Opinion Magazine
Number of visits: 9552368
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ડૉક્ટર-રત્નનું સ્મરણ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|30 June 2016

યરવડા જેલમાં હરિજનકાર્ય ન કરવા દેવાના મુદ્દે ગાંધીજીએ 1933માં આમરણ ઉપવાસ શરૂ કરેલા. અંગ્રેજ સરકારે ગભરાઈને ગાંધીજીને જેલમુક્ત કર્યા. ગાંધીજીએ પૂનામાં જ સર વિઠ્ઠલદાસ ઠાકરશીના ‘પર્ણકુટી’ બંગલામાં રહેવાનો નિર્ણય કર્યો. ઉપવાસને કારણે તેમની તબિયત લથડી હતી. એક યુવાન ડૉક્ટરે તેમને દવાઓ આપી. ગાંધીએ પૂછ્યું, ‘મારે તમારી સારવાર શા માટે લેવી જોઈએ? શું તમે મારા ચાળીસ કરોડ દેશવાસીઓને નિ:શુલ્ક સારવાર આપશો?’ પેલા યુવાન ડૉક્ટરે જવાબ આપ્યો, ‘ના ગાંધીજી, હું તમામ દર્દીઓની મફતમાં સારવાર ન કરી શકું. હા, હું મો.ક. ગાંધીની સારવાર નથી કરતો, પણ હું એ વ્યક્તિની સારવાર કરું છું, જે દેશના ચાળીસ કરોડ દેશબંધુઓનું પ્રતિનિધિત્વ કરે છે.’ આવો જવાબ સાંભળીને ગાંધીજી દવા-સારવાર લેવા તૈયાર થઈ ગયેલા.

વિશ્વભરમાં ભારતીય સિનેમાની શિરમોર ગણાતી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ માટે સત્યજિત રેને કોઈ નાણાં ધીરવા તૈયાર નહોતું. ફિલ્મ અટવાઈ પડી હતી. આખરે સત્યજિત રેએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને અડધી-અધૂરી ફિલ્મ બતાવી અને કળાપારખું મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે રાજ્ય સરકાર જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે અને દેશ-દુનિયાને એક ઉત્તમ સિનેકૃતિ ઉપલબ્ધ થઈ હતી.

ગાંધીજીની સારવાર કરનારા ડૉક્ટર અને સત્યજિત રેને મદદ કરનાર મુખ્યમંત્રી હતા – ડૉ. બિધાન ચંદ્ર રૉય. પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉ. બી.સી. રૉય આધુનિક પશ્ચિમ બંગાળના નિર્માતા ગણાય છે. રૉયસાહેબે આઝાદી જંગના લડવૈયા, પરોપકારી ચિકિત્સક, આરોગ્ય ક્ષેત્રમાં મેડિકલ સંસ્થાઓ(ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વગેરે)ના સ્થાપક અને કુશળ રાજકર્તા તરીકે દેશની મહામૂલી સેવા કરી હતી.

આઝાદી પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ કરતાં તેમને તો દર્દીઓની સેવા વહાલી હતી, પરંતુ ગાંધીજીના અનુરોધને આંખે ચડાવીને તેમણે મુખ્યમંત્રી પદ સંભાળેલું. જો કે, દિવસનો એક કલાક તેઓ ગરીબ દર્દીઓની સારવાર-સંભાળ માટે ફાળવતા હતા. એક ડૉક્ટર તરીકે તેમનું પ્રદાન વધારે ઉત્કૃષ્ટ હતું કે એક રાજનેતા તરીકેનું, એનો નિર્ણય અઘરો પડે, એવાં અનેક મહાકાર્યો ડૉ. રૉયના નામે બોલે છે. અને એટલે જ તેમને ઈ.સ. 1961માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.

પરમ દિવસે એટલે કે પહેલી જુલાઈના રોજ દેશમાં રાષ્ટ્રીય ડૉક્ટર ડેની ઉજવણી કરાશે. દેશમાં મેડિકલ ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપનારા ડૉ. બી.સી. રૉયના સ્મરણમાં જ રાષ્ટ્રીય ડૉક્ટર ડે ઊજવાય છે. ડૉ. રૉય અને શેક્સપિયર વચ્ચે એક સામ્યતા એ છે કે બન્નેના જન્મ દિવસ અને મૃત્યુ દિવસ એક જ તારીખે આવે છે. આમ, 1 જુલાઈ, 1882ના રોજ બિહારના પટણા ખાતે જન્મેલા ડૉ. રૉયનું નિધન કોલકાતા ખાતે 1 જુલાઈ, 1962ના રોજ થયું હતું.

આજે મેડિકલ ક્ષેત્રનું વેપારીકરણ થઈ ગયું છે અને ડૉક્ટરની ભાવના અને ભૂમિકામાં બહુ ફરક પડી ગયો છે. ડૉક્ટરમાં દેવનાં દર્શન કરનારા દર્દીઓ જ્યારે હોસ્પિટલનું બિલ જુએ છે ત્યારે જાણે કોઈ દૈત્યે લૂંટી લીધા હોય, એવા ભાવ જાગી જાય એવો સમય આવી ગયો છે. દેશના ડૉક્ટર્સ જો ડૉ. બી.સી. રૉય જેવાને પોતાના રોલમૉડલ ગણે તો ભાગ્યે જ કોઈ દર્દી સારવારથી વંચિત રહે. જીવન અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે, પણ દેશના દરેક નાગરિકને સમયસર સારવાર મળે, એ તો દેશના ડૉક્ટરની નૈતિક ફરજ છે.

દર્દીના દુ:ખો દૂર કરનારા ડૉક્ટર્સને સલામ સાથે હેપી ડૉક્ટર્સ ડે ઇન એડવાન્સ!

e.mail : divyeshvyas.bhaskar@gmai.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 29 જૂન 2016

Loading

સમાન નાગરિક ધારો ક્યારે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 June 2016

જે મુસ્લિમ મહિલા આંદોલન મુસ્લિમ પર્સનલ લોમાં સુધારા માટે લડે છે, તે સમાન સિવિલ કોડનો જબ્બર વિરોધ કરે છે.

તલાકશુદા મુસ્લિમ મહિલાઓ, કાશીપુર (ઉત્તરાખંડ)ના શાયરાબાનો અને જયપુર (રાજસ્થાન)ના આફરીને સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગી છે. એમની માંગણી ન માત્ર તીન તલાકની અન્યાયી પ્રથાની નાબૂદીની છે. તેઓ લગ્ન અને છૂટાછેડાને લગતી મુસ્લીમ પર્સનલ લોની જોગવાઈઓ બહુપત્નીત્વ અને હલાલા-ને પણ પડકારે છે. મુસ્લિમ મહિલાઓના  અધિકારો માટે સંઘર્ષરત ‘ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન’ દ્વારા પણ મુસ્લિમ પર્સનલ લોમાં સુધારા માટે વડાપ્રધાન અને રાષ્ટ્રીય મહિલા આયોગને ૫૦,૦૦૦ મુસ્લિમ મહિલાઓની સહીઓ સાથેના પત્રો લખાયા છે. સુપ્રીમ કોર્ટે આ પત્રને સુઓ મોટો જાહેરહિતની અરજી ગણી સંબંધિતોના જવાબો માગ્યા છે. આ બધાં કારણોસર ધર્મઆધારિત વ્યક્તિગત કાનૂનોમાં સુધારા અને સમાન નાગરિક ધારાની રચનાની ચર્ચા ફરીવાર શરૂ થઈ છે. 

ધર્મ અને કાનૂન પુરાણા સમાજમાં એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હતા અને ધર્મ, કોમ, કે સંપ્રદાયના અંગત કાયદા આધુનિક રાજ્યના કાયદાની અવેજીમાં અસ્તિત્વમાં હતા. ભારતમાં પણ લગ્ન, છૂટાછેડા, વારસાહક, દત્તક વિધિ, ભેટ, વસિયત, ઘરમાલિકી, કુટુંબમાં સ્ત્રી-પુરુષની ફરજો અને અધિકારો વગેરે માટે ધર્મના કાયદા હતા. આ કાયદા કે નિયમો ધાર્મિક ગ્રંથો, પરંપરાગત રિવાજો કે રૂઢિઓ આધારિત હતા. જ્યારે આજના જેવાં આધુનિક રાજ્યો અસ્તિત્વમાં નહોતાં ત્યારે અંગત કાયદા અને રાજ્યના કાયદામાં ઝાઝો ફેર નહોતો. બ્રિટિશ શાસન અને સમાજ સુધારણાની ચળવળો પછી તેમાં સુધારાની ફરજ પડી, પણ તે લાંબુ ન ચાલી.

આઝાદ ભારતમાંબંધારણનું શાસન અમલમાં આવ્યું. બંધારણના અનુચ્છેદ ૨૫ અને ૨૬માં સમાનતાનો અને ધર્મની સ્વતંત્રતાનો તમામ નાગરિકોને હક મળ્યો. પરંતુ વૈયક્તિક કાનૂનો પણ ચાલુ રહ્યા. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતના અનુચ્છેદ ૪૪મા રાજ્યને સમાન નાગરિક ધારો ઘડવાની સત્તા આપવામાં આવી. બંધારણ સભાના મુસ્લિમ સભ્યોએ કોમન સિવિલ કોડની બંધારણમાં જોગવાઈનો વિરોધ કર્યો હતો. તેને તેઓ મુસ્લિમોના અંગત કાનૂનમાં દખલ ગણાવતા હતા. જો કે બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકરે દેશ આખામાં મુસ્લિમ કાયદો ન તો એકસરખો છે કે ન તો અપરિવર્તશીલ છે, તેની હકીકતો રજૂ કરી માગણીનો છેદ ઉડાડ્યો હતો. 

એ સાચું કે બંધારણના અનુચ્છેદ ૩૭૨(૧)માં દેશના જુદા જુદા ધર્મોના વ્યક્તિગત કાયદાઓનો સ્વીકાર છે, પણ આ કાયદા આધુનિક સમાજ સાથે, નાગરિકના મૂળ અધિકારો સાથે કે સમાનતા — ખાસ કરીને સ્ત્રી-પુરુષ સમાનતા — સાથે કદમ મિલાવી શકતા નથી. આ કાયદાઓમાં  મહિલાઓ માટે અન્યાયકારી અને તેમને ઉતરતા દરજ્જાની નાગરિક ગણતી જોગવાઈઓ હોવાથી તેનો સવિશેષ વિરોધ થાય છે. તેમાં પણ શરિયત આધારિત મુસ્લિમ પર્સનલ લોની જોગવાઈઓ સૌથી વધુ ખટકે તેવી  છે. ૧૯૩૭થી મુસ્લિમ પર્સનલ લોમાં કોઈ સુધારા થયા નથી. જાણે ધર્મ સુધારણા અને સમાજ સુધારણાની હવા એને અડી જ નથી.

એક તરફ મુસ્લિમ પર્સનલ લો નિકાહ(લગ્ન)ને પતિ-પત્ની વચ્ચેનો કરાર ગણાવી બંનેની સંમતિ જરૂરી ગણાવે છે, પરંતુ તલાક-એ-બિદત તરીકે જાણીતી રીતમાં એક જ સમયે ત્રણ વાર તલાક બોલીને પુરુષ સ્ત્રીની સંમતિ વિના જ છૂટાછેડા આપી દે તેવી જોગવાઈ છે! આવા તલાક મૌખિક રીતે, તાર-ટપાલ-ટેલિફોન-ઈ-મેઈલ-વોટ્સ અપથી આપી શકાય છે. તેમાં સ્ત્રીના ભરણપોષણની જવાબદારી પતિની રહેતી નથી. મુસ્લિમ પર્સનલ લો પુરુષને બહુપત્નીત્વની છૂટ આપે છે, સ્ત્રીને આપતો નથી.  મુસ્લિમ પુરુષ એક જ ઈશ્વરમાં માનતી (કિતાબી સ્ત્રી) એટલે કે ખ્રિસ્તી, પારસી કે યહૂદી સ્ત્રીને પરણી શકે છે, પણ મુસ્લિમ સ્ત્રી તેમ કરી શકતી નથી. વારસા હકમાં પુત્રીને પુત્ર કરતાં અડધો જ હિસ્સો મળે છે. સાક્ષીની બાબતમાં મુસ્લિમ સ્ત્રીને બે સાક્ષી રાખવાની જોગવાઈ છે.

સિરિયન ખ્રિસ્તી કાયદાની જોગવાઈ મુજબ સંપત્તિ હકની બાબતમાં દીકરાદીકરી વચ્ચે ભેદ છે. ભારતીય છૂટાછેડાનો કાયદો-૧૯૬૫ ખ્રિસ્તી પુરુષને માત્ર વ્યભિચારના આરોપસર સ્ત્રીને છૂટાછેડાની મંજૂરી આપે છે, પણ સ્ત્રીને આપતો નથી. વડીલોપાર્જિત મિલકત સંબંધિત હિંદુ કાયદામાં પણ દીકરાદીકરી સરખાં હકદાર નથી. પારસી કાયદામાં મિલકત અંગે પુત્ર, પુત્રી અને વિધવા પત્ની વચ્ચે ભેદ છે. હિંદુ સેકશન એક્ટમાં વૃદ્ધ માબાપનું ભરણપોષણ હિંદુ અને મુસ્લિમ બંને સંતાનો માટે કાયદેસરની ફરજ છે, પણ હિંદુ માટે માતાપિતા હિંદુ જ હોવાની શરત છે, મુસ્લિમ માટે તેવી શરત નથી. વ્યક્તિગત કાયદાઓની આવી વિસંગતતાઓ, ઉણપો અને અસમાનતાઓ સમાન નાગરિક કાનૂનની જરૂરિયાત સ્પષ્ટ કરે છે.

શાહબાનુ(૧૯૮૫)થી શાયરાબાનો(૨૦૧૬)ના ત્રણ દાયકામાં સમાન નાગરિક ધારો ઠાલો રાજકીય મુદ્દો જ બની ગયો અને તે દિશામાં કોઈ નક્કર કામ થયું નથી. ૧૯૮૫માં જ્યારે તલાકશુદા મુસ્લિમ સ્ત્રીઓને સર્વોચ્ચ અદાલતે ભરણપોષણનો હક આપ્યો, તો રાજીવ ગાંધીની કોંગ્રેસી સરકારે મુસ્લિમ કટ્ટરપંથીઓ આગળ ઝૂકીને સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને ઉલટાવી નાખતો કાયદો ઘડ્યો હતો. મુસ્લિમ સ્ત્રીઓની સમાજસુધારણાની દિશામાં તે મોટી પીછેહઠ હતી. રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાંતોના અનુચ્છેદ ૩૬ થી ૫૧ પૈકી ઘણા અનુચ્છેદોમાં સુધારા, કાર્યવાહી અને અમલ થયો છે. એકમાત્ર અનુચ્છેદ-૪૪ (સમાન નાગરિક ધારો) અંગે જ કોઈ કાર્યવાહી વીત્યાં લગભગ ૭૦ વરસોમાં થઈ નથી.

મુસ્લિમ કટ્ટરપંથીઓ મુસ્લિમ પર્સનલ લોમાં કોઈ સુધારા મુસ્લિમોની લાશ પર થશે, એવી ધમકીની ભાષા બોલતા રહે છે. તો હિંદુઓનો એક વર્ગ મુસ્લિમોને સબક શીખવવા સમાન નાગરિક ધારાના જાપ જપે રાખે છે. આઘાત અને આશ્ચર્યની વાત તો એ છે કે ૧૯૫૧માં જે વિચારધારાના લોકો અને પરિબળો હિંદુ કોડ બિલના વિરોધી હતા, તે જ હવે યુનિફોર્મ સિવિલ કોડની માંગણીને પોતાની એકમાત્ર રાજકીય માગણી અને ઓળખ બનાવે છે. જે ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન મુસ્લિમ પર્સનલ લોમાં સુધારા માટે લડે છે, તે સમાન સિવિલ કોડનો જબ્બર વિરોધ કરે છે. આ બાબતમાં તે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કરતાં જરા ય ઉતરતું વલણ ધરાવતું નથી.

શરિયત આધારિત મુસ્લિમ પર્સનલ લોમાં મૂળ શરિયત કાનૂનનો માંડ વીસ ટકા હિસ્સો જ છે, ત્યારે શરિયત કાનૂનમાં સુધારો શક્ય જ નથી તેમ કહેવું યોગ્ય નથી. ભારતીય બંધારણે ધાર્મિક બહિષ્કારનો ઈસ્લામી કાનૂન રદ કર્યો છે. સ્પેશ્યલ મેરેજ એક્ટથી શરિયત કાનૂનનો એક ભાગ રદ કર્યો છે. મુસ્લિમ હજયાત્રીઓ ભારત સરકારનો વીમો અને સબસિડી મેળવે છે. ત્યારે શરિયત કાનૂન સંભારાતો નથી. હા, તલાકશુદા સ્ત્રીને ભરણપોષણના મુદ્દે એને જરૂર આગળ કરાય છે. દુનિયાના અનેક મુસ્લિમ દેશોએ મુસ્લિમ સ્રીઓની તરફેણમાં શરિયત કાયદામાં સુધારા કર્યા છે જ. એટલે તે અપરિવર્તનશીલ નથી.

જો કે સમાન નાગરિક ધારો એટલે હિંદુ ધારો નહીં, પણ તમામ કોમોના કૌટુંબિક અને વૈયક્તિક કાનૂનોની ઉણપો દૂર કરી આધુનિક અને સભ્ય સમાજને લાયક કાયદો ઘડાય તે પ્રાથમિક શરત હોઈ શકે.

e.mail maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘વિરોધાભાસ’, “દિવ્ય ભાસ્કર”, 30 જૂન 2016

Loading

માલેગાંવમાં નહોતા મુસલમાનોએ બૉમ્બવિસ્ફોટ કર્યા, નહોતા હિન્દુઓએ કર્યા તો શું પારસીઓએ કર્યા હતા?

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|30 June 2016

ગુનેગારો જો મુસલમાનો નહોતા તો હિન્દુ રાજમાં આતંકવાદના ગુનેગારો હિન્દુ કેવી રીતે હોઈ શકે? હિન્દુને અહિંસક કરવાનું કામ મહાત્મા ગાંધી કરશે. આપણે હિંસક હિન્દુઓ પરથી હિંસાના આરોપ દૂર કરીને તેમને અહિંસક બનાવી દઈશું. આપણે એટલા સ્માર્ટ છીએ કે ચપટી વગાડતાં હિંસકને અહિંસક બનાવી શકીએ છીએ. હિન્દુ હિંસક હોય જ નહીં. હિન્દુત્વ એ જ રાષ્ટ્રીયત્વ ને હિન્દુત્વ એ જ અહિંસકત્વ

ખાસ રચવામાં આવેલી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) માટેની અદાલતના જજે માલેગાંવ બૉમ્બબ્લાસ્ટનાં મુખ્ય આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન પર છોડવાની ના પાડી દીધી છે. અદાલતના જજ એસ. ડી. ટેકાલેએ કહ્યું છે કે સાધ્વી પ્રજ્ઞા સિંહ સામે ગુનો બનતો નથી એવી NIAની દલીલ ગળે ઊતરે એવી નથી. ઘટનાસ્થળેથી જે મોટરસાઇકલ મળી આવી હતી એ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની હતી એ લિન્ક પ્રાથમિક ગુનો નોંધવા માટે પર્યાપ્ત છે. પહેલાં ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS) અને એ પછી NIA એમ બન્ને તપાસકર્તા એજન્સી સ્વીકારે છે કે ઘટનાસ્થળેથી મળેલી મોટરસાઇકલ પ્રજ્ઞા સિંહ ઠાકુરના નામે નોંધાયેલી છે. ATS એવા તારણ પર આવી હતી કે પ્રજ્ઞા સિંહ ઠાકુરની બ્લાસ્ટમાં સીધી સંડોવણી હતી; જ્યારે રહી-રહીને આઠ વર્ષે NIA એવા તારણ પર પહોંચી છે કે મોટરસાઇકલ પ્રજ્ઞા સિંહ ઠાકુરની ભલે હતી, પરંતુ તેમના કબજામાં નહોતી. એ મોટરસાઇકલ ઘટના બની એના ઘણા સમય પહેલાંથી રામચન્દ્ર કલસાગરાના કબજામાં હતી. આ કલસાગરા પણ એક કરતાં વધુ આતંકવાદી ઘટનાઓમાં ગુનેગાર છે.

માલેગાંવમાં શબ્બે બરાતની રાતે કબ્રસ્તાનમાં બૉમ્બવિસ્ફોટની ઘટના બની એને આજે દસ વર્ષ થવા આવ્યાં છે અને ચુકાદો આવવાનો તો બાજુએ રહ્યો, હજી તો મુખ્ય આરોપી આરોપી છે કે નહીં એ જ નક્કી નથી થઈ રહ્યું. આખી રમત હિન્દુત્વવાદી ગુનેગારોને બચાવવાની છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ એ પછી ગણતરીપૂર્વક કેસને નબળો પાડવામાં આવી રહ્યો છે જેથી હિન્દુ ઉગ્રવાદીઓને સજા ન થાય.

બન્યું એવું કે એપ્રિલ મહિનાની ૨૭ તારીખે માલેગાંવમાં થયેલી બૉમ્બવિસ્ફોટની ઘટના પછી દસ વર્ષે આવેલા ચુકાદામાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટના ગુનેગારો માટેની અદાલતે નવેનવ આરોપીઓને દોષમુક્ત કર્યા હતા એટલે બીજો વળાંક આવવો જરૂરી હતો. જે નવ આરોપીઓને છોડવામાં આવ્યા હતા એ બધા જ મુસલમાનો હતા એટલે સ્વાભાવિકપણે એવું ફલિત થતું હતું કે એ ગુનાની ઘટનામાં મુસલમાનો સડોવાયેલા નહોતા તો હિન્દુઓ સંડોવાયેલા હોવા જોઈએ.

દરમ્યાન ૨૦૦૮માં તપાસકર્તા એજન્સીઓએ સગડ મળવા માંડ્યા હતા કે માત્ર માલેગાંવ નહીં; હૈદરાબાદની મક્કા મસ્જિદ, સમઝૌતા એક્સપ્રેસ અને અજમેર શરીફ એમ મુસલમાનોને ટાર્ગેટ કરનારી જેટલી આતંકવાદી ઘટનાઓ બની છે એમાં હિન્દુ ઉગ્રવાદીઓનો હાથ છે. ૨૦૦૮માં મુંબઈમાં પાકિસ્તાની આતંકવાદીઓએ કરેલા હુમલામાં શહીદ થઈ ગયેલા હેમંત કરકરે ATSના એ સમયે અધ્યક્ષ હતા. તેઓ પ્રજ્ઞા સિંહ ઠાકુર, સ્વામી અસીમાનંદ અને બીજા હિન્દુ આરોપીઓ સુધી પહોંચ્યા હતા. ૨૦૦૮માં દેશભક્તો માટે કરકરે શહીદ હતા. અત્યારે એ જ દેશભક્તો કહે છે કે ATSએ દ્વેષભાવ સાથે તપાસ કરી હતી. રાજકીય પક્ષપાત અને સ્વાર્થ સામે કોઈની શહીદી કેટલી સસ્તી છે એનું આ ઉદાહરણ છે.

ગુનેગારો જો મુસલમાનો નહોતા તો હિન્દુ રાજમાં આતંકવાદના ગુનેગારો હિન્દુ કેવી રીતે હોઈ શકે? આખું જગત જેની કદર કરે છે એ સત્ય, અહિંસા જેવાં મહાન હિન્દુ મૂલ્યોનું જતન કરવા જેવી આવડત ન હોય તો કંઈ નહીં; કમસે કમ જઘન્ય ઘટનાના હિન્દુ આરોપીઓને બચાવી શકીએ કે નહીં? દેશ અને રાજ્યમાં હિન્દુત્વવાદી સરકાર હોય અને આટલું પણ ન કરી શકે? હિન્દુને અહિંસક કરવાનું કામ મહાત્મા ગાંધી કરશે. આપણે હિંસક હિન્દુઓ પરથી હિંસાના આરોપ દૂર કરીને તેમને અહિંસક બનાવી દઈશું. મહાવીર, બુદ્ધ અને ગાંધી મૂરખ હતા કે તેમણે પ્રજાને ઘડવાનો લાંબો રસ્તો અપનાવ્યો; જ્યારે આપણે એટલા સ્માર્ટ છીએ કે ચપટી વગાડતા હિંસકને અહિંસક બનાવી શકીએ છીએ. હિન્દુ હિંસક હોય જ નહીં. હિન્દુત્વ એ જ રાષ્ટ્રીયત્વ અને હિન્દુત્વ એ જ અહિંસકત્વ.

જ્યારે કહેવાતા મુસ્લિમ આતંકવાદીઓને દોષમુક્ત કરવામાં આવ્યા છે એટલે NIAએ પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત પાંચ હિન્દુ આરોપીઓ સામે આરોપનામું ઘડી શકાય એટલા પુરાવાઓ નથી એવી ક્લીન ચિટ આપી દીધી છે. આવું બનવાનું છે એનો ઇશારો મહિનાઓ પહેલાં આગલી મહારાષ્ટ્ર સરકારનાં પબ્લિક પ્રોસિક્યુટર રોહિણી સાલિયને આપી દીધો હતો. રોહિણી સાલિયન મહારાષ્ટ્ર સરકાર તરફથી આ ખટલો લડતાં હતાં. સરકાર બદલાયા પછી તેમને બાજુએ હડસેલી દેવાયાં હતાં, પરંતુ તેમને જાણ હતી કે NIAમાં શું રંધાઈ રહ્યું છે. તેમને જાણ હતી કે મુસ્લિમ આરોપીઓ સામેનો ખટલો અદાલતમાં ટકી શકે એમ નથી અને મુસ્લિમ આરોપીઓ દોષમુક્ત થવાના છે. જે વાતની ખાતરી રોહિણી સાલિયનને થઈ હતી એ વાતની ખાતરી મહારાષ્ટ્ર સરકારને પણ થઈ હતી. NIAને સૂચના આપી દેવામાં આવી હતી કે હિન્દુ આરોપીઓને છોડી મૂકવાના છે.

સવાલ એ છે કે માલેગાંવમાં, હૈદરાબાદમાં, સમઝૌતા એક્સપ્રેસમાં અને અજમેર શરીફમાં નહોતા મુસલમાનોએ બૉમ્બવિસ્ફોટ કર્યા, નહોતા હિન્દુઓએ કર્યા તો શું પારસીઓએ કર્યા હતા? કે પછી પરગ્રહવાસી એલિયને બૉમ્બવિસ્ફોટ કર્યા હતા? આ ન્યાય નથી, ન્યાયનું કાસળ છે. એટલે જ સ્પેશ્યલ અદાલતે NIAનું નાક કાપ્યું છે અને આદેશ આપ્યો છે કે ફરી તપાસ કરે.

દસ વર્ષે ફેરતપાસ થશે. એ પણ ઈમાનદારીપૂર્વક નથી થવાની એની ખાતરી રાખજો. શું આવું હોય હિન્દુ રાષ્ટ્ર?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 30 જૂન 2016

http://www.gujaratimidday.com/features/columns/malegaon-blast-2

Loading

...102030...3,5383,5393,5403,541...3,5503,5603,570...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved