Opinion Magazine
Number of visits: 9767645
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એનડીએ શાસનનાં ત્રણ વર્ષ દરમિયાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સ્વાયત્તતા ગુમાવી, સત્તાવાદનો પગપેસારો થયો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|26 May 2017

ઉચ્ચ શિક્ષણમાં અલગ મંતવ્ય-માગણી ધરાનારાને તોડી પાડવા એ એન.ડી.એ. સરકારની ખાસિયત રહી છે

નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળનાં ત્રણ વર્ષનાં શાસન દરમિયાન ઉચ્ચ શિક્ષણમાં  સત્તાવાદ અને રાષ્ટ્રવાદના પ્રવેશતો રહ્યો. તેમાં કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલય,  ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની રાજ્ય સરકારો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અ.ભા.વિ.પ.), જમણેરી જૂથો અને અલબત્ત સોશ્યલ મીડિયાના ઉપયોગની ભૂમિકા મહત્ત્વની રહી. આ પરિબળોએ પ્રતીકાત્મક ઝનૂની રાષ્ટ્રવાદથી અલગ દૃષ્ટિકોણ ધરાવનાર, સમાજવાદી કે સામ્યવાદી વિચારધારામાં માનનારા વિદ્યાર્થીઓ,અધ્યાપકો અને યુનિવર્સિટીઓની સામે મોરચો માંડ્યો.

યુનિવર્સિટીઓ પર ભા.જ.પ. સરકારે પોતાની નીતિઓ લાદવાની શરૂઆત કરી. ગુજરાતને તેનો અનુભવ ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનામાં  થયો. આ પરિષદને નામે ઉચ્ચ શિક્ષણના સાંપ્રત માળખાની ઉપર એક નવું પ્રચંડ સત્તામાળખું ગોઠવવામાં આવ્યું છે, જેને તળિયે યુનિવર્સિટીઓની મૂળભૂત સ્વાયત્તતા દટાઈ જવાની છે. પરિષદને લગતાં વિધેયકને  વિધાનસભાના છેલ્લા દિવસે કોઈ ચર્ચા વિના કેવળ બહુમતિના જોરે પસાર કરવામાં આવ્યું. ત્યાર બાદ અધ્યાપકોએ તેનો  સખત વિરોધ કર્યો, રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી પણ સરકારે મચક આપી નહીં. યુ.પી.એ. સરકારે દાખલ કરેલી આ પરિષદને એન.ડી.એ. સરકારે ચાલુ એટલા માટે રાખી કે એમાં સત્તાનું કેન્દ્રીકરણ હતું. એ જ રીતે અનુદાનિત ઉચ્ચ શિક્ષણ માટે હાનિકારક સાબિત થયેલી  સેમિસ્ટર સિસ્ટમ કપિલ સિબ્બલના કાર્યકાળમાં લાદવામાં આવી. તે  સ્મૃિત ઇરાનીએ ચાલુ રાખી, કારણ કે તેનાથી ખાનગી શિક્ષણ ક્ષેત્રને અને સરકારને ફાયદો થયો છે. સેમિસ્ટર હઠાવવા માટેની માગણી ગુજરાતમાં હવે રહી રહીને અ.ભા.વિ.પ.એ ઉપાડી છે. ખરેખર તો ડેમૉક્રેટિક સ્ટુડન્ટસ ઑર્ગનાઇઝેશન અને શિક્ષણ બચાઓ સમિતિએ સેમિસ્ટર સિસ્ટમ સામે પાંચ વર્ષથી યથાશક્તિ સાતત્યથી લડત ચલાવી છે. સદ્દભાગ્યે આ વિરોધી સંગઠનોને જુલમ જબરદસ્તીનો સામનો કરવો પડ્યો નથી.

અન્યથા, ઉચ્ચ શિક્ષણમાં અલગ મંતવ્ય અને માગણી ધરાવનારા વિદ્યાર્થીઓને પોલીસ અને કાનૂનની મદદથી તોડી પાડવા એ એન.ડી.એ. સરકારની ખાસિયત રહી છે. પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં બહુ સાધારણ પણ ભા.જ.પ.ના માનીતા નટની વડા તરીકેની નિમણૂંકની સામે  11 જૂન 2015થી 139 દિવસ લડનારા વિદ્યાર્થીઓ પર સરકારે ભારે દમન કર્યું હતું, જે જાણીતી વાત  છે. તે પછી તરત ખાસ કરીને દિલ્હીમાં ચાલેલી ‘ઑક્યુપાય યુ.જી.સી.’ ચળવળ બહુ ધ્યાનમાં આવી નથી. ઉચ્ચ શિક્ષણને ખાનગી ક્ષેત્રના હાથમાં ધકેલવાના પેંતરાના ભાગ રૂપે  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુ.જી.સી.)ને એમ.ફિલ. અને પીએચ.ડી.ના સંશોધકો માટેની ફેલોશીપની નીતિ સાથે કરેલાં ચેડાં વિરુદ્ધ આ ચળવળ ચાલી. તેમાં વિદ્યાર્થીઓ પર વૉટર કૅનન અને લાઠીઓનો મારો ચલાવવામાં આવ્યો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જે.એન.યુ.)ના વિદ્યાર્થી આગેવાન કન્હૈયા કુમાર અને તેના સાથીદારો સામે સરકારે દેશદ્રોહના આરોપ હેઠળ ધરપકડ સહિત કડક કાર્યવાહી કરી. એટલા માટે કે તેઓ અફઝલ ગુરુને ફાંસીની સજા, કાશ્મીર સમસ્યા અને દેશભક્તિ સહિત કેટલીક બાબતોમાં શાસક પક્ષથી અલગ વિવાદાસ્પદ મત ધરાવે છે. એ મત લોકોના મોટા વર્ગને કઠે એવા છેડાના છે. પણ  લોકશાહીમાં ભિન્ન મતનું સ્થાન, દેશના બંધારણમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, રાજકીય બાબતોમાં અરુઢ યુવા મત, ચર્ચા-વાટાઘાટો-સમજાવટની પ્રક્રિયા, જે.એન.યુ.ની દેશ-દુનિયાના બૌદ્ધિક જગતમાં ખ્યાતિ જેવી અનેક બાબતોનો વિચાર કર્યા  વિના કેવળ રાષ્ટ્રવાદનો ઝંડો પકડીને કેન્દ્ર સરકારે યુનિવર્સિટીને રાષ્ટ્રવિરોધીઓના અડ્ડા તરીકે ચિતરવાની ઝુંબેશ ચલાવી. તેનો સામનો જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ટેકેદારોએ  કેવી વિચારપ્રેરક ક્રિયાશીલતા દ્વારા કર્યો તે ‘વૉટ ધ નેશન રિઅલિ નીડસ ટુ નો : ધ જે.એન.યુ. નૅશનાલિઝમ લેક્ચર્સ’ (હાર્પર કૉલિન્સ પબ્લિશર્સ, 2016) પુસ્તકમાંથી જાણવા મળે છે. જે.એન.યુ.ના રાજ્યશાસ્ત્ર વિષયના નારીવાદી અધ્યાપક નિવેદિતા મેનન પર ‘રાષ્ટ્રદ્રોહી’ તરીકે એક કરતાં વધુ વખત પસ્તાળ પાડવામાં આવી છે. તેની પાછળનું કારણ કાશ્મીર અને ભારતીય લશ્કર વિશેના તેમના વિચારો છે. લશ્કરના જવાનોનું વિવાદાસ્પદ રીતે ચિત્રણ કરતાં મહાશ્વેતા દેવીની વાર્તા નાટક ‘દ્રૌપદી’ને પણ અ.ભા.વિ.પ. અને સ્થાનિક જૂથોએ રાષ્ટ્રવિરોધી ગણીને અટકાવી દેવાનો બનાવ હરિયાણાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં બન્યો.        

હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના ગરીબ દલિત આશાસ્પદ વિદ્યાર્થી રોહિત વેમુલાએ  આત્મહત્યા કરી. અ.ભા.વિ.પ.ના વિરોધી સંગઠન આંબેડકર સ્ટુડન્ટસ યુનિયનના કાર્યકર્તા રોહિતને યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલર અપ્પા રાવે ભા.જ.પ.ના એક મંત્રી અને સ્મૃિત ઇરાનીના દબાણ હેઠળ નિલંબિત કરીને તેની  સ્કૉલરશીપ અટકાવી હતી. રોહિતના કમોતનો વિરોધ કરનાર અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સત્તાવાળાઓએ કરેલી દુર્દશાની વાત ઓછી જાણીતી છે. ટૂંકા ગાળાના નિલંબન પછી અપ્પા રાવને ફરીથી હોદ્દા પર બેસાડવામાં આવ્યા કારણ કે તેઓ ભા.જ.પ.ના કહ્યાગરા હતા. આ જ રીતે કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટૉરિકલ રિસર્ચના પ્રમુખપદે પક્ષને ગમતા અને જ્ઞાતિવાદના પ્રખર સમર્થક વાય.એસ. સુદર્શન રાવની નિમણુંક કરવામાં આવી. વેદકાળના અભ્યાસી  અને નરેન્દ્ર મોદીને ભગવાનનો અવતાર માનનાર લોકેશ ચન્દ્રને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ કલ્ચરલ રિલેશન્સના વડા તરીકે ગોઠવવામાં આવ્યા. ઝફર સરેશવાલાની મૌલાના આઝાદ ઉર્દૂ નૅશનલ યુનિવર્સિટીના, એમ. જગદેશ કુમારની જે.એન.યુ.ના વાઇસ-ચાન્સલર તરીકે તેમ જ બલદેવ શર્માની નૅશનલ બુક ટ્રસ્ટના પ્રમુખ તરીકેની નિમણૂકો તેમના જમણેરી જોડાણોને કારણે થઈ હોવાનું ઠીક નોંધાયું છે.

વહાલાંનો સરવાળા સામે દવલાંની બાદબાકી થાય એવો માહોલ ઊભો કરવામાં આવતો રહ્યો. નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગના નિયામક પ્રવીણ સિન્કલેર તેમ જ વિશ્વભારતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સુશાન્તા ગુપ્તા પર આર્થિક ગેરવ્યવહારોના આરોપો હેઠળ હોદ્દા છોડવાની ફરજ પાડવામાં આવી. જાણીતા અણુવિજ્ઞાની અનિલ કાકોડકરે સરકારી દખલઅંદાજીના વિરોધમાં આઇ.આઈ.ટી.ના બોર્ડ ઑફ ગવર્નર્સમાંથી રાજીનામું આપ્યું. નોબેલ સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને 2015માં નાલંદા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલર પદેથી રાજીનામું આપ્યું તેનું કારણ સરકારી હસ્તક્ષેપ.

યુનિવર્સિટીના સરકારી ઉપયોગનું હમણાંનું ઉદાહરણ વિમુદ્રાકરણની આપખુદ અને આપત્તિજનક પ્રક્રિયામાં જોવા મળ્યું . સરકારે ચાર પાનાંના આદેશાત્મક પત્ર થકી  તમામ  કેન્દ્ર, રાજ્ય તેમ જ ખાનગી યુનિવર્સિટીઓને વિત્તિય સાક્ષરતા આભિયાનમાં જોતરી હતી ! જો કે આના પહેલાની સરકારો આદર્શ હતી એવો દાવો થઈ શકે તેમ નથી જ. પણ ઑથોરિટેરિયન- સત્તાવાદી અભિગમ ઠીક ઓછો હતો. ખરેખર તો શાસનતંત્રનું કામ શિક્ષણના સંચાલનમાં સહાયભૂત થવાનું છે, નહીં કે શિક્ષણને પોતાના તાબા હેઠળ રાખવાનું. યુનિવર્સિટી સરકારનું એક ખાતું નહીં સ્વાયત્ત જ્ઞાનમાર્ગી સંસ્થા હોવી ઘટે.

આવી એક સંસ્થા તે ઑક્સફર્ડ યુનિવર્સિટી. પહેલા વિશ્વયુદ્ધ પછી એકાદ દાયકા બાદ યુરોપમાં ફરીથી ડહોળાઈ રહેલી શાંતિના સંજોગોમાં બ્રિટને શસ્ત્રસજ્જતાની શરૂઆત કરી હતી. યુનિવર્સિટીના એક મોટા હિસ્સાની આ લાગણી તેની વિરુદ્ધ હતી. એટલે ઑક્સફર્ડના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના યુનિયને નવમી ફેબ્રુઆરી 1933ના રોજ એક પેસિફિસ્ટ એટલે કે શાંતિવાદી ઠરાવ પસાર કર્યો. તેનું કેન્દ્રવર્તી વિધાન હતું :  ‘આ ગૃહ કોઈ પણ સંજોગોમાં રાજા માટે અને દેશ માટે લડશે નહીં.’ અલબત્ત બ્રિટનમાં આ ઠરાવનો  ચર્ચિલ અને  સમાજના અનેક વર્ગોમાં   વ્યાપક  વિરોધ  હતો. વળી, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે ત્રણેક હજાર કૉલેજના યુવકો યુદ્ધમાં સ્વેચ્છાએ જોડાયા પણ હતા. પણ ગયા ત્રણ વર્ષમાં ઉચ્ચ શિક્ષણ જે રીતે તેની સ્વાયત્તતા ગુમાવી રહ્યું છે ત્યારે  આ કિસ્સો  મહત્ત્વનો  છે.

++++++++

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 26 મે 2017

Loading

તરસ અને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ…

તુષાર પુરાણી|Opinion - Literature|25 May 2017

પ્રહ્લાદ પારેખની આ અન્ય સંદર્ભની કાવ્યપંક્તિમાં માતૃભાષાનું રહસ્ય વણાયેલું છે, એમ મારું માનવું છે. જ્ઞાનની તરસ અને ભૂખ, સમજની કેળવણી અને આદર્શ પરંપરાઓને આત્મસાત્‌ કરવા. સૂક્ષ્મ સંવેદનોની અભિવ્યક્તિ, લાગણીઓનાં બંધનોની સુચારી માવજત આ બધું માતૃભાષામાં કથન વગર સહજ શક્ય બને ખરું ?

કહેવાય છે કે સ્વભાવની અમુક ખાસિયતો – સકારાત્મક કે નકારાત્મક – વ્યક્તિને ગળથૂથીમાંથી મળે છે અને તેની સાથે મૃત્યુ પર્યંત રહે છે. એમ માતૃભાષા પણ ગળથૂથીમાંથી મળે છે. તો એનો વિચ્છેદ કેમ કરી શકાય ? એ તો umbilical cord છે, નાળ છે જેમાંથી વ્યક્તિના મનનું ઘડતર થાય છે.

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંગ્લિશ(હૈદરાબાદ)માં અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરવા ગયો ત્યારે બ્રિટિશ કાઉન્સિલના નિષ્ણાતે કહેલું : Mother tongue is like mother’s milk : it nourishes the mind, માતાનું પયપાન બાળકનાં મન અને શરીરને પુષ્ટ કરે છે.

જો બે કાંઠા વગરની નદી સંભવી શકતી હોય તો માતૃભાષા વગર આ બધું સંભવી શકે. પ્રેમ, અકારણ ક્રોધ કે રમૂજમાં કહીએ તો ઝઘડાની (પ્રેમીઓ વચ્ચેના) ભાષા પણ માતૃભાષા હોય તો ધારી અસર ઉપજાવી શકાય. નહીં તો કદાચ આ માટે કરેલા પ્રયત્નો ધાર્યું પરિણામ લાવી ન શકે. વળી સૂક્ષ્મ સંવેદનાઓને વાચા આપવાનું માધ્યમ પણ તે જ બની શકે. કેટલાક અમૂર્ત ખ્યાલો, વિચાર(abstract concepts)ની સમજ માતૃભાષા દ્વારા જ બાળક મેળવી શકે તે કદાચ અન્ય ભાષા દ્વારા મેળવી શકતો નથી એવું સર્વેક્ષણમાં ફલિત થયું છે. ખાસ કરીને પ્રાથમિક તબક્કાનું શિક્ષણ માતૃભાષા દ્વારા થાય એ ઇચ્છનીય છે. આપણી સંસ્કૃિતમાં સંસ્કારસિંચનને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે અને તે માટે ચોક્કસ મૂલ્યોને બાળકમાં સંક્રાંત કરવા માતૃભાષા વગર કોઈ બીજો વિકલ્પ શું હોઈ શકે ? દેશ-વિદેશની વાણી જગમાં હોય અનેક પણ આ માટે તો વાણી અવનીભરમાં એક, આ સનાતન સત્ય છે.

એક વૈશ્વિક સર્વેક્ષણ કહે છે કે વાચન અને લેખન પ્રથમ માતૃભાષામાં થવું જોઈએ. વાચન અને વાચનમાં સરળતા માતૃભાષામાં ઝડપથી અને સરળતાથી આવી શકે છે. વિજ્ઞાનીઓના મતે આઠ વર્ષની નીચેનાં બાળકો નવી ભાષા ઝડપથી શીખી શકે છે અને એ સાચું છે. પરંતુ, એ પણ સાચું છે કે એક ભાષામાં મેળવેલી ક્ષમતા કે કૌશલ્ય બીજી ભાષાઓ શીખવાનો માર્ગ મોકળો કરે છે અને તેથી માતૃભાષા ઉપરની પકડ અન્ય ભાષઓ માટે ઉપકારક બની શકે. વૈશ્વિક સર્વેક્ષણ એમ કહે છે કે Learning the first language expands the cognitive network of a child’s mind, making it easier to grasp the same concepts in a second language. પ્રથમ ભાષાના (ગુજરાતી) અભ્યાસને કારણે બાળકના મનનો વિકાસ અને સમજ કેળવાય છે અને પરિણામે અન્ય ભાષાનાં concepts તે સહેલાઈથી સમજી શકે છે. મા-બાપનો તર્ક કંઈ આવો છે : મારું બાળક ગુજરાતી તો બોલે છે. પછી તેને ગુજરાતીમાં શિક્ષણ આપવાનો અર્થ ખરો ? તર્કની દૃષ્ટિએ આ સાચું લાગે છે પણ તે ભૂલભરેલો તર્ક છે. જો બાળક માતૃભાષામાં પ્રભુત્વ ધરાવશે તો તે બીજી ભાષા(અત્યારે અંગ્રેજી)માં ચોક્કસ કૌશલ્ય પ્રાપ્ત કરી શકશે. પ્રશ્ન ગુજરાતી વિરુદ્ધ અંગ્રેજીનો નથી. વાત એમ છે કે સારું ગુજરાતી (માતૃભાષા) એ સારા અંગ્રેજી માટેનો પાયો પૂરો પાડે છે. સુપ્રસિદ્ધ ન્યુરોલૉજિસ્ટ ડૉ. અશોક પાનગરિયા તેમનાં વર્ષો સુધીનાં સંશોધન પછી એવા તારણ ઉપર આવ્યા છે કે બાળકોને માતૃભાષામાં શરૂઆતના તબક્કે શિક્ષણ આપવાથી તેમનું વ્યક્તિત્વ ખૂબ સરળ બને છે અને તેમનામાં શાણપણ (wisdom), કામ કરવાનું પ્રેરકબળ (motivation), સર્જનાત્મકતા (creative) અને પ્રત્યાયનનું કૌશલ્ય (communication skill) જેવા ગુણો સંક્રાંત થાય છે.

આજે જ્યારે માતૃભાષાના ભોગે અંગ્રેજીમાં જ શિક્ષણ આપવાનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ડૉ. પાનગરિયાનું સંશોધન ખૂબ જ મહત્ત્વનું પુરવાર થાય છે. વૈશ્વિકીકરણ અને મજબૂત અર્થતંત્રને કારણે અંગ્રેજીની માંગ વધી રહી છે અને અંગ્રેજી ભાષાનું કૌશલ્ય જરૂરી બની ગયું છે. પરંતુ, શરૂઆતના તબક્કે માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતા બાળકના માનસિક વિકાસને રૂંધનારું પરિબળ બની શકે તેવી ચેતવણી તેમણે ઉચ્ચારી છે. તેમના મતે અંગ્રેજી કે અન્ય ભાષા દ્વારા અપાયેલાં શિક્ષણનાં સકારાત્મક પરિણામોનો ડેટા હજુ સુધી પ્રાપ્ત થયો નથી. ડૉ. પાનગરિયાનું જ્ઞાનતંતુઓ ઉપરનું સંશોધન સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ પામ્યું છે અને તેમના મતે ભાષા એ મનુષ્યનો વિશિષ્ટ હક્ક છે અને મનુષ્યના મજ્જાતંત્રમાં ભાષા દ્વારા બુદ્ધિ, પૃથક્કરણ, નિર્ણય લેવાની તેની શક્તિ અને ધાર્મિક વલણોની પુષ્ટિ થતી હોય છે. તેમના સંશોધનમાં એવું પુરવાર થાય છે કે પ્રથમ ભાષામાં અપાયેલા શિક્ષણથી બાળકની દૃષ્ટિ વિશાળ બને છે અને અન્યની કદર કરવાની તથા નવા વિચારોને આત્મસાત્‌ કરવાની ક્ષમતા વધી જાય છે. તેમનાં શબ્દોમાં “The brain of a primary student is hard wired for the mother tongue and child understanding a subject through it (mother tongue) would be able to assimilate its ideas and interact and cross question in a better way after getting stimulated,” ટૂંકમાં બાળકના મગજનું બંધારણ માતૃભાષાને સ્વીકારવા સજ્જ હોવાથી તેના દ્વારા બાળક વિષયને સરળતાથી સમજી શકે. વિચારને ગ્રહણ કરી શકે અને તેની સાથે આંતરક્રિયા કરી શકે. પ્રશ્નોનું સમાધાન શોધી શકે, કારણ માત્ર એ જ કે તેનું મગજ પૂરતા પ્રમાણમાં ઉત્તેજિત થયેલું હોય છે. ઉદાહરણ આપતાં ડૉ. પાનગરિયા ખ્યાતનામ ભાષાશાસ્ત્રી નોમ ચોમસ્કીને ટાંકીને જણાવે છે કે બાળકમાં રહેલા આંતરિક વ્યાકરણ(innate grammar)ની રચનાને કારણે માતૃભાષાને બદલે (L1) અન્ય ભાષા (અર્હી અંગ્રેજી L2) દ્વારા અપાયેલી સૂચનાનો અર્થ તે ઝડપથી ગ્રહણ કરી શકતો નથી અને તેની વિષયરચનાને સમજી શકતો નથી કારણ તે ભાષા તે બોલી કે વાંચી શકતો નથી. ઉદાહરણ આપી તે સમજાવે છે કે આ તો કોઈ બાળકને તરવાનું શિખવાડ્યા વગર પાણીમાં ડુબાડી રાખવો તેના બરોબર છે. વિશ્વપ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી ડૉ. ક્યુમીન્સને ટાંકતાં ડૉ. પાનગરિયા જણાવે છે કે માતૃભાષાને કારણે તેને અન્ય ભાષા ઉપર પ્રભુત્વ મેળવવામાં સરળતા રહે છે. ડૉ. ક્યુમીન્સ તેમના દ્વિભાષાકીય શિક્ષણના સંશોધન માટે ખૂબ જાણીતા છે. ડૉ. પાનગરિયા મગજ, શરીર અને મનનાં સંશોધનમાં હાલમાં પ્રવૃત્ત છે અને એ દ્વારા તેઓ વિજ્ઞાન, ફિલસૂફી અને ધર્મને સાંકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અંતમાં તેઓ જણાવે છે કે માતૃભાષા એ બાળકની વૈયક્તિક, સામાજિક અને સાંસ્કૃિતક ઓળખ માટે જરૂરી છે અને તે દ્વારા શિક્ષણ મેળવવાનો તેનો હક્ક છીનવી લઈને આપણે તેની શીખવાની ક્ષમતા ઉપર બિનજરૂરી કાપ મૂકી રહ્યા છીએ.

માતૃભાષાના સમર્થનમાં એક અન્ય અભ્યાસનાં તારણો પણ જાણવા રહ્યા. Programme for International Student Assessment (PISA) દ્વારા બાળકો માટે લેવાયેલાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 73 રાષ્ટ્રોમાં ભારતનો ક્રમ 72મો હતો. આ સંદર્ભે થયેલા સર્વેક્ષણમાં એક તારણ એવું હતું કે પ્રાથમિક કક્ષાએ અંગ્રેજી દ્વારા અપાતા શિક્ષણની અસર તેમના Learning outcome ઉપર પડે છે. ગરીબ માબાપો પણ અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકોને મોકલતાં થયાં છે અને અધકચરું અંગ્રેજી જાણતા શિક્ષકો દ્વારા બિલાડીના ટોપની જેમ શરૂ થયેલી શાળામાં શિક્ષણકાર્યથી વિપરીત અસરો પેદા થાય છે. જે બાળકો પોતાની માતૃભાષામાં સરળતાથી વાંચી શકે તેઓ સહેલાઈથી અંગ્રેજી શીખી શકે છે. આનો અર્થ એ છે માતૃભાષાથી શરૂ કરો અને અંગ્રેજીને ધીમે ધીમે શરૂ કરો. સરકારે શિક્ષણ પાછળ કરેલા ખર્ચાનું વળતર ન મળવાનું એક કારણ અપરિપક્વ કક્ષાએ શીખવાતું અંગ્રેજી હોઈ શકે એવું સર્વેક્ષણમાં જણાય છે અને ભારતનો 72મો ક્રમ પણ આ વાત પુરવાર કરે છે.

માતૃભાષાને બચાવવા લેખ લખવો પડે એ દુઃખદ ઘટના છે, પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં એને ધર્મકાર્ય ગણી અહીં વિચારો વ્યક્ત કર્યા છે. આવનાર વર્ષોમાં માતૃભાષા અને વૈશ્વિક ભાષા(અંગ્રેજી)નો અભ્યાસ બળવત્તર બને તેવી આશા રાખીએ. બંનેને સિક્કાની બે બાજુઓ ગણીએ તો કદાચ સંઘર્ષ નિવારી શકાય અને ગુજરાતીને દુર્બોધ બનાવવાના પ્રયત્નો નિવારીએ અને રોચક બનાવીએ તો તે પ્રત્યે આકર્ષણ થાય.

સૌજન્ય : “વિશ્વવિહાર”, વર્ષ : 19; અંક : 08; મે 2017; પૃ. 07-09

Loading

ગાય, ભારત અને હિન્દુત્વ

રજની દીક્ષિત|Opinion - Opinion|25 May 2017

વેદમાં એક એવી કથા જોવા મળે છે કે ત્રિતઋષિ અગ્નિ શોધતા હતા અને એમને ગાયના માથામાં અગ્નિ મળ્યો. આજે ભારતમાં આપણે ‘ગાય’માંથી પ્રગટેલી એક મોટી દાહક આગ જોઈએ છીએ. ગાય એ હિન્દુઓમાં પૂજ્ય છે એમ કહેવાય છે અને એ કારણે ગૌહત્યા એ ધાર્મિક લાગણી દૂભવનાર વિષય બની ગઈ છે. આ વિષયમાં કેટલાક લાગણીશીલ લોકો દ્વારા આવી શંકાને કારણે દલિતો અને અહિન્દુઓને પીડવામાં કે મારી નાખવામાં આવ્યાના બનાવો પણ બન્યા છે. તો, આપણે એ જોઈએ કે આપણા ધાર્મિક સમાનતામાં માનતા દેશના કાયદાઓ અને બંધારણ તેમ જ આ દેશની મહત્તમ પ્રજાસંખ્યા દ્વારા પળાતો ધર્મ ગૌહત્યા બાબતમાં શું કહે છે.

ભારતના બંધારણમાં રાજ્યોની રાજનીતિ માટે માર્ગદર્શક નિયમોમાં ગૌહત્યા બંધ કરવાનો ઉલ્લેખ થયો છે. (કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નીતિ ઘડવા માટે કરાયેલાં સૂચનો, જેને કોર્ટનો કોઈ કાયદો ફરજિયાત બનાવતો નથી.) ગૌહત્યાવિષયક સૂચનો આર્ટિકલ-૪૮માં નોંધાયાં છે, તે આ પ્રમાણે છે : “રાજ્યો ખેતી અને પશુપાલનને આધુનિક અને વૈજ્ઞાનિક રીતે વિકસાવવા પ્રયત્ન કરશે અને ખાસ કરીને ગાય, વાછરડાં અને બીજાં દૂધ અને વહનકાર્ય માટેનાં પ્રાણીઓની હત્યા બંધ કરાવવા તેમ જ તેમની જાતિ સુધારવા અને તેમને સાચવવા પગલાં લેશે.” (રાજ્યોના નીતિવિષયક સૂચિત નિયમો, ન્યાય અને કાયદા મંત્રાલય)

આ પરથી સ્પષ્ટ થાય છે કે ભારત બિનસાંપ્રદાયિક દેશ હોવાથી બંધારણમાં મુકાયેલાં આ સૂચનો માત્ર ગૌહત્યાનો વિરોધ નહીં, પણ સામાન્યપણે સર્વ દુધાળાં પ્રાણીની હત્યાનો વિરોધ કરે છે, અને તે ધાર્મિક કારણે નહીં પણ આર્થિક કારણે. ‘દૂધ માટેનાં પ્રાણીઓ’ શબ્દોમાં ગાય, ભેંસ અને બકરા સર્વનો સમાવેશ થાય છે. ભારતમાં ગાયનાં દૂધ કરતાં ભેંસનું દૂધ ઘણું વધારે પિવાય છે. ઉપરાંત ૬૫ ટકા કરતાં વધારે લોકો વિશ્વમાં બકરાનું દૂધ વાપરે છે. તે જોતાં ભારતમાં પણ વસતીનો ઘણો ભાગ એ વાપરતો હોવાની શક્યતા છે જ.

૨૦ ડિસેમ્બર, ૧૯૫૦ના એક પત્ર દ્વારા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ ન લાદવો એમ જણાવ્યું છે અને તે માટે આર્થિક કારણો જણાવ્યાં છે. (ડી.એ.એચ.ડી. ૨૦૦૨ પેરા ૬૪) ઉપરાંત, ૧૯૯૫માં ભારતીય કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પશુધનના સંવર્ધનને તેમ જ તેમના યોગ્ય પ્રકારે ઉપયોગને ઉત્તેજન આપતી હતી અને એમાં ઉત્તમ પ્રકારના માંસની, પરદેશ થતી  નિકાસ તેમ દેશની અંદરનાં બજારોમાં વેચાણ માટે ઉત્પાદનનો પણ સમાવેશ થતો હતો. (ડી.એ.એચ.ડી. ૨૦૦૨ પેરા ૬૫) છેલ્લા થોડા દશકામાં સરકારે અદ્યતન કતલખાનાં બનાવવા માટે ગ્રાન્ટ અને લોન આપવી પણ શરૂ કરી હતી. (ખાદ્યપદાર્થ ઉદ્યોગમંત્રાલય એચ.ડી.)

અનેક કેસોમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યુ છે કે આર્થિક દૃષ્ટિએ, નકામા ગોધા કે બળદ રાખવા એ સમાજ માટે ભારરૂપ થતું હોય અને તેથી જનહિતમાં ન હોય તો, (ગૌહત્યા પર) સંપૂર્ણ પ્રતિબંધ કરવો પરવાનગી યોગ્ય ન હતો. (ડી.એ.એચ.ડી. ૨૦૦૨ પેરા ૧૨૪)

તો આ ભારતના બંધારણમાં ગૌહત્યા વિષયે ધારાવિષયક માહિતી.

હવે હિન્દુત્વ તરફ જોઈશું. હિંદુ ધર્મ વૈદિક ધર્મ કહેવાયો છે. હિન્દુ ધર્મના આધારભૂત મનાયેલા વેદો ‘શ્રુતિ’ અર્થાત્‌ ‘ઈશ્વરવચન’ કહેવાય છે અને વેદવચનને હિન્દુઓ અંતિમ નિર્ણાયક માને છે. પછીના સમયમાં રચાયેલાં રામાયણ, મહાભારત, ભાગવત, મનુ સ્મૃિત જેવાં પુસ્તકો ‘સ્મૃિત’ અર્થાત્‌ ‘જે સ્મરણમાં રહ્યું તે’ કહેવાય છે. અને તેથી ઓછાં આધારભૂત મનાય છે. આ પાછળનાં પુસ્તકોમાં દર્શાવેલ વિચાર અને વેદમાં દર્શાવેલ વિચારમાં જો કોઈ વિરોધ જણાય, તો વેદવચનને જ સાચું માનવું ઘટે, એવો આદ્ય શંકરાચાર્ય સહિત હિન્દુ ધર્મની સર્વ મહાન વ્યક્તિઓનો મત છે.

હિંદુ ધર્મના ઇતિહાસ તરફ એક ટૂંકી આડનજર : હિન્દી પ્રજાના મહદંશ દ્વારા પળાતા આ ધર્મનું હિન્દુ ધર્મ મૂળ નામ તો નથી જ. હકીકતમાં આ ધર્મને વર્ણનાત્મક નામ ‘વૈદિક ધર્મ’ સિવાય કોઈ અન્ય નામ નથી. એ શુદ્ધ ‘આર્ય ધર્મ’ નથી, પણ આર્ય ધર્મ અને તત્કાલીન ભારતની નિવાસી પણિઓ, અસુરો, રાક્ષસો, નાગો વગેરે પ્રજાઓના અનાર્ય ધર્મોનું મિશ્રણ છે.

જે સમય વિષે આપણે અહીં વાત કરીએ છીએ, તે આશરે ૨૦૦૦ ઈસ્વીસન પૂર્વેનો સમય મનાય છે. આર્ય રાજા સુદાસ, એના પુરોહિત-મુખ્ય મંત્રી વશિષ્ઠ અને એમનો આર્ય જનસમૂહ ઘણા સમયથી પંજાબમાં (તત્કાલીન નામ સપ્તસિંધુ) ભારતવાસી અનાર્યો સાથે  યુદ્ધો કર્યાં પછી સ્થિર થયા હતા. એમના પડોશી પ્રાંતમાં સિંધ-ગુજરાતમાં (મોહેં જો ડારો હરપ્પા પ્રદેશમાં) વસતા વેપારી અનાર્ય પણિ સમાજને તેઓ ધિક્કારતા હતા. આ સમયે વિશ્વામિત્ર અને એનો જનસમાજ તત્કાલીન એક યુદ્ધને કારણે રેફ્યુજી તરીકે યુરોપથી ભારત આવ્યો (ii). અને વસિષ્ઠની મદદ માંગી. વસિષ્ઠને આ માટે પોતાના શત્રુ પણિઓની સહાયતા માંગવાની ફરજિયાત જરૂર પડી અને આશ્ચર્ય થાય છે, પણ પણિઓ સહાયતા કરવા તૈયાર પણ થયા.

મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલા પોતાના નિરાશ્રિત આર્ય બંધુઓને આશ્રય આપવામાં આ અનાર્ય સમાજે સહાયતા કરી એ હકીકતે વસિષ્ઠને પોતાના આ અનાર્યો તરફના વેરભાવ વિશે વિચારતા કરી મૂક્યા. એના અનાર્યો અને એમના ધર્મ તરફના વિચારો ફેરવાયા અને એણે અનાર્ય-દેવનો આર્ય ધર્મના દેવોમાં સ્વીકાર કરવાનું શરૂ કર્યું [ઋગ્વેદ ૭-૮૬ (૨-૭)]

આમ, હિન્દુ ધર્મની સ્થાપના વસિષ્ઠે કરી, અને જુદી-જુદી જાતિઓ અને સંસ્કૃિતઓ વચ્ચે પરસ્પર મેળ એનો આધારસ્તંભ છે એમ કહી શકાય. આનો સમય, વિશ્વામિત્રની પુત્રીના પુત્ર મહાન રાજા ભરત જેના ઉપરથી ભારતનું નામ રખાયું છે તેના સમય સાથે મહદંશે એક છે. એ સમયને વેદ સમયનો સુવર્ણકાળ કહી શકાય.

ગુજરાતની તે સમયની સંભવિત રાજધાની ‘દિવ’ના લોકો સાથે મળીને કાર્ય કરવાની વસિષ્ઠે શરૂઆત કરી (iii). એણે અનાર્યોના દેવ શંકરને આર્યદેવમાં સ્વીકારવાનો નિર્ણય લીધો અને પોતાના યજ્ઞમાં એને પણ આહુતિ આપવાનું શરૂ કર્યું. [ઋગ્વેદ ૭.૮૮ (૧,૨૭)]. ક્રમે કરીને મૂર્તિ-પૂજાનો પણ સ્વીકાર થયો. વિભિન્ન ધર્મોના એકીકરણ માટે વસિષ્ઠે મહાપ્રયત્ન કર્યો. અને આ રીતે ભારતમાં એક આર્ય ધર્મના નવા પ્રકારની શરૂઆત થઈ જે આજે હિન્દુધર્મ તરીકે ઓળખાય છે. એમાં આર્યોના દેવ બ્રહ્મા અને વિષ્ણુની અનાર્ય દેવ શંકર સાથે ત્રિમૂર્તિ બની, અને મોંહે જો-ડારોની યોગમાયા, જે વિશ્વસર્જકનું માતૃસ્વરૂપ હતું, અને અનાર્યપૂજા, જેની મંદિરોમાં પૂજા કરતી, તેને માટે યજ્ઞ, હવન થવા લાગ્યા. મહાકાલ એટલે અનંત સમયનાં સ્ત્રીસ્વરૂપ મહાકાલી, જે સૃષ્ટિસર્જક માતા તેમ જ વિનાશક મનાય છે, તે આર્યદેવી અદિતિ અને મોહેં જો ડારોની  યોગમાયાનું મિશ્રરૂપ લાગે છે. આમ, પ્રાણીઓ, રાક્ષસો અને નાગોના દેવ હિંદુ દેવ બન્યા અને સર્વ ધર્મની સ્વીકૃતિ એ તત્કાલીન મુખ્ય મંત્ર બન્યો.

આમ, હિન્દુધર્મની સ્થાપનાનું મૂળ ‘ધર્મ સંબંધે હિંસકતાનો અભાવ’ એ છે હિન્દુ ધર્મનો પાયો, એનો મુખ્ય વિચાર એ છે.

ગાયની પવિત્રતા વિશેની માન્યતા મૂળમાં શું છે ?

ગૌહત્યા તો ન જ કરાય એ માન્યતાનું મૂળ છે. ઋગ્વેદમાં પ્રયોજાયેલો ‘અધ્ન્યા’ (અર્થાત્‌ જેને મરાય નહીં તે) શબ્દ, પાછલા સમયમાં હિન્દુઓએ એ શબ્દ સામાન્યપણે સર્વ ગાયોને માટે પ્રયોજાયો છે, એમ ભૂલથી માની લીધું છે, પણ વસ્તુતઃ એમ નથી. આપણા બંધારણની જેમ ઋગ્વેદ પણ માત્ર એટલું જ સૂચન કરે છે કે જે દુધાળી, ઘરડી નહીં એવી ગાયો હોય તેને ‘અધ્ન્યા’ અર્થાત્‌ ‘મારવા લાયક નહીં’ માનવી, અને તે પણ આર્થિક કારણોસર. એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે ઉપયોગી નથી, તેને મારવી જોઈએ.  [ઋગ્વેદ ૧૦ ૯૫ (૬)] ભારતનાં મોટા ભાગનાં રાજ્યોના પશુસંરક્ષણના કાયદાઓ પણ એ જ જણાવે છે.

ઋગ્વેદમાં ગાયને માટે માતા શબ્દ ક્યારે ય વપરાયો નથી. ઋગ્વેદ સમયની પ્રજાને મન ગાય એ સંપત્તિ હતી અને એ સમયમાં લક્ષ્મીપૂજા ન હતી, પ્રકૃતિ અને સર્જનની પૂજા થતી. સંપત્તિ, ગાયો, એ તો પાર્થિવ ચીજો અને તેથી માત્ર ઉપયોગની વસ્તુઓ ગણાતી. સંસ્કૃતમાં ‘ગો’ શબ્દનો અર્થ ‘ગાય’ ઉપરાંત ‘પૃથ્વી’ અને ‘વાણી’ પણ થાય છે, પણ તેથી ગાય પવિત્ર છે, એમ સૂચન થતું નથી. આ શબ્દનું મૂળ ‘ગમ્‌’ ક્રિયાપદ છે જેનો અર્થ ‘જવું’ ઇંગ્લિશમાં, પણ ‘જવું’ને માટે ‘ગો’ શબ્દ છે એ નોધવું ઘટે. ‘ગો’ શબ્દના ઉપરના ત્રણે અર્થ સાથે ગમનની ક્રિયા સંકળાયેલી છે. ‘પૃથ્વી’ તે છે જેના પરથી તમે ‘જાઓ’ છો, ચાલો છો. ‘વાણી’ તે છે, જેનાથી તમારા વિચારો બીજા પાસે ‘જાય’ છે, અને પાળેલી ‘ગાય’ તો ‘દોરે ત્યાં જાય’, એ કહેવત ગુજરાતીમાં અજાણી નથી.

આ ઉપરાંત, હિન્દુ ધર્મમાં પાછળથી પ્રવેશેલી કેટલીક અન્ય માન્યતાઓ પણ ગાય પવિત્ર ગણાવાનું કારણ બની છે.

૧. પૃથુ વૈન્યને ગાયને રૂપે મળેલી પૃથ્વીની પૌરાણિક કથા

૨. મોહેં જો ડારો વૃષભનું, પાછળથી શિવનું વાહન અને પાલિત પશુ ગણાવું.

૩. ઐતિહાસિક કૃષ્ણનું આહિર, ગોવાળ દેવ જોડે ભૂલથી મનાયેલું જોડાણ.

રાજા પૃથુ વૈન્યની કથા એવી છે કે પૃથ્વી ગાય બની ગઈ અને પૃથુ વૈન્યે તેને દોહી. આની પછીની સત્ય હકીકત એ જ હોઈ શકે કે રાજા પૃથુએ એના રાજ્યકાળ દરમિયાન કૃષિ વિકાસ કર્યો અને એ રીતે પૃથ્વીની ઘણી અધિક સંપત્તિ દોહી. આપણે આગળ જોયું કે ‘ગો’ શબ્દના ‘ગાય’ ઉપરાંત બીજા બે અર્થ પણ છે. કદાચ આને જ કારણે કથાકારને પૃથ્વી માતાએ ગાયનું રૂપ લીધું એવી કથા સૂઝી. ભારતમાં ધર્મકથાકારો હંમેશાં ધંધાદારી રહ્યા છે. કથા એમનું કમાણીનું સાધન રહી છે અને તેથી એ કથાને લોકભોગ્ય બનાવવાની એમને ફરજ પડી છે. કમભાગ્યે આ પૌરાણિક કથાકારોએ, આપણા અત્યારના ટીવી-સિરિયલોના કથા લેખકોની જેમ ક્યારે ય શ્રોતાગણ સમક્ષ એ વિધાન નથી કર્યું કે આ કથા કાલ્પનિક છે અને ‘એમાં જણાતી ખરી વ્યક્તિઓ સાથેની સમાનતા માત્ર આકસ્મિક છે.’ આથી, આપણી જનતાએ આ કથાઓને અક્ષરશઃ સાચી માની લીધી છે અને પરિણામે ગૌહત્યા માટે વેર લેવા મનુષ્યહત્યા કરાય એવું પણ બન્યું છે. આ ધર્મકથાઓ, જેને અતિ રસપ્રદ ‘અકબર-બિરબલની વાર્તાઓ’ જેવું સ્થાન મળવું જોઈતું હતું, એને સ્થાને અકબરના સાચા ઇતિહાસ જેવું સ્થાન હિન્દુ પ્રજાના મનમાં કરી ગઈ છે. આ સ્થાને એ જણાવવું આવશ્યક છે કે ભાગવતપુરાણ (૪૧૭૦૨૫૧, ૨. શ્રીમદ્‌ ભાગવતપુરાણ) ડબલ્યુ, ડબલ્યુ. ડબલ્યુ. સંસ્કૃત ડૉક્યુમેન્ટસ્‌ ઑર્ગે. પરથી ડાઉનલૉડ કરાયેલું) (એચ.ટી.ટી.પી. ડબલ્યુ.ડબલ્યુ.ડબલ્યુ. સંસ્કૃત ડૉક્યુમેન્ટ્‌સ ઑર્ગ. = http //sanskritdocuments.org)માં પૃથુ વૈન્યે પૃથ્વી ગાયને એવું કહ્યાનો ઉલ્લેખ છે કે જો એ દૂધ નહીં આપે, તો પૃથુ એને મારીને એનું માંસ ગ્રહણ કરશે. આથી સ્પષ્ટ થાય છે કે ભાગવતમાં પણ ગાયને અધ્ન્યા (ન મારવા યોગ્ય) કહી નથી.

ગૌપૂજા પાછળનું બીજું કારણ મોહેં જો ડારો વૃષભ હોવાનો સંભવ લાગે છે. મોહેં જો ડારોની વૃષભમુદ્રાઓ જાણીતી છે. અને પાછલા સમયના હિંદુ ધર્મમાં આ વૃષભે શંકરના પાલિત વાહન નન્દીનું રૂપ ગ્રહણ કર્યું છે. પાછળના સમયના હિન્દુ ધર્મમાં મોટા ભાગના દેવોને પાલિત પશુવાહન તરીકે નામ અપાયાં છે. વિષ્ણુ મંદિરોમાં ગરુડ, માતાનાં મંદિરોમાં વાઘ અને શંકરનાં મંદિરોમાં વૃષભ હોય એ જાણીતું છે. મૂળભૂત રીતે, અનાર્યોએ શંકરને, આર્યોએ જેમ ઇન્દ્ર અને અન્ય દેવોને કલ્પ્યા હતા, તેમ મનુષ્ય રૂપમાં કલ્પ્યા ન હતા. અનાર્ય પ્રજા અરૂપ અદેહ સ્રષ્ટામાં માનતી હતી, અને તેથી જ સર્જકની મૂર્તિ તરીકે માત્ર લિંગની જ પૂજા થતી. ભારતમાં વૃષભ ખેતી અને વાહન સાથે સંકળાયેલો હોવાથી હંમેશાં પેદાશ કરનાર મનાયો છે અને તેથી જ સ્રષ્ટાના રૂપક તરીકે વૃષભ મુદ્રાઓ બનાવવામાં આવી જણાય છે, પણ વાસ્તવમાં અનાર્યો સ્રષ્ટાનું મનુષ્ય કે વૃષભ કોઈ ‘સ્વરૂપ’ માનતા ન હતા. વૃષભ મુદ્રાઓ છતાં એમણે ક્યારે ય ગાયને પૂજ્ય માની ન હતી.

ઋગ્વેદમાં મને એક વિચિત્ર પંક્તિ જોવા મળી છે. [ઋગ્વેદ ૧૦.૮૭ (૧૬)] ‘અનાર્યો ‘ક્રવિષ’થી, ઘોડા, ગાય, ‘પૌરુષેય’થી અભિષેક કરે છે.” આ પંક્તિને સાયણ અને અન્ય વિદ્વાનોએ “અનાર્યો પુરુષના ઘોડાના અને ગાયના માંસથી અભિષેક કરે છે.” એવું ભાષાંતર કર્યું છે. પરંતુ સાચો અર્થ સમજવા માટે ‘ક્રવિષ’ અને ‘પૌરુષેય’ એ બે શબ્દોનો અર્થ બરાબર સમજવાની જરૂર છે. ‘ક્રવિષ્‌’ એ વેદનો શબ્દ છે. અને પાછળની સંસ્કૃત ભાષામાં મળતો નથી, તેથી સાયણ વગેરેએ એનો ‘ક્રવ્ય’ એટલે ‘માંસ’ અર્થ સમજી લીધો છે. પણ ‘ક્રવિષ્‌’ શબ્દ ઇંગ્લિશ શબ્દ ‘ક્રેવિસ્‌’ (ફ્રેન્ચમાં ‘ક્રિવેઇસ’, લેટિન ‘ક્રિષારે’) સાથે વધારે સીધો સાંકળી શકાય એમ છે. એનો અર્થ છે ‘તડ’, ‘છેદ’, એટલે એમ જણાય છે કે જળાધારી, જેમાં નીચે કાણું હોય છે, તેનાથી શિવલિંગની ઉપર સતત થતા અભિષેક વિશે અહીં વાત કરવામાં આવી છે. હિન્દુ શિવમંદિરોમાં એ હંમેશાં જોવા મળે છે. એ પાણી પછી શિવલિંગ સાથે જોડાયેલા નાના ખુલ્લી નળી જેવા ભાગમાં વહીને બહાર જાય છે. આમ લિંગ અને આ નળી બે સાથે મળીને પુરુષ, ગુહ્યાંગને મૂર્તિમંત કરે છે.

હવે બીજો શબ્દ ‘પૌરુષેય’ એ શબ્દ ‘પુરુષ’ શબ્દ પરથી બન્યો છે, જે નરજાતિનું સૂચક છે. ‘વીર’ પરથી બનેલા ‘વીર્ય’ શબ્દના જ્ઞાત અર્થ જેવો જ આ શબ્દનો અર્થ પણ છે.

હવેનાં હિન્દુ મંદિરોમાં પાણી વપરાય છે, તેને સ્થાને એમ દેખાય છે કે, અનાર્ય પ્રજા તે જમાનામાં અશ્વો અને વૃષભોનાં સરળતાથી મળી રહેતાં સાચાં વીર્ય-મૂત્રનો જ ઉપયોગ એમનાં મંદિરોમાં કરતી. ઋગ્વેદ. ૭.૮૬ (૭)માં વસિષ્ઠ મહાદેવને માટે ‘મિઢુષ્‌’ (મિઢ્‌ એટલે મૂત્રક્રિયા કરવી.) એવો શબ્દ વાપરે છે, તેનાથી ઉપર કથિત સંભાવનાને ટેકો મળે છે. પાછલા સમયમાં, કદાચ આ પ્રથાને કારણે જ, હિન્દુઓએ, જ્યારે ગાયને પવિત્ર માનવા માંડી ત્યારે ગૌમૂત્રને પ્રસાદ તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું હશે. ઉપર કથિત ઋગ્વેદની પંક્તિનું સાચું ભાષાન્તર ‘પુરુષ ઘોડા અને ગાયનું માંસ’ નહીં, પણ ‘ઘોડા અને વૃષભનું વીર્ય, કાણાં મારફતે’ એમ થવું ઘટે.

સંભવિત છે કે તત્પશ્ચાત્‌ જ્યારે કૃષ્ણને વિષ્ણુનો અવતાર માનીને એની પૂજા કરવાની શરૂઆત થઈ, ત્યારે એ કારણે હિન્દુ ધર્મમાં ગાયનું મહત્ત્વ પણ ઘણું વધી ગયું હોય, તો હવે આપણે ઐતિહાસિક વ્યક્તિ કૃષ્ણની દેવત્વ તરફની યાત્રા વિચારીએ.

કૃષ્ણનું મનુષ્યમાંથી દેવત્વ તરફ ગમન અને તે સાથે ગૌપૂજનનું જોડાણઃ

છાન્દોગ્ય ઉપનિષદ્‌ (ઈ.પૂ. છઠ્ઠી શતાબ્દી) એક ઐતિહાસિક વ્યક્તિ કૃષ્ણ દેવકી પુત્ર વિશે લખે છે, તે એક તત્ત્વજ્ઞાની ધર્મવિચારક છે અને સાચો ધર્મ શું તેની શોધમાં છે. એના પિતાના નામ વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એની જાતિ પણ જણાવાઈ નથી. એ એના માતૃનામે ઓળખાય છે. એના જેવી જ એક અન્ય માતૃનામે ઓળખાતી ઉપનિષદ કથિત ઐતિહાસિક વ્યક્તિ છે સત્યકામ જાબાલ, જેની માતાને અનેક પુરુષો સાથે રહેવું પડ્યું હોવાને કારણે એ એના પિતાનું નામ કહી શકતી ન હતી.

શર્મા (૨૦૧૬) જણાવે છે કે પાછલાં સાહિત્યમાં આ કૃષ્ણ દેવકીપુત્ર અન્ય વ્યક્તિ કૃષ્ણ વાસુદેવ સાથે, અને એક (આહિર) આભીરદેવ સાથે એક મનાતો થયો અને દેવ પણ ગણાતો થયો. આમ, કૃષ્ણની કથામાં ત્રણ વ્યક્તિઓનું ચરિત્ર મિશ્રિત છે, એક છે ધર્મતત્ત્વજ્ઞ, બીજો છે ચતુર રાજકારણી અને ત્રીજો છે, ગોવાળોનો દેવ. આ ત્રીજાનું મિશ્રણ ગૌપ્રેમ અને ગૌપૂજા હિંદુધર્મમાં પ્રવેશવાનું મુખ્ય કારણ બન્યું. આશ્ચર્યની વાત તો એ છે કે આ કૃષ્ણપ્રેમ છતાં જે રીતે ગૌપૂજા હિન્દુધર્મમાં દાખલ થઈ તે રીતે આહિરો અને એવી અન્ય ‘હલકી’ ગણાઈ ગયેલી જાતિઓ તરફ એ સાથે સંમાન પણ કેમ દાખલ ન થયું.

‘અધ્ન્યા’ શબ્દનો પ્રયોગ :  ઋગ્વેદમાં યુવાન દુધાળી ગાયને માટે વપરાતો અધ્ન્યા (ન મારવી જોઈએ એના) શબ્દ ગાયોને મરાય નહીં, એ હિન્દુ માન્યતાનું મુખ્ય કારણ બન્યો છે. પાછળના સમયમાં ઋગ્વેદની જૂની સંસ્કૃત ભાષા, સમજાતી બંધ થઈ ત્યારે ઋગ્વેદમાં અધ્ન્યા માત્ર યુવાન દુધાળી ગાયને જ કહેવાય છે, ગાય માત્રને નહીં એ વાત ભુલાઈ ગઈ (iv)

ગાય તો જીવતી દેવી હતી, રસ્તે ગમે ત્યાં મળે, એટલે એને સ્પર્શ કરીને કે એના મૂત્રનું પાન કરીને સ્વર્ગ મેળવવાનું અતિ સરળ લાગતું. એટલે ગૌપૂજા અતિ લોકપ્રિય બની ગઈ અને બ્રાહ્મણોના મગજમાં ઋગ્વેદમાંના ‘અધ્ન્યા’ જેવા ઉચ્ચારના અન્ય શબ્દો પણ ‘અધ્ન્યા’ રૂપે જ સંભળાવા લાગ્યા. વેદ તો સદીઓથી મૌખિક પરંપરાએ જ જળવાયા હતા. વેદપાઠી વિદ્યાર્થીઓ જ્યાં ‘અધ્ન્યા’ને સમાન ઉચ્ચારવાળો શબ્દ આવે, ત્યાં ‘અધ્ન્યા’ પાઠ સમજતા થઈ ગયા. ઋગ્વેદ ૧૦.૪૬ (૩)માં જ્યાં પાછલા સમયના હિન્દુઓએ મિત્રને અધ્ન્યાના માથામાં અગ્નિ જડ્યાની વાત વાંચી છે, ત્યાં વસ્તુતઃ માત્ર મનુષ્યે ઇચ્છે, ત્યારે જાતે અગ્નિ પ્રગટાવવાની રીત કેવી રીતે શોધી તે કહ્યું છે જેમ ન્યુટને સફરજન પડતું જોયું હતું તેમ ત્રિત વૈભુવસે ‘એગ્નસ કાસ્ટ્‌સ’ વૃક્ષની ટોચ પરની શાખાઓમાં ઘર્ષણથી અગ્નિ પ્રકટતો જોયો (ગ્રીક નામ એગ્નોસ, સંસ્કૃતમાં ‘અગ્ન્યા’ અર્થાત્‌ ‘જેમાંથી અગ્નિ પ્રકટે છે તે’) અને એ શોધનો પ્રસંગ ઋગ્વેદના આ પંક્તિમાં અમર કરાયો છે. પણ આપણા ગૌપૂજકોએ સ્વાભાવિક રીતે જ માની લીધું કે શબ્દ ‘અધ્ન્યા’ હશે, ‘અગ્ન્યા’ નહીં, એટલે ગાય વંદનીય બની ગઈ અને ઘેરઘેર અગ્નિ પહોંચતો કરનાર ત્રિત વૈભુવસ ભુલાઈ ગયો.

વેદનું સંસ્કૃત :  હિન્દુ ધર્મની ભાષા લોકોની ભાષા નથી અને વેદનું સંસ્કૃત તો અન્ય જ્ઞાત સંસ્કૃત કરતાં ઘણું જ જુદું છે. એ ભારત પર હુમલો કરનાર પરદેશી આર્યોની ભાષા છે અને તેથી પાછલા સમયની સંસ્કૃત અને યુરોપની ભાષાઓમાં પણ ઘણી સમાનતા જણાય છે. ઋગ્વેદમાં તો એવા અનેક શબ્દો છે જે પાછળની સંસ્કૃતમાં રહ્યા નથી અને જે યુરોપિયન ભાષાના પરિચયથી જ સમજી શકાય. પરંપરાગત જૂની વિચારસરણીના હિન્દુઓ ઋગ્વેદનું ભાષાન્તર અને સમજૂતી સાયણભાષ્યને આધારે કરે છે, પણ સાયણાચાર્ય એમની સમયમર્યાદાને કારણે સ્વાભાવિક રીતે જ આવા શબ્દો સમજી શકે એમ ન હતા અને તેથી અનેક વાર એમણે આવા શબ્દોને દેવ કે રાક્ષસના નામ તરીકે સમજાવ્યા છે અને તેથી અર્થઘટન અનેક વાર દોષયુક્ત બન્યું છે.

જેઓ એમ માને છે કે ઋગ્વેદ સમજવાની શ્રેષ્ઠ રીત જૂના આચાર્યોનાં કથન વાંચવાં એ જ છે, તેમનું ધ્યાન હું અહીં થોડાં ઉદાહરણો આપીને સંસ્કૃત અને ઇંગ્લિશમાં કેટલું સામ્ય છે, તે તરફ ખેંચવા માગું છું :

પાછળના કાળમાં સંસ્કૃત પંડિતોને વેદના જે શબ્દો સમજાતા નથી, તે પાશ્ચિમાત્ય ભાષાજ્ઞાનની મદદથી આપણે સમજી શકીએ, એ દર્શાવવા આટલાં ઉદાહરણો પૂરતાં છે.

વેદમાં ગૌમાંસ : ગૌમાંસ અને ગૌહત્યાને લગતી હિન્દુઓની લાગણીશીલતાએ જે હિંસકતા ફેલાવી છે તે જોતાં એમ લાગે છે કે હિન્દુઓ પોતાનો વૈદિક ધર્મ શું કહે છે તે બરાબર જાણે અને ભૌતિક વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર જેવા અન્ય વિષયોની જેમ જ ધર્મ પણ અભ્યાસ વગર સમજાતો નથી અને કિંવદન્તીઓથી એને જાણી શકાય નહીં એ સમજે એ જરૂરી છે. તો આપણે ગાયો વિષયક ધાર્મિક માન્યતા સાચી રીતે સમજવા વેદોક્તિઓનું વિવરણ કરીએ.

જેમ આપણા બંધારણમાં છે તેમ જ ઋગ્વેદમાં પણ ગૌરક્ષણ એ ફરજિયાત નથી પણ એક સૂચન છે. ગૌહત્યાને માટે કોઈ સજા, જુવાન દુધાળી ગાયને મારવા માટે પણ નથી. ગૌમાંસ ભક્ષણ પર બંધી નથી. ભોજન સમારંભોમાં ગૌમાંસની છૂટ છે એટલું જ નહીં, એ કરવું વખણાય છે. અને ‘અતિથિરવ’ એટલે અતિથિને ગૌમાંસ જમાડનાર’ તરીકે બિરદાવાય છે. ઈંદ્રયજ્ઞમાં વૃષભનું બલિ ચઢાવવું આવશ્યક છે. લગ્ન પ્રસંગે ગૌમાંસનું જમણ હંમેશાં હોય જ (ઋગ્વેદ. ૧૦.૮૫)

ગાયો પવિત્ર ગણાતી નથી અને હિન્દુઓને ગોમાંસભક્ષણની મનાઈ નથી. ગાયત્રી મંત્રના અધિષ્ઠાતા દેવ સવિતાના મુખમાં એને પોતાને ઘેર યોજાયેલા ભોજન સમારંભમાં મૂકાયેલી આ પંક્તિ જુઓ. ‘રાત્રે અમે ગાયો કાપવાના છીએ.’ [ઋગ્વેદ ૧૦.૮૫ (૧૯)] ઋગ્વેદ ૧૦.૮૯ (૧૪)માંનું વર્ણન છે. “ભોજન માટેની, કતલખાનાની જમીન પર આમતેમ વેરાતી પડેલી ગાયો.” લેખકે અહીં ‘પ્રાણીઓ’ શબ્દ નથી વાપર્યો પણ ‘ગાયો’ શબ્દ વાપર્યો છે તે નોંધનીય છે. આ દર્શાવે છે કે ગૌમાંસ જ સૌથી વધુ લોકપ્રિય હતું અને ગાયો જ સૌથી વિશેષ મરાતી. ઋગ્વેદ ૯૫ (૬) જણાવે છે કે ‘ઘરડી ગાયો જે દૂધ ન આપતી હોય તે’ માત્ર રાંધવામાં કામની ગણાય. ‘એમાં જ આગળ કહે છે,’ ‘નકામી ગાયોને રાંધવા માટે લઈ જવાય છે, પણ દુધાળીને ક્યારે ય નહીં.’

એ સ્પષ્ટ જણાય છે કે, હિન્દુ ધર્મમાં કતલખાનાં પર બંધી નથી, ગૌમાંસ પર પણ બંધી નથી, અને નકામાં ગાયબળદોને મારવાની છૂટ છે. ઉપર કથિત ઋગ્વેદની પંકિતઓથી એ સ્પષ્ટ થાય છે કે પાછળનાં પુસ્તકોમાં ‘અધ્ન્યા’ શબ્દનો અર્થ સામાન્યપણે ‘ગાય’ એવો થયો છે તે બરાબર નથી. ઋગ્વેદમાં પ્રકૃતિપૂજા હતી તેથી નંદીઓને માતા કહીને માન આપવામાં આવે છે પણ આખા ઋગ્વેદનાં ૧,૦૦૦થી વધારે કાવ્યોમાં ગાયની પૂજા માટે એકેય પંક્તિ લખાઈ નથી. ગાયોવૃષભો; બળદો એ માત્ર સંપત્તિ છે. અને તેથી એને પૂર્ણ કરકસરપૂર્વક વાપરવાની છે. ગાયોમાંથી જ્યાં સુધી દૂધની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તે મેળવી લેવાનું છે અને દૂધ ન મળે ત્યારે ગૌમાંસ મેળવવાનું છે એમ ઋગ્વેદ માને છે.

હવે જોઈએ યજુર્વેદ (૩૦.૧૮) જેનું થોડા સમય ઉપર રાષ્ટૃીય સ્વયંસેવક સંઘના મુખપત્ર ‘પાંચજન્ય’માં (v) અવતરણ થયું હતું, અને એમાં ગૌહત્યા કરનારને મૃત્યુદંડ આપવાનું લખ્યું છે એમ કહેવામાં આવ્યું હતું. (ભારદ્વાજ, ઇન્ડિયન એક્સપ્રેસ, ૨૦૧૫) સંસ્કૃતમાં આ શબ્દો છે. ‘મૃત્યવે ગોવ્યચ્છમ્‌ અન્તકારય ગોઘાતમ્‌’ અને એમાંના ‘અન્તક’ શબ્દનો અર્થ મૃત્યુ, યમદેવ થાય છે એટલે આવો અર્થ કરાયો છે.

આપણે જો એ અર્થ સ્વીકારીએ તો ચાર પંક્તિ પહેલાં જ યજુર્વેદ(૩૦.૧૪,૩૦.૧૫)માં બીજાં બેનો ઉલ્લેખ પણ મૃત્યુદંડ માટે જણાશે. ત્યાં કહ્યું છે. ‘યમાય અસૂમ્‌, યમાય યમસૂમ્‌’ તેનો અર્થ પણ ‘જેને બાળક ન થતું હોય તેને યમરાજાને આપો, જેને બે બાળક થાય તેને પણ યમરાજાને આપો.’ એવો કરવો રહ્યો. ખરું જોતાં આ લીટી (૩૦.૧૪ અને ૩૦.૧૫) જે સ્ત્રીઓને બાળક ન થતાં હોય અને જેમને હંમેશાં જોડિયાં બાળક થતાં હોય તેમને માટે થોડા સમય પૂરતું લગ્નજીવનનું નિયમન અર્થાત્‌ બંધ કરવાનું સૂચવે છે. જેમ ૩૦.૧૪ અને ૩૦.૧૫નો ઉપર મુજબ ખોટો વિચિત્ર અર્થ કોઈ કરી શકે છે, તેમ જ ૩૦.૧૮ની બાબતમાં પણ થયું છે. ‘ગો’ શબ્દનો બીજો અર્થ પણ છે, ‘વાણી’. તે મારા મતે અહીં યોગ્ય છે. ‘મૃત્યવે ગોવ્યચ્છમ્‌’ એ શબ્દોનો અર્થ છે ‘ખૂનના મામલોમાં જૂઠું બોલનાર સાક્ષી’ (મૃત્યવે – ખૂન બાબત, ગો-વાણી, વ્યચ્છમ્ ‌= ભેળસેળ કરનાર) આમાં ગાયની કોઈ વાત નથી.

યજુર્વેદ ઋગ્વેદ કરતાં મોડો લખાયો છે. અને એમાં ઋગ્વેદમાંથી અવતરણો કરવામાં આવ્યાં છે. એમાં ઋગ્વેદના શ્લોકો સાથે ઋગ્વેદના યજ્ઞો કેવી રીતે કરવા તે જ બતાવાયું છે. આમ યજુર્વેદ કોઈ સ્વતંત્ર વેદ નથી અને તેથી ઋગ્વેદના કથનની વિરુદ્ધ જઈ ન શકે અને જતો પણ નથી. એટલે યજુર્વેદમાં ગૌહત્યા માટે મૃત્યુદંડ કહ્યો હોય એવું બની જ ન શકે. સામવેદનું પણ એવું જ છે.

હવે અથર્વવેદ તરફ વળીએ. એ વેદ સ્વતંત્ર છે, ઋગ્વેદ આધારિત નથી, અને તેથી ગાયો અને ગૌમાંસ વિશેનાં એનાં વિધાનો પણ સ્વતંત્ર અને તેથી અગત્યનાં છે. અથર્વવેદનો સ્વાસ્થ્ય અને ઔષધિ સાથે સંબંધ છે. એમાં ‘વશા ગૌ સૂક્ત’માં કઈ જાતનું ગૌમાંસ સર્વ કોઈ ખાઈ શકે અને કઈ જાતનું ગૌમાંસ માત્ર વિદ્વાન બ્રાહ્મણોને માટે જ રાખવુું જોઈએ તેનો નિયમ આપ્યો છે. ‘વશા’ ગાય એટલે જે દૂધ ન આપતી હોય, જેને બચ્ચાં આવે એમ ન હોય, એવી ગાય, વસૂકી ગયેલી ગાય.

અથર્વ ૧૨.૪ (૧૩)માં કહ્યું છે કે જો કોઈ બ્રાહ્મણ કોઈ અબ્રાહ્મણ પાસે ગાય માંગે, તો ‘પોતાને ઘેર ગોમાંસનો ભોજન સમારંભ યોજાયેલો હોય તો પણ, બ્રાહ્મણે જે માંગી હોય તે ગાય સિવાયની બીજી કોઈ ગાય પોતાને ત્યાંના જમણ માટે મારવી.’

અથર્વ ૧૨.૪ (૪૩)માં પ્રશ્ન કર્યો છે, ‘હે નારદ! એવી કેટલી જાતની ‘વશા ગાયો છે કે જે બ્રાહ્મણ સિવાય બીજા કોઈથી ખવાય નહીં?’ આ સ્પષ્ટ દર્શાવે છે કે બ્રાહ્મણો પણ ગૌમાંસ ખાતા અને વેદમાં એનો વિરોધ નથી. એટલું જ નહીં. ઊલટું, વેદ તો કેટલીક ગાયોનું માંસ ‘માત્ર બ્રાહ્મણ માટે’ એમ આરક્ષિત કરે છે. જે વસ્તુઓને આવશ્યક સમજવામાં આવે તેને માટે જ આરક્ષણના નિયમો કરાય છે. અથર્વવેદ અમુક ગૌમાંસ તે જમાનાનાં ‘રિઝર્વેશન’-વર્ગ-શિક્ષિત બ્રાહ્મણોને માટે આરક્ષિત કરવાની વાત કહે છે એટલે એ સ્પષ્ટ જણાય છે કે આ સ્વાસ્થ્ય સંબંધિત વેદ ગૌમાંસને આહારમાં આવશ્યક માને છે. અથર્વવેદનો ‘વશા ગો’ અને ‘બ્રાહ્મણ ગવિ’ સૂક્તોના ૧૨૫ જેટલા શ્લોકો આ શિક્ષિત બ્રાહ્મણો માટૈ ગૌમાંસ-આરક્ષણને ફાળવ્યા છે.

અંતિમ કથિતવ્ય : આમ, વેદમાં ગાયની અગત્ય દૂધ, ગૌમાંસ અને ખેતી તેમ જ વાહન વ્યવહાર માટે છે, પણ એને પૂજ્ય કે દૈવી મનાઈ નથી. ‘અધ્ન્યા’ માત્ર દુધાળી ગાયને કહેવાઈ છે, કારણ કે એને મારવી આર્થિક દૃષ્ટિએ હિતાવહ નથી. ‘વશા’ ગાય માંસને માટે જ ગણાય છે અને અમુક અંશે એને બ્રાહ્મણોને માટે આરક્ષિત કરવામાં આવી છે.

હિન્દુ ધર્મ વેદને પોતાની સુપ્રીમ કોર્ટ તરીકે ગણે છે, જેનો નિર્ણય અંતિમ છે, અને જો પાછળના સમયનું કોઈ પણ સંસ્કૃત કે અન્ય ભાષાનું લખાણ કે મૌખિક ભાષણ વેદે જે કહ્યું છે તેનાથી વિરુદ્ધ મત દર્શાવે તો, સાચા હિન્દુએ વેદનાં વચનને જ સ્વીકારવાનાં છે. આમ બિનસાંપ્રદાયિક ભારત ગૌહત્યા વિરુદ્ધ આર્થિક કે નૈતિક કારણોસર કાયદો કરી શકે (અને એ દૃષ્ટિએ તો એ પ્રતિબંધ સર્વ પ્રાણીઓને લાગે, માત્ર ગાયને નહીં) પણ કોઈ હિન્દુ ગૌહત્યાનો ક્યારે ય ધર્મની દૃષ્ટિએ વિરોધ ન કરી શકે. કોઈ વ્યક્તિ નૈતિક દૃષ્ટિએ શાકાહારમાં માની શકે કે આર્થિક દૃષ્ટિએ એની વિરોધ કરી શકે, પણ ગૌમાંસ કે ગૌહત્યાને માટે અત્યારે જે ધાર્મિક અસહિષ્ણુતા ઊભી થઈ છે તેને માટે કોઈ પણ તાર્કિક આધાર નથી.

સંદર્ભ

  • ૧. ‘ઋગ્વેદસંહિતા, સ્મૉલ હિમ ફાઇલ્સ ઇન દેવનાગરી’ પ્રાપ્તિ http/w.w.w./ સંસ્કૃત વેદનોટ/ ઋગ્વેદ/# ૧.૨
  • ૨. આશુતોષ ભારદ્વાજ (૨૦૧૫) ‘આર.એસ.એસ. માઉથપીસ ડિફેન્ડ્‌સ દાદરી લીચિંગઃ વેદસ ઑર્ડર કિલિંગ ઑફ સીનર્સ હુ કિલ કાઉઝ.’ ઇન્ડિયન ઍક્સપ્રેસ ઑક્ટોબર ૧૮, પ્રાપ્તિ http/ ઇન્ડિયન એક્સપ્રેસ કોમ/આર્ટિકલ ઇન્ડિયા/ ઇન્ડિયા ન્યૂઝ – ઇન્ડિયા.
  • ૩. ડિપાર્ટમેન્ટ ઑફ એનિમલ હઝબંડરી, ડેરી ઍન્ડ ફિશરીઝ (૨૦૦૨) ‘રિપોર્ટ ઑફ ધ નેશનલ કમિશન ઑન કેટલુ (રાષ્ટ્રીય ગોવંશ આયોગ)’ ચૅપ્ટર ૧, પેરા ૬૪, પ્રાપ્તિ. http/dahd.nic.in//રિલેટેડ લિંક્સ/ ચૅપ્ટર-૧ ઇન્ટ્રોડક્ષન.
  • ૪. ડિપાર્ટમેન્ટ ઑફ એનિમલ હઝબંડરી ડેરી ઍન્ડ ફિશરીઝ (૨૦૦૨) ‘રિપોર્ટ ઑફ ધ નૅશનલ કમિશન ઑન કેટલ્‌(રાષ્ટ્રીય ગોવંશ આયોગ) ચૅપ્ટર-પેરા ૬૫ પ્રાપ્તિ dehd http/dahd.nic.in/ રિલેટેડ લિંક્સ/ ચૅપ્ટર ઇન્ટ્રોડક્ષન.’
  • ૫. મિનિસ્ટ્રી ઑફ ફંડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ (h.d.) ‘મૉડનૉઇઝેશન ઑફ એબટોર્સ’, પ્રાપ્તિ http/mofpi.nic.in/ સ્વીટમૂસી/ મૉડર્નાઇઝેશન – એબેટર્સ.
  • ૬. મિનિસ્ટ્રી ઑફ લૉ ઍન્ડ જસ્ટિસ (૨૦૦૮) ‘ધ કૉન્સ્ટિટ્યૂશન ઑફ ઇન્ડિયા’ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઑફ સ્ટેટ પૉલિસી, આર્ટિકલ ૪૮, પૃ. ૨૩ પ્રાપ્તિ http/lawmini.nic.in/cai/ કોએઝન ૨૯, જુલાઈ, ૦૮ pdf.
  • ૭. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય (ed) ૨૦૦૫ ‘અથર્વવેદસંહિતા’ – વીથ ઇઝી હિન્દી ઍક્સ્પ્લેનેશન ‘યુગનિર્માણ યોજના, ગાયત્રી તપોભૂમિ, મથુરા, પ્રાપ્તિ – https// વેદપુરાણ ફાઇલ્સ, વર્ડપ્રેસ કોમ/૨૦૧૩/૧૨/ અથર્વવેદ pdf.
  • ૮. શર્મા રુચિકા (૨૦૧૬) ‘હાઉ કૃષ્ણ વૉઝ ટ્રાન્સફોર્મ્ડ ફ્રૉમ ટ્રાઇબલ ડીટી ટુ એ સુપ્રીમ ગોડ ઇન ધ પુરાણિક ટ્રેડિશન.’ સ્ક્રોલ, ઑગસ્ટ-૨૪, પ્રાપ્તિ http.// સ્ક્રોલ ઇન /આર્ટિકલ/ ૮૧૪૭૫૪
  • ૯. શાસ્ત્રી જ્ઞાનપ્રકાશ (એડ) (૨૦૦૮) ‘યર્જુર્વેદભાષ્યમ્‌ – પ્રોડ્યુસ્ડ બાય શ્રીમદ દયાનંદ સરસ્વતી સ્વામી ઇન સંસ્કૃત ઍન્ડ હિન્દી’ શ્રદ્ધાનન્દ વૈદિક શોધનાસંસ્થાન, ગુરુકુલ, કાંગડી, વિશ્વવિદ્યાલય, હરિદ્વાર, પ્રાપ્તિ http/gkv.ac.in/f.wd// યજુર્વેદ pdf.

(i) ૨૦ ડિસેમ્બરે ભારત મધ્યસ્થ સરકારે લખેલા પત્રમાંથી અંશાવતરણઃ

‘જાતે મરેલાં પશુ કરતાં મારવામાં આવેલાં પશુનું ચામડું વધારે સારું હોય છે, અને એની કિંમત વધારે આવે છે. જો કતલ બંધ કરવામાં આવે, તો જે ઉત્તમ પ્રકારનું ચામડું હોય છે, જેનું નિકાસમૂલ્ય વધારે હોય છે, તે નહીં મળે. આમ, કતલ પર પૂર્ણ પ્રતિબંધ નિકાસ માટે હાનિકારક છે અને ચામડાંની ટ્રેનિંગના ધંધામાં ગેરલાભકારક સિદ્ધ થશે.’

(ii) પ્રસિદ્ધ દશ રાજાઓનું યુદ્ધ (દાશરાજ્ઞ), જેનો ઉલ્લેખ ઋગ્વેદનું, સૂક્ત ૧૮.૩૩ અને ૮૩ (૪-૮)માં છે.

(iii) સામાન્યતઃ દેવોને માટે વપરાતો ‘દેવ’ શબ્દ અનેક સ્થાને ઋગ્વેદમાં ‘દિવ’ના માણસોને માટે પણ વપરાયો છે, અર્થાત્‌ ગુજરાતના વ્યાપારી પણિઓને માટે વપરાયો છે.

(iv) વિના સમજે ગોખીને વેદસૂક્તોનું ધાર્મિક કાર્યોમાં ઉચ્ચારણ કરવું એક ક્રમ બની ગયો, અને વેદનો ઉચ્ચારમાત્ર પવિત્ર ગણાવા લાગ્યો. ઈસ્વીસન પૂર્વ ચોથી શતાબ્દીના પ્રખ્યાત સંસ્કૃત ભાષાવિદ યાસ્કના સમયમાં એવું મનાતું હતું કે વેદના મંત્રનો કોઈ અર્થ નથી, એ કારણે યાસ્કે વેદની સાર્થકતા સિદ્ધ કરવાનું કાર્ય કર્યું.

(v) ઇન્ડિયન ઍક્સપ્રેસના એક આર્ટિકલમાં આ મારા વાચવામાં આવ્યું. એમાં ‘પાંચજન્ય’માંના લેખ ‘ઇસ ઉત્પાત કે ઉસ પાર’ના લેખકનું  આ લખાણ અવતરિત કર્યું છે. ‘યજુર્વેદ ૩૦.૧૮માં કહ્યું છે કે ગૌહત્યા કરનારને મૃત્યુદંડ કરવો.’

[વિદુષી રજની દીક્ષિત સંસ્કૃતનાં નિવૃત્ત અધ્યાપક છે, અને એમનો આ અભ્યાસલેખ મૂળે ‘કાફિલા’માં પ્રગટ થયો હતો. https://kafila.online/2017/04/04/bovines-india-and-hinduism-rajani-k-dixit/ તેનો તેમણે પોતે જ કરેલો ગુજરાતી અનુવાદ.]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 09-13

Loading

...102030...3,4413,4423,4433,444...3,4503,4603,470...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved