Opinion Magazine
Number of visits: 9552354
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત ભૂમિ સમન્વયની ભૂમિ

વિનોબા|Opinion - Opinion|20 July 2016

वसंत इन्नु रंत्यो ग्रीष्म इन्नु रंत्य:

वर्षाण्यनु शरदो हेमंत: शिशिर इन्नु रंत्य:।

‘સામવેદ’માં ઋષિ ગાય છે – વસંત રમણીય છે, ગ્રીષ્મ રમણીય છે, વર્ષા-શરદ-હેમંત-શિશિર રમણીય છે. વેદનો આ મંત્ર એટલો સહેલો છે કે નાનું બાળક પણ તેને મોઢે કરી શકે છે. ત્યારે આપણે તો આ મંત્ર મોઢે કરી જ લેવો રહ્યો. પરમેશ્વરની પેદા કરેલી આ બધી ઋતુઓ સુંદર, રમણીય અને સહુ કોઈને સુખ દેનારી છે. આ રીતે બધી ઋતુઓ અનુકૂળ છે, એમ કહેનારો જ ભગવાનનો સાચો ભક્ત છે. ‘જે હરિ કરશે, તે મમ હિતનું’ – એવી ભક્તની અવિચલ નિષ્ઠા છે. પરમેશ્વરની નિર્માણ કરેલી આ ઋતુ અનુકૂળ છે. મારા માટે કોઈ પણ ઋતુ પ્રતિકૂળ ન હોઈ શકે. મારે ઋતુને અનુકૂળ બનવાનું છે.

સૃષ્ટિમાં આ જે વિવિધતા છે, તે ભેદ નથી, તે તો સૌંદર્ય છે, વૈભવ છે. એક જ ચન્દ્ર, પરંતુ તેનાં કેટલાં રૂપ! એટલે જ સ્તો કવિને અનેરી પ્રેરણા આપે છે. એક જ સમુદ્ર, પણ એમાં દરેક ક્ષણે નવી લહર ઊઠે છે અને શમે છે. એવી જ રીતે એકત્વના ચૈતન્ય સમુદ્રમાં જે લહેરો ઊઠે છે, તે વિવિધતાનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો છે, પ્રકારો છે. આ વિવિધતાને કારણે એકત્વ દ્રઢ અને રુચિકર બને છે. સમુદ્રને જોતાં માણસ ક્યારે ય ઊબાઈ જતો નથી કેમ કે તેનામાં વિવિધતા છે, નિત્યનૂતનતા છે. સામવેદના ઋષિ ‘વસંત રમણીય છે, ગ્રીષ્મ રમણીય છે …..’ કહીને વિવિધ ઋતુઓની રમણીયતા ગાય છે. પ્રત્યેક ઋતુની પોતાની અલગ અલગ રમણીયતા છે. તે વિવિધ રમણીયતાનો આનંદ લૂંટવાની કળા માણસે આત્મસાત કરવી જોઈએ એવો આ મંત્રનો સંદેશ છે.

અથર્વવેદનું આવું જ એક સૂક્ત છે. તેમાં પૃથ્વીનું વર્ણન કર્યું છે – नानाधर्माणां पृथिवीં विवाचसम्‌। આનો ભાવાર્થ છે : ‘હે પૃથ્વી માતા, તું અનેક ધર્મોથી સંપન્ન છે, અનેક ભાવોથી સંપન્ન છે, તારામાં ભિન્ન ભિન્ન વાણીઓ છે – એવી તું અમારા લોકોની માતા છે, તું અમારા ઉપર પ્રસન્ન થા!’ ‘નાનાધર્માણામ્‌' એટલે હિન્દુ-મુસ્લિમ ઇત્યાદિ આજના જુદા જુદા ધર્મોની ભાવના નથી, પરંતુ તે વખતે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ ચાલતી હશે, અનેક પ્રકૃતિના લોકો હશે એમની વાત છે. અને ‘વિવાચસમ્‌’ એટલે વિવિધ ભાષાઓ બોલનારા લોકો હશે. યાને આ વૈદિક ભૂમિમાં વેદકાળથી જ અનેક પ્રવૃત્તિઓ, પ્રકૃતિઓ, ધર્મો, ભાષાઓ વગેરેનો સમન્વય કરવામાં આવ્યો છે. વળી, વિચારમાં સહેજે ય સંકુચિતતા નથી. નામ પણ ભારતનું નથી લીધું, પૃથ્વીનું લીધું છે – ‘પૃથિવીં વિવાચસમ્‌’. આ ભૂમિના વિચારવાન અને જ્ઞાની લોકોએ ક્યારે ય પોતાના-પરાયાનો ભેદ નથી રાખ્યો, પૃથ્વીની જ વાત કરી છે.  ‘માતા ભૂમિ: પુત્રો અહં પૃથિવ્યા:’ – આ સમસ્ત ભૂમિ મારી માતા છે અને હું આ ભૂમિનો પુત્ર છું. કેટલું પ્રાણવાન વાક્ય છે! આ જે ભારત ભૂમિ છે, તે સમસ્ત પૃથ્વીનું એક દર્શન છે. સમસ્ત પૃથ્વી માટે જે વાત વૈદિક ઋષિએ કહી છે તે ભારત ભૂમિને ય એટલી જ લાગુ પડે છે. ‘ભારત’ એટલે સહુ કોઈનું ભરણ કરનારો, એ જ આ ભારત ભૂમિનો મહિમા છે. જે સમસ્ત પૃથ્વીનો વૈભવ છે, તે થોડામાં ભારત ભૂમિને પણ પ્રાપ્ત છે. આ રીતે ભારતની દરેક વાત પાછળ વૈદિક પૃષ્ઠભૂમિ છે કેમ કે તેમાંથી જ આખી ભારતીય સંસ્કૃિત નિર્માણ થઈ છે.

આપણી આ ભારતભૂમિ પ્રેમની અને સમન્વયની ભૂમિ છે. બધી જમાતોને આ ભૂમિએ સ્થાન આપ્યું છે. એટલું જ નહીં, બલકે પ્રેમથી નોતરી છે, આવકારી છે. ભારભૂમિ એક સર્વધર્મી સંમેલન છે. વ્યાપક, વિશાળ, સર્વ સમાવેશક. અહીં સમન્વયની પ્રક્રિયા સતત ચાલુ રહી છે. દુનિયાભરની માધુરીનું સંમેલન અહીં થયું છે, અને તેને લીધે જ દુનિયા આખી ભારત પાસે આશા રાખે છે. ત્રણ હજાર વર્ષ પહેલાં મનુએ લખી રાખ્યું છે – ‘એતદ્દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્રજન્મન:. સ્વં સ્વં ચરિત્રંશિક્ષેરન્‌ પૃથિવ્યાં સર્વ માનવા:’ − આ દેશમાં પેદા થયેલ ઉત્તમ પુરુષો પાસેથી દુનિયાના બધા લોકો પોતપોતાનું ચરિત્ર કેવું હોવું જોઈએ તેનું શિક્ષણ મેળવશે. એટલે કે દુનિયા આખી માટે ભારતનું આચરણ આવું ઉદાહરણ રૂપ બનશે એવી અપેક્ષા મનુ વ્યક્ત કરી ગયા. ભારતીય સંસ્કૃિતએ મનુની આ અપેક્ષા પૂરી કરવાની છે. અહીંની સમન્વયની પ્રક્રિયા આખા વિશ્વમાં ફેલાવવાની છે. આપણા લોકોની હૃદય-શુદ્ધિ પર તેની ગતિ નિર્ભર છે.

સહુને સમાવી લેવામાં, આત્મસાત્‌ કરવામાં, સહુનું સામંજસ્ય કરવામાં બહુરસતાનો આનંદ મળે છે અને એકરસતાની શક્તિ પણ. ભારતીય સંસ્કૃિતએ અનેકવિધ વિવિધતાઓને પચાવી લીધી છે. આપણે ત્યાં આ જે અનેક જાતિઓ દેખાય છે, તે એક રીતે જોઈએ તો ભારતીય સંસ્કૃિતનો ગુણ છે, ભારતીય સંસ્કૃિતની સમન્વય-પ્રક્રિયાનું અનિવાર્ય પરિણામ છે કેમ કે અહીં ભિન્ન ભિન્ન પ્રદેશના લોકો આવ્યા, ભિન્ન ભિન્ન સંસ્કાર લઈને આવ્યા. એમની સાથે લડવા- ઝઘડવાને બદલે ભારતે કોઈ ને કોઈ રીતે એમની વ્યવસ્થા કરી. બહારના લોકોને પોતાના સમાજમાં સમાવતા જ ગયા, સમાવતા જ ગયા. તે લોકોની અલગ અલગ જાતિઓ રહી, એટલે કે ખીચડી બની, પણ એકરસ ખીચડી બની. તે બધાને એકરસ કરવાની, આત્મસાત્‌ કરવાની પ્રક્રિયા સતત ચાલતી રહી. આ રીતે બિલકુલ અલગ અલગ જાતિઓને એકત્ર કરવાનું જે કામ થયું, તે બહુ મોટું કામ થયું, બહુ સારું કામ થયું. આજે હવે આ જાતિભેદ આપણે તદ્દન ભૂંસી નાખવો છે એ ખરું. ખરું જોતાં તો એક ભવ્ય એવી સમન્વયની પ્રક્રિયાનું જ આ એક નિવારી ન શકાય એવું પરિણામ છે. આપણે હવે આજના જમાનાને અનુરુપ આ જાતિભેદને નિર્મૂળ કરવાનો છે. પૂર્વજોનાં જ કામને હજી આગળ વધારવાનું છે. ભારતીય સંસ્કૃિતની વિશેષતાને ધ્યાનમાં રાખીને આ કરવાનું છે. એ ભૂલવાનું નથી કે અનેકાનેક સંસ્કૃિતઓને પચાવતાં પચાવતાં આપણી આ ભારતીય સંસ્કૃિત પાંગરી છે. ભારતીય સંસ્કૃિતની શાન છે તેની સહિષ્ણુતામાં, સહિષ્ણુતાપૂર્વક સહુને પોતાનામાં સમાવતા રહેવામાં અને સામંજસ્યપૂર્વક વિવિધતામાં એકતા સાધતા રહેવામાં.

હમણાં હમણાં ‘કો-એક્ઝિસ્ટન્સ’ – સહ અસ્તિત્વની બહુ વાત થાય છે ને? એટલે કે ભિન્ન ભિન્ન સંસ્કૃિતના લોકો એક સાથે જીવે, એમનું સહજીવન ચાલે, કોઈની જીવનપદ્ધતિનું બીજા કોઈની જીવનપદ્ધતિ ઉપર આક્રમણ ન થાય. આપણે ત્યાંની અનેક જાતિઓનું ઉદ્દગમ સ્થાન જોવા જઈએ તો તે આ સહ અસ્તિત્વની મથામણમાં જ મળશે. આચરણની દ્રષ્ટિએ બિલકુલ એકબીજાની વિરુદ્ધ આચાર-વિચાર ધરાવનારાનોય સમાવેશ લગભગ દરેક ગામે કરી લીધો. ક્યાંક ક્યાંક જુદાં જુદાં ગામ જ વસાવી લીધાં, તો ક્યાંક એક જ ગામમાં ભિન્ન ભિન્ન ફળિયાં બનાવી દીધાં. આજે જોવા જઈએ તો આ બધું સંકુચિત લાગે, જાતિભેદનું વરવું રૂપ લાગે. પરંતુ સેંકડો-હજારો વરસ પહેલાંના જમાનાનો ખ્યાલ કરીએ તો ધ્યાનમાં આવશે કે ભારતીય સંસ્કૃિતની આ કેવડી મોટી સિદ્ધિ છે! બીજી સભ્યતાનું આપણા ઉપર આક્રમણ ન થાય, પ્રેમથી એકબીજાની નજીક આવતા જઈને, એકબીજાનાં દિલ જીતીને ‘એસિમિલેટ’ – એકરૂપ થતા જવાય એવી આ એક સજીવ પ્રક્રિયા છે. તેમાંથી જ આ જાતિભેદ આપણે ત્યાં રહ્યા છે. આજે હવે તે સાવ કાળબાહ્ય થઈ ગયા છે અને તેને તદ્દન નિર્મૂળ કરી નાખવાના છે. તે આપણી સંસ્કૃિતને બેહદ નુકસાન પહોંચાડી રહ્યા છે. આજે તો હવે સંપૂર્ણપણે એકરસ એવો સમાજ આપણે ઊભો કરવાનો છે. વિવિધતામાં એવી એકતા સિદ્ધ કરવામાં જ ભારતીય સંસ્કૃિતની વિશેષતા છે.

તાત્ત્વિક વિચારભેદ અને પાર વિનાના આચારભેદ સહન કરી લેવાની અદ્દભુત શક્તિ ભારતીય સંસ્કૃિતએ દાખવી છે. બ્રાહ્મણ-શૂદ્ર આદિ વર્ણ ભેદ, ગૃહસ્થાશ્રમ-બ્રહ્મચર્ય આદિ આશ્રમ ભેદ, શૈવ-વૈષ્ણવ આદિ દેવતા ભેદ, દ્વૈત-અદ્વૈત આદિ દર્શન ભેદ, કબીર-નાનક આદિ પંથ ભેદ, તીર્થ ક્ષેત્ર આદિ સ્થળ ભેદ એવા અનેકાનેક વિચારભેદ તેમ જ આચારભેદ પોતાનામાં સમાવી લઈને એક અનેરું સાંસ્કૃિતક ઐક્ય અહીં સાધવામાં આવ્યું છે. અહીંનો આખો જીવન વિકાસ જ સમન્વયની પ્રક્રિયાથી થયો છે. એ જ આપણી મુખ્ય શક્તિ છે. આને લીધે જ આપણી સંસ્કૃિત ઉત્તરોત્તર વિકસિત થતી ગઈ છે, સંપન્ન થતી ગઈ છે. સમન્વયનું તત્ત્વ ભારતીય સંસ્કૃિતમાં રોમેરોમમાં રસાયેલું છે. તેના પરિણામે સ્તો કન્યાકુમારીથી કાશ્મીર સુધી આખા દેશમાં એક જ સભ્યતા, એક જ સંસ્કાર, એક જ ભાવના વ્યાપેલી જણાય છે. આખા દેશનું પગપાળા પરિભ્રમણ કરતાં આ મેં મારી નજરોનજર જોયું છે, અનુભવ્યું છે.

આજે હવે એ સમજવાની જરૂર છે કે સમન્વયના આ તત્ત્વની આજે જેટલી જરૂર છે જેટલી ક્યારે ય નહોતી, કેમ કે આજે આ સમન્વયની પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો થયો છે. આ અગાઉ જે સમન્વય થયો તે અહીં જ પાંગરેલી વિચારધારાઓનો થયો. પરંતુ ત્યાર બાદ જે વિચારધારાઓ આવી તે અલગ સંસ્કૃિત લઈને આવી, અલગ ધર્મપ્રણાલીઓ લઈને આવી. તેમની વચ્ચે સમન્વય કરવો હજી બાકી છે. આપણે ઇસ્લામના સંપર્કમાં આવ્યા, ખ્રિસ્તી ધર્મના સંપર્કમાં આવ્યા. આ બધી વિવિધ સંસ્કૃિતઓનોયે સમન્વય થાય તો તે માત્ર આપણા દેશની દ્રષ્ટિએ જ નહીં, દુનિયા આખીની દ્રષ્ટિએ પણ અત્યંત જરૂરી છે. અને આવો સમન્વય જો આપણે ભારતમાં સાધી શકીશું, તો આખા વિશ્વમાંયે સાધી શકાશે. કેમ કે ભારત એ વિશ્વની જ પ્રતિકૃતિ છે. જેટલી વિવિધતા દુનિયામાં છે તેટલી ભારતમાં ય છે.

આપણે સમજવું જોઈએ કે આ આપણી ખામી નથી, ખૂબી છે. આપણે ત્યાં જે અનેક ધર્મો, પંથો, જાતિઓ વગેરે છે, તે આપણો વૈભવ છે. રવીન્દ્રનાથ ઠાકુરે આને માનવોનો એક મહાસાગર કહ્યો. સંગીતના સાત સ્વરો હોય છે. સાતે ય મળીને બહુ સુંદર સંગીત નીપજે છે. પણ એ જ સૂરો જો બેસૂરા થઈ જાય, એકરાગ ન રહે તો તેમાંથી વિસંવાદ જન્મે છે. તેમાં મજા નથી રહેતી. એવી જ રીતે માત્ર એક જ સ્વર હોય તો તેમાં ય મજા નથી. સ્વર તો વિવિધ હોવા જોઈએ અને તેમની વચ્ચે સંવાદ સધાવો જોઈએ. સંવાદ હશે, તો જ તેમાંથી મધુર મીઠું સંગીત નિપજશે. સંગીતમાં આ જે કળા છે, તે જ સમન્વયની પ્રક્રિયામાં છે. આ સમન્વયની પ્રક્રિયા હવે વિશાળ ફલક પર સાધવાની છે. ભારતમાં આપણે વૈદિક સંસ્કૃિતની અંતર્ગત જ નહીં, પણ બહારની આવેલી બધી સંસ્કૃિતઓ સાથેનોયે સમન્વય કરી બતાવવાનો છે. તેમાં જ ભારતીય સંસ્કૃિતની ખરી ખૂબી નીરખવાની છે. સહુની જુદી જુદી ખૂબીઓને ગ્રહણ કરી લઈને ભારતીય સંસ્કૃિતને આપણે વધુ પુષ્ટ બનાવવાની છે.

કોઈ એમ ન માને કે અહીં મુસલમાન, ખ્રિસ્તી અને બીજાઓ આવ્યા અને આપણે એમની ભિન્ન સંસ્કૃિતઓના સંપર્કમાં આવ્યા, તેને લીધે આપણને કે એમને નુકસાન થયું. બલકે મારું તો માનવું એમ છે કે આવો સંપર્ક થાય છે ત્યારે આરંભમાં કાઈક સંઘર્ષ, ખેંચાતાણી, ગેરસમજ વગેરે થાય છે. પરંતુ છેવટે તો આનાથી ભલું જ થાય છે અને જીવન કાઈક સમૃદ્ધ બને છે. આપણે જો એક જ ધર્મ, એક જ સંસ્કૃિત કે એક જ સભ્યતામાં ઉછરીએ છીએ તો બીજા ધર્મો, સંસ્કૃિતઓ અને સભ્યતાઓથી અળગા જ રહીએ છીએ અને તેથી કશુંક ગુમાવીએ છીએ. તેને લીધે આપણામાં કાઈક સંકુચિતતા પણ આવી જાય છે. આપણને આપણા દોષોનું ભાન નથી થતું. પરંતુ જ્યારે બીજી સંસ્કૃિત અને સભ્યતા સાથે આપણો સંપર્ક થાય છે, ત્યારે આપણને દોષ-નિરસન અને ગુણ-ગ્રહણનો ય મોકો મળે છે. અને તેને લીધે જીવન સમૃદ્ધ થાય છે અને વિચારો વ્યાપક બને છે. એટલે આવા સંસ્કૃિત-સંગમ તો બહુ જ ઉપકારક છે. તેથી આવા બૃહદ સાંસ્કૃિતક સમન્વય માટે આપણે અવશ્ય મથવું રહ્યું.

[સંકલિત]

સહયોગ : “ભૂમિપુત્ર”, 01 જૂન 2016; પૃ. 01-02 & 17

મુદ્રાંકન સૌજન્ય : આશાબહેન બૂચ

Loading

સ્માર્ટ સિટીની ઘેલછા પાછળ સહકારી ક્ષેત્રનો ભોગ

ગૌતમ ઠાકર, ગૌતમ ઠાકર|Samantar Gujarat - Samantar|19 July 2016

ગુજરાતમાં વિકાસ-ઘેલછા જગજાહેર છે, પરંતુ તેના થકી અવતરતા વિનાશથી સૌ એટલા જ અજાણ્યા છે. જમીન સંપાદન અઘરું થયું ત્યારે એસ.ઈ.ઝેડ. ઍક્ટ આવ્યો, એ પતે છે, ત્યારે એસ.આઈ.આર. ઍક્ટ આવ્યો, એમાં જરા ઢીલાશ થવા માંડી એટલે ટાઉનપ્લાનિંગ ઍક્ટનો આશરો લેવાવા માંડ્યો. પણ ગમે તેમ કરીને કોઈ પણ રીતે સરકારને જમીન જોઈએ છે. તેને કારણે સરકાર ખેતી, ખેડૂત અને ગામડાં વિરોધી છે તેવી માન્યતા વધુ ને વધુ દૃઢ થતી જાય છે.

સાથોસાથ જે તે વિસ્તારના નાગરિકો દ્વારા નવા-નવા કાયદાઓનો અને જમીન ખૂંચવી લેવાનો વિરોધ થતો રહ્યો છે. જૂનાગઢ, મોરબી-વાંકાનેર, નવસારી, બારડોલી શહેરી સત્તાવિકાસ મંડળ સામે ગામલોકો સહિત ખેડૂતોનો જમીન પડાવી લેવા સામે સખત વિરોધ થયો હતો. સ્માર્ટ સિટી બનાવવા માટે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાનાં જે ૨૨ ગામોને શહેરી વિકાસ કાયદા, ૧૯૭૬ની જોગવાઈઓ લાગુ કરીને તેને એસ.આઈ.આર.માં સમાવતા સ્થાનિક ખેડૂતો આજે પણ વિરોધ કરી રહ્યા છે. જમીન આંચકી લેવાની સામે લોકો અને ખેડૂતોનો આક્રોશ એ કારણસર પણ વધતો રહે છે કે, વિકાસ કાયમ ગરીબો, ખેડૂતો અને ગામડાં પાસે જ શા માટે ભોગ માંગે છે ?

સુરત જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી, કામરેજ, પલસાણા અને માંગરોળ તાલુકાનાં કુલ ૧૦૪ ગામોને સુડામાં એટલે કે સુરત અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીમાં સમાવી લેવામાં આવ્યાં છે, તેવું જાહેરનામું ૧૦-૫-૨૦૧૬ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. અગાઉ ૧૯૮૩માં જે ૯૫ ગામોને સત્તામંડળમાં સમાવવામાં આવ્યાં હતાં તેમનાં ઝોનિંગમાં પણ મોટે પાયે ફેરફારો કરવામાં આવ્યા. આમ, કુલ ૧૯૯ ગામોની ૧૦૨૪ ચોરસ કિલોમીટર એટલે કે ૧,૦૨,૪૦૦ હૅક્ટર વિસ્તારને સમાવી લેવામાં આવ્યો છે. અતિ ફળદ્રુપ જમીન ધરાવતા, સાથોસાથ ઉકાઈ અને કાકરાપાર સિંચાઈ યોજનાઓના ડાબા અને જમણા કાંઠાની નહેરોથી સિંચાઈ મેળવતાં આ ગામોમાં કેળાં, કપાસ, પપૈયાં, શેરડી, શાકભાજી જેવાં પાકો થાય છે.

આ વિસ્તારમાંથી રૂ. ૧૨૨૭.૭૮ કરોડની ખાંડ, ૨૫૨ કરોડનું દૂધ, ૧૭૧ કરોડના ચોખા અને ૧,૭૪૧ કરોડનાં શાકભાજીનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ વિસ્તારની સમગ્ર પ્રજા અને સહકારી ક્ષેત્ર એકબીજાં સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં છે, ઉપરાંત એકબીજાં પર આધારિત પણ છે. આ વિસ્તારને સુડામાં સમાવી લેવાનું આયોજન અમલમાં મુકાય તો અહીંના આખા સહકારી ક્ષેત્રનું અસ્તિત્વ જોખમાય તેવું છે. આ વિસ્તાર જેમને કાચો માલ પૂરો પાડે છે, તેવી કામરેજ, સાયણ , ચલથાણ, મરોલી, પંડવાઈ, વટારિયા, કોઠા અને બારડોલી જેવી સુગર ફૅક્ટરીઓનું ભાવિ પણ જોખમમાં મુકાય તેમ છે.

સરકાર સુરતને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે કટિબદ્ધ બની છે, ત્યારે તેણે વિચારવું જોઈએ કે હાલ સુરત શહેરની વસ્તી ૫૦,૦૦,૦૦૦થી વધુ છે. જો સુડામાં આ વિસ્તાર સમાવવામાં આવે, તોે સ્માર્ટ સિટીની વસ્તી એક કરોડથી વધી જાય તેમ છે. અગાઉ થયેલા વિસ્તરણમાં સમાવવામાં આવેલાં ગામડાંઓનો આજે ૩૦ વર્ષ પછી પણ સરકાર કોઈ ચોક્કસ વિકાસ કરી શકી નથી. પ્રજાને કોઈ પણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થઈ નથી. ૧૯૮૩માં સમાવેલાં ગામોમાં આજદિન સુધી પૂરતી માળખાકીય સુવિધા પણ ગોઠવાઈ નથી, ત્યારે કરોડ માનવીઓનું ભારણ સુરત શહેર ખમી શકશે ખરું?!

તાજેતરમાં સુરત જિલ્લામાં સુડા – ૨૦૧૫ ડ્રાફ્ટ-પ્લાનમાં ૧૦૪ જેટલાં ગામોનો સમાવેશ કરવાના નિર્ણયનો વિરોધ કરવા સમગ્ર ખેડૂત આલમ એક બૅનર હેઠળ એકઠું થયું હતું. ડ્રાફ્ટ-પ્લાનના વિરોધમાં ૯૦,૦૦૦ જેટલાં ગામડાંના લોકોએ મજબૂત ટેકો ખેડૂત-આગેવાનોને આપ્યો હતો. ખેડૂતોની માંગણી એવી છે કે, જો જમીનો સ્માર્ટ સિટીના નામે લેવાશે તો, હજારો ખેડૂતો અને ખેતમજૂર પરિવારોની રોજીરોટીનો સવાલ ઊભો થશે. આ વિસ્તારમાં ખેતીથી થતી વાર્ષિક આવક આશરે ૨,૦૦૦ કરોડની છે અને પશુપાલન થકી દૂધ સહિતની આવક પણ બંધ થવાની શક્યતાઓ છે. એક લાખ હૅક્ટર જમીન સંપાદિત કરીને વિકાસને નામે ખેડૂતનું મરણ નોતરવાની વાત કોઈને સ્વીકાર્ય નથી. ખેડૂતો કહી રહ્યા છે કે, અમે વિકાસના નહીં, વિકાસ અમારો વિરોધી છે …

સુરતમાં નીકળેલી ખેડૂતોની વિરોધી રેલીમાં ૧૫,૦૦૦થી વધુ ખેડૂતો, ૩૦૦થી વધુ ટ્રૅક્ટરો, ૫૦૦ જેટલી મોટરકાર, ૫૦૦ જેટલી બાઇકો જોડાયાં હતાં. અઢી કલાક સુધી ચાલેલી રેલીમાં સૂત્ર હતું, ‘જાન દેંગે પર જમીન નહીં’ અને ‘ગામનો વિનાશ બિલ્ડરનો વિકાસ’ જેવાં સૂત્રોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું આ રેલીમાં ખેડૂતોએ પોતાનો વિરોધ રજૂ કરતાં કહ્યું :

૧. સરકાર ઉપરથી સ્થાનિક જનતાને માથે પોતાની મરજી મુજબનો વિકાસ થોપી ના શકે. અહીં આખી પ્રક્રિયા બંધારણીય જોગવાઈઓથી વિરુદ્ધ વર્તીને થઈ રહી છે, તેથી આ જાહેરનામું રદ્દ થવું જોઈએ.

૨. ભારતની સંસદે ૭૩મા અને ૭૪મા બંધારણીય સુધારા દ્વારા જે કલમોનો ઉમેરો કર્યો છે, તે આજ સુધી ગુજરાત સરકારે લાગુ કર્યો નથી. સરકારે આ સુધારાના અમલીકરણ માટે સમય માંગ્યો છે, તેવા સંજોગોમાં આખી પ્રક્રિયાનું સ્વરૂપ હાલમાં અનિશ્ચિત લાગે છે. ખરેખર તો, નામદાર હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈતી હતી. ટૂંકમાં, બંધારણની ઉપરૉક્ત કલમમાં સુધારા બાદ અને જિલ્લા-આયોજન કમિટી ઍક્ટ ૨૧-૧-૨૦૧૬થી અમલમાં મુકાયા બાદ ટીપી ઍક્ટ મુજબ અર્બન ડેવલપમૅન્ટ ઑથોરિટી પાસે ડ્રાફ્ટ-પ્લાન રજૂ કરવાની સત્તા રહી નથી, જેથી આ ડ્રાફ્ટ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે, જેથી તેને રદ્દ કરવો જોઈએ. 

૩. આ આખી વિકાસયોજનાની જાહેરાતથી લઈને અત્યાર સુધીમાં જે ગામોનો એમાં સમાવેશ કરાયો એ ગામોના લોકોને, ગ્રામપંચાયતોને, ગ્રામસભાઓને, સરપંચોને, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લેવાયા નથી. ટૂંકમાં, લોકશાહી-પ્રક્રિયા થઈ જ નથી, તેથી આ જાહેરનામાનું કોઈ વજૂદ રહેતું નથી.

૪. જમીન કપાત થયા પછી નવી જગ્યાએ મળનાર ફાઇનલ પ્લૉટનું સ્થળ બદલાય છે, તેથી નહેરો, ખેતીનાં સાધનો, કૂવા, ઢાળિયા, ગમાણો, વગેરે નવી જગ્યાએ બદલી શકાતાં નથી, તેથી અનિચ્છાએ પણ પ્રજાએ ખેતી છોડવી પડે છે. આમ, આ આયોજન દેશમાં બેરોજગારોની સંખ્યામાં વધારો કરે છે. તેથી જ ખેડૂતો પોકારે છે … અમે વિકાસના નહીં વિકાસ અમારો વિરોધી છે.

૫. ખેડૂતોની જમીનો સુડામાં સમાવવામાં આવતાં, હવે તેમને ખેતી માટે મળનારા લાભો, ધિરાણ, સબસિડી, પ્રોત્સાહનો વગેરેથી ખેડૂતો વંચિત થશે. ઉપરાંત શહેરી વિસ્તારમાં તેમનો સમાવેશ થતાં મિલકતવેરો, વીજળીનાં બિલો વગેરે વધી જશે. તે ગરીબ ખેડૂતોને ખૂબ જ તકલીફ આપશે.

૬. આ આખું ય આયોજન અમલમાં મુકાય તો, અહીંનો પશુપાલનઉદ્યોગ મરી પરવારે અને તેને કારણે બહેનોને મોટું આર્થિક નુકસાન થાય તેમ છે.

તેથી ખેડૂતો કહી રહ્યા છે કે, આ તમામ વાંધાઓ પર ગંભીરતાપૂર્વક વિચાર કરી સરકાર આ બંધારણ વિરોધી વિકાસ-નકશો રદ્દ કરવો જોઈએ.

આ સરકાર ખેતીનો નાશ કરીને ઉદ્યોગકારોને ફાયદો કરાવે, એવી નીતિ અમલમાં મૂકી રહી છે, જેને કારણે સ્માર્ટ સિટીને નામે અનેક ગામો નામશેષ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ બધાં ગામોમાં રહેતાં પ્રજાજનો ખાસ કરીને ખેડૂતો-ખેતમજૂરો અને મહિલાઓને સૌથી વધુ અસર થવાની છે. આ સરકાર ખેતીને ખોટનો ધંધો બનાવી એક યા બીજા બહાને ખેડૂતોની જમીનો પડાવવા માંગે છે. જ્યાં એમ કરવામાં સફળતા મળતી નથી, ત્યાં શહેરી આયોજન અને વિકાસના નામે જમીનો પડાવી લેવા માંગે છે. સરકારની આ ખેડૂત અને ગામડાં વિરોધી માનસિકતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ખેડૂતોની માંગણી આખું આયોજન રદ્દ કરવાની છે, તેની સાથે સૂર પુરાવીને નિસબત ધરાવતાં નાગરિકો અને મંડળોએ ખેતી અને ગામડાંના હિતમાં સૌએ ભેગા થઈ વિરોધ કરવો જોઈએ, અને મેદાને પડેલા ખેડૂતોને – નાગરિકોને સાથસહકાર આપવો જોઈએ. આમ કરવામાં નહીં આવે તો, ભવિષ્યની પેઢી આજના સમાજને કદાપી માફ કરશે નહીં.

e.mail : gthaker1946@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 14-15

Loading

બનો

'કૃષ્ણાદિત્ય'|Poetry|19 July 2016

સંકુચિતતાને બને તેટલી સાંકડી કરો,
ઘટ્ટ કરો,
સંસ્કૃિત રક્ષણ કરો.
કહેવાય છે
સભ્યતા,
માનવીય સંવેદના,
સંસ્કૃિતશિખર પહોંચવાનું પ્રથમ સોપાન છે.
તો શું ?
સભ્ય બનો વા ના બનો,
સાંસ્કૃિતક બનો.
એક ગોળ ગુંબજ બનાવો,
જેમાં એક દીવાલ પાસે ઊભા રહી બોલાયેલો અવાજ
સામેની દીવાલ પાસે ઊભા હોય એમને જ સંભળાય,
વચ્ચે ઊભા રહી ટળવળતા લોકનો અવાજ ગુંબજમાં ઓસરી જાય.
વચલા ટોળાને ટાળી
દીવાલથી દીવાલ સુધીની તર્કથી તરબતર વાતો કરો.
બુદ્ધિમતાની છલૂડીમાં છલોછલ પાણી ભરો,
મનગમતા સરમુખત્યારોની સ્મૃિત સમક્ષ માથું નમાવીને ઊભા રહો.
વાવની દોઢીએ બાંધો
અસલીનકલી જે મળે,
અતિ આધુનિક પોષાકો પટ્ટા,
કૂમતાં ફેંટા, ખેસ, દુપટ્ટા,
બાંધો નાડી સાડી.
પોતપોતાની બાજુએ ખેંચો,
ખેંચો તમતમારા પૂર્વગ્રહોના પાદર તરફ.
પાણીની સવલતનું તે જે થવાનું હશે તે થશે,
વાવડીને એક ફેરા ચસકાવો.
બીજા બનાવે તે પહેલાં
જાતે બનાય તેટલું બનો.                   

બોસ્ટન, અમેરિકા

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 07

Loading

...102030...3,5233,5243,5253,526...3,5303,5403,550...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved