Opinion Magazine
Number of visits: 9690314
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘કાયમ કામદારોના પક્ષે રહ્યા’

મહેન્દ્ર આનંદ|Samantar Gujarat - Samantar|27 October 2016

પ્રથમ તેમના વિદ્યાર્થી તરીકે અને પછી તેમના જુનિયર રૂપે તેમની સાથે હતો. શબ્દો કે આચરણમાં કોઈ ભેદ નહોતો એ તેમનું પહેલું નિકટ દર્શન. વિચારો અને મૂલ્યો તેમના માટે પોથીમાંનાં રીંગણાં નહોતાં. જેવું વિચારતા તેવું જ બોલતા અને તે પ્રમાણે જ જીવતા હતા. રેડિકલ હ્યુમેનિસ્ટ સંસ્થા સાથે સક્રિયપણે જોડાયા તે પહેલાં માનવીય ધોરણે કેમ જીવાય તે તેમણે શીખી લીધું હતું. વડીલ ખરા પણ વડીલપણું ન બતાવે – ન દાખવે. મિત્રો-સગાં-સંબંધી સૌ સાથેનાં સંપર્ક-આચરણમાં આ વાત જોવા મળે. નાના-મોટા સૌને એક સરખો આદર આપે. તેમના માટે આ બધું સહજ હતું.

તેમના સંપર્કમાં આવનાર કાયદાશાખાના જુનિયર માટે તે એક પ્રૅક્ટિકલ ટીચર હતા. જુનિયરને હાઈકોર્ટમાં અપિયર થવાનો મોકો આવે અને ભાષાનો પ્રશ્ન નડે – અંગ્રેજીની જાણકારીના અભાવનો પ્રશ્ન નડે ત્યારે દરુસાહેબ હાજરાહજૂર હોય. ડિક્ટેટ કરાવે, એટલું જ નહીં સ્પેિલંગ પણ બોલી બતાવે અને લખાવે. આનું બીજું પરિણામ એ પણ આવ્યું કે ક્લાર્કની પોસ્ટ પર પસંદગી ના પામી શકે તેવા લોકો હાઈકોર્ટ જજના હોદ્દા સુધી પણ પહોંચી ગયા. જુનિયર વકીલોને તેમની મોટી ઓથ રહેતી અને અંગત કામ કરાવી લેવા જેવા તેમના ગેરલાભ દરુ કદી લેતા નહીં. આમ કરવું તેમના લોહીમાં જ ન મળે.

હું તેમની સાથે જોડાયો, ત્યારે પહેલા જ મહિને તેમણે ડિવિઝન બૅન્ચની મેટર મને દલીલો કરવા સોંપી. આ તેમનો સાથીદાર વકીલ પરત્વેનો વિશ્વાસ. દલીલો ચાલતી હોય, ત્યારે દરુસાહેબ પાછળથી આવીને છેલ્લી પાટલીએ બેસી જાય. જુનિયર વકીલને ખખડાવતાં, ડ્રાફ્ટિંગની ત્રુટિઓ બતાવતા જજની (જજીસની) દલીલો દરુસાહેબ સાંભળે. પાછળથી તેની તેઓ ચર્ચા કરે અને પ્રૅક્ટિસમાં વધુ સારું શું થઈ શકે, તેની ટિપ્સ આપતા રહે.

સાઇઠના દાયકામાં તેમના ઘર પાસે કચરો વાળતી બહેનને ઘરમાં બોલાવી રસોઈ સહિતનાં ઘરકામ શીખવ્યાં પણ ખરાં અને તેની પાસેથી કામ પણ લીધું. તેમના મનમાં ઊંચ-નીચના કોઈ ખ્યાલ નહોતા પણ જ્યાં રહેતા તે સોસાયટીના રહીશોમાં આ બધું જોઈને હાહાકાર મચી ગયો. રસોઈકામ શીખનાર બહેન પાછળથી તેમના પતિ સાથે સરકારી નોકરીમાં દાખલ થયાં ત્યાં સુધીની દરકાર દરુસાહેબે લીધી હતી. કામદારોના પ્રશ્નને લઈને સભા ચાલતી હોય, તો ત્યાં હાજર પાંચસો કામદારોમાંના તમામને નામ-કામથી ઓળખતા હોય. તેમની આ પ્રતિભા કહો કે લક્ષણ તે તો મારા પત્નીને આજે પણ યાદ રહી ગયાં છે.

ઔદ્યોગિક કાયદો / Industrail Law એ સમયે નવો-સવો ભારતીય કાયદાની અમલવારીમાં સામેલ થયો હતો. દરુસાહેબ તેના પાયાના જાણકાર. પહેલા ઔદ્યોગિક અદાલતમાં અને પાછળથી હાઇકોર્ટમાં તેના કેસ સંબંધી લડત આપતા, દલીલો કરતા. કામદારો સામેના કેસમાં અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીવાળા મુંબઈથી મોટા-મોટા વકીલ(સોલી સોરાબજી સામે જોતાં અને શ્રોતાઓનાં હાસ્ય વચ્ચે વાતને આગળ વધારતા)ને રોકી અમદાવાદ બોલાવે. સામે દરુસાહેબ કામદારોના પક્ષે હોય. જે જમાનામાં સામાન્ય માણસ મહિને સો-બસો રૂપિયા કમાતો હતો, તેવા વખતે મુંબઈના વકીલો આવીને કોર્ટમાં એક દિવસ હાજર રહેવાના અગિયારસો રૂપિયા ફી લઈ જાય. દરુસાહેબ મફતના ભાવે કેસ લડતા હોય. તેઓ એવો કોઈ મુદ્દો – દલીલ ઉપસ્થિત કરે કે મુંબઈના વકીલ જજને તેના વિશે વિચારવા સમય અને બીજી મુદત, બંને માંગે.

ઇલેક્ટ્રિસિટી કંપનીના અંગ્રેજ મૅનેજર જોતાં કે હું એટલે કે કંપની, મુંબઈથી મોંઘોદાટ વકીલ લાવું છું અને આ મુફલિસ વકીલ-નામે દરુ સામે તેમની કોઈ દલીલ-કારી ફાવતી નથી. ઉપરથી કંપનીનો વકીલ ટાઇમ માંગે છે. કામદારોનું યુનિયન દરુ સાહેબને મહિને ચારસો રૂપિયા પગાર આપતું હતું. ચારસો રૂપિયામાં રોજ ચાર-પાંચ કેસ ચલાવી આપે. આમ છતાં ય કોઈ-કોઈ અસંતુષ્ટ કામદાર એમ પણ સમજતો કે આ વકીલ પૈસા બહુ લઈ જાય છે. આવા કામદાર પ્રત્યે પણ દરુ તેમની સાથે પોતાનો ભાઈ હોય તેવો વ્યવહાર રાખતા. એક તબક્કે ઇલેક્ટ્રિસિટી કંપનીના મૅનેજરે દરુને સાઇડ બદલીને પોતાની કંપનીની તરફેણમાં કેસ લડવા દાણો ચાંપી જોયો હતો. દરુનો સ્પષ્ટ જવાબ હતો – ના, હું રૂપિયા કમાવા કેસ નથી લડતો. જીવ્યા ત્યાં સુધી તેમણે કામદારોના પક્ષે જ રહી કંપનીને કાયદાકીય લડત આપી.

તેમના માટે હું કલાકો સુધી બોલી શકું તેમ છું. પરંતુ મારે ટ્રેજિક નાટકમાં વચ્ચે આવતા કૉમેડી પાર્ટની જેમ ઉપેન્દ્ર બક્ષીસાહેબ અને સોલી સોરાબજીના વક્તવ્ય વચ્ચેનો સમયગાળો (ઇન્ટરલ્યૂડ) જ ભરી આપવાની ભૂમિકા ભજવવાની હતી, તો આ સાથે અસ્તુ.

(નોંધ : બિનીત મોદી)

E-mail: binitmodi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપતેમ્બર 2016; પૃ. 14

Loading

હિન્દી ફિલ્મોની ભાષાઃ બમ્બૈયા ટુ ગુલઝાર

વિશાલ શાહ|Opinion - Opinion|27 October 2016

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી દર વર્ષે ૭૦૦-૮૦૦ ફિલ્મો બનાવે છે. આટલી બધી ફિલ્મો બનાવતી ઈન્ડસ્ટ્રીનું રોજગારી સિવાયનું સૌથી મોટું પ્રદાન શું? આ સવાલનો એક જ લીટીમાં જવાબ આપવો હોય તો કહી શકાય કે, હિન્દી ભાષાનો વિકાસ. હાલમાં જ ૧૪ સપ્ટેમ્બરે દેશવિદેશમાં હિન્દી દિવસની ઉજવણી કરાઈ, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં દુનિયાભરમાં જુદી જુદી તારીખે હિન્દી સપ્તાહ મનાવાયું. અમેરિકા, મોરિશિયસ, દક્ષિણ આફ્રિકા, જર્મની, યેમેન, યુગાન્ડા, સિંગાપોર અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં પણ હિન્દી સપ્તાહ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ દિવસોમાં હિન્દી ફિલ્મોએ હિન્દી ભાષાના વિકાસમાં આપેલા પ્રદાનને પણ અનેક લોકો યાદ કરે છે. જો કે, શુદ્ધ ભાષાના તરફદારો હિન્દી ફિલ્મોની ભાષાની સખત શબ્દોમાં ટીકા કરે છે. ટીકાકારોનું કહેવું છે કે, હિન્દી ફિલ્મોની ભાષા 'બમ્બૈયા હિન્દી' કે 'ભિન્દી' છે, એ શુદ્ધ હિન્દી નથી, ફિલ્મી હિન્દીમાં અંગ્રેજી સહિતની બીજી ભાષાઓનો બેફામ ઉપયોગ કરાય છે, હિન્દી ફિલ્મોનાં ગીતો પણ બકવાસ હોય છે અને હિન્દીનું કોઈ સ્તર જ નથી; વગેરે …

જો કે, આવી દલીલો કરતી વખતે એ લોકો અમુક મહત્ત્વના મુદ્દા ભૂલી જાય છે. હિન્દી ફિલ્મોની ભાષાના ટીકાકારોની દલીલોનો મુદ્દાસર જવાબ આપતા પહેલાં 'બમ્બૈયા હિન્દી' કે 'ભિન્દી' શું છે એ સમજીએ. 'ભિન્દી' એટલે બોમ્બે અને હિન્દીના સ્પેિલંગ પરથી મુંબઈમાં બોલાતું હિન્દી. ભિન્દી પર હિન્દી, મરાઠી, ગુજરાતી ભાષાના શબ્દો-ઉચ્ચારોનો પ્રભાવ સૌથી વધારે છે. હિન્દી ફિલ્મોના કારણે જ બમ્બૈયા હિન્દીના અનેક શબ્દો દેશભરમાં પ્રચલિત થઈ ગયા છે. જેમ કે, મરાઠીમાં 'બિન' એટલે 'વિના' અને 'ધાસ્ત' એટલે 'ડર', એ બે શબ્દો પરથી શબ્દ બન્યો 'બિંધાસ'. આ શબ્દમાં ખોટું શું છે? ઓક્સફર્ડ ડિક્શનરીએ પણ વર્ષ ૨૦૦૫માં 'બિંધાસ' શબ્દનો સમાવેશ કરી લીધો હતો. આ સિવાય પણ અનેક ઉદાહરણો આપી શકાય. હાલમાં જ 'લગે રહો મુન્નાભાઈ' અને 'મુન્નાભાઈ એમબીબીએસ' જેવી બે બ્લોકબસ્ટર ફિલ્મ પછી 'ગાંધીગીરી' શબ્દ પ્રચલિત થઈ ગયો, જે હિન્દી, ગુજરાતી, મરાઠીના 'દાદાગીરી' શબ્દ પરથી બનાવાયો છે.

બમ્બૈયા હિન્દીમાં 'ટપોરી' શબ્દોની બોલબાલા વધારે છે. જેમ કે, 'અપુન', 'તેરે કો', 'મેરે કો', 'યેડા-યેડી-યેડે', 'ધો ડાલ', 'ઈધરીચ-ઉધરીચ', 'લોચા હો ગયા', 'શાનપટ્ટી', 'સટક લે-કટ લે', 'લફડા હો ગયા', 'સુટ્ટા' (સિગરેટ), 'હવા આને દે', 'હરી પત્તી' (રૂપિયા), 'ટોપી પહેનાઇ' (છેતરપિંડી કરવી) 'બોલ બચ્ચન' (બડાઈઓ હાંકનારો) 'પેટી' (એક લાખ), ખોખા (એક કરોડ), કટિંગ (અડધી ચા), 'ભીડુ' (દોસ્ત),'બકરી' (સ્માર્ટફોન), 'ભેંસ' (લેપટોપ) અને 'હાથી' (ડેસ્કટોપ કમ્પ્યુટર) વગેરે. જો કે, આ શબ્દો ફક્ત ટપોરીઓ નથી બોલતા. મુંબઈ કે અમદાવાદની મલ્ટી ઈન્ટરનેશનલ ફર્મનો અંગ્રેજી બોલતો માર્કેટિંગ એક્ઝિક્યુટિવ પણ ક્યારેક આવા શબ્દોની છૂટ લઈ લે છે. આપણે પણ સામાન્ય બોલચાલના આવા અનેક શબ્દોથી પરિચિત છીએ જ! આવા મોટા ભાગના શબ્દો શબ્દકોષમાં નથી હોતા અને હોય તો તેનો અર્થ બોલચાલના પ્રચલિત અર્થ પ્રમાણે ના થતો હોય એવું હોઈ શકે છે. આવા શબ્દોને અંગ્રેજીમાં 'સ્લેન્ગ-Slang' કહે છે, જે દુનિયાની દરેક ભાષામાં હોય છે જ.

હવે મૂળ વાત. વર્ષેદહાડે કેટલી ફિલ્મોના બધેબધા સંવાદો 'બમ્બૈયા' કે 'ભિન્દી' હોય છે. શું આ શબ્દોનો હિન્દી ફિલ્મોમાં સતત ઉપયોગ થાય છે? ના, નથી થતો. જો કોઈ ટપોરી કે માફિયા ડૉનનું પાત્ર અટલ બિહારી વાજપાઇજી જેવું હિન્દી બોલે તો કેવું લાગે! (હા, એવા પાત્રનું સર્જન જરૂર કરી શકાય) ફિલ્મોમાં પાત્રની જરૂરિયાત પ્રમાણે લખવાનું હોય છે. રામગોપાલ વર્માની 'સત્યા' ફિલ્મમાં દારૂ પીધેલા ગેંગસ્ટર પર એક ગીત પિક્ચરાઈઝ કરવાનું હતું. આવું ગીત લખવાનું કામ ગુલઝાર સા'બને સોંપાયું. એ ગીત કેવી રીતે લખાયું એ વિશે એક ઈન્ટરવ્યૂમાં તેમણે સરસ વાત કરી હતી. વાંચો એમના જ શબ્દોમાં : ‘’… મારે એક હિંસક વ્યક્તિની ભાષામાં કશુંક લખવાનું હતું. એ કોઈનું સાંભળતો નથી, તેનો વિરોધ કરે એને ગોળી મારતા એ ખચકાતો નથી. તે દારૂ પીને ખુશ થઈને કંઈક ગાવાનું શરૂ કરે છે. આવી વ્યક્તિ શું ગાય? ગેંગસ્ટર કંઈ ગાલિબની ગઝલ 'દિલ એ નાદાન, તુજે હુઆ ક્યાં હૈ …' ના ગાઈ શકે. એટલે મેં શું લખ્યું ખબર છે? 'ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ …’’

ટૂંકમાં હિન્દી ફિલ્મો પાસે ભાષાશુદ્ધિનો આગ્રહ રાખવો જરા વધારે પડતો છે. આપણી જેમ ફિલ્મી પાત્ર પણ હિન્દી, પંજાબી, અંગ્રેજી કે દક્ષિણ ભારતની કોઈ ભાષા બોલતી વ્યક્તિના સંપર્કમાં આવી શકે છે. ફિલ્મ એક સાથે કરોડો લોકોને ધ્યાનમાં રાખીને બનાવવાની હોય છે. એક જ ભાષાની બોલવાની લઢણ પણ જુદી જુદી હોઈ શકે છે. ગુજરાતીનો જ દાખલો લઈ લો. અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્રમાં બોલાતી ગુજરાતીની લઢણ ખાસ્સી જુદી છે! ફિલ્મમાં સામાન્ય માણસની જિંદગીનું પ્રતિબિંબ પડે છે.

જો તમે હિન્દી ફિલ્મોના શોખીન હશો તો તમને હિન્દીભાષી તો ઠીક, પંજાબી કે તમિલ-તેલુગુ ટોનમાં હિન્દી-અંગ્રેજી બોલનારી વ્યક્તિ પણ 'એલિયન' નહીં લાગે, ફેમિલિયર લાગશે. એ માટે મુખ્યત્વે બે કારણ જવાબદાર હોઈ શકે. પહેલું,  હિન્દી ફિલ્મોના પંજાબી અને દક્ષિણ ભારતીય પાત્રો અને બીજું, હિન્દીમાં ડબ કરાતી દક્ષિણ ભારતીય ફિલ્મો. ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ નહોતા ત્યારે સાંસ્કૃિતક આદાનપ્રદાન થવામાં સદીઓ વીતી જતી હતી, આજે એવું નથી. ફિલ્મ-ટેલિવિઝનના કારણે સાંસ્કૃિતક આદાનપ્રદાનની ઝડપ અનેકગણી વધી ગઈ છે.

'તારક મહેતા કા ઉલટા ચશ્માં' પંજાબમાં અને દક્ષિણ ભારતમાં પણ જોવાય છે કારણ કે, તેમાં એ પ્રદેશના પાત્રો પણ છે. રોજિંદા જીવનમાં જુદી જુદી ભાષા બોલતા લોકો એકબીજાના સંપર્કમાં આવે છે અને સમયાંતરે દરેક ભાષામાં બીજી ભાષાના શબ્દો ઉમેરાતા જાય છે. એને ભાષા દુષિત થઈ ગઈ એમ નહીં પણ ભાષા સમૃદ્ધ થઈ એમ કહેવાય. હિન્દી ફિલ્મોમાં જ નહીં, સામાન્ય બોલચાલની હિન્દી ભાષામાં પણ વર્ષોથી ઉર્દૂ, ભોજપુરી, પંજાબી, રાજસ્થાની, ખડી બોલી અને અવધી ભાષાના શબ્દોનો ઉપયોગ થાય જ છે.

ઊલટાનું, હિન્દીની જેમ આ ભાષાઓના વિકાસમાં પણ હિન્દી ફિલ્મોને શ્રેય આપવો પડે! આજની હિન્દી અને ઉર્દૂની પૂર્વજ ભાષા 'હિંદુસ્તાની' તરીકે ઓળખાતી, જે ખડી બોલીમાંથી ઉતરી આવી હતી. ઉત્તર અને મધ્ય ભારતમાં આજે ય આ ભાષા બોલાય છે. એ 'હિંદુસ્તાની' દાયકાઓ પહેલાં હિન્દવી, દેહલવી, રેખ્તા અને હિન્દી-ઉર્દૂ જેવા નામે જાણીતી હતી. હિંદુસ્તાનીમાં પણ સંસ્કૃત, પર્શિયન, અરબી અને ચગતાઈ (તૂર્કીની એક ભાષા) ભાષાના અનેક શબ્દો પ્રચુર માત્રામાં છે, જેના અંશ આજની હિન્દી અને ઉર્દૂમાં જોઈ શકાય છે.

જે ભાષામાં નવા શબ્દો ઉમેરાતા નથી એ બોલચાલની ભાષાથી ખાસ્સી અલગ થઈ જાય છે. પરિણામે સામાન્ય માણસનો સાહિત્ય સાથેનો નાતો ઝડપથી તૂટવા લાગે છે. કોઈ પણ ભાષાની શુદ્ધતાનો આગ્રહ ભાષાને વહેલી ખતમ કરી નાંખે છે. આ દલીલનો અર્થ એ નથી કે, જે તે ભાષાના પોતીકા શબ્દ હોવા છતાં બિનજરૂરી રીતે અંગ્રેજી કે બીજી ભાષાના શબ્દોનો બેફામ ઉપયોગ કર્યે રાખવો. બીજી ભાષાના શબ્દોનો ઉપયોગ કરવો એ કળા છે.

ચંદ્રકાંત બક્ષીએ પણ ગુજરાતીમાં હિન્દી, ઉર્દૂ અને ફારસી ભાષાના શબ્દોનો પ્રચંડ ઉપયોગ કર્યો છે, પરંતુ તેમની ભાષા વાચકોને ખૂંચતી ન હતી. ફરી એકવાર ગુલઝાર સા'બને યાદ કરીએ. શાદ અલીની એક ફિલ્મમાં ગુલઝાર સા'બે, ઢાબામાં ગીત ગાતો સામાન્ય માણસ કેવી રીતે અભિવ્યક્ત થાય એ વાત ધ્યાનમાં રાખીને એક ગીત લખવાનું હતું. ગુલઝાર સા'બે કાગળ-પેન લઈને લખ્યું :  ‘‘આંખે ભી કમાલ કરતી હૈ, પર્સનલ સે સવાલ કરતી હૈ …’’ આ ગીત એટલે વીસેક વર્ષ પહેલાં આવેલી 'બંટી ઓર બબલી' ફિલ્મનું 'કજરા રે', જેમાં તેમણે અંગ્રેજી શબ્દ 'પર્સનલ'નો ઉપયોગ કર્યો હતો, પણ એ ખૂંચતો નથી.

હિન્દી ફિલ્મોના બધા જ ગીતો અને ગીતકારોને એક જ લાકડીએ ના હાંકી શકાય. શૈલેન્દ્ર, સાહિર લુધિયાનવી, મજરુહ સુલતાનપુરી, શકીલ બદાયૂની, હસરત જયપુરી, કૈફી આઝમી, કુમાર જલાલુદ્દીન, ઈન્દિવર, આનંદ બક્ષી અને સમીર જેવા અનેક ગીતકારોએ આલા દરજ્જાનું સર્જન કર્યું છે, જેને કેવી રીતે અવગણી શકાય! આ ગીતકારોનું ઘણું બધું સર્જન હિન્દીના શ્રેષ્ઠ સાહિત્યકારોની રચનાથી બિલકુલ કમ નથી. તેઓના ગીતો આજે ય દુનિયાભરમાં સંભળાય છે, ગવાય છે. આવા અનેક ગીતકારો થકી જ 'અઘરી હિન્દી' લોકમુખે પહોંચી છે.

હજુયે સક્રિય ગુલઝાર, જાવેદ અખ્તર જેવા મોસ્ટ સિનિયરથી માંડીને તેમના જુનિયર ગણાતા પ્રસૂન જોશી, ઈર્શાદ કામિલ, સ્વાનંદ કિરકિરે, અમિતાભ ભટ્ટાચાર્ય, કૌસર મુનિર અને અનવિતા દત્ત જેવા ગીતકારો પણ હિન્દી સાહિત્યના શ્રેષ્ઠ સર્જકોની બરાબરીમાં મૂકી શકાય એવું સર્જન કરી જ રહ્યા છે. એક ફિલ્મ રિલીઝ થતાં જ તેના ગીતો ઉત્તરપ્રદેશના અંતરિયાળ ગામથી માંડીને અમેરિકા કે યુરોપ-આફ્રિકાના દેશોમાં પહોંચી જાય છે. વિદેશમાં જ જન્મ્યા અને ઉછર્યા હોય એવા અને 'બાવા હિન્દી' બોલતા અનેક નોન-રેસિડન્ટ ઇન્ડિયન હિન્દી ગીતકારનું 'અઘરું' હિન્દી સમજે છે કારણ કે, હિન્દી ફિલ્મો થકી જ તેઓ ભારત સાથે મજબૂત રીતે જોડાયેલા છે.

હિન્દી જ નહીં, અંગ્રેજી, ફ્રેન્ચ કે ઈરાનિયન ફિલ્મોની ભાષા પણ તેમના સાહિત્યથી અલગ જ હોય છે. એ વાત અલગ છે કે, અમેરિકા અને યુરોપિયન દેશોની ફિલ્મો પર તેમના સાહિત્યનો પ્રચંડ પ્રભાવ છે, જ્યારે હિન્દી સહિત સહિત મોટા ભાગની પ્રાંતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પોતાની ભાષાના સાહિત્ય સાથેનો નાતો તૂટી ગયો છે. જો કે, આ મુદ્દો પણ વાઈસે વર્સા છે. એવું પણ કહેવાય છે કે, આજે ફિલ્મ બનાવી શકાય એવા સાહિત્યનું સર્જન જ નથી થતું. ખેર, આ બંને ખોટ નેક્સ્ટ જનરેશને પૂરવાની છે.

ક્યા બોલતા હૈ ભીડુ?

—

e.mail : vishnubharatiya@gmail.com

Loading

ડૉ. ગિલક્રિસ્ટ કી અમર કહાની

વિશાલ શાહ|Opinion - Literature|27 October 2016

ભલા, આજ હમ જો હિન્દી ઓર ઉર્દૂ બોલ રહે હૈ, ઉસકી પૂર્વજ હિંદુસ્તાની ભાષા હૈ. યે ભાષા સાતવી સે લેકર ૧૩વી સદીમેં પ્રચલિત થી ઓર ઉસકે બાદ ભી અલગ અલગ સ્વરૂપમેં હિન્દવી, દેહલવી, રેખ્તા યા હિન્દી-ઉર્દૂ કે નામ સે જાની જાતી થી. આજ ભી ઉત્તર ઓર મધ્ય ભારતમેં યે ભાષા બોલી જાતી હૈ. હાલાંકિ યે સબ તો જાનીમાની બાતે હૈ, લેકિન આપ કો બતા દે કિ, યે જો હિંદુસ્તાની ભાષા હૈ, ઉસકી વ્યાકરણ એક અંગ્રેજ ડૉક્ટરને તૈયાર કિ થી …

આજે કોઈ ભાષાપંડિત આપણને આવી માહિતી આપે તો નવાઈ જ લાગે ને! હિંદુસ્તાની ભાષાનું વ્યાકરણ તૈયાર કરનારો એ અંગ્રેજ એટલે મૂળ સ્કોટલેન્ડનો ડૉ. જ્હોન બોર્થવિક ગિલક્રિસ્ટ.

ડૉ. જ્હોન બોર્થવિક ગિલક્રિસ્ટ

કોણ હતા ડૉ. જ્હોન બોર્થવિક ગિલક્રિસ્ટ?

ડૉ. ગિલક્રિસ્ટ ભાષાશાસ્ત્રી કે સાહિત્યકાર નહીં પણ ડૉક્ટર હતા. બ્રિટનમાં હાયર એજ્યુકેશન પૂરું કરીને તેઓ બ્રિટિશ રોયલ નેવીની મેડિકલ ટીમમાં જોડાયા હતા. અહીં થોડો સમય કામ કરીને ડૉ. ગિલક્રિસ્ટ, ફક્ત ૨૪ વર્ષની ઉંમરે, ઈ.સ. ૧૭૮૩માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આસિસ્ટન્ટ સર્જન તરીકે ભારત આવ્યા. 

ડૉ. ગિલક્રિસ્ટ ભારત આવ્યા ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ અધિકારીઓએ તેમને માહિતી આપી કે, ભારતની મુખ્ય ભાષા પર્શિયન છે. જો કે, એ અંગ્રેજ અધિકારીઓની ગેરમાન્યતા હતી. ભારતમાં ફક્ત વેપારી હેતુથી આવેલા અંગ્રેજોને ખબર જ નહોતી કે, પર્શિયન વિદેશી ભાષા છે, જ્યારે ભારતમાં બોલાય છે એ હિન્દીના જુદા જુદા રૂપ છે. ભારત આવેલા અંગ્રેજોનું વેપાર-ધંધાને લગતું કામકાજ એકબીજાની ભાષા થોડી ઘણી શીખીને તેમ જ અનુવાદકોની મદદથી થઈ જતું. આ કારણસર અંગ્રેજોએ ભાષા તરફ બહુ ધ્યાન નહોતું આપ્યું. જો કે, ડૉ. ગિલક્રિસ્ટની સંશોધક નજરે એ ભૂલ થોડા જ સમયમાં પકડી પાડી.

ડૉ. ગિલક્રિસ્ટે શોધી કાઢ્યું કે, આખા ઉત્તર અને મધ્ય ભારતમાં એકેય ભારતીય સારું પર્શિયન કે અરબી બોલી નથી શકતો. ભારતીયો તો પોતાની ભાષાને હિંદુસ્તાની, ઉર્દૂ કે ખડી બોલી કહે છે. ઉત્તર ભારતમાં વેપાર માટે આવેલા મોટા ભાગના વિદેશીઓ પર્શિયન અને તૂર્ક છે. એ લોકો પર્શિયન શબ્દોથી છલોછલ હિંદુસ્તાની બોલે છે. વિદેશીઓ સાથેના વેપારના કારણે ભારતીયોની ભાષામાં પણ પર્શિયન શબ્દોની ભરમાર હોય છે. આ કારણસર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ અધિકારીઓ ભારતીયોની મુખ્ય ભાષા પર્શિયન સમજે છે!

ડૉ. ગિલક્રિસ્ટ વ્યવસાયે ડૉક્ટર હતા પણ સ્વભાવે સંશોધક જીવ હતા. આ સ્વભાવના કારણે તેમણે ભારતની ભાષાઓ અને ઈન્ડોલોજીમાં ઊંડો રસ લેવાનું શરૂ કર્યું. ઈન્ડોલોજી એટલે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને માલદીવ સહિતના આખા ભારતીય ઉપખંડ તેમ જ તેની સાથે સંકળાયેલા એશિયાઈ વિસ્તારોની ભાષા-સંસ્કૃિત અને સાહિત્યનો અભ્યાસ.

હિન્દી-ઉર્દૂ શબ્દો ભેગા કરવા ૧૨ વર્ષ રઝળપાટ

ઈ.સ. ૧૭૮૫માં ડૉ. ગિલક્રિસ્ટે ભારતીય ભાષાઓનો અભ્યાસ કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે એક વર્ષની રજા માગી, જે મંજૂર નહોતી થઈ. જો કે, ડૉ. ગિલક્રિસ્ટે નોકરીની સાથે જ સંશોધન કરીને સ્થાનિક ભાષાના હજારો શબ્દો ભેગા કર્યા અને ઈ.સ. ૧૭૮૬માં 'એ ડિક્શનરીઃ ઈંગ્લિશ એન્ડ હિંદુસ્તાની' નામની નાનકડી ડિક્શનરીનું પ્રકાશન કર્યું.

આ દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈ.સ. ૧૭૮૭માં તેમની એક વર્ષની રજા મંજૂર કરી. જો કે, એ પછી તેઓ મેડિકલ ઓફિસર તરીકે કંપનીમાં પાછા જોડાયા જ નહીં, કારણ કે, 'હિંદુસ્તાની' ભાષાના શબ્દો અને વ્યાકરણને લગતું સંશોધન કરવા તેમણે સળંગ બાર વર્ષ પટણા, ફૈઝાબાદ, દિલ્હી, લખનઉ અને ગાઝીપુરમાં રઝળપાટ કરી. ડૉ. ગિલક્રિસ્ટે શોધી કાઢ્યું કે, ઉત્તર અને મધ્ય ભારતની ભાષાઓ લગભગ એકસરખી છે, જે વિવિધ પ્રદેશોમાં જુદી જુદી બોલીમાં બોલાય છે. વળી, સ્થાનિક સંસ્કૃિત પ્રમાણે તેમાં સંસ્કૃત, પર્શિયન અને અરબી ભાષાના શબ્દોની ભરમાર છે. આ ભાષાની મુખ્યત્વે બે લિપિ છે. એક, નાગરી (દેવનાગરીની પૂર્વજ) અને બીજી, અરેબિક. એ પહેલાં ક્યારે ય ભારતીય ભાષાઓનું ડૉ. ગિલક્રિસ્ટે કર્યું હતું એવું સુવ્યવસ્થિત સર્વેક્ષણ થયું ન હતું.

ઈ.સ. ૧૮૨૫માં પુનઃ પ્રકાશિત કરાયેલી ડિક્શનરીનું કવરપેજ

આટલું સંશોધન કરીને ડૉ. ગિલક્રિસ્ટે ભારતમાં બોલાતી પ્રચલિત ભાષાને 'હિંદુસ્તાની' (પર્શિયન નહીં) નામ આપ્યું. એ વખતે હિંદુસ્તાનીને કેટલાક લોકો ‘ઉર્દૂ’ તરીકે પણ ઓળખતા, પણ બાદમાં ઉર્દૂની લિપિ અરબી થઈ જતાં તેમાં અરબી, પર્શિયન અને ફારસી ભાષાના શબ્દો મોટા પ્રમાણમાં પ્રવેશ્યા. આમ, ઉર્દૂએ દાયકાઓના સાંસ્કૃિતક આદાનપ્રદાન પછી હિન્દીથી અલગ સ્વરૂપ ધારણ કર્યું. આજના હિન્દી અને ઉર્દૂની પૂર્વજ એટલે આ હિંદુસ્તાની ભાષા. સ્વતંત્રતા આંદોલન વખતે ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સંસ્કૃત સહિત ઉર્દૂ, ફારસી, પર્શિયન શબ્દો પ્રચુર માત્રામાં ધરાવતી હોય એવી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા જાહેર કરવાનું સૂચન કર્યું હતું. એવી હિન્દી ભાષા એટલે આ હિંદુસ્તાની, જે એ સમયે હિન્દીના એક જુદા સ્વરૂપ તરીકે જાણીતી હતી.

અંગ્રેજોએ શરૂ કરી 'ગિલક્રિસ્ટ કી મદરેસા'

ડૉ. ગિલક્રિસ્ટે બારેક વર્ષ સખત સંશોધન કરીને ઈ.સ. ૧૭૯૬માં 'એ ગ્રામર ઓફ ધ હિંદુસ્તાની લેન્ગ્વેજ' નામનું હિંદુસ્તાની વ્યાકરણની અંગ્રેજી ભાષામાં સરળ સમજ આપતું પુસ્તક લખ્યું, જેનું પ્રકાશન ક્રોનિકલ પ્રેસ ઓફ કોલકાતાએ કર્યું હતું. ‘હિંદુસ્તાની’ ભાષા-વ્યાકરણની સમજ આપતું આવું અંગ્રેજી પુસ્તક જોઈને ઉચ્ચ અંગ્રેજ અધિકારીઓ પણ ડૉ. ગિલક્રિસ્ટને માનની દૃષ્ટિએ જોવા લાગ્યા હતા.

ઈ.સ.  ૧૭૯૬માં પ્રકાશિત ‘એ ગ્રામર ઓફ ધ હિંદુસ્તાની લેન્ગ્વેજ’ કવરપેજ

હવે યોગાનુયોગ જુઓ. એક સમયે ફક્ત વેપાર કરવાના હેતુથી આવેલા અંગ્રેજોએ ઈ.સ. ૧૮૦૦માં ભારતમાં મજબૂત પગદંડો જમાવવાનું શરૂ કર્યું. સિસ્ટમેટિકલી રાજ કરવામાં માનતા અંગ્રેજોએ ભારતની વિવિધ ભાષા-બોલીઓને ઓળખવા-સમજવા એક યોજના શરૂ કરી, જેનો હેતુ ભારતની ‘અઘરી’ ભાષા, તેના શબ્દો અને વ્યાકરણને વ્યવસ્થિત રીતે સમજીને ધંધા-વેપારમાં એકહથ્થું શાસન કરવાનો હતો. આ જ ગાળામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય સૈનિકોની ભરતી પણ શરૂ કરી. આ સૈનિકો સાથે કામ પાર પાડવામાં પણ અંગ્રેજ અધિકારીઓને ભાષાના કારણે ખાસ્સી તકલીફ પડતી.

આ દરમિયાન ઉચ્ચ અંગ્રેજ અધિકારીઓમાં પ્રતિષ્ઠા મેળવી ચૂકેલા ડૉ. ગિલક્રિસ્ટે બ્રિટિશ ઇન્ડિયાના ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીને સૂચન કર્યું કે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના સ્ટાફને સ્થાનિક ભાષા શીખવવા એક સ્કૂલ સ્થાપવી જોઈએ. લોર્ડ વેલેસ્લીએ આ સૂચન સ્વીકારી લીધું અને કોલકાતામાં એક સ્કૂલની સ્થાપના કરી. આ સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે લોર્ડ વેલેસ્લીએ ડૉ. જ્હોન ગિલક્રિસ્ટની નિમણૂક કરી. અંગ્રેજોમાં આ સ્કૂલ 'ઓરિએન્ટલ સેમિનરી' અને ભારતીયોમાં 'ગિલક્રિસ્ટ કી મદરેસા' નામે ઓળખાતી કારણ કે, શરૂઆતમાં અહીં મુખ્યત્વે હિંદુસ્તાની, ઉર્દૂ અને પર્શિયન ભાષા ભણાવાતી.

'ગિલક્રિસ્ટ કી મદરેસા' એટલે આજના કોલકાતામાં આવેલી ફોર્ટ વિલિયમ કોલેજ અને તેના પહેલાં પ્રિન્સિપાલ એટલે ખુદ ડૉ. જ્હોન બોર્થવિક ગિલક્રિસ્ટ.

હિન્દી, ઉર્દૂનો વિકાસ અને ઈસપના અનુવાદો

ફોર્ટ વિલિયમ કોલેજમાં ડૉ. ગિલક્રિસ્ટે ઈ.સ. ૧૮૦૪ સુધી સેવા આપી. આ ચાર વર્ષ દરમિયાન ડૉ. ગિલક્રિસ્ટે 'ધ સ્ટ્રેન્જર્સ ઈસ્ટ ઇન્ડિયા ગાઈડ ટુ ધ હિંદુસ્તાની', 'ધ હિંદુસ્તાની મેન્યુઅલ ઓર કેસ્કેટ ઓફ ઇન્ડિયા' અને 'ધ ઓરિએન્ટલ ફેબ્યુિલસ્ટ' ઓર 'પોલિગ્લોટ ટ્રાન્સલેશન્સ ઓફ ઈસપ એન્ડ અધર એન્સિઅન્ટ ફેબલ્સ' જેવાં અનેક પુસ્તકો લખ્યાં. (પોલિગ્લોટ એટલે બહુભાષી) ડૉ. ગિલક્રિસ્ટનું આ છેલ્લું પુસ્તક ખાસ ધ્યાન ખેંચે છે, જેમાં તેમણે બીજા લેખકોની મદદથી ઈસપની બોધકથાઓનો ઉર્દૂ, પર્શિયન, સંસ્કૃત, બંગાળી અને વ્રજ ભાષામાં અનુવાદ કર્યો, પરંતુ તેની લિપિ રોમન રાખી. ડૉ. ગિલક્રિસ્ટનો રોમન લિપિ રાખવાનો હેતુ અંગ્રેજોને ભારતીય ભાષાઓ શીખવવાનો અને તેમાં રસ લેતા કરવાનો હતો.

‘ધ સ્ટ્રેન્જર્સ ઈસ્ટ ઈન્ડિયા ગાઈડ ટુ ધ હિંદુસ્તાની’ની ઈસ. ૧૮૦૮માં પ્રકાશિત બીજી આવૃત્તિ

એટલું જ નહીં, તેમણે ફોર્ટ વિલિયમ કોલેજમાં લલ્લુ મલ અને સદલ મિશ્રા જેવા હિન્દી ભાષાના વિદ્વાનોની પણ સેવા લીધી. ડૉ. ગિલક્રિસ્ટના સક્રિય પ્રયાસના કારણે થોડા જ વર્ષોમાં સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ, અરબી, પર્શિયન અને બંગાળી ભાષાનાં હજારો પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ થયો. તેમના કારણે અંગ્રેજી પુસ્તકોના પણ ભારતીય ભાષામાં અનુવાદો થયા અને સાંસ્કૃિતક આદાનપ્રદાન ચરમસીમાએ પહોંચ્યું. ઈ.સ. ૧૮૧૮ સુધીમાં તો ભારતમાં બાઈબલના હિન્દી અનુવાદો પણ ઉપલબ્ધ હતા. ૩૦મી મે, ૧૮૨૬ના રોજ ભારતનું પહેલું હિન્દી અઠવાડિક છાપું 'ઉડંત માર્તંડ' પણ કોલકાતામાં જ શરૂ થયું, જેના તંત્રી પંડિત જુગલ કિશોર શુકલ હતા.

ડૉ. ગિલક્રિસ્ટે ઉર્દૂ ભાષાના પ્રચાર માટે પણ ફોર્ટ વિલિયમ કોલેજમાં વ્યવસ્થા કરી હતી. ભારત આવતા અંગ્રેજો અને બીજા વિદેશીઓ ત્યાં જઈને ઉર્દૂ શીખી શકતા. એપ્રિલ ૧૮૦૬માં ભારત આવેલા મિશનરી હેનરી માર્ટિનને ડૉ. ગિલક્રિસ્ટે જ ઉર્દૂ શીખવ્યું હતું. બાદમાં હેનરી માર્ટિને ‘ન્યુ ટેસ્ટામેન્ટ’ સહિતના ખ્રિસ્તી ધર્મગ્રંથોનો ઉર્દૂમાં અનુવાદ કર્યો હતો.

આજના હિન્દી અને ઉર્દૂ ભાષાના વિકાસમાં ડૉ. ગિલક્રિસ્ટે આપેલું પ્રદાન એક 'અમર કથા'થી બિલકુલ કમ નથી. ડૉ. ગિલક્રિસ્ટને ભાષાઓ પ્રત્યે પ્રેમ હતો અને તેઓ અંગ્રેજોને ભારતીય સંસ્કૃિતની ઊંડી સમજ આપવા માગતા હતા એ વાત ખરી, પણ તેમનો મૂળભૂત હેતુ અંગ્રેજોને 'સિસ્ટમેટિકલી રાજ' કરવામાં મદદરૂપ થવાનો હતો. એ રીતે ડૉ. ગિલક્રિસ્ટની કહાની એક ભાષાપ્રેમીની જ નહીં, પણ અંગ્રેજો સદીઓ સુધી વિશ્વભરમાં કેમ મજબૂત રીતે રાજ કરી શક્યા એની પણ કહાની છે.

આમ છતાં, ડૉ. ગિલક્રિસ્ટે હિંદુસ્તાની ભાષાનો ભારતભરમાં પ્રચાર કરીને આજની હિન્દી અને ઉર્દૂના વિકાસમાં જબરદસ્ત પ્રદાન આપ્યું છે એમાં કોઈ બેમત નથી.

e.mail : vishnubharatiya@gmail.com

Loading

...102030...3,5473,5483,5493,550...3,5603,5703,580...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved