Opinion Magazine
Number of visits: 9584512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાવરણાં અને શકોરાં, કામ અને કીર્તન, લોકો અને લાગણી થકી બદલાવ લાવનાર સમાજ સુધારક ગાડગે બાબા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|25 February 2017

લોકસેવાનાં દશવ્રત કરનાર  કર્મયોગી ગાડગે બાબાની આજે મહાશિવરાત્રીએ જન્મતિથિ છે

સંત તુકડોજી મહારાજ સાથે સંત ગાડગેજી મહારાજ

અમદાવાદના બાપુનગરમાં સંત ગાડગે બાબા ચોક છે. આ ગાડગે બાબા (1876-1956) એટલે મહારાષ્ટ્રના અજીબો-ગરીબ સમાજસુધારક સંત. ગામડાંમાં ફરતા રહેલા આ ફકીરે અરધી સદીથી વધુ વર્ષો દિવસે હાથમાં ઝાડુ લઈને જાહેર જગ્યાઓની સફાઈ કરી. રાત્રે તેમણે બિલકુલ લોકોની ભાષામાં કીર્તન કરીને તેમના દિલોદિમાગની  સફાઈ કરી. હજારોની મેદનીને ભગવાન મૂર્તિમાં નહીં પણ બધામાં છે, અને ભક્તિ કર્મકાંડમાં નહીં પણ દીનદુખિયાની સેવામાં છે એમ સોંસરા તર્કથી શીખવ્યું. દારુના વ્યસન અને પશુબલિની અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની સમજ આપી. પોતાની દિવસરાત મહેનત દ્વારા તેમણે જનતાને શ્રમયજ્ઞ અને લોકફાળા માટે પ્રેરી. તેનાથી અનેક યાત્રાધામોમાં ગરીબો માટેની ધર્મશાળાઓ ઊભી કરી. મહારાષ્ટ્રના પંઢરપુરમાં અસ્પૃશ્યો માટેની પહેલી જંગી ધર્મશાળા ઊભી કરી. ભૂખ્યાં માટે સદાવ્રતો, ઘરડાં અને ઘરવિહોણાં માટે આશ્રયસ્થાનો, પછાત ગણાતી કોમોનાં બાળકો માટે શાળાઓ તેમ જ છાત્રાલયો પણ ઊભાં કર્યાં. પ્રાણીઓ માટેની ઊંડી કરુણાને કારણે ગાડગે બાબાએ મરઘાં-બોકડા-પાડાનો ભોગ ધરાવવાની બદી સામે ઝુંબેશ ચલાવી, જેમાં તેમને જીવસટોસટના વિરોધનો સામનો કરવાના કિસ્સા બન્યા. ઢોરને કસાઈવાડે જતાં અટકાવવાં ગાડગે બાબાએ પાંજરાપોળો શરૂ કરાવી.

ગાડગેબાબાએ કઠોર ગરીબીનાં જે વ્રત પાળ્યાં તેનો જોટો નથી – માગીને લીધેલો અરધો રોટલો હાથમાં લઈને એક ખૂણામાં ભોંય પર બેસીને ખાવાનો, ચીંથરાંનાં કપડાં અને ગાભાંનાં જૂતાં પહેરવાનાં, માથે માટલાના ઠીકરાની ટોપી મૂકવાની, ફાટેલાં પાથરણાં પર સૂવાનું, ઝાડ નીચે કે ઝૂંપડામાં રહેવાનું, કલાકો સુધી અંગમહેનતનું કામ કર્યા વિના રોટલો માગવાનો નહીં, પોતાની મિલકત તરીકે ફક્ત માટીનું એક શકોરું રાખવાનું.

શકોરા માટેનો મરાઠી શબ્દ ‘ગાડગં’ તેના પરથી બન્યા ગાડગે બાબા. આમ તો તેમની અટક જાનોરકર, નામ ડેબૂ, જન્મ 23 ફેબ્રુઆરીની મહાશિવરાત્રીએ પૂર્વ મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતના અમરાવતી જિલ્લાના શેણગાવમાં.પરિવાર ગરીબ ધોબીનો. દેબૂ આઠેક વર્ષનો હતો ત્યારે કંગાળ પિતા ઝિંગરાજીનું મૃત્યુ થયું. તેનું કારણ એ જમાનામાં ઘણા કિસ્સામાં જોવા મળતું – અંધશ્રદ્ધામાં સબડતા ગામડાંનાં લોકોને ધાર્મિક કુરૂઢિને નિમિત્તે દારૂની લાગેલી લત. પણ મરતી વખતે તેણે પત્નીને કુરિવાજ અને બંધાણથી બાળકને દૂર રાખવા તાકીદ કરેલી. દેબૂ તેના મોસાળના દાપુર ગામમાં મામાને ત્યાં ઊછર્યો. આશ્રિત તરીકે તેનાં મા સખુબાઈ સાથે એણે પુષ્કળ પરિશ્રમ કર્યા. ખેતર અને પશુધનનાં તમામ કામોમાં ભારે આવડત મેળવી. ભજન અને કીર્તનની કળા કેળવી. મામાને છેતરનાર શાહુકાર સાથે બાથ ભીડી. પણ પરિવારે નમતું જોખ્યું. તેનાથી આવેલી હતાશા અને મનની એક ચૈતસિક અવસ્થાના સંયોજને તેમને ઘરબાર છોડવા પ્રેર્યા. તે નાના, મા, મામા, પત્ની, બે દીકરી, એક દીકરાને છોડીને ચાલ્યા ગયા.

બાર વર્ષ દૂર સુધી રઝળપાટ કર્યો. ખાવાનું માગે, સામે કામ કરે. બગીચો સાફ કરે, જમીન સરખી કરે, ખડ-નિંદામણ કાઢે, લાકડાં ફાડે, બાવળિયા કાપે. અરધો જ રોટલો ખાય, પૈસા પાછા આપી દે. સવાલોના ગાંડા-ઘેલા જવાબ આપે. દિવસે ગામલોક મારઝૂડ કરે, પાગલમાં ખપાવે. પણ મોડી સાંજે મંદિરનું આંગણું સાફ કરીને મીઠા અવાજે ભજન ગાવાં લાગે, પછી કીર્તન શરૂ કરે. તેમાં કબીર આવે, જ્ઞાનેશ્વર આવે, ખાસ તો તુકારામ એમની જીભે રમે. તેમની બાનીમાં ચાબખાં હોય ને ચિની હોય, કટાક્ષ હોય ને કરુણા હોય.  લોક સાંભળતું જ રહે. મોડી રાત સુધી કીર્તન ચાલે. સવારે શોધે તો બાબા નીકળી ગયા હોય. રેલવેમાં જાજરૂ પાસે બેસીને ખુદાબક્ષ હોય. ટિકીટ ચેકરે કરેલું અપમાન સહન કરી લે, ઊતારી મૂકે તો ઊતરી જાય. એ ગામમાં રોકાણ, સફાઈ, મજૂરી,પાગલપન, કીર્તન.

જાતમહેનતથી મોટા પાયે શરૂ કરેલું લોકહિતનું પહેલું કામ તે વતનના વિસ્તારમાં આવેલ ઋણમોચન મુકામે પૂર્ણા નદી પર ઘાટ બાંધવાનું. ડેબૂજી ત્રિકમ-પાવડો-તગારું મેળવીને કામ કરવા લાગ્યા. સવારે કામ, રાત્રે કીર્તન. લોકો જોડાયા, દાન પણ આવતું ગયું. પછીનાં બધાં વર્ષોમાં તો મહારાષ્ટ્રભરમાં કામ ચાલ્યું. લાખો રૂપિયાનાં દાન મેળવ્યાં. પણ બાબા અકિંચન જ રહ્યા. તેમના કુટુંબના કોઈ પણ સભ્યને તેમણે પોતાનાં અંગત કે જાહેર કામમાં કોઈ રીતે સ્થાન આપ્યું નથી. ઘરના તારણહાર ડેબૂનો ગાડગેબાબા બન્યા પછી ઘરના માણસો સાથેનો વ્યવહાર નિષ્ઠુર હતો તે મોટી વક્રતા ગણાય. 

ગાડગે બાબાના ધસમસતા કાર્યધોધમાં કરુણા, જાતમહેનત, નિસ્વાર્થવૃત્તિ, પ્રામાણિકતા, સમયપાલન, સુઘડતા, કરકસર જેવી બાબતો બહુ જરૂરી હતી. પૂરેપૂરા અભણ હોવા છતાં હિસાબ-કિતાબ, મોજણી-માપણી, ખોદકામ-બાંધકામ જેવાં અનેક કૌશલ તેમની પાસે હતાં. કલાકો સુધી મજૂરી કરવાની અને માઇલો ચાલવાની તાકાત લગભગ અંત સુધી ટકી. બાબા બહુ અસરકારક પત્રો લખાવતા. મદદનીશોને તે આકરી કસોટીથી પસંદ કરતા. અનુયાયીઓને પગે લાગવા દેતા નહીં, ફૂલહાર-પૂજાવિધિથી પર રહેતા. ‘હું કોઈનો ગુરુ નહીં, કોઈ મારો શિષ્ય નહીં’ એ તેમનું જાણીતું વાક્ય છે. જો કે ડૉ. બાબાસાહેબ આંબેડકર એમને ગુરુ જેવું માન આપતા. બાબાસાહેબે ધર્મપરિવર્તન કરતાં પહેલાં એમની સલાહ લીધી હતી. તે પૂર્વે કાયદા મંત્રી એવા આંબેડકર ખૂબ માંદા પડેલા ગાડગે બાબાને ચૌદ જુલાઈ 1949 ના દિવસે મુંબઈના દાદરમાં  મળ્યા અને પંઢરપુરની ધર્મશાળાનો કાર્યભાર સોંપ્યો. એ વખતે બાબાએ આંબેડકરને કહ્યું, ‘આપ શીદને મળવા આવ્યા ? આપનો સમય બહુ કિમતી છે. તમારો હોદ્દો કેટલો મોટો છે.’ આંબેડકરે ભાવુક થઈને કહ્યું હતું : ‘બાબા અમારો અધિકાર બે દિવસનો. કાલે ખુરશી પરથી ઊતરીએ એટલે કોણ પૂછે ? આપનો અધિકાર અજરામર છે.’

પંઢરપુર ધર્મશાળાનું કામ ચાલી રહ્યું હતું તે 1920 ના અરસામાં ગાડગે બાબાને મળેલા ભિક્ષુ અખંડાનંદે તેમના કામથી પ્રભાવિત થઈને વીસ હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો. બાબા તેમના ચાહક અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બાળાસાહેબ ખેરના આગ્રહથી ફૈજપુર કૉન્ગ્રેસ અધિવેશનમાં ગયા હતા અને ત્યાં સભાના પરિસરની સફાઈનું કામ માગ્યું હોવાની નોંધ મળે છે.

ગાડગે બાબા પરનાં બારેક મરાઠી પુસ્તકોમાં સહુથી પહેલું ચરિત્ર બાળ ઠાકરેના પિતા પ્રબોધનકાર ઠાકરે પાસેથી મળે છે. ગુજરાતીમાં સર્વોદય કાર્યકર્તા ગોકુળભાઈ ભટ્ટનું ‘દિવ્યાત્મા ગાડગે મહારાજ’ (નવજીવન,1982) વાંચવા મળે છે. આઠમી નવેમ્બર 1956ના રોજ તેમણે મુંબઈના વાંદ્રામાં કરેલું છેલ્લું કીર્તન યુટ્યુબ પર છે. ગાડગે બાબા પર બનેલી એક ફિલ્મનું નામ છે ‘ડેબૂ’ (2010). શ્વેતશ્યામ ફિલ્મનું નામ બાબાએ લોકપ્રિય બનાવેલાં ભજન પરથી રાખવામાં આવ્યું છે – ‘દેવકીનંદન ગોપાલા’ (1977). તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર શ્રીરામ લાગુએ લખ્યું છે: ‘સમાજવાદી વિચારસરણી ધરાવતા આ લોકસેવકનું જીવનચરિત્ર આજના ઐયાશીવાદી અને આત્મકેન્દ્રી બની રહેલા સમાજ માટે જરૂરી લાગે છે.’

ગાડગેબાબાના દશવ્રત હતાં : ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, ઉઘાડાને વસ્ત્ર, અભણને ભણતર, બેઘરને ઘર, રોગીને ઓસડ, બેરોજગારને રોજગાર, પશુપક્ષીને અભય, ગરીબ છોકરા-છોકરીનાં લગ્ન, હતાશને હિમ્મત.

સ્વચ્છ ભારત અભિયાનના આડંબર અને ગંદા ગૉડમેનો પાછળના ગાંડપણના જમાનામાં સાવરણાં અને શકોરાંની સનદ લઈને આવેલા ગાડગેબાબા આ દેશના સફાઈકામના આદર્શ  હોઈ શકે.

22 ફેબ્રુઆરી 2017

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 24 ફેબ્રુઆરી 2017

Loading

નલિયાકાંડઃ ડાળખાં-પાંદડાં અને મૂળિયાં

નેહા શાહ|Samantar Gujarat - Samantar|24 February 2017

પુરુષના હાથમાં સત્તા વધારે, એટલો સ્ત્રીના મનમાં ડર વધારે અને જેટલો ડર વધુ એટલો સત્તાનો દુરુપયોગ વધે

નલિયાની ઘટનાથી બળાત્કાર અંગે ફરી એક વાર ચર્ચા ઊઠી છે. ઘટનાક્રમ જોઈએ તો પીડિતાએ હિંમત ભેગી કરીને એફ.આઈ.આર. કરીને કહ્યું છે કે તેની પર સામૂહિક બળાત્કાર થયો હતો.   મુખ્ય આરોપીની ગેસ એજન્સીમાં તે નોકરી કરતી હતી. આરોપ મુજબ, ગઈ દિવાળી ટાણે તેને પૈસાની જરૂર ઊભી થતાં તેને ઘરે આવીને પૈસા લઈ જવા કહેવામાં આવ્યું. એ જ્યારે આરોપીના ઘરે ગઈ, ત્યારે તેને કેફી પીણું પાઈ તેની પર એકથી વધુ પુરુષોએ બળાત્કાર કર્યો. જેનો તેમણે વીડિયો પણ ઉતાર્યો, જે થકી તેઓ પીડિતાને બ્લેકમેલ કરતાં રહ્યા. અવારનવાર એની પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાત્રો બળાત્કાર કરતાં રહ્યાં.

આ સિલસિલો દોઢ વર્ષથી ચાલુ હતો. પીડિતાએ કુલ નવ વ્યક્તિ સામે આક્ષેપ કર્યા છે અને બીજી ઘણી છોકરીઓ પણ આ ટુકડીનો શિકાર બની હોવાનું કહ્યું છે. આ કાંડના મુખ્ય આરોપી ભા.જ.પ.ના અબડાસા તાલુકાના ઓ.બી.સી. સેલના કન્વિનર છે અને અન્ય આરોપીઓ પક્ષમાં અલગ અલગ હોદ્દા ધરાવે કે પછી સામાન્ય સભ્ય છે. આ આરોપ ખૂબ ગંભીર હોઈ તાત્કાલિક ઊંડી તપાસ માગે છે, કારણ કે ઘણી છોકરીઓ આ જાળમાં ફસાઈ હોય તેવી ધારણા છે અને સામે આરોપીઓ વગદાર માણસો છે.

સુઆયોજિત રીતે થતાં સ્ત્રીનાં શારીરિક શોષણની ઘટના નવી નથી. આવી ઘટનાને ઉઘાડી પાડવા લોકોએ, ખાસ કરીને સ્ત્રી સંગઠનોએ શેરીઓમાં આવીને સંઘર્ષ કર્યો છે. નવા કડક કાયદા પણ બન્યા છે, છતાં આવી ઘટના વારંવાર બનતી રહે છે. પાત્રો બદલાયાં કરે પણ ગુનેગાર પુરુષની સ્ત્રી પ્રત્યેની માનસિકતા અને મગજમાં ભરાયેલી સર્વોપરિતાની ભાવના એની એ જ રહે છે. આસારામ આશ્રમમાં મહિલા ભક્તો સાથે થયેલાં કરતૂતોમાં તેમ જ પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીનાં જાતીય શોષણ જેવી તાજેતરની ઘટનામાં પણ આ જ વાત પ્રતિબિંબિત થાય છે.

બળાત્કાર કોઈ ક્ષણિક આવેગનું પરિણામ નથી. મોટે ભાગે એ સભાનતાપૂર્વક આચરાયેલો ગુનો હોય છે. એમાં મગજમાં ભરાયેલા સત્તાના મદની મોટી ભૂમિકા હોય છે. તે ગુનેગારના મનમાં પૈસા, રાજકીય પહોંચ, જ્ઞાતિ, વર્ણ કે ધર્મની સામાજિક ઓળખમાંથી ઊભા થતાં વર્ચસ્વમાંથી જન્મે છે. આમ તો પુરુષ હોવાની ઓળખ જ વર્ચસ્વ જમાવવા માટે પૂરતી છે. ભાગ્યે જ કોઈ કિસ્સામાં બળાત્કારીએ પોતાના જાતીય આવેગો પર સંયમ ગુમાવી દીધો હોવાથી ઘટના બની હોય છે. નલિયાના કિસ્સામાં આરોપી પીડિતાનો બૉસ હતો. જરૂરતમંદ પીડિતાને પૈસા ધીરી શકે એ આર્થિક ક્ષમતાવાળો અને તેમાં ય સત્તાધારી રાજકીય પક્ષના મહત્ત્વના હોદ્દા પર આરૂઢ હતો. વળી, હાથવગી થયેલી મોબાઇલ ટેક્નોલોજીએ ગમે તે ક્ષણે ફોટા પાડવાનું અને વીડિયો ઉતારવાનું સહેલું કરી દીધું છે, જે બળાત્કારીઓના હાથમાં બ્લેકમેલ કરવાની તાકાત ઉમેરે છે.

સત્તાનો વિકૃત દુરુપયોગ કરવા માટે સત્તાનું આટલું સંયોજન પૂરતું છે. જેટલી પુરુષના હાથમાં સત્તા વધારે, એટલો સ્ત્રીના મનમાં ડર વધારે અને જેટલો ડર વધારે એટલો સત્તાનો દુરુપયોગ વધારે. મોટા ભાગના કિસ્સામાં ભયવશ સ્ત્રી હથિયાર હેઠાં મૂકી દેતી હોય છે, જેનાથી બળાત્કારીનો આત્મવિશ્વાસ અને તાકાત વધે છે. વિશ્વભરનાં નારીવાદી સંગઠનો આ સમજી ચૂક્યાં છે અને ભારપૂર્વક કહી રહ્યાં છે કે જો ભવિષ્યમાં સ્ત્રી સામેની જાતીય હિંસા ઘટાડવી હશે તો આજે ખૂલીને બોલવું પડશે.

જો કે, બોલવું એટલું સહેલું નથી. આત્મસન્માનનાં લીરેલીરાં ઉડાડતી પરિસ્થિતિમાં સ્ત્રી લડી લેવાનું પસંદ ન કરે એ સમજી શકાય એવું છે, કારણકે લડાઈ અનેક મોરચે આપવાની હોય છે. તેમાં કાનૂની લડાઈનો ક્રમ તો સૌથી છેલ્લો આવે. સૌથી પહેલાં જાત સાથે લડવાનું. બળાત્કાર એક હિંસક ઘટના છે જેમાંથી જન્મતી હતાશામાં, પોતાની સાથે આવું બની શકે એ સ્વીકારવું સહેલું નથી. સાથે સાથે કુટુંબીજનો તેમ જ સમાજની કૂથલી સામે તો લડવાનું જ હોય.

આ બધાં વિઘ્નોને પસાર કરીને જો પીડિતા ફરિયાદ નોંધાવવાનું નક્કી કરે ત્યારે શરૂ થાય નવો સંઘર્ષ. પોલીસ સ્ટેશનના ધક્કા, પોલીસનો અસંવેદનશીલ અભિગમ, વકીલોની તગડી ફીના ખર્ચા, પુરાવા ભેગા કરવાની ભાંજગડ, ફરીને ફરી તાજા થતા ઘા અને  કેસ શરૂ થયા પછી કોર્ટમાં પડતી તારીખ પર તારીખ. કાયદા અને ન્યાયની વ્યવસ્થામાં પણ મોટે ભાગે સંવેદનશીલતાનો અભાવ  હોય છે, કારણ કે એને નિભાવનારા લોકો પણ આજ સમાજમાંથી આવે છે.

બળાત્કાર અને જાતીય શોષણની કોઈ ઘટના સામે આવે ત્યારે હજુ પણ પીડિતાનાં ચરિત્રની ચર્ચા પહેલી ઉપડે છે. એના ચરિત્રમાં નાનોસરખો ડાઘો પણ ના ચાલે. પીડિતાના ભૂતકાળને એની સાથે થયેલી જાતીય દુર્ઘટનાથી છૂટી પાડતાં આપણે ક્યારે શીખીશું? નલિયાના કેસમાં પણ પીડિતાનાં અંગત જીવનની સાચી-ખોટી વિગતો મારી-મચડીને રજૂ થઈ રહી છે, જેની કથિત ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. પીડિતાને હતોત્સાહી કરવાની આ જૂની ચાલ હજુ પણ કામ કરે છે.

આ બધાં વિઘ્નો છતાં નલિયાની પીડિતાએ જે હિંમત દાખવીને ગુનેગારો સામે મોરચો માંડ્યો છે એ કાબિલે તારીફ છે. વિરોધપક્ષ તેમ જ મીડિયા તરફથી દબાણ ઊભું થતાં કચ્છ પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ માટે ખાસ સમિતિની રચના પણ કરી છે જે આવકારદાયક છે. સમિતિ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરે અને પીડિતાને સમયસર યોગ્ય ન્યાય મળે એવી આશા રાખીએ. આ સાથે સ્ત્રીને સેક્સ ઓબ્જેક્ટ ગણવાની માનસિકતાને ઝંઝોડવાની પણ જરૂર છે, કારણ કે તે બળાત્કાર પાછળનું મુખ્ય કારણ છે. 

સ્ત્રી એટલે ઉપભોગનું સાધન. અલબત્ત, બધા પુરુષો બળાત્કારી નથી જ હોતા, પણ કેટલા પુરુષો પ્રામાણિકતાથી કહી શકશે કે તેઓ સ્ત્રીને ઉપભોગની ‘વસ્તુ’ નથી ગણતા? શું એવા પુરુષો પણ નથી કે તેઓ પોતે ભલે બળાત્કારી ન હોય, પણ અન્ય બળાત્કારી પુરુષ સામે વાંધો પણ ન હોય? જો સજાનો ભય ન હોય તો તેઓને પણ કદાચ મોકો ઝડપી લેવાનો વિચાર આવી જાય? સ્ત્રીને સેક્સ ઓબ્જેક્ટ તરીકે રજૂ કરતી ફિલ્મો કે મેગેઝિન જોવામાં તેમને આનંદ આવતો હોય? સ્ત્રી પર પોતાનું વર્ચસ્વ જમાવવાના વિચારથી તેઓ ઉત્તેજિત થતા હોય? કદાચ પોતાના જાતીય જીવનમાં પણ એવો જ અભિગમ રાખતા હોય? સૌ જાણીએ છીએ કે આ પ્રશ્નોના પ્રામાણિકપૂર્વકના જવાબ મળે તો એ માહિતી આખા સમાજને વિચલિત કરનારી હશે. મોજશોખ માટેની ‘ચીજ-વસ્તુઓ’ની યાદીમાં સ્ત્રી અને શરાબને જોડે મુલવતા અભિગમને સમાજમાંથી નહીં બદલીએ ત્યાં સુધી સ્ત્રી પર થતી રહેતી જાતીય હિંસાને કઈ રીતે અટકાવીશું?

e.mail : nehakabir00@gmail.com

સૌજન્ય : ‘વિષચક્ર’, “દિવ્ય ભાસ્કર”, 24 ફેબ્રુઆરી 2017 

Loading

જલ્લીકટ્ટુ : પરંપરા સામે માનવતા હારી

ઓમપ્રકાશ જી. ઉદાસી|Opinion - Opinion|23 February 2017

આખરે તમિલ સંસ્કૃિત અને અસ્મિતાનો વિજય થયો. દ્વિપગી પશુતા સામે ચોપગો પશુ  હારી ગયો. તમિલનાડુમાં આખલા સાથેની અમાનવીય ક્રૂર જલ્લીકટ્ટુ પરંપરા સામે સર્વોચ્ચ અદાલતે ફરમાવેલો પ્રતિબંધ સરકારી વટહૂકમના એક ઝાટકાથી નાબૂદ થઈ ગયો! લોકશાહીમાં લોકલાગણીનો જ્વલંત વિજય થયો. હવે ચેપ બીજા રાજ્યોમાં ફેલાયો છે.

જરા કલ્પના કરીએ. અંગ્રેજોએ સતીપ્રથા નાબૂદ ના કરી હોત તો શું થાત? તો કદાચ આજે પણ સતીપ્રથા ચાલુ રહી હોત! કલ્પનાને થોડી આગળ વધારીએ; સર્વોચ્ચ અદાલતે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હોત તો? તો લોક લાગણી ઘવાઈ હોત. જનાક્રોશ ભભૂકી ઊઠ્યો હોત. સભા, સરઘસો હોત! છેવટે સરકારશ્રીએ સતીપ્રથાના સમર્થનમાં વટહૂકમ બહાર પાડ્યો હોત! પ્રજા દ્રોહી-સંસ્કૃિત દ્રોહી બિચારા રાજારામ મોહનરૉય જેલમાં હોત.

શું શાહબાનું, શું તલ્લાક, શું રૂપાલની પલ્લી કે શું જલ્લીકટ્ટુ; ધર્મ અને લોકશાહીનાં નામે અમાનુષી સામાજિક કુપ્રથાઓનો જયઘોષ થઈ રહ્યો છે. આ યુગ ઊલટા યોગનો છે.

આજે અહીં વાત વિગતે જલ્લી કટ્ટુ નિમિત્તે પશુચિંતા-ચિંતનની છે.

લડ નહીં તો લડનાર દે, એ ન્યાયે દુનિયામાં પશુ સાથે લડવાનો ઇતિહાસ છે. યુદ્ધોના અભ્યાસ માટે સ્નાયુબદ્ધ યોદ્ધાઓ બળવાન પશુ સાથે બળાબળ માટે ભીડાતા. હવે આવી હિંસક રમતો અપ્રાસંગિક થઈ ગઈ છે. ભારતીય સંસ્કૃિત વૃષભનું સ્થાન અનેરું છે. તે ગાય માતાનું સંતાન છે. પ્રાચીન સમયમાં વૃષભ સાથે કૃષિનો સીધો સંબંધ હતો. આધ્યાત્મ અર્થ ના કાઢીએ તો સમસ્ત પશુઓના પ્રતીક કે પ્રતિનિધિ તરીકે આ બળવાન પશુને ભગવાન શિવે પોતાનું વાહન હોવાનું ગૌરવ બક્ષ્યું છે. આથી શિવ પશુવત કહેવાયા. મોટરના સંશોધન પછી તેની શક્તિના માપન તરીકે હોર્સ પાવર શબ્દ પ્રયોજાયો છે. બુલોક પાવર નહીં, કારણ બળદ-વૃષભની શક્તિ અતુલનીય છે. એ ધરતી જેટલું સહનશીલ છે. ધરતીમાંથી ઊર્જા, જળ બધું વાપરીને પણ આપણે ધરતી પ્રત્યે નગુણા થઈને તેને વૃક્ષદીન, ગંદી અને પ્રદૂષિત કરીએ છીએ, એ રીતે જ આ ગૌવંશનો અનેક રીતે ઉપયોગ કરીએ છીએ. છેવટે તેની નિયતિ કતલખાનું હોય છે. એક બાજુ ખેડૂત બળદને પ્રેમ કરે છે અને બીજી બાજુ પાક ઉત્સવના નામે તેના બીજા રૂપ આખલાને આંખોમાં મરચું નાંખીને, દારૂ પીવડાવીને, ઈજાઓ પહોંચાડીને, ભડકાવી-ભડકાવીને, માણસો સાથે ભીડાવીને લોહીલુહાણ કરી દઈને વિકૃત આનંદ લે છે. નેતાઓને વૉટબેંક અને અભિનેતાઓને ટિકિટબારી ઉપર સંકટ લાગતા તેઓ પ્રજાની અમાનવીય માગણીના સંમર્થનમાં જોડાઈ ગયા હતા. આવા પ્રસંગોએ સરકારો પાંચ વર્ષનો છેડો જોઈને ફફડી ઊઠે એ સ્વાભાવિક છે. આથી આ ત્રણેયનો દોષ નથી. રાજકારણે નિજ-નિજ સમીકરણોએ તેઓ નિર્દોષ છે. પરંતુ પ્રાણી માત્ર પ્રત્યે દયાનો ઉપદેશ આપતા સાધુ-સંતો મૌન રહ્યાંનો ખેદ છે. અનેકશ્રી વિભૂષિત શ્રી શ્રી રવિશંકર તેમના રાજ્યની પ્રજાના જલ્લીકટુના સમર્થનમાં હતા એવું સાંભળ્યું છે. અંગ્રેજીમાં કથા-પ્રવચન કરનાર એક દક્ષિણ ભારતીય સંતે પણ પ્રજાને સમર્થન આપ્યું. જીવહિંસાનો ઘોર વિરોધ કરનાર, અહિંસાના ઉદ્‌ષોષક જૈન મુનિઓ મૌન રહ્યા. કોઈક મુનિ પ્રવચનમાં કડવું સત્ય ગળી ગયા! વ્યાસપીઠો મૌન રહી! કથામૃત વરસાવતા કથાકારોએ વ્યાસપીઠ ઉપરથી ‘રમત યોદ્ધાઓ’ને અપીલ કરી હોત તો? કદાચ લોકનો વિરોધ કરીશું તો તમિલનાડુમાં તેમની પધરામણીનું શું થશે? એ બીકે વિખ્યાત સંતો મૌન હતા! ગૌભક્તો, ગૌવંશની ચિંતા કરનાર પ્રેમીઓના અવાજ ક્યાં ય ના સંભળાયો. ભગવાન શિવના નંદી અને ગૌમાતાના સંતાન ઉપરના અત્યાચારોના મૂક દર્શક બની રહેવામાં તેઓનો જીવ કેમ ચાલ્યો હશે! શું ગૌવંશ કતલખાને જાય તેને જ હત્યા કહેવાય?

તમિલ સંસ્કૃિતનું સર્વોચ્ચ ડહાપણ પહેલી સદીમાં થઈ ગયેલા સંત કવિ તિરુવલ્લુરની રચનાઓમાં પ્રગટ થાય છે. તેમના મતે

– જાણીજોઈને તમે કોઈને ક્યારે ય અને કોઈ પણ માત્રામાં હાનિ ન પહોંચાડો.

– પ્રાણ સર્વને પ્રિય છે. એટલે પોતાના પ્રાણને બચાવવા માટે અન્ય જીવોના પ્રાણ હરી ન લેતા.

– મનુષ્યને જ્યારે એકાદ પીડાનો અનુભવ થાય ત્યારે એવી પીડા બીજાને ન કરવાનો સંકલ્પ કરે.

– વિવેકશીલ પુરુષની દૃષ્ટિએ હિંસા કરીને જીવનારા લોકો શબનું માંસ ખાનાર જેવા છે.

ઉપરોક્ત વાક્યોમાં તમિલ સંસ્કૃિતની સાચી અસ્મિતા પ્રગટ થાય છે.

માનવજીવનમાં પશુની ઉપયોગિતા મર્યાદિત સ્વરૂપમાં જ સ્વીકારવી જોઈએ. કદાચ ભૌગોલિક પરિસ્થિતિઓમાં ફેરફારનો અવકાશ રહે. પરંતુ માનવને મળેલ બુદ્ધિના વરદાન થકી કળ, બળ અને છળ માનવેતર જીવો અને સૃષ્ટિનો દાટ વાળ્યો છે. પ્રાણી સંગ્રહાલયો ‘લાચાર સંગ્રાહાલય’ બન્યા. હાથીના ગંડસ્થલ ઉપર ભોંકાતો અંકુશ એ માનવ અહમ્‌નો વિજય છે. પશુઓનો આ રાજા રસ્તામાં ભીખ માંગતો દેખાય છે તો ક્યાંક સરકારમાં કરતબો કરે છે. આપણા તૃંતક યુદ્ધોમાં પશુઓ નાહકના હાથા બન્યા છે. તેઓ સરકસમાં આપણું મનોરંજન છે અને ભોજનમાં વ્યંજન છે!

ચાંદીનું વરખ ગાયના આંતરડા પર ટીપાય છે ત્યારે તે મીઠાઈનો શણગાર બને છે. આવો વરખ જૈન તિર્થંકરોની મૂર્તિઓ ઉપર બિરાજે છે. આવા વરખમાં કોઈ જૈન મુનિને ગાયની કકડતી આંતરડી ક્યારે સંભળાશે?

મહાનગરોમાં નવી પેઢીના બાળકોને ખબર નહીં હોય કે ‘અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા’ ખોટું છે કારણ ડેરીને ચાર આંચળ હોતા નથી. દૂધાળું પશુઓનો માનવજાત ઉપર મોટો ઉપકાર છે. માણસને માત્ર માના ધાવણના દૂધ ઉપર જ અધિકાર છે. ગાયને ધાવતા વાછરડાને એની ગાયમાતાના આંચળથી બળજબરીથી દૂર કરવામાં આવે છે ત્યારે ધમાલ કરી મૂકતું વાછડું અને તેને લાચારીથી જોઈ રહેલી ગાયની પીડાને આપણે ક્યારે જોઈ છે? માનવસમાજમાં દીકરીને ઉપેક્ષા છે પરંતુ માણસ માટે ગાયનો દીકરો (વાછડું), દીકરી (વાછડી) એક સમાન છે. કારણ બંનેનો ખપ છે. પરંતુ ભેંસની બાબતમાં એવું નથી. ભેંસને દીકરી (પાડી) આવે તો ખેડૂતને પેંડા વહેંચવાનું મન થાય! પણ પાડો અવતરે તો વાંસના નેળથી તેને છાશ પીવડાવામાં આવે ત્યારે પોતાના દૂધથી ભરેલા બોઘેણાને ભેંસ લાચારીથી જોઈ રહે છે. પછી ભેંસનો માલિક કહે છે પાડું કાળીચૌદશો અને દીવાળીઓ જોઈ છે તો આ બિચારું કેમ ના જુવે?

માનવજાતનો ‘પશુપ્રયોગ’ પશુ સુધી મર્યાદિત રહ્યો નથી. ખેતીમાં પશુઓનો ઉપયોગ કરતો થયો ત્યારે નિયંત્રણ માટે વિષેશતઃ બળદને તેણે નથ નાંખી. આ અનુભવ પુરુષોને ઘરમાં કામ આવી ગયો. સ્ત્રીને તેણે નથ નાખી. મહારાષ્ટ્રમાં નથ/નમણી નગર લગ્ન થતા નથી. આ નથ સોનાની થઈ એટલે માહીનો શ્રૃંગાર થયો. તેમાં પુરુષની પ્રશંસા ઉમેરાઈ એટલે સ્ત્રી રાજી રાજી. નાથિયો સ્ત્રીનો નાથ બન્યો. નથનો વૈભવ વધ્યો. નથ, નથણી અને ચુની. બિચારી સ્ત્રીને ખબર પણ ના પડી કે તેના નાથે તેને નિયંત્રણમાં રાખવા નાક પર નથ પહેરાવી છે! એ જ રીતે માનવસમાજે સેવા કરનાર માનવ સમુદાયને શુદ્રના ખાતામાં ખતવીને પશુતુલ્ય વ્યવહાર કર્યો. પશુ ઉપરનો તેનો પ્રયોગ કયાં કયાં વિસ્તર્યો!

માનવેતર પ્રાણીઓને આપણે ‘ટેઇકન ફોર ગ્રાન્ટેડ’ ગણી લીધા છે. બધાને બધાનું બધું ભોગવવું છે! વિશ્વમાં પશુ-પક્ષીઓના અધિકારો માટે ‘ઇધર ઉધર થોડીક ચળવળો ચાલે છે. પશુ-પક્ષીઓના અધિકારો માટે, તેમનું સાંભળવા માટે કોઈ વિશેષ અદાલતો નથી. પશુઓએ ક્યારે ય યુદ્ધો નથી કર્યા, આથી તેમના માટે યુ.એન. નથી. તે સ્વધર્મમાં જીવે છે, આથી તેમને પશુતા ઉપર ઉતરવાની જરૂર પડતી નથી. તેમની શ્રેણીમાં આવીને મનુષ્ય ઘણાં પગથિયાં નીચે ઉતરી જાય છે. હા, ક્યારેક પશુનો પ્રેમ, સેવા અને વફાદારીમાં માણસની આગળ નીકળી જાય છે. છતાં તેઓ માણસ હોવાનો દાવો કરતા નથી. મેડલો માટે હરીફાઈ કરતા નથી. માત્ર મૂંગા મોઢે માણસજાતની સેવા કરે જાય છે. બદલામાં મનુષ્ય તેમને કતલખાના  અને જલ્લીકટ્ટુ આપે છે.

તા. ૮-૨-૨૦૧૬

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 14-15 

Loading

...102030...3,4403,4413,4423,443...3,4503,4603,470...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved