Opinion Magazine
Number of visits: 9767885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટાગોરના ‘તરંગી’ વાનગી પ્રયોગો

વિશાલ શાહ|Opinion - Opinion|24 May 2017

આમશોટ્ટો દૂધેય ફેલી

તાહાતેય કોડોલી ડોલી

શોંદેશ માખિયા દિયા તાહેય

હાપૂશ-હુપુશ શોબ્દો

ચરીદિક નિસ્તોબ્ધો

પીપરા કન્ડિયા જાયે પાતે …

ના, અહીં ગુજરાતી ફોન્ટમાં ગરબડ નથી થઈ ગઈ. તમે બરાબર જ વાંચી રહ્યા છો. રવીન્દ્રનાથ ટાગોરે બંગાળીમાં લખેલા આ કાવ્યમાં તેમના ભોજનપ્રેમની પ્રતિતી થાય છે. કવિવર કહેવા માગે છે કે, સુંવાળા સુંવાળા આમ પાપડ (કેરીનો રસ તડકે સૂકવીને બનાવેલા પાપડ) દૂધમાં નાંખો, થોડાં પોચાં પોચાં કેળાં પણ એમાં ઝબોળો અને પછી થોડું સોંદેશ (બંગાળી મીઠાઈ) પણ લઈ લો. એ પછીની નીરવ શાંતિમાં જઠરાગ્નિ ઠરી રહ્યો હોય એવો હાપૂશ-હુપુશ (એક પ્રકારનો અવાજ) અવાજ સંભળાશે. અરે, કીડીઓ પણ ખાલી વાસણો જોઈને તેમના માળામાં પાછી ફરશે અને આંસુડા સારશે.

'નિમંત્રણ' નામના અન્ય એક કાવ્યમાં પણ ટાગોરનો કેરી પ્રેમ છતો થાય છે. એ કાવ્યમાં ગુરુદેવ કહે છે કે, બીજું કશું ના હોય તો વાંસની ટોપલીમાં ગુલાબી ઝાંયવાળી થોડી કેરીઓ રેશમના રૂપેરી રૂમાલમાં લપેટીને લાવજો … આ કાવ્યોમાં ટાગોરના ભોજનપ્રેમની માત્ર નાનકડી ઝલક મળે છે. આજે ખૂબ ઓછા લોકો જાણે છે કે, ટાગોરે જીવનના ઉત્તરાર્ધના આશરે ચાળીસ વર્ષ સુધી જુદી જુદી વાનગીઓ બનાવવાના પ્રયોગો કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, બાળવયે જ લખવાનું શરૂ કરનારા ટાગોરે પહેલું કાવ્ય ભોજન વિશે જ લખ્યું હતું. સાહિત્ય અને સંગીતની જેમ તેઓ સ્વાદ-સુગંધના પણ જાણતલ અને માણતલ હતા. આજકાલ તો લોકો પોતાનાથી અલગ પ્રકારનો ખોરાક ખાનારા પ્રત્યે પણ સહિષ્ણુ નથી રહી શકતા, ત્યારે ટાગોર જેવા મહામેઘાવી વિશ્વમાનવના ‘સેક્યુલર’ ભોજન પ્રેમને ખાસ યાદ કરવો જોઈએ.

રવીન્દ્રનાથ ટાગોર

ટાગોર ૧૯૦૧માં ૪૦ વર્ષની વયે (આયુષ્ય કુલ ૮૦ વર્ષ) તેમના પિતાની માલિકીની શાંતિનિકેતન એસ્ટેટમાં રહેવા જતા રહ્યા હતા. આ એસ્ટેટને તેમણે આશ્રમમાં પરિવર્તિત કરી દીધી હતી. આ આશ્રમ સ્થાપતા પહેલાં ટાગોરે અગાધ વાંચન અને પ્રવાસ કરીને અન્ય ધર્મો, સમાજ, ગીતસંગીત, કળા-સંસ્કૃિત અને ભોજનની આદતોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ ખરા અર્થમાં વિશ્વ માનવ બની ચૂક્યા હતા. કદાચ એટલે જ ટાગોરને હોમ સિકનેસ જેવું કશું ન હતું. તેઓ નાનપણથી એક ઘરમાં લાંબો સમય સુધી રહ્યા ન હતા, કદાચ રહી શકતા જ ન હતા. શાંતિનિકેતનમાં પણ ટાગોરે અનેક ઘર અને કોટડીઓ બનાવી હતી. એ તમામ કોટડીમાં તેઓ વારાફરથી રહેવા જતા. આશ્ચર્યની વાત એ છે કે, ભોજનની બાબતમાં પણ ટાગોરે સતત આવા પ્રયોગો કર્યા હતા.

એક સમયે ટાગોરે શાંતિનિકેતનમાંફક્ત ઉકાળેલા ભાત અને માટીના વાસણમાં બાફેલા શાકભાજી ખાવાનું શરૂ કર્યું હતું, જેથી બીજા લોકોએ પણ પરાણે એ પ્રયોગ કરવો પડતો. મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમથી શાંતિનિકેતનમાં મહેમાન બનેલા કેટલાક સભ્યોએ ટાગોરને કહ્યું કે, લસણ પાચન માટે ખૂબ જ સારું છે. તો ગુરુદેવે સવાર-સાંજના ભોજન સાથે લસણની પેસ્ટ નાંખીને બનાવેલાં ભજિયાં ખાવાનું શરૂ કરી દીધું હતું. જીવનના એક તબક્કે ટાગોરને લાગ્યું કે, સૌથી ઉત્તમ આહાર તો બાફેલાં શાકભાજી જ છે. વળી, બંગાળીઓ ૧૫ જાતની જુદી જુદી વાનગી બનાવવા ઘણો બધો સમય બગાડે છે. એ રીતે પણ બાફેલું ખાઈ લેવું ઉત્તમ છે. આવો વિચાર કરીને ટાગોર મહિનાઓ સુધી બાફેલાં બટાકા, દૂધી, કોળું અને કારેલા પર લીંબુ નીચોવીને ખાઈ લેતા હતા.

ટાગોરે શાંતિનિકેતનમાં બનાવેલું (ક્લોકવાઈઝ) મૂળ ઘર ઉત્તરાયણ, પીળા રંગની દ્વિજ વિરામ કુટિર, ચીકણી માટીમાંથી બનાવેલી કુટિર શ્યામલી, સફેદ રંગનું ઘર ઉદયન અને વૃક્ષોની છાયામાં ઊભેલું પુનાસ્યા

ટાગોર વારંવાર રહેવાનું સ્થળ બદલતા તેનાથી પરિવારના બીજા સભ્યોને ખાસ તકલીફ નહોતી, પરંતુ તેમના જાતભાતની વાનગીઓ બનાવવાના પ્રયોગોથી શાંતિનિકેતનના બીજા સભ્યો રીતસર ચિંતિત રહેતા. થોડી રમૂજી બાબત એ પણ છે કે, ગુરુદેવ ખૂબ જ ઓછું ભોજન લેતા અને ચિત્રવિચિત્ર વાનગીઓ બનાવવાના પ્રયોગો કરાવીને બીજાને ખવડાવતા. આ ઉપરાંત તેઓ રસોઈ બનાવવાથી માંડીને વિવિધ વાનગીઓની ડાઇનિંગ ટેબલ પરની સજાવટનું એક કલાકાર જેવી બારીક દૃષ્ટિથી ધ્યાન રાખતા. તેઓ બધી જ વાનગીઓ આરસપહાણના સુંદર થાળી-વાટકામાં તૈયાર કરાવતા અને પછી જ ચીવટપૂર્વક પીરસવાનું શરૂ થતું. ગુરુદેવ ભોજન લેવામાં ઓછો રસ લેતા, પરંતુ રસોઈ બનવાથી માંડીને પીરસાય ત્યાં સુધીની બધી જ બાબતોની જાત-તપાસ કરતા.

એકવાર ટાગોર એવું જાણી લાવ્યા કે, લીમડાનાં પાંદડાંનો ગાળ્યા વિનાનો જ્યૂસ અને એરંડાના તેલમાં તળેલા પરાઠા શરીર, મગજ અને આત્મા માટે ઉત્તમ છે. થોડા દિવસ તેમણે આ પ્રયોગ પણ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, ટાગોર પરિવારની સ્ત્રીઓ પણ ગુરુદેવમાં ઊંડો વિશ્વાસ રાખી તેમના વાનગી પ્રયોગોમાં સાથ આપતી. ટાગોરના પત્ની મૃણાલિની દેવીના હસ્તે જેકફ્રૂટ યોગર્ટ કરી, દહીં માલપુઆ, સુરણની જલેબી, ફૂલગોબી સોંદેશ, પરવર-જિંઘાનું રાયતું તેમ જ મસ્ટર્ડ (સરસવ) પેસ્ટમાં રાંધેલા માંસ જેવી એક એકથી ચડિયાતી વાનગીઓ જન્મી હતી. બંગાળમાં દાયકાઓથી દરિયાઈ ખોરાક, સુરણ અને ખાંડથી ભરપૂર મીઠાઈઓ ભરપૂર ખવાય છે, જે તેની ભૂગોળ અને સાંસ્કૃિતક આદાનપ્રદાનને આભારી છે. શાંતિનિકેતનમાં મૃણાલિની દેવીનું અલાયદું રસોડું પણ હતું. ત્યાં તેઓ  જાતભાતના વાનગી પ્રયોગો કરતાં અને ટાગોરના તરંગી વિચારોનો પણ અમલ કરતા. એ સમયે સ્ત્રીઓમાં સ્વાદિષ્ટ રસોઈ બનાવવાની આવડત હોય તો એ ખૂબ મોટો ગુણ ગણાતો.

ટાગોરે ૧૮૮૬માં તેમના જેવા જ ભેજાબાજોની 'ખામ ખેયેલી સભા' એટલે કે 'તરંગી લોકોની ક્લબ' શરૂ કરી હતી. આ ક્લબના સભ્યોમાં વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝ, દેશબંધુ ચિત્તરંજન દાસ, સાહિત્યકાર શરદચંદ્ર ચટોપાધ્યાય, શાસ્ત્રીય ગાયક રાધિકાનાથ ગોસ્વામી અને બંગાળી કવિ-સંગીતકાર દ્વિજેન્દ્રલાલ રે જેવી હસ્તીઓનો સમાવેશ થતો. આ ક્લબની બેઠકમાં ખાણીપીણી સૌથી મહત્ત્વનો હિસ્સો રહેતો. આ દરમિયાન ભોજનની જવાબદારી મૃણાલિની દેવી સંભાળી લેતાં અને બધી જ વાનગીઓ આગવી તહેજીબથી પીરસાતી. આ દરમિયાન શાંતિનિકેતનના રસોડામાંથી કેટલાંક શાકભાજીની છાલ અને બિયામાંથી પણ સ્વાદિષ્ટ વાનગી બનાવવાના પ્રયોગો થયા હતા.

