્તાકારણના મુદ્દાને બાજુએ રાખીએ તો પણ તેની પેશી પોતે જ, લોકશાહીને ચાહનારા સૌ કોઈ માટે આઘાતજનક છે. પૂરતી અને સંતોષકારક તથા ખાતરીપૂર્વક ચકાસાયેલી પૂર્વતૈયારી વગર સમગ્ર દેશને તળેઉપર કરી દેવાયો. સર્જિકલ-સ્ટ્રાઈકની વાહવાહ ઓછી પડી તે ફાઇનાન્સિયલ સેક્ટરમાં પણ આવું કદમ ભરાયું હોય તેવો જાણે કે લહાવો લેવાનો હોય તેવો ઉત્સાહ શરૂશરૂમાં વ્યક્ત થયો.

કમનસીબી એ છે કે લોકોની આવી અભૂતપૂર્વ બેહાલીના સમયે તેમને સાંત્વન આપવાની પણ સૂઝ પડતી નથી. અત્યંત માલદાર, સત્તાવાન અધિકારી અને કેટલાક રાજકીય વજૂદ ધરાવનાર સિવાય સૌ કોઈ ત્રસ્ત  છે. લગ્ન હોય, મરણ હોય, પ્રસૂતિ હોય કે માંદગી, વૃદ્ધ હોય, અપંગ હોય કે સ્ત્રી … કોઈ જ અપવાદ સિવાય દેશના નેવું ટકાથી પણ વધુ લોકો ત્રસ્ત છે.

આમ છતાં, આ પગલાનો આવકારવામાં આવ્યું છે. પૂરતી માહિતી અને સમજના અભાવે હજુ ઘણા લોકો માને છે કે આના કારણે કાળું નાણું ખતમ થશે કે ભ્રષ્ટાચાર ચાલ્યો જશે. આવું કાંઈ જ થવાનું નથી.

ભારતના લોકોની સહનશક્તિને દાદ દઈશું? અંગ્રેજોની ગુલામીના કારણે જનમાનસમાં એક પ્રકારનો નિઃસ્પૃહભાવ પ્રવેશી ગયો હશે?

એક બીજી રીતે જોઈએ : વિવિધ સાંપ્રદાયિક ગુરુઓને પગે પડનારા, લાંબી-લાંબી કષ્ટદાયક અને પગપાળા યાત્રાઓ કરનારા, પોતાના જ શરીરને ભારે કષ્ટ દેનારા આ સમાજમાં સ્વપીડન સાહજિક થઈ ચૂક્યું છે. એ સમાજને પરપીડકની પણ જરૂર પડતી હોય છે! ક્યારેક સૌએ જોયું હશે : નાનો બાર વર્ષનો સાધુવેશી બાળક ૭૫ વર્ષની વૃદ્ધાને કહે છે – ‘મૈયા આટા દે દે. તેરા કલ્યાણ હોગા’. બાર વર્ષનું બાળક તેનાથી છ ગણી ઉંમર ધરાવતી સ્ત્રીને તુંકારે બોલાવે અને તેમાં કોઈને કશું જ અજુગતું ન લાગે?

આ એક પગલાને કારણે ભારત આર્થિક મોરચે પાછળ ધકેલાઈ ગયું છે. તાત્કાલિક તો વિદેશી મૂડીરોકાણ સંકોચાઈ જશે. મંદી પણ વ્યાપક બનશે અને બેકારી પણ વધશે.

સરકારમાં થોડાક વિચક્ષણ સલાહકારો હોત, તો આખા દેશે આપત્તિ વેઠવી ન પડત!

૩૦-૧૧-૨૦૧૬

E-mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 08- 11

Loading

...102030...3,5543,5553,5563,557...3,5603,5703,580...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved