Opinion Magazine
Number of visits: 9456705
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશ્વપ્રજા ઊંધી દિશામાં કેમ જઈ રહી છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 November 2024

રમેશ ઓઝા

જે માણસને બબે વાર ઇન્પીંચ કરવામાં આવ્યો હોય, જે માણસ અદાલતમાં ગુનેગાર સાબિત થઈ ચુક્યો હોય (અમેરિકન અદાલત ૧૭મી સપ્ટેમ્બરે સજા સંભળાવવાની હતી, પણ કોઈ કારણસર જજે સજા સંભળાવવાનું ૨૬મી નવેમ્બર સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.) જે માણસે ખુલ્લેઆમ પોતાના સમર્થકોને ઉશ્કેરીને અમેરિકન લોકતંત્રના મંદિર સમાન કેપિટોલ હિલ પર હુમલો કરાવીને અમેરિકન લોકતંત્રનું અપમાન કર્યું હોય, જે માણસનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ ફૂહડ જેવો હોય, જે માણસના નેતૃત્વમાં કોવીડ મહામારીના મેનેજમેન્ટમાં અમેરિકાનું નાક કપાયું હોય અને દસ લાખ અમેરિકનોએ પ્રાણ ગુમાવ્યા હોય, જે માણસ સ્ત્રીઓ માટે હલકા વિચારો ધરાવતો હોય અને વ્યક્ત પણ કરતો હોય અને જે માણસને શાસક તરીકે અને માણસ તરીકે અમેરિકન પ્રજાએ દરેક રીતે અને સારી રીતે ઓળખી લીધો હોય, એ પછી પણ જો પ્રજા ૨૦૧૬ કરતાં વધુ ભવ્ય રીતે ચૂંટે ત્યારે એનો અર્થ એ જ થાય કે અમેરિકન નાગરિકોએ ડોનાલ્ડ ટ્રમ્પ નામના ઉમેદવારને પસંદ નથી કર્યો પણ, ટ્રમ્પ વિચારધારા, ટ્રમ્પ મૂલ્યો અને ટ્રમ્પ શૈલી પસંદ કરી છે. તેમને તે જોઈએ છે. લંડનથી પ્રકાશિત થતાં વિશ્વ પ્રતિષ્ઠિત અખબાર ‘ધ ગાર્ડિયને’ ટ્રમ્પઘટનાને “This is an exceptionally bleak and frightening moment for the United States and the world” તરીકે ઓળખાવી છે, પણ અમેરિકન નાગરિકોને તેમ નથી લાગતું.

ડોનાલ્ડ ટ્રમ્પને સાર્વત્રિક વિજય મળ્યો છે. અમેરિકાનાં ૫૦ રાજ્યો વોટીંગ પેટર્નની દૃષ્ટિએ ત્રણ વર્ગમાં વહેંચાયેલા છે. કેટલાંક રાજ્યોમાં બહુમતી મતદાતાઓ રિપબ્લિક પક્ષના સમર્થકો છે તો કેટલાંક રાજ્યોમાં ડેમોક્રેટિક પક્ષનું સમર્થન કરનારા મતદાતાઓ બહુમતીમાં છે. સાત રાજ્યો એવાં છે જ્યાં ચૂંટણીએ ચૂંટણીએ મતદાતાઓ પોતાનો મત બદલતા રહે છે. એ રાજ્યોને સ્વીંગ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રમ્પે સ્વીંગ સ્ટેટ તો ઠીક, ડેમોક્રેટિક પાર્ટીનું વર્ચસ્વ ધરાવનારા રાજ્યોમાં પણ વિજય મેળવ્યો છે. અમેરિકન બંધારણ વિચિત્ર છે. તેમાં દરેક રાજ્યને તેની વસ્તીના આધારે કોલેજિયમ (જે તે રાજ્યનાં મતની સંખ્યા) ફાળવવામાં આવી છે. જેમ કે ફ્લોરીડા નામનાં રાજ્ય પાસે ૩૦ કોલેજિયમ છે. હવે જો ટ્રમ્પને ૫૦.૧ ટકા મત મળ્યા હોય અને તેનાં પ્રતિસ્પર્ધી કમલા હેરિસને ૪૯.૯૯ ટકા મત મળ્યા હોય તો ટ્રમ્પને ફ્લોરીડાના ૧૬ કોલેજિયમ મત ન મળે, પણ ત્રીસે ત્રીસ મત મળે. આ રીતે અમેરિકાના કુલ ૫૩૮ કોલેજિયમ મતમાંથી ટ્રમ્પને ૩૧૨ અને કમલા હેરિસને ૨૨૬ મત મળ્યા છે. અમેરિકન ચૂંટણીની ખાસ વિશેષતાને કારણે ઘણીવાર એવું બને છે કે પોપ્યુલર વોટ(કુલ મેળવેલા મત)માં સરસાઈ હોવા છતાં તે ઉમેદવારનો પરાજય થાય અને ઓછા મત મેળવાનારા ઉમેદવારનો વિજય થાય. ૨૦૧૬ની સાલમાં આવું જ બન્યું હતું. હિલેરી ક્લીન્ટનને ટ્રમ્પ કરતાં ૨૯ લાખ મત વધુ મળ્યા હતા અને છતાં ટ્રમ્પનો વિજય થયો હતો. પણ આ વખતે ટ્રમ્પની એક સરખી અને સાર્વત્રિક સરસાઈ છે. પોપ્યુલર વોટમાં પણ ટ્રમ્પ કમલા હેરિસ કરતાં ૪૬ લાખ મત વધુ મળ્યા છે. આ સિવાય હાઉસ ઑફ કૉંગ્રેસમાં અને સેનેટમાં પણ ટ્રમ્પનો વિજય થયો છે.

ડૉનાલ્ડ ટૃમ્પ

૨૦૧૬ કરતાં પણ વધુ ભવ્ય અને સાર્વત્રિક વિજય. આગળ કહ્યું એમ ટ્રમ્પને માણસ તરીકે અને શાસક તરીકે અમેરિકન પ્રજા જાણતી હોવા છતાં પણ અમેરિકન પ્રજાએ વિજય અપાવ્યો. અમેરિકન પ્રજાએ ટ્રમ્પ વિચારધારા, ટ્રમ્પ મૂલ્યો અને ટ્રમ્પ શૈલી પસંદ કરી છે. તેને સ્વીકૃતિ આપી છે. અને આવું માત્ર અમેરિકામાં નથી બની રહ્યું, જગત આખાના લોકશાહી દેશોમાં બની રહ્યું છે. પ્રજા માણસાઈનો તેના દરેક અર્થમાં અસ્વીકાર કરી રહી છે અને સ્વાર્થનો મહિમા કરી રહી છે. તેમને એવી વ્યવસ્થા જોઈએ છે જે માત્ર પોતાનાં (એટલે કે ખાસ વગ ધરાવનારી પ્રજાવિશેષનાં) હિત માટે કામ કરે. વ્યાપક હિત ગયું ભાડમાં. જો એમ ન હોય તો ડોનાલ્ડ ટ્રમ્પ જેવો આવડત વિનાનો અને લોફર કહી શકાય એવો માણસ પહેલાં કરતાં પણ વધારે સ્વીકાર પામે? ‘ગાર્ડિયન’ અખબાર કહે છે એમ જો આ વિશ્વસમાજ માટે frightening moment છે તો આત્મનિરીક્ષણ માટેની પણ પળ છે. માનવીય મૂલ્યોમાં અફર શ્રદ્ધા ધરાવનારા માનવતાવાદીઓએ વિચારવું જોઈએ કે વિશ્વપ્રજા ઊંધી દિશામાં કેમ જઈ રહી છે?

આનાં અનેક કારણો છે અને અનેક પરિબળો છે, પણ સૌથી મોટું કારણ એ છે કે જગતે જે વિકાસનું મોડેલ અપનાવ્યું છે એ હવે પરિણામ આપતું અટકી ગયું છે. વિકાસની યાત્રા થંભી ગઈ છે. બીજી બાજુ આધુનિક લોકતાંત્રિક રાજ્યોએ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના લોકોને ખૂબ બધા અધિકારો આપ્યા છે અને તેને બંધારણમાં સુરક્ષિત પણ કરી આપ્યા છે. ત્રીજું, વૈશ્વિકરણને કારણે જગત નાનું અને કોસ્મોપોલિટન બની ગયું છે. સ્થળાંતર અને વસાહતીકરણ ૨૦મી સદીની તુલનામાં અનેક ગણું વધી ગયું છે. અને ચોથું જગતમાં એવા કેટલાક નાગાઈ કરનારા દેશો છે જેને નૈતિકતા અને મર્યાદા સાથે કોઈ લેવાદેવા નથી. એક તો વિકાસ અટકી ગયો અને એમાં આપણા દેશમાં આવીને વસનારા અજાણ્યા સાથે ભાગ પડાવવાનો. આપણે માનવીય અને બંધારણીય એમ બને પ્રકારની મર્યાદામાં જીવવાનું અને ચીન, રશિયા જેવા નાગાઓને ભયોભયો. આને કારણે લોકોની અંદર પ્રતિક્રિયા પેદા થઈ રહી છે અને નાગરિકો લોકતાંત્રિક અને માનવીય મૂલ્યો ફગાવતા થયા છે. લાંબે ગાળે આમાં તેમને નુકસાન થવાનું છે એ નક્કી વાત છે, પણ અત્યારે લોકો સાંભળવાના મૂડમાં નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે વસાહતીઓના પ્રશ્નને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. તેઓ અમેરિકાના સ્વાર્થની વાત કરતા હતા અને બાકીની બધી મહાન વાતોની ઠેકડી ઉડાડતા હતા. બીજી બાજુ કમલા હેરિસ અધિકારો, લોકશાહી મૂલ્યો, માનવીય મૂલ્યો વગેરેની વાત કરતાં હતાં. એક બાજુ રોકડો અને અને ઊઘાડો સ્વાર્થ અને બીજી બાજુ આદર્શવાળની શાબ્દિક રંગોળીઓ. શબ્દિક રંગોળી કહેવા પાછળનું કારણ એ છે કે અમેરિકાનું બાયડન વહીવટીતંત્ર ઇઝરાયેલને વારવામાં નિષ્ફળ નીવડ્યું છે અને તેને મદદ કરી રહ્યું છે. જો કથની અને કરણીમાં ફરક હોય અને મૂલ્યો એક વરખ માત્ર હોય તો ઉઘાડી ભાષામાં આપણા સ્વાર્થની વાત કરવામાં શા માટે શરમાવું જોઈએ? ટ્રમ્પ વિચાર, ટ્રમ્પ મૂલ્યો અને ટ્રમ્પ શૈલી આ છે.

ભારતને આમાં લાભ થશે કે નુકસાન એની ચર્ચા થવી સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદીએ ઉત્સાહમાં આવીને અભિનન્દન આપ્યાં એનું કારણ એ નથી કે ભારતને ફાયદો થવાનો છે, પણ એનું કારણ એ છે કે તેમને ફાયદો થવાનો છે. ભારતમાં લોકશાહીનું હનન કરવા માટે અને તાનાશાહી આચરણ કરવા માટે હવે અમેરિકાનો ઠપકો નહીં સાંભળવો પડે. કોઈ નુક્તેચીનીઓ નહીં થાય અને કોઈ ભારતનો કાન નહીં આમળે. ભારતની વાત કરીએ તો અમેરિકામાં વસતા અને અમેરિકા જવા માગતા ભારતીયોને નુકસાન થવાનું છે. ટ્રમ્પ ભારતથી કરવામાં આવતી આયાતને નિયંત્રિત કરવાનો પણ પ્રયાસ કરશે. તેમણે તો ચૂંટણી પ્રચારમાં ભારત સાથેના અસમાન વ્યાપારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અમેરિકન પેદાશ પર ભારતની ટેરીફ પોલીસીની ટીકા કરી હતી. આમ ભારતે બહુ ખુશ થવા જેવું નથી. નરેન્દ્ર મોદી ખુશ થાય એ તો સ્વાભાવિક છે. જો કે નરેન્દ્ર મોદી સામે પણ એક જોખમ તો છે જ. ડોનાલ્ડ ટ્રમ્પ બેશરમ અને આખાબોલો માણસ છે. એ કાંઈ પણ બોલી-કરી શકે છે. ચીને ભારતની ભૂમિ કબજે કરી છે એને કારણે નરેન્દ્ર મોદી બહુ નર્વસ છે એમ તેમણે ૨૦૨૦માં જાહેરમાં કહ્યું હતું. આખરે તો નાદાન કી દોસ્તી!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 નવેમ્બર 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—263

દીપક મહેતા|Opinion - Opinion|16 November 2024

દોરાબજીને જમશેદજીની છેલ્લી શીખ : હું ગયા વેરે તમે ધંધાને ઉપર લઈ જઈ સકો નહિ, તો બી નીચે પરવા નહિ દેતા

ઇન્ડિયન રેલવે બોર્ડના ચેરમેન સર ફ્રેડરિક એપકોટ તેમની ઓફિસમાં બેઠા છે. એક મિત્ર અમલદાર તેમને મળવા આવે છે. વાતવાતમાં કહે છે : ‘તમને ખબર પડ્યા છે કે નહિ?’ 

‘શું?’

‘આ દેશી લોક હિન્દુસ્તાનમાં સ્ટીલ બનાવવાનું કારખાનું શરૂ કરવાના છે.’

‘ગઈ કાલે રાતે તેં જરા વધુ પી લીધી લાગે છે. આ દેસના લોક એક પેન્સિલ બી બનાવી સકતા નથી. આપરા ગ્રેટ બ્રિટનથી મગાવીને વાપરે છે. એ વલી સ્ટીલ બનાવવાનાં સપનાં જુએ! અને ટુ બી એ વાત સાચી માની લે!’

‘હું બી નહિ માનતે. પન આ સપનું જોનાર છે દોરાબજી તાતા, સર જમશેદજી તાતાના નબીરા.’

‘તો તો ચાલ! લાગી સરત. જો આ દેશમાં કોઈ બી માઈનો લાલ સ્ટીલ બનાવે તો ઇન્ડિયન રેલવેને જેટલું સ્ટીલ જોઈએ તે બધ્ધું એવનની ફેક્ટરીમાંથી જ ખરીદસ.’

*

આય સ્ટીલ બનાવવાનું કામ તો પછીથી સુરુ થિયું, પન એનું સપનું તો જોયું હુતું સપનાના સોદાગર જમશેદજીએ. છેક ૧૮૮૨માં એક જર્મન નિષ્ણાતનો રિપોર્ટ જમશેદજીના જોવામાં આવિયો. તેમાં જનાવેલું કે લોહારા ગામ (આજના મહારાષ્ટ્રમાં આવેલું) અને તેની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં આયર્ન ઓર છે જેનો ઔદ્યોગિક રીતે લાભ લઈ શકાય. જમશેદજીએ તરત ચકરડાં ઘુમાવ્યાં. વાત તો સાચી હતી. પણ ખાટલે મોટ્ટી ખોડ એ હુતી કે ત્યાં આસપાસમાં ક્યાં ય કોલસાની ખાન નહોતી. અને પોલાદ બનાવવા માટે તો કોલસાની મોટા પ્રમાણમાં જરૂર પડે. એટલે વાત અટકી.

સર જમશેદજી તાતાએ સેક્રેટરી ઓફ સ્ટેટને લખેલો પત્ર

૧૮૯૯માં મેજર મોહનનો રિપોર્ટ જોવામાં આવ્યો. જો હિન્દુસ્તાનને આગળ લાવવવું હોય તો તેને માટે આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રી અનિવાર્ય છે એમ તેમાં જણાવ્યું હુતું. ફરી જમશેદજીએ કોશિશો કરી, પણ કિસ્મતે યારી આપી નહિ. પણ પછી ૧૯૦૦માં ગ્રેટ બ્રિટનની મુલાકાત દરમ્યાન જમશેદજી સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ જ્યોર્જ હેમિલ્ટનને મળ્યા. ઘણી વાતો થઈ તેમાં હિન્દુસ્તાનમાં પોલાદ ઉદ્યોગ વહેલી તકે સુરુ કરવાની હિમાયત જમશેદજીએ કીધી, જે લોર્ડ સાહેબે સ્વીકારી. હિન્દુસ્તાન પાછા આવ્યા પછી જમશેદજીએ તેમને કાગળ લખીને જે વાત થયેલી તે પાક્કી કરી લીધી. હવે આ કામ શુરુ થઈ શકશે એમ જમશેદજીને લાગ્યું. પણ હજી કાચા લોખંડની ખાણોની શોધ તો ચાલુ જ હતી. 

પ્રમથ નાથ બોઝ અને તેમણે જમશેદજી તાતાને લખેલો પત્ર

પણ એ દિશામાં પણ અણધારી મદદ મળી ગઈ, ૧૯૦૪માં. પ્રમથ નાથ બોઝ (૧૮૫૫-૧૯૩૪) નામના એક જાણીતા ભૂસ્તરશાસ્ત્રીએ જમશેદજીને કાગળ લખી જનાવિયું કે મયૂરભંજ (એ વખતે દેશી રાજ્ય હતું) વિસ્તારમાં બહુ મોટા પ્રમાણમાં આયર્ન ઓર મળવાની પૂરેપૂરી શક્યતા છે. એટલું જ નહિ, આ વિસ્તારમાં કોલસા અને ચૂનાની ખાણો પણ આવેલી છે. અને જો અહીં સ્ટીલ ઇન્ડસ્ટ્રી સુરૂ કરવામાં આવે તો મયૂરભંજના રાજવી પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે. જમશેદજીને લાગ્યું કે હવે હિન્દુસ્તાનમાં સ્ટીલ ઉદ્યોગ સુરુ કરવાનું સપનું સાચું પડવામાં થોડી જ વાર છે.

પન ખોદાયજીએ તો કૈંક જૂદું જ વિચારી રાખ્યું હુતું. જમશેદજી જેટલું કામ કરતા હતા તેનાથી જાસ્તી ખાતા હુતા, અને જેટલું ખાતા હુતા તેનાથી જાસ્તી કામ કરતા હુતા. દારૂને હાથ બી નહિ લગારતા. પન જાતજાતનું ખાવાના ભારે શોખીન. એટલે શરીર ખોટકાવા લાગ્યું. એ જમાનાના સારામાં સારા ડોકટરોએ જે વારે હાથ હેઠા મૂકિયા તે વારે એવનને ટ્રીટમેન્ટ માટે પરદેસ લઈ જવાની નક્કી થિયું. પન જમશેદજી માને નહિ. કહે કે મુને કંઈ બી થયું નથી જે. થોરા દિવસમાં સારું થઈ જસે. કઝીન ‘આર.ડી.’ જમશેદજીનો ખાસ લાડકો. એવને યુક્તિ કરી. કહે કે હું માંદો છેઉ અને સારવાર માટે પરદેસ જવું પરે તેમ છે. પણ તમે સાથે આવો તો જ હું જાવસ, નહિતર નહિ. એટલે જમશેદજી તૈયાર થયા. સુએઝ પહોંચ્યા પછી બરાબર છ કલાક પછી આર.ડી. બોલીયા કે મારી તબિયત તો રાતી રાયન જેવી છે. અને એ જ વારે પાછા હિન્દુસ્તાન આવવા નીકલી ગિયા! 

ઇટાલીના વિયેનાના એક જાણીતા ડોક્ટર નોથન્ગેલને તબિયત બતાવવાનું નક્કી થિયું હુતું. પન ડોકટરે સંદેશો મોકલ્યો કે અત્યારે અહીં પુષ્કળ ઠંડી છે જે તમારે માટે સારી નથી. થોડા દિવસ પછી હું સાન રેમો જવાનો છું તો તમે ત્યાં આવીને મને મળો. એટલે જમશેદજી, દોરાબજી અને એમની પત્ની, બધાં સાન રેમો જવા નીકલિયાં. એ જ વખતે મુંબઈમાં જમશેદજીનાં ધનીયાની બેહસ્તનશીન થીયાં તેના સમાચાર મલતાં બધાં ઘન્નાં જ ગમગીન થીયાં, પન જમશેદજીએ પોતે ઘન્ની ધીરજ બતાવી. એપ્રિલની સુરુઆતમાં બધાં સાન રેમો પહોચ્યાં. સારવાર સુરુ થઈ. એક દિવસ સુધારો લાગે, તો બીજે દિવસે બગારો. 

વનસ્પતિશાસ્ત્રી સર જ્યોર્જ કિંગ

જમશેદજી જે હોટેલમાં ઊતર્યા હુતા એ જ હોટેલમાં વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી સર જ્યોર્જ કિંગ પણ ઉતર્યા હતા. બંને સરસાહેબ મળ્યા. બંનેએ જાતજાતનાં ઝારપાન, તેનો ઉછેર, તેની ખાસિયતો, વગેરે વિષે એક કલાક વેર ચર્ચા કરી. પછીથી સર જ્યોર્જ કિંગે દોરાબજીને કહ્યું કે હું તો વ્યવસાયી વનસ્પતિશાસ્ત્રી છું. પણ આજે એકાદ કલાકમાં હું તમારા બાવા પાસેથી ઘન્નું  નવું શીખ્યો! આટલી બધી જાણકારી એવને ક્યારે અને કઈ રીતે મેળવી હશે!

સાન રેમોથી જમશેદજી અને દોરાબજી વિએના ગયા. ડો. રો પણ ત્યાં આવીને તેમને મળ્યા. ત્યાં કાગજ બનાવનારી એક મિલનો માલિક જમશેદજીને મળવા આવ્યો. અગાઉ સ્વદેશી મિલ માટે તેની પાસેથી જમશેદજીએ થોરો કાગજ ખરીદેલો. પન પેલો કહે કે તમારી બધી કંપની માટેનો પેપર મારી પાસેથી ખરીદો. હું તમને સારો ડિસકાઉન્ટ આપસ. દોરાબજી કહે કે અગાઉ અમે તમારી પાસેથી જે કાગજ ખરીદેલો તે ઊતરતી ક્વોલીટીનો હતો, અને છતાં મોંઘો હતો. પણ પેલો એકનો બે થાય નહિ. એટલે જમશેદજીએ તેને સમજાવ્યું કે કાગળ બનાવવાની સાચી રીત શી છે, તેમાં કઈ કઈ જનસ કેટલા પ્રમાણમાં નાખવી જોઈએ, કાગળ બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, વગેરે, વગેર, વગેરે. કાગળ બનાવવાની આખી પ્રોસેસ અંગેની જમશેદજીની આવી જાણકારી જોઈ પેલો તો ડઘાઈ જ ગયો, અને કાગળ ખરીદવા અંગે એક અક્ષર પણ બોલ્યા વગર ત્યાંથી ઊભી પૂંછડીએ નાઠો. 

એક વાર જમશેદજી અને દોરાબજી એકલા બેઠા હતા. ત્યારે જમશેદજી કહે: ‘જો બેટા! મેં ઘન્ની મેનત કરી આપરા ધંધા વિકસાવ્યા છે. હું ગયા વેરે તમે એને ઉપર લઈ જી સકો નહિ, તો બી નીચે પરવા નહિ દેતા. પછી તો જેવી પાક પરવરદીગારની મરજી! દીકરા સાથે વાતો કરતાં ઘન્ની વાર જમશેદજી એવનના નવસારીના ઘેરને, ત્યાંનાં સગાંવહાલાંને યાદ કરતા. 

પન પછે ૧૭મી મેએ જમશેદજીની તબિયત એકદમ બગરી. દોરાબજી અને એવનની ઘરવાલી બીજે ગામ ગયેલાં, તે તાબડતોબ ૧૮મી તારીખે પાછાં આવી ગિયાં. તેમની સાથે વાત કરતાં જમશેદજી બોલ્યા : ‘મને મોતની બીક મુદ્દલ નથી. આજે નઈ તો કાલે એ આવસે એ તો નક્કી જ છે. હું નહિ હોવસ ત્યારે તમે બધાં હસીખુશીથી, સંપીને સાથે રહેજો.’ અને ૧૯મી મેની રાતે પોઢેલા હુતા તે વારે જ જમશેદજી ખોદાયજીને પ્યારા થઈ ગિયા. 

તેમના ગુજર્યા પછી તેમનું સ્ટીલ પ્લાન્ટ નાખવાનું સપનું કઈ રીતે પૂરું થિયું તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 16 નવેમ્બર 2024 

Loading

પ્રેમ અને શ્રદ્ધાનો શાશ્વત દીપ – ગુલઝાર અને તેમની ‘મીરાં’

સોનલ પરીખ|Opinion - Opinion|16 November 2024

મીરાંને મંદિરમાં ‘મને ચાકર રાખો જી’ ગાતી સાંભળીને પસાર થતા સંત રઈદાસ થંભી જાય છે, ‘બેટી, બડા પ્રેમ, બડી શ્રદ્ધા હૈ તુમ્હારી આવાઝ મેં. બૈરાગનોં કા દર્દ હૈ, સુહાગનોં કા રસ હૈ. હરપલ મિલતી હો, હરપલ બિછડતી હો. જૈસા મેલ હૈ, વૈસા હી વિરહ …’ અને પછી પોતાનો એકતારો મીરાંના હાથમાં મૂકે છે, ‘લે, આની સાથે ગાજે.’

દિવાળી નજીક છે ત્યારે પ્રેમ અને શ્રદ્ધાની શાશ્વત શગ સમી મીરાંને યાદ કરવાનું મન થાય છે – દંતકથાની મીરાં નહીં ગુલઝારની ‘મીરાં’ ફિલ્મની મીરાં. સંત અને ભક્ત તરીકેના તેના આધ્યાત્મિક પાસાને જરા પણ ઝાંખું પડવા દીધા વગર ગુલઝારે તેને વધુ માનવીય, વધુ ઐતિહાસિક, ઓછી ચમત્કારિક, પોતાના સમયથી આગળ અને મુક્ત આત્માનું પ્રતીક બતાવી છે. જો કે અનેક ઉમદા ફિલ્મોની જેમ બૉક્સ ઓફિસે ‘મીરાં’ની સરિયામ ઉપેક્ષા કરી છે; પણ પરિસ્થિતિથી ઉપર ઊઠતી અને સ્વત્વ સાથે સમાધાન ન કરવા માગતી મીરાંનો સંઘર્ષ કોઈક રીતે આપણા બધાનો પણ છે.

‘મીરાં’ 1979માં બની. ગુલઝારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘આ ફિલ્મ બનાવવાનું એક કારણ એ પણ હતું કે 1981ની સાલ વિમેન્સ લિબરેટેડ યર હતી અને હું મીરાંને આપણા દેશની “મોસ્ટ લિબરેટેડ વુમન” ગણું છું. તેનામાં ભારોભાર આત્મગૌરવ હતું. તે જ્ઞાની હતી, બુદ્ધિશાળી હતી, કવયિત્રી હતી અને તેણે તેના પતિનો ધર્મ સ્વીકાર્યો ન હતો.’ મીરાંનું પિયર કૃષ્ણને માનતું, સાસરું શિવને.

સંશોધન આદર્યું ત્યારે ગુલઝારને ખ્યાલ આવ્યો કે માત્ર 400 વર્ષ પહેલા થઈ ગઈ હોવા છતાં મીરાં વિષે જે કઈં મળે છે તે દંતકથાઓ છે, ઇતિહાસ નથી. એક તો એ મૌખિક ઇતિહાસનો યુગ અને એ ઇતિહાસ જ્યારે એક સ્ત્રીનો – એક ભક્ત, કવયિત્રી અને રાજરાણીનો હોય ત્યારે એ દંતકથા બની જવાનો સંભવ વધારે જ હોય છે. છેવટે એમને કર્નલ ટોડના ‘હિસ્ટ્રી ઑફ રાજસ્થાન’માંથી જોઈતા સંદર્ભો મળ્યા.

1480નો સમય છે. મેડતાના રાજા વીરમદેવની ભત્રીજી મીરાં (હેમા માલિની) ભગવાન કૃષ્ણને અત્યંત ચાહતી અને પતિ માનતી – મેરે તો ગિરિધર ગોપાલ. મોગલ સમ્રાટ અકબરની વધતી તાકાત સામે રાજપૂતોએ એક થવું જોઈશે એમ માનતા વીરમદેવ એક રાજકીય પગલા રૂપે મીરાંનાં લગ્ન રાણા ભોજરાજ (વિનોદ ખન્ના) સાથે કરે છે. મીરાં કહે છે કે હું કૃષ્ણને પરણી ચૂકી છું ત્યારે રાણાને પત્નીના ભોળપણ પર હસવું આવે છે. પણ દિવસો જતા જાય છે તેમ તે સમજતો જાય છે કે મીરાંનું જગત જ જુદું છે. ભોજરાજ પૂછે છે, ‘કૃષ્ણ કે સાથ તુમ્હારા કયા રિશ્તા હૈ?’ ત્યારે મીરાં કહે છે, ‘જૈસા સ્વામી કે સાથ હોના ચાહિયે’ ‘ઔર હમારે સાથ?’ ‘આપ તો મેરે રાણા હૈ’ બહુ સ્પષ્ટ છે મીરાં – રાણા સાથે તેને જોડતી રાજકીય અને સામાજિક કડીનો તે આદર કરશે, પણ પતિ તો કૃષ્ણને જ માનશે.

મીરાં કે રાણા બેમાંથી કોઈ એકબીજાને દુ:ખ દેવા માગતા નથી, બલકે પરસ્પરને સ્નેહથી જોનારાં છે. પણ ઘટનાઓ એવી રીતે બનતી આવે છે કે મીરાંને બહિષ્કૃત થવું પડે છે. તેના પર પત્ની અને કુલવધૂ તરીકેનો ધર્મ ચૂક્યાનો અને સમાજની મર્યાદાનો ભંગ કર્યાનો આરોપ મુકાય છે. ધર્મઅદાલત ‘મીરાં માફી માગે અને પતિનો ધર્મ સ્વીકારે તો ક્ષમા, અન્યથા મૃત્યુદંડ’ એવો નિર્ણય લે છે. મીરાં મૃત્યુદંડ સ્વીકારી વિષ પી લે છે અને મંદિરમાં જઈ કૃષ્ણ સાથે એકાકાર થઈ જાય છે.

ગુલઝાર

ખરી ખૂબી ફિલ્માંકનમાં છે. ગુલઝારની મીરાં જન્મજાત સંત નથી. એ વાસ્તવિક છે. રાજકન્યા મીરાં રાજરાણી બને છે, દુન્યવી બાબતોથી પર થતી જાય છે અને અંતે આત્મજ્ઞાનયુક્ત સંત બને છે. આ ગતિ ક્રમશ: છે. દરેક પગલે તેની શ્રદ્ધા વધુ ઊંડી, વિસ્તૃત અને પૂર્ણ બનતી જાય છે. મીરાંને મંદિરમાં ગાતી સાંભળીને પસાર થતા સંત રઈદાસ થંભી જાય છે, ‘બડા પ્રેમ, બડી શ્રદ્ધા હૈ તુમ્હારી આવાઝ મેં. બૈરાગનોં કા દર્દ હૈ, સુહાગનોં કા રસ હૈ. હરપલ મિલતી હો, હરપલ બિછડતી હો. જૈસા મેલ હૈ, વૈસા હી વિરહ …’ અને પછી પોતાનો એકતારો મીરાંના હાથમાં મૂકે છે, ‘લે, આની સાથે ગાજે.’ એ જ પળથી એકતારો મીરાંના અસ્તિત્વનો હિસ્સો બની જાય છે.

વારંવાર પોતાને મુશ્કેલ સ્થિતિમાં મૂકતી પત્નીને રાણા ચાહે છે, પણ સમજી શકતો નથી. ‘એની સામે જોઉં છું ને આંખ અંજાઈ જાય છે, દૃશ્ય ધૂંધળું થઈ જાય છે.’ પરંપરાથી અને રાજકુલની મર્યાદાથી બંધાયેલા રાણાની પીડાને, તેની અનિર્ણયાત્મકતાને મીરાં સમજે છે, પણ એ માટે કશું કરી શકતી નથી. આ આંતરવહેણ શબ્દોની ઝંઝટ વિનાનું છતાં અનુભવાય તેવું છે. એ વખતે વિનોદ ખન્ના ઓશોનો સંન્યાસી બની ચૂક્યો હતો અને ફિલ્મો છોડી અમેરિકા રજનીશપુરમ્‌ જવાની તૈયારીમાં હતો. રાણાની સ્થિતિ તે બરાબર સમજ્યો હતો અને મેલોડ્રામેટિક થયા વગર તેને અભિનયમાં ઉતારી શક્યો હતો. ભાનુ અથૈયાએ મીરાંના પરિવર્તનને ખૂલતાં રંગોથી શરૂ કરી પીળા, ભગવા, બેજ અને સફેદ રંગોમાં કલાત્મક રીતે બતાવ્યું હતું.

તાનસેન અને અકબર છૂપા વેશે મીરાંને સાંભળવા આવે છે. ભજન એ જ છે, જે તે તરુણાવસ્થામાં પણ ગાતી – મેરે તો ગિરિધર ગોપાલ – પણ હવે ‘અસુંવન જળ સીંચ સીંચ પ્રેમબેલ બોઈ, અબ તો બેલ ફૈલ ગઈ, આનંદફલ હોઈ’ની ભૂમિકા છે. વિરહ-મિલન, પીડા-પ્રસન્નતા એક થઈ ગયાં છે. તાનસેન મીરાંના ભજનમાં સાથ પુરાવે છે ત્યારે મીરાં કહે છે, ‘આ પ્રેમ અને પ્રાર્થનાભર્યા કંઠને તમે બાદશાહના દરબારમાં કેદ થવા દીધો?’ તાનસેન જવાબ આપે છે, ‘કેદ? દરબારમાં સ્થાન આપીને બાદશાહે તો મારું માન વધાર્યું છે.’ મીરાં કહે છે, ‘માન ઔર બઢ જાતા અગર બાદશાહ અપને દરબારસે નિકલકર આપ કી પ્રાર્થના મેં શામિલ હો જાતા.’ મીરાંનું સંગીત પંડિત રવિશંકરે આપ્યું હતું અને આ પદ ગાઈ વાણી જયરામે ઍવોર્ડ મેળવ્યો હતો.

ધર્મઅદાલતના કુલગુરુ અને મીરાંના સંવાદો જુઓ :

‘મીરાં, ક્યા તુમને અપને પતિ કા ધર્મ સ્વીકાર કરને સે ઇનકાર કિયા?’

‘મ્હારો ધર્મ તો એક હી સાંચો, ભવસાગર સંસાર સબ કાચો.’

‘ક્યા તુમ સ્વીકાર કરતી હો કિ રાજકુંવર ભોજરાજ કે સિવા ભી તુમ્હારા કોઈ ઔર પતિ હૈ?’

‘જાકે સિર મોર-મુકટ મેરો પતિ સોઈ.’

‘તો અદાલત યે માન લે કિ તુમ્હારે એક નહીં દો પતિ હૈ?’

‘મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ.’

‘જો પરિવાર તુમ્હે ઝિંદા રખતા હૈ ઔર જિસ સમાજ મેં તુમ રહતી હો, ક્યા ઉસકે નિયમ તુમ્હારે લિયે કોઈ મહત્ત્વ નહીં રખતે?’

‘આજ, ઇસ પલ, મૈં અપને પરિવાર ઔર આપકે સમાજ દોનોં કા પરિત્યાગ કરતી હૂં.’

‘અપને અપરાધ કા દંડ જાનતી હો?’

‘મેરા દંડ ક્યા હોગા યે આપ ભી જાનતે હૈ, મૈં ભી જાનતી હૂં. મૈં આપકો અપની હત્યા કે પાપ સે મુક્ત કરતી હૂં.’

રાણા મીરાંને માફી માંગી લેવાનું કહે છે ત્યારે મીરાં કહે છે, ‘હું મારા સત્યના યુદ્ધ પર જાઉં છું. યુદ્ધમાં જતા હોય તેને પાછળથી સાદ ન કરાય.’

આમ વાર્તા કૃષ્ણભક્તિની છે, સાથે પોતાના સત્ય માટે પરંપરા અને સમાજ સામે યુદ્ધ કરતી અને પોતાની નિયતિને, પોતાની એકલતા અને સભરતાને ખુદ સર્જતી સ્ત્રીની પણ છે. વિષપાન પછી મીરાં જેમાં તેનો આત્મા વસતો એ જૂના મંદિર તરફ જાય છે, આખું ગામ તેની સાથે ચાલી રહ્યું છે પણ મીરાંનું દર્દ એમાનું કોઈ જાણી શક્યું નથી. દર્દની પણ એક ભવ્ય રેન્જ હોય છે, એને સમજવાનું ભાગ્યે જ કોઈનું ગજું હોય છે. ડિકશનરીમાં દર્દનો એક અર્થ પ્રેમ પણ છે. એના નામનો પણ એક દીપ આ દિવાળીએ પ્રગટાવીએ …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 ઑક્ટોબર  2024

Loading

...102030...352353354355...360370380...

Search by

Opinion

  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved