Opinion Magazine
Number of visits: 9689914
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાનાં-નાનાં સુખ

અશોક વિદ્વાંસ|Opinion - Opinion|12 September 2016

ઑફિસના કામ અંગે બહારગામ જવાનું હવે મને ખૂબ કઠે છે. એનું મુખ્ય કારણ મને હવે ઘરની સગવડ અને ઘરનું ભોજન, બંને વાતથી દૂર જવું ગમતું નથી, એ છે.  વળી, ઑફિસનાં કામ માટે કાયમ એની એ ઠરાવી ત્રણ-ચાર જગ્યાએ જ જવાનું થતું હોવાથી જગ્યાનું નાવીન્ય તો નથી જ રહ્યું, ઊલટાનો કંટાળો આવ્યો છે. ત્રીજું કારણ એટલે “નાઈન-ઇલેવન” પછી વિમાનનો પ્રવાસ એટલે ભરપૂર પૈસા આપીને ખરીદેલી ઉપાધિ !

કાંઇક આવી જ લાગણી સાથે ગઈકાલે, રવિવારે સાંજે મેં નુઅર્ક, ન્યુ-જર્સી થી ડીટ્રૉઇટ જવાની મુસાફરી શરૂ કરી. મુસાફરીની શરૂઆત જ અકળાવનારી થયેલી. ખરું કારણ તો જે હોય તે, પણ ઍર-લાઇન્સના પ્રતિનિધિએ જાહેર કર્યું કે “મિકેનિકલ કારણસર” અમારી સાંજની છ વાગ્યાની ફ્લાઇટ બે કલાક મોડી ઉપડશે. એટલે હવે ડીટ્રૉઇટ પહોંચતા જ રાતના દસ, અને ત્યાંથી આગળ બે કલાક ડ્રાઇવ કરી મારા મુકામે પહોંચતા તો મધરાત જ થવાની. આ બધી નિરાશાજનક પરિસ્થિતિમાં વધારો કરવા હોય એમ, એરપોર્ટ પરના ટી. વી.માં જોયું કે ’સીઆટલ’ની ટીમે મારી ન્યુયૉર્ક જાયન્ટ્સની ટીમને ૪૨-૩૦ના સ્કોરથી હાર આપી છે.

પણ આખરે વિમાનમાં બેસવાની સૂચના મળી. અંદર જઈ જોયું તો વિમાન અડધું ખાલી હતું.  એટલે મનપસંદ જગ્યા શોધીને બેસવાની સહુને ’છૂટ’ આપવામાં આવી.  મને ભરપૂર ’લેગ-રૂમ’વાળી બારી પાસેની જગ્યા મળી. રન-વે તરફ જતાં-જતાં જ, મોડું થયું હતું એ બદ્દલ કપ્તાને દિલગીરી વ્યક્ત કરી, અને ઍર-લાઇન્સ તરફથી સહુને એક ’કૉમ્પ્લીમેન્ટરી ડ્રીંક’ આપવામાં આવશે, એમ પણ કહ્યું. મારી જેમ જ ઘણાંના કંટાળો અને થાક આટલી વાતથી થોડા દૂર થયા.  કપ્તાને એમ પણ કહ્યું કે હવામાન ખૂબ સુંદર હોવાથી ડીટ્રૉઇટ સુધીની અમારી મુસાફરી ખૂબ જ સ્વસ્થતા વાળી હશે. વિમાન થોડું ઊંચે ગયું અને બે ઍર-હોસ્ટેસ ડ્રીંક્સ લાવી. મેં ડ્રાય-રેડ-વાઇનનો એક ગ્લાસ માગી લીધો. અમે ક્રુઝીંગ-અલ્ટીટ્યુડ પર પહોંચ્યા એટલે મેં સેફ્ટી-બેલ્ટ ઢીલો કર્યો ને હાથમાંના રેડ-વાઇનના ગ્લાસ પરની પકડ મજબૂત કરી. રેડ-વાઇન મારું પ્રિય પીણું છે.

ન્યુયૉર્ક શહેર અને ન્યુ જર્સીની દીપમાળનો ઉજાસ પાછળ મૂકી અમારું વિમાન હરણ ફાળ ભરી પશ્ચિમ તરફ ધસવા લાગ્યું.  ડાબી બાજુની બારીમાંથી દેખાતા દક્ષિણ દિશાના સ્પષ્ટ આકાશ તરફ મેં મીટ માંડી. ૩૫,૦૦૦ ફૂટની ઊંચાઈથી આકાશ જોઇએ ત્યારે સ્ટ્રીટ-લાઇટનું અજવાળું અવરોધે એવો તો સવાલ જ ન હોય. વળી, એ અમાસની રાત હતી એટલે ચંદ્રનું અજવાળું પણ આકાશ-દર્શનમાં વિઘ્ન નાખે એવી કોઈ શક્યતા ન હતી. મારા હાથમાં સુરા હતી.  સાથે સુંદરી ભલે ન હોય, પણ રઢિયાળી રાત હતી. ધીમે-ધીમે મેં થોડા પરિચિત તારા અને નક્ષત્રની ઓળખ એકવાર ફરીથી તાજી કરવાનું શરૂ કર્યું. વીંછીડો – વૃશ્ચિક નક્ષત્ર – તરત જ ધ્યાનમાં આવ્યો. આગળના પગના એના અંકોડાથી શરૂ કરીને તે પાછળ, ડંખ મારવા ઊંચો તાણેલો પૂંછડીનો છેડો, બધું – આજથી આશરે પચાસ વર્ષ અગાઉ પિતાજીએ પહેલી વાર દેખાડેલું ત્યારથી યાદ હતું એવું જ – સ્પષ્ટ દેખાયું. એ વર્ષોમાં આકાશ-દર્શનના પિતાજીએ શીખવેલા બધા પાઠનું આપોઆપ જ પુનરાવર્તન થયું. કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ અને સિંહ, જેવા મધ્યાકાશના; અને સપ્તર્ષિ, ધ્રુવ, સ્વાતિ જેવા ઉત્તર-આકાશના તારા અને નક્ષત્ર મને ત્યારે દેખાવાની શક્યતા ન હતી.  પણ એમના આકાર અને અત્યારે એમનું આકાશમાં સ્થાન, બધું નજર સામે દેખાતું હતું. આંખ સામે દેખાતા વીંછીડાને ફરી ધ્યાનથી નિહાળ્યો. એની ફેણમાં નાનપણની કેટલી સુખદ સ્મૃિતઓ સુરક્ષિત રહી હતી એ વિચાર રોમાંચક લાગ્યો.

નજર ક્ષિતિજ પરના વીંછીડાથી જરાક ઉપર ઊંચકી ત્યાં તો વળી એનાથી અનેકગણી વિશાળ, અનેકગણી પુરાતન, અને અનેકગણી ભવ્ય હકીકત નજરે પડી.  આકાશગંગા !  જે જોયું, દેખાયું તેને હૂબહૂ વર્ણવવું અઘરું છે. ઊંચી-નીચી, ચોખ્ખી પણ ખરબચડી લાદીવાળી જમીન પર દૂધ ઢોળાય અને જેવો અસ્તવ્યસ્ત, પાતળો-ઘટ્ટ, સાંકડો-પહોળો રેલો બની જાય, એવું કાંઇક.  ટમટમતા તારાઓ વચ્ચેના અંધારા આકાશની પશ્ચાદભૂ પર એક ધૂંધળો, સફેદ કે આછા ભૂરા રંગનો, વધતી-ઘટતી પહોળાઈનો એક વિશાળ પટલ. ઘડીભર તો થયું કે છેતરામણાં સફેદ વાદળની હાર હશે. પણ, ઘણીવાર સુધી, એ પટલ જ્યારે વિમાનની બારી બહાર એક જ જગ્યાએ સ્થિર દેખાયા કર્યો ત્યારે ખાતરી થઈ કે એ કોઈ વાદળ-વાદળીનો સમૂહ નથી.  એ તો આકાશગંગા છે. મનમાં વામન અને વિરાટ બંને અવસ્થા એકીસાથે ભીડ કરવા માંડી. મારું મન અનંત આકાશ-સમ વિશાળતા પામ્યું. મારી અંદરના માનવીને પોતાની વામન અવસ્થાનું તીવ્ર ભાન થયું. એ આકાશગંગાના વિસ્તાર અને વ્યાપના, લાંબા-લાંબા આંકડાઓમાં વાંચેલા, સાંભળેલા પરિમાણ યાદ આવ્યા. નજર સમક્ષ જે અનંત સત્ય હતું એને સાત આંકડાઓમાં સમાવી લેવાનો પ્રયાસ કેવો તુચ્છ અને હાસ્યાસ્પદ છે એ વિચારે મનમાં ગમ્મત થઈ.  આ આકાશગંગા વિશ્વમાં હું ક્યાં? અને હું કોણ? જેવા પ્રશ્નો મગજને પડકારી ગયા. આખરે, બધા વિચાર બાજુએ ધકેલી, બ્રહ્માંડની અગાધતાને હું મન મૂકીને નીરખતો રહ્યો.  અધીરાઈથી અને અ-ધરાઈને નીરખતો રહ્યો.

વિમાનમાં બેસવા પહેલાંની નિરાશા ક્યાંની ક્યાં જતી રહી. વિમાન માત્ર ૩૫,૦૦૦ ફૂટની જ ઊંચાઈ આંબી શક્યું હતું. હું એથી ઘણી-ઘણી વધારે ઊંચાઈ આંબી શક્યો હતો. વિમાન નીચે આવ્યું ત્યારે, સુખી થવા માટે આપણને ખરેખર કેવી નાની વાત પણ પર્યાપ્ત થઈ શકે છે એ હકીકતની મેં સભાન પણે મનમાં નોંધ લીધી. 

પ્લેન્સબોરો, ન્યુ જર્સી.

૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૬, ની રાત્રે.

e.mail : ashok@vidwans.com

ગુજરાતી સાહિત્ય અકાદમીને ઉપક્રમે 12 માર્ચ 2016ના દવિસે હેૅરોમાં યોજાયા કાર્યક્રમમાં લેખકે ખુદ વાંચેલો નિબંધ

Loading

ખીણનું ગીત

અશોક વિદ્વાંસ|Poetry|12 September 2016

 

ટેકરી ડુંગર દૂર વસેલાં,
હરિયાળી ચાદરથી મઢેલાં.
આભ માંહેથી ભૂલું પડેલું,
ધુમ્મસ એની સાથ સૂતેલું.
ડુંગર વચ્ચે ખીણમાં કેડી,
નાનું ઝરણું ત્યાં ગાતું’તું.
આંબાની વનરાઈ વચાળે
કુદરત કેરું ઘર અજવાળે.
એવા રૂડા થાન કનેથી
નીકળ્યો મારો મારગ જે દી’,
વિસામવા ઘડી હેઠે બેઠો,
સૂણ્યો ત્યાં મેં સૂર કો’ મીઠો
હું થંભ્યો, કોઈ ગાતું હતું.
એનું ગીત મને સંભળાતુ હતું.
ખેડૂત કન્યા ખેતર વચ્ચે
ખોઈ વાળીને, ઓઢણી બાંધી.
કામમાં દિલ પરોવી દઈને,
ગાતી દિલ ફંગોળી દઈને.
એના દાતરડાને ધાર હતી
લીલા ડૂંડાની ઊભી હાર હતી.
વણથંભ્યે લણતી જાતી’તી,
ને લણતાં લણતાં ગાતી હતી.
એ ગીતમાં કો’ થડકાટ હતો?
એ બોલમાં વેદના રોતી હતી?
એમાં આશાનો ઉભરાટ હતો?
નવયૌવનનો છલકાટ હતો?
એનું ગીત બધાંથી જુદું હતું.
ચારણના દુહાથી જુદું,
નોરતાના ગરબાથી નોખું,
લગનગીતથી વધુ રસીલું,
ઘેરૈયાથી અધિક જ ઘેલું.
એનાં ગીતથી ખીણ છલકાતી હતી,
જાણે વસંત ૠતુ મલકાતી હતી,
આભ ઓઢેલી ધરતી પર, એ
ગીત અનંતનું ગાતી હતી.    
આજનો દિન, ને આ ઘડી માંહી
ધરાપુત્રી એ વ્યસ્ત હતી.
કાલ ભલે આવે, ના આવે,
એવી અદામાં મસ્ત હતી.
એવાં હૃદિયાનું ગીત ગાવાં, 
અમી ભરેલા સૂર રેલાવા,
બાંધ્યા કોઈ કોયલે માળા,
એના ગળામાં આજ રૂપાળા.
એનું ગીત દિમાગથી દૂર હતું,
એ તો હૈયાની સોંસરવું જતું,
એનો અર્થ પામવો છોડી દઈ,
એ રસમાં બસ ડૂબી જાવું ભલું.
ખીણ અને ડુંગર છોડીને,
મૂંગો હું આગળ ચાલ્યો.
વીતેલાં વર્ષો તોડીને,
ગીત એ સંગે લઈ આવ્યો.

જાણીતા અંગ્રેજ કવિ વિલિયમ વર્ડ્ઝવર્થની પ્રખ્યાત કવિતા ’સોલીટરી રીપર’ નો મુક્ત અનુવાદ

ઈસ્ટ વિંડસર ન્યુ જર્સી,

૩૦મી નવેમ્બર, ૨૦૦૯.

e.mail : ashok@vidwans.com

ગુજરાતી સાહિત્ય અકાદમીના 12 માર્ચ 2016ના હૅરો ખાતે યોજાયા કાર્યક્રમ કવિએ વાંચેલું કાવ્ય

Loading

સર્વોદય આંદોલનમાં હું કેમ જોડાયો

ડેનિયલ માઝગાંવકર|Opinion - Opinion|12 September 2016

તમે મને પૂછ્યું કે હું સર્વોદય આંદોલનમાં (એટલે કે ગાંધી વિનોબા વિચાર સાથે) કેવી રીતે જોડાયો. …… આ પ્રશ્ન તમે મને વ્હાૅટ્સ અપ પર પૂછેલો. અને મેં તમને કહ્યું હતું કે હું આનો જવાબ ઇમેલ દ્વારા આપીશ, કારણ કે તે લાંબો હશે. થોડી વિગત વધારે જોડવી પડે. તો બહેન, હવે વાંચો મારો જવાબ. જો કે યાદ રાખો કે હું ઘણું બધું તો હવે ભૂલી જાઉં છું – ઉંમરને કારણે.

ટૂંકમાં કહું તો, મારા કરતાં ઘણાં મોટા બહેન, મારાં બા કહેતાં, કે બાઈએ તને કેડ પર લઈને ફેરવ્યો છે, જ્યારે તું રડતો … અને જ્યારે તું નાસમજ હતો. અમે મારી બહેન શોશન્નાને નામથી નહિ પણ બાઈ કહીને જ બોલાવતાં.

શોશન્ના તે વખતના સમાજવાદી પક્ષમાં હતી અને મુંબઈમાં ટ્રેડ યુનિયનનું કામ કરતી. જ્યારે સાને ગુરુજી, મધુ દંડવતે, લોહિયાજી, જે.પી.જી (વિનોબા જે.પી.ને જપજી કહેતા – સિખોનો પવિત્ર ગ્રંથ – જપુજી) એસ.એમ., રાવસાહેબ પટવર્ધન, અચ્યુત પટવર્ધન, જ્યોર્જ ફરણાંડિસ જેવા નેતા મુંબઈની મોટા ભાગની જનતા અને કામદારોના મન પર રાજ કરતા હતા.

૧૯૫૪-૫૫માં, શ્રીરામ ચિંચલીકર, એલી ગડકર અને રંગા (શ્રીરંગ) દેશપાંડે મુંબઈમાં સર્વોદયના કામમાં લાગેલા હતા. તે બહેનને જઈને મળેલા. મૂળ તો તેમની એવી ઈચ્છા હતી કે જો આ બહેનને કોઈક રીતે સર્વોદયનો રંગ ચઢાવી દઈએ, તો એક મોટી માછલી સર્વોદયની જાળમાં આવી ગઈ એમ કહેવાશે. કારણ મારાં બહેનનું કામ મીલો અને મોટાં કારખાનાનાં કામદારો સાથે સંબંધિત હતું અને તે સતત તેમનો સંપર્ક કરતી હતી. તે યુનિયનના મેંબર બનાવતી, નાની નાની ગ્રુપ સભાઓ કરતી, વગેરે. પણ મારાં બહેન જરા તેમનાંથી થોડાં વધારે હોશિયાર હતાં … તેણે એમ જવાબ આપ્યો કે જુઓ, મારો નાનો ભાઈ  ડૅનિયલ કોલેજમાં જાય છે, ને તેની કોલેજ સવારની હોય એટલે એ ૧૧ સુધી તો ઘરે આવી જ જાય છે. તેની પાસે ટાઈમ હોય છે. તમે તેને મળો. તે તમારાં કામમાં મદદ કરી શકે.

અને એક દિવસ, હું સવારે દસેક સુધી ઘરે પહોંચ્યોં. તો શું જોઉં છું …… મારે ત્યાં બે જણ અ-પરિચિત એવાં બેઠાં છે, અને મેં પ્રવેશ કર્યો ઘરમાં. તે વખતે હું જરા જુદો હતો. પગમાં બૂટ હતાં, લોંગ પેન્ટ પહેરીને કોલેજ જતો હોઉં. ખાદી વિગેરે વિષે કાંઈ જ ખાસ ખબર ન હતી.

મારા બુટ વગેરે કાઢ્યા પછી મને આ મિત્રોએ કહ્યું કે, આવ, આવ, બેસ અહીં. એમ મને મારા જ ઘરમાં મને ખુરસી (ચેઅર) બતાવીને બેસવાનું કહ્યું. હું તો જોયા જ કરું કે વાહ, આ તો કોઈ જુદી જ દુનિયાના લાગે છે, જે મારા જ ઘરમાં મને બેસવાનું કહે છે. અપરિચિત હોવા છતાંયે ….. ખેર, તો હું બેસી તો ગયો. અને તેમણે વાત શરૂ કરી. મારાં બાએ તેમને ચા આપી હતી, રંગા ચા લે, પણ એલી તો મુંબઈનો વિનોબા ગણાતો. એ ચાને અડે પણ નહિ.

તેમણે કહ્યું કે તેઓ મુંબઈમાં સર્વોદયનું કામ કરે છે … વિનોબા ભાવેનું જે આંદોલન ચાલે છે તેના કાર્યકરો છે અને તેમનું એક ૭-૮ જણોનું સારું ગ્રુપ છે. અને તેઓ બધાં સાંજે ડો. મંડલિકના ઘરે જ્યાં ઓફિસ છે ત્યા મળતા હોય છે. મુંબઈમાં અમે સભાઓ, શિબિરો, સંમેલનો કરીએ છીએ, તેમાં પણ તું (ડૅનિયલ) જોડાઈ શકે છે. વગેરે વગેરે.

આમ તો હું નોકરીઓ શોધ્યા કરતો. અમે ઘરનાં કાંઈ રઈસ ન હતાં. મારા પપાને ૧૫-૧૭ વર્ષોથી કમરથી નીચે પેરેલિસિસ થયેલું. એટલે એ ફક્ત ઘરમાં જ પકડી પકડી ને ચાલી શકતા. તે વખતે અમે ઊમરખાડીની બાજુમાં, જે.જે. હોસ્પિટલની સામે રહેતાં. અને ઘર અમારા બે મોટા ભાઈઓનાં પગાર પર ચાલતું. મારા સૌથી મોટાં ભાઈ બેંજામિન. તેમનાથી નાનાં, બીજા નંબરે બેન હન્ના, જે હું તો બહુ જ નાનો હોઈશ ત્યારે સુરતના નાગર બ્રાહ્મણ જોડે પરણેલાં. અને અમે ઘણુંખરું દર દિવાળીએ કે લાંબી છુટ્ટીમાં સુરત બહેનને ત્યાં જતા. પણ અમારાં સગાંઓએ આ તે વખતે આંતરજ્ઞાતિ વિવાહનો ખૂબ વિરોધ કરેલો. પણ મારા મોટા ભાઈ મક્કમ રહ્યા. તેમણે અમારા મૌસાને જવાબ આપ્યો કે તે પોતાના જીવન અંગે નિર્ણય પોતે જ લઈ શકે છે. અને તેઓ બધાં ચૂપ થયાં. જો કે વર્ષો પછી તેમનાં જ દીકરીઓએ આંતરજ્ઞાતિ માં જ વિવાહ કર્યો એ વાત જુદી. મારા બહેનનું નામ, પતિના પરિવારમાં, હંસા થયું.

હન્નાથી નાના સાયમન. જેમના વિષે મેં ઉપર કહ્યું છે કે અમારા બે ભાઈઓના પગાર પર અમે ૭ જણાં, મમી-પપ્પા, ૪ ભાઈઓ (બે ભણનારાં) અને એક બહેન, નભતાં. કારણ મારાં બહેનને ટ્રેડ યુનિયનમાંથી કાંઈ ખાસ માનધન મળતું નહિ. તે વખતે સમાજવાદી પક્ષ બહુ સદ્ધર એવો નહિ, અને કામદાર અાંદોલન પણ કાંઈ બહુ સારી આર્થિક હાલતમાં હતું નહિ. તો ક્યારેક ૫૦ રૂપિયા, ક્યારેક ૭૫ રૂપિયા લાવી, માના હાથમાં આપતી. એક વાત મેં જોઈ હતી. જ્યાં સુધી મારા બન્ને ભાઈઓના લગ્ન થયાં નહોતાં, ત્યારે તેઓ અચુક માસિક વેતન મારા મમ્મીના જ હાથમાં લાવી આપતા. અને આખું ઘર મા સંભાળતી. અને પૈ પૈસો બચાવતીયે ખરું. એટલે મને યાદ છે કે મમ્મી જ્યારે બજાર કરવાં જાય ત્યારે માછલીની કીંમત ઓછી કરવાં માટે ૧૫ થી ૩૦ મિનિટ ત્યાં ભરેલાં બજારમાં મને સાથે લઈને ઊભી જ રહે ……. તમને આ વાતનું હસવું આવશે … પણ આ હકીકત છે. અને પછી માછલી વેચનારી પણ આમ તો ડોંગરી ઊમરખાડીમાં જ રહે, ને મમ્મીને ઓળખે, એટલે કીંમત ઓછી લઈને પણ માછલી આપી દે.

હા. અહીં તમને આશ્ચર્ય થશે કે શું અમે માંસાહારી હતાં. હા, હતાં. કારણ અમે તો યહૂદી કોમમાંના હતાં. માંડવી, ઊમરખાડી, મશીદમાં પ્રાર્થના માટે જતાં, અને યહૂદી લોકોના બધા તહેવારો પાળતાં. ઉપવાસ હોય ત્યારે મારા પપ્પા, મમ્મી ઉપવાસ પણ કરે. શનિવારે સાંજ સુધી મમ્મી સગડી ના સળગાવે. શુક્રવારે રાતે ૭ સુધી રસોઈ પતાવી, બળતાં કોલસા પર રાખ નાંખી રાખે, જેથી શનિવારે સગડી નવેસરથી સળગાવવાની જરૂર ના પડે. એવી બધી યુક્તિઓ મમ્મી કરે.

તો આવું હતું મારું જીવન. હું કાંઈ બહુ બ્રાઈટ વિદ્યાર્થી હતો નહિ. છતાં હંમેશાં પાસ થયો છું. કોલેજમાં પણ જ્યારે આ બે સર્વોદયના સાથીઓ મળવાં આવેલા ત્યારે હું જુનિયર બી.એ.માં ભણતો. મારાં વિષયો હતા, ઇંગ્લિશ (ઓનર્સ) અને સબસિડિયરી મરાઠી. સિદ્ધાર્થ કોલેજમાં હતો. ને અમને અંગ્રેજીના પ્રોફેસર ફ્રેક ડિસુઝા નામનાં શિક્ષક હતા. અને મરાઠીમાં તે વખતનાં મશહૂર લેખક અનંત કાણેકર અને તેમના જ વિદ્યાર્થી સં. ગ. માલશે (યાદ છે ત્યાં સુધી) શીખવતા..

બસ. મારી લાંબી થયેલી વાર્તા હવે પૂરી થવા આવી છે.

આ બે મિત્રો મળ્યા પછી, હું ત્યાં મંડલિકજીના ઘરે જવા માંડ્યો. જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેવા માંડ્યો અને બસ, યાદ છે ત્યાં સુધી, ૧૮ એપ્રિલ ૧૯૫૫ માં પૂર્ણ સમયનો કાર્યકર તરીકે જોડાયો.

હા…… એક બે વાતો તે વખતની ચિંચલીકરજીના શિસ્ત વિષે કહેવી જ જોઈએ. તેઓ અમારા અધ્યયન તરફ ખાસ ધ્યાન રાખતા.. પહેલાં મને તેમણે ભૂદાન અંગે નાની નાની ૪ આના, ૮ આના, રૂપિયાની ચોપડીઓ પ્રકાશિત થતી, તે વાંચવા અાપી. કહ્યું કે જે કામ કરો છો તે વિષે પૂરી જાણ, જ્ઞાન તો હોવું જ જોઈએ. અને બીજી વાત એ કહી કે તરત આ મીલનાં કપડાં છોડી દો ને ખાદી ભંડારમાં જઈને ખાદીના શર્ટ પેંટ લાવીને પહેરવા માંડો. અને આ બન્નેનું પાલન તે વખતનું અમારું ગ્રુપ કરતું હતું. એટલે જ અમારું આંદોલન વિષે જ્ઞાન વધતું. અને શિબિરોમાં ખાસ વક્તાઓને બોલાવતા, તેમ જ તે વખતે સર્વ સેવા સંધ બહુ મજબૂત હતું. લગભગ ગાંધીજી, વિનોબાજી સાથે કામ કરેલાં નેતાઓ જ હતાં, જે રચનાત્મક કામો કરતાં હતાં, તેઓ સતત પ્રવાસ કરે, અને મુંબઈમાં તેમનો મુકામ હોય એક કે બે દિવસ. ત્યારે ભૂદાન સમિતિ તેમનાં વ્યાખ્યોનો રાખતી. અને જાહેર સભાઓનું આયોજન અમે કરતાં. અમારું ધીરે ધીરે એક ૨૦-૨૫ કાર્યકરોની જમાત તૈયાર થઈ હતી. ૧૯૫૪-૧૯૬૫-૭૦ સુધી.

બસ, મને લાગે છે, મેં લગભગ બધું જ તમને કહી દીધું. આમાં કાંઈ પૂછવાં જેવું તો હોય નહિ. પણ છતાં તમને મનમાં આ વાંચ્યા પછી કાંઈ એવો સવાલ ઊભો થાય કે જેનો જવાબ આપવામાં મારી બુદ્ધિને પણ ચાલના મળે, તો જરૂર પૂછજો … હં ને.

ડૅનિયલના જય જગત્

Loading

...102030...3,5503,5513,5523,553...3,5603,5703,580...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved