Opinion Magazine
Number of visits: 9689903
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૂરની ન્યૂઝ સ્ટોરી પાછળની ‘સ્ટોરી’

વિશાલ શાહ|Opinion - Opinion|8 September 2016

સુપરપાવર બનવાનાં સપનાં જોઈ રહેલા ભારતમાં દર વર્ષે ફક્ત ઋતુચક્રના બદલાવના કારણે હજારો લોકો કમોતે મરી જાય છે.

ભારતમાં ઠંડીને 'કાતિલ' કહે છે કારણ કે, શિયાળામાં હજારો લોકો ઠુંઠવાઈને મરી જાય છે. એવી જ રીતે, ગરમી 'કાળઝાળ' અને 'રેકોર્ડબ્રેક' હોય છે અને એ પણ અનેકનો ભોગ લે છે. શિયાળા-ઉનાળા પછી ચોમાસું આવે છે. ચોમાસું પણ અનેકના જીવ લે છે અને લાખો લોકોને ખેદાનમેદાન કરતું જાય છે. એટલે પૂર માટે પણ 'ભયાનક' અને 'પ્રકોપ' જેવા શબ્દો વાપરવામાં આવે છે. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા દસ જણા કરતાં ઠંડી, ગરમી કે પૂરમાં મૃત્યુ પામેલા ૧૦૦ માણસની 'ન્યૂઝ વેલ્યૂ' ઘણી ઓછી હોય છે, કારણ કે, કમનસીબે, આપણે આ બધું સ્વીકારી લીધું છે. જો કે, અહીં ફક્ત પૂરની વાત કરવી છે.

પૂરનું 'પૂરબહાર'માં મીડિયા કવરેજ

આ વર્ષે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, આસામ અને મધ્યપ્રદેશમાં પૂરના કારણે ૪૦૦થી વધુ લોકોના મોત અને લાખો લોકો બેઘર થયા. દર વર્ષે મોતનો આવો ખેલ ખેલાતો રહે છે. આમ છતાં, આપણી પાસે પૂરથી થતાં જાનમાલનાં નુકસાન રોકવાનો કોઈ એક્શન પ્લાન નથી. આપણે સ્વીકારી લીધું છે કે, પૂર તો આવશે જ અને લોકો મરશે જ. પૂર આવે છે ત્યારે મીડિયા કવરેજ 'પૂરબહાર'માં ખીલે છે. વધુને વધુ ભયાનક તસવીરો ક્લિક કરીને મોતનું તાંડવ બતાવવાની હોડ જામે છે. લાલ લાઈટવાળી ગાડીઓમાં 'ઉડતા નેતાઓ' માટે હેલિકોપ્ટરમાં ઉડવાના દિવસો શરૂ થાય છે. ક્યારેક કોઈ નેતા, ભૂલથી, હવામાંથી જમીન પર પણ આવી જાય છે. જો કે, ગુલામી માનસિકતા ધરાવતા જીહજુરિયાઓ નેતાજીના પગ મેલા ના થઈ જાય એટલે તેમને ખભે ઉઠાવવા તૈયાર જ હોય છે. આપણી પ્રજા નેતાજીનું ચરિત્ર મેલું હોય તો ચલાવી લે છે પણ પગ નહીં!

પૂરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાતે આવે એ તો સારો નેતા કહેવાય, એમને તો માથે જ ચઢાવવાના હોય ને! બિલકુલ સાચી વાત. પૂરમાં ફસાયેલા લોકો માટે સરકાર રાતોરાત 'માઈબાપ' થઈ જાય છે. પૂરથી ગભરાયેલા લોકો વારંવાર આકાશમાં નજર કરતા હોય છે. ના, ભગવાનને પ્રાર્થના કરવા નહીં. ખરેખર તેઓ હેલિકોપ્ટરની રાહ જોતા હોય છે. હેલિકોપ્ટર આવશે અને ફૂડપેકેટ ફેંકશે તો ભૂખ્યા નહીં મરી જઈએ. અન્નના એક એક દાણા માટે મોહતાજ લોકો ફૂડપેકેજ માટે ધક્કામુક્કી અને ઝૂંટાઝૂંટ કરે છે. આ પ્રકારની તસવીરો ખરેખર ભયાનક હોય છે. પૂરની 'ન્યૂઝ સ્ટોરી'માં ફક્ત જાનહાનિ અને જાનમાલનાં નુકસાનની વાત કરવામાં આવે છે પણ એની પાછળ બીજી અનેક 'સ્ટોરી' છુપાયેલી છે.

લોકો માટે ‘જાન લેવા' પૂર નદીઓની જાન

આપણે એ યાદ રાખવાનું છે કે, પૂર એ કુદરતી પ્રક્રિયા છે. કોઈ પણ નદી પૂર વિના અધૂરી છે. આપણા માટે ‘જાન લેવા' પૂર નદીઓની જાન છે. પૂર આવ્યા પછી જ નદીઓ ફરી બે કાંઠે વહેવાં માંડે છે. પહાડી વિસ્તારના કાંપ નદીઓમાં પથરાય છે. ફરી એકવાર કાંપ વિસ્તારોની જમીનમાં પોષક તત્ત્વોની પરત બને છે, જે ખેતી માટે અત્યંત ફળદ્રુપ હોય છે.

હાલનું ઉત્તર ભારતનું પૂર ગંગા-યમુના અને તેની પેટા નદીઓનાં પાણીને આભારી છે. દેશની ૧૨૫ કરોડમાંથી ૫૦ કરોડ જેટલી વસતી તો ગંગા અને યમુનાના મેદાની વિસ્તારોની આસપાસ જ વસે છે. વિચાર કરો, આ બંને નદીઓનો વ્યાપ કેટલો હશે! આ નદીઓના કાંપ વિસ્તારમાં થતી ખેતીના આધારે સીધી અને આડકતરી રીતે કરોડો લોકોનું ગુજરાન ચાલે છે. પૂર આવે છે ત્યારે આવી લાખો હેક્ટર જમીન રિચાર્જ થઈ જાય છે. જમીની પાણીનું સ્તર ઊંચું આવે છે. નાની-નાની નદીઓ કાંપ અને પથ્થર ખેંચી લાવે છે. આ બધું જ નદીકિનારે જમા થાય છે, જેના કારણે નદીઓનો માર્ગ સાંકડો થતા પાણીનાં વહેણનો માર્ગ ઓછો થઈ જાય છે.

જો કે, મોટી નદીઓમાં પૂર આવે છે ત્યારે નાની-મોટી બધી જ નદીઓનો માર્ગ સાફ થઈ જાય છે. નાળું થઈ ગયેલી નદી ફરી એકવાર જીવંત થઈ જાય છે. રેતી માફિયાઓએ કબજો કર્યો હોય તો એમાંથી પણ પૂર મુક્તિ અપાવે છે. જે કામ સરકાર માઈબાપ નથી કરી શકતી એ કામ પૂર એક ઝાટકે કરી નાંખે છે.

તો પૂરનો ઉત્સવ કેમ નથી મનાવાતો?

જો પૂર આટલું સારું હોય તો આપણે તેનો ઉત્સવ કેમ નથી મનાવતા? આ સવાલનો વિગતે જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ. હાલ ભારતમાં આવતાં પૂર મુદ્દે અધિકારપૂર્વક વાત કરી શકે એવા ગણ્યાગાંઠયા લોકો છે. આવું એક નામ એટલે દિનેશકુમાર મિશ્ર. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં બિહારનાં પૂર મુદ્દે મિશ્ર કહે છે કે, પૂર એ કુદરતી આપત્તિ નથી. જો પૂર કુદરતી દુર્ઘટના હોય તો એનાથી ફાયદો ના થાય. ઊલટાનું પૂરના કારણે જ બિહારની જમીન ઉપજાઉ છે. ખેતી સાથે સંકળાયેલા લોકો સારું કમાય છે અને એટલે જ પૂર પછી તેઓ રાજ્ય છોડીને જતા નથી રહેતા. અહીં પાણીનું સ્તર સારું છે એટલે જ હરિયાણા-રાજસ્થાનની જેમ બિહારમાં માથે બેડાં મૂકીને દૂર સુધી પાણી ભરવાં જતી મહિલાઓ જોવાં નથી મળતી. બિહારમાં નવ વર્ષ પછી આવું પૂર આવ્યું છે, જેનાથી કૃષિ અર્થતંત્રને ફાયદો થશે …

દિનેશકુમાર મિશ્રએ કહેલા મુદ્દા ધ્યાનથી વિચારવા જેવા છે. પૂર કુદરતી આપત્તિ નથી પણ કુદરતની મહેરબાની છે. પૂર કુદરતની દેન છે પણ વગર વિચાર્યે કરેલા વિકાસના કારણે પૂર વખતે મોતનું તાંડવ ખેલાય છે. આ કારણસર આપણી સામે પૂરનો ફક્ત બેહુદો ચહેરો જ સામે આવે છે. આ પૃથ્વી પર માણસો નહોતા ત્યારે પણ પૂર આવતાં જ હતાં. પૂર કોઈના રસ્તામાં નથી આવ્યું પણ આપણે પૂરના રસ્તામાં 'વિકાસ' કર્યો છે.

આપણે ધસમસતા પૂર સામે વિકાસકૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી જ પૂર આવે ત્યારે ઉત્સવ નથી મનાવી શકતા. આપણે નદીઓની જમીન પર અતિક્રમણ કરીને વિકાસ કર્યો છે. હજુ થોડા સમય પહેલાં જ કેદારનાથમાં 'વિકાસના કારણે સર્જાયેલી ભયાનકતા' આપણે જોઈ ચૂક્યા છે.

પૂરથી થતી જાનહાનિ રોકવા ટેક્નોલોજીની જરૂર

દેશમાં ૧૭૫ સ્થળે નદીઓ-બંધોમાં ખતરાની નિશાનીઓ લગાવાઈ છે, જેની ઉપર પાણી આવે એટલે એલર્ટ જાહેર કરાય છે. આ સિસ્ટમને ગેજ ટુ ગેજ કોરિલેશન કહે છે. ભારતમાં સેન્ટ્રલ વૉટર કમિશન દ્વારા જળસ્તરની આગાહી (વૉટર લેવલ ફોરકાસ્ટિંગ) કરાય છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે, ફલાણી નદી કે ફલાણા બંધનું પાણી ખતરાની નિશાનીથી ઉપર વહી રહ્યું છે. આ નિશાનીથી પૂર આવશે કે નહીં એ જાણી શકાય છે. સામાન્ય વ્યક્તિથી લઈને સરકારી નિષ્ણાતો આ સિસ્ટમમાં વિશ્વાસ કરે છે. આમ છતાં, પૂર ચૂપચાપ આવે છે અને તબાહી મચાવીને જતું રહે છે. આવું કેમ થાય છે? કારણ કે, આપણે જળસપાટી વધી રહી હોય એના આધારે ખતરાની આગાહી કરીએ છીએ. એ જળસ્તર જાણવાની સિસ્ટમ છે, પૂરની આગાહીની નહીં. જરા વિગતે સમજીએ.

નદી કે બંધમાં ખતરાની નિશાનીના આધારે ૫૦-૧૦૦ કિલોમીટર સુધીના દાયરામાં એલર્ટ આપી શકાય છે, પરંતુ આ પાણી કેટલા દૂર સુધીના વિસ્તારમાં ઉત્પાત મચાવી શકે છે એ જાણવાની આપણી પાસે સિસ્ટમ નથી. આ ટેક્નોલોજી ફ્લડ વૉટર ફોરકાસ્ટિંગ તરીકે ઓળખાય છે. જળસ્તરથી પૂરનું ભવિષ્ય ભાખવાની ઘણી મર્યાદા છે. એવી જ રીતે, આકાશમાંથી વરસતું પાણી ગીચ વિસ્તારોમાં ફેલાય એનું શું? વરસાદી પાણી માપવાની સિસ્ટમને સ્ટોર્મ વૉટર ફોરકાસ્ટિંગ કહે છે. જે સ્થળોએ નદીઓ નહીં, પણ વરસાદી પાણી પૂર લાવતી હોય ત્યાં આ ટેક્નોલોજીની જરૂર હોય છે. વરસાદી પાણીથી પૂર આવતાં હોય એવા વિસ્તારોમાં ગટર વ્યવસ્થા સહિતના કંગાળ શહેરી આયોજનનો વાંક કાઢવામાં આવે છે. આ ટેક્નોલોજીના આધારે આપણે એવું કહી શકીએ કે, વરસાદના કારણે જે તે શહેરના કોઈ વિસ્તારમાં તમારી કાર ડૂબી જઈ શકે છે! આ ઉપરાંત પૂરનું પાણી કેટલો સમય એ વિસ્તારમાં રહેશે એની પણ આગાહી થઈ શકે છે.

આપણે પૂરને સ્વીકારી લેવાના બદલે આ ક્ષેત્રના નિષ્ણાતો પેદા કરવા, યુનિવર્સિટી સ્તરે સંશોધનો કરવા અને સરકારી યોજનાઓમાં તેમને સામેલ કરવાના પ્રયાસ કરવા જોઈએ. આમ થશે તો જ પૂર 'પ્રકોપ' નહીં રહે!

***

દક્ષિણ ગુજરાત યુનિવર્સટીમાંથી પીએચ.ડી. કરનારા પૂર નિષ્ણાત

દેશમાં ગણ્યાગાંઠયા પૂર નિષ્ણાતોમાં દિનેશકુમાર મિશ્રનું નામ પહેલી હરોળમાં મૂકવું પડે. ઉત્તર ભારતમાં તેઓ 'બાઢ મુક્તિ અભિયાન' નામની સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તા તરીકે જાણીતા છે. આ સંસ્થા થકી મિશ્ર ભારતની ફ્લડ કંટ્રોલ પોલિસીમાં ફેરફાર કરવા પાયાનું આંદોલન ચલાવી રહ્યા છે. દિનેશકુમારે (જન્મ ૧૯૪૮) વર્ષ ૧૯૬૮માં આઈ.આઈ.ટી.-ખરગપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ અને વર્ષ ૧૯૭૦માં એમ.ટેક. કર્યું. નેવુંના દાયકામાં મિશ્રની પ્રોફેશનલ એન્જિનિયર તરીકે પ્રેક્ટિસ ધમધોકાર ચાલી રહી હતી. આ દરમિયાન બિહારમાં વર્ષ ૧૯૮૪માં પૂર આવ્યું, જેમાં ૮૦ સ્ક્વેર કિલોમીટરમાં પાંચેક લાખ લોકો રઝળી પડ્યા હતા. એક મિત્રના કહેવાથી મિશ્રએ આ પૂરનો અહેવાલ તૈયાર કરવાનું બીડું ઝડપ્યું. આ કામ માટે તેઓ હોડીમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા, જ્યાં તેમણે ઠેર ઠેર મોતનું તાંડવ જોયું. આ દૃશ્યો જોઈને તેઓ રીતસરના હેબતાઈ ગયા હતા.

આ ઘટના પછી મિશ્રએ ભારતના પૂરના ઈતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. ભારતમાં પૂરના ઇતિહાસનું યોગ્ય દસ્તાવેજીકરણ થયું નહીં હોવાથી તેમને પારાવાર તકલીફ પડી. જો કે, તેમણે સામે પાણીએ તરીને પૂર વિશે જાણકારી મેળવવાનું નક્કી કર્યું. એ પછી તેઓ એક વર્ષ માટે રીતસર કોલકાતાની નેશનલ લાઈબ્રેરીમાં રહેવા જતા રહ્યા. અહીં તેમણે બિહારના વિવિધ અખબારોના ૪૦ વર્ષના અંકોમાં આવેલા પૂર, વૉટર મેનેજમેન્ટ, પૂરને લગતા વિવાદો, વિવિધ કમિશનોના અહેવાલો અને નિષ્ણાતોની ચર્ચાના સમાચારો-અહેવાલો અને પુસ્તકોનો ઊંડો અભ્યાસ કર્યો. પૂર વિશે પૂરતી માહિતી મેળવીને મિશ્રએ પૂરના અસલી અને સત્તાવાર દસ્તાવેજો માટે બિહારની સરકારી કચેરીઓના ધક્કા પણ ખાધા.

આટલી મહેનત પછી તેમણે પહેલું પુસ્તક લખ્યું, 'બાઢ સે ગ્રસ્ત'. આ પુસ્તક અને તેમના અહેવાલોને એટલો જોરદાર આવકાર મળ્યો કે, વર્ષ ૧૯૮૬માં મિશ્રએ પ્રોફેશનલ એન્જિનિયર તરીકે નોકરી છોડીને વૉટર મેનેજમેન્ટ અને ફ્લડ એક્સપર્ટ તરીકે કામ શરૂ કર્યું. હાલ તેઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં કામ કરી રહેલા સરકારી એન્જિનિયરો અને પોલિસી મેકર્સ સાથે મળીને એક શાંત આંદોલન ચલાવી રહ્યા છે.

દેશભરમાં સંશોધનના નામે હાસ્યાસ્પદ વિષયોમાં પીએચ.ડી. કરીને 'સેટલ' થવાનો જુવાળ ચાલી રહ્યો છે ત્યારે દિનેશકુમાર મિશ્રએ વર્ષ ૨૦૦૬માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી 'ઈમ્પેક્ટ ઓફ ફ્લડ કંટ્રોલ પોલિસીઝ ઓન ધ પીપલ ઓફ સહર્સ ડિસ્ટ્રિક્ટ ઓફ નોર્થ બિહાર' વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને દેશને એક મહામુશ્કેલીમાંથી ઉગારવાનું પાયાનું કામ કરી રહ્યા છે.

e.mail : vishnubharatiya@gmail.com

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk

Loading

હવે ઘણીખરી બાળમજૂરી કાયદેસર?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|8 September 2016

દેશમાં મતદાનની લઘુતમ ઉંમર ૧૮ વરસની હોય, તો ભણવા-કમાવાની ઉંમર ૧૪ વરસની કેમ?

સંસદનું છેલ્લું વર્ષાસત્ર જી.એસ.ટી. બિલ પસાર થવાને કારણે જેટલું વખણાય છે તેટલું બાળમજૂરી કાયદેસર કરતું બિલ પસાર કરવાને કારણે વખોડાતું નથી! ‘બાળશ્રમનિષેધ અને નિયમન સંશોધન વિધેયક ૨૦૧૬’ હાલના બાળમજૂરી વિરોધી કાનૂનોને નરમ બનાવે છે. આમ તો આ વિધેયકનો ઉદ્દેશ, ૧૪ વરસ સુધીના બાળકોને કુટુંબના વ્યવસાયમાં અને ફિલ્મ-ટેલિવિઝન કાર્યક્રમોમાં કામ કરવાની છૂટ આપવાનો જણાવાયો છે, પણ વાસ્તવમાં તે બાળમજૂરીનાં નિકૃષ્ટતમ રૂપોને અને સરવાળે બાળમજૂરીને કાયદેસર બનાવે છે.

હાલના બાળમજૂરી નિષેધ કાયદાઓમાં બાળકોના આરોગ્ય અને સુરક્ષાની દૃષ્ટિએ મજૂરી માટે ખતરનાક ગણાતા વ્યવસાયો ૮૩ છે, તે આ વિધેયકમાં ઘટાડીને માત્ર ૩ જ કરી દેવામાં આવ્યા છે. હવે ખાણ, જ્વલનશીલ પદાર્થ અને વિસ્ફોટક ઉદ્યોગોને જ ખતરનાક ગણાવી તેમાં બાળમજૂરી પ્રતિબંધિત કરી છે. આ બિલ બાળકોને પારિવારીક ધંધારોજગારમાં  કામ કરવાની મંજૂરી આપે છે. એટલે કે તે દલિતોનાં બાળકો તેમના જાતિગત ધંધાઓમાં જોતરાયેલાં રહે તે મંજૂર રાખે છે. પરિવાર દ્વારા થતી મજૂરીમાં બાળકોની સામેલગીરી અને શાળા સમય બાદની બાળમજૂરીને યોગ્ય ઠરાવતું આ વિધેયક એવા સમયે આવ્યું છે જ્યારે બાળમજૂરી નાબૂદીના પ્રયત્નો માટે  ભારતીય કર્મશીલ કૈલાસ સત્યાર્થી નોબેલ પુરસ્કૃત થયા છે! જો કે લાખો બાળકોને ફરી મજૂરીએ  ધકેલતા આ બિલનો ઝાઝો વિરોધ થતો જોવા મળતો નથી.

બાળમજૂરી આ દેશની શરમજનક વરવી વાસ્તવિકતા છે. શાળાએ જવાની ઉંમરે આ દેશના આવતી કાલના નાગરિકોને પેટનો ખાડો પૂરવા મજૂરી કરવી પડે છે. ખેતરો, કારખાનાં, મિલો, હોટલો, દુકાનો અને ઘરોમાં બાળકો કાળી મજૂરી કરે છે. કચરો અને કાગળો વીણે છે, જાહેર સ્થળોએ બૂટપોલીશ કરે છે, ઢોર ચરાવે છે, તો ભીખ પણ માગે છે. પ્રતિબંધિત ખતરનાક વ્યવસાયો, દારૂખાનાની ફેકટરીઓ, કાચ અને બંગડી ઉદ્યોગ, ચાના બગીચા, ગાલીચા અને તાળા બનાવવાનું કામ, સાડી પર જરીકામ, ઈંટોના ભઠ્ઠા, પાવરલૂમ્સ, સ્લેટ-પેન બનાવવી, બીડી અને હીરા ઉદ્યોગ, તથા નગરો-મહાનગરોના વેશ્યાગૃહોથી માંડીને ઘરનોકર તરીકે આ દેશનું બચપણ કમરતોડ મજૂરીમાં પીસાઈ-પીડાઈ રહ્યું છે.

ભારતમાં ૧૪ વરસ સુધીની ઉમરનાં બાળકોની વસ્તી એક અમેરિકા જેટલી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૫ થી ૧૪ વરસ સુધીનાં બાળકો દેશમાં ૨૫.૯૬ કરોડ છે. તેમાંથી ૧.૦૧ કરોડ બાળમજૂરો છે. ૫ થી ૯ વરસના ૨૫.૩૩ લાખ બાળકો ૩ થી ૧૨ માસ સુધી મજૂરી કરે છે. દેશનાં પાંચ મોટાં રાજ્યો ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં દેશના કુલ બાળમજૂરોના ૫૫ ટકા બાળમજૂરો છે. દેશની કુલ શ્રમશક્તિમાં બાળમજૂરોનો હિસ્સો ૩.૬ ટકા છે. દેશના દર દસમાંથી નવ બાળકો મજૂરી કરે છે. તે પૈકી ૮૫ ટકા ખેતી, ખેતમજૂરી અને પશુપાલનમાં, ૯ ટકા ઉત્પાદન-સેવા અને બાંધકામમાં, જ્યારે ૦.૮ ટકા કારખાનાંમાં કામ કરે છે. જો કે આ સરકારી આંકડાઓ બાળમજૂરી નાબૂદી માટે કામ કરતી સંસ્થાઓ સ્વીકારતી નથી અને ખરેખર આના કરતાં ઘણાં વધારે બાળકો મજૂરી કરતા હોવાનું જણાવે છે.

ઔદ્યોગિક વિકાસની સાથે જ દુનિયામાં બાળમજૂરીનો ઉદ્દભવ થયાનું મનાય છે. ભારતમાં ગરીબી અને બેકારીને કારણે બાળમજૂરી પ્રવર્તે છે. અંગ્રેજ શાસનકાળમાં રોયલ કમિશને બાળમજૂરીનાબૂદી અંગે સૌ પ્રથમ વિચારણા હાથ ધરી હતી. આઝાદી બાદ ઘડાયેલા ભારતના બંધારણના મૂળભૂત અધિકારોના પ્રકરણના અનુચ્છેદ ૨૩ અને ૨૪માં બાળમજૂરી નાબૂદીની જોગવાઈ છે. અનુચ્છેદ ૨૪માં, ‘૧૪ વરસથી નીચેની ઉમરનાં બાળકોને કારખાનાં, ખાણ અને ખતરનાક વ્યવસાયમાં મજૂરીએ રાખી શકાશે નહીં’ તેવી સ્પષ્ટ જોગવાઈ છે.

બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોના અનુચ્છેદ ૩૯(ચ)માં,‘બાળકોના સ્વતંત્ર અને ગરીમામય સમાન વિકાસ અને શોષણ નાબૂદી’ની જોગવાઈ છે. અનુચ્છેદ ૧૫માં બાળકો અને સ્ત્રીઓના અધિકારોની રક્ષા અંગે યોગ્ય કાયદા બનાવવાની રાજ્યોને સત્ત્તા આપવામાં આવી છે. તે મુજબ આઝાદી પૂર્વે અને પછીના ૧૨ જેટલા કાયદાઓ દ્વારા બાળકલ્યાણ માટેની અને બાળમજૂરી પર પ્રતિબંધ મૂકતી કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે. ૨૦૧૬નું વર્તમાન વિધેયક પારોઠના પગલા જેવું છે. તે વિશ્વ બજારમાં ભારતની સારી શાખ ઊભી કરવા લેવાયેલું છે. જ્યારે દેશમાં પ્રતિવર્ષ ૨.૨ ટકાના દરે જ બાળમજૂરી ઘટતી હોય ત્યારે વર્તમાન બાળમજૂરીને ખતમ થતાં સો વરસ નીકળી જાય તેમ છે. પરંતુ સરકારે બાળમજૂરીને જ કાયદેસર  કરી તેને નાબૂદ કરી દેવાનો અદ્દભુત કીમિયો કર્યો છે.

બાળમજૂરીના નામે બાળકોનું કેવું નઘરોળ શોષણ થાય છે તે સર્વવિદિત છે. બાળકો પાસે દસથી બાર કલાક વૈતરું કરાવવામાં આવે છે. તેમને એક જ ઓરડામાં સમૂહમાં રાખવામાં આવે છે. નજીવી ભૂલ થાય તો પણ ઢોરમાર મારવામાં આવે છે, પૂરતું ખાવાનું મળતું નથી, નશીલી ચીજોના સેવનની આદતો પડાય છે. રોટલાના ટુકડા માટે જીવતાં આ બાળકોની હાલત અંગે જસ્ટિસ પી.એન. ભગવતીએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું તેમ, બાળમજૂરો અમાનવીય સ્થિતિમાં જીવે છે, આપણી સભ્યતાથી બહિષ્કૃત છે. જાનવરોથી બદતર જિંદગી જીવતા આ બાળકો બંધનોમાં જકડાયેલાં છે  અને તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે.

કુટુંબની ઉમરલાયક વ્યક્તિને મજૂરી ન મળતાં કે અપૂરતી મળતાં તેઓને બાળકોને મજૂરી કરાવવી પડે છે. એટલે જો બાળમજૂરી નાબૂદ કરવી હશે તો એકલા જાગૃતિ કાર્યક્રમોથી નહીં ચાલે. બાળમજૂરોનાં માબાપોને માત્ર પેટ ભરવા પૂરતી મજૂરી જ નહીં, જીવનયોગ્ય મજૂરી મળવી આવશ્યક છે. ગરીબી અને બેરોજગારી ઘટે તે દિશામાં પૂરતા વેતનવાળી રોજગારીના સર્જનના પ્રયત્નો કરવા પડશે. આ સમસ્યાનો એક ઉકેલ શિક્ષણ છે. જે બાળક શાળામાં નથી, તે મજૂરી કરે છે તે સાદું સત્ય છે.

પણ બાળકને મજૂરીએથી શાળામાં લાવવું હશે, તો તેના માટે રોજગારી આપતા ગુણવત્તાયુક્ત વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રબંધ કરવો પડશે. બાળકોની કમાણીથી ઘર- કુટુંબની આવકપૂર્તિ થતી હોય ત્યારે બાળકને શિક્ષણ સાથે થોડી આર્થિક રાહત આપવી જોઈએ. આ બધાનો ઉકેલ બાળકને પારિવારીક વ્યવસાયમાં ધકેલવામાં નથી. પ્રાથમિક શિક્ષણનો અધિકાર મહત્ત્વનો છે, પણ બાળમજૂરી કે શિક્ષણના અધિકાર માટેની ૧૪ વરસની ઉમર યોગ્ય નથી. જો મતદાનની ઉમર ૧૮ વરસની હોય તો ભણવા-કમાવાની ઉમર ૧૪ વરસની કેમ?

જે દેશમાં બાળગોપાલની ભક્તિભાવે પૂજા થતી હોય, દર વરસે રામ અને કૃષ્ણના જન્મોત્સવો ધૂમધામથી મનાવાતા હોય, તે દેશમાં બાળકો ખેલવા-કૂદવાની કે ભણવા-ભમવાની ઉમરે મજૂરી કરે તે સ્થિતિ હવે બંધ થવી જોઈએ. દેશની ઉજળી આવતીકાલ માટે વસુંધરાના આ વહાલાંદવલાંને ખોળે લેવાની અને મૂરઝાતાં ફૂલોને નવપલ્લવિત કરવાની જરૂરિયાત છે.  બાળમજૂરીને કાયદેસર કરતા કાયદા ઘડવાથી  કે તેના માપદંડો નરમ કરવાથી કાગળ પર કદાચ બાળમજૂરી નાબૂદ થશે પણ હકીકત બદલાશે નહીં.

સૌજન્ય : ‘વિદ્યાર્થી અને નાગરિક’, “દિવ્ય ભાસ્કર”, 08 સપ્ટેમ્બર 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-most-child-labor-is-now-legalized-article-by-chandu-maheriya-gujarati-news-5412812-NOR.html

Loading

ધર્મસંસ્થા, સમાજ અને નાગરિકી સ્વતંત્રતા

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|8 September 2016

સ્વામી આનંદ જેવા ભગવાધારીએ રાષ્ટ્રસેવા માટે જોડાવાની વાત કરી, ત્યારે ગાંધીજીએ તેમનાં ભગવા દૂર કરાવ્યાં હતાં

ગરીબોની સેવાને ધર્મકાર્ય ગણીને તેમાં જીવન સમર્પીત કરી દેનારાં મધર ટેરેસા હવે ‘સંત ટેરેસા’ (અંગ્રેજીમાં સેઇન્ટ ટેરેસા) તરીકે ઓળખાશે. ખ્રિસ્તી ધર્મના રોમન કેથલિક સંપ્રદાયની લાંબી વિધી પૂરી કર્યા પછી વેટિકન સિટીસ્થિત વડા, પોપે તેમને સંત જાહેર કર્યાં. ઘણા ખ્રિસ્તી-બિનખ્રિસ્તી લોકોના મનમાં તો મધર જીવતેજીવ ઉચ્ચ સ્થાન મેળવી ચૂક્યાં હતાં. તેમની ઓળખાણમાં જોડાયેલો ‘સંત’ શબ્દ હવે સત્તાવાર આધ્યાત્મિક દરજ્જાનો પણ સૂચક બની રહેશે.

રોમન કેથલિક સંપ્રદાયમાં સત્તાવાર રીતે સંતનો દરજ્જો એમને જ મળે, જેમણે ચમત્કાર કર્યા હોવાનું (ધર્મસત્તાધીશો સમક્ષ) પુરવાર થાય. સાદી સમજ પ્રમાણે, દીનદુઃખિયાંની નિઃસ્વાર્થ સેવા કરવામાં ધર્મ સમાઇ જાય છે, પણ ધર્મસંસ્થાઓનાં માળખાં માટે એટલું પૂરતું થતું નથી. તેમના ચમત્કારપ્રેમની અને તેની પાછળ રહેલી અંધશ્રદ્ધાની ટીકા કરવામાં આવે ત્યારે ધાર્મિકજનો એને ધર્મની ટીકા ગણીને દુઃખી થાય છે. વિચારવા જેવો સવાલ એ છે કે કોઇ પણ ધર્મનું નીચું ક્યારે દેખાય? અંધશ્રદ્ધા કે ભપકાબાજીને માનવસેવા કરતાં ચડિયાતાં ગણવામાં આવે ત્યારે? કે માનવસેવાને સર્વોચ્ચ ગણવામાં આવે ત્યારે?

ધર્મના વ્યાપક અર્થ વિશે રસપ્રદ વાત વિખ્યાત ગુજરાતી લેખક-ગણિતજ્ઞ અને ખ્રિસ્તી પાદરી ફાધર વાલેસે કરી હતી. 2011માં ગુજરાત આવેલા ફાધરે ગુજરાતી ભાષામાં ધર્મની વિવિધ અર્થચ્છાયાઓ સમજવા માટેનું ચાવીરૂપ વાક્ય કહ્યું હતું, ‘મારો ધર્મ મારો ધર્મ (સ્વ-ભાવ) બને એ મારો ધર્મ (ફરજ) છે.’ અને તેનું અંગ્રેજી આ રીતે સમજાવ્યું હતું : માય રિલીજીઅન ધેટ બીકમ્સ માય નેચર ઇઝ માય ડ્યુટી. તેમણે કહ્યું હતું, ‘ધર્મ એટલે ફક્ત કાયદાથી, આજ્ઞાઓથી, બહારથી આવેલું વજન નહીં, પણ જે સ્વાભાવિક અને નૈસર્ગિક થઇ પડે એ જ મારો ધર્મ.’

કબીરનું પદ ‘સહજ સમાધિ ભલી’ ટાંકીને એમણે કહ્યું, ‘બહુ સાધના-તપશ્ચર્યા કરીએ એના કરતાં ખરો ધર્મ હૃદયમાંથી નીકળે, પ્રકૃતિમાંથી આવે. એ ઉપરથી નહીં, અંદરથી આવેલો હોવો જોઇએ. એ રીતે અર્થ કરીએ તો ધર્મમાં આખું જીવન આવી જાય.’ ધર્મની આ સમજ સાથે ધર્મસંસ્થાઓની વાડાબંધીનો ક્યાં મેળ ખાય?

ધર્મનો મામલો પેચીદો હોય છે. સૌથી પહેલાં તો ધર્મ અને ધર્મસંસ્થા વચ્ચેનો ભેદ પાડવો જરૂરી છે. કોઇ પણ ધર્મ-સંપ્રદાયની સંસ્થા ધર્મના સંપૂર્ણ અમલનો અને પોતાને ત્યાં બધું જ ધર્મ અનુસાર થતું હોવાનો દાવો કરી શકે નહીં — અને એ કરે તો માની શકાય નહીં. કારણ કે ધર્મ તેના મૂળ સ્વરૂપે બહુ વિશાળ અને સર્વવ્યાપી બાબત હોય છે. કોઇ એક લક્ષણ, સૂત્ર, કાર્ય, વિધિ કે નિષેધમાં સમાઈ જાય ને તેના ભંગથી જોખમાઈ જાય એટલો ‘નાજુક’ તે હોતો નથી. એકેય ધર્મ-સંપ્રદાયમાં સંપત્તિનું સર્જન કરવાનું કે લોકો ભૂખે મરતા-બિમારીથી પીડાતા હોય ત્યારે ભપકાદાર ધર્મસ્થાનો ઊભાં કરવાનું લખ્યું હોય? અને લખ્યું હોય તો તેને ધર્મ કહેવાય? પણ હા, ધર્મસંસ્થા ધર્મના પ્રચારપ્રસારના નામે આ બધું કરી શકે અને તેને ‘ધર્મ માટે જરૂરી’ પણ ગણાવી શકે.

ઘણી વાર ધર્મસ્થાનો કોર્પોરેટ ઓફિસની ગરજ સારે છે. તેમની ભવ્યતા પરથી સરેરાશ સંસારી લોકો સંબંધિત ધર્મ-સંપ્રદાયની સદ્ધરતાનો અંદાજ બાંધે છે — અને ધર્મસંસ્થાઓને તેનો વાંધો પણ નથી હોતો. બલકે, ઘણું ખરું એ જ હેતુથી ટેકનોલોજી, નાણાં અને માનવશક્તિનો અઢળક ઉપયોગ કરીને આવાં સ્થાન ઊભાં કરવામાં આવે છે. ધર્મ જ્યારે ધર્મસંસ્થાનું સ્વરૂપ ધારણ કરે, ત્યારે ધર્મની ફરજો પર મોટે ભાગે સંસ્થાના તકાદા સવાર થઈ જાય છે. અસરકારક વહીવટ ધર્માચરણની જગ્યાએ ગોઠવાઈ જાય છે અને ભલભલા લોકોને તે પ્રભાવિત પણ કરી જાય છે. ધર્મસત્તાધીશો અને તેમના પગલે અનુયાયીઓ આવા સંસ્થાકીય તકાદાઓને ધર્મના પ્રચાર માટે અનિવાર્ય જ નહીં, ધર્મ્ય પણ ગણતા થઈ જાય છે.

ભારતમાં વંચિતોની કાળજીનું અને મનુષ્યકેન્દ્રી ધાર્મિકતાનું યાદગાર મોડેલ ગાંધીજીએ પૂરું પાડ્યું હતું. તેમના સમયમાં કોઈ પણ ગણવેશધારી ધર્મધૂરંધર કરતાં ગાંધીજીનું નૈતિક વજન અને પ્રભાવ વધારે હતાં. એટલું જ નહીં, ધર્મના કંઠીબંધા લોકો ગાંધીજી સાથે દલીલમાં ઉતરતા, ત્યારે તે વામણા લાગતા હતા. જુદા જુદા તબક્કે અને મુદ્દે ગાંધીજીને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી એવા બધા ધર્મોના ધૂરંધરો-રૂઢિચુસ્તોનો આમનોસામનો કરવાનો આવ્યો અને મોટા ભાગના પ્રસંગોમાં ગાંધીજીની ધર્મવિષયક સમજ વધારે વાસ્તવિક, વધારે માનવકેન્દ્રી જણાઈ.

સ્વામી આનંદ જેવા બાકાયદા દીક્ષા લેનાર ભગવાંધારી સાધુએ રાષ્ટ્રસેવા માટે જોડાવાની વાત કરી, ત્યારે ગાંધીજીએ તેમનાં ભગવાં દૂર કરાવ્યાં હતાં. ત્યાર પછી આજીવન સ્વામીએ સફેદ પોશાક અપનાવ્યો. ગાંધીજી એ કરી શક્યા. કારણ કે તેમને ધર્મસત્તા ઊભી કરવાની ન હતી. એ બરાબર સમજતા હતા — અને સ્વામીને પણ એ સમજાવી શક્યા — કે ભારતમાં ભગવાં કપડાં પહેરનારા લોકોની સેવા કરી શકતા નથી, લોકો તેમની સેવા કરે છે.

ધર્મની સમજ દીવાલો ધરાશાયી કરવાને બદલે દીવાલો ઊભી કરે, ત્યારે રૂઢિચુસ્તતા અને વ્યક્તિગત સ્વતંત્રતાનો વિરોધ દૃઢ થાય છે. મુસ્લિમ સ્ત્રીને ત્રણ વાર તલાક બોલવાથી છૂટાછેડા આપી શકાય એવા, ‘ટ્રીપલ તલાક’ના રિવાજ અંગે સર્વોચ્ચ અદાલતમાં ચાલતો કાનૂની જંગ એનું એક ઉદાહરણ છે. કેટલીક મુસ્લિમ મહિલાઓએ ટ્રીપલ તલાકના રિવાજને સ્ત્રીવિરોધી અને વ્યક્તિની સ્વતંત્રતાનો વિરોધી લેખાવીને તેને નાબૂદ કરવાની માગણી કરી છે. પરંતુ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સર્વોચ્ચ અદાલતમાં કરેલા સોગંદનામામાં કુરાન અને શરિઅતને ટાંકીને ટ્રીપલ તલાકના રિવાજનો બચાવ કર્યો.

તેમણે કહ્યું કે ‘દંપતી વચ્ચે ગંભીર મતભેદ ઊભા થાય અને પતિ સાથે રહેવા ન જ ઇચ્છતો હોય તો સમય અને રૂપિયાના બગાડ જેવી કાનૂની વિધિથી ખચકાઈને તે કાયદેસર છૂટાછેડા ન લે એવું બની શકે. ત્યાર પછી એ ગેરકાયદે રસ્તા અપનાવે અને સ્ત્રીની હત્યા કરવા સુધી જઈ શકે.’ દેખીતાં કારણોસર ફરિયાદી મુસ્લિમ મહીલાઓએ પર્સનલ લો બોર્ડની દલીલોને પિતૃસત્તાક, અમાનવીય અને અન્યાયી ગણાવી છે. તેમણે કહ્યું છે કે બીજા અનેક મુસ્લિમ દેશોમાં પણ આવી જોગવાઈ નથી.

આ મુદ્દે રૂઢિચુસ્તો પાસે કશો તાર્કિક જવાબ નથી. એટલે તે કુરાન અને શરિઅતને અફર ગણાવીને, આ રિવાજને તેમના ધાર્મિક મામલા ખપાવવા અને તેને કાયદાથી પર રાખવા રજૂઆતો કરી રહ્યા છે. (પારસીઓની જેમ) ઇસ્લામ કોઈ રીતે ખતરામાં આવી પડે એવી સંખ્યાત્મક લઘુમતીમાં નથી, એ મુદ્દો બાજુ પર રાખીએ તો પણ, આધુનિક સમયમાં બંધારણદીધી સમાનતા અને (બીજાને નુકસાન ન થતું હોય એ હદમાં રહીને) વ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મપુસ્તક કરતાં ચડિયાતાં ગણાવાં જોઇએ.

ટ્રિપલ તલાકની નાબૂદીથી ઇસ્લામનું હાર્દ જોખમાશે, ચમત્કારોના વિરોધથી રોમન કેથલિક સંપ્રદાયને હાનિ પહોંચશે કે અંધશ્રદ્ધા-જ્ઞાતિવાદી ભેદભાવનો વિરોધ એ હિંદુ ધર્મનો વિરોધ છે, એવી માન્યતાઓ સંબંધિત ધર્મ-સંપ્રદાયનો મહિમા ઘટાડે છે કે વધારે છે? વિચારી જોજો.

સૌજન્ય : ‘સેવા-ધર્મ’, “દિવ્ય ભાસ્કર”, 06 સપ્ટેમ્બર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-religious-organizations-society-and-civil-freedom-article-by-urvish-kothari-guja-5411145-NOR.html

Loading

...102030...3,5513,5523,5533,554...3,5603,5703,580...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved