
courtesy : "The Daily Telegraph", 28 June 2016
![]()

courtesy : "The Daily Telegraph", 28 June 2016
![]()
જીલિયન સ્લાવો દક્ષિણ આફ્રિકાની એક લેખિકા છે. તેનાં માતા-પિતા જો સ્લાતો અને રૂથ ફર્સ્ટ એક ગોરા દંપતી, ત્યાંની રંગભેદની નીતિ સામે ચળવળમાં જોડાયાં હતાં અને તેથી તે સમયની સરકારની દમન નીતિના ભોગ બન્યાં હતાં. એવા વાતાવરણમાં જન્મેલાં જીલિયનના વિચારો પર એની અસર થયેલી છે. એટલે કંઈક કચડાયેલ વર્ગ માટે કે કાળી પ્રજા માટે એને સહાનુભૂતિ છે જે આ નવલકથામાં ક્યાંક ક્યાંક જોવા મળે છે.
દસ દિવસની આ કહાની 2011ની સાલમાં લંડનમાં થયેલા રમખાણોની પૃષ્ઠભૂમિ પર રચાયેલી વાર્તા છે. રમખાણની વાત હોય એટલે સામાન્યત: તોફાન કરનાર એક વર્ગ હોય અને તેની સામે પોલિસ ખાતું પણ હોય અને જ્યાં પ્રજાનો એક વર્ગ અને તેની સામે પોલિસ અથડાતી હોય ત્યાં પરિસ્થિતિનો લાભ લેવા માટે રાજકીય પક્ષ પણ સક્રિયતાથી જોડાય. આમ ત્રણ તત્ત્વોના મિશ્રણથી ઉપજતી ઘટનાઓ, ઘટનાકારો અને કાવાદાવાના પેચદાવોનું સંયોજન કરીને આ વાર્તા રચાઈ છે.
વાર્તાનો સમય કામ સીમિત છે એ વાર્તાના શીર્ષક થકી નિર્દેશાયો છે એટલે વાર્તાની રજૂઆત પહેલા દિવસની વહેલી સવારે એકી સાથે ત્રણ સ્થળોની દિનચર્યાથી થાય છે. ત્રણ જુદા જુદા ઘટકોનો ઉલ્લેખ થાય છે. સાથે સાથે તે તે ઘટકોના પાત્રોનો આછો પરિચય પણ થાતો જાય છે. વાર્તાનો સમયકાળ સીમિત છે અને નવલકથા લાંબી થવાની છે એટલે સ્થળના પાત્રોના પરિચયમાં વર્ણન-વિસ્તાર કરવામાં સમય ન બગાડતાં; વાતાવરણમાં સમયની ઝડપ દર્શાવવા વાર્તાના ઉઘાડમાં જ પાત્રોને મોટરકારની ઝડપી ગતિમાં જતાં દર્શાવાયા છે. ત્રણેય ઘટકોમાં કંઈક ઘટના થવાની છે એ દર્શાવવા દરેક સ્થળે એક નાની બીના પણ રજૂ કરાઈ છે.
(1) રૉકવેલ વિસ્તારમાં આવેલા લવલેસ હાઉસિંગ એસ્ટેટમાં રહેતો મિશ્ર જાતિનો એક સમૂહ અને તેમાં માનસિક રીતે સહેજ અસ્થિર એવો એક માણસ.
(2) પોલિસ ખાતામાં નવા પોલિસ કમિશ્નરની નિમણૂક, એક નવી વ્યવસ્થા અને તે ખાતામાં જૂનો સિનિયર ઑફિસરને અન્ય જાતિનો રજૂ કરીને ટકરાવની શંકા ! શક્યતા
(3) રાજકીય પક્ષે, વડાપ્રધાન અને એના હાથ નીચે ગૃહપ્રધાન એ બન્ને વચ્ચે પૉલિસ કમિશ્નરની નિમણૂક અંગે મતમતાંતર એટલે ટકરાવની શંકા ! શકયતા.
આમ વાર્તાના વહેણમાં અનેક ઘટનાઓ બનવાની છે એ માટેની સજાવટ બહુ જ ઝડપથી બિછાવી દીધી – જાણે ઉનાળાના સૂક્કા વાતાવરણમાં સૂકાઈ ગયેલાં ડાળ-પાન-ઝાંખરાંનો ઢગલો એક ચિનગારીની જ તૈયારીમાં હોય એવી રીતે.
અને એક ચિનગારી ચંપાય છે – પોલિસની અટકાયતમાં પેલા માનસિક રીતે અસ્થિર માણસનું મૃત્યુ થાય છે અને લવલેસ એસ્ટેટમાં તોફાનો ફાટી નીકળે છે – મારામારી, લૂંટફાટ અને આગના બનાવોથી આખો્ ય રોકવેલ વિસ્તાર ઘેરાઈ જાય છે. પોલિસની કામગીરી શરૂ થાય છે. વડાપ્રધાન પરદેશમાં હોવાથી પરિસ્થિતિ સંભાળવાની જવાબદારી ગૃહપ્રધાનના હાથમાં આવી પડે છે. ગૃહપ્રધાન આશાવાદી છે. આ નવી ઊભી થયેલી પરિસ્થિતિને પોતાની તરફેણમાં વાળીને વડાપ્રધાનની ખુરશી કેવી રીતે પડાવી લેવી એની પેરવાઈમાં પડી જાય છે. અને તેમાં એની પત્નીનો પણ સહકાર મળે છે. તે પણ ચબરાક છે, મહત્ત્વાકાંક્ષી છે, આંટીઘૂંટી ખેલનારી છે, એટલે આ તોફાન પરિસ્થિતિને વણસાવીને પેલા નવા નિમાયેલા પોલિસ કમિશ્નરને દાવપેચમાં અટવાવીને એને કેવી રીતે નાકમયાબ કરવો એની રમત શરૂ થાય છે. આ રીતે અટપટો ખેલ શરૂ થાય છે.
આમ ઘટનાઓ ઘટતી જાય છે, ખેલમાં આવતાં પાત્રો સંકળાતા જાય છે અને એમાંથી કંઈક નવું રહસ્ય ઊભું થાય અને એમાં અટવાયેલા પાત્રો પોતાને ભાગે આવેલો રોલ કરતાં જાય ત્યાં એક નવા રહસ્યનો ફણગો બીજા જ સ્થળે ફૂટી આવે અને તે સ્થળના પાત્રો એમાં સંડોવાતા જાય. એક રહસ્યમાંથી બીજું રહસ્ય અને એક ઘટનામાંથી બીજી ઘટના ઘડાતી જાય – આમ વાર્તાની ગૂંથણી ગુંથાતી જાય, પણ વાચકનો રસ જળવાઈ રહે એની સતત કાળજી રાખીને નવી વિટંબણા ઊભી કરીને વાર્તાનું વહેણ રસપૂર્વક જાળવી રાખ્યું છે.
પાત્રાલેખન, ત્રણેય સ્થળોમાં અનેક પાત્રો પોતપોતાનો ભાગ ભજવે છે તેમાં ખાસ ધ્યાન ખેંચે એવા પાત્રો : લવલેસમાં રહેતી કેથી મેમન – એક અપરિણિત માતા, લગ્ન તો કર્યા હતાં પણ પતિથી ત્યજાયેલી. ત્યારબાદ એક પ્રેમી જુલિયસ જીબોલો – એ પણ કેથી મેસનને એક બાળકીની ભેટ ધરીને તરછોડી દે છે. આમ અસહાય પરિસ્થિતિથી ઘેરાયેલી અને પુરુષોથી દબાયેલી છતાં પણ એક પ્રેમાળ માતા અને સહૃદય નારી જેના વિશે એના એક પુરુષમિત્રે એક જ વાક્યમાં સુંદર નિરુપણ કર્યું છે : ‘A feeling person in an unfeeling world.’
પોલિસખાતું : કાયદાનું કડક રીતે નિયમન કરનારું તંત્ર અને કંઈક સત્તાના અહમ્ને લઈને ફરતાં સત્તાધારી ઑફિસરો, લેખિકાએ આ ટોળાંનું એક જ વાક્યથી સુયોગ્ય વર્ણન કર્યું છે – A monstrous collections of egos. પણ એ ખાતામાં નવો નિમાયેલ પોલિસ કમિશ્નર જોશુઆ યેરેસ એક સીધા સરળ સ્વભાવનો પણ બાહોશ વ્યક્તિ છે.
રાજકીય તખ્તે વડાપ્રધાન તો છે છતાં ગૃહપ્રધાન પીટર વ્હીટલીનું પાત્ર અગત્યનું બની જાય છે કારણ કે તે આશાવાદી છે, કૂટ દાવપેચ ખેલનારો છે અને વાર્તામાં એક રંગીનતા લાવે એવું રંગીલું પાત્ર પણ છે. એની પત્ની ફ્રાન્સિસ એક અતિ મહત્ત્વાકાંક્ષી છે અને દાવપેચ ખેલનાર વિલક્ષણ છે પણ વિફરે તો છંછેડાયેલી નાગણ જેવી.
આમ જુદાજુદા સ્વભાવ-વર્તન ધરાવતી વ્યક્તિઓ અને અલગ અલગ ઘટનાઓ તેમાં તે તે વ્યક્તિને સાંક્ળી લઈને લેખિકાએ વાર્તાની સુંદર ગૂંથણી કરી છે. બીજું વાર્તાના શીર્ષકને અનુલક્ષીને સમયને ચુસ્તપણે વળગી રહી છે. શરૂઆતથી તે અંત સુધી આ ચારસો પાનાંની નવલકથાને સમયના ચોકઠામાં એવી સુંદર રીતે ગોઠવી દીધી છે કે જાણે શતરંજની રમતનાં ખાનાં હોય તેમ, અને ખાસ ધ્યાન ખેંચે એવું તત્ત્વ એ છે કે અનેક રહસ્યમય ઘટનાઓ બનતી જતી હોય છે પણ ક્યાં ય બનતી ઘટના વર્ણવાઈ નથી કે નથી એમાં ઘટનાકારની ઉપસ્થિતિ, જે કાંઈ દર્શાવાયું છે તે ઘટના ઘટ્યા પછીના પ્રત્યાઘાતો. આમાં એવો કંઈક અણસાર આવે કે જાણે લેખક અને વાચક વચ્ચે શતરંજની રમત રમાતી હોય જેમાં લેખક પોતે એક ઘટના રચીને – ચાલ ચાલીને – વાચકને તેના પ્રત્યાઘાતોમાં ઉલઝાવી દે, જાણે કે વાચકને એની ચાલ ચાલવાની, અનુમાનો કરવાની ચેલેન્જ મળતી હોય ! લેખક અને વાચક સામસામે આવીને શતરંજની રમત રમતા જતા હોય, વાર્તા વણાતી જતી હોય તેમાં પાત્રો પ્યાદારૂપે ચાલતા હોય અને દરેક ચાલ પછી નવી સમસ્યા, નવા રહસ્યો ઊભા થતાં હોય. આ નવીન રીતથી વાચકને વાર્તામાં છેક છેલ્લા પાન સુધી રસપૂર્વક જકડી રાખવામાં વાર્તાકાર સફળ થાય છે.
લેખિકાએ આ નવલકથા લખવામાં સારું એવું સંશોધન કર્યું છે. 2011ની સાલમાં થયેલાં રમખાણનો અભ્યાસ કર્યો છે. તે ઉપરાંત પોલિસખાતાની કાર્યપદ્ધતિ તોફાન થતાંની સાથે અલગ અલગ પોલિસખાતામાં કેવી કેવી કામગીરી હાથમાં ઉપાડી લે છે અને દરેક બનાવની ઝીણી ઝીણી માહિતી કેવી રીતે નોંધવામાં આવે છે તે ઉપરાંત પણ અગમચેતીનાં પગલાં પણ લેવાતાં જતાં હોય છે. આ બધી કાર્યપદ્ધતિનો લેખિકાએ ખૂબ જ ઝીણવટથી અભ્યાસ કર્યો છે એ આ નવલકથામાં અવારનવાર દેખાઈ આવે છે. વાચકને આ માહિતીઓ નવીન લાગે અને તેથી એના વાંચનમાં રસ જળવાઈ રહે છે.
આમ આ નવલકથા વિશાળ વાચકવર્ગને ગમી જાય એવી છે અને રસપૂર્વકનું વાંચન પૂરું પાડવામાં સફળ થાય છે એ બદલ લેખિકાને ધન્યવાદ ઘટે.
20 Deanscroft Avenue, Kingsbury, LONDON NW9 8EN, U.K.
![]()
પ્રિયાને આ કૉર્પોરેટ કૉલેજમાં રિસેપ્શનિસ્ટ તરીકે રહ્યાને ચાર દિવસ જ થયા છે. હજી શરૂઆત છે એટલે વાતાવરણ સાથે બરાબર ગોઠવાઈ નથી શકી. પણ ખાસ વાંધો નહીં આવે કેમ કે, એની સાથે કામ કરતી વિશાખા ભારે બોલકણી છે.
‘ઓ મૅડમ ! લંચ ટાઈમ થયો. ભૂખ લાગી છે કે નહીં ?’ એમ કહેતાં એ પોતાનો પરાઠાં–શાકનો ડબ્બો પ્રિયા સામે ધરતી.
‘વિશાખા, મને અહીંની દુનિયા સાવ જુદી જ લાગે છે. બારમું ધોરણ પાસ કરીને આવેલા કિશોરોએ એક વર્ષ માટે અહીં જ કૉલેજ, અહીં જ ઘર અને અહીં જ સગાં–સમ્બન્ધી માનીને રહેવું, કેવું લાગતું હશે એમને ?’
‘આવા બધા વિચારો કરીને બહુ ઈમોશનલ નહીં બનવાનું. આ વિદ્યાર્થીઓ એક વર્ષ માટે જ અહીં કેમ્પસમાં છે. આવતે વર્ષે આ લોકો બીજા કેમ્પસમાં જશે અને એમની જગ્યાએ બીજા નવા છોકરાઓ આવશે. અહીં તો આવન–જાવન ચાલ્યા જ કરે. એટલે કોઈની સાથે બહુ લગાવ નહીં રાખવાનો.’ વિશાખાએ મને સલાહ આપી.
‘તારી વાત તો બરાબર છે, વિશાખા; પણ મને રહી રહીને વિચાર આવે છે કે, મા–બાપથી, ઘરથી દૂર રહેતા આ કિશોરોને ઘર કેટલું યાદ આવતું હશે ?’
‘એમનાથી ભલે ઘરે ન જઈ શકાય; પણ એમનાં માતા–પિતા, ભાઈ–બહેન, – કોઈ પણ – દર બીજા અને ચોથા રવિવારે બપોરે ત્રણથી પાંચમાં અહીં આવીને એમને મળી શકે છે.’
વિશાખાએ ભલે કહ્યું; પણ પ્રિયાના મનમાં કેટલા ય સવાલ ઊઠતા હતા. કૉલેજ શહેરથી પંદરેક કિલોમિટર દૂર છે. દર પંદર દિવસે કોના સમ્બન્ધી આવી શકે ? ને જેનું કોઈ ન આવતું હોય એ વિદ્યાર્થી કેટલો ઉદાસ થઈ જતો હશે ?
એમ કરતાં રવિવાર આવી પહોંચ્યો. મોટા રિસેપ્શન હૉલની એકેએક ખુરસી મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓથી ભરાઈ ગઈ હતી. કોઈને માટે ડબ્બામાં નાસ્તો આવ્યો હતો, તો કોઈને માટે મીઠાઈ. કોઈ મા–બાપ પોતાના સંતાન માટે કેન્ટીનમાંથી આઈસક્રીમ પણ લાવ્યાં હતાં. બધાના ચહેરા પર આનન્દ છલકાતો હતો. વિશાખાએ ભલે લગાવ વધારવાની ના પાડી હોય; પણ પ્રિયા તો ઝીણી નજરે બધાના ચહેરાના હાવભાવનું નિરીક્ષણ કરતી હતી.
‘વિશાખા, મને લાગે છે કે કંઈ બધા જ વિદ્યાર્થીઓના મુલાકાતી નથી આવ્યા. તોયે બધા જ કેમ હૉલમાં આવી ગયા છે ?’
‘એ તો એવું છે કે જેના મુલાકાતી આવ્યા હોય એ પોતાના દોસ્તને પણ ખેંચી લાવે અને માબાપ પણ એ પોતાનો દીકરો છે કે બીજાનો, એ ભૂલીને એને પ્રેમથી ખવડાવે. અહીંની આ જ તો મઝા છે. આને કહેવાય ‘વસુધૈવ કુટુમ્બકમ્.’ વિશાખાએ તો નાનકડું લેક્ચર જ આપી દીધું.
‘હા, એટલું તો મને સમજાયું; પણ દૂરથી મને સંભળાતું નથી કે જેનું કોઈ નથી આવ્યું, એ છોકરાઓ મુલાકાતીઓ પાસે જઈ કશીક માગણી કરતા હોય એવું લાગે છે. એ લોકો શું માંગે છે ?’
હમ્મેશાં મજાક કર્યા કરતી વિશાખા થોડી ગમ્ભીર થઈ ગઈ. ‘જેને મળવા કોઈ ન આવ્યું હોય તેવા વિદ્યાર્થીઓ આ સમયમાં પોતાના ઘરે ફોન કરી સ્વજનોનો અવાજ સાંભળીને સંતોષ માનતા હોય છે.’
‘બીચ્ચારા છોકરાઓ!’ નિસાસો નાખતાં પ્રિયાથી બોલાઈ જવાયું.
‘હા, સાચે જ બીચારા કહેવાય. કેમ કે સીક્કા નાખીને વાત કરી શકાય એવાં ફોન–બૉક્સ અહીં માત્ર ચાર જ છે. પંદરસો છોકરાઓ ને ચાર ફોન ! લાંબી લાંબી લાઈનોમાં વારો આવતાં જ કલાકો નીકળી જાય. પછી પણ પાછળ ઊભેલો છોકરો ‘જલદી કર,’ ‘જલદી કર,’ કર્યા જ કરતો હોય. એટલે આ લોકો મુલાકાતીઓ પાસે સેલફોન માંગી પોતાના ઘરે ‘મિસ્ડ કૉલ’ આપે. એટલે પછીથી એમના ઘરેથી જવાબમાં ફોન આવે ને એ લોકો વાત કરી શકે.’
‘હા, બરાબર. સામેથી જ ફોન આવે એટલે જેનો ફોન હોય એને ચાર્જ પણ નહીં લાગે,’ પ્રિયાએ કહ્યું.
આ પછી દરેક વિઝિટીંગ સન્ડેએ પ્રિયા પોતાની કાચની કેબીનમાંથી રિસેપ્શન હૉલ તરફ જોઈ રહેતી. ‘એક્સક્યુઝ મી, અંકલ, એક મીસ્ડ કૉલ ?’, ‘એક્સક્યુઝ મી આન્ટી, વન મીસ્ડ કૉલ ?’ કહેતાં કહેતાં, ફોનની માગણી કરતાં છોકરાઓ, જાણે બટકું રોટલા માટે ટળવળતા ભીખારી જેવા લાગતા. અનુકમ્પાથી એનું હૈયું ભરાઈ જતું.
એ જોતી કે કોઈ તરત એમને પોતાનો ફોન આપી દેતું, તો કોઈ લાંબો વિચાર કર્યા પછી; તો વળી કોઈ મોઢા પર અણગમાનો ભાવ લાવીને, જાણે મોટી મહેરબાની કરતા હોય એમ, ‘જલદી ફોન પતાવવાની તાકીદ’ કરીને ફોન આપતા. તો કોઈ વળી સાફ ના પણ પાડી દેતા !
એક રવિવારે એને સાવ જુદું જ દૃશ્ય જોવા મળ્યું. એક દૂબળો–પાતળો વિદ્યાર્થી કોની પાસે ફોન માગવો એની મૂંઝવણ અનુભવતો ઊભો હતો. ત્યાં એક સ્ત્રીએ એને પોતાની પાસે બોલાવ્યો ને પછી ફોન આપ્યો. આ સ્ત્રી એકલી જ બેઠી હતી. એને કોઈ વિદ્યાર્થી મળવા નહોતો આવ્યો. પ્રિયાએ કેબીનમાંથી નીકળી એની પાસે જઈને પૂછ્યું, ‘આપ કોને મળવા આવ્યાં છો ?’
‘ગયે વર્ષે મારો દીકરો આ જ કેમ્પસમાં હતો,’ એણે કહ્યું.
‘ઓહ, તો તો આ વર્ષે એ બાજુના કેમ્પસમાં હશે. અહીં નહીં.’
‘મને ખબર છે કે મારો દીકરો મને આ કેમ્પસમાં નહીં મળે. કેમ્પસમાં તો શું; પણ હવે મને આ દુનિયામાં પણ નહીં મળે.’
પ્રિયાને જોરદાર આંચકો લાગ્યો. ‘તો શું ? તમે આટલે દૂરથી છોકરાઓને ફક્ત તમારો ફોન વાપરવા આપવા માટે જ આવો છો ?
‘હા, એના ગયા પછી મને ક્યાં ય ચેન પડતું નહોતું. પછી મને વિચાર આવ્યો કે લોકો પોતાના દિવંગત ‘સ્વજનોની સ્મૃિત જીવંત રાખવા’ કેવાં જાતજાતનાં કામો કરે છે ! મારે પણ કંઈક કરવું જોઈએ. મને યાદ આવ્યું કે રવિવારે મારો દીકરો અમને ‘મીસ્ડ કૉલ’ આપવા માટે કેટલાં ફાંફાં મારતો, કેટલાના કાલાવાલા કરતો ! બીજા દીકરાઓને એવા ફાંફાં ન મારવાં પડે એટલે ….’
બોલતાં બોલતાં એણે મોઢું ફેરવી લીધું.
(પાલપર્તી જ્યોતીષ્મતિની તેલુગુ વાર્તા પર આધારિત)
‘હરીશ્ચન્દ્ર’ બહેનોના નિધન બાદ, વડોદરાથી પ્રકાશિત થતા પાક્ષીક ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પાન પર આવતી વાર્તાઓ, હવેથી બહેન આશા વીરેન્દ્ર લખે છે. તે અંતર્ગત પ્રકાશિત થઈ ચુકેલી વાર્તાઓમાંથી પસંદ કરેલી ચાળીસ વાર્તાઓનો બીજો વાર્તાસંગ્રહ ‘તર્પણ’ : (પ્રકાશક : પારુલ દાંડીકર, યજ્ઞ પ્રકાશન, હીંગળાજ માતાની વાડીમાં, હુઝરાતપાગા, વડોદરા–390 001 ફોન : 0265-243 7957 પાનાં : 128, મૂલ્ય રુપિયા–60), ઑક્ટોબર 2014માં પ્રકાશિત થયો. તેમાંથી 37મી આ વાર્તા, પાન 115થી 117 ઉપરથી લેખિકાબહેનની પરવાનગીથી સાભાર ..
સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001
ઈ–મેઈલ : avs_50@yahoo.com
https://www.facebook.com/uttam.gajjar.92/posts/1158379254212291
સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ બારમું – અંકઃ 351 – June 26, 2016
![]()