બોર્નવિટાની જાહેરખબરમાં ગુરુદેવ અને દસમી જુલાઈ, ૧૯૧૨ના રોજ ગીતાંજલિના પ્રકાશન વખતે ઈન્ડિયા સોસાયટી-લંડન દ્વારા આયોજિત પાર્ટીનું મેન્યૂ. આ મેન્યૂમાં વિસિચિયસ (બટાકામાંથી બનતો એક પ્રકારનો સૂપ), પ્રોન (જિંઘા) કોકટેલ, એગ્સ ફ્લોરેન્ટાઈન, કિચ લોરેઇન (ઓપન પેસ્ટ્રી જેવી નોનવેજ કેક),  ચિકન અ લા કિવ,  શેફર્ડ્સ પાઈ, ફોન્ડૂ, ફિશ વેરોનિક, રેટેટ્યૂલી (શાકભાજીનો વઘારેલો સલાડ), બ્લેક ફોરેસ્ટ રુલેડ અને એપલ સ્ટ્રુડેલ જેવી વાનગીઓનો ઉલ્લેખ છે.

શાંતિનિકેતનમાં આવ્યા પછી ટાગોરે અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, ઇટાલી, સ્પેન, તૂર્કી, આર્જેન્ટિના તેમ જ બાલી, જાવા, મલેશિયા અને સિંગાપોરનો પ્રવાસ કર્યો હતો. ટાગોર ખરા પ્રવાસી હતા તેથી જ્યાં જાય ત્યાંથી રાજકીય, સાહિત્યિક અને ગીત-સંગીતની જેમ ભોજનની પણ ઊંડી જાણકારી લઈને આવતા. જે કોઈ દેશોમાં ટાગોરના માનમાં ભોજન સમારંભો યોજાય ત્યારે તેઓ એક મેન્યૂ કાર્ડ અચૂક સાથે રાખી લેતા. આજે ય વિશ્વભારતીની આર્કાઇવ્સમાં એ મેન્યૂ કાર્ડ સચવાયેલા છે. ગુરુદેવે આપેલી માહિતીના આધારે શાંતિનિકેતનમાં પશ્ચિમી વાનગીઓ બનતી અને ફ્યૂઝન વાનગીઓના પણ પ્રયોગો થતા. ટાગોરે પશ્ચિમી દેશોના કલાત્મક વાસણોનો પણ સંગ્રહ કર્યો હતો, જેમાં તેઓ બંગાળી વાનગીઓનો લુત્ફ ઉઠાવતા.

ટાગોરને વાંસનું શાક પણ ખૂબ જ ભાવતું. વર્ષ ૧૯૧૩માં નોબલ પુરસ્કાર મળ્યા પછી ટાગોરની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી. એ પછી ઉત્તર-પૂર્વ ભારત અને પૂર્વ બંગાળ(આજનું બાંગ્લાદેશ)ના લોકો ટાગોરને શાંતિનિકેતન મળવા આવે ત્યારે વાંસ (રાંધીને ખાઈ શકાય એવું) લઈને આવતા. આજે ય આ પ્રદેશોમાં વાંસનું શાક મોટા પાયે ખવાય છે. બંગાળની પ્રખ્યાત 'ચોરચોરી' પણ ટાગોરની પસંદીદા વાનગી હતી. બટાકા, કોળું, શક્કરિયા અને રીંગણ જેવાં શાકભાજીને સરસવના તેલમાં સાંતળીને બનાવાતી આ વાનગીમાં ક્યારેક માછલીનો પણ ઉપયોગ થાય છે. સવાર-સાંજનું ભોજન લેવામાં ટાગોર ટિપિકલ બંગાળી હતા, પરંતુ માંસ-માછલી અને સૂપની બાબતમાં તેઓ પશ્ચિમી હતા. જર્મનીની બોર કેમિકલ કંપનીએ ૧૮૯૮માં સેનેટોજિન નામનું બ્રેઇન ટોનિક બજારમાં મૂક્યું હતું. ગુરુદેવ રોજ રાત્રે એ પીને સૂઈ જતા. બ્રિટિશકાળમાં ટાગોર બોર્નવિટાની પ્રિન્ટ જાહેરખબરમાં દેખાયા હતા.

આ બંને પુસ્તકમાં ટાગોર પરિવારના રસોડાની અંતરંગ માહિતી મળે છે

આશ્ચર્યની વાત એ છે કે, જીવનની અંતિમ ક્ષણ સુધી લેખન કરનારા ટાગોરે અમુક કવિતાઓને બાદ કરતાં ભોજન વિશે ખાસ કંઈ લખ્યું નથી. જો કે, ટાગોર પરિવારની સ્ત્રીઓ જાતભાતની વાનગીઓ અને પ્રયોગોની ડાયરીમાં નોંધ (બંગાળી ભાષામાં) કરતી. એ આદતના કારણે જ આપણને બંગાળી ભોજનના ઇતિહાસને લગતાં ઉત્તમ પુસ્તકો મળી શક્યાં છે. આવું જ એક પુસ્તક એટલે 'વિમેન ઓફ ધ ટાગોર હાઉસહોલ્ડ'. આ પુસ્તક ચિત્રા દેબે બંગાળીમાં જ લખ્યું હતું, જેનો સ્મિતા ચૌધરી અને સોના રોયે અંગ્રેજી અનુવાદ કર્યો છે. પેંગ્વિન ઈન્ડિયાએ ૨૦૧૦માં પ્રકાશિત કરેલા આ પુસ્તકમાં ટાગોર પરિવારની સ્ત્રીઓ સાથે સંકળાયેલો રોચક ઇતિહાસ આલેખાયો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૫માં કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસે 'કલિનરી કલ્ચર ઓફ કોલોનિયલ ઇન્ડિયા' નામે પ્રકાશિત કરેલા પુસ્તકમાં પણ ટાગોર પરિવારના રસોડાની માહિતી મળે છે. ટાગોર પરિવારના રસોડામાં શું બનતું, ટાગોર પરિવારની સ્ત્રીઓએ કઈ કઈ વાનગીઓની શોધ કરી તેમ જ સાંસ્કૃિતક આદાનપ્રદાનમાં ટાગોર પરિવારનાં અમૂલ્ય પ્રદાન વિશે જાણકારી મેળવવા માગતા લોકો માટે આ બંને પુસ્તકો તૃપ્તિનો લાંબો ઓડકાર આપે એવા છે.

આશરે ત્રણ સદીનો ઇતિહાસ ધરાવતા ટાગોર પરિવારે રાજકીય, સામાજિક, સાહિત્ય, ગીત-સંગીતની જેમ ભારતની આહાર સંસ્કૃિતના વિકાસમાં પણ જબરદસ્ત પ્રદાન આપ્યું છે એ વાંચતી વખતે અચંબિત થયા વિના રહી શકાતું નથી!

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk

Loading

ધર્મ વિષે વિચાર વલોણું

આશા બૂચ|Opinion - Opinion|23 May 2017

ફેઈથ નેટ વર્ક ફોર માન્ચેસ્ટર એક એવું સંગઠન છે જે સર્વ ધર્મ સમભાવ અને કોમી એખલાસ માટે વિવિધ વાર્તાલાપો, શાળાઓમાં જઈને અવેરનેસ સેશન્સ અને વિચાર શિબિરો યોજીને એક સરાહનીય કાર્ય કરી રહી છે. આ સંગઠનમાં સક્રિય થઈને ઉપર ઉલ્લેખ કર્યો છે તે તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળ્યો તેને મારુ સદ્ભાગ્ય લેખું છું. માન્ચેસ્ટરને અલવિદા કરી તેના થોડા સમય પહેલાં, fn4m દ્વારા, એક ટચુકડી ફિલ્મ બનાવવાનો પ્રકલ્પ હાથ ધરાયો; જેમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે બોલવાનું કહેવામાં આવ્યું. એ પ્રશ્નોત્તરી અહીં જેમની તેમ રજૂ કરું છું.

સવાલ: હિન્દુ ધર્મ પાળતા સમાજના એક સભ્ય તરીકે માન્ચેસ્ટરમાં રહો છો, તો આ શહેર પાસે તમારી શી આશાઓ છે? તમારા ધર્મના બીજા લોકો પણ આવી જ આશાઓ સેવતા હશે તેમ તમે કહી શકો?

જવાબ: હું મારાં મૂલ્યો વિના રોક ટોક અમલમાં મૂકી શકું તેવું મુક્ત જીવન આ શહેરમાં જીવી શકું તેવી મારી આશા છે. એ મૂલ્યો મારા ધર્મના આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનના વારસાનો પરિપાક છે. અલબત્ત, હું આ મૂલ્યોની જાળવણી અન્યના અધિકારોનું ખંડન કર્યા વિના કરી શકું તેમ ઈચ્છું છું. મને વિશ્વાસ છે કે મોટાભાગના હિન્દુ ધર્મના અનુયાયીઓ કે જેઓ માન્ચેસ્ટરમાં વસે છે અથવા કહોને કે યુનાઇટેડ કિંગ્ડમમાં અથવા સારા ય વિશ્વમાં જ્યાં ક્યાં ય પણ વસે છે તેઓની પણ આવી જ આશા રહે.

સવાલ: તમારા ધર્મનાં મૂળભૂત મૂલ્યો કયા ગણાવી શકો? તમારા ધર્મના અન્ય અનુયાયીઓ એમાં બીજાં કોઈ મૂલ્યોનો ઉમેરો કરી શકે તેમ તમે માનો છો?

જવાબ: જે રીતે હું હિન્દુ ધર્મ સમજી છું અને તેનું અર્થઘટન કરી શકી છું તેના પરથી ત્રણ મુખ્ય મૂલ્યોની તારવણી કરી છે: અ) માનવ તરીકે આપણે બધા જન્મથી સમાન છીએ અને તે સ્વીકારવું. બ) જેવી રીતે સૃષ્ટિની બીજી બધી રચનાઓ વૈવિધ્યથી ભરપૂર છે તેવી જ રીતે માનવ જાત પણ અગણિત વિવિધતાથી સભર છે. એ હકીકતનો આદર કરવો અને તેનો જશમ મનાવવો. ક) અન્યના દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરો. જો તમે તેને અનુસરી ન શકો તો કમસે કમ પરસ્પર માટેના સમજણપૂર્વકનું સહઅસ્તિત્વ નિભાવવા તેનો સાદર સ્વીકાર કરો. સત્ય, અહિંસા અને શાંતિમય સહઅસ્તિત્વનાં મૂલ્યો આ વિચારમાંથી જ પ્રગટ થયા છે. મારા ધર્મના અન્ય સભ્યો કદાચ પોતપોતાના કૌટુંબિક અને સામાજિક ધારાધોરણનાં મૂલ્યોને કેવી રીતે પાળવા તેની રીતોને તેમાં ઉમેરવા ઈચ્છે.   

સવાલ: હિન્દુ ધર્મના એક સભ્ય તરીકે માન્ચેસ્ટરમાં રહેવામાં તમને કઈ બાબત ખાસ ચિંતનીય લાગે છે? હિન્દુ ધર્મના બીજા અનુયાયીઓને અન્ય બાબતો ચિંતીત કરતી હોય તેવું બને?

જવાબ: મારો અંગત અભિપ્રાય છે કે આજકાલ હિન્દુ ધર્મ વિષેની સમજણ યુવાન પેઢીને અપાય છે તેમાં જરા સંકુચિત દ્રષ્ટિકોણ ભાગ ભજવે છે. હિન્દુ ધર્મ જાણે કે હવે ક્રિયાકાંડ અને રીત રસમો, મૂર્તિ પૂજા અને કુટુંબના પ્રસંગોની અતિ ભવ્ય ઉજવણીઓમાં સંકોડાઇને બંધિયાર થઇ ગયો છે. આપણે આ પુરાતન ધર્મ અને સંસ્કૃિતના આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનના ખજાનાને સમજી, સમજાવીને અમારા પછીની પેઢીને એ મૂલ્યો અને સંસ્કારોને આધુનિક પશ્ચિમી જગતમાં કઈ રીતે અમલમાં મૂકી શકાય તેના વિષે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ.

સવાલ: તમને કે અન્યોને બ્રિટનમાં હિન્દુ ધર્મના સભ્ય તરીકે રહેવામાં કોઈ પ્રકારનો ભય સતાવે છે?

જવાબ: બધા ધર્મોમાં ઉગ્ર અને જુનવાણી વિચારો તરફની કૂચનું વલણ વધી રહ્યું છે તે ચિંતા જનક છે. પોતાના ધર્મની માન્યતાઓ અને શ્રદ્ધાને ટકાવી રાખવા લોકો વધુ એકાકીપણું પસંદ કરે, જેથી કરીને  બીજા સાથે વાર્તાલાપના માર્ગો બંધ કરી દે અને તેનાથી દરેક કોમ વચ્ચે પરસ્પર અંતર વધે, જે પૂર્વગ્રહને જન્મ આપે અને છેવટ બીજા ધર્મ પ્રત્યે પરાયાપણાની દ્રષ્ટિ કેળવે તેવો આજકાલનો માહોલ રચાયો છે. મને પોતાને કે હિન્દુ ધર્મના અન્ય સભ્યોને હિન્દુ ધર્મ પર જોખમ હોય તેવું નથી લાગતું, પણ અમારા તેમ જ સહુના ધર્મની રક્ષા સુરક્ષિત વાતાવરણમાં કરવાની ઇચ્છ સહજે રહે.

સવાલ: તમારા ધર્મના મુખ્ય આદર્શો કે માન્યતાઓ શી છે?

જવાબ: વસુધૈવ કુટુંબકમ. અનેકતામાં એકતા એ અમારો આદર્શ છે. બીજો સિદ્ધાંત છે, ‘ઈશા વાસ્યમ ઈદમ સર્વમ, યત કિંચ જગત્યામ જગત, તેન ત્યક્તેન ભુંજીથા, મા ગૃધ કસ્યચિત ધનમ’ એટલે જ તો આ જગતમાં જે કંઈ દ્રશ્ય કે અદ્રશ્ય ભાસે છે તે કુદરતનું પેદા કરેલું છે, તેથી તેનો ત્યાગ કરીને અથવા બીજાને આપીને ભોગ કરવો, બધું જ જાત માટે ભોગવવું નહીં અને અન્યની દોલતની કદી ઝંખના પણ ન કરવી એ ઉપદેશ નજર સામે રાખીને જીવન જીવવા સહુ પ્રયત્નશીલ રહે તે જ હિન્દુ ધર્મનું ખરું પાલન થયું ગણાય.

સવાલ: તમારા અને અન્ય ધર્મો વચ્ચે શું સામ્ય છે?

જવાબ: દુનિયાના બધા મુખ્ય ધર્મો માનવતાનાં મૂળભૂત સિદ્ધાંતો પર રચાયેલા છે. તમામ જીવોની પ્રેમ અને કરુણા દર્શાવી સેવા કરો, કોઈ પણ જીવને હાનિ ન પહોંચાડો, તમારાથી ઓછા ભાગ્યશાળી માટે કરુણા અને અનુકંપા ધરાવો અને આપણને બધાને સર્જનહારે મૂળે સમાન ઘડયા છે; આ અને આવા અનેક ઉપદેશાત્મક કથાનક સર્વે મુખ્ય ધર્મોમાં લખેલા-કહેવાયેલા જણાય છે.

સવાલ: હિન્દુ ધર્મ અને અન્ય ધર્મો વચ્ચે પાયાના કયા તફાવતો છે?

જવાબ: હિન્દુ ધર્મ વિષે હંમેશ એમ માનવામાં આવ્યું છે કે તે અનેકેશ્વરવાદમાં માનનારો અને મૂર્તિપૂજક ધર્મ છે, જે સત્ય હકીકત છે. અને એ તફાવત સામાન્ય લોકોની નજરે વધુ પડે છે, જ્યારે તેના આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનના આદર્શો અન્ય ધર્મો સાથે કેટલા મળતા આવે છે તે ભાગ્યે જ કોઈ નોંધે છે. અમારો ધર્મ વિવિધ પ્રતીકોથી ભરપૂર છે. એક ઈશ્વર કે અનેક ઈશ્વરની કલ્પનાની વિભાવનાને સમજવાની જરૂર છે. એ માન્યતાઓ વિષેનું અર્થઘટન એ છે કે એક ઈશ્વર એક છે પરંતુ તેનામાં અનેક ગુણો અને લાક્ષણિકતાઓ હોય છે. દરેક વ્યક્તિ કોઈ ચોક્કસ ખૂબી કે શક્તિને કોઈ એક દેવ કે દેવીમાં આરોપે છે અને એ રીતે તે એક ખાસ દેવ કે દેવી પોતાનામાં એ વિશિષ્ટ ગુણો કેળવવામાં પ્રેરણા રૂપ બને તેવું પ્રાર્થે છે, જેથી કરીને પોતાનામાં રહેલ ખામીઓ દૂર કરી શકે અને તેના પ્રત્યેની શ્રદ્ધાથી જીવનમાં આવતાં વિઘ્નો હિંમતથી પાર પાડી શકે. મને લોકો આવી વિભાવના ધરાવે તેમાં કશું અયોગ્ય નથી લાગતું. જ્યારે લોકો એવા પ્રતીકોને જ ઈશ્વર સ્વરૂપ માની તેના પૂજન-અર્ચનના બાહ્યાચારમાં અટવાઈ જાય અને ધર્મનો મૂળભૂત સિદ્ધાંત વિસારે પડી જાય ત્યારે એ વિષે ચિંતા સેવવી ઘટે. બાકી હિન્દુ ધર્મમાં તો નાસ્તિકનો પણ સ્વીકાર કરવામાં આવે છે. જે ધર્મો મૂર્તિપૂજાના વિરોધી છે અને એક જ ઈશ્વર છે તેમ માને છે તેમાંના કેટલાક લોકોએ હિન્દુ ધર્મના પૂજાગૃહોનો ધ્વંસ પણ કર્યો છે. જો તમે કોઈની શ્રદ્ધાના પ્રતીકોનો નાશ કરો તો તમે તેમના વિશ્વાસનો ભંગ કરો છો. કેટલાક મિશનરીઓ અને ધર્મના આગેવાનોએ હિન્દુ ધર્મના અનુયાયીઓને બળ અથવા ધમકીનો ઉપયોગ કરીને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પણ પાડી છે. અને આ એક મોટો તફાવત છે હિન્દુ ધર્મ અને અન્ય ધર્મો વચ્ચે. હિન્દુ ધર્મના ઇતિહાસમાં ક્યાં ય તેણે બીજા ધર્મના લોકોને પોતાનો ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવવા માટે લલચાવ્યા કે બળજબરી કર્યાના ઉદાહરણ નહીં સાંપડે કે તેઓએ ધર્મને નામે અન્ય દેશો પર ચડાઈ કરી તેને ગુલામ બનાવ્યા હોય તેવું કદી બન્યું નથી તેની પણ તવારીખમાં નોંધ થઇ છે.

મારી એવી પાકી સમજ છે કે બધા ધર્મોના પાયાના સિદ્ધાંતો અને ઉદ્દેશ્યો સમાન છે, પરંતુ પૂજા-પ્રાર્થના કરવાની રીત અને કેટલાક ક્રિયાકાંડને અનુસરવાની પદ્ધતિમાં તફાવત હોય છે. એ તફાવતો પાછળના તર્ક અને કારણોને સમજવાની આપણી ક્ષમતાના અભાવ અને વૈવિધ્ય માટેની અસહિષ્ણુતાને પરિણામે સમાજમાં ખુન્નસ અને હિંસાનું વાતાવરણ પ્રવર્તે છે.

અહીં મને કહેતાં આનંદ થાય છે કે સીખ, જુઇશ, ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મના પ્રતિનિધિઓને આ જ સવાલો પૂછવામાં આવ્યા અને જો તેમના ઉત્તરોની આગળ જે તે ધર્મનો ઉલ્લેખ કરવામાં ન આવે તો વાચકો કે શ્રોતાઓને એ જવાબોમાં એટલું સામ્ય લાગે કે કયો જવાબ કયા ધર્મના પ્રવક્તાએ આપ્યો છે તે કળી ન શકે.

e.mail : 71abuch@gmail.com

Loading

ગુજરાતને ગણિત શીખવનાર અને દુનિયાને વૈદ્ય મેટ્રિક સિદ્ધાન્ત આપનાર મૂલ્યનિષ્ઠ અધ્યાપક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|22 May 2017

પ્ર.ચુ. વૈદ્યસાહેબના જીવનની કેટલીક રસપ્રદ બાબતો  ઓછી જાણીતી છે…

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ગુજરાતી ગણિતજ્ઞ પ્ર.ચુ. વૈદ્યનું જન્મશતાબ્દી વર્ષ 23 મેના, મંગળવારથી શરૂ થાય છે.

વૈદ્યસાહેબનું નામ આઇન્સ્ટાઈનના સાપેક્ષતાવાદના અભ્યાસીઓમાં જાણીતું છે તે તેમણે આપેલા એક સિદ્ધાન્તને કારણે. જે રીતે ભૌતિક શાસ્ત્રમાં સી.વી. રામનના નામે રામન ઇફેક્ટ તેમ ખગોળ ભૌતિકમાં પી.સી. વૈદ્યના નામે ‘વૈદ્ય મેટ્રિક’ એટલે કે વૈદ્યમાન. ‘ગૂગલના માહિતીસંગ્રહ મુજબ જગતમાં ખભૌતિકનાં જે સંશોધનપત્રો લખાયાં તેમાં વૈદ્ય મેટ્રિકનો ઉલ્લેખ એક લાખ વીસ હજારથી પણ વધુ વાર થયો છે’ – આ વિગત વૈદ્યસાહેબના સુવાંગ જીવનચરિત્ર ‘આપણી મોંઘી ધરોહર’માં મળે છે. સાહેબના ભત્રીજા અને ગણિતના વરિષ્ઠ અધ્યાપક અરુણ મ. વૈદ્યએ લખેલું આ પુસ્તક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે છએક મહિના પહેલાં બહાર પાડ્યું છે.

તેમાં લેખક એ પણ માહિતી આપે છે કે આ સિદ્ધાન્ત તો વૈદ્ય સાહેબે પચીસ વર્ષની ઉંમરે આપ્યો. તે પછી પણ તે સિદ્ધિવંત જીવન જીવ્યા. દેશવિદેશની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં અધ્યાપન કર્યું તેમ જ વ્યાખ્યાનો આપ્યાં. ગુજરાત યુનિવર્સિટી તેમ જ વેડછીની ગાંધી વિદ્યાપીઠના વાઇસ-ચાન્સલર પદે રહ્યા. રાજ્યના તેમ જ દેશના જાહેર સેવા આયોગના અનુક્રમે અધ્યક્ષ અને સભ્ય નિમાયા. આ બધા વચ્ચે ગુજરાતનું શિક્ષણ જગત તેમનું ઋણી રહેશે તે ગણિતના સ્તરને ઊંચે લઈ જવાના તેમના પ્રદાન બદલ. ‘ગુજરાત ગણિત મંડળ’ થકી તેમણે શિક્ષકો તેમ જ  વિદ્યાર્થીઓ માટે કાર્યશાળાઓ, તાલીમ વર્ગો અને  ગણિત સ્પર્ધાઓ જેવા ઉપક્રમો હાથ ધર્યા. તેમણે વર્ષો લગી સંપાદિત કરેલું ‘સુગણિતમ્‌’ સામયિક આજે 286મા અંક સાથે ‌‌‌‌પંચાવનમાં વર્ષમાં છે. એક પ્રકાંડ વિદ્વાન પોતાના વિષયને કેન્દ્રમાં રાખીને લોકોના સ્તરે આવીને સમાજને કેવું નક્કર પ્રદાન કરી શકે છે તેનો દાખલો વૈદ્યસાહેબના ગણિતશિક્ષક-પ્રચારક તરીકેના કામમાંથી મળે છે.

જૂનાગઢ પાસેના શાપુર ગામમાં 1918માં જન્મેલા વૈદ્યસાહેબની સત્તાવાર જન્મતારીખ 23 માર્ચ ‘ભૂલમાં’ નોંધાઈ છે એવી સ્પષ્ટતા અરુણ વૈદ્યે ‘જન્મ અને શૈશવ’ નામના ત્રીજા પ્રકરણમાં કરી છે. સાહેબના જીવનની કેટલીક બાબતો ખૂબ રસપ્રદ હોવા છતાં તેમની સંશોધક તરીકેની કીર્તિ હેઠળ ઢંકાઈ ગઈ છે. જેમ કે, વૈદ્ય મેટ્રિક માટેના પહેલા અભ્યાસ પત્રના લેખક તરીકે તેમણે પોતાના નામની સાથે સંશોધન માર્ગદર્શક પ્રોફેસર વામન વિષ્ણુ નારળીકર(વિખ્યાત વૈજ્ઞાનિક જયંત નારળીકરના પિતા)નું નામ પણ મૂક્યું હતું, જે અલબત ગુરુએ સ્વીકાર્યું ન હતું. આંકડા, સમીકરણો અને ગ્રંથોમાં રત રહેનાર વૈદ્ય સાહેબ એક તબક્કે લાલ માટીના અખાડામાં દંડ-બેઠક અને લાઠીના દાવ માટે લગાવ ધરાવતા હતા. એપ્રિલ 1941 થી જૂન 1942 દરમિયાન તેમણે મુંબઈના માલાડમાં એક અખાડનું સંચાલન કર્યું હતું. આ અખાડો, બહુ રોમાંચક જીવન જીવેલા દેશભક્ત અને પ્રહ્લાદના એક આદર્શ સરદાર પૃથ્વીસિંહ રાણાએ અહિંસક વ્યાયામ સંઘ તરીકે શરૂ કર્યો હતો. તે અંગે સામ્યવાદી પૃથ્વીસિંહે ગાંધીજી સાથે ચર્ચા પણ કરી હતી. વૈદ્ય સાહેબની દેશભક્તિ એવી તીવ્ર હતી કે તેમણે સોએક યુવાનોના ઘડતરનું આ કામ રાજકોટની ધર્મેન્દ્રસિંહ કૉલેજમાં  અધ્યાપક તરીકેની નોકરી પડતી મૂકીને કર્યું હતું. તેમણે લખ્યું છે ‘ચૉક અને ડસ્ટર છોડીને લાઠી અને લેજીમનો સાથ લીધો હતો.’ વિશ્વયુદ્ધ સહિતની ઉથલપાથલો તેમ જ પૃથ્વીસિંહ અને ગાંધીજી વચ્ચેના રાજકીય મતભેદોને કારણે સંઘ બંધ થતાં વૈદ્ય પાછા કામની શોધમાં લાગ્યા હતા. પૃથ્વીસિંહનું જે એક સંભારણું વૈદ્યસાહેબે આજીવન સક્રિય રાખ્યું હતું તે તેમની પાસેથી ભેટ મળેલી ડેટન કંપનીની સાયકલ. અમદાવાદના જાણીતા સાયકલિસ્ટોમાંના એક એવા વૈદ્ય સાહેબ પંચોતેરના થયા ત્યાં સુધી ગુજરાત યુનિવર્સિટીના ગણિત વિભાગમાં સાયકલ ચલાવીને જતા !

હંમેશાં ખાદી પહેરનાર વૈદ્યસાહેબ પર ગાંધીજીનો નોંધપાત્ર પ્રભાવ હતો. તેમણે 'ચૉક અને ડસ્ટર' નામે લખેલાં સંસ્મરણોમાં 1943ના ફેબ્રુઆરીનો પ્રસંગ આલેખ્યો છે : 'ગાંધીજીના અપવાસ અંગેના સમાચાર જાણવાની ઇંતેજારીમાં ઝાડ નીચે આંટા મારતાં મારતાં મને ખ્યાલ આવ્યો કે સાદા પ્રવાહી માટે તો ગતિમાર્ગ ઘનરેખા હોય. પણ પ્રકાશની ગતિ તો સઘળા પદાર્થની ગતિ કરતાં વધુ છે. આઇન્સ્ટાઈનના 1905ના સાપેક્ષતાના પહેલા સિદ્ધાન્ત મુજબ તો પ્રકાશનો ગતિમાર્ગ શૂન્ય-રેખા લેવો જોઈએ ! અને એક વાર દિશા સૂઝી એટલે ઝપાટાબંધ  કામ ચાલ્યું. એક તરફથી ગાંધીજીની તબિયત સુધરી ગઈ, અપવાસ સુખરૂપ પૂરા થઈ ગયા. બીજી તરફથી અમે સૂર્યપ્રકાશ ગણતરીમાં લઈ આઇન્સ્ટઈન-સમીકરણોનો એક સુંદર ઉકેલ મેળવી લીધો.

એક મનીષી વિશે ચિંતા કરતા બીજા મનીષી અંગે દર્શન લાધે એ અદ્દભુત યોગાયોગ છે. વૈદ્યસાહેબે 'ગાંધી અને આઇન્સ્ટાઈન' પર માનવતાવાદ અને વિશ્વશાંતિના સંદર્ભમાં વ્યાખ્યાન આપ્યું હતું. વળી ગાંધીવાદ અને સામ્યવાદ એ બંનેને તેઓ આદર આપતા, 'પરંતુ એ બંને વચ્ચેની કશ્મકશ પણ કાયમ ચાલતી' ,એમ અરુણ વૈદ્યે નોંધ્યું છે. વૈદ્યસાહેબના સાદગીભર્યા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સ્વમાનીપણાના પ્રસંગો લખનાર અરુણભાઈ એમ પણ નોંધે છે : 'પોતાના ઓરડામાં તે કાકીને વાંસળીની ધૂનો અચૂક સંભળાવે'. લેખનકલા પણ એમને અવગત હતી એનો ઉત્તમ પૂરાવો 'પસ્તીનાં પાનાં' પુસ્તકની 150 'નિબંધિકાઓ'. તેમાં તેમનું સંવેદન તણખલાંથી તારમંડળ લગી, પગરિક્ષા ચલાવનાર મજૂરથી ભારતના પહેલા પરમાણુ વિસ્ફોટ સુધી, કવિ કાલિદાસથી રશિયન ગણિતી કોવાલેવ્સ્કાયા સુધી વિસ્તરે છે.

વૈદ્ય સાહેબનું વિરલ સન્માન એટલે તેમની પરનો એક અંગ્રેજી અભિવાદન-ગ્રંથ. તેનું નામ છે 'એ રૅ ન્ડ મ વૉક ઇન રિલેટિવિટી અ‍ૅ ન્ડ કૉસ્મૉલૉજિ : એસેઝ ઇન ઑનર ઑફ પી.સી. વૈદ્ય અ‍ૅન્ડ એ.કે. રૉયચૌધુરી'. અમલકુમાર રૉયચૌધુરી કોલકાતાની પ્રેસિડેન્સિ કૉલેજના અધ્યાપક હતા. આ અ‍ૅકેડેમિક અભિવાદનગ્રંથમાં એક પણ પ્રશસ્તીલેખ નથી, પણ સાપેક્ષતા અને બ્રહ્માંડવિદ્યા વિષયો પર દુનિયાભરના એકવીસ વિજ્ઞાનીઓના સંશોધનલેખો છે. તેમાં ચાર ફ્રાન્સના, ઈટાલી, જાપાન અને દક્ષિણ આફ્રિકામાંથી દરેકના બે લેખકો છે. ઇંગ્લે ન્ડ, અમેરિકા, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયાના એક-એક અને ભાવનગરના બે વિજ્ઞાનીઓ છે. ગ્રંથની પ્રસ્તાવનામાં સંપાદકો કહે છે : ' ભારતમાં ત્રીજી પેઢીના સાપેક્ષતા-અભ્યાસકો માટે વૈદ્ય અને રૉયચૌધુરી આદરણીય અને પ્રેરણાદાયી શિક્ષકો છે … દુનિયાના જુદા જુદા દેશોના વિજ્ઞાનીઓએ આ ગ્રંથમાં લેખન કર્યું છે. આ ઘટના વૈદ્ય અને રૉયચૌધુરીએ સાપેક્ષતા અને બ્રહ્માંડવિદ્યાના સંશોધનમાં કરેલા આંતરરષ્ટ્રીય મહત્ત્વનું ઉચિત ગૌરવ છે.' વિશ્વના વિદ્યાજગતે પ્ર.ચુ. વૈદ્યસાહેબને આપેલી આ કેટલી ભવ્ય માનવંદના છે તે ભાગ્યે સમજાવવાને જરૂર છે.

વૈદ્યસાહેબ તેમના વિશેના દસ્તાવેજી ચિત્રપટમાં કહે છે : 'ગણિત શીખવવાનું અઘરું હોઈ શકે, પણ શીખવું અઘરું નથી … દુનિયાના કોઈ દેશની નથી તેવી ગણિત પરંપરા આપણા દેશના લોકોને મળી છે. અલબત્ત આ વાંચીને આપણો રાષ્ટ્રપ્રેમ ઊભરાઈ જાય તે પહેલાં 'પસ્તીનાં પાનાં'ના દસમાં પાને વૈદ્યસાહેબને વાંચીએ : 'મને આ ગુરુ-શિષ્ય પરંપરામાં શ્રદ્ધા નથી … મારો ગુરુ હું પોતે, મારે વળી બીજા ગુરુની શી જરૂર ? … અને જો હું એવી આત્મશ્રદ્ધા ધરાવતો હોઉં તો પછી મારે ગુરુની જરૂરત શી રહી?

3 મે 2017

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક “નવગુજરાત સમય” માંહેની લેખકની સાપ્તાહિક કટાર, 19 મે 2017 

Loading

...102030...3,4423,4433,4443,445...3,4503,4603,470...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved