Opinion Magazine
Number of visits: 9690314
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રઝા : ભારતીયતાને ભરપૂર ચાહનારા વૈશ્વિક ચિત્રકાર

અનિલ રેલિયા|Opinion - Opinion|7 September 2016

સૈયદ હૈદર રઝાનું તા. ર૩ જુલાઈ, ર૦૧૬ના રોજ અવસાન થયું. (જન્મ : ૨૨-૦૨-૧૯૨૨) પૅરીસમાં રહીને પણ ભારતીયતાને કલામાં પ્રગાઢ રીતે અભિવ્યક્ત કરતા એસ. એચ. રઝાના અવસાનને કારણે ભારતે એક મહાન કલાકાર ગુમાવ્યા છે. રઝા સાથેના અનેક પ્રસંગો, એમની સાથેની અનેક ક્ષણો યાદ આવે છે અને એમના માટે માન વધી જાય છે.

રઝા સંપૂર્ણપણે ભારતીય હતા. કહું કે આ ધરતીના માણસ હતા. પોતાનાં પત્નીને કારણે પૅરિસમાં રહ્યા, પણ લગભગ દર વર્ષે ભારત આવે જ. એમનાં ચિત્રોમાં ભારતીયતા સંપૂર્ણપણે જોવા મળે છે. અહીંની રંગોથી ભરેલી ભાતીગળતાનાં ચિત્રો આપણને ખાસ આકર્ષે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશનાં જે ચિત્રો થયાં છે, એમાં ભારતીયતાનો પ્રાણ છે. તેઓ ચિત્રસંયોજન, રંગ અને ભારતીય તત્ત્વદર્શનની ‘બિંદુ’ની ભાષાથી પોતાની જાતને વ્યક્ત કરતા રહ્યા છે. રઝા ભારતીય પરંપરાના મૂળને જુદી રીતે વ્યક્ત કરે છે, આથી પણ મને એમના કામમાં રસ પડે છે.

મને રઝાનું કામ ગમતું, એમની અધ્યાત્મની વાતો, ભારતીયતાને લઈને આવતાં ચિત્રો એ બધું ગમતું બન્ને રીતે કે તેઓ પ્રોગ્રેસિવ આર્ટગ્રૂપમાં હતા, તેના વિશે અને એમના કામ વિશે. પરંતુ કોઈ સંપર્ક નહોતો. હુસેન સાથે એમની અનેક વાતો થાય. હુસેન કહેતા કે રઝા ભારત – બહાર રહ્યા એટલે કામની આખી વાત બદલાઈ. હુસેનને કારણે હું કલાકારનાં ચિત્રોના સેરિગ્રાફ તરફ વળ્યો. એમણે કહ્યું કે તને રઝાનાં ચિત્રોના સેરિગ્રાફ કરવા ખૂબ ગમશે, કેમ કે એ કલરફુલ હોય છે. મને રઝાની ઓળખાણ પણ કરાવી હુસેને. કલ્પના શાહની તાઓ આર્ટ – ગૅલેરીમાં ‘અષ્ટનાયક’ નામના હુસેન, રઝા, તૈયબ વગેરે આઠ ચિત્રકારોના પ્રદર્શનમાં રઝાને મળવાનું બન્યું. એમની સાથે ગ્રાફિક પ્રિન્ટ્સ અંગે ચર્ચા થઈ અને તેઓએ મને પૅરિસમાં મળવાનું નિમંત્રણ આપ્યું. થોડા સમય પછી મેં પરિવાર સાથે એમના ઘરની પૅરિસમાં મુલાકાત લીધી. તેઓએ પોતાનાં તાજાં ચિત્રો બતાવ્યાં, પોતાનાં દિવંગત પત્નીનું કામ બતાવ્યું અને પોતાની ચિત્રકલા વિશેનું છપાયેલું પુસ્તક મને ભેટ આપ્યું. બધી ગ્રાફિક પ્રિન્ટ્સની ટેક્નિકલ વાતો થઈ. ભારત આવ્યા પછી એમનું કામ હાથ પર લીધું. પહેલી પ્રિન્ટ મેં બહુ નાની કરી હતી, તે પૅરિસ મોકલી તો ખૂબ ખુશ થયા. મને કહે કે ‘આપ કિતની બડી પ્રિન્ટ બના શકતે હો?’ મેં કહ્યું કે તમે જેટલી કહો તેટલી. પછી તો પાંચ બાય પાંચ ફૂટની પ્રિન્ટ્સ પણ તૈયાર કરી અને તેઓ બહુ રાજી થયા. એ રીતે અમારો સંબંધ બંધાયો, જે છેલ્લે સુધી જળવાયો અને અમારા કૌટુંબિક સંબંધો પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ કલાકારનાં ચિત્રોનું પ્રદર્શન યોજવાનું, એમની અનેક પ્રિન્ટ્સ તૈયાર કરવાનું એમની સાથે રહેવાનું બન્યું, એને હું મારા જીવનની ધન્ય પળો માનું છું.

મને સૌથી વધારે યાદ આવે છે એ દિવસ, જ્યારે એમણે કહ્યું કે તમારા ઘરના બગીચામાં જ મારે ચિત્રપ્રદર્શન યોજવું છે. એ ધારે તે ગૅલેરીમાં પ્રદર્શન યોજી શકાય એવી એમની શાખ અને પ્રતિભા હતી, સગવડ પણ હતી. પણ એમણે કહ્યું કે નહીં-નહીં, અહીં તમારા ઘર-આંગણે જ ચિત્રપ્રદર્શન ગોઠવવું છે. મેં તરત જ સાંઠ-સિત્તેર ઇઝલની વ્યવસ્થા કરી, એના પર ચિત્રો ગોઠવ્યાં અને દરેક ચિત્ર પર લેમ્પ ગોઠવ્યા. સાંજે સાડા સાત વાગ્યે ઓપનિંગ કર્યું. રઝા એ વખતે વ્હીલચૅરમાં હતા. ગાર્ડનમાં વ્હીલ ચૅર ચાલે નહીં, તો પણ કહે કે ના, મારે તો આખું પ્રદર્શન જોવું છે. અને એમણે ઊભા થઈને ચાલતાં-ચાલતાં એ પ્રદર્શન માણ્યું. ચિત્રકારો અને મિત્રોને નિમંત્રણ આપ્યું અને એ રીતે એક અંગત અને અવિસ્મરણીય ચિત્રપ્રદર્શન મારા બગીચામાં યોજવામાં આવ્યું. એ પ્રસંગને અનુરૂપ અમે ઇટાલિયન ભોજન બનાવ્યું હતું, પણ એમણે કહ્યું કે ઘર મેં જો ખાના બનતા હૈ વો હી મુઝે દો. તો એમણે ખીચડી ને એવું સાદું ભોજન લીધું.

પ્રથમ વાર રઝાની પ્રિન્ટ્સ તૈયાર કરી હતી, તે પછીના સમયમાં તેઓ મુંબઈ આવ્યા ને ત્યાંથી અમદાવાદ આવ્યા. મારા ઘરે આવીને રહ્યા તો એમને ખૂબ જ ગમ્યું. મને કહે કે બસ, હવે મારે અહીં જ રહેવું છે, અમદાવાદમાં જ રહેવું છે. એ વખતે એમના મનમાં ભારતમાં સ્થાયી થવાનું ચાલતું હતું. કેમ કે એમનાં પત્ની જાનીનનું અવસાન થયેલું. તો મને કહે કે બસ, તમારી પડોશના આ બંગલામાંથી એક હું ખરીદી લઉં. એ આનંદની વાત હતી, પરંતુ દિલ્હીમાં એ મુખ્ય રીતે કામ સાથે સંકળાયેલા, ત્યાં મિત્રો પણ વધારે, વિદેશથી લોકો મળવા આવે, શોને કારણે વારંવાર વિદેશ જવાનું થાય એટલે આખરે દિલ્હીમાં એમણે ઘર લીધું. પણ, એમની એ ભાવના મને સ્પર્શી ગઈ. મારે ત્યાં આવે તો ભારતીય અને સાદું ભોજન જ લે. ખીચડી અને દાળ-રોટી કે એવું કંઈક સાદું ભોજન. પરિવારના બધા સભ્યો સાથે વાતો કરે. એક દિવસ મને કહે કે કલર આપો. મેં એમને કલર આપ્યા. તો એમણે સુંદર શબ્દોમાં લખી આપ્યું કે “સભી શહર જમાત હમરી, સભી ગાઁવ મેં મેલા; હમ સબ મા, સબ હૈ હમ મા, હમ હી બહુરી અકેલા. અનિલ ઔર તનુજા કો, ઇસ દેશયાત્રા કી સ્મૃિત મેં સપ્રેમ. ૧પમી ફેબ, ર૦૦૮.’’ બિંદુના ચિત્ર સાથેનું આ લખાણ મેં અમૂલ્ય મૂડીની જેમ સાચવી રાખ્યું છે.

તેઓ ખૂબ સાદા અને ડાઉન ટૂ અર્થ હતા. એમનું જીવન આધ્યાત્મિક હતું. બધા પર વિશ્વાસ મૂકે. પૅરિસના ઘરમાં કૅરટેકર તરીકે કામ કરનાર લોકો તરફથી મોટી તફડંચી અને છેતરામણીનો ભોગ બન્યા પણ કદી ય તેની વાત ન કરે. મને તો એ બધું બીજા લોકો દ્વારા જાણવા મળ્યું. અહીં આવીને કદી ય ભારત વિશેની ફરિયાદ ન કરે અને પૅરિસ કે વિદેશનાં ગાણાં ન ગાય. એટલે, એમણે આખી જિંદગી ભારતને મિસ કર્યું, પણ પૅરિસમાં રહ્યા છતાં પૅરિસને કદી મિસ ન કરતા. આ બધું મને ખૂબ આકર્ષે. અમિત અંબાલાલે વાત કરી કે અગાઉ મારા ફાર્મ પર આવ્યા તો એટલા બધા અભિભૂત થઈ ગયા કે માટી પર બેસી ગયા, કોડિયામાં માટી મૂકી અને કહે કે હું આને પૅરિસ લઈ જઈશ! એક વાર ‘વિશાલા’ જમવા ગયા, તો વ્હીલચૅરમાં હોવા છતાં નીચે બેસીને જમવાનો આગ્રહ રાખ્યો. નીચે તો ન જ બેસી શકાયું એમનાથી, પણ આ બધી અંદરની સંવેદના આપણને સતત આ ભૂમિ માટેના પ્રેમના રૂપે દેખાયા કરે. અહીંના લોકો, અહીંની માટી, આ દેશ એમને ખૂબ પ્રિય હતાં. અમદાવાદ આવે તો ગાંધીઆશ્રમ ચોક્કસ જાય જ. એક વાર કહે કે મુઝે ગાંધીહાટ લે ચલો. ત્યાંથી સરસ ખાદીનાં કપડાં લીધાં અને પહેર્યાં. મેં એમને ગાંધીજીની છબી સામે આંસુ પાડતાં જોયા છે!

રઝાની સ્મૃિતકથા ‘આત્મા કા તાપ’નો ગુજરાતીમાં ‘આત્માની ધધખ’(પ્રકાશન : ર૦૦૭)ના નામે અનુવાદ પ્રકાશિત કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જનક ત્રિવેદીની સહાયથી, અશોક વાજપેયીનાં લખાણો સાથેની આ કૃતિ ગુજરાતીમાં પ્રગટ કરી. રઝાના હસ્તે એનું વિમોચન કરવાનું વિચારેલું, પરંતુ અનુવાદક જનક ત્રિવેદીનું, પુસ્તકનું પ્રકાશન થવાનું હતું તે જ ગાળામાં અવસાન થયું એટલે એ પ્રમાણે ભવ્ય ગ્રંથાર્પણ કરવું શક્ય ન બન્યું અને સાવ સાદી રીતે એ પુસ્તક ખુલ્લું મૂક્યું. રઝાની ચિત્રસાધના અને સર્જનાત્મકતા વિશે જાણવા ઇચ્છનારે આ પુસ્તક વાંચવા જેવું છે.

રઝા પોતાના જીવનની, અધ્યાત્મની, ચિત્રસર્જનની વાતો કરતા રહેતા. એમને અમદાવાદ, ગુજરાત એટલે ગમતાં, કેમ કે અહીં આડંબર ઓછો છે. એમની સાથે વિતાવેલો સમય એક અમૂલ્ય સંભારણું છે. એમના જીવનમાં ચિત્રકલાના પણ જે તબક્કા આવ્યા, તેમના સાક્ષી પણ થવાનું બન્યું. રઝાનાં ઘણાં બધાં ચિત્રોના સેરિગ્રાફનું કામ મારા સ્ટુડિયોમાં થયું છે, એટલે એમની કલાયાત્રામાં સાથે-સાથે જાણે ચાલ્યો હોઉં એમ લાગ્યા કરે. એમની ‘બિંદુ’ની વિભાવના, વચ્ચે શાંતિને કારણે રચાયેલ મૉનોક્રોમેટિક કલાકૃતિઓ, વળી પાછા ભારતમાં આવતાં શરૂ થયેલ રંગીન ચિત્રાવલી એ બધું જ નજર સામે તરવર્યા કરે છે. મને એમની કલાનો એટલો બધો પરિચય, પ્રેમ અને નાતો કે ત્યાંથી એમણે મોકલાવેલ ચિત્રની ડિજિટલ પ્રિન્ટના કલરમાં કોઈ ફેરફાર થયો હોય તો મને તરત ખબર પડે કે આ કલર રઝાનો ન હોઈ શકે. હું એમને મળું, રંગ વિશે વાત કરું તો તરત જ મને સમજાય કે મારું અનુમાન સાચું હતું. તો, અમારા સંબંધ બહુ જ આત્મીય હતા. આવા, ભારતીય ચેતનાને સતત અભિવ્યક્ત કરનાર ઉમદા કલાકાર એસ. એચ. રઝાને આદરપૂર્વક સ્મરીને હું ભાવપૂર્વક અંજલિ આપું છું. એમને કોટિ-કોટિ વંદન !

e.mail : anil@archerindia.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 19-20

Loading

સરસ્વતીપુત્ર મધુસૂદન ઢાંકી

હેમંત દવે|Opinion - Opinion|7 September 2016

ગૂર્જર વસુંધરાએ વિશ્વને ચરણે ભેટ ધરેલાં કેટલાંક સારસ્વતરત્નોમાં એક મધુસૂદન અમીલાલ ઢાંકીનું તા. ૨૯ જુલાઈ, ૨૦૧૬ના રોજ અવસાન થયું. ભગવાનલાલ ઇન્દ્રજીનું ભારતીય અભિલેખવિદ્યામાં અને હસમુખ સાંકળિયાનું ભારતીય પુરાતત્ત્વમાં જેવું પ્રદાન છે, તેવું જ પ્રદાન મધુસૂદન ઢાંકીનું ભારતીય દેવાલય-સ્થાપત્યનાં ક્ષેત્રે રહ્યું.

મૂળે પોરબંદર પાસે ઢાંક ગામના હોવાથી અટક ઢાંકી. એમનું મૂળ નામ તો સરસ્વતીચંદ્ર અને ધોરણ પાંચ સુધી એ જ નામ ચાલુ રહેલું. ત્યાર બાદ બાપુજીને કોઈએ કહ્યું કે આ નામ રાશિ પ્રમાણે નથી, તો રાશિ પ્રમાણે નામ પાડવું, ને નામ પડ્યું મધુસૂદન. એમનો જન્મ ૩૧ જુલાઈ, ૧૯૨૭ના રોજ પોરબંદરમાં થયેલો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે પોરબંદરમાં પ્રાપ્ત કર્યું. અને તે પછી તેમણે પુણેની જગત્ખ્યાત ફર્ગ્યુસન કૉલેજમાંથી ભૂસ્તરવિદ્યા અને રસાયણશાસ્ત્રના વિષયો સાથે બીએસ.સી.ની પદવી પ્રાપ્ત કરી.

તેમની કારકિર્દીનો પ્રારંભ બૅંકની નોકરીથી થયો, એમણે એ પછી જૂનાગઢમાં ઉદ્યાનવિદ (horticulturist) તરીકે પણ કામગીરી બજાવી. અલબત્ત, જીવ મૂળે સંશોધનનો અને કલા-સ્થાપત્યનો એટલે ૧૯૫૧માં અન્ય મિત્રો સાથે ‘પોરબંદર પુરાતત્ત્વ સંશોધકમંડળ’ની સ્થાપના કરી અને પોરબંદરની આસપાસ જૂનાં સ્થાપત્યોની શોધ ચલાવી અને ઘણાં નવાં મંદિરો શોધી કાઢ્યાં. વડોદરા મ્યુિઝયમના રક્ષપાલ (curator) હરમાન ગ્યોત્સે તેમની કામગીરીને બિરદાવી અને પ્રોત્સાહન પણ આપ્યું. ત્યાર બાદ તેઓ તેમના મનગમતા પુરાતત્ત્વના વ્યવસાયમાં જોડાયા અને જૂનાગઢ અને જામનગરનાં સંગ્રહાલયમાં તેમણે રક્ષપાલ તરીકે કામગીરી બજાવી. તત્પશ્ચાત્ તેઓ રાજકોટ ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી અને મ્યુિઝયમમાં જોડાયા. આ સમય દરમિયાન તેમણે પ્રભાસપાટણના ઉત્ખનનમાં મહત્ત્વની કામગીરી બજાવી અને કચ્છની લોકકલાઓ અંગે પણ ક્ષેત્રકાર્ય કર્યું. આજે કચ્છી ભરતકામ વિશ્વપ્રસિદ્ધ છે, પણ એ સમયે ગુજરાત બહાર બહુ ઓછા લોકો એ વિશે કશું જાણતા. ઢાંકીસાહેબના ક્ષેત્રકાર્યમાંથી નીપજેલા પુસ્તકે વિદ્યાકીય જગતમાં કચ્છની અદ્ભુત ભરતકલા અને મણકાકામ વિશે આધારભૂત માહિતી પૂરી પાડી. ગુસેપ્પે તુચ્ચી જેવા ઇટાલિયન વિદ્વાને આ પુસ્તકને ‘ખૂબ રસપ્રદ’ ગણાવી, આ પ્રકારની ન જાણીતી લોકકલાઓ વિશે કામ કરવા અધ્યેતાઓને આહ્વાન આપેલું. પુરાતત્ત્વ સર્વેક્ષણમાં હતા તે દરમિયાન જ તેમણે ભારતીય પુરાતાત્ત્વિક સંદર્ભમાં મળતા મણિ-મણકાઓનો અભ્યાસ કર્યો અને એના પરિણામે લખાયેલ પુસ્તક કદી પ્રસિદ્ધ જ ન થયું અને છેવટે ગેરવલ્લે ગયું.

પણ એમનો રસનો મૂળ વિષય તો મંદિરોનું સ્થાપત્ય. આ વિષયના તલસ્પર્શી અભ્યાસનું પરિણામ એટલે એમનો પહેલો દીર્ઘલેખ ‘ગુજરાતનાં સોલંકીયુગીન મંદિરોની આનુપૂર્વી’. આ લેખથી પ્રથમ વાર જ ભારતનાં કોઈ પણ પ્રદેશનાં અને કોઈ પણ યુગનાં મંદિરોની સાલવારી અને એ દ્વારા તેમની આનુપૂર્વી અને એમ એનો પ્રારંભ, વિકાસ અને એવાં અન્ય સ્થાપત્ય અને કલાનાં લક્ષણો નિશ્ચિત કરી શકાયાં. આ લેખ મંદિરસ્થાપત્યના વિકાસ અને ઉત્ક્રાન્તિની દૃષ્ટિએ તથા સ્થાપત્યની સંશોધનપદ્ધતિના પ્રતિમાનરૂપ મનાય છે. એ પછી તેમણે સોલંકીયુગીન મંદિરોનાં વિતાન (છત) અંગે તથા મૈત્રક તથા સૈંધવયુગીન દેવાલયો અંગે પોતાના સુદીર્ઘ લેખો આપ્યા. આ લેખોને આધાર રાખીને પછી અન્ય ભારતીય અને પરદેશી અભ્યાસીઓએ અન્ય વિસ્તારો અને અન્ય યુગમાં રચાયેલાં સ્થાપત્યોની આનુપૂર્વી નક્કી કરતાં સંશોધનો કર્યાં. ગૅરી તાર્તોવ્સ્કી જેવા સ્થાપત્યવિદ ઢાંકીસાહેબને ‘ભારતીય દેવાલય-સ્થાપત્યના અભ્યાસના પિતા’ તરીકે ઓળખાવે છે, તો જ્યૉર્જ મિશેલ જેવા ઇતિહાસકાર ઢાંકીસાહેબને ‘ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા -‘the architect divine’ સાથે સરખાવે છે. ૧૯૬૬માં તેઓ વારાણસીમાં અમેરિકન એકૅડમી (પાછળથી અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઇન્ડિયન સ્ટડિઝ)માં જોડાયા, અને ત્યાંથી જ સેન્ટર ફોર આર્ટ ઍન્ડ આર્કિયોલૉજીના નિયામકપદેથી નિવૃત્ત થયા. ઢાંકીસાહેબ અમદાવાદની એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઇન્ડોલૉજીમાં પણ ભારતીય કલા-સ્થાપત્યના પ્રાધ્યાપક તરીકે સેવા બજાવતા હતા. કલા-સ્થાપત્યના અભ્યાસ અર્થે તેમણે લગભગ સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું, તો ભારતીય કલા-સ્થાપત્યની પડોશી દેશો પર પડેલી અસરો અને ત્યાંથી સ્થાનિક શૈલીઓનો અભ્યાસ કરવા માટે તેમણે શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પણ ક્ષેત્રકાર્ય કર્યું. ગૉથિક સ્થાપત્ય માટે ઢાંકીસાહેબને એક અજ્ઞાત ખેંચલગની છે, અને એ સ્થાપત્યના અભ્યાસ માટે તેમણે ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, સ્વીટ્ઝર્લૅન્ડમાં ક્ષેત્રકાર્ય કર્યું.

પહેલાં ભારતીય સ્થાપત્યનું વર્ણન અને મૂલ્યાંકન પણ સામાન્ય રીતે યુરોપના સ્થાપત્યની પરિભાષાના આધારે જ કરવામાં આવતું. તેમણે પ્રથમ વાર જ સંસ્કૃતમાં લખાયેલા વાસ્તુશાસ્ત્રના ગ્રંથોને આધારે દેવાલય – સ્થાપત્યની પરિભાષા નિશ્ચિત કરી આપી, એ એમનું એક મોટું પ્રદાન છે. આ જ કાર્યના ભાગ રૂપે તેમણે કેટલીયે વાસ્તુશાસ્ત્રને લગતી કૃતિઓનાં સાચાં અને તર્કપૂત સમયાંકનો કરી આપ્યાં છે.

અમેરિકન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા પછી તેમણે ભારતીય દેવાલય સ્થાપત્ય મહાકોશ (Encylopedia of Indian Temple Architecture) રચવાની યોજના ઘડી અને એ પ્રકલ્પ અન્વયે તેમણે ભારતનું તથા અન્ય દેશોનું ક્ષેત્રકાર્ય અર્થે ભ્રમણ કરી અસંખ્ય ફોટો લેવડાવ્યા, વિધાનો (plan)  તૈયાર કરાવડાવ્યાં તથા એ મંદિરો વિષયક દંતકથાઓ એકઠી કરી. આ ભગીરથ ક્ષેત્રકાર્ય, સંસ્કૃતના વાસ્તુશાસ્ત્ર ગ્રંથોના વર્ષોના અધ્યયન અને સમકાલીન સ્રોતોના ચિકિત્સક-પરિશીલનને અંતે છેક ૧૯૮૩માં એનો પ્રથમ ગ્રંથ પ્રકટ કરી શકાયો. અત્યાર સુધીમાં દક્ષિણ ભારતનાં દેવાલયો અથવા દ્રાવિડી શૈલીનાં દેવાલયોને લગતો છેલ્લો અને પાંચમા ભાગ જે શબ્દાવલિઓને લગતો છે, તે લગભગ પૂર્ણ થઈ પ્રસિદ્ધ થવામાં હતો પણ પછી બાકીનું કાર્ય અપૂર્ણ જ રહ્યું. તેમણે મંદિરોના સ્થાપત્ય, શિલ્પ અને સ્થાપત્યના વિવિધ અંશો વિશે સ્વતંત્ર પુસ્તકો કરેલાં છે. પાછલા અરસામાં તેમની નાદુરસ્ત તબિયત છતાં તેઓ શેત્રુંજીનાં મંદિરો વિશેના પોતાના પુસ્તકને આખરી ઓપ આપી રહ્યા હતા. અમેરિકાની મિનિસોટા યુનિવર્સિટીના કલા-સ્થાપત્ય વિભાગમાં વડા ફ્રેડરિક આશરે ઢાંકીસાહેબના ‘ભારતીય દેવાલયોની જાળીઓ’ પુસ્તકના આમુખમાં લખેલું કે ‘It is with pride, then, that the American Institute of Indian Studies presents another publication by one of the most prolific scholars in any field and certainly the one who knows this tradition [scil. Indian temple architecuture] better and more deeply that any other scholar in the world.’

‘ભારતીય દેવાલય-સ્થાપત્ય મહાકોશ’ના છ બૃહત્કાય ગ્રંથો સિવાય ત્રણસો ઉપરાંત પુસ્તકો, ગ્રંથો, લેખો, નોંધોમાં તેમની વિદ્યાનિષ્ઠા અને અભ્યાસપ્રીતિ જોઈ શકાય છે. ભારતીય સ્થાપત્ય સિવાય નિર્ગ્રંથ એટલે કે જૈનધર્મ અને એના ઇતિહાસ અને સાહિત્ય અંગે પણ ઢાંકીસાહેબનાં સંશોધનો ખૂબ જાણીતાં છે. એમણે જૈનસાહિત્યની વિવિધ કૃતિઓના પાઠ નિશ્ચિત કરી આપ્યા અને કૃતિઓના તેમ જ એમના કર્તાઓના સમય આંકી આપ્યા.

અનેક વિદ્યાઓમાં વિચરતાં તેમનાં રસ-રુચિ-કલા-સ્થાપત્ય અને સાહિત્ય સિવાય સંગીતમાં પણ ખૂબ આગળ વધ્યા. તેમણે હિન્દુસ્તાની અને કર્ણાટકી એમ બેઉ ભારતના માર્ગી એટલે કે શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ લીધી. આ તાલીમ અને તેમની સંશોધનની મૂળભૂત વૃત્તિને કારણે સંગીતના ક્ષેત્રે પણ તેમણે મહત્ત્વના લેખો આપ્યા વખત જતાં, જે તેમના ગ્રંથ ‘સપ્તક’માં સંગૃહિત થયા, અને તજ્જ્ઞો દ્વારા પ્રસંશા પામ્યા. મૂળે ભૂસ્તરવિદ્યાના વિદ્યાર્થી હોવાને નાતે તેમ જ વિશિષ્ટ સૌંદર્યદૃષ્ટિને કારણે તેમને રત્નોમાં પણ ખાસ દિલચશ્પી રહી, અને રત્નશાસ્ત્રને લગતાં પણ કેટલાંક લખાણો તેમણે કર્યાં.

પાછલાં વર્ષોમાં તેમણે સર્જનાત્મક સાહિત્યની દિશામાં પણ પોતાની કલમ ચલાવી. સર્જનાત્મક સાહિત્યનો એમનો સમુચ્યચ ગ્રંથ ‘તામ્રશાસન’ નામે પ્રગટ થયો. ઢાંકીસાહેબને કુમારચંદ્રક, પ્રાકૃત જ્ઞાનપીઠ પુરસ્કાર, કેમ્બલ મમોરિઅલ ગોલ્ડમૅડલ અવ એશિયાટિક સોસાયટી અવ બૉમ્બે, હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ, રસિકલાલ છોટાલાલ પરીખ સુવર્ણચંદ્રક, ગુજરાત વિદ્યાસભાનો પ્રતિષ્ઠિત ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અને બીજાં કેટલાંક સન્માન પ્રાપ્ત થયાં. વર્ષ ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ના નાગરિક-સન્માન માટે પણ તેમની પસંદગી કરવામાં આવી હતી. તેમના લલિતલખાણોના પુસ્તક ‘શનિમેખલા’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ઉમાસ્નેહરશ્મિ’ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું.

ઢાંકીસાહેબ સંશોધક તરીકે જેટલા કડક અને શિસ્તપ્રિય હતા, એટલા જ એક માણસ તરીકે સ્નેહાર્દ્ર અને ઉષ્મિલ હતા. એમના સંપર્કમાં આવનાર કોઈ પણ વ્યક્તિ તેમના શિશુસહજ હાસ્ય, એમની પ્રત્યુત્પન્નમતિ અને વિનોદવૃત્તિથી, એમના વિનમ્ર અને ગુણગ્રાહી સ્વભાવથી એમનું ન થઈ જાય તો નવાઈ જ!

આવા મહાન સરસ્વતીપુત્રને આપણાં વંદન!

e.mail : nasatya@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 20-21

Loading

એક અદ્ભુત શિક્ષક યોગેન્દ્રભાઈ

સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ|Opinion - Opinion|7 September 2016

યોગેન્દ્રભાઈ માંકડને યાદ કરું છું. તેમને ગયે આજે બે વર્ષ પૂરાં થાય છે!

વર્ષ ૧૯૭૧-૭૨થી, તેમના ગયાનાં અનેક વર્ષોની અનેક વિગતોમાં જવું સરળ નથી એટલું જ તેઓ હવે રહ્યા નથી, એ યાદ કરવું પણ સરળ નથી જ, બલકે સાંજના ૬ઃ૩૦ જેવા થયા હોય અને તેમની આજે પણ મારે ઘેર આવવાની રાહ જોઉં છું.

ગુજરાતમાં દર્શનશાસ્ત્ર વિષય આત્મા-પરમાત્મા, નિત્ય-અનિત્ય, બ્રહ્મ-પરબ્રહ્મથી બહાર ગયો છે કે કેમ એ વિચાર ખેદજનક છે, ત્યારે ‘કૉન્ટિનેન્ટલ ફિલોસૉફી’માં સરી જતા યોગેન્દ્રભાઈને ભૂલી શકતો નથી. મધુસૂદનભાઈ બક્ષીનું પ્રદાન ખરું, ‘એનેલિટિકલ ફિલોસૉફી’માં અને તેમાં મારું ગજું નહીં. રસેન્દ્રભાઈ પંડ્યા, ઑક્સફર્ડમાંથી ભણી આવેલા અને ‘ઍંગ્લોસેક્સન’ ફિલોસૉફી અને એ સંદર્ભમાં આવતા ‘તર્કશાસ્ત્રના માહેર. જ્યાં પણ મળે, રસ્તામાં કે પુસ્તકની દુકાનમાં, તેમની રમઝટને સાંભળનારાને લાગે કે ‘આ સાહેબ બોલે છે કે દબડાવે છે!’ એમના મીઠા અવાજમાં ચાલતી વાતનો દોર કંઈક અલગ જ હોય. બક્ષીસાહેબમાં ક્યાં ય ઉતાવળ ન જણાય. તેમનું બોલવું-સમજવું અઘરું પડે. મોટા ‘સ્વીપ’માં ચાલ્યા જાય.

ના, યોગેન્દ્રભાઈમાં એવું ક્યાં ય જોવા મળે નહીં. હા, તરવરાટ એટલો બધો કે ક્યાં ય તેનો છેડો ઉશ્કેરાટમાં પણ આવે. જે કોઈ વિચાર રજૂ કરતા હોય તેમાં સ્પષ્ટતા હોય જ. ન સમજાયું હોય તો દબડાવી પણ નાંખે પણ અંતે મુદ્દો પૂરતી ધીરજથી સમજાવે. મારા શારદા સોસાયટીના રહેઠાણની નજીક રહેવા આવ્યા પછી, કહો કે લગભગ અમારી દરરોજની બેઠક હોય. સમાજવિદ્યાભવનમાં, તેઓ નિવૃત્ત થયા તેના મહિના વર્ષ પહેલાં હું નિવૃત્ત થયો. તો પણ દર શનિવારે તેમની સાથે બેઠક હોય જ. બપોરે બે વાગ્યે પટાવાળા ભાઈ આવે, ત્યાં સુધી તેમને સાંભળ્યા કરવામાં વીતી ગયેલા સમયને આજે યાદ કરું છું.

યુરોપના દર્શનશાસ્ત્રીઓના વિચારોમાં તેઓ ખોવાઈ જતા. ‘રેનેસાં’થી વીસમી સદીના દાર્શનિકો વિશે તેમની પાસેથી સાંભળવું એ મારા જીવનનો અમૂલ્ય લહાવો છે.

તો, એ જ યોગેન્દ્રભાઈ, લોકગીતોના ઢાળમાં ગીતો પણ રચતાં, ગાય પણ ખરા પણ આખું ગીત ‘ફરી ક્યારેક, કહી અધૂરું મૂકી ચાલ્યા જાય. શાસ્ત્રીય સંગીતની તેમની સાધના લગભગ છ દસકા જેટલી ખરી. એ યોગેન્દ્રભાઈને મારા પ્રણામ!

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 21 

Loading

...102030...3,5523,5533,5543,555...3,5603,5703,580...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved