Opinion Magazine
Number of visits: 9768837
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાહવું એટલે?

અંકિત દેસાઈ|Opinion - Opinion|19 January 2017

ગયા મંગળવારે [10 જાન્યુઆરી 2017] ’ટેક ઈટ ઓર લીવ ઈટ’માં મેં ઈચ્છા વ્યક્ત કરેલી કે, હિમાંશી શેલતનાં મારાં પ્રિય બે પુસ્તકો ‘વિક્ટર’ અને ‘પ્લેટફોર્મ નંબર ચાર’ વિશે કંઈક લખવું છે. તો ચાલો, આજે ‘વિક્ટર’થી આપણી વાત માંડીએ.

‘ગુર્જર ગ્રંથ કાર્યાલય’ દ્વારા પ્રકાશિત ‘વિક્ટર’ની પહેલી આવૃત્તિ વર્ષ 1999મા આવેલી. હજુ ગયા અઠવાડિયે જ હિમાંશી શેલતના ‘સર્જકોત્સવ’ દરમિયાન મેં એ પુસ્તકની ફરી ત્રણેક કોપી લીધી, જેમાં પુનઃમુદ્રણ કે બીજી કે ત્રીજી આવૃત્તિ બાબતની કોઈ નવી માહિતીનો ઉલ્લેખ જોવા મળ્યો નથી એટલે હાલ પૂરતું આપણે એમ માની લેવાનું કે, વાચક તરીકે આપણો ટેસ્ટ જરા જુદો છે! અને જો કદાચ એવું બન્યું હોય કે, મારી પાસે પુસ્તકની જૂની કોપીઓ આવી હોય તો એને ઓચ્છવની વાત ગણવાની!

આપણી ભાષામાં ‘વિક્ટર’ એ હિમાંશી શેલતની યુનિક સ્મરણકથા છે. યુનિક એ સંદર્ભે કે, એમાં હિમાંશી શેલતે પ્રાણીઓ સાથેનાં એમનાં સ્મરણો રજૂ કર્યાં છે. હિમાંશી શેલત અને વિનોદ મેઘાણી વલસાડ ‘સખ્ય’માં રહેવા આવેલાં ત્યારે એમને ત્યાં વિક્ટર નામના બ્રાઉન લેબ્રા બ્રિડના શ્વાનનો સાથ મળેલો અને અકાળે અવસાન પામેલા એ શ્વાનના નામે જ એમણે આ સ્મરણકથાનું નામ પણ રાખેલું. જો કે ‘વિક્ટર’માં વિક્ટર ઉપરાંત સુરતના ઘરનો લિયો નામનો આલ્સેિશયન શ્વાન, વિક્ટર બાદ ‘સખ્ય’માં આવેલો લેબ્રા સોનું કે લાલિયા નામના એક સ્ટ્રીટ ડોગની વાત તો ખરી જ, પરંતુ બાબુરાવ નામે એક વાનર અને શ્યામલ, પારકો કે નાનકો જેવા માર્જારો વિશેની વાતો પણ એમાં અત્યંત લાગણીસભરતાથી આલેખવામાં આવી છે. વિક્ટર તો ઘણાં વર્ષો પહેલાં પ્રકાશિત થયેલી, પણ જે મિત્રોએ હિમાંશી શેલતની આત્મકથા ‘મુક્તિ વૃત્તાંત’ વાંચી હશે એમને એ પણ ખ્યાલ હશે કે, હિમાંશીબહેને એમાં શ્યામ સુંદર નામના એક કોબ્રા નાગની વાત પણ ખુદ રસપ્રદ રીતે વર્ણવી છે. આ યાદી લંબાવવાનો આશય માત્ર એટલો જ કે, વાચકોને ખ્યાલ આવે કે, આ સર્જકના વહાલનો વિસ્તાર ક્યાં સુધીનો છે!

ખૈર, ‘વિક્ટર’માં દર્શાવાયેલા કિસ્સા અને વાતોમાંથી પસાર થઈએ એ પહેલા હિમાંશી શેલતે પુસ્તકમાં ‘ચાહવું એટલે …’ નામે લખેલી પ્રસ્તાવનામાંથી પસાર થવું પડે, જેમાં સર્જકે કેટલીક વાતો અત્યંત ચોટદાર રીતે આલેખી છે, જે વાંચીને આપણામાં જરા સરખી સંવેદના હોય તો આપણે જ આપણી જાતને કઠેરામાં ઊભી કરી દઈએ કે, આસપાસમાં વસતાં-જીવતાં જીવોથી છેક આંખ આડા કાન કરી લેવાના?

પ્રસ્તાવનામાં સર્જક સૌથી પહેલા લખે છેઃ ‘પ્રાણીઓને જોઉં છું કે મારી આંખોનો રંગ બદલાઈ જાય છે એની મને ખબર છે. મરતી જતી માણસાઈને વર્ણવતા અખબારી સમાચારો અને સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા મોટા લોકના ગોબરા અહેવાલો વાંચીવાંચીને, ચોમેર ખદબદતાં સ્વાર્થ, ઉદાસીનતા અને કાવાદાવાની અરાજકતા જોઈજોઈને ચમક અને ઉલ્લાસ ખોઈ બેઠેલી આ આંખોમાં રંગો રેલાવા માંડે છે.’

હિમાંશી શેલતના જીવન સંદર્ભે વાત કરીએ તો એમને માણસો કરતાં પ્રાણીઓ સાથે વધુ ફાવ્યું છે અથવા એમ કહી શકાય કે, પ્રાણીઓની હૂંફ, એમનો બિનશરતી પ્રેમ અને આપણામાં ભરોસો મૂકવા સદૈવ તૈયાર એ આંખોના ભોળપણે એમને સતત પ્રાણીઓ તરફ આકર્ષયાં છે. આ પ્રસ્તાવનામાં જ એમણે કબૂલ્યું છે, ‘માનવમૈત્રીમાં હું લગભગ પાછી પડી છું એમ કહેવાય. સાવ ઓછા – આંગળીને વેઢે ગણું તો વેઢાયે વધી પડે એટલા ઓછા – મૈત્રીસંબંધો છે. જે મોકળાશ મેં પ્રાણીઓ સાથેના સંબંધમાં અનુભવી છે એની વાત જ નોખી છે. મને પાકી ખબર તો નથી, કારણ કે એવી સ્થિતિ કદી ઉદ્દભવી નથી, તો યે મને ઘણી વાર એવું લાગ્યું છે કે મારી આસપાસ માણસો નહીં હોય તો ચલાવી લઈશ, પણ પ્રાણીઓ વિના મને નહીં ગોઠે. ક્યારેક વિચારું છું કે પાસે કોઈ પ્રાણી ન હોય તો મને કંઈક અતિ મહત્ત્વનું ખૂટે છે એવી લાગણી કેમ રહ્યા કરે છે?’

પ્રાણીઓ સાથે મૈત્રી કેળવાતી હોય ત્યારે માણસને થોડા બંધનો અથવા જવાબદારીઓ પણ આવતાં હોય છે, જેને સ્ટ્રીક્ટલી ફૉલો કરવું પડતું હોય છે, નહીંતર પ્રાણીઓની વલે થતી હોય છે. આ લખનારને ત્યાં બિલાડી, માછલીઓ અને એક્વેરિયમ ટર્ટલ્સ ઘરના સભ્યો બનીને રહે છે, ત્યારે દિવસમાં ત્રણેક વખત એમને ખવડાવવાથી માંડી એમને સ્વચ્છ પાણી પ્રોવાઈડ કરવાની જવાબદારી કે, અત્યંત મનસ્વી બિલાડીના મળ દૂર કરવાથી લઈ ત્રણેક દિવસના અંતરે એને એના પોટ્ટી ટબમાં નવી રેતી આણી આપવા સુધીની જવાબદારીઓ આપણે માથે રહેતી હોય છે. આ તો ઠીક ક્યારેક એમને કંઈ વાગી જાય ત્યારે કે એમની નાની-મોટી માંદગીમાં એમની ચાકરી કરવા જેવી જવાબદારીઓ પણ એના કેર-ટેકરના શિરે રહેતી હોય છે. પરંતુ પ્રાણીઓની આપણા પ્રત્યેની ચાહતની તીવ્રતા એટલી ગાઢ હોય કે, આવી નાનીમોટી જવાબદારીઓ ગણતરીમાં સુદ્ધાં નથી આવતી!

જો કે હિમાંશી શેલતના ઘરે તો કંઈ બે કે ત્રણ નહીં, પણ જુદા જુદા કૂળનાં પ્રાણીઓ હંમેશને માટે આશરો લઈને રહે. આગળ કહ્યું એમ એ યાદીમાં ચાર-પાંચ બિલાડીઓ, ઘરે રાખેલો સારી બ્રિડનો શ્વાન, પાંચ-છ સ્ટ્રીટ ડોગ્સ, આસપાસ ઝાડ પાસે ફરતી ખિસકોલીઓ કે વિવિધ પક્ષીઓની રોજિંદી આવનજાવન રહે. આટલાં બધાં મહેમાનો એકસાથે ઘરે આવતાં હોય ત્યારે એમની સરભરા કરવાનું કામ કંઈ સહેલું નહીં. વળી પાછું એ બધાંને કંઈ એકબીજાં સાથે ફાવે નહીં. નાનીમોટી વાતે ડખો થાય તો મહેમાનો એમનું મેનરિઝમ માળિયે ચઢાવીને રમખાણ મચાવી મૂકે! અને આ બધાં પાછા કંઈ ફોન કરીને કે સમય માગીને પણ નહીં આવે અને આવે ત્યારે યજમાન કેટલાં કામમાં છે કે પોતાના આગમનથી યજમાનને શું હાડમારીઓ થશે એની ય એમને ચિંતા ન થાય! ઘરે આવ્યાં એટલે એમને જોઈતું હોય એ દિલથી માગે અને હિમાંશીબહેન ગાંઠિયા, બિસ્કિટ, દૂધ, રોટલી કે પાણીની માગણી પૂરી કરે એટલે ‘ચાલો આવજો, ફરી મળીશું. ધન્યવાદ’ની ઔપચારિકતા કર્યા વિના પોતાની દિશામાં ડાળે પડે.

આવે ટાણે માણસની સ્વતંત્રતા છીનવાય, એની જવાબદારીઓ વધે કે એકાગ્રતાથી ચાલી રહેલાં કામમાં ખલેલ પડે એ સ્વાભાવિક વાત કહેવાય. આ બાબતે એમણે પ્રસ્તાવનામાં સ્પષ્ટતા કરી છે, ‘તટસ્થપણે જોઉં તો પ્રાણીનું નજીક હોવું બંધનરૂપ છે. એને મૂકીને બે કે ત્રણ દિવસથી વધારે બહારગામ જવાતું નથી, એને જોડે લઈ જવાનું ઉપાધીરૂપ છે, ગણતરીના દિવસો અનિવાર્ય કામ માટે બહાર ગાળવા પડે ત્યારે ય એને માટે પાકી વ્યવસ્થા કરવી પડે છે, જેને સોંપીને જઈએ એ વ્યક્તિ જોડે પ્રાણીનો મેળ કેવોક છે એનું ધ્યાન રાખવું પડે છે. ટૂંકમાં પ્રાણીના હોવાથી મારી સ્વતંત્રતા પર અવશ્ય કાપ મૂકાય છે. અને તો પણ એનું મારી નજીક હોવું મેં ખૂબ જરૂરી માન્યું છે.’

પ્રાણીઓ પ્રત્યેની આ ચાહતને કારણે જ હિમાંશી શેલતને અંગત રીતે માણસની નાલાયકી કે એની બેહૂદી હરકતોને કોઈ પ્રાણીઓ સાથે સરખાવે એ પસંદ નથી. ‘આ કૂતરા જેવો છે. કે ગઘેડા જેવું એનું વર્તન છે’ એવું કહેવાતું હોય ત્યારે હિમાંશીબહેન એ સાંખી નથી શકતાં. કારણ કે, તેઓ માને છે કે આ પૃથ્વી પર સૌથી વધુ ઉપદ્રવ આપણે માણસની જાતે જ ફેલાવ્યો છે. ‘મર્યાદાભંગ અને બીજી અવળચંડાઈ તો માણસને પક્ષે છે. જો કોઈ પ્રાણી સમજદારીભર્યું વર્તન કરે અથવા તો એમાં કંઈક ઉચ્ચ અને ઉમદા જોવા મળે તો એને (પ્રાણીને) ‘માણસ જેવું’ કહેવાને બદલે કંઈક અન્ય અભિવ્યક્તિ શોધવી રહી. સમજદારીભર્યા વર્તનનો માણસનો ઈજારો તો ક્યારનોયે પતી ગયો છે.’

આ તો જસ્ટ પ્રસ્તાવનાની વાત થઈ. હજુ તો બાબુરાવ, મેબલ, પારકો, વીકી અને સોનું જેવા અનેક મિત્રો તમારી સાથે ઓળખાણ કરવા ઉત્સાહમાં છે અને એટલે જ આવતા મંગળવાર સુધી રાહ નહીં જોવાય. એટલે વચ્ચે પણ એકાદ દિવસે આપણે ‘ટેક ઈટ ઓર લીવ ઈટ’ માણવું જ પડશે. તો મળીએ એકાદ સરપ્રાઈઝ લેખ સાથે.

ફીલ ઈટઃ

પ્રાણીઓથી ડરતા કે એમની ઉપેક્ષા કરતા, એમના તરફ ટાઢાબોળ રહેતા સમુદાય માટે આ સામગ્રી નથી. છતાં ખુલ્લું મન રાખી, કુંઠાઓ ફગાવી, એકાદ વાર મિત્રની નજરે પ્રાણીને જોવા જેવું ખરું. કોને ખબર એમ કરતાં વટલાઈ પણ જવાય!

અને પ્રાણીઓને હૈયું ભરીને ચાહતા, એમના સાન્નિધ્યે પૂરેપૂરા ખીલી ઉઠતા પેલા મુઠ્ઠીભર માણસોને તો ઉમેદથી એમ જ કહીશ કે May our Tribe Increase!

– ‘વિક્ટર’ની પ્રસ્તાવનામાં હિમાંશી શેલત

સૌજન્ય : https://khabarchhe.com/magazine/an-article-on-victor

Loading

ક્યાં ગયું તળાવ?

રમણીક અગ્રાવત|Poetry|18 January 2017

તમારા ગામમાં તળાવ હતું?
ક્યાં જતું રહ્યું છે એ?
બની શકે કે સામેના ઉકરડાઓના ઢગના ઢગ હેઠળ
એ ધરબાયેલું હોય.
પાદરની પેલી તરફની સોસાયટીમાં ક્યાંક
એ ભૂલું પડી ગયું હોય એમ પણ બને.
તલાટીના કબાટના કોઈક ખાનામાં થોથાંઓ હેઠ
સાવ સાફસૂથરું સચવાયેલું એ હશે નક્કી
હજી ગયા વરસે જ માટી કઢાવ્યાંનો રેકૉર્ડ છે
કે સરપંચની બહેનદીકરીનું દહેજ બની
કોઈ બીજે ગામ એ વસી ગયું હોય કદાચ બીજે રૂપે.
બની શકે કોઈ મોતિયાળી આંખમાં
કઠણ ક્ષાર થઈ એ સુકાઈ ચૂક્યું હોય
કે કોઈક સચવાયેલી આંખમાં અંદર ઊતરી
ભીનાશ જાળવવા હજીય મથતું હોય.

નર્મદાનગર, જિ. ભરૂચ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2017; પૃ. 09

Loading

ઓમ ધરતી પરનું લૂણ હતો

નસીરુદ્દિન શાહ|Opinion - Opinion|18 January 2017

મારા પ્રિય મિત્ર ઓમ પુરીનું મૃત્યુ થયું એ સાંભળીને હું અવાક થઈ ગયો હતો. હું મુંબઈની બહાર શૂટિંગ કરતો હતો. ઓમ અને હું સમાંતર સિનેમામાં લગભગ એકસમાન કારકિર્દી ધરાવતા હતા. તેણે ઘણી સિદ્ધિઓ મેળવી હતી, પણ મારાં હૃદયમાં ક્યારે ય તેના પ્રત્યે ઇર્ષા કે દ્વેષની લાગણી જન્મી નહોતી. તેને ‘ઇસ્ટ ઇઝ ઇસ્ટ’ (વર્ષ ૧૯૯૯માં બનેલી બ્રિટિશ કૉમેડી-ડ્રામાફિલ્મ, જેના લેખક અયુબ ખાન-દિન હતા અને નિર્દેશક ડેમિયન ઓ’ડોનીલ હતા. તેમાં ઓમ પુરીએ પાકિસ્તાનમાંથી બ્રિટનમાં સ્થાયી થયેલા ઝાહીદ જ્યૉર્જ ખાનની ભૂમિકા ભજવી હતી.) જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં ઘણી ભૂમિકાઓ ભજવવાની તક મળી હતી. હું માનતો હતો કે આ તકો મને મળવાની જરૂર હતી, પણ તેનાથી મને કોઈ દુઃખ થયું નહોતું. હકીકતમાં મારા મિત્રને આવી ભૂમિકાઓ મળી હતી, એનો આનંદ વધારે થયો હતો.

મૂળિયા સાથે જોડાયેલો સાચો માણસ

તેને પશ્ચિમમાં સારી સફળતા મળી હતી, જ્યારે તે મને ટોમ હાન્ક્‌સ કે સ્ટીવન સ્પિલબર્ગ સાથે કામ કરવા અંગે જણાવતો હતો, ત્યારે મને આનંદથી ભરી દેતો. તે ધરતી પરનું લૂણ હતો. આનાથી વધુ સારા શબ્દો કોઈ ન હોઈ શકે તેના વ્યક્તિત્વ માટે. તે સરળ, નિરભિમાની હતો. એ ક્યારે ય એનાં મૂળિયાં ભૂલ્યો નહોતો. સાચો માણસ હતો. સફળતા કે નિષ્ફળતાથી તે બદલાયો નહોતો. તે દંભી નહોતો, અભિમાની નહોતો.

ચિર નિદ્રામાં મુક્તિ

પણ તેની અંગત સમસ્યાઓએ તેને માનસિક અને શારીરિક રીતે તોડી નાંખ્યો હતો. મેં તેના અંગત જીવનમાં ક્યારે ય હસ્તક્ષેપ કર્યો નહોતો. હું જાણતો હતો કે છેલ્લાં થોડાં વર્ષોથી ઓમ ખરેખર મુશ્કેલીમાં હતો અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ પણ નહોતો. તેનું મૃત્યુ અચાનક થયું હતું, પણ તે સંપૂર્ણપણે અનપેક્ષિત હતું, એવું હું ન કહી શકું. હકીકતમાં મૃત્યુની ચિર નિદ્રામાં તે તમામ ઉપાધિઓમાંથી મુક્ત થઈ ગયો છે અને તેમાં તેણે સ્વીકારેલી ખરાબ ફિલ્મો પણ સામેલ છે. મારું માનવું છે કે તેણે ખરાબ ફિલ્મો આર્થિક કારણોસર સ્વીકારી હતી. ઓમે તમામ ટીકાનો સામનો સાહસ અને નિખાલસતા સાથે કર્યો હતો.

અમારી વચ્ચે ગાળો દઈ શકાય તેવો ઘનિષ્ઠ સંબંધ હતો

હું તેની સાથેની ઘનિષ્ઠતા વિશે વાત કરું, તો મને તેની સાથે આનંદ ન મળ્યો હોય, તેવી એક પણ ઘટના યાદ આવતી નથી. અમે એકબીજાની ઘણાં નજીક હતા અને એકબીજાને ખુલ્લાં દિલે મળતા હતા. ઓમે મારી કેટલીક ફિલ્મોમાં કેમિયો પણ કર્યો હતો, જેમ કે સાંઈ પરાંજપેની ‘સ્પર્શ’માં એક દૃશ્યમાં અભિનય કર્યો હતો. મેં તેને પૂછ્યું હતું કે આટલી નાની ભૂમિકાઓ ભજવવામાં તને મૂંઝવણ થતી નથી, ત્યારે તેણે મને ગાળો દીધી હતી. તેણે મને કહ્યું હતું કે, ‘અરે યાર, હું તારા માટે આ કામ કરતો નથી. પણ ફિલ્મની પટકથા મને પસંદ હોવાથી કામ કરું છું.’ અર્થપૂર્ણ સિનેમામાં તેને અતૂટ વિશ્વાસ હતો.

નામમાં શું રાખ્યું છે!

તેના માટે કોઈ ભૂમિકા નાની કે મોટી નહોતી. તેણે મારી કેટલીક ફિલ્મોમાં સહકલાકારની ભૂમિકા ભજવી હતી અને ગોવિંદ નિહલાનીની ‘આઘાત’, ‘અર્ધસત્ય’ અને ‘દ્રોહકાલ’માં તેના સહકલાકારની ભૂમિકા ભજવી મેં તેનો બદલો વાળી દીધો હતો. ઓમ મુખ્ય કલાકાર હતો. ગોધૂલી મુખ્ય કલાકાર તરીકે મારી શરૂઆતની ફિલ્મોમાંની એક ફિલ્મ હતી. તેમાં ઓમે નાની ભૂમિકા ભજવી હતી. તે સમયે એ પોતાનું નામ અઝદાક પુરી જણાવતો હતો. તેનું કારણ હતું. જ્યારે ઓમે ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો, ત્યારે ઓમ શિવપુરી અને ઓમ પુરીમાં ગરબડ થઈ જતી હતી. ઓમ મૂંઝવણમાં હતો. તે ગંભીરતાપૂર્વક તેનું નામ બદલીને ‘વિલોમ પુરી’ કે ‘અઝદાક પુરી’રાખવા વિચારતો હતો. મેં તેને ઓમ પુરી નામ જાળવી રાખવા જણાવ્યું હતું. કહ્યું હતું કે ‘એક દિવસ ઓમ શિવપુરીને ભૂલથી ઓમ પુરી સમજવામાં આવશે.’ અને એવું થયું હતું.

પુરીનો અવાજ

ઓમને ભૂલથી અમરિશ પુરીનો ભાઈ પણ સમજવામાં આવતો હતો, કારણ કે તે બંનેનો દેખાવ એકસરખો હતો. ઓમની એક વિશેષતા અમરિશજીના પહાડી અવાજની નકલ કરવાની હતી. એકવાર તેણે મને અમરિશ પુરીના અવાજમાં ફોન કર્યો અને તેમના અવાજમાં વાતો કરી હતી. હું તેને અમરિશ પુરી જ સમજી બેઠો હતો. થોડા સમય પછી તેણે મને કહ્યું કે, ‘અરે ****, હું ઓમ છું.’

‘અર્ધસત્ય’માં એક દૃશ્ય છે, જેમાં તે દારૂ પીધેલી હાલતમાં ફોન પર સ્મિતા પાટિલ સાથે વાત કરે છે. આપણે ઘટનામાં ઓમને જોતા નથી. પણ તેનું પાત્ર કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે એ આપણને જાણવા મળે છે. પછી મેં ઓમને પૂછ્યું હતું કે તેણે દૃશ્ય ભજવતાં અગાઉ એક-બે પેગ માર્યા હતા? તેણે ઇનકાર કર્યો હતો.

ગોવિંદ નિહલાનીને મોટી ખોટ પડી

મારા કરતાં ગોવિંદ નિહલાની વધારે તૂટી ગયા હશે. ગોવિંદે જ ઓમની અંદર ધરબાયેલી પ્રતિભાને ઓળખી હતી અને આક્રોશ પછી તમામ ફિલ્મોમાં તેને બહાર કાઢી હતી. મને યાદ છે કે આક્રોશ પછી ઓમે કુંદન શાહની કૉમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’માં કૉમેડી કરવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે બધા કહેતા હતા કે ઓમ ખોટી દિશામાં પ્રયાસ કરી રહ્યો છે. પણ મેં જોયું હતું કે મોલીરીના નાટકમાં મંચ પર ઓમ કેટલો મજેદાર અને રમૂજી લાગતો હતો! મારું માનવું છે કે ‘જાને ભી દો યારો’માં ઓમે પેટ પકડીને હસાવ્યાં હતાં.

ઓમ હંમેશાં યાદ આવશે

આજે હું ઓમના નિખાલસ હાસ્ય અને ઉદાર ભાવનાને યાદ કરું છું. હું તેના અંતિમસંસ્કારમાં સામેલ ન થઈ શક્યો, તેનું મને દુઃખ છે. હું શહેરની બહાર શૂટિંગ કરતો હતો, પણ મારી પત્ની અને પુત્રો ત્યાં હતાં. ખેર, હું ઓમને હંમેશાં યાદ કરીશ!

(સૌજન્યઃ ડી.એન.એ., સુભાષ કે. ઝા સાથેની મુલાકાત)

[અનુવાદ : કેયૂર કોટક]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2017; પૃ. 11

Loading

...102030...3,5363,5373,5383,539...3,5503,5603,570...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved